
ISBN: 978-93-48694-79-9 કિંમતઃ રૂ. ૨૫૦/-
શ્રી હરેશ ધોળકિયાનાં પુસ્તક “ગીતાના શાશ્વત સૂત્રો’ મૂળે તો વિદ્યાર્થી વર્ગને ઉદ્દેશીને લખાયેલ છે. પરંતુ ભગવદ્ ગીતા દરેક વ્યક્તિ માટે પોતપોતાના સંદર્ભમાં નવો વિચાર, નવી દિશા પ્રદાન કરતું રહેલ વાંચન છે.
વેબ ગુર્જરી પર આ પુસ્તક હપ્તાવાર પ્રકાશિત કરવાની સહમતિ આપવા બદલ વેબ ગુર્જરી શ્રી હરેશ ધોળકિયાનો હાર્દિક આભાર માને છે.
હવેથી દર મહિના ત્રીજા મંગળવારે “ગીતાના શાશ્વત સૂત્રો’માંથી એક એક સૂત્રની સમજ પ્રકાશિત કરીશું.
સંપાદક મંડળ, વેબ ગુર્જરી
હરેશ ધોળકિયા
સરકારે નવી શિક્ષણ નીતિમાં જે વિવિધ મુદાઓ મુક્યા છે, તેમાં એક મુદ્દો વિદ્યાર્થીઓને ભગવદ ગીતાનો પરિચય આપવાનો છે. ભગવદ ગીતા એ ધર્મ ગ્રંથ જ નથી, પણ જીવન ગ્રંથ પણ છે. જીવન સંગ્રામમાં નિરાશ થઇ જવાય કે આસક્ત થઇ જવાય ત્યારે શું વિચારવું અને કેમ જીવવું અને તે માટે કયા કર્મો કઈ રીતે કરવા તેનું સંપૂર્ણ માર્ગદર્શન ગીતા આપે છે. ગીતા ભલે પાંચ હજાર વર્ષ જુનો ગ્રંથ હોય, પણ તેમાં ચર્ચેલા મુદ્દા માનવીના મનને લગતા હોવાથી સનાતન છે. એટલે દરેક યુગમાં ગીતાએ તત્કાલીન વિચારકોને અને સામાન્ય માનવીને પણ માર્ગદર્શન આપ્યું છે. આ સંદર્ભમાં વિદ્યાર્થીઓને પણ તે ઉપયોગી થઇ શકે તેવી સંભાવનાથી કદાચ આ મુદ્દો દાખલ કર્યો હશે.
ગીતા શિક્ષણમાં હોવી જોઈએ કે નહિ તે મુદ્દો ચર્ચાનો છે, પણ જયારે તેને અભ્યાસક્રમમાં ઉમેરી જ છે, ત્યારે વિદ્યાર્થીઓ સામે ગીતાને કઈ રીતે રજુ કરવી જોઈએ તે સવાલ થાય છે. ગીતા તો તત્વજ્ઞાનનો ગ્રંથ છે. સામાન્ય સંદર્ભમાં સમજાય તેવો ગ્રંથ નથી. હા, તેને માત્ર મોઢે કરવી હોય તો બરાબર છે, પણ તેનું અર્થઘટન વિદ્યાર્થીને સમજાય તેવી રીતે કરવું હોય તો તેને બાળ કે કિશોર કે તરુણ માનસના સંદર્ભમાં જોવી જોઈએ. આવા વિચાર આ જાહેરાત આવેલ ત્યારે આવેલા. પણ હું તો નિવૃત થઇ ગયો હતો. મારે શિક્ષણ સાથે સીધો સંબંધ હતો નહિ. એટલે મારી કોઈ જવાબદારી ન હતી કે મારે આ બાબતે કોઈ વિચાર કરવો. પણ તકલીફ એ હતી કે, નિવૃતિના ૩૩ વર્ષ પછી પણ, શિક્ષકના જંતુ હજી શરીરમાં જીવંત હતા. તે મગજને શિક્ષણ બાબતમાં સક્રિય રાખતા હતા. એટલે, ન ઇચ્છવા છતાં, આ વિચાર તો આવતા જ હતા.
તે પળે, મારા એક પ્રકાશક અને “જયકો”ના ગુજરાતના સંચાલક શ્રી કેતનભાઈ કોઠારીનો મને ફોન આવ્યો અને કહ્યું કે તે વિદ્યાર્થીઓ માટે તેમને સમજાય તે ભાષામાં ગીતા તૈયાર કરવા માગે છે. હું તે કરી શકું- આ તેમનો સવાલ હતો. મનમાં વિચાર તો ચાલતો જ હ્તો અને તેમાં આ સુચન આવ્યું. હું તો કૂદી પડ્યો અને વિચાર્યા વિના જ હા પાડી દીધી. થોડા વખત પછી મારે અમદાવાદ જવાનું થયું અને ત્યાં આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં જવાનું થયું. ત્યાં અકસ્માતે જયકોના જ વિભાગની મુલાકાત લેવાની થઇ. તપાસ કરતા કેતનભાઈ ત્યાં હાજર હતા. તેમના સાથે રૂબરૂ વાત થઇ અને તેમણે એકાદ બે પુસ્તકો આપ્યા. વાત પાકી થઇ. પછી પણ તેમણે એક હિન્દી પુસ્તક મોકલાવ્યું. તે જોઈ કેમ લખવું તે સંકલ્પના પાકી થઇ અને તરત કામ શરુ કર્યું.
વિચારવું સરળ હતું, પણ લખવું કઠિન હતું. આઠથી અઢાર વર્ષના વયના વર્તમાન “જનરેશન ઝેડ”ના વિદ્યાર્થીઓ કેમ વિચારે અને તેમને ગીતા વાંચવી ગમે કે કેમ અને ગમે તો તેમને કેમ સમજાવાય તે મુખ્ય મુદ્દો હતો. તત્વજ્ઞાન પણ રહેવું જોઈએ અને તે તેમની ભાષામાં રજુ થવું જોઈએ. તેમને ઝડપથી સમજાય માટે તે સંદર્ભના દૃષ્ટાંતો હોવા જોઈએ જે મુદાને વધારે સ્પષ્ટ બનાવે. આ બધાને ધ્યાનમાં રાખીને લખવાનું હતું. પ્રથમ સમગ્ર ગીતામાંથી ૭૦ જેટલા સૂત્રો પસંદ કર્યા. તેમને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કર્યો. તેમાં મુદાને અનુકુળ દૃષ્ટાંતો ઉમેર્યા. સમગ્ર મુદાને મહતમ હળવી ભાષામાં સમજાવવાનો પ્રયાસ કર્યો. છતાં ગીતા તો ગીતા છે. કેટલાક સૂત્રો આધ્યાત્મિક છે. તેનો સંદર્ભ પણ આધ્યાત્મિક છે. તેમાં “ભગવાન” શબ્દ પણ દાખલ થાય છે. તેમાં શરણાગતિ જેવા શબ્દો આવે છે. આ બધાને કેમ સમજાવવા ? પણ પ્રયાસ કર્યો અને તેને હળવાશથી સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ રીતે આ પુસ્તક તૈયાર થયું છે. ગીતાની પૂર્વભૂમિકા રૂપે એક પ્રકરણ પણ આપેલ છે.
ખ્યાલ નથી કે પુસ્તક, એટલે કે ગીતાને, ન્યાય મળ્યો છે કે નહિ ! પણ પ્રયાસ કર્યો છે. અને બહુ પ્રેમપૂર્વક પ્રયાસ કર્યો છે, કારણ કે, પાંડુરંગ શાસ્ત્રીની પ્રેરણાથી, છેલ્લા છ દાયકાથી નિયમિત રીતે ગીતા વાંચું અને માણું છું, જે જીવનની પળે પળને જાગૃત અને તાજગીભરી રાખે છે. સેંકડો વાર વાંચ્યા છતાં હજી તૃપ્તિ થતી નથી. તેને વધારે સમજાવતા વિનોબાનું “ ગીતા પ્રવચનો” કે રામસુખદાસનું “ ગીતા; સાધક સંજીવની” જેવા પુસ્તકો સમજને ગાઢ બનાવે છે. એટલે તે વર્ષોથી મનમાં વાગોલાયા કરે છે. એટલે જ લખવાની મજા ભોગવી છે. આશા રાખું, વિદ્યાર્થીઓ પણ વાંચશે ત્યારે તેનો અંશ માણશે. તો લખ્યાનું સાર્થક થશે.
આશા છે, પુસ્તકનો શિક્ષણ જગતમાં સ્વીકાર થશે અને વિદ્યાર્થીઓને ગમશે. તેમાંથી એકાદને પણ ગીતાનો છંદ લાગી જશે અને તેઓ તેના અભ્યાસુ થશે, તો તેમના જીવનમાં ક્રાંતિ આવી જશે તેની શ્રદ્ધા છે. આવું થશે તો તેના નિમિત બનવાનો પણ, ભલે પરોક્ષ, આનંદ થશે. કોઈ અભિપ્રાય મળશે તો વધારે આનંદ થશે.
હરેશ ધોળકિયા : ન્યુ મિન્ટ રોડ, પેરીસ બેકરી પાસે, ભુજ-કચ્છ ( ૩૭૦૦૦૧) | ઈ-મેલ : dholakiahc@gmail.com
