નિસબત

ચંદુ મહેરિયા

ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયાએ સુપ્રીમ કોર્ટ સમક્ષની એફિડેવિટમાં ચૂંટણીમાં બિનહરીફ વિજેતા થવાને એક દુર્લભ અને અપવાદરૂપ બિના ગણાવી છે. પંચે તેની દલીલના સમર્થનમાં જણાવ્યું છે કે ૧૯૫૧થી ૨૦૨૪ સુધીની ૧૮ સામાન્ય ચૂંટણીઓમાં કેવળ નવ જ વખત અને ૧૯૯૧ પછી માત્ર એક જ વખત આવું બન્યું છે. આઝાદી પછીના બે દસકામાં ૩૫ ઉમેદવારો લોકસભા ચૂંટણીમાં બિનહરીફ વિજેતા થયા છે. એક અન્ય અભ્યાસમાં ૨૯૮ ધારાસભ્યો વગર ચૂંટણીએ જીત્યા હોવાનું જણાવાયું છે.

૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની ૨૬ બેઠકો પૈકી ૨૫ બેઠકો પર જ ચૂંટણી થઈ હતી. સુરત લોકસભા બેઠક પરના  ભારતીય જનતા પક્ષના ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાયા હતા એટલે તે બેઠક પર મતદાન થયું નહોતું. એ જ વરસે લોકસભા સાથે પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશ વિધાનસભાની ૬૦ બેઠકોની ચૂંટણી હતી. અરુણાચલની આ ચૂંટણીમા ૧૦ બેઠકો પરના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. તાજેતરની ગુજરાતની પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં ૭૦૦ કરતાં વધુ બેઠકો પરના ઉમેદવારો બિનહરીફ વિજયી થયા છે. તેમાંથી મોટાભાગના ઉમેદવારો સ્વાભાવિક જ બીજેપીના છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે કોંગ્રેસના ૧૨ ઉમેદવારો અને ૩ અપક્ષો પણ બિનહરીફ થયા છે. ગુજરાતમાં ત્રણ દાયકાથી બીજેપીની રાજવટ હોય અને કોંગ્રેસ અસ્તિત્વ માટે ઝઝૂમતી હોય ત્યારે તેને એક ડઝન બેઠકો તેની સામે કોઈ ઉમેદવાર જ ન હોવાથી વગર ચૂંટણી લડે મળે તે આશ્ચ્રર્યજનક સમાચાર નથી શું? વળી આ બાબત બિનહરીફ ચૂંટણી (Uncontested Election) ના મુદ્દાને ઑર પ્રાસંગિક બનાવે છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની ધારા ૫૩(૩)માં બિનહરીફ ચૂંટણી પ્રક્રિયાની જોગવાઈ છે. તે મુજબ જો કોઈ ચૂંટણીમાં ભરવાપાત્ર બેઠકોની સંખ્યા જેટલા જ ઉમેદવારો હોય, દા.ત. એક બેઠક માટે એક જ ઉમેદવાર હોય,  તો કોઈ મતદાન કરાવવાનું રહેતું નથી. વગર મતદાને ચૂંટણી અધિકારી ઉમેદવારને બિનહરીફ વિજેતા ઘોષિત કરે છે. આ જોગવાઈ અને તેની અસરો સંબંધે અદાલતો સમક્ષ રજૂઆતો થઈ છે અને છેલ્લે સર્વોચ્ચ અદાલતે પણ નિર્વિરોધ ચૂંટણી અંગે કેટલાક આકરા નિરીક્ષણો કર્યા છે.

સુપ્રીમ કોર્ટે બિનહરીફ ચૂંટાવા બાબતે થયેલી જાહેરહિતની અરજીઓ પર સરકાર અને ચૂંટણી પંચનો જવાબ માંગ્યો છે. દરમિયાનમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે વગર ચૂંટણીએ કોઈ ઉમેદવારને બિનહરીફ વિજેતા ઘોષિત કરવો તે લોકતાંત્રિક મૂલ્યોની વિરુધ્ધ છે. બિનહરીફ ઉમેદવારને ચૂંટાયેલો જાહેર કરતાં પહેલા તેણે અમુક લઘુતમ મતો તો મેળવ્યા જ હોવા જોઈએ તેવી જોગવાઈ થવી જોઈએ તેમ પણ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. નિર્વિરોધ વિજેતા માટે લઘુતમ મતોની અનિવાર્યતાની જોગવાઈ લોકતાંત્રિક પ્રક્રિયાને વધુ પારદર્શી અને મજબૂત બનાવી શકે છે.

નાગરિકોના મતદાનના અધિકાર(Right to Vote)ની સુરક્ષા માટે જરૂરી છે કેબિનહરીફ ઉમેદવાર મતદારોનું પર્યાપ્ત સમર્થન મેળવે. મતદારોને પણ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો જે મૂળભૂત અધિકાર મળ્યો છે તે મતદાન દ્વારા જ તે વ્યક્ત કરે છે. જો વગર મતદાને તેમનો લોક્પ્રતિનિધિ ચૂંટાઈ જાય તે ભલે કાયદેસર કે બંધારણીય હોય પણ મતદારોનું તે સાચું પ્રતિનિધિત્વ કરતો નથી તેમ કહી શકાય. મતદારોને પોતાની પસંદગી વ્યક્ત કરવાનો અધિકાર મતદાન થકી મળે તે પહેલાં જ તે ચૂંટાયેલો જાહેર થઈ જાય તેનાથી મતદારોની લાગણી અને લોકતાંત્રિક ભાવના આહત થાય છે.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જસ્ટિસ સૂર્યકાંત તો કહે છે કે જો કોઈને ૫ ટકા મતદારોનું પણ સમર્થન નથી અને તે પૈસાના જોરે કે સત્તાના બળે બધા ઉમેદવારોને મનાવી લે છે તો આવા ઉમેદવારને લોકપ્રતિનિધિ તરીકે સંસદ કે વિધાનગૃહમાં પ્રવેશવાનો કોઈ અધિકાર જ નથી.

બિનહરીફ ચૂંટાતો ઉમેદવાર મતદારોનો નોટા કે નકારનો મત,  જેના દ્વારા મતદારો મતપત્રમાં જણાવેલ પૈકીનો એકેય ઉમેદવાર તેના મતને પાત્ર નથી,  તેવી જે જોગવાઈ છે તેનો ઉપયોગ કરે છે,  તેને રોકે છે. બિનહરીફ ચૂંટાવાથી મતદારને નોટાનો અધિકાર વ્યક્ત કરવાની તક મળતી નથી. ૨૦૧૩નો  સુપ્રીમ કોર્ટનો એક આદેશ જણાવે છે તે પ્રમાણે નોટા  પસંદ કરીને નકારાત્મક મત આપવાનો મતદારનો હક બંધારણના અનુચ્છેદ ૧૯ મુજબ સંરક્ષિત છે. આ અધિકાર ચૂંટણી લડતા ઉમેદવારોની સંખ્યાથી સ્વતંત્ર છે. એટલે માત્ર એક જ ઉમેદવાર હોવાથી ચૂંટણી ન કરાવવી તે મતદારોના નોટાના અધિકારનું હનન છે. જોકે સરકારનો મત છે કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની ધારા ૭૯(બી) હેઠળ નોટાને ઉમેદવાર માનવામાં આવતો નથી. એટલે બિનહરીફ વિજેતાના કિસ્સામાં મતદાન કરાવવાની માંગણી કરવી અને નોટાના ઉપયોગની છૂટ આપવી તે વાજબી નથી.

વગર ચૂંટણીએ લોકસભા કે ધારાસભાના સભ્ય થઈ જવાનું આ વલણ જો વધે તો તેના માઠા પરિણામો આવી શકે છે. ૨૦૨૪માં સુરત લોકસભા સીટ પર કુલ ૨૯.૪૦ લાખ મતદારો હતા. બિનહરીફ ચૂંટણીને કારણે આશરે ત્રીસ લાખ મતદારોના પ્રતિનિધિ એક પણ મત મેળવ્યા સિવાય મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની શક્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં કુલ બેઠકોના આશરે ૧૦ ટકા પણ બિનહરીફ ચૂંટાયા છે તો તેમણે પણ લાખો મતદારોનું મતદાન દ્વારા કોઈ સમર્થન મેળવ્યું નથી. એ દ્રષ્ટિએ વિચારતાં આ બાબત મતદારોની પસંદગીની તકને છીનવે છે, તેમની મતદાન થકી લોકશાહીમાં ભાગીદારીને સીમિત કરે છે. કેમ કે મતદાન નહીં થવાથી મતદારો તેમના પસંદગીના ઉમેદવારને ચૂંટી શકતા નથી કે બિનહરીફ જાહેર થયેલને નકારનો મત પણ આપી શકતા નથી.

ગાંધીજીએ સર્વસંમતિ આધારિત શાસનની પરિકલ્પના કરી હતી. પરંતુ સમરસ પંચાયતો કે બિનહરીફ ચૂંટણી  ન તો ગાંધીની પરિકલ્પના પ્રમાણે છે કે ન તો લોકતંત્રના સિધ્ધાંતો પ્રમાણે છે. આ તો નિષ્પક્ષ પ્રતિનિધિત્વનો છેદ ઉડાડે છે. ભારતમાં લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયા પોણી સદી વટાવી ગઈ છે અને ખાસ્સી પુખ્ત થઈ ગઈ છે. આજે દેશમાં રાજકીય પક્ષો વધ્યા છે તો ચૂંટણી લડવાની મહત્વાકાંક્ષા સેવનારા લોકો પણ વધ્યા છે એટલે ઉમેદવારોની સંખ્યા અને હરીફાઈ વધવી જોઈએ. બિનહરીફ ચૂંટણી તો અતિ દુર્લભ કે ભાગ્યે જ બનતી ઘટના બનવી જોઈએ. તેના બદલે તેનું ચલણ વધી રહ્યું છે.

” વિધિ: સેન્ટર ફોર લીગલ પોલિસી”  અને અન્યની જાહેર હિતની અરજીઓ પર સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી થવાની છે. બિનહરીફ ચૂંટણી સંદર્ભમાં લઘુતમ લોક સમર્થનની અનિવાર્યતા લાગુ પાડવામાં આવે તો ચૂંટણી પ્રક્રિયામાં લોકોની ભૂમિકા અને મહત્વ જરૂર વધશે. લોકતાંત્રિક આદર્શોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બિનહરીફ ચૂંટણી પર લગામ લગાવવી પડશે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.