
“કાશ્મીરનો પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્નું” ઈ. સ. ૧૯૧૧માં સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય તરફથી પ્રસિદ્ધ થયેલું.
ઈ. સ. ૧૮૯૨માં માત્ર અઢાર વર્ષની ઉમ્મરે તેમણે આ પુસ્તક પહેલવહેલું લખેલું. એમાં તેમના સંસ્કારી હૃદયની, તેમની સૃષ્ટિસૌંદર્ય નીરખવાની ને તેને સરળ ને રસિક શૈલીથી આલેખવાની તેમની શક્તિની આપણને પ્રતીતિ થાય છે.
પોતાના કાશ્મીરના પ્રવાસનું વર્ણન તેમણે તેમના શિક્ષક સ્વ. નરહર બાલકૃષ્ણ જોશીને ઉદ્દેશીને લખાયેલા પત્રરૂપે આલેખ્યું છે. એમાં તે સમયના કાશ્મીરના સૃષ્ટિસૌંદર્યનું તેમ જ પ્રવાસમાંની સગવડ-અગવડનું ચિત્રણ ચીતર્યું છે, જે આજેય સુરમ્ય લાગે છે.
“સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ”ના તત્કાલિન પ્રમુખ શ્રી મનુ સુબેદારનાં પુસ્તકની બીજી આવૃતિમાંના નિવેદનમાંથી
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’
૧-કાશ્મીરનું સ્વપ્ન1
શાર્દૂલવિક્રીડિત
ક્યાંઈ છે ખુબ ધીટ વનનાં ઝાઝાં ફૂલોથી ભર્યાં,
વેલીના નવરંગથી લટકતાં સારાં પટોળાં ધર્યાં;
ક્યાંઇ છે તૂટીને પડેલ ભુખરાં પાનો વિના ઝાડવાં,
જોગીનો ધરી વેષ ભેખ લઈને જાણે બિચારાં પડ્યાં.
ક્યાંઈ છે સુઘરી તણા લટકતા માળા નદીની પરે,
નીચે મોર કળા કરે પ્રિય કને લીલા ગલીચા પરે;
ક્યાંઈ છે ફરતાં યૂથો ગજ તણાં ભાંગે ધણી ડાળીને,
તેઓનાં બચલાં રમે જલ વિષે માતા કને દોડીને.
છે ક્યાંઇ અતિ ઘોર ગંભીર ગુફા, કાળી ઘટા ઝાડની,
કાળી તે દિસતી છવાઇ જઈને અંધારી છે તે ઘણી;
વ્હે છે જોસ ભરી નદી અહિં તહિં, નાળાં પડ્યાં વિખરી,
કુંજોમાં ઝરણાં વહે ખળકતાં, છોળો ઉડે પાણીની.
જ્યાં છે એવી નદી ઘણી, બરફના ઝાઝા જ્યહાં ડુંગરા,
એવો કાશ્મીર દેશ છોડી દઈને જાઉં હવે હું ક્યહાં?
:૧૮૯૨
1“ફકીરી હાલ” પહેલાંના કેટલાક કાવ્યો
સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત
