વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
રોજની જેમ જ નંદિનીએ ઘર પહોંચતાની સાથે પોતાનું પર્સ સોફા પર લગભગ ફેંકવાની જેમ મુક્યું.
“કેમ મમ્મી, ફરી આજે તારા ફેવરિટ સ્ટુડન્ટ સાથે પ્રોબ્લેમ થયો કે શું ?” નંદિનીની દીકરી સુરભીએ મસ્તીભરી નજરે મમ્મીની સામે જોઈને સવાલ કર્યો. એણે ધાર્યું હતું એમ જ નંદિનીએ આજે પણ નમન સામે ફરિયાદોનું પોટલું ખોલીને આખા દિવસની ચીઢ ઠલવવા માંડી.
સુરભી અને નંદિનીના પતિ સંદિપ માટે આ રોજની વાત હતી.
નંદિની છઠ્ઠા ધોરણની ક્લાસ ટીચર હતી. આમ તો સૌની સાથે એનો વ્યવહાર માયાળુ હતો, પણ કોને ખબર છેલ્લી બેંચ પર બેઠેલા ફૂવડ જેવા લાગતા નમનને જોઈને એના મનનો ક્રોધ અને ધૃણા મિશ્રિત ભાવ ચહેરા પર છલકાયા વગર રહેતા નહીં.
સાવ નિસ્તેજ લાગતો નમનનો ચહેરો, ઠેકાણાં વગરનાં કપડાં, જેમતેમ ઓળેલા વાળ, ગરબડિયા અક્ષરોમાં લખેલી એની નોટ્સ જોઈને એ એટલી તો અકળાતી કે ના પૂછો ને વાત.
‘સારી સ્કૂલમાં છોકરાંઓને કેવી રીતે મોકલાય એની માબાપને ખબર નહીં પડતી હોય? જે છોકરાંઓ કે માબાપમાં ઢંગધડો ના હોય એવા માટે સરકારી સ્કૂલ છે જ ને? ત્યાં ધકેલવાના બદલે અહીં અમારાં માથે શું કામ ઠોકતાં હશે?”
રોજની જેમ આજે પણ એ નમનને લઢી નાખવાની ઇચ્છા એ રોકી શકી નહીં.
“નમન…”
નંદિનીનો કરડો અવાજ સાંભળીને નમન બેંચ પરથી ઊભો થઈ ગયો.
“ગઈ કાલે ક્લાસમાં શું ભણાવ્યું હતું, યાદ છે?’
નંદિનીના સવાલનો જવાબ આપ્યા વગર નમન નીચા મોઢે ઊભો રહ્યો. ક્લાસમાં દબાયેલા હાસ્યનું મોજું ફરી વળ્યું. નંદિનીના રોષે માઝા મૂકી ને નમનને નજરથી દૂર કરવા ક્લાસની બહાર ઊભા રહેવાનો આદેશ આપ્યો.
ક્લાસ પૂરો થતાં વિદ્યાર્થીઓની નોટબુક લઈને સ્ટાફરૂમમાં આવી. નમનની નોટબુક જોઈને આજે પણ રોજની જેમ જ અકળાઈ.
‘હે ભગવાન, આ છોકરો જો આમ જ કરશે તો કેવી રીતે પાસ થશે? અને જો પાસ નહીં થાય તો આખું વર્ષ મારે ફરી એનું મોં જોવાનું થશે.’
અને ખરેખર એવું જ થયું. ત્રિમાસિક પરીક્ષામાં નમન બધા વિષયોમાં નપાસ હતો. પ્રિન્સિપાલ સારિકા મેડમે નંદિનીને બોલાવી. હજુ તો નમનનું નામ લે પહેલાં જ નંદિનીએ પોતાનો બળાપો ઠાલવવા માંડ્યો.
“મે’મ, આ છોકરાંનુ ભણવામાં જરાય ધ્યાન હોતું જ નથી. હું તો આ વર્ષે નવી આવી છું, પણ એ કેવી રીતે અહીં સુધી પહોંચ્યો હશે એની નવાઈ લાગે છે.”
સારિકા મે’મની પ્રકૃતિ શાંત, સૌમ્ય અને ધૈર્યવાળી હતી. એમણે નંદિનીને નમનની આગલા વર્ષની માર્કશીટ બતાવી. નંદિની આશ્ચર્યચકિત બનીને જોઈ રહી.
નમન અત્યંત મેઘાવી વિદ્યાર્થી હતો. સ્કૂલની અન્ય પ્રવૃત્તિમાં પણ હંમેશાં અવ્વલ રહેતો.
“નંદિની, તમે અહીં આવ્યાં એના થોડા સમય પહેલાં જ નમનની મમ્મીનું અવસાન થયું છે. નમનના પપ્પા હજુ પોતાની જાતને સંભાળી શક્યા નથી. ઘર-ગૃહસ્થી, નમનની દેખભાળ કરવાવાળું કોઈ નથી. જાતે તૈયાર થઈને સ્કૂલે આવી જાય છે. પાડોશીઓની મદદથી જેમ તેમ ઘરનું તંત્ર ચાલે છે. નમનની મમ્મી હતી ત્યાં સુધી એ ઉચ્ચ કક્ષામાં પાસ થયો છે.
“સ્કૂલે આવતાં બાળકોનાં માવતર બનીને એમને જીવનમાં આગળ વધવાની સાચી દિશા દર્શાવવાની જવાબદારી આપણી છે. આશા છે, મારી વાત તમે સમજી શક્યા હશો.” સારિકા મે’મના અવાજમાં ભારોભાર શાલિનતા હતી.
નંદિની સ્તબ્ધ.
સાંજે ઘેર પહોંચીને પણ નંદિની શાંત હતી. આખા દિવસની સ્કૂલની રોજનીશી સંભળાવાને બદલે એનો ગંભીર ચહેરો જોઈને ઘરમાં સૌને નવાઈ લાગી. જમવાના ટેબલ પર થોડી રમૂજ કરીને વાતાવરણ હળવું બનાવવા સુરભીએ પ્રયાસ કર્યો, પણ વ્યર્થ.
“શું વાત છે મમ્મી, આજે કેમ આમ મૌનીબાબાની જેમ બેઠી છું? આજે તારો ફેવરિટ સ્ટુડન્ટ નમન સ્કૂલે નહોતો આવ્યો કે શું?”
સુરભીની ટીખળ સાંભળીને સંદિપ હસી પડ્યો. નંદિની રડી પડી. વાતાવરણ હળવું થવાનાં બદલે વધુ ગંભીર બન્યું.
“નંદિની, તબિયત ઠીક નથી કે શું?” સંદિપ પત્નીનો હાથ પસવારતા બોલ્યો. નંદિનીની આંખમાંથી તો આંસુની ધાર. કેટલીય વારે એ માંડ બોલી.
“મારાથી નમન સાથે બહુ મોટો અન્યાય થઈ ગયો. વગર જાણે, વિચારે, સમજે મા વગરના નમનને કેટલી હદે હડધૂત કર્યો !? કેટલી નારાજગી, કેટલી સખતીથી એની સાથે વર્તી છું એ વિચારીને આજે મને મારી જાત પર શરમ આવે છે.”
નમનનો ચહેરો યાદ આવતા અપરાધબોજ સાથે સવારની પ્રતીક્ષામાં આખી રાત એ જાગતી રહી.
ક્લાસમાં પહોંચતાની સાથે નમનને બોલાવ્યો. નમનને આશ્ચર્ય થયું. ડરતો ડરતો એ નંદિનીની પાસે પહોંચ્યો. જેમ તેમ ઓળેલા ગુંચવાયેલા વાળમાં નંદિનીએ મમતાથી હાથ ફેરવ્યો.
“હોમવર્ક કર્યું છે, નમન?” નંદિનીના કોમળ અવાજે કરેલા સવાલનો નમન પાસે જવાબ નહોતો, એ જમીન પર નજર ખોડીને ઊભો રહ્યો. ક્લાસમાં દબાયેલા હાસ્યનું મોજું ફરી વળ્યું. આ વખતે નંદિનીએ ક્લાસના વિદ્યાર્થીઓ સામે કરડી નજરે જોયું. ક્લાસમાં સોપો પડી ગયો.
“નમન, તું અહીં મારી પાસે જ બેસ.”
એ દિવસથી નંદિનીનો નમન તરફનો વર્તાવ બદલાઈ ગયો. ક્લાસમાં નમનને સૌથી સહેલા સવાલો પૂછતી. બે દિવસ, ચાર દિવસ, નમન ચૂપ જ હતો. નંદિનીએ જરાય અકળાયા વગર એ સિલસિલો ચાલુ રાખ્યો અને અંતે પાંચમા દિવસે નમનની ચુપકિદી તૂટી.
એનો જવાબ સાંભળીને નંદિની જેમ સૌએ નમનને તાળીઓથી વધાવી લીધો.
ધીરેધીરે નમનમાં સુખદ પરિવર્તન દેખાવા માંડ્યું. થોડો સાફસૂથરો બનીને સ્કૂલે આવતો, હોમવર્ક પણ કરવા માંડ્યો. સૌની સાથે ભળવા માંડ્યો. નંદિનીની સામે પહેલી બેંચ પર બેસતો થયો. પ્રશ્નોના ઉત્તર આપવામાં એણે પહેલ કરવા માંડી. ક્લાસમાં સૌ તાલીઓથી એને વધાવતા. નંદિનીના ચહેરા પર ખુશી જોઈને એનો ઉત્સાહ વધતો.
આજ સુધી નમન સાથે તોછડા વ્યવહારના લીધે મનમાં ઉદ્ભવેલા અપરાધભાવમાંથી નંદિની જરાતરા બહાર આવવા માંડી. નમન માટે એ ઘેરથી નાસ્તો લઈ આવતી. બંને વચ્ચે નવો-અનોખો સંબંધ બંધાતો ગયો.
સ્કૂલમાં અન્ય વિષયના શિક્ષકોને પણ નંદિની આગ્રહપૂર્વક નમન માટે ધ્યાન રાખવાનું કહેતી. નમનમાં કલ્પનાતીત બદલાવ આવતો ગયો. છ માસિક પરીક્ષામાં તો સૌના આશ્ચર્ય વચ્ચે નમન ખૂબ સરસ પરિણામ લઈ આવ્યો. સારિકા મે’મે નંદિનીને બોલાવી.
“નંદિની, તમારી પાસે મને આ જ અપેક્ષા હતી. એક માસૂમ બાળકનો વર્તમાન સુધારીને એનું ભાવિ ઉજ્જ્વળ બને એવા જે પ્રયાસ કર્યા એ માટે આભાર કે અભિનંદન જેવા શબ્દો ઓછા પડે.”
નંદિની રાજી રાજી. એક કુમળું ફૂલ એની જરા અમસ્તી મમતાભરી કાળજીથી કરમાતું બચી ગયું.
નંદિનીને સારિકા મે’મ પ્રત્યે અનહદ માન થયું. પોતાનું માનસ બદલવાનું શ્રેય તો સારિકા મે’મનું જ ને?
વર્ષાંતે ટીચર્સ ડે આવ્યો. પ્રાર્થના, ગીતો, નૃત્ય, નૃત્યનાટિકાનાં અંતે શિક્ષકોનાં સન્માનનો કાર્યક્રમ હતો. સૌ પોતાના શિક્ષક માટે નોખી નોખી ભેટ લઈ આવ્યા.
નંદિનીના ટેબલ પર ભેટનો ખડકલો હતો. સૌથી છેલ્લે છાપામાં પેક કરેલી ભેટ લઈને નંદિની સામે નમન ઊભો હતો.
“ઘરમાં પડેલી કોઈ જૂની નકામી ચીજ લઈ આવ્યો લાગે છે.” છોકરાંઓમાં કાનાફૂસી ચાલી.
નંદિનીએ સૌથી પહેલી નમનની ભેટ ખોલી. છાપામાંથી એક સાડી સરી પડી.
“આ મારી મમ્મીની સાડી છે. તમારી પાસે આવું ત્યારે મમ્મી જેવી સુગંધ આવે છે. ” નમન અત્યંત સંકોચભર્યા અવાજે બોલીને નંદિનીને પગે લાગ્યો.
નંદિનીના હૃદયમાં તો લાગણીઓનું ઘોડાપૂર.. મમતામાં પણ એક સુગંધ હશે જે આવડાં નાનાં બાળકે અનુભવી !?
કોઈનીય પરવા કર્યા વગર નંદિનીએ નમનને પોતાનાં હૈયાસરસો ખેંચી લીધો.
ટીચર્સ ડે પર ગુરુ- શિષ્યના સ્નેહનું જીવંત ઉદાહરણ જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની હતી.
પૂનમ એહમદ લિખિત વાર્તા ટીચર્સ ડે પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
