માહિતી જંક્શન
વિશાખા મોઠિયા
આજે આપણે વાત કરવાની છે એક એવા ક્રાંતિકારીની, જેનું નામ લગભગ તો કોઈએ નહીં જ સાંભળ્યુ હોય અથવા તો માંડ બે પાંચ ટકા લોકોએ જ સાંભળ્યુ હશે. આ ક્રાંતિકારીએ આઝાદીની ચળવળની લડતમાં જોડાવા માટે પોતાનો વેપાર-ધંધો પણ બંધ કરી આ ચળવળમાં જોડાયા હતા, કારણ કે તેમનાં માટે પોતાના વેપાર કરતાં દેશ અને તેની આઝાદી સૌથી પહેલા હતી. તો ચાલો જાણીએ, અરૂણાચલ પ્રદેશનાં મોજે રીબા વિશે.

મોજે રીબાનો જન્મ ૧૮૯૦ માં અરૂણાચલ પ્રદેશનાં સિયાન જિલ્લાનાં દરીંગ ગામમાં થયો હતો જે અત્યારે ‘દરી’ તરીકે ઓળખાય છે. મોજે રીબા વ્યવસાયે શેરડીનો વેપાર કરતાં હતાં. મોજે રીબા સ્વભાવે વિનમ્ર, દયાળુ અને હંમેશાં લોકોની મદદ કરવા તત્પર એવા સેવાભાવી વ્યક્તિ હતા. તેમનાં આ સ્વભાવને લીધે તેઓ પ્રેમથી “અબોહ ન્યાજી” તરીકે ઓળખાતા હતા, જેનો અર્થ થાય છે – બધાનાં વૃદ્ધ પિતા. ગામનાં લોકોએ તેમને “ગાંવ બુરાહ” એટલે કે ત્યાંના લીડર બનાવી દીધા હતા.
મોજે રીબા શેરડીનો વેપાર કરતાં હતાં. એકવાર તેઓ તેનો શેરડીનો માલ વેપાર અર્થે બ્રહ્મપુત્ર નદી પાસે આવેલ દિબ્રુગઢમાં રહેતાં તેનાં હિંદી ભાષી મિત્રોને આપવા જાય છે, ત્યારે તેમને તેના હિંદી ભાષી મિત્રો પાસેથી દેશમાં અંગ્રેજો વિરુદ્ધ ચાલી રહેલી આઝાદીની લડત વિશેની માહિતી મળે છે. બસ આ જ ક્ષણથી તેમનામાં દેશસેવાની ભાવના જાગી અને મનોમન આઝાદીની લડતમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે જોડાવાનું નક્કી કર્યું હતું. તેમની માટે વેપાર કરતાં દેશની આઝાદી વધુ મહત્વની હતી, કારણ કે વેપાર તો થાતો જ રહેશે પરંતુ દેશની આઝાદીની ચળવળમાં જોડાવાની તક પાછી ક્યારેય નહીં મળે અને આપણો દેશ આઝાદ થાય એ જરૂરી હતું એ સમયે.
૧૯૨૦ ની આસપાસ તેઓ પોતાનો વેપાર છોડીને આઝાદીની લડતની ચળવળમાં જોડાયા હતા. સ્વાતંત્ર્ય સેનાનીઓને ટેકો આપવાનાં સંદર્ભમાં તેઓ તેમનાં ગ્રામ્યવાસીઓ સાથે દિરાંગ જાય છે અને ત્યાંથી તેઓ સાદિયા જવાનું નક્કી કરે છે. ત્યાં તેઓ ગોપીનાથ બોરડોલાઈ અને લલીત હઝારીકાને મળે છે. મોજે રીબાના નેતૃત્વ હેઠળ અનેક આંદોલનો અને રેલીઓ થઈ જેની માટે તેઓને ક્યારેક જેલ પણ થઈ હતી. તેમના ઉમદા કાર્ય જોઈને તેમને વધુ ઉમદા કામ કરવા માટે એ સમયની સરકાર આઈ. એન. સી. (ઈંડિયન નેશનલ કોંગ્રેસ)માં જોડાવાનું કહેવામાં આવે છે. ૧૯૩૦ માં આઈ.એન.સી. માં જોડાયા અને ઘણાં ઉમદા કાર્યો કર્યા. તેઓ અરૂણાચલ પ્રદેશનાં એક માત્ર વ્યક્તિ હતા જેઓ આઈ.એન.સી. માં જોડાયા હતા.
ભારતની આઝાદીની ચળવળમાં આપેલા તેનાં અમૂલ્ય યોગદાન તેમજ બલિદાન માટે ૧૫ ઓગસ્ટ, ૧૯૭૨ના રોજ તેઓને તે સમયનાં વડાપ્રધાન શ્રીમતી. ઈન્દિરા ગાંધીનાં હસ્તે “તામ્રપત્ર”નું સન્માન આપવામાં આવ્યું હતું. ૨૨ જાન્યુઆરી, 1૧૯૮૦ ના રોજ તેમનું મૃત્યુ થયું હતું.
આમ, દેશની આઝાદીની ચળવળમાં જોડાયેલ ક્રાંતિકારી (અનસંગ હીરો) મોજે રીબાની દેશ પ્રત્યની સેવા-ભાવનાની પ્રેરણા હંમેશાં આવનારી પેઢીને પ્રેરણા આપશે.
સુશ્રી વિશાખા મોઠિયાનો સંપર્ક vishakhawriter@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

ખૂબ સરસ માહિતી
LikeLike
thank you
LikeLike