પ્રીતિ શાહ-સેનગુપ્તા
એ દિવસને માટે ગોઠવેલું એ તબીબી-ક્લિનિક સાંજ સુધી ચાલુ જ રહ્યું. એક સમયે મંદિરના એ હૉલમાં જતો ગેટ બંધ કરવામાં આવેલો. ક્લિનિક બંધ થયું છે, તે જણાવવા, પણ એ પછી પણ દરદીઓ આવતાં રહ્યાં. એ બધાંની તપાસ થતી ગઈ, ને દવા અપાતી ગઈ. અમે થાક્યાં હતાં, પણ આ સ્થાનિક જનોને મદદ કર્યાનો સંતોષ મનમાં જરૂર હતો.
એક સ્થાનિક દંપતી, એમની મોટી વૅનમાં, અમને આઠ જણને ચૅરિટી ગામે પહોંચાડી આવવવાનું હતું. પણ એમને પણ ઉત્સાહ હતો અમારે માટે સામે કૈંક કરવાનો. પહેલાં એમણે વૅન પાછલી ગલીઓમાં લીધી. ત્યાં રાહ જોતા એમના દસ વર્ષના પૌત્રને લેવાનો હતો.
સરસ, શાંત ગલીઓ હતી એ બધી. નાનાં, વ્યવસ્થિત ઘરોની પાછળ ખુલ્લાં ખેતર હતાં. આ દંપતીનું ઘર તો ઘણું મોટું હતું. આછા ગુલાબી રંગમાં તાજું જ રંગ્યું હતું. કમ્પાઉન્ડમાં ઘણાં ફૂલો હતાં, ખાસ કરીને જાસુદનાં. બધું જોઈને લાગે કે અહીં જિંદગી પણ શાંતિની હતી.
જરાક આગળ ગયાં ત્યાં એમના દીકરાએ જાંબુનો ઉલ્લેખ કર્યો. કહે કે અહીં બહુ ઝાડ છે, ને અસંખ્ય જાંબુ થયેલાં છે. અમને પણ બહુ ઇચ્છા થઈ ગઈ એ ઝાડ જોવાની, તાજાં જાંબુ ખાવાની! પાસેના એક મોટા ઘરના કમ્પાઉન્ડમાં એક મોટું જાંબુનું ઝાડ હતું. ત્યાં રહેતા એક ભાઈને પૂછ્યું, કે થોડાં જાંબુ લઈએ? તો એ તો બે મોટી ડાળીઓ તોડીને લઈ આવ્યા.
ડાળીઓ પર થોડાં લીલાં પાંદડાં હતાં, અને લાગેલાં હતાં અસંખ્ય પાકાં, જાડાં, જાંબલી જાંબુ. અહીં એમને જામૉન કહે છે. ધોયા પણ વગર અમે ખાવા માંડ્યાં. આહા, શું મીઠાં, શું રસાળ. કેટલાં વર્ષે ખાધાં તાજાં જાંબુ. જોકે અમારાંમાંનાં બેએક જણાંએ પારકા દેશનું ફ્રુટ ખાવાની ના પાડી- કદાચ છે ને માંદા પડાય.
આખરે અમે ચૅરિટી હોટેલ પર પહોંચ્યાં ત્યારે છ વાગી ગયેલા. આખો દિવસ ગરમ રહેલો, અને અમે થાક્યાં હતાં. અમે વહેલાં જમી લીધું. એ જ લાક્ષણિક ગયાનિઝ ખાવાનું – મેંદાની જાડી પૂરી, અને આલુ-છોલેની સબજી. ત્યાં સુધીમાં આકાશમાં ઘેરાં કાળાં વાદળ ચઢી આવેલાં, અને જોરદાર ઝાપટું થઈને વરસી પણ ગયેલાં.
એના જ રવમાં ઊંઘ આવી ગયેલી.
સૂતાં વહેલાં, તો ઊઠવાનું પણ વહેલાં જ હતું. પાંચ વાગ્યે ઊઠ્યાં, તૈયાર થઈને કલાકમાં નીકળી ગયાં, ભરપુર એવી ઍસૅકીબો નદી પર આવ્યાં, પેલા ખખડધજ લપસણા મંચ પરથી ઊતરીને મોટર-બોટમાં બેઠાં, લાઇફ જૅકૅટ બાંધ્યાં, અને નદીનાં સાગર-સમ મોજાં સાથે હાલતાં-ડોલતાં, અડધા-પોણા કલાકે પરિકાના ડક્કા પર જઈ પહોંચ્યાં.
ત્યાં બે વૅન અમારે માટે રાહ જોતી ઊભી હતી. લાગે કે બધી વ્યવસ્થા બહુ ધ્યાનપૂર્વક કરાયેલી, અને પૂરેપૂરી ચોકસાઈપૂર્વક સંભાળવામાં આવતી હતી. અમને હવે કૉર્નેલિયા ઇડા નામના ગામે લઈ જવાતાં હતાં. અડધા કલાક દૂર જ જવાનું થયું. ત્યાં આવેલી, સ્વામીજીએ સ્થાપેલી, સરસ્વતી વિદ્યા નિકેતન નામની સ્કૂલમાં આજે અમારું તબીબી-ક્લિનિક ગોઠવાયું હતું.
સ્વામીજી તો દરિયા-પાર ચાલી ગયેલા. સ્વામી-સન્યાસીઓનું આવું જ વર્તન હોય છે. આમ સંસાર છોડ્યો હોય, ને આમ દુનિયા આખી સાથે સંકળાયેલા હોય. અમે બધાં નિરાશ થયેલાં, કે ફરી મળ્યા પણ નહીં, અને નહીં હોય એવી જાણ પણ અમને કરી નહતી.
અહીં બધું જાણે ફૅન્સી હતું. સુંદર પ્રવેશદ્વાર. જતાંની સાથે સામે આવે સરસ્વતીની મૂર્તિ, અને શિવનું મંદિર. અંદર મોટા કમ્પાઉન્ડમાં એક ખૂણા પડતું, બે માળનું, સ્કૂલનું મોટું મકાન. સ્વામીજીનો પાવર કેટલો હતો, તે મને સમજાઈ ગયું હતું. વળી, એમની ઓળખાણો પણ બધે જ હતી – ગયાનાના શ્રીમંત વર્ગમાં તો ખાસ, તેનો ખ્યાલ પણ મને આવી ગયેલો.
નજીક તેમજ દૂરનાં ગામોમાંથી છોકરાં આ સ્કૂલમાં ભણવા આવે છે. જાતજાતના કોર્સ અહીં શીખવાડાય છે – હિન્દી ને અંગ્રેજી ભાષા, સાયન્સ, કૉમર્સ, બિઝનેસ, ફિલોસોફી, રમતગમત વગેરે. ઉપરાંત, સંગીત, નૃત્ય, ચિત્ર જેવી સાંસ્કૃતિક કળાઓ.
શનિવાર હતો એટલે સ્કૂલ અડધા દિવસની હતી. ઘણાં વિદ્યાર્થીઓ વર્ગોની બહાર હતાં. બધાં ગણવેશમાં હતાં. છોકરાઓએ ખાખી પૅન્ટ અને હલકા કેસરના રંગનું શર્ટ, તથા છોકરીઓએ ખાખી સલવાર અને હલકા કેસરના રંગનું કૂરતું પહેરેલાં. બધાં સ્વચ્છ અને સ્માર્ટ લાગે.
નીચેના ઓરડાઓમાં ક્લિનિકની વ્યવસ્થા થયેલી. અનેક દરદીઓ એક તરફ મૂકેલી ખુરશીઓમાં રાહ જોઈને બેઠેલાં. અમે બધાં પોતપોતાનાં ટેબલો પર ગોઠવાઈ ગયાં. પછીના છએક કલાકોમાં બસો ઉપર દરદીઓ આવતાં ગયાં, ને એમની તપાસ થતી ગઈ.
એ દરમ્યાન, વારાફરતી અમે લંચ માટે જઈ આવ્યાં. જમવા માટેનો મોટો હૉલ હતો. ત્યાં ઘણાં ટેબલો હતાં. પાણી માટે ઘણા નળ હતા. એક તરફ ખાવાનું મૂકવામાં આવેલું. સફેદ ભાત, દાળ, ભાજી, અને આરો કહેવાતા કંદનું શાક હતું. સ્વાદમાં બધું બહુ સરસ હતું. જમવા માટે પ્લેટ હતી, અને કમળનાં પાન પણ હતાં.
મેં એક પાન લીધું. લીલું, તાજું, લગભગ ગોળ, અને કેટલું બધું મોટું. હાથમાં માય નહીં. વચમાં સહેજ ખાડો, જાણે કે વાડકો. વળી, એ અક્કડ નહીં, પણ નરમ અને કોમળ, તેથી ટેબલ પર મૂકીને જ ખાવું પડ્યું, કારણકે એક હાથની હથેળીમાં પાનને રાખીને ખાવું અશક્ય હતું.
બહુ મઝા આવી એ રીતે જમવાની. જમી લીધા પછી હાથ ધોયા, ત્યારે પાનને પણ ધોઈ નાખ્યું, અને એક તરફ મૂકી દીધું. વપરાયેલાં બધાં પાન હવે ખાતર માટે જશે.
આ પછી હું કૅમૅરો લઈને કમ્પાઉન્ડમાં ગઈ, અને સ્કૂલ, મંદિર વગેરેના ફોટા લીધા. જેવી પાછી અંદર આવી, કે તરત વરસાદ શરૂ થયો. જેવો અચાનક, તેવો જ અપરંપાર. મેં બહુ સમયસર ફોટા લઈ લીધેલા.
ક્રમશઃ
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
