આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.

આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.

આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.


પરેશ ર. વૈદ્ય

એ દિવસોમાં શિક્ષણનું દ્રશ્ય બહુ સરળ હતું. અમારા શહેરમાં બે જ હાઈસ્કૂલ હતી; એક છોકરાઓ માટે અને એક છોકરીઓ માટે. કો-એજ્યુકેશન હજુ મોટા શહેરોમાં પણ આવ્યું નહોતું. આજે મા-બાપને વિવિધ માપદંડોથી (જેવા કે ઘરથી અંતર, ફીની માત્રા, શિક્ષણની ગુણવત્તા વિ.)  ઘણા વિકલ્પોમાંથી એક ની પસંદગી કરવાની હોય છે, તેવી તકલીફ અમારા મા બાપને નહોતી પડી. તે રીતે ધોરણ પાંચ થી સાત માટે એક જ મિડલ સ્કૂલ હતી. અને એ બધી જ સ્કૂલ સરકારી. ઘણા વખત સુધી તો માસિક ફી જ નહોતી. સત્ર ફી ના નામે છ મહિને એક રુપિયો અને છ આના. ફી દાખલ થઈ ત્યારે માસિક પાંચ કે છ રુપિયા. શિક્ષણ એ ઉદ્દાત  વ્યવસાય મનાતો એટલે શિક્ષકોની ગુણવત્તા ઘણી જ સારી હતી. એક માત્ર શાળા હોવાને કારણે ગામના બધા જ છોકરાઓએ અહીં જ આવવાનું હતું. જાતિ, ધર્મ કે અમીર-ગરીબ એવાં કોઈ ‘ફિલ્ટર’ નહોતાં. કદાચ એ જ કારણે અમારા મગજનું વાયરીંગ જ એવું થયું છે કે અમને કાનજી દોશી અને જુમા ભચુ ઘાંચી એક સરખી ઉત્કટતાથી યાદ આવે છે.   સ્વતંત્રતા પછી શિક્ષણની જરૂરત ઉપર સરકારે જોર દેતાં અચાનક મોટી ઉંમરના છોકરાઓ, જેણે યોગ્ય ઉંમરે પ્રવેશ લીધો ન હતો, તે ત્યારે શાળામાં આવવા લાગ્યા. છઠ્ઠા ધોરણમાં જ્યારે મારી ઊંચાઈ ચાર સવા ચાર ફૂટ હશે  ત્યારે સવા પાંચ ફૂટના યાકુબ જોડે વાત કરતા મારે ઊંચું જોવું પડતું. એમાંના ઘણા ખરા પછી કોલેજમાં દેખાયા નહીં.

પ્રાથમિક શાળામાં વધારે બાળકો હોય એટલે એક ને બદલે ચાર પાંચ શાળા હતી. તેમાં પણ છોકરાની અને છોકરીઓની જુદી. એક બે ખાનગી શાળા પણ ખરી. જોકે ત્યાં છોકરા છોકરી સાથે ભણતાં. આઝાદી હજી તાજી હતી તેથી  રાષ્ટ્રિય શિક્ષણની છાંટ પણ જોવા મળતી.  મેડમ મોન્ટેસરી  અને  ગુજરાતમાં ગીજુભાઈ બધેકા તથા તેમની શિક્ષણ શૈલી જાણીતાં હતાં. અમારી ખાનગી શાળાના એકમાત્ર શિક્ષક શ્રી મૂળવંતરાય માસ્તર એવી જ શૈલીમાં અને પરંપરા કરતા જુદી રીતે શીખવતા. દાખલા તરીકે જેને આજે ‘ફ્લેશ કાર્ડ’ કહે છે તેવાં પૂઠાંનાં ગતકડાથી અક્ષર જ્ઞાન આપતા. આ કામ તો જમીન પર બેસીને જ સારું થાય તેથી અમે જમીન ઉપર બેસીને ભણતાં. દફ્તરના નામે કપડાની એક થેલી. તેમાં એક પાટી, એટલે સ્લેટ, અને તેની માટીની પેન. સાથે પાટી લૂંછવાનું કપડું જે  મોટે ભાગે જૂની સાડી કે ધોતિયામાંથી નીકળ્યું હશે તેવું.  સ્લેટમાં ઘણું લખાઇ-ભુંસાઇ જાય તો એક સફેદ બેક-ગ્રાઉન્ડ બની જાય, તો પાણીથી ધોઈ લઈએ. અધીરા છોકરાઓ વળી ત્રણ આંગળી ચાટી,  મોઢાંનાં થૂંકથી એને ધોઈ કાઢે.  બેએક વર્ષ પછી દફતરમાં એક બે પાઠ્યપુસ્તક ઉમેરાય. આજે જેની બોલબાલા છે તે મધ્યાહ્ન ભોજનની વ્યવસ્થાનું પ્રાથમિક સ્વરૂપ એ વખતે પણ હતું. દરેક શનિવારે શાળામાં ખજૂર અને શિંગનો નાસ્તો બાળકોને અપાતો અને તેમાં ભ્રષ્ટાચાર થવાનું ક્યારે ય સાંભળ્યું નથી.

અમને પેન્સિલ વાપરવા મળી પાંચમા ધોરણમાં અને ફાઉન્ટન પેન આઠમા ધોરણમાં. યુવા વાંચકો માટે એ શબ્દ નવો હશે. પેનને ફાઉન્ટન પેન એટલે કહી છે કે તેમાં શાહી કેશાકર્ષણ ( capillary action) ના સિદ્ધાંતથી ઉપર આવીને ટાંકને ભીંજવતી.  બોલપેન હજુ આવી જ નહોતી. એ તો કદાચ ભણવાનું પૂરું થયું ત્યારે જ આવી. એટલે માત્ર અમે જ નહીં, જિલ્લા કલેકટર પણ જ ફાઉન્ટન પેન જ વાપરતા. અમારી સસ્તી પેનના આંટામાંથી થોડી શાહી ચૂએ એટલે આંગળીની ટોચે અને બાજુમાં શાહીના ડાઘ થતા જે કલેક્ટરની પેનમાં નહીં થતા હોય. પણ એ તો પત્થર જેવી ખરબચડી સપાટીએ ઘસીને કાઢી શકાતા.

માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ:

પરિસ્થિતિમાં ૧૯૭૦ ના દાયકામાં ફેરફાર જોવા મળ્યો. માધ્યમિક શિક્ષણમાં ખાનગી ટ્રસ્ટો  અને સંસ્થાઓ દાખલ થવા માંડી. મોટા શહેરોમાં તો અગાઉ પણ ટ્રસ્ટની આવી શાળાઓ હતી. હવે નાના ગામોમાં પણ આવી. આ લખનાર શિક્ષણશાસ્ત્રી નથી પરંતુ એટલું જરૂર કહી શકાય કે આ પ્રકારનો  વિસ્તાર થવા છતાં શિક્ષણની ગુણવત્તામાં ઘટાડો થયો નહોતો. જો કે ક્રમશઃ સેવાભાવી ટ્રસ્ટોને બદલે વ્યવસાયિક એકમો હાઇસ્કુલ ચલાવવા લાગ્યા. ફી વધતી ગઈ અને શિક્ષકોનું શોષણ પણ થતું રહ્યું. સરકારે પોતે તો શાળાઓ ખોલવી  બંધ કરી પરંતુ ખાનગી શાળા ઉપર શકંજો કસવા માંડ્યો.  સાદા શબ્દોમાં કહો તો દખલ દેવી શરુ કરી. તેમાં નાણાકીય  ભ્રષ્ટાચાર પણ ખરો. પંચાયતી રાજ્ય મજબૂત થતાં ગામડાઓમાં જો કે શાસનની શાળાઓ ઉઘડતી હતી. માધ્યમિક શાળા ચલાવનારી ઘણી સંસ્થાઓએ પ્રાથમિક શાળામાં પણ પગ માંડ્યા. તેના પરિણામે માબાપ માટે પ્રાથમિક શિક્ષણનો ખર્ચ માધ્યમિક કરતાં પણ વધુ થઈ ગયો.

માધ્યમિક શિક્ષણ નો વ્યાપ વધતાં ઉચ્ચ  શિક્ષણની સંસ્થાઓની  પણ જરૂર પડતી ગઈ. એક જમાનામાં આર્ટસ  અને સાયન્સ  એમ બે જ ધારાઓ હતી, તેમાં કોમર્સ શાખાએ પણ વાલીઓને આકર્ષ્યા. બીજી પણ ઘણી વિદ્યાશાખાઓમાં  અભ્યાસક્રમો  દાખલ થતા ગયા. ઉચ્ચ શિક્ષણ બાબત એક ગૂંચવણ  હંમેશા રહી છે શિક્ષણના હેતુ બાબત. શિક્ષણ એ વિચારની ક્ષિતિજો ઉઘાડવા માટે છે, મગજની બારીઓ ખોલવા માટે છે, કે આજીવિકા મેળવવા માટે?  આ પ્રશ્નનો ઉત્તર સમાજને, સરકારને કે શિક્ષણશાસ્ત્રીઓને હજુ મળ્યો હોય તેવું નથી લાગતું. આને કારણે ઘણા વર્ષો સુધી એવો ક્રમ રહ્યો કે હોશિયાર વિદ્યાર્થીઓ મેડિકલ કે ઇજનેરી  કોલેજમાં દાખલ થવા પ્રયત્ન કરે. તેથી બારમા ધોરણના વિદ્યાર્થીઓ અને મા બાપ માટે બે ત્રણ વર્ષ ખૂબ તણાવ નાં જાય છે. સ્પર્ધા તીવ્ર લાગે છે કારણ કે માર્કસનો ફુગાવો થયો છે. જુના દિવસોમાં ૫૫ ટકાથી ઉપર માર્ક આવે તો તેને ‘હાયર સેકન્ડ ક્લાસ’નું રૂપાળું નામ અપાતું હતું, કારણકે ફર્સ્ટ ક્લાસ બહુ વિરલ હતો. હવે પરીક્ષાની ઢબ જ એવી છે કે માર્કસનો વરસાદ થાય છે. એક એક માર્કને કારણે જીવનની દિશા બદલે તેવી સ્થિતિ બને છે. મા-બાપાની ચિંતા વિદ્યાર્થીઓ પર ટ્રાંસફર થાય છે. એવા પણ કિસ્સા છે કે છોકરા એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં માનસિક તાંણ થી ભાંગી પડ્યા હોય. આ પરિસ્થિતિનો ગઈ પેઢીમાં કોઇ જોટો નથી.  અમારાં એડમિશન વિશે માબાપ ને (ખાસ કરીને મા ને) કોઈ ચિંતા ન હતી. બીજી ચિંતા તે નાણા ને લગતી. એ દિવસોમાં ઉચ્ચ શિક્ષણ સરકારી કોલેજોમાં જ થતું એટલે  તેની ફી મધ્યમવર્ગને પરવડે તેવી હતી. માર્ક સારા હોય તો એડ્મિશન પાકું. અત્યારે સરકારી કોલેજ માટે સારા માર્ક પૂરતા નથી, બહુ જ સારા માર્ક જોઇએ. તે પછી પણ ફી ઠીક ઠીક મોંઘી હોય છે.

કમ્પ્યુટરની નવી બારી:

વર્ષ ૨૦૦૦માં અમેરિકામાં ‘વાય ટુ કે’ ( Y2K)  નામનું એ ભૂત ઉભું થયું અને તેથી આપણા કમ્પ્યુટર અને આઇ.ટી. ઇજનેરો માટે અમર્યાદ નોકરીઓનો માર્ગ ખુલ્યો. આને કારણે પેલી દ્વિધા દૂર થઈ. આર્ટ્સ ભણો, કોમર્સ ભણો, રસાયણ ભણો કે ગણિત, છેવટે માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (MCA) ની ડીગ્રી લઈ લો તો અમેરિકાના દ્વાર ખુલ્લા છે. સમાજને સારા શિક્ષકો, વકીલો કે હિસાબનીશો નહોતા જોઈતા, માત્ર ડોલર જોઇતા હતા. આ સફળતા જોઈને કેટલીય કોલેજો કમ્પ્યુટર સાયન્સ અને આઈ.ટી. માટે ખુલવા લાગી. મોટાભાગની રાજકારણીઓ દ્વારા ખોલવામાં આવતી હતી. રુઢિગત એંજિનિયરિંગ શાખાઓ કરતા કમ્પ્યુટરની કોલેજ ખોલવી સરળ હતી કારણ કે તેમાં વર્કશોપની સગવડ કરવાની જરૂર નથી. ઢગલાબંધ કમ્પ્યુટર એક રૂમમાં ગોઠવી દેવાથી કામ થઈ જાય.

તેના પછીની પેઢીને સદભાગ્યે જુદા જુદા વ્યવસાયિક કોર્સમાં રસ પડ્યો. ફેશન ડિઝાઇન, હોટલ મેનેજમેન્ટ, એન્જિનિયરિંગના કેટલાક સર્ટિફિકેટ કોર્સ વગેરે પ્રચલિત થયા; ભલે તેમાંથી અમુકમાં ડિગ્રી નહોતી મળતી તે છતાં. તે રીતે ડિસ્ટન્સ એજ્યુકેશન, ઓપન યુનિવર્સિટી વગેરેના પ્રયોગ પણ સફળ રીતે થયા. જે લોકો મોડેથી ભણવાનું શરૂ કરતા હતા કે કૌટુમ્બિક જવાબદારી ને કારણે પહેલાં કોલેજ ન જઈ શક્યા તેને માટે આ આશા જગાડનારું  હતું.

ટેકનોલોજી:

શિક્ષણમાં ટેકનોલોજીનો અભૂતપૂર્વ ઉપયોગ આપણે કોવિડ-19 ના સમયમાં જોયો. આઠ વર્ષનાં  પ્રાથમિક શાળાનાં બાળકથી માંડીને અનુસ્નાતક કક્ષાના યુવાન વિદ્યાર્થીઓ સુધી બધા જ મોબાઈલ ફોન અથવા કમ્પ્યુટર ઉપર શિક્ષણ લેવા તૈયાર હતા. જે સ્વેચ્છાએ ન બન્યું હોત તે એક નાના વાયરસએ કરાવ્યું. જો એવું ન બન્યું હોત તો શિક્ષણના એક કે બે વર્ષ બધાના બગડ્યા હોત. આ શક્ય બન્યું કારણકે આપણે ભૂતકાળમાં અમુક ટેકનોલોજી સાથે ઘરોબો કેળવ્યો હતો. કમ્પ્યુટર, ટેલીફોન વ્યવસ્થા અને સૌથી મહત્વનું અવકાશ ક્ષેત્રે આપણે જે ફાળ ભરેલી તે મોકાને ટાણે કામ આવી.

અવકાશ વિજ્ઞાનનો શિક્ષણમાં  ઉપયોગ કરવાનો ખ્યાલ ડો. વિક્રમ સારાભાઈને બહુ વહેલો આવેલો. તેમના અવસાન પછી તેમના શિષ્યોએ તેને મૂર્ત સ્વરૂપ કેમ આપ્યું તે વાત જાણવા જેવી છે. ૧૯૭૫ માં ભારતે ‘નાસા’ પાસેથી એક ઉપગ્રહની સેવા શિક્ષણ ક્ષેત્રે પ્રયોગ કરવા માટે માગી. ATS -6 નામના ઉપગ્રહને ખાસ ભારત ઉપરના આકાશમાં સ્થિર કરાવ્યો. તેની મદદથી ગ્રામજનોને ઉપયોગી તેવા ટેલિવિઝન કાર્યક્રમ દેશના છ રાજ્યના ૨૦ જિલ્લાનાં ૨૪૦૦ ગામડામાં પહોંચાડવાના કાર્યક્રમ ને  Satellite Instructional Television Experiment (SITE સાઈટ) એવું નામ  અપાયું. ઈસરોના અમદાવાદ ખાતેના સ્પેસ એપ્લિકેશન સેન્ટર એ આ આખી યોજના નું સંકલન કર્યું. પ્રો. યશપાલના નેતૃત્વ  હેઠળ એ થયું. આજે આપણે આપણા ઘરમાં જે ડીશ ટેલિવિઝન કાર્યક્રમ જોઈએ છીએ તે સીધા ઉપગ્રહથી આપણા ઘરમાં આવે છે આ DTH  ટેકનોલોજી બહુ મોડી આવી. તેથી પહેલાં કેબલ ટેલિવિઝન હતા. પરંતુ ‘સાઇટ’ કાર્યક્રમમાં છેક ૧૯૭૫ માં દરેક ગામડાને આવી ડીશ આપવામાં આવી હતી ! એ વખતે ડિશ  એન્ટેનાનો  વ્યાસ જો કે મોટો હતો.  દરેક ગામમાં પંચાયત ઘર કે દૂધ મંડળી ની છત ઉપર આવી ડિસ્ક બેસાડવામાં આવી અને અંદરના ઓરડામાં સાંજે લોકો આવીને ગામના એક માત્ર ટેલિવિઝન ઉપર કાર્યક્રમ બહુ રસથી જોતા હતા.

દેશ આખો ક્લાસરૂમ :

આ યોજના એક વર્ષ ચાલી. તે પછી પણ નડિયાદ પાસે પીજ ગામથી શૈક્ષણિક કાર્યક્રમ ચાલુ રહ્યા,  જે અમદાવાદ અને વડોદરા ની આસપાસના વિસ્તારો માં જોવાતા રહ્યા. આ કાર્યક્રમમાં શિક્ષણ તરફ ઝોક હતો. જેને શાળાએ ન જવું હોય કે ગયા ન હોય તેમને પણ જ્ઞાન મળતું રહે તેવી આ યોજના હતી.  એટલે તેનો વિસ્તાર કરવાનું ઠર્યું. ૧૫ ઓગસ્ટ ૧૯૮૫ ના તેનું ઉદ્ઘાટન થયું અને તેને ‘કન્ટ્રી વાઈડ ક્લાસરૂમ’નું નામ અપાયું. સ્પેસ એપ્લિકેશન સેન્ટરના નિવૃત્ત નિર્દેશક પ્રો. એકનાથ ચીટનીશ તેના મુખ્ય કર્ણધાર રહ્યા. (તેઓએ આ જુલાઈ ની ૨૫ મી તારીખે જીવનનો વ્યસ્ત શતક પૂરો કર્યો. તેના ત્રણ જ મહિના જ  બાદ ૨૨ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ તેઓ ગુજરી ગયા.).  યુનિવર્સિટી ગ્રાંટ્સ કમિશનના નેજા હેઠળ ઘણી યુનિવર્સિટીઓએ  પોતાનાં એવાં કેન્દ્ર સ્થાપ્યાં, જે ટેલિવિઝનની મારફત પ્રસારિત કરવા માટેના કાર્યક્રમ તૈયાર કરે. તેને ઈ.એમ.આર.સી Electronic Multimedia Research Centre કહેવાયાં.  દેશમાં એવાં 20 EMRC કેન્દ્રો હતાં. દુરદર્શન પર બપોરે ૧.૦૦ વાગે તેના કાર્યક્રમ વર્ષો સુધી ચાલ્યા અને લોકપ્રિય રહ્યા. કાર્યક્રમની ગુણવત્તા માટે એ એક પ્રમાણ બનીને રહ્યા.

આ કાર્યક્રમની પ્રેરણાથી આગળ ઘણી સંસ્થાઓએ વિડિયો તથા દુરદર્શન પર શૈક્ષણિક કાર્યક્રમો રજૂ કરવાનું શરૂ કર્યુ. ૨૦૦૦માં જ્ઞાનદર્શન નામ ની એક શૈક્ષણિક ચેનલ જ શરુકરવામાં આવી.  જેને મોડેલ માનીને દરેક ભાષામાં એ રીતના કાર્યક્રમ દૂરદર્શન પ્રસારિત કરવા લાગ્યું.  શિક્ષકોએ વિડિઓ તથા કોમ્પ્યુટર નો ઉપયોગ પણ કર્યો.  ત્યાર પછી થયેલા ટેલીફોન ના વિકાસ ની વાત આપણે કરી ગયા છીએ. કમ્પ્યુટર  ટેકનોલોજી, ઉપગ્રહો અને ટેલીફોન સેવાની ત્રિપુટીએ ઓનલાઈન શિક્ષણનો પાયો તો નાખ્યો જ હતો જે કોરોના કાળમાં હાથવગો થયો.  ઇંટરનેટની ખ્યાતિ પછી તો શૈક્ષણિક ઉપરાંત સામાન્ય જ્ઞાનના બીજા કાર્યક્રમમાં પણ ખૂબ જોવા મળે છે. આમ દેશ ખરેખર જ એક ક્લાસરૂમ બન્યો છે.

અંતમાં ૭૫ વર્ષની આ યાત્રાની એક ફળશ્રુતિ સ્પષ્ટ છે કે શિક્ષણનું મહત્વ હવે લોકોને સમજાવવાની જરૂર રહી નથી. અમારા જીવનના શરૂનાં વર્ષોમાં સમાજના મોટા હિસ્સાને એ અગત્ય અભિપ્રેત નહોતી એ હકીકત છે.


સૌજન્યઃ નવનીત સમર્પણ સપ્ટેમ્બર ૨૦૨૫


ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક pr_vaidya@yahoo.com   વિજાણુ સરનામે થઈ શકે છે.


સાંદર્ભિક તસવીરોઃ નેટ પરથી