જીવનની ખાટી મીઠી

નીલમ  હરીશ દોશી

અમિતને નોકરી માટે રોજ ટ્રેનમાં અપડાઉન  કરવું પડતું.  જોકે  અપડાઉન કરવાવાળો તે કંઇ એકલો થોડો હતો ? તેના જેવા  સેંકડૉ લોકો આજીવિકા માટે અપડાઉન કરતાં રહેતા. અમિતને રોજ પાલઘરથી  મુંબઇના  એક પરા મલાડ સુધી જવું પડતું. અને અમિત હમેશાં છેક છેલ્લી મિનિટે જ સ્ટેશને પહોંચતો. તેથી કાયમ ઉતાવળમાં જ રહેતો. પણ આજે ઓફિસમાં ખાસ કોઇ કામ  નહોતું.  અને બોસ પણ આજે ગેરહાજર હતા. તેથી તે  ઓફિસેથી જલ્દી નીકળી ગયો. અને પરિણામે સ્ટેશને બહુ વહેલો પહોંચી ગયો. પણ તેના વહેલા પહોંચવાથી કંઇ ટ્રેન થોડી વહેલી આવી જાય ?

હવે કરવું શું ? સમય પસાર કરવા પાસે કંઇ નહોતું. તેણે કોઇ છાપુ કે મેગેઝિન મળે તો તે લેવા ચારે તરફ નજર દોડાવી. પણ કમનશીબે  આજે જ બુક  સ્ટોલ બંધ હતો.  પાલઘરના આ નાનકડા સ્ટેશન પર બીજું કશું ખાસ મળે તેમ નહોતું. તે બેન્ચ પર બેસીને કંટાળ્યો.  કયારેય આવી રીતે બેસવાની ટેવ નહોતી તેથી સમય પસાર થતો નહોતો. અહીં  બીજું  કંઇ મળે તેવી શકયતા પણ નહોતી. તે સ્ટેશન પર આંટાફેરા કરવા માંડયો. ઓફિસેથી વહેલાં નીકળ્યો તો સ્ટેશન પર પ્રતીક્ષા કરવી પડી. ફાયદો શું થયો ? આવું  વિચારી રહેલ  અમિતની નજર અચાનક  એક ચાની કીટલી લઇને ફરતા છોકરા પર પડી. તેને ચા પીવાનું મન થયું. સમય પસાર કરવાનો આનાથી ઉત્તમ ઉપાય બીજો શું હોઇ શકે ?

તે ઝડપથી પેલા છોકરા પાસે ગયો.ને એક ચા માગી. છોકરાએ કહ્યું, ‘ સાબ, બે મિનિટ થોભો ‘

અમિતને નવાઇ લાગી. તેણે પૂછયું કેમ ? ’ સા’બ , મારો દોસ્તાર હમણા આવવો જ જોઇએ. અત્યારે મારો વારો નથી.

‘  એટલે ?’   એટલે કે અત્યારે હું  કોઇ ઘરાકને ચા ન આપું.. અત્યારે સાંજે સાત વાગ્યા સુધી મારા  દોસ્તારનો વારો છે. મારો વારો સાત વાગ્યા પછી શરૂ થશે. અમિતને તેની વાત સાંભળી થોડી નવાઇ લાગી. વધુ સ્પષ્ટતા કરવા માટે તેણે પૂછયું, ‘ તારો ને તારા દોસ્તારનો વારો એટલે ? મને કંઇ સમજાયું નહીં.. ‘ એટલે એમ કે અમે બંને એ  ટાઇમ વેંચી લીધો છે. આ નાનું સ્ટેશન છે..તેથી બહું ઘરાક મળે નહીં. એટલે સવારે જેટલા ઘરાક આવે તે મારા . અને બાર થી સાત વાગ્યા સુધીમાં  જે ઘરાક આવે તે મારા દોસ્તાર કિસનાના. અત્યારે એનો ટાઇમ છે એમાં મારાથી ધંધો ન કરાય અને હમણાં એ આવવો જ જોઇએ. તે  પગે થોડો લંગડાય છે, તેથી તેને પહોંચતા થોડી વાર લાગે છે.

” પણ…મારી ગાડી આવી જાય તો ? હું થોડી રાહ જોવાનો ? અને કોઇને તાત્કાલિક ચા પીવી હોય તો ? એક જણ ન હોય ત્યારે તો બીજો ચા આપી શકે ને ? આમ તો તમે બે ય રહી જાવ ને ? ” અમિતે પૂછયું. ’  ‘ના, સા’બ એવું  કંઇ થાય તો તો અમે એકબીજાના વારામાં પણ ચા  તો આપી દઇએ પણ પૈસા તો જેનો વારો હોય તેને જ આપી દઇએ. સા’બ ભાઇબંધ સાથે ગદ્દારી કયારેય ન કરીએ હોં. એકબીજાનું સાચવી લઇએ.’

‘ લો,  સા’બ આ આવી ગયો..કિશનો…!

અમિત આ છોકરાની વાત સાંભળી રહ્યો. આજે જ ઓફિસમાં થયેલ મિત્રતાની ચર્ચા તેને યાદ આવી ગઇ. મિત્રતાની કેવી મોટી મોટી વાતો..પણ..સાવ જ ખોટી..હકીકતે અંદરખાને તો બધા એકબીજાના પગ જ ખેંચતા રહેતા..કે પાછળથી જાતજાતની રમત જ રમતા..અને તે પણ મિત્ર હોવાના દાવા સાથે…અહીં  કોઇ દાવા નહોતા… મિત્રતાની કોઇ ચર્ચાને. કોઇ વ્યાખ્યાને અવકાશ નહોતો.અને અહીં તેની જરૂર પણ કયાં હતી ? અહીં તો હતી વણકહી દોસ્તી…સાચી મિત્રતા..

ત્યાં લંગડાતો…હાંફતો  કિશનો  જલ્દી જલ્દી સા’બ માટે ગરમાગરમ ચા કાઢવા લાગ્યો.


નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે