ધિક્કારનાં ગીતો

પ્રેમસંબંધમાં વાંકું પડે ત્યારે માણસ કેટલું વાંકું બોલી શકે તેનો એક નમૂનો

દીપક સોલિયા

વાત ચાલી રહી છે ફિલ્મોનાં કેટલાંક યાદગાર ધિક્કાર ગીતો વિશે. આવું એક ચોટદાર ગીત અનુરાગ કશ્યપની ફિલ્મ દેવ.ડીમાં છે. ફિલ્મની નાયિકા પારો (માહી ગીલ)ના લગ્ન ટાણે બે બેન્ડવાળા આક્રોશભેર ગાય છેઃ

તૌબા તેરા જલવા, તૌબા તેરા પ્યાર
તેરા ઇમોસનલ અત્યાચાર.

આ ઝેર જેવું કડવું ગીત એક રીતે જોતાં કન્યાવિદાયનું ગીત પણ છે, કારણ કે ગીતમાં વારંવાર રીપિટ થતી એક પંક્તિ આ છેઃ જાઓ, જાઓ ઓ દિલબર…

જઈ રહેલી કન્યા ફિલ્મના હીરો દેવ (અભય દેઓલ)ની દિલબર છે. લગ્નસમારંભ લગભગ પૂરો થઈ ચૂક્યો છે. કન્યાવિદાયનો સમય થઈ ગયો છે. હીરો અભય દેઓલ વોડકાની બોટલ સીધી મોઢે માંડીને ખાલી કરે છે. પછી એ પોતે ગાવાની તો શું બોલવાની પણ સ્થિતિમાં નથી, પણ તેના દિલની વાતોને જાણે બે બેન્ડવાળા ગાઈને વ્યક્ત કરી રહ્યા છે, આ શબ્દોમાં:

જિયા જિયા જિયા જિયા ડોલે
એક દો તીન ચાર… છે…

આમાં ચાર અને છની વચ્ચેનો પાંચનો આંકડો કેમ ગાયબ છે એવું બધું નહીં પૂછવાનું. આ ઘાયલ દિલબર છે, બાલમંદિરનું છોકરું નથી, જે એક, બે, ત્રણ, ચાર પછી પાંચ બોલે. એ તો આવું બધું બોલેઃ

યહ દિલ પિઘલા કે સાઝ બના લૂં
ધડકન કો આવાઝ બના લૂં
સ્મોકિંગ સ્મોકિંગ નિકલે રે ધુઆં…

વેદનાની તીવ્રતા જુઓ તમે. કવિ દિલને ઓગાળીને વાદ્ય બનાવવા માગે છે અને દિલના ધબકારને અવાજ બનાવવા માગે છે. એ તીવ્રપણે વ્યક્ત થવા માગે છે અને એમના મુખમાંથી નીકળે છે શું? મુખમાંથી બે ચીજ નીકળે છે. એક તો આ ગીત નીકળે છે અને સાથોસાથ સ્મોકિંગ સ્મોકિંગ નિકલે રે ધુઆં. એ દહનનો ધુમાડો છે. એ જલનનો ધુમાડો છે. એ ધુમાડો શેનો છે એ વિશે કવિ સ્પષ્ટ શબ્દોમાં સ્પષ્ટતા કરતાં આગળ કહે છેઃ

સીને મેં જલતી હૈ અરમાનોં કી અર્થી
અરે વોટ ટુ ટેલ યુ ડાર્લિંગ ક્યા હુઆ

હૃદયમાં અરમાનોનાં શબ સળગી રહ્યા છે. એની પીડા એવી છે જે પ્રેમી સહી પણ નથી શકતો અને પ્રિયાને સરખી રીતે કહી પણ નથી શકતો. એટલે એ કહે છેઃ વોટ ટુ ટેલ યુ ડાર્લિંગ ક્યા હુઆ. શું કહું તને કે શું થયું? ખેર, આવું કંઈક થયું…

હાય સપને દેખે જન્નત કે, પર મિટ્ટી મેં મિલ જાએં
ફૂંકે રે, ઘરબાર કી દુનિયા કો બોલે ગુડ બાય
ચઢ જાએ હાય અલ્લાહ જિસકો ભી યે બુખાર
તૌબા તેરા જલવા, તૌબા તેરા પ્યાર
તેરા ઇમોસનલ અત્યાચાર…

અચાનક પ્રેમી પોતાની અંગત પીડાને વ્યાપક બનાવી દે છે. તે કહે છે વાત ફક્ત મારી જ નથી. મારી માફક જે કોઈ પણ પ્રેમમાં સ્વર્ગ મેળવવાનાં સપનાં જુએ છે એનાં સપનાં છેવટે ધૂળમાં રગદોળાય છે; પ્રેમનો તાવ જેના પણ મગજમાં ચડી જાય છે એ પછી પોતાના ઘરબારની દુનિયાને ફૂંકી મારીને તેને ગુડ બાય કહી દે છે. એ જાણે કહે છેઃ ભાડમાં જાય દુનિયા, બહુ થયો તારો જલવો, તારા પ્યારથી તૌબા… બહુ થયો તારો ઇમોસનલ અત્યાચાર.

અલબત્ત, અત્યાચાર શબ્દ મોટો છે, પરંતુ જરા નાના શબ્દો વાપરીને કહીએ તો નાનામોટા ઇમોસનલ ત્રાસ અને ઇમોસનલ દબાણ કાદુના ડાયરા જેવા હોય છે. એ તો સંબંધોની દુનિયામાં ડુંગરે ડુંગરે, ઠેર ઠેર જોવા મળે. આવા ત્રાસથી ત્રાસિત લોકોનાં હવે તો સંગઠનો પણ રચાય છે. મુંબઈમાં આવા પુરુષોનું એક સંગઠન છે. અલબત્ત, એ પ્રેમમાં નાસીપાસ થયેલા એટલે કે પ્રેમિકાને ન પામી શકેલા પુરુષોનું સંગઠન નથી, બલ્કે એ સ્ત્રીને પામી ચૂકેલા પીડિત પુરુષોનું સંગઠન છે. એનું નામ વિશિષ્ટ છેઃ વાસ્તવ ફાઉન્ડેશન. થોડા સમય પહેલાં આ ફાઉન્ડેશને શ્રાદ્ધપક્ષ નિમિત્તે પિંડદાનનો એક કાર્યક્રમ યોજેલો. પિંડદાન આમ તો સદ્ગતોનું જ થાય, પરંતુ વાસ્તવ ફાઉન્ડેશન આયોજિત પિંડાદાન પ્રોગ્રામમાં જીવતી (વર્તમાન કે ભૂતપૂર્વ) પત્નીઓનું પિંડદાન કરવામાં આવ્યું. આ પ્રોગ્રામમાં એવા પચાસેક પતિઓએ ભાગ લીધો જેમના યા તો છૂટાછેડા થઈ ચૂક્યા છે અથવા તો છૂટાછેડાની પ્રોસેસ ચાલી રહી છે. પિંડદાન મૂળભૂત રીતે પિતૃઓની મુક્તિ-મોક્ષ માટેની વિધિ છે, જ્યારે આ દુઃખી પુરુષોએ લગ્નજીવનની વસમી યાદોમાંથી પોતાનો પિંડ છૂટે એ માટે પિંડદાનની વિધિઓ કરી. મુંબઈના પોશ એવા વાલકેશ્વર વિસ્તારમાં આવેલા બાણગંગા તળાવમાં ભાવભેર પિંડદાન કરનારા આ પીડિત પુરુષોમાંના એકે તો આખી વિધિ એટલી બધી સિરિયસલી કરી કે વિધિના ભાગરૂપે તેણે મુંડન પણ કરાવી નાખ્યું.

જોકે ફિલ્મ દેવ.ડીનો હીરો દેવ મુંડન નથી કરાવતો અને એ તો પરણેલો પણ નથી. એની તકલીફ એ છે કે એની પ્રિયતમાની અન્ય પુરુષને પરણીને હવે જઈ રહી છે.

એ નિમિત્તે, બેન્ડવાજાવાળા બે પુરુષો ગાઈ રહ્યા છેઃ

જાઓ, જાઓ ઓ દિલબર
ઓ દિલબર ઓ…
હવે તું જા. હવે નથી વેઠાતું મારાથી.
હો ગઈ દિલ કે પાર ટ્રેજેડી, ટ્રેજેડી
લુટ ગઈ રે બહાર, ગુલ સુખ સુખ મુરઝાએ
બોલ બોલ, વ્હાય ડિડ યુ ડિચ મી
ઝિંદગી ભી લે લે યાર કિલ મી…

અર્થ સ્પષ્ટ છેઃ આ ટ્રેજેડી હવે હૃદયની સહનશક્તિથી પણ આગળ નીકળી ગઈ છે. દિલનું ગુબાલ સુકાઈ સુકાઈને ચીમળાઈ ચૂક્યું છે. તેં આવું શું કામ કર્યું? આના કરતાં તો મારો જીવ લઈ લે… મારી નાખ મને.

ભાઈ તો મરવાની વાત પર ઉતરી આવ્યા. મરવાની વાત કરવી એ પોતે જ એક પ્રકારનો ઇમોસનલ અત્યાચાર થયો. આ ખાસ સમજવા જેવું છે. આ ગીતમાં, આ ફિલ્મમાં અને બીજા પણ અસંખ્ય કિસ્સાઓમાં ઇમોસનલ અત્યાચારની ફરિયાદ કરતો પુરુષ ફાઈનલ હિસાબમાં પોતે જ મોટો અત્યાચારી સાબિત થાય એવું પણ બને.

એ વિશે, આવતા અંકે.



(ક્રમશઃ)


શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com