કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

એક ડબીમાં કપૂર અને હીંગ બન્નેને ભેળાં મૂકવામાં આવ્યાં, એક નહીં, પૂરા પાંચ વરસ સુધી ભેગાં રાખ્યાં ! પાંચ વરસ પછી પણ કપૂરની અસર હીંગને ન થઈ, અને હીંગની અસર કપૂરને ન થઈ ! કપૂર કપૂર જ રહ્યું અને હીંગ હીંગ જ રહી ! એકલસુડી માનસિકતાનો આ થયો ઉત્તમ નમૂનો !

એ જ રીતે કપૂર હીંગની જેમ એક પ્યાલામાં દૂધ અને સાકર ભેળાં કરો ! પણ આમનું સાથે રહેવાનું પરિણામ એ આવશે કે એકબીજાના સહકારથી દૂધ દૂધ મટી જશે અને સાકર સાકર મટી જશે ! દૂધ અને સાકર એકબીજામાં એવા એકાકાર બની જઈને બન્નેના ભેળા સ્વાદવાળું મીઠું ને મધુર પીણું બની જશે ! આ દૂધ અને સાકર બન્નેના પરસ્પરના સહકારનું, પરસ્પરના સ્વાર્પણનું જ  પરિણામ ગણાયને મિત્રો !

આમ આપણે  ખેડૂતો એકબીજાની સાથે હિંગ અને કપૂરની જેમ રહીએ તો છીએ ભેળા ભેળા જ ! પણ એક બીજાની નીકટ આવતા નથી, એક બીજા સાથે મનથી- દિલથી હળીભળી શકતા નથી. હા, ભળવાનો દેખાવ જરૂર કરીએ છીએ-સ્નેહમિલનો યોજાય છે, જમણવારો થાય છે, સભાઓ અને સંમેલનો ગોઠવાય છે, અરે, ઉત્સવો ઉજવાય છે. પણ એ પૂર્ણ થયે પછી પાછા સૌ થઈ જઈએ છીએ હતા એવાને એવા એકલહૂડા-સાવ નોખા ને નોખા !

બીજા ધંધાર્થીઓ ખેડૂતોની માનસિકતા બાબતે ટીકા કરતા હોય છે. એ લોકોને એવું કહેતા મેં અનેકવાર કાનોકાન સાંભળ્યા છે કે “જો ચીભડાંની ગાંહડી સરખી રીતે બંધાય તો ખેડૂતોનું સંગઠન સધાય !” ગાંસડીમાંથી કેટલાક ચીભડાં બહાર વેરાયા વિના ન રહે ! એમનો કહેવાનો ભાવાર્થ બસ એવો જ છે કે ખેડૂતોમાં એકબીજાને સહકાર આપવાની ભાવનાની ઊણપ છે. શું એમની આ વાત સાચી છે ? જો “હા” હોય તો હવે આવું ચાલવાનું નથી.

“વિના સહકાર- નહીં ઉદ્ધાર” એ કહેવત ખરેખર સાચી છે. કોઇ એકલો સર્વસંપૂર્ણ નથી. એક વાર્તા છે ને કે એક હતો આંધળો અને એક હતો લંગડો ! બન્નેને નદી પાર કરવી હતી. નદી બહુ ઊંડી ન હતી, પાણી ધીમે ધીમે વહી રહ્યું હતું. આંધળો જોઇ શકતો નહોતો અને લંગડો ઊભો ઊભો ચાલી શકતો નહોતો. પોતપોતાની રીતે  નદીપાર કરવા બન્ને અશક્ત હતા. હવે શું કરવું ? એવામાં આંધળાને ઉપાય સુજ્યો, લંગડાને કહે, “ મિત્ર ! આપણે એકલા એકલા તો સામે કાંઠે જઈ શકવાના નથી ? પણ આપણે જો એકબીજાની મદદમાં રહીશુ તો જરૂર નદી પાર કરી શકશું. તું ચાલી શકતો નથી, તો મારી પીઠ પર બેસીજા. તું તો બધું જોઇ શકે છે, એટલે તું મને રસ્તો બતાવજે અને મારા બન્ને પગ સલામત છે એટલે હું નદીના પાણીમાં ચાલતો રહીશ, અને એ રીતે આપણે બન્ને નદી પાર કરી જશું.” અને એ રીતે એકબીજાના સહકારથી આંધળો અને લંગડો બન્ને નદી પાર કરી ગયા.

એકલા હાથથી તો તાળી પણ નથી પાડી શકાતી તો બીજાં મહત્વના કાર્યો તો શી રીતે થઈ શકે કહો !

હું માલપરાની લોકશાળામાં અભ્યાસ કરતો હતો તે દિવસોમાં અમે વિદ્યાર્થીઓ એક ટુચકો ભજવતા. એક સાધુ મહાત્માને બકરીનું નાનકડું બચ્ચું ખંભે ઉપાડી ચાલ્યા આવતા જોઇ થોડે દૂર રસ્તાને કાંઠે ઊભેલા ત્રણ ઠગ લોકોની ડાઢ ડળકી. અને ત્રણે એ અંદરો અંદર મસલત કરી વાળી કે મહાત્મા પાસેથી બકરીનું બચ્ચું પડાવી લીધે પાર છે ! ત્રણે જણ થોડા થોડા અંતરે ઊભા રહી ગયા અને ક્યારે મહાત્મા નજીક આવે એની રાહ જોવા લાગ્યા. જેવા મહાત્મા નજીક આવ્યા કે પ્રથમ ઊભેલા ઠગે કહ્યું, “ અરે મહાત્મા ! આ કુતરીના બચ્ચાને ખભે ઉપાડી ક્યાં લઈ જાઓ છો ?” સાધુ મહાત્મા કહે, “કૂતરીનું બચ્ચું નથી, બકરીનું છે. મને એક માલધારીએ આશ્રમે લઈ જઈ, મોટું કરી, દૂધ પીવામાં ખપમાં આવે એ માટે દાનમાં આપ્યું છે.” કહી સાધુ તો ચાલવા માંડ્યા.

થોડે દૂર ગયા ત્યાં બીજો ઠગ મળ્યો. તેણે કહ્યું, “અરે મહાત્મા આ કૂતરું કેમ ખભે ચડાવ્યું છે ? શું હવે આશ્રમમાં કૂતરાં પાળવાનો ધંધો શરુ કર્યો છે ?” મહાત્માને થયું, “કેમ બીજોયે આમ કહે છે ? લાવ બરાબર જોઇ લઉં” કહી બચ્ચાં સામું આંખ ફેરવી જોઇ જોયું. અને મનોમન બોલ્યા, “કાંઇ, કૂતરું નથી લાગતું, છે તો બકરું જ !“  વળી આગળ ચાલવા માંડે છે ત્યા થોડે દૂર ગયા ત્યાં ત્રીજો ઠગ મળી ગયો. એ કહે “અરે અરે. સાધુ મહાત્મા ! આ કૂતરાને ખભે ઉચકીને ક્યાં લઈ જાઓ છો ?” ત્રણેય જણની એક સરખી વાત સાંભળી મહાત્માના મનમા ઠસી ગયું કે “જો બધા જ કહે છે કે મારા ખભે જે બચ્ચું છે તે કૂતરીનું છે. તો સાચેસાચ એ કૂતરીનું જ હોવું જોઇએ” એવું વિચારી ભફ કરતું બચ્ચું નીચે ફેંકી પોતે હાલતા થઈ ગયા ! અને પછી પેલા ત્રણેય ભેળા થઈ બકરીના એ બચ્ચાને ઉપાડી ગયા. આમ કોઇને છેતરી પાડવા જેવા કામમાં લાગેલી ટોળીએ પણ એકબીજાનો સહકાર મેળવવો પડતો હોય તો સારા કાર્યોમાં તો કેવાય રૂડાં પરિઁણામો મેળવી શકાતા હોય છે.

ઝીણા જીવો અને પશુ પક્ષીઓમાં પણ સહકારી ભાવના :

કીડી-મકોડા જેવા ઝીણા જીવડાંને એકલ દોકલ રૂપમાં જમીન પર ચાલતું આપણે ક્યારેય ભાળશું નહીં. કીડી-મકોડીને ખપતા કોઇ ખાદ્ય પદાર્થની ગંધ તેનું નાક ઘણે દૂરથી મેળવી લેતું હોય છે. અને કીડી એની પાસે પહોંચ્યા ભેળી તે પદાર્થને ખાવા નથી લાગી જતી. તે ચીજને અડકી-તરત જ બીજી કીડીઓને સંદેશો દેવા દોડાદોડી કરવા માંડે છે અને જોતજોતામાં અસંખ્ય કીડીઓ એ પદાર્થ પાસે પહોંચી જઈ, સૌ સાથે મળી તેને યોગ્ય જગ્યાએ ખસેડવાની મહેનતમાં લાગી જાય છે. તમે માનશો ? કીડી પોતાના વજનથી પચાસગણું વધારે વજન ઢસડી જવાની શક્તિ ધરાવતી હોય છે.

      ખેડૂતોની વાડીઓની ઊભી મોલાતોને ખાઈ-ખુંદી બગાડી નાખવાના ઇરાદે દિવસ-રાત ભમતાં રાની રોઝડાં, ભુંડડાં-હરણાં અને રેઢિયાર ખુંટડાઓ પણ સહકારી મંડળી રચીને જ વાડી પર ત્રાટકતા આપણે કયાં નથી જોઇ રહ્યા ? એને પણ એવી ભાન હોય છે કે એકલદોકલ રીતે હલ્લો કરવામાં એટલી કામયાબી નથી મળતી જેટલી સમૂહમાં રહેવાથી મળે છે, બોલો !

    અરે, આપણા આંગણ-શેરીઓમાં કે વાડી-ખેતરોમાં ભમતા-ફરતા પંખીડાંની હલચલ પર ક્યારેક નિરાંતવા નજર કરશું તો ભાળશું જ કે કબુતરાં, ચકલાં, કાબરો, વૈયાં, લેલાં કે કાગડા, બગલાં, પોપટ-સૂડા, જેવા પક્ષીઓ પણ સમૂહમાં એકબીજાના સહકારથી ભેળા ભેળા જ ટોળાબંધ જ રહેતાં અને ઉડતાં ભાળીએ છીએ. અરે સુગરી તેનો માળો પણ એકલ દોકલ રીતે નહીં, જે ઝાડ પર બનાવે ત્યાં ક્યારેક નજર કરજો, ત્રણ ચારથી માંડી વીસ-પચીસ જેટલી સંખ્યામાં જૂલતા હીંચકાની આખી વસાહત ઊભી કરેલી ભળાશે !

       લાઇનબદ્ધ રીતે આકાશે ઉડતા કુંજ પક્ષીઓમાં રીતસર એવી સમજણ હોય છે કે સૌએ લાઇનબદ્ધ રીતે જ ઉડવું. ઉડવામાં પવનનો અવરોધ ખુબ જ આવતો હોવાથી જુવાન અને શક્તિશાળી હોય તેવા 2-5 પક્ષીઓ સૌથી મોખરે, પછી વચ્ચે ઘરડાં-બુઢાં-બીમાર અને નાની વયના, અને છેલ્લે પાછા સશક્ત હોય તેવાએ રહેવાનું હોય છે. આવી વ્યવસ્થાને ચૂસ્તપણે સૌએ વળગી રહેવાનું હોય છે અને એટલે જ સૌ સલામતરીતે ધાર્યો પ્રવાસ વિના વિઘ્ને કરી શકે છે, તેવી સમજણ પ્રકૃતિએ પંખીઓમાં પણ આપી છે, અને એ પ્રમાણે એનો અમલ એ સમાજ બહુ ચીવટ લઈને કરે પણ છે.

      અમે પતિપત્ની બન્ને ઇઝ્રાઇલ ખેતી જોવા-સમજવા અને વિશ્વકૃષિમેળો માણવા ૨૦૧૫માં ત્યાં ગયાં હતાં. ત્યાંથી આપણ-ખેડૂતોને ઉપયોગી ઘણી બધી બાબતો જાણવા-સમજવા મળી. તે ઉપરાંત ત્યાં ૫૦ -૬૦ અને ૧૦૦ -૧૨૫ ખેડૂત કુટુંબો સહકારી ભાવનાથી ભેળા ભેળા જ રહેતા હોય, બધાં જ એક રસોડે જમતાં હોય, બધાનાં કપડાં એક લોંડ્રીમાં ધોવાતાં હોય, બધાંના બાળકો એક નિશાળમાં ભણતાં હોય, બધાને એક સરખા કલાક કામ કરવાનું હોય, પછી કામ ભલે પોતપોતાની આવડત પ્રમાણે સૌએ કરવાનું હોય પણ વેતન દરેકને સરખું મળતું હોય, અને વરસ દા’ડે ખેતી અને અન્ય ધંધામાંથી માંથી મળતો નફો પણ સૌને સરખે હિસ્સે મળતો હોય એવા કેટલાક “કિબુત્સ” ની અમે મુલાકાત લીધી હતી. એકબીજાના સહકાર સાથે રહેવાના કેવા કેવા લાભો એ લોકો મેળવી રહ્યા છે તેની વાતો જાણી અમે તો દંગ રહી ગયા હતા.

આપણે એકબીજાને સહકાર દાખવતા થઈ જઈએ તો :

આપણામાં કહેવત છે કે “પહેલો સગો પાડોશી” આપણે રહ્યા ખેડૂત. વ્યવસાય હોય ખેતીનો. આપણા ખેતર-વાડી ફરતી એ કોઇને કોઇની જમીન તો આવેલી જ હોય ! એટલે એ જમીનવાળા થયા આપણા શેઢાપાડોશી ! એમની સાથે સહકારભર્યું વર્તન હોય તો આપણી ઘણી ચિંતા ઓછી થઈ જાય, જેમકે કોઇ કારણસર આપણે વાડીથી દૂર જવાનું થાય ત્યારે તેઓને ભલામણ કરી દઈએ કે “ભૈલા, ધ્યાન રાખજે વાડીનું-ઘડીક” તો કોઇ રેઢિયાર ઢોરું-હરણાં-રોઝડાં કે બાંગરિયા ખુંટિયા તો શું કોઇ અસાગરા માણસો સુધાંના દેન નથી કે રેઢી વાડીમાં ઘુસી નુકશાન કરી શકે !

     અરે, વાડી લઈને બેઠા હોઇએ એટલે કામોય કેટલાય પ્રકારના હોય અને પાર વિનાના સાધનોનોય ખપ પડતો હોય છે. કોશ-કોદાળી-પાવડો-તગારાં-ત્રિકમ-ચીપિયો, ખંપાળી-કુહાડો-ધુંસરી-પાના-ચલાખા-પછેડી-બુંગણ-કે દાતરડી-જેવા કોઇને કોઇ સાધનની ઓચિંતાની જરૂર ઊભી થાય કે ક્યારેક વળી રેંકડામાં પંચર પડી જવું કે દવા છાંટવાનો પંપ બગડી જવો,કે બળદ લૂલો થઈ જવા જેવા સાધન સરંજામના ખોટકા-ભાટકા વખતે શેઢાપાડોશી જ ભેરે આવે જો આપણે એની સાથે સહકારભર્યું વર્તન રાખ્યું હોય તો !

     ખેતી કામમાં અકસ્માતો ઓછા નથી ઊભા થતા. ક્યારેક કોઇ બાંગરિયું છોકરું કાંટાળી વાડમાં મધ પાડવા ગયું, ને વાડ સળગી તો ? ખળામાં બાજરાના ડુંડા તપાવવા પહોળા કરેલા હોય અને ઓચિંતાનો વરસાદ હરુડવા માંડે તો ? વાડીના ગાય-ભેંશને પ્રસુતિની પીડા ઉપડે અને છૂટકારો ન થતા ડૉક્ટરને તેડાવ્યા પછી નિદાન કરે કે “બચ્ચું આડું છે, જાનવરને સુવરાવી ગોળ ગોળ દોડવવું પડશે એવું કહે તો ? આવા અણધાર્યા આકસ્મિક પ્રસંગે એકલા માણસ શું કરી શકીએ કહો ! પાડોશી સાથે સહકારભર્યું વર્તન હોય તો સાદ કર્યા ભેળા તેઓના સાતેય કામ પડતા કરી આપણી મદદમાં હાજર થઈ જાય ને ?

      જાહેર સહકારી ભાવનાની વાત કરીએ તો આજે ગામડે ગામડે જે સહકારી મંડળીઓ કાર્યરત છે તે સહકારી ભાવનાનો ઉત્તમ નમૂનો છે. આણંદ અને મહેસાણા વિસ્તારમાં દૂધ સહકારી મંડળીઓ અને એના થકી ચાલતી અમૂલ જેવી દૂધ ડેરીઓ પણ સહકારી ભાવનાના ઉત્તમ અને પ્રેરણાદાયી નમૂનાઓ છે. પણ માત્ર “દૂધ” એક ખેડૂતોની પેદાશ નથી. દૂધ ઉપરાંત પણ અનાજ, કઠોળ, શાકભાજી, ફળો, મસાલા, તેલીબિયાં અને રૂ-રેસાના પાકો પણ ખેડૂતો પકાવીએ છીએ. તે બધાનું વેચાણ પણ એકલ દોકલ ધોરણે જે થઈ રહ્યું છે તેને બદલે સહકારી રીતે વિવિધ સંગઠનો શરૂ કરાયા હોય તો વધુ સારા ભાવો જરૂરથી મળી શકે.

અને એવું જ ખેતીમાં વપરાતા ખાતર-બિયારણ-પાકરક્ષક દવાઓ અને નાના મોટા ખેત ઓજારોની ખરીદીમાં પણ એકલદોકલ રીતે ખરીદ કરવામાં બહુ માર ખમવાનો થાય છે. અમે “કૃષિ વિકાસ મંડળ” ના  સભ્યોએ ભેગા મળી, થોડી મૂડી ઊભી કરી એક “અપના કિસાન મોલ” શરૂ કર્યો, અને જથ્થાબંધ રીતે જણસોની ખરીદી કરી બજાર કરતા ઘણા બધા ઓછા ભાવે ખેડૂતોની છૂટક જરૂરિયાતો  પૂરી પાડી શકાય છે તેવો સફળ અનુભવ અમોને રહ્યો છે.

એવું જ કેટલીક મૂલ્યવર્ધિત પ્રક્રિયાઓ દરેક ખેડૂત માટે વ્યક્તિગત રીતે કરવી સંભવ નથી. એમાં જોઇતું મૂડી અને સમયનું રોકાણ જો સહકારી ક્ષેત્રે જવાય તો જ ઊભું કરી શકાય તેમ છે. દુનિયાના તમામ અર્થકારણોમાં સહકારી પદ્ધતિ જ સર્વશ્રેષ્ઠ પૂરવાર થઈ છે. પરંતુ તે માટે આપણે સૌએ સંકુચિત કુટુંબભાવનાની જગ્યાએ સામૂહિક જીવનભાવના લાવવી જરૂરી થઈ પડે છે.

મિત્રો ! ચારેકોર નજર ફેરવશો તો ખ્યાલ આવશે કે ચાલુ નોકરિયાતોના સંગઠન હોય, નિવૃત નોકરિયાતોના સંગઠન હોય, વેપારીઓના સંગઠન હોય, ઉદ્યોગકારોના, ટ્રક માલિકોના, રીક્ષાવાળાના, અરે ! દાઢી-બાલ કરનારા અને ઢોલ વગાડનારાના પણ જો સંગઠનો હોય અને એ લોકો એ સંગઠનના જોરે પોતાનો અવાજ સરકારમાં રજુ કરી, [એ અવાજ માત્ર એક વ્યક્તિનો નહીં પણ એક સહકારી સમાજ-સંગઠનનો અવાજ હોઇ, સરકારે પણ સાંભળવો પડે] ધાર્યા કાર્યો કરાવી શકતા હોય તો પછી જ્ઞાતિ-જાતિની વાત છોડો-જે ખેતી કરે છે તે બધા ખેડૂતો ગણાય. ગણતરી કરીએ તો કેટલી વિશાળ ખેડૂતોની સંખ્યા થાય ? અને છતાં ખેડૂતોનો અવાજ સરકારના કાને ન ધરાતો હોય તો કારણ બસ આ એક જ છે કે આપણા ખેડૂત સમાજમાં સહકારની ભાવના ખૂટે છે, અને ખેતીકરનાર વર્ગનું મજબુત સંગઠન નથી.

મનુભાઇ પંચોળી-દર્શક તો એટલે સુધી કહેતા કે વાત સાવ સાચી હોવા છતાં તેનું ધાર્યું પરિણામ લાવવું હોય તો “સત્યને પણ સંગઠિત થવું પડતું હોય છે.” સાવ સાચી વાત કહી છે એમણે. આપણે ત્યાં જિલ્લા અને રાજ્ય લેવલે ખેડૂતોનું એક બિપિનભાઇ દેસાઈ વાળું  “ખેડૂત સમાજ” નામક સંગઠન કાર્યરત છે, એના દ્વારા ખેડૂતોના કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટેના સફળ પ્રયત્નો પણ થયા છે, છતાં હોવો જોઇએ એટલો ટેકો ખેડૂતો તરફથી મળી રહ્યો નથી એ પણ એટલી જ સાચી વાત છે, જે ખરેખર ખેડૂતોની નબળાઇ જ ગણાય. એ બાબતે જાગૃત થઈ, આ નબળાઇ આપણે જેટલી વહેલી ખંખેરશું એટલા વહેલા બે પાંદડે થઈશું.


સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com