મંજૂષા
વીનેશ અંતાણી

બરાક ઓબામા યુ. એસ. એ.ના પ્રમુખ હતા ત્યારે એમની પત્ની મિશેલ જાહેર જીવનમાં ખૂબ વ્યસ્ત રહેતાં હતાં. પતિની સાથે અને ફર્સ્ટ લેડી તરીકે એમની વિઝિબિલિટી ઘણી હતી. વર્ષ ૨૦૧૦માં ‘ફોર્બ્સ’ મેગેઝિન દ્વારા એમને વિશ્વની શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મળ્યું હતું. ઓબામા પ્રમુખપદેથી નિવૃત્ત થયા પછી પણ મિશેલ જાહેર કાર્યક્રમોમાં દેખાતાં હતાં, પરંતુ છેલ્લા થોડા સમયથી એમની જાહેરમાં ઉપસ્થિતિ ઓછી થવા લાગી હતી. એ કારણે ઓબામા દંપતી છૂટાછેડા લેવાનું છે એવી અફવાઓએ જોર પકડ્યું હતું. થોડા સમય પહેલાં મિશેલે એક ઇન્ટરવ્યૂમાં છૂટાછેડાની અફવા નકારી કાઢી હતી અને કહ્યું હતું કે એ હવે ‘પોતાના’ સમયનો ‘પોતાની રીતે’ ઉપયોગ કરવા માગે છે. એ જાત પ્રત્યે વધારે ધ્યાન આપી રહ્યાં છે. બહારથી લાદવામાં આવતી અપેક્ષાઓની સરખામણીમાં એ પોતાને જે કરવું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. એમણે કહ્યું હતું: ‘મારી બંને દીકરીઓ મોટી થઈ ગઈ છે, એથી મારી ઇચ્છા મુજબ મને ગમતાં કામો કરવાની સ્વતંત્રતા મળી છે.’ એ એમનું કેલેન્ડર પોતાના અગ્રતાક્રમ પ્રમાણે જ ઘડવા માગે છે. મિશેલે કહ્યું હતું કે મહિલાઓએ જીવવાની દિશા જાતે નક્કી કરીને આગળ વધવું હોય તો ઘણી વાર ‘અસુવિધા’નો સામનો કરવો પડે છે. લોકો સ્વીકારવા તૈયાર નથી હોતા કે કોઈ મહિલા ‘પોતાની રીતે’ જીવવાનું વિચારી શકે.
આ દૃષ્ટાંત વર્ષ ૨૦૨૫નું છે. આજના સમયમાં પ્રતિભાવંત મહિલાઓ જાહેર જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં સર્વશ્રેષ્ઠ પ્રદાન કર્યું છે અને કરવાની છે, અવકાશયાત્રા, રાજકારણ, સાહિત્ય અને અન્ય કળાઓ. રમતગમત, વિજ્ઞાન-ટેક્નોલોજીમાં સંશોધન અને શોધ, બિઝનેસ, શિક્ષણ – એમ અગણિત ક્ષેત્રોમાં આજે મહિલાઓ અગ્રેસર છે. ‘પુરુષ સમોવડી’ શબ્દ હવે જૂનવાણી બની ગયો છે. સ્ત્રી કોઈની સમોવડી બનવાની સ્પર્ધામાં નથી, એ હજી પણ વધારે આગળ વધવા માટે પોતાની જાત સાથે જ સ્પર્ધા કરી રહી છે. એમને સ્ત્રી હોવાનું ગૌરવ છે, પરંતુ એમને માત્ર સ્ત્રી તરીકે જ જોવામાં આવે તો તે એમને મંજૂર નથી. સ્ત્રી હોવાનો અર્થ માત્ર એટલો જ નથી કે એ પુરુષ નથી. કદાચ પુરુષ હોવું એમના માટે મહત્ત્વનું ન પણ હોય. સ્ત્રી માટે સ્ત્રી હોવું જ પર્યાપ્ત અને સંપૂર્ણ છે. એક સમયે પુરુષોએ કબજે કરી લીધેલા સમાજમાં મહિલાઓએ એમના અધિકારો માટે ઝઝૂમવું પડ્યું હતું.
એ વિષય પર ૧૮૮૨માં જન્મેલાં અંગ્રેજીનાં સુપ્રસિદ્ધ લેખિકા વર્જિનિયા વૂલ્ફે ‘અ રૂમ ઓફ વન્સ ઑન’ નામનું પુસ્તક આપ્યું છે. એમાં એમનો સંદર્ભ મહિલા સાહિત્યકારોનો છે, છતાં એમના વિચારો સમગ્ર મહિલાઓના અધિકાર અને અને એમના અસ્તિત્વના સ્વાતંત્ર્યના પ્રશ્નો પર વેધક પ્રકાશ પાડે છે. એમણે એવા મતલબનું કહ્યું હતું કે તમે અમારા પર ગમે તેવાં કડક બંધનો લાદો, તમારી પાસે એવો કોઈ દરવાજો નથી, કોઈ તાળું નથી, કોઈ આગળિયો નથી કે જેનાથી તમે ‘મારા’ એટલે કે સ્ત્રીઓનાં આંતર્વિશ્વને, એની ચેતનાને, કેદ કરી શકો. આ વિધાનથી એમણે પુરુષપ્રધાન સમાજની સામે રીતસરનો પડકાર ફેક્યો હતો. એમણે લખ્યું છે તેમ તે સમયે વિદ્યાર્થીનીઓને યુનિવર્સિટીના પ્રાંગણની લૉન પર ચાલવાની છૂટ નહોતી અને અધિકૃત પરવાનગી વિના લાઇબ્રેરીમાં પ્રવેશ કરવાની અનુમતિ નહોતી. એ વાત કહેવા માટે એમણે એક યુનિવર્સિટીને કાલ્પનિક નામ આપીને ઉદાહરણ આપ્યું હતું. વર્જિનિયા વૂલ્ફના સમયમાં સ્ત્રી-અધિકારોની ચળવળ જોર પકડી રહી હતી. એમનું જાણીતું વિધાન છે કે દરેક સ્ત્રીનો પોતાનો એક અલાયદો રૂમ હોવો જોઈએ. લેખનકાર્ય માટે મહિલાસર્જકોની અલગ જગ્યાના સંદર્ભમાં કહેવાયેલો આ મુદ્દો બધી મહિલાઓને લાગુ પડે છે. દરેક સ્ત્રી પાસે પોતાનું કામ પોતાની રીતે કરવાનો પૂરતો અવકાશ આપતું અલાયદું સ્થાન હોવું જોઈએ, એની પાસે નવરાશનો સમય હોય, પ્રાઇવસી હોય અને આર્થિક આઝાદી પણ હોય.
સ્ત્રીઓની પરિસ્થિતિમાં ઘણો બદલાવા આવ્યો છે, છતાં ઘણું કરવાનું બાકી છે. સ્ત્રીઓને સમજવા માટે પુરુષોએ પુરુષત્વના ખોખલા અને દંભી દાયરામાંથી બહાર નીકળવું પડે. સ્ત્રીને સન્માનની નજરે જોવામાં આવે, એણે અવ્યક્ત રાખેલું પણ આપણા સુધી પહોંચે એવી પરિસ્થિતિ ઊભી કરવાની જવાબદારી સમગ્ર સમાજની છે. પુરુષોએ પચાવી પાડેલા દરેક અધિકાર પર સ્ત્રીઓનો પૂરો હક છે. એ હક એમણે માગવાનો ન હોય, સામેથી મળવો જોઈએ.
સંથાલી કવયિત્રી નિર્મલા પુતુલની હિંદી કવિતામાં એક આદિવાસી કન્યા એના જીવનસાથી તરીકે સામાન્ય માણસ જેવા પુરુષને ઝંખે છે. એનામાં મર્યાદાઓ હોય, પણ એનું વલણ માનવીય હોય. આદિવાસી કન્યાને સર્વગુણ સંપન્ન પતિ જોઈતો નથી, સહૃદયી પાત્ર જોઈએ છે, જે સાચા અર્થમાં સાથીદાર હોય. કન્યા એના પિતાને કહે છે: ‘મને એવા પુરુષ સાથે પરણાવજો, બાબા, જે કબૂતરની જોડીની જેમ હંમેશાં મારી સાથે રહે, ઘરનાં અને ખેતરોનાં કામોથી માંડી નાનાંમોટાં સુખ-દુ:ખ મારી સાથે વહેંચે. એ સૂરીલી વાંસળી વગાડતો હોય અને ઢોલક-ઢોલ વગાડવામાં પારંગત હોય.’ એક સ્ત્રી તરીકે એને જીવનમાં સૂર અને લયતાલનો સમન્વય જોઈએ છે. એ કહે છે: ‘વસંતના દિવસોમાં પતિ મારે માટે પલાશનાં ફૂલ લાવે, હું ભૂખી હોઉં તો એ એક કોળિયો પણ પેટમાં નાખી ન શકે. બાબા, મને એવા પુરુષ સાથે પરણાવજો.’
આ કવિતાની આદિવાસી કન્યાને પણ માર્શેલ ઓબામા, વર્જિનિયા વૂલ્ફ અને આજની અનેક સ્ત્રીઓની જેમ પોતાના જીવનમાં પોતાનું અલાયદું સ્થાન જોઈએ છે, કોઈએ કહ્યું છે – જો એ લોકો એમની સાથે બેસવા માટે તમારા માટે ખુરસી ખાલી ન રાખે તો ફોલ્ડિંગ ખુરસી લઈ આવજો અને તમારું સ્થાન નિયત કરજો.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
