દીપક ધોળકિયા
સ્નેહી શ્રી ભગવાનભાઈ,
વેબગુર્જરી પર તમારો ‘શિપ ઑફ થિસિયસ’ વિશેનો લેખ, શિપ ઓફ થિસિયસ – આપણી અસલિયતની ઓળખ, વાંચ્યો તે જ ઘડીથી આ વિષય પર લખવા મગતો હતો પણ એક યા બીજા કારણસર મુલતવી થતું ગયું. આ વિષય ગહન છે અને ફિલ્મમાં કેટલાય પ્રશ્નો છે. તમે સંક્ષેપમાં – પણ બરાબર – ન્યાય આપ્યો છે. એક સ્પષ્ટતા કરી દઉં. આ ‘શિપ ઑફ થિસિયસ’ પાછળના દર્શન વિશે સ્વતંત્ર લેખ છે. તમારો લેખ નિમિત્ત બન્યો છે એટલે આભારની લાગણી વ્યક્ત કરવા આ લેખ તમને અર્પણ કરું છું.

મૂળ સવાલ એ છે કે આપણી અંદર બધું બદલાઈ જાય તો આપણે ‘આપણે’ રહીએ? અથવા બધાં અંગોના સમુચ્ચય સિવાય આપણામાં એવું શું છે જે આ સમુચ્ચયની ઉપર છે અને પોતાને ‘હું’ તરીકે ઓળખે છે અને બધાં અંગોને પોતાનાં અંગો તરીકે ઓળખાવે છે – મારો હાથ, મારું શરીર, મારું મન. આમ બોલનાર કોણ? કંઈક આવી જ એક પાકિસ્તાની વાર્તાનો મારો અનુવાદ વેબગુર્જરી અને ‘મારી બારી’ પર હતો, ૨૦૧૪માં આ અનુવાદ, નર-નારી[1], પ્રકાશિત થયો હતો.
આ જટિલ સવાલના જવાબ ઘણા છે. શિપ ઑફ થિસિયસ વિશેની ચર્ચા આ દૃષ્ટિએ દાર્શનિક છે અને એમાંથી “‘હું’ કોણ?” જેવા સવાલોના જવાબ શોધવાના પ્રયાસ થાય છે. તરત મનમાં આવે તેવો જવાબ એ છે કે ‘હું’ એટલે આત્મા. અને આપણે મૂળ આત્મા છીએ એટલે શરીરના સ્વામી તરીકે બોલીએ છીએ. મોટા ભાગે તો એના આવા જવાબ તરત મળે છે, પણ મારી સમજ થોડી જુદી છે.
“આપણે બદલાઈ જઈએ છીએ અને બીજી વ્યક્તિ છીએ” અથવા આપણે આત્મા છીએ – એવા જવાબોમાં હું નથી પડતો. શિપમાં બધું બદલાઈ ગયું તો પણ લોકોની નજરે એ થિસિયસનું જ શિપ રહ્યું. મને તો એ જ મોટી ઘટના લાગે છે કે લોકો આમ શા માટે માનતા રહ્યા? એનાં કોઈ કારણ છે? આવું કેમ બને છે એમાં મને વધારે રસ છે.
એ શિપ તદ્દન બદલાઈ ગયું હોવા છતાં કોણ એને થિસિયસનું શિપ જ માનતા હતા? જવાબ સહેલો છે. શહેરવાસીઓની સ્મૃતિમાં એ થિસિયસનું શિપ રહ્યું. એટલે જ, મારો ખ્યાલ છે કે મૂળ સવાલ એ નથી કે એને થિસિયસનું શિપ કહેવાય કે નહીં; મૂળ સવાલ એ છે કે એને થિસિયસનું શિપ માનતા રહેવા માટે લોકોને કયું પરિબળ પ્રેરિત કરતું હતું? જવાબ છે – એમની સ્મૃતિ. સ્મૃતિ દૈનિક અનુભવો, પરંપરાઓ અને માન્યતાઓ જેવી સૂક્ષ્મ ઘટનાઓના સંગ્રહમાંથી આકાર લે છે. સ્મૃતિ વારસામાં પણ મળે છે, જેને આપણે ‘ઇતિહાસ’ કહીએ છીએ.
હવે આપણે આ વાતને ફિલોસોફીમાં લઈ જઈએ, જે શિપ ઑફ થિસિયસની મૂળ કથા (માત્ર ફિલ્મ નહીં)નો ઉદ્દેશ એ જ છે. હું તદ્દન બદલાઈ ગયો તેમ છતાં હું મારા ભૂતકાળ અને વર્તમાનને કેમ એક નિરંતર ‘હું’ તરીકે ઓળખી શકું છું? અહીં પણ હું કહીશ કે હું બદલાઈ ગયો હોવા છતાં સ્મૃતિને જ કારણે મારી જાતને ‘હું’ તરીકે જ જોઉં છું, જેવું શિપ ઑફ થિસિયસ વિશે છે. હું ભૂત કે વર્તમાનનો ભેદ કરતો નથી. હું મારા ગઈકાલના ‘હું’ને ઓળખું છું. એ ‘હું’ તરીકેની મારી સ્મૃતિ આજે પણ ટકી રહી છે. બદલાવા માટે ધડ અને માથાને અલગ કરવાની જરૂર નથી. હું જીવતો જાગતો ‘શિપ ઑફ થિસિયસ’ છું. શૈશવ, કૈશોર્ય, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા મેં અનુભવી છે અને દરેક અવસ્થામાં હું એવો બદલાયો છું કે એનાથી પહેલાંની અવસ્થા કે અવસ્થાઓમાં હું જે હતો તેની સાથે કશી જ લેવાદેવા નથી રહી. તેમ છતાં મારી સ્મૃતિ મને પાછલી બધી અવસ્થાઓ સાથે જોડી રાખે છે. “હું કરું છું” હવે “મેં કર્યું” માં પરિવર્તિત થઈ જાય છે પણ ‘હું’ વ્યાકરણના નવા રૂપે હાજર રહે છે.
બીજું ઉદાહરણ લઈએ. આજે હું મારો બાળપણનો ફોટો જોઉં છું તો પણ હું એને ઓળખી લઉં છું કે આ હું છું. આમ જુઓ તો એ ફોટાનો ‘હું’ મારા આજના ‘હું’ કરતાં એટલો જુદો છે કે ઓળખી લેવાને માટે કોઈ કારણ નથી. આમ તો આપણે અરીસાની મદદ વિના કોઈ પણ અવસ્થામાં આપણો પોતાનો ચહેરો જોઈ શકતા નથી, તો આપણા ચહેરાને ઓળખી કેમ જઈએ છીએ? ખાસ કરીને સાત વર્ષના બાળકનો ચહેરો સિત્તેર વર્ષના જઈફ્ના ચહેરા કરતાં જુદો જ છે. વાત એમ છે કે આપણે ચાર-પાંચ વર્ષની ઉંમરે અરીસામાં જોઈને પોતાના ચહેરાને ઓળખતા થઈ જઈએ છીએ. એ આપણી સ્મૃતિમાં જડાઈ જાય છે એટલે ફોટો જોતાં એ સ્મૃતિ ઓળખાણમાં મદદ કરે છે. મારી સ્મૃતિ ‘હું’ રૂપે સતત મારી સાથે રહી છે. આવી સામુદાયિક સ્મૃતિએ જ શિપ ઑફ થિસિયસને ‘શિપ ઑફ થિસિયસ’ રહેવા દીધું. આપણી સાથે પણ એવું જ થાય છે.
આમ છતાં આપણી ભૂતકાળની અવસ્થાથી કપાઈ ગયા હોઈએ છીએ. શિક્ષકે તમને ફુટપટ્ટીથી માર માર્યો હોય ત્યારે તમારા એ ‘હું’ એ બહુ દુઃખ અનુભવ્યું હોય પણ એ ઘટનાની આજે વાત કરતી વખતે તમારો આજનો ‘હું’ એના પ્રત્યે તટસ્થ થઈને બોલી શકે છે, અથવા હસવાની વાત હોય તેમ બોલશે. એ વખતના દુઃખથી તમે કપાઈ ગયા છો. ફુટપટ્ટી મારનાર શિક્ષકનો ચહેરો યાદ આવી જશે તો પણ એ વખતની લાગણીઓ પેદા નહીં થાય. એનો અર્થ એ કે એ વખતનો ‘હું’ હવે નથી રહ્યો, આપણો આજનો ‘હું’ જુદો છે. આત્મા બદલાય ખરો? આ જ કારણે ‘હું’ આત્મા નથી, સ્મૃતિ છે. એ આ જ શરીરમાં ગોઠવાયેલા મગજની કલા છે.
મારો દાવો સાચો હોય તો એ સવાલ તો ઊભો જ રહે છે કે, આ સ્મૃતિને ‘હું’ તરીકે શા માટે ઓળખીએ છીએ? કોઈને એમ થાય કે સ્મૃતિને ‘હું’ તરીકે ઓળખાવવાનો મારો પ્રયાસ કાચો છે કારણ કે સ્મૃતિ સિવાયનાં કાર્યોમાં પણ ‘હું’ નું અસ્તિત્વ હોય છે. સવાલ વાજબી છે અને મારે એનો જવાબ આપવો જોઈએ.
આપણે દરેક જણ પોતાને ‘હું’ તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે ‘અમે’ અને ‘આપણે’ તરીકે પણ ઓળખીએ છીએ. ‘હું’ સર્વનામ છે એટલે એ એક જગ્યાએ ચોટીને ન રહે. જેને ઠીક લાગે તે એનો ઉપયોગ કરી શકે. પણ ‘હું’ પ્રકૃતિમાં માત્ર માનવસમાજના એક જ એકમ દ્વારા પોતાની અસ્મિતાની જાહેરાત તરીકે વપરાય છે અને એ એકમ પોતાની આગવી સામુદાયિક પરંપરાઓ અને સ્મૃતિઓ દ્વારા બન્યું હોય છે. એનો અર્થ એ થયો કે જન્મ પછી બાળક આસપાસ ફરતાં લોકોને જોઈને કદાચ કંઈક અંશે ‘અમે’ અને ‘આપણે’ જેવી અનુભૂતિ સૌ પહેલાં કરે છે, ‘હું’ની નહીં. આપણે આવાં અલગ અલગ એકમો છીએ એટલે આપણે સૌ પોતાના શરીર માટે ‘હું’નો પ્રયોગ કરીએ છીએ. ‘હું’ દરેકનો અલગ છે કારણ કે એ દરેકની પરંપરાઓમાંથી બન્યો એટલે એ એક સામુદાયિક ઘટનાનું એક પરિમાણ છે. પહેલાં ‘અમે/આપણે’ની સજીવ અનુભૂતિ થાય છે તે પછી બધા સમાનોમાં અલગ હોવાની એટલે કે ‘હું’ની અનુભૂતિ થાય છે. જ્યાં સુધી બાળકને બીજાનો પરિચય નથી થતો ત્યાં સુધી એનો હું પણ પેદા નથી થતો. બાળક પોતાને ‘હું’ તરીકે ઓળખાવે તે પહેલાં એ તમે આપેલા નામથી જ પોતાને ઓળખે છે. “કીકુ ખાશે”, “કીકુને પાણી પીવું છે”, વગેરે. જેમ જેમ એની સામાજિકતા વધતી જાય છે તેમ તેમ ‘હું’ તરફ એની ગતિ પણ વધે છે અને એક દિવસ એ પોતાના માટે ‘હું’ નો પ્રયોગ પણ શરૂ કરી દે છે.
સૌને અલગ અસ્મિતાનો બોધ પણ એટલો જલદી થતો હોય છે કે એ સ્મૃતિનો વિષય બને તે પહેલાં જ સ્થાયી થવા લાગે છે. એના માટે સ્મૃતિની જરૂર પણ નથી. સ્મૃતિ સિવાય અને સ્મૃતિથી અલગ આ અસ્મિતાબોધ વિકસ્યો હોય છે. બાળક ઘરમાં રહીને શુદ્ધ વ્યાકરણવાળી ભાષા શીખી લે છે તેમાં પણ સ્મૃતિની કોઈ ભૂમિકા નથી. એ અસ્મિતાના ભાગ તરીકે વિકસે છે. આ અસ્મિતાબોધ વ્યક્તિના જીવનનો આધાર છે એટલે ‘હું’માં કર્તાભાવ અને સાક્ષીભાવ પણ પ્રવેશે છે. એ જે કરે છે અથવા જૂએ છે તે એની પ્રતિક્રિયા છે, જે આપણે કદાચ સરિસૃપો (Raptiles) પાસેથી લીધી છે. પ્રતિક્રિયા સરિસૃપોનો ગુણધર્મ છે. અંગ્રેજીમાં એને fight or flight કહે છે. દુશ્મનને જુઓ, તે પછી બે જ વિકલ્પ છે – કાં તો લડો, કાં તો ભાગો. આપણી બધી પ્રતિક્રિયાઓ આનું જ વિકસિત રૂપ છે.
પરંતુ પ્રતિક્રિયા સ્મૃતિના માર્ગે નહીં, જિજીવિષામાંથી એટલે કે અલગ હોવા છતાં સમૂહનો ભાગ બની રહેવાની – સર્વાઇવલની – જરૂરિયાતમાંથી જન્મે છે. આપણી આ સમજણ એટલી અનાદિ છે કે બે વ્યક્તિઓ એક જ ક્ષણમાં પોતાના માટે ‘હું’નો પ્રયોગ કરે તો પણ એ સ્વાભાવિક લાગે છે. એક જણ કહે કે “હવે હું જઈશ” અને તે જ સમયે એનો મિત્ર કહે કે “હવે હું સુઈશ”. બન્ને ‘હું’ કહે છે પણ બેમાંથી કોઈ એવો દાવો નથી કરતો કે ‘હું’ બોલવાનો અધિકાર માત્ર મારો છે. આપણે અંતર્નિહિત જ્ઞાનથી જાણીએ છીએ કે બન્ને ‘હું’ બે અલગ એકમો માટે છે. એટલું જ નહીં, ‘હું’નો પ્રયોગ માત્ર હું જ કરીશ, બીજું માનવએકમ મને ‘હું’ તરીકે નહીં સંબોધે; એના માટે હું “તું” અથવા “તમે” કે “એ” અથવા “તે” છું. આમ દરેક એકમ એક બાજુથી બીજા એકમના ‘હું’ માટે લક્ષ્મણરેખા દોરી આપે છે અને, બીજી બાજુથી પોતે પણ બીજાની લક્ષ્મણરેખા ન ઓળંગવાનું વચન પણ આપે છે. આવી લક્ષ્મણરેખા વિના કોઈ એકમની અલગ અસ્મિતા કેમ ટકી શકે?
આ રીતે જોતાં ‘હું’ની કોઈ વિશિષ્ટતા નથી. એ સર્વસામાન્ય છે અને દરેક એકમમાં એ એકસરખું કામ કરે છે. એનું કામ માત્ર સમુદાયના એક એકમને અભિવ્યક્તિ આપવાનું છે, તે સિવાય કંઈ નહીં. એ સતત હાજર રહે છે પણ દર વખતે નવા રૂપે. એ સ્મૃતિની મદદથી આપણી જુદી જુદી અવસ્થાઓના ‘હું’ઓને સાંકળીને નિરંતરતાનો ભાવ આપે છે. પણ વાસ્તવમાં પોતે નિરંતર નથી. ‘હું’નું સમાજની બહાર અસ્તિત્વ પણ નથી. સમાજમાં ‘હું’ આપણને બીજાથી અલગ એકમ તરીકે ઓળખાણ આપે છે, પણ એક નિર્જન ટાપુ પર તમે એકલા હો તો ‘હું’નું કામ શું પડે? જ્યાં સુધી ‘અમે’ કે ‘આપણે’ બોલવાના સંયોગો પેદા ન થાય ત્યાં સુધી ‘હું’ બોલવાના સંયોગ પણ પેદા નથી થતા.
ફિલ્મમાં અને મેં ઉપર આપેલી વાર્તામાં પણ સવાલ એ છે કે “આપણે કોણ છીએ?” અથવા “આપણે શું છીએ?” શરીરનું કોઈ અંગ બદલાઈ જાય તે પછી આપણે પહેલાં હતા તે જ રહી શકીએ? કે એવું કંઈક છે જે હજી પોતાને ‘હું’ કહી શકે છે? એવું ‘કંઈક’ હોય તો બધાં અંગોના સમુચ્ચય કરતાં આપણે અલગ, ઉપર અથવા બહાર છીએ. એને બધાની સાથે જોડીને બોલીએ તો અંગ્રેજીમાં કહે છે તેમ, The Whole is greater than the sum total of its parts. (સમગ્ર એના ઘટકોના કુલ સરવાળા કરતાં મોટું છે).
પરંતુ આ આપણી માત્ર ભ્રાંતિમૂલક પ્રતીતિ છે, જે આપણી ‘હું’ વિશેની અવાસ્તવિક ધારણામાંથી પેદા થાય છે. આપણે કંઈક અંશે ‘શરીર+” ના ખ્યાલથી બંધાયેલા છીએ. એટલે કદાચ એમ પણ કહીએ કે “મારું હૃદય બદલાવ્યું છે. આજે મારું હૃદય ખરેખર બીજાનું છે. એટલે એટલા પૂરતો હું નથી”. આમાં ભાષા પણ આપણને થાપ ખવડાવે છે. જો ‘હું’ એટલે જન્મદત્ત શરીર હોય તો આજે તમારી અંદર ધબકતું હૃદય તમારું નથી, એ સત્ય છે. પણ આપણે એવા નિષ્કર્ષ પર સહેલાઈથી પહોંચીએ છીએ કે આ ‘હું’ આત્મા છે જે આ બધાં અંગોનો સ્વામી છે. અને એ જ કારણે આપણે ‘મારું હૃદય’ ‘મારો હાથ’ વગેરે પ્રયોગો કરીએ છીએ. અહીં પણ ભાષા ભુલાવે છે. કારણ કે આપણે ‘મારો આત્મા’ પણ બોલીએ છીએ! તો ‘હું’ આત્માથી પણ ઉપર છે? “મારો આત્મા” કહેનાર કોણ છે? શરીરને ‘હું’ માનવાથી કેટલીક સમસ્યાઓ ઉકેલી શકાય છે. મારો આત્મા કે મારો હાથ, મારું શરીર વગેરેમાં જે અકળ મનાય છે તેના ભેદ નથી રહેતા.
ફરી એક સમસ્યા ઊભી થાય છે. આપણે ‘મારો આત્મા બોલીએ છીએ તેમ ‘મારું શરીર” પણ બોલીએ છીએ! તો “મારો આત્મા” કે “મારું શરીર” કહેનાર ‘હું’ કોણ? ધ્યાનથી વિચારીએ તો સમજાઈ જશે કે આ સમસ્યા જ નથી. એ માત્ર ભાષાપ્રયોગો છે. જેમ એકસો રુપિયાની નોટ તમારી છે, તેમ એના ભાગ જેવી દસ રુપિયાની નોટ પણ તમારી જ છે. તમે “મારી દસ રુપિયાની નોટ” કહી શકો તે જ રીતે “મારી સો રુપિયાની નોટ” પણ બોલી શકો છો. આમાં કોઈ અંતર્વિરોધ નથી. એ જ રીતે મારો હાથ, મારો પગ એમ કહેવાથી પણ કોઈ અંતર્વિરોધ ઉત્પન્ન નથી થતો અથવા એનો કોઈ અલગ માલિક હોવાનો વિચાર પણ જરૂરી નથી. એ માત્ર ભાષા પ્રયોગ છે.
પરંતુ એક વધારે મોટા અર્થમાં એ સાચું પણ છે કે ‘સમગ્ર’ એના ઘટકોના સમુચ્ચયની ઉપર છે. આપણી ભૂલ એ છે કે આપણે શરીરને ‘સમગ્ર’ માનીએ છીએ. એટલે જ અટવાઈએ છીએ કે “મારું શરીર” કહેનાર કોણ છે, અને એને આત્માની સાબિતી માનીએ છીએ. ખરેખર પ્રકૃતિ ‘સમગ્ર’ છે, માનવશરીર પણ એનું એક અંગ છે. પ્રકૃતિના અર્થમાં ‘સમગ્ર’ હંમેશાં એના ઘટકો કરતાં મોટું જ રહેવાનું છે. એટલે જ એકના હૃદયને બીજામાં બેસાડવાનું શક્ય બન્યું છે. વિજ્ઞાને માત્ર એમ કરવાની ટેકનિક શોધી છે, પ્રકૃતિને એ ઠીક ન લાગતું હોત તો આવી ટેકનિક પણ ન મળી હોત. પ્રકૃતિને કોનું હૃદય કોનામાં ધડકે છે એનાથી કશો જ ફેર નથી પડતો. એટલે જ્યારે શિપ ઑફ થિસિયસ બન્યું તે પહેલાં એ શિપ ઑફ થિસિયસ નહોતું, એ માત્ર ઝાડ હતું. એ જ રીતે એના ભાગો બદલાઈ ગયા તે પછી લોકો એને શિપ ઑફ થિસિયસ કહેતા રહે અથવા કહેવાનું બંધ કરે, પ્રકૃતિને એની સાથે કંઈ લેવાદેવા નથી. આપણે ‘હું નથી પણ પ્રકૃતિનું નાનું, તુચ્છ અંગ છીએ એમ માનતા થશું ત્યારે ઘણા સવાલોના જવાબ મળી જશે. તે પછી’હું’ની ખોજ પણ બંધ કરી દેશું. મુસીબત એ છે કે આપણા મગજમાં એવું ભરી દેવાયું છે કે આપણે પ્રકૃતિના સ્વામી છીએ અને માનવજાત ઉત્ક્રાંતિની શ્રેષ્ઠ અને અંતિમ રચના છે.
[1] નર-નારી – ઇન્તઝાર હુસૈન – સંક્ષિપ્ત ભાવાનુવાદ – દીપક ધોળકિયા
૦૦૦
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી

તમે સમગ્ર વિષયની વિશદ ચર્ચા કરી અને તલસ્પર્શી વિશ્લેષણ પણ !
માંરે મુખ્યત્વે ફિલ્મની વાત કરવી હતી એટલે પ્રાણ પ્રશ્નને અછડતો સ્પર્શીને હું તુરત ફિલ્મ ભણી વળી ગયો. આપે મુખ્ય વિષયને કેન્દ્રમાં રાખી આખી વાત વિસ્તારી અને ખોલી આપી એ ગમ્યું.
અભિનંદન અને આભાર !
LikeLike