નરેશ પ્ર. માંકડ

મણકો [૫]થી આગળ

કિંગશુક નાગ અમદાવાદ આવૃત્તિના રેસિડન્ટ એડિટર હતા ત્યારે ૨૦૦૨ના રમખાણોના અહેવાલને કારણે એક્ઝિક્યુટિવ એડિટર શેખર ભાટિયાને દૂર કરવા માટે દબાણ થયું હતું પણ ટાઈમ્સ અડગ રહ્યું.  ચેરમેન સમીર જૈને આ વાતનો અછડતો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ‘મને ખ્યાલ છે કે પ્રધાનમંત્રીની ઓફિસમાંથી દબાણ થયું હતું પણ મને ચિંતા નહોતી’.  સમીર ક્યારેય કોઈ સમાચારને સેન્સર કરવા કે પડતા મૂકવા માટે દબાણ ન કરતા.

+                                 +                                 +

છૂટક વેપારની અને ફિલ્મો તેમ જ નાટકોની જાહેરાત મેળવવા નિષ્ક્રિય પડેલાં રોટરી પ્રિન્ટિંગ મશીનને ઉપયોગમાં લેવાના હેતુથી ઇવનિંગ ન્યૂઝ ઓફ ઇન્ડિયા શરૂ કરવામાં આવ્યું હતું જે ૧૯૮૭માં બંધ થઈ ગયું.  દિવસના કાળાં અને સફેદ અખબારની અસરને ધોઈ નાખવા માટે આ સાંજના અખબારની રંગીન કથાઓ છાપવા માટે રંગોનો ઉપયોગ થતો. તેના ખબરપત્રીઓ ‘ આંટી ‘ ના દારૂના અડ્ડાઓની અને ક્યારેક અંડરવર્લ્ડના અડ્ડાઓની મુલાકાત લેતા.  પોલીસના એફ.આઇ.આર. કે સરકારી સમાચારોની શૈલી રિપોર્ટમાં ન આવી જાય એ માટે મથવું પડતું.

+                                 +                                 +

બહેરામ કોન્ટ્રાક્ટર ‘બિઝી બી’

ઇવનીંગ ન્યૂઝનું સહુથી જાણીતું ફીચર હતું બિઝી બી નું Round and About.  એમાં મુંબઈના નિમ્ન તેમજ ઉચ્ચ જીવનની કથાઓ વિશે ક્યારેય ન લખાઈ હોય એવી વાતો આવતી. આર્ટ બુચવોલ્ડની ન્યુયોર્ક ટાઇમ્સમાં પ્રગટ થતી કોલમ સાથે ઘણી વાર તેની તુલના કરવામાં આવતી, પણ એ પોતે એક દંત કથા બની ગઈ હતી. બીઝી બી ઉપનામધારી બહેરામ કોન્ટ્રાક્ટર – વાંકા વળેલ, દુબળા, બેફામ પીવા અને ધુમ્રપાન કરવા વાળા અને સોડા બોટલના કાચવાળા ચશ્માથી જગતને નિહાળનારા – શહેરના ગંદી સ્લમમાં ફરીને આખી રાત ચાલતા ખાણીપીણીના સ્થળોમાં જતા.  તેમણે મુંબઈના સુધરેલા સમૃદ્ધ લોકો માટે સ્લમમાં જવાનું ફેશનેબલ બનાવી દીધું અને લોકો ગંદી શેરીઓમાં સાત હાંડીમાં રંધાતા કબાબ અને સ્ટીકના વર્ણન વાંચીને એ ખાવા માટે ઉમટી પડતા.

લક્ષ્મણના સામાન્ય માણસની જેમ બીઝી બીનું પાત્ર હતું ‘ પત્ની ‘,   જેના દ્વારા તેઓ પોતાની ટિપ્પણી આપતા.  વાસ્તવમાં તેઓ કુંવારા હતા. પછી તેમણે ફરઝાના સાથે લગ્ન કરીને બધાને આશ્ચર્યનો આંચકો આપ્યો.  ફરઝાનાએ તેમની જિંદગી બદલાવી નાખી.  અત્યારે સર્વવ્યાપી બની ગયેલા સેલિબ્રિટીઓ હજી ચર્ચામાં ન હતા એટલે ખાઈ – પી ઉતરેલા રાજકારણીઓ અને કોઈ ક્યુબન ફિલ્મની મુલાકાત લેતા ફિલ્મ નિર્માતાઓની તેઓ ખબર લેતા.

બહેરામને તેમના સહકાર્યકર્તાઓ સાથે અને ટાઈમ્સના નિયમિત મુલાકાતીઓ સાથે પણ ઝઘડો થઈ જતો. લક્ષ્મણ જેમને પેટન્ટ લેધર હેર કહેતા તે એ.જી. નૂરાની – ખુશવંત સિંહના ખાસ મિત્ર અને સાંજના ચાલવાના કાર્યક્રમના સાથીદાર – એકવાર વીકલીની મુલાકાતે આવ્યા હતા. એ કટોકટીના દિવસો હતા જ્યારે પત્રકારો નેસ્તનાબૂદ જેવા થઈ ગયા હતા અને ભલભલા બંધારણીય નિયમોના આગ્રહીઓ ભયભીત હતા.  ગફુર નૂરાની જેવા પહેલા ટટ્ટાર અને કડક માણસ હવે પોતાના પડછાયા જેવા બની રહ્યા હતા, ત્યારે બહેરામ ત્યાં જઈ ચડ્યા અને મજાકિયા મિજાજમાં કહ્યું, ” શું નુરાની,  તમે હજી જેલમાં નથી ગયા ? ” ગફુરનો દબાયેલો ગુસ્સો બહાર ધસી આવ્યો અને ઉશ્કેરાયેલી ભાષામાં બહેરામને આડેહાથ લીધા. બહેરામ નિસ્પૃહ રીતે અને રમૂજથી એમના જાડા કાચના ચશ્મામાંથી નૂરાનીની જોઈ રહ્યા, પણ ઓફિસના બાકીના લોકો આઘાતથી થીજી ગયા. સદભાગ્યે નૂરાની પોતાના પોલીશથી ચળકતા જૂતાની  એડી પર જનુનથી ફરીને તેઓ ચાલતા થયા.  “એ આટલા ગુસ્સે કેમ થઈ ગયા?” બહેરામે બનાવટી નિર્દોષ ભાવથી પૂછ્યું.

ખ્યાતનામ પર્યાવરણવાદી અને ઔદ્યોગિક સામ્રાજ્યના ચેરમેન ગોદરેજ મેંગ્રોવ કે વાઘ કે સારસને બચાવવાના કોઈ વિષય પર પ્રેસ કોન્ફરન્સને સંબોધતા હતા. એમણે વક્તવ્ય પૂરું કર્યું, ત્યાં જ બહેરામ ઉભા થયા અને એમના નરમ અવાજમાં પ્રશ્ન કર્યો, ” મિસ્ટર ગોદરેજ તમારા નવા ટાઈપરાઈટરની ચાવી (keys ) કેમ નીકળી જાય છે?” બહેરામ નું પસંદગીનું ટાઈપીંગ મશીન હતું જરીપુરાણું અન્ડરવૂડ.  એના પર નમીને સ્ટૂલ પર બેસીને ૩૦ મિનિટમાં તેઓ પોતાની કોલમ લખી નાખતા ત્યારે તો હજી ન્યુઝ રૂમ ‘ જીવંત ‘ પણ થયો નથી હોતો.

૫:૧૭ ની બોરીવલીની કે બીજી કોઈ ફાસ્ટ ટ્રેન પર ઘર ભણી જઈ રહેલા થાકેલા લોકોને મનોરંજન આપતું ઇવનિંગ ન્યુઝ બપોરે 3:00 વાગ્યે બહાર પડતું.   બહેરામ ક્યારેક બચી કરકરિયાને પણ પોતાની ઝપટમાં લેતા, પણ માપસર, નવાગંતુક તરીકેના સ્થાનને ધ્યાનમાં લઈને. બચી ત્યારે ખુશવંત સિંહની અભૂતપૂર્વ સફળતાના પરાવર્તિત જાજવલ્યમાં મહાલતાં હતાં. તે પણ બહેરામની પાછળ કોઈ જગ્યાએ મળતી સ્વર્ગીય પરીઓની સાથે સ્પર્ધા કરે એવી કોઈ જગ્યાએ  બિરીયાની અજમાવી જોવા જતાં. પાછા ફરતા ટેક્સીને રોકીને બહેરામ કહેતા, ” ટાઈમ્સ ઓફ ઇન્ડિયા.” અને પછી બચી તરફ ફરીને કહે, ” હું વીકલી કહીશ તો એમને ખબર નહિ હોય ને?”

બહેરામ ટાઈમ્સના નિર્ભય ખબરપત્રી હતા. બસ્તરનો દુકાળ, ઔરંગાબાદના કોમી રમખાણો જેવા બનાવોને કવર કરવા ફરતા અને મસાલેદાર ગરમા ગરમ બટેટા વડા માટે જાણીતા સ્થળ ખોપોલી પણ જતા. બહેરામ આ બધા સ્થળોપર કોઈ નોંધ ન ટપકાવતા પણ પાછા ફરીને અવિસ્મરણીય ગદ્ય લખી કાઢતા.

નવભારત ટાઈમ્સ ના બહુ સફળતંત્રી વિશ્વનાથ સચદેવ પોતાના ખબરપત્રીઓને આ વાત હંમેશા કરતા.  પેટ્રોલિયમ મંત્રીએ પેટ્રોલની તંગીના સમયે બળતણની બચતના પગલાઓ જાહેર કરવા પત્રકાર પરિષદ બોલાવી. બધી ચીલાચાલુ વાતો થઈ. બધા રિપોર્ટરોએ લગભગ એકસરખો જ રિપોર્ટ કર્યો પણ બહેરામે  અંતમાં લખ્યું, “પરિષદના અંતે પેટ્રોલિયમ મંત્રી એમના 20 કારના કાફલા સાથે વિદાય થયા.”  વિશ્વનાથજી કહેતા કે સારા રિપોર્ટર અને મહાન રિપોર્ટરમાં આ જ ફરક છે.

બહેરામ કોન્ટ્રાક્ટર ૧૯૭૯ માં ટાઈમ્સ છોડીને ખાલીદ અન્સારી સાથે મીડ ડે માં જોડાયા અને પછી ૧૯૮૫ માં પોતાનું ‘આફ્ટરનૂન ડિસ્પેચ એન્ડ કુરિયર’ શરૂ કર્યું એટલે ‘રાઉન્ડ એન્ડ અબાઉટ કોલમ’ પણ એમની સાથે ગઈ. કહેવાય છે કે ઇવનિંગ ન્યુઝ આ કોલમને લીધે જ મુખ્યત્વે ચાલતું હતું, છતાં કોઈ ન્યૂઝ એડિટરે એ કોલમ માટે ચૂકવાતી વધારાની રકમ રૂપિયા ૭ થી વધારીને ૧૦ કરવાનો ઇનકાર કર્યો હતો.

+                             +                             +

મૅનેજમૅન્ટ અને તંત્રીમંડળ વચ્ચેનું ઘર્ષણ તો સમય જેટલું જ જૂનું છે. એક ખ્યાતનામ અમેરિકન અખબારે લિફ્ટ પણ એવી રાખેલી કે એડિટોરિયલ માળની લિફ્ટ મૅનેજમૅન્ટના માળ પર અટકતી નહીં અને મૅનેજમૅન્ટની લિફ્ટ એડિટોરિયલ માળ પર ઊભી ન રહેતી. ટાઈમ્સ આ હદે તો ગયું ન હતું પણ સમીર જૈને નવી ફિલસૂફી આપી.  અખબાર પ્રકાશનને ‘ ઉમદા ફરજ’ ગણાવતી એ સમયની પ્રચલિત માન્યતાના ધજાગરા ઉડાવતાં  તેમણે જાહેર કર્યું કે ‘અખબાર એક ધંધો જ છે અને એ સાબુની ગોટીની જેમ વેચાવું જોઈએ”. તેમણે પોતાની વાત પકડી રાખી,  સમગ્ર અખબાર જગતમાં માનભરી ગણાતી કેટલીય ‘પ્રતિમાઓ’ તંત્રી વિબાગમાંથી તેમનાં સ્થાનોએથી ‘ ગબ’ડી પડી,  આવક ઊભી કરતાં ડિપાર્ટમેન્ટ નવા સ્ટાર્સ બની ગયાં. જોકે વર્ષો જતાં તેઓ એડિટોરિયલ આવકનું મહત્વ સ્વીકારતા થયા, એડિટોરિયલ ની બૌદ્ધિક મૂડીનું મહત્વ સ્વીકાર્યું,  બંને વિભાગો વચ્ચે સરખા અને સમાન સંબંધો સ્થપાયા.

+                             +                             +

સમ્રાટનું શાસન

નવાં રૂપવાળાં અખબારો The Independent અને Metropolis on Saturday વહેતાં મૂકવા માટે સમ્રાટ પબ્લિકેશન્સ ૧૯૯૦ના દશકમાં આરંભમાં સર્જવામાં આવ્યું.  પ્રથમ અખબારે સોફિસ્ટીકેટેડ વાચકોને આકર્ષ્યા, બીજું શહેર કેન્દ્રિત બ્રોડશીટ હતું જે રંગીન પાનાઓ વધુ આપવા માટે ચાર ભાગમાં હતું.

ધ ઇંડીપેન્ડન્ટના એક ભૂતપૂર્વ તંત્રી (વિનોદ મહેતા?) અંબાણીના નવાં બહાર પાડી રહેલાં બિઝનેસ એન્ડ પોલિટિકલ ઓબઝર્વરમાં જોડાઈ ગયા. એમનો ભૂતપૂર્વ મદદનીશ પણ જોડાવાનો હતો પણ હજુ સમ્રાટમાં જ હતો.  તેણે બીજા ઘણા લોકોને પોતાની સાથે લઈ જવા પ્રયાસ કર્યા, ઘણાં રાજીનામા આવ્યાં પણ છેવટે તેઓ કટોકટી ટાળવામાં સફળ થયા.

પૂરણેન્દુ સેન એમના ક્યાંય નમતું ન જોખવાના વલણને લીધે પ્રિન્સ ઓફ ધ અંડરવર્લ્ડ કહેવાતા.  તેઓ કાંદિવલીમાં એશિયાના શ્રેષ્ઠ ટાઈમ્સ સબરબન પ્રેસના વડા હતા.  સર્વશક્તિમાન ડો. તરનેજા કે એમના અનુગામી પી. આર. કૃષ્ણમૂર્તિ તેનું માન રાખતા.  એમના ધારાધોરણની બહારનું કામ કરવાનું એમને કહેવામાં આવે તો તેઓ કહેશે “સાહેબ, નહિ હોગા. બ્રહ્મા પણ એ નહિ કરી શકે.” ક્યારેક બહુ ઓછા પ્રસંગે તેઓ પોતાનું નરમ પાસું બતાવતા. એક વાર એમણે નિલોફર બિલીમોરિયાને પેન નાઇફ ભેટ આપ્યો હતો.

પી.આર.કૃષ્ણમૂર્તિ

બધી જ સંસ્થાઓમાં એક પી.આર.કૃષ્ણમૂર્તિ હોય છે, અને ન હોય તો તેને ખાસ વરદી આપીને પણ લાવવો પડે.. પીઆરકેમાં આપબળે આગળ આવેલા માણસનું દંભીપણું હતું. એ સેક્રેટરીમાંથી શક્તિશાળી જનરલ મેનેજર બન્યા હતા.  તીવ્ર નિરીક્ષણ શક્તિ ધરાવતા આર. કે. લક્ષ્મણે એ સ્થૂળકાય જી.એમ. અંગે કહ્યું હતું  કે એમનું હાસ્ય તરંગોની જેમ ગળાંથી નીચે  પેટ સુધી ઊતરે છે.

કોમ્પ્યુટર ટાઇમ્સમાં હજી નવાં નવાં આવ્યાં હતાં અને બહુ સિનિયર વ્યક્તિઓને જ આપવામાં આવ્યા હતાં. કૃષ્ણમૂર્તિ કોઈ મુલાકાતી આવે તેને અભિમાન સાથે કહેતા, ” આ જુઓ, આ મારું કોમ્યુટર છે અને આ તેનો ઉંદર.”

બચી એની લાક્ષણિક અદાથી ઉમેરે છે, “એમણે કદાચ એમ ન પણ કહ્યું હોય અને આ મોરચાની તંત્રી બાજુએથી આવેલી મેનેજમેન્ટ કહાણી હોય!”

નિલોફર બિલીમોરીયા ( “of exotic look”, બચીના શબ્દોમાં) કોઈ કામ માટે એમના ખંડમાં દાખલ થયાં ત્યારે કૃષ્ણમૂર્તિએ  એની સામે જોયું પણ નહિ. નિલોફરે દબાયેલા અવાજમાં કહ્યું, ” હું એક સમસ્યા બાબત પૂછવા માટે આવી છું.” આંખો મિલાવ્યા વગર જ એમણે કહ્યું, ” હું માત્ર ડિપાર્ટમેન્ટના વડા સાથે જ વાત કરું છું.” નિલોફરે જરા ગુસ્સામાં કહ્યું, ” હું ડિપાર્ટમેન્ટ હેડ જ છું.” કૃષ્ણમૂર્તિની નજર હજુ એની સામે પડેલા પેપર પર જ હતી.  ધૂંધવાયેલ નિલોફર બહાર નીકળી ગયાં અને બોસને ફરિયાદ કરી. કૃષ્ણમૂર્તિ થોડા કૂણા પડ્યા.  સમય જતાં તેઓ મિત્ર બની ગયા, ખાસ તો એટલે કે નીલોફેરને લગભગ દર અઠવાડિયે એમની કાનૂની સલાહ લેવી પડતી.

પ્રીતિેશ નંદીની કૃષ્ણમૂર્તિ સાથેની મુલાકાત વિશે આ પહેલાં વાત કરેલી જ છે.

                     *****

 ભૂતકાલીન જનરલ મેનેજરો

૧૯૬૦ અને ‘૭૦ ના દશક વચ્ચેના વર્ષોમાં પી. કે. રોય જનરલ મેનેજર હતા.  ફિલ્મફેર એવોર્ડના એક કાર્યક્રમમાં અમીન સાયાની ખીલ્યા હતા ત્યારે એમણે આ વાત કરી હતી, “જ્યારે મિસ્ટર રોય નિરાંતે જમીને આવે છે ત્યારે ત્રીજા માળના મોટા હોલમાં ગણગણાટ થાય છે, ” પીકે આયા હૈ.”

જે. સી. જૈન આમ તો બહુ શક્તિશાળી જનરલ મેનેજર હતા, પણ એમનો અવાજ પાતળો હતો.  એના વિશે એક એવી વાર્તા ચાલે છે કે એક વાર તેઓ હોલિવૂડની મુલાકાતે ગયા ત્યારે ‘ સ્મોકી ‘ અવાજ વાળી – જરા પુરુષ જેવા અવાજ વાળી – સુંદરી લોરેન બેકૉલને મળ્યા. એવી સુંદરીને કંઈ સ્માર્ટ વાત કહેવી જોઈએ એમ માનીને એમણે કહ્યું,  Miss Bacall, is it true that you are sometimes mistaken for a man?” પોતાની સુપ્રસિદ્ધ ભ્રમરોની કમાન ખેંચીને એ મહિલાએ વળતો જવાબ આપ્યો,” No, Are you?”

ટાઈમ્સમાં વિચિત્ર લોકોનો સમૂહ એકઠો થયો હતો. એ. એસ. અબ્રાહમ બાથરૂમમાંથી નીકળીને છેક સુધી પેન્ટના બટન બંધ કરતા જતા.

અર્થશાસ્ત્રના જાણકાર સ્વામિનાથન અંકલેસરિયા આયરની પણ ઘણી વિચિત્રતાઓ હતી પણ જીનિયસ તરીકે તેમને એનો પૂરો ક્વોટા ધરાવવાનો હક હતો.  તેઓ પોતાનો ચાનો કપ ત્રીજા માળ પર આવેલા બાથરૂમમાં લઇ જતા.

ખુશવંતસિંહના વીકલી ઓફ ઇન્ડિયામાં ચોથા માળ પર આર.ગોપાલ કૃષ્ણ હતા, એમની એક બાજુ ખૂબ જ બોલકા જાલ એન્જિનિયર બેસતા જે તેમને વિચિત્ર સવાલો પૂછતા અને કહેતા ગો – પાલ, વ્હેર ઇઝ ભો – પાલ. આ બ્રાહ્મણને એમના બાજુમાં બેસતા સહકર્મી કરતાં વધારે રંજાડ એ વાતથી થતી કે ત્યાંથી પસાર થતા મુલાકાતીઓ એમની પાસે આવીને પૂછતા, “where is the loo?” બ્રાહ્મણ ગુસ્સે થતા, ” આ લોકો મને જ કેમ પૂછે છે, અને આ શબ્દ શું છે,  લૂ?” એકવાર કંટાળીને એમણે  “આ માણસ બહેરો મૂંગો છે,” એમ લખેલું કાર્ડબોર્ડ પોતાના ડેસ્ક પર મૂક્યું. આનો પણ કંઈ ફાયદો ન થયો. બહારના લોકો એમના ટેબલ પાસે આવીને આ જ પ્રશ્ન પૂછતા. એ શાંતિથી પોતે મુકેલા બોર્ડ તરફ આંગળી ચિંધતા અને ચાર મિનાર ફૂંકતા;  પેલા લોકો પૂછવાનું ચાલુ રાખતા, ” યસ, યસ, બટ વ્હેર ઇઝ ધ લૂ?”

વી. એસ. ટેરર મલાઈ

ટાઇમ્સમાં ચાલતી ભૂત – પ્રેત ની વાર્તાઓમાં એક હતી જાહેરખબરના વિભાગના વી. એસ. થીરુમલાઈને લગતી. એડવરટાઈઝમેન્ટ વિભાગમાં એમના નામથી જ બધા થરથરતા. એમનો પટાવાળો – ટાઈમ્સની ભાષામાં સિપોય – કોઈને બોલાવવા માટે આવે અને કહે, ” સાબ બુલાયા,” એટલે એ વ્યક્તિના છક્કા છૂટી જાય.  એમનું અચાનક અવસાન થયું, એના બીજા દિવસે જ એની ઓફિસમાં રહસ્યમય રીતે આગ ફાટી નીકળી અને એમાં તેની બધી જ ફાઈલો, કાગળો, પુસ્તકો બળીને રાખ થઈ ગયાં, પણ બાજુની કેબીનોમાં આંચ પણ ન આવી.

એક સાંજે અરુણ અરોરા એમની કેબિનમાં લોક થઈ ગયા. એમને પણ ભૂતના વિચાર આવ્યા. વોચમેન પણ એમ જ વિચારતા હતા એટલે અરોરા બારણું ખખડાવતા હતા ત્યારે એ બધા ડરથી ભાગ્યા. એ અંદરથી બૂમો પાડતા રહ્યા, ” પાછા આવો, પાછા આવો, હું અરુણ અરોરા છું.” આખરે રાતે ૧૦ વાગ્યે એક બહાદુર દરવાને બારણું ખોલ્યું.

પ્રદીપ ગુહા

સમીર જૈને ટાઈમ્સ ન્યૂઝપેપર હાઉસની બદલે બીઝનેસ હાઉસની જેમ ચલાવવું જોઈએ એમ જાહેર કર્યું.  પત્રકારત્વનો રહસ્યમય દબદબો ગટરમાં ધોવાઈ ગયો. હવે આખરી ગ્રાહક વાચક નહિ , પણ જાહેર ખબર આપનારો બન્યો. એડવર્ટાઇઝિંગ ડિપાર્ટમેન્ટ વ્યુહાત્મક બટાલિયન બની ગયું અને પ્રદીપ ગુહા તેનો સ્ટાર જનરલ.  એ રુ.૭૫૦ના વેતનથી નોકરી શરૂ કરીને બેનેટ કોલમેનના સૌથી શક્તિશાળી વ્યક્તિ બન્યા.  ત્રીસ વર્ષ પછી એમણે નોકરી છોડી કેમ કે એમને વિનીત જૈન સાથે સમીર જૈન જેવું અંગત બંધન નહોતું.  તે ઝી માં જોડાયા અને ૨૦૦૫માં ટાઈમ્સનું હરીફ DNA શરૂ કર્યું. પણ આજ સુધી  એમણે પોતાનો નિમણૂકનો પત્ર સાચવી રાખ્યો છે. ટાઈમ્સની એટલી પકડ છે કે ઘણા જૂના ટાઈમ્સના માણસોએ પીળા પડી ગયેલા આવા પત્રો સાચવી રાખ્યા છે.

પ્રદીપે બોલાવેલી મીટીંગ એકપક્ષી રહેતી. બીજા લોકો પોતાનું મંતવ્ય આપે ત્યારે તેના પર કંઈ ધ્યાન આપ્યા વગર પ્રદીપ પોતાના વિચારમાં ડૂબેલા રહેતા અને છેવટે એણે ધાર્યું હોય એ જ થતું.  એના લોકો એને ખુશામતખોરીની હદે પૂજતા. તંત્રીઓ.પણ તેનું માન જાળવતા. બેંગલોર એડિશનની કાયા પલટ તેણે અતિશય ટુંકા સમયમાં કરી દીધી.  સુઘડ દેખાવ માટે જરૂરી ટેકનોલોજીકલ સાધનો ટાઇમ્સમાં ન જોવા મળે એટલી ઝડપથી મંજૂર કર્યાં.

ફેમિના મિસ ઇન્ડિયા સ્પર્ધા તંત્રી અને જનરલ મેનેજરના ગર્વને પોષતી હતી. મિસ ઇન્ડિયા રીટા ફેરીઆ ૧૯૬૫માં મિસ વર્લ્ડ બની. પ્રદિપે ઘરેલુ પ્રોડક્શનને વૈશ્વિક બ્લોકબસ્ટર બનાવી દીધું.  ગ્રૂમિંગ ની પ્રક્રિયામાંથી અનેક ઉદ્યોગ બન્યા,  વસ્ત્ર, હલન ચલનની રીતભાત (deportment), નૃત્ય થી માંડીને તેમણે જે સવાલોનો સામનો કરવાનો છે એ બધું એમાં આવતું.  પહેલાં આ બધું થતું તે મર્યાદિત સાધનો અને હેતુ માટે થતું. રિંગ માસ્ટર પ્રદીપ કહે છે:  “તેઓ  મિસ ઈન્ડિયાનું સર્જન કરવાની દૃષ્ટિ રાખતા હતા, મારી નજર ભારતમાંથી મિસ વર્લ્ડ કે મિસ યુનીવર્સ સર્જવા પર હતી.”  એ વર્ષોમાં ઐશ્વર્યા રાય અને સુસ્મિતા સેન જેવા અનેક ખિતાબો જીતનારા બન્યા.

આ વૈશ્વિક જીતથી ફેશન, સૌંદર્ય અને સજાવટના ઉદ્યોગો નાના ગામોમાં પણ વિકસ્યા.

પ્રદીપે સંસ્થા છોડી ત્યારે તેમને વિદાય આપવા માટે  બીજા માળથી ગેટ સુધીની કતાર બની હતી.


ક્રમશઃ


શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


૧૫ -૧૦ ૨૦૨૪ના હવે પછીના મણકામાં દરેક સંસ્થામાં સાંભળવા મળતી હોય એવી કેટલીક રસપ્રદ વાતો વડે ટાઈમ્સનાં ‘ભારે’ વાતાવરણમાં હળવાશ અનુભવાશે.