લતાબહેન હિરાણી જાણીતાં સાહિત્યકાર અને આકાશવાણી – દૂરદર્શન કલાકાર છે. ‘દિવ્ય ભાસ્કર’નાં તેઓ ૨૦૦૭ પધ્ય અને ગદ્ય સાહિતયનાં કોલમિસ્ટ છે. તે ઉપરાંત તેઓ ‘વિશ્વા’ સામયિક   અને  કાવ્યવિશ્વ.કોમ નામની સંપૂર્ણપણે કવિતાને વરેલી વેબસાઇટનાં સંપાદક પણ છે. બે વાર્તાસંગ્રહો અને એક નવલકથા સહિત કુલ તેમનાં ૨૩ પુસ્તકો પ્રકાશિત થયાં છે.

વેબ ગુર્જરી પર તેમની વાર્તાઓ નિયમિતપણે પ્રકાશિત કરવાની સંમતિ આપવા બદલ વેબ ગુર્જરી લતાબહેન હિરાણીનો આભાર માને છે.

સંપાદક મંડળ – વેબ ગુર્જરી વતી,

રાજુલ કૌશિક, ગદ્ય વિભાગનાં સંપાદક


લતા હિરાણી

 

સાંજ હજી આથમી નહોતી. એના ઉપર દિવસનો બોજ અને રાતના ઊતરતા ઓળા લદાયેલા હતા. વાતાવરણમાં ઊડતી ધૂળનું ઘટ્ટ પડ થાકેલી સાંજને વેરવિખેર કરી મુકતું હતું. મેદાનમાં છુટ્ટાંછવાયાં ચારપાંચ વૃક્ષો એનાં ફિક્કાં, પીળાં પાંદડા સાથે જાણે ઢળી પડવાની તૈયારી કરતાં હતાં. ક્યારેક વાયરાની લહેરખીમાં એની બે ચાર ડાળીઓ આમ તેમ ઝૂલી અસ્તિત્વની એંધાણી આપી જતી હતી.

સરુ રાહતકેમ્પના પતરાંના દરવાજાને અઢેલીને ઊભી હતી. થાકેલી સાંજ એની કોરીધાકોર આંખોમાં લિંપાઈ ગઇ હતી. હોઠ સુક્કા ભટ્ઠ થઈ ગયા હતા અને ચામડી તરડાઈ ગઈ હતી. એ ભાગ્યે જ કોઈની સાથે વાત કરતી. બોલતી વખતે એનું ગળું તરડાઈ જતું હતું. એને થતું કે જાણે ગળામાંથી ભીનાશ સદાને માટે સુકાઈ ગઈ છે.

આ રાહતકેમ્પમાં આવ્યે એને છએક મહિના થવા આવ્યા હતા. કેમ્પના વ્યવસ્થાપકોનું કહેવાનું હતું કે હવે બહુ બહુ તો એકાદ-બે મહિના આ સગવડ ચાલુ રહેશે પછી સૌએ પોતપોતાની વ્યવસ્થા કરી લેવી પડશે.

સરુ વિચાર કરતી હતી કે એ ક્યાં જશે ? એને ખબર નહોતી. શહેરમાં થયેલા કોમી હુલ્લડોમાં એનું સર્વસ્વ હોમાઈ ગયું હતું. એનું ભાડાનું ઘર સળગીને રાખ થઈ ગયું હતું. એણે સાંભળ્યું હતું કે એ આખો વિસ્તાર બીજા લોકોએ કબજે કરી લીધો છે એટલે હવે ત્યાં જવા જેવું રહ્યું નહોતું. આમ જુઓ તો શહેરમાં પરિસ્થિતિ એકંદરે શાંત થઈ હતી પરંતુ રાહત કેમ્પમાં રહેતા માનવીઓ હજી ફફડતા હતા. એમના માટે આ શાંતિ એક છળ હતી. એમની ઉપર જે વીત્યું હતું એની અસર ક્યારે ઓસરે ?

ચાર મહિના ! આખી જિંદગી કરતાં ક્યાંય લાંબો સમય ! રોજ સવારે આંખ ખુલતાંની સાથે એના હૈયામાં ઝીણું ઝીણું કોર્યા કરતી એક ધારદાર વલોણી ફરવા માંડતી. સાંજ થતાં થતાં એના ચુરેચુરા થઈ જતા.

———————-

 એની નજર સામે ભુતકાળ તરવરી ઊઠ્યો જ્યારે એ સંજયની સાથે પહેલાં સ્નેહની અને પછી લગ્નની ગાંઠે બંધાઈ હતી. મા-બાપ વગરના સંજયને ઉછેરવાની જવાબદારી કાકા-કાકીએ અનિચ્છાએ નિભાવી હતી. અનાથ સરુને પરણવાની સંજયની વાત સાંભળતાં જ એમને રહ્યોસહ્યો ભાર ખંખેરી નાખવાની તક મળી હતી. લગ્ન પછી સરુ અને સંજયને પરસ્પરને સાચવવા સિવાય વિશેષ પળોજણ નહોતી..

નાનકડું ઘર, આભ ભરીને સપનાં અને દરિયા જેવું વહાલ – આ હતી એમના સંસારની શરુઆત.

સરુને એનું ઘર બહુ ગમતું. એમાંય વરંડા પાસે કમાનાકારે ફેલાયેલી જૂઈ એને બહુ વહાલી હતી. ઘરના કામકાજમાંથી એ જલ્દી પરવારી જતી અને જૂઈ સાથે વાતોએ વળગતી,

’તું આવી નાજુક કેમ છો? સુંદર ખરી પણ જરા સરખો વંટોળ ન ખમી શકે ! કંઈ નહીં, હું તને સાચવીશ. તું રોજ તારાં ઝીણાં ઝીણાં સુગંધી શ્વેત ફૂલોથી મારું હૈયું ભરી દે છે ને !’ પછી પોતાની એકલ વાણીથી એ હસી પડતી.

સરુને એનાં લીલાંછમ પાંદડામાંથી પણ ફૂલોની સુગંધ આવતી. ક્યારેક એ એના ક્યારામાંથી મુટ્ઠીભર માટી લઈને નહાતી વખતે પોતાના અંગો પર ચોળતી અને સંજયને કહેતી, ’જોજે હવે કાલે હું ફૂલોથી લચી પડવાની.’ રાત આખી સંજય જૂઈની સુગંધના નશામાં તરબતર રહેતો.

સરુ જૂઈ સાથે એટલી પરોવાતી જતી હતી કે સંજય ક્યારેક આ બાબતે નારાજ પણ થતો. ‘આટલી બધી માયા સારી નહીં સરુ, આ તો વેલ છે. ક્યારેક સુકાઈ જાય કે વંટોળમાં તૂટી યે પડે.’

’તું મને નહીં સાચવે?’ સરુ લાગલું જ પૂછી બેસતી.

’મજાલ છે કોઈની કે તને કશું કરી શકે !’ સંજય એને વીંટળાઈ વળતો.

——

સરુ એકલી અટૂલી ઊભી હતી. સાંજનું ભોજન પતાવી કેમ્પમાં પોતપોતાના ખૂણે સૌ ઢબુરાવા લાગ્યા હતા. શિયાળાની ક્ડકડતી ઠંડીના દિવસો અને સુસવાટા મારતો પવન….. સરુનાં તન મનમાં અંધારું તરફડી ઉઠ્યું. એને થયું આ અંધારાનો અજગર એને ગળી જાય તો સારું. આમ ફફડતા કકળતા રહેવાના દિવસો તો પૂરા થાય ! ક્યાંકથી બાળકના રુદનનો અવાજ આવ્યો અને એના પેટમાં ધ્રાસ્કો પડી ગયો. એણે પોતાના પેટ તરફ જોયું; હાથ ફેરવ્યો અને એક ધ્રાસ્કો આખા શરીરમાં ફરી વળ્યો. એ કંઈ જ કરી શકતી નહોતી. ટુંટિયું વાળીને એ બેસી પડી અને હીબકે ચડી ગઈ.

ક્યારેક એ આમ જ હીબકે ચડી જતી. સંજય કશું જ બોલ્યા વગર આંગળીઓથી એની પીઠ પસવાર્યા કરતો. એના સ્પર્શમાંથી વરસતો સ્નેહ સરુને છલકાવી દેતો અને એને રાહત થઈ જતી. હળવે હળવે એનું રુદન શમી જતું.

સંજય પાસે સરુ પર ક્યારેક ફરી વળતા આ પૂરને રોકવાનો કોઈ ઉપાય નહોતો. લગ્નને સાત વર્ષ વીતી ચુક્યા હતા. અનેક ડૉકટરોને તેઓ બતાવી ચુક્યા હતા. દરેકનો જવાબ એક જ હતો, સંજય સરુને સંતાન આપી શકે એમ નહોતો. સંજય વિવશતાથી સરુના જીવનને રણ બનતું જોઈ રહેતો. આમ તો સરુ બહુ સંયમથી વર્તતી. મોટે ભાગે એ આનંદમાં જ રહેતી.

’આ ઘરમાં કેટલા મધુર સ્વરો જનમ્યા કરે છે…. આપણી આગળ પાછળ સતત નૃત્ય કર્યા કરે છે. આ સહુ આપણાં બાળકો જ છે ને ! એક નહીં અનેક, સુંદર, કોમળ, નટખટ, મધુરાં…. ‘

’હા, તારાં જેવાં….’

એમણે ઘરની ફરતે જતનપૂર્વક નાનકડો સુંદર બગીચો બનાવ્યો હતો. પાનખરની મૃદુ બપોરે એ સંજયને બગીચાના હીંચકા પર ખેંચી જતી. બંને ઉપર ઝીણાંમોટાં સુક્કા સોનેરી પાંદડા વરસતાં અને એ સંજયને જૌનપુરી રાગ છેડવા કહેતી,

’સંજુ, આ બધાં સોનેરી પર્ણો લીલાંછમ્મ થઈ જશે તારા સ્વરોથી’

સંજયના હૈયા પરથી સાત સાત નિ:સંતાન વર્ષોનો ભાર ઊતરતો નહીં

‘પર્ણોને સોનેરી જ રહેવા દે સરુ, તારા લીલપના સ્વપ્નને મારો સાથ ક્યાં ફળવાનો ?’

જોકે સરુ પળવારમાં પોતાના તોફાનોથી સંજયનો વિષાદ ખંખેરી નાખતી. વાતાવરણમાં પંચમના સ્વરો ખીલી ઉઠતા. સાગરના ગર્જન જેવો સંજયનો ખરજનો ઘેરો સ્વર સરુના અસ્તિત્વને હર્યુંભર્યું બનાવી દેતો.

સરુ એકલી હોય ત્યારે પણ હીંચકે ઝૂલ્યા કરતી. સાંજનો કૂણો તડકો પાંદડામાંથી એના પર પ્રસરતો અને એને થતું એ ગર્ભવતી થઈ ગઈ છે. એના પેટમાં એક મીઠો મધુરો સૂર ફરકી રહ્યો છે. એ હાથ પગ ઉછાળે છે. એની સાથે ગોઠડી કરે છે, જન્મવા માટે કેવો અધીરો થઈ ગયો છે ! હાથ પેટ પર ફરવા માંડતો અને હોઠેથી સરવા માંડતું એકાદ ગીત…

——————

 એ તંદ્રામાંથી જાગી ગઈ. અહીં તો સોપો પડી ગયો હતો. વાતવરણમાં ડરામણી નીરવતા છવાઈ ગઈ હતી. અંધારું એક અજ્ઞાત ભય સાથે ફરી વળ્યું હતું. અચાનક એને દૂરથી એક ઓળો આ તરફ આવતો હોય એમ લાગ્યું. એ ડરની મારી થીજી ગઈ. ઊભી થવા ગઈ પણ હલી શકી નહીં. ખસવા ગઈ પણ કાયા જાણે પોટલું હોય એમ માંડ માંડ પોતાનું સમતોલન જાળવી શકી. એના પગ પેલી જૂઈની જેમ જમીનમાં ખોડાઈ ગયા. એ પરસેવે રેબઝેબ થઈ ગઈ. પેલો ઓળો આ તરફ આવી રહ્યો હતો. થોડો નજીક આવ્યો અને બીજી દિશામાં વળી ગયો. સરુના જીવમાં જીવ આવ્યો.

 —————-

એ દિવસે સવારે વંટોળ આવ્યો હતો. ઘરની બાજુમાં આવેલી વસાહતોનાં ઝૂંપડા પરથી છાપરાં ઉડ્યાં હતાં. એની પ્યારી જૂઈ આંગણમાં ઢળી પડી હતી. એનાં ફૂલો અને પાંદડાં જમીન પર વેરવિખેર થઇ પથરાઈ ગયા હતા. બપોર થતાં કંઈ કેટલીયે અફવાઓ ફેલાવા માંડી હતી. લોકોના ઘરના દરવાજા ટપોટપ બંધ અને સહુ કેદમાં…

સરુ અને સંજય ભય અને આશંકા સાથે ઘરમાં પુરાઈ ગયા હતા. આખો દિવસ એમ જ ભારેખમ વિત્યો. રાતનું અંધારું પૂરેપુરું ઢળે એ પહેલાં એમનો દરવાજો ખખડ્યો. બેઉ ધ્રુજી ઉઠ્યાં. કોણ છે, પૂછવાની જરુર ન પડી. બહારથી ચિચિયારીઓના ધગધગતા અવાજ દીવાલ વીંધી એમના કાનમાં રેડાવા લાગ્યા.

એ લોકોએ બારણું ખુલવાની રાહ ન જોઈ. તોડી નાખ્યું. ચાર પાંચ મવાલીઓ હતા. એમાંનો એક સંજયને આંગણામાં ખેંચી ગયો. એક બે કાકલુદી…. અને તૂટી પડેલી જૂઈના સફેદ ફૂલો લાલ રંગે રંગાઈ ગયા.

સરુની ચીસો પડોશીઓના બહેરા કાને અથડાતી હતી પરંતુ સૌને પોતાના જીવની ચિંતા હતી. કોણ કોને બચાવે ?

આ ભયાનક ખેલનો બીજો ભાગ પણ બહુ જલદી ભજવાઈ ગયો. રાક્ષસી પગલાં આગળ વધ્યા. એક મવાલીએ પિશાચી હાસ્ય કરતાં ઘરમાં લૂંટ શરુ કરી. હાથમાં ખાસ કંઈ આવે એવું એને લાગ્યું નહીં. એણે આડીઅવળી તોડફોડ શરુ કરી. સરુએ કાળજીપૂર્વક ગોઠવેલી સિતારના તાર એણે એકીઝાટકે તોડી નાખ્યા. બીજા રાક્ષસો આક્રંદ કરી રહેલી સરુ તરફ આગળ વધ્યા. સરુ લુંટાઈ ગઈ, રોળાઈ ગઈ. જ્યાં સંગીતના રાગરાગિણીઓ નૃત્ય કરતા રહેતા ત્યાં નરાધમોની પાશવી લીલા વરવા સ્વરુપે નાચી રહી. સરુ બેહોશ થઈ ગઈ. કોણ એને ઉપાડી કેમ્પમાં મુકી ગયું એને ખબર જ નહોતી.

સુખની સ્મૃતિ દરિયાના ફીણની જેમ શમી જતી હોય છે જ્યારે પીડાની પળો પથ્થર બની માનવીને ખરલમાં ઘુંટ્યા જ કરતી હોય છે. કેમ્પમાં આવ્યા પછી શરુઆતમાં એનું અનરાધાર રુદન શમતું જ નહોતું. બીજા લોકો એને આશ્વાસન આપતા પણ એની પીડા કેમ ઓછી થાય ? કેમ્પમાં આવનાર દરેક વ્યક્તિ પોતાની સાથે ઊંચકી ન શકાય એવડું પીડાનું પોટલું લઈને આવી હતી. સૌને એકબીજાની કરુણ કથા સાંભળવાનું એક જ કામ અહીં હતું.

…………………

 એક દિવસ મોડી સાંજે.. સરુ કેમ્પમાંથી બહાર નીકળી એક ખૂણો શોધી બેસી ગઈ. એના પેટમાં ગર્ભ ફરકી રહ્યો હતો. એણે પૂરી તાકાતથી પોતાનું પેટ મસળવાનું શરુ કર્યું.  જોરજોરથી મુક્કીઓ મારવા લાગી. ખાસ્સી વાર સુધી તે આમ કરતી રહી. આખરે તનમનની પીડા નહીં ખમાતાં રુદન ચીસ થઈને ફૂટ્યું.

સામે જ એક બીજો રાહત કેમ્પ હતો. એમાંથી એક સ્ત્રી દોડતી દોડતી આવી. સરુના હાથ પકડી લીધા અને ચુપચાપ એની બાજુમાં બેસી ગઈ. ઘણીવાર સુધી એ કંઈ બોલ્યા વગર સરુના ચહેરા પર, માથા પર, બરડા પર હાથ ફેરવતી રહી. સરુ એના ખોળામાં ઢળી પડી. એણે ધોધમાર રડી લીધું. પેલી સ્ત્રીએ અત્યંત કોમળતાથી સરુના પેટ પર હાથ ફેરવવાનો શરુ કર્યો. સરુની આંખો પોતાના પેટ તરફ તાકી રહી. ઠંડો પવન ફૂંકાયો. સરુએ એકદમ પોતાનું પેટ પાલવથી ઢાંકી દીધું અને પેલી સ્ત્રીએ રાહતનો શ્વાસ ખેંચ્યો. નીચા નમીને એણે સરુના પેટને વહાલથી ચુંબન કર્યું.

બંનેનો મળવાનો હવે રોજનો ક્રમ થઈ ગયો હતો. સાંજે સરુ પોતાના કેમ્પમાંથી બહાર આવતી. એ જ સમયગાળામાં પેલી સ્ત્રી પણ એની પાસે આવતી. શરુઆતમાં બંનેનાં ડુસકાંઓ સમાંતર ચાલ્યાં કરતાં. ક્યારેક પેલી સ્ત્રીની નજર ચારે બાજુ કંઈક શોધ્યા કરતી. સરુને એની નજરમાં ઘણીવાર ભય દેખાતો. એવે સમયે સરુ એનો હાથ પકડી લેતી. આંગળીઓ પરસ્પર ભિડાઈ જતી અને બંન્નેના હૈયામાં જીવનનો એક નવો સૂર જાગી ઉઠતો.

સરુની નજર જમીન ખોતરી રહી હતી. એની આંખો કદાચ પોતાની પિંખાયેલી, ભાંગીને ભુક્કો થઈ ગયેલી જિંદગીનો એકાદ ટુકડો શોધી રહી હતી. બંને લગભગ સમવયસ્ક હતાં બંને વચ્ચે મૌન તુટ્યું. પેલી સ્ત્રીએ પૂછ્યું.

’તારું નામ શું છે?’

’સરુ. તારું ?’

’તને બહુ ગમે એવું શું?’

’ફૂલો અને સંગીત…’

’મારું નામ ચંપા.’

સવાલ ઉઠ્યો અને શમી ગયો. સરુને કંઈ જાણવાની જરુર ન લાગી.

કદીક ચંપા એને માટે કશુંક ખાવાનું લઈને આવતી. રાહતકેમ્પમાં સેવાભાવી સંસ્થાઓમાંથી લોકો ખાવાપીવાનું કે જરૂરી ચીજવસ્તુઓ આપવા આવતા. સરુના કેમ્પમાં પણ આ બધું આવ્યા કરતું પરંતુ પથારી પાસે મુકેલી ચીજ તરફ સરુ ભાગ્યે જ નજર કરતી.

એક વખત બપોરના સમયે ચંપા દોડતી દોડતી આવી, સરુની પાસે ઊભી રહી ગઈ. સરુ એની સામે પ્રશ્નસુચક નજરે જોઈ રહી. ચંપાના ચહેરા પર હાસ્ય ફૂટુંફૂટું થતું હતું. એ બે ચાર પળથી વધારે સંયમ રાખી શકી નહીં. એણે કહ્યું,

’આંખ બંધ કર જોઉં !’

સરુએ બંધ આંખ ખોલી ત્યારે એને એક નાનકડા અરીસામાં પોતાનો ચહેરો દેખાયો. સુકાઈ ગયેલો અને નિસ્તેજ. તોયે એના હોઠ પર હળવું સ્મિત રેલાઈ ગયું. ચંપા સરુની પીઠ પાછળ બેસી ગઈ. કાંસકો લઈને એણે સરુના વાળ ઓળ્યા કર્યા. એના આંગળા સરુના વાળમાં ફરતાં જ રહ્યાં. બાજુવાળા માજી બોલ્યાં ત્યારે બંનેની ભાવસમાધિ તૂટી.

’અલી બાઈઓ, ખાવાનું તો લઈ આવો. ભુખ્યાં રહી જશો.’

————————-       

 ’છ મહિના થવા આવ્યા.’ ચંપા બોલી.

સરુ ચુપ રહી..

‘હજી એકાદ મહિનો કેમ્પ ચાલુ રહેશે.’

સરુની નજર અંધારાને કાપતી રહી.

‘તું ચિંતા ન કર. હું બધું સંભાળી લઈશ.’ ચંપા બોલ્યે જતી હતી.

’પણ મારે નથી જોઈતું.’ સરુ પગથી માથા સુધી ખળભળી ગઈ.’

’હવે મોડું થઈ ગયું છે.’ ચંપાએ હળવેથી સરુને ઊભી કરી. પથારી સુધી લઈ જઈને એને સુવડાવી દીધી. સરુને જરાસરખું આશ્વાસન આપવાની હોઠ સુધી આવી ગયેલી ઇચ્છાને ચંપા બળપૂર્વક ગળી ગઈ. એની ધુંધળી આંખો પાછી વળી ગઈ.

થોડા દિવસો પછી અચાનક ચંપા અદૃશ્ય થઈ ગઈ. રોજ સાંજે સરુ એને શોધ્યા કરતી પણ એ દેખાતી નહીં. સરુના મનમાં પ્રશ્નોનો પહાડ ખડકાયે જતો હતો. કેટલીયે વાર એ સામેના કેમ્પમાં આંટો મારી આવી. એણે ક્યારેય ચંપાને એના નામથી વિશેષ પૂછ્યું નહોતું. એ પોતાના ઉપર ધુંધવાઈ ઉઠી. પીડાના આવડા મોટા મહાસાગરમાં ચંપા એકમાત્ર રાહતનો ટાપુ હતી. બળબળતા ધોમધખતા રણમાં એ એક તો ઠરવાનું ઠેકાણું હતી ! અને પોતે કેવી મૂર્ખ !! ના, મહામૂર્ખ. કદી એના વિશે કાંઈ જાણ્યું જ નહીં હવે એ કોઈને પૂછે તો શું પૂછે ? એની તપાસ કરે તો કેમ કરે ??

ચંપા પાછી નહીં આવે તો શું થશે ? પોતે શું કરશે ? કેમ્પ છોડ્યા પછી ક્યાં જવું એ વિશે ચંપા સાથે કદી વાત નહોતી થઈ અને છતાં યે જેમ માના ભરોસે બાળક રહેતું હોય તેમ કશું કહ્યા-પૂછ્યા વગર અજાણપણે તે એના ભરોસે બધું છોડીને બેઠી હતી.

એની આંખે અંધારા આવી જતાં હતાં. એને થતું કે કોઈએ એનો રહ્યોસહ્યો આધાર પણ ઝુંટવી લીધો છે એ ખાધાપીધા વગર સુનમુન પડી રહેતી. સાંજ ઢળતી અને એના મનમાં આશાનો ઝબકારો થતો, ચાલ બહાર જાઉં, ચંપા આજે તો આવી હશે ને ! કલાકો વિતાવી નિરાશ થઈ લથડતા પગે એ પાછી અંદર આવતી.

ચંપાના અદૃશ્ય થયે સાતેક દિવસ થયા હતા પણ સરુ જાણે જંગ હારી ગઈ હતી. આજે એણે નક્કી કર્યું હતું કે એ બહાર જશે નહીં. જો કે સાંજ પડતાં એનાથી રહેવાયું નહીં. શરીરમાંથી ઓસરી ગયેલી તાકાત ફરી એકઠી કરી એ દરવાજા સુધી પહોંચી. બહાર થોડી ચહલપહલ હતી. જેની શોધ હતી એ ચહેરો ક્યાંય કળાતો નહોતો. એકબાજુ જઇને એ એવી રીતે બેસી ગઈ જાણે ચંપા આવે નહીં ત્યાં સુધી એ ત્યાંથી ઉઠશે નહીં.

અંધારું વધતું ગયું. કોઇક સામેથી આવી રહ્યું હતું. સરુની આંખોમાં કેટલા લાંબા સમયે જીવન પ્રગટ્યું. એના રોમેરોમમાં ચેતનાનો સંચાર થયો. એ એની ચાલથી પરિચિત હતી. સરુ ઊભી થઈને દોડી. બેઉ ભેટી પડ્યાં. ચંપાના તનમનમાંથી વહેતી શક્તિનો પ્રવાહ સરુનું શરીર ઝીલી રહ્યું. એણે ક્યાંય સુધી ચંપાને પોતાના ધ્રુસ્કાઓથી નવડાવ્યે રાખી.

ચંપાએ હળવેથી એનો હાથ પકડીને કહ્યું ‘ચાલ’

સરુ ઝબકી ગઇ – ‘તું ક્યાં જતી રહી હતી ?’

’કંઈ પૂછવાની જરુર નથી. તને બધી જ ખબર પડશે. ચાલ મારી સાથે.’

સરુના પગમાં તાકાત આવી ગઈ. ચંપા એને કેમ્પમાં ખેંચી ગઈ. સરુની પથારીની આજુબાજુ રહેલાં એનાં કપડાં અને ચીજવસ્તુઓ એણે એકઠી કરવા માંડી.

’શું કરે છે તું ?’

’આપણે જવાનું છે.’

’ક્યાં ?’

’તારે શું કામ છે ? હું જ્યાં લઈ જઉં ત્યાં તારે આવવાનું !!’

પ્રેમ એકીસાથે એકને અધિકાર અને બીજાને સમર્પણ કેવી રીતે આપી દેતો હશે !!

ચંપાએ થાળી-વાડકો બહાર રાખી બાકીની ચીજવસ્તુઓનું પોટલું વાળી લીધું. સરુ એની સામે વિસ્મય અને વિશ્વાસથી જોઈ રહી.

’ચાલ હવે આપણે જમી લઈએ.’

એ જઇને ખાવાનું લઈ આવી અને બંને વચ્ચે થાળી મુકી દીધી..

’લે હવે, જોઈ શું રહી છો ? ખાવા માંડ.’

ચંપા એક પછી એક હુકમો છોડ્યે જતી હતી અને સરુ ડાહી દીકરીની જેમ ચુપચાપ એનું પાલન કર્યે જતી હતી. બંને એક થાળીમાં જમ્યાં. સરુને કંઈ સમજ પડતી નહોતી કે ચંપા શું કરવા માગે છે. જમ્યા પછી ચંપા થાળીવાડકો માંજી આવી.

’હવે તું સુઈ જા. આપણે સવારે અહીંથી નીકળી જઈશું.’

સરુની આંખમાં નર્યું કુતુહલ ભરાઈ ગયું.

ચંપા સમજી ગઈ. ‘ચાલ આજે હું અહીં જ સુઈ જાઉં છું.’ સરુ બાળકની જેમ એને વળગી પડી. બેઉ ઘસઘસાટ ઊંઘી ગયાં.

પરોઢના વાયરાએ પ્રથમ ચંપાને જગાડી. હળવેથી સરુના હાથને છોડાવી એ ઊભી થઇ. આજુબાજુ નજર કરી. હજી બધાં ગાઢ નિંદ્રામાં હતાં. એણે સરુને જગાડી.

’ઊઠ જલ્દી. બધાં જાગશે પછી વળી પૂછાપૂછ થશે. એ પહેલાં આપણે નીકળી જઈએ.’

સરુ ઊભી થઈ. એણે એક નજર નાખી. છેલ્લા છ મહિનાથી ઘર બની ચુકેલા કેમ્પ પર. બીજી નજર ગઈ પોતાના પેટ પર.

’આનું કેમ કરશું ?’

’એના માટે બધી વ્યવસ્થા કરીને આવી છું.’

’શું?’ સરુની આંખમાં ચિંતા ડોકાણી.

’તું ચાલ તો ખરી !

ફૂટુંફૂટું થતાં સૂર્યનાં કિરણોએ બંનેના પગમાં શક્તિ ભરી દીધી. અર્ધોએક કલાક ચાલ્યા પછી એક ચાલી જેવો વિસ્તાર આવ્યો. ચંપા એને અંદર દોરી ગઈ. એક ઓરડી પાસે ચંપા અટકી. કેડે ખોસેલી ચાવી કાઢી તાળું ખોલ્યું. ચાલીના પાછળના ભાગમાં કોઈ સ્ત્રી મીઠા અવાજમાં ‘જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા..’ પ્રભાતિયું ગાતી હતી.

બાજુની ઓરડીનું બારણું ખુલ્યું. એક સ્ત્રી તુલસીક્યારે મુકવા માટે હાથમાં દીવો લઈને બહાર નીકળી. એની નજર આ બંને પર પડી અને ખુશ થતાં બોલી ઉઠી.

’સારું થયું ઝરીન, તું પાછી આવી ગઈ. મને તારા વિના ગોઠતું નહોતું. હવે તું ક્યાંય જઈશ નહીં. અમે બધાં છીએ ને!’

ચંપાએ નાક પર મુકેલી આંગળી નિષ્ફળ નિવડી. સરુ એક પળ મુંઝવણથી ઘેરાઈ. બીજી પળે એ મુંઝવણ સવારના ધુમ્મસની જેમ ઓગળી ગઈ. ઝરીન ઊર્ફે ચંપાની સામે એ પૂરી શ્રધ્ધાથી જોઇ રહી. ચંપા એને અંદર લઈ ગઈ.

ઓરડીમાં એક ઘોડિયું રાખ્યું હતું અને બાજુમાં એક ઢીંગલી. સરુએ ચંપાની સામે જોયું.

’મને ખબર છે, તને દીકરી જ આવશે…’ ચંપા બોલી.

’તને કેમ ખબર પડી?’

’તારાં પગલાં પરથી વળી, પણ તારી દીકરીનું નામ શું રાખશું?’

’જૂઈ…………..’


પ્રકાશિત

જૂઇ : અખંડ આનંદ , ડિસેમ્બર  ૨૦૦૪      

હિન્દી અનુવાદ : નયા જ્ઞાનોદય (ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશિત સામયિક), સપ્ટેમ્બર, ૨૦૦૬

ગુર્જરી ડાયજેસ્ટ : જુલાઇ ૨૦૨૨