ધબાકો થાય છે –
– ધૂની માંડલિયા
કોઈ હરણું કયાંક લપસી જાય છે,
ઝાંઝવામાં લ્યો, ધબાકો થાય છે.
ઊઠ તડકા ! જા, જરી તું વાત કર,
આંધળાનો જીવ છે, હરખાય છે.
એક સુક્કા નામની પણ જો અસર,
ભીંત પર વાદળ હવે ચિતરાય છે.
હું અનાગત નામનો સંબંધ છું,
એમ જન્મોજન્મથી કહેવાય છે.
એક પડછાયો ઘૂઘવતો ઓરડો,
એક દરિયો રાતભર રેલાય છે.
સૂર્ય ! તારા દેશમાં મંદિર ઉપર,
રોજ ઝાકળનો હજી વધ થાય છે.
મિચ્છામિ દુક્કડમ –
– શોભિત દેસાઈ
પહોંચી હો જો હાનિ તો હવાની માફી માગે છે
બધાં પંખીઓ સાંજે ઊડવાની માફી માગે છે.
ન કોઈ છેતરાયું, કાફલો નીકળ્યો બહુ ચાલાક
સૂરજ, મોઢું વકાસી ઝાંઝવાની માફી માગે છે.
તમે નીકળી ગયાં જ્યારે અમે ચૂકી ગયા ત્યારે
નયન, એ પૂરતું બિડાઈ જવાની માફી માગે છે.
નથી આવ્યું કોઈ ના આવવાનું છે કોઈ ક્યારેય
દરદ છે જાન લેવા, ખુદ દવાની માફી માગે છે.
બહાર આવ્યા તો જાણ્યું, જન્મટીપની કેદ બહેતર છે
બધા કેદીઓ ભાગી છૂટવાની માફી માગે છે.
જે આવ્યો છે, નથી શું એ કે જેની રાહ જોઈ’તી?
આ ભીલડી કેમ બોરાં ચાખવાની માફી માગે છે?
ભૂરા કે લાલ બદલે ચોપડે ચીતરાય કાળો રંગ
સ્વયમ્ લક્ષ્મી હવે તો શ્રી સવાની માફી માગે છે.
તમે આવ્યાં નથી સપનામાં, તો આ અડધી રાતે કોણ
બહુ મોડેથી માફી આપવાની માફી માગે છે?

સરસ રચના. “કોઈ હરણું કયાંક લપસી જાય છે,
ઝાંઝવામાં લ્યો, ધબાકો થાય છે.“
LikeLike