મંજૂષા
વીનેશ અંતાણી

મોરારજીભાઈ દેસાઈ ભારતના વડાપ્રધાન હતા ત્યારે એક વિદેશી મહિલા પત્રકારે એમનો ઇન્ટરવ્યૂ લીધો હતો. એણે મોરારજીભાઈને પૂછ્યું કે ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ ઘણું નીચું છે. લોકોને વાંચતાં-લખતાં આવડતું નથી તો તેઓ લોકશાહી અને રાષ્ટ્રહિત માટે આવશ્યક સાચા નિર્ણયો કઈ રીતે લઈ શકે? ટૂંકમાં, પત્રકાર-બહેન કહેવા માગતાં હતાં કે નિરક્ષરતા તમારા દેશની બહુ મોટી સમસ્યા છે. અભણ લોકોમાં જ્ઞાન અને માહિતીનો અભાવ હોય ત્યારે તેઓ દેશની લોકશાહી માટે ખતરો બની શકે છે.
મોરારજીભાઈએ જવાબ આપ્યો કે કોઈ માણસ નિરક્ષર હોય એનો અર્થ એમ નથી કે એનામાં બુદ્ધિ નથી. અમારા દેશના લોકોને ડહાપણ પેઢી દર પેઢી વારસામાં મળે છે, એ એમના લોહીમાં વહે છે. ‘મારા દેશનો નિરક્ષર માણસ પશ્ચિમના દેશોના ભણેલા લોકોની સરખામણીમાં જીવનનાં સત્યો વધારે સારી રીતે સમજી શકે છે.’
મોરારજીભાઈનો આ જવાબ ભારતમાં અક્ષરજ્ઞાન ન ધરાવતા લોકોમાં રહેલી કોઠાસૂઝનો નિર્દેશ કરે છે. પ્રજા શિક્ષિત હોય એ ખૂબ જરૂરી અને અનિવાર્ય છે, પરંતુ બુદ્ધિ–ડહાપણનો આધાર માત્ર ભણતર પર જ નથી હોતો. સાક્ષરતાનું ઘણું મહત્ત્વ છે અને એનો આંક ઊંચો લાવવા માટે આઝાદી પછી આપણા દેશમાં ભગીરથ પ્રયત્નો કરવામાં આવ્યા છે. એનાં સારાં પરિણામ આવ્યાં છે. તેમ છતાં જીવનમાં યોગ્ય નિર્ણય લેવા માટે માત્ર ભણેલા હોવું પૂરતું નથી.
ઘણા નિરક્ષર લોકો એમની આંતરસૂઝથી સમજદારીપૂર્વક અને વ્યાવહારિક નિર્ણયો લઈ શકે છે. કોઈએ હળવાશથી સરસ વાત કરી છે કે બુદ્ધિશાળી હોવાનો અર્થ ‘વધારે નંબરવાળાં ચશ્માં કે ગંભીર ચહેરો’ નથી. માણસમાં રહેલું જન્મજાત ડહાપણ પુસ્તકિયા જ્ઞાનથી વિશેષ હોય છે. ઘણા લોકોમાં અલગ રીતે વિચારવાની કુદરતી આવડત હોય છે અને તેઓ ઉચ્ચ ડિગ્રીધારી લોકોથી વધારે સારી રીતે સમસ્યાઓનો હલ કાઢી શકે છે.
એક વાર નહાવાના સાબુ બનાવતી વિદેશની ખૂબ જાણીતી કંપનીના સંચાલકો સામે અણધારી સમસ્યા ઊભી થઈ. કંપનીના સાબુનો માલ બજારમાં પહોંચી ગયો ત્યારે ખબર પડી કે બૉક્સમાં સાબુ જ નહોતા, ખાલી ખોખાં હતાં. કંપનીની શાખ જોખમમાં મુકાઈ ગઈ. એમની કંપનીમાં સાબુ બનાવવાથી માંડીને બૉક્સમાં પેક કરવા સુધીની સમગ્ર પ્રક્રિયા યંત્ર આધારિત સ્વયંસંચાલિત હતી. બૉક્સમાં સાબુ ભરવાના સ્ટેજ પર કશીક ટેક્નિકલ ગરબડ થઈ હતી. ભવિષ્યમાં આવી ભૂલ નિવારવા માટે નિષ્ણાતોએ સિસ્ટમમાં સુધારો કરવા ઘણા કલાકો ચર્ચાવિચારણા કરી પણ કોઈ ઉકેલ મળ્યો નહીં. છેવટે કંપનીના નીચી પાયરીના એક ‘અભણ’ કર્મચારીએ સરળ ઉપાય સૂચવ્યો – સાબુનું પેકિંગ થતું હોય તે જગ્યાએ મોટા પેડેસ્ટલ ફેન મૂકો. બૉક્સ ખાલી હશે તો પવનમાં ઊડી જશે, એમાં સાબુ હશે તો ભરેલાં બૉક્સ પસાર થઈ જશે.
બહારથી સામાન્ય લાગતા લોકોમાં અકલ્પ્ય બુદ્ધિ હોય છે. અભ્યાસીઓએ એવા લોકોનાં કેટલાંક લક્ષણો તારવ્યાં છે. એમનામાં અદભુત નિરીક્ષણશક્તિ હોય છે. તેઓ એમની આજુબાજુની ઘટનાઓ અને લોકોનું એનું ખૂબ ઝીણવટથી પૃથક્કરણ કરતા રહે છે. તેઓ સાદા પરંતુ વ્યાવહારિક નિર્ણયો લેવાની ક્ષમતા ધરાવે છે, કોઈ પણ સૂચન પર વિચાર કરવા તેઓ હોય છે અને તંગ પરિસ્થિતિમાં પણ હળવા રહી શકે છે. એમનામાં નાનામાં નાની બાબત વિશે જાણકારી મેળવવાની જિજ્ઞાસા હોય છે. તેઓ પ્રશ્નો પૂછે છે અને એમાંથી યોગ્ય જવાબો શોધે છે. એ લોકો વધારે પડતું બોલતા નથી, ચૂપચાપ ઊંડા વિચાર કરે છે અને પછી જ આગળ પગલું ભરે છે. તેઓ કોઈ પણ ઉંમરે નવું જાણવા ઉત્સુક હોય છે.
‘બુદ્ધિ’ અને ‘ડહાપણ’ વચ્ચે સૂક્ષ્મ ભેદ છે. ડહાપણ ભણતરનું મોહતાજ નથી. જીવનના અનુભવો લોકોને શાણા બનાવે છે, સારા-નરસા અનુભવોથી લોકોની આંતરસૂઝ ઘડાય છે. એટલે તો આપણામાં ‘ઘરડા ગાડાં વાળે’ જેવાં ઓઠાં પ્રચલિત છે. આપણો સમાજ જ્ઞાનવૃદ્ધ વડીલોને માન આપે છે, જોકે બદલાયેલી સામાજિક અને આર્થિક પરિસ્થિતિ અને ટેક્નોલોજીના વિકાસને લીધે લોકોમાં વડીલો પ્રત્યેના અભિગમમાં ઝાંખપ આવી છે.
વિભક્ત કુટુંબોની સંખ્યા વધવાથી ઘરના વડીલો હાંસિયામાં ધકેલાઈ ગયા છે. તેમ છતાં દરેક જગ્યાએ એવું જોવા મળતું નથી. બે ચિત્રો મળે છે. સિત્તેર વર્ષની એક નિવૃત્ત શિક્ષિકાએ કહ્યું હતું કે એની પુત્રવધૂ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. પહેલું સંતાન દીકરી જન્મી પછી એ બાળઉછેરનાં અંગ્રેજી પુસ્તકો વાંચતી હતી, પણ દીકરી માંદી પડે ત્યારે ઘરગથ્થુ ઉપચાર માટે હંમેશાં સાસુની સલાહ લેતી હતી અને એ પ્રમાણે કરતી હતી, એનાથી વિપરિત ઉદાહરણ – એક વયોવૃદ્ધ પિતાની ફરિયાદ છે કે એનાં સંતાનોએ એને ‘ડેડ સ્ટોક’ માનીને જાણે માળિયામાં ચઢાવી દીધો છે! એના માર્ગદર્શનની એમને જરૂર રહી નથી.
વૃદ્ધ લોકો ખરચાઈ ગયેલી મૂડી નથી. એમની પાસે જીવતરના અનુભવોમાંથી મળેલા ડહાપણનું ભાથું હોય છે. આજના સતત પરિવર્તનશીલ સમયમાં જીવનમૂલ્યોના ઝડપથી બદલાતાં જાય છે ત્યારે અનુભવસિદ્ધ વડીલોના ડહાપણનું મહત્ત્વ ઘટવા લાગ્યું છે, પરંતુ આજે નહીં તો આવતીકાલે સમાજને જન્મજાત કોઠાસૂઝ ધરાવતા વડીલોની જરૂર પડવાની જ છે.
મોરારજીભાઈએ વિદેશી મહિલાને કહ્યું હતું તેમ વારસામાં મળતા પરંપરાગત ડહાપણને લીધે જ ભારતીય સમાજ યુગોથી અડીખમ ઊભો રહ્યો છે. મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈની આ વાત યાદ કરીએ – ડહાપણ સામે ચાલીને તમારી પાસે આવતું નથી, એની પાસે પહોંચવા માટે તમારે આખી જિંદગીનો પંથ કાપવો પડે છે.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.

‘આંતરસૂઝથી સમજદારીપૂર્વક અને વ્યાવહારિક નિર્ણયો’ એ જ ભણેલા કે અભણ લોકોનો જીવનપથ નક્કી કરે છે. સરસ લેખ.
સરયૂ પરીખ.
LikeLike