સંવાદિતા

આપણી મરજી મૂજબનું જીવન જીવી શકીએ એનાથી મોટી સફળતા બીજી કોઈ નથી .

ભગવાન થાવરાણી

કેટલીક ફિલ્મો કે પુસ્તકોના નામ જ એવા હોય જે તમને એમના ભણી જવા ખેંચે. ડેડ પોએટ્સ સોસાયટી એટલે કે મૃત કવિઓની મંડળી આવી એક ફિલ્મ છે. ઓસ્ટ્રેલિયન સર્જક પીટર વેર દ્વારા આ ફિલ્મ ૧૯૮૯ માં સર્જાઈ. ફિલ્મ અને એના શીર્ષકને સમજીએ.
પચાસના દાયકામાં અમેરિકાની સો વર્ષ જૂની વેલટન બોર્ડિંગ સ્કૂલમાં દેશના સુખી કુટુંબોના નબીરાઓ ભણે છે. આ સ્કૂલ વર્ષોવર્ષ રૂઢિચુસ્ત અને બીબાંઢાળ પુરાતન શિસ્ત મૂજબના વિદ્યાર્થીઓનો ફાલ ઉતારે છે, આગળ સ્નાતક બનવા ધકેલવા માટે. આ છોકરાંઓના વાલીઓ પણ ઈચ્છે છે કે એમના સંતાનો કડક શિસ્ત હેઠળ ભણી ગણી પરંપરાગત ‘ સુશિક્ષિત ‘ યુવાનો તરીકે બહાર આવે. વિદ્યાર્થીઓને અહિયાં પરંપરા, પ્રતિષ્ઠા, શિસ્ત અને ઉત્કૃષ્ટતાનું જરીપુરાણું સુત્ર ગળથૂથીમાં પાવામાં આવે છે. એમના અંગત શોખ, પસંદગી કે વલણનું અહીં કોઈ મહત્વ નથી. સ્કૂલ કહેવાતી આ ફેક્ટરીમાં માત્ર એમના કડક ધારાધોરણ મુજબનો માલ ઉત્પન્ન થાય છે.
સ્કૂલમાં એક નવા અંગ્રેજી ભાષાના શિક્ષય જોહ્ન કીટીંગ ( વિખ્યાત હાસ્ય અભિનેતા રોબિન વિલિયમ્સ ) જોડાય છે. એ પોતે આ સ્કૂલમાં જ ભણ્યા છે પણ છે સાવ નોખી માટીના માણસ. પહેલા જ દિવસે એ વર્ગમાં પોતાના ટેબલ ઉપર ઊભા થઈને વિદ્યાર્થીઓને હળવા લહેજામાં પૂછે છે, ‘ આપણા કવિ વોલ્ટ વ્હીટમેનની કવિતા ” ઓહ કેપ્ટન મારા કેપ્ટન ” વિષે તમારામાંના કેટલા જાણે છે ? ‘ બધા ચુપ ! એ કવિતા અમેરિકાના આ રાષ્ટ્રકવિએ એમના ક્રાંતિકારી રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનને ઉદ્દેશી એમના મરણોપરાંત શ્રદ્ધાંજલિ રૂપે લખેલી. ‘ તમે સૌ મને કીટીંગ અથવા ઓ કેપ્ટન મારા કેપ્ટન તરીકે બોલાવશો તો મને ગમશે. ‘
કીટીંગ કવિતાના જીવ છે. પરંપરાગત કવિતાઓના નહીં પણ જીવનના આરોહ – અવરોહ નિરૂપી પ્રોત્સાહિત કરતી ધગધગતી કવિતાઓના. એ પાંગરતા જીવનના પુરસ્કર્તા છે. પ્રાચીન રોમન કવિ હોરેસ દ્વારા કહેવાયેલ ‘ આજને ઉજવો ‘ ‘ વર્તમાનમાં જીવો ‘ ‘ આ ક્ષણ એકમેવ છે ‘ માં વિશ્વાસ ધરાવનારા. એમને વિદ્યાર્થીઓની અંતરનિહિત પ્રતિભામાં રસ છે, ભણતરના ભારણમાં નહીં ! એ કહે છે ‘ યાદ રહે, આપણા સૌના જીવનમાં ગણતરીની વસંત, ગ્રીષ્મ અને પાનખર છે. એક દિવસ આપણે બધા થંભી જઈશું. સ્કૂલની દિવાલો પર લટકતા અહીંના ભૂતપૂર્વ તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા જૂઓ. આજે એ બધા કબરમાં છે. એ બધામાંથી ભાગ્યે જ કોઈ એમની પૂર્ણ ક્ષમતા પ્રમાણે ખીલ્યા. દુન્યવી સફળતા પાછળની દોટમાં એ બધાએ પોતાના બચપણના સપનાઓ જતા કર્યા. ‘
 કીટીંગ વિદ્યાર્થીઓ સાથે એક મિત્ર અને સહયાત્રી તરીકે વર્તે છે. શિક્ષકોથી આતંકિત રહેવા ટેવાયેલા સૌ કુમળા માનસ માટે આ સાનંદાશ્ચર્ય છે. એ એકવાર એમને કવિતાના પાઠયપુસ્તકમાંથી એક ભાવુકતાપૂર્ણ કરુણ કવિતા વાંચી સંભળાવે છે અને પછી તુરંત બધાને કવિતાના પુસ્તકમાંથી એ પાનું ફાડી નાંખી કચરાટોપલીમાં નાંખવાનું કહે છે ! કારણ ? ‘ તમે સૌ સંક્રાંતિના ઊંબરે ઊભેલા છો. તમારે કોઈ પણ સંજોગોમાં મુરઝાવાનું નથી. રોતલ વાતોને ફાડી ફેંકી દો જીવનમાંથી.  ભણવાનું તો છે જ, તમારે ભાષા અને શબ્દોમાં ઊંડા ઉતરવાનું છે. આપણે માનવી છીએ, આપણામાં લાગણી છે માટે કવિતા વાંચીએ છીએ. ભણતર જરૂરી છે પણ કવિતા, રોમાંસ, પ્રેમ અને સૌંદર્ય આપણને જીવાડે છે. ‘ 
અન્ય શિક્ષકો કીટીંગની ભણાવવાની પદ્ધતિ વિષે જાણી એને સમજાવે છે કે આપણે છોકરાઓને કલાકાર બનાવવાના નથી. આમાંના કોઈ શેક્સપિયર, રેમ્બ્રાં કે પિકાસો નહીં બને. કીટીંગનો જવાબ ‘ હું એમને કલાકાર નહીં, જાતે વિચારવા સક્ષમ બનાવવા માંગું છું. ‘
કીટીંગ અહીં ભણતા ત્યારે સ્કૂલ સંચાલકોની મંજૂરી વિના એક ડેડ પોએટ્સ સોસાયટી ચલાવતા. રસ ધરાવતા વિદ્યાર્થીઓ કેમ્પસથી દૂર એક ગુફા જેવી અવાવરુ જગ્યાએ સમયાંતરે ભેગા મળી એવી કવિતાઓ વાંચતા જે જીવનરસથી છલોછલ હોય. શેલી, થોરો, વ્હીટમેન જેવા કવિઓની કવિતાઓ. કીટીંગના મુરીદ બનેલા વિદ્યાર્થીઓ એ જગા શોધી કાઢે છે. કીટીંગ એ દિવસોનું સ્મરણ કરતાં કહે છે ‘  ના, એ સોસાયટીના નામનો અર્થ એવો નથી કે માત્ર મૃત કવિઓની રચનાઓનું પઠન થાય. એનો અર્થ એ કે એમાં જોડાવા માટે તમારે તમારી વર્તમાન વિચાર – પદ્ધતિને મારી નાખવી પડે ! થોરોએ લખેલું કે હું વનમાં એટલા માટે ગયો કે મારે સહેતુક જીવવું હતું, ઊંડું જીવવું હતું જેથી જીવનનું સત્વ ચૂસી શકું !
હવે મિત્રો જેવા બની ચૂકેલા વિદ્યાર્થીઓને કીટીંગ ક્યારેક શાળાના ગ્રાઉંડમાં લઈ જઈ સાથે ચાલવાનું કહે અને પછી એમની ચાલનું નિરીક્ષણ કરીને નોંધે કે બીજાની ચાલનું અનુકરણ ન કરો, તમારી ચાલ પણ તમારી પોતાની મૌલિક હોવી જોઈએ ! ‘
એ કહે છે કે કોઈ લેખક કે કવિને વાંચતા હો ત્યારે એણે કહેલું તમારી નજરે તપાસો. દરેક કળામાં, ભોજનમાં, ગણિત જેવા શુષ્ક વિષયમાં પણ કવિતા છે પણ જો બધા કવિતા કરે તો આપણે ભૂખે મરવાનો વારો આવે !
સ્કૂલના શિસ્તના નિયમો કડક જ નહીં, અમાનવીય પણ છે. ગંભીર શિસ્તભંગ કરનાર વિદ્યાર્થીને શાળામાંથી રુખસદ કરવાની આકરી સજાને બદલે ક્યારેક રહેમ રાહે આચાર્ય નોલાન પોતે નિતંબો પર સોટીએ – સોટીએ ફટકારવાની ‘હળવી’ સજા પણ કરે !
વિદ્યાર્થી નીલને નાટકમાં કામ કરવાનો શોખ છે. એના પિતાને ખબર પડતાં એ ભર નાટકે ધસી આવી દીકરાને જાહેરમાં અપમાનિત કરી ઘરે ઢસડી જાય છે. ઘરે એ પોતાનો નિર્ણય જાહેર કરે છે કે હવેથી તને આ સ્કૂલમાંથી કાઢી મિલીટરી સ્કૂલમાં નાંખીશું ! ‘ અમે તારા માટે આટલો ભોગ આપીએ અને તું નાટક – ચેટકમાં જિંદગી બરબાદ કરે ! ‘ અપમાનિત, હતોત્સાહિત, આહત અને નાસીપાસ નીલ ઘરમાં જ પિતાની રિવોલ્વરથી આપઘાત કરે છે.
શાળાનું સંચાલક – મંડળ કીટીંગની ભણાવવાની ‘ બેહૂદી ‘ રીતરસમોથી નારાજ તો છે જ. એ લોકો બળજબરીપુર્વક વિદ્યાર્થીઓના એની વિરુદ્ધમાં નિવેદનો લઈ આ કરૂણ ઘટના બદલ એને જવાબદાર ઠેરવે છે અને નોકરીમાંથી પાણીચું આપે છે.
ફિલ્મના અંતિમ યાદગાર દ્રષ્યમાં કીટીંગની બરખાસ્તીને કારણે આચાર્ય નોલાન પોતે ઈંગ્લીશનો ક્લાસ લઈ રહ્યા છે. સ્કૂલ છોડી જઈ રહેલા કીટીંગ પોતાનો સામાન લેવા ક્લાસમાં આવે છે. પોતાના પ્રિય શિક્ષકની આ રીતની વિદાયથી બધા વ્યથિત છે, સમસમે છે. એક વિદ્યાર્થીથી ન રહેવાતાં એ હિંમતપૂર્વક પોતાના ડેસ્ક પર ચડી ‘ ઓ કેપ્ટન મારા કેપ્ટન ‘ પોકારે છે. ધીમે – ધીમે બધા જ વિદ્યાર્થીઓ એને અનુસરી એમ જ કરે છે. આચાર્ય આ ગાંડપણ નિ:સહાયપણે મોઢું વકાસી જોઈ રહે છે !
આ ફિલ્મને અન્ય અનેક પુરસ્કારો ઉપરાંત ૧૯૯૦ નો શ્રેષ્ઠ પટકથાનો ઓસ્કર એવોર્ડ મળેલો. ફિલ્મના નાયક રોબિન વિલિયમ્સ અમેરિકાના બેહતરીન સ્ટેંડ અપ હાસ્ય કલાકાર તરીકે સુખ્યાત હતા. કરુણતા એ કે ૧૯૧૪ માં માત્ર ૬૩ વર્ષની વયે એમણે આત્મહત્યા કરી.

શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.