નિત નવા વંટોળ
પ્રીતિ સેનગુપ્તા
એ હકીકત છે કે વ્યફ્તિઓના સંગની અસર – સારી કે નરસી – એમની સાથે રહેનારાં ને ફરનારાં પર મોડી પર મોડી વહેલી તહઅય જ છે. તે જ રીતે, એ પણ દેખીતું છે કે પ્રદેશ પણ ત્યાંના રહેવાસીઓનાં વર્તન-વિચાર પર પ્રભાવ પાડે છે. તેથી જ, અમુક ગામ, પ્રાંત, કોમ, દેશના લોકો અમુક જાતના હોય તેવું સામાન્યીકરણ આપણે કરતાં રહીએ છીએ. કહી શકાય કે કેટલેક અંશે તો એવી અસર સ્વાભાવિક જ ગણાય. પરન્તુ શું થઈ જાય છે આ અમેરિકામાં દેશમાં રહેનારાંને?- એમ પૂછવાનું મન થઈ જાય છે, ને આ પ્રશ્ન નીપજ્યો છે તાજેતરમાં સાંભળેલી એક આઘાતજનક વાતથી.
ના ભાઈ, રાજગાદી ઉથલાવે કે દેશ-દેશ વચ્ચે યુદ્ધ કરાવે તેવો આ બનાવ નથી. ફકત એક કુટુંબમાં બનેલી આ વાત છે. અમેરિકામાં ઘણાં વર્ષોથી આ મારું મિત્ર-કુટુંબ રહ્યું છે, ને તેથી આઘાતના, દુ:ખના, નવાઈના ભાવ થયા કરે છે. આવું બન્યું કઈ રીતે? વાત આટલે સુધી પહોંચી કઈ રીતે?
સૌથી પહેલાં તો એ કહી દઉં કે આ કુટુંબ ગુજરાતી નથી, કે નથી એ ગુજરાતમાંથી આવતું. છતાં, પતિ-પત્નીનાં નામ બદલું તો છું જ. મારી ઓળખાણ પહેલાં તો સુષમા સાથે થયેલી. એક જ ગામમાં રહેતાં, ને એક જ જાહેર સ્વિમિંગપુલમાં તરવા જતાં. પછી ક્યારેક વિનાયકને મળવાનું થયેલું. એની સાથે મઝા આવતી, કારણકે એને બોલવા બહુ જોઈએ, અને વાતો વિનોદથી ભરેલી હોય. ભારતમાં એક આઈ.આઈ.ટી.માં ભણીને એન્જિનિયર થઈને એ અમેરિકા આવેલો. ઘણો બુદ્ધિમાન, ને હજારજવાબી. બધી બાબતમાં એની પાસે દલીલ હોય જ, ને પોતાનાં મત-માન્યતાઓને એ પકડી પણ રાખતો જ. આ ટેવ એવી કે મિત્ર તરીકે ક્યારેક મળીએ તો સહી લઈ શકાય, પણ એની સાથે જિંદગી જીવવાની હોય તો એ જક્કી જ લાગે.
વિનાયકની હાજરીમાં સુષમા શાંત રહેતી, અને અમે બે જણાં મળીએ ત્યારે પણ અંગત પૂછવાની મારી ટેવ નહીં. ભાગ્યે જ એણે કોઈ ફરિયાદ કરી હશે. થોડી ખબર વિનાયકની વાતો અને વર્તાવ પરથી પડતી – જેમકે સુષમાના બહેન-બનેવી સાથે એને જરા પણ ફાવતું નહીં, સુષમાની અમુક બહેનપણીઓ પણ એને જરાયે ગમતી નહીં. એક દીકરો અને એક દીકરીના જન્મ થયા પછી એમની સંભાળ રાખવા માટે સુષમાનાં મા-બાપને અમેરિકા બોલાવી લીધેલાં. સાસુ-સસરા માટે પણ વિનાયકને કશૌ ભાવ હોય તેવું મને લાગતું નહીં.
આ બધા પરથી મને કૂયારેક વિચાર આવતો કે એવું કેવું હશે કે વિનાયકને કોઈ ગમે જ નહીં?
પણ એ વિષે કાંઈ એને ઓછું પુછાય?
એન્જિમિયરની નોકરી કરતાં કરતાં વિનાયકે વકીલાતનું ભણવા માડેલું. સંજોગવશાત્ એની નોકરી જતાં એણે વકીલ તરીકે કામ શર્ કર્યું, ને ન્યૂયોર્કમાં ઓફીસ ખોલી. પછી એને થયું કે જો સુષમા પણ વકીલ થઈ જાય, ને સાથે જોડાઈ જાય, તો કામમાં ઘણી મદદ થાય. સુષમાને જરા પણ મન નહતું, પણ વરનું કહ્યું કરવું પડ્યું. બંને છોકરાં નાનાં, ને મોડી રાત સુધીનું વાંચવાનું. એક વાર મેં એને કહેલું, તું જે ધારે તે કરી શકે છે. તો એક વાર એ બોલી ગયેલી, કે વિનાયકને માટે તો હું નોકર જેવી છું.
હવે વાત પૂરી થવામાં છે. વકીલ થઈ ગયા પછી સુષમાએ વિનાયકની સાથે ઘરની ઓફીસમાં કામ કરવા માંડ્યું, પણ થોડા મહિના માટે જ. ત્યાર પછી ઘરની ઓફીસ એણે છોડી દીધી, ને કોઈ બીજા વકીલને ત્યાં એ જોડાયેલી. અમને એટલું જણાવેલું તો વિનાયકે જ, પણ એની સાથે મુલાકાત કે વાત થવી લગભગ બંધ થઈ ગયેલી. અમે એને યાદ કરીએ, પણ માનીએ કે એ કામમાં હશે.
બે-અઢી વર્ષે એ અચાનક અમને ક્યાંક મળી ગયો. તે વખતે તો એ કાંઈ બોલ્યો નહીં, પણ પછી ફોન કરીને એણે મને બધું કહ્યું, ને એમાં છે આ વાતનું હાર્દ : દોઢેક વર્ષ પહેલાં સુષમા
વિનાયકને કોર્ટે લઈ ગઈ હતી. એની માગણી એ હતી કે વિનાયકને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે.
વિનાયકને કોર્ટે લઈ ગઈ હતી. એની માગણી એ હતી કે વિનાયકને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે.
કઈ હદે પહોંચે છે વાત. પત્ની પતિને, જે બંનેની ભેગી સંપત્તિ છે તેવા ઘરમાં, રહેવા દેવા માગતી નથી. વિનાયકે પોતે જ પોતાનો બચાવ કર્યો હતો, અને ચુકાદો પોતાના પક્ષમાં લાવવામાં એ સફળ થયો હતો; પણ પત્ની તેમજ બંને બાળકો સાથે એક પણ શબ્દની આપ-લે કરવાની મનાઈ એને ફરમાવાઈ. જો આ ફરમાન ના પાળે તો મોટો દંડ થાય, અને કદાચ જેલમાં પણ જવું પડે.
મેં વિનાયકને પૂછ્યું હતું, ‘સુષમાએ સ્ત્રી-વકીલ રાખ્યા હતા?’
મારું અનુમાન સાચું હતું, અને આ બાબત માટેનો મારો અભિપ્રાય પણ. બીજા કિસ્સાઓમાં પણ મેં જોયું છે કે સ્ત્રીના વકીલ તરીકે બીજી સ્ત્રી હોય છે ત્યારે જાણે એ અસીલના પતિ પર બરાબર દાઝ કાઢતી હોય છે. પોતાના જ જીવન માટેની કોઈ ચીડ, અને પેલો એક પુરુષ છે એ જ એનો વાંક. નોકરી-ધંધામાં ખૂબ આગળ, પણ કૌટુંબિક સુખ વગરની ઘણી અમેરિકન સ્ત્રીઓનું માનસ પુરુષ
માત્ર માટેની દાઝ અને ઘુણાથી ભરાઈ જતું હોય છે. મને એમ થાય કે વકીલે એક કુટુંબને ભેગું રાખવા મદદ કરવી જોઈએ, કે એને છૂટું પાડવામાં?
તો વળી થાય કે એવી તો કેવી કંટાળી હશે સુષમા કે બાવીસ વર્ષના લગ્નજીવન પછી વરનું નામોનિશાન એને ના જોઈએ? એટલો બધો વાંક હશે વિનાયકનો? એનું જીવન એની આસપાસ ઢગલો થઈને પડ્યું. પત્ની એની દયા ખાવા જેટલી લાગણી પણ ધરાવતી નથી.
તેથી જ પ્રશ્ર થાય છે, શું થઈ જાય છે આ દેશમાં રહેનારાંને? એક તરફ, અહીં વસતાં ભારતીયો “આપણી સંસ્કૃતિ અને વારસા”ની વાતો કરતાં હોય છે, અને બીજી તરફ ખાસ્સી વ્યફ્તિગતતાનો આગ્રહ રાખતાં હોય છે. સંસ્કૃતિની વ્યાખ્યા અને વાસ્તવિકતાની વચ્ચે એક સમતુલન રાખવાનું હોય છે, જે આ દેશનાં હવા-પાણીમાં ઘણું વધારે કઠિન બનતું લાગે છે. અહીંની ભારતીય પ્રજામાં છૂટાછેડાની સાંખ્યા વધતી જતી જણાય છે, અને એકમેક પ્રત્યે કનડગતના દાખલા પણ. જોકે પતિ દ્વારા જુદી જુદી રીતે હેરાન થતી ભારતીય સ્ત્રીઓનો વર્ગ અહીં વધતો જતો જણાય છે. આવી દુઃખિયારી સ્ત્રીઓને વિભિન્ન રીતની સલાહ આપવા માટે અમેરિકામાં ઘણી ભારતીય સ્ત્રી-સંસ્થાઓ ઊભી થઈ છે. સખી, સેવા, સ્નેહા, આશા, અપના ઘર, મૈત્રી, નારિકા, માનવી જેવાં સરસ નામ હોય છે એમનાં. એમનું કામ આ પ્રમાણેનું હોય છે : હિંસાનો ભોગ બનતી સ્ત્રીઓને સલાહ, નાની-મોટી નોકરી, ઉછીની રકમ, તબીબી મદદ વગેરે આપવી, દુભાષિયા મેળવી આપવા, સંસ્થા માટે ફંડ ભેગું કરવું, પરિપત્રકાઢવા વગેરે.
આ બધી સંસ્થાઓમાં સ્વેચ્છાથી કામ કરતી યુવતીઓ આધુનિક, વ્યવસાયી, બુદ્ધિમાન, સંવેદનશીલ, અને સક્ષમ હોય છે. ધ્યેયવાદી તો કરી જ. નિસ્વાર્થ ભાવે મદદ કરનારાં પણ અહીં મળે જ છે. એટલેકે, અહીં ખરાબની સાથે જ, સારી અસર પણ મળી શકે છે. ને એનો આધાર વ્યફિત તેમજ એના સંજોગો પર રહે છે.
તો શું શરૂઆતે મેં કરેલો પ્રશ્ન ખોટો ઠરે છે? ના, બલ્કે એના જવાબ અનેક છે, અને એની છણાવટ ઘણી લાંબી છે. મુફ્ત અને સ્વચ્છંદ, વ્યફિતગતતા અને સ્વાર્થ, જરૃરિયાત અને લોભ વગેરે દ્વિમુખી તત્ત્વોની તીક્ષ્ણ ધાર પર આ પ્રશ્ન ગોઠવાયેલો છે. સહેજ પણ સમતુલા જાય તો જવાબ આમ પડે કે આમ.
વિનાયક અને સુષમાની બાબતમાં જે થયું તે પણ ક્યાંય સુધી એક ધાર પર જ ડગમગતું હતું. જે થયું તે સળગી રહ્યું હતું. પરિણામ જે આવ્યું તેમાં કોઈને માટે કશું સુખ ન હતું. ચોતરફ ઉજ્જડતા હતી – ખાસ કરીને એકલવાયા વિનાયકને માટે, પણ બંનેનાં વીતેલાં વર્ષો તો તદ્દન રાખ થઈ જ ચૂફ્યાં હતાં.
સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
સંપાદકીય નોંધ:
‘નિત નવા વંટૉળ’ લેખમાળામાં સતત એક સો વિચારપ્રેરક લલિત નિબંધો પ્રકાશિત થયા બાદ હવે આ લેખમાળા અહીં વિરમે છે.
ખુબ ચીવટપૂર્વક નિબંધોની પસંદગી કરીને વિચાર અને વિષય વૈવિધ્ય જાળવતી આ લેખમાળા આપવા બદલ સુશ્રી પ્રીતિબહેનનો આપણે આભાર માનીએ છીએ.
જોકે વેબ ગુર્જરીને સુશ્રી પ્રીતિબહેનની કલમનો લાભ તો મળતો જ રહેશે. ટુંક સમયમાં જ તેમની વાર્તાઓ વેબ ગુર્જરીના સાહિત્ય વિભાગ પર વાંચવા મળશે.
સંપાદક મડળ, વેબ ગુર્જરી