વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ભ્રષ્ટાચારનો ભોરિંગ અને લોકપાલ-લોકાયુક્તની મોરલી

    નિસબત

    ચંદુ મહેરિયા

    અન્ના હજારેનું ૨૦૧૧નું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન યાદ છે?  તેને કારણે જ લગભગ સર્વાનુમતે સંસદે લોકપાલ-લોકાયુક્તને લગતો કાયદો ઘડ્યો હતો. આજે  અન્ના આંદોલનના સવા અને લોકપાલ-લોકાયુક્ત અધિનિયમ-૨૦૧૩ના એક દાયકે દેશ ભ્રષ્ટાચાર મુક્ત થયાનું કે લાંચ-રુશ્વતની બદી ઘટ્યાનું લાગે છે ખરું ? દેશના સર્વ રાજકીય પક્ષો પર જે લોકપાલનો કાયદો ઘડીને ભ્રષ્ટાચારના ભોરિંગને નાથવાનું દબાણ ઉભું થઈ શક્યું હતું તે કાયદો નબળો કે બોદો લાગે અને સમસ્યા યથાતથ હોય ત્યારે નાગરિક માત્રને નિરાશા ઉપજે છે. આર્થિક ગેરરીતિઓ, લાગવગ, લાંચ કહેતાં ભ્રષ્ટાચારનો પડકાર કેટલો મોટો અને ગંભીર છે અને દેશવ્યાપી આંદોલન પછી પણ શઠ રાજકારણીઓની રાજકીય ઈચ્છાશક્તિના અભાવે તેનો કાનૂની માર્ગે મર્યાદિત ઉકેલ પણ શક્ય નથી બની શકતો તેનો રંજ થાય છે.

    લોકતાંત્રિક દેશોમાં નાણાકીય ગેરરીતિ, લાગવગ, લાંચ , સત્તાનો દુરુપયોગ  જેવા વહીવટી તંત્રમાં વ્યાપ્ત ભ્રષ્ટ આચારો અંગે સ્વતંત્ર, નિષ્પક્ષ અને નિર્ભીકતાથી વિચાર કરી શકે તેવી વ્યવસ્થા જરૂરી છે. આ પ્રકારની વ્યવસ્થા હોય તો લોકો ફરિયાદ કરી શકે અને તેની સમુચિત તપાસ કરી તેને દૂર કરી શકાય. આ પ્રકારની વ્યવસ્થા લોકોનો વહીવટમાં વિશ્વાસ ટકાવી રાખે છે.

    દુનિયાના ઘણા દેશોમાં ભ્રષ્ટાચારની તપાસ માટે ઓમ્બુડ્સમેન કે લોકપાલ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકપાલનું પગેરું છેક ૧૮૦૯ની સાલમાં સ્વીડનમાં મળે છે. વીસમી સદીમાં તેનો સંસ્થાગત વિકાસ થયો હતો.  બીજા વિશ્વયુધ્ધ પછી તેમાં ગતિ આવેલી જણાય છે. ફિનલેન્ડમાં ૧૯૨૦થી સંસદીય લોકપાલ અસ્તિત્વમાં છે. નોર્વે અને ન્યૂઝીલેન્ડમાં ૧૯૬૨માં લોકપાલની પ્રણાલી દાખલ થતાં તેનો વ્યાપક પ્રસાર થયો હતો. ૧૯૬૬માં લોકપાલનો વિચાર અપનાવનાર ગુયાના પ્રથમ વિકાસશીલ અને ૧૯૬૭માં તે અપનાવનાર બ્રિટન પ્રથમ લોકતાંત્રિક દેશો છે. મોરીશસ, સિંગાપુર અને મલેશિયાએ પણ તે પછી લોકપાલની રચના કરી છે.

    ભારતમાં લોકપાલની રચનાનો દીર્ઘ ઈતિહાસ છે. ૧૯૬૦ના દસકના આરંભે સૌ પ્રથમ વખત તેનો વિચાર કાયદા મંત્રી એ.એન. સેને સંસદમાં રજૂ કર્યો હતો. જોકે લોકપાલ અને લોકાયુક્ત શબ્દ સૌ પ્રથમ વખત ૧૯૬૩માં કાયદાવિદ અને સાંસદ લક્ષ્મીમલ સિંઘવીએ પ્રયોજ્યો હતો. મોરારજી દેસાઈના પ્રમુખપણા હેઠળના પ્રથમ વહીવટી સુધારણા પંચે ૧૯૬૬માં સાંસદો સહિતના લોકસેવકો અને જાહેર સેવકોના ભ્રષ્ટાચારની ફરિયાદોની તપાસ માટે કેન્દ્ર અને રાજ્યોમાં લોકપાલ-લોકાયુકતની રચનાની ભલામણ કરી હતી. તે અન્વયે ૧૯૬૯માં ચોથી લોકસભામાં લોકપાલ-લોકાયુક્ત વિધેયક પસાર થયું હતું. આ વિધેયક રાજ્યસભામાં પડતર હતું તે દરમિયાન લોકસભાનું વિસર્જન થતાં તે લેપ્સ ગયું. નહીં તો પચાસેક વરસ પહેલાં લોકપાલનો કાયદો અસ્તિત્વમાં આવી ગયો હોત ! ૨૦૦૨માં બંધારણ સમીક્ષા પંચે અને ૨૦૦૫માં બીજા વહીવટી સુધારણા પંચે પણ લોકપાલની ભલામણ કરી હતી. ૧૯૭૧, ૧૯૭૭,૧૯૮૫, ૧૯૮૯, ૧૯૯૬, ૧૯૯૮, ૨૦૦૧ અને ૨૦૧૧ એમ કુલ આઠ પ્રયાસો પછી ૨૦૧૩માં અન્ના આંદોલનના ધક્કે લોક્પાલ વિધેયક સંસદે પસાર કર્યું હતું. ૨૦૧૪થી તે અમલમાં આવ્યું છે. આ ક્રોનોલોજી દર્શાવે છે કે રાજનેતાઓ લોકપાલ કાયદાથી ડરતા હતા અને તેને ટાળતા હતા.

    કેન્દ્રના લોકપાલ-લોકાયુક્ત કાયદા પૂર્વે ઘણાં રાજ્યોમાં લોકાયુક્તના કાયદા ઘડાયા હતા. એટલે ભ્રષ્ટાચાર નિવારણની દિશામાં કાનૂની માર્ગ અખત્યાર કરવામાં કેન્દ્ર કરતાં રાજ્યો આગળ હતાં. ઓડિશામાં ૧૯૭૦માં,  મહારાષ્ટ્રમાં ૧૯૭૧માં અને ગુજરાતમાં ૧૯૮૬માં રાજ્ય લોકાયુક્ત અધિનિયમ ઘડાયા હતા..

    વડાપ્રધાન સહિતના મંત્રી મંડળના સભ્યો, સાંસદો  અને કેન્દ્ર સરકારના તમામ શ્રેણીના અધિકારીઓના ભ્રષ્ટાચારની તપાસને આવરી લેતો ૨૦૧૩નો અધિનિયમ  તપાસથી  માંડીને જપ્તી સુધીની ભલામણની સત્તા ધરાવે છે.જોકે લોકપાલ કોઈ બંધારણીય દરજ્જો ધરાવતી નહીં પણ વૈધાનિક સંસ્થા છે. એક ચેરપર્સન અને અન્ય આઠ સભ્યોના બનેલા લોકપાલની પસંદગી વડાપ્રધાન, લોકસભા અધ્યક્ષ, વિપક્ષના નેતા, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વગેરેની બનેલી સમિતિએ કરવાની જોગવાઈ છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને અન્ના આંદોલનનું સમર્થન ઘણું ફળ્યું હતું. ‘ હું ખાતો નથી અને ખાવા દેતો નથી’ ની ઈમેજ  ઉભી કરનાર મોદીએ ભ્રષ્ટાચાર પર લગામ કસવા વડાપ્રધાન બન્યા પછી તુરત જા લોકપાલની નિમણૂક કરવી જોઈતી હતી પરંતુ તેમની તે માટે કોઈ પ્રતિબધ્ધતા જ નહોતી. એટલે ૨૦૧૪માં અમલી બનેલા લોકપાલ કાયદા હેઠળ ન.મો.એ છેક પાંચ વરસે ૨૦૧૯માં પ્રથમ લોકપાલની નિમણૂક કરી હતી. આ બાબત વડાપ્રધાન મોદીની અને ભારતીય જનતા પક્ષની ભષ્ટ્રાચાર બાબતે કેવી રાજકીય ઈચ્છાશક્તિ છે તે દર્શાવે છે.

    રાજ્યોએ એક વરસમાં આ કાયદાની જોગવાઈ મુજબ લોકાયુક્તની રચના કરવાની હોય છે. પરંતુ આઠ રાજ્યોમાં હજુ ૨૦૧૩ના કાયદા પ્રમાણે લોકાયુક્તની રચના થઈ નથી.કેટલાક રાજ્યોમાં લોકાયુક્ત કે સભ્યોની જગ્યાઓ ખાલી છે. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીકાળમાં તો ગુજરાતમાં દસ વરસ કરતા વધુ સમય ૧૯૮૬ના કાયદા મુજબની લોકાયુક્તની જગ્યા ખાલી રહેવા પામી હતી. જ્યારે ગવર્નર કમલા બેનીવાલે ખુદે જસ્ટિસ આર.એ.મહેતાને લોકાયુક્ત તરીકે નિયુક્ત કર્યા ત્યારે બીજેપી સરકારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં તેને પડકારી હતી. બંને કોર્ટોએ સરકારની વિરુધ્ધમાં ચુકાદા આપી રાજ્યપાલે કરેલી નિમણૂક્ને કાયદેસર ઠેરવી ત્યારે પણ સરકાર તે હકીકત સ્વીકારી શકી નહોતી.. વળી આજ મોદી ‘ ન ખાતા હું ન ખાને દેતા હું’ નો રાગ સતત આલાપ્યા કરે છે. ૨૦૧૩ના કાયદાની કલમ-૫માં અધ્યક્ષ અને સભ્યોના કાર્યકાળ (૭૦ વરસની વય અને પાંચ વરસ ) ની સમાપ્તિના ત્રણ મહિના પહેલાં નવી નિમણૂકો કરવાની જોગવાઈ છે. કેન્દ્રમાં લોકપાલનો કાર્યકાળ ૨૦૨૨માં અને ત્રણ સભ્યોનો ૨૦૨૦માં સમાપ્ત થઈ જવા છતાં ન. મો. શાસનમાં હજુ નવી નિમણૂકો થઈ નથી.

    પર્સોનલ, પબ્લિક ગ્રિવન્સિસ, લો એન્ડ જસ્ટિસ વિભાગ સંબંધી સંસદની સ્થાયી સમિતિએ લોકપાલની કામગીરી અંગે હળવામાં હળવા શબ્દોમાં ટીકા કરતાં કહ્યું  છે કે ‘ લોકપાલની કામગીરી સંતોષજનક પ્રતીત થતી નથી ‘ સમિતિના મતે સ્વચ્છ અને જવાબદાર શાસનમાં વૃધ્ધિના પ્રયાસો માટે  લોકપાલની રચના થઈ છે.  તેથી તેણે અવરોધકને બદલે સહાયકના રૂપમાં કાર્ય કરવું જોઈએ. પોતાની આલોચનાના આધાર તરીકે સમિતિએ જણાવ્યું છે કે ૨૦૨૨-૨૩ના વર્ષમાં લોકપાલને કુલ ૨૫૧૮ ફરિયાદો મળી હતી. તેમાંથી ૨૨૭૬ ( ૯૦ ટકા) ફરિયાદો તેણે નિયત નમૂનામાં ન હોવાના કારણસર રદ કરી છે. બાકીની ૨૪૨માંથી ૧૯૧નો એટલે કે  ૮૮ ટકા ફરિયાદોનો નિકાલ દર્શાવી વાહવાહી મેળવવા પ્રયાસ કર્યો છે. પરંતુ      સમિતિએ “ વાસ્તવિક કે તથ્ય જણાય તેવી  ફરિયાદો ટેકનિકલ કારણોસર રદ ના કરવા”  લોકપાલને સલાહ આપી છે.વળી ભ્રષ્ટાચારની જેમના પર ફરિયાદો છે એવા વ્યક્તિઓ પર ચાર વરસમાં લોકપાલે એક પણ કેસ ચલાવ્યો નથી તે અંગે સંસદીય સમિતિએ આઘાત અને આશ્ચ્રય વ્યક્ત કર્યાં છે.

    રાજ્યોમાં લોકાયુકતની કામગીરી પણ ઝાઝી વખાણવા લાયક નથી. ગોવાના લોકાયુકત તરીકેના કાર્યકાળની સમાપ્તિએ  જસ્ટિસ પ્રફુલકુમાર મિશ્રએ તેમના અનુભવો અને પ્રતિભાવ લેખિત નિવેદન મારફત જણાવ્યા હતા. તેમણે લખ્યું છે  કે “ લોકાયુકતને માત્ર ભલામણની સત્તા છે. મેં રાજ્ય સરકારને ૨૧ ભલામણો કરી હતી.પરંતુ એક પણ ભલામણ અંગે સરકારે કોઈ પગલાં લીધા નથી. તો પછી લોકાયુક્તની જરૂર શું છે ?  જનતાના નાણાનો બગાડ કરવાને બદલે લોકાયુક્ત સંસ્થાને ખતમ કરી દેવી સારી “  ઉત્તરાખંડમાં ૨૦૧૩થી લોકાયુક્ત અને સભ્યોના પદ ખાલી છે..પરંતુ વગર લોકાયુક્તે ઓફિસમાં ૨૪ અધિકારી-કર્મચારી કામ (?) કરે છે. લોકાયુક્તની કચેરી માટે સરકારે રૂ. ૩૬ કરોડ ૯૫ લાખની ગ્રાન્ટ ફાળવી હતી અને રૂ. ૨૯ કરોડ ૭૩ લાખનો (મુખ્યત્વે પગાર-ભથ્થાનો)  ખર્ચ થયો છે. શું આ રીતે આપણે ભ્રષ્ટાચાર હઠાવી શકીશું ખરા?


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • શબ્દનો સુઘોષ – સામગાન

    ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના

    દિનેશ.લ. માંકડ

    જીવન સંગીત છે.એમાં જેટલા  સૂર હૃદયંગમ નીકળે એટલું જીવન આનંદમય..એમાંય જો આ સંગીત યોગ્ય સૂરમય હોય -પદ્ધતિસર હોય અને તેની સાધના પણ અંતઃકરણથી હોય તો તો સાક્ષાત પરબ્રહ્મ સુધી પહોંચી જવાય. પ્રાચીન ભારત પાસે આ હતું અને  આજે પણ છે.વેદકાલીન ‘સામગાન ‘ તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. ઋગ્વેદમાં સંયોજાયેલું સંયોજન એટલે સામગાન.સામગાનનો મૂળ હેતુ સામવેદના ગાનનો છે.પણ એની રચનામાં એટલું તો આધ્યાત્મિક પ્રભુત્વ છે જે વિશ્વ સંગીતને પ્રભાવિત કરે છે.

    મહર્ષિ પતંજલિના મતેતો ‘સામ’ની હજારો શાખાઓ છે  सहस्रवर्त्म समवेदः જે પાઠકને આધ્યાત્મિકતાને ચરમસીમાએ પહોંચાડે છે.પણ વિદ્વાનોના મતે કાલાન્તરે  હવે માત્ર ત્રણ શાખાઓ પ્રચલિત છે. 1. Rān#aneeya राणानीय 2. Kouthumeeya कौथ्हुमीय 3. Jaimineeya जैमिनीय. આપણે સહુ જાણીએ જ છીએ  કે સંગીતનો  મૂળ સ્ત્રોત જ સામગાન છે.કેટલાક કહેવાતા લોકોની ભ્રાંત માન્યતા છે કે ભારતીય સંગીતને સ્વરલિપિ હતી જ નહિ.અને તે પશ્ચિમના સંગીત પરથી આવી છે .હકીકતમાં હજારો વર્ષ પૂર્વ વૈદિક સામગાનની પોતાની વિશિષ્ટ સ્વરલિપિ હતી જ.જે વિશ્વની સૌથી પ્રાચીન સ્વરલિપિ છે. સામવેદના સસ્વર પાઠ માટે ઉદાત્ત,અનુદાત્ત અને સ્વરિત માટે વિશેષ ચિન્હોનો પ્રયોગ છે પરંતુ ઋષિગણ દ્વારા તો એટલે સામગાન માટે પુરી સ્વરલિપિ જ તૈયાર કરી છે.

    સામ ઉપાસના એ શ્રષ્ઠ છે એમ છાંદોગ્ય ઉપનિષદ આ મંત્રમાં કહે છે..समस्तस्य खलु साम्न उपासनꣳसाधुयत्खलुसाधुतत्सामेत्याचक्षते यदसाधु तदसामेति ॥ ‘ સંસારમાં જે કઈ શ્રેષ્ઠ છે એ સામ છે.’ અહીં  શ્ર્રેષ્ઠ એટલે સાધુ  ભાવ એવો અર્થ ઉપનિષદે તારવ્યો છે. છાંદોગ્ય ઉપનિષદ  સામનું ઉચ્ચ મૂલ્ય દર્શાવવા માટે બીજા અધ્યાયના પ્રારંભમાં દર્શાવેલા મંત્રો જ કહી જાય છે.  तदुताप्याहुः साम्नैनमुपागादिति साधुनैनमुपागादित्येव

    तदाहुरसाम्नैनमुपागादित्यसाधुनैनमुपगादित्येवतदाहुः ॥ ‘ જે કોઈ એમ કહે કે -હું ‘ સામ ‘ દ્વારા રાજા પાસે ગયો હતો – તો એનું તાત્પર્ય એ કે તે રાજા પાસે સાધુ  ભાવથી ગયો હતો.’ अथोताप्याहुः साम नो बतेति यत्साधु भवति साधु बतेत्येवतदाहुरसाम नो बतेति यदसाधु भवत्यसाधु बतेत्येवतदाहुः ॥ ‘ અમોને સામ પ્રાપ્ત થાવ ‘- એવું કોઈ કહે તો એનું તાત્પર્ય અત્યંત શુભ ફળની પ્રાપ્તિ માટે કહેવામાં આવે છે.’ પછીના મંત્રમાં ઉપનિષદ સ્પષ્ટ કહે છે,‘.આ રીતે જે ‘ શ્રષ્ઠ ‘ જાણીને સામની ઉપાસના કરે છે એને શ્રેષ્ઠ ધર્મની પ્રાપ્તિ જલદી થાય છે.અને ધાર્મિક સિદ્ધાંત એના પ્રત્યે અવનત ( તુરત ધારણ કરવા યોગ્ય )  થાય છે.’

    સામગાનનો સરળ ભાવાર્થ અને તેની પ્રાથમિક સમજ શ્રી સૌભાગ્યવર્ધન બૃહસ્પતિએ  તેમના પુસ્તક ‘ઉત્તર ભારતીય સંગીતકે આર્ષઋષિ બૃહસ્પતિ-એક અધ્યયન’ માં જણાવ્યું છે કે ‘ઋચાઓના ગેય સ્વરૂપને સામ કહે છે .’સા’ નો અર્થ છે ઋચા અને અમ એટલે સ્વર સમૂહ. ‘ સામ ‘ ત્રણ ઋચાઓનું ગેય સંયોજન હોય  કારણકે વૈદિક સામના ઉચ્ચારણ માટે તેના અંગો પ્રસ્તાવ,,ઉદગીથ, પ્રતિહાર,ઉપદ્રવ અને નિધન હોવાં આવશ્યક છે.પ્રસ્તાવ એટલે પ્રારંભ .હિન્કાર ધ્વનિ છે .દરેક પ્રસ્તાવના અક્ષરોની સંખ્યા ભિન્ન હોય છે.ઉદગીથ  એ સામગાનને ઉપાડવાનો ભાગ છે.પ્રતિહાર  એ મંત્રના બે ભાગને જોડવાનું કાર્ય કરે છે.પ્રતિહારના અવશિષ્ટ અંગને પ્રસ્તોતા ઉદઘાતા અને પ્રતિહર્તા સાથે મળીને સમાપન કરે છે .નિધનનો અર્થ સમાપ્ત એવો થાય

    છાંદોગ્ય ઉપનિષદમાં વર્ણવ્યા અનુસાર ઉર્ધ્વ લોકોમાં પાંચ પ્રકારે સામની ઉપાસના કરવામાં આવે છે. लोकेषु पञ्चविधꣳसामोपासीतपृथिवीहिंकारः।अग्निः प्रस्तावोऽन्तरिक्षमुद्गीथ आदित्यः प्रतिहारो

    द्यौर्निधनमित्यूर्ध्वेषु ॥ પૃથ્વી હિકાર છે,અગ્નિ પ્રસ્તાવ છે અંતરિક્ષ ઉદગીથ છે.આદિત્ય પ્રતિહાર છે અને દ્યુલોક નિધન છે.વળી અધોમુખ લોકોમાં પણ અન્ય રીતે પાંચ પ્રકારના સામની ઉપાસના કરવામાં આવે છે. अथावृत्तेषु द्यौर्हिंकार आदित्यःप्रस्तावोऽन्तरिक्षमुद्गीथोऽग्निः प्रतिहारः पृथिवनिधनम् ॥ ‘પૃથ્વી હિકાર છે.અગ્નિ પ્રસ્તાવ છે અંતરિક્ષ ઉદગીથ છે.આદિત્ય પ્રતિહાર છે.અને દ્યુલોક નિધન છે.’ પ્રથમ  પદ્ધતિમાં પૃથ્વીથી પ્રારંભ કરીને દ્યુલોકનું લક્ષ્ય છે તો દ્વિતીય પદ્ધતિમાં સ્વર્ગથી પૃથ્વીનું લક્ષ્ય છે.પછીના મંત્રમાં બંને પદ્ધતિની ફલશ્રુતિ બતાવી છે. कल्पन्ते हास्मै लोका ऊर्ध्वाश्चावृत्ताश्च य एतदेवंविद्वाꣳल्लोकेषुपञ्चविधंसामोपास्ते॥. ‘આ રીતે જાણનારો જે પુરુષ પંચવિધ સામની ઉપાસના કરે છે એના માટે ઉર્ધ્વ,અધોલોકોનો ભોગ સહજ ઉપલબ્ધ થઇ જાય છે.’

    સામગાન તો પરબ્રહ્મ સુધી પહોંચવાની પગદંડી છે એટલે પ્રકૃત્તિથી અળગુ ન જ હોઈ શકે.પ્રકૃત્તિના તમામ તત્ત્વો સાથે સામગાન છે.મંત્રદૃષ્ટા હવે વૃષ્ટિમાં પાંચ પ્રકારના સામની ઉપાસના વર્ણવે છે. वृष्टौ पञ्चविधꣳसामोपासीतपुरोवातोहिंकारोमेघो जायते स प्रस्तावो वर्षति स उद्गीथो विद्योततेस्तनयति स प्रतिहार उद्गृह्णाति तन्निधनम् ॥ ‘પૂર્વીય વાયુ હિકાર છે.ઉત્પન્ન થનાર મેઘ પ્રસ્તાવ છે વરસનાર જળ ઉદગીથ છે.જે ચમકે છે તે પ્રતિહાર છે અને જે જળને ગ્રહણ કરે છે નિધન છે. આ પ્રમાણે પંચવિધ સામની ઉપાસના કરે છે એની ઈચ્છારૂપ વર્ષા થાય છે.એને જ વર્ષા કરાવવાનું શ્રેય મળે છે.’  वर्षति हास्मै वर्षयति ह य एतदेवं विद्वान्वृष्टौपञ्चविधꣳसा  એમાંય વૃષ્ટિના આગળના ગતિશીલ પ્રવાહ માટે પણ મંત્ર કહે છે ,’ગાઢ રીતે છવાયેલો  મેઘ હિકાર ,વરસતો પ્રસ્તાવ,પૂર્વ દિશાનો ઉદગીથ,પશ્ચિમનો પ્રતિહાર અને સમુદ્ર નિધન છે.’

    ઋતુની પંચવિધસામની ઉપાસના આ રીતે વર્ણવી છે.ऋतुषु पञ्चविधꣳसामोपासीतवसन्तोहिंकारः ग्रीष्मः  प्रस्तावो वर्षा उद्गीथः शरत्प्रतिहारोहेमन्तो निधनम् ॥ વસંત હિકાર,ગ્રીષ્મ પ્રસ્તાવ,વર્ષા ,શરદ પ્રતિહાર અને હેમંત નિધન છે. સૃષ્ટિના બધાં તત્ત્વોમાં સામ છે એટલે  પ્રાણી સૃષ્ટિ કેમ ભુલાય ? पशुषु पञ्चविधꣳसामोपासीताजा हिंकारोऽवयःप्रस्तावो गाव उद्गीथोऽश्वाः प्रतिहारःपुरुषो निधनम् ॥ ‘બકરી હિકાર ,ઘેટાં પ્રસ્તાવ,ગાયો ઉદગીથ,અશ્વ પ્રતિહાર અને પુરુષ નિધન છે.’ પ્રાણો ( ઇન્દ્રિય ) ના શ્રેષ્ઠતાના ક્રમથી સામની પંચવિધ ઉપાસના સૂચવી છે.प्राणेषु पञ्चविधं परोवरीयः सामोपासीत प्राणोहिंकारो वाक्प्रस्तावश्चक्षुरुद्गीथः श्रोत्रं प्रतिहारोमनो निधनं परोवरीयाꣳसिवाएतानि॥ ‘આ પ્રાણ હિકાર ,વાણી પ્રસ્તાવ,ચક્ષુ ઉદગીથ ,શ્રોત્ર પ્રતિહાર અને મન નિધન છે.’

    શાળામાં જેમ યોગ્યતા અનુસાર આગળના ધોરણમાં મોકલાય તેમ વિદ્યા પ્રાપ્તિમાં સાધકની ઉચ્ચતા વધે એટલે એના અભ્યાસની ટોચ પણ બદલાય.અત્યાર સુધી પંચ વિધ સામ ઉપાસના થઇ પણ જે સાધકની ગુણવતા -ક્ષમતા ઊંચી થઇ એમને થોડું વિશેષ કે કઠિન.હવે સપ્ત વિધ સામગાન ઉપાસના .अथ सप्तविधस्य वाचि सप्तविध्ꣳसामोपासीतयत्किंच वाचो हुमिति स हिंकारो यत्प्रेति स प्रस्तावोयदेति स आदिः॥ ‘વાણીમાં સપ્તવિધ સામની ઉપાસના કરે છે એ વાણીના સારતત્ત્વને જાણી લે છે -પ્રાપ્ત કરી લે છે.તથા પુષ્કળ પ્રમાણમાં અન્ન અને અન્ન પચાવવાનું સામર્થ્ય પણ મેળવી લે છે. ’दुग्धेऽस्मै वाग्दोहं यो वाचो दोहोऽन्नवानन्नादो भवतिय एतदेवं विद्वान्वाचि सप्तविधꣳसामोपास्ते॥

     

    આદિત્યની પણ ઉદયકાળથી અસ્ત સુધીના સ્વરૂપની સપ્તવિધ સામ ઉપાસના અહીં વર્ણવી છે.આદિત્યની ઉપાસનાનો પ્રભાવ વર્ણવા માટે તો પ્રત્યેક અક્ષરની ગણતરી સાથે સાંકેતિક  વાત કરી છે. आदिरिति द्व्यक्षरं प्रतिहार इति चतुरक्षरंतत इहैकं तत्समम्  ॥ બે અક્ષરના ‘ આદ’ શબ્દમાં ચાર અક્ષરના ‘પ્રતિહાર ‘એક અક્ષર કાઢીને ‘આદિ’માં જોડવાથી તે સરખા થઇ જાય છે.હિકાર,પ્રસ્તાવ,ઉદગીથ,ઉપદ્રવ ,પ્રતિહાર અને નિધન આમ વીસ અક્ષર અને એકવીસમો આદિત્ય  एकविꣳशत्यादित्यमाप्नोत्येकविꣳशोवाइतोऽसावादित्योद्वाविꣳशेनपरमादित्याज्जयतितन्नाकंतद्विशोकम्॥ એ રીતે આદિત્યની સામ ઉપાસનાથી સાધક આદિત્યલોકને પામે છે.य एतदेवं विद्वान्वाचि सप्तविधꣳसामोपास्ते॥

    ગુજરાત વિશ્વકોશમાં જણાવ્યા અનુસાર,’ભારતીય સંગીતશાસ્ત્રમાં ષડ્જ,ઋષભ,ગાંધાર,મધ્યમ,પંચમ,ધૈવત અને નિષાદ – એ સાત સ્વરો છે. એ જ રીતે સામગાનના સ્વરો કૃષ્ટ,પ્રથમ,દ્વિતીય,તૃતીય,ચતુર્થ,મંદ્ર અને અતિસ્વાર્ય – એ સાત સામવિધાન બ્રાહ્મણગ્રંથ મુજબ છે. સામવેદના શિક્ષાગ્રંથ નારદીય શિક્ષામાં તે સામ સ્વરોનો ક્રમ ઉપર જણાવેલા સામવિધાન બ્રાહ્મણગ્રંથના ક્રમથી જુદો છે. તેમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, મંદ્ર, કૃષ્ટ અને અતિસ્વાર્ય એવો ક્રમ છે. વળી નારદીય શિક્ષા મુજબ સામગાનનો પ્રથમ સ્વર એ વેણુનો મધ્યમ સ્વર છે. સામસ્વરમાંનો દ્વિતીય સ્વર વેણુનો ગાન્ધાર સ્વર છે. સામસ્વરમાંનો તૃતીય સ્વર વેણુનો ઋષભ સ્વર છે. સામસ્વરનો ચતુર્થ સ્વર એ વેણુનો ષડ્જ સ્વર છે. સામસ્વરનો મંદ્ર એટલે પંચમ સ્વર એ વેણુનો ધૈવત સ્વર છે. સામસ્વરનો કૃષ્ટ એટલે છઠ્ઠો સ્વર એ વેણુનો નિષાદ સ્વર છે. સામસ્વરનો અતિસ્વાર્ય એટલે સાતમો સ્વર વેણુનો પંચમ સ્વર છે. પરિણામે જેમ ભારતીય સંગીતનું મૂળ સામસંગીતમાં રહેલું છે તેમ સંગીતના ગાંધર્વસ્વરોનું મૂળ પણ સામસ્વરોમાં રહેલું છે. સંગીતના સાત સ્વરો (સૂર) જુદાં જુદાં વાદ્યો પર વગાડવામાં આવે છે. જ્યારે સામસ્વરો ગાનાર પોતાના હાથની આંગળી પર સ્વરો બતાવે છે તેને ગાત્રવીણા એ નામે ઓળખવામાં આવે છે. વળી જુદા જુદા સામોનાં નામો ઋષિ, દેવતા, છંદ, યજ્ઞ, નિધન, કર્મફલ અથવા ઋચામાં આવતા શબ્દના આધારે આપવામાં આવ્યાં છે.’

    અને એક મત મુજબ સામવેદ આધારિત ગ્રંથ નારદીય શિક્ષા દ્વારા સામગાનના વૈદિક સ્વરૂપને લોકભોગ્ય અને જન સામાન્ય સુધી સ્પર્શે તે રીતે પૂનર્વ્યાખ્યાયિત કરીને ‘સારેગમપધની’ ના વર્તમાન સુપરિચિત સ્વરોમાં મુકાયાં  ઉપનિષદએ જીવન સંગીતને પણ લયબદ્ધ કરીને પરબ્રહ્મ સુધી લઇ જવાનું માધ્યમ પણ છે એવો  સામગાનનો સંદેશ છે.


    શ્રી દિનેશ  માંકડનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-   mankaddinesh1952@gmail.com

  • હિબકે ચડ્યા છે ઠાકોર !

    વ્યંગ્ય કવન

    કૃષ્ણ દવે

    હિબકે ચડ્યા છે ઠાકોર !

    પાંચસોની નોટ લઈ દર્શનને વેચવાની કળા કરે છે કયો મોર?
    હિબકે ચડ્યા છે ઠાકોર !

    હેતે હંકારીને ગાડે બેસાડી મને લાવ્યા’તા ભગત બોડાણા.
    નિરાંતે ગામને હું દર્શન દેતો’તો એમાં તમને કાં નાણાં દેખાણાં ?

    મનમાં બેઠો છે ચોર એટલે તો શ્રાવણના દિવસો પણ કોરા ધાકોર!
    હિબકે ચડ્યા છે ઠાકોર !

    દર્શન હું દઉં એ તો ખેલ છે તમારો ને ઊભો ઊભો હું બધું જોઉં છું.
    મારી ગરજે હું દીનદુખીયા નારાયણના દર્શન કરવાને ઊભો હોઉં છું.

    મનમાં તો થાય છે કે અત્યારે, અબઘડીએ તજી દઉં આવું ડાકોર!
    હિબકે ચડ્યા છે ઠાકોર !

     

  • રાઈનો પર્વત (૧૯૧૩) – અંક બીજો:પ્રવેશ ૨

    સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ

    અંક બીજો:પ્રવેશ ૧ થી આગળ

    પ્રવેશ ૨ જો

    સ્થળ : કલ્યાણકામની હવેલી.

    [કલ્યાણકામ અને સાવિત્રી બેઠેલાં પ્રવેશ કરે છે.]

    કલ્યાણકામઃ રાણીસાહેબનું ઝવેરાત જોઇ તમને થોડુંઘણું એવું ખરીદવાની ઇચ્છા ન થઇ?

    સાવિત્રીઃ રાણીસાહેબ તો મહારાજ પર્વતરાય જુવાન થઇને આવે ત્યારે તેમને પ્રસન્ન કરવાની ઉત્કંઠાથી આ બધી તૈયારી કરે છે. અને, હું તો તમને પ્રસન્ન કરી ચૂકી છું.

    કલ્યાણકામઃ તમે કહેતાં હતાં કે પોતાના મનની તૃપ્તિ ખાતર સ્ત્રીઓ અલંકાર પહેરે છે.

    સાવિત્રીઃ અતૃપ્ત મન તૃપ્તિનાં અનેક સાધન શોધે છે. પરંતુ, મારી તૃપ્તિમાં એવી ન્યૂનતા જ નથી. આપણા લગ્ન પહેલાં અલંકારોથી મને બહુ ઉલ્લાસ થતો, અને આપણા અનુરાગમાં ન્યૂનતા હોત તો અલંકારોથી સંતોષ મેળવવાનો પ્રયત્ન કરત.

    કલ્યાણકામઃ એમ નહિ તો, મારાં નયનોના અનુરંજન ખાતર તમે થોડાં રત્ન ન પહેરો.

    સાવિત્રીઃ તમારાં નયનનું એથી અનુરંજન થતું હોય, તો હું થોડાં નહિ, ઘણાં રત્ન પહેરું. પણ, તમારા હૃદયથી જુદા પ્રકારે પ્રસન્નતા મેળવવાની તમારાં નયનોને ઉત્સુકતા હોય એમ હું માનતી નથી.

    કલ્યાણકામઃ મારા હૃદયની તમારી એ કદર કાયમ છે તે જાણું છું. મને બહુ નિવૃત્તિ થઇ. આજ પુષ્પસેન મને કહેતા હતા કે રાજકાર્યો કરતાં મારું હૃદય એવું કઠણ થઇ ગયું છે કે સ્ત્રી જાતિની મૃદુતા તરફ મને અવજ્ઞા થઇ છે.

    સાવિત્રીઃ પુષ્પસેનને ઠેકાણે હું હોઉં તો હું પણ એમ ધારું. તમે બે પ્રકારના જીવનસ્વરૂપ ધારણ કરો છો. બહારથી તમને જોનારને તમારી દૃઢતાનું જ દર્શન થાય છે. એ દૃઢતાનાં પડની અંદર રહેલી કોમલતા લોકોને દેખાતી નથી.

    (તોટક)

    રસ મિષ્ટ ભરિયું ફલ જે,
    રસરક્ષણ કાજ જ છાલ ધરેઃ
    જડ વેષ્ટન એ કરિ દૂર શકે,
    જન તે જ ગ્રહે રસ નિર્મળ એ. ૨૨

    કલ્યાણકામઃ મહારાજ પાસે આવેલા વૈદ્યરાજને બોલાવી આપણે પણ જુવાન બનીએ તો બહારથી પણ રસિક રૂપ આપણને પ્રાપ્ત ન થાય? તમારી સુંદરતા તો અખંડિત છે, પણ, વય ઘટાડી આપણે બન્ને બહારની રસિકતા ધારણ ન કરી શકીએ?

    સાવિત્રીઃ એવા બહારના આભાસથી આપણી પરસ્પરની કદરમાં શો ફેરફાર થાય? લગ્નને દિવસે આપણા સ્નેહની જે ગાઢતા હતી તેમાં તલમાત્ર ફેર નથી પડ્યો. ઊછળતો ધોધ નીચે પડીને આજે સરોવર ભરાયું છે, પણ, જળ તો તેનું તે જ છે.

    કલ્યાણકામઃ હૃદયદેવી! પતિપત્ની થતાં આપણે પ્રેમી મટી ગયાં નથી. એ ધન્ય સુખથી મળતા બળવડે જ હું રાજકાર્યોના ભારને મારા હૃદયનો સ્પર્શ કરતાં અટકાવી શકું છું, અને, ચિંતાઓને બહારની બહાર રાખી શકું છું. ચિંતાઓને મારા હૃદયમાં દાખલ કરી અને મારા હૃદયભાવને બહાર કાઢી તે સર્વને એકાકાર કરી મારું જીવન એકવડા જ સ્વરૂપનું કરું તો જગતના કંટકો આગળ મારું હૃદય કેમ આખું રહે?

    સાવિત્રીઃ તમારા જીવનનુ બેવડું સ્વરૂપ ન સમજનાર તમને સખત ધારે તે સ્વાભાવિક છે. પુષપસેને કરેલો જખમ રુઝવવા તમે ઝવેરાતનો પ્રસંગ કાઢ્યો, એ હું જ આટલી વારે સમજું છુ; તો તમારી સાથે ઉપર ઉપરના પરિચયવાળાં મનુષ્યો તમારા દીર્ધદ્રષ્ટિવાળા મંત્રોનો મર્મ શી રીતે ગ્રહણ કરે?

    [બહાર કોલાહલ થાય છે.]

    કલ્યાણકામ: (બારણું ઉઘાડીને) અરે કોઇ છે કે?

    [નોકર પ્રવેશે છે.]

    નોકરઃ જી, હુકમ?

    કલ્યાણકામ : બહાર આટલી બધી ગરબડ શાની થાય છે?

    નોકરઃ કોઇ સવારનો ઘોડો કાબૂમાં ન રહ્યો તે બજારમાં બહુ દોડ્યો અને, આખરે આપણા દરવાજા આગળ આવતાં સવાર ફસડાઇ પડ્યો. તેથી તેને બહુ વાગ્યું છે, અને, લોકો ભરાયા છે.

    સાવિત્રીઃ તું ને બીજા નોકરો મળીને એ માણસને ઘરમાં લાવી સુવાડો અને પછી મને ખબર આપો.

    નોકર: જી, બહુ સારું.[નોકર જાય છે.]

    કલ્યાણકામઃ તમે એની સારવાર કરવા માંડો, એટલે હું ઉત્તરમંડળેશ્વર તરફ મોકલવાનો પત્ર લખીને આવી પહોંચું છું.

    [બન્ને જાય છે.]


    ક્રમશઃ

    ● ●

    સ્રોત : વિકિસ્રોત

  • ફિલ્મી ગઝલો – ૨૧. જાંનિસ્સાર અખ્તર

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    શાયર જાંનિસ્સાર અખ્તરના વ્યક્તિત્વને યોગ્ય સન્માન આપવા એમ કહેવું વધુ યોગ્ય છે કે જાવેદ અખ્તર અને શબાના આઝમી એમના પુત્ર અને પુત્રવધુ છે, કવિ મુઝ્તર ખૈરાબાદી એમના પિતા, ફરહાન અખ્તર એમના પૌત્ર અને કવિ મજાઝ લખનવી એમના સાળા !

    મને બહુ જ પ્રિય એવા એમના બે શેર ટાંકવાની લાલચ રોકી શકતો નથી :

    સસ્તે દામોં લે તો આતે લેકિન દિલ થા ભર આયા
    જાને કિસકા નામ ખુદા થા પીતલ કે ગુલદાનોં પર..

    અને

    કુછ સમજ કર હી ખુદા તુજ કો કહા હૈ વરના
    કૌન  સી  બાત  કહી  ઈતને  યકીં  સે  હમને..

    જાંનિસ્સાર અખ્તર સાહેબ પ્રગતિશીલ લેખક સંઘની ચળવળના પ્રણેતાઓમાંના એક હતા. ચાર દાયકાની ફિલ્મી કારકિર્દીમાં એમણે યાસ્મીન, સી આઈ ડી, નયા અંદાઝ, રુસ્તમ સોહરાબ, પ્રેમ પરબત, શંકર હુસૈન, નૂરી અને રઝિયા સુલતાન જેવી ફિલ્મોમાં દોઢ સોની આસપાસ ગીતો રચ્યા. એમના જાણીતા લોકપ્રિય ગીતોની વાત કરીએ તો મેરી નીંદોં મેં તુમ મેરે ખ્વાબોં મેં તુમ ‘ ( નયા અંદાઝ ), ‘ ગમ કી અંધેરી રાત મેં દિલ કો ન બેકરાર કર ‘ ( સુશીલા ), ‘ યે દિલ ઔર ઉનકી નિગાહોં કે સાયે ‘ ( પ્રેમ પરબત ) અને એમનું લખેલું છેલ્લું ગીત ‘ ઐ દિલે નાદાં આરઝૂ ક્યા હૈ ‘ ( રઝિયા સુલતાન ) ને ગણાવાય.

    ફિલ્મોમાં ગઝલો પણ એમણે ખાસ્સી લખી. એમાંની બે :

    દિલ ઉનકો ઢૂંઢતા હૈ હમ દિલ કો ઢૂંઢતે હૈં
    ભટકે  હુએ  મુસાફિર  મંઝિલ કો ઢૂંઢતે હૈં

    હમ હૈં  તેરી લગન  હૈ, ઐ શમા તૂ કહાં હૈ
    પરવાના બનકે તેરી મહેફિલ કો ઢૂંઢતે હૈં

    દુનિયા સે હૈ નિરાલા, દસ્તૂર આશિકોં કા
    જીને કી આરઝૂ મેં કાતિલ કો ઢૂંઢતે હૈં

    સીને  મેં  હસરતોં  કા  જાગા  હુઆ  હૈ તૂફાં
    હમ મૌજ બનકે અપને સાહિલ કો ઢૂંઢતે હૈં..

    – ફિલ્મ : યાસ્મીન ( ૧૯૫૫ )

    – લતા

    – સી રામચંદ્ર

    દર્દે દિલ   દર્દે વફા    દર્દે તમન્ના   ક્યા  હૈ
    આપ ક્યા જાનેં મુહબ્બત કા તકાઝા ક્યા હૈ

    બેમુરવ્વત બેવફા બેગાના એ દિલ આપ હૈં
    આપ માનેં યા ન માનેં મેરે કાતિલ આપ હૈં

    આપ સે શિકવા હૈ મુજકો ગૈર સે શિકવા નહીં
    જાનતી હું દિલ મેં રખ લેને કે કાબિલ આપ હૈં

    સાંસ  લેતી  હું  તો  યૂં  મહેસૂસ  હોતા  હૈ  મુજે
    જૈસે મેરે દિલ કી હર ધડકન મેં શામિલ આપ હૈં

    ગમ  નહીં  જો  લાખ  તૂફાનોં  સે  ટકરાના  પડે
    મૈં વો કશ્તી હું કે જિસ કશ્તી કે સાહિલ આપ હૈં ..

    ( શરુઆતની બે પંક્તિઓ ગીતની સાખી છે જેને મુખ્ય ગઝલ સાથે રચનાકીય દ્રષ્ટિએ લેવાદેવા નથી. )

    – ફિલ્મ : સુશીલા ૧૯૬૬

    – મુબારક બેગમ

    – સી અર્જુન


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

     

  • સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ – (૩૧) સફળતાની કિંમત

    {નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬)નો અનુવાદ}

    પિયૂષ એમ પંડ્યા

    કલાકાર નિષ્ફળ જાય ત્યારે પોતાની નિષ્ફળતાને ઢાંકવા માટે કોઈ ને કોઈ બલિનો બકરો શોધે છે. કિશોરકુમારના દીકરા તરીકે વધુ જાણીતા થયેલા અમિતકુમારે પણ એક બકરો શોધી કાઢ્યો હતો. ૧૯૯૭માં આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાની કારકિર્દી ખતમ કરી નાખ્યાનો આરોપ કુમાર સાનુ ઉપર મૂક્યો હતો.

                     

    સ્વાભાવિક રીતે જ, સાનુએ એમ કહેતાં આ આરોપ ફગાવી દીધો કે અમિત એને માટે કોઈ પણ રીતે પડકારરૂપ ન હતો. અર્થાત, તેની કારકિર્દીને ખતમ કરવાની કોઈ જરૂર જ નહોતી.

    ૧૯ વર્ષની વયે ફિલ્મ ‘દૂર કા રાહી’ (૧૯૭૧) થકી ધ્યાનાકર્ષક શરૂઆત કરીને અમિતે ૧૯૮૧ની ફિલ્મ ‘લવ સ્ટોરી’નાં ગીતોની સફળતાથી આશા બંધાવી હતી. પણ સમય જતાં તેણે પોતાની સફળતાને વધારે પડતી સાહજીકતાથી લઈ લીધી. કુદકે ને ભૂસકે વધી રહેલી હરીફાઈના દોરમાં તે નવા નવા સ્પર્ધકો સામે ટકી ન શક્યો. એ અલગ બાબત છે કે આ બધું એવા સમયે બની રહ્યું હતું જ્યારે ગાયકોની કે ગીતોની આગવી ઓળખ રહી જ નહોતી. કોણ શું ગાય છે તે શ્રોતાને મન ભાગ્યે જ મહત્વનું હતું.

    જો કે એક એવો પણ સમો હતો, જ્યારે (સંગીતકારોને) એક ગાયકની રાહ જોવી પરવડતી હતી. જેમ કે અનિલ બિશ્વાસે ફિલ્મ ‘આરઝૂ’ (૧૯૫૦)નું ગીત અય દિલ મુઝે ઐસી જગહ લે ચલ તલત મહમૂદ પાસે જ ગવડાવવા માટે તે કલકત્તાથી મુંબઈ ફરી જાય તેની ઊંચે જીવે રાહ જોઈ હતી. એ જ રીતે લતા મંગેશકર સાથે વ્યવસાયિક સંબંધો કપાઈ ગયા પછી શ્યામસુંદર (બહાર આયી ખીલી કલીયાં; ‘અલીફ લૈલા’, ૧૯૫૩), સચીનદેવ બર્મન (મોરા ગોરા અંગ લઈ લે; ‘બંદીની’, ૧૯૬૩) અને શંકર(ચલ સન્યાસી મંદીર મેં; ‘સન્યાસી’, ૧૯૭૫) જેવા સંગીતકારોએ લતા તેમને માટે ગાવા સંમત થાય ત્યાં સુધી રાહ જોઈ હતી. મહંમદ રફીએ કદી ફરીયાદ કરી નહોતી કે અનિલ બિશ્વાસ તલત મહમૂદ અને મુકેશને પસંદ કરતા હતા. એ જ રીતે નૌશાદ રફીને વધુ પસંદ કરતા હતા તે માટે તલત અને મુકેશને કોઈ જ કડવાશ નહોતી. અમિતના પિતા કિશોરને પણ પોતાનો સિક્કો જામે (‘આરાધના’) તે માટે વીશ વરસ ધીરજ રાખવી પડી હતી.

    અમિતે પોતાની કારકીર્દિને ગંભીરતાથી ન લીધી. અથવા તો નસીબે તેને સાથ ન આપ્યો તેમ કહી શકાય. ઓ.પી. નૈયર જેવા પીઢ સંગીતકારે બનાવેલાં ૧૯૯૧ની ફિલ્મ ‘નિશ્ચય’નાં ચાર ગીતો પણ અમિતની કારકીર્દિને સહેજેય આગળ ન વધારી શક્યાં. ખાસ કરીને કુમાર સાનુનો સિતારો ૧૯૯૦ની ફિલ્મ ‘આશીકી'(અબ તેરે બિન જી લેંગે હમ ) અને ૧૯૯૧ની ફિલ્મ ‘સાજન'(મેરા દિલ ભી કીતના પાગલ હૈ)ની સફળતા થકી બુલંદીએ પહોંચ્યો હતો ત્યારે તેને અમિત કોઈ રીતે પડકાર આપી શકે તેમ નહોતો.

    અમિતના કહેવા પ્રમાણે કામ નહોતું મળી રહ્યું એ અરસામાં રિયાઝ કરીને તે ગાયક તરીકે વધારે કેળવાયો હતો. જો કે તે મોડો કેળવાયો એનાથી અન્યોને ફેર નહોતો પડતો. ફિલ્મોદ્યોગમાં સંગીતના હકો કરોડોમાં વેચાતા હોય ત્યાં કોઈ એક ગાયકના ગળાના કેળવાવાની રાહ ન જુએ. ચાહે ફિલ્મનું સંગીત કેટલું પણ અલ્પજીવી હોય, તેના નિર્માતા તો શક્ય ઝડપથી તેમાંથી વધુ ને વધુ રળી લેવાની કોશિષમાં જ હોય. સાનુ પણ દૂધે ધોયેલ નહીં હોય પણ તેની લોકપ્રિયતા માટે તેને થોડો દોષ આપી શકાય? અન્યની સફળતાની ઈર્ષ્યા થાય તે સમજી શકાય પણ પોતાની સફળતાને હરિફ(અમિત)ની નિષ્ફળતા માટે જવાબદાર ઠેરવી દેવાઈ તે હકીકતને સાનુએ વ્યવાસાયિક જોખમ ગણીને સ્વીકારી લેવી રહી.

    અન્ય ગાયિકાઓની તકો ખેરવી નાખવા માટે મંગેશકર બહેનોને જવાબદાર ગણવાનો જાણે કે રીવાજ પડી ગયો છે. કેટલીક નીવડેલી ગાયિકાઓને પણ તેમની ઉપર લતા નામનું ગ્રહણ લાગી ગયું ત્યારે કોઈ રમત રમાઈ ગઈ હોવાની ગંધ આવી હતી. અન્યથા તેઓ પોતાના અચાનક આવી પડેલા અસ્તને શી રીતે વાજબી ઠેરવત? વર્ષો પછી  ભૂતકાળને વાગોળતી વેળા રાજકુમારીએ ફિલ્મ ‘મહલ’ (૧૯૪૯)માંથી તેમણે ગાયેલાં બે ગીતો કપાઈ ગાયાં તેને લતાનું ષડયંત્ર ગણાવ્યું હતું. રાજકુમારીને ખ્યાલ ન રહ્યો કે લતા ૧૯૪૯ના અરસામાં ખેમચંદ પ્રકાશ જેવા મહારથી તો ઠીક, અન્ય કોઈ સંગીતકાર પાસે પણ પોતાની મરજી ચલાવી શકે તેવાં સક્ષમ નહોતાં.

    સુમન કલ્યાણપુર અને અનુરાધા પૌડવાલ જો લતાની આસપાસ ક્યાંય નથી પહોંચી શક્યાં તો તે તેમની કમનસીબી છે, તેમાં લતાની કોઈ ચાલાકી કારણભૂત નહોતી.

    સુમન કલ્યાણપુર મહંમદ રફી સાથે

    દુનિયામાં લતા મંગેશકર માત્ર જન્મી શકે, કોઈ પેંતરાબાજીથી બની ન શકે. અન્ય મંગેશકર બહેનો પણ કાંઈ દૂધે ધોયેલી નથી. આ ચમકદમકની દુનિયામાં ઊંચે ચડવા માટે અને ત્યાં ટકી રહેવા સામે ઉભા થતા શક્ય પડકારોને ખાળવા માટે તેમણે રાજકારણના દાવ ખેલ્યા જ હશે. તેમાંની અમુકની કારકીર્દિ ઉગતી જ મૂરઝાઈ ગઈ એનું કારણ એ હતું કે ફિલ્મ નિર્માતાઓ અને સંગીતકારોને લતાનું ઘેલું લાગ્યું હતું અને એ લોકો લતાથી આગળ જોવા ઈચ્છતા જ નહોતા .

    સંગીતકાર વસંત દેસાઈએ હિંમત કરી અને ફિલ્મ ‘ગુડ્ડી’ (૧૯૭૧)નું ગીત બોલે રે પપીહરા ગાવાની તક વાણી જયરામને આપી અને તેને ફિલ્મી દુનિયામાં રજૂ કરી. પણ ફિલ્મના નિર્માતા તે ફિલ્મમાં લતાનું ગાયેલું એક અતિશય લોકપ્રિય ગીત (ફિલ્મ ‘મધુમતી’-૧૯૫૮નું ગીત આજા રે પરદેસી) એક પાર્ટીમાં વાગતા ગીત તરીકે મૂકવાની લાલચ રોકી ન શક્યા. તેમણે ફિલ્મની બજારકિંમત વધારવા માટે આમ કર્યું હશે.

    સફળ થવા માટે લતાએ જાણીબૂઝીને કે અજાણતાંમાં અન્ય ગાયિકાઓની કારકીર્દિને રોળી નાખી એમ બન્યું હશે. લતાનો જે કોઈ દોષ હોય તે, તેની ઉપર એવો આરોપ મૂકનારી મોટા ભાગની ગાયિકાઓની કોઈ ઈર્ષ્યાજનક કારકીર્દિ હતી જ નહીં. જેમ કે માત્ર પોતાનાં અંગત કારણોસર શંકરે શારદાને આગળ કરવા કોશિષ કરી (તીતલી ઉડી, ‘સૂરજ’-૧૯૬૬)’. એમાં સફળ ન થવાયું ત્યારે શંકરે આસાનીથી એનું આળ લતાને માથે ઓઢાડી દીધું. આ વ્યવસાયિક જોખમને લતાએ સહજતાથી સ્વીકારવાનું શીખી લીધું હતું. એ અલગ વાત છે કે શારદાની કારકીર્દિ રોળી નાખવી પડે એવી ક્યારેય હતી જ નહીં.

    કુમાર સાનુની અને લતાની કારકીર્દિની સરખામણી કોઈ રીતે થઈ ન શકે. પણ હકીકત એ છે કે સાનુ જેવા સાધારણ કક્ષાના ગાયકના ડંકા વાગતા હોય તે જમાનામાં એણે પણ સફળતાની એ જ કિંમત ચૂકવવી રહી, જે પોતાના જમાનામાં લતાએ ચૂકવી હતી.

    સરળહ્રદયી અને ઈશ્વરથી ડરીને ચાલનારા મહંમદ રફી ઉપર પણ એમની અગાઉની પેઢીના ગાયક જી.એમ. દુર્રાનીએ પોતાની કારકીર્દિને નૂકસાન પહોંચાડ્યાનું આળ મૂક્યું હતું. કારણ એ હતું કે રફીનું આગમન થયું ત્યારે દુર્રાનીના અસ્તનો સમય થઈ ગયો હતો. રફીનો સમય આવી પહોંચ્યો હતો તેમાં એમનો પોતાનો કોઈ દોષ નહોતો.

    નોંધ :

    તસવીરો નેટ પરથી અને ગીતોની લિંક્સ યુ ટ્યુબ પરથી સાભાર લેવામાં આવી છે. તેનો કોઈ જ વ્યવસાયિક ઉપયોગ નહીં કરવામાં આવે.

    મૂલ્યવર્ધન …. બીરેન કોઠારી.


    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com

  • ‘વિજ્ઞાન વિચાર’ : પ્રકરણ ૧લું – વિજ્ઞાન એટલે શું’? – [૨]

    આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.

    આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર ગુજરાતી ભાષામાં શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે. અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.

    સંપાદન મડળ – વેબ ગુર્જરી


    પ્રકરણ ૧લું – અંશ [૧]થી આગળ

    પોપટલાલ ગોવિંદલાલ શાહ

    વિજ્ઞાનનું ક્ષેત્ર

    ઇમર્સનના શન્દોમાં[1] ‘વિજ્ઞાનની બધી શાખાઓનો એક જ ઉદ્દેશ છે, અને તે એ  કે સૃષ્ટિનિયમો શોધવા, અને વિશ્વરચનાની સંપૂર્ણ  સમજૂતી મેળવવી.

    વિજ્ઞાનની શાખાઓ જુદીજુદી હોય છે. તે દરેકનો વિષય અને તેમના અભ્યાસતી યુકિતપ્રયુક્તિઓ ભિન્ન હોય છે તેથી વિજ્ઞાનની શાખાઓ સ્વતંત્ર અતે અસંબંદ્ધ છે એવા ધણીવાર ભાસ થાય છે. પરતુ વિજ્ઞાન માત્ર નો ઉદ્દેશ એક જ છે અને તે દરેક શાખાની પદ્ધતિ તો એક સરખી જ છે, વિજ્ઞાનની ભિન્ન શાખાઓ અને તેમના સંબંપ વિષે જુદું વિવેચન કરવાર્માં આવશે, તેથી એ શાખાઓ વિષે વર્ણન કરવાતી અત્રે જરૂર નથી, પરતુ વિજ્ઞાનનું ક્ષેત્ર અને તે ક્ષેત્રની સીમા અને સીમાન્તો સમજવાનો અત્રે પ્રયત્ન કરીશું,

    જેવી રીતે વિજ્ઞાનનો ઉદ્દેશ વિશાળ છે, અને આખા વિશ્વને સ્પર્શ કરે છે, તેવી જ રીતે વિજ્ઞાનનું ક્ષેત્ર પણ વિશાળ અને વિશ્વવ્યાપી છે. ક્લિફર્ડ નામના પ્રસિદ્ધ અંગ્રેજ તત્વવેત્તાના શબદોમાં[2] કહીએ તો મનુષ્યનું વિશ્વ એ જ વિજ્ઞાનનો વિષય; એટલે મતુષ્યના ભૂતકાળ, સાંપ્રતકાળ અને ભવિષ્યકાળની બધી ધટનાઓનો તેમાં સમાવેશથાય છે. મનુષ્યનું જ્ઞાનમાત્ર એ વિજ્ઞાનનો વિષય છે: મનુષ્ય જે વસ્તુ, પદાર્થ કે વિંચારને સમજી શકે તે દરેકને વિજ્ઞાનની પદ્ધતિથી તપાસી શકાય તો તે વિજ્ઞાનનો વિષય થઈ શકે. મનુષ્યની બુદ્ધિથી સમજી શકાય તેવા બધા વિષયો વિજ્ઞાનની પદ્ધતિથી હાલમાં તપાસી શકાય તેવા નથી, પરંતુ વિજ્ઞાનની પ્રગતિની સાથે તેનાં સાધનો અને તેની સરહદો વધતાં જાય છે-તેના સીમાન્તો દૂર ખસેડાતા જાય છે. તત્વવિદ્યા અને ધર્મવિદ્યાના વિષયોમાં વૈજ્ઞાનિક પદ્ધતિ સંપૂર્ણ રીતે લાગુ પડતી નથી, પરતુ પ્રતિવર્ષે આ સીમાન્ત પ્રદેશમાં વિંજ્ઞાન પોતાનાં ઉજ્જવળ  પ્રકાશનાં કિરણો નાખ્યા કરે છે; અને અજ્ઞેય અને અજ્ઞાનના પ્રદેશો ઉપર પોતાની સત્તાનો વાવટો જમાવવાનો યત્ન કરે છે. આ યત્નના પરિણામે એમ આશા રાખી શકાય કે મતુષ્યની બુદ્ધિને પ્રાપ્ય જ્ઞાનમાત્રને વિજ્ઞાનની કક્ષામાં લઈ શકાશે.

    પરંતુ હાલમાં તો વિજ્ઞાનના ક્ષેત્રની સરહદો સ્વીકારવી જોઇએ. જે ધટનાનું જ્ઞાન બીજાને દર્શાવી શકાય તેમ ન હોય, અને બીજાના મનુષ્યોથી ખાત્રી થઇ શકે તેવા સ્વરૂપમાં મૂકી શકાય તેમ ન હોય, જેને પ્રત્યક્ષ નિરીક્ષણ અને પ્રયોગની પદ્ધતિ લાગુ પાડી શકે તેમ ન હોય અને જેના કારણરૂપ ટૂંકા સુસંગત અને સુનિશ્રિત્ત સૂત્રરૂપ

    નિયમો મળી શકે નહિ, તો તે ઘટનાઓ વિજ્ઞાનના ક્ષેત્રની બહાર રહી જાય છે, પણ તે હંમેશને માટે હોઈ શકે નહિ.

    સર જગદીશચંદ્ર બોસે વનસ્પતિ અને પ્રાણીએ વિષે જ્રીણામાંજીણી હકીકતો ચોકસાઇથી મેળવી શકાય તેવા નાજુક  યંત્ર્ની  શોધ કરી તે પહેલાં વનસ્પતિની વૃદ્ધિ,, તેમની ચેતનશકિત, અતે તેમના આંતરસ્વરૂપ વિપે વૈજ્ઞાનિકો શંકાની નજરે જોતાં, અને એ વિષયોનું સ્થાન વિજ્ઞાનના ક્ષેત્રની બહાર ગણાતું, તેવી જ રીતે બીજા વિષયોમાં પણ ધીમે ધીમે વિજ્ઞાનની ચોકસાઇ અને વિજ્ઞાનની પદ્ધતિ પ્રવેશ કરતી જાય છે.

    ઇતિહાસ,[3] સાહિત્ય, કવિતા, વ્યાકરણ, પિંગલ, વગેરે વિજ્ઞાનથી દૂર ગણાતા વિષયોર્મા પણ વિજ્ઞાનની પદ્ધતિની અસર જણાવા લાગી છે; અને ટીકાકારો અને વિવેચકો તે દરેકને વૈજ્ઞાનિક પદ્ધતિ, વૈજ્ઞાનિક આશયો, વૈજ્ઞાનિક બુદ્ધિ, અને વૈજ્ઞાનિક વિચારના ધોરણોધી તપાસવા મથે છે. રાજપુરુષો પણ રાજનીતિના પ્રશ્નોમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો દરક ડગલે ઉપયોગ કરવાને! યત્ન કરે છે, હાલમાં યુરોપમાં તેમ જ આપણે ત્યાં દેશના વિકાસને માટે આયોજનની પદ્ધતિ સ્વીકારવામાં આવી છે, તેમાં વિજ્ઞાન તો ડગલે અને પગલે આવશ્યક થઇ પડ્યું છે. આવી રીતે પણ વિજ્ઞાનનું ક્ષેત્ર વિશાળ થતું જાય છે, પરંતુ તે સર્વમાં વિજ્ઞાનની પદ્ધતિ એ પ્રથમ લક્ષણ છે. તો વિજ્ઞાનની પદ્ધતિ શી છે તે જોઇએ.


    ક્રમશઃ


    હવે પછીના અંશમાં ‘વિજ્ઞાનની પદ્ધતિ’ વિશે વાત કરીશું.


    [1] All science has one aim – to find theory of nature – R W Emerson

    [2] The subject of science is the human universe, that is to say, everything that is or was to man. – K Clifford

    [3] ઇતિહાસ અને અર્થશાસ્રમાં વિજ્ઞાનની પદ્દતિના ઉપયોગ વિષે જુઓ તે વિષય ઉપરનાં ભાષણોઃ Lectures on the methods of science પૃષ્ઠ  ૧૭૩ થી ર૪૧

  • આદત છૂટી તો ત્રેવડ ખૂટી ! – સાતત્ય રાખ્યું તો કર્મફળ ચાખ્યું !

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

      પંચવટીબાગમાં નદીકાંઠે એક કૂવો. ઊંડાઇ માત્ર ૫૦ ફૂટ. દુકાળના વરસે ૨૦ ફૂટ ઊંડો ઉતારવા ઉધડો આપ્યો.કામ પૂર્ણ થતાં ઉધડિયા રાઘવભાઇ ડુંગરાણીએ કૂવાના તળિયે રહ્યા રહ્યા-“આવો આવો, હીરજીભાઇ ! અંદર ઉતરી આવો. અમે કરેલા કામનું માપ કરવા માટે ભલે નહીં, અમારા વેણ ખાતર તો ઉતરો. અહીં આવી બધું નજરો નજર જુઓ તો અમનેય ગમે ને !” એવું કહી કૂવામાં તળિયે આવવાનો  આગ્રહ કર્યો.

    કૂવાની અંદર ચડ-ઉતર કરવાનો મને મહાવરો તો હતો જ ! ખેતીના લાંબા સમયની કામગિરીમાં અસંખ્યવાર ખૂણા પર લટકાવેલ દોરડાનો આધાર લઈ કૂવામાં ઉતરવાનું અને એ જ દોરડું પકડી ઉપર ચડી આવવાનું વગર થાકે કરેલું હોવાથી મને પણ થયું કે ઉધડિયાઓનો આટલો બધો આગ્રહ છે તો લાવ ને ઉતરું !”

    અને બહુ આસાનીથી ૭૦ ફૂટ  કૂવાના તળિયે હું પહોંચી ગયો. ઉધડિયાઓએ કરેલ કામની ઊંડાઇ માપી.પૂરી 20 ફૂટ થઈ.ચારે બાજુના બેડાનું સોરણ માપસર કરાયું હતું. તેઓના કામ બાબતનો સંતોષ વ્યક્ત કર્યો. “હવે ચાલો બહાર નીકળીને હિસાબ કરી લઈએ” કહી હું દોરડું પકડી ફટાફટ દોરડા ઉપર હાથનું વળગણ અને કૂવાના ભેડા પર પગના ફણા ટેકવતા ટેકવતા ઉપર ચડવા માંડ્યો. પણ ત્રીસેક ફૂટ ઊંચે ચડ્યો હોઇશ અને ઓચિંતાના પગ માંડ્યા પાણી..પાણી થવા, અને હાથે માંડી કળ [ખાલી] ચડવા ! હવે ? કૂવાની બહાર નીકળવા માટે તો હજુ ૪૦ ફૂટ જેટલી ઉંચાઇએ ચઢવાનું બાકી હતું. કેમ થાશે ? મન માંડ્યું મુંઝાવા ! આમ થવાનું કારણ શું ? મેં તો આ કૂવામાં અસંખ્યવાર ચડ-ઉતર કરી છે, આવું તો ક્યારેય બન્યું નહોતું. પણ અત્યારે વધુ વિચારવાનો વખત નહોતો. મુશ્કેલીમાં માર્ગ મગજે બતાવ્યો-મેં ઉતાવળા સાદે કૂવા કાંઠે ઊભેલા માણસોને રાડ પાડી, કે “ જલ્દી જલ્દી માચડી મોકલો. મારા હાથપગ હવે કામ કરતા બંધ થઈ ગયા છે, આખા શરીરે પરસેવો વળી ગયો છે, મારાથી હવે ઉપર નથી ચડાતું, જલ્દી કરો નહીતર હવે દોરડું મૂકાઇ જશે”. તેમણે ઝટ ઝટ મોકલેલી માચડી મારી નજદીક પહોંચતાં મેં પકડી લીધી અને એમાં બેસી પડ્યો. મને સીંચીને બહાર ખેંચી કાઢવો પડ્યો બોલો !

    આવું કેમ થયું ? વિચારતાં સમજણમાં આવ્યું કે પહેલા મને કૂવામાં ચડ-ઉતર કરવાની ટેવ હતી. તેથી આ કામ બહુ આસાન હતું. પણ હમણાના છેલ્લા કેટલાક વરસોથી વાડીના ભાગિયા આ કામ કરવા માંડ્યા એટલે મારાથી આ કામનો મહાવરો છૂટી ગયેથી આમ બન્યું. જે કાર્ય કરતા હોઇએ તે કાર્ય કાયમ ભલે ઓછા-વધુ પ્રમાણમાં પણ કરતા રહીએ તો એ કામ કરવાની શરીરની ત્રેવડ ચાલુ રહેતી હોય છે. છેલ્લા કેટલાંક વરસોથી કૂવામાં ચડ-ઉતર કરવાનું બંધ કરેલું એટલે હવે એ કામ કરવામાં શરીરે આનાકાની કરી દીધેલી.

    વાહનની બેટરી પણ ઉતરી જાય અને અલમસ્ત બળદિયા પણ બેસી પડે:

    ઘણીએ વાર એવુંયે બને છે ને કે આપણું ટ્રેકટર કે મોટરગાડી ચલાવ્યા વિના એમને એમ જાજા દિવસો પડી રહેવા દીધાં હોય તો તેની બેટરી પણ ઉતરી જાય છે. એટલે બેટરી ચાર્જ રાખવા માટે થઈને પણ વાહનને થોડું તો થોડું પણ કામ કરાવવું પડે છે. અને એવું જ ખેતીમાં હવે ટ્રેકટરોનો વપરાશ વધતાં ઉનાળાના દિવસોમાં બળદિયાઓને સાવ બાધ્યા બાંધ્યા જ નીરણ ખાવાની હોય એટલે અલમસ્ત બની ગયા હોય. પણ જેવો વરસાદ થયો અને વાવણી કરવાની અને મોલાતના આંતરખેડના સાંતીની ભીંહ શરૂ થયા ભેળા થોડુંક હાલે ત્યાં થાકી જઈ ઊભા રહેવા માંડે, તેનું કાંધ આવી જાય, અરે, ક્યારેક અધવચ્ચે બેસી પણ પડે ! એને પણ લાંબો સમય આરામ કર્યા પછી કામ કરવું બહુ કઠ્ઠણ પડતું હોય છે ભલા !

    “ઘર’ પણ રેઢું ને અવાવરું રહે તો ?

    અમારા જૂના ગામ ચોસલામાં મુસાકાકા અમારા પાડોશી. બે બારણાંવાળું ગારાના ભીંતડાં અને દેશી નળિયાંવાળું રહેણાકી મકાન અને અંદર નાની એવી બીડી-બાકસ અને અનાજ-કરિયાણાની હાટડી ! કુટુંબ પણ નાનકડું એટલે સારીરીતે ગાડું ગબડ્યે જતું હતું. એમાં દૂર પ્રદેશે રહેતા તેના બહેન-બનેવી બન્ને પડ્યા બીમાર. આ લોકોને દુકાન બંધ કરી ત્યાં જવું પડ્યું. સાત આઠ મહિને પાછાં ફર્યાં. ઘરનું તાળું ખોલી બારણું ઉઘાડ્યું. પણ આ શું ? ઉંદરડાઓએ એવી રીતનું બધું રમણ ભમણ કરી મૂકેલું કે ઘડીક તો એમ થયું કે આ કોના ઘેર આપણે આવી ચડ્યાં ? આ પોતાનું જ ઘર છે એવું માનવા મન તૈયાર ન થયું. દુકાનના ડબલાં-ડુબલી, અનાજ-કઠોળના બાચકાં અને તેલ-દિવેલના શીંશલાંથી માંડી ખાટલા-ગોદડાં અને પાગરણ-પથારી સુદ્ધાંમાં કાપાકાપ ને કચુંબર કરી નાખેલી ! અને જ્યાં પડ રેઢું હોય ત્યાં સૌને લાગ ફાવેને ? હડિયાપાટી કરતા ઉંદરડાં ભાળી મીંદડાં-બિલાડાનેય મોળોજીવ થાય જ ! એની વાંહે દોટંદોટ કરવા એણે પણ છાપરા માથેથી દેશી નળિયાં આઘાપાછા ઉખેળી, ખપેડામાં પણ જ્યાં ને ત્યાં બાંકોરા પાડી દીધેલા એ તો વધારામાં.

    અને “પડતા માથે પાટુ”ની જેમ ચોમાસુ હજુ બેઠું નહોતું પણ વાઝડી અને પવનની રમરમાટી સાથે વરસાદી માવઠું એક આંટો મારી ગયેલું હોઇ, નીચે પડેલી ચીજ વસ્તુઓનો પથારો અને ભોંયતળિયાની છાણ-માટીથી લીંપેલ થાપ-બધું પલળીને એવું એકબીજાને ચોટી ગયું હતું કે આ બધું મુસાકાકા અને મીલુકાકી ચાર દિવસેયે હતું એવું નહોતું કરી શક્યા.આથી નક્કી થયું કે મકાન જેવી મિલ્કત પણ લાંબો સમય વાપર્યા વિના અવાવરુ સ્થિતિમાં પડી રહે તો એની દશા કેવી થાય તેનો આ અદલ નમૂનો હતો.

    સૈનિકોને કાયમી તાલીમ શા માટે ?

    સૈનિકોને લડાઇ હોય ત્યારે તો લડવા જવાનું હોય એ તો સમજાય, પણ પરિસ્થિતિ રાબેતા મુજબની હોય, ચારેબાજુ શાંતિ હોય છતાં સૈનિકોને એના પરેડ ગ્રાઉંડમાં પીઠપર વજનદાર સામાન અને હાથમાં બંદુક જેવા હથિયાર સમેત જાણે દુશ્મનો સાથે સાચુકલી મૂઠમેડ ચાલુ હોય એ રીતની નિશાનબાજી અને ભાગાભાગીનું રિહલ્સર શા માટે કરાવતા હશે કહો જોઇએ ? બસ એટલા જ માટે કે જ્યારે સંરક્ષણની હરોળ પર સાચુકલી લડાઇ થાય ત્યારે સૈનિક બધી રીતે અપ ટુ ડેટ હોય ! તેની મુકાબલો કરવાની આદત ઢીલી ન પડી ગઈ હોય. સૈનિકની મુકાબલો કરવાની ટેવ ચાલુ રાખવા માટે જ તેઓને કાયમ પરેડ અને એને લગતી તાલીમ શરૂ રાખવી પડતી હોય છે.

    હાથ-પગનું “પ્લાસ્ટર” તોડ્યા પછી હાથ-પગની શી  સ્થિતિ હોય ?

    ખેતીમાં તો આપણે અનબ્રેકેબલ જનાવર બળદિયા સાથે વધારે કામ રહેતું હોય છે. માનોકે  ગાડે જોડેલા બળદિયા ભડકયા અને એવો ઝટકો લાગ્યો કે હાંકનાર ગાડેથી નીચે પડી ગયો, તેના પગ ઉપરથી ગાડાનું પૈડું ફરી વળતાં હાડકું ભાંગી ગયું. કે પછી વાડીયે જતાં મારગના વાંક પર બે જણની મોટરસાયકલ સામસામી ઓથડુક થઈ જતા એકાદનો હાથ કે પગ નંદવાઇ ગયો ! તો દવાખાને જતાં દોઢ-બે મહિનાનું પ્લાસ્ટર આવવું સામાન્ય ઘટના છે. આવા વખતે એ પગ કે હાથને હલાવવાની મનાઇ હોય. પણ જ્યારે પ્લાસ્ટર છૂટી જાય પછી તો એ હાથ કે પગે પહેલા જેટલું હલનચલન કરવું પડેને ? પણ ના, એ તરતમાં પહેલાં જેટલું કામ નથી આપી શકતાં. શુંકામ ? તો બસ, કારણ એ જ કે તેણે દોઢ-બે મહિના હલન ચલન કર્યું જ નથી એટલે એના સ્નાયુ જકડાઇ ગયા છે. તો હવે ? એને ફરીવાર કામ કરતા કરવા માટે કેટલીક કસરતો કરાવવી પડે છે. અને પછી જ એનું ગાડું પાટે ચડે છે. જે અવયવ-અંગ  એની રોજીંદી પ્રવૃતિ બંધ કરી કરી વાળે તે અંગો પણ  શિથિલ થવા માંડે છે. એની કાર્યશક્તિ નષ્ટ થવા માંડે છે.

    મિત્ર મિત્રને ન ઓળખી શક્યો :

    હમણા થોડા દિવસ પહેલાં ઢસાની બજારમાં એક દુકાને મારી ઉંમરના એક ભાઇને ઊભેલા મેં જોયા. મગજ યાદ કરવા માંડ્યું કે “આ ભાઇ જાણીતા હોય એવું લાગે છે. કોણ છે…કોણ છે…? હા..હા ! આ તો માલપરાની લોકશાળામાં આજથી ૫૨ – ૫૫ વરહ પહેલાં સાથે ભણતા હતા એ ગોરધન ગજેરા તો નહીં ? હા, હા ..એ જ !” અને મેં એ મિત્રનો સામેથી હાથ પકડી કહ્યું, “કેમ મિત્ર ! તમે ગોરધન ગજેરા કે નહીં ?” “હા, હું ગોરધન ગજેરા ખરો, પણ તમે..? મને ઓળખાણ ન પડી.” મેં કહ્યું, “યાદ કરો, પડશે પડશે ઓળખાણ પડશે !” પણ તેને યાદ ન આવ્યું તે ન જ આવ્યું. કારણ કે વચ્ચે ૫૨ – ૫૫ વરહના વાણા વાઇ ગયાં હતાં. યાદશક્તિનો એમાં કાંઇ વાંક ન ગણાય. મેં ચોખવટ કરી- ”માલપરાની લોકશાળામાં સાથે ભણતા, જમતાં, સૂતાં-બેસતાં અને બાથંબાથી કરતા, યાદ આવે છે કાંઇ ? તે દિ’ હીરજી ભીંગરાડિયા જેવો કોઇ મિત્ર…” હવે હું વાક્ય પૂરું કરું તે પહેલાં મને બથ ભરી ગયો “હા હા, હીરજીભાઈ ! ખરું કર્યું હો ! તમે તરત જ ઓળખી ગયા, મારે ઓળખવામાં વાર લાગી.”  મગજ જેવા અવયવને પણ જાજો વખત બે ધ્યાન રાખવામાં આવે તો તેનું સ્મરણ ચિત્ર ઝાંખું પડી જાય છે.

    મધમાખી પણ મિત્રને દુશ્મન માની બેઠી ;

    અમે પંચવટીબાગમાં મધુમખ્ખીપાલન શરૂ કરેલું. શારદાગ્રામથી એપીસઇંડિકા મધમાખીની બે પેટીઓ લાવી વાડીએ વસવાટ કરાવેલો. શરૂશરૂમાં મધમાખીઓ માટે સ્થળ અજાણ્યું હતું અને ઉનાળાની ઋતુ હતી એટલે એના ખોરાકની પૂર્તિ માટે પેટીઓ પાસે હું ખાંડનું પાણી મૂકતો અને એ ઘડીકની વારમાં સફાચટ કરી જતી. અને મને એણે આવો ખોરાક પીરસનારો મિત્ર માની લીધો હશે એવું મારું અનુમાન છે, કારણ કે હું હજુ વાડીના દરવાજામાં દાખલ થાઉં થાઉં ત્યાં આજુબાજુમાં હરતી ફરતી હોય એ બધી માખીઓ મારી ઉપર અને આસપાસ ખુશાલીનો ગણગણાટ કરવા માંડતી.

    અભ્યાસ કરતા અને એની સાથેના સહવાસના કારણે જોઇ શકાયું કે મધમાખીઓને પણ દુશ્મનો હોય છે. એક એવું પતંગિયું હોય છે કે જે મધપેટીમાં પેસી, પૂડામાં પોતાના ઇંડાં મૂકી જાય છે. એ ઇંડાંમાંથી નીકળતી ઇયળો મધમાખીના ઇંડાં-બચ્ચાંને ખાવાનું કામ કરતી હોય છે.મધુપાલકે પેટી ખોલી એને દૂર કરવી પડે. અને બીજી તકલીફ એની ને એની નરમાખીઓ ની સંખ્યા વધી જવાથી પડતી હોય છે. કારણ કે નર માખીઓ બધી હોય છે સાવ આળસુ અને પૂરેપૂરી એદી ! મધ તૈયાર કરવાનું કે પૂડાનું રક્ષણ કરવા જેવા કોઇ કામ આ માખીઓ કરતી હોતી નથી, માત્ર રાણી માટે તૈયાર રાખેલ મધ ખાધા કરતી હોય છે. એટલે મધુપાલકે પેટી ખોલી, પૂડા હાથમાં ઉંચા કરી વધારાના નરને પકડી લઈ દૂર કરતા રહેવા જોઇએ.

    એટલે શરૂઆતમાં તો હું રોજેરોજ પેટી ખોલી,એક પછી એક પૂડા હાથમાં લઈ, નુકશાનકારક ઇયળો કે વધુકા નરને પકડી લેવાની કામગિરી અર્થે મધમાખીઓના રોજના સહવાસમાં રહેતો, એટલે હું એને વસાહતનો દુશ્મન નહીં પણ મિત્ર લાગતો. માખીઓ મારી આજુબાજુ ફર્યા કરે, ખુશાલીના ગીત ગણગણ્યા કરે, પણ મને કોઇ દંશ દેતી નહોતી. ધીરે ધીરે કરતા મધમાખીઓની સંખ્યા વધી જતાં બે પેટીમાંથી સાત પેટી થઈ ગઈ. એમાં મારે ઓચિંતાનું દસ દિવસ બહારગામ જવાનું થયું. મધમાખીઓ સાથે અન્ય કોઇને કામ કરવાનું ફાવતું નહોતું. દસ દિવસ બાદ મેં આવીને જેવી પેટી ખોલી કે રમ..રમ..કરતી બેત્રણ માખી મને ચોટી પડી ! .હું એને વસાહતનો દુશ્મન લાગવા માંડ્યો. સહવાસ છૂટી જવાથી મિત્ર પણ દુશ્મન બની ગયો બોલો !

    કહેવાનું અંતે એટલું કે :

    આટલા જુદા જુદા પ્રકારના ઉદાહરણો આપી મારે કેહેવું છે એટલું જ કે જેનો ખેતી સાથે જ નાતો છે એવા આપણે રહ્યા ખેડૂત ! આપણો વ્યવસાય જ એવો છે કે શેઠિયા-વેપારી કે રાજકારણી-અધિકારીની જેમ ટાઢાછાંયે ઓફિસના ખુરશી-ટેબલ પર બેસી લખાપટ્ટી કે ટેલીફોનોક વાતો કરીને જ રોડવવાનું હોય એવું આમાં નથી હોતું. આપણે તો કાયમ છોડવા,ઝાડવાં જીવડાં અને જાનવરોના સથવારે ધરતીની ખેડ, બીજ વાવણી, સિંચાઇ અને સંરક્ષણ જેવી ગોવાળી કરવાની થતી હોઇ મોટાભાગનું કામ શરીરશ્રમવાળું જ હોવાનું. જો કે પહેલાના વખત જેટલો શારીરિક શ્રમ અને બથોડા હવેની ખેતીમાં રહ્યાં નથી. નવું વિજ્ઞાન અને યાંત્રિક સાધનો ભેરે આવતાં શક્તિ અને સમય બન્નેમાં બચાવ થયો છે, છતાં અન્ય વ્યવસાયોની સરખામણીમાં ખેતી વધારે શરીરશ્રમ માગે છે તે વાત સો ટકા સાચી છે.

    આમ જુઓ તો ખેતીમાં તો ઘણાં પ્રકારનાં કામો હોય છે. એટલે ખેડૂતની ઉંમર અને પોતાનું સ્વાસ્થ્ય – બન્નેને નજરમાં રાખી નીંદવું, પારવવું, લણવું, વાઢવું, ઉપણવું, ખોદવું, ફોળવું, છાંટવું, પાણી વાળવું, ટ્રેકટર ચલાવવું, જેવાં કેટલાંય કાર્યોમાંથી આપણને અનુકૂળ હોય તેવા કામ ભલે એકધારા આખો દિવસ નહીં તો જેટલું અનુકૂળ હોય એટલો અડધો દિવસ, ટંક કે ઘડી-બે ઘડી પણ કરતા રહેવું જોઇએ. અને આમ જો નહીં કરતા રહીએ તો પછી એ શ્રમ કરવાની આદત એકવાર છૂટી જશે તો પછીથી આવું કોઇ પણ કામ કરવાની મન ઇચ્છા કરશે તો પણ શરીર સાથ નહીં આપે. કારણ કે શરીરે આ આદત છોડી દીધી હોય.

    અને મને એ વાતનો ગર્વ છે કે આપણામાં જેની ઉંમર નાની હોય, શરીર સાથ દેતું હોય ત્યાં સુધી તો રાત-દિવસના ૨૪ કલાકના ચકરડામાં ટાઢ- તાપ કે માથે ઝળુમ્બતા મેધની પણ પરવા કર્યા વિના સોળ સોળ ને અઢાર અઢાર કલાક કામ કરતા હોવાનું અમે પણ જાતે અનુભવ્યું છે અને સર્વત્ર નજરોનજર જોઇ પણ રહયા છીએ.

    પણ માનો કે હવે જ્યારે ૬૦ -૬૫ કે ૭૦ ની ઉંમર થઈ ગઈ હોય અને છતાં જો શરીર સાથ દેતું હોય તો જે થઈ શકે તે શ્રમકાર્ય થોડું તો થોડું પણ કરવાનું ચાલુ રાખવું. ભારે કામ કરનાર વારસો તો તૈયાર થઈ ગયો હોય એટલે હળવાં કામ કરવાં ચાલુ રાખવાં. એકવાર જો સાવ જ શ્રમકાર્ય બંધ થયું ? તો ખલ્લાસ ! કામની આદત સાવ છૂટી ગયા પછી એવાં કાર્યો કરવાની શરીર સંમતિ આપતું નથી.

    આવી ઉંમરે  શરીરની નરવાઇ જાળવવા ડૉકટરો રોજેરોજ ૪ -૫ કિલોમીટર ચાલવાનું ચિંધતા હોય છે. આવે વખતે અન્ય ધંધાર્થીઓ ભલે રોડ પર ચાલવા નીકળે, આપણે ખેડૂતોએ આપણા ખેતર-વાડીમાં જઈ, ત્યાં એકાદ કલાક મોલાતમાં-મારગે-શેઢેપાળે-ગાય-બળદોની પાસે-બધે ચાલતા ચાલતા આંટો મારી લઈએ તો પણ શરીરની નરવાઇ રહે, ખાધું પચે, થોડોક થાક લાગે એટલે ઊંઘ પણ સારી આવે, અને ખરું કહું તો ખેડૂત-માલિકનો આંટો વાડીને પણ ખાતર ભર્યા જેટલો લાભ કરે છે એ ન ભૂલવું હો મિત્રો !


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

  • પોતાને સવાયા શાહુકાર માનતા ચોરને ઘેર ચોરી

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    અંગ્રેજી શાસકોની ધૂર્તતા, ક્રૂરતા અને લૂંટારૂ વૃત્તિ બાબતે લગભગ સૌ એકમત હશે, એમ તેમના વહીવટ, દસ્તાવેજીકરણની સૂઝ અને સાચવણ બાબતે પણ ભાગ્યે જ કોઈ બેમત હશે. સાવ મુઠ્ઠીના કદના દેશનું શાસન અડધીઅડધ દુનિયામાં વ્યાપેલું રહે એ કેવળ તેમની બહાદુરીને કારણે નહીં, પણ આવા અનેક ‘ગુણોને’ કારણે-એ હકીકત સ્વીકારવી જ રહી. અંગ્રેજી શાસન દરમિયાન આચરવામાં આવેલી ક્રૂરતા અને ઈતિહાસ સાથે તેમણે કરેલી પદ્ધતિસરની છેડછાડના અનેક દાખલા સમયાંતરે પ્રકાશમાં આવતા રહ્યા છે. સાથેસાથે એ વક્રતા પણ જોવા મળે છે કે અંગ્રેજો જે તે દેશ છોડીને ગયા પછી સ્થાનિક શાસકોના વહીવટ અને શાસને અંગ્રેજોને સારા કહેવડાવ્યા હોય. ‘ભાગલા કરો અને રાજ કરો’ની શાસનનીતિ અંગ્રેજોની દેણગી છે, જેની પર તેમનો એકાધિકાર રહ્યો નથી.

    લંડનસ્થિત બ્રિટિશ મ્યુઝિઅમ અઢારમી સદીના ઉત્તરાર્ધમાં સ્થપાયું અને અંગ્રેજોએ પોતાના શાસનપ્રદેશોમાંથી એકઠી કરેલી અનેકવિધ મૂલ્યવાન ચીજવસ્તુઓનું તે ઉત્તમ સંગ્રહસ્થાન ગણાતું રહ્યું છે. વિવિધ પ્રકારના વિભાગ ધરાવતું આ મ્યુઝિઅમ દુનિયાભરના સહેલાણીઓને આકર્ષતું રહ્યું છે. અહીં પ્રદર્શિત અનેક મૂલ્યવાન ચીજો લૂંટીને એકઠી કરાયેલી હશે, પણ સંગ્રહ અને સાચવણ માટે આ મ્યુઝિઅમ ખ્યાતનામ છે. અલબત્ત, આ મ્યુઝિઅમમાં તેના સંગ્રહ પૈકીની માત્ર એક ટકા ચીજોને જ પ્રદર્શિત કરવામાં આવી હોવાનું મનાય છે તેના પરથી ખ્યાલ આવશે કે તેનો સંગ્રહ કેટલો વિશાળ અને મૂલ્યવાન હશે. અમુક દેશોમાંથી લૂંટીને લાવેલી ચીજો અંગ્રેજોએ એ કારણથી અહીં સાચવી રાખી છે કે તેના મૂળ માલિકીવાળો દેશ તેને જાળવી શકે એમ નથી અને તેમને જે તે ચીજ પાછી આપવાથી ત્યાં એના ચોરાઈ જવાનો ભય છે. અંગ્રેજોની આવી સામ્રાજ્યવાદી માનસિકતા ટીકાનો વિષય રહી છે, પણ તેઓ બહુ ગંભીરતાપૂર્વક આમ માને છે. છતાં, વધુમાં વધુ મુલાકાતીઓ આકર્ષતું હોય એવા સ્થળમાં તે વિશ્વભરમાં ત્રીજા ક્રમાંકે છે અને વર્ષ 2022માં ચાલીસેક લાખ લોકોએ તેની મુલાકાત લીધી હતી.

    સંગ્રહ અને સાચવણની આવી પ્રતિષ્ઠા ધરાવતા બ્રિટીશ મ્યુઝીઅમ બાબતે તેની છબિથી સાવ વિપરીત કહી શકાય એવી ઘટના બની છે. એ મુજબ અહીંથી બેએક હજાર મૂલ્યવાન ચીજો પગ કરી ગઈ છે, અને એમાંની કેટલીક ઈ-બે જેવી સાઈટ પર વેચાવા માટે મૂકાઈ ગઈ છે. છેલ્લા એકાદ વરસના સમયગાળામાં આમ બનતું રહ્યું છે. ચોરાયેલી ચીજોમાં મુખ્યત્વે ગ્રીક અને રોમન રત્નો તથા ઝવેરાત છે. આ બાબતે વિવાદ ન થાય તો જ નવાઈ!

    ‘ધ બ્રિટિશ મ્યુઝિઅમ્સ’ પુસ્તકના લેખક પ્રો. ડેન હીક્સે જણાવ્યું છે કે આ ચોરી થકી દુનિયાભરની વિરાસતના પહેરેદાર હોવાની બ્રિટિશ મ્યુઝિઅમની માનસિકતા બદલાય તોય ઘણું! ‘ઑલ પાર્ટી પાર્લામેન્‍ટરી ગૃપ ઑફ આફ્રિકન રીપેરેશન્સ’ના વડા બેલ રીબેરો-એડીએ આકરા શબ્દોમાં કહ્યું કે આ ચીજવસ્તુઓ પોતાની પાસે રાખવાનું સૌથી અપમાનજનક કારણ બ્રિટિશ મ્યુઝિઅમ એ આપે છે કે જે તે દેશ પોતાની એ ચીજને સાચવી શકે એમ નથી. અને હવે એમના જ દેશમાં (બ્રિટનમાં) લોકો એ ચીજવસ્તુઓને ઈ-બે પર વેચવા મૂકી રહ્યા છે.

    મ્યુઝિઅમના બૉર્ડ ઑફ ટ્રસ્ટીઝમાંના એક જ્યોર્જ ઓસ્બોર્ન એ વિગત પ્રકાશમાં લાવ્યા છે કે મ્યુઝિઅમ પાસે પોતાને ત્યાંની તમામ ચીજવસ્તુઓની સંપૂર્ણ યાદી નથી. જેને આ બાબતની જાણ છે એ આનો ગેરલાભ લઈને કેટલીક કિંમતી વસ્તુઓ બારોબાર સગેવગે કરી શકે છે. આથી ગુમ થયેલી ચીજોની તપાસની સાથેસાથે પોતાની પાસેની ચીજવસ્તુઓની યાદી બનાવવાની પ્રક્રિયા પણ વેગવંતી બનાવવી પડશે.

    ઘણાના મતે આ ઘટના ‘ચોરને ઘેર ચોરી’ જેવી છે.

    ઓક્સફર્ડ યુનિવર્સિટીના પિટ રિવર્સ મ્યુઝીઅમના વર્લ્ડ આર્કિઓલોજીના નિયોજક હીક્સ આ ઘટનાને સાચવણના વિક્ટોરિઅન મોડેલનો ધીમી ગતિએ થઈ રહેલો અંત ગણાવે છે. તેમના મત અનુસાર આ મોડેલને સમજવું હોય તો એટલું જ કહી શકાય કે તેમાં પારદર્શિતાનો અભાવ છે. બ્રિટિશ મ્યુઝિઅમ સહિત ઈન્‍ગ્લેન્‍ડનાં કેટલાંક રાષ્ટ્રીય મ્યુઝિઅમ હજી એ જ યુગજૂની સામંતશાહી માનસિકતાને વળગી રહ્યા છે. તેઓ માને છે કે આવી ચીજવસ્તુઓને પોતાના કબજામાં રાખવી અને તેના વિશે અન્યોને ન જણાવવું એ તેમનો ઈશ્વરદત્ત અધિકાર છે.

    આ ચોરી બાબતે બ્રિટનમાં જ મિશ્ર પ્રત્યાઘાત મળી રહ્યા છે. શાસક માનસિકતા ધરાવતો વર્ગ શાસિતોના મનમાં એ ઠસાવવામાં સફળ રહે છે કે તેમના સિવાય શાસિતોનો ઉદ્ધાર નથી. આ માનસિકતા શાસિતોના માનસમાં એ હદે ઊંડી ઊતરી જાય છે કે તેઓ પણ એમ જ માનવા લાગે છે.

    બ્રિટિશ મ્યુઝિઅમની આ ચોરીએ બ્રિટિશ મિથ્યાભિમાનને ઉઘાડું કરી આપ્યું છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. દુનિયાભરની કિંમતી ચીજોના પોતાને નૈસર્ગિક રખેવાળ માનતા-મનાવતા હોય એવા મ્યુઝિઅમમાં ચોરી થતી રહે, એટલું જ નહીં, એની જાણ સુદ્ધાં તેમને ન થાય એ કંઈ આનંદની વાત નથી, પણ કુદરતી ન્યાય જેવું કહી શકાય.

    ધીમે ધીમે ઘણી વસ્તુઓ કદાચ પાછી મેળવાશે, તેની યાદી બનાવવાનો પણ પ્રયત્ન થશે, સુરક્ષાવ્યવસ્થા વધુ ચુસ્ત કરવામાં આવશે અને બીજાં ઘણાં પગલાં લેવાશે, છતાં બ્રિટિશ મ્યુઝિઅમની અત્યાર સુધી ટકાવી રાખેલી આબરૂ ખરડાઈ. તેમાં રહેલાં છીંડાં દુનિયાએ જોયાં.

    આ મામલાને નાગરિકધર્મ સાથે સાંકળી શકાય કે કેમ? એક નાગરિક તરીકે એટલું અવશ્ય નક્કી કરી શકાય કે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા કદી સંપૂર્ણ હોતી નથી. જે તે વ્યક્તિ કે સંસ્થાને કદાચ આ બાબતની જાણ હોય છે, પણ નાગરિકો એ વીસરી જતા હોય છે. જાહેર ક્ષેત્રની વ્યક્તિ હોય કે સંસ્થા, તેના કામની સમીક્ષા નાગરિકોએ કરવી જ જોઈએ. નાગરિકો એમ કરવું ચૂકીને તેની પ્રશસ્તિમાં સરી પડે ત્યારે તેઓ પોતાનો ધર્મ ચૂકે છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૨ – ૧૦ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • એવી મજા હવે કાં નથી આવતી

    મંજૂષા

    વીનેશ અંતાણી

    જીવનમાં કશુંક નજર સામે બનવાની પ્રક્રિયામાંથી આપણે સાવ બાકાત કેમ થઈ ગયા છીએ? જીવનમાં બધું હાથવગું અને સહેલું થયું છે, છતાં બધું ગૂંચવાયેલું કાં લાગે છે?

    ખાખી ચડ્ડી અને ધોળો ખમીસ પહેરી છવ્વીસમી જાન્યુઆરી કે પંદરમી ઓગષ્ટની સવારે ગામમાં નીકળેલી પ્રભાતફેરીમાં ગળું ફાડીને ‘ભારત માતા કી જય’, ‘મા’ત્મા ગાંધી કી જય’ પોકારતા આખા ગામમાં ફરતા અને સાવધાન મુદ્રામાં ઊભા રહી ‘જન ગણ મન અધિનાયક જય હે’ ગાતા તે દિવસોની વાત છે. તે દિવસો ભરપૂર શ્રદ્ધાના હતા. ત્યારે ‘ભારત ભાગ્ય વિધાતા’ના સંદર્ભમાં પ્રશ્ર્નો જન્મતા નહોતા. ટેલિફોન કે રેડિયો ઘરમાં ઉપલબ્ધ નહોતા. દર બે-ચાર મહિને ઘરમાં લીંપણ થતું. મારા ઘરમાં વીજળી આવી ન હતી. સાંજે બા ત્રણ-ચાર ફાનસ લઈ આંગણામાં બેસતી, કાતરથી વાટ કાતરતી, કાચનો ગોળો ચુલાની રાખથી સાફ કરતી. ઘાસતેલ ભરતી. દીવાટાણું થાય ત્યારે ફાનસ સળગાવી રસોડા અને જમવાના ઓરડા વચ્ચેના બારણાની બારસાખ પર લટકાવતી. તે દિવસો સ્વિચ દાબતાં જ ફટ દઈને બધું ઝળાંહળાં થઈ જવાના ન હતા. ગરમીથી બચવા સ્કૂલની જૂની નોટના પૂંઠાથી કે બજારમાંથી લાવેલા વીંજણાથી હવા નાખવી પડતી. નળ ખોલતાં જ પાણી આવે તેવો સમય ન હતો. સ્ત્રીઓએ પાણી ભરવા ખારા-મીઠા પાણીના કૂવે જવું પડતું, કપડાં ધોવા ગામના કાચા તળાવે જવું પડતું. તેમ છતાં એ સમય તકલીફોનો ન હતો. બધી બાબતોમાં બહુ મજા આવતી.

    એવી મજા હવે કાં નથી આવતી? બધું કેટલું હાથવગું થઈ ગયું છે. બેન્કમાં ડી.ડી. કઢાવવી હોય તોય બે ધક્કા ખાવા પડતા. બેન્કવાળા મોટાં મોટાં લેજર ઊથલાવી સાંજ સુધીમાં તો થાકીને લોથ થઈ જતા. જોડા સિવડાવવા પસંદગીના મોચીની દુકાને જવું પડતું. એના નાના બાંકડા પર બેઠા હોઈએ. દુકાનમાંથી ચામડાની ગંધ આવતી હોય. મોચીકાકા કાગળ પર પગ મુકાવી પેન્સિલથી માપ લેતા. પૂછતા: વાદળીવાળા કે સાદા? બાપુજી કહેતા: વાદળીવાળા નહીં, સાદા. વાદળીબાદળી બાંધે નહીં તો ક્યાંક ઊથલી પડે. બદામી કે કાળા? બદામી. નવરાત્રિ પહેલાં અમે ઘરનાં બધાં ભેગાં થઈ કાપડની દુકાને જતાં. વર્ષભર ચાલે એટલાં સાગમટે કપડાં લેવાતાં. તાકા ખૂલતા જાય, કપડું વેતરાતું જાય. થપ્પી બાજુમાં મુકાતી જાય. તાકામાંથી જુદી જ જાતની સુગંધ ઊઠતી. કપડાં સીવવા દરજી અમારા ઘરમાં જ બેસતો. હવે તો તૈયાર કપડાં લેવા દુકાને જાઓ નહીં તો પણ ચાલે, ઓન લાઈન બધું મળી રહે છે. તો ય પહેલાં જેવી મજા નથી આવતી. એવું કેમ લાગે છે કે જીવનમાં કશુંક નજર સામે બનવાની પ્રક્રિયામાંથી આપણે સાવ બાકાત થઈ ગયા છીએ?

    મારા ગામની નાની નાની દુકાનોનો જુદો જ ઠસ્સો હતો. એની ગંધ અલગ હતી. દાળિયાવાળાકાકા એમની ખોબા જેવડી દુકાનમાં તાવડામાં ચણા શેકતા. ખારી સિંગ શેકાવાની સુગંધ ઊઠતી. સોનીઓની દુકાનોમાં લટકતા એમના પૂર્વજોના ફોટા જોઈને પણ મજા આવતી. ફોટા નીચે લખ્યું હોય: સોની ફલાણા-ફલાણા. ઠસ્સાદાર વસ્ત્રો પરિધાન કરી, ખુરસી પર બેસી. એમણે પડાવેલા ફોટામાંથી ‘જાજરમાન’ શબ્દનો અર્થ વર્ગમાં ભણ્યા વિના સમજાઈ જતો. એ સોનીઓને કોઈ બ્રાન્ડ એમ્બેસેડરની આવશ્યકતા ન હતી. દરેક વેપારી ઓળખીતા ગ્રાહકને ચાનો આગ્રહ કરતો. ચાવાળો છોરો હાથની આંગળીઓમાં કપ લટકાવીને આવતો અને ધાતુની કીટલીમાંથી ઊંચેથી ધાર પાડી કપ ભરતો. એકેય ટીપું જમીન પર પડતું નહીં. એવી ધાર હવે કાં રહી નથી?

    કોઈ પણ ઉત્સવ ડખો બનતો નહીં. સંગીતની મજા આવતી. નવરાત્રિ આવે કે સાતમ-આઠમમાં રાસ રમાય ત્યારે ઢોલના સથવારે સ્ત્રી-પુરુષોના કંઠે હલકભેર ગવાતા રાસ-ગરબાના શબ્દો અને સૂરમાં પોતીકાપણું લાગતું. ક્યાંય કૃતકતા ન હતી. સમૂહનું એક થઈ જવું દિલથી અનુભવી શકાતું. તે સમયે ખીચોખીચ ભરેલો માનવસમૂહ ભીડ જેવો લાગતો નહીં, લોકોની આરપાર સડસડાટ નીકળી જઈ શકાતું. હવે તો વ્યક્તિ એકલી હોય તો ય ભીડમાં ભીંસાતી હોય તેવો ભય દરેકની આંખમાંથી દેખાય છે. ગામનો દરેક જણ પોતીકો લાગતો, ‘રામ રામ’ બોલતા તો સામે ઉમળકાભેર ‘રામ રામ’ જવાબ મળતો. શેરીમાં ધોણ ફેંકવા આવેલી સ્ત્રીઓ નિરાંતે કૂથલી કરી શકતી. હવે સામે મળેલો જણ આગંતુક કાં લાગે છે? પોતાની સૂટકેસ ખેંચીને એરપોર્ટમાંથી બહાર નીકળતા મહેમાનને જોઈ ભરતભરેલી થેલી ઉપાડી બસમાંથી ઊતરતા મહેમાનને જોઈને થતો તે ‘ભલે પધાર્યા’નો ભાવ કેમ જાગતો નથી?

    વરસાદ પડતો તે સાથે છોકરાં શેરીમાં દોડી જતાં. મદારીની આસપાસ ટોળું વળી જતું. રામલીલાવાળાના ખેલ રાતભર ચાલતા. તેમ છતાં હવે ઘરમાં જ નિરાંતે સોફા પર બેસી ટી.વી. જોતાં જે થાક લાગે છે તેવો થાક અગાઉ લાગતો નહીં. ગામના ચોકમાં ભજવાતાં નાટકોના અભિનેતા અને પ્રેક્ષકો જુદા રહેતા નહીં, એક થઈ જતા. એરકન્ડિશન્ડ પ્રેક્ષાગાર નહોતાં, ખુલ્લા આકાશની મજા હતી. હવે તો આકાશ પણ ક્યાં રહ્યું છે? પરસેવો શરીરમાં જ ચુસાઈ જાય છે, પરસેવાને પણ છૂટથી પ્રસરવાની મોકળાશ રહી નથી.

    એકબીજાની ડોકમાં હાથ ભેરવી ભાઈબંધી માણવાનું ભરપૂર સુખ હતું. સ્પર્શ દ્વારા ઘણું કહેવાઈ શકાતું. રિસાવાની મજા હતી, બિલ્લા કરવાની પણ મજા હતી. હવે ફેસબુકમાં ફ્રેન્ડ્સની સંખ્યા મબલખ થઈ છે, પણ ભાઈબંધને અડકવાનું સુખ કાં મળતું નથી?

    જીવનમાં બધું હાથવગું અને સહેલું બહુ થયું છે, છતાં બધું ગૂંચવાયેલું કાં લાગે છે?


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.