(૧) મસાણ-મડદાં (નેપાળ)
–રક્ષા શુક્લ
ભડભડ બળતા મા’ણા, ભડભડ હૈયાં હારે બળતાં,
કળતર દરિયો, કળતર હોડી, હાથ-હલેસાં કળતાં.
મસાણ મડદાં, મસાણ મારગ, ખી ખી ને ખીખીયાટા,
અહીં કંધોતર, જો ત્યાં મોભી, વરવા સાટાપાટા.
હે ઈશ્વર, તું બાંધ હવે સૌ દૂઝતા ઘાને પાટા,
કાંધ કોઈ દ્યો માનવતાને, પગ પણ એના રાંટા ?
ખપ્પર ખાલી ખખડે, મોટા ખેંરખા ય ખળભળતા.
ભડભડ બળતા મા’ણા, ભડભડ હૈયાં હારે બળતાં,
નાનો-મોટો, ઊંચો-નીચો, ના કોઈ વેરો-વાંચો એને,
કાલમુખો પાણી પ્રકોપ તો ઘૂઘૂ ઘૂઘૂ ધૂણતો ભૂવો.
નીવ કાપ તું, શ્વાસ હું કાપું, અતળ-અદીઠો કર્મન કૂવો,
ગામ કપાતાં, મૂળ કપાતાં, અદ્ધર-પદ્ધર શ્વાસે સૂવો.
ના હૂંફાળી મા, ના છત્તર, બાળ રાંક ટળવળતાં.
ભડભડ બળતા મા’ણા, ભડભડ હૈયાં હારે બળતાં.
(૨) શ્રીગણેશ
–રક્ષા શુક્લ
સંકટો સામે સદા ધર શ્રીગણેશ.
તું જ તારી જાતથી કર શ્રીગણેશ.
વિશ્વ આખું બારણે આવી મળે,
ઓમ સાથે શ્વાસમાં ભર શ્રીગણેશ.
મૂલ્ય માતા ને પિતાનું સ્થાપવા,
સાત ફેરાઓ હજી ફર શ્રીગણેશ.
મ્હેક મોદકની મળે આસન ધરે,
એ જ કારણ આવતા ઘર શ્રીગણેશ.
આ શિવાનો પુત્ર પણ હાઈટેક છે,
નેટયાત્રા ને મુષક પર શ્રીગણેશ.
