ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી
જિગીષા દિલીપ
એક ફૂલ ઊઘડતું જોયું જોયું ને કદી દીઠું ન હોય એમ જોતા ગયા,
કારણ પુછોતો અમે જાણીએ ન કાંઈ અને છાબ છાબ આંસુએ રોતાં ગયાં
જોયું કે સૂમસામ સૂતેલા વગડામાં એક ઝાડ ઝબકીને જાગ્યા કરે,
આવતા ઉનાળાના સમ દઈ મંજરીઓ કોકિલના ટહુકાને માંગ્યા કરે,
આપવું કે માંગવુંની અવઢવ છોડીને અમે સર સર સર સાનભાન ખોતા ગયા.
ડાહ્યા સમજાવે કે ઝાડવું થવાય નહિ આપણો તો માનવીનો વંશ છે,
કોઈ એને કહી દો કે માણસ રહેવાય નહિ એવો આ ઝાડવાનોય દંશ છે,
માણસની જાત અને ડાહ્યાની વાત બધું હમણાં હતુંની જેમ હોતા ગયા.
મિત્રો,
આજે મારે વાત કરવી છે એક સરસ મજાનાં પ્રકૃતિમાં મનને ઓળઘોળ કરી દે તેવા ધ્રુવગીતની.
પ્રકૃતિપ્રેમી ધ્રુવદાદાનું ગીત સાંભળીને જ મન ડોલી ઊઠ્યું. સોહીની ભટ્ટે ગાયું છે પણ એટલું સરસ! જે તમને ધ્રુવદાદાની ધ્રુવગીત યુટ્યુબ પર સાંભળવા મળશે. દાદાનાં શબ્દો તો જુઓ- એક ફૂલને ઊઘડતું જોઈ અને કુદરતની કરામત પર દાદા આફરીન થઈ જાય છે. કાલે જે કળી હતી તે સવારનાં સૂર્યના સ્પર્શ સાથે સંપૂર્ણ ફૂલ બની મહેકી ઊઠે છે,તે જોઈને દાદા છાબ ભરીને એટલે કે ટોપલી ભરીને આંસુ સારે છે.આ આંસુ સરવાનું કારણ દાદા કહે છે ‘હું કંઈ જાણતો નથી.’ પણ, ખરેખર આ આંસુ અહોભાવનાં આંસુ છે.પરમની અનોખી કરામત જોઈ ,જ્યારે માનવનું મન કોઈ અણજાણ ખુશી અનુભવે છે. સૃષ્ટિની મનોરમ્ય સુંદરતાનું સર્જન સર્જનહારે કેવી રીતે કર્યું હશે ? તે આશ્ચર્યની પરિસીમા,દાદાની આંખોમાં અનરાધાર પ્રેમાશ્રુ બની વરસી પડે છે.અને મને યાદ આવે છે પેલું ગીત “બુંદ જો બન ગઈ મોતી “ફિલ્મનું
હરી હરી વસુંધરા પે,નીલા નીલા યે ગગન…
કે જિસપે બાદલોકી પાલકી ઉડા રહા પવન
દિશાઓ દેખો રંગભરી,ચમક રહી ઉમંગભરી
યે કિસને ફૂલ ફૂલ પે ….દિયા સિગાંર હૈ?
યે કૌન ચિત્રકાર હૈ? યે કૌન….ચિત્રકાર હૈ….
આવા પ્રકૃતિમાં મેઘધનુષી પીંછીં ફેરવી રંગો ભરતા અને અમાપ સૌંદર્યની રસલહાણ કરતા આશ્ચર્યોથી દાદાનું મન બાગ બાગ થઈ જાય છે. સૂમસામ જાણે સૂઈ ગયેલ હોય તેવા સૂનકાર વગડામાં એક ઝાડવું ઝબકીને જાગતું હોય તેમ ઊભેલ જોઈ, દાદાને કેવા શબ્દો સ્ફૂરે છે એ તો જુઓ! આંબા પરની એ મંજરીઓ જાણે આવતા ઉનાળામાં પણ આવી જ રીતે મહોરવાની છે એમ કોયલને કહે છે અને કોયલનું કૂહુ કૂહુ સાંભળી ઝાડની સાથે સાથે દાદાનું મન પણ મહોરી ઊઠે છે. પ્રકૃતિની જેમ જ પશુ-પંખીઓને પણ અનહદ પ્રેમ કરતાં દાદાનું મન મંજરીથી મહોરેલા ઝાડ અને કોયલનાં મધુર ટહુકાર સાંભળી સાનભાન ગુમાવી, મીઠા ટહુકામાં સર સર સર સરી પડે છે. વાહ! દાદાની સાથે એમના શબ્દોમાં આપણે પણ સરી પડ્યા નહીં?
કુદરતનાં પ્રેમી દાદાને આમ ઝાડનાં પ્રેમમાં ડૂબતા જોઈ કોઈ ડાહ્યો માણસ કંઈ સલાહ સૂચન આપવા જાય તો દાદા પોતાની મસ્તીમાં મસ્ત છે. “બંદર ક્યા જાને અદરખ કા સ્વાદ” કહેવત મુજબ કુદરતની અંદર એકમેક થઈ જઈ તેને માણવાની મઝા કોઈ વિરલ જ માણી શકે! માણસની જાત અને ડાહ્યાની વાતને ઘોળીને પી જઈ દાદા તો તેમની કુદરત સાથેની અનર્ગળ મસ્તીમાં મસ્ત કલંદર થઈ તેને માણે છે. પોતે માણસ છે તે ભૂલી ઝાડ સાથે તેની મંજરીનો સ્વાદ,કોયલનો ટહુકાર, ફૂલનો ઉઘાડ બની તેને માણતા રહે છે. આ જ જીવન જીવવાનો તેની મસ્તી લૂંટવાનો સાચો રસ્તો છે. ધ્રુવદાદા પાસેથી આપણે સૌએ પણ શીખી જીવનની મોજને કુદરતને સાથે એકમેક થઈ માણવાની જરૂર છે.
કુદરતકી ઈસ પવિત્રતા કો તુમ નિહાર લો
ઈસ કે ગુનો કો અપને મનમેં તુમ ઉતાર લો
ચમકાલો આજ લાલીમા….અપને લલાટ કી
કણ કણ સે ઝાંખતી હૈ છબી વિરાટકી
અપની તો આંખ એક હૈ,ઉસકી હજાર હૈ
યે કૌન ચિત્રકાર હૈ …..યે કૌન ….ચિત્રકાર હૈ
સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
