પ્રકૃતિની પાંખો
હીત વોરા
કુદરતના કેટલાક સૌથી સમૃદ્ધ વિસ્તારો એવા હોય છે જે સંપૂર્ણપણે જમીન પણ નથી અને સંપૂર્ણપણે પાણી પણ નથી. જ્યાં બંને મળે છે, ત્યાં જૈવવૈવિધ્ય નિખરે છે. તળાવનો કિનારો, નદીનો પટ, દરિયા પાસેના કાદવ વાળા વિસ્તાર, ખાડીઓ અને ચેરનાં જંગલો (mangroves) — આ બધા એવા સ્થળો છે જ્યાં અલગ-અલગ આવાસો એકબીજા સાથે જોડાય છે અને તેથી ઘણી વિવિધ પ્રજાતિઓને વસવાટ કરવા જગ્યા મળે છે.
ઓસ્પ્રે – Osprey, વૈજ્ઞાનિક ભાષામાં Pandion haliaetus – જેને ગુજરાતીમાં મત્સ્યભોજ કહેવાય છે, એ આ જોડાણને ખૂબ સારી રીતે દર્શાવતું પક્ષી છે. માછલી પકડતી વખતે તે કદાચ થોડી જ મિનિટો પાણીમાં રહે, પરંતુ તેનું આખું જીવન પાણી અને તેની આસપાસની જમીન બંને સાથે જોડાયેલું છે.

મત્સ્યભોજ માટે માછલી પકડવું કંઈ સહેલું નથી, પણ આ પક્ષીની પ્રજાતિએ માછલી પકડી જીવન ટકાવવાનું શીખી લીધું છે જેથી તેની ઉત્ક્રાંતિ પણ તે જ દિશામાં થઈ છે.
તે ઉપરથી પાણીનું નિરીક્ષણ કરે છે અને માછલી દેખાય ત્યારે પગ આગળ રાખીને પાણીમાં ડૂબકી મારે છે. માછલી પકડ્યા પછી તે ઘણીવાર તેને માથું આગળ રહે એ રીતે ગોઠવે છે. આમ કરવાથી ઉડતી વખતે હવાનો અવરોધ ઓછો થાય છે અને માછલીને લઈ જવી સરળ બને છે. ઘણી વખત તે એક સાથે બંને પગ વડે એક થી વધુ માછલીઓ પણ પકડે છે!

મસ્ત્યભોજ અને પ્રેગરીન ફાલ્કન વચ્ચે શિકાર માટે બાથંબાથી
એ રસપ્રદ વાત છે, કે દુનિયામાં મત્સ્યભોજ ની માત્ર એક જ જીવંત પ્રજાતિ છે. છતાં આ એક જ પ્રજાતિ વિશ્વના ખૂબ મોટા વિસ્તારમાં જોવા મળે છે, ઉત્તર અમેરિકા અને યુરોપથી લઈને આફ્રિકા, એશિયા અને ઓસ્ટ્રેલિયા સુધી.
મત્સ્યભોજ અત્યંત વિશિષ્ટ શિકારી છે કે જે ખાલી માછલી ખાવું જ પસંદ કરે છે, પરંતુ તે કોઈ એક ચોક્કસ સ્થળ પર નિર્ભર રહેતું નથી. જ્યાં યોગ્ય માછલીઓ ઉપલબ્ધ હોય ત્યાં, તે તળાવો, નદીઓ, જળાશયો, નદીના મુખ અને દરિયાકાંઠાના વિસ્તારોનો ઉપયોગ કરી શકે છે. ઘણાં મત્સ્યભોજ લાંબા અંતરના પ્રવાસી પણ છે. ઠંડા ઉત્તરીય પ્રદેશોમાં પ્રજનન કરતા પક્ષીઓ શિયાળો પસાર કરવા માટે હજારો કિલોમીટર દૂરના ગરમ વિસ્તારોમાં સ્થળાંતર કરે છે. ભારત આવા ઘણા શિયાળુ પ્રવાસી મત્સ્યભોજ નું શિયાળુ આવાસ બને છે અને ગુજરાતમાં તેના માટે યોગ્ય એવા અનેક જળપ્લાવિત પ્રદેશો, જળાશયો, નદીઓ અને લાંબો દરિયાકિનારો છે.
તે પોતાનો ખોરાક ભલે પાણીમાંથી મેળવે છે, પરંતુ આરામ કરવા અને માળો બનાવવા માટે વૃક્ષો, ખડકો, વીજળીના થાંભલા, કૃત્રિમ પ્લેટફોર્મ અથવા અન્ય ઊંચી રચનાઓની જરૂર પડે છે. એટલે તેનું જીવન બે અલગ પર્યાવરણોની સીમા પર ચાલે છે. આ કારણે તેનું પર્યાવરણીય મહત્વ માત્ર “માછલી ખાનાર શિકારી” હોવા પૂરતું નથી.
માછલી પરની તેની નિર્ભરતા તેને પાણીમાં થતા ફેરફારો પ્રત્યે સંવેદનશીલ પણ બનાવે છે. કોઈ જળાશયમાં પાણી પૂરતું હોય અને બહારથી તે સ્વસ્થ દેખાતું હોય, છતાં જો માછલીઓ ઓછી થઈ જાય, પાણી પ્રદૂષિત થઈ જાય અથવા સરળતાથી ઉપલબ્ધ ન રહે, તો તે સ્થળ મત્સ્યભોજ માટે પહેલાં જેટલું ઉપયોગી ન રહે.
અહીં મત્સ્યભોજ ના ઇતિહાસમાંથી મળતો DDTનો બોધપાઠ ખૂબ મહત્વનો છે. વીસમી સદીમાં DDT નામનું કીટનાશક મોટા પ્રમાણમાં વપરાતું હતું. તે પર્યાવરણમાં પ્રવેશીને આહાર કડીમાં એકઠું થઈ શકતું હતું. તેની અસર ખાસ કરીને એવા શિકારી પ્રાણીઓમાં વધુ દેખાય છે જે આહાર-કડીમાં ઉપરના સ્તરે હોય.
આ પ્રક્રિયાને સમજવા માટે એક સરળ ઉદાહરણ લઈએ. પાણીમાં રહેલી એક નાની માછલીમાં પ્રદૂષકની માત્રા ખૂબ ઓછી હોઈ શકે. પરંતુ મોટી માછલી પોતાના જીવનકાળમાં આવી ઘણી નાની માછલીઓ ખાય છે. પરિણામે તેના શરીરમાં તે પદાર્થની સાંદ્રતા વધી શકે છે. હવે આવી ઘણી મોટી માછલીઓ ખાનાર ઓસ્પ્રે જેવા શિકારી પક્ષીમાં તેની સાંદ્રતા હજુ વધી જાય છે. આ પ્રક્રિયાને Biomagnification કહેવામાં આવે છે.
DDTના એક વિઘટન પદાર્થ DDEને કારણે ઇંડાની છાલની રચના પર અસર થતી હતી. કેટલીક જગ્યાએ મત્સ્યભોજના ઇંડાં એટલાં પાતળાં અને નાજુક બન્યાં કે સેવન દરમિયાન જ તૂટી જતાં હતાં. તેના કારણે બચ્ચાંના વિકાસમાં નિષ્ફળતા અને પ્રજનનક્ષમતામાં ઘટાડો થયો અને કેટલીક વસ્તીઓમાં ભારે ઘટાડો જોવા મળ્યો.
આ ઘટનાએ એક મહત્વની વાત સમજાવી: પર્યાવરણમાં છોડવામાં આવેલું રસાયણ મૂળ સ્ત્રોતથી ઘણું દૂર જઈ શકે છે અને ખાદ્યજાળના વિવિધ સ્તરોમાંથી પસાર થઈને અંતે સમગ્ર ઇકોસિસ્ટમને નુકસાન પહોંચાડે છે.
DDT પર નિયંત્રણો આવ્યા પછી ઘણા વિસ્તારોમાં મત્સ્યભોજની વસ્તી ફરી વધવા લાગી.
મત્સ્યભોજ આપણને જળપ્લાવિત પ્રદેશો અને દરિયાકાંઠાના વિસ્તારોને થોડા અલગ દૃષ્ટિકોણથી જોવા માટે પ્રેરણા આપે છે. જળપ્લાવિત પ્રદેશોની આસપાસ છીછરું પાણી, કાદવ, વનસ્પતિ, ઘાસ, ઝાડ અને ખુલ્લી જમીન હોય શકે છે. દરેક ભાગ અલગ-અલગ જીવો માટે અલગ સંસાધનો પૂરા પાડે છે. દરિયાકાંઠે પણ નદીઓ, ખાડીઓ, ચેરનાં જંગલો અને છીછરું દરિયાઈ પાણી એકબીજાની નજીક જોવા મળે છે.
જ્યાં અલગ આવાસો મળે છે ત્યાં અલગ પ્રકારના સંસાધનો પણ ભેગા થાય છે. માછલીઓ પાણીનો ઉપયોગ કરે છે, જંતુઓ છીછરા પાણીમાં વિકાસ પામે છે, પક્ષીઓ કાદવમાંથી અળસિયાં અને અન્ય જીવો શોધે છે અને જમીન પરનાં પ્રાણીઓ આસપાસની વનસ્પતિનો ઉપયોગ કરે છે. આ કારણે આવાસોની સીમાઓ ખૂબ મહત્વની હોય છે. તે બે પર્યાવરણ વચ્ચેની ખાલી જગ્યા નથી. ઘણીવાર ત્યાં બંને પર્યાવરણની વિશેષતાઓ એકસાથે જોવા મળે છે અને તેથી જૈવવૈવિધ્ય માટે નવી તકો ઊભી થાય છે.
મત્સ્યભોજ આ સમગ્ર જોડાણને સરળતાથી સમજાવી શકે છે. તે પાણીમાં શિકાર કરે છે, પોતાના શિકારને હવામાંથી પસાર કરીને જમીન પર લઈ જાય છે અને સ્થળાંતર દરમિયાન હજારો કિલોમીટર દૂર આવેલા જુદા જુદા જળપ્લાવિત ક્ષેત્રોને પોતાના જીવનચક્ર દ્વારા જોડે છે.
શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
