સોરઠની સોડમ
ડો. દિનેશ વૈષ્ણવ

મારી પાંચેક વરસની ઉંમરે મારાં માં હારે મારા સંવાદને “…સોનુ એટલે આમતો પિત્તળ જ ને” આજ સાતથી વધુ દાયકે ગર્ભાશય માંથી બા’ર કાઢું છ કારણ કે ૧૯૫૦ના દસકે સોળવલ્લો ટ્રોય તોલા (૧૧.૬૬ ગ્રામ) સોનાનો ભાવ રૂ. ૮૦-૧૦૦ વચ્ચે હતો ને આજ ૧૦ ગ્રામના તોલાનો ભાવ દોઢેક લાખ છે.
… તો વાત એમ છે કે ૧૯૫૪માં પપ્પાની બદલી દેલવાડાથી મેંદરડા થઇ ને અમે એને અમારું નવું પણ પોતાનું ગામ ગણ્યું કારણ કે કાઠિયાવાડની તસુ એ તસુ ભોમકા કાયમ કે’તી જ હોય છ, “મારી કાઠિયાવાડમાં કોક દી‘ તું ભૂલો પડ ભગવાન, તારાં એવાં કરું સન્નમાન કે તને સરગ ભૂલાવું શામળા.” આ ગામમાં અમારું પાંચેક ઓયડા, રસોડું, બાથરૂમ, અગાસી, રવેસ, વ. સગવડ વાળું ઘર માધુવંતી નદીની ધારે એક રળિયામણા દરબારગઢમાં હતું કે જેમાં નીચલા માળે સરકારી દવાખાનું હતું. દરબારગઢ હતો એટલે સૌથી આગળ ખીલા જડબેલો બે દરવાજાનો મૂળ ડેલો, પછી એક બીજો નાનો ડેલો ને માય “ગોઠણ ડેલી” ને એક ચોગાન એમ વટાવી ને અમારે ઘેર ને દવાખાને પુગાય.
આખા દરબાર ગઢમાં મૂળ ડેલા માય અમારા દી’રાત પાડોસી ઈ તાલુકા શાળામાં શિક્ષક બળદેવભાઈ જાની પરિવાર ને દી’ના ભાગે અલગ ચારેક ઓયડામાં ચાર ધોરણ લગીની રામકુંવરબેનની કન્યાશાળા બેસતી. મૂળ ડેલાની બાર ડાબી કોર આઘેરી ગામની મિડલસ્કૂલ, બે ઓયડીની જેલ ને ગર્યમાં માલધારીઓના ગોર પરસોતમભાઇ-નનકુબેનનો પરિવાર ને જમણી કોર સોનીનો વિશાળ ડેલો. આ ડેલામાં બે પરજીયા સોની ભાયું નાથાભાઈ-અરજણભાઈનો માયાળુ પરિવાર ઢોરઢાંખર હારે વસે. આ સંયુક્ત પરિવારમાં દીકરા, દીકરી, વહુઓ, પૌત્રો, પૌત્રીઓ એમ મળીને ત્રીસેક જણાં તો હશે જ કારણ કે આજ પણ મને વીસેક નામો તો હોઠે છે.
અમારે આ સોની કટમ્બ હારે જાડો ધરોબો કારણ કે મારી બેન ને હું નિશાળેથી આવી, દફ્તર ઘરમાં ફેંકીને આ સોનીના ડેલે બબલા, રતિયા, નટીયા, હસલા, વિનિયા, લીલી, ઇન્દુ, મધુ, વ. હારે અંધારું થાય યાં લગી ઋતુ અનુસાર રમતો રમતા ને સાતમ-આઠમથી લઈને દિવાળી લગી જુગાર રમતા. મારાં માં આ છોકરાઉનાં માં ગોમતીબેન-માનકોરબેન હારે રોજ એના ઘરની ફળીમાં બેસે ને હારે શાકબકાલું ને અનાજ ને ચોમાસે બીલીપત્ર વીણે. આ ઉપરાંત અમારા ને આ સોની પરિવાર વચાળે વાટકી વ્યવહાર પણ હતો. આજ સિંતેરથી વધુ વરસે પણ સોની પરિવારના જે કોઈ હૈયાત છે એને મારી બેન ને મારી હારે એટલો જ ઘેરો નાતો છે કારણ કે અમારા સબંધના પાયા નિસ્વાર્થ ને પ્રમાણિકતાના પાણાથી પુરાણા છ.
ધંધાની નજરે મારા પપ્પા તો સરકારી દાક્તર હતા ને નાથાભાઈ-અરજણભાઈને લીમડાચોકમાં શયારી સોનીની દુકાન હતી ને ગામમાં ઈ એક જ હતી. મેંદરડામાં ત્યારે કડવા કણબી ને ધાધલ કાઠીની વસ્તી જાજી એટલે આ બેય ભાયુંને સોના-ચાંદીના ત્યારનાં ઘરેણાં જેવાં કે નથ, દામણી, સસીફુલ, બોરલો, સેર, કાંબી, કડલાં, બલોયાં, રાયણમાળા, હાંસડી, તમિયા, ઠોળીયાં, ઝૂમણાં, વ. નું સોનીકામ જાજું રે’તું. અમે તાલુકા શાળાએ જાતા ત્યારે આ દુકાન આગળથી જાતા ને જોતા કે માલીકોર ઓજારમાં નાનાંમોટાં એરણ, હથોડી, પક્કડ, મૂસ, ફૂંકણી, ટોર્ચ, તાર ને પતરાં કાઢવાનો સેગડો, ઘાટ પાડવાની ટીલડીઓ, વ. ઉપીયોગમાં લેવાતાં. આ સોની ભાયુંના દીકરા પણ પાંચસાત ધોરણ ભણીને ધંધે બેસતા. વધુમાં, આ બેય ભાયું માંથી જ – એકેય દીકરો નહીં – એક ભાઈ સવારે ને બીજો સાંજે આખી દુકાનમાં સંજવાળી કાઢે ને કણી એ કણી ધૂળ દુકાનમાં પાછળ પીપડાઓમાં ભરે.
આસો મહિનાનાં અજવાળીયાં બેસે એટલે એટલે પીપડા માંથી રોજ બેત્રણ ડબ્બા ધૂળ બેય ભાયું મધુવંતી નદીમાં પે’લાં ચાયણામાં ને પછી બે હવાલામાંથી ચાળે, ચાળણને ધોતિયામાં ભરીને તારવે, ધોવે ને પછી એને નદીના આરે પાથરીને કોરું પાડે. આમ આખા વરસની ધૂળના ચાળણના ડબ્બા ઘેર સાચવીને ભોગળવાળા ઓયડામાં ભેગા કરે. પછી દિવાળી ઉતરે, શિયાળાની શરૂઆત થાય ને મધુવંતીએથી ટાઢા પવનના સુસવાટા શરુ થાય એટલે મને, મારી બેનને ને ઈ સોની પરિવારનાં છોકરાંઉને દી’ આથમે ફાનસના અજવાળે કામે લગાડે. આ કામમાં એકેક ડબ્બામાંથી ધોયેલ ધૂળ ઘરની વડીલ સ્ત્રી સાચવીને ત્રાંસમાં ઠલવે, એને પાતળા થરે પાથરે ને અમને દીધેલ વાટકીમાં અમારે આ ધૂળ માંથી પીળી, ચળકતી કણીઓ વીણીને વાટકીમાં ભરવાની ને ધોળી ચળકતી કણીઓને ધૂળમાં જ રે’વા દેવાની. મને યાદ છે કે હું, મારી બેન ને બીજાં છોકરાંઉ પોતપોતાની વાટકીમાં રોજ દસબાર આવી પીળી, ચળકતી કણીઓ ભેગી કરતાં ને વાટકીયું ગોમતીબેનને આપી દેતાં. અમારું આ કામ પતે એટલે રોજ છાલિયું ભરીને મસાલો ચડાવેલ મમરા ને તલસાંકળીની ઢેફલી ઘરની એકાદ વહુ અમને સૌને નાસ્તો દેતી. આ ધૂળ વીણવાનું કામ લગભગ મહિનો હાલતું ને એમાં અમે નર્યો આનંદ લેતા કે જે તે દિવસે કોને સૌથી વધુ ઈ પીળી કણી ધૂળ માંથી વીણી.
વખત ગ્યો, હું ત્રીજા ધોરણમાં આવ્યો ને એમાં ગુજરાતીમાં દલપતરામની કવિતામાં “તસ્કર ખાતર પાડવા ગયા વણિકને દ્વાર…” શીખ્યો ને એમાં અમારા માસ્તર શંકરભાઈ ક્યાંક “સોનું” શબ્દ બોલ્યા. ઘેર આવીને મેં મારાં માંને પૂછ્યું કે “સોનું એટલે શુ?” માંએ એટલું જ કીધું કે “તમે સોનીના ડેલે ધૂળ વીણીને જે પીળી, ચળકતી કણીઓ કાઢો છ ઈ.” મારું સામું વિધાન, “ઠીક. સોનું એટલે આમતો પિત્તળ જ ને, આપણા થાળીવાટકા જેવું.” માંએ મારા વિધાનનો કોઈ જવાબ નો’તો દીધો. બીજું, ત્યાર પછી બેએક વરસે મને ખબર પડી કે ઈ “ધોળી ચળકતી કણીઓ” કે જે અમે ધૂળ માંથી નોતા વીણતા ઈ ચાંદી હતી.
આજ મારા જીવનનો સાતમો દાયકો પૂરો થાવામાં છે ત્યારે મને એક જ વિચાર આવે છ કે પંખીના માળા જેવા મેંદરડામાં કળજુગ ત્યારે નહિ આંબ્યો હોય નીકર ઈ સોની પરિવાર અમને ત્રાયાત છોકરાંઉને માંબાપથી મળેલ પ્રમાણિકતામાં વિશ્વાસે ઈ ધૂળ વીણવા ન બેસાડ્યા હોત. “ઈ પીળી, ચળકતી કણી વીણો ઈ પારકી થાપણ છે એટલે સાચવીને વાટકી ગોમતીબેનને હાથોહાથ સોંપજો” કે’તાં મારાં માં મને આજે પણ આ લખું છ ત્યારે હજરાહજૂર દેખાય છ.
ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

આખુ મેં દરડા નજર સામે ઉભુ કરી દીધુ.ડેલો,દુકાન,નિશાળ,સોની કુટુંબ,ધુળ,તમે છોકરાઓ.મે ભાવનગર પાસે ફરીઆતકા ગામે આવા દીવસો કાઢેલા.શબદો ના ધરેળા થી સજાવેલ સરસ રચના.
LikeLike
વાહ દીનુદાન
LikeLike
Wah Kya baat. After all these years you still remember your past & that to describe in original kathiawadi style. Hats off to you Dinesh bhai 👍👏👏👏
LikeLike
Dineshbhai, A beautifully written story! It captures the warmth, innocence, and unwavering trust of a bygone era. Thank you Dineshbhai for sharing these cherished memories.
LikeLike