કૃષ્ણ દવે
શબદ કહે જા છેટો !
તું તારી ગળચટ્ટી જીભે ફરી કરીશ ના એઠો !
શબદ કહે જા છેટો !
જ્યાં ને ત્યાં તે મને વાપરી કુર્નિશ ઘણી બજાવી
પણ તેં મારી અંદર ઉતરી જ્યોત ક’દિ પ્રગટાવી ?
ઘણી સભામાં કક્ષાથી પણ મને ઉતાર્યો હેઠો !
શબદ કહે જા છેટો !
તું તારી ગળચટ્ટી જીભે ફરી કરીશ ના એઠો !
શબદ કહે જા છેટો !
મૌન ધરી તે કહ્યું ક’દિ લે હવે મને તું ગોત
ઘોંઘાટે તો નહીં જ પ્રગટે અસલી મારૂ પોત
તારી ચાટુક્તિથી છટકી માંડ અહીં હું બેઠો
શબદ કહે જા છેટો !
તું તારી ગળચટ્ટી જીભે ફરી કરીશ ના એઠો !
શબદ કહે જા છેટો !
તા-૨૩-૫-૨૦૨૬
