સોરઠની સોડમ
દિનેશ વૈષ્ણવ
શરૂઆતમાં જ ખુલાસો કરી દઉં કે આજ જે વાત હું માંડું છ ઈ ભાગ્યે જ કોકને ખબર હશે એટલે જરૂર વાંચજો.

તો મૂળ વાત એમ છે કે જૂનાગઢ રહીસ મારો પિતરાઈ ને હું કવિ દાદુદાન પ્રતાપદાન મિશણ ઉર્ફે “દાદ”ને મળવા ૨૦૧૨ની શિવરાત્રિની સાંજે એને ઘેર ગ્યા. ત્યારે ઘરની ફળીમાં દાદબાપુની ત્રીજી પેઢી રમતીતી, મારી ધારણાએ દીકરા જીતુને ઘરેથી બાઈલુબેન ચૂલે મગબાફણાં ભરતાંતાં, દાદબાપુનાં પત્ની જસુબેન ઘરની ઓસરીની કોરે બેઠાંબેઠાં ત્રીજી પેઢીને રમતી જોતાંતાં ને દાદ પોતે એના ઓયડે શાંતિથી ખુરસીમાં બેસી વાંચતાતા. એને અમને બેયને મીઠપે આવકાર્યા ને મારા પિતરાઈએ બાપુને મારો પરિચય દીધો. અમે બાપુ હારે એના હિરણ કાંઠાના વતન ઈશરીયાથી લઈને ખુદ ઈશ્વર લગીની ને એના મને કિલકારા કરતી હિરણથી લઈને એની વાણી અને લેખણીમાં એના હૈડેથી ઉઠતી, દોડતી ને દડતી શાબ્દિક હિરણ વિષે ચારેક કલાક વાત્યું કરી. વાત્યુંમાં દાદબાપુના બાળપણથી ને એને મોસાળેથી મળેલ લોકસાહિત્યની વિરાસતથી લઈને એને રચેલ લોકસાઈત ને યાંથી આગળ હાલીને ભાતભાતના ભાતીગળ રચાયેલ લોક્સાહિતની વાત્યું કરી. અલબત્ત, દાદને મોઢેથી એને જ ફળીયે સાંભળેલી વાત્યું ઈશરીયાની સીમમાં પાકટ મધપૂડેથી ટપકતા મધ જેવી હોય ઈ સ્વાભાવિક છે. એને શબદે શણગારવી ઈ મારા જેવાના ગજાની બા’રનું છે એટલે એને મેં જે બે સવાલ કર્યા ને એના એને જે જવાબ દીધા ઈ જ હું આંઈ લખું છ:
“કાળજાકેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો…” કેમ લખાણું — દાદના જ વતન ઈશરીયામાં વરસો પે’લાં મૂછે લીંબુ લટકાવીને ફરતા એક મરદ કાઠી દરબારની એક્નીએક દીકરીનાં લગન લેવાણાં ને દીકરીબા ઘરમાં થાપા પાડી કાઠી લાજનો હૈયા લગી ઘૂમટો તાણી વેલડે બેઠાં. રિવાજે વેલડાનું પૈડું સિંચાણું, કાઠી દીકરીનું વિદાય લગન ગીત “હાલ્યા હંસલા…” ગળ્યાગાળાની કાઠિયાણીઓની હલકે ગવાણુ ને જાન ઉઘલાવાનો સમો થ્યો. ઈ ટાણે રુદાલીથી લથપથ ઈ દીકરીનો બાપ ને દાદબાપુ પડખેપડખે ઘરની ડેલી બારના કોમળ હથેળીભાતે લીપેલા ઓટે બેઠાતા. બાપુ ઈ મરદ કાઠીને – પણ તીયેં લાચાર દીકરીના બાપને – છાના રાખતાતા ત્યારે ઈ છપ્પનની છાતીવાળા બાપના મોઢેથી શબદ સરી પડ્યા, “દાદુભાઈ, મારો કાળજાનો કટકો આજ હાલ્યો.” બસ, ઈ જ શબદને દાદે જીલ્યા ને એની માં સરસ્વતીએ બક્ષેલ કલમે સજાવ્યા, શણગાર્યા, કરુણાથી મઢ્યા ને લેખણીએ એવા લઢાવ્યા કે આજ ઈ ગીત દાયકાઓથી દુનિયાના સ્વર્ગસ્થ, હૈયાત ને થાનારા ગુજરાતી બાપોને દીકરીની વિદાયની પળે ચોધાર આંસુએ રોવરાવ્યાતા, રોવરાવે છ ને રોવરાવસે.
“ભાઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…” કેમ લખાણું — ૧૯૬૨ના ભારત અને ચીનના યુદ્ધ વખતે જયમલભાઈ પરમાર, રતુભાઇ અદાણી, પિંગળસી ગઢવી, મેરૂભા ગઢવી, હેમુ ગઢવી, વ. મહાનુભાવોએ “સૌરાષ્ટ્ર નાટ્ય એકેડેમી”ના નેજા હેઠે સૈનિકોના લાભાર્થે ફંડ ભેગું કરવા સમગ્ર ગુજરાતમાં ને ગર્યમાં ટે’લ નાખેલ. અવલ દરજ્જાના, આ અદકા ચારણી કલાકારો – જો હું ન ભૂલતો હોઉં તો – “સમરાંગણ” નામે ગામોગામ ફંડ ઉઘરાવા ડાયરો રજૂ કરતા. કેવાય છ કે લોકોએ આ ફંડમાં નકદ નાણું, સંઘરેલું સોનું ને સોળવલ્લાં ઘરેણાં ખોબેખોબે દિધેલ. હવે આ ખેપ નાખતાં પે’લાં હેમુભાઈએ કવિવર દાદને કીધું, “દાદુમામા મને એક શૌર્યગીત લખી દયોને. ગીતનો ઢાળ “કૈલાશી કંદરાની રૂપેરી સોડ તજી ઓલ્યા ઉતરડા વાયરા ઉઠ્યા …” ઈ બને તો રાખજો.” ઈ વખતે દાદબાપુ કદાચ રાજકોટ કે એવા મોટા ગામમાં ઘરની ઓસરીએ બેઠાતા ને સામે ક્યાંક ઘરનું ચણતર થાતુંતું. ત્યારે બાપુને વિચાર આવ્યો કે આ બેલાં માંથી મંદિરમાં પધરાવા મૂર્તિયું ને પોઠિયા ઘડાય, ઘરની દીવાલ ચણાય, બે ભાયું નોખા થતા હોય તો વચાટે દીવાલ ઉભી થાય ને આજ બેલાં માંથી સમરાંગણમાં જેનું માથું વઢાણું હોય ને ધડ ઘમસાણ મચાવતું હોય એનો સિંદૂરિયો પાળીયો પણ થાય. બસ, આ જ વિચારે કવિવરના દિલની કલમ જાગી, બેઠી થઇ, માયથી શુરવીરતાની શાઈ ટપકવા મંડી, ગીત રચાણું, હેમુભાઈએ એને એના લોકપ્રિય કંઠે ને ઢાળે ગાયું ને આજે પણ ઈ જ ઢાળે આ ગીત ભારતમાં ને દરિયાપાર ગવાય છે.
છેલ્લે ચારેક કલાકની દાદબાપુની જમાવટથી વિદાય લેવાની વસમી વેળા આવી એવામાં મારું ધ્યાન જમણીકોરની દીવાલે પડ્યું. હું ઉભો થ્યો ને પાસે જઈને જોયું તો જે તે વખતે દેશના વડાપ્રધાન ઈન્દિરાજી, શાસ્ત્રીજી ને રાષ્ટ્રપતિઓથી લઈને ગુજરાતના મુખ્યમંત્રીઓ અને ગવર્નરો, ગુજરાતી ચલચિત્રોના નિર્માતાઓ ને કલાકારો ને ચારણી સાહિત્યના અવલ મહારથીઓના વરદહસ્તે કવિવર દાદ સન્નમાનિત થયેલ ઈ “બ્લેક એન્ડ વાહીટ” તસ્વીરો જોઈ. મેં આ સબબ એને સવાલો કર્યા તો દાદબાપુનો સવિનય જવાબ, “ભાઈ હું આ બધું ભૂલી ગ્યો છ, મન હજી ઘણું લખવાનું છ એમાં છે.” ખેર, છેલ્લે એને ૨૦૨૧માં “પદ્મશ્રી”નો ઇલખાબ પણ મળ્યો પણ ઈ જ સાલ કાળનું કરવું ને “દાદ”નું દડવું તે એનો આતમ એની વ્હાલી મદમાતી હિરણમાં મોજ કરવા કૂદયો.
એક ઉમેરો કરું તો – મારો જનમથી જ લોકસાહિત્ય ને ડાયરાનો જીવ એટલે પપ્પા મને ૧૯૬૨-૬૩માં ઉપરોક્ત “સમરાંગણ ” કાર્યક્રમ માણવા ચોરવાડથી જૂનાગઢ લિયાવેલ. આની રજુઆત બાહદુરખાનજી હાઇસ્કુલના પટાંગણમાં થયેલ. મને યાદ છે કે મેરૂભાબાપુએ કટાક્ષમાં કીધેલ કે “હંસલા મોતી ચણીને ઉડી ગ્યા ને એની જગ્યાએ બગો કીચડ ઉડાડવા આવી ગ્યા છ.” આ કે’વા પાછળનું રહસ્ય ઈ હતું કે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી. જીવરાજભાઈ મેહતાની – કે જેનાં પત્નીનું નામ હંસાબેન હતું – જગ્યાએ બળવંતરાય ગોપાલજી મેહતા (બ.ગો.) આવેલા. બીજું, એકાદ ડાયરે પદ્મશ્રી ભીખુદાન ગઢવીને મેં કે’તા સાંભળ્યા છ કે ઈ ત્યારે એના ગામ માણેકવાડાથી મારી જ ઉંમરે આ કાર્યક્રમ માણવા આવેલ.
મારી જિંદગીના અવલ ચાર કલાક જેને મને દાને દીધા ઈ દાતા ને લોકસાહિત્યના મહાસાગર કવિવર “દાદ”ને મારી વિકલાંગ કલમે પણ જો હું શબ્દાઅજંલિ ન આપું તો નગુણો ગણાવ એટલે:
“દાદ હવે તારી હિલોળી હિરણને કોણ હલકારસે
કે ઈ પડતીઆખડતી એના કોણ હાલ હવે પૂછસે
દાદ તારાં “ટેરવાં” વિના હવે હબસણ હોઠના રંગે
રૂપાળા ગર્યની રુડી શ્રાવણી સંધ્યા કોણ ચીતરસે
દાદ તારા વિના હવે પ્રકૃતિમાં કોણ પ્રાણ રેડસે
કે રાતી ચણોઠડીને અવનિના ભાલે કોણ ચોડસે
દાદ તારા વિના “લોકશાહી”નું દુઃખ હવે કોણ ગાશે
કે તારા વિના ગુજરાતને હવે હેમુ કોણ યાદ કરાવશે
ગયા બ્રહ્માનંદ, મેઘાણી, કાગ, બારોટ ગીગો ને દાન
દાદ હવે તુંયેં ગયો તે પડશે “ગડથલ હાંહાં” કાન.”
ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

વાહ જમાવટ છે
કવિ દાદ સાથે હરુભરૂ મુલાકાત એ જ એક લહાવો છે
LikeLike
દાદા મારો કાળજા નો કટકો હાઇલો,,
આહાહા, શું મીઠાશ ભર્યો વહાલ, દર્દ ભર્યો સાદ!
LikeLike
મને નીચેની કોમેન્ટ ઇમેઇલ મારફત મળી છ:
મને વેબ ગુર્જરી ઉપર લખતા નથી ફાવતુ.
પણ એક વાત તો ૧૦૦ ટકા, સોરઠી જીવ જ આવી રચના ઉપર પરતીસાદ આપી શકે.સોરઠીપણૂ રગેરગ માં વહેતુ હોયતો લેખ સમજે,લેખનો આનંદ મળે અને દીલતૃપત થાય.
ખુબ સારૂ લાગેછે કે જુનાગઢ,ગિરનાર,દાદાબાપુ,ચારણી સાહિત્ય હજી ધબકે છે.ગળથૂથીના સંસકાર અને મનલગાવ!
LikeLike
મારા એક મિત્રએ આ લેખ કવિવર દાદના દીકરા જીતુ દાદને – કે જે પોતે એક ગૂણી ને અવલ દરજ્જાના ચારણી કલાકાર છે – મોકલ્યો ને એને એકે સુધારો મોકલ્યો ઈ નીચે મુજબ છે:
તમારી પોસ્ટ કવિ દાદ ના દિકરા જીતુદાન ગઢવી ને મોકલતા એમણે તમારો ખૂબ ખૂબ આભાર માન્યો છે…રાજીપો વ્યક્ત કર્યો છે… એક નાનકડો સુધારો પણ કહ્યો છે.. કાળજાનો કટકો રચના કારડિયા રાજપૂતની દીકરીની વિદાય સમયે રચાયેલ છે, કાઠીની દીકરી નહીં.
LikeLike
A beautifully written tribute Dineshbhai! Thank you Dineshbhai for sharing the story of great poet DadBapu. It is truly inspiring to read about Kavi Dad’s incredible humility and his deep love for literature.
LikeLike