ફિર દેખો યારોં

બીરેન કોઠારી

‘કોઈ પ્રદર્શનકારી તમારા ચહેરા આગળ મોબાઇલ ધરીને સવાલો પૂછે તો શું કરશો?’

‘એને જવાબ આપીશું.’

‘ના. શાંત રહેવાનું.’

‘પણ એ સતત ઉશ્કેરતો રહે તો?’

‘ત્યારે પણ નહીં. કેમ કે, તમારો ગુસ્સો જ એનું કન્ટેન્ટ બની શકે.’

જંતરમંતર પરના વિરોધપ્રદર્શન પછીના થોડા સમયે દિલ્હી પોલીસને આપવામાં આવેલી સૂચનાઓનો સાર કંઈક આવો છે. પોલીસોને સમજાવવામાં આવ્યું છે કે ફરજ બજાવતી વખતે હવે માત્ર ભીડ પર જ નહીં, પોતાના વર્તન અને ચહેરાના હાવભાવ પર પણ કાબૂ રાખવો પડશે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

તેમને પૂછાતા સવાલો કેવા હોઈ શકે તેની પણ કલ્પના કરવામાં આવી છે: ‘તમને તમારા કામ પર ગર્વ છે?’, ‘તમને રાત્રે ઊંઘ કેવી રીતે આવે છે?’, ‘તમારા બાળકોને જઈને તમે શું કહેશો?’ આવા સવાલોના જવાબ આપવાની જરૂર નથી. કોઈ જ ચર્ચામાં ઊતરવાનું નથી. કેમેરાને હડસેલવાનો પ્રયાસ પણ કરવાનો નથી. તેમની પર થતી મજાક કે કટાક્ષનો જવાબ આપવાનો નથી. કોઈ ગીત ગાય, નાચે, નકલી સલામી આપે કે ચા-ફૂલ-મીઠાઈ આપીને પ્રતિક્રિયા મેળવવાનો પ્રયાસ કરે તો પણ શાંત રહેવાનું.

પહેલાં પોલીસકર્મીનો ગુસ્સો કદાચ ત્યાં ઊભેલા થોડા લોકો જ જોતા. હવે એ જ ગુસ્સો કેમેરામાં કેદ થઈને હજારો લોકો સુધી પહોંચી શકે છે. હવે કોઈની પાસે મોબાઇલ ફોન છે અને કેમેરો ચાલુ હોય છે. જે કંઈ બન્યું તેનો થોડો ભાગ રેકોર્ડ થયો કે તરત તે બીજા સ્થળે પહોંચી શકે છે. આખી ઘટનામાંથી દસ-વીસ સેકન્ડ પસંદ કરી શકાય છે. એની પર મનગમતી ટીપ્પણી લખી શકાય છે. બસ, એક વાર એ ફરતું થાય કે પછી ચર્ચા શરૂ.

સામાજિક નેટવર્કિંગનાં માધ્યમોએ વિરોધ કરવાની લોકોની રીત પણ બદલી છે. હવે માત્ર પોતાની વાત કહેવી પૂરતી નથી; ઘણી વાર સામેની વ્યક્તિની પ્રતિક્રિયા મેળવવાનો પ્રયાસ પણ વિરોધનો એક ભાગ બની જાય છે. પોલીસને સવાલ પૂછવામાં આવે છે, ફરી ફરી પૂછવામાં આવે છે, કટાક્ષ કરવામાં આવે છે—કદાચ એટલા માટે કે કોઈ એક ક્ષણે તે કાબૂ ગુમાવે કે એ ક્ષણ કેમેરામાં કેદ થઈ જાય. દિલ્હી પોલીસની માર્ગદર્શિકામાં આ બાબતને લઈને ખાસ સાવધ રહેવાનું કહેવામાં આવ્યું છે.

અલબત્ત, આ આખી વાતને ‘પ્રદર્શનકારીઓ પોલીસને ઉશ્કેરે છે’ એટલા પૂરતી સીમિત શી રીતે કરી શકાય?  વિરોધ કરનારને સવાલ પૂછવાનો પૂરેપૂરો અધિકાર છે. પોલીસની કામગીરી અંગે પ્રશ્ન કરવાનો અધિકાર છે. સત્તાને અસ્વસ્થ કરવાનો પણ અધિકાર છે. લોકશાહીમાં અસંમતિનો અધિકાર પાયાનો છે.

સવાલ એ છે કે વિરોધનો હેતુ શો છે—પોતાની વાત કહેવી કે સામેની વ્યક્તિ પાસેથી કોઈ ગુસ્સાભરી ક્ષણ પડાવી લેવી? જરા વિચારીએ તો ખ્યાલ આવશે કે કેમેરા માત્ર પોલીસની ભૂલ જ બતાવતો નથી. પોલીસકર્મી કોઈ ઘાયલ પ્રદર્શનકારીને મદદ કરે તે પણ કેમેરામાં આવી શકે છે. કોઈ વૃદ્ધને ભીડમાંથી બહાર કાઢે તે પણ રેકોર્ડ થઈ શકે છે. કોઈ બાળક માતા-પિતાથી છૂટું પડી જાય અને તેને પાછું પહોંચાડે તે પણ લોકો જોઈ શકે છે.

દિલ્હી પોલીસની સૂચનાઓમાં આવી બાબતોનો પણ સમાવેશ છે. કોઈ વ્યક્તિ પડી જાય, બેભાન થાય કે ઘાયલ થાય તો તરત મદદ કરવી, એમ્બ્યુલન્સ બોલાવવી, વૃદ્ધો, બાળકો અને દિવ્યાંગ લોકોનું ધ્યાન રાખવું. મહિલા પ્રદર્શનકારીઓ સાથે શક્ય હોય ત્યાં સુધી મહિલા પોલીસકર્મીઓ દ્વારા વ્યવહાર કરવો.

આ સૂચનાઓ કદાચ સામાન્ય લાગે. તેમાં એક મહત્વની વાત છે કે પોલીસની ફરજ માત્ર ભીડને વિખેરવાની નથી.

સામે ઊભેલો જણ પણ માણસ છે. અને પોલીસકર્મી પણ માણસ છે. વિરોધપ્રદર્શન દરમિયાન બંને પોતપોતાની ભૂમિકામાં ઊભા હોય છે. એકને લાગે છે કે તેની વાત સાંભળવામાં આવતી નથી; બીજાને પોતાની ફરજ બજાવવાની હોય છે. એક તરફ ગુસ્સો હોય છે, બીજી તરફ દબાણ. આવી સ્થિતિમાં એક ઉશ્કેરાટની નાનકડી ક્ષણ પણ મોટી ઘટનામાં રૂપાંતરીત થઈ શકે છે.

પહેલાં આવો બનાવ કદાચ થોડા લોકો જ જોતા. હવે આખી દુનિયા જોઈ શકે છે. આથી પોલીસને આપવામાં આવેલી આવી સલાહનો એક અર્થ એવો પણ થાય છે કે કેમેરા સામેનું વર્તન હવે ફરજનો જ એક ભાગ છે. પોલીસ જે કરે છે તે માત્ર સ્થળ પર હાજર લોકો માટે નથી. તે કદાચ થોડી જ વારમાં લાખો લોકો માટેનું દૃશ્ય બની શકે છે.

પણ આ જવાબદારી માત્ર પોલીસની કહી શકાય?  કેમેરો હાથમાં હોય ત્યારે પ્રદર્શનકારી પાસે પણ એક પસંદગી છે. તે કોઈને ઉશ્કેરીને વીડિયો બનાવી શકે છે, અથવા પોતાની વાત એવી રીતે પણ કહી શકે કે સામેની વ્યક્તિને અપમાનિત કર્યા વિના અસહમતિ વ્યક્ત થાય.

આ કદાચ આજના વિરોધપ્રદર્શનનો સૌથી મુશ્કેલ પાઠ છે. એવું નથી કે કેમેરો ચાલુ છે એટલે દરેક જણ અભિનય કરી રહ્યો છે. પણ કેમેરો ચાલુ હોય ત્યારે દરેકની એક ક્ષણ કાયમી બની શકે છે. આ વાતને હજી આગળ લઈ જઈએ તો સવાલ માત્ર પોલીસને જ નહીં, વિરોધ કરનારને પણ પૂછવો પડે કે આપણે વિરોધ કરી રહ્યા છીએ કે કોઈની ઉગ્ર પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છીએ? બંને વચ્ચેનો તફાવત નાનો જણાય, પણ લોકશાહીમાં એ બહુ મોટો તફાવત છે.

કેમેરા સામે સંયમ રાખવાની સલાહ જરૂરી છે, પણ પોલીસને સૂચના આપનારા એ સમજી શકશે ખરા કે કેમેરાથી બચવા કરતાં એવું વર્તન કરવું વધુ જરૂરી છે, જેને કેમેરાથી છુપાવવાની જરૂર જ ન પડે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૩- ૯– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી