મિસ જૂલિયટીનું પ્રણયગીત
રાવજી પટેલ
મારા રળજી રે અમોને કૂવે પાણી મોકલ્યાં,
અમારે ન’તું જવું ને તોય તમે ધક્કેલ્યાં!
કાળજકૂણા કાંટા વાગ્યા…
મારા રળજી રે અમારી પરવાળાની પાની,
દેડકો જોઈ ગયો ઉઘાડી– તીતીઘોડે પાડી તાલી,
કાળજકૂણા કાંટા વાગ્યા…
મારા રળજી રે કાંટા છાનામાના વાગ્યા
નબળા મેળ વગરના પાક્યા –
કાળજકૂણા કાંટા વાગ્યા..
મારા રળજી રે તમે જૈ રશિયે તાર કરાવો (કે)
ઝટઝટ ચાંદલિયો મંગાવો, મારી પાનડિયો ઢંકાવો,
કાળજકાંટા અમને વાગ્યા…
મારા રળજી રે તમારો હોઠ તણો શો હધડો,
પોપટ-પેટ કપાવી લાવો-નાજુક પાની પર બંધાવો,
કાળજકૂણા કાંટા વાગ્યા…
મારા રળજી રે વચમાં મંદિરના શ્રીજીએ
મારી પાનીને પંપાળી – ઓય મા પાંપણથી પંપાળી
કાળજકાંટા અમને વાગ્યા…
મારા રળજી રે અમારે ન’તું જવું ને તોયે તમે ધક્કેલ્યાં
કૂવે પાણી ભરવા ઠેલ્યાં – અમને કાળજ કાંટા વાગ્યા.
નેતા
શૈલા મુન્શા
રામ નામે પથરા તરે,
ને ગાંધી નામે નેતા.
ભુખ્યો સાવજ કરે શિકાર,
ના નજર વિણ કારણ ક્યાંય.
ભર પેટે, ઝપટે થાળ બીજાનો
ભાઈ એ તો અવતાર નેતાનો.
કોને ફિકર ભાઈ કોઈ જીવે, મરે,
હાજરી એમની ભલે સહુને નડે.
પાંચસોની પત્તી ને છબી ગાંધીની,
બની હાર, પહેરામણી એ નેતાની.
આજ તો ભાઈ..રામ નામે
પથરા તરે કે ના તરે!
આધુનિક રામરાજમાં ગાંધી નામે,
નેતા તો ખૂબ તરે.
