શ્રદ્ધા ભટ્ટ

આદિએ મોબાઈલમાં જોયું. સવારના પાંચ વાગવામાં હજુ દસ મિનિટની વાર હતી. આખી રાત જાગવાની એને નવાઈ નહોતી. મિત્રો એને ‘નાઈટ આઉલ’ કહીને બોલાવતા. વેકેશનમાં તો આ લેટ-નાઈટ-સીરીઝ-વોચિંગ પ્રવૃત્તિ જોરશોરમાં ચાલેલી. છેલ્લા એક અઠવાડિયાથી કોલેજ શરૂ થઈ હતી એટલે એ ૧૨ વાગે સૂઈ જતો. પણ, ગઈકાલે કેટલું’ય કર્યું, ઊંઘ આવી જ નહીં! આંખ બંધ કરે અને આંખ સામે સાંજની ઘટના આવીને ઊભી રહે. નવી કોલેજ હતી. નવા મિત્રો અને નવી અજાણી દોસ્તી. સાંજે બધા મિત્રોએ બહાર મળવાનું નક્કી કરેલું.

શેના માટે – આદિના આવા પ્રશ્ન પર બધા હસી પડેલા.

‘તું આવ એટલે ખબર પડી જશે. યુ હેવ ટુ કમ ડૂડ!’

‘ઓકે ઓકે. આઈ વીલ બી ધેર.’ – આદિને હતું, કૈંક સરપ્રાઈઝ હશે. મે બી ફોર ન્યૂ મેમ્બર! એ ખુશ થઈ ગયો. કોલેજ લાઈફ ઈઝ સો ફૂલ, મેન! નો રાગ આલાપતો તૈયાર થઈને નીકળ્યો. જગ્યા થોડી વિચિત્ર હતી. નાના એવા શોપિંગ સેન્ટરની સામે. એને હતું, બધા ત્યાં ભેગા થશે અને પછી બીજે કશે જવાનું હશે.

“બહાર જાઉં છું. વિલ બી લેઈટ, મોમ.” ઘરેથી નીકળતાં એણે કહ્યું ત્યારે જ યાદ આવ્યું કે મોમ તો બહાર ગઈ છે. ફ્રીઝ પર સ્ટીકી નોટ ચીપકાવી એ બહાર નીકળ્યો. મિટિંગ પોઇન્ટ ઘરથી નજીક હતો પણ ટ્રાફિકને લીધે વાર લાગી. શોપિંગ સેન્ટર પહોંચીને એણે આજુબાજુ નજર ફેરવી. કોઈ દેખાતું નહોતું. એણે ફ્રેન્ડને ફોન કર્યો. એ કંઈ પૂછે એ પહેલાં સામેથી કહેવાયું, “આદિ, લુક સ્ટ્રેઈટ. સામે. ઝાડ પાછળ.” અંધારામાં ફોનની લાઈટ હલતી દેખાઈ અને એ ઝાડ પાછળ દોરવાયો.

“અરે, અંધારામાં શું કરો છો?”

“શશ…” આગળ ઊભેલા મિત્રના ફોનમાં જોવાનો ઈશારો થયો. આદિએ જોયું. એક ક્લિક થઈ અને…

“લૂક, શી ઈઝ ગોઇંગ. રેડી?”

“આદિ, સીટી મારતા આવડે છે?”

“હે !?”

“સીટી. વ્હિસલ, બ્રો. લૂક.” દોસ્તનો અંગૂઠો અને આંગળી મોઢામાં અને સીટીનો અવાજ હવામાં.

“આદિ, બ્લો.” “સીટી માર સ્ટુપિડ.” “ગો ફોર ઈટ મેન.”

અને આદિએ સીટી મારી. સામેના મોલમાંથી બહાર નીકળી રહેલી લેડીએ અવાજની દિશામાં જોયું. બાઈક અને ઝાડની પાછળ આખું ટોળું ગાયબ ! આદિ કંઈ સમજે એ પહેલાં એની બાજુમાં બેઠેલા ફ્રેન્ડે એને ઈશારો કરીને ફોનમાં મેસેજ ચેક કરવા કહ્યું. ‘નોટી બોય્ઝ’ નામનું એક નવું ગ્રુપ બનેલું. આદિ એડ થયેલો. એમાં હતી એક ઈમેજ. અને નીચે ઢગલો મેસેજ.

– વાઉ મેન. શી ઈઝ સો હોટ.

– લૂક એટ હર ફિગર યાર.

– ફ્રન્ટ પોઝ લીધો હોત તો? જસ્ટ ઈમેજિન..

આદિએ ઈમેજ ઓપન કરી. યલ્લો ટોપ અને બ્લૂ જીન્સ. ખભા સુધી આવતા ખુલ્લા વાળ. ડાબા હાથમાં ઘડિયાળ અને એ જ બાજુએ લટકાવેલું પર્સ. પર્સની કિનારીએ ઘૂઘરીવાળું લટકણ! ‘વોટ ધ..’ એણે ફોન બંધ કર્યો. એક્ટીવા પર બેઠો અને ત્યાંથી નીકળી ગયો. આખે રસ્તે એને પેલી ઈમેજ દેખાતી રહી. ઘરે પહોંચ્યો એવો ફ્રેન્ડનો મેસેજ આવ્યો – “વોટ હેપન્ડ? કેમ આવતો રહ્યો?” આદિએ જવાબ ના આપ્યો. છેલ્લી થોડી મિનિટોમાં જે બની ગયું એના પર વિચાર કરવો કે નહીં – આદિ એ જ અવઢવમાં હતો ત્યાં..

“આદિ, જમવામાં શું બનાવું?” આદિના રૂમનો દરવાજો ખૂલ્યો અને….

નોટી બોય્ઝ ગ્રૂપના બધા જ મેસેજ યલ્લો અને બ્લૂ રંગના કોમ્બિનેશનમાં આદિની સામે દેખાવા લાગ્યા. હર ફિગર.. હર હોટનેસ.. ઉફ્ફ. આદિ એ પાસે પડેલી બૂક ઉઠાવીને એમાં મોં છૂપાવી દીધું. “મારે જમવું નથી.” એણે બને એટલી કોશિશ કરી પણ હ્રદયનો થડકારો અવાજમાં વર્તાઈ જ ગયો.

“ઓલ ઓકે બેટા? તબિયત ઠીક નથી? માથું દુખે છે?” મોમનો હાથ આદિના માથે અને આદિ ઝટકો ખાઈને પલંગની બીજી સાઈડ પર.

“આઈ એમ ગુડ મોમ. નથી જમવું યાર.”

“ઓકે બાબા. એમાં આટલો ચિડાઈ શું જાય છે?”

દરવાજો ખૂલ્યો, બંધ થયો. નહોતું જોવું છતાં બૂકની આડશે જોવાઈ જ ગયું. ‘શી ઈઝ બટ હે….’ આદિએ આંખો બંધ કરી દીધી. પણ અંધારું ઘેરો બ્લૂ રંગ ઓઢીને આવ્યું. મોમની જીન્સનો રંગ. અને એમાં યલ્લો રંગથી લખાયેલા પેલા બધા મેસેજ! મોમનો ફ્રન્ટ ફોટો લીધો હોત તો? પેલા ગ્રૂપમાં એ ફોટો વિષે….  છટ્ટ્….પોતે કેવું કેવું વિચારે છે? શેઈમ ઓન યુ, આદિ! પણ મોમને શું જરૂર હતી એવા કપડાં પહેરીને બહાર જવાની? પહેલો વિચાર આ આવ્યો. આદિએ આ પહેલાં ક્યારેય મોમનાં કપડાં વિષે વિચાર્યું નહોતું. અરે, કોઈ પણ છોકરીના કપડાં વિષે નહીં. ઘરમાં મોમ છે, એની નાની બેન રીન્કુ છે. સ્કૂલમાં, ટ્યુશનમાં કેટલી બધી છોકરીઓ આવે છે. એ લોકો શું પહેરે છે એના પર ક્યારેય ધ્યાન નથી આપ્યું. આપવું પણ ના જોઈએ ને?

આદિ પાસે આ પ્રશ્નનો જવાબ નહોતો. એને એટલી ખબર હતી કે એના દોસ્તોએ આજે એની મોમ માટે બહુ ખરાબ શબ્દો વાપરેલાં. પણ એમાં મોમનો વાંક નહોતો? શી ઈઝ મોમ. તો એણે બાકી બધી આંટીઓ પહેરે એવું ડ્રેસિંગ કરવું જોઈએ ને? એને એના મિત્રોની મમ્મીઓ યાદ આવી. યશની મમ્મી – કાયમ સાડી જ પહેરે. નિત્યની મમ્મી – કુર્તી. અને મોમ? એણે યાદ કર્યું. ઘરમાં ટી શર્ટ, ટ્રાઉજર અને બહાર જાય ત્યારે જીન્સ કે ની લેન્થ ફ્રોક. નો. ફ્રોક નહીં, એને શું કહેતી હતી રીન્કુ? વન પીસ. શું જરૂર છે એને આવા કપડાં પહેરવાની?

ફરી એક જવાબ વિનાનો પ્રશ્ન. આદિ અકળાઈ ગયો. આજે એ ગયો જ કેમ પેલા લોકો પાસે? બહુ સરપ્રાઈઝ જોઈતી હતી ને? મળી ગઈ? મોમને પણ આજે જ સામાન લેવા જવાનું હતું? એ ય ત્યાં જ જ્યાં પેલા લોકો….

ડેડ આવ્યા, બધા સાથે જમવા બેઠાં ત્યારે રીન્કુ બોલાવવા આવેલી. પણ એ એના રૂમમાંથી બહાર જ ના નીકળ્યો. મોમનું પેલું યલ્લો ટોપ અને બ્લૂ જીન્સ જો ફરી દેખાઈ ગયું તો? એ તો સારું થયું કે મોમ યશની મમ્મીની જેમ જીદ નથી કરતી. ‘ખાઈ લે, તને મારા સમ….’ યશે એકવાર કહેલું, “યાર. આઈ એમ ફેડ અપ ઓફ ધીસ સમ બિઝનેસ! જમવામાં ય સમ. બહાર જવામાં ય સમ. આ કર ને પેલું કર. બધામાં સમ!” ‘થેન્ક ગોડ, માય મોમ ઈઝ નોટ લાઈક ધીસ. શી ગિવ્સ ફ્રીડમ.’ – આદિને થયું, ફ્રીડમ આપતી મોમને પોતાનું ય ફ્રીડમ જોઈતું હશે?

“યુ ગો એન્ડ ટોક ટુ હિમ. કંઈક ટેન્શન છે એને.” મોમનો અવાજ સંભળાયો.

“ચિંતા ના કર. વી વિલ હેવ મેન ટુ મેન ટોક.”

મેન ટુ મેન ટોક! શીટ…. હમણાં ડેડ રૂમમાં આવીને પૂછશે તો? એણે લાઈટ બંધ કરી દીધી. હાશ! હવે કોઈ નહીં આવે. પણ બ્લેક આઉટ થતાં તો મુસીબત ઓર વધી ગઈ. ખુલ્લી આંખે સાંજની ઘટના જ યાદ આવ્યા કરી. એને રહી રહીને થતું હતું કે મોમ શુડ ઈમ્પ્રૂવ હર ક્લોથિંગ સ્ટાઈલ. છતાં એ કોઈ ચોક્કસ તારણ પર આવી શકતો નહોતો. સાંજે જે કઈ થયું એમાં કોનો કેટલો વાંક? મોમની ડ્રેસિંગ સ્ટાઈલનો કે પેલા છોકરાઓનો?

આખી રાત આદિ અલગ અલગ વિચારોમાં અટવાતો રહ્યો. ફોનને તો અડવાની જ હિંમત નહોતી. ક્યાંક પેલા ગ્રૂપના મેસેજ જોવાઈ જાય તો? કેટલીય વાર ફોન હાથમાં લઈને પાછો મૂકી દીધો. માંડ સવાર પડી. પાંચ વાગ્યા. એ રૂમની બહાર નીકળ્યો. કાલે સાંજે કશું ખાધું નહોતું એટલે ભૂખ લાગેલી. એને હતું, બધા હજુ સૂતા હશે ત્યાં કશુંક ખાઈને ફરી રૂમમાં જતો રહેશે. બહાર આવ્યો તો મોમ જોગિંગ સૂટમાં! ‘ઓહ મેન….’

“મોમ, તું સાડી કેમ નથી પહેરતી?” રાત ભરની મૂંઝવણ અને અકળામણ એના શબ્દોમાં ય દેખાઈ ગઈ.

“સાડી? જોગિંગ અને એક્સરસાઈઝ કરતી વખતે?”

“આઈ મીન…. નોર્મલી. ડે ટુ ડે વિયર તરીકે. જસ્ટ અ સેજશન.” આદિ ઓજપાઈ ગયો.

“તને યાદ છે ને? મારો આ જોગિંગ સૂટ તે જ સિલેક્ટ કરેલો? બ્રાઈટ કલર વિલ લુક કૂલ ઓન યુ. આવું કોણ બોલેલું?”

“સરસ જ લાગે છે. આ તો જસ્ટ એક વિચાર આવ્યો તો….”

“યુ વોન્ટ કે હું રોજ સાડી પહેરું?” મોમના આ પ્રશ્નનો શું જવાબ આપવો એ વિચાર કરતો હતો ત્યાં રૂમમાંથી ડેડનો અવાજ આવ્યો.

“ગુડ મોર્નિંગ આદિ.”

“ગુડ મોર્નિંગ ડેડ. હું કોફી બનાવું છું. તમે લેશો?” આદિ લાગ જોઈને કિચનમાં ઘૂસી ગયો. મોમ ડેડની કાનાફૂસી સાંભળાઈ પણ એણે ધ્યાન ના આપ્યું. મોમ એક્સરસાઈઝ માટે ગઈ. આદિને હાશ થયું. ડેડ કિચન ટેબલ પર આવીને બેઠા. આદિ એ વિચાર્યું, ડેડને કહું? પણ શું? કાલની વાત તો કહેવાય જ નહીં! તો? શું વાત કરું? મોમના ડ્રેસિંગ વિષે?

“ડેડ, એક વાત કહું?”

“તું ક્યારથી પરમિશન લેતો થઈ ગયો?”

“ડોન્ટ ટેઈક ઈટ અધરવાઈઝ, પણ તમને નથી લાગતું કે મોમ….”

“ઓહ યા. એ થોડી વધુ જ ચિંતા કરે છે હમણાંથી. આદિ આમ, ને આદિ તેમ. રાઈટ?”

આદિ શું કહે? એણે હા નો ઈશારો કર્યો.

“તું ચિંતા ના કર. હું વાત કરીશ એની સાથે કે હવે આદિ મોટો થઈ ગયો છે. હી ઈઝ અ કોલેજ ગોઇંગ યંગસ્ટર નાઉ, રાઈટ? બાય ધ વે આદિ.. .. “

“ડેડ, હું રૂમમાં જાઉં છું. થોડું પેન્ડિંગ વર્ક છે. આ તમારી કોફી.” આદિ કોફીનો મગ હાથમાં લઈને રૂમમાં. ડેડ પણ ગજબ છે! મેન ટુ મેન ટોક! અરે નથી કરવી યાર તમારી સાથે વાત! આઈ હેવ ઈનફ ફ્રેન્ડ્સ ફોર ધીસ ટોક! ફ્રેન્ડ્સ પરથી યાદ આવ્યું, યશને કહું? ના. મોમ વિષેની વાત એને કેમ કહેવી? આદિને થયું, એવું કંઈક થાય અને કાલ સાંજની એ આખી ઘટના જ ભૂલાઈ જાય તો કેવું? એને ફરી ચીડ ચડી. પોતે ત્યાં ગયો એના પર, મોમ પણ ત્યારે જ ત્યાં હતી એ કોઈન્સિડન્સ પર, પેલા છોકરાઓની દરેક કમેન્ટ પર અને ખાસ તો મોમના ડ્રેસિંગ પર…. એણે હિંમત કરીને ફોન હાથમાં લીધો. એપ ખોલી. ટિંગ ટિંગ ટિંગ ના અવાજથી રૂમમાં થોડી ક્ષણો પહેલાં છવાયેલી નીરવતા જરીક ડિસ્ટર્બ થઈ. આદિને એ ગમ્યું. એણે ‘નોટી બોય્ઝ’ ગ્રૂપના બધા મેસેજ ઈગ્નોર કરવાનું નક્કી કર્યું. બીજા ગ્રૂપમાં કોઈ ખાસ હલચલ નહોતી. સ્કૂલના ફ્રેન્ડ્સ સાંજે ડિનર માટે મળવાના હતા એની ચર્ચાના મેસેજ હતા. ઇન્સ્ટા ખોલ્યું. બે ત્રણ રીલ જોઈ. મજા ના આવી. મન રહી રહીને પેલા ગ્રુપ અને એના મેસેજ પર જતું રહેતું હતું. એણે ફરી એ એપ ખોલી. એ ગ્રૂપમાં પોતાને ટેગ કરીને એક મેસેજ આવેલો હતો. રાતના બે વાગે. એણે ફાઈનલી ગ્રુપ ઓપન કર્યું.

વિકીનો મેસેજ હતો – યુ રોક, વ્હિસલ બોય આદિ!

આદિની આંખ સામે આખી ઘટના ફરી ભજવાઈ. સાંજનો સમય, શોપિંગ સેન્ટરની સામેનું ઝાડ, સામેથી દેખાતી કોઈ લેડી. રેડી? એક પછી એક સીટીના અવાજો. પેલી લેડીનું અવાજની દિશામાં જોવું અને બધાનું છૂપાઈ જવું.

શીટ મેન.. આઈ એકચ્યુઅલી બ્લૂ અ વ્હિસલ! આદિ બે હાથે માથું પકડીને બેસી ગયો. એને એક બીજી ઘટના યાદ આવી.

બે વર્ષ પહેલાંની શિમલા ટ્રીપ. એ લોકો બજારમાં ફરતાં હતાં અને લોકલ છોકરાએ છોકરીઓનું એક ગ્રુપ જોઈને સીટી મારી. મોમ એકદમ ગુસ્સે. જઈને પેલા છોકરાને એક થપ્પડ મારી દીધેલી. બધી છોકરીઓ પાસે માફી મંગાવી નહીં ત્યાં સુધી એને ચેન નહોતું પડ્યું. આદિ એ કહેલું, ચીલ મોમ. ખાલી સીટી જ મારી છે ને?

બાપ રે.. મોમનો ફેઈસ એને હજુ સુધી યાદ છે! એણે કહેલું, આદિ, આ ખાલી સીટી નથી. પુરુષના મનમાં સ્ત્રી માટેની રિસ્પેક્ટ તૂટે છે ત્યારે એનો તીણો અવાજ આમ બહાર આવે છે. આદિને ત્યારે તો કશું સમજાયું નહોતું, પણ આ વાત યાદ રહી ગયેલી. તે દિવસે મોમે પ્રોમિસ લીધેલું  કે આદિ ક્યારેય સીટી નહીં મારે. નેવર આફ્ટર સીઇંગ અ ગર્લ.

એની નજર સામે પેલી ઘટના ફરી ભજવાઈ. આદિ, સીટી માર.. મિત્રોનો અવાજ આવે છે અને એ સીટી મારે છે. મોમ એ અવાજની દિશામાં જુએ છે. પણ એ છૂપાતો નથી. મોમ એને જોઈ જાય છે. એના બધા મિત્રો એનો હાથ ખેંચીને એને નીચે બેસી જવા કહે છે પણ એ ઊભો જ રહે છે. મોમ ગુસ્સામાં એની પાસે આવે છે. અંધારામાં જે ચહેરો ઓળખાયો નહોતો એ પાસે આવતાં જ એકદમ ક્લિયર થઈ જાય છે અને….

એ થપ્પડ પડવો જોઈતો હતો. મોમને ખબર પડવી જોઈતી હતી કે આદિ પણ બાકી બધાની જેમ સીટી મારે છે! એ પણ એની પોતાની મોમને જોઈને! શેઈમ ઓન યુ – આ શબ્દો આદિને અત્યારે સાવ મીનિંગલેસ લાગ્યા. એને પોતાના પર શરમ નહોતી આવતી, ગુસ્સો આવતો હતો. એણે સીટી મારી? આદિએ યાદ કરવાની કોશિશ કરી. સીટી મારતી વખતે એ ખુશ હતો! એક થ્રીલ હતી, કોઈને જોઈને સીટી મારવાની થ્રીલ. એક સેકન્ડની એ મજા માટે એને અત્યારે સખત અફસોસ થઈ રહ્યો હતો. એ ત્યાં ગયો, મોમ પણ ત્યાં ગઈ – આ બધું જ હવે સાઈડમાં રહી ગયું. સેન્ટરમાં આવીને ઊભી રહી એક જ વાત – એણે સીટી મારી! મોમને તો ખબર પણ નથી કે એ ત્રણ ચાર સીટીના અવાજમાંથી એક અવાજ એના જ દીકરાનો….

હવે આદિ રૂમમાં ઊભો છે. એના કાનમાં સતત એક અવાજ આવ્યા કરે છે. એણે મારેલી સિટીનો અવાજ. મોમનું ડ્રેસિંગ, એનું તે દિવસે ત્યાં હોવું, એના ફ્રેન્ડનું પીકચર ક્લિક કરવું, ગ્રૂપમાં મૂકવું અને બધાના મેસેજ આવવા – આ આખી ય ઘટના આદિની અંગૂઠા અને પહેલી આંગળી મોંમાં રાખીને મારેલી સીટીના તીણા અવાજ હેઠળ દબાઈ જાય છે. ઝાડ પાછળ છૂપાયેલા આદિની આંખમાં આંખ નાખીને મોમ કહે છે – વ્હેન રિસ્પેક્ટ ઈઝ બ્રોકન, અ વ્હિસલ ઈઝ બ્લોન. આદિને કહેવું છે – મોમ, સ્લેપ મી. આ બધાની વચ્ચે મને માર. પણ એ કશું જ કહી શકતો નથી. નીચું મોં કરીને ઊભો રહે છે.

ક્યાં સુધી આમ ઊભો રહીશ? મોમને ખબર જ નથી કે તે….

આદિએ મોબાઈલ હાથમાં લીધો. મોમને મેસેજ કરું? કે કોલ? એ થોડી વાર એમ જ ઊભો રહ્યો. એને થયું, મોમને જે રીત ગમે છે એ રીતે પોતાની વાત મૂકવી જોઈએ. એણે પેન અને પેપર લીધા. ગઈ કાલની આખી ઘટના એમાં લખી. અને છેલ્લે લખ્યું, તું ગમે તે પહેરે, યુ ઓલવેઝ લૂક કૂલ, મોમ. વિયર વોટ યુ લવ.