લતા હિરાણી
એક હતી પિંકી. એને દરિયો બહુ ગમે.
એનું શહેર અમદાવાદ. દરિયાથી માઇલો દૂર.
પિંકીના મામાનું શહેર પોરબંદર દરિયા કાંઠે આવેલું હતું. એ જ્યારે મામાને ઘરે જાય ત્યારે દરિયે ફરવા-રમવા જાય.
પિંકી સવારમાં ઉઠે બ્રશ કરે અને કહે, – મામા દરિયે જાઉં ?
મામા કહે, અરે જરા ખાઈ પી તો લે ! પછી જઈશું.
‘ના મને દરિયો બોલાવે છે.’
અને એના નાનીમા ખડખડ કરતા હસે.
‘એમ કરીએ. તને દરિયો બહુ ગમે છે ને! તો મોટી થઈશ એટલે તને દરિયા સાથે પરણાવી દઈશ.’
પિંકી તો કુદવા માંડે, ‘હા તો તો મને બહુ મજા આવે. મારે દરિયા સાથે જ રહેવાનું ને !’
મામી કહે, ‘ડૂબી જઈશ ડૂબી….દરિયો કોક દિવસ તાણી જશે તને. ખસતી જ નથી ને પાણી પાસેથી !’
બધા પિંકીને ચિડવ્યા કરે પણ એ કોઈનું કંઈ સાંભળે નહીં. એને તો દરિયો ગમે એટલે ગમે. બસ બીજી કોઈ વાત નહીં.. રોજ સાંજે મામા-મામી એને દરિયાકાંઠે ફરવા લઈ જાય. એમ કરતાં કરતાં છેલ્લો દિવસ આવ્યો. એ દિવસે બધા વહેલાં દરિયે ફરવા ગયા.
પિંકી ખૂબ રમી. રેતીમાં એણે મજાનું ઘર બનાવ્યું. કિનારેથી કેટલા શંખલા છીપલા વીન્યા. મામા નો હાથ પકડી ક્યાં સુધી દરિયાના મોજામાં પગ પલાળ્યા. પગ શું, એનું આખું ફ્રોક પલળી ગયું હતું પણ પિંકી જેનું નામ, દરિયાથી ધરાય નહીં.
મામાને પણ ખબર હતી એટલે એ પણ મોડે સુધી તેનો હાથ પકડીને ઉછળતાં મોજામાં ઉભા રહ્યા.
પિંકીને તો આગળ આગળ જવાનું બહુ મન થતું હતું પણ મામા હાથ ના છોડે. સમજાવે કે આગળ જઈએ તો મોજું તાણી જાય.
અંધારું થવા આવ્યું. મામા કહે – ચાલો ઘરે જઈએ.
પિંકી ઉદાસ થઈ ગઈ. કાલે સવારમાં તો એણે અમદાવાદ જવાનું હતું. અમદાવાદ તો દરિયો ક્યાં મળે !
‘થોડીવાર રહોને ! પિંકીએ કહ્યું.
એમ કરતાં કરતાં બીજો અડધો કલાક થયો.
મામા કહે, ‘હવે બેટા જવું પડશે. તને ભૂખ લાગી છે ને !’
પિંકી કહે, ‘દરિયો હોય તો ભૂખ ના લાગે ને તરસ પણ ન લાગે.’
મામી કહે, ‘એમ કર તું કે થોડો દરિયો તારી સાથે લેતી જા.’
પિંકી તો ખુશીથી કૂદી પડી. ‘સાચે જ મામી ! કેવી રીતે લઈ જાઉં દરિયાને?’
મામાને વિચાર આવ્યો. એમની પાસે પાણીની બોટલ હતી. એ ખાલી કરી નાખી પછી કહે કે આમાં તારો દરિયો ભરી લે.
પિંકી ખુશખુશાલ થઈ ગઈ. એણે તળિયે થોડી રેતી ભરી. થોડાક શંખલા છીપલા નાખ્યાં. કિનારે ઉગેલી દરિયાઈ વેલના થોડાક પાંદડા નાખ્યા પછી મોજું આવે એટલે બોટલમાં પાણી ભરાઈ જાય એમ વાંકી વળી ને ઉભી રહી.
બોટલનું મોં સાંકડું. અંદર માંડ થોડાક ટીપાં પાણી જાય. પછી પિંકીએ બોટલ ડુબાડી દરિયાને એમાં ભરી લીધો.
અમદાવાદ આવીને પિંકીએ બોટલ ટેબલ પર મૂકી દીધી.
હવે ઘરે કોઈ મહેમાન આવે તો મમ્મી કહે, ‘ચલો તમને દરિયો બતાવું. પિંકીના રૂમમાં લઈ જાય.
પિંકી ખુશખુશાલ થઈ ને બધાને બોટલ બતાવે અને કહે, ‘આ જુઓ મારો વહાલો દરિયો….’
લતા હિરાણી * એક હતી વાર્તા (બાળવાર્તાઓ) * સ્વયં ૨૦૨૧
