પ્રીતિ શાહ-સેનગુપ્તા

ગયાના દેશ છોડીને પનામા દેશમાં પહોંચતાં ક્યાં બહુ વાર થઈ? બપોરથી માંડ સાંજ થતાંમાં દેશ બદલાઈ ગયા, ને એમાં મારા અનુભવ જુદા થઈ ગયા. સમયના વર્તાવથી જીવનનો દરેક અનુભવ સ્વપ્ન જેવો બની નથી જતો?

હોટેલની જગ્યા કન્વિનિયન્ટ હતી, અને બહાર નીકળતાં પહેલાં હોટેલમાં નાસ્તો મળી જાય, એટલે મને નિરાંત લાગે, કારણકે બહાર ક્યાંય કશું શોધવા ના જવું પડે. શાંત બ્રેકફાસ્ટ રૂમમાં બેસીને મેં પૅનકેક અને કૉફી લીધાં. પછી દિવસ દરમ્યાન કશું ખાવું ના પડ્યું.

મારી હોટેલ ઍવનિદા હુસ્તો આરોસેમૅના નામની ગલીમાં હતી. નકશામાં એનું સ્થાન જોઈ લીધું, એટલે હું ચોક્કસપણે અમુક દિશામાં ચાલવા લાગી. જરાક આગળ જતાં નૅશનલ લૉટરીનું મકાન દેખાયું. એની પાસેનું દૃશ્ય બહુ આશ્ચર્યકારક હતું. ફૂટપાથ પર અનેક જણ લૉટરીની ટિકિટ વેચવા બેસી ગયેલાં હતાં. કોઈક જમીન પર, તો કોઈ ખુરશી ને ટેબલ લઈને બેઠું હતું.

એવાં પચાસ કે સાઠ જેટલાં, મોટી ઉંમરનાં સ્ત્રી-પુરુષો હશે. લગભગ દરેકને ખરીદનાર પણ મળતાં હતાં. જોકે ધક્કામુક્કી જેવી ભીડ નહતી થયેલી. મેં અનુમાન કર્યું, કે આ ખેલ દરરોજ ખેલાતો હશે, ને આખો દિવસ ચાલતો રહેતો હશે. બીજા દેશોમાં લૉટરી વેચાતી જોઈ છે, પણ આવું દૃશ્ય બીજે ક્યાંય જોયું નથી.

મેં મકાનની અંદર પણ આંટો માર્યો. ત્યાંના હૉલમાં પણ આ જ રીતે લૉટરી વેચાતી હતી. સવારે નીકળતું હશે તે છાપું પણ મળતું હતું. બીજી નવાઇ એ કે કશો શોરબકોર નહતો. વેચનારાં, ખરીદનારાં – બધાં પોતપોતાના કામમાં મગ્ન. મને નવાઇની સાથે મઝા પણ આવી આ દિનચર્યા જોવાની.

પછીના રસ્તા પાસે એક નાનો ગાર્ડન આવ્યો. ફૂલો નહીં, પણ થોડાં ઝાડ-છોડ ખરાં. વચમાં એક ફુવારો અને એના પર એક શિલ્પ. ભૂતકાળમાં સ્પૅનિશ કૉલોનિ થઈને રહેલા દેશોમાં આ સ્પૅનિશ અસર દેખાતી રહે છે. ખુલ્લી જગ્યા શહેરમાં નિરાંત, શાંતિ અને સ્થાનિક લોકોને બેસવા-ફરવાની સગવડ આપે છે. પેલી બાજુ પર નૅશનલ આર્કાઇવ મ્યુઝિયમનું ખાસ્સું મોટું મકાન હતું. એ નકશામાં જણાયેલું. હું અંદર ગઈ નહીં. લાગ્યું પણ બંધ હોય તેવું.

અહીં ડાબી બાજુ વળી એટલે ઍવનિદા સૅન્ત્રાલ આવી ગયો. આમ તો રસ્તા પર નામનાં કોઈ પાટિયાં નથી હોતાં, ને સરખો નકશો પણ નથી આ શહેરનો; પણ થોડું આશરે, અને થોડું આગલી યાદો પરથી અનુસરીને મારે જ્યાં જવું હતું તે તરફ હું જવા લાગી. ઘણાં વર્ષે પનામા સિટીમાં આવી હતી, પણ દિશા હવે મને ખબર હતી. હું શહેરના દક્ષિણ ભાગમાં જઈ રહી હતી.

ફૂટપાથ પર સસ્તી, નાની ચીજો વેચાતી હતી. ક્યાંક શાક વેચનારાં ઊભાં હતાં. જોઈ-સાચવીને એક પછી એક પગ મૂકવા પડતા હતા. બધે જ ફૂટપાથના પથ્થર ઊંચાનીચા હતા, અને કિનારીઓ તૂટી ગયેલી હતી. આ રસ્તા પર સારી એવી ભીડ હતી.નજીકમાં ક્યાંક મોટું બસ-સ્ટેશન પણ હતું, ને બસોની અતૂટ હાર ચાલતી રહેતી હતી..

આ રસ્તાની વચમાં છે “સિન્કો દ માયો” કહેવાતો એક જાહેર નગર-ચૉક. એની ફરતે, બધી દિશામાં જતા મોટા રસ્તા છે, અને ટ્રાફીક સતત ચાલુ જ રહે છે. વચમાં એક મોટો પાર્ક છે. લોકો આખો દિવસ ત્યાં ફરતા હોય છે, ઝાડની નીચે મૂકેલી બૅન્ચો પર બેઠા હોય છે. ત્યાં અચાનક ગાંધીજીની પ્રતિમા દેખાઈ. એવી રીતે હતી કે એનો સારો ફોટો કોઈ રીતે લેવાય તેમ નહતો. પણ એને જોઈને સુખ થયું.

રસ્તાને સામે છેડે છે એ હિસ્સો, કે જેના નાકા પરની હોટેલમાં હું ગયા વખતે રહી હતી. આ હિસ્સો ફરી જોવાનું બહુ મન હતું મને, એટલે સૌથી પહેલાં હું ત્યાં આવી પહોંચી હતી. પણ પહેલી જ નજરે લાગ્યું કે આ ભાગ સાવ બદલાઈ ગયો છે. ને જેમ થોડું ચાલી તેમ ખાતરી થતી ગઈ.

પેલી હોટેલ ત્યાં જ હતી ખરી, ને એક ડોકિયું કર્યું, પણ હવે એ બહુ સારી રહી હોય તેવું ના લાગ્યું. એની બાજુમાંથી શરૂ થતો, વાહન વગરનો, ફક્ત ચાલનારાં માટેનો રસ્તો હતો તો હજી એમ જ, પણ એના પરની દુકાનો બદલાઈ ગઈ હતી. એક સમયે ત્યાં સરસ કપડાં, ચંપલ-સૅન્ડલ વગેરે મળતું. હવે અહીં બધું સસ્તું ને સાધારણ જ દેખાયું, સારું કશું જ નહીં. બે-ત્રણ દુકાનોમાં અંદર-બહાર કર્યું, પણ લેવા જેવું હવે કશું રહ્યું નથી. પેઢી બદલાઈ એની સાથે પસંદ પણ બદલાઈ છે.

મને જેમની સાથે પરિચય થયેલો તે કુટુંબો પેઢીઓથી અહીં જ વસેલાં, પણ હવે શહેરના બીજા ભાગમાં રહેતાં થઈ ગયાં છે. તે વખતે, મુસ્લિમ ઇન્ડિયનોની એક કમ્યુનિટી અહીં વસેલી હતી. છોકરાં રોજ સાંજે સરસ સફેદ ચોખ્ખાં કપડાં પહેરીને મદરસામાં જતાં, સ્ત્રીઓ ભેગી મળીને શૉપિન્ગમાં નીકળતી, અને પુરુષો ક્રિકેટની સીઝનમાં, ચૅનલ પરની રજુઆત ખાસ ભાડે કરતા.

હવે અહીં કેવળ સ્થાનિક તળ-લોકો દેખાય છે. કેટલા બધા લોકો હોય આસપાસમાં, પણ જરા પણ અવાજ નહીં. કોઈ વેચનારો બૂમો ના પાડતો હોય. ઠેર ઠેર વેચાતાં શાક અને ફળ ઘણાં સસ્તાં હોય છે આ પાડોશમાં. લાલ, તેમજ લીલી, દ્રાક્ષ ખૂબ જ મોટી મોટી હતી. એક બાજુ શેરડીનો સંચો હતો. એ પણ સરસ રંગીન ચીતરેલો હતો. દૃશ્ય રંગરંગીન અને જીવંત લાગતું હતું.

બીજી નાની નાની, સાંકડી, પાછલી ગલીઓમાં ઘણું ચાલી. એ બધે નામની જ ફૂટપાથ હતી, ને ગાડીઓ તો પાછી ચાલ્યા જ કરતી હોય, તેથી ત્યાં ચાલવાની મઝા નહતી. જોકે મારે તો હજીયે આગળ જવું હતું – છેક દક્ષિણે, શહેરના છેક જૂના હિસ્સામાં, તેથી ચાલ્યા કર્યું.


સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.