ગિરિમા ઘારેખાન

એક નાની છોકરી હતી. નામ હતું એનું દેવાંગી. સાત વર્ષની દેવાંગી એક શહેરમાં એના મમ્મી પપ્પા સાથે રહેતી હતી. દેવાંગી ખૂબ દયાળુ હતી. કોઈની પણ તકલીફ એનાથી જોઈ ના શકાય. એ બધાને થાય એટલી મદદ કરે. ઊંચી જગ્યાએ ફસાઈ ગયેલા બિલાડીના બચ્ચાને ઉપર ચડીને લઇ આવે. રસ્તા ઉપર રમતું બાળક પડી જાય તો એને ઊંચકીને પોતાની ચોકલેટ એને આપી દે. એટલે દેવાંગીને બધાં બહુ વહાલ કરતાં.

દેવાંગીની સોસાયટીની બાજુની સોસાયટીમાં એની ખાસ બહેનપણી મોના રહેતી હતી. દેવાંગી ઘણી વાર એની આ બહેનપણીને ઘેર રમવા જતી હતી.

એ દિવસે મોનાનો જન્મ દિવસ હતો. એણે સાંજે પોતાને ઘેર થોડી બહેનપણીઓને બોલાવી હતી. એટલે દેવાંગી ખૂબ ખુશ હતી. એને નવાં નવાં કપડાં પહેરવાનો બહુ શોખ હતો. એને ખબર હતી કે જન્મ દિવસની પાર્ટીમાં જવા માટે એની મમ્મી એને નવું ફ્રોક પહેરાવશે.

સાંજ પડી. પાર્ટીમાં જવાનો સમય થઇ ગયો. દેવાંગીની મમ્મીએ એને એકદમ નવું ગુલાબી રંગનું ફ્રોક પહેરાવ્યું. માથામાં ગુલાબી રંગનું બક્કલ પણ નાખી આપ્યું.

દેવાંગીએ કહ્યું, ‘મમ્મી, આ તો મારું સહુથી વધારે ગમતું ફ્રોક છે. મને લાગે છે કે આજે તો મારી બધી બહેનપણીઓ પણ આ ફ્રોકના બહુ વખાણ કરશે.’

મમ્મીએ કહ્યું, ‘એકદમ નવું ફ્રોક છે. ગંદુ ના થવા દેતી. બક્કલ પણ ખોઈને ના આવતી.’

‘સારું’ કહીને ખુશ ખુશ થતી દેવાંગી મોનાને ઘેર જવા નીકળી.

હવે થયું હતું એવું કે એમની સોસાયટીની બહારના રસ્તા ઉપર અચાનક ગટરનું પાણી ઊભરાયું  હતું. એને લીધે રસ્તાની બાજુમાં કીચડ થઇ ગયો હતો. દેવાંગી ખૂબ સાચવીને ત્યાંથી પસાર થતી હતી. ત્યાં એણે જોયું કે રસ્તાની એક બાજુ ઊભી રહીને એક વૃદ્ધ સ્ત્રી રડતી હતી. એણે એમની પાસે જઈને પૂછ્યું,

‘મા, તમે કેમ રડો છો ? શું થયું ?’

જવાબમાં માજીએ રડતાં રડતાં એમની આંગળી કીચડ તરફ કરી. હવે દેવાંગીએ એ તરફ નજર કરી. એણે જોયું કે એક નાનું કુરકુરિયું ત્યાં કીચડમાં ફસાઈ ગયું હતું.  એ બિચારું બહાર નીકળવા માટે છટપટી રહ્યું હતું. પણ એના ગળે બાંધેલો પટ્ટો એના પગમાં ફસાઈ ગયો હતો. એ બહાર ન હતું આવી શકતું.

માજીએ કહ્યું, ‘આ મારું જીપ્સી છે. રોજ હું એને ચલાવવા માટે બહાર નીકળું છું. અહીંથી પસાર થતી હતી ત્યારે મારું તોફાની જીપ્સી અચાનક કીચડ તરફ દોડ્યું અને પછી ત્યાં ફસાઈ ગયું. બિચારું. હવે એ કેવી રીતે બહાર નીકળશે ? હું તો અંદર જાઉં તો પડી જ જાઉં. હવે શું કરું ?’

દેવાંગીએ આજુબાજુ નજર કરી. ત્યાંથી થોડા માણસો તો પસાર થતાં હતા. પણ ગટરના પાણીની વાસ એટલી આવતી હતી કે બધાં પોતાના નાક ઉપર રૂમાલ મૂકીને ત્યાંથી ઝડપથી પસાર થઇ જતા હતા.  કોઈ ત્યાં ઊભા રહેવા જ તૈયાર ન હતું, તો જીપ્સીને કાઢવા કીચડમાં તો કોણ જાય?

દેવાંગીએ જોયું કે પેલું જીપ્સી તો કીચડમાં વધારે ને વધારે ફસાઈ રહ્યું હતું. એને એના ઉપર અને પેલા રડતાં માજી ઉપર ખૂબ દયા આવી ગઈ. પોતે બહેનપણીના જન્મ દિવસની પાર્ટીમાં જવા નીકળી હતી, નવું ફ્રોક પહેર્યું છે, બધું જ એ ભૂલી ગઈ અને ઉતરી પડી કીચડમાં. ધીરે ધીરે ચાલીને એ જીપ્સી પાસે પહોંચી અને એને ઊંચકીને બહાર લઇ આવી. આમ કરવામાં એનું આખું શરીર ગંદુ થઇ ગયું. ફ્રોકનો રંગ તો ઓળખાય એવો જ ન હતો રહ્યો. માજીએ દેવાંગીના માથે પોતાનો હાથ મુક્યો. એમણે એનું ઘર ક્યાં  છે એ પણ પૂછ્યું. પછી એ જીપ્સીને લઈને જતા રહ્યાં.

દેવાંગીએ હવે જોયું કે કીચડમાં ઉતરવાથી એનું નવું ફ્રોક તો સાવ જ ગંદુ થઇ ગયું હતું. આવું ફ્રોક પહેરીને કોઈની બર્થ ડે પાર્ટીમાં થોડું જવાય? હવે તો એણે ઘેર જઈને નહાવું જ પડશે. જો કે એને એનો બિલકુલ અફસોસ ન હતો. એને તો આમ પણ કુરકુરિયાં બહુ ગમતાં. એને જીપ્સીને બચાવવાનો આનંદ જ હતો.

દેવાંગી ઘેર પાછી આવી ગઈ. એણે મમ્મીને બધી વાત કરી. મમ્મીએ એને બરાબર નવડાવીને સાફ કરી. ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઇ ગયું હતું. દેવાંગીએ મોનાને ફોન કરી દીધો.

બીજે દિવસે દેવાંગી સ્કૂલથી પછી આવી ત્યારે એની નવાઈનો પાર ન રહ્યો. એના ઘરમાં પેલા માજી બેઠા હતા. એમના પગ પાસે જીપ્સી રમતું હતું. એને જોઇને જીપ્સી સીધું એની પાસે આવ્યું અને વહાલ કરવા માંડ્યું. દેવાંગીએ એને ઊંચકી લીધું અને રમાડવા માંડી.

હવે પેલા માજીએ દેવાંગીને પાસે બોલાવી અને એના હાથમાં એક પેકેટ મુક્યું. એમણે કહ્યું, ‘આ તારે માટે છે બેટા.’ દેવાંગીએ પેકેટ ખોલ્યું અને જોયું તો એમાં એના ફ્રોક કરતાં પણ સરસ ગુલાબી રંગનું ફ્રોક હતું. એણે અને એના મમ્મીએ એ લેવાની ના પાડી કે દેવાંગી તો એમ જ બધાની મદદ કરતી હતી. પણ માજીના આગ્રહથી એમણે તે લેવું પડ્યું. વધારે મોટું આશ્ચર્ય તો હજી બાકી હતું. માજી બહાર મુકેલી પોતાની બાસ્કેટ અંદર લઇ આવ્યા અને એ પણ દેવાંગીને આપી. એણે બાસ્કેટ ખોલીને જોયું  તો અંદર એક નાનું, સુંદર, કુરકુરિયું સૂતેલું હતું. માજીએ કહ્યું, ‘આ જીપ્સીનો ભાઈ છે. એ તારે માટે ગીફ્ટ છે. મને ખબર પડી ગઈ છે કે તને પપ્પી ખૂબ ગમે છે. એટલે તો તેં તારું ફ્રોક ગંદુ કરીને, તારી પાર્ટી જતી કરીને, એને બચાવ્યું. બરાબર ને ? મને તારી મમ્મીએ તારા દયાળુ સ્વભાવની બધી વાત કરી.’

દેવાંગીએ એવું વિચાર્યું પણ ન હતું કે કોઈને એક નાની મદદ કરવાથી એને આવો મોટો બદલો મળશે.  એક પપ્પી લેવાની ઈચ્છા તો એને ક્યારથી હતી. ખુશીથી ઉછળતી દેવાંગીએ જીપ્સીના ભાઈનું નામ  પાડી દીધું, ‘જર્સી’. એણે અને એની મમ્મીએ માજીનો ખૂબ આભાર આપ્યો. હવે તો એ લોકો અવાર નવાર એ એકલાં રહેતાં માજીને ઘેર જાય છે અને એમને કંઈ કામ હોય તો પણ કરી આપે છે.


ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯