ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી

જિગીષા દિલીપ

૮ મી મે એટલે સૌનાં વહાલા ધ્રુવદાદાનો જન્મદિવસ. તો ચાલો સૌ પ્રથમ તો આજની સંસ્પર્શ શ્રેણીમાં ધ્રુવદાદાને વંદન અને વહાલ સાથે યાદ કરીએ.

૮ મે- ૧૯૪૭ના રોજ ભાવનગરનાં નીંગાળા ગામમાં માતા હરિવ્રતાબહેન અને પિતા પ્રબોધરાયનાં ત્યાં જન્મેલા ધ્રુવ ભટ્ટ જીવનના ૭૯ વર્ષ ખૂબ સુંદર રીતે જીવ્યા. પ્રેરણાદાયી જીવન જીવી તેમના સ્વાનુભવો અને સ્વાનુભૂતિને અલગ રીતે પુસ્તકોમાં કંડારી દાદાએ આપણને નવી જીવનદૃષ્ટિ આપી.દાદા જ્યારે એમના જીવનના નવા વર્ષમાં પ્રવેશે છે ત્યારે તેમનાં સ્વસ્થ અને આનંદમય શેષ જીવનની પ્રભુને પ્રાર્થના કરીને એમની જીવનયાત્રાની મધુર વાતો વાગોળી તેમાંથી આપણે પણ કંઈ શીખીએ.

ધ્રુવદાદાનાં પિતાની સરકારી નોકરીમાં બદલી થવાને કારણે તેઓ અગિયારમાં ધોરણમાં આવ્યાં ત્યાં સુધીમાં ૧૧ ગામ ફર્યા. જુદાં જુદાં ગામનાં પાણી પીને, જાતભાતનાં લોકોને મળી,જાફરાબાદનો દરિયો, ગામની નદી, ખેતરો, ઝાડવાં અને કુદરતને પ્રેમ કરી તે સંવેદનોને તેમણે સમર્થ સર્જક બની કલમમાં કંડાર્યા.

તેમની અલગ વિચારશૈલી, નાનામાં નાના માણસો, બાળક સાથે બાળક જેવા સહજ અને નિર્દોષ બનવાની પ્રકૃતિને લીધે બધા સાહિત્યકારોથી સાવ નોખું જ સર્જન કરનાર લેખક,નવલકથાકાર અને અનોખા ગીતનાં રચયિતા બનાવ્યા. તેમના દરેક સર્જનમાં સૌને અનુભૂતિનું ઊંડાણ, માનવીની કંઈક જુદીજ રીતે અનુભવેલ સંવેદનાઓ, કશું જ સીધેસીધું ન કહેવાયા છતાં પાત્રોનાં સંવાદોમાંથી નીતરતાં જીવન જીવવાનાં સાચાં મૂલ્યો અને સચ્ચાઈની અદ્ભુત વાતો જોવા મળે છે..

નદી,દરિયો,જંગલ,ઝાડ, પર્વત,વાદળ કે વરસાદ સાથે વાત કરી આપણને પણ કુદરતની લગોલગ પહોંચાડવાની તેમના શબ્દોની તાકાત તેમનાં દરેક સર્જનમાં નીતરે છે. તેમના શબ્દોની તાકાત, સહજ, સરળ ભાષા કે બોલી સૌને અનોખી સંવેદનામાં નવડાવી તેને અઢળક પ્રેમ કરતા કરી દે છે. અકૂપારનું ગીરનું જંગલ હોય, સમુદ્રાન્તિકેનો દરિયો હોય, તત્વમસિની રેવા હોય, તિમિરપંથીનાં અડોડિયા કે ડફેર લોકો હોય કે અતરાપીના સારમેય જેવા કૂતરા હોય, તમે ધ્રુવદાદાનાં પુસ્તક વાંચી તમે પણ તેને પ્રેમ કરતાં થઈ જાઓ.

તેમનાં સહચારિણી દિવ્યાબહેનનો સાથ એટલો પ્રેમાળ અને હૂંફાળો કે “દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે “તે વાક્યને તેઓ પૂરવાર કરે છે. જીવનની દરેક મુશ્કેલીમાં અને દાદાની દરેક વાતમાં કે ઘટનામાં ભલેને તે નોકરી છોડવાની વાત હોય, નિવૃત્તિ લેવાની વાત હોય કે બાળકોને દરિયે પ્રવાસ કરવા લઈ જવાનાં હોય ,દિવ્યાબહેન ધ્રુવદાદાની લગોલગ હસતે મોંઢે હાથ ફેલાવી ઊભા જ હોય. સ્ત્રી પાત્રોનાં સપોર્ટથી જ આ દુનિયા દોડી રહી છે એવું કદાચ દિવ્યાબહેનના સાથને લીધે જ દાદાને લાગ્યું હશે કારણ કે તેમની નવલકથાનાં બધાં જ સ્ત્રી પાત્રો જેવાકે અકૂપારની સાંસાઈ, અગ્નિકન્યાની દ્રૌપદી, સમુદ્રાન્તિકેની અવલ હોય સૌ ખૂબ બાહોશ, ચપળ અને દિલનાં સાફ તેમજ અલગ તરી આવે તેવાં મજબૂત છે.

ધ્રુવદાદા નાના હતાં ત્યારે તેમને ભણવાનું બહુ ગમતું નહીં એટલે કોલેજનાં પહેલા વર્ષ પછી તેમણે ભણવાનું છોડી દીધું. ભણવાનું ભલે છોડી દીધું, પણ એમની અંદર પોતાની જાત પરનો આત્મવિશ્વાસ, ભીતરમાં ભરેલી સચ્ચાઈ, નાનામાં નાની વ્યક્તિને પ્રેમ કરવાની વૃત્તિએ તેમને ઉત્તમ સર્જક અને અદના માનવ તરીકે ઉજાગર કર્યા.

ધ્રુવદાદાએ નક્કી કર્યું હતું કે ૫૦ વર્ષ પછી નોકરી છોડી દેવી અને બાળકો માટે ભણવાનું ન હોય અને છતાં તેમનો કુદરતી રીતે વિકાસ થાય તેવી સ્કૂલ કરવી. તેમના મિત્ર કાંતિભાઈએ દાદાને નવી સ્કૂલ કરવાને બદલે, તેમની પિંડવળની સ્કૂલનાં બાળકોને એવી પ્રવૃત્તિ કરાવવાનું કહ્યું. દાદા જ્યારે સ્કૂલમાં ગયા તો સાત આઠ વર્ષનાં બાળકો પ્રાર્થના કરી રહ્યાં હતાં, “મારાં પાપ ભર્યા છે એવા હું ભૂલ્યો કરવી સેવા”

દાદાને તરત વિચાર આવ્યો કે, ‘આટલાં નાનાં છોકરાઓએ શું પાપ કર્યા હોય? એ લોકો તો ભગવાનનાં સ્વરૂપ છે, તો એમને શું ભગવાનની સેવા કરવાની? એમણે બાળકોને કહ્યું કે આજથી આપણે આવી પ્રાર્થના નથી કરવી અને આપણે કંઈક રમત રમવાનું અને કવિતાઓ અને ગીતો ગાવાનું શરુ કરીએ.’

ધ્રુવદાદાએ એક એક બાળકને પોતાને ગમે તે પાત્ર બની તેની એક્ટિંગ કરવાનું કહ્યું. કોઈ બાળક રીંગણ બન્યું તો કોઈ મરચું. આમ દરેક બાળકે પોતે જે બન્યું હોય તેની એક્ટિંગ કરી થોડો પરિચય આપવા ઊભું થતું. બાળકની કલ્પનાશક્તિ અને બધાં વચ્ચે ઊભા રહી બોલવાથી બાળકનો આત્મવિશ્વાસ પણ વધે તેવું દાદા વિચારતાં. બધાં છોકરાઓનો વારો પતી ગયો એટલે બાળકો કહે ,”દાદા હવે તમારો વારો.”બાળકોએ કહ્યું ,”દાદા હવે તમે શું બનશો? દાદા તમે વાદળ બની જાઓ.”અને દાદા વાદળ બની ગયાં અને તે જ સમયે લય સાથે જે ગીત પ્રગટ્યું તે….

‘ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણી વિશે,
આપણામાં કોઈ હળ જોડે કે કોઈ બે જણા જાય ભીંજાતા ખેતરો ભણી જાય ભીંજાતાં વાવણી મિષે,

આપણે તો આકાશ ભરીને આવવું અને છલકી જવું એવડું વનેવન,
નાગડા નાતાં છોકરાંને જોઈ થાય તો આખા ગામને એની જેમ નાવાનું મન,

હોય એવું તો થાય ગણીને આપણે તો બસ વરસી જાવું ગામને માથે સીમને માથે, ઉગમણે આથમણી દિશે,
ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણી વિશે,

સાવ ધોળાં કે સાવ કાળાં જેમ ચાહીએ એવા ફૂલ-ગુલાબી રંગની રેલમછેલ,
આપણી મોજે આપણાં ચિત્તર કાઢીએ એવું આયખું મળે દેહની તૂટે જેલ,

આપણામાંથી આપણે તો બસ નીકળી જાવું ઝરમરીને કોઈ અજાણી ઝાકળ ઘેલી પાંદડી વિશે,
ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણી વિશે.

આમ ધ્રુવદાદાને તો વાદળ બની પેલા પરમનાં પ્રેમનાં ધોધમાં નહાવું છે. પ્રેમનાં એ ચિરંતન વહેતા ધોધમાં નાનકડાં બાળકની જેમ નાગડા ઊભા રહી, સંસારનાં વેરઝેર, ઈર્ષા, દંભનાં વસ્ત્રો ઊતારી મનભરી નહાવું છે. દેહની જેલ તોડી, ફૂલ ગુલાબી રંગોની રેલમછેલ કરી,મોજનાં ચિત્રો દોરવા છે.ચાલો ,આપણે પણ ધ્રુવદાદા સાથે જોડાઈ આપણાંપણાંમાંથી નીકળી ,અહંકારનાં આંચળાને દૂર કરી ,વાદળ બની પ્રેમનાં ધોધમાં બાળક બની નહાવા જઈએ.

જન્મદિવસ નિમિત્તે દાદાને ચરણસ્પર્શ સાથે અઢળક શુભેચ્છાઓ.


સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.