આલેખનઃ રાજુલ કૌશિક
જેવી એમની રચનાઓ અનોખી એવા વ્યક્તિ તરીકે પણ અનોખા.
કહેવાય છે કે અવિનાશ વ્યાસ એટલા તો મોકળા અને ઉદાર મનના હતા કે ક્યાંક એમની ટીકા થઈ છે એવું લાગવા છતાં કોઈની સાથેના એમના સંબંધમાં ઊણપ કે ઓટ આવી નહોતી. સુગમ સંગીતની વ્યક્તિ હોવા છતાં ફિલ્મના પ્રોડ્યૂસર કે દિગ્દર્શકને પણ ક્યારેય નિરાશ કર્યા નહોતા.
આજ સુધી ઘણીવાર એવું સાંભળ્યું છે કે અવિનાશ વ્યાસે ‘રાખના રમકડાં’ની રચના કરી એ એક માત્ર રચના આપી હોત તો પણ એ અમર થઈ ગયા હોત.
પણ આ ‘રાખના રમકડાં’ એમના માટે લાખના પૂરવાર થયા એવું એમની વાતમાં પડઘાય છે. એ કહે છે કે “ આ ગીત તો મને ગીત તરીકે ગમે જ છે પણ આ ગીતે તો મારી પર જે ઉપકાર કર્યો છે એના લીધે પણ ગમે છે.” એમના કહેવા મુજબ એમનું આ ગીત એટલું તો લોકપ્રિય, લોકભોગ્ય બન્યું હતું કે ને ૧૯૪૯ની સાલમાં એટલે કે ૭૬ વર્ષ પહેલાં આ ગીતે એમને રોકડા પચીસ હજાર રૂપિયા અપાવેલા એટલે એમના માટે રાખના રમકડાં લાખના રમકડાં નિવડ્યા એટલું જ નહીં ‘મંગળફેરા’ ફિલ્મમાં રજૂ થયેલા આ ગીતનું તો વિક્રમી વેચાણ થયું. એ.એમ.વી કંપનીએ તેમને દસ તોલાનો સુવર્ણચંદ્રક અને સાડા ત્રણ હજાર રોકડા રૂપિયા એ જમાનામાં આપ્યા.
સૌને યાદ તો હશે જ એ ભજન..
રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …
આજે અચાનક આ ભજન કેમ યાદ આવ્યું હશે? ખબર નહીં કેમ પણ ગમે એટલો પ્રયત્ન કર્યા પછી આજે આ ભજન મનને ઘેરી વળ્યું છે કદાચ આપણી આસપાસના ઉદ્વિગ્ન વાતાવરણની મન પર અસર થઈ જ જતી હશે એટલે?
ચારેકોર સત્તાની સાઠમારીને લઈને યુદ્ધ, હિંસા, વિશ્વને ભરડામાં લેતા આતંકની મન પર છવાયેલી અસર હશે? એવું જ હશે..
અવિનાશ વ્યાસ કહેતા કે, “સુખ કે દુઃખની પારાકાષ્ઠાથી પીડાતી કોઈ એક વ્યક્તિનું કાળજું ચીરીને ચિત્કાર ફાટી પડે, કોઈ અજંપાનો ઉજાગરો વેઠીને વેદનાની વાણી ઘાયલ થઈને ગાય ત્યારે જ ઍબ્સોલૂટ પોયેટ્રી (પૂર્ણ કાવ્યસૌંદર્ય)નો જન્મ થાય. બાકી બધા ફાંફા.”
હવે આપણને એ તો ખબર નથી કે સુખ-દુઃખની કઈ પારાકાષ્ઠાની અનુભૂતિ એમને થઈ હશે કે કેવા અજંપાની, વેદનાની ઘાયલ ક્ષણો એમના જીવનમાં આવી હશે ત્યારે આ ભજનનો આવિર્ભાવ થયો હશે? પણ, આજે આ ક્ષણે એ વાત કેટલી તથ્યવાળી બની રહી છે એ સમજાય છે. આપણે પણ સહુ રાખના રમકડાં જ છીએ અને આ સંસારમાં છીએ એ પણ આપણાં કારણે તો નથી જ. આ ઉપર બેઠેલા રામે આપણને જ્યાં સુધી રમતાં રાખ્યા છે ત્યાં સુધી જ આપણું અસ્તિત્વ. એ પછીની ક્ષણે તો આ માનવદેહ પણ રાખનો ઢગલો. આપણી રમતો પણ એણે જ નિર્ધારેલી. આપણે તો ખાલી અમથા જ એવા ભ્રમમાં રહ્યા કે જે કંઈ છે એ આ સંસારમાં આપણે માંડેલી રમત છે. જ્યારે એક સામટો, ઓચિંતો એ ભ્રમ ભાંગી ગયો કે આપણે તો માત્ર આ નિશ્ચિત કરેલો સમય પસાર કરી રહ્યા છીએ. નિશ્ચિત કરેલા જીવનપથ પરથી સાવ અજાણભાવે પસાર થઈ રહ્યા છીએ બાકી કાળ તો એની પાંખો આમતેમ વીંઝતો ભમ્યા જ કરતો હોય છે. ભલેને એ કોઈ પણ સ્વરૂપે કેમ ન હોય? આજે એ આતંક સ્વરૂપે એની પાંખ વીંઝવા માંડ્યો છે ત્યારે એ કોને અને ક્યારે એની અડફેટમાં લઈ લેશે એની જ આપણને જરાય જાણ નથી હોતી પણ એની ઝપટમાં જે આવે એ તો પળવારમાં રાખ, એ વાત નિશ્ચિત.
આજે તો બસ આટલું જ……
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
