વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

એક સવારે અશોકને આભાસ થયો કે, એની યાદશક્તિમાં કંઈક તો ગોટાળો છે. નામ ભૂલી જવાય છે કે શું?

આમ તો અશોક તનમનથી એકદમ સ્વસ્થ હતો. રોજિંદા કામો સ્ફૂર્તિથી કરી લેતો. વકીલ તરીકે કોર્ટમાં અને વ્યક્તિ તરીકે સમાજમાં એના વિચારોનું, વક્તવ્યનું મૂલ્ય હતું. બધું જ બરાબર હતું, પણ જ્યાં વ્યક્તિઓનાં નામની વાત આવે કે સમસ્યા સર્જાતી. રોજેરોજ મળનારી, આસપાસ રહેતી વ્યક્તિનાં નામ સુદ્ધાં યાદ નહોતાં રહેતાં.

સવારે શાક વેચવાવાળા કાકા આવ્યા.

આ કોણ હશે, ગોપી, જગ્ગુ કે મોતી? ચહેરો જ નહીં વ્યક્તિ પણ જાણીતી લાગે છે. જ્યાં રહે છે એ ગલી, એનું ઘર, જમાઈએ મારીને પાછી મોકલેલી એની જુવાન દીકરી યાદ આવી. દીકરીનાં ભરણપોષણ માટે કંઈક કાર્યવાહી કરવાની કાકાએ વિનંતી કરી હતી. કાકાની કરમકથની સાંભળીને એમના ઘેર ગયો હતો. દીકરીને જોઈને દુઃખ થયું હતું. દીકરીનાં ભરણપોષણની વ્યવસ્થા કરી આપવા એણે પૂરો પ્રયત્ન કર્યો હતો. પણ, જેનું નસીબ જ નબળું હોય એને કોણ બચાવે? શીતળાની ઝપટમાં આવીને એ મરી ગઈ એ બધું જ યાદ આવ્યું, પણ એનું નામ યાદ નહોતું આવતું.

શું કરું? કયા નામથી બોલાવું? નામ પૂછીશ તો કાકાને ખરાબ લાગશે. એમના મનમાં પોતાના માટે જે આદર, સ્નેહ હશે એ ગુમાવી બેસશે. કેવી રીતે વાત શરૂ કરું?

એણે અણધાર્યો સવાલ કર્યો, “કરમદાં લાવ્યા છો?”

બુઢ્ઢા કાકાને નવાઈ લાગી. કરમદાં? એ તો ક્યારેય આવ્યો નથી અને હજુ તો એ બજારમાં આવ્યાંય નથી.

અશોક ઊભો થઈને અંદર ચાલ્યો ગયો. ગઈકાલની જ વાત હતી. એક પાર્ટીમાં ગયો ત્યાંય કોઈને સાચાં નામથી બોલાવી શક્યો નહોતો. અને હવે આ કાકા, એટલું જ નહીં રસ્તામાં મળતા લોકોનાં નામમાં પણ ગોટાળા થઈ જતાં.

ગઈકાલે પાનના ગલ્લે ઊભેલા માધવબાબુને શંકરના નામથી બૂમ મારી હતી. એળે ગઈ. ક્યાંથી જવાબ મળે?

એ પાસે પહોંચી જ ગયો.

“અરે સાહેબ, ભારે વ્યસ્ત? બોલાવ્યા છતાં સામે ન જોયું? કદાચ સાંભળાયું નહીં હોય!”

“કેવી વાત કરો છો, તમે મને બોલાવ્યો? સાહેબ, મારા કાનમાં સરસોનું તેલ નાખું છું, કાન એકદમ સાબૂત છે. હમણાં તમે શંકરના નામની બૂમ મારી એ પણ સાંભળી. મને એમ કે પાછળ શંકર પાનવાળાની દુકાન છે એમને બોલાવતા હશો.

અશોકના કપાળે પરસેવો વળ્યો. સમજાઈ ગયું કે આ શંકરબાબુ નથી.

વાત વાળી લેતા બોલ્યો, “જવા દો એ વાત. લ્યો આ સિગરેટ અને એ તો કહો કે બંને પુસ્તક વાંચી લીધાં?”

“કેવાં પુસ્તક, કયાં પુસ્તક?”

અશોકના માથે ફરી આફત આવી. પુસ્તકનાં નામ યાદ ન આવ્યાં. શું બોલે?

“આ તો ગજબ વાત અશોકબાબુ. મારો વિશ્વાસ કરો, હું કોઈ પુસ્તક તમારી પાસેથી લાવ્યો નથી. છતાં, આજે અગિયાર વાગ્યા પછી ઘેર જ છું. જાતે આવીને જોઈ લેજો ભઈસાબ.” કહીને માધવબાબુ ચાલવા માંડ્યા.

“ખરા છે લોકો, કેટલી સરળતાથી વસ્તુ લઈને ભૂલી જાય છે!” એમની વાતથી અશોકને ચીઢ ચઢી. ત્યાં કોઈએ એને બોલાવ્યો.

સામે ઊભેલી વ્યક્તિએ આત્મીયતાથી પૂછ્યું, “કેમ છો? લાંબા સમય પછી મુલાકાત થઈ. બધું ઠીક છે ને?”

‘હે ભગવાન, હવે આ કોણ હશે? આટલી આત્મીયતાથી વાત કરે છે, ચહેરો પરિચિત લાગે છે.”

“શું સમાચાર?” કોઈ રીતે ઓળખ મળે એ હેતુથી અશોકે એમની ખબર પૂછી.

“ખાસ સમાચાર તો એ છે કે, મારા સસરા ગુજરી ગયા.”

“ઓહ ! વૃદ્ધ હશે નહીં?” અશોકે સહાનુભૂતિપૂર્વક પૂછ્યું.

“આજકાલ તો સૌ વૃદ્ધ જ ને? બનાવટી ઘી-તેલ, પાણી મેળવેલું દૂધ પીને જુવાન કે બુઢ્ઢા, સૌના સ્વાસ્થ્ય પર અસર થવા માંડી છે, પણ જવા દો એ વાત. આપણી વાત કરીએ.” સામે ઊભેલા ભાઈ બોલ્યા.

“હા, એ વાત સાચી. કહો, તમારું કામ કેવું ચાલે છે?” કંઈક કરતાં પરિચિતતાનો તાળો મળે એવો અશોકે સવાલ કર્યો.

“અમારું કામ તો તમે અખબારમાં જોતા જ હશો ને?” સસ્મિત જવાબ મળ્યો.

“અં…હા…હા..વાચું છું ને. તમારું કલેક્ટરીનું કામ કેમ ચાલે છે?”

“કોણ કલેક્ટર, કયું કામ?”

‘ઓહ, આ કલેક્ટર નથી! હાથમાં ચામડાની બેગ છે તો ઇન્સ્યોરન્સવાળા હશે?’

હવે અશોકના ધૈર્યનો અંત આવવા માંડ્યો. એણે સીધું જ પૂછી લીધું,

“માફ કરજો, પણ મને તમારું નામ યાદ નથી આવતું.”

“તાજુબ્બીની વાત. તમારા નાના ભાઈને એક વર્ષ ટ્યુશન આપ્યું હતું. આપણે એક વર્ષ લૉ સાથે ભણ્યા. તમારા પિતા સાથે પણ મારી કેટલી ઘનિષ્ઠતા હતી? ભૂલી ગયા? ખરા છો તમે તો!”

“ભાઈને કેટલાય લોકોએ ભણાવ્યો હતો. લૉ કૉલેજમાં તો અઢીસો વિદ્યાર્થી હતાં અને પિતાજીના મિત્રોની સંખ્યા સાંભળશો તો તમે છક થઈ જશો.”

પછી એ ભાઈએ કચેરીની મુલાકાત યાદ કરાવી.

“વાત લાંબી કરવાના બદલે તમારું નામ કહી દો ને ભઈસાબ.” અશોક ખરેખર અકળાયો.

“ઓહ, એમ વાત છે. મારું નામ નીલ માધવદાસ છે. આઇ. એસ. કર્યા પછી કાશ્મિર કમિશનમાં છું. સસરા ગુજરી ગયા એટલે અહીં આવ્યો છું. લાગે છે કે સાચે જ તમને ઠીક નથી લાગતું.” નીલનું આત્મસન્માન ઘવાયું.

શરમથી અશોક નીચું જોઈ ગયો.

“હા, કેટલો સમય સાથે પસાર કર્યો હતો નહીં ! તમને સમોસા બહુ ભાવતાં….હવે યાદ આવ્યું. એ કેવી રીતે ભુલાય? પણ, નર્વસ બ્રેક ડાઉનના લીધે નામ યાદ નથી રહેતાં. શું કરું?”

નીલને વિશ્વાસ ન આવતો હોય એમ ડોકું ધુણાવ્યું. નમસ્કાર કરીને ચાલવા માંડ્યા.

એ પછી તો રસ્તામાં કેટલાય લોકો મળતા રહ્યા. દરેક વખતે એમની સાથે સુખ-દુઃખની, હસી-મજાકની વાતો થતી રહી. પણ, નામ ન જ યાદ આવ્યાં. હવે અશોકને ચિંતા થતી કે, રખેને એ કોઈને ભળતા નામે ના બોલાવી બેસે એટલે ફક્ત ‘કેમ છો, સાહેબ?” કહીને કામ ચલાવવા મથતો.

કોઈના ઘેર જવાનું થાય તો એમની નેમપ્લેટ પરથી ઓળખ પામવા મથતો. ક્યાંક આખા નામના બદલે ‘એમ.સી.મહાંતિ’ જેવી નેમપ્લેટ હોય તો ભારે અટવાતો.

માધવચંદ્ર મહાંતિ કે માર્કંડ મહાંતિ, શું નામથી બોલાવવાના?

પછી જાતને સાંત્વન આપવા મથતો. એ નામ ભૂલે છે, કોઈના ગુણ નથી ભુલતો ને ! વિધાતાએ બનાવેલી સૃષ્ટિમાં સંબંધોનું મૂલ્ય છે, એની ના નહીં, પણ સંબંધોમાં લાગણીઓની ભરતી-ઓટ આવે એનાથી જીવન અટકી નથી જતું. ચહેરો જોઈને નામ નથી યાદ આવતું છતાં આંખો જોઈને અંતઃકરણ તો પરખાય છે ને?

એ આંખોથી વ્યક્તિને પારખવા મથતો. ક્યારેક કોઈ વ્યક્તિની ધૂંધળી ઓળખ મનમાં આવતી-જતી.  નામ-વિસ્મૃતિના લીધે હવે માર્કંડ કે માધવ વચ્ચે કોઈ ફરક રહ્યો નહોતો.

હા, ફરક એટલો જરૂર પડ્યો કે યૌવન આથમે એ પહેલાં વિસ્મૃતિના રોગને લીધે એ ઘર ન વસાવી શક્યો.


ગોપીનાથ મોહંતી લિખિત ઉડિયા વાર્તા પર આધારિત ભાવાનુવાદ


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.