વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • શોક

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    શક્તિપદ ઑફિસ જવા નીકળતો હતો ને સામે ટપાલીને પત્ર અને ચોપાનિયું લઈને ઊભેલો જોયો.  ચોપાનિયું ખોલવાની જરૂર નહોતી. પત્ર પર ઉતાવળે નજર કરી.

    પ્રતિમાના પિયર-વર્ધમાનથી કાકાનો પત્ર હતો. પ્રતિમાની માનો દેહાંત થયો હતો. પત્રમાં લખ્યું હતું, “બે-ચાર દિવસની માંદગી પછી ગઈ રાત્રે તારી માનું અવસાન થયું. ભાઈ નથી, હવે ભાભી પણ ના રહ્યાં. અમારા માટે તો હવે માત્ર તું જ. આ પત્ર વાંચીને આવી જજે. તારાં આવવાથી અમને સાંત્વન મળશે.”

    બાકીનું વાંચવા જેટલી શક્તિપદમાં હિંમત નહોતી. પ્રતિમાનો જીવ એની માતામાં અટકેલો હતો. થોડા સમયથી અમસ્તીય પ્રતિમા અકળાયેલી રહેતી. આ સમાચાર જાણીને એની પર આભ તૂટી પડશે. કેવી ધાંધલ મચાવશે એ વિચારથી એને ચિંતા થઈ.

    હવે એ ઑફિસે નહીં જઈ શકે એ બીજી અને મોટી ચિંતા. ઑફિસનો નિયમ હતો કે, જે પહેલી તારીખે ઑફિસ ન આવે એમને સાત તારીખ સુધી આગલા મહિનાનો પગાર ન મળે.

    પત્ર આપવા ઘરમાં જવું કે બારોબાર ઑફિસ ચાલ્યા જવું? પ્રતિમાને પત્ર આપશે એ પછી નીકળી જ નહીં શકાય.

    શું કરવું. પત્ર લઈને ઑફિસે ચાલ્યા જવું? સાંજે આવીને એવું કહીને પત્ર આપવો કે સવારે ઉતાવળમાં ખીસામાં રહી ગયો? ના…ના.. એ તો ખોટું કહેવાય.

    કેટલાય દિવસથી પિયરથી પત્ર નહોતો આવ્યો એની પ્રતિમાને ચિંતા તો હતી જ.

    મનમાં કેટલાય વિચારો આવ્યા. એક મિનિટ પહેલાં એ નીકળી ગયો હોત કે ટપાલીએ એને જોયો ના હોત તો આ નોબત જ ના આવત. પાછો વિચાર આવ્યો, હંમેશાં ટપાલી એના હાથમાં જ પત્ર આપે એવું ક્યાં બને છે? ટપાલ તો એ બારીમાંથી જ સરકાવી દે છે.

    હા, એ જ બરાબર છે. ટપાલીની જેમ બારીમાંથી ટપાલ સરકાવી દઉં, પણ જો એને આમ કરતા કોઈ જોઈ ગયું તો શું? અરે, પ્રતિમાએ જ જોઈ લીધો તો શું? પ્રતિમા રોકકળ મચાવી દેશે.

    એનાં કરતાં અંદર જઈને બારીની નીચે ટપાલ મૂકીને નીકળી જવું ઠીક રહેશે.

    દબાતા પગલે એ અંદર આવ્યો. પ્રતિમા રસોડામાં હતી. રસોઈની સુગંધ આવતી હતી એ મુજબ પ્રતિમા તરત બહાર નહીં આવે એવું લાગતું હતું.  ચોપાનિયું લેવા જાય ત્યારે ઉપર જ દેખાય એમ પત્ર મૂક્યો. હાશ, હવે ઑફિસે જઈ શકશે અને આખો દિવસ પ્રતિમાની રોકકળનો સામનો નહીં કરવો પડે.

    જેટલું ઝડપથી વિચાર્યું એટલી ઝડપથી દબાતા પગલે અંદર જઈને ચોપાનિયાની ઉપર પત્ર મૂકીને ઑફિસે જવા નીકળ્યો ત્યારે મનમાં હળવાશ હતી.

    જોકે ઑફિસે પહોંચતા સુધીમાં હળવાશના બદલે મન પર અપરાધનો ભાર હાવી થવા માંડ્યો.

    આ શું કર્યું? જો પ્રતિમાના હાથમાં પત્ર આવ્યો, આખો દિવસ રડતી રહી તો દીકરાના શું હાલ થશે? કોણ એને સંભાળશે? ઘેર પાછા જવાનો વિચાર આવ્યો, પણ વહેલા ઘેર જવા માટે કારણ શું આપવું એનાં કરતાં જેમતેમ કરીને આખો દિવસ ઑફિસમાં કામ કરી લેવું સારું.

    અંતે જે થયું એનું પરિણામ ભોગવી લેવાનું વિચારીને કામ શરૂ કર્યું.

    ******

    રસોઈ પૂરી કરીને પ્રતિમા બહાર આવી. ‘છાયા-છબી’નો નવો અંક જોઈને ખુશ થઈ અને કાકાનો પત્ર નજરે પડ્યો. આમ તો કાકા વિજયાદશમીએ યાદ કરવા સિવાય ક્યારેય પત્ર નથી લખતા તો આજે? મા ઠીક હશે ને? પ્રતિમાના મનમાં ચિંતાનો વંટોળ ચઢ્યો.

    પત્ર હાથમાં લઈને એક શ્વાસે વાંચ્યો. બીજી જ ક્ષણે ધબ કરતી પછડાઈ. હૃદયનું તળ ફાડીને આક્રંદ ફૂટ્યું.

    મા નથી રહી? બધું જ ખતમ થઈ ગયું ને એને સાધારણ સમાચારની જેમ માત્ર બે લીટી લખીને જણાવવામાં આવ્યું છે!?

    આ પત્ર થોડો વહેલો મળ્યો હોત, શક્તિપદ હાજર હોત તો એણે પ્રતિમાને તાત્કાલિક વર્ધમાન લઈ જવાની તજવીજ કરી હોત. પ્રતિમાને ત્યાં પહોંચેલી જોઈને કેટલા લોકો ભેગા થઈ ગયા હોત, પણ હાય રે..અત્યારે તો આ પહાડ જેવું દુઃખ સહેવા ઘરમાં એ એકલી જ હતી.

    શું કરે? કોની સાથે વાત કરીને મનનું દુઃખ હળવું કરે? કોઈકને કહેવું જ રહ્યું કે કેવી તકલીફદેહ ઘટના બની ગઈ છે?!

    એટલામાં બાજુના રૂમમાંથી દીકરાનો ચીસો પાડીને રડવાનો અવાજ સંભળાયો. દોડીને જોયું. દીકરાની આંગળીએ કાળો મંકોડો ચોંટ્યો હતો. હવે દસ મહિનાના બાળકને મંકોડો કરડે તો એનો ડંખ વીંછી જેટલો કારમો હોય ને! દીકરાને શાંત રાખવામાં માનું મરણ મનમાંથી આઘું ઠેલાયું. એટલામાં ચૂલા પર મૂકેલી દાળ ચોંટવાની વાસ આવી. ઉતાવળમાં ગેસ બંધ કરવાનો રહી ગયો હતો.

    આફત ચારેકોરથી એક સામટી આવતી હશે? એક હાથે રડતા દીકરાને તેડી, રસોડા તરફ દોટ મૂકી. ગેસ બંધ કરીને બહાર આવીને પેલો પત્ર જોઈને મા નથી રહી એ ઘા તાજો થયો. એ ત્યાં બેસી પડી. હવે એ ક્યારેય માને જોઈ નહીં શકે? બાપુનો તો એ નાની હતી જ ને સ્વર્ગવાસ થયો હતો. મા જ સર્વસ્વ હતી. પત્રમાં પ્રતિમાના જીવનના આ સૌથી કારી ઘાના સમાચાર હતા. રડી રડીને થાકેલો દીકરો એના ખોળામાં જ સૂઈ ગયો અને ઉદાસ પ્રતિમા પત્ર પકડીને ક્યાંય સુધી ગુમસૂમ બનીને વિચારતી રહી.

    કોણ જાણે ટપાલી ક્યારે પત્ર નાખી ગયો હશે? શક્તિપદ ઑફિસે જવા તૈયાર થતો હશે ત્યારે? એ રસોડામાં હતી ત્યારે? દીકરાને મંકોડો કરડ્યો ત્યારે?

    અંતે પ્રતિમાના મનનો ઊભરો શમી ગયો, એ સ્વસ્થ બની. વળી વિચાર આવ્યો કે, શક્તિપદ આવે ત્યારે એ સ્વસ્થતાથી સમાચાર આપશે તો એ શું ધારશે? એનાં કરતાં એણે ટપાલ જોઈ જ નથી એમ વર્તવાનો નિર્ણય લઈ લીધો.

    હા, એ જ ઠીક રહેશે  ‘છાયા-છબી’ પત્રિકા અને પત્ર બારીની નીચે મૂકીને ઊભી થઈ.

    શક્તિપદ આવીને ટપાલ અને પત્રિકા જોઈને પૂછશે તો કહી દેશે કે, દીકરાની સારસંભાળ પાછળ અને રસોઈની તૈયારીમાં સમય નથી મળ્યો.

    બપોરના ત્રણ વાગી ગયા હતા. સવારનું ખાવાનું એમનું એમ પડ્યું હતું એ કામ કરવાવાળીને આપી દેવાનું નક્કી કરીને સાંજની રસોઈ માંડી. જાણે કંઈજ નથી બન્યું, પોતે એકદમ ઠીકઠાક છે એવી રીતે શક્તિપદને ભાવતું શાક અને પૂરીઓ બનાવવાની તૈયારી આદરી.

    સાંજે શક્તિપદ ઘેર આવ્યો ત્યારે રોકકળ હશે એવી એની ધારણા ખોટી પડી. આજે પણ રોજના જેવું જ સામાન્ય વાતાવરણ હતું. રોકકળ તો શું સામાન્ય અવાજ પણ નહીં? સમાચાર વાંચીને પ્રતિમા વર્ધમાન ચાલી ગઈ હશે? બેહોશ થઈ ગઈ હશે? દીકરાના શું હાલ હશે? હવે શક્તિપદને પોતાની મૂર્ખામીનું ભાન થયું.

    હિંમત એકઠી કરીને બારણું ખખડાવ્યું. પ્રતિમાએ જ બારણું ખોલ્યું.

    શક્તિપદ શ્વાસ લે એ પહેલાં પ્રતિમાએ દીકરાની આંગળીએ મંકોડો ચટક્યોથી માંડીને, દીકરા પાછળ બીજું કોઈ કામ નથી કરી શકી કે જમી પણ નથી વગેરે અહેવાલ વિસ્તારથી આપી દીધો.

    શક્તિપદના કાન પ્રતિમાની વાતોમાં, પણ ધ્યાન બારીની નીચે પડેલી ટપાલ પર હતું. પત્રિકા તો દેખાઈ પણ ઉપર મૂકેલી ટપાલ ક્યાં? પ્રતિમાને ટપાલ બાબતે પૂછે પણ કેવી રીતે?

    પ્રતિમા તો શક્તિપદને જમાડવાની ઉતાવળમાં હોય એમ રસોડામાં ચાલી ગઈ. એની પીઠ ફરતાં જ શક્તિપદે ચોપાનિયું ઊઠાવ્યું. ચોપાનિયાની નીચે વર્ધમાનથી આવેલો પત્ર મળ્યો.

    અરે, પોતે તો પ્રતિમાને દેખાય એમ પત્ર ચોપાનિયાની ઉપર મૂક્યો હતો તો એ નીચે કેવી રીતે? દીકરો હજુ ભાખોડિયાં ભરતો નહોતો કે એણે ટપાલ આઘીપાછી કરી હોય!

    આશ્ચર્ય અને આઘાતથી એ બઘવાઈ ગયો. શું કરવું? પત્ર હમણાં વંચાવવો કે જમવાનું પૂરું થાય પછી?

    જોકે હાથમાં લેતાંની સાથે જોયું તો એક ખૂણામાં હળદરનો ડાઘ દેખાયો, પણ ત્યારે એની પડપૂછમાં પડવાના બદલે કાગળ વાંચીને જાણે માથે વીજળી પડી હોય એમ પ્રતિમાને બૂમ મારી.

    “અરે, અહીં આવ. આ જો કાકાએ શું લખ્યું છે?”

    પ્રતિમા જાણે પહેલી વાર કાગળ વાંચતી હોય એમ ચિત્કાર સાથે ચક્કર ખાઈને પછડાઈ. પ્રતિમાને ભાનમાં આણવા એના ચહેરા પર પાણી છંટકોરતા શક્તિપદ વિચારી રહ્યો…

    “કાગળ જે જગ્યાએ મૂક્યો હતો એનાં બદલે નીચે કેવી રીતે ચાલ્યો ગયો અને કાગળના ખૂણે આ  હળદરનો ડાઘ દેખાય છે એ……?”


    આશાપૂર્ણા દેવી લિખીત, રણજીત કુમાર અનુવાદિત વાર્તાને આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ફિલ્મી ગઝલો – ૧૧૦. અર્શી અજમેરી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    બહાર અજમેરી પછી એક વધુ અજમેરી એટલે આ અર્શી અજમેરી.

    અપેક્ષાનુસાર એમના વિષે ઝાઝી માહિતી ઉપલબ્ધ નથી. બસ એટલું કે એમણે ધૂપછાંવ, ડંકા, દારા, શિકાર અને શહનાઝ ફિલ્મોમાં દસેક ગીત લખ્યા. ગઝલ આ એક જ અને એ પણ એક યુગલ ગીતના સ્વરૂપમાં –

    ક્યા હાલ હૈ હુઝૂર કે દિલ કા મેરે બગૈર
    શાયદ વહાં ભી જી નહીં લગતા મેરે બગૈર

    માના કે મૈં તુમ્હારે લિયે બેકરાર હું
    લેકિન તુમ્હેં ભી ચૈન ન આયા મેરે બગૈર

    શાયદ મેરે બગૈર ન બહલા તુમ્હારા દિલ
    લેકિન તુમ્હારા દિલ ભી તો મચલા મેરે બગૈર

    રૂઠે થે ઈસ લિયે કે મનાએ કોઈ હમેં
    ક્યા ઔર કોઈ તુમકો મનાતા મેરે બગૈર..

    – ફિલ્મ : શિકાર ૧૯૫૫
    – લતા – જી એમ દુર્રાની
    – બુલો સી રાની


    ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com  વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • મહેન્દ્ર શાહનાં જૂન ૨૦૨૫નાં ચિત્રકળા સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

     

    Mahendra Shah’s art creations for June 2025

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • કૉલેજની ડીગ્રીનાં જોરે ૨૦૩૦માં તમારી કારકિર્દી સલામત નહીં રહી શકે

    ધંધેકા ફંડા

    ઉત્પલ વૈશ્નવ

    ટીપણું લઈને રસ્તે બેઠેલા કોઈ જ્યોતિષીની આ ભવિષ્યવાણી નથી. આ તો સામે આવીને ઊભેલી હકીકત છે.

    ઝેરોધાના નિખિલ કામથ તો બહુ સ્પષ્ટપણે જણાવે છે :
    “માત્ર રચનાત્મક, વ્યૂહાત્મક, લોકાભિમુખી નોકરીઓ (કે વ્યવસાયો) ટકી રહેશે.”[1]

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    ચાર વર્ષનો ડીગ્રીનો અભ્યાસક્રમ તમને બચાવી નહી શકે, જો:

    • AI એ કામ વધારે સારી રીતે કરી શકશે.
    • દર બે વર્ષે તમે નવાં નવાં કૌશલ્યો શીખતાં નહીં રહો.
    • તમારૂં સ્થાન, તમારાં કામનાં મૂલ્ય પ્રદાનથી નહીં પણ, પદાનુક્રમના ટેકે ટકી રહ્યું છે.

    સોંસરવો ઘા તો આ છે :

    મોટા ભાગના ઉચ્ચતમ ડીગ્રીધારીઓ હવે મૂર્ખા સવાલો પૂછતાં ડરે છે.

    અનુકુલનશીલતાને વધાવતી દુનિયામાં, આ મનોદશા ઘાતક નીવડે છે.

    પુનઃકૌશલ પ્રાપ્તિનાં ત્રણ પગલાંની પુનરાવર્તી ત્વરિત કસરત (દરરોજ ૧૫ મિનિટ)

    ૧/ એક પ્રચલિત વલણ જણાવતો ન્યૂઝલેટર અચુક વાંચો .
    ૨/ ૧૦ મિનિટનાં નાનાં નાનાં કામનો અભ્યાસ કરો..
    ૩/ લાઈવ સ્કિલ્સ પાનાં પર એક વિજય અંકે કરો.

    નવાં કૌશલ્ય શીખવાં એ હવે કોઈ વિકલ્પ નથી. એ તો પ્રાણવાયુ છે.

    ડીગ્રીથી નૈયા પાર નહીં ઉતરે. લાઈફ બોટ તો (તમારા) નિર્ણયો  બનશે.


    મહત્વની પાદ નોંધઃ “2025 skill” પર તમારો પ્રતિભાવ ઉત્પલ વૈણવને જણાવો અને વળતરમાં તેમનું ૫ મિનિટનું routine + resource તમારા ઇ-મેલ પર મેળવો.


    [1] “What jobs will be relevant in 10 years?”


    આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.

  • એમઆરઆઈ પરિક્ષણના મારા સર્વ પ્રથમ અનુભવના કેટલાક બોધપાઠો

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    તાજેતરમાં, મારી પીઠના નીચેના ભાગમાં સ્લિપ ડિસ્ક તરીકે વધુ જાણીતી હર્નિયેટ ડિસ્કનું  નિદાન કરવા માટે મેં સર્વ પ્રથમવાર એમઆરઆઈ (MRI) સ્કેન કરાવ્યું.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    સ્લિપ ડિસ્ક ધ્યાન પર ન લેવા જેવી બાબત તો નથી, પણ સદનસીબે, મારા કિસ્સામાં બહુ ગંભીર પણ નહોતી. મારે ફક્ત મારી પીઠનું ખાસ ધ્યાન રાખવાની, કસરત કરવાની અને તણાવનું સારી રીતે સંચાલન કરવાની જરૂર છે.

    MRI, અથવા મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગમાં એક સાંકડી ચુંબકીય નળીમાં જવાનો સમાવેશ થાય છે જેના દ્વારા આંતરિક શરીરની રચનાઓની છબીઓ લેવામાં આવે છે. નળી એક સાંકડી ઠંડી જગ્યા છે અને એકવાર પ્રક્રિયા શરૂ થઈ જાય, પછી તે કાન ફાડી નાખે અને ગમે નહીમ એવા ખૂબ જ ઘોંઘાટીયા અવાજો રૂપે કામ કરે છે. કોઈને તો જાણે યુદ્ધના મેદાનની વચ્ચે હોય તેવું લાગે છે. જે ભયંકર અનુભવ તરીકે શરૂ થયું હતું તે મારા માટે કેટલાક રસપ્રદ પાઠ સાથે સમાપ્ત થયું.

    જ્યારે હું સ્કેન માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે હું ખૂબ જ ચિંતિત હતો. જ્યારે હું ઠંડી સાંકડી નળીમાં સરકી ગયો ત્યારે મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. જોકે, મને જોકે બંધૈયાર જગ્યાની ભીતિ (ક્લોસ્ટ્રોફોબિયા) નથી, પણ એટલી સાંકડી જગ્યામાં દાખલ થવું એ થોડું અસ્વસ્થ કરનારું જરૂર હતું. થોડીવાર પછી, પ્રક્રિયા શરૂ થઈ અને અવાજે મારી પહેલેથી જ વધી ગયેલી ચિંતામાં વધારો કર્યો. બાહ્ય અંધાધૂંધીથી બચવા માટે, મેં અંદર ધ્યાન કેન્દ્રિત કરવાનું અને મારી આંખો બંધ કરવાનું નક્કી કર્યું. મારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી હૃદયના ધબકારા સ્થિર કરવામાં મદદ મળી.

    પછી મેં મારા જીવનમાં અત્યાર સુધી થયેલા બધા અદ્‍ભૂત અનુભવો પર મારું મન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. મારા ભૂતકાળની છબીઓ મારા મનમાં જગ્યા ભરવા લાગી. બાળપણમાં ઝાડની ટોચ પર કેવી રીતે ચડી ગયો હતો, તાજેતરમાં રમાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટ વિશે, આગલે દિવસે મેં ખાધેલી ચોકલેટ આઈસ્ક્રીમ વિશે, મારા પુત્રના ઘરમાં ખુશીથી દોડવા વિશે, મારા પરિવારની હૂંફ વિશે, અમારી મુસાફરી વિશે, મેં ચુંટેલા સુંદર ફૂલો અને પક્ષીઓ વિશે વગેરે જેવી ઘટનાઓ વિશે વિચારવા લાગ્યો. આ દૄશ્યોની જીવંત છાપે મારી સામે પડેલી ખાલી જગ્યા પર કબજો કરી લીધો. એ બધી છાપ એટલી સૂક્ષ્મ અને ગહન હતી કે હું ખરેખર ખૂબ જ અસ્વસ્થતાભર્યા વાતાવરણમાં હસી શકતો હતો.

    હું શું શીખ્યો?

    હું શીખ્યો કે બે દુનિયા છે – એક આપણી અંદરની અને બીજી આપણી બહારની. અંદરની દુનિયા આપણા અનુભવો, લાગણીઓ, આશાઓ, આકાંક્ષાઓ, લાગણીઓ અને સપનાઓની અનુભૂતિની બારીકીઓ બનેલી છે.. બહારની દુનિયા સ્થૂળ છે – (મોટેભાગે) ભૌતિક વસ્તુઓથી બનેલી છે. આપણે આપણી અંદર રહેલી દુનિયાના દૃષ્ટિકોણથી આપણી બહારની દુનિયા જોઈએ છીએ. આપણી અંદરની દુનિયા બહારની દુનિયા કરતાં ઘણી વધુ રંગીન, આબેહૂબ અને શક્તિશાળી છે. મુશ્કેલ પસંદગીઓ કે પ્રતિકૂળતાના સમયે, હંમેશા આપણી અંદર રહેલી દુનિયાનો વધુ આદર કરીએ.

    હું એ પણ શીખ્યો કે આપણા અનુભવો ભૌતિક વસ્તુઓ કરતાં ઘણા મૂલ્યવાન છે. આપણા જીવનની ગુણવત્તા, આપણી પાસે રહેલી વસ્તુઓ દ્વારા નહીં, પરંતુ, મોટાભાગે, આપણા અનુભવોની ગુણવત્તા દ્વારા નક્કી થાય છે. જ્યારે હું જીવનમાં શ્રેષ્ઠ વસ્તુઓ વિશે વિચારતો હતો, ત્યારે ફક્ત મારા અનુભવો જ આગળ આવ્યા, વસ્તુઓ નહીં. મુખ્ય વાત એ છે કે એવા અનુભવો બનાવવામાં રોકાણ કરવું જોઈએ જે આપણા જીવનને સમૃદ્ધ બનાવે.

    કોઈની સાથે વાત કરી શકાય તેમ ન હતું, કે મને વ્યસ્ત રાખવા માટે કોઈ સાધનો ન હતાં, તેથી એ ગીચ જગ્યામાં બંધ થઈ જવાથી મને મારી પોતાની અંદર ડોકિયું કરવાની તક મળી. એકાંત કિંમતી છે કારણ કે તે આપણને આપણા પોતાના સ્વ સાથે રહેવા અને આપણા જીવનમાં સુંદર દરેક વસ્તુની પ્રશંસા કરવાની તક આપે છે.

    જ્યારે હું રૂમમાંથી બહાર આવ્યો, ત્યારે હું વિચારી રહ્યો હતો કે જ્યારે આપણે જીવન માટે થોડું જોખમ અનુભવીએ છીએ ત્યારે આપણે તેના વિશે કેટલું શીખીએ છીએ. મારા માટે ખરેખર શું મહત્વનું છે તે વિશે વધુ જાગૃત થઈને હું ડાયગ્નોસ્ટિક સેન્ટરમાંથી બહાર નીકળ્યો.


    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • પસંદગી બેમાંથી એકની નહીં, બન્નેની કરવાની છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    મામલો આડત્રીસ વર્ષ જેટલો જૂનો છે, પણ વારંવારની માગણી છતાં તેનો નિવેડો ન આવવાથી છેલ્લા ઘણા સમયથી તેમાં ગરમાવો આવી રહ્યો છે. વાત ગોવા રાજ્યની અને તેની અધિકૃત ભાષા કોંકણીની છે. ત્રણેક વર્ષ અગાઉ આ કટારમાં આ વિવાદ બાબતે વિગતે લખાયું હતું એ જરા તાજું કરી લઈએ.

    ગોવાની અધિકૃત ભાષા કોંકણી છે, અને ગોવા આધિકારીક ભાષા કાનૂન ૧૯૮૭, પરિચ્છેદ ૨ (સી) અનુસાર ‘કોંકણી એટલે દેવનાગરી લિપિમાં લખાયેલી કોંકણી ભાષા.’ હવે દેવનાગરીની સાથોસાથ રોમન લિપિમાં લખાયેલી કોંકણી ભાષાને પણ અધિકૃત ગણવાની માંગ થઈ રહી છે.

    આ પ્રકારની માંગણી પહેલી વાર થઈ રહી નથી. પાંત્રીસ વર્ષથી, એટલે કે ફેબ્રુઆરી, ૧૯૮૭માં ભાષા કાનૂન અમલી બનાવાયો ત્યારથી રોમન લિપિમાં લખાતી કોંકણીને અધિકૃત ભાષાનો દરજ્જો આપવાની માંગણી કરાતી આવી છે. આવી માંગણી કરનારાના મતાનુસાર કોંકણીને કેવળ દેવનાગરી લિપિ પૂરતી મર્યાદિત કરી દેવી રોમન લિપિમાં કોંકણી લખી રહેલાઓને અન્યાય કરવા બરાબર છે. અગાઉ કોંકણીને ગોવાની અધિકૃત ભાષાનો દરજ્જો આપવાનું અભિયાન ચાલેલું એ દરમિયાન કેવળ દેવનાગરી લિપિ પૂરતી કોંકણીને મર્યાદિત કરવાની વાત ન હતી. રોમન લિપિમાં કોંકણી લખનારા લોકોનો પણ આ અભિયાનમાં મહત્ત્વનો હિસ્સો હતો. એ માટેનો ઓપિનિયન પોલ થયો એમાં પણ રોમન લિપિમાં કોંકણી લખનારાની ભૂમિકા મહત્ત્વની હતી. આ માંગણી કરનારાઓના જણાવ્યા અનુસાર દેવનાગરી લિપિના તરફદારોએ રોમન લિપિના તરફદારોનો દ્રોહ કર્યો અને ગોવા આધિકારીક ભાષા કાનૂન, ૧૯૮૭માં કોંકણી ભાષાની વ્યાખ્યાને કેવળ ‘દેવનાગરી લિપિ’ પૂરતી સીમિત કરી દીધી.

    રોમન લિપિના તરફદારોની દલીલ છે કે આધિકારીક ભાષા કાનૂનમાંથી રોમન લિપિની બાદબાકી કરી દેવી એ લોકોની આકાંક્ષાઓને અપાયેલો છેહ છે. તેઓ કહે છે કે ભાષાની ખરી સુગંધ એની વિવિધતાસભર એકતામાં રહેલી છે. બન્ને લિપિને અધિકૃત કરવાથી ગોવાની ઓળખ સમા બહુવિધ વારસાની જાળવણી થઈ શકશે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    અસલમાં ‘રોમી કોંકણી’ તરીકે ઓળખાતી, રોમન લિપિમાં લખાતી કોંકણીનો જૂનો ઈતિહાસ છે. સોળમી સદીના ગાળામાં ગોવા આવેલા કેથલિક મિશનરીઓએ આ લિપિને પ્રત્યાયનના માધ્યમ તરીકે અપનાવી. સત્તરમી સદીમાં મરાઠાઓ દ્વારા સ્થાનિક કેથલિકો અને તેમનાં ચર્ચ પર વારેવારે હુમલા થવા લાગ્યા. તેને પગલે પોર્ચુગીઝ શાસને ગોવામાં કોંકણીનું દમન શરૂ કર્યું, જેથી સ્થાનિક કેથલિક લોકો પૂર્ણપણે પોર્ચુગીઝ શાસકો સાથે તાદાત્મ્ય અનુભવી શકે. આનું ધાર્યું પરિણામ મળવા લાગ્યું. ધીમે ધીમે દસ્તાવેજોમાં પણ પોર્ચુગીઝ ભાષાનો ઉપયોગ થવા લાગ્યો. એમ ન થાય તો તેના ભંગ બદલ કારાવાસની સજા થતી. આ દોર સતત ચાલતો રહ્યો. પરિણામે અહીંના ભદ્ર લોકો પોર્ચુગીઝની સાથેસાથે મરાઠી અપનાવવા લાગ્યા અને કોંકણી નોકરોની ભાષા ગણાવા લાગી.

    આપણા દેશને સ્વાતંત્ર્ય ૧૯૪૭માં મળ્યું, પણ ગોવા પર પોર્ચુગીઝ શાસન ચાલુ રહ્યું, જેમાંથી તેને છેક ૧૯૬૧માં મુક્તિ મળી. એ સાથે જ પોર્ચુગીઝનો અસ્ત કળાવા લાગ્યો અને અંગ્રેજીનો ઉદય થવા લાગ્યો. એ પછી ગોવાને મહારાષ્ટ્રમાં ભેળવવાની વાતે મરાઠી અને કોંકણી ભાષાને ગોવાની અધિકૃત ભાષા ઘોષિત કરવા માટેનો સંઘર્ષ ચાલ્યો. અખિલ ભારત કોંકણી પરિષદે પોતાના આઠમા અધિવેશનમાં કેન્‍દ્રિય સાહિત્ય અકાદમીને દરખાસ્ત કરી કે કોંકણીને ભાષા તરીકે માન્યતા આપવામાં આવે. આખરે ગોવા સ્વતંત્ર કેન્‍દ્રશાસિત પ્રદેશ બની રહ્યો અને કોંકણી ભાષાને નવેસરથી સ્વીકૃતિ મળવા લાગી.

    ‘રોમી કોંકણી’માં ગોવાના કેથલિક ચર્ચનું ધર્મસાહિત્ય લખાયેલું છે. એ ઉપરાંત ગોવાની મુક્તિ અગાઉ કોંકણી સાહિત્ય પણ મોટે ભાગે આ લિપિમાં જ લખાતું. ફાધર એદુઆર્દો બ્રુનો ડીસોઝાએ ‘ઉદેંતેચે સાળક’ નામનું માસિક ઈ.સ.1889માં રોમી કોંકણીમાં પ્રકાશિત કરેલું. પહેલવહેલી કોંકણી નવલકથા ‘ક્રિસ્તાંવ ઘરાબો’ પણ એમણે આ જ લિપિમાં લખેલી. રેજિનાલ્ડો ફર્નાન્ડિસે ‘રોમી કોંકણી’માં દોઢસોથી બસોની વચ્ચે નવલકથાઓ લખેલી છે. આમ, રોમી કોંકણીની પરંપરા જૂની, અને ઘણી ખેડાયેલી છે.

    રોમી કોંકણી અભિયાનના અગ્રણી તોમાઝીન્‍હો કાર્દોઝોની દલિલ અનુસાર આ અભિયાનને કોંકણી બોલતા સમુદાય તરફથી વધુ સહયોગ મળે એ જરૂરી છે. કેમ કે, છેલ્લાં થોડાં વરસોમાં કોંકણી ભાષાની સ્થિતિમાં મોટું પરિવર્તન આવ્યું છે. રોમન લિપિનો ઊપયોગ કરનારાઓને દેવનાગરી લિપિના ઊપયોગ માટે દબાણ કરવામાં આવતાં તેઓ લઘુમતિમાં હોવાનું અનુભવે છે. થોડા સમય અગાઉ સરકારી નોકરીઓ માટેની પરીક્ષાઓ પણ દેવનાગરીમાં યોજાવાની ઘોષણા કરાઈ. કાર્દોઝો કહે છે કે અન્ય કોઈ લિપિને ઊતારી પાડવાનો અમારો હેતુ નથી, બલકે અમે આ લિપિને પણ માન્યતા મળે એમ ઈચ્છીએ છીએ.

    ‘ગ્લોબલ રોમી લિપિ અભિયાન’ના પ્રમુખ કેનેડી અફોન્‍સોએ જણાવ્યું કે રોમન લિપિના સમાવેશ બાબતે જરૂરી સુધારો સરકાર દ્વારા કરવામાં નહીં આવે તો આ ચળવળને તીવ્ર બનાવવામાં આવશે. તેમણે શાળાઓમાં પણ આ લિપિ દાખલ કરવાની માગણી કરી છે.  આ મુદ્દે રાજકારણીઓને ખાસ રસ નથી, યા તેમની ઈચ્છાશક્તિ નથી એમ સૌને લાગે છે. આ રાજકીય નિષ્ક્રિયતાને ઢંઢોળવા માટે હવે આ આંદોલનને તીવ્ર બનાવતા જવાની ઘોષણા કરવામાં આવી છે. થોડા સમય અગાઉ તેત્રીસેક ગ્રામ પંચાયતોએ રોમન લિપિને સમાન કાનૂની દરજ્જો આપવાની માગણી કરવાનો ઠરાવ કર્યો છે.

    સરકારની ઉદાસીનતા આ બાબતે કળાતી નથી. કદાચ તે આ મામલાને સાંસ્કૃતિક ઓળખ સાથે સાંકળતી હોય એમ બને. એ કિસ્સામાં પણ ‘રોમી કોંકણી’ની દીર્ઘ પરંપરા છે જ.  આમ કરવામાં કદાચ મિથ્યા સ્વદેશાભિમાન આડે આવતું હોય એ શક્યતા પૂરેપૂરી છે.

    ગુજરાતી બાબતે આપણે આવી કશી ફિકર કરવાની જરૂર નથી. ભાષા જેવી ક્ષુલ્લક બાબતના રાજકારણમાં આપણે ક્યાં માનીએ છીએ?


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૬-૦૬– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • સ્વદેશમાં વિશિષ્ટ પ્રયાણ : ૭ : કાલિમ્પૉન્ગ, સિક્કિમ

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    ભુતાનના પહાડો પર વસેલા થિમ્ફુ શહેરથી ઊતરીને તળેટીમાં ફરી એક રાત રહેવું પડ્યું. જાહેર બસો લઈને મારે ફરવાનું, તેથી બસોના સમય પ્રમાણે મારું પત્રક ગોઠવ્યા કરવું પડે. રાતવાસો કર્યો ફુન્ટશૉલિન્ગની એક હોટેલમાં, પણ જવાનું પાછાં ભારતમાંની જગ્યાઓમાં. કાદવ અને ધમાલની વચમાં ભારતના જયગાંવની બસો ઊભી હતી. હાઇ-વે ૩૧ પર થઈને જતી બસમાં મારે લગભગ ૨૦૦ કિ.મિ. જવાનું હતું. છએક કલાકે હું ઉત્તર બંગાળના કાલિમ્પૉન્ગ સ્થાને પહોંચવાની હતી.

    ચ્હાના નાના બગીચાઓ અને નાનાં ગામો આવતાં ગયાં. રસ્તા પરની વનસ્પતિ ધૂળના પડ નીચે ગુંગળાતી લાગતી હતી. વચમાં રસ્તો ખૂબ ખરાબ ને તૂટેલો. પશ્ચિમ બંગાળ રાજ્યની સરકાર પોતાના આ ઉત્તરીય વિભાગને જાણે ભૂલી ગઈ છે. શિલિગુડીનો રસ્તો ફંટાઇ ગયા પછી પહાડ પર જવા માંડેલો રસ્તો છેવટે સુંદર થયો. ખાસ કરીને બહુ જ ચંચળ, રમતીયાળ, શીઘ્રગતિ નદી તિષ્તાને કારણે. આકાશ અને ઝાડ-પાનના પ્રતિબિંબને લીધે એ ભૂરી-લીલી લાગતી હતી. એના અમળાટ રસ્તાના વળાંકોની સાથે સુબદ્ધ રહેતા હતા. આહા, આવું અપરૂપ કશું મારે ક્યારનું જોવું હતું. તે છેક અહીં દેખાયું. તિષ્તાની સહોપસ્થિતિથી પર્વતાલેખ વિશિષ્ટ મોહિની પામ્યા.

    તિષ્તાનો પટ કાંકરાળો હતો, અને સફેદ, મલમલી રેતીથી સુંવાળો પણ હતો. એની બંને તરફ ઊંચી શિલાઓ કે ઢોળાવો હતા. કોઈ કેડી નહીં, કેડીની સંભાવના પણ નહીં. આ કાંઠા પર કોઈના પગ નહીં પડ્યા હોય. મારી નજરો પડી, અને ધન્ય થઈ. બ્રિટિશ દ્વારા બનાવાયેલો એક ઊંચો પુલ આવ્યો -સાંકડો તો એવો કે કોઈ બીજું વાહન ઝડપથી આગળ જવા જાય તો જોખમી બને. તિષ્તા ગામ પાસે એક તપાસ-થાણું છે. પરદેશી મુસાફરો માટે. ત્યાં આવેલા લાકડાના પુલ પર થઈને એક જ વાહનને જવા દેવામાં આવે છે. પુલની પેલી બાજુ પરથી દાર્જિલિન્ગ ગુરખા પર્વતીય સમિતિનો અમલ શરૂ થાય છે. કાલિમ્પૉન્ગ હવે પંદર કિ.મિ.

    આ છેલ્લો ભાગ તો બહુ જ નિજી લાગ્યો. ખાખરાનાં ઊંચા ઝાડ, વાંસની જુદી જુદી જાતો, અન્ય વૃક્શો, કેળનાં ઝુંડ, અને વચમાં ફૂલો -સુરજમુખી, બોગનવેલ, પોઇન્સેટિયા વગેરે. નાના સરસ બંગલા આવે, ને એમના બાગોમાં ગુલાબ-ગલગોટા પણ ખરા. ઢોળાવો પર થોડાં ડાંગરનાં ખેતર પણ બનેલાં. બધું એવું હાથવગું લાગે. પછી કાલિમ્પૉન્ગનું બસ-સ્ટેશન આવ્યું અને જાદુઇ સંમોહન તૂટ્યું. ગામમાં રાતવાસા માટે મેં રૂમ લઈ લીધી. પછી ગાડીઓ વગરના રસ્તાઓ પર ચાલી. સાડા પાંચમાં તો અંધારું, ને દીવાબત્તી નહીં. લોકો ઑળા જેવા લાગે. નગરપાલિકા ખર્ચો બચાવે છે, એમ લૉજના માલિકે પછી મને કહેલું.

    બંગાળીઓને આ જગ્યા બહુ પ્રિય છે. કલકત્તાથી નિરાંત મેળવવા અહીં આવનારાંની સંખ્યા ખૂબ મોટી છે. કાલિમ્પૉન્ગની એક તરફ મોલેગાઁવ નામની પર્વતમાળા છે, બીજી તરફ સિક્કિમ-દાર્જિલિન્ગના પર્વતો. રિષિ બંકિમ પાર્ક શાંત અને સરસ લાગ્યો. થોડી વાર ગુરાસ, હિમચંપા, લાલ પત્તી વગેરે ફૂલોની વચ્ચે હું બેઠી. નજીકમાં હતું ગૌરીપુર હાઉસ. રવીન્દ્રનાથ પોતે અહીં આવીને રહેવાનું પસંદ કરતા. ને કેમ ના કરે? ગૃહના વરંડામાંથી કાંચનઝંઘા પર્વત-સંપુટનાં શિખરો દૃશ્યમાન રહે છે. હવે મકાન બંધ છે, ને સરકારી માલિકીની જગ્યા ગણાય છે. રવીન્દ્રનાથનું અહીં બીજું પણ ઘર હતું- ચિત્રભાનુ નામનું. એમાં કળા-શિક્ષકો માટેનું શિક્ષણ કેન્દ્ર વસાવાયું છે. કવિને ગમે તેવો વપરાશ છે એનો.

    કાલિમ્પૉન્ગમાં ચારે તરફ સળંગ પર્વતો અને અતિ-સુંદર દૃશ્યો. જાણે જોયા જ કરીએ. અહીં સૈન્યના સારા એવા વસવાટ ઉપરાંત ગોલ્ફ કોર્સ, નવું ખુલેલું મ્યુઝિયમ, બગીચા, જનરલ તેમજ રક્તપીત હૉસ્પિટલો છે. વળી, મેં ત્રણ મુખ્ય ધર્મ-વિષયક પ્રવૃત્તિ જોઈ. બુદ્ધ મંદિર અને ભિખ્ખુઓના મઠમાં ધ્યાન, ને પઠન ચાલુ હતાં. કાલી મંદિરમાં પૂજા ને આરતી થતાં હતાં. અને ખ્રિસ્તી ધર્મનું એક મોટું સરઘસ નીકળ્યું. સ્ત્રી-પુરુષો, બાળકો તથા પરદેશથી આવેલા ને સ્થાનિક પાદરીઓ મળીને હજાર અનુયાયીઓ હશે. દરેક જૂથથી ગવાતાં જતાં ધર્મગાન પહાડોની કેડીઓ પર ગુંજી ઊઠ્યાં હતાં.

                     ં                       ં                     ં                      ં

    મને લાગતું હતું કે મારા સમયને જાણે પૈડાં લાગ્યાં હતંા, અને મારા દિવસો જાહેર બસ બની ગયા હતા. વળી, પૈસા પણ વપરાતા વપરાતા છેલ્લા બે હજાર રુપિયા સુધી આવીને રહ્યા હતા. બાગદોગરાથી દિલ્હી જવાના વિમાન માટેના ત્રણેક હજાર મેં જુદા મૂકી રાખેલા. વિચાર આવ્યો કે ટ્રેન લઈ લઉં તો વાપરવા માટે વધારે પૈસા રહે. પણ તો પટના વચમાં આવે, ને ત્યાં ઊતરી જવાનું મન થાય. ના, જેમ નક્કી કરેલું છે તેમ જ સારું છે. ઓછા પૈસામાં પૂરતી મઝા મેળવવાની આવડત છે મારી પાસે.

    કાલિમ્પૉન્ગથી સિક્કિમ જતાં બહુ કલાકો થતા નથી, પણ એવું બને કે છેક ના પણ પહોંચાય. આ પર્વતીય વિસ્તારમાં રસ્તા ફસકી પડવાના બનાવ વારંવાર બનતા હોય છે. હું પહોંચી ગઈ. સરહદ પરના થાણા પર સિક્કિમની પોલિસે આવીને બધું તપાસ્યું. મારી બૅગ ખોલાવી. આ રમ્ફૂમાંના નાના એક બજારમાં દારૂની સાતેક દુકાનો સિવાય કાંઇ દેખાયું નહીં. પછી સાંભળેલું કે સિક્કિમિઝ પુરુષોને પત્તાં-જુગાર રમવાનો અને દારૂ પીવાનો ઘણો શોખ હોય છે. અહીં કમાવાનું ખરું, પણ ટૅક્સ આપવાના હોતા નથી. ચીનની નજીક કહેવાય તેવો વિસ્તાર હોઇ આ છૂટ.

    મુખ્ય શહેર ગૅન્ગ્ટૉક એકાવન હજાર ફીટ ઊંચે વસેલું છે. ચારે તરફ આવેલી પર્વતમાળાઓમાં ધુમ્મસ વસતું રહે છે. શિખરો સફેદ વાદળો સાથે ભળતાં રહે છે. જોકે સવારે હિમાચ્છાદિત શૃંગો પરિષ્કાર દેખાઇ આવે છે. બરફ પડે પણ ઘણો. આ નવેમ્બરનો અંત હતો, છતાં સદ્ભાગ્યે ઋતુમાન ખાસ્સું સહ્ય હતું. મને હરવા-ફરવામાં તકલીફ ના પડી. ગૅન્ગ્ટૉકની ગલીઓમાં આમથી તેમ ચાલ્યા કર્યું.

    ટૂરિસ્ટ ઑફિસમાં જઈ બે ટૂરમાં જવાનું ગોઠવ્યું, ઇન્ડિયન ઍરલાઇન્સની ઑફિસમાં જઈ પેલી વિમાનની ટિકિટ ખરીદી લીધી. પોસ્ટ ઑફિસમાંથી અમદાવાદ ખૈરિયતના વાવડનો એક તાર મોકલી આપ્યો. સુપરમાર્કેટ અને તૈયાર કપડાંની દુકાનોમાં જોવા જેવું કાંઈ ના લાગ્યું. લાલ માર્કેટ વળી થોડી રસપ્રદ હતી. ત્યાંથી મેં એક બાખુ કહેવાતો લાક્શણિક પોષાક ખરીદ્યો. અન્યત્ર છ-સાત માળનાં મકાન થયેલાં હતાં. ખાસ આકર્ષક ના લાગે. પણ સિક્કિમિઝ યુવતીઓ મૉડર્ન પોષાકમાં નજરે ચઢી આવે તેવી જરૂર લાગે.

    સવારે ટૂરિસ્ટ ઑફિસની મિનિ-બસમાં છાન્ગુ, કે ત્સાન્ગો તળાવ જોવા નીકળી. ચાલીસેક કિ.મિ. દૂર છે, પણ નકશામાં દેખાતું નથી, કારણકે એ સુરક્ષિત વિસ્તારમાં છે. ચીનની સરહદ આ તળાવથી સોળ જ કિ.મિ. દૂર, સાડા બાર હજાર ફીટ ઊંચા પર્વતો પરથી જતી ગણાય છે. ગાન્ગ્તૉકથી બહાર નીકળતાં જ મિલિટરીનાં ટીનનાં રહેઠાણ શરૂ થાય છે. રસ્તો ક્યાંક સારો, ક્યાંક તૂટી પડેલો, અને અત્યંત ઊંચો તેમજ સતત ગોળ ફરતો જતો. દસ હજાર ફીટ ઊંચે પહાડો વનસ્પતિ વગરના ને સૂકા બન્યા. ઢોળાવો પર હલકો બરફ છંટાયેલો હતો.

    તળાવ બહુ મોટું નથી. કેટલું ઊંડું છે તે કોઈ જાણતું નથી, ને તેથી એ જાણે પવિત્ર બનેલું છે. એને માટે વાયકાઓ ઊભી થઈ છે. જેમકે, એની અંદર એક સુવર્ણ મંદિર છે, તથા અંદરથી પાણી વહ્યા જ કરે છે, વગેરે.

    કેડી વગરના એક ઊંચા ઢોળાવ પર તો કોઈ ના ચઢ્યું -એ માટે યાક પ્રાણી બનવું પડે, પણ તળાવને ફરતે  બધાં ચાલ્યાં. પાણી એકદમ ચોખ્ખું હતું, અને સ્વાદમાં મીઠું હતું. કિનારે થોડો બરફ બનવા લાગ્યો હતો. એક મહિનામાં તો બધી સપાટી થીજી જવાની.

    સવારના સૂરજથી અમને સરસ હૂંફ મળી હતી, ત્યાંથી નીકળ્યા પછી મિનિટોમાં પેલાં સફેદ, પોચાં વાદળની જગ્યાએ આકાશ ઘેરું થવા લાગ્યું. મને થયું કે ત્યાં ક્યાંક બર્ફીલો વરસાદ શરૂ થવામાં હશે. મેં એક પાટિયા પર વાંચેલું કે તળાવની આસપાસ વર્ષે ત્રણથી ચાર ફીટ જેટલો બરફ પડતો હોય છે. બહુ કઠિન અને કઠોર હોય છે સરહદી વિસ્તારો. નરી આંખે એ જોઇએ ત્યારે જ ખ્યાલ આવે કે કેવું અઘરું હોય છે જવાનોનું જીવન.

                    ં                    ં                    ં                   ં 

    બીજા એક દિવસની ટૂરમાં ગૅન્ગ્ટૉકની બહારની કેટલીક જગ્યાઓ જોવા મળી. એક બૌદ્ધ મઠના પ્રાર્થના-ખંડમાં ભિખ્ખુઓ પ્રતીકાત્મક ઉપસ્થિતિની સામે, લોટ અને માખણની બનાવેલી આકૃતિઓ ધરાવીને પૂજા કરી રહ્યા હતા. લાક્ષણિક સંગીત ધીમું ગવાતું હતું. મુખ્ય મંદિરની પાછળ બીજું વધારે જૂનું મંદિર હતું. એમાં ગુરુ ગુએન પ્રતિસ્થાપિત હતા. ત્યાં લખ્યું હતું કે આઠમી સદીમાં મહાગુરુ પદ્મસંભવ દ્વારા સિક્કિમનો ગોપિત ભૂમિ કહેવાતો પ્રદેશ આશીર્વાદ પામ્યો હતો.

    અહીંનું તિબેટ પરના અભ્યાસ માટેનું કેન્દ્ર ભારતમાં સૌથી વિશિષ્ટ ગણાય છે. ૧૯૫૭માં દલાઇ લામાએ એનો પાયો નાખેલો, ને પછીને વર્ષે જવાહરલાલ નહેરુએ એનું ઉદ્ઘાટન કરેલું. સરસ મકાન પર પીળું છાપરું, લાલ બારી ને થાંભલા, તથા રંગીન બૌદ્ધ પ્રતીકો કરાયેલાં છે. લેપ્ચા, તિબેટી, નેપાલી, સંસ્કૃત ભાષાઓમાંની અપ્રાપ્ય હસ્તપ્રતો ઉપરાંત એમાં પ્રદર્શિત થાન્કા, બુદ્ધ પ્રતિમાઓ, ચિત્રો તથા ધાર્મિક સામગ્રી અસાધારણ લાગી. સાથે આવેલા હસ્તકળા એમ્પોરિયમમાં અમુક સારી ચીજો, જાજમો, કોતરણીવાળાં ટેબલો વગેરે હતું, પણ ત્યાંને માટે સમય ખૂબ ઓછો અપાયો હતો.

    એન્ચી નામનો મઠ બસો વર્ષ પહેલાં સ્થાપિત થયેલો. ન્યિન્ગ્મા પંથનું એ મુખ્ય સ્થાન ગણાય છે. પહાડી રસ્તે થઈ, મઠના દરવાજાની અંદર જતાં જ બંને બાજુ સફેદ તથા રંગીન ધર્મ-ધજાઓનાં તોરણ જોવા મળ્યાં. બે વૃદ્ધ લામા ધીરે ધીરે ચાલવા નીકળેલા હતા. શાંત મંદિરના કક્શની દીવાલો પર ખૂબ સુંદર બૌદ્ધ ચિત્રો કરેલાં હતાં. મુખ્ય પ્રતિમા સફેદ કાપડથી ઢંકાયેલી હતી, પણ દીવાલમાંના નાના ગોખલાઓમાં પીત્તળની કુલ એક હજાર બુદ્ધ-મૂર્તિઓ ગોઠવેલી હતી. ભવ્ય કહેવાય એવું ગર્ભગૃહ હતું.

    બેએક નાના સરસ બગીચા પસાર કરતાં કરતાં ટૂર ગૅન્ગ્ટૉકથી પચીસ કિ.મિ. દૂર લઈ ગઈ. અમુક ઢોળાવો પર ડાંગરનાં સોપાન-ક્શેત્રો હતાં, પણ લણાઇ ચૂકેલાં, તેથી સૂકાં, કથ્થાઇ ને ખાલી. એમને છૂટાં પાડતી પાળો લીલી હતી. પછી એમની ઉપર થતાં, સામે તરફ ગયાં તો નીચે શહેર પથરાયેલું દેખાયું. પણ શહેરમાંથી આ રમ્તેક મઠ નથી દેખાતો. આ કાગ્યુ પંથ ચાર તિબેટી પંથમાંનો એક છે. એના સોળમા પ્રણેતાને ચીની આક્રમણને કારણે તિબેટ છોડીને ભાગવું પડ્યું હતું, ને એ અમેરિકામાં મૃત્યુ પામ્યા હતા.

    મઠના વિશાળ કમ્પાઉન્ડમાં ચારેક માળનાં મોટાં મકાનોમાં ભિખ્ખુઓ માટેની શાળા અને રહેવાના ઓરડા છે. મંદિર ઘણું મોટું છે. બહારની દીવાલો પર બૌદ્ધ ચિત્રો હતાં, ને અંદરનો ભાગ ધાર્મિક ચીજોથી ભરપુર હતો. બાજુના નાના ખંડમાં એક ભિખ્ખુ પૂજા કરી રહ્યો હતો. મુખ્ય દરવાજાની બહાર બે વૃદ્ધ લામા હાથ-ચક્ર ફેરવી રહ્યા હતા. બહુ શાંતિદાયક સ્થાન હતું. ચોતરફ હિમાચ્છાદિત પર્વતોનું સુભગ દર્શન થતું હતું. ત્યાંથી નીચે ઊતરી જતાં વચ્ચે સારાસ્મા ઉદ્યાન જોવા રોકાયેલાં. એ પણ સરસ ને આવો જ પ્રસન્નકર હતો.

    ગૅન્ગ્ટૉકમાં સાંસ્કૃતિક કાર્યક્રમની નોટિસ જોઈને એક સાંજે હું લોક-નૃત્યો જોવા ગઈ હતી. રસ્તામાં બત્તીઓ નહોતી. મોટરોની હૅડલાઇટોથી દેખાતું રહ્યું. હૉલ ભરાઈ ગયો હતો. મેં કાર્યકર્તાઓને કહ્યું, હું ગુજરાતી છું, બહુ દૂરથી આવી છું, ને મને આગલી હરોળમાં જગ્યા આપવામાં આવી. સ્થાનિક પ્રજા સાથે બેસીને એક સાંજ માણવા મળી. એકલી પ્રવાસિનીને હંમેશાં આવો લાભ પણ મળતો નથી હોતો.


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • આપણું જ આગવું ચોમાસું : ઝરણું ૨

    વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી

    વરસાદી પવનો

    પરેશ ૨. વૈદ્ય

    આમ તો ચોમાસું કેમ થાય છે તે વિષે આપણે શાળામાં શીખી જ ગયાં છીએ. તેમ છતાં નવા સંદર્ભમાં ફરી એકવાર યાદ કરી લઈએ. આપણા દેશના વિશાળ જમીનના પટની દક્ષિણે તેનાથી ય વિશાળ હિન્દી મહાસાગર આવેલો છે. ઉનાળામાં સૂર્ય માથા ઉપર આવે તેથી ગરમી પડે છે; આ ગરમીથી પાણી કરતાં જમીન વધારે જલદી ગરમ થાય છે. આથી જમીનના સંપર્કમાંથી હવા પણ ગરમ થઈ ઉપર જાય છે. આમ ત્યાં હવાનું દબાણ ઘટે છે. તે જગ્યાએ મહાસાગર પરની ભારે અને ઠંડી હવા ધસી આવે છે. આ થયા ઉનાળાની મોસમના પવનો. સમુદ્ર પરથી આવતા આ પવનો સાથે ભેજ ઉપાડતા આવે છે. ભેજના આ જથ્થામાંથી વાદળાં બને છે. (પવન, ભેજ અને વાદળાં વચ્ચેના સંબંધોની વાત પછીનાં પ્રકરણમાં કરીશું.) આ ભેજ અને વાદળાં દેશમાં જે રીતે આગળ વધે છે, તે આપણું ચોમાસું. કુદરતનો આ ક્રમ એટલો નિયમિત છે કે જૂનની પહેલી તારીખે એ કેરાળામાં મલબાર કિનારે અને દશમી જૂને મુંબઈને કાંઠે અડકે છે. પ્રવાહનો બીજો ફાંટો બંગાળના ઉપસાગરમાંથી દેશમાં દાખલ થાય છે.

    હવામાનના ઘટકો :

    માત્ર આપણી આસપાસ જ મોસમી પવનો વાય છે તેવું નથી. પૃથ્વીના આખા ગોળા ઉપર મોસમી પવનોનો એક નિયત ક્રમ છે, જે વિવિધ વિસ્તારોની આબોહવા નક્કી કરે છે. આબોહવા લાંબાગાળાનું લક્ષણ છે, પરંતુ હવામાન ટૂંકા ગાળાની ઘટના છે. અમુક સ્થળે હવામાનની વાત કરવી એટલે ત્રણ પ્રાચલો (Parameter)ની વાત થાય. એ છે પવનની દિશા અને ઝડપ, સ્થળનું ઉષ્ણતામાન અને હવામાં ભેજનું પ્રમાણ. આપણે જોઈશું કે આ ત્રણનો પાછો પરસ્પર સંબંધ પણ છે. (જેમ કે પવનની ગતિ વધે તો ઉષ્ણતામાન ઘટે.) આ પ્રાચલોમાં દરેક સ્થળે દિવસ દરમિયાન ફેરફાર પણ થતા રહે છે. આપણે પહેલાં માત્ર પવનની વાત કરી લઈએ.

    કુદરત હંમેશાં સમતોલન સ્થાપવાનો પ્રયત્ન કરતી હોય છે. આવું એક સમતોલન હવાનાં દબાણનું છે. અેવાં સમતોલનની શોધમાં પૃથ્વી ફરતેનો હવાનો પ્રચંડ જથ્થો હમેશાં જ આમ-તેમ ધસ્યા કરતો હોય છે. આ બધાં હલનચલનની ઊર્જા સૂર્યમાંથી મળે છે. વાવાઝોડાં જેવા અપવાદને બાદ કરતાં હવાના પ્રવાહો અમુક નિયમ લયમાં જ વહેતા હોય છે. તેનું કારણ છે કે સૂર્ય અને પૃથ્વીનું અંતર, પૃથ્વીનો ધરી સાથે જો ૨૩૦નો ખૂણો, ધરતીના ગુણધર્મો, સૂર્યની ગરમી એ બધું લગભગ નિર્ધારિત જ છે. પૃથ્વીના પરિભ્રમણ કાળ મુજબ સૂર્ય તરફથી મળતી ઊર્જાની માત્રાની વધઘટનું પણ એક વર્ષ- બાર મહિનાનું ચક્ર છે. જ્યારે વધુ ગરમી પડે તેને ઉનાળો કહીએ છીએ અને ઓછો સૂર્યપ્રકાશ હોય તેને શિયાળો. આમ ઋતુઓ થાય છે અને તેને અનુરૃપ પવનના પ્રવાહોમાં પણ ફેરફાર થાય છે. પરંતુ આખા વર્ષનાં એક આવર્તનને ધ્યાનમાં લો તો વરસોવરસ બધું નિયત રીતે જ બન્યા કરે છે.

    સામાન્ય રીતે વિષુવવૃત્ત પર સૌથી વધારે ગરમી પડે તેથી ત્યાંની ધરતી વધારે ગરમ થાય. તેના સંસર્ગમાં રહેલી હવા ગરમ થઈ, હલકી બને અને તેથી ઊંચી ચઢે. તેથી ત્યાં હવાનું દબાણ (પ્રેસર) ઘટે અને નિયમ મુજબ નજીકના વધારે દબાણવાળા વિસ્તારો તરફથી હવા વિષુવવૃત્ત તરફ જાય. ચિત્ર-૨માં બતાવ્યું છે તેમ ઉત્તર તેમ જ દક્ષિણામાંથી વિષુવવૃત્ત તરફ પવનો વાય છે. (પવનની દિશા તીરની દિશામાં માનવી.) બીજી તરફ ઉપર ગયેલી હવા ધ્રુવો તરફ વળે છે – ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર તરફ અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ તરફ. ચિત્રમાં આ યાત્રા ગોળાની ડાબી બાજુ બતાવી છે. ધ્રુવો ઉપર ઠંડી હોવાને કારણે ત્યાંની હવા ઘટ્ટ અને ભારે હોય, તેથી ધ્રુવો પર હવાનું દબાણ વધારે હોય છે. તેથી એ હવા વિષુવવૃત્ત તરફના પ્રવાહમાં જોડાતી રહે છે. એટલે ઉપર આકાશમાં ઊભા ABCD થી બતાવેલ સમતળમાં હવાનું ચક્ર ચાલુ રહે છે.

    ચિત્ર ૨: પૃથ્વી ફરતે પવનોની સામાન્ય દિશા

    આથી એક નિયત સ્થળ A અથવા E ઉપર માણસ ઊભો રહી ઊંચું જુએ તો તેના માથા પર જુદી જુદી ઊંચાઈએ હવા સામસામી દિશામાં ગતિ કરતી હશે. હવા તો દેખાય નહીં પરંતુ જો વાદળાંની ઋતુ હોય તો તેને તેના બે થર દેખાશે, માથા ઉપરનાં વાદળાં અને ખૂબ ઊંચે ખેડાયેલ ખેતર જેવાં કે પીછાં જેવી રચનાવાળાં વાદળાં. એ બંને થરો સામસામી દિશામાં મુસાફરી કરતા હશે. અા બાબતે સૌ પ્રથમ અવલોકન ભારતમાં શ્રી જી.ટી.વૉકર નામના અંગ્રેજ સજ્જને કર્યા. તેઓ છેક ૧૯૦૮માં કેમ્બ્રિજ છોડી અહીં હવામાન ખાતાના વડા બનીને આવેલા. બીજા એક અંગ્રેજ હેડલીએ પણ આ થરોનો અભ્યાસ કર્યો.

    વૈશ્વિક સ્તરે પવનના પ્રવાહોની આ સાદી સમજ થઈ. વાસ્તવમાં સ્થિતિ થોડી સંકુલ છે. ધ્રુવ પરથી હવા સીધી વિષુવવૃત્ત સુધી નથી આવી પહોંચતી. ‘જેટ સ્ટ્રીમ‘નામના પ્રવાહો ત્યાં નજીકમાં જ જુદું ચક્ર બનાવે છે તેવી રીતે વિષુવવૃત્ત પાસે ઉપર ગયેલી હવા પણ વચ્ચેના અક્ષાંશો પાસે જ ઠંડી થઈ જાય ઉતરી આવે છે. એટલે આકૃતિમાંનું ચક્ર ABCD ખરેખર ત્રણ પેટા ચક્રોમાં વિભાજીત છે. તે ઉપરાંત પૃથ્વીની ધરીભ્રમણની પશ્ચિમથી પૂર્વની પ્રચંડ ગતિના કારણે પવનો ડાબા-જમણા મરડાય પણ છે, એ વિષે પછી જોઈશું.

    આપણા ચોમાસા માટે વિષુવવૃત્ત નજીકના પ્રવાહો અગત્યના છે. બંને ગોળાર્ધમાંથી હવા અહીં આવી મળે છે અને ઉપર જાય છે. આ એક સાંકડો પટ્ટો છે જે ચિત્ર ૩માં કાળી જાડી રેખાથી બતાવ્યો છે. તેને Inter Tropical Convergence Zone કે આંતરવૃત્તિય મિલન પટ્ટો(ITCZ) કહે છે. વિષુવવૃત્ત કરતાં એ થોડો ઉપર કે નીચે હોય છે. ચોમાસાં સિવાયના સમયે તે મોટાભાગે હિન્દ મહાસાગર પરથી જ પસાર થાય છે. નાવિકો તેને “ડોલ્ડ્રમ“ Doldrum તરીકે ઓળખે છે કારણ કે સઢવાળાં વહાણના જમાનામાં અહીં ગતિ રોકાઈ જતી અથવા ગમે તે તરફ જતી. ઉનાળામાં આપણા દેશનો મોટો જમીનનો ભાગ સમુદ્ર કરતાં વધુ ઝડપથી ગરમ થાય તેથી તેની ઉપરની હવા ઉપર જવા લાગે છે. આથી પ્રવાહોના મિલનનો પેલો ITCZ પટ્ટો સરકીને ઉપર આવે છે. જુલાઈ મહીનાની તેની જગ્યા ટપકા વળી જાડી લીટીથી બતાવી છે. સમુદ્રને બદલે હવે એ ધીરે ધીરે ભારતની ધરતી પર આવતો જાય છે.

    ચિત્ર ૩ : આંતરવૃત્તીય મિલન પટ્ટો

    આપણે અગાઉ ચિત્રમાં જોયું હતું કે વિષુવવૃત્તની દક્ષિણના ક્ષેત્રોમાં પવનો ઉત્તર તરફ જતા હતા અને તેના ઉપરના ભાગમાં પવનો દક્ષિણ તરફ વાતા હતા. હવે પટ્ટો જેમ ઉપર તરફ ખસતો જાય છે, તેમ ક્રમશઃ પવનની દિશા ઉલટાવા માંડે છે. એ જયારે વિષુવવૃત્ત પાર કરે તે પછી જ્યાં પહેલાં પવનો વિષુવવૃત્ત તરફ જતા હતા, તે હવે વિષુવવૃત્ત દિશામાંથી આવવા લાગે છે. આ ચોમાસું બેસવાની નિશાની છે. જેમ જેમ પટ્ટો ઉપર ખસતો જાય તેમ તેમ ચોમાસું આગળ વધતું જાય.

    ચિત્ર ૪ : પવનની ગતિની સંજ્ઞાઓ

    ઉત્તર ગોળાર્ધમાં જ્યારે શિયાળો બેસે ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હોય છે. ત્યારે આ પટ્ટો પાછો દક્ષિણ દિશામાં ખસે છે અને ઓસ્ટ્રેલિયાને શિયાળુ વરસાદ આપે છે. આકૃતિ ૧માં વિશ્વના એવા વિસ્તાંરો બતાવ્યા હતા જ્યાં વરસાદની અલાયદી ઋતુ હોય. આ એવી જગ્યાઓ છે જ્યાં ધરતીનો મોટો ખંડ સમુદ્રની સામે પડતો હોય અને વિષુવવૃત્ત પાડોશમાંથી પસાર થતી હોય. સમુદ્ર એટલે ભેજનો સ્રોત. પવન, ભેજ અને વાદળાંનો સંબંધ આવતાં પ્રકરણમાં સમજશું.


    ક્રમશઃ


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.


    ઇ-બુક સ્વરૂપે એ ‘આપણું આગવું ચોમાસું‘ [ASIN ‏ : ‎ B0B7XJS5Y4] એ શીર્ષક હેઠળ એમેઝોન.ઈન પર ઉપલ્બ્ધ છે. તેમજ, આ પુસ્તકની મુદ્રિત આવૃતિ નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ / અમદાવાદ દ્વારા પ્રકાશિત થયેલ છે.

  • સ્મૃતિસંપદા – પ્રીતિ શાહ-સેનગુપ્તા, ન્યુયોર્ક શહેર [૧]

    વિશ્વના સાતેય મહાખંડના અનેક દેશો અને વિવિધ સંસ્કૃતિઓ સાથે એકરૂપ થઈ વિશ્વમાનવની કક્ષાએ પહોંચેલાં એકલપ્રવાસી પ્રીતિ સેનગુપ્તાનું નામ વિશ્વગુર્જરી એવોર્ડ ઉપરાંત ગુજરાતી સાહિત્ય અને અકાદમી તથા અન્ય સંસ્થાઓ દ્વારા મળેલા પુરસ્કારો સાથે જોડાઈને ગુજરાત માટે ગૌરવવંતુ બન્યું છે. જગતની કોઈ પણ સ્ત્રી જેમાંથી પ્રેરણા અને હિંમત મેળવી શકે તેવું અનુભવોનું અમૃત એમનાં લખેલાં પચાસથી વધારે પુસ્તકોમાં છલકાતું જોવા મળે.

    અંગ્રેજીમાં માસ્ટર્સની પદવી મેળવ્યા પછી અમેરીકામાં વર્ષોથી રહેતાં હોવા છતાં ગુજરાતી ભાષા પરનું એમનું પ્રભુત્વ પણ વિરલ છે. દસેક જેટલા વિદ્યાર્થીઓ જેમનાં લેખનકાર્ય પર PhD કરે છે તે પ્રીતિ શાહ સેનગુપ્તાનો જન્મ અમદાવાદમાં થયો હતો. ૧૯૬૮થી તેઓ અમેરિકામાં સ્થાયી થયાં છે. હાલ ફ્લોરિડા રાજ્યમાં તેઓ તેમના પતિ સાથે રહે છે.

    સૌનાં મિત્ર એવાં પ્રીતિ સેનગુપ્તાએ અનેક દેશોનો અનેકવાર પ્રવાસ કરીને મૈત્રીનાં પુષ્પો ખીલવ્યાં છે. આ દરમ્યાન તેઓ અનેક વિશ્વવિખ્યાત મહાનુભવોના સંપર્કમાં પણ આવ્યાં છે. ઉત્તરધ્રુવની હાડ ગાળી નાખે તેવી બર્ફિલી ભૂમિમાં, ત્યાં સુધી સાથે પહોંચેલા દસ સભ્યોની ટુકડી વચ્ચે ભારતનો ધ્વજ લહેરાવીને વંદન કરતી એકમાત્ર નારી તરીકે અનેક માટે વંદનીય બની રહેલાં પ્રીતિ સેનગુપ્તા ગુજરાતીઓનું ગૌરવ છે.

    Email: preetynyc@aol.com


    : : વજ્ર સમ કઠોર, કુસુમ સમ ઋજુ : :

    પુથ્વી પરના ભ્રમણ દરમ્યાન જોયેલી અસંખ્ય નદીઓ – સાબરમતી, હડસન અને વચમાં હુગલી, વોલ્ગા, એમેઝોન, ઓકાબુકો, મિસિસિપિ જેવી અનેક – તે બધીમાં ઘણું ઘણું પાણી વહી ગયું છે, ને સાથે, જીવનનાં વર્ષો, નાનકડા શઢવાળી નાવની જેમ, એ પ્રવાહ પર ડગમગતાં ગયાં છે. સરળ વહેણ પર આનંદની, તેમજ તોફાન દરમ્યાન ભયની ઘણી બધી પળો યાદ પણ નથી; બલ્કે, એમને ભૂલવાનો ઉદ્યમ જ વધારે રહ્યો છે.

    અલબત્ત, અમેરિકામાંનાં શરૂઆતનાં દસેક વર્ષો દરમ્યાન દેશ-ઝુરાપો ઉત્કટ રહ્યો, આગલી યાદો મનમાં જકડાયેલી રહી, અને વિયોગનાં, વિયુક્તિનાં, વિચ્છેદનાં આંસુ સતત વહેતાં રહ્યાં. પણ ખૂબ ધીરે ધીરે કરતાં, જીવન વિષેની સમજણ વિકસતી ગઈ, અને દરેક બાબતની સ્વીકૃતિનો અભિગમ સ્થાયી થયો. અલબત્ત, આ દરમ્યાન જીવ મુંઝાતો પણ રહ્યો, કે હું કોણ છું? પછી એક સૉનેટમાં કૈંક આમ લખ્યું, કે મારા અસ્તિત્વની ગરિમા ક્યાં કેન્દ્રસ્થ થયેલી છે? – પૂર્વમાં કે પશ્ચિમમાં? છેલ્લે, પરિવર્તન પામેલી આંતર્ચેતનાની સમજણ વ્યફ્ત થઈ છે, કે મારા મનનું વિશ્વ દિશા ને દેશોની સીમાઓથી પરે, અસામાન્ય રીતે, સ્થિત છે.

    +                         +                         +

    સૌ પ્રથમ અમેરિકાના મહાનગર ન્યુયોર્કના જે.એંફ.કે. વિમાનમથકે ઊતરી ત્યારે આછા ભૂરા રંગની સાડી પહેરેલી, એવું હજી આછું આછું યાદ છે. સાડી શું કામ પહેરી હશે? ઘેર તો હંમેશાં ફ્રૉક જ પહેરતી હતી. પણ મનમાં શું એમ હશે કે કયાંક જઈએ છીએ, તો તેયાર થવું જોઈએ? એ પ્રારંભિક કાળમાં કોઈને હજી કશો ખ્યાલ જ ક્યાં હતો અમેરિકા આવવું એટલે શું તેનો?

    અમેરિકા-પ્રવેશ માટેના સાઠના દાયકાનાં છેલ્લાં વર્ષોના નિયમ પ્રમાણે પાંસળીના એંફસ-રેનું
    મોટું પેકેટ હાથમાં હતું, તે ય યાદ છે. અમદાવાદથી નીકળતાં ખૂબ રડી હતી, પણ પછી, મુંબઈથી ન્યુયોર્ક સુધીમાં, વિમાનમાં એકલાં બેઠાં બેઠાં, નિરાધારપણે, આંસુ વધ્યાં હતાં કે નહીં, તેનું કોઈ સ્મરણ નથી. જે.એફ.કે.થી બીજી ફલાઇટને માટે બીજા એરપોર્ટ પર જવાનું હતું. ત્યારે તો જેનું નામ પણ ખબર નહતી એ લગવાર્ડિયા એરપોર્ટ પર કઈ રીતે જવાનું તે હું ક્યાંથી જાણં? એંરલાઈન દ્વારા ત્યાં લઈ જવાની ગોઠવણ થઈ હતી, એવો કૈંક ખ્યાલ છે.

    +                         +                         +

    એમ નહતું કે ભારતમાં | ગુજરાતમાં| અમદાવાદમાં જીવન સંકુચિત હતું. બીલકુલ નહીં. જીવન સાધન-સંપન્ન અને આધૂનિક હતું, મોટા બંગલામાં રહેવાનું હતું, કામ કશું જાતે કરવાની જરૂર જ નહીં. રસોડામાં તો મહારાજ- એટલેકે બ્રાહ્મણ રસોઇયા હોય, ત્યાં તો જવાય જ નહીં, ને તેથી રસોઈ શીખવાનો પ્રશ્ર જ નહતો. પણ બીજી પ્રવૃત્તિઓ ક્યાં ન હતી?

    જાતજાતની કળાઓ શીખી, બહોળું વાંચન રહ્યું, ને વર્ષમાં બે-ત્રણ વાર બહારગામ જવાનો રિવાજ હતો. આ બધી દિશાઓ ઘરમાંથી, કુટુંબ દ્વારા જ, ખુલતી ગઈ હતી.

    કળાઓ લઈએ તો ભરતકામ જેવું તો મમ્મીએ જ પાસે બેસાડીને શીખવાડવા માંડ્યું હોય. ચિત્રકામ શીખી, ચિત્રો કર્યા, ને મમ્મીના કેટલાયે સાલ્લા પર બોર્ડર, પાલવ ને બુટ્ટા મે ચિતરી આપ્યાં હતાં. શાસ્ત્રીય સંગીત શીખવા માંડ્યું. પછી મારું મન રવીન્દ્ર-સંગીત તરફ અને ઉર્દુ ગઝલો તરફ ખેંચાયું. એ બંને રીતની ગાયકી હું કૈંક ઊંડાણથી શીખી, ને એ બંને ભાષાઓનો અભ્યાસ પણ જીવનભરનું આકર્ષણ બનીને રહ્યો છે.

    સ્કૂલમાં ભરતનાટયમ્‌ નૃત્યના ક્લાસ શરૂ થયા, તો તરત મને એમાં દાખલ કરી દીધી. નાટકમાં પણ ખૂબ રસ હતો. એક બાજુ હું ખૂબ શરમાળ. આંખો ઊંચી ના થાય, અને બીજી બાજુ સ્ટેજ ઉપર પાત્રને પ્રોજેફ્ટ કરી શકતી. કોલેજમાં પણ નાટક કર્યા. હજી એક કળા છે, જે હું શીખી, અને એમાં ખૂબ પારંગત થઈ. એ કળા તે બાટિક. હું નવા નવા રંગોના સંમિશ્રણ કરવા લાગી, અને રેશમી સાડીઓ બનાવવા લાગી. અન્યો તરફથી ઓર્ડર પણ મળવા માંડ્યા. પછી તો હું મિલની છાપેલી સાડી પહેરું તોયે બધાં પૂછે, “આ તેં કરી છે?” આવું સાંભળીને મનમાં બહુ ખુશી થાય !

    ભણવામાં પણ બહુ જ મઝા પડે, ને નંબર બીજો તો આવે જ. લખવાનું પણ શરૂ થઈ ગયેલું. સ્કૂલમાં હતી ત્યારથી જ પ્રવાસ-નિબંધ તેમજ કાવ્યો લખતી હતી, ને શાળાના સામયિકમાં તેમજ બીજે ક્યાંક ક્યાંક છપાતાં પણ હતાં. કોલેજ દરમ્યાન એક અંગ્રેજી છાપામાં લખતી થઈ હતી. વળી, નાનાં નાટકો લખીને મિત્રો સાથે ભજવ્યાં પણ ખરાં! આમ મૌલિક સર્જન થવા માંડ્યું એના કારણમાં કદાચ મારું અનવરત વાંચન હશે. ગુજરાતી, હિન્દી, બીજી ભાષાના ગુજરાતી અનુવાદો, અને અંગ્રેજી સાહિત્યનાં ખૂબ પુસ્તકો વાંચ્યાં. વર્ષગાંઠ પર શું જોઈએ છે, એમ પુછવામાં આવે, તો તરત જવાબ હોય, “ચોપડીઓ !”

    અમદાવાદમાં કોઈ પણ કાર્યક્રમ હોય, અને એને વિષે છાપામાં વાંચ્યું હોય, અથવા રસ્તા પર એની જાહેરાતનું બોર્ડ જોયું હોય, ને એ જોવા જવાનું મન થયું હોય. પછી ઘેર આવીને જોઉં તો મમ્મીએ ટિકિટો મંગાવી જ લીધી હોય.. ક્યારેક અંગ્રેજી, કે હિન્દી નાટક કે વાતીલાપ હોય, કે બંગાળી ફિલ્મ આવી હોય, તો અચૂક જોવા-સાંભળવા જવાનું.

    આ રીતે વિવિધ બાબતો શીખવાનું, જોવાનું, જાણવાનું, સમજવાનું નાનપણથી જ શરૂ થયેલું. ત્યારે તો મનમાં સ્પષ્ટ કોઈ જ ખ્યાલ ન હતા, કે ન હતી આટલા બધા શોખ ને રસને લીધે પણ જાત માટેની હોશિયારી કે સભાનતા. જીવનમાં ખાસ્સો વિરોધાભાસ હતો એમ તો – એક બાજુ પ્રવૃત્તિઓનો પાર નહીં, ને બીજી બાજુ મોટાં કહે તેમ જ કરવાનું, ને શિસ્ત રાખવાની. વળી, હું માનું છું કે મારા ગાંધીવાદી પિતા તરફથી હું આદર્શવાદ (Idealism) પામી, ને મારાં કળાપ્રિય મા પાસેથી સૌદર્યવાદ (Aesthetics). જેમ દરેક સુંદર વસ્તુ ગમતી થઈ, તેમ કરુણા તે અનુકંપાના, તથા ગમતું બધું ખરીદવાની બિન-જરુરિયાત માટેના સિદ્ધાંત મનમાં સ્થાયી થતા ગયા. વિવેકાનંદ અને ગાંધીજી વાંચતી હતી, મન પર એની છાયા, તેમજ સાદગી હંમેશાં માટે રહ્યાં.

    છેક શરૂઆતથી જાણે કેટલાંક દ્વન્દ્વ મારા જીવનનો, તેમજ મારા વ્યક્તિત્વનો, ભાગ બનેલાં છે. જેમકે, વલણ હંમેશાં ગંભીર હોય છે, પણ એને લીધે મનમાં સહજ આનંદની ગેરહાજરી નથી હોતી. વળી, કાળક્રમે બીજાં દ્વન્દ્વ ચિત્તમાં આલેખાતાં ગયાં, જેમ કે ઇન્ડિયા ને અમેરિકા, ગુજરાત ને બંગાળ, ગાંધી ને ટાગોર, સરદાર પટેલ ને વિવેકાનંદ, અમદાવાદ ને ન્યુયોર્ક શહેર; ને સૌથી વધારે તો, લેખન અને પ્રવાસ, એટલેકે ઘર અને આખી દુનિયા. લેખનને લીધે મને ઘરમાં રહેવાનું કારણ મળ્યું, તો પ્રયાણોને લીધે વિશ્વ આખાને પામી શકી. તેથી જ વિરોધી જેવા આ શબ્દો – કે મનોમન મક્કમ નિર્ધારયુક્ત (વજૂ સમ દૃઢ) પણ ખરી, અને ઊંડી સંવેદનશીલતાયુક્ત (કુસુમ સમ ઋજુ) પણ ખરી.

    જે આવશ્યક નહોતું બન્યું તે હતું કૃત્રિમ ધાર્મિકતાનો આગ્રહ. મમ્મી એમનાં જમાના અને જીવન પ્રમાણે ધર્મ અને ધાર્મિક પ્રવૃત્તિઓને અનુસરતાં. હું મન થાય ત્યારે હાજરી આપતી, પ્રસાદનો આનંદ લેતી, પણ કોઈ કિયાકાંડ કરવાની કે શીખવાની ફરજ પડી નહતી. ચોક્કસ, રામાયણ-મહાભારતની તથા અન્ય પૌરાણિક કથાઓ હંમેશાં સાંભળવા મળતી જ, અને ઘરમાં રોજ ગવાતાં પદો, શ્લોકો અને ભજનો પણ આપોઆપ મુખસ્થ થતાં ગયાં.  આ થયું વૈષ્ણવ ઘરની સ્વાભાવિક સંસ્કૃતિનું મનની અંદરનાં મૂળ સુધીનું સિંચન.

    આ આખી વાત છે તો એક વ્યક્તિનાં સર્વ-સાધારણ જીવનની, પણ જે અર્થઘન બાબત છે તે આ, કે નાનપણમાં જે જે જાણ્યું, જે રસ વિકસ્યા, જે મૃલ્યો કેળવાયાં તે બધું જ એ સાંસ્કૃતિક મૂળના આધારરૂપ રહ્યું. પરદેશમાંના લાંબા વસવાટ પછી, તથા એક નહીં, અનેક પર-દેશોનાં વિશિષ્ટ પાસાંને સમજ્યાં, ને ક્યારેક અપનાવ્યા પછી પણ, એ મૂળ ઊંડાં ઊતરતાં રહ્યાં. એ ક્યારેય સૂકાયાં નહીં, બલ્કે ફાલતાં રહ્યાં.

    સ્વ-મહત્ત્વના કે કોઈ મહત્ત્વાકાંક્ષાના કશા પણ ખ્યાલ નહતા, પણ એ કુટુંબદત્ત મૂળનું જેટલું ઊંડાણ રહ્યું તેટલો એમનો વ્યાપ પણ થતો ગયો. તેથી, હું જેટલી ભારતીય રહી તેટલી જ સર્વ-દેશીય પણ  બનતી ગઈ. આ જે પ્રક્રિયા અને પરિણામ હું પામતી રહી તે જ છે મારા જીવનમાંનો કશો પણ વિશિષ્ટ અંશ.

    +                         +                         +

    હું અમેરિકા જઈ રહી હતી, આગળ અભ્યાસ માટે, અને તદ્દન એકલી. આને જ કહેવાય ફરી જન્મ લેવો તે? સાવ નવી જગ્યાએ નવી જ જિંદગી શરૂ થવાની હતી. તે વખતે તો એમ જ, કે ક્યારેય ભારત જવાનું થશે જ નહીં. એ વાસ્તવિકતાનો ખ્યાલ અત્યંત કારમો હતો. ખરેખર તો, દેશ છોડતાં પહેલાંના ઘણા મહિનાઓથી જીવ કલ્પાંત કરવા લાગ્યો હતો, કે આ ધરતીથી દૂર જવાનું છે?, આ હવાથી દૂર થવાનું છે?

    ન્યુયોર્કના વિમાન-મથકે કોઈ લેવા આવનારું હતું નહીં. જ્યાં ભણવાનું હતું ત્યાં કોઈ ઓળખીતું હતું નહીં. પહેલા કેટલાક દિવસ વ્હાય.ડબલ્યુ. સિ.એ.માં રહી. પાણી યે ના ભાવે, અને શાકાહારી ખાવાનું ક્યાં મળે તે પણ ખબર ન હતી. સારું હતું કે નાની ઉંમરે ઓછું ખાઈને, નહીં ખાઈને ચલાવી લેવાતું હતું. પછી કોઈ અમેરિકન દપતીના ઘરમાં રૂમ ભાડે લીધો. ત્યાં રસોડાની સગવડ હતી, પણ રસોઈ કરતાં કોને આવડતું હતું? કાચું-કોરું બનાવી-ખાઈને દહાડા કાઢ્યા હશે, એમ માનું છું. એક વાત યાદ છે કે મહિનાઓ સુધી ક્યાયે ઘઉનો લોટ દેખાયો નહતો. મેંદાના લોટની ભાખરી બનાવીને ખાધા કરી હતી, ને પેટમાં દુઃખાવો થઈ આવ્યો હતો. વળી, બધું કામ જાતે કરવાના પણ આ દહાડા હતા. ટુવાલ, ચાદરો ને બીજાં
    કપડાં હાથે ધોતી હતી. ઈસ્ત્રી નહતી, તો કપડાં સરખાં વાળીને ખુરશીની ગાદી નીચે મૂકી દેતી. એના પર બેસતાં રહેવાથી ઈસ્ત્રી થઈ જતી !

    કોલેજ જવા માટે એક મોટો રસ્તો ઓળંગી, એ પછીના રસ્તા પરથી બસ લેવાની, એટલું જાણી લીધું હતું. કૅમ્પસ પર ગાડીઓનો પાર નહીં. અહીં બધાં પોતાની ગાડી લઈને આવે? આવો પ્રશ્ર પહેલાં પહેલાં થતો રહેલો. પછી એ રીતથી ટેવાઈ જવાયું. અમેરિકાના જીવનની જાતજાતની વાસ્તવિકતા જોવા-સમજવાની આ તો હજી શરૂઆત હતી. છોકરીઓ માટેની કોલેજ હતી, એટલે રૂપાળી ગોરી છોકરીઓ કેમ્પસના બગીચા જેવા કમ્પાઉન્ડમાં દેખાતી રહેતી. મારે કેટલીક સરસ મૈત્રી થઈ ત્યાં.

    ભણવાનું તો ખૂબ મોંઘું લાગે. તો ડીનની સાથે વાત કરતાં મારે માટે કોઈ ઉપાય શોધાવા લાગ્યો. વિચાર કરીને, ફીને બદલે, કાલિદાસનું “શાકુંતલ’ અને રવીન્દ્રનાથનું “ગીતાંજલિ” પુસ્તક (બંને અંગ્રેજીમાં) ભણાવવાની સ્કોલરશિપ મને આપવામાં આવી. ભારતની બહાર ભણાવવાની રીત બહુ જુદી હોય, તે મારે સમજવું ને શીખવું પડ્યું. હજી તો હમણાં જ, આ પહેલવહેલી જ મેં અમેરિકાની કોલેજ જોઈ હતી. અમેરિકન યુવતીઓ ખૂબ ધ્યાનપૂર્વક મને સાંભળતી રહી, અને કેટલીકે વાર્ષિક નિબંધોમાં આ અનુભવને અત્યંત ઊંડો અને અર્થપૂર્ણ તરીકે વર્ણવ્યો.

    આમ પૈસાની તાણ, પણ કૉર્લેજના રસ્તામાં આવતા એક થિયેટરમાં જો ઍડવર્ડ આલ્બિ કે ટૅનૅસિ વિલિયમ્સ જેવા અમેરિકન લેખકોનાં સાહિત્યિક નાટકો પરથી બનેલી ફિલ્મ ચાલતી દેખાય તો પાછાં જતાં બસમાંથી ઊતરી જાઉં, ને એ ફિલ્મ જોઉં ત્યારે જ જાણે મનમાં શાંતિ થાય! અલબત્ત, ઘણો આનંદ પણ. હું અંગ્રેજી ને હવે અમેરિકન સાહિત્યની અભ્યાસી, તેથી આવી ફિલ્મો જોઈને જાણે જીવને પોષણ મળે.

    અમેરિકામાંના પહેલા જ વર્ષમાં એક અત્યંત મોટું સદ્‍ભાગ્ય મને મળ્યું. હવે તો યાદ નથી, કે છએક મહિનાની અંદર જ મેં, અમેરિકામાં સ્થાયી થવા માટે જરૂરી એવા, “ગ્રીન કાર્ડ” માટે અરજી કરવાનો વિચાર કયાંથી કર્યો હશે. તે કાળે પાંચ વર્ષ રહેવું પડે તેવા કોઈ નિયમ હતા. દોઢેક મહિનામાં ઈન્ટરવ્યુ પણ આવી ગયો. મને પુછવામાં આવ્યું, “અમેરિકામાં રહીને શું કરવા માગો છો?’ મારામાં આમ તો ખાસ કોઈ વહેવારુ બુદ્ધિ નહીં. ઉછરેલી જ કુટુંબની સુરક્ષિતતામાં. પણ એ ઘડીએ મને જે જવાબ સૂઝ્યો એણે અમેરિકામાં રહેવાની સમસ્યાનો નિકાલ કરી આપ્યો. મેં (કશા અણધાર્યાં) ડહાપણપુર્વક કહ્યું હતું, “હું ટીચર બનવા માગું છું.” ઈમિગ્રેશન ઓફીસરને એ જવાબ સંતોષકારક લાગ્યો હશે, તે મારી અરજી સ્વીકારાઈ ગઈ. બીજાં કેટલાંક અઠવાડિયાંમાં, પરવાનગીની સાબિતીરૂપે, ભૂરા રંગનું “ગ્રીન કાર્ડ” મારા
    હાથમાં આવી ગયું.

    અરજી કર્યા પછી ત્રણ જ મહિનામાં મને આ પ્રાપ્તિ થઈ ગઈ હતી. જિંદગીમાં પહેલી જ વાર મેં જાતે કશું પણ અગત્યનું વિચાર્યું હતું, એને અંગે આવશ્યક ગોઠવણ કરી હતી, અને સફળ પરિણામ મેળવ્યું હતું. ને આ હતો મારા નિજી જીવનમાંનો પહેલો ‘જાદુઈ’ અનુભવ. જાણે મારા જીવનની નોકાનું સુકાન હવે મારા પોતાના હાથમાં હતું.

    હવે હું નોકરી કરી શકું તેમ હતી, પણ હજી માંડ થોડા પૈસા હતા, ને કોઈ પાશ્ચાત્ય કપડાં પણ નહીં. ઘેર રોજ પહેરતી હતી તેવાં કોઈ ફ્રૉક કે સ્કર્ટ હું સાથે લાવી નહતી. કેમ્પસ પર તો ઘેરથી લાવી હતી તે રેશમી સાડીઓ હું પહેરતી. એકાદ ડ્રેસ ખરીદી શકાત, પણ રોજ નોકરીમાં તો કેટલાં બધાં કપડાં જોઈએ. તેથી નોકરી શોધવા જતાં હું ચુડીદાર-ફૂરતું પહેરતી હતી. એ કાળે “ગ્રીન કાર્ડ” મેળવવામાં ખાસ કોઈ નિયમ ન હતા, પણ નોકરી પર સ્ત્રીએ શું પહેરવું તેના નિયમો હતા ! ચુડીદાર એટલે પેન્ટ કહેવાય, અને એ સમયે સ્ત્રીઓને ઓંફીસોમાં પેન્ટ પહેરવાની છૂટ ન હતી. છતાં, કોઈ બૅન્કમાં કે મોટી ઓફીસમાં તો નહીં, પણ એક નાની જગ્યાએ નોકરી મળી તો ગઈ. પણ થોડા જ વખતમાં એ છોડી દઈને મેં ન્યૂયોર્ક જતાં રહેવાનો નિર્ણય કર્યો.

    જોકે એ પહેલાં, નોકરી ત્યજીને, હું “ધ બહામાઝ’ નામના દ્વીપ-દેશમાં જઈ આવી. “ગ્રીન કાર્ડ” હતું તેથી જ અમેરિકાની બહાર જઈ શકાયું. નોકરી, કરિયર, આવકમાં રસ નહીં, પણ અન્ય સ્થાન જોવામાં ત્યારથી જ ઘણો વધારે રસ હશે, એમ કહી શકું છું. કોલેજમાં સારી મિત્ર બની ગયેલી પામેલા “ઘ બહામાઝ’ની હતી, ને એણે મને એનાં માતા-પિતાને ઘેર જવા આમંત્રણ આપ્યું હતું. આને હું મારું “અમેરિકન બાળપણ” કહું છું. પ્રવાસી તરીકેનો આ સ્પષ્ટ આરંભ હતો. પામેલા હજી પણ મારી નજીકની મિત્ર રહેલી છે. એ ઈગ્લંડમાં વસે છે, ને એનાં વર અને દીકરીઓને માટે હું કુટુંબની સદસ્ય છું.


    ક્રમશઃ

  • પેટ માટે રોટલો, રોટલા માટે જમીન, જમીન માટે ઝૂઝવાનું

    નિસબત

    ચંદુ મહેરિયા

    જમીન સરકાર માટે મહેસૂલની આવકનું સાધન, સ્થાપિત હિતો-ઉદ્યોગકારો માટે નવું આર્થિક ક્ષેત્ર અને નફો, પર્યટકો માટે નવું પર્યટન સ્થળ, તો જમીનદારો માટે ગામમાં સ્ટેટસ સિમ્બોલ છે. પણ દલિત,આદિવાસી, વંચિત,પછાત, ગરીબ માટે તે જીવન છે, રોટલો રળવાનો એકમાત્ર આધાર છે. સરકારસહિતના સ્થાપિત હિતો જમીનો ઝૂંટવતા રહે છે. જમીનદારો માટે તે ગરીબોના શોષણનું સાધન છે. એટલે જમીનવિહોણાઓને જમીન મેળવવા કે મળેલી જમીન ટકાવવા સતત ઝૂઝવું-ઝઝૂમવું પડે છે.

    સ્વતંત્ર ભારતમાં સરકારે જમીનદારી-ગિરાસદારી નાબૂદ કરી હતી. ૧૯૪૮માં અસ્તિત્વમાં આવેલા સૌરાષ્ટ્ર રાજ્યમાં મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબરની ઈચ્છાશક્તિ અને સમજાવટને લીધે ભૂમિસુધાર કાયદાનો દ્રઢતાપૂર્વક અમલ થયો હતો. તેથી એ સમયે ‘કણબી’ કે ‘ભોંયખોદિયા’ તરીકે ઓળખાતા ઘણાં પાટીદાર ગણોતિયાઓ જમીનમાલિકો બન્યા હતા. ૧,૭૨૬ ગામોના ૫૧, ૨૭૮ ગરાસદારોની ૨૨.૫૦ લાખ એકર જમીન પટેલ ગણોતિયાઓને મળી હતી. આજે સર્વક્ષેત્રે પટેલોના વર્ચસના મૂળમાં તેમની આ જમીન માલિકી છે.

    જોકે સૌરાષ્ટ્ર રાજ્યમાં કોઈ દલિત ગણોતિયાને આ કાયદા હેઠળ જમીનો મળી નહીં, તેનું રહસ્ય સમજવું અઘરું છે. રિપબ્લિકન પાર્ટીના ૧૯૫૮ના કાનપુર અધિવેશને ઠરાવ્યા મુજબ ગુજરાતમાં ભૂમિહીન દલિતોને સરકારી પડતર જમીનો આપવા પક્ષે આંદોલન ઉપાડ્યું હતું. એ વખતની સરકારે આશ્વાસનો આપ્યાં, પણ અમલ ન કર્યો. ૧૮મી ઓગસ્ટ,  ૧૯૬૦ના દિવસે નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રથમ સત્રના પ્રથમ દિવસે રાજ્યભરના દલિતોએ અમદાવાદમાં વિધાનસભા સમક્ષ દેખાવો કર્યા હતા. સૌરાષ્ટ્રમાં ઠેરઠેર આંદોલન ચાલ્યું હતું. ફેબ્રુઆરી, ૧૯૬૧માં ભાવનગરમાં ભરાયેલા કોંગ્રેસના રાષ્ટ્રિય અધિવેશન સામે પણ દલિતોએ દેખાવો કર્યા હતા. સતત સંઘર્ષ અને સત્યાગ્રહો પછી સૌરાષ્ટ્રના દલિતો સરકારી પડતર જમીનો મેળવવામાં સફળ થયા હતા.

    ગુજરાત રાજ્યની કુલ ખેડાણલાયક જમીનમાં દલિતોનો હિસ્સો નગણ્ય જ છે. એ સંજોગોમાં તેમને ભિન્ન ભિન્ન ભૂમિ સુધાર કાયદાઓ હેઠળ જમીનો મળવી જોઈતી હતી. ૧૯૪૮ના ગણોતધારા અને ૧૯૬૧ના જમીન ટોચમર્યાદા ધારા હેઠળ ગણોતિયા અને જમીનવિહોણાને જમીન આપવાની જોગવાઈ છે. સરકારી માલિકીની જમીન ચોક્કસ રકમનું ભાડું(સાંથ) લઈને ભૂમિવિહોણા ખેતકામદારને ચોક્કસ સમય માટે ફાળવવાની, આવી સાંથણીની જમીન અમુક વરસોના ખેડ હક પછી તે ખેડનારને આપવાની જોગવાઈ છે.

    રાજાશાહી કે અમલદારશાહીના જમાનાની વેઠના બદલામાં કે ગામના જમીન દફતર પરની પડતર જમીન ભૂમિહીનોને આપવાની પણ કાયદામાં જોગવાઈ છે. પરંતુ જમીન અંગેની કાયદાકીય જોગવાઈઓ કરતાં જમીની વાસ્તવિકતા સાવ જ જુદી છે. દલિતોને આવા નિયમો કે કાયદાઓ તળે જમીનો મળતી જ નથી કે પછી જ્યાં મળી છે ત્યાં  તેઓ કાયદેસરની વિઘોટી ભરતા હોવા છતાં જમીનોનો  કાયદેસરનો  કબજો તેમની પાસે નથી. ઘણાં ગામોમાં સાંથણીની જમીનોની કાં તો માપણી જ નથી થઈ કે માત્ર કાગળ પર ફાળવણી થઈ છે. વાસ્તવિક કબજો અપાતો નથી. ગુજરાતમાં જેતલપુર, ગોલાણા, સોઢાણા અને અન્ય દલિત હત્યાકાંડોના મૂળમાં દલિતોનો જમીનનો સવાલ રહેલો હતો.

    જંગલ સાથે આદિવાસીનો અભિન્ન નાતો છે.તેઓ પરંપરાગત રીતે પેઢીઓથી જંગલની જમીનો ખેડે છે અને વનપેદાશો પણ મેળવે છે. પરંતુ અંગ્રેજોના પગલે દેશી સરકારે પણ જંગલ જમીનો ખેડવા પર બંધી ફરમાવી હતી. ગુજરાતના આશરે ૧૮,૦૦૦ માંથી ૪૭૩૨ ગામો વનવિસ્તારમાં આવેલા છે. પૂર્વપટ્ટીના આદિવાસી જિલ્લામોમાં જંગલ જમીન નામે કરવા લાંબો સંઘર્ષ ચાલ્યો હતો. તેના પરિણામે ઘણા આદિવાસીઓને જંગલ જમીનની સનદો આપવી પડી હતી. ગુજરાત ઉપરાંત છત્તીસગઢ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ,  પશ્ચિમબંગાળ અને ત્રિપુરામાં જંગલ જમીનો નામે કરવાનો સવાલ હતો.કેન્દ્ર સરકારના વન અધિકારોની માન્યતા અધિનિયમ-૨૦૦૬ અને નિયમો-૨૦૦૭ના આધારે જંગલ જમીન ખેડનારાઓને  જમીન અધિકારો આપવામાં આવ્યા છે. પરંતુ અમલના પ્રશ્નો તો છે જ.

    જમીન માલિકીમાં ભારે અસમાનતા પ્રવર્તે છે અને તે વધતી રહે છે. ૨૦૦૧માં દેશમાં ૪૪.૭ ટકા દલિતો જમીનો ધરાવતા હતા.તે ૨૦૧૧માં ઘટીને ૩૪.૫ ટકા થયા હતા. ૨૦૦૧માં જમીનવિહોણા દલિતો ૩૬.૯ ટક હતા તે ૨૦૧૧માં વધીને ૪૪.૫ ટકા થયા હતા. ગુજરાતમાં ૬૩.૨૪ ટકા દલિતો ભૂમિહીન છે. આ હકીકતો દર્શાવે છે કે વધુને વધુ દલિતો જમીનવિહોણા થઈ રહ્યા છે. ગરીબી અને જમીન માલિકીને સીધો સંબંધ છે. એટલે જમીન વિહોણા લોકો  વધુ ગરીબ બને છે. એક અભ્યાસ મુજબ જો જમીન સુધાર કાયદાઓનો અમલ થાય અને માત્ર ૫ ટકા જમીનોનું જ પુનર્વિતરણ થાય તો પણ ૩૦ ટકા ગરીબી ઘટી શકે છે. તેથી જ કહેવાયું છે કે પેટ  માટે રોટલો  અને રોટલા માટે જમીન.

    બંગાળના દીર્ઘ ડાબેરી શાસનને બાદ કરતાં દેશમાં કોઈ રાજ્યે  ભૂમિ સુધાર કાનૂનોનો અસરકારક અમલ કર્યો નથી. બિહારમાં મઠો અને મંદિરો પાસે સેંકડો એકર જમીનો છે. પરંતુ તે ભૂમિવિહોણા માટે નથી. ગુજરાતમાં જમીન ટોચમર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી જમીનો ખેત સહકારી મંડળીઓને આપવાની સરકારની અગ્રતા નીતિને લીધે વ્યવસાયી દલિત રાજકીય આગેવાનોની બેનામી મંડળીઓએ તે મેળવી લીધી છે અને તેના ખરા હકદાર ભૂમિહીન દલિતોએ તો જમીન માટે ઝૂઝવાનું જ રહ્યું છે.

    નવી અર્થનીતિ , વધતા શહેરીકરણ-ઔધ્યોગિકરણ , સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન અને વિકાસની રાજનીતિના વર્તમાન માહોલમાં જમીન સુધારાની વાત સાવ હાંસિયામાં મૂકાઈ ગઈ છે. હવે તો ખુદ સરકાર નવતર પ્રકારના ભૂમિ કાયદા કરી રહી છે. ખેતીની સમૃધ્ધ જમીનો વિકાસ અને જાહેર હિતના નામે અધિગૃહિત કરી મોટા ઉધ્યોગગૃહોને આપી દેવામાં આવે છે. ભલે ભારત સરકારને વિપક્ષી દબાણ સામે ઝૂકીને ભૂમિ અધિગ્રહણ બિલ પડતું મૂકવું પડ્યું પણ રાજ્ય સરકારોએ આવા કાયદા ઘડ્યા જ છે ને?  આ કાયદાઓ થકી જમીનો ભૂમિહીનોને નહીં ઉધ્યોગોને મળી છે.

    આ સ્થિતિમાં ભૂમિહીનોનો જમીન મેળવવાનો સંઘર્ષ વધુ  આકરો થઈ રહ્યો છે. ડો.બાબાસાહેબ આંબેડકરે જમીન સુધારા સંદર્ભે સંસદને ચેતવતાં કહ્યું હતું કે, ” જમીનના મુદ્દે આ સંસદની બહાર આગ સળગી રહી છે. એની ઝાળ આપણને પણ દઝાડી શકે છે. જમીનના મુદ્દે દલિતો અને બીજા જમીનવિહોણાઓ ઝંડો લઈને નીકળી પડશે ત્યારે આપણે અને આપણું  બંધારણ બધું જ ઝૂકી જશે. કશું જ નહીં બચે”. બાબાસાહેબની આ ચેતવણીની અવગણના સંસદ, વિધાનગૃહો, સરકારો અને સમાજ પોતાના અસ્તિત્વના ભોગે જ કરી રહી છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.