વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • બિહાઈન્ડ ધ ટાઈમ્સ – પરદા પાછળનાં પાત્રોની માર્મિક યાદોઃ બચી કરકરિયાની નજરે : [૭]

    નરેશ પ્ર. માંકડ

    મણકો []થી આગળ

    કેટલીક રસપ્રદ વાતો

    ૧૯૯૦ના દશકમાં ડાયરેક્ટર અરુણ અરોરા, પર્સનલ મેનેજર ડી.એલ. ધવન, રેસીડન્ટ એડિટર દીના વકીલ અને બ્રાન્ડ મેનેજર ફૌઝિયા મદની ભવ્યનામધારી રિક્રુટીંગ કમિટીની મીટીંગ શનિવારે બોલાવતા.  આવી એક મિટિંગમાં ધવને જાહેર કર્યું, ” આપણે spies ની સમસ્યા માટે કંઈ કરવું જોઈશે. ”  દીના વકીલ કહે,  Spies?  કયા spies? મારા ડિપાર્ટમેન્ટમાં કોઈ spies નથી. અરુણ અરોરાના મનમાં પણ ફિકર પેઠી કે ટાઈમ્સમાં CIA કે આઇ.એસ. આઇ. ઘૂસી ગયું? ફૌઝિયા ધવનના  ઉચ્ચારથી પરિચિત હતી,  તેને ખ્યાલ આવી ગયો કે મુંબઈમાં પટાવાળાને sepoys કહે છે એની વાત છે.

    ****

    સોળ વર્ષના અંતે ડિસેમ્બર ૨૦૦૩માં સલમાન રશદી  એમના કૌમાર્યાવસ્થાના શહેર મુંબઈમાં પાછા ફર્યા. એ વચ્ચેના ગાળામાં તેમણે  સેતાનિક વર્સિસ લખી હતી અને એમની સામે ફતવો બહાર પડ્યો હતો, એટલે તેઓ એમની સુંદર પત્ની પદ્માલક્ષ્મી સાથે તાજમહાલ હોટલમાં આવ્યા એ બહુ ખાનગી મિશન હતું, જેની ખબર બોલીવુડ મારફત ટાઇમ્સને મળી હતી. પદ્મા લક્ષ્મી ફિલ્મી શૂટિંગ માટે આવી હતી. તેના પર ફોકસ રહે તો સલમાન ઇન્ટરવ્યૂ આપવાના હતા. ” હું તો બોયફ્રેન્ડ તરીકે જ આવ્યો છું,” સલમાને કહ્યું.  ઇન્ટરવ્યૂ લેનાર ટીમના ત્રણ લોકોમાં એક દીના વકીલ હતાં જેમણે ઇન્ડિયન એક્સપ્રેસમાં સલમાનના પુસ્તક મિડનાઇટ્સ ચિલ્ડ્રન પર લખ્યું હતું. સલમાન જ્યારે તોફાની છોકરો હતા એ સમયે તેમને એ મળ્યા હતા અને  ‘ગ્રાઉન્ડ બિનીથ માય ફીટ માં તેઓ મીના વકીલ તરીકે રજૂ થયેલાં. ફોટોગ્રાફર શ્રીરામે થોડા અકળાયેલા રશદીને હળવા કરવા માટે પૂછ્યું,  “મુંબઈમાં પહેલીવાર આવો છો ?” દીનાના ગુસ્સાનો પાર ન હતો પણ સલમાનને આંખમાં ચમક સાથે કહ્યું, ” Not quite.”

    ****

    એક વખત ટાઈમ્સના સી.ઇ.ઓ.એ એક સંવાદદાતાને એક અત્યંત ખાનગી મિશન પર મોકલી – નેતાજી સુભાષચંદ્ર બોઝ કે એલ્વિસ નહોતા જોવા મળ્યા પણ વારાણસીમાં મેડોના દેખાઈ હતી.  બે દિવસની પારાવાર રખડપટ્ટી પછી તેને એક સાહસિક સાધુ મળ્યો જેણે આ અફવા ફેલાવી હતી.

    ****

    મેનેજિંગ ડિરેક્ટર વિનીત જૈન ન્યુઝ સ્ટોરીઝનું સંચાલન પણ કરતા.  એમના સામાજિક સંપર્કોને કારણે અહેવાલમાં ઘણા મસાલા ઉમેરી શકાતા. ૨૦૦૯માં એમડીએ જાતે જ એક મોટી સ્ટોરી જાહેર કરી.  રાજકીય સંપર્કો ધરાવતો મનુ શર્મા જેસીકા લાલ ખૂન કેસના હાઈ પ્રોફાઈલ કેસમાં મુખ્ય આરોપી હતો. તે માંદી માતાને મળવાના બહાને પેરોલ પર છૂટીને પાર્ટીઓ કરતો હતો. દિલ્હીના પોલીસ કમિશનરના પુત્ર સાથે અશોક હોટેલમાં બોલાચાલી કરીને તેણે ધ્યાન ખેંચ્યું અને પછી બાજુની સમ્રાટ હોટલના લાઉન્જ એન્ડ પાર્ટીમાં પહોંચ્યો, ત્યાં પોલીસ આવી ગઈ પણ મનુ છટકી ગયો.  કપડાની નિકાસનો વ્યવસાય કરતો તેનો મિત્ર સલીલ ઢીંગરા સપડાઈ ગયો. પોલીસે ભૂલથી બિઝનેસ ટાયકૂન સમીર થાપરને પણ પકડ્યો જેણે વિનીત જૈનને ફોન કર્યો.  વિનીતે દિલ્હી ટાઇમ્સના રિપોર્ટરને બોલાવ્યો અને એની સાથે ‘ લાઉંજ એન્ડ પાર્ટી ‘ માં ગયા અને દિલ્હીના રેસીડેન્ટ એડિટર વિકાસ સિંહને જાણ કરી કે એમ.ડી.ને પૂરી જાણકારી ન મળે ત્યાં સુધી આ કહાણી પકડી રાખવી. દરમિયાનમાં મુંબઈથી જયદીપ બોઝ  વિકાસ પર બધી આવૃત્તિ માટે સ્ટોરી રિલીઝ કરવા વારંવાર ફોન કરતા હતા વિકાસે તેને કહ્યું, ‘રિપોર્ટર કહે છે સ્ટોરીને રોકી રાખો.’ જયદીપ ગરજ્યા, કોણ છે આ રિપોર્ટર? વિકાસે કહ્યું, ‘એમ.ડી.’

    ****

    ટાઈમ્સની નીતિ એવી રહી છે કે નિરાશાજનક સમાચારોમાં એક પંક્તિમાં મરણ પામનારાઓનો આંકડો આપીને બચેલાઓની વાત અને માણસની ખુમારીની વાત કરવી. આશા આકાંક્ષાઓને ઉત્તેજવાનો તેનો પ્રયાસ હોય છે.

    ****

    ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ઇમારતમાં નીચેના માળ પર ટાઈમ્સ બેંક ખુલી ત્યારે એનું સહુથી મોટું આકર્ષણ હતું તૈયબ મહેતાનું વિશાળ કદનું ચિત્ર મહિષાસુર. થોડા વર્ષો પછી બેંક તો બંધ થઈ ગઈ પણ તૈયબના ચિત્રની કિંમત વધતી રહી.  પરંતુ સમીરના મિત્ર અને કલાના સંગ્રાહક હર્ષ ગોએન્કાના મતે આ ચિત્ર જોરદાર નેગેટિવ કંપનો આપતું હતું એટલે સમીરે સપ્ટેમ્બર ૨૦૦૨માં ક્રિસ્ટી માં હરાજી માટે મૂક્યું; તેને કોઈ પણ ભારતીય ચિત્ર કરતાં ઊંચી કિંમતે દર ચોરસ ઇંચના આધાર પર $૧૦૭,૫૫૦ માં વેચાયું.

    ****

    ટાઈમ્સની પુરાણી ઇમારત આધુનિકતાના બહાના સામે પોતાનું ગૌરવ જાળવી શકી છે.  બહારનો દેખાવ જળવાઈ રહયો છે, અંદર ફેરફાર થતા રહ્યા છે.  છતાં અંદર પણ લોખંડના ઢાળાના થાંભલા રહેવા દેવાયા છે.

    ****

    સરકાર કે રાજકારણીઓને બનાવી કે મિટાવી શકે એવાં એક શક્તિશાળી સામ્રાજ્યના અધિપતિ હોવા છતાં સમીરને ક્યારેય રાજકારણમાં રસ ન હતો.  પ્રફુલ પટેલ હજી ઉડ્ડયન ખાતાંના પ્રધાન નહોતા બન્યા ત્યારે સમીર એમને મળ્યા અને  પૂછ્યું, ” તમે કયા પક્ષમાં છો?” એમનો પરિચય કરાવનાર પ્રદીપ ગુહા માટે આ સરી એવી મૂંઝવણ ઉભી કરનારી વાત હતી.

    ****

    ગુહા શિવ સેનાના સુપ્રીમો ની વાત ખુશી ખુશી કરતા. એ વારંવાર ફોન પર ગુહાને ટાઇમ્સમાં શું આવવું જોઈએ અને શું ન આવવું જોઈએ તેની સલાહ આપતા. ” તો મેં એક દિવસ એમને કહી દીધું, ‘ બાલાસાહેબ, તમે અહીં આવીને મારી ખુરશી પર શા માટે બેસી નથી જતા?’”

    ****

    કોઈ પણ સંસ્થામાં જાતીય સતામણી સ્ત્રીઓ માટે અને મેનેજમેન્ટ માટે એક વ્યાવસાયિક ખતરો છે.  પર્સનલ મેનેજર કે ક્યારેક તંત્રીઓ પણ એવું કરતા હોય છે.  ટાઇમ્સમાં  મેડિકલ રૂમમાં આવો ડોકટર હતો. મહિલાઓનું પ્રતીનિધી મંડળ જી.એમ. ડૉ. તરનેજાને મળ્યું.  આ રીતે ત્રણ વાર રજૂઆત કર્યા પછી એ માણસને દૂર કરવામાં આવ્યો.

    ****

    ટાઇમ્સમાં રોમાંસના કિસ્સાઓ બન્યા હતા અને એમાં કેટલાકમાં સુખદ પરિણામ પણ આવ્યાં હતાં.

    ****

    જૈન પરિવારના રહેણાક ઘરો દિલ્હી અને મુંબઈમાં મુલાકાતે આવતા સિનિયર સ્ટાફના ગેસ્ટ હાઉસ તરીકે પણ વપરાતા. ભોજન ઘરના ખોરાકની જેમ કાળજી લઈને બનાવવામાં આવતો. સવારના નાસ્તામાં સામાન્ય રીતે શાકભાજી ઉમેરેલા પૌવા, સંભાર સાથે ઈડલી કે ઢોસા બનાવવામાં આવતા, સાથે તાજી બનાવેલી ચટણી પણ બનતી. પછીથી ઈંડાં નો ઉમેરો થયો પણ એનો માત્ર સફેદ ભાગ જ આપવામાં આવતો.

    નામકરણની રમત

    ટાઇમ્સના સ્ટાફમાં દરેકની કોઈ લાક્ષણિકતા પરથી કે નામ પરથી ટૂંકાવીને નવું નામ પાડવાની રમત ચાલતી રહેતી અને એમાં આર. કે. લક્ષ્મણનો પણ ફાળો રહેતો. જેમ જયદીપ બોઝને જોજો કહેવામાં આવતા એમ કે. સુબ્રહ્મમનીયમને બોમ્બમામા કહેવામાં આવતા (અણુબોમ્બની વકીલાતને કારણે). તેઓ ડાયાબિટીક હતા અને પછી તેમને કેન્સરનું પણ નિદાન કરવામાં આવ્યું. તેઓ ટોપ મેનેજમેન્ટ સાથેની પીડાકારક મુલાકાતોને કેમોથેરપી કહેતા દિલીપ પડગાંઓકરને પેડી કહેતા અને તેમના મજબૂત ફ્રેન્ચ સંધાનને કારણે દિલીપને ફિલિપ પણ કહેતા.

    જગ સુરૈયાનું તો કંઈ નામ નહોતું પાડ્યું, એનું નામ પહેલેથી જ ટૂંકું હતું. એમના મૂળ શહેર કલકત્તામાં મોટાભાગના લોકો બંગાળીમાં યુગનો જે રીતે ઉચ્ચાર કરે છે એમ જુગ કહેતા. આ બાબતમાં જગ ખુદ ક્યારેક આ વાત કરવાનો આનંદ લેતા. એકવાર જગ કલકત્તાના સૌથી જાણીતા બંગાળી હોમિયોપેથ પાસે ગયા. રોગગ્રસ્ત લોકો વચ્ચે બે કલાક સુધી રાહ જોઈને કંટાળ્યા એટલે ધોતીધારી રિસેપ્શનિસ્ટ પાસે જઈને એમના પછી આવેલા લોકોને ડોક્ટર પાસે મોકલ્યા પણ પોતાને હજી કેમ બોલાવ્યા ન હતા એ વાતનો ઉગ્ર વાંધો ઉઠાવ્યો. બંગાળી રિસેપ્શનિસ્ટે તેનો ટોકન નંબર જોયો અને સામો ઉગ્ર વિરોધ કર્યો, ” આપની કી નોનસેન્સ બોલ ચે ? તમારું નામ મેં ત્રણ વાર ઉચ્ચાર્યું હતું,  યુગ શુરજો, યુગ શુરજો, યુગ શુરજો.”

    મુંબઈની ટાઈમ્સ ઇમારતના ચોથા માળ પર ખુશવંત સિંહની રમૂજપ્રેમી ટીમ લેબલ લગાવવાના કામમાં બહુ પ્રવૃત્ત રહેતી.  કુર્રતુલએન હૈદર ” અન્ની ” જબરદસ્ત બૌદ્ધિક હતાં પણ સ્કૂલની છોકરી જેવી તોફાની ટીખળની સમજ ધરાવતાં અને અજોડ “નામ પાડનારા”  હતાં .

    ધર્મયુગના તંત્રી ધર્મવીર ભારતીના મોઢામાં હંમેશાં સિગાર રહેતી એટલે એમને અલ કપોન નામ અપાયું હતું.  ફાતમા ઝકરિયા “મા ઝેક્સ” કહેવાતાં અને એ કહેનારા હતા જીગ્સ (જય ઇન્દર) કાલરા અને બિક્સ (બિક્રમ) વોરા.  એક સહકર્મચારીના પુત્રને કાઉબોયની જેમ બોલાવતા રમેશ ચંદ્રનને એ છોકરાએ ‘ બેંગ બેંગ ‘ નામ આપ્યું હતું.  ક્રોસવર્ડ બનાવનારા, ક્રિકેટ અને ફિલ્મ સંગીત પર લખતા રાજુ ભારતનને કોઈએ આ રીતે બોલાવ્યા: ” રા – જુ – ભા – ર – તન, તમારો ફોન ! ” ભારતને ઊંચું જોઈને એમની ટેવ મુજબ નાકની બંને બાજુએથી આંગળી લગાડીને કહ્યું, ” મને તમારા અવાજમાં irony લાગે છે. ” એટલે એમનું નામ પડ્યું The Irony Detector.

    *******

    બેનેટ કૉલમેન દ્વારા વર્ષ ૨૦૦૫ માં ભારતનું પ્રથમ કોમ્પેક્ટ પેપર મુંબઈ મિરર બહાર પાડવામાં આવ્યું અને એના પ્રિન્ટિંગ માટે હિન્દુસ્તાન ટાઇમ્સના પ્રેસનો ઉપયોગ કર્યો,  કેમકે તેમની પાસે છાપવાની ક્ષમતા રહી ન હતી. મુંબઈ મિરર પણ ટાઈમ્સના બધા જ પ્રકાશનોની જેમ મુખ્ય જહાજનું રક્ષણ કરવા માટેની સમીર જૈનની ફ્લોટિલ્લા (નાના જહાજોનો કાફલો) સ્ટ્રેટેજી  નો ભાગ હતો.

    આનો એકદમ સ્પષ્ટ દાખલો હતો વિજયપત સિંઘાણીયાના ઇન્ડિયન પોસ્ટ ની સામે શરૂ કરાયેલ ધ ઇન્ડિપેન્ડન્ટ. ઇન્ડિપેન્ડન્ટમાં ઉત્તમ પ્રકારના કાગળ પર સુંદર છાપકામ કરવામાં આવતું અને એના માટે ઇન્ડિયન પોસ્ટમાંથી છુટા કરાયેલ વિનોદ મહેતાને તંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. એમ છતાં આ બધું તો ૨૦૦૫માં હિન્દુસ્તાન ટાઈમ્સ મુંબઈમાં આવ્યું અને દૈનિક ભાસ્કરનું નવું ડીએનએ પ્રગટ થયું એની સરખામણીમાં રમકડાના સૈનિકોની લડાઈ સમાન હતું. એ બંને અખબારો દેશના સૌથી મોટા જાહેર ખબર ના બજારમાંથી મોટો ભાગ ખેંચી લેવા માગતા હતા. ટાઈમ્સએ તમામ સ્થાપિત તેમજ નવા ઉપાયો દ્વારા પોતાના ઇજારાશાહી ગઢને બચાવવા પ્રયત્ન કર્યા. હજુ પણ જાહેરાતની આવક અને ફેલાવવામાં ટાઈમ્સ આગળ રહ્યું છે.  બેંગલોરમાં ડેકન હેરાલ્ડનું વર્ચસ્વ હતું ત્યાં ટાઈમ્સએ પોતાના વિશિષ્ટ આધુનિક કોસ્મોપોલિટન વલણથી તેને પાછું પાડી દીધું . “ચેન્નાઇમાં એક સમયે પાટલૂન જોવા ન મળતી,  હવે લૂંગી ભાગ્યે જ દેખાય છે,” આ પરિવર્તનને પકડવાનો અમારો હેતુ હતો, એમ રવિ ધારીવાલે કહ્યું હતું. એના માટે એક અજોડ જાહેરાત સર્જવામાં આવી હતી – A Day In The Life of Chennai. [1]ચેન્નાઈની ૩૬૯મી જયંતિ વખતે એને રિલીઝ કરવામાં આવી. આ જીંગલ  ‘નક્કા મુકા ‘ ને કેન્સનો એવોર્ડ 2009 માં મળ્યો હતો. ચેન્નાઈમાં હિન્દુનું વર્ચસ્વ હતું ત્યાં થોડા જ માસમાં ટાઈમ્સે અઢી લાખ કોપી નો આંકડો પાર કરી દીધો.

    +                                       +                                       +

    દોઢ શતાબ્દિની ઉજવણી

    ૧૯૮૮ – ૧૯૮૯નું વર્ષ sesquicentennial હતું એટલે કે ૧૫૦ વર્ષની જયંતિ. એવી શંકા થાય કે આ શબ્દ ટાઈમ્સથી થોડા સમય પહેલાં જ  પોતાની જયંતિ ઉજવનાર લા માર્ટીનીઅર દ્વારા ઉપયોગમાં લેવામાં આવ્યો હોય અને, બચી કહે છે તેમ, ટાઇમ્સમાં થોડા સમય પહેલાં જ આવેલા તેના હોંશિયાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ચંદન મિત્રા અને સ્વપન દાસગુપ્તા દ્વારા સૂચવાયો હોય શકે.

    આ દોઢસોમી જયંતીથી ઓલ્ડ લેડી ઓફ બોરીબંદર ને એક શક્તિશાળી યુવતી બનાવી દીધી અને ટાઈમ્સને એક અખબારમાં બ્રાંડમાં પરિવર્તિત કરી નાંખ્યું. સમીર જૈનનું આ જ વિઝન હતું અને એની ઉજવણી એમની તરવરતભરી બહેન નંદિતાનું સર્જન હતી. એને નક્કર સ્વરૂપ આપનારા હતા એડવર્ટાઇઝિંગના વડા પ્રદીપ ગુહા અને ૧૯૮૨ના અંતમાં જોડાયેલા પ્રીતિશ નંદી, જેમને ” ઇલસટ્રેટેડ વિકલી, ફિલ્મફેર, ધ ઈંડીપેન્ડન્ટ, ઈવનીંગ ન્યૂઝ – જે બીજું કોઈ ન ચલાવી શકે તે – નો ચાર્જ સોંપાયો હતો” એવું એમની આગવી નમ્રતાપૂર્વક તેઓ કહેતા.

    આ ઉજવણીમાં કંઈક અદભૂત, ઝમકદાર કરવાનો ઇરાદો હતો.  કૈંક મોટું,  એવું જે કલ્પના અને શક્તિનું પ્રદર્શન કરે એને એ પણ એવી રીતે જે કેવળ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જ કરી શકે.  જયુબિલીથી એના જન્મના શહેર સાથે પુનઃ સંધાન કરવાની તક ઝડપી લેવામાં આવી.

    નવેમ્બર ૩, ૧૯૮૮ના રોજ વડા પ્રધાન રાજીવ ગાંધી મુંબઈ આવ્યા અને સોનેરી પાર્શ્વભૂ પર લક્ષ્મણના સામાન્ય માણસની સ્ટેમ્પ રિલીઝ કરી.

    નંદીનું વિકલી કલાકારોને ઉત્તેજન આપવાનું કરી કરતું હતું એટલે મુંબઇના હાર્દ સમા વિક્ટોરિયા ટર્મિનસ પર જ એક મોટો આર્ટ ઇવેન્ટ યોજવાનો વિચાર રજૂ થયો.

    “અરે, ગાંડા થયા છો? લોકો ધમાલ મચાવી નાંખશે, સલામતીની વ્યવસ્થા પાછળ પૈસાનું આંધણ થશે.”

    નંદીએ જવાબ વાળ્યો, ” મારો વિશ્વાસ કરો, આપણને સિક્યુરિટીની જરૂર નહિ પડે. દરેક કામની જવાબદારી હું લઈશ. આપણે પ્રદર્શનનો વીમો લઈશું.”

    ટાઈમલેસ આર્ટ નું લોકોના આશ્ચર્ય અને અહોભાવ સાથે ઉદઘાટન થયું. સ્ટેશનના પ્રવેશખંડ અત્યાર સુધી અંધકારમાં રહેલ ફ્રેડરિક વિલિયમ સ્ટીવનના બોમ્બે ગોથિક સર્જનના આર્કિટેકચરની શોભા લાઈટિંગને કારણે એક માસ્ટરપીસ તરીકે પ્રગટ થઈ. પછીના બે સપ્તાહ સુધી આમ જનતાને આ પ્રદર્શન આકર્ષિત કરતું રહ્યું. લાખો લોકોએ એમની રોજની દોડધામમાં સ્ટેશનને આવા દર્શનીય પ્રકાશમાં જોયું ન હતું. તેઓની ટ્રેન ભલે જતી રહે, રાત્રિભોજન ભલે મોડું થાય. આવો નજારો ફરી ક્યારે જોવા મળે? ત્યારે પ્રમાણમાં ઓછા જાણીતા  અસ્તાદ દેબુએ પોતાનો દેશી – ગ્લોબલ સ્પર્શ આપ્યો. આધુનિક નૃત્યનો એ પ્રથમ પુરસ્કર્તા હતો જે પોતાની ભરત નાટ્યમ, કુચિપૂડી અને કથકની તાલીમને માર્થા ગ્રેહામ હેઠળ શીખેલ કોરિયોગ્રાફી સાથે  સંયોજતો હતો.

    પ્રદર્શનનો આખરી પડાવ હતો હરાજી. એના માટે કોઈ સ્થાનિક હરાજી કરનારો ન ચાલે. સ્કોટ કવિ વોલ્ટર ડી લા મેરનો પરભત્રીજો (grandnephew) એ કાર્ય કરવા માટે સંમત થયો.  સોધબીઝ ના રેકર્ડમાં પણ તેની અભૂતપૂર્વ હરાજી તરીકે પ્રશંસા થઈ છે. એમાં નવા અને જુના 35 કલાકારોના કામનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને એના દ્વારા ઘણા કલાકારો આંતરરાષ્ટ્રીય તખ્તા પર આવ્યા નલીની માલિની, મનજિત બાવા, એન.એસ. બેન્દ્રે, ભુપેન ખખર, મનુ પારેખ, માધવી પારેખ, ગીવ પટેલ, એલેક્સ મેથ્યુ, તૈયબ મહેતા, મૃણાલીની મુખર્જી, પુષ્પમાલા, રવિન્દ્ર રેડી, હિંમત શો, નીલિમા શેખ, જી.એમ. શેખ, કે.જી. સુબ્રમણ્યમ અને વિવાન સુંદરમ ઇત્યાદિ.

    આ માટેનું સ્થળ પણ અભૂતપૂર્વ હતું: નેવી નગરનું ટ્રેનિંગ શિપ જવાહર. સફળ બીડ કરનારા માં હિન્દુજા હતા, પણ એ રાત્રે ઇતિહાસ સર્જનારા બીજા હતા. એમ એફ હુસૈનું એક ચિત્ર ત્યારે બહુ મોટી લાગે એવી ₹ ૧૦,૦૦,૦૦૦ ની રકમમાં વેચાયું.  એ ચિત્ર હીરાના એક વેપારીએ લીધું અને નંદીના કહેવા પ્રમાણે, ” એવી અફવા હતી કે એ કલાકારે એવો સોદો કર્યો હતો કે જો એ હરાજીમાં ૧૦ લાખની બોલી આપશે તો તે એમને પોતાના ત્રણ ચિત્રો મફત આપશે.”

    અન્ય એક યાદગાર ઉજવણી હતી “અસામાન્ય રાગો”. જેની સંપૂર્ણ જવાબદારી નંદિતાએ ઉઠાવી હતી.[2]

    આ અવસર પર આઠ સુંદર કોફી ટેબલ બુક્સ પ્રગટ કરવામાં આવી જે આજે પણ કલેકટર્સ આઈટમ ગણાય છે.

    સૌથી મોટી હાજરીને આકર્ષનારો કાર્યક્રમ હતો હ્યુમન રાઈટ કોન્સર્ટ.  દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં યોજાયેલ હ્યુમન રાઇટ્સ નાઓ કોન્સર્ટમાં રજૂ થયા ટ્રેસી ચેપમેન, પીટર ગેબરીયલ, સ્ટિંગ અને બ્રુસ સ્પ્રિંગસ્ટીન .

    મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયા અને સીરી ફોર્ટ પર ફેશન શો યોજાયો.

    મુંબઈના ડી એન રોડ પરની ઇમારતમાં ઇન્ટિરિયર હાફિઝ કોન્ટ્રાક્ટરે (જેને મજાકમાં ફુલ ફીસ કોન્ટ્રાક્ટર કહે છે તેણે) ડિઝાઇન કર્યો.

    સૌથી મોટો કાયાપલટનો દાખલો હતો બીજા માળનો.  ગરમ અને ગાંડા ટાઇપ સેટિંગના રૂમની જગ્યાએ શો પીસ જેવો નવો ખંડ બન્યો, જ્યાં  રિસ્પોન્સ ” નામ અપાયેલા એડવર્ટાઇઝિંગ ડિપાર્ટમેન્ટ ને મૂકવામાં આવ્યું.  આ માળ પર બહારના લોકો સૌથી વધુ આવતા. રાજસ્થાની ઝરોખા, ફ્રેમમાં મઢેલી મહત્વની જાહેરાતો અને વર્તમાન કલાની નકલો મૂકવામાં આવી હતી. જૂના લોખંડના સ્તંભ પર ચમકદાર બ્લુ અને ઓરેન્જ રંગો લગાડવામાં આવ્યા હતા. ન્યૂઝ રૂમમાં રેસીડેન્ટ એડિટર ડેરિલ ડી મોન્ટેએ ફ્લોર ગ્રેનાઇટનું ન બનાવવા દીધું, એની બદલે કોટા સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો.

    ડેરિલ આઠ વર્ષ બહાર કામ કર્યા પછી ટાઇમ્સમાં પાછો ફર્યો હતો.  ટાઈમ્સના સેસ્ક્વીસેંટેન્નીઅલ માટે વિશેષ અંકો બહાર પાડવાનું આયોજન કરવાનું હતું. ઘણા ડમ્મી બન્યા, રદ કરાયા, એ બધાં કામમાં બે સિનિયર મહિલા પત્રકારો ટાઇમ્સમાં પાછી ફરી હતી તેઓ ડેરિલને મદદ કરી રહી હતી.  એક વાર તંગ મનોદશામાં ડેરીલે તેના સેક્રેટરીને પૂછ્યું, ” પેલાં બે જૂનાં ડમી ક્યાં છે?” કાર્ટૂનિસ્ટ ઉન્નીએ જવાબ આપ્યો, “તેઓ ભોજન કરવા ગયાં છે.”

    ઉજવણીમાં નંદિતા જૈનને મદદ કરનારી રિસ્પોન્સ ટીમની બે યુવાન મહિલાઓમાંની એક ઇન્દિરા દેઇશ નું કહેવું હતું, કે તેઓ ચાર વાગ્યે ઊઠીને પાંચ ત્રીસ વાગ્યે Morning Ragas ના પ્રસંગમાં પહોંચી જતાં, પરંપરાગત ભારતીય વસ્ત્રોમાં કતારમાં ઉભા રહેતાં અને મહેમાનો પર ગુલાબજળનો છંટકાવ કરતાં; સામાજિક હળવા – મળવાનો અનુભવ થયો, આતિથ્યના અનેક પાસાંઓ શીખ્યાં. આ બધું ઓર્ડરથી નહિ પણ નંદિતા જૈન પોતે આ બધું જે રીતે કરતાં હતાં એના ઉદાહરણથી શીખ્યાં.  ટીના સિંહ કહે છે, અમે અમારી વિશીની વયમાં હતાં અને આવા ઉચ્ચ કક્ષાના સંગીત, નૃત્ય અને ફેશન અંગે અજાણ હતાં.  અહીં અમે ખુદ ઇવ સાં લોરાં (Yves St Laurent) ના કે સ્ટિંગ, બ્રુસ સ્પ્રિંગસ્ટીન અને ટ્રેસી ચેપમેનના શો સાથે સંકળાયા હતાં.


    શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    [1]  તંત્રી નોંધઃ આ વિડીયો ક્લિપ યુ ટ્યુબ પરથી સાંદર્ભિક સ્પષ્ટતા માટે જ અહીં લીધેલ છે.

    [2] તંત્રી નોંધઃ આ ક્લિપ  HOME / Music in context / Raga in Context/ TIME/ Morning Ragas  પર જવાથી સાંભળી શકાય છે.


    ૧૭ -૧૦ ૨૦૨૪ના હવે પછીના, છેલ્લા, મણકામાં, બચી કરકરિયાની નજરે ટાઈમ્સ ગ્રૂપ અને જૈન પરિવાર વિશે પરિચય કરીશું.

  • બૌધ્ધ ધર્મ અને દર્શનના ભાષ્યકાર : ધર્માનંદ કોસંબી

    નિસબત

    ચંદુ મહેરિયા

    એ યુવાન માટે તેના સંબંધીનું ભવિષ્યકથન હતું કે, ‘ તું જો યુરોપમાં જન્મ્યો હોત તો તારી બુધ્ધિના તેજથી ત્યાં તું ઝળકત, પણ અહીં  ભારતમાં તેનો શો ઉપયોગ?”  આ જ વ્યક્તિ માટે કાકાસાહેબ કાલેલકરે લખ્યું છે કે, “ તેમની વિદ્વતાનો  ઉપયોગ તો પ્રથમ અમેરિકાએ જ કર્યો.” કોણ છે એ વ્યક્તિ, જેની કદર ઘરઆંગણે ન થઈ એટલી અમેરિકામાં થઈ ? એ વ્યક્તિનું નામ છે ધર્માનંદ દામોદર કોસંબી. ઔપચારિક શિક્ષણ તો એમનું નામમાત્રનું હતું.પણ અધ્યયન, અધ્યાપન અને વિધ્યાવ્યાસંગ એટલા જોરદાર કે દેશ-વિદેશની ખ્યાત યુનિવર્સિટીઓમાં વગર ડિગ્રીએ તે પ્રોફેસર બન્યા. તેમના વિધ્યાર્થીઓ વિશ્વભરમાં પંકાયા.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    પાલિ ભાષાના આંતરરાષ્ટ્રિય ખ્યાતિપ્રાપ્ત નિષ્ણાત અને બૌધ્ધ ધર્મ તથા બૌધ્ધ દર્શનના ભાષ્યકાર ધર્માનંદ કોસંબીનો જન્મ નવમી ઓકટોબર ૧૮૭૬ના રોજ ગોવાના એક ગામડામાં થયો હતો. બસ હવે એક જ વરસનું છેટું છે તેમના સાર્ધ શતાબ્દી વરસને. મરાઠી અને ગુજરાતીમાં તેમના આત્મચરિત્રો અનુક્રમે “ નિવેદન”  (૧૯૨૪) અને “ આપવીતી” (૧૯૨૫)ના પ્રાગટ્યનું પણ આ શતાબ્દી વરસ છે.

    બાળક ધર્માંનંદ ‘ નિશાળનો કંટાળ્યો ઘરે બેઠો’ એટલે પિતાએ દીકરો ગામનો કુળકર્ણી (તલાટી) થશે એવી જે આશા રાખેલી તે ધૂળમાં મળી ગઈ. નિશાળ છૂટી પણ કોઈનીય પ્રેરણા વિના ૧૮૯૧થી વાચનનો રસ  જાગ્યો. પુસ્તકો અને સામયિકોનું વાચન વધતું હતું તે દરમિયાન સોળ વરસે તેમના લગ્ન થયા. નબળા શરીરે પણ વાચતા રહ્યા. તુકારામનું જીવનચરિત્ર , તેમના અભંગ અને ગાથાઓએ તેમને વિચાર કરતા કરી મૂક્યા. વાચનને કારણે હિંમત વધી,  જીવનક્રમમાં સ્થિરતા આવી અને યુવાનીની વિકારવશતાથી મુક્ત થયાનું તેમણે નોંધ્યું છે.

    ‘ જે કંઈ મળી આવે તે વાંચવું’ ની તેમને ધૂન લાગેલી. વાંચવા- શીખવા તેમણે એકાધિક વાર ઘર છોડ્યું હતું. ૧૮૯૭માં મરાઠી માસિક ‘ બાલબોધ’ માં ભગવાન બુધ્ધનું ચરિત્ર વાંચ્યું અને ‘મારું સર્વસ્વ બુધ્ધ છે’  એમ તેમને લાગવા માંડ્યું. પાલિ, અંગ્રેજી, સંસ્કૃત ભાષા અને બુધ્ધનો મૂળ ઉપદેશ જાણવા-સમજવા  દોઢેક મહિનાની દીકરી અને પત્ની-પરિવારને છોડી બીજી ઓકટોબર ૧૮૯૯ના રોજ તેઓ નીકળી પડ્યા. જ્ઞાનોપાસના માટે કેટકેટલું ભટક્યા. ટાઢ, તડકો, ભૂખ, માંદગી સઘળું વેઠ્યું. પણ અંતે જે મેળવવું હતું તે મેળવીને જ રહ્યા. તેમના આ વિધ્યાપ્રવાસનું બયાન તેમના આત્મચરિત્ર ‘ આપવીતી’ માં છે. ગાંધી વિચારક કિશોરલાલ મશરૂવાળાએ ‘આપવીતી’ સંદર્ભે કહ્યું છે કે, “ સત્યધર્મની શોધ માટે પુરુષાર્થી મુમુક્ષુ શું શું કરશે અને કેટલાં કષ્ટો વેઠશે તેની તવારીખ આ પુસ્તકમાં છે. વળી આટલી મહેનતે જે મેળવ્યું તેને જગતમાં વહેંચવા તેમણે અણથક પરિશ્રમ કર્યો છે. એક વિશાળ ભંડારમાંથી તેમણે ઉત્તમ મોતી પસંદ કરીને આપણને આપ્યા છે. તે મોટા સંત પુરુષ છે”

    ધર્માનંદ માત્ર બૌધ્ધ સાહિત્યના અભ્યાસી ના રહ્યા. પણ સંપૂર્ણ બૌધ્ધમય બની ગયા. ભીક્ષુ પણ બન્યા અને ચીવર પણ પહેર્યા.મૂળ પાલિમાં સઘળું બૌધ્ધ સાહિત્ય વાંચ્યું. અધ્યયન પછીનો તેમના જીવનનો મહત્વનો તબક્કો  અધ્યાપનનો રહ્યો. કલકત્તા યુનિવર્સિટી, ગાંધીની વિધ્યાપીઠથી છેક મૂડીવાદી અમેરિકા અને સામ્યવાદી રશિયાની યુનિવર્સિટીઓમાં સંશોધન , લેખન, સંપાદન અને અધ્યાપન કર્યું હતું. ૧૯૦૬માં કલકત્તાની નેશનલ કોલેજથી આરંભાયેલો અધ્યાપન કાળ જીવનના અંત સુધી ચાલ્યો. આખા ભારતના અને નેપાળ, શ્રીલંકા તથા આજના મ્યાંમારના બૌધ્ધ તીર્થોનો પ્રવાસ કર્યો હતો.

    ગુજરાત સાથે પણ તેમનો નિકટનો નાતો હતો. વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડ અને ગાંધીજી બંને સાથે તેમના સંબંધ બંધાયા અને બંનેનો તેમના વિધ્યાકાર્યોમાં સહયોગ રહ્યો હતો. ૧૯૦૭માં વડોદરામાં સયાજીરાવને પહેલી વખત  મળ્યા ત્યારે તેઓ કલકત્તા યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. ‘ બૌધ્ધધર્મનું જ્ઞાન મહારાષ્ટ્રની જનતાને કરાવવાના કર્તવ્ય માટે’  કલકત્તા યુનિવર્સિટીની મહિને અઢીસો રૂપિયાની નોકરી છોડી મહારાજાની મહિને પચાસ રૂપિયાની ઓફર સ્વીકારી હતી. આ ઓફર હેઠળ તેમણે મૌલિક, અનૂદિત અને સંપાદિત એવા બૌધ્ધ ધર્મના પુસ્તકો તૈયાર કર્યા હતા. ૧૯૧૦માં તેમણે વડોદરામાં બૌધ્ધ ધર્મ અને દર્શન પર પાંચ વ્યાખ્યાનો આપ્યા હતા. જે ‘ બુધ્ધ, ધમ્મ અને સંઘ’  નામે ગ્રંથસ્થ થયા છે.

    ગાંધીજીની નજરમાં તેઓ હતા એટલે ૧૯૨૨માં અમદાવાદની ગુજરાત વિધ્યાપીઠના પુરાતત્વ મંદિરમાં જોડાયા અને પાલિ ભણાવવા લાગ્યા. વિધ્યાપીઠ વાસ દરમિયાન તેમણે બુધ્ધ ચરિત, બુધ્ધ લીલા, ધર્મચક્ર્પ્રવર્તન, ભગવાન બુધ્ધના પચાસ સંવાદો, આપવીતી, સુત્તનિપાત વગેરે પુસ્તકો લખ્યા. ૧૯૧૬માં તેઓ ગાંધીજીને પહેલીવાર મળ્યા અને ત્યારથી જ ગાંધી રંગે રંગાયા. સમાજસેવા અને લોકહિતના કામો તેમની પ્રાથમિકતામાં પાછળ ધકેલાયા હતા તે હવે આગળ થયા.  ૧૯૩૦ના મીઠાના સત્યાગ્રહમાં જોડાયા અને અઢાર મહિનાની જેલની સજા ભોગવી.

    ઈંગ્લેંડની મુલાકાત દરમિયાન અચાનક પરિચય થયેલ ડચ મિત્ર પાસેથી ધર્માનંદે પહેલીવાર કાર્લ માર્ક્સ અને સમાજવાદ વિષે જાણ્યું. એટલે અમેરિકા- ઈંગ્લેન્ડવાસ દરમિયાન તેમણે આ વિશે  ઉંડો અભ્યાસ કર્યો. ૧૯૨૯માં જવાહરલાલ નહેરુ લાહોરના કોંગ્રેસ અધિવેશનમાં કોંગ્રેસ પ્રમુખ બન્યા ત્યારે કોસંબીએ તેમની સાથે સમાજવાદ અંગે ચર્ચા કરી હતી. બૌધ્ધ ધર્મના અપરિગ્રહ અને સામ્યવાદના સમાનતાના સિધ્ધાંત વચ્ચે કોસંબીને સામ્ય લાગ્યું હતું. અમેરિકાના પ્રવાસ અને સામ્યવાદના અભ્યાસ પછી તેઓમાં વૈચારિક ઉથલપાથલ મચી હતી. તેમનો કામદારોના સંગઠનો અને સમાજવાદ પ્રતિ ઝુકાવ વધતો રહ્યો. મુંબઈના પરેલના મિલ કામદારોના વિસ્તારમાં બહુજનવિહાર બાંધી ત્યાં તેમનું રહેવું કદાચ આ જ પરિવર્તનના કારણે બન્યું હશે.

    બુધ્ધની જેમ ધર્માનંદે પણ જ્ઞાન પ્રાપ્તિ માટે ઘર છોડ્યું હતું. જોકે તેઓ ઘરની જવાબદારીઓ ભૂલ્યા નહોતા.એટલે કામ પૂર્ણ થયેથી તેમણે પત્ની-સંતાનો અને ઘર-ગામ-પરિવારનો સંપર્ક કર્યો હતો. તે સંસારમાં પાછા ફર્યા પણ સંસારી ન બની ગયા. એમના દીકરા દામોદર ધર્માનંદ કોસંબી(ડી.ડી.કોસંબી)નું ઈતિહાસ અને બૌધ્ધ ધર્મ વિશેનું વિધ્યાકાર્ય એ હદનું છે કે બાપને ભૂલી બેટાને જ યાદ કરવા પડે.

    આજાર શરીરનો જ્યારે તેમને બોજ લાગ્યો ત્યારે લાંઘણો કરીને ઈચ્છામૃત્યુ તરફ જવાનો માર્ગ  તેમણે પસંદ કર્યો. પરંતુ ગાંધીજીએ તેમને અધવચ્ચેથી વાર્યા અને તેમની વધુ સારી સંભાળ લેવાય એટલે સેવાગ્રામ આશ્રમમાં નિવાસ કરવા પ્રેમાદેશ કર્યો. પણ કાયા એ હદે જર્જર થયેલી હતી કે તેમને જીવવું અકારું થઈ પડ્યું. એટલે ફરી આમરણ અનશનનો માર્ગ લીધો. આ વખતના સંથારાને ગાંધીજીનું પણ કમને સમર્થન મળ્યું હતું. ચોથી મે ૧૯૪૭થી તેમણે આહાર લેવો બંધ કર્યો અને અંતે ૨૪ જૂન ૧૯૪૭ના રોજ ૭૧ વરસની વયે તેઓ સેવાગ્રામમાં જ નિર્વાણ પામ્યા હતા.

    ધર્માનંદ કોસંબી કોઈ કોરા ધાર્મિક નહોતા. જીવન અને ધર્મનો સંબંધ અને તે બે વચ્ચેની પ્રાથમિકતા અંગે તેઓ બહુ સ્પષ્ટ હતા. પાંડિત્યના ભાર વિનાના આ બૌધ્ધ વિદ્વાને આત્મચરિત્રના સમાપનમાં લખ્યું છે કે, “ બાર કલાક મજૂરી કરીને માંડ માંડ પેટ ભરનાર અને ગંદામાં ગંદી ચાલીઓમાં રહેનાર મજૂર પોતાની ધાર્મિક ઉન્નતિ કઈ રીતે કરે? પહેલાં તો તેને શુધ્ધ અને ઘટતા આહારવિહાર મળે એવો બંદોબસ્ત થવો જોઈએ.ગંદી ચાલીઓમાંથી કાઢી સ્વચ્છ અને ખુલ્લા મકાનોમાં તેને વસાવવો જોઈએ.તો જ ધાર્મિકમાર્ગે તેનું વલણ થવું સંભવે છે.”

    ધાર્મિક ઉન્માદમાં રમમાણ ધાર્મિક નેતાઓ અને રાજનેતાઓને કોસંબીની આ વાત સમજાશે ?


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ઇશ્વરના ઇ મેઇલ..૫

    આશાની ઉજળી લકીર

    તું આવ જરા પાસે અને વાત કરી જો,
    છોડ અંતની ચિંતા, તું શરૂઆત કરી જો….

    નીલમ  હરીશ દોશી

     પ્રિય દોસ્ત,

    કેમ છો દોસ્ત ? તને યાદ છે ? તને દોસ્ત માનીને તારી સાથે મનની અનેક વાતો કરવાની મજા આવે છે.આશા છે કે એ વાતો તને ગમશે અને કદીક એનો અમલ કરવાનો પ્રયાસ પણ વત્તે ઓછે અંશે કરીશ. આજે ફરી એકવાર તને દોસ્ત માનીને વાત કરું છું. કેમકે હજુ હું તારામાંથી  સાવ શ્રધ્ધા ગુમાવી નથી બેઠો. હજુ યે આશાની લકીર, શ્રધ્ધાની, વિશ્વાસની કોઇ ચિનગારી પ્રજવલિત છે. જે મને નિરાશ નથી થવા દેતી. કેમકે તારી ભીતરની  સારપ આજે યે અકબંધ છે એ હું જોઇ શકું છું. તારા મનમાં અનેક ગડમથલ ચાલતી રહે છે એ જ તારી સારપનો પુરાવો છે, તું મને મળવા,  મેળવવા, મને સાંભળવા દોટ મૂકતો રહે છે, ભલે એ જગ્યા કદાચ ખોટી હોય પણ મને મળવાની તારી ભાવનાની હું કદર કરું છું અને એથી જ તારી સામે અનેક ફરિયાદો પછી યે હું વારંવાર તારી તરફ આશાથી નીરખી રહું છું

    દોસ્ત, તને અનેક વિશિષ્ટ શક્તિઓ આપી, ઉમદા મન અને વિચારશીલ મસ્તિષ્ક આપ્યું. સારા, નરસાનો જાતે જ વિચાર કરી શકે એ માટે બુધ્ધિ શક્તિ,  વિચાર શક્તિ આપ્યા બાદ હું હાશકારો પામીને નિરાંતવા જીવે બેઠો હતો.  હે સખા, તારા પર કેટકેટલી આશાઓ રાખી હતી, કેવો મદાર બાંધ્યો હતો તારા પર..

    પણ દોસ્ત, મારે અફસોસ સાથે કહેવું પડે છે કે તેં મને નિરાશા આપી છે. તારામાં મૂકેલા વિશ્વાસમાં તું ઉણો ઉતર્યો છે  એનું દુખ મને  કોરી ખાય છે. હે મારા પરમ અંશ, તને ખોટી દિશામાં જતો જોઇને મને કેટલી પીડા થાય છે એની તને જાણ છે ખરી ? મારા આંસુ તું જોઇ શકે છે ખરો ? તારું કોઇ બાળક અવળે રસ્તે ચડી જાય તો તને કેવું દુખ થાય ? બસ, હું પણ આજે એવું જ દુખ, એ જ પીડા, વ્યથા અનુભવી રહ્યો છું.

    આજે કદાચ તું પણ વ્યથિત છે, હું પણ વ્યથિત..શા માટે ? દુનિયામાં બધા માણસો કંઇ ખરાબ નથી. હકીકતે નરસા માણસો કરતા સારા માણસોની સંખ્યા વધારે જ છે. બસ, મને પજવે છે એ સારા માણસોની નિષ્ક્રિયતા. મને પજવે છે સારા માણસોની સંવેદનહીનતા. મને પજવે છે સારા માણસોની અલિપ્તતા, મને પજવે છે તારી જડ, બુઠ્ઠી થતી જતી ચેતના..દોસ્ત, તારી ચેતનાની વાટને સંકોરી શકીશ ? દોસ્ત, તારી નિષ્ક્રિયતાના કોચલામાંથી બહાર આવીશ ?

    લિ.ઇશ્વર, તારો પરમ દોસ્ત..

    પ્રાર્થના એટલે.. ભગવાન પાસે આત્મનિવેદન કરી ગાઢ સંબંધ બાંધવો

    જીવનનો હકાર..

    એક નાનકડી સાચી પ્રશંશા કોઇના આખા દિવસને મધુર બનાવી શકે છે.


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

  • મહેન્દ્ર શાહનાં નવરાત્રિના તહેવારનાં કળાસર્જનો

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    Mahendra Shah’s Navratri Artwork

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • સન બયાલીસના વીરનાયક: જયપ્રકાશ અને લોહિયા

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    ના, હું એમાં નકરી તારીખી કરામત નથી જોતો, પણ એક સૂચક જોગાનુજોગ જોઉં છું કે જે મહિનામાં ગાંધીનું જન્મ કલ્યાણક છે તે જ મહિનામાં જયપ્રકાશનું જન્મ કલ્યાણક (૧૧-૧૦-૧૯૦૨) છે, અને લોહિયાનું મૃત્યુ કલ્યાણક (૧૨-૧૦-૧૯૬૭) પણ.

    જયપ્રકાશ નારાયણ અને રામમનોહર લોહિયા સન બયાલીસના વીરનાયકો છે, અને નેહરુ-પટેલ સહિતના કોંગ્રેસ શ્રેષ્ઠીઓના મુકાબલે એમનાં તેવર ને મિજાજ કંઈક બગાવતી છે. સ્વરાજ સંક્રાન્તિ લગોલગ નેહરુ-પટેલ રાજ્યબાંધણીની જવાબદારી સાહે છે ત્યારે સરકાર બહારની જવાબદારી કોને ભળાવવી, એ સવાલના જવાબમાં ગાંધીને જડેલાં નામો પક્ષપ્રમુખ તરીકે જયપ્રકાશ અગર આચાર્ય નરેન્દ્રદેવના છે, તો મહામંત્રીપદ માટેનું એમનું સૂચન લોહિયાનું છે… ત્રણેય સમાજવાદી! જોકે, કોંગ્રેસ શ્રેષ્ઠીઓને આ નામો સ્વીકાર્ય નથી લાગતાં. લીગ સાથે વચગાળાની સરકાર ચલાવવાના કડવા અનુભવ પછી નેહરુ ને પટેલ, એક અર્થમાં ગાંધીને બાજુએ રાખીને, વિભાજનની અનિવાર્યતા સ્વીકારવા લાગ્યા છે. કોંગ્રેસની બેઠકમાં વિરોધ-સૂર ઉચ્ચારવાની કામગીરી જેપી અને લોહિયા એ સમાજવાદીઓને શિરે આવી છે. કદાચ, ગાંધી નેહરુ-પટેલથી કંઈક છેટું અનુભવી રહ્યા છે અને જેપી-લોહિયાની ઓર નજીક જઈ રહ્યા છે.

    બેતાલીસની લોકક્રાંતિ વખતે જેપી-લોહિયાએ નેપાળમાં થાણું જમાવી ‘આઝાદ દસ્તા’ તહેરની લશ્કરી જમાવટની કોશિશ કીધી છે જે સ્વાભાવિક જ ગાંધીમાર્ગ નથી. જોકે, આ અનુભવે કરીને એમને શાંતિમય પ્રતિકારની ગાંધીભૂમિકા સવિશેષ સમજાવા લાગી છે. વચગાળાની સરકારના વારાથી નેહરુ-પટેલ આદિને માથે રાજ્યબાંધણીનો મોડ છે. એ પણ છે તો સ્વરાજ નિર્માણની જ કામગીરી. પણ એથી કંઈ ગાંધીનું લોકાયન છૂટી શકે?

    આ લખી રહ્યો છું ત્યારે નવેમ્બર ૨૦૧૬માં ગોવામાં દક્ષિણાયન રાષ્ટ્રીય પરિષદ મળી હતી એનું સ્મરણ થાય છે. દાભોલકર, પાનસરે, કલબુર્ગીની શહાદત અને એવોર્ડ વાપસીના સહજ ઉછાળ સાથે એક એવો રાષ્ટ્રીય મિજાજ બનવા લાગ્યો હતો જેવો ક્યારેક ગાંધીએ ‘કૈસરે હિંદ’ પરત કર્યો કે રવીન્દ્રનાથે નાઈટહુડ પાછું આપવાની હદે વિરોધલાગણી પ્રગટ કરવાપણું જોયું હશે. પરિષદ નિમિત્તે ગોવામાં રવીન્દ્ર ભવનથી કૂચકદમ કરતા અમે સૌ જાહેર સભા સારુ જ્યાં પહોંચ્યાં એનું નામ લોહિયા મેદાન હતું: આ એ મેદાન હતું જ્યાં લોહિયાએ ૧૯૪૬ની ૧૬મી જૂને પોર્ટુગીઝ ચુંગાલમાંથી ગોવાનો મુક્તિનો બુંગિયો બજાવ્યો હતો. વસ્તુત: એ ત્યાં પહોંચ્યા તો હતા, ૧૯૪૨ના બંદીઓ પૈકી કદાચ સૌથી મોડા છૂટેલા બે બંદીઓ પૈકી એકને નાતે કંઈક આરામ માટે.

    લાહોર જેલમાં એમણે અને જયપ્રકાશે લાંબા જેલવાસ ઉપરાંત આકરા સિતમનો અનુભવ કર્યો હતો. બ્રિટિશ શાસન સાથે અવિશ્રાન્ત માથાકૂટ કરી ગાંધીએ બંનેને છોડાવ્યા હતા. ગોવામાં લોહિયાએ જોયું કે સામાન્ય કંકોતરી છપાવવા માટે પણ પોલીસ તપાસમાંથી ગુજરવું પડે એ તો ઠીક પણ ખાસ મોઝામ્બિકથી ભરતી કરી ઊભા કરાયેલ પોલીસ દળ થકી આખું એક ત્રાસ તંત્ર કાર્યરત હતું. બુંગિયો બજ્યો ને લોહિયા પકડાયા. નવી દિલ્હીમાં કાર્યરત વચગાળાની સરકાર આ પકડાયા બદલ કંઈક કોકરવરણી હશે પણ ગાંધીએ વાઈસરોય વેવલને લખ્યું ને ‘હરિજન’માં ટિપ્પણી પણ કરી કે ગોવામાં લોહિયા જેલબંધ છે તો ભારતનો મુક્તિવાંછુ અંતરાત્મા પણ જેલમાં છે. પોતાને અભીષ્ટ લોકાયન વાસ્તે ગાંધી તરુણ સમાજવાદી નેતાઓને હૂંફતા ને પાંખમાં લઈ રહ્યા હતા. બન્યું એવું કે છૂટીને લોહિયા ભારતને અડતી ગોવા સરહદે જાગૃતિ માટે ઘૂમી વળ્યા ને વળી પાછા ગોવા-પ્રવેશની તૈયારીમાં હતા ત્યાં તાર કરીને ગાંધીએ એમને પોતાની પાસે બોલાવી લીધા અને બંગાળના શાંતિ મિશનમાં સાથે લીધા.

    ૧૯૪૮ની ત્રીસમી જાન્યુઆરીએ ગાંધી પટેલ સાથે વાત આટોપી પ્રાર્થના માટે નીકળ્યા. પ્રાર્થના પછી તરત નેહરુ આવવાના હતા અને વળતે દહાડે લોહિયા. બેઉ મુલાકાતો ઈતિહાસના ‘જો’ અને ‘તો’માં રહી ગઈ. ગમે તેમ પણ, ગાંધીને જે આશા-અપેક્ષા હશે લોહિયા પરત્વે, એમાં લોહિયા આબાદ નિમિત્ત બન્યા એ તો અમેરિકામાં માર્ટિન લ્યુથર કિંગના નેતૃત્વ હેઠળની અશ્વેત (આફ્રિકન-અમેરિકન) સમુદાયની નાગરિક અધિકાર ચળવળ માટેના ઈતિહાસધક્કા થકી. ૧૯૫૧માં લોહિયા અમેરિકાના પ્રવાસે ગયા ત્યારે ટેનેસી પંથકમાં એમણે હાઈલેન્ડ ફોક સ્કૂલનીયે મુલાકાત લીધી હતી. અશ્વેત કર્મશીલો માટેની ગ્રીષ્મ શાળાના અભ્યાસક્રમમાં એમણે કહ્યું, ગાંધી ને થોરો ન હોય, સિવિલ નાફરમાની (સવિનય કાનૂન ભંગ) ન હોય એ કેમ ચાલે? પછીનાં વર્ષોમાં અભ્યાસક્રમ સુધર્યો અને એમાંનાં એક કર્મશીલ છાત્રા રોઝા પાર્ક્સે ૧૯૫૫માં પોતાની બેઠક ગોરા સારુ ખાલી કરવાની ના પાડી એમાંથી અલાબામાનો બસ સત્યાગ્રહ આવ્યો. એ માટે બનેલી સમિતિની જવાબદારી કિંગને માથે આવી. લાંબા સત્યાગ્રહ પછી અમેરિકી ફેડરલ કોર્ટે ગોરા-કાળા ભેદવાળી બસ બેઠક વ્યવસ્થા ગેરબંધારણીય ઠરાવી. કિંગની રાષ્ટ્રવ્યાપી ચળવળનો એ આરંભધક્કો હતો.

    ગાંધી પછી કોણનો એક જવાબ હોઈ શકતા લોહિયા વહેલા ગયા. પણ ૧૯૭૪-૭૭માં આ પ્રશ્નના ઉત્તર રૂપે જયપ્રકાશ ઉભર્યા: ન નેહરુ-પટેલમાં બદ્ધ – ન લોહિયા-જેપીમાંયે બદ્ધ – ગાંધી, તું અસંભવ સંભાવના છો.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૯-૧૦– ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • ગરબાના દોહા

    દેવિકા રાહુલ ધ્રુવ

    હે…..  બુલંદ નાદે, નોબત વાગે, મૃદંગ બાજે, માઝમ રાત,

              કસુંબ કોરે, આભની ટોચે, રતુંબ રંગે, સોહત માત. 

    હે…    ચુંદડી ઓઢી, સહિયર સાથે, માવડી નાચે, નવનવ રાત,

              ધડક ધડક નરનારી આજે, ખનન ખનન કર કંકણ સાજ. 

    હે…    કંદોરો કેડે, પાઘડી શિરે, દાંડિયા ખેલે,નોરતાની રાત,

              રસિયા જાગી, રંગ જમાવે, છલક છલક  ગોરી  ગુજરાત…. 

     હે…   રૂમઝૂમ રૂમઝૂમ ઝાંઝર બાજે, ઝનન ઝનન ઝનકાર.

              થનગન થનગન જોબન નાચે, ઠુમક ઠુમક ઠુમકાર. 

    હે…    પનઘટ વાટે, ઈંઢોણી માથે, ઘડુલા સાથે, ઝુમતી નાર,

               બાંસુરી બાજે, યમૂના ઘાટે, નટખટ  નાચે, ગોકુળ ગામ. 

    હે…    મોબાઈલ મંચે, વોટ્સઍપ વાટે, વિડીયો ઝૂમે અનરાધાર.

              મેસેજ ખુલે, ઈમોજી ખીલે, ‘ઝૂમ’પર નાચે નવ નવરાત.. 

    હે….   ગબ્બર ગોખે, ભવાની અંબે, ઘટઘટ ગૂંજે, ‘અપો દીપો’ નાદ

               જગજન ચોકે, શક્તિ વેરે, ઝળહળ ઝળહળ, દીવડા હાર…

    હે…… આઠમ રાતે, અર્ધા ચંદ્રે, સૃષ્ટિ નાચે, ભૂલી સાનભાન.

            ઢોલક નાદે, તાલી તાલે, તન-મન ડોલે, છુમક છુમક છુમછુમ.

    હે…    છેલછોગાળા, મૂરલીવાળા, નટવર, નટખટ નંદલાલ

              નવતર રૂપ ધરી, ફરી અહીં અવતરી, આંતરદીપ પ્રગટાવ..


    આ દોહાઓ નીચેની લિંક પર ક્લિક કરવાથી સાંભળી પણ શકાશે

    https://www.dropbox.com/l/AAA9J20MSua9xRBOOcOhmFEGxHFc2lO5Of8/forgot_finish


    Devika Dhruva.

    ddhruva1948@yahoo.com

  • રાઈનો પર્વત (૧૯૧૩) – અંક સાતમો: પ્રવેશ ૬

    સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ

    અંક સાતમો : પ્રવેશ ૫ મો થી આગળ

    પ્રવેશ ૬ ઠ્ઠો

     

    સ્થળ : પ્રભાપુંજ મહેલમાંની દરબારકચેરી

    [કચેરીમાં વાદ્ય કે સંગીત થતું નથી, તેમ જ કાંઈ શોભા કરેલી નથી. ફરસબંધી ઉપર તેમજ સિંહાસનની બેઠક ઉપર અને છત્રી ઉપર ધોળી કોરવાળાં કાળાં વસ્ત્ર અને કાળી કોરવાળા ધોળાં વસ્ત્ર પાથરેલાં છે. જગદીપ અને તેની જમણી તરફ વીણાવતી સિંહાસને બેઠેલાં છે. વીણાવતીની જમણી તરફ સાવિત્રી, કમલા અને બીજી સ્ત્રીઓ બેઠેલી છે, અને જગદીપની ડાબી તરફ કલ્યાણકામ, પુષ્પસેન, દુર્ગેશ અને બીજા પુરુષો બેઠેલા છે; એવો પ્રવેશ થાય છે.]

    પ્રતિહાર :       શ્રીમત્‌ પરમભટ્ટાર્ક પરમમાહેશ્વર પરમભાગવત, સમધીગતપંચમહાશબ્દ સકલસામંતાધિપતિ બાહુસહાય ગુર્જરનરેન્દ્ર શ્રીજગદીપદેવ મહારાજાધિરાજનો જય ! શ્રીમતી મહારાણી વીણાવતી દેવીનો જય ! મહારાજ અને માહારાજ્ઞી સભામાં સર્વનું સ્વાગત કરે છે.

    જગદીપ :       પ્રતિહાર ! સર્વને જાહેર કરો કે આજની કચેરીમાં ઉત્સવ અને અભિનન્દન બંધ છે.

    પ્રતિહાર :       (નમન કરીને) જેવો ધરણીધરનો હુકમ. ( દરબારમંડળ તરફ ફરીને મોટેથી) આજની કચેરીમાં ઉત્સવ અને અભિનંદન બંધ છે.

    કલ્યાણકામ :   મહારાજ ! આવે મંગલ પ્રસંગે આ બધો શોક ન ઘટે.

    જગદીપ :       ભગવન્ત ! અમારી બે માતાઓની ચિતાભૂમિ હજી ઉની છે તેટલામાં લગ્ન અને રાજ્યાભિષેકની ક્રિયાઓ કરી અમે સ્નેહનો વિચ્છેદ કર્યો છે તેનો તો અમને સાક્ષાત્કાર થવા દો.

    કલ્યાણકામ :   એ બંને ક્રિયાઓ કરવામાં મહારાજ અને દેવી કર્તવ્ય પારાયણ થયાં છો, અને કર્તવ્ય કરવામાં હર્ષશોકના અન્તરાય લેખાતા નથી. વળી, સંસારની તો એ જ ઘટના છે, કે–

    (અનુષ્ટુપ)

    ચિતા માતાપિતા કેરી સ્વહસ્તે સળગાવિને,
    સંતાનો એ જ જ્વાલામાં ચેતાવે આત્મદીપને. ૯૯

    આપની ઈચ્છાનુસાર આજે ઉત્સવ અને અભિનન્દન બંધ કર્યાં છે, પણ રાજકાર્યો બંધ થઈ શકતાં નથી. એક રાજકાર્ય ત્વરાથી કરવાનું છે, તે રજૂ કરવાની રજા લઉં છું.

    જગદીપ :       આપણે યોગ્ય લાગે તે યોગ્ય હોવું જ જોઈએ, અને તે થવું જ જોઈએ.

    કલ્યાણકામ :   પ્રતિહાર ! બહાર બે અપરાધીઓ છે તેમને અંદર લાવો.

    પ્રતિહાર :       જેવો હુકમ.

    [પ્રતિહાર બહાર જઈ શીતલસિંહને અને મંજરીને લઈ આવે છે.]

    કલ્યાણકામ :   મહારાજ , આ બંનેનો ન્યાય એમને કહી સંભળાવવા કૃપાવન્ત થશો.

    જગદીપ :       શીતલસિંહ ! મંજરી ! ભગવન્ત પ્રધાનજીની સલાહ લઈ અમે એ નિર્ણય કર્યો છે કે તમને ક્ષમા કરવી. પુરોહિત મહારાજ પરરાજ્યથી પરોણા આવેલા હતા, માટે તેમને કચેરીમાં આણવા જેટલી પણ શિક્ષા ન કરતાં અમે તેમને પોતાને દેશ મોકલી દીધાં છે. તમે રાજદ્રોહ કર્યો છે, તેની સાથે દેશદ્રોહ કર્યો છે. તમારા સ્વાર્થને માટે પ્રજાને પીડી એક કરોડ દામ ઉઘરાવવા અને દેશમાંથી એક આખું મંડળ કાપી નાખી પરરાજયને આપી દેવા તમે તૈયાર થયાં હતાં. એ મહાઅપરાધ માટે તમને ભારે શિક્ષા ઘટે છે, પણ ઘણા વખત સુધી તમો શીતલસિંહ ઉપર પર્વતરાય મહારાજની કૃપા હતી, અને તમો મંજરી પર લીલાવતી રાણીની કૃપા હતી તે લક્ષમાં લઈ અમે તમને શિક્ષા કરતા નથી. પ્રજામાં તમારી અપકીર્તિ થઈ છે, એ જ શિક્ષા હાલ તમને બસ છે. અને તમે ફરી દ્રોહમાં પ્રવૃત્ત નહિ થાઓ તો તમને બીજી કંઈ શિક્ષા કરવામાં આવશે નહિ. રાજ્યમાં રહેવાની તમને છૂટ છે.

    શીતલસિંહ :    મહારાજ, આપે કૃપાવન્ત થઈ મારા અપરાધ ક્ષમા કર્યા છે તો વફાદારીની પ્રતિજ્ઞા લેવાની મને રાજા આપશો.

    જગદીપ :       શીતલસિંહ, તમે પ્રથમ એ પ્રતિજ્ઞા લીધેલી છે તે સાંભરતું હશે.

    શીતલસિંહ :    (નીચું જોઈને) તે પળાઈ નથી માટે ફરી પ્રતિજ્ઞા લેવા ઇચ્છું છું.

    જગદીપ :       હવે વફાદાર થવાની દૃઢતા પ્રાપ્ત થાય તે પછી પ્રતિજ્ઞા લેજો.

    શીતલસિંહ :    મહારાજ, આપ ન્યાયી છો તેથી એક બીજી યાચના કરું છું. પુરોહિત અને મંજરીના હાથમાં મારી બધી દોલત ચાલી ગઈ છે. તેમણે મોંમાગ્યા દામ આપતાં મારી જાગીર પણ ડૂબી ગઈ છે.

    જગદીપ :       તેઓ કાંઈ પાછું આપે તો તે લેવાની તમને છૂટ છે.

    દુર્ગેશ : અને દીકરા-દીકરી પરણાવવાનો તમારો સંકેત પાળવો હોય તો તે પાળવાની તમને છૂટ છે.

    શીતલસિંહ :    હું ગમે તેવો પણ ગુર્જરરાજનો સામન્ત. તેનો દીકરો તે દાસીની છોકરી સાથે પરણે ! અને, દાસીમાં પણ આવી કુપાત્ર કૃતઘ્ની સ્ત્રીની છોકરી સાથે !

    મંજરી : અને, આવા બાયલા અને હિચકારાનો છોકરો તે કેવો નીવડવાનો હતો તે મારી દીકરી એને પરણીને સુખી થાય !

    કલ્યાણકામ :   સભા વચ્ચે તમારે આવો પરસ્પર દ્વેષ કરવો ન જોઈએ. એક બીજાનો ઇન્સાફ તમારે કરવાનો નથી. તમારા અપુણ્ય સંકેતમાંથી તમે છૂટ્યાં છો એટલું બસ છે.

    જગદીપ :       શીતલસિંહ ! ભવિષ્યમાં તમારે શું કરવું એ તમારે નક્કી કરવાનું છે, પરંતુ મારો સિદ્ધાન્ત તમને ઉપયોગી થતો હોય તો હું તે દર્શાવું. તમને યાદ હશે કે તે રાત્રે કિસલવાડીમાં મારો ખરો વૃત્તાન્ત મેં તમને જણાવ્યો ત્યારે મેં એક દોહરો કહ્યો હતો.

    શીતલસિંહ :    હા મહારાજ ! મને તે દોહરો યાદ છે.

    (દોહરો)

    પ્રભુથી સહુ કંઈ થાય છે, અમથી થાય ન કાંઈ;
    રાઈનો પર્વત કરે, પરવતનો વળિ રાઈ. ૧૦૦

    જગદીપ :       પ્રભુના વિધાનને અનુસરતાં હું રાઈનો પર્વત થયેલો બચ્યો અને પાછો રાઈ થયો, તો આજે રાઈનો જગદીપ થયો છું. મારા પિતાની ગાદીએ બેઠો છું, અને દીવ્ય પ્રેમથી મને પાવન કરનારી આ પત્ની પામ્યો છું. ભગવન્ત ! હવે આપના આશીર્વાદનું એક વચન સાંભળી આ સભા વિસર્જન કરીશું.

    કલ્યાણકામ :   રાજન ! તમારી ઊચ્ચ નીતિ એ જ પરમ આશીર્વાદ રૂપ છે. તો બીજું શું કહું ?

    (વસંતતિલકા)

    રહેજો સદા સ્મરણમાં પ્રભુનાં વિધાન,
    લોકો ગ્રહો પથ ઉંચા અભિલાષવાન;
    રાજા પ્રજા ઊભયનાં ઉર એક થાજો,
    ને નીતિકીર્તિ તુજ દેશવિદેશ જાજો. ૧૦૧

    [પડદો પડે છે.]


    ક્રમશઃ
    ‘રાઈનો પર્વત’ નાટક આવતા અંકે ‘પરિશિષ્ટ’નાં પ્રકાશન સાથે સમાપ્ત થશે.


    સ્રોત : વિકિસ્રોત

  • ફિલસુફીભર્યાં ગીતો – ૨૭ – जीवन चलने का नाम चलते रहो सुबह-ओ-शाम

    નિરંજન મહેતા

    ૧૯૭૨ની ફિલ્મ ‘શોર’નું ગીત છે

     

    जीवन चलने का नाम
    चलते रहो सुबह-ओ-शाम
    के रस्ता कट जाएगा मितरा
    के बादल छट जाएगा मितरा
    के दुःख से झुकना ना मितरा
    के एक पल रुकना ना मितरा
    जीवन चलने का नाम…

    जो जीवन से हार मानता, उसकी हो गयी छुट्टी
    नाक चढ़कर कहे ज़िन्दगी, तेरी मेरी हो गयी कुट्टी
    के रूठा यार मना मितरा
    के यार को यार बना मितरा
    ना खुद से रहो खफा मितरा
    खुद ही से बने खुदा मितरा
    जीवन चलने का नाम…

    उजली-उजली भोर सुनाती, तुतले तुतले बोल
    अन्धकार में सूरज बैठा, अपनी गठड़ी खोल
    के उससे आँख लड़ा मितरा
    समय से हाथ मिला मितरा
    के हो जा किरण-किरण मितरा
    के चलता रहे चलन मितरा
    जीवन चलने का नाम…

    के चली शाम के रंग महल में, तपती हुई दुपहरी
    मिली गगन से साँझ की लाली, लेकर रूप सुनहरी
    के रात बिखर जायेगी मितरा
    के बात निखर जायेगी मितरा
    के सूरज चढ़ जाएगा मितरा
    काफिला बढ़ जाएगा मितरा
    जीवन चलने का नाम…

    हिम्मत अपना दीन धरम है, हिम्मत है ईमान
    हिम्मत अल्लाह, हिम्मत वाहगुरू, हिम्मत है भगवान
    के इसपे मरता जा मितरा
    के सजदा करता जा मितरा
    के शीश झुकाता चल मितरा
    के जग पर छाता जा मितरा
    जीवन चलने का नाम…

    छोटा सा इक दीपक है और टीम टीम करती ज्योति
    हीरे जैसी आँख से इसके टूट रहे हैं मोती
    के नन्हें हाथ जुड़े मितरा, ना इसका बात मुड़े मितरा
    अगर ये खो जाएगा मितरा, तो झूठा हो जाएगा मितरा
    जीवन चलने का नाम…

    इक दुआ बस तुझसे माँगूँ, मैं आज बिछा कर पल्ला
    मेरे यार की रक्षा करना, कदम-कदम पर अल्लाह
    के लब पर यही दुआ मितरा
    के बिगड़ी बात बना मितरा
    के बेड़ा पार लगा मितरा
    तुझे तब कहूँ खुदा मितरा
    तुझे तब कहें खुदा मितरा
    जीवन चलने का नाम…

    https://youtu.be/pzhKrjU7aIQ?si=So9tq7U2OOmKGeTd

    અવિરત સાઈકલ ચલાવવાની હરીફાઈમાં મનોજકુમાર ભાગ લે છે અને તેને પ્રોત્સાહિત કરવા પ્રેમનાથ, જયા ભાદુરી વગેરે પણ ગીત ગાઈ સાથ આપે છે.

    કહે છે કે જીવન તો અવિરત ચાલ્યા કરે છે, અટકવાનું નામ નથી લેતું. જેમાં દુઃખો તો આવે પણ તેની સામે ઝૂકવું નહિ, એક પળ પણ અટકવું નહિ કારણ સમય જતાં દુઃખના વાદળ વિખેરાઈ જશે અને રસ્તો પણ આપોઆપ ખુલી જશે.

    જીવનમાં જે સામનો કરવાને બદલે હાર માને છે તેની હાલત બગડે છે. તેને સ્થાને તે હકારાત્મક વલણ અપનાવશે તો તેનું જીવવું સાર્થક થશે. જો તમારો મિત્ર આમ નકારાત્મક પરિસ્થિતિમાં રહેતો હોય તો તેને સમજાવો. મિત્રને મિત્ર બનાવી તમે જ ઈશ્વર બનો.

    આગળ કહ્યું છે કે જેમ સવારના પહોરમાં અંધકારને ભેદીને સુરજ પોતાના કિરણો પસારે છે તેમ તું પણ આમ જ જિંદગીને દુઃખમાંથી બહાર લાવી આગળ ધપાવ. વળી સાંજની લાલી પછી રાતનું અંધારૂં ફેલાય તો છે પણ યાદ રહે ત્યાર બાદ ફરી સુરજ આવે છે, દિવસ શરૂ થાય છે અને એમ કાફલો આગળ વધે છે.

    કહે છે કે હિંમત જ સર્વેસર્વા છે. તે ધર્મ છે, ઈમાન છે અને ઈશ્વર છે. કહે છે કે તું પણ તેને અપનાવ, તેને બિરદાવ. નીચા મસ્તકે જીંદગી જીવ અને દુનિયામાં છવાઈ જા.

    જેમ દીવો એક નાની ચીજ છે અને તેની જ્યોતિ ટમટમતી રહે તે માટે હાથો વડે તેને સંભાળવી પડે જેથી તેની જ્યોત સચવાઈ રહે. તે જ રીતે જીવનમાં પણ આમ જ અન્યોની જ્યોતને તારા હાથોથી સંભાળ કારણ તે બુજાઈ જશે તો તેઓ અર્થહીન બનશે. તે પ્રમાણે તેનો મિત્ર દુઆ માગે છે કે ભગવાન મારા મિત્રની ડગલેને પગલે રક્ષા કરજે અને તેનો બેડો પાર પાડજે.

    ઇન્દ્રજીત સિંહ તુલસીનાં શબ્દોને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાનાર કલાકારો છે મહેન્દ્ર કપૂર, મન્નાડે અને શ્યામા ચિત્તર.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • ફિલ્મી ગઝલો – ૭૨. રમેશચંદ્ર પાંડે

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    રમેશચંદ્ર ઉર્ફે આર સી પાંડેની જે વિગતો ઉપલબ્ધ છે તદનુસાર એમણે આજની ગઝલોવાળી બે ફિલ્મો ઉપરાંત ભક્ત પૂરણ, ગંગા મૈયા, નવદુર્ગા, જાદુઈ ઝૂલા, રામ હનુમાન યુદ્ધ, રાજયોગી ભર્તૃહરિ જેવી ફિલ્મોમાં ચાલીસેક ગીતો લખ્યા. ધ્યાનુ ભગત, બજરંગ બલિ, કિસાન ઔર ભગવાન, અંજનગઢ, ઊંચનીચ, છોટા ભાઈ, લક્ષ્મી નારાયણ, હનુમાન પાતાલ વિજય, રાજરાની મીરા, જંગ બહાદુર, અનાર બાલા, લવ કુશ, મહાસતી સાવિત્રી અને હરિદર્શન જેવી ફિલ્મોના સંવાદો પણ લખ્યાં. એમના ગીતોમાં રફી – ગીતા દત્તનું ફિલ્મ ‘ નવદુર્ગા ‘ ( ૧૯૫૩ ) નું યુગલગીત ‘ હમ ઔર તુમ જો મિલ ગએ તો ખિલ ગઈ બહાર હૈ ‘ અને મોહમ્મદ રફીનું ફિલ્મ ‘ ભક્ત પૂરણ ‘ ( ૧૯૫૨ ) નું ‘ અંધા મનવા નૈન દિવાને ‘ થોડાક જાણીતા છે. એમના લખેલા કેટલાક ગીતો ઉપરોક્ત બે ફિલ્મોના સંગીતકાર એવા ચિત્રગુપ્તે અને ગુજરાતી મૂળના સંગીતકાર ડી દિલીપ ઉર્ફે દિલીપ ધોળકિયાએ પણ ગાયાં છે.

    ‘ ઝિંગારો ‘ ( ૧૯૬૩ ) ફિલ્મની વાર્તા પણ એમની હતી. તેઓ ૧૯૮૭ માં અવસાન પામ્યા.

    એમની બે ગઝલ જોઈએ –

    બતા દિલ કે કફસ મેં ક્યું જવાની ઘુટ કે મરતી હૈ
    યૂં હી ઉલ્ફત કે મારોં પર યે દુનિયા ઝુલ્મ કરતી હૈ

    જરા સી જાન હૈ લેકિન યહાં કાતિલ હઝારોં હૈં
    કોઈ બેદર્દ ક્યા જાને કે હમ પર ક્યા ગુઝરતી હૈ

    મુહબ્બત મેં મુસીબત હૈ યે કુદરત કી હકીકત હૈ
    જહાં પાની બરસતા હૈ વહાં બિજલી ભી ગિરતી હૈ

    અરી પથ્થર કી દીવારોં મેરે અશ્કોં સે મત ખેલો
    ફલક ભી ડૂબ જાતા હૈ ઘટા જબ આ કે ઘિરતી હૈ

    બડા ઝાલિમ ઝમાના હૈ સતા લે જિતના જી ચાહે
    કિસી કી કુછ નહીં ચલતી હૈ જબ કિસ્મત બદલતી હૈ..

    https://youtu.be/d8iS7mj2F-c?feature=shared

    – ફિલ્મ : અલ્લાદીન ઔર જાદુઈ ચિરાગ – ૧૯૫૨
    – રફી / શમશાદ
    – એસ એન ત્રિપાઠી

    ખુલી જો આંખ તો વો થા ન વો મઝાના થા
    દહકતી આગ થી, તન્હાઈ થી, ફસાના થા

    ગમોં ને બાંટ લિયા હૈ મુજે યું આપસ મેં
    કે જૈસે મૈં કોઈ લૂટા હુઆ ખઝાના થા

    યે ક્યા કે ચંદ હી કદમોં પે થક કે બૈઠ ગએ
    તુમ્હેં તો સાથ મેરા દૂર તક નિભાના થા

    મુજે જો મેરે લહૂ મેં ડુબો કે ગુઝરા હૈ
    વો કોઈ ગૈર નહીં, યાર એક પુરાના થા

    ખુદ અપને હાથ સે હમને ઉસી કો કાટ દિયા
    કે જિસ દરખ્ત કી ટહની પે આશિયાના થા..

    ( આ ગઝલનો ઓડિયો કે વિડિયો સંસ્કરણ ઉપલબ્ધ નથી )

    – ફિલ્મ : અનાર બાલા ૧૯૬૧
    – ગાયક : અજ્ઞાત
    – બુલો સી રાની


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

     

  • માનવ મગજ અને માનવ બુદ્ધિ એટલે શું?

    કૃત્રિમ બુદ્ધિ (આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સ-AI)

    જગત જતનકર

    માનવ મગજ અત્યંત ક્લિષ્ટ વ્યવસ્થા છે. તેમાંના વિવિધ વિભાગો, તેમાંના ૮૬ અબજ ન્યૂરોન્સ (ચેતાકોષો) અને અબજો જોડાણ કઈ રીતે કામ કરે છે તે હજી સુધી પૂરું સમજમાં આવ્યું નથી. વિશ્વભરમાં અજાયબ ગણાતી અનેક શોધોની પાછળ માનવમગજે કામ કર્યું હોવા છતાં કહેવાય છે કે “Brain can not solve it’s own mystery”. માનવશરીરમાં દોઢેક કિલો વજન ધરાવતું મગજ શરીરના વજનનો ૪૦મો ભાગ થાય પણ શરીરમાં વપરાતી ઊર્જાનો ચોથો હિસ્સો એકલું મગજ વાપરી જાય છે. ઊર્જાની આટલી મોટી જરૂરિયાત પૂરી પાડવા તેનો ૬0% હિસ્સો ચરબીનો બનેલો છે.

    તેમાં સ્નાયુઓ નથી, તેને હલનચલન કરવાનું નથી પણ શરીરની તમામ પ્રક્રિયાઓ જેવી કે, ઉષ્ણતામાન જાળવવું, ભૂખ-તરસનો અહેસાસ કરવો, અંત:સ્ત્રાવી ગ્રંથિઓ પર નિયંત્રણ રાખવું, અંગો-અવયવોના સ્નાયુ પર નિયંત્રણ, શ્વસન, હૃદયના ધબકાર, ઊંઘ જેવાં આપમેળે થતાં કામો પર નિયંત્રણ, દષ્ટિ-શ્રવણ-સ્વાદ-સુગંધ-સ્પર્શનો અહેસાસ કરવો. ઊંઠ- બેસ કરતા શરીરનું સમતોલન જાળવવું, ભાષા અને બોલવા પર નિયંત્રણ વગેરે તમામ કામો જન્મથી મૃત્યુ પર્યત ને દિવસ-રાત બખૂબી કરે છે.

    આ ઉપરાંત ભાવનાઓને સમજવી, જીવનભરમાં મળેલી માહિતી અને અનુભવોને સાચવવાનું, તેમનું વિશ્લેષણ કરવું, ગણતરી કરવી, કાર્ય-કારણ સંબંધ સ્થાપવો-સમજવો, તારણ કાઢવું, તેમાંથી બોધ પ્રામ કરવો અને જરૂર પડે યોગ્ય નિર્ણય લેવાનું અને તેને અમલમાં મૂકવાનું તથા તે માટે યોગ્ય કૌશલ્ય પ્રાસ કરી ધાર્યું પરિણામ મેળવવા મથવાનું કામ પણ આખરે મગજ જ કરે છે. સામાન્ય ભાષામાં હૃદય અને મન જેને માટે જવાબદાર ગણવામાં આવે છે તે દાક્તરની ભાષામાં મગજનાં જ
    કામો છે. શરીરતંત્રને ચલાવવા સિવાયનાં જે કામોની યાદી ઉપર આપી છે તે એક રીતે બુદ્ધિ છે. દરેક વ્યક્તિની બુદ્ધિ અને તેના વિકાસ માટે માતા-પિતા તરફથી મળેલો વારસો મહત્ત્વનો ભાગ ભજવે છે, તેમ છતાં ઉછેર દરમ્યાનના વાતાવરણ અને તાલીમની અમુક અંશે અસર થતી હોય છે.

    બુદ્ધિ એટલે શું?

    ઓક્સર્ફ્ડના શબ્દકોષમાં કહેવાયું છે કે “બુદ્ધિ એટલે સમજવા, શીખવા અને વિચારવાની ક્ષમતા’. મેરિઅમ-વેબસ્ટરના શબ્દકોષમાં જણાવ્યા પ્રમાણે “બુદ્ધિ એટલે શીખવા કે સમજવા કે નવી પરિસ્થિતિ સાથે પનારો પાડવાની ક્ષમતા’. એમાં બીજો અર્થ છે, “આસપાસના વાતાવરણને બદલવા જ્ઞાનનો ઉપયોગ કરવાની ક્ષમતા’ અથવા “નિરપેક્ષ રીતે વિચારવાની એવી ક્ષમતા જે માપી શકાય’. ખેર, વિવિધ માનસશાસ્ત્રીઓએ બુદ્ધિની વિવિધ વ્યાખ્યા કરી છે.

    દરેક બાળક પ્રાકૃતિક રીતે બુદ્ધિ લઈને જ જન્મે છે, તેનાથી તે ઓછા સમયમાં વધુમાં વધુ શીખવા પ્રયત્ન કરે છે. આ શીખને કારણે ભવિષ્યની ઘટનાઓ અને જરૂરિયાતોનો વિચાર કરી આયોજન થાય છે. ભૂતકાળમાં પ્રાસ અનુભવોનો લાભ લેવાની ક્ષમતા આવે છે. તેનાથી સારા-નરસાનો વિવેક કરવાની સભાનતા પ્રાસ થાય છે. પુરુષો અને સ્ત્રીઓને પ્રાસ જન્મજાત બુદ્ધિમાં કોઈ ઝાઝો ફેર નથી પણ દરેક વ્યક્તિ અલગ અલગ રીતે અને માત્રામાં બુદ્ધિ ધરાવે છે. બુદ્ધિનો વિકાસ કિશોરાવસ્થા સુધીમાં થઈ જાય છે. આપણે ત્યાં કહ્યું છે ને કે સોળે સાન અને વીસે વાન !

    બુદ્ધિનો પ્રકાર

    હોવર્ડ ગાર્ડનર નામના એક માનસશાસ્ત્રીએ ૧૯૮૩માં લખેલ પુસ્તક “frames of mind“માં બુદ્ધિના આઠ પ્રકાર વર્ણવ્યા છે.

    ૧. વિશેષ પ્રકારની બુદ્ધિ : કોયડાને સારી રીતે ઉકેલી શકે,પેટર્નને સારી રીતે ઓળખે અને ચિત્રોનું સારું અર્થઘટન કરે.

    ૨. શરીર અને અંગમરોડ માટેની બુદ્ધિ : શારીરિક હલચલ અને સ્નાયુઓ પર સારો કાબૂ, રમતોમાં હોંશિયાર, શરીરનાં અંગોનું અદ્ભુત સંયોજન કરવાની ક્ષમતા, સાંભળીને કે જોઈને નહીં પણ જાતે કરીને યાદ રાખવાનું પસંદ કરે.

    ૩. સંગીત માટેની બુદ્ધિ : ગીત-સંગીતને માણી શકે, અવાજ અને પેટર્નને આધારે વિચારે, સંગીત રચે.

    ૪. તર્કમય અને ગાણિતિક બુદ્ધિ : ગણિતના દાખલા ફટાફટ ગણે, અઘરી ગણતરીઓ પણ સમજે, એબ્સ્ટ્કેટ વિચારો પર વધુ મગજ ચાલે.

    પ. આંતરવ્યક્તિ બુદ્ધિ : બીજાને સારી રીતે સમજે, તંદુરસ્ત દોસ્તી બાંધે ભાવનાત્મક સંબંધો ખૂબ મજબૂત હોય, બે જણ વચ્ચેનાં ઘર્ષણોને સારી રીતે ઉકેલે.

    ૬. વ્યક્તિકેન્દ્રી બુદ્ધિ : જાતનું નિરીક્ષણ અને આત્મસંશોધન વધુ કરે, પોતાની ક્ષમતા-નબળાઈઓને વધુ સારી જાણે, પોતા માટે ખૂબ જાગૃત રહે, પોતાની ભાવનાઓ માટે સંવેદનશીલ હોય.

    ૭. ભાષાવૈભવ માટેની બુદ્ધિ : શબ્દો, ભાષા, વાંચન અને લેખનમાં રસ પડે, જાહેર સંભાષણ સારું કરે, સારી રીતે સમજાવી શકે.

    ૮. પ્રકૃતિ તરફની બુદ્ધિ : પ્રકૃતિના તાણા-વાણા સારી રીતે સમજે. વનસ્પતિશાસ્ત્ર, જીવશાસ્ત, પ્રાણીશાસ્ત્રમાં રસ પડે. પ્રકૃતિની કદર કરે, ખેતી-બાગકામ-પ્રકૃતિભ્રમણને વિશેષ માણે.

    અલબત, આવા વર્ગીકરણનાં સ્પષ્ટ ચોકઠાં નથી હોતાં. જેમ મગજનું છે તેમ બુદ્ધિ વિશેના ખ્યાલો હજી સ્પષ્ટ નથી, અને વિકસી રહ્યા છે. નિષ્ણાતોમાં પણ મતમતાંતર પ્રવર્તે છે. પણ ઉપરોક્ત સમજણ એટલા માટે જરૂરી છે કે બુદ્ધિ એટલે માત્ર તાર્કિક, ગાણિતિક અને કોયડા ઉકેલવાની ક્ષમતા નહીં પણ ઉત્તમ સંગીતકાર, ખેડૂત, પક્ષીવિદ્‌, શિલ્પકાર, ટીમનો કેપ્ટન કે કુટુંબને સાચવતી ગૃહિણી પ્રખર બુદ્ધિશાળી હોય છે! આવી સમજના અભાવે ભ્રમમાં રહેતા લોકો ગણિત-વિજ્ઞાનમાં ઓછા ગુણ લાવનારા બાળકને “ડફોળ’નું લેબલ લગાવી દે છે, આવા બાળકની બુદ્ધિનો સારો ઉપયોગ તેને
    રમતવીર કે કવિ કે પ્રકૃતિવિદ્દ બનવાની તક આપવાથી અચૂક થયો હોત! એ દષ્ટિએ બીથોવન, લતા મંગેશકર, સચિન તેંદુલકર, રતન ટાટાને પણ બુદ્ધિશાળી ગણવા જોઈએ; માત્ર સ્ટીફન કોવીન કે રામાનુજનને જ નહીં! દરેકે પોતાની બુદ્ધિ કઈ રીતે અને શેના ભોગે વાપરી તે વાત અલગ છે!

    બુદ્ધિનો વિકાસ : મગજ અને બુદ્ધિ વિશેની આ છણાવટ કૃત્રિમ બુદ્ધ (AI)ને સમજવાની પૂર્વભૂમિકા રૂપે છે. આ લેખનો હેતુ ટેક્નોલોજી અને માનવજાત વચ્ચેના સંબંધને સમજવા માટે છે, કેળવણી વિશે નથી ; એટલે એ ચર્ચાને અહીં જ રોકીએ. ખેર, ઉત્ક્રાંતિ દરમ્યાન માણસજાતની બુદ્ધિનો વિકાસ થયો છે. મગજના કદનો વિકાસ અને બુદ્ધિના વિકાસને સીધો સંબંધ છે. આદિમાનવ પાદડાં-કંદ ખાઈને જીવતો ત્યારે તેનું જઠર મોટું, આંતરડાં લાંબાં હતાં અને મગજ નાનું હતું! બુદ્ધિના વિકાસને લીધે જ તેણે સાધનો (Tools) શોધ્યાં, પૈડું શોધ્યું, અમિનો ઉપયોગ કરતો થયો.

    આ સાધનોના વિકાસમાંથી ધીરે ધીરે ટેક્નોલોજીનો વિકાસ થયો. તેનો પોતાનો એક અદ્ભુત ઇતિહાસ છે. આજે વિજ્ઞાનની વિવિધ શાખાઓને આધારે મંગળ પર પહોંચવાથી માંડી, જનીન ઈજનેરી થકી ડિઝાઈનર બેબી વિકસાવે, લંડનમાં બેઠેલા દાક્તર દિલ્હીની હોસ્પિટલના ઓપરેશન થિએટરમાં સૂતેલા દર્દીનું ઓપરેશન કરે અને મીઠી વીરડીના અણુમથક સામે વ્યૂહાત્મક આંદોલન થકી યોજના પડતી મુકાય તે બધા જ અલગ અલગ રીતે બુદ્ધિના આવિર્ભાવ ગણાય! અલબત્ત, બુદ્ધિ સિવાયનાં ય પરિબળો જરૂર કામ કરતાં હોય છે! આમ, ઉત્ક્રાંતિ દરમ્યાન માનવબુદ્ધિનો ક્રમશઃ વિકાસ થયો અને આજે એ જ માનવબુદ્ધિ કૃત્રિમ બુદ્ધિનો પણ એવો વિકાસ કરવા માંડી છે કે એ બે વચ્ચે હરીફાઈ થઈ શકે!


    સાભાર સૌજન્યઃ ભૂમિપુત્ર, ૯ ઓગસ્ટ ૨૦૨૩