-
પ્રથમ મહિલા શાસક સન્માન
વનિતાવિશેષ
રક્ષા શુક્લ
સ્ત્રી દેવી છે સ્ત્રી માતા છે સ્ત્રી દુહિતા છે
સ્ત્રી ભગિની છે સ્ત્રી પ્રેયસી છે સ્ત્રી પત્ની
છે સ્ત્રી ત્યાગમૂર્તિ છે સ્ત્રી અબળા છે
સ્ત્રી સબળા છે સ્ત્રી શક્તિ છે સ્ત્રી નારાયણી
છે સ્ત્રી નરકની ખાણ છે સ્ત્રી પ્રેરણામૂર્તિ છે
સ્ત્રી રહસ્યમયી છે સ્ત્રી દયાળુ
માયાળુ પ્રેમાળ છે સ્ત્રી સહનશીલ છે
સ્ત્રી લાગણીપ્રધાન છે સ્ત્રી ડાકણ છે
સ્ત્રી ચુડેલ છે સ્ત્રી પૂતના છે સ્ત્રી
કુબ્જા છે સ્ત્રી મંથરા છે સ્ત્રી સીતા
ને સાવિત્રી છે સ્ત્રી…
સ્ત્રી સ્ત્રી સિવાય બધું જ છે
સ્ત્રી મનુષ્ય સિવાય બધું જ છે.જયા મહેતા
કવયિત્રી સુભદ્રાકુમારી ચૌહાણની કવિતા ‘ખૂબ લડી મર્દાની, વહ તો ઝાંસી વાલી રાની થી’ કાવ્યથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હોય ! આજે પણ કોઈ સ્ત્રી સંઘર્ષનો બહાદુરીપૂર્વક સામનો કરી મર્દાની સાબિત થાય તો આપણે તેને ‘ઝાંસીની રાણી’નું બિરુદ આપી નવાજીએ છીએ. તાજેતરમાં બનેલી કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા-ધ ક્વીન ઓફ ઝાંસી’ની વાર્તા ભારતમાં ૧૮૫૭માં થયેલા બળવા પર આધારિત છે જેમાં ઝાંસીને બચાવવા અંગ્રેજોની વિશાળ સેના સામે પોતાના મુઠ્ઠીભર સૈનિકો સાથે રાણી લક્ષ્મીબાઈ લડતી રહી અને વીરગતિને પામી. શ્રીમતી ઇન્દિરા ગાંધી સ્વતંત્ર ભારત દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. તેઓ એક કુશળ પ્રધાનમંત્રી અને રાજનીતિજ્ઞ હતા એમાં કોઈ શંકા ન હોય શકે. લોખંડી મનોબળ ધરાવનાર એક હિંમતવાન મહિલા વડાંપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધી હંમેશાં લોકોને યાદ રહેશે. ઇતિહાસમાં મહદ્ અંશે સ્ત્રી-પુરુષના કાર્યો વચ્ચેનો તફાવત સદીઓથી યથાવત્ રહ્યો છે. પુરુષપ્રધાન સમાજની માન્યતાઓને લીધે ઈતિહાસમાં પણ નારીચેતાનાને બહુ મહત્વ અપાતું ન હતું. ઇતિહાસનું ખરું પાત્ર જાણે પુરુષ જ હોય તેવું લાગ્યા કરે. નારી માત્ર ઘરકામ પૂરતી જ સીમિત મનાય છે. નારીની આવી અવહેલનાને નારીવાદીઓએ પડકારી છે. ઈતિહાસલેખનમાં કોઈ નારીપ્રતિભાને સ્થાન મળે એ ગૌરવ લેવા જેવી બાબત ગણી શકાય. ઇતિહાસના પાને સબળ સ્ત્રીઓની ભૂમિકાની નોંધના કેટલાક ઉદાહરણોમાં રઝિયા સુલતાનનું નામ નક્કર હાજરી નોંધાવે છે.

પિતા ઇલ્તુત્મિશ ગ્વાલિયરના હુમલામાં સામેલ હતા. આથી તેણે દીકરી રઝિયાને દિલ્હીનું ટેમ્પરરી શાસન સોપ્યું. પરંતુ પાછા ફરતા રઝિયાની રાજ્યકર્તા તરીકેની કુશળતા જોઈ આશ્ચર્યચકિત થઇ ગયા અને રઝિયાને પોતાની ઉત્તરાધિકારી નિયુક્ત કરી. તેના પિતા કહેતા કે ‘મારી આ નાની પુત્રી કેટલાયે પુત્રો કરતા શ્રેષ્ઠ છે.’ ૧૨૦૫માં જન્મેલી રઝિયાએ ૧૨૩૬ થી ૧૨૪૦ સુધી દિલ્હીની ગાદી પર રાજ્ય કર્યું. એ એક સાહસિક મુસ્લિમ સુલતાન હતી. પિતા જે નિયમોને પોતાના પ્રશાસનમાં લાગુ કરતા એ તેને અત્યંત આકર્ષિત કરતા. રઝિયા ઘોડેસ્વારી અને ધનુર્વિદ્યામાં પારંગત હતી. તો માર્શલ આર્ટ પણ સુપેરે જાણતી હતી. યુદ્ધને લગતા કોઈ પણ ઉપક્રમમાં પિતા ઇલ્તુત્મિશ સાથે રઝિયા જતી. તેમની સાવકી માતા અને ભાઈ તો તેને રાજગાદી સોંપવા માગતા જ નહોતા પરંતુ પિતાના લેખિત પત્રમાં કરાયેલા ઉલ્લેખને લીધે તેઓ ન ઈચ્છતા હોવા છતાં ૧૦ નવેમ્બર ૧૨૩૬ ના રોજ ‘જલાલાત-ઉદ-દીન રઝિયા’ના નામની સત્તાવાર ઘોષણા સાથે રઝિયાએ રાજગાદી સંભાળી.
તે બુદ્ધિમાન અને બહાદુર યોદ્ધા હતી. ઈમાનદાર અને ન્યાયપ્રિય શાશક હતી. માત્ર સાડા ત્રણ વર્ષના શાસનમાં તેના ઉત્તમ કાર્યો દ્વારા ઇતિહાસના પાનાઓ પર એક નક્કર જગ્યા બનાવી. દિલ્હીમાં રઝિયા સુલતાનનો મકબરો એ બહાદુર સ્ત્રીની યાદ આપે છે. એક સુલતાનને શોભે તેવું અંગરખું અને રાજમુકૂટ પહેરી એ હાથી પર સવાર થઈ યુદ્ધમાં ભાગ લેતી. મુસ્લિમ રીવાજોની વિરુદ્ધ એ પોતાનો ચહેરો ખુલ્લો રાખતી. મુસ્લિમ સ્ત્રીના પરદામાં રહેવાની વાતનો તેણે સખ્ત વિરોધ કર્યો અને પોતે સ્ત્રી હોવા છતાં પુરુષનો પોશાક અપનાવ્યો. પુરુષોની જેમ સજ્જ થઇ તે રાજદરબારમાં બિરાજતી. એક ઉત્તમ શાસકને શોભે તેવા સઘળા ગુણો તેણીમાં હતા. પોતાના પ્રદેશમાં તેણે સંપૂર્ણ શાંતિ સ્થાપિત કરી. તેની પ્રજા રઝિયા દ્વારા લાગુ કરાયેલા બધા નિયમોનું પાલન કરતી. રાષ્ટ્રનો વિકાસ સાધવા તેણે આદાન-પ્રદાન (વિનિમય)ને ઉત્તેજન આપ્યું. ગલી, રસ્તા અને કૂવાઓના બાંધકામને મહત્વ આપ્યું. શૈક્ષણિક સંસ્થાઓ તેમ જ પુસ્તકાલયોને અગ્રીમતા આપી. વિજ્ઞાન, અંતરિક્ષ વિજ્ઞાન કે નવી શોધો માટે પણ રઝિયાએ પ્રોત્સાહન આપ્યું. કલા અને સંસ્કૃતિના વિકાસ માટે વિદ્વાનોનું સમર્થન કરી જરૂરી યોગદાન આપ્યું. પોતે મુસ્લિમ શાસક હોવા છતાં હિન્દુ સંસ્કૃતિનો વારસો જાળવી રાખવા રઝિયાએ સતત પ્રયત્ન કર્યા. તેણીએ ક્યારેય હિન્દુ પ્રજાનું દિલ દુખાવ્યું નહોતું.
પ્રથમ મહિલા શાસક તરીકે સન્માન પ્રાપ્ત કરનાર રઝિયા સુલતાન ઉપર ૧૯૮૩માં કમાલ અમરોહીએ ધર્મેન્દ્ર અને હેમાને લઈને ‘રઝિયા સુલતાન’ ફિલ્મ બનાવી. જેનું જાં-નિસાર અખ્તરનું લખેલું ગીત ‘એ દિલે નાદાન’ ઘણું લોકપ્રિય થયું હતું. ૨૦૧૫માં એંડ ટી.વી. પર રઝિયા સુલતાન સિરિયલ આવેલી. એ રીતે દેશના દરેક ઘરમાં રઝિયા સુલતાને પ્રવેશ કર્યો. રફીક ઝાકરિયા દ્વારા ‘રઝિયા, ધ ક્વીન ઓફ ઇન્ડીયા’ પુસ્તક પણ લખાયું છે.
રઝિયાએ પોતાને ‘સુલતાના’ તરીકેની ઓળખાવાની વાતનો વિરોધ કરી ‘સુલતાન’નું બિરુદ અપનાવેલુ. કારણ કે ‘સુલતાના’નો અર્થ ‘બીજું’ અથવા ‘તેના પછી’નું થાય. તે પ્રથમ હતી. બીજી નહીં. સ્ત્રી હોવા છતા પુરુષ સમોવડી હતી. એ કહેતી કે ‘પુરુષને સુલતાનનું બિરુદ મળે તો સ્ત્રીને કેમ નહી ?’ રઝિયા સત્તા પર આવતા ‘એક સ્ત્રી શાસન કરે’ તે વાતથી લોકોમાં ઇર્ષ્યા જાગી. પુરુષોનો તેજોદ્વેષ થયો. વળી પાડોશી દેશના આફ્રિકન સીદી ગુલામ જમાલુદ્દીન યાકુત માટેના એકતરફી પ્રેમે રઝિયાને ઘણું નુકશાન પહોંચાડ્યું. રઝિયાના આ પ્રેમ બાબતે ઘણા શાસકો અને હોદ્દેદારો નારાજ હતા. રઝિયાના બાળપણના મિત્ર હોવા છતાં ભટીંડાના રાજ્યપાલ મલિક ઇક્તીર-ઉદ-દીન અલ્તુનિયાએ રઝિયા વિરુદ્ધ કાવતરું ઘડ્યું. અલ્તુનિયાએ રઝિયાને કેદ કરી ત્યારે તેના ભાઈ મુઝુદ્દીન બહરામ શાહે પોતાને દિલ્હીનો સુલતાન જાહેર કરી દીધો. તેણે પોતાની બહેનની વિરુદ્ધ અનેક અફવાઓ ફેલાવીને રઝિયાને બદનામ કરી હતી. સમય જતા અલ્તુનિયા રઝિયાના પ્રેમમાં પડ્યો. આ પહેલા રઝિયા અને ગુલામ યાકુતના સંબંધો વિશેની અફવાઓ ફેલાઈ હતી એ વાતથી અલ્તુનિયાને ખૂબ ઈર્ષા થઈ. યાકુતની હત્યા કરાવ્યા બાદ છેવટે બન્ને વચ્ચે સમાધાન થયું. પોતાની કીર્તિને બચાવવા માટે પછીથી રઝિયાએ સમજદારીપૂર્વક અલ્તુનિયા સાથે વિવાહ કરવાનું નક્કી કર્યું.
રઝિયા અને પતિ અલ્તુનિયાએ રઝિયાના ભાઈએ પચાવી પાડેલા રાજ્ય પર કબ્જો કરવાનો નિર્ણય લીધો. પરંતુ રઝિયાના ભાઈ બહરામ શાહે અનેક લોકોના જુથ સાથે મળીને પતિ-પત્નીને હરાવીને કેટલાક ડાકુઓ મારફત તેમની હત્યા કરાવી નાખી. આમ દિલ્હીની પ્રથમ અને અંતિમ મહિલા સુલતાન ૩૫ વર્ષની નાની ઉંમરે દુનિયા છોડી ગયા. એક સ્ત્રી હોવા છતાં શાસનની સમગ્ર દોર પોતાના હાથમાં લેવાની વાતે તેનું પતન થયું એવું મૂલત: મનાય છે. જો કે મહિલા સ્વતંત્રતાનો મુદ્દો આજે પણ બધે ચર્ચામાં છવાયેલો રહે છે. ‘સાહબ, બીવી ઓર ગુલામ’, ‘હંટરવાલી’ કે ‘રંગૂન’ જેવી અનેક ફિલ્મોમાં થતું નાયિકાનું ચરિત્ર-ચિત્રણ પરંપરાગત સ્ત્રીની છબિને તોડી સમાજને બદલાવ માટે અપીલ કરે છે. પણ આપણો દંભી સમાજ આજે એકવીસમી સદીમાં પણ નારી શક્તિને સ્વીકારવા દિલથી રાજી નથી. સૈફ પાલનપુરીની શાંત ઝરુખે વાટ નિરખતી રૂપની રાણી અને એક શહેજાદી જોઇ હતી. પણ રઝિયા નોંખી માટીની હતી. નારી સત્તાના નવલારૂપ માટે સર જમી હિન્દુસ્તાન યાદ રાખશે.
ઇતિ
સારું વક્તવ્ય એને કહેવાય જેનો પ્રારંભ અને અંત બંને રસપ્રદ હોય અને એ બંને વચ્ચેનો ગાળો ટૂંકો હોય.
-દ લા રોશફૂકો
સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
ઊજળો આવકાર
યંગ ક્લબ
“ઉજળો આવકાર” ગુરુવર્ય શ્રી તાકતસિંહ પરમારે યંગ ક્લબ નાં નાટકો નું પહેલું પુસ્તક બહાર પડ્યું તેમાં લખેલી પ્રસ્તવના છે.
નીતિન વ્યાસ
ઘણાં વર્ષોથી નાટયક્ષેત્રે પ્રવૃત્ત નહિ હોવા છતાં ૧૯૩૫ થી લગભગ ૧૯૬૦ સુધી, નાટયલેખન અને મંચનના ક્ષેત્રે નવો ચીલો પાડનાર યંગ કલબે ભજવેલાં ચાલીસેક લધુનાટકો–એકાંકીઓ પૈકી સાત નાટકો અહીં રજુ થાય છે ત્યારે ” સામાન્ય રીતે એવું બનતું આવ્યું છે કે ” જ્યારે કોઈ પણ પુસ્તક છપાય ત્યારે તેની ‘પ્રસ્તાવના’ કોઈ સિદ્ધહસ્ત, વિદ્વાન લેખક કે વિવેચક આલેખે … અમે આ પુસ્તક છપાવીએ છીએ ત્યારે એ ચાલને ચાતરીને ચાલવું છે” ને તે છતાં ભાઈ પીયૂષ પારાશર્ય અને અન્ય મિત્રોનાં સૂચન થી મારે થોડુંક કહેવું છે; વિવેચક તરીકે કે વિદ્વાન તરીકે નહિ, પણ આ નાટકો જેણે જોયેલાં અને માણેલાં છે.
જે.બી.પ્રિસ્ટલીના Dangerous Corner કે Inspector Calls ના રૂપાંતરોના પૂર્વપ્રયોગ–રીહર્સલ–પછી બાબુભાઈ વ્યાસ અને ડૉ. અરવિંદ મહેતાએ કરેલી નુકતેચીનીમાં સામેલ થવાની તક પણ જેને પ્રાપ્ત થઈ છે, અને એ બન્ને વ્યકિતઓની સાથે શિશુવિહાર બુધસભાના સ્થાપક સભ્ય બનવાનો લહાવો જેને મળ્યો છે એવી વ્યકિત તરીકે મારે થોડુંક કહેવું છે. આ સાત નાટકોને થોડા શબ્દોમાં આવકાર આપવો છે.
૧૯૩૩ ના જૂનમાં ભાવનગર આવવાનું થયું. આ નાટકોમાં ને પંચવટીમાં સક્રિય રહેલા હરિભાઈ ચૌહાણ મારા પાડોશી, સહાધ્યાયી. (આ મૈત્રી ૧-૮–૧૯૯૫ સુધી તેમના દેહાવસાન સુધી ચાલુ રહી). બનતાં સુધી તેમનાં જ સૂચનથી આલ્ફેડ હાઈસ્કુલના ક્રિકેટ મેદાનમાં ખુલ્લા મંચ પર ભજવાતા નાટયપ્રયોગો જોવાનું મળ્યું. ’૩૪ ના ફેબ્રુઆરીમાં, હું ભૂલતો ન હોઉં તો ઈન્દુલાલ ગાંધીના બીજા એકાંકી સંગ્રહ ‘પલટાતાં તેજ’ માનું ‘પલટાતાં તેજ’ (હેતુલક્ષી રચના) અને ધનસુખલાલ મહેતાનું ‘તરસ’ જોવા મળ્યું. તેમનું જ જાણીતું પ્રહસન ‘પગરખાંનો પાળિયો’ યંગ કલબે તે પછી ભજવ્યું. ( આ જ મેદાન પર ક્રિકેટની રમતમાં બાબુભાઈએ છક્કો મારેલો ને એક બહેનની દોણી ફૂટી ગએલી એવું પણ ઝાંખું ઝાંખું યાદ છે.) ખુલ્લા મંચ પરથી એ.વી. સ્કૂલ, – આજની ધનેશ મહેતા માધ્યમિક શાળા–ના નાનકડા રંગમંચ ને સાંકડે માંકડે ચારસો પ્રેક્ષકો બેસી શકે તેવા મધ્યખંડમાં નાટકો ભજવવા લાગ્યા. અન્યત્ર લખાયું છે તેમ નાટયપ્રયોગોને અંતે ખર્ચની રકમ જાહેર કરવામાં આવે ને અનુકૂળતા હોય તો પ્રેક્ષક છ આના ( આજના સાડાત્રીસ પૈસા ) એ જ ખંડમાં, બીજે દિવસે નિયત સમયે પહોંચાડે.
દર વર્ષે ઓકટોબરની રજાઓમાં દિવાળી આસપાસ, નાટકો ભજવાય, તૈયારીઓ થાય. આ નાટકોનું, એનાં મંચનનું, ગુજરાતી નાટય સાહિત્યના અને તેના મંચનના ઈતિહાસમાં એક વિશિષ્ટ સ્થાન છે. આજના જેવાં ધ્વનિપ્રસારણ કે ધ્વનિપટ્ટિકાઓ, પ્રકાશ-આયોજનની સગવડતા નહિ. તદ્દન ઓછા ખર્ચે, સન્નિવેશની ખાસ લપછપ વિના આ નાટકો ભજવાય. પ્રેક્ષકોને સામાન્યતઃ ઊંચી ડોક રાખીને જ, નાટકની પરિભાષામાં કહીએ તો Sit back નહિ પણ Sit up ની ૧ સ્થિતિમાં બેસવું પડે. દાદા આ મંચ પર ક્યારે પ્રવેશ્યા તેતો બાબુભાઈ કહે ત્યારે, ઘણા ખરા દાદાઓએ, દાદા થયા પછી, જીવનમાંથી વિદાય લીધી છે.—પણ આ એક વિલક્ષણ પ્રયોગ હતો. પ્રેક્ષકોની વચ્ચેથી દાદાઓ પ્રવેશે, તત્કાલીન ઘટનાઓ વિષે વક્રોકિતપૂર્ણ વાકયોમાં, કયારેક ધારદાર તો ક્યારેક સૂક્ષ્મ નર્મ-મર્મ યુકત પ્રહારો થતા રહે; જેના પર પ્રહાર થતો હોય તે પણ માણે એવી ખેલદિલી તેમાં હોય – હાસ્ય હોય પણ ડંખ ન હોય. અમે શ્રી મનહરકુંવરબા રાજપૂત વિધાલયમાં બાપુનો ડાયરો’ નો આ પ્રકારનો જ પ્રયોગ ૧૯૪૩ થી શરુ કરેલો (હમણાં બાપુ આરામ પર છે) ને નાટયવિદ્દ, કુશળ નટ, દિગ્દર્શક શ્રી કિરીટસિંહજી ગોહિલે શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યાવિદ્યાલયમાં ‘બઈજી’ નો પ્રયોગ શરુ કર્યો. યંગ કલબનાં નાટકોનાં લેખનમાં સહ ભાગી રવિભાઈ મહેતા, બાબુભાઈ વ્યાસ, મુનિકુમાર ભટ્ટ, જગદીપભાઈ વીરાણી તેના સાથીનેં સહભાગી. આવાં નાટકોને પાછળથી Improvisation જેવું મોટું નામ મળ્યું. દાદાઓ ને ફરી પાછા બોલાવવા જેવા. માત્ર ભાવનગરમાં નહિ, ભાવનગરની બહાર પણ યંગકલબનાં નાટકોની નોંધ ગૌરવ પૂર્વક લેવાતી હતી.
આપણે નાટયક્ષેત્રે આજે (૧૯૯૯માં) ઠીક ઠીક ગતિ કરી હોવા છતાં, આપણું નાટક-સાહિત્ય સમૃધ્ધ નથી. વાંચવાનું નાટક અને
ભજવવાનું નાટક–સાહિસસત્યિક નાટક અને રંગભૂમિક્ષમ નાટક ની જુદી નાત હતી ને – -7 સાહિત્યિક નાટક – વાંચવાનું નાટક વિશેષ ગૌરવ પામતું હતું. એમાં, ફેરફાર થયો છે, ન ભજવાય તે નાટક નહિ એવું સ્વીકારાવાથી લાગ્યું છે– પણ આ સૈકાના ચોથા પાંચમાં દાયકામાં – ને છઠ્ઠા દાયકામાં પણ યંગ ક્લબનું નાટક એ વિરલ ઘટના હતી. ભજવનાર પાત્રોની ક્ષમતાને લક્ષમાં રાખીને મિત્રો આ નાટકો લખતા ને પૂર્વપ્રયોગ દરમિયાન ફેરફાર પણ થતાં રહેતા. એટલે જ સમગ્ર ગુજરાત એની નોંધ લેતું. આ અંગે એક જાત અનુભવ નોધું. વર્ષનો ખ્યાલ થોડો ચૂકાઈ ગયો છે, પણ સંભવતઃ ૧૯૫૫ ના ઓકટોબરમાં સૌરાષ્ટ્ર લેખક મિલનનું બીજું અધિવેશન ભાવનગરમાં મળ્યું. ત્યારે શિશુવિહારના રંગમંચ પર ‘અણધાર્યા ઊતરાણ’ અને સંભવતઃ ‘આત્માના આંસુ’ વગેરે ભજવાયાં. સૌરાષ્ટ્રભરના સો ઉપરાંત સાહિત્ય પ્રેમીઓનો આનંદ ઉભરાયા · વાહ, વાહ ‘ ના ઉદ્દગારો સતત સંભળાયા કરે ને ‘આવું તો કયાંય નથી’ એવું વારંવાર બોલાયા કરે, શ્રી વજુભાઈ શુકલ સાથે બોલનારમાં મુખ્ય, શ્રી જયમલ્લભાઈ પરમાર સાથે આવેલ રાજકોટની મિત્રમંડળી. આપણાં તો કોટના બટ્ટન તૂટયાં વિના ન રહેને.
એવા ચાલીસેક નાટકો પૈકી સાત નાટકો અહીં ગ્રંથ સ્વરૂપે, એ ભજવાયાં પછી લગભગ પચાસેક વર્ષે આપણી સમક્ષ આવે છે. વીતેલાં વર્ષો દરમિયાન નાટકની ટેકનિક તેમ નાટક વિશેના ખ્યાલ અંગે ઘણા ફેરફારો થયા છે. તે સમયે જેનું મંચન મુશ્કેલ બનતું તેનું મંચન આજે ધ્વનિ–પ્રકાશ ને પરિવર્તિત–ફરતા–રંગમંચને કારણે શકય બને છે. રેડીઓ-નાટક જુદી જ રીતે ઉપસ્યું છે. તે છતાં આ નાટકો વાંચતી વખતે, એનું મંચન થતું હોય તેવું કલ્પનાની આંખે જોઈ શકાય છે (મેં તો એ નાટકો જોયાં હોવાથી ફરીથી માણ્યાં), ને નાટકની શોધમાં સતત ફાંફા મારતી નાટયમંડળીઓને આમાંથી પસંદગી કરી, નાટકો ભજવવાનું ગમશે એવી મારી શ્રદ્ધા છે.
મારો ખ્યાલ છે ત્યાં સુધી આ નાટકોનાં લેખનમાં, ઉપર નોંધ્યા છે, ને અન્ય પણ નોંધાયા છે, તે નામોમાં ઈન્દુકુમાર છ. દવે ( વકીલનો અસીલ અને બીજા નાટકો’ ના કર્તા) નો પણ સમાવેશ કરવો ઘટે. વિશેષ બાબુભાઈ જાણે ! નાટયક્ષમ ક્ષણ પારખતાં લેખકોને બરાબર આવડી છે; એટલે જ નાટયને આવશ્યક ચમત્કૃતિ અહીં આપી શકાય છે.
નાટક “આત્માનાં આંસુ”: મૃત પુત્રના આત્મા સાથે વૈજ્ઞાનિક શોધને પરિણામે પાછો બોલાવી શકતા ને એ કારણે કીર્તિ રળતા વૈજ્ઞાનિક અંધ પ્રોફેસર, અને ભાઈને ખુબ ચાહતી બહેનની સ્થિતિ એ સૈનિકપુત્ર કદરૂપ ચહેરે પાછો આવે ત્યારે શું દશા થાય; જેના મૃત્યુને કારણે પ્રોફેસર શોધ કરી શકયા તે તો જીવંત છે એવો ખ્યાલ આવે તો એમના યશનો મહેલ તૂટી જ પડે ને ? પેલા યુવકે બહેનની વાત જાણી બહેન બહુ જ યુકિતપૂર્વક શું કરવું? ભાવપૂર્વક, ભાઈ પ્રત્યેનો પ્રેમ અડીખમ રીતે સાચવી રાખીને, તેને વાત કરે છે ને પુત્ર પિતા સમક્ષ–દુનિયા સમક્ષ હવે જીવંત રૂપે દેખાવા માંગતો નથી એ પુત્રના મિત્ર હોવાનો પાઠ ભજવે છે, પણ એના ગયા પછી એ જ સ્પર્શથી ને એક જૂના અનુભવના સ્મરણથી પિતા એ પુત્ર જ હતો તેમ પારખી શકે છે એ ‘આત્માનાં આંસુ’ નાટકની ઘટના છે. આરંભ માં હળવાશ, ચબરાકી ને પાછળથી ઘન કરુણા.
આ નાટક ભજવાયું ૧૦ ઓકટોબર ૧૯૪૮ ની સાંજે. તે જ સાંજે તેની સાથે મજવાયું ‘હાલરડું’. ૧૯૨૦ થી લગભગ ૧૯૪૦-૪૧ સુધીના ભારતના રાજકીય ઈતિહાસની ઝાંખી કરાવતું આ નાટક લેખકની દેશપ્રીતિનું સૂચક છે ‘આત્માનાં આંસુ’ વાંચતા—જોતાં W.W.Jacobs નું Monkey’s Paw કે ધૂમકેતુની એક વાર્તા ને ભુલાઈ ગયેલા વાર્તાકાર બચુભાઈ ઉમરવાડિયાની એક વાર્તા ‘આકાશવાણી’ યાદ આવે તેને આ નાટક વાંચતા W. B. Yeats નું ‘કેથલીન ઓફ હોહોલીના’ યાદ આવે ત્યાં કેથેલીન આયર્લેન્ડનું પ્રતિક અહીં ભારતમાતનું પ્રતિક છે નજીકની ઘટનાઓનો સમયગાળો લાંબો છે, એટલે પોત પાંખુ પડી ગયું છે, રેડીયો નાટક તરીકે તે બરાબર રજૂ થાય. અહીં રજૂ થયેલ કલ્પનાઓની વાસ્તવિકતા અંગે બયાન ન હોઈ શકે (તે છતાં ઘણું બધુ તો એમ જ બન્યુ કે તે સ્વીકારવું રહ્યું) તે કહેવાની જરૂર ન હોય.
આવી જ રીતે બધા નાટકો વિશે લખવા બેસું તો લખાણ બહુ લાબું થઈ જાય. યશવંત પંડયાના ‘સાહિત્ય સેવકોની મેચ’ કે ચં. ચી. મહેતાનાં ‘વજો તાંતરિયો’નું સ્મરણ કરાવતું મુનશી શરદબાબુ, ચં. ચી. મહેતા, ગોકુળદાસ રાયચુરાના સાહિત્યની લાક્ષણિકતા કાક, દેવદાસ, બાદશાહ બિરબલ, નાયક જેવા પાત્રો દ્વારા નર્મ – દ્વારા કરાવી આપતું પ્રહસન કોટિનું, ૬ નવેમ્બર૧૯૪૮ માં ભજવાયેલું, મીનળ સ્ત્રી નહિ પણ પુરુષ મીનળ છે તેવું પ્રતિપાદન કરતું ‘વિવેચક અથવા મુનળ’ ગિજુભાઈની વાર્તા ટીડા જોષીનાં બુદ્ધિચાતુર્યને આલેખતું, તેમની મશ્કરી કરવા આવનારને, ચાટ પાડતું નર્મ મર્મ સભર પ્રહસન ટીડા જોષી ભજવાયું ૧૯૫૦માં); વૃદ્ધ સ્નેહને- પુનઃ સ્મરણ દ્વારા, પરિવર્તિત ઘટનાઓ દ્વારા આલેખતું, કિશોર–યુવાન–વૃદ્ધ અવસ્થાના પ્રશ્નોને વાચા આપતું, અનેક વખત ભજવાયેલું, ઘટના કરતાં સંવાદ દ્વારા વિકાસ સાધતું, ‘જગતને બાંકડે’ (પ્રથમ વખત ભજવાયું ૧૯૫૧ માં); પૈસા દ્વારા ઉભાં થતાં અનિષ્ટોને રજૂ કરતું, સુખ સંપત્તિ, શાહુકારી કે વૈભવમાં નથી તેનું પ્રતિપાદન કરતું, તેમ કરવામાં ‘દિવા-સ્વપ્ન’ નો આશ્રય લેતું, ૧૯૫૧ માં જ પ્રથમ વખત ભજવાયેલું ‘દિવા સ્વપ્ન’ યંગકલબની મુદ્રાથી અંકિત છે જ. પણ ‘દિવાસ્વપ્ન’ પછી છ વર્ષે ભજવાયેલું સંગ્રહ નું છેલ્લું ‘ખેલદિલી’ આપણાં એકાંકી સાહિત્યમાં ‘આત્માનાં આંસુ ની માફક, વિશિષ્ટ સ્થાનનું અધિકારી છે. યુદ્ધ મોરચે આંખ ગુમાવી બેઠેલ સુરેશ તેની એક વખતની પ્રેયસી રેખા કિરીટ સાથે જોડાતા રોકે, તે માટે દેખતા હોવાનું નાટક ભજવે છે; પણ સફળ થતો નથી. કિરીટ પ્રત્યે એણે તે પહેલાં બે વખત ખેલદિલી દાખવેલી છે; એનાં નાટકની સફળતાનો ખ્યાલ રેખા કિરીટને આવી ગયો છે એટલે ખેલદિલી દાખવવાનો અધિકાર સુરેશને જ ન હોઈ શકે, પોતાને પણ હોઈ શકે તેવું વર્તન એ કરે છે ને માત્ર આ જ નાટકમાં નટ–નટીના સ્નેહની ઝાંખી કરાવતું આછેરું આલિંગન અંતે દર્શાવેલ છે.
વસ્તુચયન, તેનું નિર્વહણ, સંવાદોની સહજતા સરળતા ને “આત્માનાં આંસુ” કે ‘ ખેલદિલી ’ માં ઉપજતા પાત્ર વ્યકિતત્વ ને કારણે આ નાટકો આવકાર પાત્ર છે – ઉજળા આવકાર પાત્ર છે.
‘અણધાર્યા ઊતરાણ’ શીર્ષકથી બાકીનાં નાટકો હવે ગુજરાતને પ્રાપ્ત થાય. દીર્ઘ નાટકો પણ મળે તેવી ટહેલ ગુજરાત વતી નાખું છું. યંગકલબને હાર્દિક અભીનંદન !
તખ્તસિંહ પરમાર
વિદ્યાનગર,
ભાવનગર-ર.
૧૭ એપ્રિલ, ૧૯૯૯
સંપર્કઃ
નીતિન વ્યાસ: ndvyas2@gmail.com
-
હિંદુ ધર્મનું યોગ્ય નામ સનાતન ધર્મ અથવા આર્ય ધર્મ છે!
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
જાહેર અવસરોએ શાસન તરફથી પ્રબંધન અલબત્ત અપેક્ષિત છે. પણ હમણાં જેને વરસ થયું તે રામ મંદિર નિર્માણ અને હાલ ચાલી રહેલ કુંભ પર્વ એક પ્રકારે સ્ટેટ સ્પોન્સર્ડ રૂપ પ્રગટ કરી રહ્યાં છે એ આપણા ધ્યાન બહાર ન જવું જોઈએ: વડાપ્રધાન વાજપેયીએ ૨૦૦૨માં જે અર્થમાં રાજધર્મની યાદ આપી હતી તે આ તો નથી. વચ્ચે અહીં સાધ્વી ઋતંભરાની સાથે વાજપેયીનો ઉલ્લેખ ‘આધા કોંગ્રેસી’ તરીકે (અને એથી પં. અટલ બિહારી નેહરુ તરીકે) કર્યો હતો. થાય છે, ધર્મ અને રાજધર્મ એ બધી ચર્ચા નિમિત્તે જવાહરલાલ વાસ્તવમાં ક્યાં ઊભા હશે?
આ પ્રશ્નના ઉત્તરની શોધમાં મને અલાહાબાદમાં ૧૯૫૪માં મળેલા કુંભ મેળા સંદર્ભે ક. મા. મુનશીએ કુલપતિના પત્રોમાં ટાંકેલ એક પ્રસંગનું સ્મરણ થઈ આવે છે: ‘… ૧૯૫૪માં અલાહાબાદમાં કુંભ મેળો હતો. મેળાના બે દિવસ અગાઉ પંડિતજી અને હું બધો પ્રબંધ યોગ્ય છે કે નહીં તે જોવા ત્યાં ગયા હતા. અમે સંગમ પર પહોંચ્યા ત્યારે પંડિતજી જીપ અટકાવી નીચે ઊતર્યા. તેમણે અને મેં ગંગાના પવિત્ર જળથી પોતાનું મોં ધોયું. એક ખબરપત્રી અમારી જીપની જોડાજોડ આવતો હતો તેણે એવો અહેવાલ આપ્યો હતો કે પંડિતજીએ સંધ્યા કરી અને જનોઈ ધોઈ હતી. આ અહેવાલ એણે કલ્પનામાંથી ઊભો કર્યો હતો. સત્ય એ હતું કે પંડિતજી ગંગા નદી પ્રત્યે ભાવિક હિન્દુ જેટલાં જ આદર અને ભક્તિ ધરાવતા હતા. માત્ર એમના ‘વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ’ને કારણે તેઓ આ ભક્તિભાવને બીજું નામ આપતા હતા.’
આ પ્રસંગ સંભાર્યા પછી મુનશી નેહરુના વસિયતનામાને ટાંકે છે: ‘ભારતની જગજૂની સંસ્કૃતિ અને સભ્યતાની પ્રતીક બની રહેલી ગંગા હંમેશાં નવતર રૂપ ધરતી રહી છે અને છતાંય એ એની એ જ ગંગા છે. ગંગા મારે મન વર્તમાનમાં વહેતા અને ભાવિના મહાસાગરમાં ભળી જતા ભારતના ભૂતકાળના પ્રતીક અને સ્મૃતિ સમી બની રહી છે… આપણા સર્વેની જેમ હું પણ મારી જાતને ઈતિહાસના ઉષ:કાળ સુધી લંબાતી ભારતના અનાદિ ભૂતકાળની અખંડ સાંકળની એક કડીરૂપ સમજુ છું. હું એ સાંકળ છિન્ન-ભિન્ન કરવા ઈચ્છતો નથી, કારણ કે હું એને મૂલ્યવાન લેખું છું અને એમાંથી પ્રેરણા મેળવું છું. મારી આ ઝંખનાના સાક્ષી તરીકે ભારતના સાંસ્કૃતિક વારસાને મારી અંતિમ અંજલિ તરીકે હું આ વિનંતી કરું છું કે મારા મૃતદેહના થોડા અવશેષો અલાહાબાદ પાસે વહેતા આ ગંગાના પ્રવાહમાં પધરાવજો- આ મહાનદી તેને ભારતના કિનારાઓને પખાળતા મહાસાગરમાં લઈ જશે.’
આ અવતરણ આપ્યા પછી મુનશી સટીક પૂછે છે: ‘જો આને ધર્મભાવના ન કહેવાય તો પછી કોને કહેવાય?’ ૧૯૬૭ની આઠમી જાન્યુઆરીએ લખાયેલ ‘કુલપતિનો પત્ર’માંથી આ એક અંશ ટાંકી હું એના અનુસંધાનમાં ૧૯૬૭ની પહેલી ઓક્ટોબરના એમના પત્રમાંથી ટાંકવા માગું છું. કોઈકે મુનશીને ‘વેદ, હિંદુઓ અને હિંદુ ધર્મ’ વિશે મોકલેલી પ્રશ્નાવલિ માંહેલો એક પ્રશ્ન આ છે: ‘એ (હિંદુ ધર્મ) રાષ્ટ્રીય છે કે સાર્વત્રિક ધર્મ છે?’ મુનશી એ સજ્જનને લખે છે: ‘હિંદુ ધર્મ એ સાર્વત્રિક ધર્મ છે, એનું યોગ્ય નામ સનાતન ધર્મ અથવા આર્ય ધર્મ છે. બૌદ્ધ ધર્મ પણ સનાતન ધર્મમાંથી જ ઉદય પામ્યો છે.’
આ ઉત્તરમાંથી જે બે વાનાં ફલિત થાય છે એ નોંધ્યાં તમે? એક તો, સનાતન ને બિનસનાતન એવો જે વિવાદ યોગી આદિત્યનાથ વગેરે છેડી રહ્યા છે એનો અહીં છેદ ઊડી જાય છે. બીજું, હિંદુ ધર્મ ‘સાર્વત્રિક’ છે, નહીં કે ‘રાષ્ટ્રીય’- આ ભૂમિકા સાથે રાષ્ટ્રને હિંદુ ઓળખમાં બદ્ધ કરવાપણું રહેતું નથી. એમાં હિંદુ અંશ બલકે સત્ત્વ અવશ્ય છે, પણ તે એમાં અને એથી સીમિત નથી.
વારુ, નેહરુને અભિમત શું હતું તે તરફ વળીએ જરી? ૧૯૪૮ના જાન્યુઆરી મહિનામાં એ અલીગઢ ગયા છે, ચહીને ગયા છે, દીક્ષાન્ત અભિભાષણ વાસ્તે. જે સમયગાળામાં એ ગયા છે તે પણ અક્ષરશ: ઐતિહાસિક એવાં મનોવૈજ્ઞાનિક પરિમાણોનો ગાળો છે. ૧૭મી જાન્યુઆરીએ ગાંધીજીએ એમના અંતિમ અનશન પૂરા કર્યા અને ૩૦મી જાન્યુઆરીએ ‘ગાંધીવધ’ થાય છે: એના વચગાળામાં નેહરુ અલીગઢ યુનિવર્સિટી પહોંચ્યા છે. એમના સંબોધનના પૂર્વાર્ધનો આ અંશ સાંભળો: ‘હું અલીગઢ યુનિવર્સિટીમાં લાંબા સમય પછી આવ્યો છું… આપણે એવા દોરમાંથી પસાર થઈ રહ્યા છીએ કે તમે બલકે આપણામાંથી મોટાભાગના ક્યાં ઊભા છીએ તે હું ચોક્કસ જાણતો નથી. ગમે તેમ પણ, આપણે ભાવિને સંવારવાનું છે અને વર્તમાનનો મુકાબલો પણ કરવાનો છે. શ્રદ્ધાના મજબૂત લંગર વગર આપણે અમથા જ ઢસડાયા કરીશું… આપણો ઉદ્દેશ્ય ઉચ્ચ આદર્શ અને ઉદાત્ત પુરુષાર્થને વરેલા મુક્ત ભારતના નિર્માણનો છે. એક એવું ભારત જેમાં વિચાર અને સંસ્કૃતિના નાનાવિધ પ્રવાહો મળીને પ્રગતિ ને આગેકૂચ શક્ય બનાવે. હું ભારત માટે ગૌરવ અનુભવું છું તે એના પ્રાચીન ભવ્ય વારસા માટે જ નહીં, પણ દિલોદિમાગનાં બારીબારણાં ખુલ્લાં રાખીને સુદૂરનાં તાજગીભર્યાં વહેણ ને વાયરા આત્મસાત કરવાની ક્ષમતા બદલ. હમણાં મેં કહ્યું કે ભારતને બૌદ્ધિક ને સાંસ્કૃતિક ક્ષેત્રે આગળ આણનાર વારસા ને પૂર્વજો વિશે મને ગૌરવ છે. તમે આ ભૂતકાળને કઈ રીતે જુઓ છો? તમને પણ લાગે છે ને કે તે જેટલો મારો તેટલો જ તમારોયે છે? તમે મુસ્લમ છો, ને હું હિંદુ- પણ તેથી જે મારો એટલો જ તમારો પણ વારસો છે તે કંઈ હતો ન હતો થઈ જતો નથી.’
સ્ટેટ સ્પોન્સર્ડ શોર વચાળે આ એક સાંસ્કૃતિક પિછવાઈ, જરી હટકે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૫-૦૧– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
‘બાઈ’ : ‘મારી જીવનકથા’ – પુનઃશ્ચ વર સંશોધન
સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે
‘આષાઢમાં આકાશ તૂટ્યું‘થી આગળ
છ-સાત મહિના ગયા. લોકો બાબા પાસે મારા માટે પ્રસ્તાવ લાવવા લાગ્યા. કોઈકે છ સંતાનવાળો વિધુર બતાવ્યો! આ જાણે ઓછું હોય તેમ તેમની ઘરની પરિસ્થિતિ ઘણી પાતળી હતી. મેં ભગવાન પાસે પ્રાર્થના કરી અને માનતા રાખી, “હે ઈશ્વર, જિંદગીભર મારાં લગ્ન ન થાય તો ચાલશો, પણ આ જગ્યાએ તો મારાં લગ્ન કદી થવા ન દેશો.’ ભગવાને મારી પ્રાર્થના સાંભળી. મારાં નસીબ એવાં કે મારા માટે આવા ને આવા જ પ્રસ્તાવ આવવા લાગ્યા. હું ઘણી કંટાળી ગઈ. સોના જેવા મારાં ચાર ભાંડુડાં ગયાં તેને બદલે ભગવાને મને બોલાવી લીધી હોત તો કેટલું સારું થાત!
હવે તો અમારો ઓર્ડરલી પણ મારી ટીખળ કરવા લાગ્યો. ‘મોટી બહેનનાં લગ્નમાં ડબ્બા ખખડાવીશું, અને દમુબહેનનાં લગ્નમાં મોટો બૅન્ડ લાવીશું.’ મને ઘણો ગુસ્સો આવતો, અને કહેતી, “અરે, એવું હોય તો ઘાસલેટના ડબ્બા ખખડાવવા જેવો યોગ કરી લાવ ને! હું તો એમાં પણ રાજી થઈશ.’
આવો યોગ આવ્યો નહિ.
બાબાની નિવૃત્તિની તારીખ નજીક આવવા લાગી. તેમને મારાં લગ્ન ઘણા હોંશથી કરવાં હતાં. તેમણે ઘણા પ્રયત્નો કર્યા, છતાં ક્યાંય સફળતા ન મળી. હું પણ એવી અભાગણી કે ક્યાંક વાત ચાલે કે કોઈક અડચણ વચ્ચે આવતી. મારાં લગ્ન તો ન થયાં, પણ બાબાની રિટાયરમેન્ટની તારીખ આવી ગઈ. અમે બધાં વિજાપુર ગયાં.
મારા પિતરાઈ કાકા જે અમારી કોંકણની જમીનનો વહીવટ જોતા હતા તેમનું વડોદરા ખાતે અવસાન થયું. તેમને બે દીકરા અને એક દીકરી હતાં. અમારા પિતરાઈ કાકાની પશ્ચાત તેઓ જ અમારી જમીનનો વહીવટ જોતા હતા. બાબાએ વિચાર કર્યો કે ગામ જઈને જમીનની હાલત જોઈ આવીએ. અમને બધાંને બાઈજીમાસીને ઘેર મૂકી બાબા, કાકી અને બા વતન ગયાં. ગામ જઈને તેમણે જમીનો જોઈ. અમારાં મકાન તો વેરો ન ભરાવાને કારણે સરકારમાં ખાલસા થયાં હતાં. જમીનની દુઇ જોઈ તેમને ઘણું દુઃખ થયું. વંશપરંપરાગતની જમીનો હોવાથી બધાં ખેતરો અને વાડીઓની હજી પણ અમારા પિત્રાઈઓ સાથે સંયુક્ત માલિકી હતી, તેથી તે લોકો કોંકણ આવીને જે મળે તે ઊપજ લઈને બેસી જતા હતા. અમારા તરફથી જોનારું તો કોઈ હતું નહિ, અને મારી બા અને બાબાએ તો તેમના પર પૂરો વિશ્વાસ મૂક્યો હતો.
બાબાએ ઝીણવટથી જમીનના કાગળપત્ર અને દસ્તાવેજ જોયા ત્યારે ખબર પડી કે અમારાં કેટલાંક ખેતર પિતરાઈએ. ગિરવી મૂક્યાં હતાં, જેની અમને કોઈને ખબર પડવા દીધી નહિ. એક મહિનો ત્યાં રહ્યા પછી બાબા, કાકી અને બા પાછાં વિજાપુર આવ્યાં, અને મને અને દમુને વડોદરાથી બોલાવી લીધાં.
અમને વિજાપુર જઈને માંડ થોડા દિવસ થવા હશે ત્યાં બાઈજીમાસીએ બાને સંદેશો મોકલ્યો કે લીલાને લઈને તાબડતોબ વડોદરા આવો. તેમણે મારા માટે એક મુરતિયો નક્કી કર્યો હતો, અને તે લોકો મને જોવા માગતા હતા. બાબા આ સાંભળીને ખુશ થયા અને બાની સાથે મને તરત વડોદરા જવાની વ્યવસ્થા કરી આપી.
અમે વડોદરા પહોંચ્યાં અને ઘેર જઈને જોયું તો બાઈજીમાસી અમે પહોંચીએ તે પહેલાં જ ત્યાંથી પલાયન કરીને મુંબઈ જતાં રહ્યાં હતાં! બાને એટલો સખત આઘાત લાગ્યો કૈ તે માંદી પડી ગઈ. સતત તાવ આવવો શરૂ થઈ ગયો.
બાઈજીમાસી પર બાબા ઘણા ગુસ્સે થતા. બાની પાછળ પડીને તેમણે અમારું વડોદરાનું ઘર વેચાવ્યું તેની બાબાને ખબર પડવા ન દીધી. એટલું જ નહિ, પણ ઘર વેચ્યા બાદ આવેલી રકમમાંથી બચેલા બધા પૈસા નાનાજીનું ગિરવી રાખેલું મકાન છોડાવવાના સબબથી બાઈજીમાસીએ લઈ લીધા હતા અને તેમાંની પાઈ પણ પાછી આપી ન હતી. વળી નાનાજીને ઘેર જેટલો વખત રહ્યા તે દરમિયાન બાને ગૌરવથી જીવવાની તક આપી ન હતી. અંતે અમને આશરો બાબાએ જ આપ્યો. કેવળ આશ્રય નહિ, બા મોટાં ભાભી હતાં તેનું માન રાખી માતા જેવું સ્થાન આપ્યું હતું. અમારા માટે બાબા અને કાકીએ જેટલું કર્યું એટલું કોઈએ ન કર્યું. જ્યારે બાઈજીમાસી – મારાં સગાં માસીએ પોતાનો સ્વાર્થ સાધવા સારાસાર વિવેક બુદ્ધિને તિલાંજલિ આપી હતી.
બીમાર બાની સાથે અમે વડોદરા બાઈજીમાસીની પાછા આવવાની રાહ જોઈને બેસી રહ્યાં. તેઓ તો પાછા આવવાનું નામ જ લેતાં નહોતાં, તેથી બા અને હું બાના પિતરાઈ ભાઈને ઘેર રહેવા ગયાં. બાનો તાવ ઊતરતો નહોતો તેથી તે મામીને ઘરકામમાં જોઈએ એટલી મદદ કરી શકતી ન હતી. પરિણામે તેને મામીનાં મહેણાંટોણાં અને આડકતરી રીતે બોલાતા અપમાનજનક શબ્દો સાંભળવા પડતા. આની પરાકાષ્ઠા થવા લાગી અને મને તેનું અત્યંત દુઃખ થતું. જ્યાં સુધી બા તનતોડ મહેનત કરી લોકોને મદદ કરી, તેમનાં બધાં ઘરકામ સંભાળી લેતી હતી ત્યાં સુધી તે તેમને વહાલી લાગતી હતી. આમાં મીઠી વીરડી સમાન અપવાદ ફક્ત મારાં બાબા અને કાકી હતાં. તેમણે તો બાને માતા ગણીને સ્નેહ આપ્યો હતો અને મને અને દમુને દીકરીઓનું સ્થાન.
બાની સ્થિતિ જોઈ મને અપાર દુઃખ થયું. મારે લીધે જ તેને આ વિટંબણા સહન કરવી પડી હતી. અને માંદી પડી ગઈ હતી. પિતા પાસેથી અમને રતીભાર સુખ નહોતું મળ્યું. બા બધાંનાં મન અને માન સાચવીને અમને સંભાળતી હતી. એના દુઃખનો આજે વિચાર કરું છું તો મન અને હૃદય કંપી ઊઠે છે, વિદીર્ણ થઈ જાય છે. લગ્નની ઉમરે પહોંચેલી બે સમજુ અને શાણી દીકરીઓનાં અવસાન તેણે જોયાં હતાં. દિયરનાં નાનાં નાનાં બાળકોનાં નિધન તેણે જોયાં હતાં. આ જાણે ઓછું હોય તેમ તેના નસીબમાં હું હતી. મારાં લગ્ન થતાં નહોતાં તેની તેને ઊંડી વ્યથા હતી. મારા માટે બાની છાયા એક વિશાળ વટવૃક્ષ જેવી હતી. થતું, ભલે મારાં લગ્ન ન થાય, ભલે મારી પાસે બીજું કશું ન હોય, પણ મારી પાસે મારી મા છે ને! પણ હું ક્યાં એટલી ભાગ્યવાન હતી!
મારા કમભાગ્યે બાની માંદગી વધવા લાગી. બાઈજીમાસીના કોઈ સમાચાર નહોતા. અમે હજી મારા પિતરાઈ મામાને ઘેર હતાં. પરાયા ઘરમાં માંદા પડેલા મહેમાનને પથ્ય-પાણી ક્યાંથી મળે? મામા પર મારો વધારાનો બોજો હતો એવું
લાગતાં બાને તેમની પાસે મૂકી હું એકલી વિજાપુર ગઈ.
બાબા બાહોશ પોલીસ અધિકારી હતા, તેથી સૌરાષ્ટ્રના એક નાનકડા દેશી રજવાડાએ તેમને ફોજદાર તરીકે તેમના રાજ્યમાં કામ કરવા નિમંત્રણ આપ્યું. હું તો એકદમ ગભરાઈ ગઈ બાને એકલીને વડોદરા મૂડીને સૌરાષ્ટ્ર જવાનું થાય તો તેનું કોણ ધ્યાન રાખે? અમારા ‘મહાન’ બાઈજીમાસી થોડાં જ તેને પોષવાનાં હતાં? અને થયું પણ એવું જ. બાબાને સૌરાષ્ટ્રમાં નોકરી મળી છે એવું સાંભળતાં જ બાઈજીમાસી તાબડતોબ મુંબઈથી વડોદરા પાછા આવી ગયાં અને બાની હાલત ગંભીર હતી તો પણ તેને લઈ વિજાપુર મૂકી ગયાં. અમારા બાબા પોતાનાં માતૃતુલ્ય ભાભીને કોઈની પાસે છોડીને જાય તેવા હતા જ નહિ, તે બાઈજીમાસી જેવાં માણસ કેમ સમજે? એક તો બાની બધી મિલકત માસીએ. પચાવી પાડી હતી, અને બાની આવી બીમાર હાલતમાં જબરજસ્તીથી વિજાપુર મૂકીને જવા લાગ્યાં ત્યારે બાથી રહેવાયું નહિ. બન્ને વચ્ચે મોટો ઝઘડો થયો. નાનાજીનું ઘર છોડાવવા માટે બાઈજીમાસીએ પૈસા લીધા હતા તેમાંની એક પણ. પાઈ તો તેમણે બાને આપી નહિ તે નહિ જ, પણ બાના પૈસાથી છોડાવેલા નાનાજીના મકાનની પછીતમાં મોટી ખુલ્લી જમીન હતી તે પણ. તેમણે ચૂપચાપ વેચી નાખીને ઘણા પૈસા ઊભા કર્યા હતા જેનો તેમણે કોઈને – અરે, પોતાની સગી માને – મારાં નાનીને – પણ હિસાબ આપ્યો નહોતો.
બાએ. સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મારા પૈસા મને મળવા જ જોઈએ. બાઈજીમાસીએ, ઘણી આનાકાની કરી. અંતે તેમણે ચારસો રૂપિયા કાઢચા, પણ બાને આપવાને બદલે તેમના પિતરાઈ ભાઈને આપ્યા અને તેમને કહ્યું, “આ પૈસા લીલાનાં લગ્ન માટે રાખજો.’ બાકી હિસાબ આપવાની વાત માસીએ. ઉડાવી નાખી,
બાને રડતી મૂકી વડોદરા ઊપડી ગયાં, આવાં હતાં અમારાં સગાં માસી!
ક્રમશઃ
કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com -
એ લોકો / સીતાજીની તોલે ન આવો
પ્રિયકાન્ત મણિયાર
એ લોકો કાપડના તાકાના તાકા ભરી રાખે છે.
પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય
ત્યારે વાર વાર વેચે છે.એ લોકો ધાનના ગોદામો ભરી રાખે છે.
પછી જ્યારે ભૂખ્યા માણસ સડી જાય
ત્યારે કિલો કિલો વેચે છે.એ લોકો દવાની શીશીઓ ભરી રાખે છે.
પછી જ્યારે માણસ મરી જાય
ત્યારે ટીપે ટીપે રડે છે.એ લોકો નથી – એ તો છે
ચલણી નોટો ખાતી ઉધઈ.મારે કવિ નથી થવું – મારે તો થવું છે
ઊધઈ મારવાની અસરકારક દવા.(૨)
અવિનાશ વ્યાસ
દયાના સાગર થઇ ને, કૃપા રે નિધાન થઇ ને
છોને ભગવાન કહેવડાવો
પણરામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવોસોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદનથી છો પૂજાઓ
પણરામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવોકાચા રે કાનના તમે, ક્યાંના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઇ જેણે
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધીપતિ થઇ ને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવોતમથીયે પહેલા અશોક વનમાં
સીતાજીએ રાવણને હરાવ્યો
દૈત્યોના વચ્ચમાં નિરાધાર નારી તો યે
દશમંથાવાળો ત્યાં ના ફાવ્યોમરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ
અમથો વિજયનો લૂટ્યો લ્હાવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો -
ફિલસુફીભર્યાં ગીતો – ૩૧ – ज़िन्दगी हसने गाने के लिए है पल दो पल
નિરંજન મહેતા
૧૯૭૫ની ફિલ્મ ‘ઝમીર;નું આ ગીત બહુ પ્રચલિત છે.
ज़िन्दगी हसने गाने के लिए है पल दो पल
इसे खोना नही, खो के रोना नहीज़िन्दगी हसने गाने के लिए है पल
दो पल तेरे गिरने मे भी, तेरी हार नही
कि तू आदमी है अवतार नही
जो हो देश वो भेष बना प्यारे
चले जैसे काम चला प्यारे
प्यारे तू गम ना करज़िन्दगी हसने गाने के लिए है पल दो पल
जहा सच ना चले, वहा झूठ सही
जहाँ हक़ न मिले वह लूट सही
यहा चोर है कई, कोई साधु नही
सुख धुंध ले, सुख अपराध नही,
प्यारे तू गम ना कर..સૌ સમજે છે કે જિંદગી ચાર દિવસની ચાંદની જેવું છે જેમાં ચઢાવ ઉતાર આવતા રહે છે. એટલે જેટલી સમય મળ્યો છે તે આનંદથી વિતાવવો એવો આ ગીતનો ભાવાર્થ છે.
કહે છે આવી પળોને માણો, તેને ગુમાવો નહી. કદાચ કોઈ કારણસર આ પળ ખોવાઈ જાય તો પછી તેનો અફસોસ પણ ન કરવો.
આવતા ઉતાર ચઢાવમાં પતન થાય તો પણ માનજે કે તેમાં તારી હાર નથી કારણ તું એક માનવી છે ઈશ્વર નહી એટલે આમ થાય તો તેનો અફસોસ ન કરવો. કહે છે જેવો દેશ તેવો વેશ. જીવનના રોજબરોજના કાર્યોમાં આ સિદ્ધાંત જો સમજાઈ જાય તો કામ સરળ થઇ જશે. જેમ જેમ દિવસો આવશે ત્યારે સુખ દુઃખ પણ આવશે. પણ તે બધાનો સ્વીકાર કર અને કોઈ રોદણા ન રડ.
આગળ ઉપર જરા જુદી ફિલસુફી કહી છે. કહે છે ક્યારેક સત્ય ન ચાલે ત્યારે જરૂર હોય ત્યાં જુઠનો આશરો લેવામાં કોઈ હરકત નથી. જ્યાં તમારા હક્કનું ન મળે ત્યાં તેને લૂંટી લેવામાં પણ અચકાવું નહી. કારણ બધા અહી સાધુ નથી અને ચોરોની કમી નથી. આ જો સુખ શોધવા માટે કરવું પડે તો તે કોઈ ગુનો નથી. એટલે તું શોક ન કરતો.
અમિતાભ બચ્ચન પર રચાયેલ આ ગીતના ગીતકાર છે સાહિર લુંધિયાનવી અને સંગીત આપ્યું છે સપન ચક્રવર્તીએ. સ્વર છે કિશોરકુમારનો.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. +91 22 28339258/ 91 9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
વાદ્યવિશેષ (૨૭) – ફૂંકવાદ્યો (૪) – સુષીર ફૂંકવાદ્યો – સેક્સોફોન (૧)
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
આ કડીમાં વાત કરીએ સુષીર ફૂંકવાદ્યો વિશે. આ વાદ્યોમાં માઉથપીસ(જ્યાંથી વાદ્યમાં ફૂંક મારી, હવા દાખલ કરવામાં આવે છે)થી સહેજ આગળ રીડ તરીકે ઓળખાતી રચના આવેલી હોય છે. રીડ એટલે સાદી ભાષામાં સાવ પાતળી, ફૂંક મારવાથી જેમાં કંપન પેદા થઈ શકે તેવી પટ્ટી. જેને તળપદી ભાષામાં પતરી કહેવાય છે. આવાં વાદ્યોને પણ બે પ્રકારોમાં વહેંચવામાં આવે છે – સીંગલ રીડ અને ડબલ રીડ. જો કે એ વિગતમાં આપણે નહીં ઉતરીએ.
રીડ અને માઉથપીસની વચ્ચે હવા દાખલ કરવાથી રીડમાં કંપન ઉત્પન્ન થાય છે, જેને લીધે ધ્વની પેદા થાય છે. સેક્સોફોન, ટ્રમ્પેટ અને ક્લેરીનેટ રીડવાદ્યોનાં મુખ્ય ઉદાહરણો છે. અત્રે ધ્યાન ખેંચવું જરૂરી છે કે હાર્મોનીકા/માઉથ ઓર્ગન જેવું પહેલી નજરે રમકડા જેવું લાગતું વાજીંત્ર પણ એક પ્રકારનું રીડવાદ્ય છે. સેક્સોફોન પીત્તળનું બનેલું હોવા છતાં તેની રચનામાં રીડ્સ આવેલી હોઈ, તેને બ્રાસ નહીં પણ વૂડવીન્ડ વાદ્ય ગણવામાં આવે છે. નીચે સેક્સોફોનની તસવીર જોઈ શકાય છે. આ વાજિંત્ર તેની રચના અને આકાર તેમ જ કદના આધારે ત્રણ અલગઅલગ પ્રકારમાં જોવા મળે છે. અલબત્ત, એ ત્રણેય પ્રકારનાં વાદ્યોના સ્વરમાં બહુ જ ઓછો તફાવત હોય છે અને બહુ અનુભવી કાન જ તેમને અલગ તારવી શકે છે. આપણે તેના સૌથી વધુ પ્રચલિત પ્રકારને જાણશું.

સેક્સોફોન વગાડવાની રીત અને તેના સ્વરથી પરિચિત થવા માટે સ્થાનિક કલાકાર પરેશ ભાટીયાએ એક જાહેર કાર્યક્રમમાં સેક્સોફોન પર વગાડેલું ફિલ્મ ઈન્તેકામનું ગીત ‘આ જાન એ જા’ સાંભળીએ.
હવે આ વાદ્યનો નોંધપાત્ર ઉપયોગ થયો હોય તેવાં કેટલાંક ગીતો માણીએ.
સૌ પ્રથમ સાંભળીએ ફિલ્મ સટ્ટા બાઝાર (૧૯૫૯)નું સદાબહાર ગીત ‘તુમ્હેં યાદ હોગા કભી હમ મીલે થે’, જેમાં સેક્સોફોનના અંશો આસાનીથી પારખી શકાય છે. સંગીત નિર્દેશન કલ્યાણજી-આણંદજીનું છે.
૧૯૬૧માં પ્રદર્શિત થયેલી ફિલ્મ માયા માટે સલીલ ચૌધરીએ સંગીત તૈયાર કર્યું હતું. તેનાં ગીતો આજે પણ ભારે લોકપ્રિય બની રહ્યાં છે. તે પૈકીના ગીત ‘જા રે જા રે ઉડ જા રે પંછી’ના વાદ્યવૃંદમાં સેક્સોફોન એક અવિભાજ્ય અંગ તરીકે કાને પડતું રહે છે.
ફિલ્મ પ્રોફેસર (૧૯૬૨)ની સફળતામાં તેનાં શંકર-જયકિશનના સંગીતમઢ્યાં ગીતોનો મોટો ફાળો હતો. આ ફિલ્મનું સેક્સોફોનના કર્ણપ્રિય ટૂકડા ધરાવતું ગીત ‘આવાઝ દે કે હમેં તુમ બુલાઓ’ સાંભળીએ.
સેક્સોફોનના અંશો થકી જ જાણીતાં હોય તેવાં કેટલાંક ગીતો પૈકીનું એક ફિલ્મ કાશ્મીર કી કલી (૧૯૬૪)નું ‘હૈ દુનિયા ઉસી કી જમાના ઉસી કા’ સાંભળીએ. આ ફિલ્મનાં ગીતોની તર્જ શંકર-જયકિશને બનાવી હતી.
https://www.youtube.com/watch?v=WO_aMRsEIIY
૧૯૬૪ના વર્ષની જ ફિલ્મ વોહ કૌન થીના મદનમોહનના સંગીતમઢ્યા ગીત ‘શૌક નજર કી બીજલીયાં’માં સેક્સોફોનના ભરપૂર અંશો સાંભળવા મળે છે.
શંકર-જયકિશનનું સંગીત ધરાવતી એક ફિલ્મ આરઝૂ (૧૯૬૫)નું ગીત ‘બેદર્દી બાલમા તૂઝ કો મેરા મન યાદ કરતા હૈ’ માણીએ, જેના વાદ્યવૃંદમાં સેક્સોફોનના સ્વરોનું સારું એવું પ્રાધાન્ય છે.
૧૯૬૫ની સાલમાં જ પરદા પર રજૂ થયેલી ફિલ્મ ગાઈડના ગીત ‘તેરે મેરે સપને અબ એક રંગ હૈ’માં પણ સેક્સોફોનના કર્ણપ્રિય ટૂકડાઓ સાંભળવા મળે છે. સંગીત સચીનદેવ બર્મને તૈયાર કર્યું હતું.
સંગીતકાર રોશનના નિર્દેશનમાં બનેલા ફિલ્મ બહુ બેગમ(૧૯૬૭)ના ગીત ‘દુનિયા કરે સવાલ તો હમ ક્યા જવાબ દેંગે’માં સેક્સોફોન વાદન જાણે કે પ્રાણ ફૂંકી દે છે.
ફિલ્મ વાસના (૧૯૬૮)નું સંગીત ચિત્રગુપ્તે તૈયાર કર્યું હતું. આ ફિલ્મનું ગીત ‘યે પરબતોં કે દાયરે’ સાંભળતાં તેના વાદ્યવૃંદમાં સેક્સોફોનના અંશો આસાનીથી ઓળખી શકાય છે.
૧૯૭૨ની ફિલ્મ જવાની દિવાની માટે રાહુલદેવ બર્મને બનાવેલાં ગીતો ત્યારે તો ખુબ લોકપ્રિય બન્યાં જ હતાં, નોંધનીય બાબત એ છે કે આજની યુવાપેઢી પણ તે ગીતોને ગણગણતી હોય છે. અહીં એક પ્રયોગશીલ ધૂનમાં બંધાયેલું અને સેક્સોફોનના અંશો વડે મઢાયેલું ગીત ‘નહીં નહીં અભી નહીં’ માણીએ.
આજની કડીમાં અહીં અટકીએ. હવે પછીના હપ્તામાં સેક્સોફોનના અંશો ધરાવતાં વધુ ગીતો સાથે મળીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
ફિલ્મી ગઝલો – ૮૭. પરવેઝ શમસી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
હવે આ લેખમાળાના એવા તબક્કામાં પ્રવેશીએ છીએ જ્યાં કેટલાંક ગીતકારો નો ખાસ પરિચય ઉપલબ્ધ નથી અને જે જાણીતી હસ્તીઓ છે , એમની પણ માત્ર એક જ ગઝલ ઉપલબ્ધ છે !
પુનરાવર્તનના ભોગે એ સ્પષ્ટીકરણ પણ કરી દઉં કે અહીં ( ૮૦ ના દાયકા પહેલાંના ) માત્ર એ જ ગીતકારોને સમાવિષ્ટ કર્યાં છે જેમણે ફિલ્મોમાં એક કે વધુ ગઝલો લખી. નીરજ અને કવિ પ્રદીપ જેવા મોટા ગજાના કવિઓને આ જ કારણસર લઈ નથી શકાયા.
આ તબક્કાની શરૂઆત કરીએ પરવેઝ શમ્સીથી. એમણે માત્ર એક જ ફિલ્મ ” નૌશેરવાં એ આદિલ ” ( ૧૯૫૭ ) માં કુલ નવ ગીત લખ્યા. એમાં જેને જમાનાઓથી સાંભળતા આવ્યાં છીએ એવાં બે યુગલ ગીત ‘ તારોં કી ઝુબાં પર હૈ મહોબત કી કહાની ‘ અને ‘ ભૂલ જાએં સારે ગમ ડૂબ જાએ પ્યાર મેં ‘ ( લતા – રફી ) પણ છે ! ફિલ્મમાં સંગીત હતું સી રામચંદ્રનું .
આ ફિલ્મમાં મોહંમદ રફી સાહેબે ગાયેલી આ ગઝલ એ એમની એકમાત્ર ગઝલ –
યે હસરત થી કે ઇસ દુનિયા મેં બસ દો કામ કર જાતે
તુમ્હારી યાદ મેં જીતે તુમ્હારે ગમ મેં મર જાતેયે દુનિયા ડૂબતી તુફાન આતા ઇસ કયામત કા
અગર દમ ભર કો આંખોં મેં મેરી આંસૂ ઠહર જાતેતુમ્હારી યાદ આ આ કર મેરે નશતર ચુભોતી હૈ
વગરના દિલ કે સારે ઝખ્મ ઇતને દિન મેં ભર જાતેકહાં તક દુઃખ ઉઠાએં તેરી ફુરકત ઔર જુદાઈ કે
અગર મરના હી થા એક દિન ન કયું ફિર આજ મર જાતે..– ફિલ્મ : નૌશેરવાં એ આદિલ ૧૯૫૭
– મોહમ્મદ રફી
– સી રામચંદ્ર
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
કુંભમેળો
ધર્મ અને વિજ્ઞાન
ચિરાગ પટેલ
પ્રયાગરાજમાં યોજાતા આધુનિક કુંભ મેળાનું મૂળ માઘ મેળામાં છે જે આદિ શંકરાચાર્યે આયોજિત કરેલો. એનું મૂળ ‘જય’ (મહાભારત) ગ્રંથના આદિપર્વમાં વર્ણીત માઘ ઉત્સવમાંછે. એ પછી પરંપરા બની. કુંભ મેળા કે માઘ મેળા અંગે અનેકગણી માહિતી ઇન્ટરનેટ પર મળી આવે છે. માઘ મેળો લગભગ જાન્યુઆરી/ફેબ્રુઆરીમાં જ્યારે ચંદ્ર અને સૂર્ય ચોક્કસ સ્થાનમાં હોય ત્યારે યોજાય છે. ગુરુ ગ્રહ પૃથ્વી સંદર્ભે પ્રતિ બાર વર્ષે એક ખગોળીય ભ્રમણ પૂરું કરે છે. એટલે, ગુરુ ચોક્કસ સ્થાનમાં હોય એ માઘ મેળો કુંભ, અર્ધ કુંભ કે મહા કુંભ બને છે.

(આકૃતિ ૧
સાભાર: https://webbtelescope.org/contents/articles/what-is-the-center-of-our-galaxy-like)
(આકૃતિ ૨
સાભાર: https://galacticcenter.astro.ucla.edu/learn-about-our-galaxy.html)પૃથ્વીને છોડી થોડી વાર માટે આકાશમાં દૃષ્ટિ માંડીએ. પૃથ્વીના સંદર્ભે આપણી દૂધ ગંગા આકાશગંગાનું કેન્દ્ર લગભગ ૨૬,૦૦૦ પ્રકાશ વર્ષ દૂર સ્થિત સેગીટેરિયસ એ* નામના કૃષ્ણ વિવર (બ્લેક હૉલ)માં છે. એ કૃષ્ણ વિવર પાશ્ચાત્ય રાશિચક્ર પ્રમાણે ધનુ રાશિ અને વૃશ્ચિક રાશિ વચ્ચે સ્થિત છે જે આકૃતિ ૧માં રક્તિમ વર્તુળમાં જોઈ શકશો. એમાં ૨૪ અંશ ઘટાડતા ભારતીય જ્યોતિષ પ્રમાણે તુલા અને વૃશ્ચિક રાશિ વચ્ચેનું સ્થાન આવે છે. કેન્દ્રનો વિસ્તાર લાખો તારાઓનો બનેલો છે જેના કેન્દ્રમાં કૃષ્ણ વિવર છે. આ વિસ્તારની ઘનતા સમજવા પૃથ્વીનું દૃષ્ટાંત લઈએ. પૃથ્વી માટે સૂર્ય પછી સહુથી સમીપ તારો જય (આલ્ફા સેન્ટોરી) ૪.૩ પ્રકાશ વર્ષ જેટલા અંતરે છે. આકાશ ગંગાના કેન્દ્રે આટલા અંતરમાં લગભગ દશ લાખ તારા છે! અને, કેન્દ્રમાં સ્થિત કૃષ્ણ વિવરનું દળ ચાલીસ લાખ સૂર્ય જેટલું છે. આવા કદાવર વિવરના અવિરત ચાલતા યજ્ઞમાં જે પદાર્થ હોમાય છે એનાથી અનેકગણો પ્રકાશ ઉત્પન્ન થાય છે. સાથે અનેક પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો અને ગુરુત્વાકર્ષણના તરંગો ઉત્પન્ન થાય છે.
આપણે ગ્રહોની સ્થિતિ ખગોળની દૃષ્ટિએ પ્રયાગરાજમાં યોજાતા ૨૦૨૫ના પૂર્ણ કુંભ મેળા સંદર્ભે જાણીએ. પ્રત્યેક વર્ષે સૂર્ય નવેમ્બર / ડિસેમ્બર મહિનાઓમાં આકાશ ગંગાના કેન્દ્રની રાશિઓમાં હોય છે, અને ડિસેમ્બર ૨૨ કે ૨૩ પછી ધનુ રાશિના પૂર્વ અષાઢા નક્ષત્રમાં પ્રવેશે છે, જેને આપણે ઉત્તરાયણ પણ કહીએ છીએ. ૧૪ કે ૧૫ જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને ફેબ્રુઆરી ૨૫ પછી કુંભ રાશિમાં પ્રવેશે છે. પ્રયાગ રાજમાં જ્યારે કુંભ મેળો હોય એ વર્ષે આ સમગ્ર સમયગાળામાં (નવેમ્બરથી ફેબ્રુઆરી) ગુરુ વૃષભ રાશિમાં હોય છે. અર્થાત્ વૃશ્ચિક રાશિ અને ગુરુ વચ્ચે પૃથ્વી હોય છે. એટલે કે, આકાશગંગાના કેન્દ્ર અને પૃથ્વીને જોડતી રેખાની લગભગ વિરુદ્ધ દિશામાં ગુરુ હોય છે. સૂર્યની કુંભ સંક્રાંતિ સમયે આકાશગંગાના કેન્દ્ર અને પૃથ્વીથી પૃથ્વી અને સૂર્યને જોડતી રેખા કાટખૂણો બનાવે છે. સાથેની આકૃતિ ૩ અને ૪ જુઓ એટલે સ્પષ્ટ સમજાશે.

(આકૃતિ ૩
સાભાર: https://www.theplanetstoday.com/hindu_astrology.html)
આલ્બર્ટ આઈન્સ્ટાઈને સમજાવ્યા પ્રમાણે પ્રકાશના કિરણો પર ગુરુત્વાકર્ષણની અસર થતી હોય છે. અવકાશી પદાર્થ જેટલો મોટો એટલો એ કાલ-આકાશ (સ્પેસ ટાઈમ)માં ઊંડો ખાડો પાડે. ખાડો ઊંડો હોય એ પ્રમાણે પ્રકાશના કિરણો કે ગુરત્વકર્ષણના તરંગો એટલા પ્રમાણમાં વળીને બીજી બાજુ જાય! પૃથ્વી પર અનુભવાતા અવકાશી ગુરુત્વાકર્ષણમાં ચંદ્ર, સૂર્ય અને ગુરુનો સિંહફાળો હોય છે. ૧૨ વર્ષે યોજાતા કુંભ મેળામાં ગ્રહોની સ્થિતિ એવી બને છે કે જેથી પૃથ્વી પરથી દેખાતા આકાશગંગાના કેન્દ્રને અન્ય કોઈ અવકાશી પદાર્થના ગુરુત્વાકર્ષણની અસર ના થતી હોય. એટલે કે, ત્યાંથી આવતાં પ્રકાશના કિરણો કે અન્ય તરંગો લગભગ સીધા જ આવતાં હોય છે, કૃષ્ણ વિવરની દૃશ્ય સીમા સુધીના સ્થાનેથી આવતાં પ્રકાશ કિરણો કે કૃષ્ણ વિવરના ગુરુત્વાકર્ષણ કે અન્ય પ્રકારના કિરણોની આપણે અહિ ચર્ચા કરીએ છીએ. છેવટે, પૃથ્વીની નિકટ રહેલાં પદાર્થોની અસરથી તો એ મુક્ત જ રહે છે. આપણે એવો તર્ક પણ કરી શકીએ કે, જૂન-જુલાઈમાં ગુરુ અને સૂર્ય વૃષભ રાશિમાં હોય એવું બાર વર્ષે બની શકે છે જ્યારે કેન્દ્રના કિરણો પર સૂર્યની નહિવત અસર થાય. તો એ જ મહિનાઓમાં કુંભ મેળો (કે વૃષભ મેળો) કેમ નહીં? ભારતમાં એ મહિનાઓ વર્ષા ઋતુના છે એટલે સહુથી આદર્શ પરિસ્થિતિ જાન્યુઆરી-ફેબ્રુઆરીમા બને એ સ્વાભાવિક છે. તદુપરાંત, તુલા, ધનુ અને વૃશ્ચિક દક્ષિણ ગોળાર્ધની રાશિઓ છે. જાન્યુઆરી/ફેબ્રુઆરીમા પૃથ્વીનો દક્ષિણ ગોળાર્ધ સૂર્ય બાજુ ઝૂકેલો હોય છે.પરંપરાગત, હરિદ્વારમાં કુંભ મેળો જ્યારે ગુરુ કુંભ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં હોય ત્યારે (ફેબ્રુઆરી-એપ્રિલ) યોજાય છે. પ્રયાગરાજમાં ગુરુ મેષ અને ચંદ્ર-સૂર્ય મકર રાશિમાં હોય અથવા ગુરુ વૃષભ અને સૂર્ય મકર રાશિમાં (જાન્યુઆરી-ફેબ્રુઆરી) હોય ત્યારે યોજાય છે. નાસિકમાં ગુરુ સિંહ રાશિમાં હોય અથવા ગુરુ-સૂર્ય-ચંદ્ર યુતિ કર્ક રાશિમાં થાય ૯ ઓગસ્ટ-સપ્ટેમ્બર) ત્યારે કુંભ મેળો હોય છે. અવંતિકા(ઉજ્જૈન)માં ગુરુ સિંહ અને સૂર્ય મેષ અથવા ગુરુ-સૂર્ય-ચંદ્ર યુતિ તુલા રાશિમાં (એપ્રિલ-મે) હોય ત્યારે થાય છે. આ સર્વે ખગોળીય ઘટનાઓમાં આકાશગંગાના કેન્દ્ર અને પૃથ્વી વચ્ચે ગુરુત્વાકર્ષણનો લઘુત્તમ હસ્તક્ષેપ હોય છે.
કુંભ મેળાના ઉત્સવ નિમિત્તે આપણે ચોક્કસ સ્થળે કેમ જવું? ખગોળીય ઘટનાની માનવ શરીર અને મન પર થતી સૂક્ષ્મ અસરો સમજી શકીએ એટલા પ્રબુદ્ધ આપણે નથી થયાં. તો પણ ઘર બેઠા આપણને ખગોળીય અસરો અનુભવાશે જ ને. પરંતુ, આપણે ઘરે હોઈએ તો દૈનિક ઘટમાળથી છૂટા થઈ અવકાશી અસરો મેળવવા પ્રયત્ન નથી કરવાના. કુંભ મેળાને નિમિત્ત બનાવી કોઈ પ્રાકૃતિક સ્થળે, કોઈ નદી કે ઝરણામાં કે સમુદ્રમાં સ્નાન ઇત્યાદિનો આનંદ લઈ પૂજા-પાઠ કે ધ્યાનથી મનને સ્થિર કરીએ તો અવકાશી ઘટનાનો મોટો લાભ લઈ શકીએ. છેવટે તો પ્રયાગરાજ જઈને ત્રિવેણીસ્નાન કરીવાનું એ જ તો મહત્વ છે. તો શાસ્ત્ર સહમત પ્રાચીન પરંપરાનું પાલન કરવાથી એક મહત્વની ખગોળીય ઘટનાના આપણે સાક્ષી બની શકીએ છીએ અને એની જે અસરો આપણે સમજી નથી શકતાં એનો પ્રભાવ લઈએ છીએ એ કેટલો મોટો લાભ! આમ પણ સર્વે પરંપરાગત ઉત્સવો પ્રકૃતિ સાથે તાલમેળ જાળવવા માટે છે!
|| ૐ તત્ સત્||
શ્રી ચિરાગ પટેલનું ઈ-મેલ સંપર્ક સરનામું :- chipmap@gmail.com
-
બાળ ગગન વિહાર – મણકો – ૪૪: વાત અમારા બ્રેનડનની
શૈલા મુન્શા
ચાર વર્ષનો બ્રેનડન અમારા ક્લાસમાં નવો દાખલ થયો હતો. ગોરો ગોરો અને માથે બહુ ઓછા વાળ. મમ્મી અમેરિકન અને પપ્પા વિયેતનામી. એ બન્નેની છાપ એના ચહેરા પર દેખાતી. રંગ ગોરો પણ નાક ચીબું. જોતા જ વહાલ ઉભરાય એવો હતો અમારો બ્રેનડન.
મમ્મી પપ્પા બન્ને બહેરા અને મુંગા. બ્રેનડનથી મોટી ત્રણ બહેનો, બધી હોશિયાર અને સારી રીતે બોલી શકે અને સાંભળી શકે. બ્રેનડન પણ સાંભળી બરાબર શકે પણ વાચા પુરી ઊઘડી નહોતી. મુંગો નહોતો પણ બોલતો પણ નહોતો. સ્કુલમાં આવીને સ્પીચ થેરાપીસ્ટની મદદ અને અમારી મહેનતના પરિણામે ધીરે ધીરે થોડા અક્ષરો બોલવા માંડ્યો હતો. અમેરિકામાં દિવ્યાંગ બાળકોને ઘણી સગવડ મળતી હોય છે, સ્પીચ થેરાપીસ્ટ,ફીજીકલ થેરાપીસ્ટ, કાઉંસીલર વગેરે આ બાળકોને વિશેષ કેળવણી આપતા હોય છે.
એક વખત બ્રેનડન સ્કૂલમાં આવ્યો ત્યારે એને ઘણી શરદી હતી અને ત્યારે “લુ” શરદી, તાવના વાયરા ખૂબ હતા. ઋતુ બદલાય ત્યારે એ વધુ જોવા મળે, નાના બાળકો અને ખાસ કરીને દિવ્યાંગ બાળકો એના જલ્દી શિકાર બને.
મને યાદ છે ત્યારે હું ઘણી ગભરાઈ ગઈ હતી. મને થયું કે જો કદાચ બ્રેનડનને તાવ ચઢે અને ઘરે ફોન કરીને મમ્મી-પપ્પાને જણાવવું પડે તો બહેરા મુંગા તેઓ વાત કેવી રીતે કરી શકે?
મારી આ ચિંતા મેં મીસ મેરીને જણાવી તો એણે તરત જ મને કહ્યું, “અરે! મીસ મુન્શા તું ચિંતા ના કર. એમના ફોનમાં એવી સગવડ હોય કે એમને આપણી વાત સમજાય”
મને તો કાંઈ સમજ નહોતી પડતી એટલે ત્યારે મીસ મેરીએ મને વિગતવાર સમજાવ્યું હતું કે આવી બહેરી મુંગી વ્યક્તિઓ માટે ખાસ જાતના ફોન હોય છે. ફોન સાથે નાનો ટીવી સ્ક્રીન કેમેરાવાળો જોડાયેલો હોય, અને આપણે જે આપણા ફોનમાં બોલીએ તે એ લોકોના સ્ક્રીન પર હાથની સંજ્ઞાના રૂપમાં આવે તેથી એ લોકો સમજી શકે, અને એ લોકો હાથની સંજ્ઞા રૂપે જે બોલે તે રૂપાંતર થઈને અવાજ રૂપે આપણને સંભળાય. હું તો એકદમ નવાઈ જ પામી ગઈ હતી. વૈજ્ઞાનિક રીતે અમેરિકા કેટલો વિકસિત દેશ છે એનો સાચો ખ્યાલ ત્યારે મને આવ્યો. મારા મનને ખુબ શાંતિ થઈ હતી અને ચિંતા પણ દુર થઈ ગઈ હતી કે બ્રેનડનના મમ્મી-પપ્પાને ગમે ત્યારે ફોન કરીને સંકટ સમયે બોલાવી શકાય.
બ્રેનડન આવ્યો ત્યારે જેટલો શાંત હતો, એને પણ સંગતની અસર થવા માંડી હતી. ડેનિયલ અને સેસાર જેવા મસ્તીખોર બાળકો સાથે રહી એ ભાઈ પણ પોતાનો રંગ બતાવવા માંડ્યા હતા. જે બ્રેનડન રમતના મેદાનમાંથી ક્લાસમાં જવા માટે અમારી એક બૂમે આવી જતો એ હવે લસરપટ્ટી પાછળ સંતાઈ જતો અને અમે એને શોધી કાઢીએ એટલે ખડખડાત હસી પડતો.
એક વાર તો ખૂબ મજા આવી. હું જમીને ક્લાસમાં આવી તો મીસ બર્ક મને ફરિયાદ કરવા માંડી કે બ્રેનડનના તોફાન વધતા જાય છે. મને નવાઈ લાગી કે બ્રેનડને એવું તે શું કર્યું? મીસ બર્કે કહ્યું કે “હું સ્માર્ટ બોર્ડ પર બાળકોને ગીત સંભળાવતી હતી અને અચાનક બ્રેનડનની ખુરશી ખાલી જોઈ મને ફાળ પડી કે દરવાજો તો બંધ છે તો એટલીવારમાં બ્રેનડન ક્યાં ગયો? ટેબલ પાસે જઈને જોયું તો ભાઈ ટેબલ નીચે ભરાઈને સંતાઈ જવાની મજા માણતા હતા!” મને હસવું આવી ગયું.
આજે નજર સામે આ બધા બાળકોના ચહેરા તરવરી ઊઠે છે. ત્રેવીસ વર્ષમાં આવા દિવ્યાંગ, નોખા અનોખા કેટકેટલા બાળકોનો પ્રેમ મને મળ્યો. કેવું નિર્દોષ હાસ્ય અને કેવું વહાલ!! આ બાળકો પાસેથી હું જે શીખી એ આજે મને મારા જીવનની કોઈપણ તકલીફને હસતા મોઢે સહન કરવાની, લડી લેવાની હિંમત આપે છે. જીવનમાં અનુભવો તો ઘણા થતાં હોય છે, પણ ખુમારીભર્યું જીવન જીવતાં શીખવું હોય તો દરેક વ્યક્તિએ થોડો સમય તો આ દિવ્યાંગ બાળકો સાથે ગાળવો જોઈએ.
આ દિવ્યાંગ બાળકો નભના ચમકતા તારલા છે જે હમેશ મંદ મંદ પણ હુંફાળો પ્રકાશ આપતા રહેતા હોય છે, ચંદ્રની જેમ કળા નથી કરતા. એમની નિર્દોષતા કાયમ રહે એ જ પ્રાર્થના સહિત વિરમું છું.
મારી આ સફરમાં સહુ વાચકોએ સસ્નેહ જે સાથ આપ્યો એ માટે હું સહુની આભારી છું.
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com
