-
સંસ્પર્શ -૪
ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી
જિગીષા દિલીપ
સ્ત્રી અને પુરુષ જ્યારે અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરે છે ત્યારે પતિપત્ની બનીને જીવનભર એકબીજાનાં સુખદુ:ખમાં સાથ નિભાવવાનાં અને મિત્ર બની પ્રેમ અને હૂંફથી એકબીજાને સાથ આપવાનાં શપથ ભારતીય વૈદિક પરંપરા મુજબ લે છે. ભૌતિક સુખને જ સુખ ગણનાર આજની પેઢીને જાણવાની જરુર છે કે, મોંઘીદાટ ભેટોનું આદાનપ્રદાન એટલે જ પ્રેમ નહીં. ખરેખર સહજીવન સાવ સહજતાથી અને સરળતાથી કેવી રીતે જીવાય તે કવિ ધ્રુવ ભટ્ટનાં જીવનની સત્યઘટના થકી સમજીએ. લગ્નવેદી પર લીધેલાં જીવનભર સાથ-સહકાર નિભાવવાનાં શપથ, જીવાતાં જીવન દરમ્યાન એકબીજાને હૂંફનો અનુભવ કરાવી જાય છે.
આ અનુભવ કવિના મનમાં કેવી રીતે પ્રેમની કવિતા લખવાની પ્રેરણા આપે છે તે પણ જોઈએ.
દરેક પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ છે, તે વાતને શબ્દસહ: સાબિત કરતી આ વાત છે. ધ્રુવદાદાનાં ખૂબ સહજ અને પ્રેમમય દાંપત્યજીવનની વાત છે. તેમનાં માતાપિતાએ તેમને કોઈ પણ જાતની રોકટોક વગર મુક્ત વાતાવરણમાં ઉછેર્યા હતા. તેમને ભણવાનું બહુ ગમતું નહીં. કોલેજનાં બીજા વર્ષમાં હતાં અને ભણવાનું છોડી દીધું એટલે બહુ ઊંચા પગારની નોકરી તો મળે નહીં, પણ પોતાની જાતમાં અદ્ભુત વિશ્વાસ. જાતે જ નવુંનવું શીખવાની અને જાણવાની ઉત્સુકતા પણ ખૂબ. જાફરાબાદનાં દરિયાકિનારે અને સૌરાષ્ટ્રનાં જુદાં જુદાં ગામોમાં બાળપણ વીત્યું. ૧૧માં ધોરણ સુધીમાં અગિયાર ગામોમાં કુદરત વચ્ચે રહીને કુદરતને પ્રેમ કરતા કરતા સંતોષ સાથે જીવવું એવો ધ્રુવદાદાનો અભિગમ પહેલેથી જ રહ્યો. કોલેજ છોડ્યા બાદ સામાન્ય ક્લાર્કની નોકરી કરતા હતા અને લગ્ન થઈ ગયા.
તેમના લગ્ન પણ નામ જેવા જ ગુણવાળા ખૂબ સરસ વ્યક્તિ, દિવ્યાબહેન સાથે થયા. બંને જણા સાદું, સહજ અને સરસ સહજીવન જીવે. દાદાનાં કોઈ પણ નિર્ણયોમાં દિવ્યાબહેનને ક્યારેય વાંધાં-વચકાં ન હોય, ભલે ને તે નોકરી છોડી દેવાનો નિર્ણય પણ કેમ ન હોય ! દાદાને બાળકો સાથે બહુ ગમે અને બાળકોને સહજતાથી નવી ચીજો શીખવવી પણ ગમે અને બાળકોની નિર્દોષતામાંથી દાદા પણ ઘણું શીખે. વરસમાં ત્રણેક વાર પાંચ છ દિવસ માટે દાદા છોકરાંઓને કેમ્પ કરાવવા દરિયાકિનારે લઈ જાય.
છોકરાઓ પાસે માત્ર ટોકન પૂરતાં નજીવા પૈસા લે. બાકીનાં દાતાઓ આપે. એક વાર આવા કેમ્પની તૈયારી થઈ ગઈ. દાતા પાસે પ્રવાસનાં પૈસા લેવા જવાને દિવસે જ વડાપ્રધાન ઈન્દીરાજી ગુજરી ગયાં. બધી ઓફિસો બંધ. દિવ્યાબહેને પોતાનાં દાગીના ઉતારી આપી દીધાં અને દાદાને કહ્યું, ”લો,આ દાગીના આપીને પૈસા ઉછીના લઈ આવો પણ બાળકોનો પ્રવાસ તો બંધ નહીં જ રહે.”
પ્રવાસમાં પોતે પણ ધ્રુવદાદા સાથે જાય. બધાંને જાતે રસોઈ કરી જમાડે. એકવાર તો આંખમાં ચૂલો સળગાવતાં કોલસાની કણી પડી, આંખમાંથી પાણી નીકળે તોય બાળકો સાથે ત્રીસ જણાંની રસોઈ કરી. દાદાએ તેમને વાહન કરી ડૉક્ટર પાસે જવાનું કહ્યું, ત્યાં જ તેમના સાથીદારે આંખમાં જીભ ફેરવી કોલસીની કાંકરી કાઢી આપી. દાદાનાં દરેક કામમાં ખભેખભા મિલાવી સાથ આપનાર દિવ્યાબહેનને આપણે તો સલામ કરીએ જ પણ દાદાને પૂછીએ કે બીજા જન્મમાં એક વસ્તુ કઈ આ જન્મમાં છે તે ફરી જોઈએ છે ? તો તે માત્ર ને માત્ર દિવ્યાબહેનનું નામ કહે છે. જેમણે દરેક પરિસ્થિતિમાં દાદાને પ્રેમપૂર્વક સાથ આપ્યો છે. તેઓ ખરા અર્થમાં હું અને તું મટી એક બની સાથે જીવનપથ પર ચાલ્યા છે.
લગ્નનાં સાતમા વર્ષે ધ્રુવદાદા પાસે સામાન્ય નોકરી હતી. લગ્નતિથિએ મોટી કોઈ ભેટ આપવાનાં પૈસા નહીં પણ પ્રેમ તો ભરપૂર અને તેમણે ભેટમાં જે આપ્યું તે આ ગીત….
મારામાં આરપાર સાત સાત દરિયા ને દરિયામાં આરપાર તું,
પળમાં પળમાં ગૂંથીને તું વારતા વણે ને એને જીવતરનું નામ દઉં હું.કાળમીંઢ પથ્થરનું ભૂરું પોલાણ મારી લાગણીથી હાથવેંત છેટું,
વેદના તો હસતાંયે વેઠી લેવાય; આવા સુખને વેઠું તો કેમ વેઠું.આંખોનાં પોપચાંમાં સાચવી મૂક્યાં છે એને સપનાં કહું કે કહું શું,
મારામાં આરપાર સાત સાત દરિયા ને દરિયામાં આરપાર તું.મુઠ્ઠી ભરીને વ્હાલ વ્હેંચતા રહો કે ભલે આપણી હથેળી હોય ખાલી,
દરિયાને પૂછવાનું ટાળજો કે ભાઈ તને ભરતી ગમે કે ઓટ વ્હાલી.પંખી તો કોઈને કહેતું નથી કે એણે પીંછામાં સાચવ્યું છે શું,
મારામાં આરપાર સાત સાત દરિયા ને દરિયામાં આરપાર તુંપોતાનાં હૃદયના અગાધ પ્રેમના સાત દરિયાની આરપારમાં હું અને તું મટી એકમેકનાં અસ્તિત્વમાં ઓળઘોળ થઈ જીવાએલ દાંપત્યની અભિવ્યક્ત થયેલ પ્રેમસભર લાગણીઓથી વધીને વિશેષ ભેટ શું હોઈ શકે? જીવનસાગરમાં ભલેને અનેક કઠણાઈઓનાં તોફાન આવે, પણ એક પ્રેમાળ વ્યક્તિનો સાથ સહકાર અને હૂંફ હોય ત્યારે આંખોની અંદર સાચવીને મૂકેલાં સપનાં પૂરાં થશે જ એવો દૃઢ વિશ્વાસ થઈ જાય છે. વહાલનાં દરિયામાં તમે ઝબોળાતાં હો ત્યારે દુન્યવી ભૌતિક સુખો સાવ વામણાં લાગે છે. પોતાની અંદરનો વહાલનો દરિયો ઊભરાતો હોય ત્યારે બહારના દરિયાની ઓટ અંગે વિચારવાનું જ ક્યાંથી હોય? પંખીએ પોતાની પાંખમાં શું સાચવ્યું છે તેની કોઈને ક્યાં ખબર હોય છે ? પોતાના હૃદયમાં ધ્રુવદાદાએ કેટલી વહાલપ અને સપનાં સાચવ્યાં છે તેની માત્ર એકબીજાને જ ખબર છે, દુનિયાને દેખાડવાની ક્યાં જરૂર ?
તેમના પ્રેમની ઉચ્ચ સીમાઓ દર્શાવતી આટલી વહાલભરી કવિતાની ભેટ આપણને ઘણું શીખવી જાય છે. કદાચ સાત માળના બંગલા કરતાં પણ આ અદકેરી ભેટ છે. પોતાની હથેળી ભલે ખાલી છે પણ વહાલપની થેલી ભરપૂર છે કહી હૃદયની સચ્ચાઈથી પોતાના પ્રેમનો સહજ રીતે એકરાર કરે છે.
ધ્રુવદાદાએ તેમની નવલકથાઓનાં બધાં સ્ત્રી પાત્રોને ખૂબ સન્માન સાથે ખૂબ શક્તિશાળી દર્શાવી, સ્ત્રીઓને ઉચ્ચ દરજ્જો આપ્યો છે. ‘તત્વમસિ’ની સુપ્રિયા હોય કે ‘અકૂપાર’ની સાંસાઈ કે ‘અગ્નિકન્યા’ની દ્રૈાપદી. જેવું ધ્રુવદાદા વિચારે છે તે જ પોતાની નવલકથામાં અભિવ્યક્ત કરે છે.
પોતાની સહચારિણી દિવ્યાબહેનને ખૂબ સન્માન અને ભરપૂર પ્રેમ સાથે આવી સુંદર કવિતા ભેટ ધરી દાદા કહે છે,
“વેદના તો હસતાંયે વેઠી લેવાય; આવા સુખને વેઠું તો કેમ વેઠું”
ત્યારે તેમનાં પ્રેમથી ઝળહળતાં દાંપત્યજીવનની પ્રતીતિ મેઘધનુષી રંગે નિખરી ઊઠે છે. પોતાના પૌરુષત્વનો અહમ્ એકબાજુ પર મૂકી, એકબીજામાં ઓગળી, ગમે તેવાં સુખદુ:ખમાં સાથે ચાલી તેમાં જ સુખ માણવાની વાત કરી છે. ચાલો, આપણે સૌ પણ આ જોઈ આપણાં વહાલને મુક્ત મને વહેંચતાં શીખીએ અને દાંપત્યનાં સાચા રંગોને પામવા કોશિશ કરીએ.
સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
સાચી દિશામાં લેવાયેલું એક કદમ મંઝીલ સુધી પહોંચાડી શકે
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
અનેક ભારતીયોને ૧૯૯૦-૯૧ દરમિયાન સદ્દામ હુસેન દ્વારા છેડાયેલું અખાતી યુદ્ધ અને તેને પગલે ઇંધણની કટોકટીની ભીતિ હજી યાદ હશે. અખાતી યુદ્ધનો આરંભ થયો અને ઈરાકી સરમુખત્યાર સદ્દામ હુસેને પોતાના દેશના તેલના કૂવાઓને આગ ચાંપવા માંડી. અશ્મિજન્ય ઈંધણની શોધ પછી કદાચ પહેલવહેલી વાર સામાન્ય લોકોને તેનો ભંડાર પૂરો થઈ જવાની બીક લાગી. આપણા દેશમાં ઠેરઠેર પેટ્રોલ પમ્પ પર લાંબી કતાર પડવા લાગી. એ પછી દૂરદર્શન પર પણ ઈંધણ બચાવવાના અવનવા નુસખાઓનો પ્રચાર-પ્રસાર થવા લાગ્યો અને ઈંધણના વપરાશ બાબતે જનજાગૃતિનો અભિગમ શરૂ કરાયો.
અલબત્ત, પેટ્રોલ પમ્પ પર લાંબી કતારો પડી જવાનો સીલસીલો આપણે ત્યાં એ પછી પણ ચાલુ રહ્યો છે. ઈંધણના દરમાં વધારો થવાની જાહેરાત થાય એ સાથે જ વાહનચાલકોની કતાર પડી જાય છે. મુખ્ય વાત એ કે અખાતી યુદ્ધ વખતે અશ્મિજન્ય ઈંધણના ભંડારનું તળિયું આવી જવાની ભીતિ નાગરિકોમાં ઊભી થઈ હતી એ હવે ક્યાંય દેખાતી નથી. એ પછીના અરસામાં વાહનોના પ્રમાણમાં, તેની જરૂરિયાતમાં અનેકગણો વધારો થતો રહ્યો છે, એમ અશ્મિજન્ય ઈંધણનો વપરાશ પણ તેને પગલે વધતો ચાલ્યો છે. અશ્મિજન્ય ઈંધણના વિકલ્પે વીજવાહનો હવે વપરાશમાં આવવા લાગ્યા છે, પણ તેનું પ્રમાણ ઘણું ઓછું છે, અને તેની બૅટરીના નિકાલ થકી પેદા થતા પ્રદૂષણની સમસ્યા ગંભીર છે. હજી આ વાહનોની શરૂઆત હોવાથી એ ખતરો નજર સામે આવ્યો નથી એટલું જ. ટૂંકમાં, અશ્મિજન્ય ઈંધણનો વિકલ્પ આપણા દેશમાં કે અન્યત્ર હજી એટલી ગંભીરતાથી વિચારાયો નથી. એ દિશામાં કામ થઈ અવશ્ય રહ્યું છે, પણ હજી તેનો વ્યવહારુ અમલ ભાગ્યે જ જોવા મળે છે. આપણા દેશનું આખું અર્થતંત્ર અશ્મિજન્ય ઈંધણના આંતરરાષ્ટ્રીય દર પર આધારિત છે. ક્રૂડ ઑઈલના બેરલની કિંમત વધે અને આપણા દેશમાં અશ્મિજન્ય ઈંધણની કિંમતમાં વધારો થાય તેને પગલે જીવનજરૂરિયાતની બીજી અનેક ચીજોની કિંમત પણ આપોઆપ વધે છે. એ પછી આંતરરાષ્ટ્રીય દરમાં ઘટાડો થાય તો પણ નથી દેશમાં અશ્મિજન્ય ઈંધણની કિંમત ઘટતી કે નથી જીવનજરૂરિયાતની ચીજોની. પરિવહન માટે આપણા દેશમાં સડકમાર્ગનો વધુ ઊપયોગ થાય છે, જેમાં અશ્મિજન્ય ઈંધણનો ઊપયોગ થતો હોવાથી આમ થાય છે.
આ સંજોગોમાં સમગ્ર દેશની પરિવહન પ્રણાલિના પુન:આયોજનની દિશામાં વિચાર થવો જોઈએ અને લાંબા ગાળાનાં પરિણામ નજર સામે રાખીને એ અંગેની નીતિ ઘડાવી જોઈએ. આ કેવળ આપણા દેશને જ નહીં, વિશ્વભરના દેશોને લાગુ પડે છે.
યુરોપના નેધરલેન્ડમાં ઘણા વરસથી સાયકલ અને સાયકલમાર્ગને ઉત્તેજન આપવાની અને તેને કેન્દ્રમાં રાખીને નીતિ ઘડવાનો આરંભ કરવામાં આવ્યો છે, જેનાં ઘણાં સારાં પરિણામ મળી રહ્યાં છે.

યુરોપના નેધરલેન્ડમાં ઘણા વરસથી સાયકલ અને સાયકલમાર્ગને ઉત્તેજન આપવાની નીતિ
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથીત્યાંના હેગ શહેરમાં વધુ એક મહત્ત્વનો કાનૂન પસાર થયો છે. એ મુજબ અશ્મિજન્ય ઈંધણ, તેનાં ઉત્પાદનો તેમજ તેની સેવાઓને લગતી જાહેરખબરો સંપૂર્ણ પ્રતિબંધિત થઈ જશે. ૧ જાન્યુઆરી, ૨૦૨૫થી આ કાનૂન અમલી બની જશે. આવું પગલું ભરનારું આ વિશ્વભરનું સૌ પ્રથમ શહેર છે.
આ શહેરે ઈ.સ.૨૦૨૩૦ સુધીમાં ‘નેટ ઝીરો’એ પહોંચવાનું લક્ષ્યાંક નિર્ધારીત કર્યું છે. ‘નેટ ઝીરો’ એટલે ‘ગ્રીનહાઉસ વાયુઓ’ના ઉત્સર્જન અને વાતાવરણમાંથી તેના દૂર થવાના પ્રમાણ વચ્ચેનું સંતુલન. ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનના પ્રમાણમાં ઘટાડો કરતા રહેવાથી આ સંતુલન પ્રાપ્ત કરી શકાય. ‘ક્લાઈમેટ ન્યુટ્રલ’ બનવાની દિશામાં આગળ વધી રહેલા શહેરમાં અશ્મિજન્ય ઈંધણના ઊપયોગને લગતી જાહેરખબરોની શી જરૂર?
એવી ધારણા છે કે આજે હેગ શહેરમાં આ અમલી બન્યું છે, તો કાલે વિશ્વના અન્ય વિકસીત શહેરો કે દેશો પણ તેને અનુસરશે.
એન્ડ્રુ સીમ્સ નામના બ્રિટીશ લેખક અને રાજકીય અર્થશાસ્ત્રીએ જણાવ્યું છે કે હેગ શહેરે ઘોષિત કરી દીધું છે કે સૌથી વધુ પ્રદૂષણ કરતાં ઉત્પાદનો અને જીવનશૈલીનો પ્રચારપ્રસાર કરતી જાહેરખબરો પર પ્રતિબંધ લાદીને તે સ્વવિનાશ નોંતરવા માગતું નથી. યુરોપમાં સૌથી આકરો અને ગરમ ઊનાળો નોંધાયા પછી અને અશ્મિજન્ય ઈંધણના દહનને લઈને સ્વાસ્થ્ય તેમજ આર્થિક ક્ષેત્રે તેની ચૂકવવી પડતી કિંમતને ધ્યાનમાં લેતાં આ પગલું કદાચ સૌથી સરળ કહી શકાય એવું છે. એ વાત અલગ છે કે આટલું ‘સરળ’ પગલું લેવા અંગે કોઈ કશું વિચારતું નથી.
વિમાની કંપનીઓ, દરિયાઈ જહાજની કંપનીઓને આ પ્રતિબંધની સીધી અસર થશે. તેને લઈને અનેક લોકોને આર્થિક નુકસાન પણ જશે. છતાં પર્યાવરણને થતા નુકસાનની સામે આર્થિક નુકસાન વેઠવું યોગ્ય ગણાય, કેમ કે, પર્યાવરણને થતું નુકસાન ગમે એટલા નાણાંથી ભરપાઈ થઈ શકે એમ નથી એ બાબત દીવા જેવી સ્પષ્ટ છે.
અશ્મિજન્ય ઈંધણની જાહેરખબરો પર પ્રતિબંધ કંઈ પહેલું અને એક માત્ર પગલું નથી, પણ એક ચોક્કસ દિશા તરફ દોરી જતું પહેલું પગલું છે. કેમ કે, માત્ર આટલાથી કશું અટકે નહીં. આ તો લક્ષણના ઊપચાર જેવું ગણાય. ખરો ઊપચાર તો રોગનો કરવાનો હોય. એ બાબતે બીજી અનેક બાબતો અહીં તબક્કાવાર અમલી થવાની શરૂઆત થઈ રહી છે અને વર્ષ ૨૦૩૦માં સંપૂર્ણપણે ‘ક્લાઈમેટ ન્યુટ્રલ’ બનાવાનું લક્ષ્યાંક નિર્ધારીત કરવા તરફ આ સફર છે.
આ પ્રકારના નિર્ણય અને તેના અમલ માટે વિકસીત દેશોનું વલણ અતિ મહત્ત્વનું બની રહે છે. એ રીતે તેમની જવાબદારી પણ ઊભી થાય છે, કેમ કે, વિકાસશીલ દેશો છેવટે તો આ પ્રકારે વિકસીત દેશોની સ્થાપિત અને નીવડેલી નીતિઓને અનુસરતા જોવા મળ્યા છે.
આપણા દેશ માટે હજી આ બધી બાબત ઘણી દૂરની જણાય છે, કેમ કે, ચૂંટણી આવે ત્યારે
આપણી મુખ્ય સમસ્યા ધર્મ પર તોળાઈ રહેલા ખતરાની અને ધર્મના રક્ષણની બની જાય છે. અશ્મિજન્ય ઈંધણ જેવી ક્ષુલ્લક સમસ્યાઓનું એમાં સ્થાન ક્યાંથી હોય!
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૭ -૧૦ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
પરિવર્તન – ૧૨ – નૂતન ભારત : દુકાળમાં અધિક પાણી
અવલોકન
– સુરેશ જાની

તામીલનાડુ રાજ્યના છેક દક્ષિણ ભાગમાં આવેલા તિરૂનવેલી જિલ્લામાં દુકાળમાં અધિક માસ આવે તેવી હાલત હતી. પણ આ ‘રાજ્જા’ ના પ્રતાપે ત્યાં હરિયાળી લહેરવા લાગી છે.

[ ડેવિડ રાજા બેલુઆ પકીઆનાથન ]
તામીલનાડુ સરકારના બગાયતી ખાતાના આસિ. ડિરેક્ટર
એક દિવસ ડેવિડ બસ સ્ટેન્ડ પાસે ઊભો હતો. બાજુમાં વેંકટ નામનો એક ખેડૂત જેવો લાગતો માણસ મોગરાના ફૂલ વેચવા બેઠો હતો. નાની નાની ઢગલીઓ, પણ દરેકની કિમત સો સો રૂપિયા.
ડેવિડે પુછ્યું, ‘આટલી બધી કિમત રાખી છે, તે કોણ ખરીદશે?’
વેંકટે ઉદાસ ચહેરે જવાબ આપ્યો, “ સાહેબ! થોડા વખત પછી, તો આટલા ફૂલ પણ નહીં મળે.”
ડેવિડ –‘કેમ એમ?”
“પાણી જ ક્યાં છે, મલકમાં? પંપમાંથી માંડ અડધો કલાક, ટીપે ટીપે પાણી આવે છે, અને તે ય વિજળી વેરણ ન થઈ હોય તો. થોડોક પણ વરસાદ નહીં થાય તો મહિનામાં મોગરાના છોડ મરી જ જવાના. ”
ડેવિડના બાગાયતી મ્હાંયલાને આ પડકાર હતો. બીજે દિવસે શનિવાર હતો. ઓફિસમાં રજા હતી. ડેવિડ તેના ઘરથી વીસેક કિ.મિ. દૂર વેંકટના ગામમાં પહોંચી ગયો. તેના તકનિકી મગજમાં તરત ઝબકારો થયો કે, ‘જમીનમાં પાણી નથી એવું નથી. વિજળી પૂરતી નથી. ’
બીજા અઠવાડિયે ઓફિસમાં હતી, તે બધી સામગ્રી એકઠી કરી તેણે એક સોલર પમ્પ તૈયાર કર્યો અને ફરીથી તે વેંકટના ખેતરમાં પહોંચી ગયો. વીસ ફૂટ જ નાનકડી પાઈપ ઊતારી અને પાણીનું ઝરણું મળી ગયું. સાથે લાવેલી સોલર પેનલ અને પમ્પ સાથે એ પાઈપને જોડી દીધી. થોડાક જ વખતમાં પમ્પ ચાલે એટલી વિજળી બનવા લાગી. સ્વિચ ચાલુ અને પાણીનો શેરડો મોગરાના છોડ પર! મોગરાના છોડના મૂળની આજુબાજુ નારિયેળીનાં છોડાં અને રેસા પાથરી દીધા, જેથી મૂળ પાસે ભેજ જળવાઈ રહે.

સાતેક કલાક પમ્પ ચાલ્યો, અને મોગરાના પચાસેક છોડવાઓમાં નવજીવન આવી ગયું. ડેવિડે આ પમ્પને નામ આપ્યું – ‘દુકાળ લડત પિચકારી’. આજુબાજુના ખેડૂતોને પણ આ પિચકારી બહુ કામની લાગી. સરકારી સહાયથી, ગામના બધા બગીચા બચી ગયા. ડેવિડે પાણીનો ઉપયોગ કરીને ખેતરમાં જમા થતા ઘાસ, પાંદડાં વિ. માંથી ખાતર બનાવવાનું પણ ખેડૂતોને શીખવ્યું. આમ મોગરા તો બચ્યા જ; પણ ખેડૂતોને કરવો પડતો વિજળી, બળતણ અને ખાતરનો ખર્ચ પણ ઓછો થઈ ગયો. ખેતરમાં જ નહીં, વેંકટ અને તેના ગામવાસી મિત્રોના જીવનમાં પણ હરિયાળી લહેરાવા લાગી.
આ જ રીત મોટા ખેતરોમાં શી રીતે અપનાવી શકાય, તેનો વિચાર આ ‘રાજા’ કરવા લાગ્યો ! પાંચ વર્ષની અથાક મહેનત, અખતરા, નિષ્ફળતાઓ, અને અવનવી તરકીબોના પ્રતાપે તિરૂનવેલી જિલ્લાના ઘણા બધા ખેતરો ફરીથી લીલાં છમ્મ બની ગયાં, આજુબાજુનાં ઝાડ પણ.

છેલ્લાં પાંચ વર્ષમાં ડેવિડે ખેડૂતોને તાલીમ આપવાની ઘણી શિબિરો કરી છે, અને ૧૦૦ ખેડૂતોને નવી તરાહ અપનાવતા કરી દીધા છે. ખેતીના પાકમાં પણ ડેવિડના નિદર્શન હેઠળ ફેરફાર થવા લાગ્યા છે. ઓછું પાણી જોઈએ તેવા કાજુ, કાળા ચણા, મગ, આફ્રિકન ચોળા( cow pea ) વિ. ની ખેતી પણ થવા લાગી છે. સો જેટલા બોરવેલ,અને હજારોની સંખ્યામાં હેન્ડ પમ્પ પણ કામ કરતા થઈ ગયા છે. દારૂણ ગરીબાઈમાં નિચોવાઈ જતા ખેડૂતોની આત્મહત્યાના સમાચારો વચ્ચે ડેવિડની પિચકારી રણદ્વીપ જેવી બનવા લાગી છે. દેશમાં બીજે પણ આવી પિચકારીઓ હોળી નહીં પણ ભાદરવાની હેલી સાથે હરિફાઈ કરવા લાગી છે.
સમૃદ્ધ ખેડૂતો તો સાતમા આસમાનમાં વિહરવા લાગ્યા છે. દસ એકરના ફાર્મના માલિક સેન્ધિલ કહે છે, ”પહેલાં હું વર્ષે માંડ ૩૦,૦૦૦ ₹ કમાતો હતો. નવી તરાહથી કાજુના સો ઝાડ ૩૫,૦૦૦ ₹. , અને મગ કાળા ચણાના છોડ ૩૨,૦૦૦ ₹ કમાવી આપે છે. એમાંથી મળતા ઢોરના ચારાના પ્રતાપે મેં ત્રણ ગાયો પણ રાખી છે- જે મને વર્ષે વધારાના ૩૦,૦૦૦ ₹ કમાવી આપે છે. સાથે સાથે ૧૦,૦૦૦ મરઘીઓ પોષાય છે – એનાથી મળતી ૨૪૦,૦૦૦ ₹.ની આવક તો આ બધાંયને પાછાં પાડી દે છે ડેવિડ સાહેબની દોરવણી ન મળી હોત તો આ બધું શક્ય ન જ બનત.”
સેન્ધિલે એક દૂધ ઉત્પાદક મંડળી પણ સ્થાપી છે, જે નાના ખેડૂતોને માટે આણંદના ‘અમૂલ’ જેવી અમૂલ્ય સાબિત થઈ છે.

તામીલનાડુના આ ડેવિડે દુકાળના ગોલિયાથને નાથ્યો છે.
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
શિપ ઓફ થિસિયસ – આપણી અસલિયતની ઓળખ
સંવાદિતા
આખરે માનવીમાં એવું તે શું છે જે આખર લગી બદલાતું નથી ?
ભગવાન થાવરાણી
શિપ ઓફ થિસિયસનું તત્વજ્ઞાન એક ગ્રીક પુરાણકથા સાથે સંકળાયેલું છે. એથેન્સ શહેરના સંસ્થાપક રાજા થિસિયસ એથેન્સના બાળકોને ક્રૂર મિનોટોરથી બચાવી એનું હનન કરી જે વહાણમાં નાસી છૂટેલા એને ગ્રીસવાસીઓએ એક સ્મૃતિચિહ્ન તરીકે સદીઓ લગી સાચવી રાખેલું. સમયાંતરે એ વહાણના પાટિયાં ખખડી જતાં એ એક પછી એક બદલી નંખાયેલાં. બધા જ પાટિયાં નવાં નંખાઈ જતાં દાર્શનિકોએ પ્રશ્ર ઉઠાવ્યો કે બધું જ બદલાઈ ગયા પછી પણ શું વહાણ એનું એ જ રહે છે ? કાઢી નંખાયેલા પાટિયાંઓને જોડીને નોખું વહાણ બનાવીએ તો શું એ અસલ વહાણ કહેવાય ? એવું તે શું છે જે બદલી નંખાયા પછી પણ અસલ રહે છે ? આ જ તત્વજ્ઞાન માનવીય અસ્તિત્વ અને એના દેહ સંબંધે પણ પ્રયોજી શકાય. વિજ્ઞાન કહે છે કે દર સાત વર્ષે માનવ શરીરના બધાં જ કોષો વિઘટન પામી નવેસરથી નિર્માણ પામે છે. માનવી ભૌતિક અને વૈચારિક દ્રષ્ટિએ બદલાય છે. તો એવું શું છે જે યથાવત રહે છે ?

ગુજરાતી ફિલ્મસર્જક આનંદ ગાંધીએ આ વિચારનો વિસ્તાર કરતી એક ઉત્કૃષ્ટ ફિલ્મ શિપ ઓફ થિસિયસ1 ૨૦૧૩ માં સર્જી. આનંદ ત્યાં સુધી પારિવારિક મનોરંજનના બ્લોક બસ્ટર સોપ ઓપેરા ક્યોં કિ સાસ ભી કભી બહુ થી અને કહાની ઘર ઘર કી ના લેખન સાથે સંકળાયેલા હતા. એ આવી ગંભીર ફિલ્મ બનાવી શકે એવું કોઈ સપને ય ન વિચારે !

અઢી કલાક લાંબી આ ફિલ્મમાં પ્રથમ દ્રષ્ટિએ એકબીજાથી સ્વતંત્ર લાગતી ત્રણ વાર્તાઓ છે. ફિલ્મના અંતે ત્રણેય ચમત્કારિક રૂપે એકમેક સાથે સંકળાય છે. ફિલ્મના પ્રારંભે આવતી અને સૌથી અસરકારક વાત એક ઈજિપ્શિયન મહિલા ફોટોગ્રાફર આલિયાની છે. એણે કોઈક રોગના કારણે દ્રષ્ટિ ગુમાવી છે. એ નવી આંખો મેળવવાની શસ્ત્રક્રિયા માટે મુંબઈ આવી છે. દ્રષ્ટિવિહીન આલિયા જીવંત દ્રશ્યોની તલાશમાં મુંબઈ શહેરમાં ફરતી રહે છે. પોતાના કેમેરા સાથે જોડાયેલા સેન્સરના ઈશારે એ અવાજોનો પીછો કરે છે. એની સ્પર્શેન્દ્રિય એને મદદ કરે છે. દ્રષ્ટિ વિના એણે ઝડપેલાં દ્રશ્યો એટલાં અસરકારક હોય છે કે કલાજગતમાં એની બોલબોલા છે.
કોર્નિયાના દાતા મળતાં આલિયાનું સફળ ઓપરેશન થાય છે. કોણ જાણે કેમ પણ દ્રષ્ટિ પાછી મળતાં દેખતી આંખે એણે ઝડપેલાં ફોટોમાં એવું ઓજ નથી આવતું જે એણે દ્રષ્ટિ વિના ઝડપ્યાં હોય છે. બંધ આંખે એ જોઈ – અનુભવી શકતી હતી એ ઉઘાડી આંખે ગુમાવે છે. એ પોતે અસંતુષ્ટ છે અને એના પ્રશંસકો પણ !
બીજી કહાણી એક જૈન મુનિ મૈત્રેયની છે. અબોલ પ્રાણીઓ ઉપર ક્રૂર પ્રયોગો કરી દવાઓ અને સૌંદર્ય પ્રસાધનો બનાવતી કંપનીઓના એ વિરોધી છે અને એમની સામે કાયદાકીય ઝુંબેશ ચલાવે છે. પોતાની માન્યતાઓ માટે એમની પાસે સબળ અને તાર્કિક દલીલો છે. એમના યુવાન વકીલ મિત્ર ચાર્વાક સાથેની એમની દલીલો એમની બુદ્ધિમતા અને દ્રઢતાના પરિચાયક છે અને ચાર્વાકનાં તલસ્પર્શી અભ્યાસના પણ ! નસીબજોગે એમને સિરોસીસ ઓફ લિવર થાય છે જેનો ઉપચાર તો શક્ય છે પણ એ માટે એમણે એવી ઔષધિઓ લેવી પડે જેના ઉત્પાદકો સામે એ આજીવન લડ્યા છે. એ મક્કમતાપૂર્વક સારવારનો ઈનકાર કરે છે. સંથારો પસંદ કરે છે. ધણા મનોમંથન અને ‘ લગભગ ‘ મૃત્યુના સાક્ષાત્કાર પછી એ ઝુકે છે.
ત્રીજી વાત પૈસાને સર્વસ્વ માનતા યુવાન શેરદલાલ નવીનની છે. એના શરીરમાં કોઈ અજાણ્યા દાતાની કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. એને અચાનક ખબર પડે છે આપણા દેશમાં એપેંડીસાઈટીસ જેવા ઓપરેશનના બહાને શરીરના મહત્વના અંગો ચોરી લેવાના કારસ્તાન ચાલે છે. આવો એક પ્રત્યક્ષ કિસ્સો એના ધ્યાનમાં આવે છે. તો શું એના શરીરમાં રોપવામાં આવેલી કિડની પણ ચોરીની હતી ? નવીનની આ શંકા તો નિર્મૂળ સાબિત થાય છે પણ જેની કિડની ચોરી લેવામાં આવેલી એ મેળવનારનું પગેરું શોધી એ છેક સ્વીડન જાય છે જેથી પેલા ગરીબને કિડની પાછી અપાવી શકે. એ કિડની ખરીદનાર સાથે મોઢામોઢ થાય છે. વિડંબના એ કે જેની કિડની ચોરાઈ એ તો એને આ ધનિકે આપેલા લાખો રુપિયાથી રાજી છે ! એને કોઈ ‘ ન્યાય ‘ જોઈતો નથી. એક કિડનીથી શરીર ચાલે જ છે અને આવડો મોટો દલ્લો નફામાં !

ત્રણે વાર્તા પૂરી પણ અધૂરી લાગે ત્યાં એક અજબ વળાંક. એક સેવાભાવી સંસ્થા શોધખોળ કરી એવું સાબિત કરે છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલા એક અભાગીની આંખ, લિવર અને કિડની જેવાં આઠ અવયવો આઠ અલગ અલગ ભાગ્યશાળીઓના શરીરમાં પ્રત્યારોપિત કરી એમને નવજીવન આપવામાં આવેલું. આ આઠમાંના ત્રણ એટલે આલિયા, મૈત્રેય અને નવીન ! આ ત્રણ સહિત આઠેયને એક મનોવૈજ્ઞાનિક વિડિયોના સ્ક્રીનીંગ માટે નિમંત્રવામાં આવે છે.
તત્વચિંતક પ્લેટોની કથામાં એક ગુફાનો રૂપક તરીકે ઉલ્લેખ છે. એ કહેતા કે માનવી એના અસ્તિત્વની ગુફામાં કેદ છે. એ ક્ષણિકને શાશ્વત માની બેઠો છે. દાર્શનિકનું કામ લોકોને આ ગુફામાંથી બહાર કાઢી દિશાસૂચન કરવાનું છે. આપણા ત્રણ પાત્રો સહિતના આઠ દર્શકો વિડિયોમાં એક ગુફા જૂએ છે જેની દિવાલો ઉપર એક માણસનો પડછાયો દેખાય છે. એ પડછાયો સંભવત: ( પ્રતીકાત્મક રીતે ) એ માણસનો છે જેણે આ આઠને પોતાના અવયવો બક્ષ્યા છે. અહીં ફિલ્મ પૂરી થાય છે પણ એના દ્વારા ખડાં કરાયેલાં પ્રશ્નો યથાવત રહે છે.
ફિલ્મના મુખ્ય ત્રણ પાત્રો ઈજિપ્શિયન અભિનેત્રી ઐડા અલ કાશેફ, ઉત્તમ ભારતીય અભિનેતા નીરજ કબી અને આ ફિલ્મના ગુજરાતી સહનિર્માતા સોહમ શાહ દ્વારા ભજવાયાં છે.
વિવેચકોએ આ ફિલ્મને ‘ વર્ષો પછી ભારતમાંથી આવેલી એક અગત્યની ફિલ્મ ‘ તરીકે નવાજી છે. ફિલ્મ સમીક્ષક ડેરિક માલ્કમ એને ‘ જીવન બદલી નાંખનારી ફિલ્મ ‘ કહે છે. મિડ ડેના શુભા શેટ્ટીના મતે આ ફિલ્મ ‘ આપણા અંતરાત્માને હચમચાવે છે અને પ્રેક્ષકાગારમાં હાજર હોવા બદલ કૃતકૃત્યતાનો અનુભવ કરાવે છે. ‘ આ લખનાર પણ, ૨૦૧૩ માં પૂનાના એક સિનેમામાં ફિલ્મ જોતી વખતે જીવનમાં પહેલી વાર ફિલ્મના અંતે સર્વે પ્રેક્ષકોએ ઊભા થઈ ફિલ્મને સ્ટેંડીંગ ઓવેશન અપાયું એના સાક્ષી છે.
ફિલ્મની મુખ્ય ભાષા અંગ્રેજી છે. ત્રણેય વાર્તાનું કથાવસ્તુ મુંબઈ શહેરમાં આકાર લે છે. એ શહેરના અનેક અદ્ભુત દ્રશ્યો કચકડે કંડારાયાં છે. જૈન મુનિ મૈત્રેયનું પાત્ર શ્રીમદ રાજચંદ્રજીના જીવન ઉપરથી પ્રેરણા લઈને સર્જાયું હોવાનું માનવામાં આવે છે.
ફિલ્મની કથા અને સંવાદો પણ આનંદ ગાંધીના જ છે. આનંદ ગુજરાતી કવિઓ મરીઝ, રમેશ પારેખ અને શેખાદમ આબુવાલાના પ્રશંસક છે.
1
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
ગુજરાત પાકિસ્તાન સે ગુજરાત હિન્દુસ્તાન
વનિતાવિશેષ
રક્ષા શુક્લ
“अम्मा ने अपनी झुर्रियों–पड़ी गर्दन पीछे की। माथे पर पड़े तेवरों में इस बार क्रोध नहीं भर्त्सना थी। चेहरे पर वही पुरानी उपेक्षा लौट आई, “बहू, किससे क्या कहा जाता है, यह तुम बड़े समधियों से माथा लगा सब कुछ भूल गई हो। माँ अपने बेटे से क्या कहे, यह भी क्या अब मुझे बेटे की बहू से ही सीखना पड़ेगा? सच कहती हो बहू, सभी माएँ बच्चों को पालती हैं। मैंने कोई अनोखा बेटा नहीं पाला था, बहू! फिर तुम्हें तो मैं पराई बेटी करके ही मानती रही हूँ। तुमने बच्चे आप जने, आप ही वे दिन काटे, आप ही बीमारियाँ झेलीं!”

પ્રસ્તુત ગદ્યખંડ કૃષ્ણા સોબતીની મર્મસ્પર્શી હિન્દી વાર્તા ‘દાદી-અમ્મા’નો એક અંશ છે. જેમાં લેખિકાએ વૃદ્ધાવસ્થામાં ઉપેક્ષિત જીવન જીવતી એક વૃદ્ધ સ્ત્રીની મનોદશા અને વ્યથાને સુપેરે દર્શાવી છે. કૃષ્ણા સોબતી ૬૭ વર્ષની સાહિત્યની અવિરત સાધના પછી ૨૦૧૭માં ૯૨ વર્ષની ઉંમરે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થયાં, ત્યારે કૃષ્ણા સોબતીની ભાવુકતા પ્રથમ કૃતિના પ્રાગટ્ય જેટલી જ હતી. એક લાજવાબ લિજેન્ડ લેડી તરીકે એમની કલમ કાલજયી રહેશે જેમણે સામ્પ્રતના સામા પ્રવાહે તરી અને પોતાનો એક દરિયો સર્જ્યો હતો.
ગુજરાતમાં ૧૮ ફેબ્રુઆરી, ૧૯૨૫માં એમનો જન્મ થયો હતો. વિભાજન પછી ભારતનો એ હિસ્સો પાકિસ્તાનમાં ચાલ્યો ગયો. પછીથી એ દિલ્હીમાં આવી વસ્યાં. ૧૯૫૦માં પ્રથમ રચના – ‘લામા’ વાર્તા પ્રગટ થઈ. પછી તો સર્જનનો સિલસિલો ચાલુ જ રહ્યો. પછી ન કૃષ્ણા સોબતીની કલમ અટકી ન એને મળનારા સન્માન અટક્યાં. ૧૯૮૦માં ‘જિંદગીનામા’ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો. ૧૯૯૬માં સાહિત્ય અકાદમીના ફેલો બનાવવામાં આવ્યા. જે અકાદમીનું સર્વોચ્ચ સન્માન હતું. તેઓ મુખ્યત: વાર્તા લેખિકા છે.
ભારતીય સાહિત્યમાં અગ્રણી એવા સોબતીના મંતવ્યનો અવાજ મોખરાનો ગણાતો હતો. પાછલા થોડા વર્ષોથી એ ખાસ કરીને સાંસ્કૃતિક ઘટનાઓ બાબત ખૂબ ચિંતિત હતાં. જે ‘બાદલો કે ઘેરે’માં સંકલિત છે. આ વાર્તાઓ સિવાય એમણે કાલ્પનિક વૃતાન્તની એક વિશિષ્ટ શૈલીનાં રૂપમાં વિશેષ પ્રકારની લાંબી વાર્તાઓનું સર્જન કર્યું જેણે નવલકથા જેવો જ પ્રભાવ પાથર્યો. ‘એ લડકી’માં એક મૃત્યુના આરે ઊભેલી વૃદ્ધા અને તેણીની પુત્રી વચ્ચેનો ઉગ્ર સંવાદ છે. જેમાં તેઓ પ્રેમ, જીવન અને મૃત્યુની વાત કરી રહ્યાં છે.
૯૨માં વર્ષે આત્મકથાનક ઉપન્યાસ ‘ગુજરાત પાકિસ્તાન સે ગુજરાત હિન્દુસ્તાન’ (૨૦૧૭) પ્રગટ થતાં સૌ આશ્ચર્યચકિત થઈ ગયાં. આ ઉંમરે આ સક્રિયતા ! એમાં કૃષ્ણાજી પોતાની જિંદગીના એવા એક ભાગને ઢાળે છે જ્યારે સભ્યતાના ભાગલા થયા હતા, માનવતા ઝાંખી પડી લોહોલુહાણ હતી. ખૂબ તકલીફ સાથે તેઓ લખે છે કે ‘હવે તો અમે તેજ ધારવાળા ચાકુ છીએ. અમે પલીતો છીએ. અમે દુશ્મનોને ચીરી નાખનાર ગરમ હિંસા છીએ. અમે નવવધૂનાં હાથ કાપનાર દાતરડું છીએ. અમે હવે ‘અમે’ નથી, હથિયાર છીએ.’
જીવનના નવ દાયકા બાદ પણ સક્રિય એવા હિન્દીના સૌથી ચિરયુવા અને નીડર લેખિકા હતાં. હિન્દી સાહિત્ય અને સમાજનો હરતો ફરતો ઈતિહાસ છે. એમની પાસે બેસો તો એક વાચિક ઈતિહાસ શરુ થઈ જાય છે. એમનું સાહિત્ય હિન્દુસ્તાની બોલીઓનું મ્યુઝિયમ છે. એને વાંચતાં જ તમારા વડીલો જે છોડી ગયા છે એ શબ્દો સાથે તમે ટહેલવા માંડશો. તેઓ લગભગ એક પૂરી સદી જીવી ચૂક્યાં હતાં. એ કહેતા કે ‘જેણે લાહોર નથી જોયું એ જન્મ્યું જ નથી.’ એટલે જ એક લાહોર એની જીભ પર અને જીવ પર વસતું રહ્યું. એ લાહોર પાસે કલકત્તા, મુંબઈ પણ ફિક્કા પડતાં રહ્યાં.
એ કહેતાં કે ‘લેખક ત્યારે જ હોય છે જ્યારે બીજાઓ પણ હોય છે. એમનું હોવું એ આપણા લગાતાર અબૌધિક થઈ રહેલા સમાજને થોડી સમૃદ્ધિ આપે છે. તેઓ પોતાની સંયમિત અભિવ્યક્તિ અને સાફસુથરી રચનાત્મકતા માટે પ્રખ્યાત છે. પોતાની વાર્તાઓ દ્વારા એમણે ભાષાને નવી તાજગી આપી છે. સમાજમાં વધતી જતી અસહિષ્ણુતાથી ચિંતિત લેખકો અને બુદ્ધિજીવીઓએ જ્યારે દિલ્હીમાં પ્રતિરોધના નામે સભા બોલાવી ત્યારે કૃષ્ણા સોબતી પણ સ્ટેજ પર આવ્યાં અને બાબરીથી દાદરી સુધીની બરોબરીની વાત કરી.
હિન્દી સાહિત્ય અને સમાજમાં જે આઝાદ સ્ત્રીની વાત થઇ રહી છે એને કૃષ્ણા સોબતીએ જ આકાર આપ્યો હતો. એની નવલકથા ‘મિત્રો મરજાની’, ‘ડાર સે બીછૂડી’ કે ‘એ લડકી’ની નાયિકાઓ જિન્દાદિલી અને બેધડક અંદાઝમાં જીવન જીવી. પછીથી અન્ય લેખિકાઓએ પણ પોતાના પાત્રો માટે એ જ રીત અપનાવી. ‘સમય સરગમની નાયિકા વૃદ્ધ છે પણ લાચાર નથી. પોતાની રચનાઓના માધ્યમથી કૃષ્ણા સોબતીએ સ્ત્રીઓ પર થતા વિભિન્ન પ્રકારના અત્યાચારોને ઉજાગર કર્યા. વિભિન્ન સમસ્યાઓ સાથે એને મળતી સામાજિક અશ્લીલતાનું ખૂબીથી વર્ણન કર્યું. ‘મિત્રો મરજાની’ને હિન્દી સાહિત્યમાં મહિલાના મનને આલેખતી બોલ્ડ રચના ગણવામાં આવે છે. જે સાહિત્યમાં ખૂબ ચર્ચામાં રહી. સોબતીજીએ આ રીતે સાહિત્યમાં સાત પગલાં પાડ્યા હતા. આ કૃતિમાં એક વિવાહિત મહિલાની કામુકતાના વિષયમાં વાત કરવામાં આવી છે. જેનો પતિ એની ઈચ્છા પૂરી કરવા સક્ષમ નથી. એની સમસ્ત રચનાઓમાં જે સામાજિક અને નૈતિક ચર્ચાની જે ફીઝા મળે છે એ વાચકોના દિલ પર છવાઈ જાય છે. એ હિંમતવાન, સંવેદનશીલ અને ઉગ્ર રીતે સ્વતંત્ર હતા. ભારતીય સાહિત્યમાં એક અડગ અને કૃતનિશ્ચયી સ્ત્રીનું પાત્ર સર્જ્યું છતાં પોતે ‘સ્ત્રી લેખિકા’ ગણાવાનો સખત પ્રતિકાર કર્યો. સર્જક જાતિભેદનાં સીમાડા ઓળંગી જતો હોય છે.
એમનું સાહિત્ય ઈતિહાસ દ્વારા રોકટોક વગર જીવતી રહેલી માનવતાનો પક્ષ છે. છેલ્લા થોડા વર્ષોમાં એણે કેટલાક ખૂબ નજીકના મિત્રોને જુદા પડતા જોયા. એક મૂક ખિન્નતા વારંવાર એના પર છવાયેલી રહેતી. તે કહેતા ‘હું હજુ બચી ગયેલી છું ?’ કૃષ્ણાજીના મૃત્યુ પછી આશુતોષ ભારદ્વાજે એની અંજલિમાં લખ્યું કે ‘ઓ લડકી, અલવિદા…’ એમણે લખ્યું કે ‘અમારી વાતચીતમાં એના મૃત્યુ પછી એની મિલકતનું શું થશે એ ચિંતા રૂપી પ્રશ્નની સોય સતત ચુભાતી હોય એમ લાગતું. પરંતુ તેણી આવી વાત સંબંધે પોતાના કોચલામાં એવા કેદ હતાં કે આવું કશું સ્વીકારતાં નહોતાં. પણ એની અસ્વસ્થતા અને ચિંતા એની મોટી ફ્રેઈમના ચશ્માની બહાર છલકાતી.
અનેક પેઢી માટે જે આદર્શ હતાં અને ત્રણ જ સપ્તાહમાં જેઓ ૯૪ વર્ષના થવાના હતાં, એ કૃષ્ણા સોબતીનું મૃત્યુ ૨૫ જાન્યુઆરી, ૨૦૧૯માં લાંબી બિમારી પછી હોસ્પીટલમાં એના પ્રિય શહેર શિમલામાં થયું. એમના પર બરફનો જાદુ છવાયેલો હતો. અમુક મૃત્યુ એક ગરિમા અને શાંતિ સાથે આવે છે. બરફ પરનો પગરવ લઈને આવે છે. આ એ જ શહેર છે જ્યાં બાળપણ વિતાવ્યું હતું. સોબતીનું ચાલ્યા જવું એ એક યુગના અંત થવા જેવું છે.
ઇતિ
હું જયારે જ્યારે ગુસ્સે થાઉં છું, ત્યારે ત્યારે હંમેશા લાભ જ થાય છે – પણ બીજાઓને.
ઇન્દુલાલ યાજ્ઞિક
સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
યુધ્ધ વિરામની આરત અને સૈન્ય શસ્ત્રોનું ધૂમ વેચાણ
નિસબત
ચંદુ મહેરિયા
આપણી આરત તો અહિંસક, યુધ્ધરહિત સમાજની કે ‘ યુધ્ધ નહીં બુધ્ધ સહી’ ના વિશ્વની છે.પરંતુ દુનિયા તો જમીનના ટુકડા કે વર્ચસ માટે યુધ્ધરત અને યુધ્ધગ્રસ્ત છે. સમ્રાટ અશોકને કલિંગના યુધ્ધમાં થયેલી હિંસા પછી કલિંગબોધ લાધ્યો હતો અને તેઓ હથિયારો હેઠા મૂકી બુધ્ધની કરુણા, અહિંસા તથા શાંતિના માર્ગે વળ્યા હતા. પરંતુ આજની લોકશાહી સરકારોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોઈ કલિંગબોધ થતો નથી. એટલે વિશ્વમાં યુધ્ધો ખેલાતા રહે છે. જીનેવા એકેડેમીના અહેવાલ પ્રમાણે આજે દુનિયામાં છવ્વીસ મોટા યુધ્ધો અને સશસ્ત્ર સંઘર્ષો ચાલી રહ્યા છે. તેમાં સૌથી વધુ બાર મધ્ય પૂર્વમાં, છ યુરોપમાં, પાંચ એશિયામાં અને ત્રણ દક્ષિણ અમેરિકામાં ચાલે છે.
રશિયા-યુક્રેન યુધ્ધ ત્રણ વરસથી તો ઈઝરાયેલ –હમાસ યુધ્ધ એક વરસથી અવિરામ ચાલે છે. તેમાં નવા દેશો ઉમેરાતા રહે છે. ઈરાન, પેલેસ્ટાઈન, લેબેનોન, સિરીયા અને બીજા દેશો ઉપરાંત જગત જમાદાર અમેરિકા પણ આ બધામાં ખૂબ જ સક્રિય છે. યુધ્ધોને કારણે હજારો લોકોના મોત થયા છે. લાખો વિસ્થાપિત થયા છે અને અબજો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે પરંતુ યુધ્ધનો કાયમી અંત તો ઠીક , કામચલાઉ યુધ્ધ વિરામ પણ ક્ષિતિજે ક્યાંય જોવા મળતો નથી.
યુધ્ધની અનેક વિપરીત અસરો છે. દુનિયાના ઘણા દેશોનો સૈન્ય ખર્ચ વધતો જાય છે. ચીન અને પાકિસ્તાન જેવા વસમા પાડોશીથી ઘેરાયેલા ભારતનું સંરક્ષણ બજેટ સતત વધતું રહ્યું છે. એકવીસમી સદીના આરંભના વરસે, ૨૦૦૧માં, ભારતનું સંરક્ષણ બજેટ ૧૪.૬ અબજ ડોલરનું હતું. દાયકા પછી ૨૦૧૧માં તેમાં સાડા ત્રણ ગણી વૃધ્ધિ થઈ અને તે ૪૯.૬૩ અબજ ડોલર થયું હતું. તેના બીજા દસ વરસ પછી ૨૦૨૦માં ૭૨.૯૪ અબજ ડોલર હતું. ભારતનું સૈન્ય બજેટ પાકિસ્તાનથી તેર ગણું વધારે છે. શિક્ષણ , આરોગ્ય અને લોકકલ્યાણના અન્ય કામોમાં ખર્ચવા યોગ્ય નાણા સરહદો સલામત રાખવા વાપરવા પડે છે. આ કડવી વાસ્તવિકતા બંને દેશોએ સ્વીકારવી પડશે.
ડિફેન્સ થિંક ટેન્ક સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસના રિપોર્ટ મુજબ લશ્કરી ખર્ચની બાબતમાં આપણો દેશ વિશ્વમાં ત્રીજું અર્થાત અમેરિકા અને ચીન પછીનું સ્થાન ધરાવે છે. ગાંધીની અહિંસા અને નહેરુના પંચશીલ તથા વિશ્વશાંતિને વરેલા ભારત માટે આ સ્થાન લગીરે હરખાવા જેવું નથી. ૨૦૨૧માં અમેરિકાનો આર્મી પાછળનો ખર્ચ ૮૦૧ અબજ ડોલર, ચીનનો ૨૯૩ અબજ ડોલર, ભારતનો ૭૬.૬ અબજ ડોલર , યૂ.કે નો ૬૮.૪ અબજ ડોલર, રશિયાનો ૬૫.૯ અબજ ડોલર અને જર્મનીનો ૫૬ અબજ ડોલર હતો. રશિયા કરતાં ભારતનો લશ્કરી ખર્ચ વધારે છે તો આ ખર્ચમાં પ્રથમ ક્રમે રહેલા અમેરિકા અને અન્ય ક્રમના દેશો વચ્ચેનું અંતર અનેક ગણું વધારે છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી અમેરિકા અને અન્ય શસ્ત્ર ઉત્પાદક દેશોનું હિત વિશ્વ યુધ્ધરત રહે અને તેમના હથિયારોનું બજાર ગરમ રહે તેમાં રહેલું છે. એટલે હાલના યુધ્ધોને અટકાવવાના કોઈ ગંભીર પ્રયાસો થતા નથી. વિશ્વનું શસ્ત્ર બજાર જે ગઈકાલ સુધી ૧૮૩ લાખ કરોડનું હતું તે તાજેતરના યુધ્ધોથી વધીને હવે ૨૫૦ લાખ કરોડનું થવાની સંભાવના છે. શસ્ત્ર બજારમાં અમેરિકા પ્રથમ ક્રમે છે.તે પછીના ક્રમે ફ્રાન્સ, રશિયા, ચીન, જર્મની, ઈટલી, યુ.કે અને સ્પેન છે. હવે તેમાં સ્વીડન, તુર્કી, દક્ષિણ કોરિયા અને ભારતનો પણ પ્રવેશ થયો છે.ભારતનું લક્ષ્ય શસ્ત્રોની આયાત લગભગ ઘટાડીને યુધ્ધ હથિયારોમાં સ્વાવલંબી થવાની અને વધારાના હથિયારોની નિકાસ કરવાની છે. યુધ્ધ કોઈને પાલવે નહીં, આ યુધ્ધનો સમય નથી , યુધ્ધને બદલે સંવાદ જરૂરી છે એમ માનતું ભારત યુધ્ધ હથિયારોની નિકાસ કરશે કે શાંતિનું નોબેલ આપનાર સ્વીડન પણ યુધ્ધ હથિયારો વેચે છે તે કેટલું આઘાત અને આશ્ચર્યજનક છે નહીં?
હાલમાં જે દેશોમાં યુધ્ધો ચાલે છે તેમની યુધ્ધ હથિયારોમાં એ કે ૪૭ ( એસોલ્ટ કલાશ્વિન કોવ) રાઈફલ અને ફાઈટર ડ્રોનની સવિશેષ માંગણી હોય છે. એટલે ડ્રોનનું હાલનું બજાર, તેની માંગણીમાં વૃધ્ધિને જોતાં, રૂ. પાંચ લાખ કરોડનું છે તે વધીને રૂ.પચીસ લાખ કરોડનું થવાનું છે. આધુનિક યુધ્ધો લડાકુ વિમાનો અને મિસાઈલોથી લડાય છે તેથી તેની પણ માંગ છે. યુધ્ધો કેટલાં મોંઘા હોય છે તેનો ખ્યાલ કેટલાક યુધ્ધ હથિયારોની કિંમત પરથી આવે છે. ઈઝરાયેલે આટલી મિસાઈલો છોડી અને ઈરાનની આટલી વિફળ કરી તેવું વાંચી- સાંભળીને મિસાઈલ માનવ જીવ લેવા ઉપરાંત કિંમતમાં કેટલામાં પડે છે તેનો ખ્યાલ આવતો નથી. અમેરિકાની ટોમહોક મિસાઈલ પંદર લાખ ડોલરની તો પૈટ્રિયટ મિસાઈલ ૪૦ લાખ ડોલરની હોય છે. એફ-૧૫ અને એફ-૩૫ લડાકુ વિમાનમાં ઉડાન દરમિયાન દર કલાકે અનુક્રમે ૩૦ અને ૪૨ હજાર ડોલરનું ઈંધણ વપરાય છે. લડાકુ વિમાનોમાં રાખવામાં આવતી જીપીએસ આધારિત બોમ્બ કીટની કિંમત ૨૫ હજાર ડોલર છે.
હથિયાર ઉત્પાદક દેશો અને કંપનીઓ યુધ્ધો અટકવા દેતા તો નથી જ પણ તેનો હાઉ પણ ફેલાવે છે. તાઈવાનને ચીનનો ખતરો છે એમ ઠસાવીને અમેરિકાએ તાઈવાનને આ વરસોમાં જ ૧૭ લાખ કરોડના હથિયારો પધરાવ્યા છે. હવેના યુધ્ધો જેમ વધુ નિર્મમ છે અને અંધાધૂધ બોમ્બમારો કરવામાં આવે છે તેમ તેમાં બે સૈનિકો સામસામે લડતા હોય તેવું બહુ ઓછું બને છે. એટલે મિસાઈલો તેમાંય ડ્રોન મિસાઈલો અને મશીનોનું આ યુધ્ધ છે. જે દેશોના યુધ્ધ હથિયારો વધુ આધુનિક અને ટેકનોલોજીની દ્રષ્ટિએ આગળ હોય તે જીતે છે. હાલના નાણાકીય વરસ (૨૦૨૪-૨૫) ના આરંભ પહેલાં ફેબ્રુઆરી-૨૦૨૪માં ભારત સરકારે સશસ્ત્ર દળોની ક્ષમતામાં વૃધ્ધિ માટે ૮૫ હજાર કરોડના શસ્ત્ર સરંજામની ખરીદીને મંજૂરી આપી હતી. આ ખરીદીમાં એવા હથિયારો લેવાના છે જે અત્યાધુનિક ડિફેન્સ ટેકનોલોજીથી બનેલા હોય અને યુધ્ધ ક્ષેત્રમાં નજર સામે ના હોય તેવા લક્ષ્ય પર નિશાન સાધી શકે. આ બધી બાબતો યુધ્ધની વિભીષિકાને ઓર વળ ચડાવે છે.
યુક્રેનનો દૈનિક યુધ્ધ ખર્ચ ૧૩.૬ કરોડ ડોલરનો છે. આ એ યુક્રેન છે જે ૧૯૨૨ થી ૧૯૯૧ સુધી સોવિયેત સંઘનો ભાગ હતું. અમેરિકાએ તેને ૧૧૩ અબજ ડોલર અને યુરોપિય દેશોએ ૯૧ અબજ ડોલરની સૈન્ય અને અન્ય નાણાકીય સહાય કરી છે. અફઘાનિસ્તાન અને ઈરાક્ના યુધ્ધોમાં અમેરિકાએ ૮૦ ખરબ ડોલર વાપર્યા હતા.બીજી તરફ ગાઝામાં દર દસે સાત લોકો વિશ્વની મદદ પર જીવે છે. જેની રોજની આવક ૨.૧૫ ડોલર કરતાંય ઓછી છે તેવા વિશ્વમાં ૭૦ કરોડ લોકો (વિશ્વની વસ્તીના આશરે દસ ટકા ) બેહદ ગરીબીમાં જીવે છે. ત્યારે યુધ્ધો કોના લાભમાં હોઈ શકે?
બે વિશ્વ યુધ્ધોની અકથ્ય પીડા આજે પણ વેઠી રહેલું વિશ્વ ત્રીજા વિશ્વ યુધ્ધના ઓથાર હેઠળ જીવી રહ્યું છે. પરમાણુ હથિયારોના ઉપયોગની આશંકાએ તે હર પળ ડરેલું છે. હથિયારોની હોડ અને તકનિકીકરણની દોડે માનવજાતને એવા અંધારા ખૂણે ધકેલી દીધી છે જ્યાંથી પાછા ફરવું અશકયવત લાગે છે. ભયભીત માનવજાત યુધ્ધ અને હથિયારોની વિભીષિકાથી મુક્તિ ઝંખે છે. આ આરત કોઈને સંભળાય છે?
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કોઈનો લાડકવાયો – (૫૮) – મીઠાનો સત્યાગ્રહ અને એની દેશવ્યાપી અસરો (૧)
દીપક ધોળકિયા
૧૯૩૦ની ૧૨મી માર્ચે ગાંધીજીએ સાબરમતી આશ્રમથી કૂચ શરૂ કરી. ગાંધીજીએ ચીવટપૂર્વક આશ્રમવાસીઓને પસંદ કર્યા હતા. સ્ત્રીઓ જવા માગતી હતી પણ ગાંધીજીએ કહ્યું કે સ્ત્રીઓને આગળ કરવાથી પોલીસ સંયમ રાખશે અને એનું ખરું રૂપ સામે નહીં આવે. એ તો પુરુષોના બચાવ માટે સ્ત્રીઓનો ઢાલ તરીકે ઉપયોગ કરવા જેવું હતું. ૨૪૧ માઇલની યાત્રામાં રોજ દસથી પંદર માઇલ પગપાળા ચાલવાનું હતું.

પહેલી ટુકડીમાં પ્રદેશવાર લોકોની સંખ્યા આ પ્રમાણે હતીઃ ગુજરાતના ૩૨, મહારાષ્ટ્રના ૧૩, યુક્ત પ્રાંતના ૭. કચ્છના ૬. પંજાબના ૩, સિંધનો ૧, કેરળના ૪, રાજપુતાના (હવે રાજસ્થાન)ના ૩, આંધ્ર પ્રદેશનો ૧, કર્ણાટકનો ૧. મુંબઈના ૨, તમિલનાડુનો ૧, બિહાર, બંગાળ અને ઉત્કલ (હવે ઓડીશા), દરેકમાંથી એક, ઉપરાંત ફીજીનો એક (મૂળ યુક્ત પ્રાંતનો) અને નેપાળનો ૧. જાતિવાર ગણતરી કરતાં બે મુસલમાન, એક ખ્રિસ્તી, અને ૨ અસ્પૃશ્યો હતા.
ગુજરાતમાંથી ગાંધીજી ઉપરાંત બીજા ૩૧નાં નામ આ પ્રમાણે છેઃ છગનલાલ જોશી, જયંતી પારેખ, રસિક દેસાઈ, વિઠ્ઠલ, હરખજી, તનસુખ ભટ્ટ, કાંતિ ગાંધી, છોટુભાઈ પટેલ, વાલજીભાઈ દેસાઈ, પન્નાલાલ ઝવેરી, અબ્બાસ, પૂંજાભાઈ શાહ, સોમાભાઈ, હસમુખરામ, રામજીભાઈ વણકર, દિનકરરાવ, ભાનુશંકર, રાવજીભાઈ પટેલ, શિવાભાઈ, શંકરભાઈ, જશભાઈ, હરિદાસ વરજીવન ગાંધી, ચીમનલાલ, રમણીકલાલ મોદી, હરિદાસ મજુમદાર, અંબાલાલ પટેલ, માધવલાલ, લાલજી, રત્નજી, મણિલાલ ગાંધી (ગાંધીજીના પુત્ર); અને પુરાતન બૂચ. કચ્છમાંથી પૃથ્વીરાજ આસર, માધવજીભાઈ, નારણજીભાઈ. મગનભાઈ વોરા, ડુંગરસીભાઈ અને જેઠાલાલ જોડાયા.
(અહીં ગુજરાત-કચ્છનાં બધાં નામો આપવાનો ઉદ્દેશ એ છે કે વાચકોમાંથી કોઈ દાંડીકૂચમાં ગાંધીજીના સહયાત્રીઓના વંશવારસ પણ હોઈ શકે છે અને કદાચ એમનો અંગત ઇતિહાસ જાણવા મળે).
૧૦મી તારીખે, સરદાર પટેલની ધરપકડ થઈ તે જ દિવસે આશ્રમમાં ત્રણ હજાર માણસો પ્રાર્થના માટે આવ્યાં. ગાંધીજીએ લાંબું ભાષણ કરીને લોકોને ખાસ સંદેશ આપ્યોઃ
“…હિન્દુસ્તાનનાં સાત લાખ ગામડાંમાંથી દસ દસ માણસ પણ જો મીઠું પકવવા નીકળી પડે તો આ રાજ શું કરી શકે? હજી કોઈ પણ બાદશાહ એવો નથી જન્મ્યો કે જેને વગર કારણે કોઈને તોપને ગોળે ચડાવ્યા હોય.એમ શાંતિથી કાનૂનભંગ કરીને આપણે સહેજે સરકારને કાયર કાયર કરી મૂકી શકીએ એમ છીએ…”
૧૧મીએ દસ હજાર માણસ એકઠાં થયાં. ગાંધીજીએ પોતે પકડાઈ જાય તે પછી પણ સત્યાગ્રહીઓની અખંડ ધારા વહેતી રાખવા અપીલ કરી, એટલું જ નહીં, આંદોલન ચલાવવાના જુદા જુદા રસ્તા પણ દેખાડ્યાઃ
“…જે જે ઠેકાણે મીઠાના કાયદાનો ભંગ કરી શકાય તે તે ઠેકાણે શરૂ થઈ જવો જ જોઈએ… આ ભંગના ત્રણ રસ્તા છે. જ્યાં મીઠું સહેજે પકવી શકાય ત્યાં પકવવું એ ગુનો છે. એ જેઓ લઈ જશે અને વેચશે તે ગુનો કરશે, અને જકાત વિનાનું મીઠું વેચાતું લેનાર પણ ગુનો કરશે, મીઠાનો કાયદો તોડવાનો આ સહેલામાં સહેલો રસ્તો છે…પણ આ એક જ કામ કરીને બેસી રહેવાનું નથી…પણ જ્યાં સ્થાનિક કાર્યકર્તા હોય, કોંગ્રેસની બંધી ન હોય, કાર્યકર્તામાં આત્મ વિશ્વાસ હોય ત્યાં જેમને જે યુક્તિ સૂઝે તે ઉપયોગમાં લઈ શકે છે. મારી એક જ શરત છે. શાંતિ અને સત્યને માર્ગે સ્વરાજ મેળવવાની પ્રતિજ્ઞા કરેલી છે તેનું પાલન કરીને જેને જે કરવું હોય તે કરવાની છૂટ છે…”
ગાંધીજીને સાંભળવા માટે નડિયાદમાં પચીસ હજારની ભીડ એકઠી થઈ ગઈ. પરંતુ માત્ર નડિયાદ નહીં, બધે ઠેકાણે એ જ દશા હતી. નવસારી અને સૂરતમાં રાજગોપાલાચારી આવ્યા અને એમણે રાજદ્રોહના ગુના વિશે છણાવટ કરી કે કાયદો નિયમ વિરુદ્ધ થાય તેવી અપવાદરૂપ ઘટના માટે છે પણ બધા જ લોકો એ ગુનો કરતા હોય તો એમના માટે એ કાયદો નથી રહી શકતો. એમણે કહ્યું કે હજારો માણસો રોજ સભાઓમાં આવે છે તેનો અર્થ એ થયો કે બધાને રાજદ્રોહનો રોગ લાગુ પડ્યો છે, એમને શી સજા થઈ શકે?
શક્તિ સામે સત્યની લડાઈ

પાંચમી એપ્રિલે ગાંધીજીએ એક સંદેશ આપીને ‘શક્તિ સામે સત્યની લડાઈ’માં આખી દુનિયાનો સાથ માગ્યો અને છઠ્ઠી ઍપ્રિલની સવારે આશરે બે હજાર સાથીઓ સાથે સમુદ્રમાં સ્નાન કર્યું. અને – મુંબઈના ગવર્નરના તારમાં જણાવ્યા પ્રમાણે – સ્નાન પછી એમણે પોતાના ઉતારા પાસેથી મીઠું ઉપાડ્યું અને જાહેર કર્યું કે પોતે મીઠાનો કાયદો તોડ્યો છે. તે પછી એમણે દેશને હાકલ કરીઃ મુઠ્ઠી તૂટે, પણ મીઠું ન છૂટે !

ગાંધીજીએ લગભગ બે તોલા (૨૦ ગ્રામ) મીઠું ઉપાડીને જાતે જ સાફ કર્યું. આ મીઠું પછી લીલામમાં વેચાયું, જે અમદાવાદના એક મિલમાલિક શેઠ રણછોડદાસ શોધને ૫૨૫ રૂપિયામાં ખરીદી લીધું !
મુંબઈના ગવર્નરે લંડનમાં ગૃહ પ્રધાનને એ જ દિવસે કરેલા તારમાં આની વધારે વિગતો આપી તે પ્રમાણે ગાંધીજીના સાથીઓ પાંચ-છની ટુકડીઓ બનાવીને સમુદ્રનું પાણી મોટા અગરમાં ઉકાળવા માટે લઈ આવ્યા. ગવર્નર કહે છે કે દાંડીથી ત્રણ માઇલ દૂર આટ ગામેથી ૧૫ મણ ગેરકાનૂની મીઠું પણ જપ્ત કરવામાં આવ્યું. (એક મણ = ૪૦ શેર = લગભગ ૩૬ કિલો).

અને તે સાથે જ આખા દેશમાં ખૂણેખૂણે લોકો મીઠું બનાવતા થઈ ગયા. સમુદ્રમાંથી પાણી ભરીને લઈ જાય અને ઘરે બનાવેલી ભઠ્ઠી પર પાણી ઉકાળીને મીઠું અલગ તારવે. બીજા વેચવા લાગ્યા તો ઘણા ખરીદવા લાગ્યા. આખો દેશ ગુનો કરવા થનગનતો હતો..
૦૦૦
સંદર્ભઃ દાંડી કૂચથી શરૂ થયેલા ઘટના ચક્રના અંતિમ પ્રકરણના અંતે સંદર્ભ સૂચિ આપવાનું ધાર્યું છે.
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
રાજકારણને રાજકારણીઓને ભરોસે રેઢું ન મૂકાય!
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
લડાખના લોકાયની વિકાસકર્મી સોનમ વાંગચુક લોકશાહી પ્રતિનિધિત્વથી વંચિતવત્ સમુદાયને સારુ ન્યાયની લડાઈ રહ્યા છે- જોગાનુજોગ, આ જ દિવસોમાં વીસમી ઓક્ટોબરે ગુજરાતના નાનાવિધ વિકાસકર્મીઓનું સ્નેહમિલન યોજાઈ રહ્યું છે. ‘ચરખા’ થકી પરિચિત સંજય દવે આદિની આ પહેલને ‘ગણતર’ ખ્યાત સુખદેવ પટેલ સહિતના સિનિયર સાથીઓનું સમર્થન પણ સાંપડ્યું છે. છેલ્લાં પચાસ વરસમાં આપણે ત્યાં સ્વૈચ્છિક કર્મશીલોની જે નવી પેઢી (બલકે, પેઢીઓ) ઉભરી એ સૌ ઓછેવત્તે અંશે, કંઈક પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે પણ સમતા અને ન્યાયલક્ષી વિકાસ માટેની સીધી લડાઈમાં નહીં તો પણ પ્રવૃત્તિમાં તો પડેલા જ છે. એમાં સીધી રાજકીય સંડોવણીનો છોછ હોય ત્યારે અને તો પણ નાગરિક હિલચાલ માત્રે રાજકારણ જોડે ક્યાંક તો પ્રસંગ પાડવો રહે જ છે. સૂચિત સ્નેહમિલનમાં સિત્તેર વરસથી વધુ વયના સાથીઓ સારુ આદર અને કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવાનોયે ખયાલ છે એમ હોંશીલા નિમંત્રણપત્રથી સમજાઈ રહે છે. મતલબ, પાંચેક દાયકા પાછળ જઈએ તે અરસામાં જે છાત્રયુવા પેઢી નવનિર્માણથી માંડી જેપી આંદોલનના વારાથી જાહેર જીવનમાં આવી, એને વિશે એક પ્રકારે આત્મીય આદર તેમ આશા-અપેક્ષા (અને એથી જ કદાચ સહૃદય ટીકાનો પણ) ભાવ રહેલો છે.
૧૯૭૪ની વિભાજક, ખરું જોતાં જળથાળ, રેખાથી શરૂ કરવા પાછળ કંઈક ઈતિહાસબોજ તો કંઈક ઈતિહાસબોધ રહેલો છે. જરી અંગત બિનંગત સાંભરણની રીતે વાત માંડું તો નવનિર્માણના ગાળામાં પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ઢેબરભાઈની એક વિચાર પ્રેરક નોંધે ઠીક ધ્યાન ખેંચ્યું હતું. એમણે માત્ર કોંગ્રેસજનો પૂરતી તે મર્યાદિત નહીં રાખતાં વ્યાપક રીતે પહોંચાડી હતી. જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણીમાં ભોગીભાઈ ગાંધીની સંપાદકીય નિગેહબાનીમાં નગીનદાસ સંઘવી ‘સ્વરાજદર્શન’ પર લખી રહ્યા હતા. એનો પ્રવેશક ઢેબરભાઈ સરખા વિચારવંત રાજપુરુષ લખે એવી હોંશથી એમનો સંપર્ક સાધ્યો તો એમની તૈયારી લગભગ લેખનભાગી થવાની હદે સંડોવણીની હતી. ભોગીભાઈ થકી આ નિમિત્તે મારી એમની સાથેની પરિચયબારી ખૂલી એટલે પેલી નવનિર્માણ નોંધ ઢેબરભાઈએ મને પણ મોકલી હતી. પછીથી, એમની રજાથી, મેં ‘વિશ્વમાનવ’ સારુ એ ખપમાં પણ લીધી હતી.
૧૯૭૨માં ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષે નિર્ણાયક બહુમતી મેળવી હતી, પણ નવનિર્માણ આંદોલન જેવો વિસ્ફોટ વિધાનસભાને નામશેષ કરવાની હદે તે પછી વરસ બે વરસમાં આવ્યો ત્યારે આ જ કોંગ્રેસ પક્ષ કેમ ઊંઘતો ઝડપાયો, આ સવાલનો ઢેબરદીધો જવાબ એ હતો કે પક્ષ હવે પૂર્વવત રચનાત્મક કાર્યસંધાનથી છૂટો પડી જઈ કેવળ ઈલેક્શન એન્જિન બની ચૂકેલ છે. સ્વરાજની શરૂઆતના દાયકાઓમાં સક્રિય કોંગ્રેસકારણી હોવું તે લગભગ અવિનાભાવ કોઈ ને કોઈ રચનાત્મક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોવું પણ હતું. તેથી તમે નકરાં વિધાનગૃહો અગર પક્ષકચેરીમાં પુરાયેલાં ન રહેતાં ચૂંટણી સિવાયના સમયમાંયે લોકો સાથે સીધા સંપર્કમાં રહેતા હતા.
કોંગ્રેસના ૧૯૬૯ના ભાગલા સાથે જે નવું રાજકારણ પેદા થયું એમાં પેલું રચના સંધાન છૂટી ગયું હતું. આ સંજોગોમાં છતી બહુમતીએ આવી રહેલ વિસ્ફોટની રગ ક્યાંથી હોય, એ ઢેબરભાઈએ પૂછેલો ઉત્તરગર્ભ પ્રશ્ન હતો. જેપી જનતા પર્વ એક અર્થમાં આ પ્રશ્નનો નવો ઉત્તર હતો. સહેજ દૂરાકૃષ્ટ લાગે તો પણ તમે જોશો કે ‘ઝોલા’વાળા અને એનજીઓની જેવી નસલ આપણી વચ્ચે આવી એમાં રચના ને સંઘર્ષની આવડી એવી અનૌપચારિક યુતિનું સ્વરાજ સંધાન હતું. રાષ્ટ્રીય સ્તરે આજે ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના અધ્યક્ષ કુમાર પ્રશાન્ત કે બીએચયુ-જેએનયુ પૃષ્ઠભૂ ધરાવતા આનંદ કુમારને આ સંદર્ભ સંભારી શકો. સૂચિત સ્નેહમિલનમાં પણ તમને આ જ ધારામાં આવેલા ચહેરાઓ મળે એ અનુમાન અસ્થાને નથી.
આરંભે સુખદેવ પટેલને સંભાર્યા, એમનો પ્રવેશ ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના સંપર્કથી થયો. એક નોંધપાત્ર નામ બનાસકાંઠામાં અમીરગઢ પંથકમાં શૈક્ષણિક ને સેવાલક્ષી થાણું જમાવનાર હસમુખ પટેલનું છે. રાજેન્દ્ર દવે દેશમાં નથી પણ નવનિર્માણ કાળે શાંતિ પ્રતિષ્ઠાન સાથે સક્રિયપણે જોડાયેલાઓ પૈકી હતા- અને મનીષી જાનીની અધ્યક્ષતામાં કાર્યરત નવનિર્માણ સમિતિ તથા જેપીએ રચેલી છાત્ર યુવા સંઘર્ષ વાહિની બંને પર હતા. જેપીની ગુજરાત મુલાકાત સાથે લોકસ્વરાજ આંદોલનનો સૂત્રપાત થયો ત્યારે આરંભિક સંકલન-કામગીરી મંદાકિની દવેની રહી અને જનતા મોરચાની રચના લગીની પ્રક્રિયામાં કંઈક અગ્ર ભૂમિકા આ લખનારને પક્ષે રહી.
આજે જેમ શતાયુ જી. જી. પરીખ, યુસુફ મહેરઅલી કેન્દ્ર મારફતે સ્વરાજ સંધાન પૂર્વક કાર્યરત છે એવું ગુજરાતસ્તરનું નામ ને કામ આગળ-પાછળનાં વર્ષોમાં ભોગીલાલ ગાંધીનું હતું. મેં કરેલા ઉલ્લેખો પોતાને ઠેકાણે ઠીક જ છે, પણ છેલ્લા પાંચ દાયકામાં જે નવા કર્મશીલો આવ્યા એમનો ધોરણસરનો પ્રોફાઈલ પકડવામાં સર્વાગ્રપણે આર્ચ વાહિની ઉપરાંત કદાચ રાજકોટના યંગ મેન્સ ગાંધીયન એસોસિએશન-વાયએમજીએ દ્વારા પુરસ્કૃત પ્રતિભાઓ સહિતની યાદી વધુ ઉપયોગી થઈ પડે. ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતકો પૈકી પ્રતિવર્ષ અપાતા મહાદેવ દેસાઈ સન્માનની યાદી પણ ઉપકારક થઈ પડે. ‘સેવા’થી માંડી ‘અવાજ’ અને એવાં જ બીજાં સંગઠનો મારફતે ઉભરેલ કર્મશીલો પણ ચિત્રમાં અલબત્ત છે જ.
ટૂંકજીવી જેપી જનતા પર્વ પછી ૨૦૦૪થી કોંગ્રેસ શાસનના નવા તબક્કામાં સોનિયા ગાંધીની સલાહકાર સમિતિ (અને એના આગ્રહથી શક્ય બનેલો મનરેગાથી માંડી માહિતી અધિકાર સરખી જોગવાઈઓ) પણ આ સંદર્ભમાં લક્ષમાં લેવી રહે, જેમ રાહુલ ગાંધીની ભારતયાત્રા જોડે યોગેન્દ્ર યાદવના સંધાનથી ઉભરેલ શખ્સિયતો પણ.
નહીં કે વીસમી ઓક્ટોબરના મિલન સાથે આ કશાયનો કોઈ એજન્ડાગત સંબંધ છે, પણ રાજકારણને કેવળ રાજકારણીઓને ભરોસે રેઢું મેલી શકાય નહીં એવું નિ:શંક.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૬-૧૦– ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
તુલસીનો છોડ
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
આ વાત છે, વિભાજનના સમયની.
એ સમયે ટંટામાં અટવાયેલા, બેઘર થયેલા કેટલાય લોકો એક શહેરથી બીજા શહેર તરફ આશરો મેળવવા ભાગદોડ કરી રહ્યા હતા. કામચલાઉ આશરા માટે પણ સવારથી સાંજ ભટકતા રહેતા લોકોમાંથી કોઈકની નજર સિમેન્ટના પુલની સાવ પાસે એક બંધ બિનવારસી બે માળના મકાન પર પડી અને પછી તો બાકી શું રહે? ડૂબતો તરણું ઝાલે એમ આ ટોળાએ તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી એ કબજો જમાવી દીધો.
સાંજ સુધીમાં તો આખા શહેરમાં આ બિનવારસી મકાનની વાત ફેલાઈ ગઈ. જેને રહેવાનાં ઠામ-ઠેકાણાં નહોતાં એ સૌનો ધસારો અહીં વધી ગયો. પહેલાં આવી ગયેલા લોકો તો જાણે એમનું ખુદનું મકાન હોય અને આ મકાન પર એમનો જ હક હોય એમ અકડ પર આવી ગયા.
ઘણી વિનંતી બાદ અંતે નવા આવનાર પર ઉપકાર કરતા હોય એમ માંડ થોડી જગ્યા ફાળવવા તૈયાર થયા. નવા લોકોને અહીં આશરો મળવાથી આશા તો બંધાઈ કે, હવે એમને ગંદકીભરી જગ્યામાં રહેવું નહીં પડે કે રોગચાળાથી હેરાન નહીં થવું પડે.
સૌ પ્રયાસપૂર્વક, થોડી બાંધછોડ સાથે બે માળના આ મકાનમાં ગોઠવાવા માંડ્યાં.
મકાનનાં રસોઈઘરની એક બાજુનાં આંગણામાં પત્થરના કૂંડાંમાં એક તુલસીનો છોડ હતો. લાંબા સમયથી માવજત વગરનો આ છોડ કરમાવા માંડ્યો હતો. ક્યારેક લીલાંછમ રહેતાં એનાં પાંદડા કરમાઈને કથ્થઈ બની ગયાં હતાં. સાફસૂફીના અભાવે છોડની નીચે નકામું ઘાસ ફૂટી નીકળ્યું હતું.
આ આખા ટોળાંમાં એક સૌથી માથાભારે માણસ હતો.
મોદાબ્બેર એનું નામ. આંગણાંમાં આ તુલસીનો છોડ જોઈને એ રોષે ભરાયો.
“તુલસીનો છોડ હિંદુત્વની નિશાની છે. આપણ્રે રહેતા હોઈએ ત્યાં હિંદુની કોઈ નિશાની ના જોઈએ. ઉખાડો અને ફેંકો એને અહીંથી બહાર.”
માથાભારે મોદાબ્બેરના અવાજમાં રહેલા રોષની માત્રાથી સૌ સ્તબ્ધ..
અહીં આવેલા લોકો હિંદુ રીતરિવાજથી ખાસ પરિચિત નહોતા, પણ સૌને એટલી તો ખબર હતી કે; તુલસી હિંદુ ધર્મનો પવિત્ર છોડ છે. હિંદુ ઘરની સ્ત્રીઓ માથે પાલવ ઓઢીને તુલસી ક્યારે દીવો પ્રગટાવી પ્રણામ જરૂર કરે છે. આવા પવિત્ર પ્રતીકને સન્માન ન અપાય તો પણ અપમાન કરવાનીય કોઈની હિંમત નહોતી.
હવે?
જો કે, સારા નસીબે ગાડરિયા ઘેટાં જેવા પ્રવાહમાં એક ઘેટું સમજદાર નીકળે એમ આ ટોળામાં એક સમજદાર વ્યક્તિ નીકળી.
નામ એનું મતીન. રેલ્વેમાં નોકરી કરતા આ મતીનની મતિ હજુ ઠેકાણે હતી.
સ્મૃતિનાં તળ ફાડીને એની નજર સામે માથે પાલવ ઓઢીને સાંધ્યપૂજા કરતી એક હિંદુ નારીનો ચહેરો તરવરી રહ્યો.
કોણ જાણે ક્યાં હશે એ, કદાચ કલકત્તા, આસનસોલ, હાવડા, પણ જ્યાં હશે ત્યાં રહીનેય સાંજ પડે એને આ તુલસીક્યારો યાદ આવતો હશે તો એની આંખો ભીની થતી હશે?
માથે પાલવ ઓઢેલી, બે હાથ જોડીને, મસ્તક નમાવીને સાંધ્યપૂજા કરતી એ સ્ત્રીના વિચારોથી એના હૃદયમાં ભીનાશ છવાઈ. હૃદયની ભીનાશથી અવાજ પણ ભીનો બન્યો.
“રહેવા દો એ ક્યારાને. આપણે કોઈ એની પૂજા નહીં કરીએ, પણ સાંભળ્યું છે કે મકાનનાં આંગણમાં તુલસીક્યારો હોય તો સારું વળી તુલસીનાં પાંદડાથી શરદી-સળેખમમાં ફાયદો થાય.
માથાભારે મોદાબ્બેરે અન્યના મત જાણવા સૌની સામે નજર માંડી. સૌની નજરમાં મતીનની વાતની મૂક સંમતિ હતી. આ સૌમાં મૌલવીની કક્ષાએ ગણી શકાય એવો એક ઈન્સાન પણ હતો.
નામ એનું ઈનાયત. મતીનની વાત સાંભળીને એ પણ વિચારમાં પડ્યો. પાંચ વખતની નમાજ, કુરાનનું પઠન કરનાર ઈનાયત જાણે મતીનની વાતમાં મૂક સંમતિ આપતો હોય એમ મૌન હતો.
કદાચ એની સ્મૃતિમાંય એક એવી ભીની ભીની આંખો તરવરી રહી હતી. સૌની સાથે ઈનાયતને શાંત જોઈને મોદાબ્બરે પણ નમતું જોખ્યું. તુલસીનો છોડ ત્યાં જ રહ્યો.
દિવસો પસાર થતા રહ્યા.
એક સવારે પોલીસ સબ-ઈન્સ્પેક્ટર સરકારી ઑર્ડર લઈને આવ્યા. એ ઑર્ડર મુજબ આ મકાનની જમીન પરની માલિકી સરકારની હતી.
ચોવીસ કલાકમાં ખાલી કરાયેલા એ સ્તબ્ધ મકાનની વચ્ચે પેલી ભીની ભીની બે આંખો, નત મસ્તક અને માથે પલ્લુ ઓઢેલી સ્ત્રીની રાહમાં ફરી એકવાર એ તુલસી ક્યારો એકલો રહી ગયો.
બાંગ્લા કથાને આધારિત સૈયદ વલીઉલ્લાહ દ્વારા અનુવાદિત વાર્તાનો ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
હું જતો રહું પછી
દરિયા-પારની વાર્તા
પ્રીતિ શાહ-સેનગુપ્તા
સવાર ક્યારે થઈ તેની આજે જલદી ખબર પડે તેમ હતું નહીં, કારણકે આકાશ વરસાદી વાદળોથી ઘેરાયેલું હતું. ભઈ, અહીં તો આવું જ હોય, કેશવભાઈ જાણતા હતા, ને તોયે એમણે આકાશ સામે જોઈને માથું હલાવ્યું, આમ સાવ કાળું કરી મૂકવાનું? ને તે ય રવિવારની સવારે?
થોડો ગડગડાટ થયો, જાણે કે વાદળોએ જવાબ આપ્યો. ને પછી આકાશ જે તૂટી પડ્યું છે, જાણે કેશવભાઈની વાત પર ગુસ્સે ના થયું હોય. જોકે એમને તો આ આકાશી નખરાં ગમતાં હતાં. એમણે જલદી જલદી ચ્હા બનાવી. કપ લઈને એ બાલ્કનીમાં આવ્યા ત્યારે હજી વરસાદ ચાલુ જ હતો.
મૂશળધાર વરસાદનો અવાજ સાંભળતાં સાંભળતાં ગરમ ચ્હા પીવાની બહુ મઝા આવે, હોં, એ હંમેશાં વીણાબેનને કહેતા. ના, પણ ઝરમર જેવું કાંઈ નહીં, હોં, વીણાબેન સામે કહેતાં.
હવે આમ તો કેશવભાઈએ મન વાળી લીધું હતું, ને દરરોજ ચ્હા પીતાં આંખો ભીની થવા દેતા નહીં. શરૂ શરૂમાં બહુ અઘરું પડ્યું એમને. ચ્હા ઝેર જેવી લાગતી, આંસુ ઘણી વાર એમાં ભળી પણ જતાં. ટેવ પ્રમાણે માથું હલાવીને એ કહેતા, વીણી, તેં ટાઇમસર મને ચ્હા બનાવતાં શીખવાડી દીધું હતું, હોં, જાણે તને ખબર હતી કે મને જરૂર પડશે.
વીણાબેન અને કેશવભાઈ સારી એવી મોટી ઉંમરે અમેરિકા આવી વસ્યાં હતાં. એકનો એક દીકરો હેમેન ભણવાના નામે મિશિગન આવ્યો હતો. પાછો અમદાવાદ આવીશ જ, એવી ખાતરી આપતો ગયો હતો. ત્યારે તો ખરેખર એ પોતે એમ જ માનતો હતો. પણ પછી જેમ બીજા હજારો દીકરાઓ સાથે બન્યું હશે તેમ – હેમેનને સરસ જૉબ મળી ગઈ, રૂપાળી લૅટિના સાથે પ્રેમ થયો, બંને પરણ્યાં, ને પછી અમદાવાદ પાછાં જવાની વાત જ ક્યાં રહી? આટલી પ્રક્રિયા દરમ્યાન એ તો ઘસાઇ ગઈ હતી, લગભગ ભૂલાઈ ગઈ હતી.
પણ હા, એવું નહતું કે એ મા-બાપને ભૂલી ગયો હતો. એણે એમને અમેરિકા ફરવા બોલાવ્યાં, અને પછી ગ્રીન કાર્ડ પણ અપાવીને જ રહ્યો. એ દરમ્યાન એ અને મારિસૉલ જ્યાં આખું વર્ષ સારી ઋતુ મળે તેવી જગ્યા શોધીને ફ્લૉરિડા રાજ્યના મુખ્ય શહેર જૅક્સનવિલમાં રહેવા આવી ગયાં હતાં. એમની સાથે મા-બાપ રહી શકે તેમ હતાં, પણ કેશવભાઈનાં ખાસ મિત્ર ધીમંતભાઈ અને સુશીબેન જ્યાં રહેતાં હતાં ત્યાં, ટૅમ્પા શહેરમાં રહેવાનું એમણે વધારે પસંદ કર્યું. ભઇ, હવે તો દેશમાં પણ દીકરા પર વધારે પડતો હક્ક નથી કરી શકાતો, કેશવભાઈ સમજતા હતા કે થોડા દૂર રહેવામાં જ ડહાપણ છે.
ધીમંતભાઈના બંને દીકરા- સુરેશ અને સુધીર -ની બે મોટેલો હતી. એમણે ખુશીથી કેશવકાકાને કામ પણ આપી દીધું. જરૂર હોય તે પ્રમાણે એક કે બીજી મોટેલમાં જવાનું. કેશવભાઈએ નજીકમાં ગાડી ચલાવતાં પણ શીખી લીધું, અને એમને ખાસ કશી ફરિયાદ રહી નહીં. વીણાબેનનું મન શાંત પડતાં થોડી વધારે વાર લાગી હશે. એ કહ્યા કરતાં કે મરવું તો ઇન્ડિયામાં જ છે, હોં. કેશવભાઈ પાસે એ વચન લેવડાવતા, કે જામનગરના સરસ સ્મશાનમાં જ મારે છેલ્લી ચિતા પર ચઢવું છે.
છેલ્લી ચિતા એટલે શું? તું કેટલી વાર ચિતા પર ચઢી છું?, કેશવભાઈના અવાજમાં ચીડ સંભળાતી.
અરે, જિંદગીના દરેક દિવસે સ્ત્રીઓએ ચિતા પર ચઢતાં જ રહેવાનું હોય છે. ચિતા એટલે શું દેહ બળે તે જ આગ? ને રોજે રોજ જીવ બળતો રહે તે શું જુદું છે ચિતા પર ચઢવા કરતાં?
ધીમંતભાઈ કહેતા, કેશવલાલ, તમે નહીં પહોંચો દલીલમાં. ને હવે તો આ અમેરિકન થઈ ગયાં, ઘણું શીખી ગયાં. આ સુશી જુઓને —-
પણ સુશીબેન એમને આગળ કાંઈ કહેવા દે તો ને.
બન્યું જે ભગવાનને ગમ્યું તેવું જ. વીણાબેન સાવ ટૂંકી માંદગીમાં જતાં રહ્યાં, અણધાર્યાં, ને તે પણ અમેરિકામાં. કેશવભાઈ વચન પાળી નહોતા શક્યા તેથી લાંબા વખત સુધી એમનો જીવ બળ્યા કર્યો હતો. વીણી, તારી ભસ્મ તો હું ઇન્ડિયા લઈ જ જઈશ, હોં, એ રટતા રહેતા. એ અને ધીમંતભાઈ સાથે ઇન્ડિયા જઈ આવવાના હતા, પણ હજી એ શક્ય બન્યું નહતું.
જાણે દિવસના કલાકો વધી ગયા હોય તેમ હવે કેશવભાઈ મોટેલના કામ પછી હૉસ્પિટલમાં વૉલન્ટિયર તરીકે પણ જવા માંડ્યા હતા – અઠવાડિયામાં બે વાર, બને ત્યારે ત્રણ વાર. ક્યારેક નર્સો સાથે, તો ક્યારેક ઇન્ડિયન ડૉક્ટરો સાથે વાત કરવાની તક મળતી. એકલાં પડી રહેલાં દરદીઓને પણ એ ક્યારેક કંપની આપવા બેસી જતા. કેટલું બધું જાણવાનું છે આ જીવનમાં, એમને થતું.
ં ં ં ં ં
એક સાંજે કેશવભાઈના સેલ ફોન પર સુધીરનો ફોન આવ્યો. કાકા, તમે જલદી પપ્પાના રૂમ પર આવી જાઓ છો? બહુ જ જરૂર છે. ત્યારે કેશવભાઈ હૉસ્પિટલમાં જ હતા. ત્રીજા માળ પર. તરત લિફ્ટ લઈને એ છઠ્ઠા માળે ગયા. એમનો બાળપણનો મિત્ર ધીમંત પોતે છેલ્લા થોડા દિવસથી પ્રાઇવેટ રૂમમાં દરદી થઈને સૂતો હતો. ત્રણેક વર્ષ પર ધીમંતભાઈને એક સ્ટૅન્ટ મૂકાવેલો હતો. પછી તો સારું જ હતું, પણ હમણાંથી એમને ગભરામણ થતી રહેલી, તેથી હૉસ્પિટલમાં દાખલ કરેલા. કંઇક ટૅસ્ટ કર્યા પછી, “ઑબ્સર્વ કરીએ છીએ”, એમ ડૉક્ટર કહેતા હતા.
હવે બીજે ક્યાંય નહીં પણ ધીમંતભાઈ પાસે જ કેશવભાઈ વધારે બેઠા રહેતા. બહુ વાતો નહીં, પણ ધીમે અવાજે એમને ગમતાં ઝવેરચંદનાં ગીતો ગણગણતા. ધીમંતભાઈએ એમના અવાજને બહુ વખાણેલો. કહે, અલ્યા, તને ભગવાનની દેન છે. શું સૂર આપ્યો છે. અત્યારે પણ ધીમંતભાઈના ફીક્કા મોઢા પર સહેજ સ્મિત ફરકતું. જરાક આગળીઓ ઊંચી કરીને એ કહેતા, વાહ, કેશવલાલ.
ગયા બે દિવસથી ધીમંતભાઈને સારું હતું, અને એ પણ થોડી વાતો કરવા માંડેલા. સુશીબેનને એમનું મીઠું ચિડાવવાનું પણ પાછું ચાલુ થઈ ગયેલું. કેશવભાઈને એમણે કહેલું, હું તો હવે દરદી મટી જવાનો. તમે બીજા દરદીઓને તમારો લાભ આપો, કેશવલાલ. મને વાંધો નથી.
બે દિવસથી કેશવભાઈ હૉસ્પિટલમાં બીજે પણ પાછા થોડો સમય આપવા લાગેલા. એ સાંજે એ ત્રીજે માળ હતા ત્યાં એમને સુધીરનો ફોન મળ્યો. ઉતાવળે એ ધીમંતભાઈના રૂમ પર પહોંચ્યા તો માની ના શકાય તેવું દૃશ્ય હતું. દીકરા-વહુઓ રૂમના બારણા પાસે ચૂપચાપ ઊભાં હતાં. રૂમની અંદર યમરાજ જેવી કાળી ધબ સ્તબ્ધતા હતી. ખાટલાની પાસે સુશીબેન છતે જીવે નિર્જીવ પૂતળા જેવાં ઊભાં હતાં. ને કેશવભાઈનો સદાનો સાથે રહ્યો હતો તે મિત્ર કહ્યા વગર દૂર જતો રહ્યો હતો.
અલ્યા ધીમંત, આ શું કર્યું તેં? જિંદગી આખી ધીમો રહ્યો. અમે તને ધીમલો ને ધીમેશ કહી ચિડાવતા રહ્યા, ને તેં છેતર્યા અમને બધાને? દોસ્તીમાં આવી છેતરપીંડી? આગળ જવાની આવી ઉતાવળ? કેશવભાઈ હાથ-માથું હલાવતા હતા, મોઢામાંથી કોઈ શબ્દ નીકળતા નહતા.
એ ધીમંતભાઈના હાથ ખેંચવા લાગ્યા ત્યારે, સાથે અંદર આવેલા સુરેશે એમને પકડીને જોરથી કહ્યું, કાકા, કાકા, આ શું કરો છો? ભાનમાં આવો તો.
સુધીર એમને રૂમની બહાર લઈ ગયો, ને કહ્યું, કાકા, બહુ જરૂરી વાત કરવાની છે. તમારે તો અમને ધીરજ આપવાની હોય. તમે ભાંગી પડો તે કેમ ચાલે?
બંને વહુઓ સુશીબેનને પણ બહાર બીજી બાજુ લઈ ગઈ.
કેશવભાઈના ગળામાંથી હજી અવાજ નીકળતો નહતો. વીણાબેન ગયાં ત્યારે પણ કદાચ એ આટલો આઘાત નહીં પામ્યા હોય. ધીમલો તો એમના જોડિયા જીવન જેવો હતો. એના વગર પોતાનું જીવન ક્યાંથી ટકવાનું? ને ટકે એનો કશો અર્થ પણ ક્યાં હતો?
સુરેશ કેશવભાઈ માટે પાણી લઈને આવેલો. બંને ભાઈઓ ઊંચાનીચા થઈ રહ્યા હતા. એમણે ફરીથી કહ્યું, કાકા, અમારે એક પ્રૉબ્લૅમ છે. તમારી સલાહ જોઈએ છે.
પરદેશોમાં રહેતા અનેક ઇન્ડિયનોની જેમ ધીમંતભાઈને પણ ઇન્ડિયામાં મરવું હતું. એમ ના બને તો મૃત દેહને ઇન્ડિયા લઈ જઈને બાળવામાં આવે, તેવી એમની ઇચ્છા હતી. એવું ફક્ત સુશીબેનને જ એમણે કહેલું. ને એ માનવા બંને ભાઈઓ તૈયાર નહતા. મમ્મી પણ તમારી જેમ શૉકમાં છે, કાકા. આ આઘાતમાં એને ખબર નથી અત્યારે, કે એ શું કહી રહી છે.
સુરેશે કહ્યું, અરે, એમ તે કાંઈ ડૅડ બૉડિને પ્લેનમાં ઇન્ડિયા લઈ જવાય? કલાકોના કલાકો – અરે, લગભગ બે દિવસ થઈ જાય.
કેશવભાઈને ઇલૅક્ટ્રિક આંચકો લાગ્યો હોય તેમ એ હચમચી ગયા. ગળામાંથી હવે ઘાંટો નીકળી આવ્યો. તું શું બોલે છે, સુરિયા? ડૅડ બૉડિ એટલે? એટલે એ હજી તારા પપ્પા છે, હોં.
કાકા, સૉરિ. એ પણ શૉકમાં છે, સુધીરે એમને શાંત પાડવા કહ્યું.
જો, સુધીર, એમને સરખી રીતે કૉફીનમાં મૂકીને, ત્રણ સીટો ખરીદીને પ્લેનમાં લઈ ના જવાય? તેં કશી તપાસ કરી છે ખરી? શું નિયમો છે કસ્ટમના, સરકારના, તે વિષે જાણ્યું છે?
ના, કાકા, હજી તપાસ તો નથી કરી. પણ આ બધું કરવામાં કેટલો ખર્ચો થાય, ખબર છે?
તને તારા પપ્પા કરતાં પૈસા વધારે વહાલા છે?, ફરી કેશવભાઈનો અવાજ મોટો થવા માંડ્યો.
તો તમને પૈસા વહાલા નહોતા? વીણાકાકી ગુજરી ગયાં ત્યારે બૉડિને કેમ ઇન્ડિયા ના લઈ ગયા? ખર્ચો જ નડ્યો હશે ને. સુરેશથી બોલાઈ ગયેલું.
કેશવભાઈ મૂઢ થઈ ગયા. કોઈ અજાણ્યા આઘાતથી મન થરથરી ઊઠ્યું. વીણાની છેલ્લી ઇચ્છાની સુરેશને ખબર નહીં જ હોય, ને છતાં એ આવું બોલ્યો. હા, વીણાની ઇચ્છા પોતે પણ ક્યાં પૂરી કરી હતી? પણ તે શું ખર્ચાના જ વિચારે? ના, ના, એવું નહોતું. હેમેને પૈસા આપ્યા જ હોત, પણ વીણાના જવાથી પોતે જ મરવા જેવા થઈ ગયા હતા. કઈ રીતે લઈ જાત એ વીણાના દેહને? ઉપરાંત, એના મૃત દેહમાં મૅડિકલ પ્રૉબ્લૅમ પણ થઈ ગયા હતા. જો ચેપનો ભય હોય તો એને વિમાનમાં તો શું, બહાર ક્યાંયે લઈ ના જવાય.
સુધીર કહેતો હતો, કાકા, મોટેલો છોડીને જવું પણ ક્યાં શક્ય છે, તમે જાણો છો ને?
હા, ભાઈ, બરાબર છે, કહી આશિર્વાદની જેમ બે હાથ ઊંચા કરીને કેશવભાઈ ત્યાંથી નીકળી ગયા.
પછી એમણે તપાસ કરી હતી – જાણ તો હોવી જોઇએ ને, એમ સમજીને. ઘણાં સર્ટિફિકેટ લેવાં પડે, ઘણાં ફૉર્મ ભરવાં પડે, ભારત સરકારની પરમિશન, અમેરિકી સરકારની પરમિશન, એ મળે કે ના મળે, અને ખર્ચો પણ ઘણો થાય જ. આ બધું કર્યા પછી પણ, ના, કૉફીનને કે મૃત દેહને સીટો પર રાખીને તો લઈ જ ના જવાય. એને ઍમ્બાલ્મ કર્યા પછી પણ મૂકવાનો તો કાર્ગો-હોલ્ડમાં જ, બીજા સામાનની સાથે.
આ બાબત સમજી શકાય તેવી હતી, તોયે કેશવભાઈને મૃત સ્વજનના અપમાન જેવી લાગી. ને કોણ એને ચઢાવે, ને કોણ ઉતારે. એને કદાચ પછાડે કે ફેંકે પણ ખરા. સારું જ થયું વીણીને એ રીતે નહોતી મોકલી. ને હવે ધીમલો. જીગરી મિત્રના અથડાતા-પછડાતા દેહના વિચારે કેશવભાઈનો શ્વાસ રુંધાઈ આવ્યો.
ં ં ં ં ં
ધીમંતકાકાની પાછળ ગોઠવેલી ભજન-સંધ્યા માટે હેમેન અને મારિસૉલ જૅકસિનવિલથી ખાસ આવ્યાં હતાં. ત્યારે બંનેએ કેશવભાઈને બહુ સમજાવેલા, પપ્પા, તમારી તબિયત જરાયે સારી નથી લાગતી. તમે હવે અહીં ટૅમ્પામાં એકલા પડી ગયા. હવે તમે જૅક્સનવિલ આવી જાઓ.
પણ કેશવભાઈ માન્યા નહીં. હું ઠીક થઈ જઈશ, બેટા. તમે ચિંતા ના કરતાં. મને જરૂર લાગશે ત્યારે હું જ તમને બંનેને જણાવીશ, હોં.
વીણાબેનની ગેરહાજરીને પચાવવા જેમ એમણે માનસિક મહેનત કરી હતી તેમ હવે ધીમંતભાઈની ખોટને સહ્ય બનાવવા કરવા માંડી. પણ ઝવેરચંદનાં ગીતો એમના ગળામાં આવીને અટકતાં હતાં, સતત ઉચાટ અનુભવાતો રહેતો હતો. અને મગજમાં કશુંક ગોળ ગોળ ઘુમરાતું રહેતું હતું. દિવસોના દિવસો સુધી જ્યારે કારણ જ નહોતું સમજાયું ત્યારે ઉપાય તો ક્યાંથી જ મળે?
હમણાં તો મોટેલમાં કામે જવાનું કેશવભાઈએ ચાલુ જ રાખ્યું હતું. ધીમંતભાઈના દીકરાઓને અને સુશીબેનને એ અત્યારે વધારે દુઃખ પહોંચાડવા માગતા નહોતા. ને હૉસ્પિટલમાં તો હવે એ લગભગ રોજ જવા માંડેલા. ઇન્ડિયન દરદીઓને એ બહુ મદદરૂપ થતા, તો અન્યભાષી દરદીઓને પણ એ સહૃદયી મિત્ર જેવા લાગતા. દરેકના જીવનની જુદી જુદી સ્થિતિ-પરિસ્થિતિ જોઈને એમને લાગવા માંડ્યું હતું, કે વીણીનું કહેવું સાવ સાચું જ હતું, હોં. ખરેખર, માણસમાત્રને રોજેરોજ ચિતા પર ચઢવું જ પડતું હોય છે.
એક દિવસ, જેના બચવાની આશા જ નહોતી તેવા એક દરદી અને એના કુટુંબ પાસેથી એમણે “ ડોનેટ ફૉર સાયન્સ” જેવા શબ્દો સાંભળ્યા, અને એનો અર્થ જાણ્યો કે તરત જાણે મનમાંનાં વમળ ત્યાંનાં ત્યાં જ સ્થિર થઈ ગયાં. ઉચાટ હતો ત્યાં ઉઘાડ થઈ આવ્યો. આટલા દિવસોની મુંઝવણનું કારણ સમજાયું, અને ઉપાય મળી ગયો.
કારણ તો એ હતું કે પોતાના મૃત્યુ પછી કેશવભાઈ એકના એક દીકરા હેમેનને કોઈ પણ રીતે હેરાન કરવા માગતા નહોતા. ઇન્ડિયામાં જઈને મરવાની કે બળવાની તો વાત જ નહોતી, છતાં એ દ્વિધા કોઈના પણ મનને ખૂણે ના રહે તે જ એ ઇચ્છતા હતા. તો ઉપાય આ રહ્યો, હાથવગો. પછી તો “ દેહ-દાન ” જેવો સરસ શબ્દ એમને જાણવા મળ્યો. સરસ?, એમ કહીને એ હસ્યા. ઘણા દિવસે મન પરથી ભાર ઊતરતો લાગ્યો. ઘણા દિવસે કેશવભાઈને ઝવેરચંદનાં ગીતો ગણગણવાનું મન થઈ આવ્યું.
ઉપરાંત, વીણીની ભસ્મ પણ હજી અહીં જ હતી. એને માટે પણ એમને એક એવો આઇડિયા સુઝી આવ્યો, કે એ ફરી બોલી ઊઠ્યા, અરે વાહ, આ તો બહુ જ સરસ. એમને હ્દયપૂર્વકની ખાતરી હતી, કે એ આઇડિયા વીણીને ઇન્ડિયા ભસ્મ લઈ જવા કરતાં પણ વધારે ગમશે.
મૃત દેહને દરિયા પારને દેશ મોકલવો જેટલું કઠિન હતું તેટલું જ આ દેશમાં દાન કરવાનું સહેલું હતું. જરૂરી માહિતી એમણે સહેજ વારમાં મેળવી લીધી. ને બસ, પછી આ બાબતનાં બધાં કામો પતાવવા માંડ્યાં. હૉસ્પિટલ માટેનાં ફૉર્મ ભર્યાં, ત્યાં મૃત્યુ પછીના દેહ-દાન માટેની નોંધણી પણ કરાવી દીધી.
પછી ધીરજથી એમણે એક વિલ લખ્યું, એની ચારેક કૉપી કરી, અને દરેક પર નોટરીની સહીઓ લઈ લીધી. હેમેનને હમણાં એ આપવાનું નહોતું, પણ સમય આવે ત્યારે એને તરત મળી જાય એ રીતે વિલની કૉપીઓ ઘરમાં મૂકી રાખવાની હતી.
વિલમાં મુખ્ય બે વાત હતી. બંને શક્ય હતી તેની ખાતરી એમણે કરી લીધેલી. “એક વાત એ કે, હું જતો રહું પછી મારો દેહ હૉસ્પિટલમાં વિજ્ઞાનના લાભ માટે દાન કરવામાં આવે. અને બીજી વાત એ કે, હું જતો રહું પછી, હૉસ્પિટલમાંથી અગ્નિદાહ કર્યા પછી મેળવીને, મારી રાખને વીણાની રાખ સાથે ભેળવી દેવામાં આવે. પછી જો એને ધરતી પર ઝરમરાવી દઈ શકાય (જો, વીણી, તને ગમતી હતી તેવી ઝરમર તું જ થઈ જવાની) તો તેમ કરવું, નહીં તો દરિયામાં વહેવડાવી દેવી (વરસાદનો અવાજ નહીં તો મોજાંનો ઘુઘવાટ તો હશે સાથે)”.
બસ, આટલું જ.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
