-
દેવી : એક જીવતી સ્ત્રીને પરાણે માતાજી તરીકે સ્થાપીએ પછી એનામાં રહેલી સ્ત્રીનું શું ?
સંવાદિતા
પુરુષસત્તાક સમાજે સ્ત્રીને પૂજાપાત્ર બનાવીને આખરે તો પોતાનું જ આધિપત્ય જાળવ્યું છે.
ભગવાન થાવરાણી
કોઈ ફિલ્મસર્જકને મહાન ઠેરવવા એણે સર્જેલી કૃતિઓની વિપુલતા ઉપરાંત એનું વિષય વૈવિધ્ય પણ તપાસવું ધટે. સત્યજીત રાય આ બન્ને કસોટીઓમાં પાર ઉતરે છે. ઓગણત્રીસ ફીચર ફિલ્મો ( બે હિંદી ), ચાર દસ્તાવેજી ફિલ્મો, ત્રણ લઘુ ફિલ્મ એમણે આપી. પોતે સર્જી એ સિવાયની પંદર ફિલ્મોમાં સંગીત, પાંત્રીસ ફિલ્મોની કથા અને / અથવા પટકથા, ત્રણ ફિલ્મોમાં સૂત્રધાર અને એક – એક ફિલ્મમાં સહાયક નિર્દેશક, ગીતકાર અને ચિત્રકાર ! એક ખરા સર્જક તરીકે પોંખાવા બીજું શું જોઈએ ?અનેક વિષયોને આવરી લેતી એમની ફિલ્મોમાં અંધશ્રદ્ધાના વિરોધમાં એમણે બે ફિલ્મો સર્જેલી. ૧૯૬૦ માં ‘ દેવી ‘ અને ૧૯૯૦ માં ‘ ગણશત્રુ ‘ . બન્ને ફિલ્મોનો રૂઢિચુસ્તો દ્વારા ખાસ્સો વિરોધ થયેલો. આજે એમાંની ‘ દેવી ‘ ની વાત. ફિલ્મમાં અંધશ્રદ્ધાનો વિરોધ હોવા છતાં કેટલાંય ધાર્મિક સંગઠનો અને સાંસદો સુદ્ધાંએ એના પ્રદર્શન સામે વિરોધ નોંધાવેલો. પંડિત નહેરૂની વ્યક્તિગત દરમિયાનગીરી બાદ ફિલ્મને ભારત બહાર દર્શાવવાની અનુમતિ અપાયેલી.રાયની મોટા ભાગની ફિલ્મો સાહિત્યિક કૃતિઓ પર આધારિત છે. એ પોતે પણ બંગાળના ગણમાન્ય સાહિત્યકાર હતા. ‘ દેવી ‘ પણ બંગાળી સાહિત્યકાર અને ગુરુદેવ ટાગોરના સમકાલીન પ્રભાતકુમાર મુખર્જીની ટૂંકી વાર્તા પર આધારિત છે. એમણે એ બંગાળમાં જ બનેલી એક સત્યઘટનાનો આધાર લઈને લખેલી. ફિલ્મનો ઘટનાક્રમ ૧૮૬૦ ની આસપાસ આકાર લે છે.
વાત છે વિદ્વાન જમીનદાર અને પ્રખર કાલીભક્ત કાલીકિંકર રાય ( છબી બિશ્વાસ ) અને એમના પરિવારની. એમના ઘરમાં બે દીકરાઓ, એમની પત્નીઓ અને મોટા દીકરાનો નાનકડો પુત્ર ખોકા છે. ખોકા એના માબાપ કરતાં કાકા – કાકીનો હેવાયો અને લાડકો છે. નાની પુત્રવધુ દયામયી ( શર્મિલા ટાગોર, જે ત્યારે ખરેખર પંદર વર્ષના હતા ! ) માંડ પંદરની છે. જમીનદારની કાલિભક્તિનો મહિમા આસપાસના ગામો લગી પ્રસરેલો છે. નાની વહુ સસરાની માનીતી છે. એ આજ્ઞાંકિત, ઓછાબોલી છે અને સસરાની સેવા પરમ ભાવથી કરે છે એટલે.એક દિવસ કાલીબાબુને સપનું આવે છે. એમાં મા કાલી એમને દર્શન દે છે. દેવીનો ચહેરો અદ્દલ એમની નાની વહુ દયાને મળતો આવે છે. થઈ રહ્યું ! એ ઊઠીને સીધા વહુના શયનખંડમાં જાય છે અને ‘ મા મા ‘ પોકારતાં એના ચરણોમાં પડી જાય છે ! ઊંધમાંથી ઊઠેલી દયા કિંકર્તવ્યવિમૂઢ બધું જોતી રહે છે. કાલીબાબુ પોતાના જ્યેષ્ઠ પુત્ર અને ઘરમાં અન્ય સૌને પણ ‘ દેવી ‘ ના ચરણે પડવા મજબૂર કરે છે. દયાનો પતિ તો અભ્યાસાર્થે કલકત્તા છે. અપવાદ છે મોટી પુત્રવધુ જે આ બધું ધતિંગ માને છે.કિશોરી દયાની સ્થાપના દેવી તરીકે કરવામાં આવે છે. એ હવે સાક્ષાત કાલી છે. ગામ અને આસપાસના વિસ્તારોમાંથી એની કૃપા મેળવવા ભક્તોની કતાર લાગે છે. અધૂરામાં પૂરું, એક ભક્તનો નાનકડો પૌત્ર યોગાનુયોગ – પણ ભક્તોના મતે દેવીમાના આશીર્વાદથી સાજો થઈ જાય છે. પછી તો પૂછવું જ શું ?ભક્તોની ભીડ અને ધૂપદીપના ધૂમાડાથી ‘ દેવી ‘ મૂર્ચ્છિત થઈ જાય તો કાલીબાબુ એલાન કરે કે ‘ મા સમાધિમાં ચાલ્યા ગયા છે ‘ ! ઘરમાં અને બીજે બધે કાલીબાબુ કહે એ જ બ્રહ્મવાક્ય લેખાય છે.સૌથી કરૂણ વાત એ કે દેવી તરીકે પ્રસ્થાપિત થયા પછી દયાનો લાડકો ખોકા એની આસપાસ પણ ફરકતો નથી ! એ હવે પૂજ્ય છે પણ પ્રેમપાત્ર બિલકુલ નહીં ! બાળક હવે એનાથી ડરે છે. દયા હેતથી પાસે બોલાવે તો પણ એ ભાગી છૂટે છે.ખોકા માંદગીમાં સપડાય છે. ગામના વૈદરાજ કહે છે, તમારે ત્યાં તો સાક્ષાત દેવીમાં હાજરાહજુર છે, મારું શું કામ ? કાલીબાબુ પૌત્રને દેવીના ખોળે મૂકી એને સાજો કરી આપવા આજીજી કરે છે. માત્ર મમતાથી કંઈ રોગ મટે ? દયા નિ:સહાય છે. એ જાણે છે કે ખોકાનો ઈલાજ ડોક્ટર જ કરી શકે. દેવીનું ચરણામૃત પીને દયાના ખોળે આખી રાત પડેલો છોકરો સવારે મૃત્યુ પામે છે. કુટુંબના કુળદીપકને દેવી બચાવી ન શકી. એ જ એને ભરખી ગઈ.જેને દેવીના સ્થાને પ્રતિષ્ઠિત કરી હતી હવે એ જ અંધશ્રદ્ધાળુઓના રોષનો ભોગ બને છે. દયાને તો માનવી, સ્ત્રી, પ્રેમાળ પત્ની, હેતાળ કાકીમાં અને સેવાભાવી વહુ જ રહેવું હતું. એને પરાણે દેવી બનાવીને માનવી મટાડી દેવાઈ. માનસિક સંતાપ સહન ન થતાં એ ભાગીને જાતને નદીમાં વિસર્જિત કરે છે. જેમ દેવી દુર્ગાની મૂર્તિનું વિસર્જન થાય છે તેમ ! એની પાસે કોઈ વિકલ્પ રહેવા દેવામાં આવ્યો નહોતો.વિડંબના તો જૂઓ કે એક તબક્કે કાલીબાબુની નાગચૂડમાંથી છટકવા દયા અને એનો પતિ ગામ છોડી કલકત્તા ભાગી છૂટવા નીકળે છે. રસ્તામાં દયાને વિચાર આવે છે કે ક્યાંક હું ખરેખર દેવી હઈશ તો ? એવું હશે તો દેવીને ભગાડી જનારા મારા પતિનું શું થશે ? બન્ને ઘરે પાછા ફરે છે.દયાને ધરાર દેવી-પદ આપનાર કાલીબાબુ આમ તો સંસ્કૃત સાહિત્યના પ્રખર વિદ્વાન છે. એમની અંધશ્રદ્ધા વધુ એકવાર પૂરવાર કરે છે કે ધાર્મિક બાબતોમાં સુશિક્ષિત માણસ પણ અનપેક્ષિત રીતે વર્તે છે. શિક્ષણ એ જાગૃતિ નથી.દયાનું ઉત્થાન પણ એની મરજી મૂજબનું નહોતું, પતન પણ નહીં. એ કેવળ સાધન હતી. એનું દેવીત્વ કાલીબાબુના અહમનું પ્રતીક હતું. ‘ દયામાં દેવી તો હતી જ પણ શોધી કોણે ? મેં ! એ મારું સપનું હતું. મેં એ શોધ્યું ન હોત તો લોકો એની કૃપાથી વંચિત રહી જાત. ‘યાદ રહે કે અહીં દર્શાવેલી પરિસ્થિતિઓ દોઢસો વર્ષ પહેલાંના ભારતની છે. ત્યારે પુરુષનો અહમ જ એ નક્કી કરતો કે સ્ત્રીને કયા ચોકઠામાં મૂકવી ? દેવી, રાક્ષસી, મા, પત્ની કે નોકરાણી ! એ ઘરની લાજ પણ હતી અને કેદી પણ. એ પ્રદર્શનમાં મૂકાયેલું પુતળું હતી જેણે એના ભાવકો આગળ એમની કામના મૂજબના પાત્રને મૂર્તિમંત કરવાનું હતું. અત્યારે પરિસ્થિતિઓ શું છે એનું મૂલ્યાંકન વાચકો પર છોડીએ.સત્યજીત રાયની પાંચ ફિલ્મોમાં શર્મિલા ટાગોરે કામ કરેલું. એમાંની ‘ અપૂર સંસાર ‘ પછીની આ બીજી અને એમની શ્રેષ્ઠ કહી શકાય એવી ફિલ્મ. ફિલ્મમાં એ ભાગ્યે જ કોઈ સંવાદો બોલે છે. જે કંઈ કહે છે તે એની આંખો. એમનું પાત્ર વિચારશીલ નહીં, સંવેદનશીલ છે. કાલીકિંકર બાબુનું પાત્ર ભજવતા મહાન અભિનેતા છબી બિશ્વાસની તો વાત જ શી ! રાયની ‘ જલસા ઘર ‘ અને ‘ કાંચનજંઘા ‘ માં પણ એમણે યાદગાર પાત્રો ભજવેલાં. ફિલ્મનું સંગીત વિખ્યાત સરોદવાદક અલી અકબર ખાનનું હતું. આ ફિલ્મ પછીની રાયની દરેક ફિલ્મમાં સંગીત એમનું પોતાનું હતું.‘ દેવી ‘ રાયની સૌથી વધુ કરૂણ ફિલ્મ છે. એમની મોટા ભાગની ફિલ્મો દરમિયાન જે કંઈં થાય, ફિલ્મના અંતે હંમેશા આશાનું કિરણ દેખાતું. આ ફિલ્મમાં એ ક્યાંય નથી. એક ફિલ્મ દર્શક તરીકે આ ફિલ્મ આપણા શિક્ષણમાં વૃદ્ધિ કરે છે.
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
અભિનેતા ઉત્તમ, વ્યક્તિ ઉત્તમ, નામ ઉત્તમ!
હરેશભાઈ ધોળકિયાએ રજૂ કરેલ ગુલઝારની યાદદાસ્તોનાં પુસ્તક ‘એક્ચ્યુઅલી.. આઇ મેટ ધેમ …. મેમ્વાર’ નો પરિચય આપણે માણ્યો હતો.
આ પુસ્તકમાંની યાદો બહુ બધાં લોકોને પોતાની અંગત યાદો જેવી લાગી છે. શ્રી બીરેનભાઈ કોઠારીએ અંગતપણાના ભાવને વધારે નક્કર શબ્દદેહ આપ્યો. જરૂર જણાઈ ત્યાં પૂરક માહિતીઓ કે ટિપ્પ્ણીઓ ઉમેરીને એ પુસ્તકનાં કેટલાંક પ્રકરણોના તેઓએ મુક્તાનુવાદ કર્યા.
વેબ ગુર્જરીના વાચકો સાથે એ મુક્તાનુવાદોની લ્હાણ વહેંચવા માટે બીરેનભાઈએ પોતાની એ તાસકને ખુલ્લી મુકી દીધી છે.
તેમનો હાર્દિક આભાર માનીને આપણે પણ ગુલઝારની યાદોને મમળાવીએ.
બીરેન કોઠારી
ઉત્તમ કુમાર સાથે ફિલ્મ બનાવવાની આકાંક્ષા બહુ વખતથી મારા મનમાં સળવળી રહી હતી. આકાંક્ષા ગુપ્ત, છતાં દૃઢ હતી. મને કદી દિલીપ કુમાર સાથે ફિલ્મ બનાવવાની ઈચ્છા થઈ નહોતી. મને થતું કે મારી એકાદ ફિલ્મમાં ઉત્તમ કુમારને હું હીરો તરીકે ચમકાવું તો કેવું!
‘કિતાબ’ બનાવવાનું વિચાર્યું એટલે મને કેવળ તેમનો જ વિચાર આવ્યો. તેમના સેક્રેટરીને મેં ફોન કર્યો. કુશળમંગળના સમાચારની આપ-લે પછી એ કૉલ ઉત્તમ કુમારને ટ્રાન્સફર કરવામાં આવ્યો. અને એમની સાથેની વાતચીતે જ મને પ્રભાવિત કરી દીધો. તેમણે મને સ્ક્રીપ્ટ મોકલવા કહ્યું. થોડી ક્ષણોની ચૂપકીદી પછી તેઓ બોલ્યા, ‘ઓકે, હું તમારી ફિલ્મ કરીશ.’ મારી ખુશીની કોઈ સીમા ન રહી. એમના જેવા નખશીખ સજ્જન મેં ઓછા જોયા છે. હીરોસહજ નખરાંનો તેમનામાં સદંતર અભાવ હતો. મારા માટે સૌથી મોટી વાત એ હતી કે તેમણે ફિલ્મ વિશે ખાસ કશું જાણ્યા વિના મારી ફિલ્મ માટે સંમતિ આપી દીધી હતી.
શૂટ દરમિયાન તેઓ એકદમ નિયમિત રહેતા. પોતાની ભૂમિકાનું તેઓ સતત રીહર્સલ કરતા રહેતા. વાત કરવાની ઈચ્છા થાય ત્યારે તેઓ એ પણ પોતાની અનોખી શૈલીમાં કરતા, છતાં કદી તેઓ કોઈનું ઘસાતું બોલતા નહીં. એક કિસ્સો જણાવું. એક દિવસ (હાસ્ય અભિનેતા નહીં, દિગ્દર્શક) આસિત સેનની વાત નીકળી. મેં એમને કહ્યું, ‘ઉત્તમ કુમારજી, આસિતદાની ‘દીપ જેલે જાઈ’માં તમે એકે વાર દેખાતા નથી. પેલા ગીતમાં તમે બહુ સરસ કરેલું, પણ કેમેરામાં તમારી પીઠ જ દેખાડવામાં આવેલી.’ શાંતિથી, સહેજ મલકાઈને તેઓ બોલ્યા, ‘મેં એ ફિલ્મમાં અભિનય સુદ્ધાં કર્યો નથી. એ દૃશ્યમાં આસિત સેન પોતે જ હતા.’ તેઓ બંગાળના સુપરસ્ટાર હતા. મારી આવી વાતથી તેઓ છેડાઈ શક્યા હોત અને કહી શક્યા હોત કે મારે વિગતો બરાબર ચકાસીને વાત કરવી જોઈએ કે એ દૃશ્યમાં પોતે નહોતા.
તેમની રીતભાતમાં કંઈક વિશિષ્ટતા હતી. પડદા પર દેવતા સમો દેખાતો, જે કદી સ્પર્શી ન શકાય એવો જણાતો એ માણસ કોઈકની સાથે ગપશપ વખતે કે મજાકમસ્તી કરતી વખતે સાવ અલગ જણાતો. જાણે કે કોઈ પણ ક્ષણે એ તમને ભેટશે અને વાત કરવા લાગશે. મારે કહેવું જોઈએ કે સુચિત્રા સેનથી હું નિકટ હતો, પણ કદી તેમની સાથે કામ વિનાની ગપસપ લડાવવાનું વિચારી ન શકું. અમે મજાકમસ્તી કરતાં ખરાં, પણ એક અંતર રાખીને. જ્યારે ઉત્તમ કુમાર સાથે એવું કશું અંતર અનુભવાતું નહીં. તેમની આસપાસ ગૂંથાયેલી કથાઓ તો એ જ જાણે.
– ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો ‘Actually…I met them’ પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)
નોંધ:
આ સાથે આપેલી ‘કિતાબ’ ફિલ્મની એક ઝલકમાં ઉત્તમ કુમારને જોઈ શકાશે.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
દિવાળીનો મર્મ
સરયૂ પરીખ

અગ્યારસઃ
અગ્યારસ ઉપવાસ, તપ ને નિયમન
વિખરાયલ વ્રુતિઓનો સંયોજક દિનબારસઃ
વાક બારસ, વિમળ વાણી વરદાન
દેવી મા શારદા, સમર્પણ આ દિનધનતેરસઃ
ધનતેરસ, સમજાવે સૃષ્ટિની વૃષ્ટિ
યોગ્ય વ્યય સંચય, સમતોલન દિનચૌદશઃ
કાળીચૌદશ, મનઃ ક્લેશનુ મરદન
નષ્ટ કષ્ટ કકળાટો, ગોષ્ઠીનો દિનદિવાળીઃ
દિવાળી આજ, મધુ-દીપ હું જલાવુ
અંતઃકરણ અજવાળે શાંતિનો દિન
સંપર્કઃ સરયૂ પરીખ : saryuparikh@yahoo.com | www.saryu.wordpress.com
-
દલિત વિદ્વતા અને અધ્યયનશીલતાનો નક્કર પુરાવો એટલે શૈલજા પાઈક
નિસબત
ચંદુ મહેરિયા
“ મૈકઆર્થર ફાઉન્ડેશને મારી ઘણાં વરસોની મહેનત અને મારા કામની અસરને માન્યતા આપી છે. જ્ઞાનના વિભિન્ન ક્ષેત્રોમાં દલિત અધ્યયનોએ જે યોગદાન આપ્યું છે અને જેમાં દલિત મહિલા વિદ્વાનના રૂપમાં મારી મહેનત પણ સામેલ છે; તેને મળેલું આ સન્માન છે.” ૨૦૨૪ની મૈક આર્થર ફાઉન્ડેશનની આઠ લાખ અમેરિકી ડોલર કે પોણા સાત કરોડ રૂપિયાની ‘જીનિયસ ગ્રાન્ટ’ થી નવજાયાં ત્યારનો; ઈન્ડો અમેરિકન દલિત મહિલા ઈતિહાસકાર શૈલજા પાઈક્નો, આ તત્કાલ પ્રતિભાવ હતો. મહારાષ્ટ્રના એક નાના ગામના દલિત પરિવારમાં જન્મેલાં, યરવડાની ઝૂંપડપટ્ટીમાં ઉછરેલાં અને આજે અમેરિકાના ઓહિયો સ્ટેટની સિનસિનાટી યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને સંશોધક ડો.શૈલજા પાઈકની સફર ભારે દિલચસ્પ અને પ્રેરણાદાયી છે. ૧૯૮૧માં સ્થપાયેલ મૈક આર્થર ફાઉન્ડેશનની આ ‘જીનિયસ ગ્રાન્ટ’ અમેરિકાના ફળદ્રુપ ભેજાંઓને મળે છે તેમની પંગતમાં પોતાનો પાટલો મંડાવનાર શૈલજા પાઈક પહેલાં દલિત મહિલા છે. ઘરઆંગણે ભારતમાં દલિતોની યોગ્યતા અને ગુણવત્તા સામે સવાલો ઉઠે છે ત્યારે શૈલજા દલિત વિદ્વતા, અધ્યયનશીલતા, ગુણવત્તા અને યોગ્યતાનો નક્કર પુરાવો છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી પચાસ વરસના શૈલજા મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના મૂળ વતની છે. પાહેગાંવમાં એમનો જન્મ. ૧૯૯૦માં તેમના કુટુંબે પુણેમાં સ્થળાંતર કર્યું હતુ. યરવડાની સિધ્ધાર્થનગર ઝૂંપડપટી એ તેમનું નવું સરનામું બન્યું. દિવસે મજૂરી કરતા પિતા દેવરામ નાઈટ સ્કૂલમાં ભણીને કૃષિ સ્નાતક થયા હતા. ગામના એ પહેલા ગ્રેજ્યુએટ. શૈલજા સહિતની ચારેય દીકરીઓને ભણાવવાની તેમને ભારે હોંશ. એટલે ઝૂંપડામાં રહીને પણ તેમણે દીકરીઓને ઈંગ્લીશ મીડિયમમાં ભણાવી. માતા સરિતાએ તેમને જિંદગીની કઠોર વાસ્તવિકતાઓ અને અભાવોથી અળગી કરી અભ્યાસરત રાખી. શૈલજાએ સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટીમાંથી ૧૯૯૪માં આર્ટસમાં ગ્રેજ્યુએશન અને ૧૯૯૬માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું.
૨૦૦૫માં એમોરી ફેલોશિપ હેઠળ શૈલજા ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકા ગયાં અને નવાં જીવનનાં દ્વાર ખૂલ્યાં. ૨૦૦૭માં અમેરિકાની વારવિક યુનિવર્સિટીમાંથી તેમણે પીએચ ડી કર્યું.ઘણા તેજસ્વી દલિત યુવાઓની જેમ શૈલજા પણ આઈએએસ અધિકારી બનવા માંગતા હતા. તે માટે યુપીએસસીની એકઝામ પણ આપી હતી. પરંતુ પિતાના અવસાનથી કુટુંબની જવાબદારી માથે આવતાં તેમણે અધ્યાપનનો વ્યવસાય સ્વીકારવો પડ્યો. જે આજે તેમને સિધ્ધિઓના ઉચ્ચ શિખરે લઈ ગયો છે. ૨૦૧૦માં શૈલજા સિનસિનાટી યુનિવર્સિટીમાં અધ્યાપક બન્યા તે પહેલાં તેમણે યેલ અને બીજી યુનિવર્સિટીઓમાં પણ ભણાવ્યું અને પચીસેક વરસોથી લેખન-સંશોધન કરી રહ્યાં છે.
શૈલજાને મૈકઆર્થર ફેલોશિપ આપવાનું કારણ, દલિત મહિલાઓના બહુઆયામી અનુભવો પર તેમના ફોક્સથી તેઓ જ્ઞાતિ અને ભેદભાવોનું કાયમીરૂપ અને આભડછેટ ચાલુ રાખવા પાછળની શક્તિઓને સ્પષ્ટ કરે છે તે છે, તેમ ફાઉન્ડેશને જણાવી ઉમેર્યું છે કે શૈલજાએ જ્ઞાતિ , લિંગ અને કામુકતાના આંતરસંબંધો પર ગહન અભ્યાસ કર્યો છે. તેમનું સંશોધન દલિત મહિલાઓના જીવિત અનુભવોમાં અભૂતપૂર્વ અંતદ્રષ્ટિ પ્રદાન કરે છે. શૈલજાએ જીવનના શરૂઆતના બે દાયકા મહારાષ્ટ્રના યરવડાની ઝૂંપડપટ્ટીમાં પસાર કર્યા છે. તેના જાત અનુભવોએ પણ તેમને આ અભ્યાસ માટે પ્રેરિત કર્યા છે. જાહેર જાજરૂ અને પાણીનો અભાવ તેમનો રોજનો અનુભવ હતો. દાદી સાથે કથિત ઉચ્ચ વર્ણના લોકને ત્યાં જવાનું થયું, ત્યારે ભોંય પર બેસવાનું કે સ્કૂલમાં પટાવાળો દલિત વિધ્યાર્થીઓની કશીક નોંધણી માટે આવ્યો ત્યારે વર્ગમાં બધાની વચ્ચે ઉભા થવાનું અપમાન પણ તેમણે વેઠ્યું છે. કચરો, ગંદકી અને તેમાં રખડતા ભૂંડ તેમના રોજિંદો જીવનનો હિસ્સો હતાં.
“ દલિત વુમન્સ એજ્યુકેશન ઈન મોડર્ન ઈન્ડિયા : ડબલ ડિસ્ક્રિમિનેશન” નામક શૈલજાનું પ્રથમ સંશોધન પુસ્તક ૨૦૧૪માં પ્રગટ થયું હતું. દલિતથી અદકી દલિત એવી દલિત મહિલાઓને શિક્ષણ માટે લિંગ(મહિલા હોવાના) અને જ્ઞાતિ ( દલિત હોવાના) ના બેવડા ભેદભાવોનો સામનો કરવો પડે છે તેની વાત આ પુસ્તકમાં છે. ઔપચારિક શિક્ષણ સુધીની દલિત મહિલાઓની પહોંચ, તેની પ્રક્રિયા અને અસરો તેમના સંશોધનનો વિષય છે. શિક્ષણે દલિત મહિલાઓના જીવનમાં કેવા ફેરફારો આણ્યા છે કે તે જાદુની લાકડી બન્યું છે તે પણ દર્શાવ્યું છે. શિક્ષણ થકી જ દલિત મહિલાઓના જીવનમાં નોંધપાત્ર સામાજિક-આર્થિક પરિવર્તન આવ્યું છે. શિક્ષણે તેમને કાચા –ઝૂંપડાના વસવાટની બહાર કાઢ્યા, રોજગારની નવી તકો આપી અને ભવિષ્ય ઉજળું બનાવ્યું છે તે મહિલાઓના અનુભવો પરથી તારવ્યું છે. મહાત્મા ફુલે અને બાબાસાહેબ ડો.આંબેડકરની કલ્પનાનું શિક્ષણ અને ભારતમાં દલિતોને મળતા વાસ્તવિક શિક્ષણના સ્વરૂપ વચ્ચેના વિરોધાભાસને પણ શૈલજાએ તપાસ્યું છે.
પિતૃસત્તાત્મક સમાજમાં કોઈ દલિત મહિલા ઈતિહાસકાર કાસ્ટ, જેન્ડર અને સેક્સુઆલિટી પર કામ કરે અને તેની વૈશ્વિક લેવલે નોંધ લેવાય તે સિધ્ધિ અસાધારણ છે. ૨૦૨૧માં પ્રગટ શૈલજા પાઈકના બીજા સંશોધનગ્રંથ “ ઘ વલ્ગારિટી ઓફ કાસ્ટ: દલિત્સ, સેક્સુઆલિટી એન્ડ હ્યુમેનિટી ઈન મોડર્ન ઈન્ડિયા” માં લિંગ અને કામુકતા સાથે જોડાઈને જ્ઞાતિ કઈ રીતે મહિલા , ખાસ તો દલિત મહિલા સાથે અત્યાચાર કરે છે તેનો અભ્યાસ કર્યો છે. આ માટે તેમણે મહારાષ્ટ્રના દલિત મહિલા તમાશા કલાકારોને કેન્દ્રમાં રાખ્યા છે. તમાશા એ મહારાષ્ટ્રના દલિતોની એક પારંપરિક કલા છે. જેમાં ગીત અને નૃત્યનો સમાવેશ થાય છે. તમાશાના દલિત મહિલા કલાકારો જ્ઞાતિહિંસા અને યૌનહિંસા બંનેનો ભોગ બને છે. કથિત ઉચ્ચ વર્ણના લોકો માટે તમાશાના મહિલા કલાકારો જાહેર વેચાણની વસ્તુ જેવા હોય છે. તેઓ તેમને સ્વચ્છંદી અને ઉપભોગની ચીજ માને છે. ૨૦૦૩થી શૈલજા તમાશા કલાકારો વિષે અધ્યયન કરે છે. જ્ઞાતિ વર્ચસ કામુકતામાં કેવી રીતે કામ કરે છે તેનું સૂક્ષ્મ અધ્યયન તેમણે કર્યું છે.
સાતેક કરોડની આ ફેલોશિપ દલિત મહિલા ઈતિહાસકાર તરીકેના શૈલજાના અત્યાર લગીના કામનો પુરસ્કાર છે. ફેલોશિપ હેઠળ તેમણે કોઈ નવું કામ કરવાનું હોતું નથી.મૈકઆર્થર ફેલોશિપથી જ્ઞાતિવિરોધી,રંગભેદવિરોધી અને પિતૃસત્તાવિરોધી કાર્યોને વધુ મજબૂતી મળશે. ફેલોશિપ દ્વારા ભારતીય અમેરિકી દલિત મહિલા રૂપે શૈલજા અમેરિકાના પ્રતિભાશાળી, સર્જનાત્મક લોકોના ગ્રુપનો ભાગ બન્યા છે. શૈલજા તેમના આગામી અધ્યયનોમાં સમાજશાસ્ત્ર, ધાર્મિક અધ્યયન, ભૂગોળ, મહિલાઓ અને લિંગ આધારિત અધ્યયન જેવા વિષયો પર ચોવીસ આંતરરાષ્ટ્રીય વિદ્વાનોના સહયોગમાં કામ કરવાના છે. દલિતો સંબંધી ઐતિહાસિક દસ્તાવેજોનું મરાઠીમાંથી અંગ્રેજીમાં અનુવાદનું કામ પણ તેમના અધ્યયનનો હિસ્સો છે. આધુનિક ભારતમાં જ્ઞાતિ વર્ચસ અને માનક કામુકતા તેમના ત્રીજા સંશોધન ગ્રંથનો વિષય છે.
શૈલજાને મળેલું મોટી ધનરાશિ સાથેનું સન્માન દલિતો, ખાસ કરીને દલિત મહિલાઓના વિચારો, કાર્યો, ઈતિહાસ અને માનવ અધિકારો માટેની લડાઈના વિશાળ યોગદાનનો ઉત્સવ છે. અન્ય મૈકઆર્થર ફેલો સાથે મળીને સામાજિક ન્યાયના વિષય પર કામ કરવાનો તે અવસર પણ બનશે. ભારતમાં દલિતો પ્રત્યે આચરાતા જ્ઞાતિગત ભેદભાવોનું વૈશ્વિકીકરણ કરવાના પ્રયાસોને આ ફેલોશિપ બળ પૂરું પાડશે તેવી પણ આશા જન્મે છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કેવું હતું ૧૯૪૨ના ઑગસ્ટનું પહેલું અઠવાડિયું ?
સોનલ પરીખ
ઑગસ્ટ મહિનાની શરૂઆત થાય અને કરેંગે યા મરેંગેની લડત યાદ આવે – એવી વિરાટ ઘટના કે તેને વિષે વાંચવા, લખવા કે વિચારવાથી તેનો અંદાજ ન આવે.
કેવું હતું ૧૯૪૨ના ઑગસ્ટનું પહેલું અઠવાડિયું ? નારાયણ દેસાઈના શબ્દોમાં કહીએ તો ભારતના કુરુક્ષેત્રમાં બે સૈન્ય સાબદાં થઈ સામસામે ઊભાં રહી ગયાં હતાં. એક બાજુ બ્રિટિશ સરકાર હતી બીજી બાજુ સત્યાગ્રહી સેના. બ્રિટિશ સરકારની લગામ વિન્સ્ટન ચર્ચિલના હાથમાં હતી. એમણે ક્યારનું જાહેર કરી દીધું હતું કે સત્તાને આટોપી લેવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો. હાડોહાડ સામ્રાજ્યવાદી ચર્ચિલને ખ્રિસ્તી ધર્મ કે કોઈ રાજકીય વિચારધારાની પરવા નહોતી. તેઓ માનતા હતા કે બ્રિટનનો ભારત પર અધિકાર છે અને એ પકડ તેમણે મજૂબત રાખવી હતી. એમ કરવામાં ગાંધી જેવાનો ભોગ લેવો પડે તો તેમ કરતાંય ખચકાય નહીં એવી તેમની મક્કમતા હતી. ઇંગ્લેન્ડમાં બેસીને ભારતની ઝીણામાં ઝીણી હિલચાલ પર ચાંપતી નજર રાખી સામ્રાજ્યને મજબૂત કરે એવા માર્ગે લઈ જાય એવી શકુનિ બુદ્ધિવાળા વજીર લિઓપોલ્ડ એમરી બધો કારભાર સંભાળતા હતા અને ભારતમાં એમના વતી વહીવટનું સુકાન સંભાળતા હતા વાઈસરૉય લોર્ડ લિનલિથગો. ભારતની અને ભારતના રાજકીય પક્ષોની નાડ પારખતાં તેમને આવડતું હતું. ગોરા અને કાળા અમલદારોની ફોજ અને એક આખું વહીવટી તંત્ર તેમના હાથ મજબૂત કરતું હતું.
બીજી બાજુ હતી સત્યાગ્રહી સેના. એનું માર્ગદર્શન એક એવા માણસના હાથમાં હતું જેણે સંઘર્ષ કરવાનું અવનવું સાધન શોધ્યું હતું. એ સાધન તેણે વિશ્ર્વના બે ખંડોમાં સફળતાપૂર્વક વાપર્યું હતું. દરેક સંઘર્ષ વખતે એની રણનીતિ કોઈ નવું તત્ત્વ લઈને આવતી. આ સેનાપતિની અસલી તાકાત તેનું આત્મબળ હતું. એની મક્કમતા સામેના સેનાપતિ કરતાં જરાયે ઊતરે એવી ન હતી. એને સાથ હતો બત્રીસલક્ષણા સાથીઓનો, જેમણે જાતે તપી તપીને પોતાને કંચન સમા વિશુદ્ધ કર્યા હતા. એમની તાકાત એમની દેશભક્તિ અને ગાંધીજીમાં એમની શ્રદ્ધાની હતી. આ સેનાનો મુખ્ય આધાર ભારતની કરોડોની જનતા પર હતો. આ જનતા સત્યાગ્રહના શસ્ત્રને ભલે આછુંપાતળું સમજતી હતી, પણ તેની રગોમાં સત્પથ પર ચાલવાની પ્રેરણા વહેતી હતી.
બ્રિટિશ સરકારને આ સેના અને તેની લડતનો બે દાયકાનો અનુભવ હતો. આ વખતે જૂની ભૂલો ન કરવાનો સંકલ્પ હતો. ગાંધી ઉપવાસની રમત રમે કે બીજું કોઈ અણધાર્યું પગલું ભરે એ પહેલાં જ એમને ઝડપી લેવા એ નક્કી હતું. વિશ્ર્વયુદ્ધ ચાલુ હતું. થોડા લોકો મરશે તો ય બહુ હોબાળો થવાનો સંભવ ન હતો, એ સરકારને ખબર હતી.
આ વખતે જનતાએ પણ કમર કસવા માંડી હતી. ‘ભારત છોડો’ શબ્દ ગાંધીજીએ પોતાના લેખોમાં કદી વાપર્યો ન હતો. એમને તો, અંગ્રેજો પોતાના ભલા ખાતર સ્વેચ્છાએ ભારત છોડે એ જ અભિપ્રેત હતું. જનતાના હૃદયમાંથી એનું સૂત્ર ઊઠ્યું હતું. ‘ભારત છોડો’ અને એ સૂત્રોચ્ચાર સાથે વિદ્યુતપ્રવાહ વહી નીકળ્યો હતો. ૧૯૨૦માં અસહકાર આંદોલન વખતે દેશનો શિષ્ટ સમાજ જેલમાં જવા તૈયાર થયો હતો, ૧૯૩૦-૩૨માં ભારતની નારીઓ વીરાંગના બની બહાર નીકળી હતી અને આ વખતે, ૧૯૪૨માં આબાલવૃદ્ધ સૌ હાથમાં માથું લઈને ઝંપલાવવા તૈયાર હતાં.
સંગ્રામ શરૂ કરવા માટે મુંબઈ સૌથી વધારે અનુકૂળ મહાનગર હતું. અહિંસક આંદોલન શરૂ થયું ત્યારથી મુંબઈનો એને મક્કમ ટેકો હતો – પછી તે વિદેશી કપડાંની હોળી હોય, મીઠાનો સત્યાગ્રહ હોય કે તિલક સ્વરાજ નિધિ હોય. ૧૯૪૨નો ઑગસ્ટ મહિનો બેઠો અને મુંબઈમાં નવા ઉત્સાહનો સંચાર થયો. ૭ અને ૮ ઑગસ્ટે મહાસમિતિની બેઠક ગોવાલિયા ટેન્ક પર ભરાવાની હતી. આગેવાનો આવે તે પહેલાં જ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે સામસામા તાર થઈ ચૂક્યા હતા અને ક્યારે કોની ધરપકડ કરવી અને કોને કઈ જેલમાં રાખવા તેનો વ્યૂહ રચાઈ ચૂક્યો હતો.
૮ ઑગસ્ટે ગોવાલિયા ટેન્ક મેદાન પર માનવમહેરામણ સમાતો નહોતો. આગેવાનો પ્રવેશતા અને ‘વંદે માતરમ’, ‘જય હિન્દ’ જેવાં ગગનભેદી સૂત્રો ગાજી ઊઠતાં. સરદાર પટેલે કહ્યું, ‘સરકાર પ્રચાર કરે છે કે કૉંગ્રેસ તો મૂઠીભર ચળવળિયાઓની ધાંધલ છે. નવ કરોડ મુસ્લિમો, સાત કરોડ હરિજનો, લાખો બુદ્ધિજીવીઓ કૉંગ્રેસ સાથે નથી. રેડિકલો, કોમ્યુનિસ્ટો, ડેમોક્રેટો પણ કૉંગ્રેસ સાથે નથી. હું કહું છું કે જો અમારી સાથે કોઈ નથી, તો પછી સરકારને અમારો આટલો ભય કેમ છે ? વિશ્ર્વયુદ્ધ પૂરું થાય એ પછી આઝાદી આપવાના વચન આપવામાં આવે છે પણ લડાઈને અંતે આઝાદી આપવા સારુ અંગ્રેજો અહીં હશે કે કેમ એ પ્રશ્ર્ન છે. દરેક ભારતીયના મનમાં એક જ વાત છે કે અંગ્રેજો ભારત છોડો અને અમને અમારું ફોડી લેવા દો.’
ગાંધીજીએ કહ્યું, ‘આ વખતની લડતમાં ઘણી મોટી કુરબાની કરવી પડશે. કારણ મુસ્લિમ લીગનો વિરોધ છે. અંગ્રેજોનો પણ વિરોધ છે, સર ફ્રેડરિક પકેલના પરિપત્રમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતી સંસ્થાઓને એક થઈ કૉંગ્રેસ સામે મોરચો માંડવા ખુલ્લી ઉશ્કેરણી છે. આવી આ સલ્તનતનો આપણે સામનો કરવાનો છે જેના રસ્તા કુટિલ છે. આપણો રસ્તો સીધો છે. સત્યાગ્રહમાં જૂઠ કે ફરેબને સ્થાન જ નથી…. આ ઘડીથી સૌ કોઈ પોતાને આઝાદ માને અને આઝાદ નાગરિક તરીકે વર્તે. હું તમને એક ટૂંકો મંત્ર આપું છું; એને તમારે હૈયે કોતરી રાખજો અને તમારે શ્ર્વાસે શ્ર્વાસે એનો જાપ ચાલવા દેજો. એ મંત્ર છે, ‘કરેંગે યા મરેંગે.’ દેશને કાં તો આઝાદ કરીશ, નહીં તો મરી ફીટીશ. દરેક ભાઈ અને બહેન આઠે પહોર એક જ ધ્યાન ધરે કે સવાર-સાંજ ખાઉં છું તો આઝાદી માટે, જીવું છું તો આઝાદી માટે અને પ્રસંગ આવ્યે મરીશ તે પણ આઝાદીને માટે.
‘મારી હંમેશની ટેવ મુજબ મારે હજી ઘણી વિધિઓ પૂરી કરવાની છે. આ બોજો અસહ્ય છે. જે મંડળોમાં હું શાખ ગુમાવી બેઠો છું તેમની આગળ દલીલો કરવાની ચાલુ રાખવાની છે. છેલ્લા થોડા દિવસોમાં હું મારા મિત્રોમાં પણ શાખ ગુમાવી બેઠો છું. જે માણસ સત્યનો શુદ્ધ શોધક હોય, તથા ભય કે દંભ વગર પોતાની શક્તિ-મતિ અનુસાર માનવજાતિની સેવા કરવા ઇચ્છતો હોય તેના જીવનમાં આવા પ્રસંગો ઊભા થાય છે. તેને આખી દુનિયા સામે એકલા ઊભા રહેવું પડે છે પણ તે સર્વસ્વ ત્યાગીને પણ જેને ખાતર તે જીવ્યો છે અને જેના ખાતર તેને મરવાનું છે તેનો ઇન્કાર કરતો નથી….’
માઉન્ટ પ્લેઝન્ટ રોડ પર બિરલા હાઉસે પાછા ફરતાં ગાંધીજીને રાત પડી ગઈ હતી. આવતાંની સાથે તેમણે સાથીઓ સાથે બેસીને પ્રાર્થના કરી અને થોડી વારમાં સૂઈ ગયા. પણ બા, મહાદેવભાઈ અને સાથીઓની ઊંઘ વેરણ થઈ હતી. સવારે ચાર વાગ્યે પોલીસ આવી અને ગાંધીજી, મહાદેવભાઈ અને મીરાંબહેનને ગિરફ્તાર કર્યાં. કસ્તૂરબાને ગાંધીજી સાથે જવું હોય તો કેદ થઈને જઈ શકે એવો વિકલ્પ હતો. એમણે ગાંધીજીને પૂછ્યું, ‘શું કરું ?’ ‘મારી સાથે આવવું હોય તો હું તને રોકીશ નહીં. પણ જો મને પૂછતી હોય તો હું એમ કહું કે કાલે શિવાજી પાર્કની સભામાં મારા વતી ભાષણ કરતાં તું પકડાય એ મને વધારે ગમે. પણ પછી સરકાર તને મારી સાથે ન પણ રાખે. એ બધું વિચારીને તું નિર્ણય લે.’ એક ક્ષણમાં કસ્તૂરબાએ નિર્ણય લઈ લીધો, ‘હું ભાષણ કરવા જઈશ અને પકડાઈશ. જે જેલમાં રાખશે ત્યાં રહીશ.’
આપણે આ દેશનાં, આ બા અને બાપુનાં સંતાનો છીએ, તે યાદ રાખીએ.
તા.૫-૮-૨૦૨૪, સાભાર જન્મભૂમિ
સાભાર સૌજન્યઃ ભૂમિપુત્ર, ૧ સપ્ટેમ્બર, ૨૦૨૪
-
રાઈનો પર્વત (૧૯૧૩) – પરિશિષ્ટ

સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક સાતમો : પ્રવેશ ૬ ઠો થી આગળ
(ભવાઈ સંગ્રહમાં “લાલજી મનીઆર”ના વેશમાં)
સાઈઆંસે સબ કુચ હોત હે, મુજ બંદેસે કચુ નાહીં,
રાઈ[1] કું પરબતકરે[2], પરબત બાગેજ માંહી.આ દુહા નીચે ટીપમાં વાર્તા આપી છે તે નીચે પ્રમાણે છે :-
કોઈ પરબત[3] નામે પાદશાહ હતો. તે એક વખત મધરાત્રે ચાંદની ખૂબ ખીલી રહી છે, તેવામાં પોતાના એક સાથીને લઈ શહેર બહાર પોતાનો એક બાગ હતો ત્યાં ગયો. એ બાગમાં સસલાં, હરણ વગેરે પશુઓ બહુ નુકશાન કરતાં હતાં, તેથી તેનો રખેવાળ માળી રાઈ નામે હતો તેણે વિચાર્યું કે એમાંથી થોડાને મારીશ ત્યારે તેએ કેડો છોડશે. તે રાત્રે કામઠામાં તીર ચડાવીને તૈયાર થઈને બેઠો હતો. એવામાં પાદશાહ અને તેનો સાથી બાગમાં પેઠા. તેમનાં પગલાનો અવાજ સાંભળ્યો કે માળીએ જાણ્યું કોઈ જનાવર પેઠું, ને તે અવાજ ઉપર તીર છોડ્યું. તે પાદશાહની છાતીમાં વાગ્યું, ને તરત તેનો પ્રાણ ગયો. સાથીએ બૂમ પાડી કે રાઈ માળી દોડી આવ્યો ને જુવે છે તો પોતાનો ધણી પડ્યો દીઠો. તે ઘબરાયો ને રોવા લાગ્યો. પાદશાહના સાથીએ તેને ધીરજ આપી છાનો રાખ્યો, ને કહ્યું કે , ‘ભાઈ તેં અજાણે આ કામ કર્યું છે, માટે તારી તકસીર નથી. પાદશાહના મરણની વાત શહેરમાં જણાશે તો બધું રાજ ઊંધુ વળશે. તખ્તને લેવા સારુ મોટી લડાઈ જાગશે ને બહુ ખરાબી થશે, માટે આ વાત છાની રાખી તને પાદશાહની જગાએ બેસાડું.’ પાદશાહનો પોશાક ઉતારી સાફ કરી તેને પહેરાવ્યો, અને પેલા શબને ત્યાં જ દાટ્યું. બંને જણા શહેર ભણી ચાલ્યા. રસ્તામાં પેલા સાથીએ માળીને કહ્યું કે, ‘ અલ્યા તું જુવાન છે, પાદશાહ ઘરડો હતો; તારી મૂછોના વાળ કાળા છે, પાદશાના સફેદ હતા; તારી શીકલ ને તેની શીકલમાં ઘણો ફેર છે, તે બેગમો અને દરબારી લોકથી ઢાંક્યું રહેવાનું નથી, માટે હું કહું તેમ તદબીર કરવી.’ રાત પૂરી થયા પહેલાં બંને જણા મંદિરમાં દાખલ થયા, ને માળીને તેમાંથી એક ભોંએરામાં ઉતાર્યો. સાથીએ સવાર થતાં દરબારમાં જાહેર કર્યું જકે, ‘કોઈ મોટો હકીમ પરસદેશથી આવ્યો છે, તેણે પાદશાહને કહ્યું કે જો તમે છ માસ સુધી ભોંએરામાં રહો, કોઇને મળો નહિ, મોઢું દેખાડો નહિ, કોઈની જોડે વાતચીત કરો નહિ, તો એ મુદ્દતમાં હું તમને કેવળ જુવાન કરી દઉં. વાળ ધોળા છે તે કાળા થાય, દાંત પાછા આવે અને ચેરો તો એટલો ફરી જાય કે ઘરનાં માણસ પણ તમને ઓળખે નહિ.’ પાદશાહે એ વાત કબૂલ કરી ને હકીમ તથા પોતે ભોંએરામાં ઉતર્યા છે; વજીર રાજકરભાર ચલાવે એવો હુકમ કર્યો છે. આ હુકમ સર્વેએ માન્ય કર્યો. બાદશાહને ભોંએરામાં ખાનપાન લૂગડાં પૂરાં પડે. ફાર્સી જુબાન પણ શીખવી તથા રાજદરબારી બોલવા ચાલવાની રીતથી વાકેફ કરી છ માસ પૂરા થયે બહાર કાઢ્યો. બધાએ છેતરાયા. રાઈ માળી હવે પરબતશાહ કહેવાયો. બુદ્ધિમાન હતો, તેથી રાજ ઠીક ચલાવતો હતો. અંદરની વાત પોતે તથા પેલો સાથી બે જણ જ જાણે. એ સાથી બાદશાહને, નિત્ય રાજમિજલસ મળે તેવારે સલામ કરી છાનું હસીને બેસે. બાદશાહને તેના તાબામાં પણ રહેવું પદે ખરું. નવ વરસ એમ કરતાં ગયાં, ત્યારે બાદશાહે તેને એક મધરાત્રે ચાંદરણી ખીલી રહી છે તે વખત એકાંતમાં કહ્યું, ‘ચાલો નદી કાંઠે જઈ સેલ કરીને ફરીએ.’ સાથીએ કહ્યું, ‘ પરબતશાહ કેવો મરી ગયો તે વાત ભૂલી ગયા ! આ વખતે જવું નથી.’ બાદશાહે કહ્યું, ‘ કંઈ ફિકર નહિ, જઈશું.’ બેંને જણ નદી કાંઠે આવી ઊભા. ત્યાં એક ચમત્કાર જોયો. વહેતા પાણીમાં દીવા તણાતા દીઠા. એક જાય ને બીજો આવે. પાદશાહે પોતાના સાથીને કહ્યું, ‘જાઓ જોઈ આવો એ ક્યાંથી આવે છે.’ સાથીએ આનાકાની કરી પણ અંતે જવું પડ્યું. ઉપલાણેથી દીવા આવતા હતા, તેણીમેર ગયો. દીવા આવ્યા જ જાય. જતાં જતાં એક શિવનું દેહેરું આવ્યું. જળાધારી કને માથાવગરનું ધડ પડેલું દીઠું. લિંગના ઉપર ઉંચે ચોટલાવતી માથું લટકતું હતું, તેમાંથી લોહીના ટીપાં લિંગ ઉપર પડતાં હતાં. તે લોહી વહી નીચે ટપકતું હતું, ને તેના દીવા થતા હતા. એ જોઈને તે પાછો વળ્યો ને પાદશાહએ બધો હેવાલ કહ્યો. પાદશાહે પૂછ્યું, ‘તે જોઈ તમારા મનમાં શો વિચાર ઉત્પન્ન થયો ? સાચું કહો.’ તે ઘબરાયો, પણ પાદશાહે વિશ્વાસ આપ્યો. તેવારે બોલ્યો કે, ‘તે વખત મેં એમ કહ્યું, ઓ પ્રભુ ! પેલો માળી પાદશાહ થયો છે તે કરતાં બાપડો વધારે લાએક હતો.’ પાદશાહ બોલ્યો, ‘તેં બરાબર કહ્યું, ‘ તેં જેને ત્યાં જોયો એ હું જ છું. એમ ન સમજતો કે તેં મને પાદશાહ કર્યો છે. મને પરમેશ્વરે કર્યો છે.’ પાદશાહે પછી પોતાની મૂળની વાત કહી. તે રજપૂત રાજાનો દીકરો હતો. તેને મોટો ભાઈ હતો. બાપ મૂવો ત્યારે મોટા ભાઈને ગાદી મળી ને એને તો જીવાત સારુ એક બે ગામ જ મળ્યાં. તેથી તે નારાજ થઈ બારવટે નીકળ્યો. લશ્કર ભેગું કરવાનો, દેશ લૂંટવાનો તથા પોતાના ભાઇને મારવાનો વિચાર કરતો કરતો તે જંગલમાં અયો, ને પેલા શિવાલય આગળ આવ્યો ત્યાં તેણે વિચાર્યું કે, ‘અરે જીવ! મારા સ્વાર્થને સારુ આટલું બધું નુકશાન કરીશ તે કરતાં હું અહીં મસ્તકપૂજા કરું તો મારું કલ્યાણ થાય.’ તરત એ મનસૂબો તેણે અમલમાં આણ્યો. તેના સાથીએ કહ્યું, ‘જો એવું છે તો તું પાદશાહને પેટે કેમ ન જન્મ્યો?’ તેણે જવાબ દીધો, ‘મેં એક ભૂલ કરી. તે એ કે આ નદીમાં નાહી ધોઈ શુદ્ધ થયા વિના એમના એમ મેં મારું મસ્તક વાઢ્યું. તેથી માળીને ઘેર જન્મ્યો. તેથી માળીને ઘેર જન્મ્યો !’ તું નિત્ય મારી સામું જોઈ હસતો હતો તે હું સમજતો; તું આપણી વાત જાહેર કરી મને ગાદી પરથી કાઢી મૂકવા યત્ન કરીશ તે વ્યર્થ જશે, માટે હોશીઆર રહેજે.’ એ સાંભળીને તે સામીએ કહ્યું : ‘સાંઈઆં[4] (પરમેશ્વરથી) સબ કુચ હોત હે.
[1] રાઈ’ એ ‘રાયજી’ , એ નામનો ‘જી’ કાઢી નાખતા થયેલું નામ છે.
[2] ‘રોઈકું પરબત કરે’ એનું ગુજરાતી ભાષાન્તર ‘રાઈને પર્વત કરે’ એવું થાય; તેને બદલે ‘રાઈનો પર્વત કરે’ એવું મને વધારે ઠીક લાગ્યું છે.
[3] ‘પરબત’ નામનો કોઈ પાદશાહ નથી, એને ફારસી કે અરબી ભાષામાં ‘પરબત’ એવો શબ્દ પણ અન્થી. ‘પર્વત’ ઉપરથી ભવાઈઆઓએ ‘પરબત’ કર્યું હોય, અને ‘પરબત’ કોઈ મુસલમાન પાદશાહ હશે એમ કલ્પ્યું હોય, એમ સંભવે છે.
[4] સાંઈઆ=સાંઈ=स्वामी
સમાપ્ત
સ્રોત : વિકિસ્રોત
-
તારી સ્મૃતિ મારે બારણે ટકોરા મારે છે | ખાસમખાસું
તારી સ્મૃતિ મારે બારણે ટકોરા મારે છે
– અમૃતા પ્રીતમ ( અનુ. સુરેશ દલાલ)
આ મારા ગીતના શબ્દો નથી
પણ પ્રેમના લલાટ પરના પસીનાનાં બિંદુઓ છે.આ મારા ગીતના શબ્દો નથી
મારી કલમના રુંધાતાં આંસુઓ છે.આ મારા ગીતના શબ્દો નથી
ઘવાયેલા મૌનનું આક્રન્દ છે.મેં પ્રેમનું તમામ દેવું ચૂકવી દીધું છે
અને દરેક દેવું ચૂકવવાનું હોય છે –
કેમ ક્યારેય દેવું ઓછું નથી થતું ?તારી સ્મૃતિ બાકીનાની સાથે આવીને
આજની રાતે મૃત્યુના કોરા ચેક પર
સહી કરવાનું જિંદગીને ફરમાન કરે છે.તારી સ્મૃતિ મારે બારણે ટકોરા મારે છે.
(૨) ખાસમખાસું
– હરદ્વાર ગોસ્વામી
તારી આંખો, તારા આંસુ,
મારે હૈયે કાં ચોમાસુ ?જેના પર તું હાથ મૂકતી,
એ જ કિરણ થઈ જાતું ત્રાંસું.નજર મેળવી શક્યા નહીં, લ્યો,
દૂર પડેલું ખાસમખાસું.સંવેદનના સાસરિયામાં,
ખૂબ નડી શબ્દોની સાસુ.માધુરીના મૌન વચાળે,
ચારેપા બિપાશા બાસુ.ભારે ભારે ગઝલ લખે છે,
માણસ છે ભારે અભ્યાસુ.બધે જ તારા સી.સી. ટીવી,
છટકીને હું ક્યાં ક્યાં નાસું ? -
ત્રણ ગાયકો – दोस्ती इम्तिहान लेती है, दोस्तों की जान लेती है
નિરંજન મહેતા
સૌ પ્રથમ તો આગલા લેખમાં થયેલી ક્ષતિ બદલ એક સુજ્ઞ વાચકે ધ્યાન દોર્યું માટે તેમનો આભાર. તે લેખમાં ફિલ્મ ‘નન્હા ફરિશ્તા’ના ગીતને બદલે ‘દો કલિયા’ ફિલ્મના ગીતના શબ્દો મુકાયા હતાં, વળી તે જ ગીતમાં પ્રાણને બદલે બલરાજ સહાનીનું નામ જણાવાયું હતું. ક્ષતિઓ બદલ ક્ષમસ્વ.
હવે આ લેખમાં ૧૯૮૬ સુધીના ગીતો માણશું.
સૌ પ્રથમ છે ૧૯૭૨ની ફિલ્મ ‘શોર’નું ગીત. અવિરત સાઈકલ ચલાવવાની હરીફાઈમાં મનોજકુમાર ભાગ લે છે અને તેને પ્રોત્સાહિત કરવા પ્રેમનાથ, જયા ભાદુરી વગેરે પણ ગીત ગાઈ સાથ આપે છે.
जीवन चलने का नाम
चलते रहो सुबह-ओ-शाम
के रस्ता कट जाएगा मितरा
के बादल छट जाएगा मितरा
के दुःख से झुकना ना मितरा
के एक पल रुकना ना मितरा
जीवन चलने का नाम…ઇન્દ્રજીતસિંહ તુલસીના શબ્દોને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે અને ગાયકો છે મહેન્દ્ર્કપુર, મન્નાડે અને શ્યામા ચિત્તર.
૧૯૭૮ની ફિલ્મ ‘ત્રિશુલ’નું ગીત છે
हर तरफ़ हुस्न और जवानी है आजकी रात क्या सुहानी है
रेशमी जिस्म थरथराते हैं मरमरी होंठ गुनगुनाते हैं
धड़कनों मैं सुरूर फैला है रंग नजदीक ओ दूर फैला है
दावत ए इश्क़ दे राही है फ़ज़ा आज हो जा किसी हसीं पे फ़िदाએક પાર્ટીમાં અમિતાભ બચ્ચન, શશીકપૂર અને હેમા માલિની પર આ ગીત રચાયું છે. સાહિર લુધિયાનવીના શબ્દો છે અને સંગીત આપ્યું છે ખય્યામે. સ્વર છે કિશોરકુમાર, યેસુદાસ અને લતાજીના.
૧૯૭૮ની ફિલ્મ ‘કસમે વાદે’નું આ ગીત એક સકારાત્મક સંદેશ આપે છે.
आती रहेंगी बहारें जाती रहेंगी बहारें
दिल की नज़र से दुनियाँ को देखो
दुनियाँ सदा ही हसीं हैગીત અમિતાભ બચ્ચન, રાખી અને રણધીરકપૂર પર રચાયું છે. ગુલશન બાવરાના શબ્દોને સંગીત મળ્યું છે આર, ડી, બર્મન પાસેથી. ગાયકો છે કિશોરકુમાર, અમિતકુમાર અને આશા ભોસલે.
આજ ફિલ્મનું અન્ય ગીત છે જે પણ સકારાત્મક સંદેશ આપે છે.
मिले जो कड़ी-कड़ी एक ज़ंजीर बने
प्यार के रंग भरो ज़िन्दा तस्वीर बने
ओ हमसफ़र बन के चलो तो सुहाना है सफ़र
जो अकेला ही रहे उसे न मिले डगरવિગતો ઉપર મુજબ
૧૯૭૯ની ફિલ્મ ‘ગ્રેટ ગેમ્બલર’નું આ ગીત પ્રેમની એક તરહની વ્યાખ્યા દર્શાવે છે.
दो लफ़्ज़ों की है, दिल की कहानी
या है मोहब्बत, या है जवानी
दिल की बातों का मतलब न पूछो
कुछ और हमसे बस अब न पूछो
जिसके लिये है, दुनिया दीवानी
या है मोहब्बत, या है है जवानीનાવમાં બેસીને સહેલ માણી રહેલા અમિતાભ બચ્ચન નાવિકના મુખે શબ્દો સાંભળી ઝીનત અમાનને તેનો અર્થ શું છે તે પૂછે છે ત્યારે તે ગાઈને ઉપર પ્રમાણે જણાવે છે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના. સંગીત આપ્યું છે આર.ડી.બર્મને. આશા ભોસલે. અમિતાભ બચ્ચન અને શરદકુમાર ગાયકો છે.
૧૯૭૯ની ફિલ્મ ‘સુહાગ’નું ગીત બે પ્રેમીઓને મનાવવાનું ગીત છે.
तेरी रब ने बना दी जोड़ी तेरी रब ने
तेरी रब ने बना दी जोड़ी
तू हाँ कर या ना कर यारा हो यारा
ये बोले जोगी का एक तारा होઅમિતાભ બચ્ચન અને રેખા શશીકપૂરને મનાવવા પ્રયત્ન કરે છે અને અંતે તે માની જાય છે. આનંદ બક્ષીનાં શબ્દો છે અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. ગાયકો શૈલેન્દ્ર સિંહ, આશા ભોસલે અને રફીસાહેબ.
૧૯૮૦ની ફિલ્મ ‘શાન’નું આ ગીત બે મહિલાઓને પટાવવા રચાયું છે.
जानूँ मेरी जान मैं तेरे क़ुर्बान
जानूँ मेरी जान मैं तेरे क़ुर्बानअरे मैं तेरा तू मेरी जाने सारा हिंदुस्तान
અમિતાભ બચ્ચન અને શશીકપૂર પરવીન બાબી અને બિંદીયા ગોસ્વામીને માટે આ ગીત ગાય છે જેના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત છે આર. ડી. બર્મનનું. સ્વર છે આશા ભોસલે, કિશોરકુમાર, ઉષા મંગેશકર અને રફીસાહેબનાં. ત્રણને બદલે ચાર કલાકારો અને ચાર ગાયકો છે પણ થોડી છૂટ લીધી છે.આ જ ફિલ્મનું અન્ય ગીત છે
दरिया मे जहाज़ चले पाशा
देखो नया आज तमाशा
दरिया मे जहाज़ चले पाशा
देखो नया आज तमाशाઅમિતાભ બચ્ચન અને શશીકપૂર લોકોને ઠગવા તેઓ પાણી પર ચાલી શકે છે તેવો દાવો કરે છે જેને સાથ આપ્યો છે પરવીન બાબી, જોની વોકર અને બિંદીયા ગોસ્વામીએ. ગીતના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીતકાર છે આર. ડી. બર્મન. સ્વર છે આશા ભોસલે, કિશોરકુમાર અને ઉષા મંગેશકરના. ગીતનો અંત માનવા જેવો છે.
૧૯૮૧ની ફિલ્મ ‘નસીબ’નું આ ગીત બે ભાઈઓ વચ્ચેના પ્રેમને ઉજાગર કરે છે.
चल मेरे भाई
चल चल मेरे भाई तेरे हाथ जोड़ता हूँ
हाथ जोड़ता हू तेरे पाँव पड़ता हूँ चल मेरे भाई
चल चल मेरे भाई तेरे हाथ जोड़ता हूँ
हाथ जोड़ता हूँ तेरे पाँव पड़ता हूँ चल मेरे भाई
चाँद हुवा आवारा सुबह का निकला तारा
चल मेरे भाईરિશીકપૂર શરાબી ભાઈ અમિતાભ બચ્ચનને ઘરે લઇ જવા આ ગીત દ્વારા અથાગ પ્રયત્ન કરે છે. ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. ગાનાર કલાકારો છે રિશીકપૂર, અમિતાભ બચ્ચન અને રફીસાહેબ.
આ જ ફિલ્મનું એક ઓર ગીત છે
ज़िन्दगी इम्तिहान लेती है
लोगों की जान लेती है
दिल्लगी इम्तिहान लेती है
दिलजलों की जान लेती है
दोस्ती इम्तिहान लेती है
दोस्तों की जान लेती हैગીતના કલાકારો છે અમિતાભ બચ્ચન, શત્રુઘ્નસિંહા અને રીનારોય. શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. સ્વર છે કમલેશ અવસ્થી, સુમન કલ્યાણપુર અને અન્વરનાં.
૧૯૮૨ની ફીલ્મન ‘બેમિસાલ’નું આ ગીત કશ્મીરનાં સૌન્દર્યને લાગતું છે.
कितनी खूबसूरत ये तस्वीर है
मौसम बेमिसाल बेनज़ीर हैये कशमीर है,
ये कशमीर है पर्वतों के दरमियाँ हैंजन्नतों की तरमियाँ हैंआज के दिन हम यहाँ हैं
કલાકારો છે અમિતાભ બચ્ચન, વિનોદ મેહરા અને રાખી. ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર છે આર. ડી. બર્મન. ગાયકો છે કિશોરકુમાર, સુરેશ વાડકર અને લતાજી.
૧૯૮૨ની ફિલ્મ ‘સત્તે પે સત્તા’નું આ ગીત સાત ભાઈઓની મનોદશા દર્શાવે છે.
हम ने वो क्या देखा जो कहा दीवाना
हम को नहीं कुछ समझ ज़रा समझाना
प्यार में जब भी आँख कहीं लड़ जाये
तब धड़कन और बेचैनी बढ़ जाये
गिनता है जब कोई रातों को तारे
तब समझो उसे प्यार हो गया –
प्यारेप्यार हमें किस मोड़ पे ले आयाમુખ્ય ક્લાકારો છે અમિતાભ બચ્ચન, શક્તિકપુર, સચિન અને પૈંટલ. શબ્દો છે ગુલશન બાવરાના અને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને. આ ગીતમાં પણ ચાર ગાયકો છે ભૂપિંદર સિંહ, કિશોરકુમાર, સપન ચક્રવર્તી અને આર.ડી. બર્મન.
આ જ ફિલ્મનું અન્ય ગીત છે
है ज़िन्दगी मिल के बिताएंगे
हाल-ए-दिल गा के सुनायेंगे
हम तो सात रंग हैं
ये जहां रंगीं बनायेंगेવિગતો ઉપર મુજબ
૧૯૮૬ની ફિલ્મ ‘કર્મા’ પતિ-પત્નીની નોકઝોક દર્શાવે છે.
अरे पूछे बीवी मेरी
डु यु लव में
फिर क्या कहा आपने
अरे बरसो से तो कहता आयाआई लव यू आई लव यू
हर दिन हर पल यही कहुँ मैं
आई लव यू आई लव यूનૂતનને ચીડવવા દિલીપકુમાર આ ગીત ગાય છે જેમાં તેમનો સ્વર પણ છે. આનંદ બક્ષીનાં શબ્દોને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. દિલીપકુમારને આગળ સ્વર આપ્યો છે મહંમદ અઝીઝે અને નૂતન માટે સ્વર છે કવિતા કૃષ્ણમૂર્તિનો.
૧૯૮૬ની અન્ય ફિલ્મ ‘દોસ્તી દુશ્મની’ ત્રણ મિત્રો ઉપર રચાઈ છે.
यारो हम को देख के कहे ये दुनिया सारी
यारी हो तो ऐसी हो यारी हो तो ऐसी होત્રણ મિત્રો છે જીતેન્દ્ર, અમિતાભ બચ્ચન અને રજનીકાંત. આનંદ બક્ષીનાં શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. શૈલેન્દ્ર સિંહ, મહંમદ અઝીઝ અને સુરેશ વાડકર ગાયકો.
આ જ ફિલ્મનું એક અન્ય ગીત છે જે એક રમુજી ગીત છે. રજનીકાંતને ભરમાવવા એક નાટક રચાય છે જે જીતેન્દ્ર અમિતાભ બચ્ચન અને પુનમ ધિલ્લો ત્રણેય મળીને રચે છે. પ્રાણ અને અન્ય આ નાટકના અદાકારો છે.
६० बरस का दूल्हा दुल्हन ५५ साल की
जय बोलो जय बोलो जय बोलो नंद लाल कीશબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. ગાયકો છે શૈલેન્દ્ર સિંહ, મહંમદ અઝીઝ અને કવિતા કૃષ્ણમૂર્તિ.
હવે આગળના ગીતો ત્રીજા લેખમાં.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
ફિલ્મી ગઝલો – ૭૪. અસગર સરહદી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
અસગર સરહદી સાહેબે જે કુલ સાત ગીત ફિલ્મોમાં લખ્યા એ બધાં જ દિલીપ કુમાર નૂરજહાં અભિનિત ૧૯૪૭ની ફિલ્મ ‘ જુગનું ‘ ના હતા. બાકીના બે ગીતમાંનુ ફિલ્મનું સૌથી જાણીતું ‘યહાં બદલા વફા કા બેવફાઈ કે સિવા ક્યા હૈ ‘ તનવીર નક્વીએ અને ‘ જિગર કી આગ મેં ઈસ દિલ કો જલતા દેખતે જાઓ ‘ મતલાવાળી ગઝલ કતીલ શિફાઈની લખેલી છે. ફિલ્મની ૩ રચનાઓ ‘ તુમ ભી ભુલા દો મૈં ભી ભુલા દું ‘ ( નૂરજહાં ), ‘ વો અપની યાદ દિલાને કો (મોહમ્મદ રફી – હઝલ સ્વરૂપે ) અને ‘ દેશ કી પુરકૈફ રંગીં સી ફિઝાઓં મેં કહીં ‘ ( રોશનઆરા બેગમ ) અસગર સરહદી અને એમ જી અદીબના સંયુક્ત નામે બોલે છે. ફિલ્મમાં સંગીત ફિરોઝ નિઝામીનું હતું.
નૂરજહાં કાયમ માટે પાકિસ્તાન ચાલ્યા ગયા એ પહેલાંની એમની આ છેલ્લી ફિલ્મ.
અહીં આપેલી પહેલી ગઝલ ‘ હમેં તો શામે ગમ મેં કાટની હૈ ઝિંદગી અપની ‘ તો સદાબહાર અને ફિલ્મ સંગીતના આશકોના હૈયે વસેલી રચના છે.
બન્ને ગઝલ જોઈએ –
હમેં તો શામે ગમ મેં કાટની હૈ ઝિંદગી અપની
જહાં વો હૈં વહીં ઐ ચાંદ લે જા ચાંદની અપનીઅગર કુછ થી તો બસ યે થી તમન્ના આખરી અપની
કે તુમ સાહિલ પે હોતે ઔર કશ્તી ડૂબતી અપનીતકાઝા હૈ યહી દિલ કા વહીં ચલિયે વહીં ચલિયે
વો મહેફિલ – હાયે જિસ મહેફિલ મેં દુનિયા લુટ ગઈ અપનીખુદા કે વાસ્તે ઝાલિમ ઘડી ભર કે લિયે આ જા
બુઝાની હૈ તેરે દામન સે શમ્ એ ઝિંદગી અપની..( ગઝલ દરમિયાન ઉધરસ ખાતી નૂરજહાંનો અવાજ રચનાની વિલક્ષણતામાં ઉમેરો કરે છે. આ જ રચનાનું ફિલ્મમાં નૂરજહાંના જ કંઠમાં એક હેપી વર્ઝન છે ‘ ઉમંગેં દિલ કી મચલીં મુસ્કુરાઈ ઝિંદગી અપની ‘ પરંતુ રચના વિન્યાસની દ્રષ્ટિએ એ ગઝલ નથી. )
વો અપની યાદ દિલાને કો એક ઇશ્ક કી દુનિયા છોડ ગએ
જલ્દી મેં લિપસ્ટીક ભૂલ ગએ, રૂમાલ પુરાના છોડ ગએઆશિક જો હુએ થે હમ ઉન પર, દિન રાત લગાતે થે ચક્કર
સબ કુછ તો બતાયા હમને મગર, પિટ જાને કા કિસ્સા છોડ ગએદૌલત કા હમેં અરમાં ન રહા, ઈસ ઈશ્ક મેં ભી નુકસાન રહા
દો આને કા ભી જો બિક ન સકા, પીતલ કા વો બુંદા છોડ ગએમુફલિસ થે જનાબે મજનૂ ભી, સુનતે હૈં જબ ઉનકી મૌત આઈ
પાકિટ સે તો ન નિકલી એક પાઈ, લૈલા કા વો કુત્તા છોડ ગએજીને સે ભી હૈં હમ અપને ખફા, ઔર મરને સે હૈ ડર લગતા
થે મર્દ જિન્હોંને ઝહર પિયા, આરામ સે દુનિયા છોડ ગએતલવાર દિખા કર હમને કહા, કરતી હો હમેં તુમ ક્યા રુસ્વા
સુન લોગી કિસી દિન મુરલીધર, ઈસ ઈશ્ક મેં દુનિયા છોડ ગએ..https://youtu.be/VVil6TeroYw?feature=shared
( આ ગઝલનો એક શેર પરદા ઉપર સ્વયં મોહમ્મદ રફીએ ગાયો છે )
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
બાળ ગગન વિહાર – મણકો – ૪૧ : વાત અમારા હોસેની
શૈલા મુન્શા
હોસેની કહાની કાંઈ અલગ જ છે. પહેલા હોસેને regular pre-k ના ક્લાસમાં દાખલ કરવામાં આવ્યો હતો. દેખીતી રીતે એનામાં કોઈ ખામી દેખાતી નહોતી પણ થોડા જ દિવસોમાં એ બધાને હેરાન કરવા માંડ્યો. ક્લાસનો દરવાજો ખોલી ભાગી જાય અને ટીચરને ઓફિસનો બેલ દબાવી કહેવું પડે કે હોસે ભાગી ગયો. સ્કૂલમાં બધે કેમેરા એટલે તરત કેમેરામાં જોઈ પ્રિન્સીપાલ, ઓફિસના ક્લાર્ક બધા ચારે દિશામાં દોડે. મુખ્ય ગેટ તો બંધ હોય તો પણ સ્કૂલના રમવાના મેદાનમાં એને ક્યાં પકડવો? પછી નક્કી થયું કે હોસે ફક્ત અડધા દિવસ માટે સ્કૂલે આવે. બીજી બાજુ એના જાતજાતના ટેસ્ટ શરૂ થયા. આખરે નિદાન થયું કે હોસે “Autistic child” છે અને એને સ્પેસીઅલ નીડ વાળા બાળકોના ક્લાસમાં મોકલો. આમ હોસે ગયા વર્ષના અંતમાં અમારા ક્લાસમાં આવ્યો.
હકીકત એ હતી કે હોસે બહુ બધા બાળકો જોઈ ગભરાઈ જતો. એને સમજાવી પટાવી એની પાસે કામ લેવું પડે જે સામાન્ય ક્લાસમાં સહજ ન હોય, કારણ એક શિક્ષક ૩૦ જેટલા બાળકોને ભણાવતા હોય. જયારે અમારા ક્લાસમાં વધુમાં વધુ દસથી બાર બાળકો હોય અને બે શિક્ષક તો હંમેશ હોય જ.
આ હોસેની એક ખાસિયત. એને માટે બધી વસ્તુ સુપર હોય. જેમ કે જમવાના સમયે જો મમ્મીએ લંચ બોક્ષ આપ્યું હોય તો કહેશે મારે બધું ખાવું પડશે નહિ તો મારી મમ્મી સુપરસેડ થઈ જશે. આજે હું સુપર ખુશ છું વગેરે.
એક વાર અમે રમવા માટે જ્યારે બાળકો ને બહાર લઈ ગયા ત્યારે તો ખરી મજા આવી.
અમારા ક્લાસમાં સહુથી નાનો છોકરો એલેક્ષ. આમ તો એ પણ ત્રણ વર્ષનો હતો પણ વર્તણૂક માંડ અઢાર મહિનાના બાળક જેવી. એને બહાર રમવાના મેદાનમાં દોડવું અને રમવું ખૂબ ગમે. માટીમાં આળોટવું ખુબ ગમે. તે દિવસે બધા બાળકો બહાર રમતા હતા અને એલેક્ષ પોતાની મસ્તીમાં હતો. અચાનક રમતા રમતા હોસે એની પાસે આવ્યો ને એલેક્ષ ને જોઈ બોલી પડ્યો, “He is super messy, he needs super shower.”
હું ને સમન્થા હસવું રોકી ના શક્યા, સાથે સાથે હોસેની હાજરજવાબી પર ખૂશ થઈ ગયા. હોસેને જોઈ કોણ કહી શકે કે આ બાળકમાં કાંઈ કમી છે? ફક્ત જરૂર હતી એનો ડર કાઢવાની અને થોડા કડક શિસ્ત પાલનની. ઘરના અને મમ્મીના અતિ વહાલે હોસેને મનમાન્યુ કરવાની આદત પડી ગઈ હતી.
અમારો પ્રયત્ન પણ એ જ હતો કે હોસે પાછો રેગ્યુલર ક્લાસમાં જાય અને ખુબ હોશિયાર બને.
હોસે અને હોસે જેવાં અનેક બાળકોમાં જે આવડત હોય એને બહાર લાવવાનું અને મઠારવાનું કામ અમે કરતાં અને જ્યારે બાળકોના માતા પિતા પણ સાથ આપતાં ત્યારે બાળકોના વિકાસમાં ઝડપી વિકાસ થતો.
અમારા પ્રયત્નો સફળ થયાં અને હોસે બીજા વર્ષે ફરી એના રેગ્યુલર પહેલા ધોરણમાં ગયો.
આમ જ અમારાં બાળકોની પ્રગતિ જોઈ અમને જે ખુશીને આનંદ મળતાં એની તુલના થઈ શકે એમ નથી.
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com
