વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • આંકો નૂતન કેડી

    નવા વર્ષના દિવસે વાંચવા જેવી, આચરણમાં મૂકવા જેવી અને યાદ રાખવા જેવી કવિતાઃ

    દિશદિશ ચેતન રેડી
    વનવન આંકો નૂતન કેડી !

    ઊંચી નીચી હોય ધરા છો,
    હોય કઢંગી ટેડી;
    સરળ તહીં પદ-રેખા પડી
    સાથ રહો સૌ ખેડી !
    વનવન આંકો નૂતન કેડી !

    પૂરવ ને પશ્ચિમને ભેદી,
    ઉત્તર દક્ષિણ છેદી;
    કાળ અને સ્થળના કાંટાળા
    ફેંકો થોર ઉખેડી !
    વનવન આંકો નૂતન કેડી !

    ભૂત-ભાવિના ગોફણ ગૂંથી,
    રવિ-શશી ગોળા ફેંકી,
    અગમ અલખનું નિશાન તાકી,
    ચાલો જગ-તમ ફેડી !
    વનવન આંકો નૂતન કેડી !

    – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

    (‘લયસ્તરો’માંથી સાભાર સંકલિત કવિતા)
  • ફિલ્મી ગઝલો – ૭૫. ઉમર અંસારી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    મોહમ્મદ ઉમર અંસારી ( ૧૯૧૨ – ૨૦૦૫ ) લખનૌના અગ્રગણ્ય શાયર કહેવાતા. એમણે ગઝલો ઉપરાંત નાટકો અને વાર્તાઓ પણ લખી. કેટલાક ઉર્દુ વર્તમાન પત્રો અને પત્રિકાઓનું સંચાલન પણ કર્યું. મુશાયરાઓમાં એ ખાસ્સી લોકપ્રિયતા ધરાવતા. એમના બે શેર જુઓ :

    મુસાફિરોં સે મુહબ્બત કી બાત કર લેકિન
    મુસાફિરોં કી મુહબ્બત કા ઐતબાર ન કર

    ચલે જો ધૂપ મેં મંઝિલ થી ઉનકી
    હમેં તો ખા ગયા સાયા શજર કા

    એમણે એક ફિલ્મ ‘ શીશા ‘ ( ૧૯૫૨ ) નું નિર્માણ પણ કર્યું જેનું નિર્દેશન ઇસ્મત ચુગતાઈના ખાવિંદ શાહિદ લતીફે કરેલું. ફિલ્મના કલાકારો હતા નરગિસ, સજ્જન અને કુમકુમ. ફિલ્મના કુલ આઠ ગીતોમાંથી બે ઉમર અંસારી સાહેબે લખેલા. બન્ને ગઝલ હતી. એમના જીવનકાળની આ એક માત્ર ફિલ્મ અને ગીતો.

    ગઝલ જોઈએ :

    તેરી મેહફિલ મેં દિલ થામે તેરા દીવાના આતા હૈ
    ઠહર ઓ શમ્મા જલને કે લિયે પરવાના આતા હૈ

    બહકતા, લડખડાતા, ઝૂમતા તેરી મુહબ્બત મેં
    કફન બાંધે હુએ સર પે તેરા મસ્તાના આતા હૈ

    ખબર લે અપને દિલ કી દિલ હમારા તોડને વાલે
    કે જીને કો હમેં પથ્થર સે ભી ટકરાના આતા હૈ..

    – મોહમ્મદ રફી
    – ગુલામ મોહમ્મદ

    ખુશી દિલ સે હંસી હોઠોં સે રુખ્સત હોતી જાતી હૈ
    ન જાને ઈન દિનોં ક્યા મેરી હાલત હોતી જાતી હૈ

    બહુત હી ખૂબસુરત હૈ તેરી દુનિયા મેરે માલિક
    મગર મુજકો તેરી દુનિયા સે નફરત હોતી જાતી હૈ

    ન જાને કૌન સી મંઝિલ પે જા પહુંચા હૈ દિલ મેરા
    કિ હર હસરત ગલે મિલ મિલ કે રુખ્સત હોતી જાતી હૈ..

    – લતા
    – ગુલામ મોહમ્મદ


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • મહેન્દ્ર શાહનાં ઓક્ટોબર ૨૦૨૪નાં ચિત્રકળા સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

     

    Mahendra Shah’s creations of October 2024

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • તમારી ઉત્પાદકતા વધારવી છે?

    ઉત્પલ વૈશ્નવ

    નવાઈની વાત એ છે કે લગભગ ૭૪% લોકોને આ બાબતે શું કરવું એ ખબર નથી.

    અહીં,બહુ સરળ, અને છતાં અસરકારક ૧૪ નુસખા રજૂ કર્યા છે.

    ૧.  દરેક અઠવાડીયાં માટે SMART લક્ષ્યો નક્કી કરો

    ૨. મોટાં કામોને નાનાં નાનાં કામોમાં વહેંચી નાખો.

    ૩.  બિનજરૂરી કામો કે મિટિંગો માટે ના પાડો.

    ૪.  ખુબ મહત્ત્વનાં કામો પર ધ્યાન આપી શકાયતે માટે બીજાં કામોને અન્ય લોકોને સોંપો.

    ૫.  મિંટિંગોના સમય સચવાય એટલા માટે ટાઈમર સાથે લઈને બેસો.

    ૬. એકાગ્રતા વધારવા મનને કામમાં પરોવો.

    ૭. ઉત્પાદકતા ઍપ્પ્સ કે સાધનોની મદદથી તમારાં કામોનું સુસંચાલન કરો.

    ૮. ઈ-મેલ અને સામાજિક માધ્યમો પર સંદેશાની આપલેનો સમય મર્યાદિત કરો.

    ૯. સમય સંચાલન માટે પ્રોમોડોરો® તકનીક વાપરો.

    ૧૦. ધ્યાન કેન્દ્રિત થાય એવું સંગીત સાંભળો.

    ૧૧. કાર્યસ્થળ પર ખલેલ પહોંચાડે એવી અસ્તવ્યસતા સાફ કરી નાખો.

    ૧૨. સળંગ કામ કરવાને બદલે વચ્ચે વચે થોડું ચાલીને કે કસરત કરી  લઈને ઉર્જા પુનઃસંચિત કરતાં રહો.

    ૧૩. દર અઠવાડીયે ઉત્પાદકતાની સ્થિતિની સમીક્ષા કરતાં રહો અને તે મુજબ SMART લક્ષ્યોને વધારે અસરાકરક  બનાવવા સુધારાવધારા કરતાં રહો.

    ૧૪. યાદ રહે કે સભાન કોશિશો વિના કોઈ નુસખા મદદરૂપ ન બની શકે.

    → અને છેલ્લે …. નુસ્ખાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે જે મહત્ત્વનું છે તેને સૌ પહેલાં પુરૂં કરતાં રહો.


    આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.

  • હંમેશ તાર્કિક રહેવાની ટેવ ન પડવા દઈએ

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    જેમ જેમ આપણે મોટાં થઈએ છીએ તેમ તેમ આપણી માન્યતાઓ કાર્યસ્થળ પર શું સાચું અને શું ખોટું છે,  શું કામ કરશે કે શું નહીં કરે જેવી કલ્પનાઓ બાબતે વધારે રૂઢ થતી જાય છે. જે સંદર્ભાં આપણને અનુભવો થાય તે મુજબ આપણી માન્યતાઓ વધારે ગેરી બનતી જાય છે. જોકે  માહિતી સામગ્રીઓ, તથ્યો અને વલણોની સમજ મહત્વની જરૂર છે કેમકે તે આપણને “તર્કસંગત” બનાવે છે.

    પરંતુ, સમસ્યા ત્યારે શરૂ થાય છે, જ્યારે આપણે હંમેશા તર્કસંગત બનવાનો પ્રયત્ન કરીએ છીએ.  જે હંમેશા તર્કસંગત વલણ અપનાવે છે એવાં અગ્રણી પોતાનાં સાથી લોકોને પ્રેરણા આપવામાં નિષ્ફળ જાય છે, કારણ કે લોકો હંમેશા તર્કસંગત નથી રહેતાં હોતાં. જે વ્યક્તિ હંમેશા પરંપરાગત શાણપણ, સાબિત થઈ ચૂકેલી કેડી કે પૂર્વનિર્ધારીત પથ  પર ચાલતી રહે છે તે ઝડપથી “ઘણા લોકોનાં ટોળાંમાંની એક” બની જાય છે. જે માતા-પિતા બાળકોને તેમની પોતાની જરીપુરાણી માન્યતાઓ પ્રમાણે કેળવે એ માતાપિતા  બાળકોને મદદ કરવા કરતાં નુકસાન વધુ પહોંચાડે છે.

    સંપૂર્ણપણે તર્કસંગત, આયોજિત વ્યૂહરચના સંસ્થાઓને ક્યારેય મોટી સફળતાઓ મેળવવાની તક આપશે નહીં. વેચાણ કરનારાં વ્યાવસાયિકો માત્ર માહિતી સામગ્રી  ડેટા અને તથ્યોના આધારે અસરકારક રીતે વેચાણ કરી શકતાં નથી, કારણ કે લોકો દિમાગથી નહીં પણ દિલથી ખરીદી કરે છે, અને પછી ભલેને તે લાગણીઓને યોગ્ય ઠેરવવા માટે તથ્યોની જરૂર હોય.

    તર્કસંગતતા આપણાં અનુમાનો અને વિચારોને અમુક જ લયમાં ઢાળી દે છે. એટલે નવા વિચાર માટે કોઈ જગ્યા જ રહેતી નથી. બધાં કરે છે, અને પાછું જો તે વ્યાજબી અને સારી રીતે ચાલતું હોય તો, તો આપણે પણ તે જ રીતે કેમ ન કરવું જોઈએ.

    આ માનસિકતાની બહાર નીકળવાની ચાવી હંમેશા સાચા પડવાની આપણી ઇચ્છાને છોડી દેવી અને વ્ય્વસ્થતિતાની સાથે થોડી અરાજકતા સાથે સંતુલન ઊભું કરવામાં છે. તર્કસંગત મન અને લાગણીશીલ મન બંનેને સાંભળવાં જોઈએ.

    જોમ, ભરોસો અને શ્રદ્ધા જેવી બાબતો મોટે ભાગે અતાર્કિક હોય છે. જ્યારે લોકો “ભરોસાની છલાંગ” મારે છે, ત્યારે તેઓ ભાગ્યે જ પુરાવા અને આંકડાઓ પર આધાર રાખતાં હોય છે. તેઓ તે એટલા માટે કરે છે કે એમ કરવાનું તેમને જોશ ચડ્યું છે. તેમને પરિણામમાં વિશ્વાસ છે. તેઓ નિર્ણય લે છે અને પછી તે નિર્ણયોને અમલ બનાવવા માટે સખત મહેનત કરે છે. જો તે નિર્ણયો બિન -આયોજિત હોય તો એને કારણે થતી ભૂલોમાંથી તેઓ શીખે છે.

    આપણી જાતને, આપણી ટીમોને અને આપણી સંસ્થાઓને એક સમયે સાવ અતાર્કિક અને તદ્દન મૌલિક  વિચારથી જ બદલી શકાય.

    સેથ ગૉડિનનું કહેવું છે કે,

    અતાર્કિક જોમ આપણા અર્થતંત્રનું મુખ્ય પરિવર્તન પરિબળ છે. વિશ્વાસ અને સુંદરતા અને વસ્તુઓને બદલવાની ઇચ્છા સરળતાથી માપી શકાતી નથી, અને આપણે તેમના વિના જીવી પણ શકતાં નથી.


    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • રિદ્ધિ સિદ્ધિ

    સરયૂ પરીખ

    મનના માહોલમાં આવે જો શુદ્ધિ;
    કામ ક્રોધ મોહ પર આવે તો સિદ્ધિ.

    બંધનને મોક્ષનું કારણ છે બુદ્ધિ;
    યોગના હલેસા યમોની વિશુદ્ધિ.

    જન્મો જન્માંતરની નિર્મિત સુનિધિ;
    જડમૂળથી જાયે ના દુર્ગુણ દુર્બુદ્ધિ.

    ઉત્તરોત્તર મનવામાં શાંતિની વૃદ્ધિ;
    સત્કર્મે ધોવાયે અંતર અશુદ્ધિ.

    ગણના ગણપતિ સાથ રિદ્ધિ ને સિદ્ધિ;
    જનના કલ્યાણ અર્થ સંપન્ન સમૃદ્ધિ.


    સંપર્કઃ સરયૂ પરીખ  :  saryuparikh@yahoo.com | www.saryu.wordpress.com

  • એસ ધમ્મો સનંતનો – વિશ્વની રચના અને પંચદેવોનું મહાત્મ્ય : : આદ્યાશક્તિઃ ‘માડી તારૂં કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો’

    પ્રવાસી યુ. ધોળકિયા

    આપણા લોક લાડીલા કવિ અવિનાશ વ્યાસે આદ્યાશક્તિનાં વિરાટ અને મહાન સ્વરૂપને અંજલિ આપીને કરોડો ભારતીયોની માતાજી માટેની આદરભાવનાનો પડઘો ઝીલ્યો છે. આપણા આ મહાદેવીને બલૂચીસ્તાનમાં હિંગળાજ માતા, જમ્મુ હિમાલયમાં વૈષ્ણોદેવી, આસામમાં કામાખ્યા, બંગાળમાં મહાકાળી, ગુજરાતમાં અંબાજી અને ભદ્રકાળી તથા દક્ષિણમાં કન્યાકુમારી તરીકે અનન્ય ભક્તિભાવથી શ્રદ્ધાપૂર્વક પૂજવામાં આવે છે. આસો નવરાત્રીમાં ગુજરાતમાં ગરબાના અને બંગાળમાં દુર્ગાપૂજાના ભવ્ય ઉત્સવથી માતાજીની આરાધના કરવામાં આવે છે. એ દિવસોમાં સમસ્ત સૃષ્ટિ માતામય બની રહે છે.  માન્યતા એવી છે કે આ ઉત્સવ પછી સત્વ, રજસ અને તમસના ત્રણેય ગુણોને સમેટીને આદ્યાશક્તિએ સમગ્ર સૃષ્ટિનું સર્જન પળવારમાં પૂર્ણ કરેલ છે.

    દેવી પુરાણ જણાવે છે કે બ્રહ્માજીથી લઈને ઘાસનાં તણખલાં સુધી માતાજીનો જ વાસ છે. માતાજી પોતે વિષ્ણુને કહે છે કે જે કંઈ દૃશ્યમાન છે તે હું છું.  પ્રલય કાળ વખતે વિશ્વ દેવીના ઉદરમાં સમાઈ જાય છે. આ સતત ચાલતી વિનાશ અને નવપલ્લવિતતાની ક્રિયા માતાજીની લીલા છે. ગુજરાતના અન્ય કવિએ ગાયું છે કે,

    મા તારાં સર્જન અને વિનાશ, કે ફરતી ફુદડી રે લોલ
    માડી તારાં મંદિર ઝાકઝમાળ, કે નવલખ દીવડા રે લોલ.

    આદ્યાશક્તિ સર્વવ્યાપી, ક્ષેત્રસ્વરૂપ, વિશ્વનું ગર્ભ અને જગતનો આધાર છે. તે જગન્માતા, સર્વજ્ઞા અને પરબ્રહ્મ છે. સૌંદર્યલહરીમાં જણાવ્યા પ્રમાણે આ જગત માતાજીનું ચરણ છે.

    લલિતા સહસ્ત્રનામ, દેવી મહાત્મ્ય અને દેવી ભાગવતમાં આદ્યાશક્તિને તેના અનેક ગુણોના સંદર્ભમાં નિરૂપમા, પરમેશ્વરી, અનેક કોટિ બ્રહ્માંડ જનની તરીકે સંબોધવામાં આવે છે, તેમના દશ નખમાંથી વિષ્ણુના દશ અવતારો પ્રગટ્યા છે. બ્રહ્માજીની સર્જન શક્તિ, વિષ્ણુની પાલન શક્તિ અને શિવની સંહાર શક્તિ, સૂર્યનો પ્રકાશ, અગ્નિની ઉગ્રતા, વાયુની ચલન શક્તિ આ મહાદેવીના પ્રતાપે જ છે. માતાજી પોતાની શક્તિ પછી ખેંચી લે તો ત્રિમૂર્તિ નિર્બળ બની જાય અને વિશ્વ ધ્વસ્ત થઈ જાય.

    આટલું ઓછું હોય તેમ માતાજીએ સતીના સ્વરૂપે શિવનાં પત્ની થવાનું સ્વીકાર્યું. પોતાના પિતા દક્ષ દ્વારા આયોજિત યજ્ઞમાં પતિનું માન ન સચવાતાં, પોતાનું આત્મબલિદાન કરીને અત્યાર સુધી યજ્ઞોમાં શિવ-રુદ્રને જે ભાગ ન મળતો હતો તે અપાવ્યો. તે પછી તેમના દેહના બાવન ટુકડા સમગ્ર ભારતભરમાં જે બાવન જગ્યાએ વેરાયા ત્યાં વિરાટ શક્તિપીઠો બન્યાં. તે દ્વારા ભારત દેશને ભારત માતાનું બિરુદ પ્રાપ્ત કરાવ્યું. શૈલપુત્રી રૂપે ઉમા – પાર્વતીએ ફરીથી શિવને પતિ તરીકે પામીને શિવને માનવજાત વડે પૂજવા યોગ્ય દેવ બનાવ્યા. આ દંપતિએ વિશ્વને કાર્તિકેય અને ગણપતિ જેવા હાજરાહજૂર ભગવાનોની ભેટ આપી. કામદેવને ભસ્મ કરાવી તેને દેહશૂન્ય બનાવી તેની તાકાત ઘટાડી નાખી. અર્ધનારીશ્વર સ્વરૂપે શિવમાંથી પ્રગટ થઈને બ્રહ્માજીનું મૈથુની ચક્ર ચાલુ રાખ્યું. લક્ષ્મી સ્વરૂપે વિષ્ણુનાં અર્ધાંગિની બન્યાં. તેમની કૃપાથી વિશ્વને ઐશ્વર્ય, રાજશ્રી અને ધન – ધાન્યની વિપુલતા મળી. માતા લક્ષ્મી ભગવાન અને ભક્તને જોડતો સેતુ છે. પછી આ ક્રમ  રામનાં પત્ની સીતા, અને કૃષ્ણનાં પટરાણી રૂક્ષ્મણી રૂપે ચાલુ રહ્યો. આ વિશ્વમાં જે વ્યવસ્થિત, સત્યરૂપ અને ઉદાત્ત છે તે મહાશક્તિની દયાને કારણે છે.

    દુર્ગ નામના દાનવને પાર્વતીએ શિવની વિનંતિથી દુર્ગારૂપ ધારણ કરીને હણી નાખ્યો. વિષ્ણુના કાનના મેલમાંથી પેદા થયેલા મધુ – કૈટભ  દાનવોને પણ માતાજીએ એવા મોહમાં નાખ્યા કે બન્નેએ વિષ્ણુના હાથે જ મોત પામવાનું પસંદ કર્યું.  ચંડ, મુંડ અને રક્તબીજનો શક્તિએ ભયાનક સ્વરૂપ ધારણ કરીને નાશ કર્યો. મહિષાસુરનો વધ પણ આખરે દેવીએ કાળી સ્વરૂપે કરવો પડ્યો. પછી ભલે શાસ્ત્રો એવું સાબિત કરવા પ્રયત્ન કરે કે આ સમયે માતાનું મુખ શિવનું અને હાથ વિષ્ણુના હતાં. તે ઉપરાંત,  હથિયાર તરીકે દેવીએ શિવનું ત્રિશૂળ, વિષ્ણુનું સુદર્શન ચક્ર અને વાયુનાં બાણોનો ઉપયોગ કર્યો હતો. રાવણ સાથેનાં યુદ્ધમાં રામ જ્યારે હતાશ બની ગયા હતા, ત્યારે દુર્ગાની સ્તુતિ કરીને યુદ્ધના નવમા દિવસે રાવણનો સંહાર કરી શક્યા હતા. પાંડવોનો તેર વર્ષનો વનવાસ અને અર્જુનની શસ્ત્ર નિપુણતા દુર્ગાની આરાધનાને લઈને જ શક્ય બન્યાં હતાં.

    માનવજાત પર આટઆટલી દેવીકૃપા હોવાથી જ વેદોએ પણ માતાજીની ઉષા, રાત્રિ, દેવોની માતા અદિતિ,  સમગ્ર જ્ઞાનની દેવી વાક્‍ – ઈલા – ભારતી સ્વરૂપે સ્તુતિ ગાઈ છે. વેદો સરસ્વતીને નદી રૂપે ઉપાસે છે. તે ઉપરાંત પુણ્યતા, પવિત્રતા, સૌંદર્ય, સંસ્કાર અને સંસ્કૃતિની દેવી તરીકે વેદો સરસ્વતીનો આદર કરે છે. તેથી  જ માનવજાતે અથર્વવેદના એક શ્લોકમાં (૧૨.૧.૨૨) પૃથ્વીને ઉદ્દેશીને કહ્યું છે કે તમે અમારી માતા છો અને અમે તમારાં સંતાનો – माता भूमिः पुत्रो अहं पृथ्वियाः.   વિશેષમાં આ પૃથ્વી મૃતકોને પણ પોતાના આઘોષમાં સમાવીને શાશ્વત આરામ આપે છે.

    એક બે અપવાદ સિવાય સમગ્ર જગત દેવીને આજ સુધી કુમારી, યુવતી અને વૃદ્ધા તરીકે વંદન કરતું રહ્યું છે. વિદ્વાનો એમ માને છે કે મધર મેરી અને કન્યાકુમારીમાં કશો ફેર નથી. શિવાનંદ રચિત ‘જય આદ્યાશક્તિ’ આજે ગુજરાતમાં દરેક ધાર્મિક પ્રસંગે રાષ્ટ્રગીત જેટલો દરજ્જો પ્રાત કરી ચુકી છે.

    આપણા દરેકમાં આ વિષ્ણુમાયા, ચેતના, બુદ્ધિ, નિદ્રા, ક્ષુધા, તૃષ્ણા, લજ્જા, ભ્રાન્તિ, શાંતિ, કાન્તિ, લક્ષ્મી, વૃત્તિ, તુષ્ટિ, દયા જેવાં વિવિધ સ્વરૂપે સમાયેલાં છે. આ માતાને નમન કરતાં કહીએ કે

    दारिद्र दु:ख भयहारिणि का त्वदन्या।
    सर्वोपकारकारणाय सदाह्यद्र्रचिता।।

    સચરાચરમાં વ્યાપ્ત એવાં આદ્યાશક્તિ દેવીનું રહસ્ય

    આદ્યાશક્તિ દેવી સચરાચરમાં વ્યાપ્ત, બધાની માતા, જગદ્‍ધાત્રી, બુદ્ધિ-વિદ્યા રૂપિણી ભગવતી અને આદરણીય છે. માતાજી પોતે પણ કહે છે કે જગતમાં મારૂં જ અસ્તિત્વ છે, મારા સિવાય અન્ય છે પણ કોણ? બધું મારામાંથી પ્રગટ થાય છે અને મારામાં જ સમાઈ જાય છે. માતાજી આનંદ અને સૌંદર્યનો સાગર છે. તેમની કરુણાનો કોઈ પાર નથી. તેમનાં રૂપ અનેક છે પણ તે તો એક જ છે, એટલે જ તેઓ આદ્યાશક્તિ, પરાશક્તિ અને પરબ્રહ્મ છે.

    દેવીનાં બે સ્વરૂપો છે – સૌમ્ય અને રૌદ્ર. સૌમ્ય સ્વરૂપમાં ગાયત્રી, સાવિત્રી, અંબાજી, દુર્ગા, વૈષ્ણવી, લક્ષ્મી, પાર્વતી, ભુવનેશ્વરી,, સરસ્વતી, આશાપુરા અને અન્નપૂર્ણા છે. આદ્યાશક્તિ અદ્વિતિયા હોવા છતાં સૃષ્ટિના સર્જન હેતુ પુરુષની સહધર્મચારિણી, વિષ્ણુમાયા અને શિવશક્તિ બન્યાં. તે વિના સૃષ્ટિનું સર્જન અને સંવર્ધન શક્ય નહોતું. આદ્યાશક્તિ ભાગ લે તો જ ભૌતિક જગત દિવ્ય બની જાય. જગતની આકૃતિ અને અસ્તિત્વ પણ આદ્યાશક્તિ વિના સંભવિત નથી. સમગ્ર વિશ્વ માતાનું ગર્ભ ગૃહ છે, એટલે વૈષ્ણોદેવીના સ્થાનકમાં ગુફાની પુજા થાય છે. સર્જનની પ્રક્રિયામાં અગ્નિનું ખુબ મહત્ત્વ છે. તેથી તાંત્રિકો દેવી પૂજામાં અગ્નિને પ્રાધાન્ય આપે છે. દેવીનાં રહસ્યને સમજવું હોય તો તંત્રની મહાન પરંપરાને સમજવી પડે. તંત્ર સાધના એક પવિત્ર સાધના છે. તેમાં મૈથુન, મદિરા, માંસ વગેરે પાંચ ‘મ કાર’ નું અવલંબન લઈને આત્મસંયમ દ્વારા અને માનવ સુલભ નબળાઈઓનું અતિક્રમણ કરીને માનવે મોક્ષ પામવાનો છે.

    માતાજીનં સૌમ્ય સ્વરૂપ લક્ષ્મીજીનું રહસ્ય સમજાવતાં ડેવિડ કિંગ્સલેના નામના વિદ્વાન જણાવે છે કે ભગવાન વિષ્ણુ જો વાણી છે તો લક્ષ્મીજી તેનો અર્થ છે. વિષ્ણુને જો સમજ ગણીએ તો લક્ષ્મી બુદ્ધિ છે. વિષ્ણુ સર્જક છે તો લક્ષ્મી સર્જન છે. વિષ્ણુ પ્રેમ છે તો લક્ષ્મી તેઓનો આનંદ છે. આદ્યાશક્તિ કરોડો સુર્યના તેજથી  પણ વધારે તેજોમય છે, સૃષ્ટિની તમામ ચળ – અચળ અવસ્થાઓનો આદ્યાશક્તિ અર્ક છે.

    અતિ રૌદ્ર અને ભયાનક સ્વરૂપે દેવી કાલિ, છિન્નમસ્તા, તારા, માતૃકા, ચામુંડા, ભૈરવી, સંહારિણી, મહારુદ્રા છે.  તંત્રમાંનું કાલિનું આ વર્ણન આપણામાંના કાચાંપોચાંનું હૃદય ધ્રુજાવી નાખી શકે છેઃ “સાવ આછાં પાતળાં, મુંડમાળાનાં અને વ્યાઘ્રચર્મનાં વસ્ત્રો ધારણ કરતી દેવી વિચિત્ર અને ભયાનક લાગે છે. માતાનાં જડબાં ખુબ પહોળાં છે. રક્તરંજિત લાલ જીભ લસલસી રહી છે. તેઓ લાલઘૂમ આંખો વડે તાકી રહે છે. ભયાનક ચીસો પાડતી માતા આમતેમ ઘૂમી રહી છે. મૃત:પાય શિવના દેહ પર અર્ધનગ્ન દેવી નર્તન કરી રહી છે.”

    તાંત્રિકો અને રહસ્યવાદીઓના જણાવ્યા પ્રમાણે દેવીનાં આ સ્વરૂપનું રહસ્ય એ છે કે જીવનનાં સાતત્ય માટે મૃત્યુ પણ આવશ્યક છે. સૃષ્ટિની સમગ્ર પ્રક્રિયા પાછળ ‘આપો’ અને ‘મેળવો’નું તત્ત્વજ્ઞાન રહેલ છે. કાલિ એટલે તમસ – અંધકાર. અધ્યાત્મના માર્ગે આગળ વધવા માગતા, સંયમિત જીવન જીવતા, સાધકનાં જીવનનો અંધકાર કાલિ દૂર કરે છે.  તેમણે ધારણ કરેલી મુંડમાળા  માનવ મનમાં રહેલ અશુભ વિચારોનું પ્રતિક છે. ભક્તના ભયને કાલિ દૂર કરે છે. ચંડ અને મુંડ માનવમાં રહેલા ક્રોધ અને વાસનારૂપી દૈત્યો છે.  તેના સંહાર થકી કાલિ ભક્તને શંતિનો અનુભવ કરાવે છે. રક્તબીજ માનવ મનમાં હર પળ ઊઠતી ઈચ્છાઓની પ્રતિકૃતિ છે. કાલિ તમોગુણી માયા અને મહારાત્રિ છે. અહીં રાત્રિનો અર્થ પ્રલય અને પુનઃસર્જન વચ્ચેના વિરામનો સમય છે. તેથી દિપાવલીનું પર્વ રાત્રિનું પર્વ છે. આ વખતે શક્તિ – પ્રકૃતિ પોતાના પ્રેમમાં ગળાડૂબ છે, આત્મરમણમાં છે. મૃતપ્રાય વિશ્વને માતાજીએ વ્યાઘ્રચર્મ રૂપે ઓઢ્યું છે. શિવ એ થીજી ગયેલો કાળ છે.  શિવ મૃત નથી, પણ મૂર્છિત છે.  માતાજીના શિરકમળ પર ચંદ્ર શક્તિની કૃપાથી સૃષ્ટિ પુનઃ જાગૃતિનું પ્રતિક બને છે. અહીં માનવીને પણ માતાજીની કૃપાથી તેનાં તમસમાંથી જાગૃત થઈ નવાં સ્વરૂપે પ્રગટ થઈ શકવાનો સંદેશ છે. એટલે કે तमसो मा ज्योतिर्गमय ની પ્રક્રિયા ચાલી રહી છે.

    કાલિના  ચાર હાથ બધી દિશામાં ફેલાયેલા અવકાશ અને કાળને પ્રતિબિંબિત કરે છે. માતાજીની અભય મુદ્રા સાધકનો ભય દુર કરી આશીર્વાદ આપે છે. બીજા હાથની તલવાર કામના કાળનું પ્રતિક છે. હાથમાં રહેલી મુંડમાળા જગતની ક્ષણભંગુરતાનું પ્રતિક છે. માતાજીના મુખ પર પરમ આનંદનું જે હાસ્ય છે તે તેના ભક્ત કે સાધકને પણ સુલભ છે. કલિ આપણને સતત પ્રતીતિ કરાવે છે કે જીવન એ મૃત્યુ છે અને મૃત્યુ એ જીવન છે. પરિણામે સાધકને કોઈ માનસિક ગ્લાનિ કે પરિતાપ રહેતાં નથી. ચાલુની બોલચાલની ભાષા આ રહસ્યો સમજાવી શકે તેમ નથી એટલે તંત્રના પચાસ બીજ મંત્રો આ સત્યને ગૂઢ ભાષામાં વર્ણવે છે.  જીવન – મૃત્યુને માતાજીએ ખોપરીની મુંડમાળા તરીકે ધારણ કરેલ છે. સામાન્ય માનવી મૂળાક્ષરોના પચાસ શબ્દો વડે માતાજીનું સામર્થ્ય સમજી શકે છે એટલે  માતાજીએ કપાયેલા પચાસ હાથોવાળું આછું પાતળું અધોવસ્ત્ર પહેર્યું છે તે મૂળાક્ષરોની પચાસની સંખ્યા સાથે બંધ બેસે છે.  આખું જગત અવકાશ છે એટલે તંત્ર પુજકો માતાજીને આપણી સમક્ષ નગ્ન સ્વરૂપે રજૂ કરે છે.

    દેવી રહસ્યનો ઉપસંહાર શ્રીયંત્રના ઉલ્લેખ વગર અધૂરો છે. આ શ્રીયંત્રની સાધના કરવાથી આપણા આવેગો ઉપર એક પ્રકારનો સ્વયંભૂ કાબુ આવે છે. આપણામાં એક પ્રકારનું આધ્યાત્મિક શિસ્ત ઉદ્‍ભવે છે. યંત્ર એક વિરાટ વિશ્વનું પ્રતિક છે. આપણે પ્રગાઢ ધ્યાન દ્વારા એ વિશ્વના આપણા આતરિક અનુભવમાં ઉતરવાનું છે.  યંત્રમાંની ગાણિતિક રેખાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને સાધક વૈશ્વિક ચેતના સાથે તાદાત્મ્ય સાધી શકે છે. સાધક આ રીતે શક્તિ અને તેના અંગભૂત વિશ્વ સાથે એકાત્મકતા કેળવતો થઈ જાય છે. સાધક પોતે પણ આવું એક શ્રીયંત્ર છે કેમ કે તે પણ આદ્યાશક્તિના વિશેષ ભાવ રૂપે છે.

    દેવી-માતાજી પરંપરા ભારતમાં આજે પણ એટલી જ જીવંત અને શક્તિશાળી છે. આ ચેતનવંતી પરંપરાને સમાજના બધા વર્ગોનો ટેકો છે. તેમાં પણ શોષિત અને દલિત વર્ગોનો તો ખાસ. એટલે જ કુલદેવી, ગ્રામદેવી, ચોસઠ જોગણીઓ અને ખોડિયાર માતા જેવાં જૂજવાં રૂપે દેવી આપણા જીવનમાં ઓતપ્રોત છે. ગુજરાતના ગરબા અને માની આરતીમાં દેવીનાં રહસ્યો સહજપણે ચૌરેચૌટે ગવાય છે. માનાં કંકુનું ખરવાની અને સૂરજ થઈને ઉગવાની વિરાટ ઘટનાને સાંકળી લેવાથી અવિનાશ વ્યાસ  ગુજરાતના આદરણીય કવિ બની શક્યા છે.

    માતાજીની સ્તુતિઓ /સાધના

    ૧) ચંડીપાઠ (શક્રાદય – દેવી સ્તુતિ)

    ૨) સપ્તશ્લોકી દેવી પાઠ

    ૩) રાત્રિ સૂક્તમ

    ૪) દુર્ગાષ્ટોત્તર નામ સ્તોત્ર

    ૫) કુંજિકા સ્ત્રોત્ર

    ૬) શ્રી સૂક્ત

    ૭) દેવી કવચ

     સાધના

                ૮) દસ મહાવિદ્યા

    કળિયુગનાં સર્જક માતાજી છે જેથી માનવ જાતનાં બધાં પાપો છતાં થઈ શકે. આ યુગનો અંત પણ માતા કાલિ કલ્કિ અવતારનું સર્જન કરાવીને તેના દ્વારા કલિ દાનવનો અંત કરશે. તે પછી  ઇ.સ. ૨૦૮૨થી કલ્કિ દ્વારા જ માતાજી સુવર્ણ યુગની સ્થાપના કરશે. માતાજીનાં ઐશ્વર્યનો ડંકો વિશ્વભરમાં વાગશે..

    આવાં આદ્યાશક્તિ માતાજીને આપણાં શત શત નમન.

    या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता।
    नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।


    હવે પછીના મણકામાં આપણે પંચદેવોમાંના ‘જગતનો આત્માઃ સૂર્ય દેવતા’ ની વાત કરીશું.


    શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.

  • ‘લીલીસૂકી’ રુઢિપ્રયોગ નહીં, વાસ્તવિકતા છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

     

    આપણી પૃથ્વી પર ત્રણ ભાગમાં પાણી અને એક ભાગમાં જમીન છે એ હકીકત સૌ કોઈ જાણે છે. સાથે એ પણ ખબર છે કે આ સ્થિતિ હોવા છતાં પીવાના પાણી માટે આપણે વરસાદના પાણી પર જ આધાર રાખવાનો હોય છે. વરસાદનું પાણી નદીઓમાં ઠલવાય, નદી પર બંધ બાંધીને એ પાણીને દરિયામાં વહી જતું અટકાવાય છે. આ જ નદીઓમાં પ્રદૂષણ પણ પુષ્કળ કરવામાં આવે છે. એ સૂચવે છે કે હજી પાણીના ઉપયોગની ગંભીરતા આપણા મનમાં વસી નથી. આ સ્થિતિ ઓર ગંભીર બને એવા સમાચાર  જાણવા મળ્યા છે.

    વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠન (ડબલ્યૂ.એમ.ઓ.)ના તાજેતરમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર વર્ષ ૨૦૨૩માં વિશ્વભરની નદીઓમાં છેલ્લાં ૩૩ વર્ષોમાં સૌથી ઓછી માત્રામાં પાણી જોવા મળ્યું. આમાં ભારતની ગંગા સહિત અનેક નદીઓનો પણ સમાવેશ થાય છે. સાથોસાથ ભૂગર્ભ જળનું સતત ઘટતું જતું સ્તર, બરફનું ઓછું થતું જતું પ્રમાણ અને હવામાન પરિવર્તનને કારણે તોળાઈ સહેલા જળસંકટ બાબતે તેમાં વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

    સાંદર્ભિક તસવીરઃ WMO report highlights growing shortfalls and stress in global water resources

    વિશ્વભરમાં પીવાના પાણીની માગ સતત વધતી રહી છે, અને તેની સુલભતા ઘટતી રહી હોવાને કારણે ભારત સહિત અનેક દેશોમાં અથડામણના બનાવમાં વૃદ્ધિ થઈ રહી છે. આ સ્થિતિમાં આ અહેવાલ વધુ ચિંતાજનક જણાય છે.

    આ અહેવાલ અનુસાર ૨૦૨૩માં મોટા ભાગની નદીઓમાં જળરાશિ સામાન્ય કરતાં ઘણી ઓછી હતી. ૨૦૨૧ અને ૨૦૨૨ની જેમ જ ૨૦૨૩માં વિશ્વભરની અડધા કરતાં વધુ નદીઓમાં જળરાશિની સ્થિતિ અસામાન્ય હતી. આ વિસ્તારોમાં પાણીનું પ્રમાણ સામાન્ય કરતાં ઘણું ઓછું રહ્યું. સામાન્ય કરતાં પાણીનું પ્રમાણ વધુ રહ્યું હોય એવી નદીઓ ઓછી હતી.

    ૨૦૨૩માં ઉત્તર, મધ્ય અને દક્ષિણ અમેરિકાના અનેક વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ હતી. આ અરસામાં નદીનો પ્રવાહ પણ ઘટી ગયો. મિસિસિપી અને એમેઝોન જેવી નદીઓમાં જળસ્તર વિક્રમજનક રીતે ઘટી ગયું. એશિયામાં પણ ગંગા, બ્રહ્મપુત્ર, મેકાંગ જેવી નદીઓના મોટા ભાગના વિસ્તારોમાં જળરાશિનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું રહ્યું.

    આનાથી વિપરીત આફ્રિકાના પૂર્વ તટે નદીઓનો પ્રવાહ સામાન્ય કરતાં વધુ રહ્યો. ન્યૂઝીલેન્‍ડના  ઉત્તર વિસ્તાર અને ફિલીપાઈન્‍સમાં પણ નદીઓના જળસ્તરમાં વૃદ્ધિ જોવા મળી. ઊત્તર યુરોપ, યુ.કે., આયર્લેન્‍ડ, ફિનલેન્‍ડ અને દક્ષિણ સ્વીડનમાં પણ નદીઓનો પ્રવાહ સામાન્ય કરતાં વધુ હતો.

    સામાન્યથી ઓછું પાણીનું પ્રમાણ જળાશયોમાં પણ જોવા મળ્યું. ભારત, ઊત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના કેટલાક વિસ્તારોના જળાશયોમાં આમ થયું. ખરું જોતાં જળાશયોમાં પાણીનું પ્રમાણ જળ વ્યવસ્થાપન શી રીતે કરવામાં આવે છે તેની પર આધાર રાખે છે. જેમ કે, એમેઝોન અને પરાના બેસિન જેવા અમુક વિસ્તારોમાં નદીનો પ્રવાહ ઓછો હોવા છતાં જળસ્તર ઘણું વધુ હતું.

    દરમિયાન દક્ષિણ આફ્રિકા, ભારત, આયર્લેન્‍ડ, ઓસ્ટ્રેલિયા અને ઈઝરાયલમાં વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ રહેવાથી મોટા ભાગના કૂવાઓમાં ભૂગર્ભ જળનું સ્તર ઊંચું રહ્યું. પણ ઊત્તર અમેરિકા અને યુરોપના કેટલાક વિસ્તારોમાં દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ લાંબો સમય ચાલવાથી ભૂગર્ભ જળનું સ્તર નીચું હતું. ચીલી અને જોર્ડનમાં પણ ભૂગર્ભજળનું સ્તર સામાન્ય કરતાં નીચું રહ્યું. અલબત્ત, તેના માટે હવામાન પરિવર્તનનાં પરિબળો નહીં, પણ લોકો દ્વારા ભૂગર્ભ જળનો વધુ પડતો ઊપયોગ કારણભૂત હતો.

    બીજી એક ચિંતાજનક બાબત એ જોવા મળી કે છેલ્લા પાંચ દાયકામાં ગ્લેશિયર (હીમનદી)માં બરફનું પ્રમાણ ખૂબ ઝડપથી ઘટી રહ્યું છે. સપ્ટેમ્બર, ૨૦૨૨થી ઑગસ્ટ, ૨૦૨૩ના એક વર્ષ દરમિયાન ગ્લેશિયરોએ સાઠ કરોડ ટન બરફ ગુમાવ્યો છે. ખાસ કરીને સ્વીત્ઝરલેન્‍ડના ગ્લેશિયરોમાં છેલ્લા બે વર્ષમાં ત્યાં જામેલા બરફનો દસ ટકા હિસ્સો ગુમાવ્યો. કેટલાક વિસ્તારોમાં બરફનું પ્રમાણ ઝડપભેર ઘટવાનું હજી ચાલુ છે.

    આ તમામ બાબતો એક યા બીજી રીતે હવામાન પરિવર્તન સાથે સંકળાયેલી છે. ૨૦૨૩નું વર્ષ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ હતું. આને લઈને અનેક સ્થળોએ વિક્રમજનક તાપમાન પહોંચ્યું, તો કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ.

    ‘ડબલ્યૂ.એમ.ઓ.’ના મહાસચિવ પ્રો.સેલેસ્ટે સાઉલોના કહેવા મુજબ, હવામાન પરિવર્તન માટે પાણી ચેતવણીના સંકેત સમાન કહી શકાય. ભારે વરસાદ, પૂર અને દુષ્કાળ જેવી આત્યંતિક મોસમી ઘટનાઓમાં થયેલી વૃદ્ધિસ્વરૂપે આપણે આ જોઈ શકીએ છીએ. વધતા તાપમાનને કારણે જળચક્રનું સંતુલન ખોરવાઈ રહ્યું છે અને તે અનેકગણું અનિશ્ચિત થઈ ગયું છે.

    સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અહેવાલ અનુસાર વિશ્વમાં ૩૬૦ કરોડ લોકો એવા છે કે જેમને વરસમાં ઓછામાં ઓછો એક મહિનો પૂરતું પાણી મળતું નથી. આગામી ૨૬ વરસોમાં આ આંકડો વધીને પાંચસો કરોડને ઓળંગી જશે. મતલબ સાફ છે. દુનિયા હજી પીવાના પાણી અને સ્વચ્છતાના નિર્ધારીત સતત વિકાસના લક્ષ્યને આંબવામાં ઘણી પાછળ જણાય છે.

    ‘ડબલ્યૂ.એમ.ઓ.’ના પ્રમુખના જણાવ્યા અનુસાર આ તમામ ઘટનાઓ જનજીવનની સાથોસાથ પ્રકૃતિ અને અર્થવ્યવસ્થાને પણ નુકસાન પહોંચાડી રહી છે. ધ્રુવ પર જામેલો બરફ અને ગ્લેશિયર પીગળવાને કારણે લાખો લોકો પર જોખમ તોળાયેલું છે. આમ છતાં, દિન બ દિન ઘેરી થતી આ સમસ્યાના ઊકેલ તરફ આપણે પૂરતી કાર્યવાહી કરતા નથી.

    એ હકીકત છે કે હવામાન પરિવર્તન હવે કેવળ વ્યક્તિગત સ્તરના પ્રયાસોની વાત રહી નથી. આમ છતાં, વ્યક્તિગત પ્રયાસોનું મહત્ત્વ જરાય ઓછું આંકી શકાય નહીં. પ્રત્યેક ઘરની પોતાની જળસંચય પ્રણાલિ હોવી ભવિષ્યની અનિવાર્યતા બની રહે તો નવાઈ નહીં. વક્રતા એ છે કે અડધી કે એક સદી પહેલાં આ પ્રણાલિ સામાન્યપણે જોવા મળતી હતી, જે ધીમે ધીમે લુપ્ત થતી ચાલી. હવે નવેસરથી તેના માહાત્મ્યનો સમય આવી રહ્યો છે.

    જીવનજરૂરિયાતનાં પરિબળો પણ ચક્રની માફક ઊપરનીચે થતાં રહે છે, પણ તે ફરી ચલણમાં અવશ્ય આવતાં રહે છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૪ -૧૦ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • દેવી : એક જીવતી સ્ત્રીને પરાણે માતાજી તરીકે સ્થાપીએ પછી એનામાં રહેલી સ્ત્રીનું શું ?

    સંવાદિતા

    પુરુષસત્તાક સમાજે સ્ત્રીને પૂજાપાત્ર બનાવીને આખરે તો પોતાનું જ આધિપત્ય જાળવ્યું છે. 

    ભગવાન થાવરાણી

    કોઈ ફિલ્મસર્જકને મહાન ઠેરવવા એણે સર્જેલી કૃતિઓની વિપુલતા ઉપરાંત એનું વિષય વૈવિધ્ય પણ તપાસવું ધટે. સત્યજીત રાય આ બન્ને કસોટીઓમાં પાર ઉતરે છે. ઓગણત્રીસ ફીચર ફિલ્મો ( બે હિંદી ), ચાર દસ્તાવેજી ફિલ્મો, ત્રણ લઘુ ફિલ્મ એમણે આપી. પોતે સર્જી એ સિવાયની પંદર ફિલ્મોમાં સંગીત, પાંત્રીસ ફિલ્મોની કથા અને / અથવા પટકથા, ત્રણ ફિલ્મોમાં સૂત્રધાર અને એક – એક ફિલ્મમાં સહાયક નિર્દેશક, ગીતકાર અને ચિત્રકાર ! એક ખરા સર્જક તરીકે પોંખાવા બીજું શું જોઈએ ?
    અનેક વિષયોને આવરી લેતી એમની ફિલ્મોમાં અંધશ્રદ્ધાના વિરોધમાં એમણે બે ફિલ્મો સર્જેલી. ૧૯૬૦ માં ‘ દેવી ‘ અને ૧૯૯૦ માં ‘ ગણશત્રુ ‘ . બન્ને ફિલ્મોનો રૂઢિચુસ્તો દ્વારા ખાસ્સો વિરોધ થયેલો. આજે એમાંની ‘ દેવી ‘ ની વાત. ફિલ્મમાં અંધશ્રદ્ધાનો વિરોધ હોવા છતાં કેટલાંય ધાર્મિક સંગઠનો અને સાંસદો સુદ્ધાંએ એના પ્રદર્શન સામે વિરોધ નોંધાવેલો. પંડિત નહેરૂની વ્યક્તિગત દરમિયાનગીરી બાદ ફિલ્મને ભારત બહાર દર્શાવવાની અનુમતિ અપાયેલી.
    રાયની મોટા ભાગની ફિલ્મો સાહિત્યિક કૃતિઓ પર આધારિત છે. એ પોતે પણ બંગાળના ગણમાન્ય સાહિત્યકાર હતા. ‘ દેવી ‘ પણ બંગાળી સાહિત્યકાર અને ગુરુદેવ ટાગોરના સમકાલીન પ્રભાતકુમાર મુખર્જીની ટૂંકી વાર્તા પર આધારિત છે. એમણે એ બંગાળમાં જ બનેલી એક સત્યઘટનાનો આધાર લઈને લખેલી. ફિલ્મનો ઘટનાક્રમ ૧૮૬૦ ની આસપાસ આકાર લે છે.
    વાત છે વિદ્વાન જમીનદાર અને પ્રખર કાલીભક્ત કાલીકિંકર રાય ( છબી બિશ્વાસ ) અને એમના પરિવારની.  એમના ઘરમાં બે દીકરાઓ, એમની પત્નીઓ અને મોટા દીકરાનો નાનકડો પુત્ર ખોકા છે. ખોકા એના માબાપ કરતાં કાકા – કાકીનો હેવાયો અને લાડકો છે. નાની પુત્રવધુ દયામયી ( શર્મિલા ટાગોર, જે ત્યારે ખરેખર પંદર વર્ષના હતા ! ) માંડ પંદરની છે. જમીનદારની કાલિભક્તિનો મહિમા આસપાસના ગામો લગી પ્રસરેલો છે.  નાની વહુ સસરાની માનીતી છે. એ આજ્ઞાંકિત, ઓછાબોલી છે અને સસરાની સેવા પરમ ભાવથી કરે છે એટલે.
    એક દિવસ કાલીબાબુને સપનું આવે છે. એમાં મા કાલી એમને દર્શન દે છે. દેવીનો ચહેરો અદ્દલ એમની નાની વહુ દયાને મળતો આવે છે. થઈ રહ્યું ! એ ઊઠીને સીધા વહુના શયનખંડમાં જાય છે અને ‘ મા મા ‘ પોકારતાં એના ચરણોમાં પડી જાય છે ! ઊંધમાંથી ઊઠેલી દયા કિંકર્તવ્યવિમૂઢ બધું જોતી રહે છે. કાલીબાબુ પોતાના જ્યેષ્ઠ પુત્ર અને ઘરમાં અન્ય સૌને પણ ‘ દેવી ‘ ના ચરણે પડવા મજબૂર કરે છે. દયાનો પતિ તો અભ્યાસાર્થે કલકત્તા છે. અપવાદ છે મોટી પુત્રવધુ જે આ બધું ધતિંગ માને છે.
    કિશોરી દયાની સ્થાપના દેવી તરીકે કરવામાં આવે છે. એ હવે સાક્ષાત કાલી છે. ગામ અને આસપાસના વિસ્તારોમાંથી એની કૃપા મેળવવા ભક્તોની કતાર લાગે છે. અધૂરામાં પૂરું, એક ભક્તનો નાનકડો પૌત્ર યોગાનુયોગ – પણ ભક્તોના મતે દેવીમાના આશીર્વાદથી સાજો થઈ જાય છે. પછી તો પૂછવું જ શું ?
    ભક્તોની ભીડ અને ધૂપદીપના ધૂમાડાથી ‘ દેવી ‘ મૂર્ચ્છિત થઈ જાય તો કાલીબાબુ એલાન કરે કે ‘ મા સમાધિમાં ચાલ્યા ગયા છે ‘ ! ઘરમાં અને બીજે બધે કાલીબાબુ કહે એ જ બ્રહ્મવાક્ય લેખાય છે.
    સૌથી કરૂણ વાત એ કે દેવી તરીકે પ્રસ્થાપિત થયા પછી દયાનો લાડકો ખોકા એની આસપાસ પણ ફરકતો નથી ! એ હવે પૂજ્ય છે પણ પ્રેમપાત્ર બિલકુલ નહીં ! બાળક હવે એનાથી ડરે છે. દયા હેતથી પાસે બોલાવે તો પણ એ ભાગી છૂટે છે.
    ખોકા માંદગીમાં સપડાય છે. ગામના વૈદરાજ કહે છે, તમારે ત્યાં તો સાક્ષાત દેવીમાં હાજરાહજુર છે, મારું શું કામ ? કાલીબાબુ પૌત્રને દેવીના ખોળે મૂકી એને સાજો કરી આપવા આજીજી કરે છે. માત્ર મમતાથી કંઈ રોગ મટે ? દયા નિ:સહાય છે. એ જાણે છે કે ખોકાનો ઈલાજ ડોક્ટર જ કરી શકે. દેવીનું ચરણામૃત પીને દયાના ખોળે આખી રાત પડેલો છોકરો સવારે મૃત્યુ પામે છે. કુટુંબના કુળદીપકને દેવી બચાવી ન શકી. એ જ એને ભરખી ગઈ.
    જેને દેવીના સ્થાને પ્રતિષ્ઠિત કરી હતી હવે એ જ અંધશ્રદ્ધાળુઓના રોષનો ભોગ બને છે. દયાને તો માનવી, સ્ત્રી, પ્રેમાળ પત્ની, હેતાળ કાકીમાં અને સેવાભાવી વહુ જ રહેવું હતું. એને પરાણે દેવી બનાવીને માનવી મટાડી દેવાઈ. માનસિક સંતાપ સહન ન થતાં એ ભાગીને જાતને નદીમાં વિસર્જિત કરે છે. જેમ દેવી દુર્ગાની મૂર્તિનું વિસર્જન થાય છે તેમ ! એની પાસે કોઈ વિકલ્પ રહેવા દેવામાં આવ્યો નહોતો.
    વિડંબના તો જૂઓ કે એક તબક્કે કાલીબાબુની નાગચૂડમાંથી છટકવા દયા અને એનો પતિ ગામ છોડી કલકત્તા ભાગી છૂટવા નીકળે છે. રસ્તામાં દયાને વિચાર આવે છે કે ક્યાંક હું ખરેખર દેવી હઈશ તો ? એવું હશે તો દેવીને ભગાડી જનારા મારા પતિનું શું થશે ? બન્ને ઘરે પાછા ફરે છે.
    દયાને ધરાર દેવી-પદ આપનાર કાલીબાબુ આમ તો સંસ્કૃત સાહિત્યના પ્રખર વિદ્વાન છે. એમની અંધશ્રદ્ધા વધુ એકવાર પૂરવાર કરે છે કે ધાર્મિક બાબતોમાં સુશિક્ષિત માણસ પણ અનપેક્ષિત રીતે વર્તે છે. શિક્ષણ એ જાગૃતિ નથી. 
     
    દયાનું ઉત્થાન પણ એની મરજી મૂજબનું નહોતું, પતન પણ નહીં. એ કેવળ સાધન હતી. એનું દેવીત્વ કાલીબાબુના અહમનું પ્રતીક હતું. ‘ દયામાં દેવી તો હતી જ પણ શોધી કોણે ? મેં ! એ મારું સપનું હતું. મેં એ શોધ્યું ન હોત તો લોકો એની કૃપાથી વંચિત રહી જાત. ‘
     
    યાદ રહે કે અહીં દર્શાવેલી પરિસ્થિતિઓ દોઢસો વર્ષ પહેલાંના ભારતની છે. ત્યારે પુરુષનો અહમ જ એ નક્કી કરતો કે સ્ત્રીને કયા ચોકઠામાં મૂકવી ? દેવી, રાક્ષસી, મા, પત્ની કે નોકરાણી ! એ ઘરની લાજ પણ હતી અને કેદી પણ. એ પ્રદર્શનમાં મૂકાયેલું પુતળું હતી જેણે એના ભાવકો આગળ એમની કામના મૂજબના પાત્રને મૂર્તિમંત કરવાનું હતું. અત્યારે પરિસ્થિતિઓ શું છે એનું મૂલ્યાંકન વાચકો પર છોડીએ.
    સત્યજીત રાયની પાંચ ફિલ્મોમાં શર્મિલા ટાગોરે કામ કરેલું. એમાંની ‘ અપૂર સંસાર ‘ પછીની આ બીજી અને એમની શ્રેષ્ઠ કહી શકાય એવી ફિલ્મ. ફિલ્મમાં એ ભાગ્યે જ કોઈ સંવાદો બોલે છે. જે કંઈ કહે છે તે એની આંખો. એમનું પાત્ર વિચારશીલ નહીં, સંવેદનશીલ છે. કાલીકિંકર બાબુનું પાત્ર ભજવતા મહાન અભિનેતા છબી બિશ્વાસની તો વાત જ શી ! રાયની ‘ જલસા ઘર ‘ અને ‘ કાંચનજંઘા ‘ માં પણ એમણે યાદગાર પાત્રો ભજવેલાં. ફિલ્મનું સંગીત વિખ્યાત સરોદવાદક અલી અકબર ખાનનું હતું. આ ફિલ્મ પછીની રાયની દરેક ફિલ્મમાં સંગીત એમનું પોતાનું હતું.
    ‘ દેવી ‘ રાયની સૌથી વધુ કરૂણ ફિલ્મ છે. એમની મોટા ભાગની ફિલ્મો દરમિયાન જે કંઈં થાય, ફિલ્મના અંતે હંમેશા આશાનું કિરણ દેખાતું. આ ફિલ્મમાં એ ક્યાંય નથી. એક ફિલ્મ દર્શક તરીકે આ ફિલ્મ આપણા શિક્ષણમાં વૃદ્ધિ કરે છે.


    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • અભિનેતા ઉત્તમ, વ્યક્તિ ઉત્તમ, નામ ઉત્તમ!

    હરેશભાઈ ધોળકિયાએ રજૂ કરેલ ગુલઝારની યાદદાસ્તોનાં પુસ્તક ‘એક્ચ્યુઅલી.. આઇ મેટ ધેમ ….  મેમ્વાર’ નો પરિચય આપણે માણ્યો હતો.

    આ પુસ્તકમાંની યાદો બહુ બધાં લોકોને પોતાની અંગત યાદો જેવી લાગી છે. શ્રી બીરેનભાઈ કોઠારીએ અંગતપણાના ભાવને વધારે નક્કર શબ્દદેહ આપ્યો. જરૂર જણાઈ ત્યાં પૂરક માહિતીઓ કે ટિપ્પ્ણીઓ ઉમેરીને એ પુસ્તકનાં કેટલાંક પ્રકરણોના તેઓએ મુક્તાનુવાદ કર્યા.

    વેબ ગુર્જરીના વાચકો સાથે એ મુક્તાનુવાદોની લ્હાણ વહેંચવા માટે બીરેનભાઈએ પોતાની એ તાસકને ખુલ્લી મુકી દીધી છે.

    તેમનો હાર્દિક આભાર માનીને આપણે પણ ગુલઝારની યાદોને મમળાવીએ.


    બીરેન કોઠારી

    ઉત્તમ કુમાર સાથે ફિલ્મ બનાવવાની આકાંક્ષા બહુ વખતથી મારા મનમાં સળવળી રહી હતી. આકાંક્ષા ગુપ્ત, છતાં દૃઢ હતી. મને કદી દિલીપ કુમાર સાથે ફિલ્મ બનાવવાની ઈચ્છા થઈ નહોતી. મને થતું કે મારી એકાદ ફિલ્મમાં ઉત્તમ કુમારને હું હીરો તરીકે ચમકાવું તો કેવું!

    ‘કિતાબ’ બનાવવાનું વિચાર્યું એટલે મને કેવળ તેમનો જ વિચાર આવ્યો. તેમના સેક્રેટરીને મેં ફોન કર્યો. કુશળમંગળના સમાચારની આપ-લે પછી એ કૉલ ઉત્તમ કુમારને ટ્રાન્સફર કરવામાં આવ્યો. અને એમની સાથેની વાતચીતે જ મને પ્રભાવિત કરી દીધો. તેમણે મને સ્ક્રીપ્ટ મોકલવા કહ્યું. થોડી ક્ષણોની ચૂપકીદી પછી તેઓ બોલ્યા, ‘ઓકે, હું તમારી ફિલ્મ કરીશ.’ મારી ખુશીની કોઈ સીમા ન રહી. એમના જેવા નખશીખ સજ્જન મેં ઓછા જોયા છે. હીરોસહજ નખરાંનો તેમનામાં સદંતર અભાવ હતો. મારા માટે સૌથી મોટી વાત એ હતી કે તેમણે ફિલ્મ વિશે ખાસ કશું જાણ્યા વિના મારી ફિલ્મ માટે સંમતિ આપી દીધી હતી.

    શૂટ દરમિયાન તેઓ એકદમ નિયમિત રહેતા. પોતાની ભૂમિકાનું તેઓ સતત રીહર્સલ કરતા રહેતા. વાત કરવાની ઈચ્છા થાય ત્યારે તેઓ એ પણ પોતાની અનોખી શૈલીમાં કરતા, છતાં કદી તેઓ કોઈનું ઘસાતું બોલતા નહીં. એક કિસ્સો જણાવું. એક દિવસ (હાસ્ય અભિનેતા નહીં, દિગ્દર્શક) આસિત સેનની વાત નીકળી. મેં એમને કહ્યું, ‘ઉત્તમ કુમારજી, આસિતદાની ‘દીપ જેલે જાઈ’માં તમે એકે વાર દેખાતા નથી. પેલા ગીતમાં તમે બહુ સરસ કરેલું, પણ કેમેરામાં તમારી પીઠ જ દેખાડવામાં આવેલી.’ શાંતિથી, સહેજ મલકાઈને તેઓ બોલ્યા, ‘મેં એ ફિલ્મમાં અભિનય સુદ્ધાં કર્યો નથી. એ દૃશ્યમાં આસિત સેન પોતે જ હતા.’ તેઓ બંગાળના સુપરસ્ટાર હતા. મારી આવી વાતથી તેઓ છેડાઈ શક્યા હોત અને કહી શક્યા હોત કે મારે વિગતો બરાબર ચકાસીને વાત કરવી જોઈએ કે એ દૃશ્યમાં પોતે નહોતા.

    તેમની રીતભાતમાં કંઈક વિશિષ્ટતા હતી. પડદા પર દેવતા સમો દેખાતો, જે કદી સ્પર્શી ન શકાય એવો જણાતો એ માણસ કોઈકની સાથે ગપશપ વખતે કે મજાકમસ્તી કરતી વખતે સાવ અલગ જણાતો. જાણે કે કોઈ પણ ક્ષણે એ તમને ભેટશે અને વાત કરવા લાગશે. મારે કહેવું જોઈએ કે સુચિત્રા સેનથી હું નિકટ હતો, પણ કદી તેમની સાથે કામ વિનાની ગપસપ લડાવવાનું વિચારી ન શકું. અમે મજાકમસ્તી કરતાં ખરાં, પણ એક અંતર રાખીને. જ્યારે ઉત્તમ કુમાર સાથે એવું કશું અંતર અનુભવાતું નહીં. તેમની આસપાસ ગૂંથાયેલી કથાઓ તો એ જ જાણે.

    – ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો ‘Actually…I met them’ પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)

    નોંધ:

    આ સાથે આપેલી ‘કિતાબ’ ફિલ્મની એક ઝલકમાં ઉત્તમ કુમારને જોઈ શકાશે.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)