વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ખોરાકપસંદગીમાં પણ ભેદભાવ હોય? છે.

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    શ્રાવણ માસમાં આવતા અનેક છૂટાછવાયા તહેવારો પછી ગણેશોત્સવ, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોની શ્રેણી આરંભાય છે. તહેવારોનો મુખ્ય ખરેખર તો એકધારી ઢબે ચાલતી જીવનશૈલીમાં એકવિધતાનો ભંગ કરીને મનોરંજન માટેનો કહી શકાય, પણ હવે માહોલ એવો થતો ચાલ્યો છે કે તહેવારો જાણે કે બારે માસ ઊજવાતા રહેતા હોય એમ લાગે, અને તેની એકવિધતામાંથી છૂટકારો મેળવવા માટે ઊજવણી વિનાના દિવસો દોહ્યલા જણાય. આનું મુખ્ય કારણ રાજકારણનો રોજબરોજના ઉત્સવોમાં સહેતુક પ્રવેશ અને દેખાડાની વકરતી જતી મનોવૃત્તિ.

    દેખાડાની મનોવૃત્તિ વકરાવવામાં મુખ્ય પ્રદાન સામાજિક નેટવર્કિંગનાં માધ્યમોનું છે, જે વ્યક્તિના મનમાં રહેલા ઈર્ષા અને સ્પર્ધાભાવને ઉત્તેજે છે. હવે લોકો પોતાના આનંદ માટે ક્યાંય ફરવા જાય, ભોજન કરવા જાય કે કોઈને મળવા જાય ત્યારે સૌ પહેલું કામ સામાજિક નેટવર્કિંગના માધ્યમ પર તેની જાણ કરવાનું કરે છે. સતત આ માધ્યમનો ઉપયોગ કરતા લોકો ઘણી વાર વાસ્તવિક જગતથી કપાઈને આભાસી વિશ્વમાં વિહરવા લાગે છે. તદુપરાંત આ માધ્યમોનું અલ્ગોરિધમ (માહિતી જોવાની કે શોધવાની તરાહ અનુસાર જરૂરી વિગતો આગોતરી દર્શાવતી પ્રક્રિયા) એવું છે કે વપરાશકર્તાને તે એ ચીજોનો નિર્દેશ વધુ અને વારંવાર કરે જે વપરાશકર્તાએ આ માધ્યમો પર જોઈ કે શોધી હોય.

    તહેવારોની ઊજવણી સાથે નાણાં અને ખોરાકનો વેડફાટ અભિન્નપણે સંકળાયેલો છે, કેમ કે, પ્રત્યેક ઊજવણી સાથે ભોજન જોડાયેલું હોય છે. લોકો ભોજનની તૈયાર ડીશની છબિઓ મૂકે છે. આ માનસિકતા અને પ્રવૃત્તિને કારણે ભોજનમાં સ્વાદ કરતાં સજાવટનું મહત્ત્વ વધ્યું છે. આ બાબતની માનવસ્વાસ્થ્ય પર કેવી વિપરીત અસર થઈ રહી છે એ બાબતે નવેસરથી અભ્યાસ થવા લાગ્યા છે.

    મોટા ભાગના દેશોમાં થયેલા અભ્યાસમાં એક હકીકત સામાન્ય જોવા મળે છે અને તે એ કે કેવળ દેખાવને કારણે ખોરાકનો ટનબંધ બગાડ થાય છે અને તેને નકામું ગણીને ફેંકી દેવામાં આવે છે. વિચિત્ર આકાર, ન ગમે એવો રંગ કે છાલ પરના ડાઘ જેવી બાબતો જે તે ખોરાકને નકામો ઠેરવવામાં મદદરૂપ બને છે. એમ પણ જણાયું છે કે પોષક તત્ત્વ અને સ્વાદમાં જરાય ઊતરતું ન હોવા છતાં માત્ર કુરૂપતાને કારણે દર પાંચમાંથી એક ફળ કચરાના ઢગને હવાલે કરાય છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    અમેરિકન લેખકો રિચર્ડ હોર્સી અને ટિમ વ્હાર્ટન દ્વારા લખાયેલા પુસ્તક ‘અગ્લી ફૂડ: ઓવરલૂક્ડ એન્ડ અન્‍ડરકૂક્ડ’માં કુરૂપ હોવાને કારણે કચરામાં ફેંકાતા તમામ પ્રકારના ખોરાકનો મહિમા કરવામાં આવ્યો છે. માંસાહારનો પણ તેમાં સમાવેશ છે, કેમ કે, ભોજનપસંદગી બન્ને પ્રકારનો આહાર લેનારને સરખી રીતે લાગુ પડે છે. અલબત્ત, આપણા દેશમાં કુરૂપ દેખાતું ભોજન સીધેસીધું કચરાને હવાલે કરવાને બદલે સસ્તામાં વેચી દેવાતું હોય એમ બને છે. તેને ખરીદનારાઓમાં નબળી આર્થિક સ્થિતિવાળા કે ઢાબા યા રેસ્તોરાંવાળાઓનો સમાવેશ થાય છે.

    સરખામણી વિચિત્ર લાગે પણ જીવનશૈલીમાં પ્રવેશેલી ચમકદમક અને દેખાડાની વૃત્તિ ભોજનની કાચી સામગ્રીની ખરીદીમાંય પ્રતિબિંબીત થાય છે. સાથોસાથ ભોજનમાં વૈવિધ્યનું પ્રમાણ પણ ઘટતું જાય છે. આ જરા વિચિત્ર બાબત જણાય, કેમ કે, પહેલી દૃષ્ટિએ જોઈએ તો હવે પંજાબી કે ચાઈનીઝ તો ઠીક, થાઈ, મેક્સિકન, ઈટાલિયન, સ્પેનિશ કે એવી અન્ય વિદેશી વાનગીઓ લગભગ બધે સુલભ બની રહી છે. પણ આ વાનગીઓનું સ્થાનિક સ્વાદ અને જરૂરિયાત અનુસાર સહેલાઈથી  પ્રાદેશિકીકરણ કરવામાં આવે છે. એક સાદા ઉદાહરણથી આ સમજવાની કોશિશ કરીએ. ઈટાલીયન મૂળની વાનગી પીત્ઝા આપણા દેશમાં ‘જન્‍ક ફૂડ’ ગણાય છે, જે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓને વધારે છે. પણ ઈટાલીમાં એ રોજિંદો સ્થાનિક આહાર (સ્ટેપલ ફૂડ) છે. તો શું પીત્ઝા ખાવાથી ભારતીયોને સ્વાસ્થ્યની સમસ્યાઓ થાય એમાંથી ઈટાલિયનો બાકાત રહેતા હશે? આમ ન થવાનું કારણ એ કે ભારતમાં મળતો પીત્ઝા ઈટાલિયન નહીં, પણ સ્થાનિક બનાવટનો હોય છે. આથી તેનો સ્વાદ પણ સ્થાનિક લોકોની રુચિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. ‘જૈન પીત્ઝા’ જેવા સમુદાયવિશેષ સ્વાદની કદાચ ઈટાલિયનોએ કલ્પના સુદ્ધાં નહીં કરી હોય.

    ‘જંક ફૂડ’માં ખાંડ, મીઠું અને ખટાશનો અતિરેક કરવાથી સ્વાદેન્‍દ્રિયોને તેની આદત પડતી જાય છે, અને તે અન્ય સ્વાદને પારખવાની ક્ષમતા ગુમાવવા લાગે છે. સરવાળે એ સ્વાસ્થ્યને હાનિ નોંતરે છે.

    તહેવારોના દિવસોમાં, એમાંય દિવાળીના તહેવારોમાં રસોડું બંધ રાખવાનું ચલણ વધવા લાગ્યું છે. એક પ્રગતિશીલ વર્ગ આ બાબતને ‘નારીની રોજિંદી ઘટમાળમાંથી મુક્તિ’ તરીકે જુએ છે. આ મુદ્દો સાચો છે, પણ સંપૂર્ણ નથી. બીજી અનેક એવી બાબતો છે કે જેમાં આ મુદ્દો લાગુ પાડવો વધુ જરૂરી છે. જેમ કે, મહિલાઓ પ્રત્યેનો સામાન્ય વ્યવહાર અને વર્તન, તેમની પર થતા અત્યાચારો, તેમના માટેની જાહેર સુવિધાઓનો અભાવ સહિત બીજા અનેક. પોતાની જીભના ચટાકા માટે, પોતાને પોસાણ છે માટે, અને પોતે અમુકતમુક સ્થળે ભોજન માટે ગયા હોવાની જાણ કરવાનો હેતુ સાધવા માટે બહાર ભોજન લેવા જવાની પ્રથાને ‘નારીમુક્તિ’સાથે સાંકળીને દલીલ કરનાર સામે શી દલીલ હોઈ શકે!

    આપણે એટલું યાદ રાખવાનું છે કે ખોરાકનો બગાડ એ ગેરકાનૂની ભલે ન હોય, પણ એ ગુનાહિત કૃત્ય છે. ખોરાકને પણ દેખાવ સાથે સાંકળવો એ આપણી ભેદભાવલક્ષી માનસિકતાનું સૂચક છે. વિકસીત દેશોએ ખોરાક સાથે ચેડાં કરીને જે આધુનિક ગણાતી બજારલક્ષી સંસ્કૃતિ ઊભી કરી એ ભૂલ કરવામાંથી બચી શકીએ એવી તક હજી આપણી પાસે રહી છે. એમાં સરકાર કે કાયદો કશું નહીં કરી શકે. કેમ કે, આપણું સ્વાસ્થ્ય જાળવવાની જવાબદારી આપણી જ છે. તેના માટે સ્વસ્થ બુદ્ધિએ વિચારવું જ પૂરતું છે. સ્વાસ્થ્યવર્ધક ખોરાક કદાચ સ્વસ્થ બુદ્ધિને વિકસાવી શકે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩૧ -૧૦ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • કુદરતની કેડીએ – કેડી કંડારનારા –૫

    લેખન-સંકલન : યાત્રી બક્ષી

    કેપ્ટન જેમ્સ કૂકની સાહસિક સફરો અને પ્રકૃતિનું દસ્તાવેજીકરણ

    જંબુદ્વિપ તરીકે ઓળખાતા પ્રાચીન ભારતની પ્રજાએ સમુદ્રોનું ખેડાણ સદીઓ પહેલાંથી શરૂ કરી દીધેલું. પૌરાણિક કથાઓ મુજબ પરશુરામે ક્ષત્રિય વિહોણી ભૂમિ કરવાના સંકલ્પને એક જ શરતે થંભાવેલો કે જો ક્ષત્રિયો હિંસા અને આધિપત્યનો માર્ગ છોડીને વેપારમાં પોતાનું બળ અજમાવે તેથી પ્રજા સામાન્યને લાભ મળે. આમ સમુદ્રનું જોખમી ખેડાણ કરનારા ક્ષત્રિયો સાર્થવાહો થયા. મુંબઈ નગરીની આસપાસ મળી આવતી ગુફાઓ જેને કાળક્રમે બૌદ્ધોએ આશ્રય સ્થાન તરીકે વાપર્યાં તે વાસ્તવમાં ખલાસી વેપારીઓના માલ સંગ્રહસ્થાનો અને બજારો હતાં તેવો એક મત છે. પશ્ર્ચિમી તટો ઉપર આવી અનેક વિશાળ ગુફાઓ મળી આવે છે, જ્યાંથી સમુદ્રી વેપાર ધમધમતો. ભારત મૌસમ વિજ્ઞાનમાં અત્યંત પાવરધું હતું. મૌસમી પવનોના અભ્યાસના આધારે આ વહાણવટું ખેડાતું.

    જાવા-સુમાત્રા, દક્ષિણ એશિયા, મધ્ય એશિયા અને યુરોપ સુધી આ વેપાર ચાલતો. આ વેપારી વહાણવટાનો સમય ૫૦૦ એડીથી ૧૦૦ એડીનો મનાય છે. બૌદ્ધ પ્રવાસીઓએ ભારતના એ સમયનું દસ્તાવેજીકરણ કર્યું તે આજે પણ સમજવામાં ઉપયોગી થાય છે. સવાલ એ થાય કે ધમધોકાર ચાલતા સમુદ્રી આંતરરાષ્ટ્રીય વેપારમાં એક પણ એવી સફર કે દસ્તાવેજ નથી મળતો કે જે ખેડેલા પ્રાંતોની સભ્યતાઓ, પ્રકૃતિ કે દરિયાઈ જીવસૃષ્ટિ વિષે કોઈ અવલોકન પૂરાં પાડે.

    તેનાથી વિપરીત પશ્ર્ચિમી જગતમાં બ્રિટિશ રાજે ખાસ એવી સફરો આદરી કે જેનો મુખ્ય હેતુ જે-તે ભૂમિ ભાગો ઉપર પોતાનું આધિપત્ય જમાવી ત્યાંનાં કુદરતી સંસાધનોનું દોહન કરવું હતો. આવી સફરોની મુખ્ય કે આડપેદાશ સ્વરૂપે જગતને અનેક દુર્લભ શોધખોળોના ખજાનાઓ મળ્યા. દસ્તાવેજીકરણના મુદ્દે યુરોપીય અભ્યાસુઓ ખરેખર અનુકરણીય કાર્ય કરી ગયા છે. આવા જ એક સાહસિક પ્રકૃતિપ્રેમી મારિયાના કીટક અભ્યાસ વિષે આપણે જાણ્યું. અને લિનિયેસે વનસ્પતિઓના વિશાળ અભ્યાસ માટે પણ દાયકાઓ વેરાન પ્રાંતોના પ્રવાસ ખેડ્યા.

    આજે આપણે પૃથ્વીના ગોળાર્ધ પર અસ્તિત્વમાં તમામ સાત સમુદ્રોને એક જ જિંદગીમાં ખેડી નાખનાર દરિયાઈ સૃષ્ટિના અદ્ભુત અવલોકનકાર કેપ્ટન કુક વિષે જાણીશું. તેમનો પરિચય મને ટેલિવિઝન મારફતે થયેલો. ૧૯૮૭-૮૮માં માસ્ટર ઓફ સેવન સીઝ નામની સિરિયલમાં કેપ્ટન કૂકની સાહસિક સફરોને હપ્તાવાર દર્શાવતી, રોમાંચકારી અને એ સિરિયલના સાચા હીરોના ખરા યોગદાન વિષે બહુ વર્ષો પછી પુસ્તકાલયોથી જ જાણ્યું.

    દરિયાઈ જીવવિજ્ઞાનનો ઇતિહાસ ૧૨૦૦ બીસીની શરૂઆતમાં શરૂ થયો હશે જ્યારે ફોનિશિયનોએ આકાશી સંશોધકોનો ઉપયોગ કરીને સમુદ્રની સફર શરૂ કરી. સમુદ્ર અને તેનાં રહસ્યોના સંદર્ભો ગ્રીક પૌરાણિક કથાઓમાં વિપુલ પ્રમાણમાં છે. ખાસ કરીને હોમરિક કવિતાઓ ‘ધ ઇલિયડ’ અને ‘ધ ઓડીસી’. જોકે, પ્રાચીન ઇતિહાસના આ બે સ્રોતો મોટેભાગે સમુદ્રને પરિવહન અને ખોરાકના સ્રોત તરીકે ઓળખે છે. ૩૮૪-૩૨૨ બીસીનાં એરિસ્ટોટલનાં લખાણો સુધી દરિયાઈ જીવનના ચોક્કસ સંદર્ભો નોંધવામાં આવ્યા ન હતા. એરિસ્ટોટલે ક્રસ્ટેશિયન્સ, ઇચિનોડર્મ્સ, મોલસ્ક અને માછલી સહિતની વિવિધ પ્રજાતિઓની ઓળખ કરી હતી. તેણે એ પણ ઓળખ્યું કે ક્રિટેશિયન્સ કરોડરજ્જુ ધરાવતા એવા દરિયાઈ જીવો જે બે પ્રકારે પ્રજોત્પત્તિ કરે છે, એક ઓવિપેરસ જે ઈંડાં મૂકે છે અને બીજી વિવિપેરસ જે બચ્ચાંને જન્મ આપે છે. એરિસ્ટોટલને ઘણી વાર દરિયાઈ જીવવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે દરિયાઈ જીવન પર અવલોકનો રેકોર્ડ કરનાર પ્રથમ વ્યક્તિ છે.

    ૧૫મી સદીના ઉત્તરાર્ધ અને ૨૦મી સદીની શરૂઆતની વચ્ચે, મનુષ્યોએ મહાસાગરોનું અન્વેષણ કર્યું હતું જેમ કે નવા નકશા અને ચાર્ટ બનાવ્યા અને સ્વદેશના બંદરો પર પાછા લાવવા માટે નમૂનાઓ એકત્રિત કર્યા. આ સમય દરમિયાન થયેલી મોટાભાગની શોધખોળ યુરોપિયન દેશો જેમ કે સ્પેન, પોર્ટુગલ, ફ્રાન્સ, ઈટાલી, સ્કોટલેન્ડ અને જર્મની દ્વારા કરવામાં આવી હતી. દરિયાઈ જીવવિજ્ઞાનના કેટલાક સીમાચિહ્ન સંશોધકોએ આ સમયગાળા દરમિયાન તેમનું પ્રખ્યાત કાર્ય કર્યું. કેપ્ટન જેમ્સ કૂક, ચાર્લ્સ ડાર્વિન અને વાયવિલે થોમસન જેવા સંશોધકોએ આ સમય દરમિયાન દરિયાઈ જીવવિજ્ઞાનના ઇતિહાસમાં ક્રાંતિકારી યોગદાન આપ્યું હતું.

    મરીન બાયોલોજી અને કેપ્ટન જેમ્સ કૂક

    જેમ્સ કૂક બ્રિટિશ નૌકાદળના કપ્તાન તેમની શોધખોળની સફર માટે જાણીતા છે. જેમાં તેમણે વિશ્ર્વની અગાધ-વણખેડી સામુદ્રિક જલરાશિનું મેપિંગ એટલે કે પૃથ્વી પરના સાતેય સમુદ્રોની માપણી કરી અને જગતને નવા ટાપુઓ, ભૂમિ ભાગો અને જળમાર્ગોના નકશાઓ આપ્યા. કૂકની શોધખોળ તેને વિશ્ર્વભરમાં બે વાર લઈ ગઈ અને અગાઉ અજાણ્યા છોડ અને પ્રાણીઓનાં અસંખ્ય વર્ણનો તરફ દોરી ગઈ. કૂકનાં સંશોધનોએ અન્ય ઘણા લોકોને પ્રભાવિત કર્યા અને સંખ્યાબંધ વિજ્ઞાનીઓને દરિયાઈ જીવનની વધુ નજીકથી તપાસ આદરવા પ્રેરિત કર્યા જેમાં પ્રભાવિત ચાર્લ્સ ડાર્વિન પણ હતા.

    જીવવિજ્ઞાનના આધુનિક અભ્યાસની શરૂઆત ૧૮મી સદીના બ્રિટનમાં જેમ્સ કૂક દ્વારા કરવામાં આવેલી શોધ સાથે થઈ હતી. જેમ્સ કૂકનો જન્મ ૧૭૨૮માં યોર્કશાયર-ઇંગ્લેન્ડમાં થયેલો. તેઓ એક બ્રિટિશ નૌકા કપ્તાન, નેવિગેટર અને સંશોધક હતા જેમણે કેનેડાના દરિયાઈ માર્ગો અને દરિયાકિનારા પર સફર કરી હતી. (૧૭૫૯ અને ૧૭૬૩-૬૭) અને પેસિફિક મહાસાગર સુધી ત્રણ અભિયાનો (૧૭૬૮-૭૧, ૧૭૭૨-૭૫, અને ૧૭૭૬-૭૯) હાથ ધર્યાં હતા, જેમાં એન્ટાર્કટિક બરફનાં ક્ષેત્રોથી લઈને બેરિંગ સ્ટ્રેટ સુધી અને ઉત્તર અમેરિકાના દરિયાકિનારાથી ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સુધીનો સમાવેશ થાય છે.

    કેપ્ટન કૂક બ્રિટિશ નૌકાદળ માટે શોધની તેમની વ્યાપક સફર માટે સૌથી જાણીતા છે, જે તે સમય દરમિયાન વિશ્ર્વની અજાણી જલરાશિને માપે છે. તેમણે તેમના જીવનકાળ દરમિયાન બે વાર વિશ્ર્વની પરિક્રમા કરી, જે દરમિયાન તેમણે અસંખ્ય છોડ અને પ્રાણીઓનાં વર્ણનો લૉગ કર્યાં જે મોટાભાગનાં માનવજાત માટે અજાણ હતાં.

    ૧૮ વર્ષની ઉંમરે, ૧૭૪૬માં, તે વ્હીટબીના જાણીતા ક્વેકર જહાજના માલિક જ્હોન વોકર પાસે એપ્રેન્ટિસ થયા હતા. અને ૨૧ વર્ષની ઉંમરે તેને વોકર કોલિયર – બાકર્સમાં સક્ષમ નાવિક તરીકે દરજ્જો આપવામાં આવ્યો હતો, મુખ્યત્વે ઉત્તર સમુદ્રના વેપારમાં. જ્યારે શિયાળાના સૌથી ખરાબ મહિનામાં વ્હીટબી ખાતે જહાજોના સમારકામ માટે મૂકવામાં આવતા. ત્યારે કૂક કિનારે રહેતા હતા અને રાત્રે ગણિતનો અભ્યાસ કરતા હતા. દરિયાકિનારે લાંગરેલાં જહાજો માટે જે કાંઠા ભયજનક સાબિત થતા ત્યાં વ્હીટબી બાર્ક-ઉત્તર સમુદ્રના પાણીમાં સતત કામ કરતા, આ જોખમી પડાવોએ કૂકને શાનદાર પ્રાયોગિક તાલીમ આપી, કે ખલાસીએ કોઈપણ સમુદ્રથી ડરવાની જરૂર નથી. ત્યારબાદ કૂકે રોયલ નેવીમાં સક્ષમ નાવિક તરીકે સ્વૈચ્છિક સેવા આપી હતી. તેને ખાતરી હતી કે, સક્ષમ વ્યાવસાયિક નાવિક માટે શઢવાળાં વહાણ કરતાં નૌકાદળ વધુ રસપ્રદ તકો આપશે. ૨૭ વર્ષની ઉંમરે તેઓ એબલ સીમેનના પદ સાથે રોયલ નેવીમાં જોડાયા. ફ્રાન્સ સાથેના યુદ્ધ દરમિયાન તેણે એટલાન્ટિક પર સફર કરી અને ખગોળશાસ્ત્ર અને ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને સર્વેક્ષણની કળા શીખી.

    સફર અને શોધો

    ૧૭૬૮માં, રોયલ સોસાયટી, એડમિરલ્ટી સાથે મળીને, પેસિફિકમાં પ્રથમ વૈજ્ઞાનિક અભિયાનનું આયોજન કરી રહી હતી, ૪૦ વર્ષીય જેમ્સ કૂકને આ અભિયાનના કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કૂકને ચાર વર્ષનું માત્ર ૩૬૮ ટન અને ૯૮ ફૂટ (૩૦ મીટર) કરતાં પણ ઓછું લાંબું ઇંખજ એન્ડેવર નામનું અત્યંત મજબૂત વ્હીટબી બાર્ક આપવામાં આવ્યું હતું. કૂકનો ઉદ્દેશ રોયલ સોસાયટીના સજ્જનો અને તેમના મદદનીશોને તાહીતીમાં શુક્ર ગ્રહના સૂર્યના સંક્રમણનું અવલોકન કરાવવાનો હતો. આ પ્રથમ સફરમાં કૂક પ્રારંભિક દરિયાઈ પંચાંગ અને બ્રાસ સેક્સ્ટન્ટ્સ લઈ ગયા હતા પરંતુ કોઈ ક્રોનોમીટર નહોતું.

    તેઓ તાહિતીથી દક્ષિણ અને દક્ષિણ પશ્ર્ચિમ તરફ પ્રહાર કરતા પુરોગામી વેપારી પવનો સાથે પશ્ર્ચિમ અને પશ્ર્ચિમ-ઉત્તરપશ્ર્ચિમ તરફ ગયા અને કૂકે આખું ન્યુઝીલેન્ડ શોધી કાઢ્યું. પશ્ર્ચિમ તરફ તાસ્માન સમુદ્રને પાર કરવો પડકાર હતો જેમાં તેમણે સફળતા મેળવી. અને ૧૯ એપ્રિલ, ૧૭૭૦ના રોજ, ઓસ્ટ્રેલિયાના દક્ષિણપૂર્વ કિનારે આવ્યો. તેના ૨૦૦૦-માઈલ (૩,૨૦૦ કિ.મી.) પૂર્વી સર્વેક્ષણ કરતા, કૂકે ક્વીન્સલેન્ડના ગ્રેટ બેરિયર રીફને સફળતાપૂર્વક નેવિગેટ કર્યું. તેને કમાન્ડર તરીકે બઢતી આપવામાં આવી અને ટૂંક સમયમાં તેણે બીજી અને વધુ મહત્ત્વાકાંક્ષી સફરનું આયોજન કરવાનું શરૂ કર્યું. આ સફરમાંથી વૈજ્ઞાનિક રીતે એકત્રિત કરવામાં આવેલી સામગ્રીની સંપત્તિ અનન્ય હતી. કૂકને હવે એન્ટાર્કટિકામાં પ્રથમ પરિક્રમા કરવા અને પ્રવેશ કરવા માટે બે જહાજો સાથે મોકલવામાં આવ્યા હતા. તેમના વિજ્ઞાનીઓના અભિયાનની સફળતા માત્ર નવી જમીનોની શોધમાં જ નહીં પરંતુ અન્ય ઘણા વૈજ્ઞાનિક વિષયોમાં નવા જ્ઞાનમાં રસને ઉત્તેજિત કરે છે.

    જુલાઈ ૧૭૭૨ અને જુલાઈ ૧૭૭૫ની વચ્ચે કૂકે એક નાનકડા ભૂતપૂર્વ વ્હીટબી જહાજ સાહસ સાથે, ફરી એક મહાન સઢવાળી જહાજની સફરમાં સ્થાન મેળવ્યું. તેણે એન્ટાર્કટિકામાં ૭૦૦ સે. અક્ષાંશથી આગળ સફર કરી, શિયાળા દરમિયાન ટોંગા અને ઇસ્ટર ટાપુને રેખાંકિત કર્યા અને ઊંચા અક્ષાંશોમાં પ્રથમ પશ્ર્ચિમ-પૂર્વ પરિક્રમા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. પેસિફિક મહાસાગરમાં ન્યૂ કેલેડોનિયા અને એટલાન્ટિક મહાસાગરમાં દક્ષિણ સેન્ડવિચ ટાપુઓ અને દક્ષિણ જ્યોર્જિયા ટાપુ શોધ્યા હતા. તેણે બતાવ્યું કે વાસ્તવિક ટેરા ઑસ્ટ્રેલિસ માત્ર ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડના લેન્ડમાસમાં જ અસ્તિત્વ ધરાવે છે અને એન્ટાર્કટિકાના બરફના કિનારાની બહાર ગમે તેટલી જમીન સ્થિર રહી શકે છે. ઇંગ્લેન્ડમાં અંતે તેમને કપ્તાન તરીકે બઢતી આપવામાં આવી, રોયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાયા. કુકના જહાજ પર કામદારો અને અધિકારીઓનાં મૉત થતાં નહિ કારણ કે તેઓ સફાઈ અને ખાનપાનમાં સખત શિસ્તનો આગ્રહ રાખતા. આથી જ ખલાસીઓને થતી ચેપી મરડા જેવી જીવલેણ બીમારી-સ્કર્વી વિશેના તેમના પ્રાયોગિક કાર્યના લેખ માટે, સર્વોચ્ચ સન્માન, ગોલ્ડ કોપ્લી મેડલથી સન્માનિત કરવામાં આવ્યા.

    કેનેડા અને અલાસ્કાની આસપાસ ઉત્તરપશ્ર્ચિમ માર્ગ અથવા એટલાન્ટિક અને પેસિફિક વચ્ચે સાઇબિરિયાની આસપાસનો ઉત્તરપૂર્વ માર્ગ અસ્તિત્વમાં છે કે કેમ એ રહસ્ય શોધવાનું બાકી હતું. એવું માનવામાં આવતું હતું કે ઉત્તર પેસિફિકમાંથી શોધ સફળ થઈ શકે છે. શોધ હાથ ધરનાર દેખીતી રીતે કૂક હતો. અને જુલાઈ ૧૭૭૬માં તે ફરીથી ડિસ્કવરી નામના બીજા વ્હીટબી જહાજ શોધ પર સફરે નીકળ્યા પરંતુ તે અસફળ અને આખરી સફર રહી કારણ કે નૌકાવિહાર વહાણો દ્વારા ઉપયોગમાં લઈ શકાય તેવો ઉત્તરપશ્ર્ચિમ કે ઉત્તરપૂર્વીય માર્ગ અસ્તિત્વમાં ન હતો, અને સફર કૂકના મૃત્યુ તરફ દોરી ગઈ. ચોરીને લઈને હવાઈ ટાપુઓના સ્થાનિકો સાથેની ટૂંકી તકરારમાં, પોલિનેશિયનો દ્વારા કૂકની કેલાકેકુઆ ખાતે બીચ પર હત્યા કરવામાં આવી હતી.

    કેપ્ટન કૂકે શોધ અને નૌકાદળ, નેવિગેશન, કાર્ટગ્રાફી અને સમુદ્રી સફરમાં ખલાસીઓની સંભાળ, મૈત્રીપૂર્ણ અને પ્રતિકૂળ બંને સ્વદેશી લોકો સાથેના સંબંધોમાં અને સમુદ્રમાં વિજ્ઞાનના ઉપયોગમાં સંપૂર્ણતાનાં નવાં ધોરણો સ્થાપિત કર્યાં હતાં. વિશ્ર્વનો નકશો ઇતિહાસના અન્ય કોઈ એક માણસ કરતાં કેપ્ટન કૂકે વધુ બદલી નાખ્યો હતો.

    નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ, લંડને કેપ્ટન કૂકના દક્ષિણ પેસિફિકથી આર્ટસ્ટોર સુધીનાં અભિયાનો સાથે સંકળાયેલ વનસ્પતિશાસ્ત્રીય અને પ્રાણીશાસ્ત્રીય ચિત્રોની આશરે ૧,૬૦૦ છબીઓનું યોગદાન આપ્યું છે. ધ એન્ડ્રુ ડબલ્યુ. મેલોન ફાઉન્ડેશનના સમર્થનથી, મ્યુઝિયમે વોટરકલર્સ અને ડ્રોઈંગ્સનું ડિજીટલાઈઝેશન કર્યું છે અને તેને આર્ટસ્ટોરમાં શિષ્યવૃત્તિ અને શિક્ષણ માટે ઉપલબ્ધ કરાવ્યું છે.

    કૂકની પ્રથમ સફર (૧૭૬૮-૧૭૭૧)

    જ્યારે કૂકે ૧૭૬૮માં એચએમએસ એન્ડેવર પર સફર કરી ત્યારે તેની સાથે પ્રકૃતિવાદી જોસેફ બેંકસ જોડાયા હતા. જેમ જેમ એન્ડેવર તેના પશ્ર્ચિમ તરફના માર્ગને અનુસરે છે તેમ બેંક્સ અને વનસ્પતિશાસ્ત્રી ડેનિયલ સોલેન્ડરે પ્રાણીઓ અને છોડના નમૂનાઓ એકત્રિત કર્યા, જે સિડની પાર્કિન્સન દ્વારા દર્શાવવામાં આવ્યા હતા. ૧૭૭૦માં, વહાણ બોટની ખાડી (હવે સિડની) પહોંચ્યું. અભિયાન દરમિયાન, બેંકસ અને સોલેન્ડરે લગભગ ૫,૦૦૦ પ્રજાતિઓ એકત્રિત કરી, જેમાંથી ઘણી અગાઉ અજાણી હતી. કુકની પ્રથમ સફર આર્ટસ્ટોરમાં અંદાજે ૯૬૦ ચિત્રો દ્વારા દર્શાવવામાં આવી છે.

    કૂકની બીજી સફર (૧૭૭૨-૧૭૭૫)

    બીજી સરફ પર, કૂકે એચએમએસ રિઝોલ્યુશનને કમાન્ડ કર્યું અને ટોબિઆસ ફર્નોક્સે એક સાથી જહાજ, એચએમએસ એડવેન્ચરનું નેતૃત્વ કર્યું. કૂકની ટીમમાં વિદ્વાન જોહાન રેઈનહોલ્ડ ફોરસ્ટરનો સમાવેશ થાય છે. તેની સાથે તેમના પુત્ર, જોહાન જ્યોર્જ એડમ ફોર્સ્ટર, એક ચિત્રકાર, તેમજ અન્ય કલાકાર વિલિયમ હોજેસ હતા. ૧૭૭૩માં, જહાજો એન્ટાર્કટિક સર્કલને પાર કરનાર પ્રથમ યુરોપિયન જહાજો બન્યાં. કમનસીબે, તેઓ એન્ટાર્કટિક ખંડ પર લેન્ડફોલ ચૂકી ગયાં અને તેઓ અલગ થઈ ગયાં. દક્ષિણ પેસિફિકનું અન્વેષણ અને ચાર્ટ કરવાનું ચાલુ રાખ્યું. કુકની બીજી સરફ આર્ટસ્ટોરમાં લગભગ ૫૭૦ ડ્રોઈંગ્સ અને જોહાન જ્યોર્જ એડમ ફોર્સ્ટર દ્વારા સમગ્ર દક્ષિણ સમુદ્રમાં એકત્રિત કરવામાં આવેલા નમૂનાઓ દ્વારા રજૂ કરવામાં આવી છે.

    કૂકની ત્રીજી સફર (૧૭૭૬-૧૭૭૯)

    કૂકે ત્રીજી અને અંતિમ સફર શરૂ કરી, જેનો હેતુ એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરોને જોડતો કાલ્પનિક વેપાર માર્ગ, નોર્થવેસ્ટ પેસેજ શોધવાનો હતો. કૂકે રિઝોલ્યુશનનું નેતૃત્વ કર્યું અને ચાર્લ્સ ક્લાર્કે બીજા જહાજ, એચએમએસ ડિસ્કવરીનો કમાન્ડ કર્યો. જ્હોન વેબર સત્તાવાર કલાકાર હતા, જે લેન્ડસ્કેપ્સ અને એથનોગ્રાફિક ચિત્રોમાં વિશેષતા ધરાવતા હતા; વિલિયમ વેડ એલિસ, ડિસ્કવરી પર સર્જનના સહાયક, કુદરતી ઇતિહાસના ચિત્રકાર તરીકે બમણા થયા. ઉત્તર અમેરિકાના દરિયાકાંઠે જતા, કુકે પેસિફિક નોર્થવેસ્ટ અને અલાસ્કાના દરિયાકાંઠાને ચાર્ટ કરવા માટે ઉત્તર તરફ જતા પહેલાં હવાઈયન ટાપુઓનો સામનો કર્યો. કૂકે આર્કટિક મહાસગારમાં પ્રવેશ કર્યો અને ઠંડકની સ્થિતિની નોંધ લીધી જે કોઈપણ સંભવિત વેપાર માર્ગને અવરોધે છે. કમનસીબે, હવાઈયન ટાપુઓ પર પાછા ફર્યા પછી, કૂકની ૧૭૭૯માં હત્યા કરવામાં આવી હતી. કૂકની દુર્ભાગ્યપૂર્ણ ત્રીજી સફર આર્ટસ્ટોરમાં પ્રાણીઓ અને છોડને દર્શાવતા એલિસ દ્વારા અંદાજે ૧૦૦ રેખાંકનો દ્વારા રજૂ કરવામાં આવી છે.

    નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમની સ્થાપના ૧૮૮૧માં કરવામાં આવી હતી, જોકે તેના સંગ્રહની ઉત્પત્તિ ૧૮મી સદીની છે. તેમના મૃત્યુ પછી, સર હેન્સ સ્લોને બ્રિટિશ મ્યુઝિયમના મુખ્ય ભાગની રચના કરીને, રાષ્ટ્રને કુદરતી નમૂનાઓ અને જિજ્ઞાસાઓનો તેમનો વ્યાપક સંગ્રહ આપ્યો. જેમ જેમ મ્યુઝિયમે વધારાનો સંગ્રહ મેળવ્યો, તેમ કુદરતી ઇતિહાસ માટે અલગ સુવિધા ઊભી કરવી જરૂરી બની ગઈ. આજે નેચર હિસ્ટ્રી મ્યુઝિયમમાં કુકની ત્રણેય સફરનાં ચિત્રો સહિત લાખો છોડ અને પ્રાણીઓના નમૂનાઓ છે.

    કૂકે તેમના જર્નલમાં તેમના અનુભવો અને લોકો અને સ્થાનો વિશેનાં અવલોકનો નોંધ્યાં હતાં. પ્રથમ સફર અંગેના તેમના અહેવાલો તેમના વિચારો અને કાર્યોની સમજ આપે છે અને પોલિનેશિયા, ન્યુઝીલેન્ડ અને પૂર્વી ઓસ્ટ્રેલિયાના સ્વદેશી લોકોના પ્રારંભિક લેખિત રેકોર્ડ પૈકી એક છે.

    ૧૭૭૧માં ઇંગ્લેન્ડ પરત ફર્યા ત્યારે, કૂક એક સેલિબ્રિટી હતા અને તેમના માનમાં મૂર્તિઓ બનાવવામાં આવી હતી. યુરોપીયન નેવિગેશન, એક્સ્પ્લોરેશન અને વિજ્ઞાનમાં તેમના યોગદાનને કારણે તેમને કેપ્ટન તરીકે બઢતી આપવામાં આવી અને પછીનાં વર્ષોમાં તેમને વધુ બે સંશોધનની સફર સોંપવામાં આવી. ૧૭૭૯માં હવાઈમાં તેમના મૃત્યુ સમયે, તેમની પ્રતિષ્ઠા એટલી વધી ગઈ હતી કે લોકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

    કેપ્ટન જેમ્સ કૂકે પેસિફિક મહાસાગર અને વિશ્ર્વની પરિક્રમા કરતી ત્રણ મહાકાવ્ય સમી સફરનું નેતૃત્વ કર્યું હતું. તેમનાં અભિયાનોએ ભૌગોલિક, સમુદ્રશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રના જ્ઞાનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. કુકની સાથે આવેલા પ્રકૃતિવાદીઓ અને કલાકારોનું કાર્ય સમાન રીતે મહત્ત્વપૂર્ણ છે, જે આર્ટસ્ટોરમાં ઉપલબ્ધ કુદરતી ઇતિહાસનાં ચિત્રો દ્વારા રજૂ થાય છે. આધુનિક દરિયાઈ કેડીને કંડારનારા અને વિશ્ર્વને સમુદ્રી માર્ગોનાં પાક્કાં એંધાણો આપનારા કેપ્ટન કૂકની શોધખોળ બાદ, ચાર્લ્સ ડાર્વિન (૧૮૦૯-૧૮૮૨) સહિત સંખ્યાબંધ વિજ્ઞાનીઓએ દરિયાઈ જીવનનો ગાઢ અભ્યાસ શરૂ કર્યો.


    યાત્રી બક્ષી : paryavaran.santri@gmail.com


    સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧૬ જુલાઈ, ૨૦૨૪

  • નિર્મલ વર્મા – મનની અગોચર ગલીકુંચીઓના અનોખા મુસાફર અને પથપ્રદર્શક

    સંવાદિતા

    લેખક તરીકે નિર્મલ વર્મા શરુઆતમાં અઘરા પડે પણ ખંતથી એમને વાંચવાનું ચાલુ રાખીએ તો સમજાતા જાય.

    ભગવાન થાવરાણી

    લેખક – ચિંતક રિચાર્ડ બાક કહે છે

    “ એક ઝીણેરો અવાજ મને કહે છે કે આ ગલીના નાકેથી જમણે કેમ નથી વળી જતો, ડાબાને બદલે, જ્યાંથી તું હંમેશા વળે છે ?  એ સાંભળી, આશ્ચર્યચકિત છતાં સસ્મિત હું જમણે વળું છું અને મને દેખાય છે સંયોગની નદી, જે મને ઉઠાવીને લઈ જાય છે એ જગ્યાએ જ્યાં મારે હોવું જોઈતું હતું ! “

    મીરદાદ કહે છે

    “ વધુ પડતું શાને બોલો છો ? બોલાયેલા હજારો શબ્દોમાંથી એકાદ બે જ છે જે ખરેખર બોલાવાને લાયક હતાં. બાકીના મનને ધુંધળું કરે છે, કાનને પ્રદુષિત કરે છે,વાચાને અવરુદ્ધ કરે છે અને હૃદયને અંધ !

    ઉપરોક્ત બન્ને ઉક્તિઓની સાર્થકતા સમજવી હોય એણે હિંદી લેખક નિર્મલ વર્માને વાંચવા જોઈએ. એમનું ગદ્ય એક નવી દિશા ચીંધે છે અને નિરર્થક શબ્દાળુતાથી છુટકારો અપાવે છે. એમની ભાષાનું સેવન ખરા સાહિત્યમાં રસ ધરાવતા દરેક પ્રબુદ્ધ ભાવકે કરવું ઘટે.

    પાંચ નવલકથાઓ – લાલ ટીન કી છત, એક ચિથડા સુખ, વે દિન, રાત કા રિપોર્ટર અને અંતિમ અરણ્ય – આઠ વાર્તા સંગ્રહો, ત્રણ પ્રવાસ સંસ્મરણ, દસ નિબંધ સંગ્રહ, એક નાટક અને અનેક અનુવાદ આપનાર નિર્મલ વર્મા ૨૦૦૫ માં ૭૬ વર્ષની વયે અવસાન પામ્યા એ પહેલાં સાહિત્ય અકાદમીની આજીવન ફેલોશીપ, પદ્મભૂષણ અને જ્ઞાનપીઠ પુરસ્કાર અર્જિત કરી ચૂક્યા હતા. ભારત સરકાર દ્વારા એમનું નામ નોબેલ પારિતોષિક માટે પણ નામાંકિત કરવામાં આવેલું. એમના મરણોપરાંત એમના પત્ની ગગન ગિલ દ્વારા – જે પોતે હિંદીના લબ્ધપ્રતિષ્ઠિત લેખિકા અને કવયિત્રી છે – એમનું પત્ર સાહિત્ય, ઈંટરવ્યુ અને અધૂરી રહી ગયેલી નવલકથાઓના અંશ પુસ્તકરૂપે સંકલિત કરી પ્રકાશિત કરવામાં આવ્યાં છે.

    એમની થોડીક વધુ ઓળખ. હિંદી સાહિત્યમાં ‘ નઈ કહાની ‘ ચળવળના એ પ્રણેતાઓમાંના એક છે. (બીજા લેખકોમાં રાજેંદ્ર યાદવ, કમલેશ્વર અને મોહન રાકેશ ગણાવી શકાય. ) ૧૯૬૦ ના દશકમાં એમની વાર્તાઓ ‘ પરિંદે ‘ અને ‘ જલતી ઝાડી ‘ થી હિંદી સાહિત્યમાં એક નોખો જ ચીલો પડેલો. એમને પહેલી વાર વાંચીએ ત્યારે એમની શૈલી આપણને વિસ્મયમાં મૂકી દે. એમનું દરેક પાત્ર નિતાંત એકલું હોય અને પોતાની મૂળ જગાએથી ઉખાડીને કોઈક ખોટી જગાએ રોપી દેવાયેલું. લગભગ એ બધાં અવસાદના ધુમ્મસથી ભીતરે ઠાંસોઠાંસ ભરેલાં હોય ! આ પાત્રોનાં માધ્યમથી નિર્મલ આપણને મનના અગોચર, અંધારિયા, અવાવરુ ખૂણાઓમાં આંગળી ઝાલીને લઈ જાય અને પછી આપણા ભરોસે છોડી દે !

    આપણા મૂર્ધન્ય સાહિત્યકાર વિનેશ અંતાણી નિર્મલના પરમ પ્રશંસક છે. એમના ગદ્ય ઉપર નિર્મલની લેખનશૈલીની ઊંડી છાપ છે. એમની કેટલીક વાર્તાઓ ‘ માયા દર્પણ ‘ નામના પુસ્તક દ્વારા એમણે ગુજરાતીમાં અનુદિત કરી છે અને એમની નવલ ‘ એક ચિથડા સુખ ‘ પણ. એ નિર્મલ વર્મા વિષે કહે છે

    ‘ જ્યારે મેં એમને પહેલી વાર વાંચ્યા ત્યારે મને કલ્પના નહોતી કે એ મારી સાથે શું કરશે. કોઈ પુસ્તક ખોલતાં પહેલાં આપણા મનમાં એ કૃતિ કે એના સર્જક વિષે કોઈ દહેશત ન જ હોય. જે થાય એ અંદર પ્રવેશ્યા બાદ જ થાય. નિર્મલ જેમ જેમ મારી સામે ખૂલતા ગયા, મને અહેસાસ થતો ગયો કે આ સર્જક નિર્દયતાથી મને યાતનાનાં પ્રદેશમાં ઢસડી રહ્યા છે. એ મારામાં ગાઢ ધુમ્મસ ભરી રહ્યા છે. મારી ભીતર ચીડ અને દેવદારનાં પાન ખરી રહ્યાં છે અને એ પાંદડાં ઉપર કોઈ ચાલી રહ્યું છે. એ મારી ભીતર પહાડોનું એકાંત ઉઘાડી રહ્યા હતા, મારી અંદરના ખંડિયેરોમાં અણીદાર શબ્દો દ્વારા ઉઝરડા પાડી રહ્યા હતા !  એમની કોઈ પણ રચના વાંચ્યા બાદ એવું લાગે જાણે એમણે મને એકલો છોડી દીધો છે જ્યાં કેવળ હું હોઉં, એક વિચિત્ર રુંધામણ હોય અને વિક્ષિપ્ત કરતી બેચૈની ! એમને વાંચતી વખતે મને હંમેશા લાગ્યું છે કે મારી અંદર એક વ્યક્તિ અને સર્જક તરીકે જે કંઈ અવ્યક્ત રહી જાય છે એ બધું એ વ્યક્ત કરી શકે છે. ‘

    નિર્મલ વર્માની કક્ષાનાં લેખકો આપણને તર્ક અને ચેતનાનાં અંતિમ છેડા સુધી લઈ જાય છે જ્યાંથી આગળ એક સાવ નવી દુનિયા શરુ થાય છે. એમનું લેખન એક પાસપોર્ટ છે એ સીમા ઓળંગવાનો અને એક વાર એ પ્રદેશમાં પ્રવેશી પાછા વળીને જોઈએ ત્યારે ખબર પડે પાછળ રહી ગયેલી દુનિયા નરી મૂર્ખામીભરી હતી !

    એમની નવલકથા ‘ એક ચિથડા સુખ ‘ માંથી એમના ગદ્યનો એક નમૂનો આસ્વાદીએ.

    ‘ એને લાગતું કે સમય કોઈ ઊંચો પર્વત છે અને બધાં પોતપોતાના પોટલાં ઉપાડી ઉપર ચડી રહ્યાં છે – હાંફી રહ્યા છે, એ જાણ્યા વગર કે ટોચ ઉપર પહોંચતાં જ બધાં હવામાં અદ્રશ્ય થઈ જશે અને એમના ધૂલિધૂસરિત પોટલાં, જેમાં પ્રેમ, ઘૃણા, નિરાશાઓ, દુખ અને કોણ જાણે શું – શું ભર્યું છે એ બધા નીચેની તરફ ગબડી પડશે જેને અન્ય લોકો પકડી લેશે અને ફરીથી પીઠ પર લાદી ચઢાણ શરુ કરશે ! ‘

    વિખ્યાત વિવેચક નામવર સિંહ એમની વાર્તાઓ વિષે લખે છે

    ‘ વાર્તા એના પ્રભાવ – પરિઘની દ્રષ્ટિએ સંગીતની સરહદોને સ્પર્શી શકે કે કેમ એ હું જાણતો નથી પણ એટલી ખબર છે કે નિર્મલની વાર્તાઓ સંગીત જેવો પ્રભાવ ઊભો કરવામાં સક્ષમ છે. ‘

    નિર્મલ પોતે એક અઠંગ વાચક હતા. માર્સેલ પ્રુસ્ત, મિલાન કુંડેરા, કેથેરીન મેન્સફિલ્ડ, વર્જીનિયા વુલ્ફ, રિલ્કે, ચેખવ અને દોસ્તોએવસ્કી સમ લેખકો એમને પ્રિય હતા. રિલ્કેના પત્રો વિષે એ લખે છે ‘ હું એમના પત્રો વાંચું છું. એ મારું પીઠબળ અને સહારો છે. હું એ પાઠની જેમ દરરોજ વાંચું છું, જાણે કોઈ દર્દી સમયાનુસાર પોતાની દવાનો ડોઝ લેતો હોય ! પીડામાંથી છુટકારા માટે નહીં, એને સાફસુથરી રાખવા માટે ! જેમ આપણે જંગલમાં આવેલી કોઈ ઝૂંપડી વાળી-ઝૂડીને સાફ કરીએ, ત્યાં થોડાક દિવસ રહેવા, સહેવા, ત્યાંની દુનિયા જોવા માટે. ‘

    માનવ સ્વભાવ વિષે એ કહે છે

    ‘ કેટલાક લોકો પારકાંઓને જે સહેલાઈથી પોતાની ગુપ્ત વાતો કહી શકે છે એટલું પોતીકાંને નહીં. આપણા પોતાના લોકોનું જજમેંટ હૃદયમાં શૂળ – શું વાગે છે. જે તમને ચાહે છે એ તમને ક્યારેય માફ નથી કરી શકતા. ‘

    આપણા જીવન વિષે એ કહે છે

    ‘આ જ દુનિયામાં કેટલીય દુનિયાઓ ખાલી પડી રહે છે અને લોકો ખોટી જગ્યાએ રહીને જિંદગી વેડફી નાખે છે. ‘

    ‘ માયા દર્પણ ‘ સહિત એમની કેટલીક કૃતિઓ પરથી ફિલ્મો પણ બની છે.

    એમના પત્ની ગગન ગિલે એમના મૃત્યુ બાદ એ બન્નેએ સાથે કરવા ધારેલી કૈલાસ – માનસરોવરની યાત્રા એકલાં કરેલી. એ યાત્રાના સંસ્મરણરૂપે એમણે લખેલા પુસ્તક ‘ અવાક્ ‘ માં ડગલે ને પગલે નિર્મલ વર્મા સુક્ષ્મ રૂપે દ્રષ્ટિગોચર થાય છે.


    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • જરા ઉઘડે આંખલડી રે, તો સન્મુખ તેહ સદા !

    હરેશ ધોળકિયા

    ભારતીય સંસ્કૃતિ ભારે ચતુર છે. અનેક પ્રોત્સાહનો પછી કશુંક એવું કહી દે કે ઉત્સાહ વચ્ચે માણસ ગંભીર થઈ જાય.

    ભારતના બધા જ ઉત્સવોમાં સૌથી મહત્વનો અને પ્રથમ ઉત્સવ છે ” નવું વર્ષ.” વર્ષનો છેલ્લો ઉત્સવ “દીવાળી” ઉજવાઈ જાય કે બીજા જ દિવસે આ નવું વર્ષ શરુ થાય. આ ઉત્સવનો અર્થ છે કે આવનારું વર્ષ જેવું જાય તેવું, પણ તેની શરુઆત તો ઉત્સવથી જ થવી જોઈએ. અને આ દિવસે બધા પરિચિતોએ ફરજિયાત એકબીજાને મળવાનું અને સમગ્ર વર્ષની શુભેચ્છાઓ આપી-લઈ લેવાની. શુભેચ્છા સાથે નવું વર્ષ શરુ થાય તો વર્ષ દરમ્યાન કદાચે કંઈ તકલીફો આવે તો આ શુભેચ્છાઓને સહારે વ્યકિત વર્ષ પસાર કરી જાય. પણ આ શુભેચ્છાઓ પણ ઉત્સાહથી અને મીઠું મો કરીને લેવા-આપવાની હોય છે.

    પણ આ ઉત્સાહ વચ્ચે સંસ્કૃતિ એક છૂપી આજ્ઞા કરે છે કે નવા વર્ષે કોઈ સંકલ્પ લઈ વર્ષ શરુ કરવું. આ સંકલ્પ એક જાતનું ” ટાઈમ મેનેજમેન્ટ” કહી શકાય. આખું વર્ષ ગમે તે પ્રવૃતિઓ કરી શકાય, પણ એ બધા વચ્ચે ”સ્વ-વિકાસ ” માટે કોઈ એક ચોકકસ પ્રવૃતિ તો કરતા જ રહેવાનું છે. ” ચા નહીં પીઉં” કે ” પ્રવાસ કરવા જઈશ” જેવા સંકલ્પો ઠીક છે, લઈ શકાય, પણ તે સ્વ-વિકાસના સંકલ્પ નથી. ચા ન પીવાથી કદાચ પેટ સ્વસ્થ રહે, પણ તેનાથી કોઈ વિકાસ ન થઈ શકે. કોઈ પ્રવાસ કરવાથી જ્ઞાન વધે, પણ મોટા ભાગે તે સ્વવિકાસમાં ખાસ મદદ નથી કરતું.

    સંકલ્પ તો એવો કરાય જે વ્યકિતને આગળ વધવામાં મદદ કરે.

    એવો શ્રેષ્ઠ કોઈ સંકલ્પ હોઈ શકે ?

    ભારતીય સંસ્કૃતિ પાસે બધાના ઉતમ જવાબો છે. આનો પણ જવાબ છે. અને તે શાસ્ત્રીય છે. કઠોપનિષદમાં એક શ્લોક છે જે શ્રેષ્ઠ સંકલ્પ બની શકે તેમ છે. આપણને આ શ્લોકની જાણ છે, પણ તે ઉપનિષદનો છે એની કદાચ ખબર નથી. આપણે તો તેને સ્વામી વિવેકાનંદનું વાકય માનીએ છીએ. પણ વિવેકાનંદે પણ તેને કઠ ઉપનિષદમાંથી જ લીધું હતું.

    આ વાકય છેઃ

    ” ઉતિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત.”

    એટલે કે ” ઉઠો, જાગો અને ધ્યેય માટે મંડ્યા રહો.”

    આ વિધાન શ્રેષ્ઠ સંકલ્પ કહી શકાય.

    શું છે તેનો અર્થ ? દેખાય સાદું વાકય છે, પણ તે ઊંડાણભર્યું છે. શબ્દે શબ્દ સમજવા જેવો છે. પ્રથમ કહે છે કે ‘ઉઠો.” જગતના નવ્વાણુ ટકા લોકો, મોટા ભાગે, ભલે જાગતા દેખાય, પણ સમગ્ર જીવન ઊંઘતા જ રહે છે. ઊંઘતા રહેવું એટલે અભાનપણે જીવવું. મનની વૃતિઓને વશ થઈ જીવવું. મન કહે તે કર્યા કરવું. તે યોગ્ય છે કે નહીં તે વિચાર ન કરવો. બસ, વૃતિ ઉઠી કે તેનો અમલ કરવાનો જ. ભલે પછી નુકસાન થાય. આના સામે શ્લોક કહે છે કે “ઉઠો. ઊંઘ ઉડાડો. ”

    પણ માત્ર ઊંઘ ઊડે કે આંખ ઉઘડે તે પૂરતું નથી. સંભવ છે કે આંખ ઉઘડયા પછી પણ ઊંઘ તો ચાલુ જ રહે. મન ધૂંધળું જ રહે. તો ? એટલે બીજો શબ્દ વાપરે છે કે ” જાગો.” માત્ર ઉઠવાનું જ નથી કે આંખ જ ઉઘાડવાની નથી. સમાંતરે જાગૃત પણ થવાનું છે. સભાન થવાનું છે. એટલે કે મન કહે તે બધું જ કરવાનું નથી. મનની વૃતિઓ સામે પણ જાગૃત થવાનું છે. મનને વશ ન
    થતાં તેને વશ કરવાનું છે. ગુલામમાંથી શેઠ થવાનું છે. તેને જ જાગૃતિ કહેવાય.

    માની લો કે ઉઠયા અને જાગી પણ ગયા. તો કામ પૂરું?

    ના, જાગીને શું કરવાનું છે તે પણ વિચારવાનું છે. જાગીને પોતાના વિકાસમાં મદદરુપ થાય એવું કશુંક ઉપયોગી-જરુરી- કરવાનું છે. એ કામ એવું હોય જે સમગ્ર વર્ષ કરવાનું હોય અને જેના કારણે વ્યકિત સતત વિકાસ કરે. આવાં ચોકકસ કામને ” ધ્યેય” કહે છે. ઘ્ેય એટલે કોઈ ચોકકસ કામ કરવું. સતત કરવું જેનાથી વિકાસ ઝડપી બને. પણ મનુષ્ય અનેક બાબતો નકકી તો કરે છે. સંકલ્પો પણ લે છે. વારંવાર લે છે, પણ લીધા પછી ઝડપથી ભૂલી જાય છે અને પુનઃ રૂટિનમાં-સામાન્યતામાં- પડી જાય છે. સંકલ્પ તો ધૂમધામથી લે છે, આ ધ્યેય પાળવાની કઠોર પ્રતિજ્ઞા લે છે, પણ થોડા જ દિવસોમાં ફરી ભૂલી જાય છે અને ફરી અભાન બની જાય છે.

    એવું ન થાય માટે આ વિધાનમાં વધારાના બે શબ્દો ઉમેરે કે ” મંડયા રહો.” માત્ર ધ્યેય લેવાનું જ નથી. તે પૂર્ણ થાય માટે મંડયા રહેવાનું છે. મંડયા રહેવું એટલે સતત કરતા રહેવું. કયારેય
    છોડવું નહીં. જયાં સુધી ઘ્યેય સિધ્ધ ન થાય ત્યાં સુધી તેને સતત કરતા રહેવું. તો જ ધ્યેય સિધ્ધ થશે.

    એટલે નવા વર્ષે, કઠોપનિષદના મતે, સમગ્ર વર્ષ દરમ્યાન, ચાર કામ કરવાનાં છે. એક, ઉઠવાનું છે. બે, જાગવાનું છે. ત્રણ, ધ્યેય નકકી કરવાનું છે અને ચાર, તેને પૂરું કરવા મંડયા રહેવાનું છે. અને ફરી નવું વર્ષ આવે ત્યાં સુધી બને તેટલું ધ્યેય સિધ્ધ કરતા રહેવાનું છે.

    પણ, ફરી વિચાર આવે કે, સ્વ-વિકાસ માટે ઉતમ ધ્યેય કયું?

    આવાં અનેક ધ્યેયો છે. વર્તમાનમાં આપણે જે કરવા અશકિતમાન હોઈએ તે કરી શકીએ એવું ધ્યેય નકકી કરાય. વહેલા ન ઉઠી શકતા હોઈએ, તો વહેલા ઉઠવું. વાંચતા ન હોઈએ તો વાંચવું. નબળા હોઈએ તો સતત કસરત કરવી. આળસુ હોઈએ તો સક્રિય થઈએ. નિષ્ક્રિય હોઈએ તો સર્જનાત્મક થઈએ, વગેરે.

    પણ આ બધાં ધ્યેય ઠીક છે, ચોકકસ લઈએ, પણ તે શ્રેષ્ઠતમ ધ્યેય નથી.

    તો શ્રેષ્ઠતમ ધ્યેય કયું છે ?

    જો સંકલ્પ વિવેકાનંદે આપ્યો છે, તો શ્રેષ્ઠતમ ધ્યેય પણ તેમના પાસેથી જ મેળવીએ.

    શું કહે છે તે ? કયું શ્રેષ્ઠતમ ધ્યેય હોઈ શકે ?

    વિવેકાનંદ કહે છે કે શ્રેષ્ઠતમ ધ્યેય છે ” મુકત થવું.”

    લ્યો! આપણે તો મુકત જ છીએ. આપણે કોઈના ગુલામ નથી. નથી કોઈના નોકર. નથી કોઈએ આપણને બાંધી રાખ્યા. પરમ સ્વતંત્ર છીએ આપણે.

    પણ વિવેકાનંદ કંઈ બોલવા ખાતર ન બોલે. એટલે આપણે તેમને સમજીએ.

    વિવેકાનંદ કહે છે કે માણસ એટલે સુષુપ્ત ઈશ્વર. માણસ પાયામાં ઈશ્વર જ છે. તેણે કયાંય ઈશ્વર શોધવાનો નથી. તે પોતે જ ઈશ્વર છે. પણ ” સુષુપ્ત” ઈશ્વર છે. એટલે કે તેનામાં રહેલો ઈશ્વર છૂપાયેલો છે. માણસને ખબર નથી કે પોતે ઈશ્વર છે. તે તો પોતાને મર્યાદિત, સંકુચિત, શરીર-મનવાળો જ માને છે. એક દિવસ મરી જશે એમ માને છે. અને આવી મર્યાદિત, મરણશીલ વ્યકિત વળી ઈશ્વર કેમ હોઈ શકે ? એટલે, તે માને છે કે, પોતે ઈશ્વર નથી. સામાન્ય માણસ જ છે. અને તે સામાન્ય માણસ જેમ જ જીવે છે, નાનક કહે છે તેમ ” બચપન ખેલ મેં ખોયા, જવાની નિંદભર સોયા અને બુઢાપા પેટભર રોયા.”

    પણ, વિવેકાનંદ કહે છે કે, હકીકતે એવું નથી. ” ખોયા-સોયા કે રોયા”ની જરુર નથી. ધારે તો હસતે હસતે જીવી શકાય છે. અને હકીકતે મનુષ્યને હસવા માટે જ જીવન મળ્યું છે.

    પણ તો તે સતત રડે કેમ છે ?

    કારણ કે તે સમગ્ર જીવન ખોટા ખ્યાલોમાં જીવે છે. કેવા ? તો કે, પોતે શરીર છે, મન છે, પુરુષ છે, સ્ત્રી છે, ભારતીય કે યુરોપીયન છે, સવર્ણ કે અવર્ણ છે, ફલાણી જ્ઞાતિનો કે ધર્મનો છે, ધોળો કે કાળો કે ઘઉંવર્ણો છે, હોશીયાર કે ઠોઠ છે, લાંબો કે ટૂંકો છે. વિદ્ધાન કે મૂર્ખ છે…વગેરે વગેરે. આવા હજારો ખ્યાલો મનમાં લઈ સમગ્ર જીવન તેને આધારે જીવ્યા કરે છે. પણ આ કેવળ ખ્યાલો છે, ભ્રમણાઓ છે, સત્ય નથી. સત્ય તો માત્ર એટલુંજ છે કે તે ઈશ્વર જ છે અથવા તો ઈશ્વરનો અંશ છે-શુધ્ધ, બુધ્ધ, અનંત, સર્વશકિતમાન. એટલે કે તે ઈચ્છે તેવું જીવી શકે એવી શકિત ધરાવનાર વ્યકિતત્વ.

    પણ આ બધા ભ્રમણાત્મક ખ્યાલો તે જયાં સુધી તે ન છોડે ત્યાં સુધી તેનું મન ધૂંધળું રહે છે અને ધૂંધળું મન કયારે પોતામાં રહેલ એશ્વર્ય-ઈશ્વરત્વ-ને ઓળખી ન શકે. જયારે મન બધા જ ખ્યાલોમાંથી મુકત થઈ શુધ્ધ અને પારદર્શક બને, ત્યારે જ તે સ્વતંત્રતાનો અનુભવ કરી શકે, મુકિતનો અનુભવ કરી શકે. એટલે જયારે વિવેકાનંદ “મુકત થાવ” કહે છે ત્યારે તેના બે અર્થ છે કે

    એક તો ભ્રમણાત્મક ખ્યાલોથી મુકત થાવ અને બે, પોતે ઈશ્વર છે એવું સ્વીકારો. પોતાના દિવ્યત્વ પર શ્રધ્ધા રાખો. તેની અનુભૂતિ કરો. જેવી ભ્રમણાઓ દૂર થતી જશે, તેમ તેમ પરમ સ્વતંત્રતાનો અનુભવ વધતો જશે. અને જો પૂર્ણ દૂર થઈ ગઈ તો અહાહા! પૂર્ણ સ્વતંત્રતાનો અનુભવ થશે.

    આ માટે શું કરવાનું છે ? તેની પઘ્ધતિ કઈ?

    એક છે દરેક બાબતનું વિશ્લેષણ કરવું. ” આ બાબત મારા દિવ્યત્વને ઉપયોગી છે ‘ એમ પૂછતા રહેવું. જે પણ સંકુચિત લાગે તેનો ત્યાગ કરતા જવું. માત્ર વિશાળતાને જ સ્વીકારવી. તો નવ્વાણુ ટકા ખ્યાલો અદશ્ય થઈ જશે અને મન શુધ્ધ થઈ જશે. અને આ શુધ્ધ મનમાં જ દિવ્યત્વ ઝળહળવા લાગશે.

    પણ, ફરી, વિવેકાનંદ તો એક “ઈન્સ્ટંટ” ઉપાય બતાવે છે. અલબત, એ બહુ અઘરો છે, પણ કરી શકાય તો શ્રેષ્ઠ છે.

    વિવેકાનંદ કહે છે, ” હું મુકત છું એમ જાહેર કરવાની તમે હિંમત કરી શકો તો આ પળે જ તમે મુકત છો.” દવા કે લેપ નહીં, સીધું ઈન્જેકશન ! આમાં ટુકડે ટુકડે વિચારવાનું નથી. અહીં તો ચોવીસે કલાક એક જ વિચાર કરવાનો છે કે ” હું ઈશ્વર જ છું. માટે મુકત જ છું. મને કોઈ જ મર્યાદા અસર ન કરી શકે. હું અનંત છું. વિરાટ છું. માટે મુકત છું. મારે મુકત થવાનું નથી, માત્ર
    ‘જાણવાનું’ છે કે હું મુકત છું. કેવળ જ્ઞાન જ મુકિત આપી દેશે.” આ વિચારને પળેપળ-સમગ્ર દિવસ અને રાત, જાગૃતિપૂર્વક ભમળાવતા રહેવાનો છે. એ સ્તરે મમળાવવાનો છે કે તે લોહીમાં ભળી જાય. લોહી આ વિચારમય થઈ જાય. સમગ્ર વ્યકિતત્વ આ વિચારમય થઈ જાય. તો વ્યકિતમાં ઈશ્વરત્વ પ્રગટ થતું જશે. શરત છે આ વિચારને સિધ્ધ કરવા ” મંડયા રહેવું.” એક જ ધ્યેય- પોતામાં રહેલ એશ્વર્યને પ્રગટ કરવું. પધ્ધતિ ચોવીસે કલાક પોતાના ઈશ્વરત્વનું રટણ. પરિણામ ભ્રમણાત્મક ખ્યાલોરૂપી સાંકળોનું ખરી પડવું. “મુકિત”ની અનુભૂતિ વધતી જવી. પરમ સ્વાતંત્ર્યનો આનંદ માણવો.

    તો, આ છે પરમ ધ્યેય. એક માત્ર ધ્યેય. બહાર જે પણ કરાય તે કરવું, પણ અંદર તો આ એક જ એશ્ચર્યનું રટણ કરવું.

    આહા! તો પછીના નવા વર્ષે “સાચો અને પરમ” આનંદ મળશે. ખાતરી. આજીવન વોરંટી !

    નવા વર્ષની આ જ શુભેચ્છા.


    શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
    નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
    ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com

  • સલૂણી સાંજ ઝળહળતી

    દેવિકા રાહુલ ધ્રુવ

    સલૂણી આજ આવીને, ઊભી આ સાંજ ઝળહળતી;
    જરા થોભો  અરે  સૂરજ, ન લાવો રાત ધસમસતી.

    હજી  હમણાં  જ  ઉતરી  છે, બપોરે બાળતી ઝાળો,
    જરા  થોભો  અરે ભાનુ, ભૂલાવો વાત બળબળતી.

    હવે   મમળાવવી  મારે  અહીં    કુમાશ  કીરણોની,
    જરા  થોભી, ફરી  ખોલું  હતી બારી જે ઝગમગતી..

    અહો   કેવી  મધુરી   સહેલ  આ   સંસાર  સાગરની,
    જરા થોભો તમે નાવિક, ભલે આ નાવ ડગમગતી.

    કટુ  કાળી   અને   અંતે  જતી  અણજાણ   નિર્વાણે,
    જરા  થોભો વિધિ ‘દેવી’, સજુ એ રાત તનમનથી !!

    :આસ્વાદઃ

    જયશ્રી વિનુ મરચંટ

    ગીતનો રુમઝૂમતો રણકાર, ગઝલની ગુલાબી ગઝલિયતથી સભર ગુફતેગુ, અને છંદની અસ્ખલિત પ્રવાહિતા લઈને આવેલું આ કાવ્યનું સૌષ્ઠવ અને વૈવિધ્ય એને એક “સર્વપ્રકાર સંયોજિતતા” ના Unique Category – આગવા પ્રકારમાં ઢાળે છે.

    માનવીની સવારનો સમય એટલે હસતું રમતું બાળપણ જેને કલાકોની અવધિમાં જીવી જવાય છે. સવાર હજી તો ઊગીને આંખના પલકારામાં જ બપોરમાં આવર્તિત થઈ જાય છે. હજી તો જીવીને વાગોળીએ એ સવારની હૂંફાળી ઉષ્મા ત્યાં સુધીમાં બપોરના પગરણ મંડાઈ જાય છે અને પછીનું જીવન આખું ધોમધખતા બપોરના તાપ સમી જિંદગીને સહન કરવામાં વિતી જાય છે. કેટકેટલું આપણે આપણા જીવનના મધ્યાહ્નમાં જીવી જઈએ છીએ?

    કિશોરવસ્થામાંથી મુગ્ધાવસ્થાનો “દુનિયાની તમા આપણે કેમ રાખવી” ના તબક્કામાંથી જન્મે છે નવયૌવન. આ યુવાનીની મસ્તીના સમયમાં     હૃદયની મસ્તી પર પણ યુવાનીનો કેફ છવાય છે અને એ સાથે પ્રણયના પગરણ પણ થાય છે. કદીક પ્રેમ પરવાન ચડે છે તો કદીક નિષ્ફળ થાય છે. પ્રણય, પરિણય, કૌટુંબિક જવાબદારીઓ, વ્યાવસાયિકતા, સામાજિક જાગરૂકતા, સફળતા અને નિષ્ફળતા, આ બધાનો નિભાવ એક સમતોલન અને સંતુલન સાથે જીવનની બપોરી વ્યસ્તતામાં કરવાનો હોય છે!

    જરા અળગાં થઈને જોઈએ તો આ કામ કેટલું કપરૂં લાગે છે, પણ આપણે તોયે જીવીએ છીએ. કેટકેટલું કરતાં, કરતાં, આપણે મધ્યાહ્નકાળની ઘરેડમાં જીવાતી જિંદગીમાં ઘડી બે ઘડી ઊભા રહીને પોરો ખાવાનો વિચાર પણ નથી કરતાં. સતત ભાગતી, દોડતી આ જિંદગીમાં જો બે ચાર ક્ષણો પણ થંભી ગયાં તો કોઈ અદીઠ રેસમાં પાછળ પડી જઈશું અને આવા એક છાના ભયમાં જ આપણે દરેક પળમાં બસ ભાગતા જ રહીએ છીએ. ન જાણે એવી તે કઈ લાચારીનો ઓછાયો આપણને જિંદગીની પળોને માણતાં રોકે છે?

    “હજી હમણાં જ ઉતરી છે, બપોરે બાળતી ઝાળો,
    જરા થોભો અરે ભાનુ, ભૂલાવો વાત બળબળતી.”

    કવિ અહીં કહે છે કે સૂરજ જરા ધીમા તપો, અટકો, થોભો અને શ્વાસ તમે પણ ખાઈ લો અને અમને પણ આ સમયનો સ્વાદ ચાખવા પૂરતું તો ઊભા રહેવા દો. વિતેલી સવારની કુંવારી કુમાશ પર પડેલાં પગલાંને પાછાં ફરીને એકવાર જોવા માટે પણ થંભો. દેખીતી રીતે કહેણ સૂરજ માટે છે પણ વાત પોતાના અંતર સાથે જ કરી છે. જીવનને ભરપૂર ગતિમાં જીવો, ગતિનો આનંદ માણો, સુખના સમયમાં સ્નેહીઓ સાથેના સમાગમમાં સૈર કરો અને દુઃખની પળને સ્વીકારીને, એનો પણ ઉત્સવ ઉજવતાં હો એમ જીવવું એ જ તો જિંદગી છે.

    જીવનની આ સુખદુઃખની બારીને સદા ઝળહળતી રાખીએ અને આગળ જોતાં રહીએ પણ પાછળ ઘણું બધું જીવાયું છે, જીવી ગયા છીએ, એનો વૈભવ માણવાની હવે આ ઢળતી સાંજે જે મઝા છે એને માણ્યા વિના આ ધરતી પરથી એમને એમ કેમ વિદાય લેવાય? સાંજ પડી ગઈ છે, રાતની કાળાશનો મહાસાગર પાર કરીને ક્ષિતિજની પેલે પાર જવાનું જ છે, એ નિશ્ચિત છે, તો તન અને મનથી એ મુસાફરી કરવા માટે પોતાને તૈયાર કરવાની બહુ મોટી વાત કવિ અહીં કહી જાય છેઃ

    “કટુ  કાળી  અને  અંતે  જતી  અણજાણ   નિર્વાણે,
    જરા થોભો વિધિ ‘દેવી’, સજુ એ રાત તનમનથી !!”

    સવાર, બપોર, સાંજ અને રાતની મુસાફરી કરતા સૂરજની સફરને જ માત્ર નથી વર્ણવી, સાચા અર્થમાં જિંદગીની સફરનો શિલાલેખ પણ કવિ લખી જાય છે.

    કાવ્યોના શબ્દોની સંગીતમયતા આ કાવ્યને ભારી ન બનાવા દેતા, હસતાં, રમતાં ઝરણાં સમું, નિર્દોષ, નમણું અને નિર્મળ રાખે છે. આ નખશીખ સુંદર કાવ્ય બદલ દેવિકાબહેનને ખૂબ ખૂબ અભિનંદન.

     

  • સરદાર : સ્વાતંત્ર્યસંગ્રામનાં દળોના મહાન કપ્તાન

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    ૧૯૭૫માં એકવાર અનાયાસ જ પ્રકાશવીર શાસ્ત્રીને મળવાનું થઈ ગયું. પ્રહલાદભાઈ પટેલ- આપણા પ્રહલાદનગરવાળા. એમને ત્યાં. જનતા મોરચાની પ્રચાર જવાબદારી ભોગીલાલ ગાંધી અને મારી હતી, ભાઈદાસભાઈ પરીખ તો તત્રલુપ્તા સરસ્વતીની જેમ સાથે જ હોય. પ્રચાર સાહિત્યમાં ચિત્રકારની પીંછી પાયાની જરૂરત. રજની વ્યાસ સહાયમાં સાક્ષાત. પ્રહલાદભાઈને પ્રેસલાઇનનો પરિચય એટલે એમનુંયે અનૌપચારિક સંધાન.

    સરદાર જયંતી નિમિત્તે લગરીક તવારીખવાળી કરવા સારું કલમ ઉપાડી ત્યાં પ્રકાશવીર ચિત્તમાં દોડી આવ્યા, કેમકે આર્યસમાજી પૃષ્ઠભૂવાળા આ જનસંઘ સાંસદે ત્યારે દિલ્હીમાં વરસોવરસ સરદાર જયંતી મોટે પાયે ઊજવવાનો સિલસિલો શરૂ કર્યો હતો. રાષ્ટ્રીય સ્તરની પ્રતિભાઓને એ અવસરે નિમંત્રણ આપતા અને સરદારના સંકીર્તનનો સમો એમ બંધાતો આવતો. નેહરુના કાળમાં ઉત્તરોત્તર સરદાર સ્મૃતિ કંઈક બાજુએ રહી ગઈ એવી લાગણીવશ એમનો આ ઉપક્રમ હતો. વાત પણ સાચી કે એક તબક્કો કોંગ્રેસને પક્ષે સરદારને ભૂલવાનો (‘ડિસ્ યુઝ’નો) આવી ગયો જેમ હમણેનાં વરસો ભાજપ આદિને પક્ષે એમને સંદર્ભ બહાર ઉછાળવાનો, કહો કે એમના ‘મિસ્ યુઝ’નો છે. પ્રકાશવીરે વાતવાતમાં કહ્યું કે એક વાર અમે રાજાજીને (ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારીને) નિમંત્ર્યા હતા. એ સરસ બોલ્યા કે વડાપ્રધાન સરદાર અને વિદેશમંત્રી જવાહર એ એક રૂડી રચના હોત.

    પણ પછી એમણે એક એવી વિગત ઉમેરી કે સરદારના મહિમા મંડનની (પ્રકાશન્તરે એમને નેહરુથી ઊંચા ચિત્રિત કરવાની) અમારી ગણતરી ભોંઠી પડી. રાજાજીએ કહ્યું કે ભાગલા માટે ગાંધી કે નેહરુની એક પ્રકારની નિર્બળતા (અગર વેગળી ભૂમિકા)નો મુદ્દો ઉછાળાય છે, પણ વ્યાપક લોકમાનસ એ વિગતથી લગભગ અણજાણ જેવું છે કે વચગાળામાં લીગ સાથે સરકાર ચલાવ્યા પછી સરદાર એ તારણ પર પહોંચ્યા હતા કે ભાગલા અનિવાર્ય છે. કોંગ્રેસને પક્ષે આ દિશામાં નિર્ણાયક પહેલ સરદારની હતી. સરદાર અને જવાહરને સામસામે મૂકવાની અને એ રીતે ગાંધી-નેહરુ-પટેલની સ્વરાજત્રિપુટી સહિતની નક્ષત્રમાળામાં સર્જેલી એકંદરમતી તેમ ભરપડકારે સ્વરાજ સુવાણની સ્થિતિ માટેની ભૂમિકાના કંઈક અવમૂલ્યનની કોશિશ એ એક ધીખતો ધંધો રહેલ છે.

    ગમે તેમ પણ, સરદારના ખાસ તરેહના ચાહકો અને એવા જ ખાસ તરેહના ટીકાકારો, બેઉ છાવણીઓમાં નિરામયતા પ્રસરાવવા સારું એક દાખલો બસ થઈ પડશે. વલ્લભભાઈ ૧૯૫૦ના ડિસેમ્બરની ૧૫મીએ ગયા. તે પછીનાં અઠવાડિયાંમાં પુનામાં હિંદુ મહાસભાનું અધિવેશન મળ્યું ત્યારે સરદારના નિધન બદલ ખેદ પ્રગટ કરતો ઠરાવ લાંબી રકઝક પછી ઉડાડી મૂકવામાં આવ્યો હતો! (‘સંસ્કૃતિ’માં ઉમાશંકરે ટિપ્પણી કરી હતી- સરદાર કોમવાદી હતા એ ખ્યાલને પાયામાંથી ઉખાડી દેનાર આથી વધુ સારો પુરાવો બીજો શો મળી શકત?’)

    સરદારે મુંબઈમાં દેહ મૂક્યાના સમાચાર આવ્યા ત્યારે લોકસભામાં એ સમાચાર આપતા જવાહરલાલે શું કહ્યું હતું, સાંભળો : ‘એ એક વિરાટની વાર્તા છે. દેશ આખો એ જાણે છે અને ઇતિહાસ પાનાંનાં પાનાં ભરીને દર્જ કરશે કે એ નવભારતના નિર્માતા હતા-અને બીજું પણ કહેશે. પણ આ ગૃહમાંનાં આપણામાંના ઘણાને તો એમને સ્વાતંત્ર્યસંગ્રામનાં દળોના એક મહાન કપ્તાન તરીકે યાદ કરશે અને જેના પર અચૂક ભરોસો મૂકી શકાય એવી નક્કર સલાહ- પછી એ મુશ્કેલીઓનો કાળ હોય કે વિજયની ક્ષણો- આપનાર તરીકે સંભારશે. જ્યારે પણ આપણે મુશ્કેલીમાં હોઈએ, આપણાં હાલંડોલં હૈયાને હામ સંપડાવનાર તરીકે એ સંભારાશે.’ નેહરુ ગૃહમાં તો બોલી શક્યા પણ અંતિમ યાત્રામાં જોડાવા મુંબઈ પહોંચ્યા ત્યાં એવા ડૂસકે ચડ્યા હતા કે કંઈ બોલી જ શક્યા નહોતા.

    સાધારણપણે આપણે વલ્લભભાઈને દેશી રિયાસતોના વિલીનીકરણ માટે યાદ કરતા હોઈએ છીએ અને એ ખરેખર જ એક અસાધારણ કામ હતું. પણ એ જ મહિનાઓમાં એમણે વહીવટીતંત્રને જડબેસલાક કાર્યક્ષમપણે ગોઠવ્યું હતું તો એ બ્રિટિશરાજની સરજત, પણ એને આશ્વસ્ત કરી એમણે સાથે લીધું અને સ્વતંત્રતાનું દૃઢીકરણ કર્યું. પણ સરદાર એ ઓળખ એમને મળી તો બારડોલીના કિસાનોની લડત સાથે. આ લડત તો ગઈ સદીનો ત્રીજો દાયકો ઊતરતે લડાઈ હતી. ત્રીજો દાયકો બેસતે ૧૯૨૨માં વઢવાણમાં મળેલી અંત્યજ પરિષદ, વસ્તુતઃ એમના નેતૃત્વને વ્યક્તિત્વના પૂરા ઉઘાડની રીતે એક કટ ઑફ લાઈન છે. પરિષદમાં ભાગ લેવા એ પહોંચ્યા ત્યારે એમણે જોયું કે દલિત ભાઈબહેનોને અલાયદા બેસાડ્યાં હતાં. તરત વલ્લભભાઈએ પોતાની બેઠક એમની વચ્ચે લીધી. દરબાર ગોપાળદાસ અને ભક્તિબા સાથે હતાં. તેમણે પણ એમ જ કર્યું…સંદેશો પહોંચી ગયો!

    આ જ ત્રીજો દાયકો રવિશંકર મહારાજે ખેડા જિલ્લામાં પાટણવાડિયાઓને સારુ રોજિંદી જિંદગીમાં સાધેલ સુવાણનો પણ હતો. ‘માણસાઈના દીવા’માં મેઘાણીએ એનાં સરસ ચિત્રો ઝીલ્યાં છે. મહારાજ પાછળનું મૂંગું પીઠબળ અલબત્ત વલ્લભભાઈનું હતું. લોકશાહીમાં સરદાર થવું એ નકરી ક્ષાત્રવટ અગર મુત્સદ્દીપણાનો મામલો નથી. છેલ્લા છેલ્લા માણસ સાથે તમે જોડાઈ શકો છો? આ પ્રશ્નનો ઉત્તર આપીએ ત્યારે સમજાય કે ખેડૂતપુત્ર વલ્લ્ભભાઈને ઉમરાવપુત્ર બિસ્માર્ક સાથે સરખાવવું કેમ અણસમજભર્યું છે.

    વિષય જોકે અખંડ દર્શનનો છે, પણ આ થોડુંકેક ભલે ખંડ દર્શન પણ અહીં એ આશા અપેક્ષાએ કે ગાંધી-નેહરુ-પટેલની સ્વરાજત્રિપુટીની રીતે તેમ સરદારની પોતાની પ્રતિભાની રીતે આપણે એમને ઓળખીએ. મિસ્ યુઝ અને ડિસ્ યુઝની રાજનીતિ લાગી જવાનો પડકાર આ તો છે.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૩૦-૧૦– ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • કોઈનો લાડકવાયો – (૫૯) – મીઠાનો સત્યાગ્રહ અને એની દેશવ્યાપી અસરો (૨)

    દીપક ધોળકિયા

    મીઠાનો કાયદો તોડ્યા પછી બીજા જ દિવસે ગાંધીજીએ દેશની જનતાને બીજું આહ્વાન કર્યું અને બીજા મોરચા ખોલ્યાઃ દારૂનાં પીઠાં સામે પિકેટિંગ કરો, વિદેશી કપડાંની હોળી કરો, ખાદી પહેરો અફીણના અડાઓ પર છાપા મારો. એમણે વિદ્યાર્થીઓને શાળા-કોલેજો છોડવા, સરકારી નોકરોને રાજીનામાં આપી દેવા અને અસ્પૃશ્યતા વિરુદ્ધ આંદોલન શરૂ કરવા હાકલ કરી.

    એક એક દિવસ પસાર થતો ગયો તેમ લોકોનું જોશ વધતું ગયું. જવાહરલાલ નહેરુના શબ્દોમાં દિવસોદિવસ દેશમાં ગરમી વધતી જતી હતી. હવે સરકાર જુદા જુદા પ્રાંતમાં જુદી જુદી રીતે લોકોને દબાવવાના પ્રયાસ કરવા લાગી. આખા દેશમાં સરકારે ધાર્યું નહોતું તેથી વધારે લોકો આ આંદોલનમાં જોડાયા. સરકારના અંદાજ પ્રમાણે આખા દેશમાં પચાસ લાખ લોકોએ સત્યાગ્રહમાં ભાગ લીધો અને સાઠ હજારથી વધારે માણસોની ધરપકડ થઈ. ગુજરાતમાં ઠેરઠેર ઘણા આગેવાનોની ધરપકડો થઈ. ગાંધીજીના બીજા પુત્ર રામદાસ ગાંધી પણ પકડાઈ ગયા. કરાંચી, મુંબઈ, મદ્રાસ બધે જ અહિંસક કાનૂનભંગની જ્વાળાઓ ભડકી ઊઠી. લોકો પોલીસની લાઠીઓ ખમતા રહ્યા અને જેલો ભરતા રહ્યા…ન પક્ડ્યા તો માત્ર એક મૂળ ગુનેગાર ગાંધીને!

    જવાહરલાલ નહેરુ

    નહેરુ પોતાની આત્મકથામાં લખે છેઃ

    ઓચિંતોમીઠુંશબ્દ રહસ્યમય બની ગયો હતો, હવે શક્તિનો દ્યોતક શબ્દ હતો. સાદા મીઠાને લઈને રાષ્ટ્રીય આંદોલન ચલાવવાનો વિચાર બહુ ગળે નહોતો ઊતરતોપણ અમારી પાસે દલીલો માટે સમય નહોતો કારણ કે ઘટનાઓ બહુ ઝડપથી બનતી હતીઆખા દેશમાં, શહેરો અને ગામડાંઓમાં વાતનો વિષય માત્ર મીઠું કેમ બનાવાય, તે હતો. અમને તો એના વિશે કંઈ ખબર નહોતી એટલે અમે મીઠું કેમ બને તે વાંચી કાઢ્યું, એનાં ચોપાનિયાં વહેંચ્યાં અને અંતે કંઈક, ખાઈ શકાય એવું થોડુંઘણું મીઠું બનાવવામાં સફળ રહ્યા, જે અમે વિજય મળ્યાની નિશાની તરીકે દેખાડ્યું અને મનફાવતી કિંમતે વેચ્યું પણ ખરું. અમારું મીઠું સારું હતું કે ખરાબ, વાતનો કંઈ અર્થ નહોતો, અમે મીઠાનો કાયદો તોડ્યો હતો અને એમાં અમે સફળ થયા હતા. લોકોનો ઉત્સાહ દાવાનળ જેવો હતો, અમે જોયું ત્યારે થોડી શરમ આવી કે ગાંધીજીએ જ્યારે પહેલી વાર સૂચન કર્યું ત્યારે અમે શંકાઓ જાહેર કરી હતી. અમને માણસની લાખોને પ્રભાવિત કરીને એમને સંગઠિતપણે વર્તતા કરી દેવાની કુનેહનું આશ્ચર્ય થયું

    નહેરુ પોતે ૧૪મી ઍપ્રિલે પકડાઈ ગયા. એ જ દિવસે જેલમાં જ એમના પર કેસ ચાલ્યો. સત્યાગ્રહીઓએ ગુનો તો કબૂલવાનો જ હતો. નહેરુને છ મહિનાની કેદની સજા થઈ.

    જવાહરલાલ નહેરુનાં માતા સ્વરૂપરાણી દેવી

    જે લોકો મીઠું બનાવી ન શક્યા તે ગાંધીજીએ જાહેર કરેલા નવા કાર્યક્રમ પ્રમાણે પરદેશી કપડાંની હોળી કરવા લાગ્યા. સ્ત્રીઓ દારૂનાં પીઠાંઓ સામે પિકેટિંગ કરવા લાગી. એક બાજુથી દારૂ પીવા આવતા અસભ્ય લોકો અને બીજી બાજુથી પીઠાના માલિકો, બન્ને બાજુની સતામણી સહીને સ્ત્રીઓ ગાંધીજીના અહિંસક આંદોલનને આગળ વધારતી રહી. મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગ કે શ્રીમંત કુટુંબોની સ્ત્રીઓ તો કદી ઘરની બહાર નીકળી નહોતી તે હવે જાહેર રસ્તાઓ પર ઝનૂની દારૂડિયાઓનાં અપમાનો અને ગાળો સહન કરવા લાગી. જેમ કે, જવાહરલાલ નહેરુનાં માતા સ્વરૂપરાણી દેવી અલ્હાબાદમાં એક સરઘસ પર ત્યારે પોલીસે લાઠીચાર્જ કરતાં ઘાયલ થયાં અને બેભાન થઈ ગયાં. આખા દેશમાં આ સમાચાર વાયુવેગે ફેલાઈ જતાં લોકો ગુસ્સાથી ઊકળી ઊઠ્યા.

    કેરળમાં પય્યન્નુર સત્યાગ્રહ

    કેરળના મલબાર પ્રદેશનું પય્યન્નુર મીઠાના સત્યાગ્રહનું મુખ્ય કેન્દ્ર હતું. ૧૩મી ઍપ્રિલે કે. કેલપ્પનના નેતૃત્વ હેઠળ ૩૨ સ્વયંસેવકોની જુદી જુદી ત્રણ ટુકડીઓએ કોળીકોડ (કલીકટ)થી કૂચ શરૂ કરી. ૧૯મીએ બીજું એક ગ્રુપ પાલક્કાડથી ઊપડ્યું. એ જ રીતે બીજાં બે ગ્રુપ પણ નીકળ્યાં, રસ્તામાં ગામેગામ એમના સ્વાગત માટે ઊમટી પડ્યાં. આંદોલન એક ઉત્સવ બની ગયું કારણ કે લોકો મનથી સ્વાધીન બની ગયા હતા.

    ૨૩મીનો સૂર્યોદય થયો ત્યારે કેલપ્પન એમના સાથીઓ સાથે સમુદ્રકાંઠે ગયા, થોડું મીઠું ઉપાડ્યું અને મીઠાના કાયદાનો ભંગ કર્યો.  હજારો લોકો એમને જોવા માટે એકઠા થયા હતા. સત્યાગ્રહીઓ પોલીસની હાજરીને અવગણીને ત્યાં જ પાણી ઉકાળવા લાગ્યા. પોલીસ અધિકારી આમૂ માટે આ મોટું અપમાન હતું. એના માણસો સત્યાગ્રહીઓ પર તૂટી પડ્યા. લાઠીઓના માર ખાતાં ખાતાં. સત્યાગ્રહીઓ “ભારત માતા કી જય” અને “ગાંધીજી કી જય” પોકારતા રહ્યા. કેલપ્પન ‘કેરળના ગાંધી’ તરીકે ઓળખાય છે.

    વેદારણ્યમમાં સત્યાગ્રહ

    મીઠાનો સત્યાગ્રહ શરૂ થયા પછી એક મહિનામાંચક્રવર્તી રાજગોપાલાચારી મદ્રાસ કોંગ્રેસના પ્રમુખ બન્યા અને એમણે પહેલું કામ મદ્રાસ પ્રાંતમાં મીઠાના સત્યાગ્રહનું કર્યું. એ કન્યાકુમારીમાં સત્યાગ્રહ કરવા માગતા હતા કારણ કે ત્યાં અરબી સમુદ્ર, હિન્દી મહાસાગર અને બંગાળનો ઉપસાગર ભેગા થાય છે. પણ કોંગ્રેસે એવું નક્કી કર્યું હતું કે માત્ર બ્રિટિશ અંકુશ હેઠળના પ્રદેશમાં જ આ આંદોલન ચલાવવું. કન્યાકુમારી ત્રાવણકોરના દેશી રાજ્યમાં હતું; એટલે તાંજોર (તંજાવ્વૂર) જિલ્લાનું વેદારણ્યમ નામનું નાનું ગામ પસંદ કરવામાં આવ્યું. ત્યાં મીઠું બનાવવાનું કારખાનું પણ હતું.

    રાજાજીએ પણ ૧૫૦ માઇલનો રૂટ બનાવ્યો. સત્યાગ્રહમાં ભાગ લેવા માટે એમને હજારેક અરજીઓ મળી હતી, તેમાંથી એમણે ૯૮ જણને પસંદ કર્યા. એમાં રુક્મિણી લક્ષ્મીપતિ અને કે. કામરાજ નાદર, એમ. ભક્તવત્સલમ અને રાજાજીના પુત્ર સી. આર. નરસિમ્હમ પણ હતા.

    મદ્રાસ સરકારે સત્યાગ્રહીઓને દબાવી દેવા ઘણા પ્રયત્ન કર્યા. જિલ્લા કલેક્ટરે હુકમ બહાર પાડ્યો કે સત્યાગ્રહીઓને ખાવાનું આપશે તેને છ મહિનાની સજા કરાશે. છાપાંઓના તંત્રીઓને પણ સત્યાગ્રહના સમાચાર છાપવાની મનાઈ કરી અને નિશાળિયાં બાળકોનાં માતાપિતાઓને એમનાં સંતાનો સત્યાગ્રહમાં ન પડે તેનું ધ્યાન રાખવાની ચેતવણી આપી.

    ૧૨મી ઍપ્રિલે ૯૮ સત્યાગ્રહીઓ ત્રિચિનાપલ્લી (હવે તિરુચિરાપલ્લી)માં રાજાજીને ઘરે એકઠા થયા અને બીજા દિવસે સવારે પાંચ વાગ્યે એમની યાત્રા શરૂ થઈ. રસ્તામાં એમને એક ગામે ધર્મશાળામાં પણ ઊતરવાની છૂટ ન મળી. જો કે એમને રાતવાસો કરવા કે જમવાની સગવડ આપનારા નીકળી આવ્યા. પણ એમને કલેક્ટરે છ-છ મહિના માટે કેદની સજા કરી. તે પછી લોકો ડરવા લાગ્યા. આમ છતાં લોકો મદદ કરવા તો તૈયાર જ હતા. હવે એમણે ભોજનનાં પેકેટ ઝાડ પર બાંધી દેવાનું શરૂ કર્યું. બીજી બાજુ. બ્રિટિશ સિપાઈઓનો લોકોએ બહિષ્કાર કર્યો. એમને કોઈ ખાવાપીવાનું ન આપે, માલ વેચવા તૈયાર ન થાય. પોલિસમાં કામ કરતા હિન્દીઓએ પોતાની ડ્યૂટી છોડી દીધી અને તે એટલે સુધી કે વાળંદ સરકારી નોકરના વાળ પણ ન કાપી આપે!

    ૨૮મી ઍપ્રિલે સત્યાગ્રહીઓ વેદારણ્યમ પહોંચ્યા. રાજાજીએ  ૩૦મી ઍપ્રિલે સત્યાગ્રહ કર્યો. રાજાજી અને બીજા ૧૬ જણ બે માઇલ ચાલીને મીઠાના અગર પાસે પહોંચ્યા ત્યારે ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ પોલીસ ટુકડી લઈને પહોંચ્યો અને એમને રોકી લીધા. રાજાજીની ધરપકડ કરી લેવાઈ. કામરાજ પણ પકડાયા. એમના પર લોકોને મીઠાનો કાયદો તોડવા માટે ઉશ્કેરવાનો આક્ષેપ હતો. રુક્મિણી લક્ષ્મીપતિને એક વર્ષની સજા થઈ. સવિનય કાનૂનભંગના આંદોલનમાં જેલમાં જનારાં એ પહેલાં મહિલા હતાં.

    બીજા દિવસે લોકોએ દુકાનો બજારો બંધ રાખી. પોલીસના અત્યાચારો સામે નમતું આપ્યા વિના વેદારણ્યમમાં લોકોએ ઠેકઠેકાણે મીઠું બનાવ્યું.

    ૦૦૦

    સંદર્ભઃ દાંડી કૂચથી શરૂ થયેલા ઘટના ચક્રના અંતિમ પ્રકરણના અંતે સંદર્ભ સૂચિ આપવાનું ધાર્યું છે.


    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

  • હું… કોણ…?

    નીલેશ રાણા

    આમ તો રોજ ધમધમતું મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન, વર્ષાઋતુ અને મુસાફરીની સિઝન ન હોવાને કારણે આજે રાતે અડઘું ખાલી હતું. સિગરેટ સળગાવી, હું બીજા મુસાફરોની જેમ ટ્રેનને પ્લૅટફૉર્મ પર દાખલ થવાની રાહ જોઈ રહ્યો છું. ટ્રેન આવે પછી એમાં બેસી જતાં મુસાફરી શરૂ થાય. મેં ટ્રેનના પાટા પર નજર દોડાવી. ધારો એટલે ઇચ્છા તરત જ ક્યાં પૂરી થાય છે! નિરાશ નજર પ્લૅટફૉર્મ પર પાછી ફરે છે. મારાથી થોડે જ દૂર ઊભી રહેલી યુવતી ફોકસમાં આવે છે. ઉંમર લગભગ બાવીસ-ત્રેવીસ. સહેજ શ્યામરંગી, પણ આકર્ષક ખરી. હાથમાં પર્સ અને નાનકડો થેલો. એકલી લાગે છે. એની તરફ જોવું ગમે છે. નજરને માંડ ખસેડતા, એને તાકી રહેલ એક યુવાન… દેખાવડો, મારાથી કદાચ ત્રણ-ચાર વર્ષ નાનો હશે.

    પણ એ જે રીતે યુવતીને જોઈ રહ્યો છે, એની નજર… જરૂર એ મનમાં કશુંક વિચારે છે. નવાઈ ન પામશો, મારા વખાણ શું કરું! અવલોકન કરવાની મારી આદત છે અને આવી નજરોના પ્રકારને ઓળખું છું.

    યુવાન પોતાને જોઈ રહ્યો છે… કદાચ એ અનુભવતાં, યુવતી હળવેકથી દુપટ્ટો ઠીક કરતાં થોડી આગળ ખસે છે. દાખલ થઈ ટ્રેન પ્લૅટફૉર્મ પર ઊભી રહે છે. અંદર દાખલ થવા મુસાફરોની દોડધામ. યુવતીની પાછળ યુવાન, પછી ત્રણ પેસેન્જરો અને હું. ફર્સ્ટક્લાસના ડબ્બામાં પગ મૂકતાં હાશ અનુભવતાં, ઊંડો શ્વાસ લઈ, સીટ નંબર જોઈ બેસવા લાગ્યાં છીએ. યુવતી બારી પાસે ગોઠવાય છે. યુવાન એની બાજુની સીટ પર. (લકી છે!) ચાલવાનો પેસેજ છોડી, સામેની સીટ પર હું. થોડા બીજા પેસેન્જર પણ ડબ્બામાં દાખલ થાય છે. થોડી સીટો ભરાતી જાય છે. વાહ! અમારી આજુબાજુની સીટો ખાલી રહી છે, તેથી હું એમને જોઈ શકું છું.

    ટ્રેન સ્ટેશન છોડી સ્પીડ પકડે છે. યુવતી થેલામાંથી મૅગેઝિન કાઢી વાંચવા લાગે છે. યુવાન શાંત બેઠો છે. કશુંક જરૂર બનશે, મને ખાતરી છે. બારી બહાર અજવાળા-અંધારાની રમત ચાલુ છે. વાંદરા સ્ટેશન પસાર થાય છે. હું ચોરીછૂપીથી એમની તરફ જોઈ લઉં છું. યુવાન ખોંખારો ખાય છે. યુવતીનું ધ્યાન મૅગેઝિન પરથી છટકીને યુવાન તરફ વળે છે.

    “સુરત સુધી જવાના છો?”

    યુવતીના ચહેરા પરના ભાવો જાણે કહી રહ્યા હોય, ‘તમારે શું?’ પણ “ના, સુરત નહીં. વાપી ઊતરવાની છું.”

    “રિયલી? વાહ! મારે પણ ત્યાં ઊતરવાનું છે. ચાલો, કંપની રહેશે. સોરી, તમને ડિસ્ટર્બ કર્યાં.”

    “ઇટ્સ ઓ.કે.” યુવતી ફરી મૅગેઝિનમાં નજર પરોવે છે. શતરંજ પથરાઈ ચૂકી છે. યુવાન ખિસ્સામાંથી મોબાઇલ કાઢી, એટેચીને બાજુમાં મૂકી, મોબાઇલ પરના બટનો દબાવે છે. કદાચ મેસેજ ચેક કરી રહ્યો હશે. બોરીવલી સ્ટેશન આવતાં ટ્રેન ઊભી રહે છે. બે પેસેન્જર દાખલ થાય છે.

    હવે ટ્રેન વિરાર તરફ દોડી રહી છે. ટ્રેનની મંજિલ નિર્ધારિત છે. યુવતીના હાથમાં રહેલા મૅગેઝિનને જોતાં, “તમને ઇન્ડિયા ટુડે વાંચવું ગમતું લાગે છે.”

    સહેજ અણગમા સાથે, “કેમ? એ વાંચવું ગુનો છે?”

    “અરે ના. આજકાલ વાંચવાનું ઓછું થઈ ગયું છે… ખાસ કરીને સ્ત્રીઓમાં…”

    “શું કહ્યું?” ઊંચો થતો અવાજ.

    “ના… ના, મારો જ દાખલો લો. પણ તમને પૉલિટિક્સમાં રસ લાગે છે.”

    “તમને ક્યાંથી ખબર?”

    “તમે અદાણી વિશેનો આર્ટિકલ ધ્યાનથી વાંચી રહ્યાં છો, એટલે.”

    નવાઈ પામતાં, “આપણા દેશમાં શું થઈ રહ્યું છે, એમાં મને ઇન્ટરેસ્ટ છે.”

    “હોવો જ જોઈએ. બાય ધ વે, મારું નામ સંજય.” એની પહેલી ચાલ…

    “મારું મનીષા…” સ્વસ્થ થતો અવાજ.

    વિરાર સ્ટેશન પસાર થાય છે. હવે સ્ટેશનો વચ્ચેનું અંતર વધતું જશે. પેસેન્જરો ઊંઘવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બહારના ઘટ્ટ અંધકારમાં વચ્ચે વચ્ચે રોશની મલકી જાય છે. દોડતી ટ્રેનના અવાજ વચ્ચે પણ એ બંનેની વાતો મને સંભળાય છે.

    મોબાઇલનો સ્ક્રીન જોઈ રહેલ સંજય ધીમું હસી પડે છે અને ધ્યાનભંગ થતા મનીષા મૅગેઝિન બાજુમાં મૂકી, સંજય તરફ જુએ છે. મોબાઇલ મનીષાના હાથમાં સોંપતા, “આ જોવા જેવું છે. વેરી ફની!”

    થોડીવાર જોયા બાદ મોબાઇલ સંજયના હાથમાં પાછો સોંપતા, હસતાં કહે છે, “સારી કોમેડી છે. તમને કોમેડી ગમતી લાગે છે.”

    “જીવનમાં હસતા રહેવું જોઈએ. દુઃખ ક્યારે વળગી પડે, કહેવાય નહીં. તમને શું લાગે છે?”

    “પ્રોફેસર છો?”

    “ના, બિઝનેસમેન. મુંબઈ અપડાઉન કરું છું. તમે મુંબઈમાં જૉબ કરો છો કે…”

    “કૉલેજના લાસ્ટ યરમાં છું.”

    “લકી! મારે તો કૉલેજ બે જ વર્ષમાં છોડી દેવી પડી. ડેડીની તબિયતના કારણે… કૉલેજ પછી પી.એચ.ડી…”

    “ના રે ના. પછી જૉબ…”

    “તમારો સબ્જેક્ટ?”

    “ફાઇનાન્સ.”

    “તો… તો જૉબ તમને શોધતાં આવશે.” મોબાઇલ બંધ કરી ખિસ્સામાં મૂકતા, “ગુડ લક.”

    હું ધારતો હતો એમ જ બની રહ્યું છે. કહ્યું ને, અવલોકન કરવાની મારી આદત ભૂલી ન જતા.

    “તમને ઊંઘ આવતી લાગે છે.” મનીષાને બગાસું ખાતી જોઈને સંજયનું પૂછવું.

    “મને ટ્રેનમાં ઊંઘવાની આદત નથી.”

    “કેમ? ઊંઘ આવશે તો તમારું કોઈ ચોરી લેશે?”

    “મારી પાસે ચોરવા જેવું કશુંય નથી. આ નાનકડી પર્સ. પણ સાવચેત રહેવું પડે, ટ્રેન ઊભી રહે ત્યારે.”

    “બિલકુલ સાચી વાત. મને કેમ યાદ ન આવ્યું?”

    “મશ્કરી કરો છો?” મનીષાનો ખૂલતો અવાજ.

    “અરે! મારી એવી હિંમત?” બંને હસી પડે છે.

    કોઈ તમારામાં જરા ઇન્ટરેસ્ટ લે એટલે સાવચેતીનો આંક નીચે ઊતરવા લાગે અને તમે જાણકારી આપવા લાગો. ખરું ને?

    ટ્રેનની સીટી વાગે છે, થોડી ધીમી પડે છે અને ફરીથી સ્પીડ પકડે છે. હું ખિસ્સામાંથી ટિકિટ કાઢીને વાંચું છું. મુંબઈ ટુ વાપી. આંખો સહેજ ભારી લાગે છે, પણ કાન એમને તાકીને બેઠા છે. ટી.સી. આવીને ટિકિટ ચેક કરી આગળ વધે છે.

    “કેમ વાપી જાવ છો?”

    “મારાં પેરેન્ટ્સ ત્યાં રહે છે.”

    “એમ. તમે વાપીના વાસી છો.”

    “ના, ત્યાંથી થોડે દૂર…”

    “શું કૉલેજ પૂરી થઈ ગઈ?”

    “થોડા દિવસનું વૅકેશન છે. થયું, આંટો મારી આવું.”

    “તમને સ્ટેશન પર ઊતરતાં જોઈને તેઓ ખુશ થઈ જશે.”

    “એમને ખબર નથી કે હું આવી રહી છું.”

    “સરપ્રાઇઝ વિઝિટ!” સંજયના ચહેરા પર ફરકતી નવાઈ.

    “એવું જ કંઈક.”

    સંજય સાથે વાતો કરવામાં કમ્ફર્ટેબલ થઈ રહેલી મનીષા, સંજયના ચહેરા પરના ભાવોને ઉકેલવાનો પ્રયત્ન કરતો હું. મારા સિવાય એમની વાતોમાં કોઈને દિલચસ્પી નથી. આમ તેઓ દૂર બેઠાં છે.

    “તમને સ્ટેશને લેવા કોણ આવશે?”

    “કોઈ નહીં. ત્યાંથી બસ મળે છે. પહોંચી જઈશ.”

    ટ્રેનના પૈડાના ખડખડાટ વચ્ચે થતી વાતો…દહાણુ સ્ટેશન થોડીવારમાં આવશે.

    જમણા ગાલ પર તર્જની ફેરવતા, “જો તમે કહો તો હું તમને લિફ્ટ આપીશ.”

    મૅગેઝિન થેલામાં મૂકતાં મનીષા બોલી, “લિફ્ટ…?”

    “મારી કાર સ્ટેશન પર જ પાર્ક છે.”

    “તમારી કાર?”

    “ભૂલી ગયાં? મેં કહ્યું’તું બિઝનેસ માટે હું મુંબઈ અપડાઉન કરું છું. એટલે કાર સ્ટેશન પર પાર્ક કરું છું.”

    થોડીવાર ચૂપ રહ્યાં બાદ, “તમારે શા માટે તકલીફ ઉઠાવવી? હું… હું બસમાં ચાલી જઈશ.”

    “ઓળખાણ થઈ છે, તો તકલીફ શાની.”

    મનીષાને ફરી ચૂપ થતી જોઈ મને ડર લાગે છે કે એ…એ… હા ન પાડી બેસે! હું સંજયની બધી લાઇનથી પરિચિત છું. જોઉં છું એ આગળ શું બોલશે. પણ વાતચીત તત્પૂરતી અટકી ગઈ છે.

    દહાણુ સ્ટેશન આવતાં ટ્રેન ઊભી રહે છે. ઊતરતા પેસેન્જરો સાથે સંજય સ્ટેશન પર ઊતરે છે. એની પાછળ સ્ટેશન પર ઊતરવાની ઇચ્છાને હું બળપૂર્વક દબાવી રાખું છું. ટ્રેન શરૂ થાય છે. સંજય ક્યાં… એ ટ્રેન ચૂકી જાય તો સારું… વિચાર મારા મનમાં પા…પા પગલી પાડે, ત્યાં જ હાથમાં બે પડીકાં પકડી, સંજય ડબ્બામાં દાખલ થઈ મનીષાની બાજુમાં બેસતા એક પડીકું મનીષાને આપે છે. બોલતાં “ગરમાગરમ ચણાની દાળ. લીંબુ અને કાંદા સાથે.”

    “અત્યારે…?”

    “લેટ નાઇટ ડિનર.”

    “શું કહ્યું?”

    “આજે મિટિંગ લાંબી ચાલી, એટલે ડિનરનો ટાઇમ ચૂકી ગયો. ભૂખ્યા પેટે મને ઊંઘ નથી આવતી.”

    “પણ મને ભૂખ નથી.”

    “ભૂખ નથી, તો પણ થોડી ચાખી તો જુઓ. ભૂખ ઊઘડશે.”

    પેટની ભૂખ કે પછી… ચાલ, હું જાણું છું.

    સંજય ખાવાની શરૂઆત કરે છે. થોડી દાળ મુખમાં મૂકી, પડીકું વાળીને મનીષાની બાજુમાં મૂકે છે. મારા મોંમાં પાણી છૂટે છે.

    પછી આઠ-દસ મિનિટ કશું જ થતું નથી. બંને શાંત બેઠાં છે. સંજય દાળ પૂરી કરી પડીકું બારી બહાર ફેંકતા બોલે છે, “મારી લિફ્ટ આપવાની ઑફર ભૂલશો નહીં.”

    જવાબમાં મનીષા માથું હલાવે છે. મને એ ગમતું નથી. પણ… સમય ટ્રેનની સાથે આગળ ધસી રહ્યો છે. બહારથી અંધારું અંદર ડોકિયું કરતું રહે છે. બસ, અડધા-પોણા કલાકમાં ટ્રેન વાપી પહોંચી જશે. પછી શું થશે? હું વિચારું છું.

    અચાનક “ઓહ… ઓહ…” નાનકડો ચિત્કાર સંભળાતા, મારી અને મનીષાની નજર સંજય પર ગોઠવાય છે. પેટ પર હાથ દબાવતા સંજયને જોતાં મનીષાનું પૂછવું…

    “શું થયું? પેટમાં ગરબડ…?”

    “ચણાની દાળને મારી કંપની માફક નથી આવી એમ લાગે છે.” મનીષા આગળ કશું પૂછે એ પહેલાં “એક્સક્યુઝ મી.” બોલી, ઝડપથી ઊભો થઈ, પેટ પર હાથ દાબતા સંજયને હું ટૉઇલેટ તરફ જતા જોઈ રહ્યો છું.

    સમય ઓછો છે. તક સામે છે. મારો ચાન્સ… મારી સીટ છોડીને હું તરત જ મનીષાની સામેની સીટ પર બેસું છું. મને સામે બેસતો જોઈ એ ચોંકે છે.

    “સોરી, ગભરાવવાની જરૂર નથી.” એ મુંઝાય છે.

    “તારું નામ મનીષા…”

    “હા.” શંકાભરી નજર મને કોતરે છે.

    “હું કશું કહેવા માગું છું. તમારી વાતો મેં સાંભળી છે.”

    “શા માટે?” અવાજમાં થોડી તીખાશ. પર્સ પર મજબૂત બનતી પકડ અને ઊંચો થતો એનો શ્વાસ.

    “ગુસ્સે ન થતી. માત્ર તને ચેતવવા માગું છું.”

    “મને… મને…”

    “હા, તને. મને સંજય પર શક છે. એનો ઇરાદો ઠીક નથી.”

    “સંજયનો! એટલે?”

    “તને લિફ્ટ આપવાની ઑફર કરી છે.”

    “તમે શું કહેવા માગો છો?”

    “તને ચેતવવાની મારી ફરજ છે. એનો ઇરાદો…”

    “તમે પોલીસખાતામાં છો?”

    “ના, પણ સંજય જેવા પુરુષથી હું પરિચિત છું.” એ શંકાભરી દૃષ્ટિથી મને તાકી રહે છે. “વાપી ઊતરતાં સંજય લિફ્ટ આપવાનો આગ્રહ કરશે. મારી સલાહ છે, તું ના પાડજે. મેં કહ્યું ને, એનો ઇરાદો ઠીક નથી.”

    “પણ…પણ…”

    “કદાચ એ તને કિડનેપ કરે પછી રેપ…”

    “તમને ક્યાંથી ખબર? તમે એને ઓળખો છો? તમે છો કોણ?” પ્રશ્નોની ફાયરિંગ!

    “સંજયને નહીં, પણ એના જેવા પુરુષોને.” બોલી, મારા પેન્ટના પાછલા ખિસ્સામાંથી પાકીટ કાઢી, ખોલી, એક કાર્ડ કાઢી મનીષાના હાથમાં આપું છું. એ કાર્ડ વાંચે છે. પછી મારી તરફ જુએ છે. એના ચહેરા પરના મિશ્ર ભાવો વિરમવા લાગે છે. એ ફરી કાર્ડ વાંચે છે. પછી પર્સ ખોલીને કાર્ડ અંદર મૂકતાં માથું હલાવે છે. હું ઊઠીને મારી સીટ પર બેસું છું.

    ટ્રેનની ગતિ ધીમી પડવા લાગે છે, પછી થોભે છે. બહાર જોયું તો સ્ટેશન આવ્યું નથી. સંજય આવીને મનીષાની બાજુમાં ગોઠવાય છે.

    “હવે કેમ લાગે છે?”

    “નો મોર ચણાની દાળ.” થોડીવાર બાદ ટ્રેન ચાલુ થતાં હું રિસ્ટ વોચમાં જોઉં છું. બસ, દસ મિનિટ વાપી સ્ટેશન. હવે…

    સ્ટેશને ટ્રેન ઊભી રહે છે. સીટ પરથી ઊભા થતાં મનીષા મારી તરફ જુએ છે. હું ઊભો થઈને બેગ હાથમાં ઉપાડું છું. મનીષા, પછી સંજય, પછી ત્રણેક પેસેન્જરો અને પછી હું. સ્ટેશન પર અમારાં પગલાં… હું એમનાથી થોડે અંતરે ચાલુ છું. મનીષાને નવાઈ લાગી હશે. હુંય વાપી સ્ટેશને ઊતર્યો છું.

    સ્ટેશન બહાર અંધારું વરસાદમાં ભીંજાઈ રહ્યું છે. હું ઊભો રહી, સિગરેટ સળગાવું છું. મનીષા અને સંજય મારાથી થોડે દૂર… એમની વચ્ચેની વાતચીત મને સંભળાતી નથી. સંજયને મનીષાથી છૂટો પડતો હું જોઈ રહ્યો છું. સિગરેટ સળગી રહી છે. પાસેથી પસાર થતાં સંજયના ચહેરા પર ગુસ્સાની છાંટ છે. સ્ટેશન સામે પાર્ક કરેલી કાર તરફ જઈ, એક કારનો દરવાજો ખોલી એ અંદર બેસી, કાર સ્ટાર્ટ કરી કમ્પાઉન્ડની બહાર જાય છે. મનીષા પર્સ અને થેલો લઈ બસ સ્ટેન્ડ તરફ ચાલવા લાગી છે. બીજા મુસાફરો રિક્ષામાં સ્ટેશન છોડી ચૂક્યા છે.

    સિગરેટ નીચે ફેંકી, બૂટથી મસળી, હું પણ સામે પાર્ક કરેલી કાર તરફ ચાલવા લાગું છું. વરસાદ સાથે પવન પણ જોર પકડે છે. બંડીના બટન પર હાથ ફેરવતાં હું મારી કારમાં બેસું છું. કાર સ્ટાર્ટ કરી, સ્ટેશનની બહાર ન જતાં હું કાર બસ સ્ટેન્ડ તરફ વાળું છું. ત્યાં કાર ઊભી રાખું છું. મનીષા બસ સ્ટેન્ડ પર એકલી ઊભી છે.

    મારી તરફનો બારીનો કાચ નીચે ઉતારતાં હું મોટેથી બોલું છું, “મનીષા…” એની નજર ઊંચી થાય છે. “અહીં ક્યાં સુધી ઊભી રહીશ?”

    “બસ થોડીવારમાં આવવી જ જોઈએ.” ઠંડી લાગતાં એ પોતાનો ડ્રેસ ઠીક કરે છે.

    “વરસાદ ઘણો છે. બસ ટાઇમમાં ન આવી તો?”

    “થોડીવારમાં આવવી જ જોઈએ.”

    “તું એકલી ઊભી છે, એ ઠીક નથી. અને કદાચ સંજય પાછો આવ્યો તો? વિચાર કર.” જવાબ ન મળતાં, “તારે ક્યાં જવું છે?”

    એ મને ઍડ્રેસ કહે છે. “ઓહ! મારે ત્યાંથી જ આગળ જવાનું છે. તને મૂકી જઈશ.”

    એ જવાબ આપે એ પહેલાં હું કારનો દરવાજો ખોલું છું. “હજુ અંધારું છે. એકલી શા માટે ઊભી રહે છે? ચાલ, બેસી જા.”

    સંકોચ સાથે, “પણ… તમારે…”

    “મને પણ મોડું થશે. પ્લીઝ, બેસી જા.”

    અંધારામાં થોડે દૂર સુધી તાકીને, જમણા હાથમાંની પર્સ માથા પર ધરતાં, કારમાં બાજુની સીટ પર બેસી દરવાજો બંધ કરતાં કહે છે, “થેન્ક્યુ”

    “એમાં થેન્ક્યુ કહેવાની જરૂર નથી.” કહેતાં મનીષાના હાથમાં સોંપેલું મારા સાઇકિયાટ્રિસ્ટનું કાર્ડ આજે કામ આવી ગયું, એનો આનંદ મને ગળે વળગી પડે છે.

    હું… હું… કોણ?

    મને… મને ના ઓળખ્યો?!

  • ભેટ

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    હું સાચે અતિ સુંદર હતી. કુમુદની પાંખડી જેવી આંખો, એ આંખોમાં સેંકડો સપનાં,  કાલિદાસ હોત તો મારા વિશે કેવુંય વર્ણન કરત ! મને જોતાં જ સૌની આંખો અંજાઈ જતી. મારા સૌંદર્યની પ્રશસ્તિ સાંભળીને ગુસ્સે થયાનો ડોળ કરતી પણ અંતરથી હું પ્રસન્ન થતી.

    કૉલેજનો અભ્યાસ પૂર્ણ થયો. આગળ ભણવાની ઈચ્છા ન થઈ. રમણી, જાનકી, ઈંદિરા અને હું. અમારાં ઘર નજીક નજીક હતાં. રમણી વીણા સરસ વગાડતી. જાનકીનો અવાજ ખૂબ સરસ હતો. ઈંદિરા તો વળી મસ્તમૌલા હતી. વાતો કરતાં કરતાં એ કંઈકનું કંઈક કર્યા કરતી. બસ, એક હું હતી કે જે સદાય સપનામાં રાચતી છતાં સૌ મને વધુ પડતું ઇમ્પોર્ટન્સ આપતાં. કૌશલ્ય કરતાં સૌંદર્ય ચઢિયાતું હશે એટલે?

    બી.એ.પાસ કર્યું તો ઘરમાં બધાં ખુશ. ‘ભારે ભાગ્યશાળી છે.’ સૌએ કીધું.

    એકાદ અઠવાડિયાં પછી મારાં લગ્નની વાતો શરૂ થઈ. છોકરો એન્જિનીયર હોવાની સાથે લેખક  હતો. એને હું પસંદ છું એવા સમાચારથી ઘરમાં આનંદ છવાયો.

    ‘ભારે ભાગ્યશાળી છે.’ ફરી એ જ વાત થઈ.

    સખીઓ, સ્વજનોને છોડીને લગ્ન પછી તરત એમની સાથે હૈદરાબાદ આવી. કોઈ જવાબદારી વગરનો થોડો સમય આનંદથી આઝાદ પંખીની જેમ પસાર થયો.

    એક દિવસ ખબર પડી કે, હું મા બનવાની છું. મારાં કરતાં એ અધિક પ્રસન્ન થયા. અચાનક જાણે જીવનમાં પરિવર્તન આવ્યું. હવે સમજાયું કે આજ સુધી જે જીવન જીવી એ અલગ હતું. અર્થસભર જીવનનો હવે આરંભ થઈ રહ્યો છે.

    હજુ તો ગળામાં પહેરેલા મંગળસૂત્રનું મૂલ્ય સમજું એ પહેલાં ઉદરમાં અલગ અનુભૂતિ થવા માંડી. આનંદની સાથે થોડો ભય લાગતો. જોકે એ ડર આનંદદાયક હતો.

    દીકરી જોઈતી હતી ને દીકરો આવ્યો. કેટલાય પુસ્તકોમાંથી શોધીને નામ રાખ્યું -સુમંત. જીવનમાં પહેલી વાર કોઈ કામ પૂર્ણ શ્રદ્ધાથી કર્યું હોય એવું લાગ્યું બાકી મારી પ્રકૃતિ તો ભારે આરામપ્રિય.

    મા બનવાની સાથે મારી એ પ્રકૃતિ સાવ બદલાઈ ગઈ. સુમંત જાગે એ પહેલાં મારી સવાર શરૂ થતી. દૂધની બોટલો સ્ટરિલાઇઝ કરવાથી માંડીને હર એક મિનિટ સુમંત માટેની રહેતી. સુમંત મોટો થતો ગયો. સ્કૂલમાં દાખલ કર્યા પછી એના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન આપવાં માંડ્યું. એ મારો સુવર્ણયુગ હતો. એ પ્રત્યેક ક્ષણ મને યાદ છે. સુમંત સિવાય સંસારમાં બીજું કશું છે જ નહીં એટલી એની સાથે ઓતપ્રોત થઈ ગઈ હતી.

    એ ખૂબ સવાલો કરતો. ન તો મારી પાસે અગાધ જ્ઞાન હતું કે ન તો હું બાળમાનસની અભ્યાસી હતી, પણ બાળકોનાં કુતૂહલનો સંતોષ થાય એવા જવાબો એમને મળવાં જોઈએ એવું અનેકવાર  વાંચ્યું હતું એટલે એનાં દરેક સવાલોના જવાબ શક્ય હોય એવી રીતે આપવા મથતી. પૂરાં પચીસ વર્ષ સુધી એ મારું સર્વસ્વ હતો.

    આજ સુધી સંસારની તમામ જવાદારીઓ મારાં માથે મૂકીને એ તો સાવ નિશ્ચિંત થઈ ગયા. કેવળ અભ્યાસુ બનીને પોતાનાં જ્ઞાનમાં ઉમેરો કરતા રહ્યા. હું એમની, ઘરની, સુમંતની જરૂરિયાતોની અગત્યતા સમજી એ પૂર્ણ કરવામાં વ્યસ્ત રહી. સુમંતનાં લગ્ન થયાં. એને પણ દીકરો છે. હેમંત એનું નામ. આજ સુધી સુમંત અને મારું પ્રગાઢ બંધન હતું, પણ હવે એમાં તિરાડો દેખાવા માંડી.  પત્ની આવી, દીકરો જન્મ્યો પછી સુમંતનો વ્યહવાર મારી સાથે બદલાવા માંડ્યો. એની ઉપેક્ષા મને કઠવા લાગી.

    ઑફિસમાં એકથી એક ચઢિયાતા દોસ્ત, ઘરમાં મેઘાવી પિતા, વાતો કરવા પત્ની, હવે માનું શું મૂલ્ય? ધીમેધીમે સૌ પ્રત્યે મારી અકળામણ વધવા માંડી, એમાં ભગવાન પણ બાકાત નહોતા.

    સાંભળ્યું હતું કે, જે પોતાનું ઉત્તરદાયિત્વ સંભાળે એની પર ભગવાન પ્રસન્ન રહે. મેં મારું ઉત્તરદાયિત્વ પૂર્ણ સમજ અને સ્નેહથી નિભાવ્યું હતું તો આમ ઢળતી ઉંમરે આ એકાંત, તિરસ્કાર કેમ?

    જીવનભર પોતાનાં જ્ઞાનથી સરસ પુસ્તકોની રચના કરીને જગતમાં એ ‘મેઘાવી’ નામથી સન્માનને પાત્ર બન્યા. અપૂર્વ પ્રેમથી સુમંતને ભણાવ્યો અને વૈજ્ઞાનિક બનાવ્યો, પણ એમાં મારી શું ઓળખ રહી ? ઘરમાં સૌ મારાથી દૂર થવા માંડ્યાં. સૌ સાથે મળીને ટી.વી, જોતાં ને હું એકલી બેઠી દેવદેવીઓની ફિલ્મો જોઈને ભગવાનને સવાલો કરતી, “ શું આ જ મારી દિનચર્યા, મારાં ભાગે આવી એકલતા કેમ?”

    ક્યારેક વિચાર આવતો કે, એક યુવતી, જે હંમેશાં સપનામાં રાચતી રહી, મા બન્યાં પછી, નિજી જીવનને, સ્વ-અસ્તિત્વ ભૂલીને જે તપસ્યા કરી એની ફળશ્રુતિરૂપે આ ડરામણું એકાંત કેમ?

    આંખોમાંથી આંસું વહી રહ્યાં હતાં. નજર સામેની બાલગોપાલની મૂર્તિ પરના હોઠોનું સ્મિત પણ અસ્પષ્ટ, ધૂંધળું થવા માંડ્યું. અચાનક બહારથી હેમંતનાં રડવાનો અવાજ અને સુમંતની બૂમો સંભળાઈ. હેમંત દોડતો મારી પાસે આવ્યો. પાછળ મારા પતિ, સુમંત, પુત્રવધૂ….

    “શું થયું?”

    “બેવકૂફ જેવા સવાલ કરે છે. પૂછે છે કે, ચાંદ રાત્રે જ કેમ આવે છે?” સુમંત બોલ્યો.

    મેઘાવી પતિ, વૈજ્ઞાનિક પુત્ર, સૌ એને જ્ઞાન આપવા મથતા હતા જે એની બાળકબુદ્ધિને સમજાતું નહોતું. પૃથ્વીનું પરિભ્રમણ, સૂર્યચંદ્રની ગતિ જેવી અઘરી વાતો એની સમજ બહાર હતી.

    “દાદી, તમે જ કહોને કે, ચાંદ રાત્રે જ કેમ આવે છે?”

    આ જ સવાલ સુમંત હેમંત જેવડો હતો ત્યારે એણે મને પૂછ્યો હતો. હેમંતને સ્નેહથી મારા ખોળામાં બેસાડીને સુમંતને સમજાય એવો જે જવાબ આપ્યો હતો એ હેમંતને આપ્યો.

    “ચાંદ રાત્રે જ આવે છે કારણ કે, એને રાત બહુ ગમે છે.”

    હેમંતની આંખો આનંદથી ચમકી ઊઠી.

    “સાચે?” બરાબર સુમંતના ચહેરા પર ઝળક્યું હતું એવું જ હાસ્ય હેમંતના ચહેરા પર હાસ્ય ઝળકી ઊઠ્યું. સૌના ચહેરા પર સ્મિત દેખાયું. મને ખબર હતી કે એ સ્મિત પાછળ મારી મજાક હતી. મારો આવો બાલિશ, સમાધાનકારી જવાબ સાંભળીને સૌ હસીને ચાલ્યાં ગયાં.

    મને વળગીને હેમંત બોલ્યો, “દાદીમા, આ કોઈને કશી ખબર નથી પડતી. હવે હું કોઈની સાથે ક્યારેય વાત નહીં કરું.”

    અને મને સમજાઈ ગયું કે, ભગવાને મને કયા સ્વરૂપે શું ભેટ આપી છે.


    શ્રીવલ્લી (તેલુગુ લેખિકા)ની વાર્તા ‘ઉપહાર’ને આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • નૂતન વર્ષાભિનંદન 

    વિક્રમ સંવત ૨૦૮૧ નું

    વર્ષ

    આપના અને આપના પરિવારજનોનાં

    સ્વપ્નો, અને આશાઓ અપેક્ષાઓ

    સાકાર કરનારું

    નીવડો

    એવી

    હાર્દિક શુભેચ્છાઓ 

    વેબ ગુર્જરી