વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • પાંખે પવન અને આંખે હિમાલય

    પ્રકૃતિની પાંખો

    હીત વોરા

    આ શિયાળે, જ્યારે હું અમદાવાદ નજીક થોલ બર્ડ સૅન્ક્ચ્યુરીમાં યાયાવર પક્ષીઓના કલરવને માણી રહ્યો હતો, ત્યારે મેં એક બહેનને તેના સંબંધીને પૂછતાં સાંભળ્યું, “આ બતક અને હંસ બહુ ઊંચા ઉડી શકતા નહીં હોય, ખરું?”

    કેવી અચરજની વાત છે કે વિશ્વના સૌથી ઊંચે ઉડતા અને સૌથી લાંબી યાત્રા કરતા કેટલાક પક્ષીઓ ઘણી વખત નિરલક્ષિત નજરોથી ચૂકી જાય છે. એમા “બાર હેડેડ ગૂઝ” એટલે કે રાજહંસ (Anser indicus) એક અદ્ભૂત ઉદાહરણ છે—જે સમુદ્રની સપાટીથી ૨૫,૦૦૦ ફૂટથી (૭,૦૦૦ મીટર) વધુ ઊંચા હિમાલયના પર્વતો પાર કરી, ઓક્સિજનની ઓછી માત્રા હોવા છતાં પોતાના ગંતવ્ય સ્થળ પર પહોંચી શકે છે! સેંકડો કિલોમીટરની સફર કરીને, તેઓ ગુજરાતના નળ સરોવર, થોલ અને કચ્છના રણના વેટલેન્ડ્સમાં શિયાળું વસવાટ કરે છે, જ્યાં તેમની સંઘબદ્ધ ઉડાન અને કલરવ કુદરતી દ્રશ્યોને સમૃદ્ધ બનાવે છે

    બાર હેડેડ ગૂઝની ઓળખ, તેના સફેદ માથા પરના બે કાળા પટ્ટાથી થાય છે. આ પક્ષીનું ઉનાળુ નિવાસસ્થાન તિબેટ, રશિયા અને મોંગોલીયાના ઊંચાઈવાળા તળાવો છે જ્યાં તેઓ ટૂંકા ઘાસ પર ચરે છે અને શિયાળાનો સમય ભારતખંડના વેટલેન્ડ્સમાં પસાર કરે છે. આવો શિયાળુ પ્રવાસ તો બીજા ઘણા પક્ષીઓ કરે છે પણ રાજહંસને અનન્ય બનાવે છે તે છે એનો જોખમી અને લગભગ અશક્ય લાગતો માર્ગ ! હિમાલયને બાયપાસ કરી આગળ વધવાનો મર્ગ જે લગભગ બધા યાયાવર પક્ષીઓ પસંદ કરે છે એને બદલે, રાજહંસ પૃથ્વીના સર્વોચ્ચ શિખરો ઓળંગીને ઉડવાનું પસંદ કરે છે! લોકવાયકા એવી પણ છે કે રાજહંસ સૌથી ઊંચું પાંચમું શિખર માઉન્ટ મકલૂ (8,481 મીટર) અને સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ (8,849 મીટર) ઉપરથી ઉડતા જોવા મળ્યાં છે! પણ આના કોઈ પુરાવા નથી!

    હજી એ ચોક્કસ નથી કે રાજહંસ માઉન્ટ એવરેસ્ટ જેટલી ઊંચાઈએ પહોંચી શકે છે કે નહીં, પરંતુ સંશોધન મુજબ તે 6,450 મીટર જેટલી ઊંચાઈ સુધી પહોચે છે અને પર્વતીય-ઘાટ માર્ગો દ્વારા આગળ વધે છે. રસપ્રદ વાત એ છે કે, ભારતના નીચાણવાળા વિસ્તારોમાંથી તિબેટના પર્વતો સુધીનો પ્રવાસ તબક્કાવાર થાય છે, જેમાં મહાકાય હિમાલયને પાર કરવાનો પડકાર રાજહંસ માત્ર સાત કલાક જેટલી ટૂંકી અવધિમાં પૂર્ણ કરે છે!

    હિમાલયની પાતળી હવામાં અને ઓક્સિજનની અછતમાં કીમતી ઉર્જા ખરચી ઉડવું એ અશક્ય લાગતી વસ્તુ છે, પરંતુ કુદરતની આ અજાયબીએ તેને સફળતાપૂર્વક શક્ય બનાવ્યુ છે! રાજહંસના આ વિસ્મયજનક વર્તનથી વૈજ્ઞાનિકો અને પ્રકૃતિવિદો ઘણા સમય સુધી મૂંઝવણમાં રહ્યા, પરંતુ વૈજ્ઞાનિક પ્રગતિ સાથે હવે આપણને સમજાવા લાગ્યું છે કે તેઓ આ ઉત્તમ ઊંચાઇઓ પર ઉડવા માટે કેવી રીતે અનુકૂળ થયેલા છે. અધ્યયનોએ દર્શાવ્યું છે કે ઓક્સિજનની ઓછી ઉપલબ્ધતા ધરાવતી પરિસ્થિતિઓમાં રાજહંસ વધુ ઊંડું અને અસરકારક શ્વસન કરે છે, જે ઓક્સિજનની શોષણ ક્ષમતા વધારવામાં સહાયક બને છે.તેમના રક્તમાં હેમોગ્લોબિનની ઓક્સિજન માટેની આકર્ષણશક્તિ અન્ય પ્રાણીઓ કરતાં વધુ હોય છે. ઉપરાંત, હૃદયના ડાબા ક્ષેપક (Left Ventricle)માં વધુ રક્ત કોશિકાઓ (કેપિલરીઝ) હોવાના કારણે, તે પર્યાપ્ત ઓક્સિજન પ્રાપ્ત કરે છે, જે તેને અત્યંત ઊંચાઈઓ પર પણ કાર્યક્ષમ રહેવામાં સહાય કરે છે. તેમની પાંખોની લંબાઈ પણ અન્ય હંસ કરતાં થોડી વધુ હોય છે, જે તેમને પાતળી હવામાં પૂરતી ઉંચાઈ મેળવવામાં મદદ કરે છે.

    રાજહંસ પર્યાવરણ માટે પણ અગત્યની ભૂમિકા ભજવે છે, તેઓ વેટલેન્ડ્સના આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ વનસ્પતિ અને જળચર જીવજંતુઓના પ્રજનન અને પ્રસરણમાં સહાય કરે છે, તેમજ પોષક તત્વોના પરિભ્રમણમાં ભાગ લે છે. વેટલેન્ડ્સ—જેને પૃથ્વીના ફેફસાં તરીકે ઓળખવામાં આવે છે—વરસાદના પાણીનું સંચય અને શુદ્ધિકરણ કરે છે, જમીનને રીચાર્જ કરે છે અને દરિયાની સપાટીને આગળ વધતા રોકે છે. તે માત્ર પ્રકૃતિ માટે જ નહીં, પણ માનવજાત માટે પણ અત્યંત ઉપયોગી છે, કારણ કે વેટલેન્ડ્સ ખેડૂતોને પાણી પૂરું પાડે છે, માછીમારો માટે જીવિકોપાર્જનનો સ્ત્રોત છે અને હવામાન બદલાવને મંદ બનાવવામાં પણ મદદ કરે છે. જોકે, શહેરીકરણ અને પ્રદૂષણના કારણે ઘણા વેટલેન્ડ્સ દિન-પ્રતિદિન ઘટી રહ્યા છે. જો આપણે આ મહત્વપૂર્ણ ઈકોસિસ્ટમ અને તેના રહેવાસીઓને સુરક્ષિત રાખવા માંગતા હોઈએ, તો જરૂરી છે કે આપણે તેના મહત્વને સમજીએ અને તેનું સંરક્ષણ સુનિશ્ચિત કરીએ.

    રાજહંસ જેવા પક્ષીઓ પ્રકૃતિના સંકેતકો છે—તેમની હાજરી, સંખ્યા અને આચરણ પરથી આપણે આપણા પર્યાવરણના આરોગ્ય વિશે ઘણું જાણી શકીએ છીએ. આવા અજાયબી સર્જનારા કુદરતી પ્રદેશો અને પક્ષીઓની સંભાળ લેવા માટે, આપણને જાગૃતતા અને જવાબદારી સાથે આગળ વધવું જરૂરી છે.

    થોલ પક્ષી અભ્યારણ : વેટલૅન્ડ સંરક્ષણની એક સફળ ગાથા:-

    થોલ સરોવર પક્ષી અભ્યારણ એક માનવહસ્તકૃત સરોવર કેવી રીતે સમૃદ્ધ ઇકોસિસ્ટમમાં પરિવર્તિત થઈ શકે તે માટે એક ઉત્તમ ઉદાહરણ છે. મૂળ 1912માં મહેસાણા તાલુકામાં ગાયકવાડ શાસન દરમિયાન ખેડૂતોની સિંચાઈ માટે બનાવાયેલું આ સરોવર, ધીમે ધીમે સ્થાયી અને યાયાવર પક્ષીઓ માટે મહત્વના પરીસરતંત્રમાં બદલાઈ ગયું. તેની પર્યાવરણીય મહત્વતાને માન્યતા આપીને, ૧૯૮૮માં તેને પક્ષી અભ્યારણ જાહેર કરવામાં આવ્યું અને 2021માં રામસર સાઇટ તરીકે માન્યતા મળી, જે તેની આંતરરાષ્ટ્રીય મહત્વતાને દર્શાવે છે.

    આજે, થોલ ૧૫૦ થી વધુ પક્ષી પ્રજાતિઓને આધાર આપે છે, જેમાં ફલેમિંગો, પેલિકન અને સારસ ક્રેન જેવા વિશિષ્ટ પક્ષીઓનો સમાવેશ થાય છે. નળસરોવર અને કચ્છના નાના રણની નજીક સ્થિત થોલ, ભારતખંડમાં યાયાવર પક્ષીઓ માટે એક સતત માઈગ્રેશન કોરિડોર જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ અભ્યારણની સફળતા દર્શાવે છે કે વેટલૅન્ડ્સ માત્ર પ્રકૃતિ માટે જ નહીં, પરંતુ માનવજીવન માટે પણ અગત્યના છે—તેઓ જળચક્રને સંચાલિત કરે છે, પૂર અટકાવે છે અને જીવનસર્જક સાધન તરીકે સેવા આપે છે.

    થોલનું સિંચાઈ માટે બનાવાયેલું સરોવર એક અભ્યારણ તરીકે વિકસ્યું તે સાબિત કરે છે કે જો માનવસર્જિત જળાશયોનું સાચી રીતે સંરક્ષણ થાય, તો તે અદ્ભૂત પર્યાવરણીય ખજાના બની શકે. વેટલૅન્ડ્સના મૂલ્યને સમજીને અને તેમના સંરક્ષણમાં સક્રિય હિસ્સો લઈને, આપણે એક એવું ભવિષ્ય નિર્માણ કરી શકીએ જ્યાં પ્રકૃતિ અને સમાજ બંને સાથે સુખી થાય.

    આપણે ઘણી વખત વસ્તુઓને પોતીકી માની લઈએ છીએ, માત્ર આપણા ઉપયોગ માટે છે એમ માની લઈએ છીએ. ઘણાં લોકોને થોલ એક સામાન્ય તળાવ જ લાગે—વીકએન્ડ માટે એક લીલુંછમ પિકનિક સ્પોટ, અને તેમાંના પક્ષીઓ ફક્ત શોભા વધારવા માટે હોય એવું લાગે, જાણે હોટલનો ‘કમ્પ્લીમેન્ટરી’ નાસ્તો! પણ જ્યારે આપણે તેનો ઇતિહાસ અને મહત્વ સમજીએ, ત્યારે એ જગ્યાથી આપણું  વધુ ઉંડું જોડાણ થઈ શકે.

    અને હવે જો તમે કોઈ સફેદ હંસને તેના માથા પર બે કાળા પટ્ટા સાથે જુઓ, તો હવે તમે જાણતા હશો કે એ ફક્ત થોડું ઉડતા પક્ષી નહીં, પણ એક અદ્ભુત યાત્રિ છે! બસ એક ક્ષણ માટે કલ્પના કરો કે તેણે અહીં પહોંચવા માટે કેટલી સહાસિક સફર કરી હશે!


    શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • કૃત્રિમ બુદ્ધિ : વિકાસ અને નિસ્બત

    કપિલ શાહ

    શ્રમ અને સમય બચાવવા માણસજાત ઉત્ક્રાંતિ દરમ્યાન સાધનો (Tools) વાપરતી આવી છે. શરૂઆતનાં સાધનો હાથ-પગથી થતાં કામોમાં રાહત આપતાં થયાં. ચાલવાને બદલે સાયકલથી માંડી બીજાં વાહનો શોધાયાં. હાથે સીવવાને બદલે સીંગરના મશીનથી માંડી જંગી ટેક્સટાઈલ મશીનરી આવી. શરૂઆતમાં સાધનો યાંત્રિક હતાં.

    ગણતરી સહેલી કરવા ૧૬૭૨માં પહેલું કેલ્ક્યુલેટર વિકસાવાયેલું. તેનાં ૧૪૮ વરસ પછી ૧૮૨૦માં એક યાંત્રિક કેલ્કયુલેટર બજારમાં મળતું થયું, જેનું નામ એરિથોમીટર હતું. ૧૯૫૪માં ટ્રાન્ઝીસ્ટર આધારિત કેલ્ક્યુલેટર શોધાયું. ૧૯૬૧માં સંપૂર્ણપણે ઈલેક્ટ્રોનિક ડેસ્કટોપ કેલ્ક્યુલેટર શોધાયું. ભારતનાં સામાન્ય ઘરોમાં ૧૯૭૫  થી ’૮૦ની વચ્ચે કેલ્કયુલેટર વપરાતું થયું અને ફટાફટ ગણતરી કરતાં મુનિમજીઓ કેલ્ક્યુલેટરના સહારે બીલ બનાવતા થયા. ઘડિયા ગોખવાનો કાર્યક્રમ સમય જતાં હાસ્યાસ્પદ ઇતિહાસ બનવા માંડ્યો. મગજનું આ કામ યંત્રએ લીધું. કૃત્રિમ બુદ્ધિ (AI)ની આ શરૂઆત! આજે તો કલનશાસ્ત્ર, ત્રિકોણમીતિ અને તેથી આગળ રંગીન ગ્રાફીક્સ પેદા કરનારા કેલ્ક્યુલેટર્સ પણ મળે છે.

    કેલ્ક્યુલેટરનું જ એડવાન્સ સ્વરૂપ કમ્પ્યુટર છે. કમ્પ્યુટર શબ્દની વ્યૂત્પત્તિ ’Computare’માંથી થઈ. જેનો અર્થ થાય છે, ગણતરી, સરવાળો કરવો, વિચારવું. કમ્પ્યુટર એટલે એવું મશીન જે માત્ર ગણતરી ન કરે પણ તેને આપેલ પ્રોગ્રામ પ્રમાણે તર્કસંગત કામો પણ કરે. જેમ કે આંકડામાંથી ગ્રાફ બનાવે. એટલે ગણતરીથી આગળનાં તાર્કિક કામો પણ મનુષ્યની બુદ્ધિથી બહાર થવા માંડ્યાં. રોબોટ આવતાં તેની સાથે હાથ-પગનું સ્વયંસંચાલન ધરાવતી કૃત્રિમ માનવાકૃતિઓ ફેક્ટરીઓમાંનાં જોખમી, એકાંગી-એકધારાં, ગંદકીમાં કરવાનાં કામો ય રોબોટ દ્વારા થવા માંડ્યાં છે. આપણાં સ્માર્ટ ફોન્સ પણ એક જાતનાં કમ્પ્યુટર્સ જ છે અને માનવમગજ સિવાયની કૃત્રિમ બુદ્ધિથી ચાલે છે.

    મુસાફરી માટે રિઝર્વેશન કરવાં, નિયત સ્થાને રસ્તા શોધવા,  ડ્રોન થકી ફોટોગ્રાફી કરવી કે ખેતીમાં જંતુનાશક છાંટવાં, ગમતાં રેસ્ટોરન્ટમાં મનભાવતી વાનગી મંગાવવી, નાની-મોટી ચીજો ખરીદવા માટે ઓન-લાઈન એપ વાપરવા રોજિંદું છે. ટેલી આપણા હિસાબો લખીને સરવૈયાં તૈયાર કરી આપે છે એટલે રોજમેળમાંથી ખતવણી કરવાની માથાકૂટ બંધ, ફોટોશોપ આપણાં ચિત્રો અને ફોટોગ્રાફને સુધારી-મઠારી આપે છે, સ્પેલચેક અને ગ્રામરલી જોડણી અને વ્યાકરણ સુધારી દે છે. બોલો એટલે ટાઈપ કરે અને લખેલું આપમેળે વાંચી સંભળાવે છે, ઘરમાં માલિકની ગેરહાજરીમાં દૂરસંચાર દ્વારા કચરો-પોતું કરી દે છે. રિમોટ કેમેરા દ્વારા ઘર-ઓફિસમાં ચાલી રહેલી ચહલ-પહલ પર દૂર બેઠાં બેઠાં સ્માર્ટ ફોન્સ દ્વારા નજર રાખી શકાય છે. વિવિધ સર્ચ એન્જિન દ્વારા વિવિધ વેબસાઈટ પરથી માહિતી મેળવવાનો લાભ પણ આપણે મેળવીએ છીએ.

    આમ, રોજિંદી બનેલી વપરાશી બાબતોમાં અનેકવિધ રીતે કૃત્રિમ બુદ્ધિ (AI)નો ઉપયોગ થાય છે. જે નિયત પ્રોગ્રામ કે સોફ્ટવેરની મદદથી માહિતી (Data) એકત્રિત કરે છે, સંઘરે છે, પ્રોસેસ કરે છે અને પ્રદર્શિત કરે છે. આમાં સોફ્ટવેરને વિચાર કરવાનો હોતો નથી. કમાન્ડ આપનાર અપેક્ષિત પરિણામ મેળવી શકે અને વાપરનારા આવનારા પરિણામ પર મહદંશે કાબૂ પણ રાખી શકે.

    કૃત્રિમ બુદ્ધિ (AI)

    ટેક્નોલોજીનો વિકાસ હવે એ હદે પહોંચ્યો છે કે માનવ ડ્રાઈવર વિનાની ઓટોનોમસ કાર રોડ ઉપર સવારી આપતી થઈ ગઈ છે. અને  તેની કંપનીઓ આગામી વર્ષોમાં 5000 કાર શરૂ કરવાની ખેવના ધરાવે છે!  સર્જનના અવાજ અને શબ્દોના કમાન્ડને આધારે ઓપરેશન થિએટરની લાઈટ, ટેબલની પોઝિશન અને સર્જરી માટેનાં સાધનો ચલાવી શકાય છે. વિશ્ર્વના જુદા જ ખંડમાં રહ્યા રહ્યા અત્યંત ચોક્સાઈપૂર્વકની સર્જરી કરાય છે.

    છેલ્લાં 5-7 વર્ષમાં વિકસી રહેલી ટેક્નોલોજી હવે સર્જન પણ કરવા માંડી છે. આજે Chat GPTથી માંડી GPT 4 જાણે જાતે વિચાર કરી પરિણામ આપતી હોય અને વ્યૂહરચના ઘડતી હોય તેમ લાગે છે. તેની વેબસાઈટ પર જઈ કોઈ ગાંધી-વિનોબા વચ્ચે અહિંસા વિશે સંવાદ રચવાનું કહે તો 15-20 સેકંડમાં સંવાદ-રચના આવી જાય! સંવાદ વાંચતાં એમ લાગે કે સામેથી કોઈ વિચારીને રચના કરી રહ્યું છે. તે ઘડીકમાં કાવ્ય લખી આપે છે. રસોડાની સામગ્રીનો ફોટો મોકલી આપીએ તો તેમાંથી કઈ કઈ વાનગીઓ કઈ રીતે બનાવી શકાય તે જણાવી આપે છે. ચિત્રો/ફોટો બતાવતાં તેમાં શી શી ખામીઓ છે તે જણાવે છે અને તેનાં અર્થઘટન પણ કરી આપે છે. જેમ કે તેને બાળકો રમે છે તેવા હલકા ગેસના ફુગ્ગા બતાવવામાં આવે તો તરત પ્રતિભાવ આપે છે કે, ‘દોરી કપાઈ જશે તો ફુગ્ગા આકાશમાં ઊંચે જતા રહેશે!’ તેને વિવિધ મેડિકલ રિપોર્ટ આપવામાં આવે તો કયા કયા રોગ હોઈ શકે કે કયા નવા ટેસ્ટ કરાવવાની જરૂર છે તે જણાવે છે. આ રીતે તેણે એક કૂતરાના ચિત્ર પરથી તેના રોગનું નિદાન પણ કરી આપ્યું, જેનો અંદાજ તેના માલિક કે ડોક્ટરને પણ હતો નહીં! આ પરચો કૃત્રિમ બુદ્ધિનો છે!

    હવે આ કૃત્રિમ બુદ્ધિ (AI) મશીન પાસે એવાં કામો કરાવી શકે છે જેનું પરિણામ કમાન્ડ આપનાર વ્યક્તિને અણધાર્યું લાગી શકે. પ્રતિભાવો પરથી લાગે છે કે કૃત્રિમ બુદ્ધિ માત્ર માહિતી નથી આપતું તે વિચાર, કલ્પના, ભાવના અને પ્રાસ પણ સમજે અને વાપરે છે. અને કંઈક અંશે સાચા અર્થમાં માનવબુદ્ધિનો વિકલ્પ પૂરો પાડી શકે તેમ છે. ક્યારેક તો માનવબુદ્ધિ કરતાં ય કાર્યક્ષમ પરિણામો/પ્રતિભાવો આપે છે. જાહેરજનતા બિના રોકટોક આ ટેક્નોલોજી વાપરવા માંડી છે.

    અલબત્ત, તે હજી બાલ્યાવસ્થામાં છે, તેમાં ભૂલો (ખામીઓ અને અપુખ્તતા) તરત નજરે પડે છે પણ ગૂગલ દ્વારા થતાં ભાષાંતરની ગુણવત્તામાં છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં જે રીતે સુધારો થઈ ગયો છે તે જોતાં આ ખામીઓ દૂર કરી તેને ઘણું વધુ પરફેક્ટ કરી દેવામાં આવશે.

    સાદી ભાષામાં કહીએ તો કૃત્રિમ બુદ્ધિ (AI) એક એવી ટેકનોલોજી છે જેમાં કમ્પ્યુટર સાયન્સ અને થોકબંધ માહિતીનો ઉપયોગ કરીને અને તથા તેમાંથી જાતે શીખીને પરિણામ લાવે છે. તે મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગને પોતાનામાં સમાવી લે છે.

    કૃત્રિમ બુદ્ધિ (AI)ના સ્તર પ્રમાણે ત્રણ પ્રકારો પાડવામાં આવે છે. ડ્રાઈવર વિનાની સ્વયંસંચાલિત કાર, અવાજ-ચહેરાની ઓળખ સુધીની ટેક્નોલોજીને આર્ટીફિસિયલ નેરો ઈન્ટેલિજન્સ (ANI) કહેવામાં આવે છે. તેથી આગળ આર્ટીફિસિયલ જનરલ ઈન્ટેલિજન્સ (AGI) આપણાં બારણાં ખખડાવવાની તૈયારીમાં છે, તે માનવમગજ જેવી સક્ષમતાથી કામ કરશે અને ભાવના અને વિવેક પણ દર્શાવી શકશે. દુ:ખી વ્યક્તિને સાંત્વન આપી શકશે. તેથી આગળ આર્ટીફિસિયલ સુપર ઈન્ટેલિજન્સ (ASI) તૈયાર થશે, જેને 8-10 વર્ષ લાગશે. તે મનુષ્યની બુદ્ધિની મર્યાદા ઓળંગીને  મનુષ્યને કાબૂમાં પણ રાખી શકે!

    આ ટેક્નોલોજીએ વિશ્ર્વભરમાં ખળભળાટ મચાવી દીધો છે. આર્થિક, સામાજિક, ટેક્નોલોજી, નીતિ-મૂલ્યોના સંરક્ષણ ક્ષેત્રે નવી શક્યતાઓ અને પડકારો ઊભાં કરી દીધાં છે. આ ટેક્નોલોજી વિજ્ઞાન, વિકાસ, શિક્ષણ, લશ્કર, વાણિજ્ય-વેપાર, આરોગ્ય સેવાઓ ઉપરાંત કળા અને સાહિત્ય અથવા કલ્પના કરો તે તમામ ક્ષેત્રમાં વ્યક્તિથી માંડી સરકાર સુધીની તમામ એજન્સીઓ દ્વારા વપરાશે.

    વિજ્ઞાનીઓ કયા કયા રસાયણોના સંયોજનોથી કેવા પ્રકારનાં નવાં રસાયણો બનાવી શકાય કે ઘાતક રાસાયણિક હથિયારો, જંતુનાશકો કે ઔષધો બનાવી શકાય તેનું મોડલિંગ કરી શકે. થોડીક માહિતી આપીને સંશોધનપત્ર ય તૈયાર થઈ જાય, શિક્ષણ માટે તો હવે શાળા-કોલેજોમાં જવાની જરૂર રહેશે કે નહીં? તે લશ્કરની વ્યૂહરચના ઘડવામાં ય કામ લાગશે. પાઈલોટ વિનાનાં વિમાનો અને મિસાઈલ્સ એવી રીતે કામ કરશે કે જેમાં દારૂગોળાના જથ્થા કરતાં સોફ્ટવેરની ગુણવત્તા વધુ મહત્ત્વની બની જશે. માનવ ચહેરાને ઓળખવાના સોફ્ટવેર આજે સોશ્યિલ મીડિઆ પર વપરાય છે, તેની સાથે ડ્રોનની ટેક્નોલોજી જોડીને વિશેષ વિનાશ વિના ચોક્કસ વ્યક્તિ પર હુમલો કરી શકશે. તે માટે મધમાખીઓના ઝૂંડની જેમ બધા ડ્રોન એકમેક સાથે ભારે સંયોજન કરી અને અથડાયા વિના એક-મેકના વિકલ્પે કામ કરશે.

    સાહિત્ય ક્ષેત્રે માનવહસ્તક્ષેપ વિના નાટકો, કવિતાઓ અને નિબંધો લખાશે. કળા ક્ષેત્રે તો એવું બન્યું કે, એક વિશ્ર્વપ્રસિદ્ધ ફોટોગ્રાફી સ્પર્ધામાં જે ફોટાને પ્રથમ ઈનામ મળ્યું એ રજૂ કરનાર ફોટોગ્રાફરે એ ઈનામ લેવાની ના પાડી. તેણે ભંડો ફોડ્યો કે આ તો ફોટોગ્રાફી સ્પર્ધા છે અને મેં જે ચિત્ર રજૂ કરેલું તે ફોટો હતો જ નહીં, કૃત્રિમ બુદ્ધિ (AI)થી તૈયાર કરેલ ચિત્ર હતું! કરો વાત, ફોટોગ્રાફર્સના વ્યવસાયનું શું થશે? કૃત્રિમ બુદ્ધિ (AI)થી અવાજની આબેહૂબ નકલ કરીને, માનાં હાલરડાં બાળકને સંભળાવી શકાશે. આબેહૂબ અવાજ દ્વારા કોઈને છેતરી પણ શકાશે !

    રોગ-જીવાતના ફોટા મોકલો અને ડ્રોન આપમેળે આવીને યોગ્ય માત્રામાં ખેતરોમાં જંતુનાશક છાંટી જાય છે અને લેસરની મદદથી નિંદામણ કરી આપે છે. ઝેરી જંતુનાશકો છાંટવાથી દર વરસે હજારો લોકોને ઝેર ચડે છે અને મરે છે. ઉભડક પગે નીંદામણ કરતી મહિલાઓને વૈતરામાંથી મુક્તિની જરૂર ખરી? શું કૃષિનો શ્રમ હંમેશાં વૈતરું હોય છે? – સવાલો વિચારતા કરી મૂકે છે.

    રખે માનતા કે આ બધી કલ્પનાઓ છે, તે હવે વાસ્તવિકતા થવા માંડી છે. અને તે વર્ષમાં એક-બે વાર અપગ્રેડ થઈને ખૂબ જ ઝડપથી પરફેક્ષન તરફ જઈ રહી છે. તે સમસ્યાને સમજવાના નવા પરિપ્રેક્ષ ખોલી રહી છે, ન વિચાર્યા હોય તેવા ઉકેલો અને પડકારો ઊભા કરવા માંડી છે. અને તાજજુબની વાત એ છે કે તેના નિયમન માટે સરકારો પાસે કાયદા નથી, કાયદાની વાત તો જવા દો તેને સમજવા માટેની પૂરતી શક્તિ સુધ્ધાં છે ખરી?

    કેટલીક મૂળભૂત નિસ્બત

    રોજગાર : જ્યાં દાક્તરોની અછત છે ત્યાં આ રીતે થતાં નિદાન કામ લાગશે, જ્યાં શિક્ષકોની અછત છે ત્યાં આ રીતે થતું શિક્ષણ કામ લાગશે પણ તેનાથી શું માણસો કામ વિનાના થઈ જશે? દાક્તરી વ્યવસાયમાં રેડિઓલોજિસ્ટ અને પેથોલોજિસ્ટોએ હવે હાથ ઘસવાનો વારો આવે તો નવાઈ નહીં! યોજના પ્રમાણે સાનફ્રાંસિસ્કોમાં ઓટોનોમસ કાર ચાલશે તો 5000 ડ્રાઈવરોના રોજગાર જશે!

    પૂર્વગ્રહ : આવા સોફ્ટવેરને તૈયાર કરવા જે માહિતી વપરાય તે પોતે પૂર્વગ્રહયુક્ત હોય. દા.ત. અમુક દેશના લોકોની જ વિગતો હોય, અમુક કોમના લોકોની જ વિગત હોય, અંગ્રેજી ભાષાની વિગતો વધુ વપરાય.

    અધૂરપ અને ખામીઓ : ઈન્ટરનેટ પર હોય તે જ વિગતો વપરાય. ઘણા દેશોમાં મૂળભૂત આંકડાની જ ખામી છે. જેમ કે, ભારતમાં વપરાતાં જંતુનાશકોની આધારભૂત માહિતી મળતી જ નથી એટલે ખોટા અને અધૂરા આંકડાને આધારે તાલીમ પામેલ સોફ્ટવેર ભારે ગરબડ કરે. તેનું તાજું ઉદાહરણ સેટેલાઈટની મદદથી ગુજરાતમાં થયેલ જમીન માપણી છે, જેમાં ભાગ્યે જ કોઈ ખેતરની માપણી સાચી છે અને રાજ્યનો સમગ્ર રેવન્યુ રેકર્ડ ગરબડવાળો થઈ ગયો છે. એટલે તેને આધારે જંતુનાશક છાંટવા નીકળેલું ડ્રોન કોઈ ફળિયા ઉપર છાંટી આવે તેવું કેમ ન બને?

    ઉકેલનું સાર્વત્રીકરણ અને એકધારાપણું : સોફ્ટવેર વિકસાવનારની સમજની મર્યાદાનું સાર્વત્રીકરણ થઈ જાય. માનવબુદ્ધિમાં સ્થળ, કાળ, સંજોગ પ્રમાણે વિકસેલ અને હજી વિકસનાર વૈવિધ્યનો ખાત્મો થઈ જાય. કોઈ સમસ્યાને ઉકેલવા માટેનો કોઈ એક માત્ર અને માત્ર યાંત્રિક રસ્તો નથી હોતો! માનવબુદ્ધિના ભાવનાત્મક પાસા થકી ઉકેલાતી સમસ્યાનો છેદ તો નહીં ઊડી જાય ને!

    ઝડપ : કૃત્રિમ બુદ્ધિ (AI) મનુષ્યની બુદ્ધિ કરતાં અનેક ગણી ઝડપથી વિચારી શકે છે. આજે ચેસના સર્વોત્તમ પ્રોગ્રામથી રમતા કમ્પ્યુટરને માનવપ્લેયર હરાવી શકતો નથી.

    કલ્પનાશક્તિને અસર : માનવજાતની કલ્પનાશક્તિને અસર નહીં પહોંચે? પોતાના મનોભાવોને પીંછી લઈને કેનવાસ પર કંડારતા ચિત્રકારોને કા એક ચિત્ર કરતાં 15 દિવસ લાગે પણ તેના કરતાં ઓછા દિવસમાં આકર્ષક અને ભાવવાહી ચિત્ર કમ્પ્યુટર બનાવી આપે તો એ સસ્તું નહીં પડે ? તો પછી માનવજાતની કલ્પનાશક્તિનું શું થાય? તેને મળતા સર્જનના આનંદનું શું થાય? અને શું માણસજાત વધુ ને વધુ ટેકનોલોજી આધારિત બનીને વધુ પાંગળી તો નહીં બને ને!

    ગોપનીયતાને ખતરો : વ્યક્તિની અંગત માહિતીની ગોપનીયતા જોખમાય તે રીતે વપરાશે.

    અમીરો અને સત્તાધારીઓનું પ્રભુત્વ : ઇતિહાસ બતાવે છે કે વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસ અને ઉપયોગમાં સમાજના અમીરવર્ગનું પ્રભુત્વ વધતું જાય છે. સ્માર્ટફોન વાપરનાર ઝડપથી રિઝર્વેશન કરાવી લે છે અને ટિકિટ બારીની હરોળમાં ઊભા રહેનાર આદિવાસીની તક આસાનીથી ઝડપી લે છે. કૃત્રિમ બુદ્ધિ (AI) શોષણ અને ભેદને ઊભા કરવાની નવી તક નહીં પૂરી પાડે? સત્તાધારીઓને તો આવી ટેક્નોલોજી ખૂબ માફક આવી જશે.

    બૌદ્ધિક સંપદા અધિકાર પર અસર : જ્યારે વિશ્ર્વભરની માહિતીની સુલભતા અને તેને પ્રોસેસ કરવાની ક્ષમતા અમર્યાદ રીતે વધી જાય ત્યારે અગાઉ થયેલાં સર્જનો અને શોધો પરના બૌદ્ધિક સંપદા અધિકારનું ઉલ્લંઘન જાણે અજાણ્યે થયા જ કરે. આવા મુદ્દે કાનૂની લડાઈઓ શરૂ થઈ ચૂકી છે.

    ઉત્ક્રાંતિ પર અસર : ઉત્ક્રાંતિમાં જે અંગો નથી વપરાયાં તેનો વિકાસ નથી થતો કે ખરી પડે છે તે વૈજ્ઞાનિક સત્યને સ્વીકારીએ તો શું ભવિષ્યની માનવજાતના મગજનું કદ નાનું થશે? અમુક જ લોકોનાં મગજ વધુ ચાલશે ને બાકીનાં બધાં બુદ્ધુ રહેશે?

    વળી જ્યારે ઇચ્છિત વ્યકિતઓના ઇચ્છિત ગુણો ધરાવતાં જનીનો (Genes) ભેગાં કરીને ડિઝાઈનર બેબી વિકસાવવાનો વિચાર થવા માંડ્યો છે ત્યારે પ્રયોગશાળામાંથી અલગ અલગ કામ માટેના માણસોનો જુદો જુદો ફાલ – મજૂરો, વિજ્ઞાનીઓ, રમતવીરો, કલાકારો પેદા કરવામાં આવશે? કલ્પના આકરી લાગે છે પણ જે દિશા અને ગતિએ કામ થઈ રહ્યું છે તે જોતાં અનેક નૈતિક સવાલો ઊભા થાય છે! આજે કૃત્રિમ માંસ ઉદ્યોગ જમવાના ટેબલ પર સેલીબ્રીટીનું માંસ પીરસવાની પેરવીમાં છે. (AI) આવી અપ્રાકૃતિક ચેષ્ટાઓની ઝડપ અને તકો વધારશે.

    Chat GPT થી માંડી GPT4 સુધીની ટેક્નોલોજી વિકસાવનાર કંપનીના વડા ગ્રેગ બ્રોકમેન કહે છે કે અમે ‘ટેક્નોલોજીના દુરુપયોગ માટે ચિંતિત હોવા છતાં તેનો દુરુપયોગ નહીં થાય તેની ખાતરી નથી.’


    સાભાર સૌજન્યઃ ભૂમિપુત્ર, ૯ ઓગસ્ટ ૨૦૨૩

  • ઇશ્વરના ઇ મેઇલ….૯

    નીલમ  હરીશ દોશી

    તારી પાસે પહોંચવાની વાત કોરાણે રહી,
    હું મારાથી હજી તો  કેટલો દૂર છું.
                                                      હું તારામાં માનું છું એનું શું ?

    પ્રિય દોસ્ત,

    તું મારામાં માને છે કે નહીં, મારા અસ્તિત્વને સ્વીકારે છે કે નહીં એની મને  પરવા નથી. પણ દોસ્ત, હું ચોક્કસપણે તારામાં માનું છું. બાળક એના પિતાને નકારી શકે પણ એક પિતા એના શિશુને કેવી રીતે નકારી કાઢે ? મારે તો તારી પાસે, મારા શિશુ પાસે કેટકેટલી આશાઓ છે. તારા દ્વારા  કેટકેટલા કામ મારે કરાવવાના છે. તું તો મારી પરમ આશા છે. હું તારો સહારો છું કે નહીં એ તને ખબર. પણ દોસ્ત,  આજે મારે તો તારો જ સહારો છે. તારા સાથ, સહકાર, ઉમંગ વિના હું એકલે હાથે કયાં કયાં પહોંચી વળવાનો હતો ? દોસ્ત, મારા મંદિરે મારા શણગાર જોવાને બદલે, મારી આંખોમાં દ્રષ્ટિ કર. અને જોઇ શકે તો જો.. સમજી શકે તો સમજ કે આખરે મારી ઇચ્છા શું છે ? મને શું જોઇએ છે ? તારા ફેંકેલા પૈસા તરફ તો હું નજર સુધ્ધાં નથી નાખતો. તારા સોના, રૂપાના આભૂષણો મને નથી જોઇતા. મને તો જોઇએ તારો સાથ, તારો સ્નેહ, તારું સત્કર્મ.

    દોસ્ત, એક વાતની તને અચૂક જાણ છે કે મોબાઇલમા નવા મેસેજ માટે જૂનાને ડીલીટ કરવા પડે. નવા માટે જગ્યા  કરવી પડે, જૂનાએ જવું પડે. જેમ બહાર જવું હોય તો પહેલા ઘર છોડવું પડે. છોડયા સિવાય કદી નવું મેળવી શકાય નહી.સ્લેટમાં લખાયેલું પહેલા ભૂંસીએ તો જ નવું લખી શકાય ને ? બહું સાદી અને સીધી વાત છે ને ? દોસ્ત, નવા વિચાર માટે, નવા કાર્ય માટે જૂના પૂર્વગ્રહના જાળાઓને, જૂના રાગ દ્વેષ, વેર ઝેરને ડીલીટ કરવા પડે. દોસ્ત, નવેસરથી, નવી રીતે ,કશુંક નવું કરવાની એક અલગ મજા છે. તને જે સારો વિચાર આવે તે અમલમાં મૂકતા ગભરાઇશ નહીં.રસ્તા અનેક છે,બસ ચાલવાની ધગશ હોવી  જોઇએ. શાંતિથી બેસીને વિચાર કરીશ તો સારું કામ કરવાના અનેક રસ્તા આપોઆપ સૂઝશે. અને જે રસ્તો સારો  અને તને અનુકૂળ જણાય તે રસ્તે ચાલવાનું શરૂ કરવું  એ જ  જીવનની એક નવી શરૂઆત છે. કોઇ સાથે ન ચાલે તો પણ દોસ્ત, ડર્યા સિવાય ચાલતો રહેજે, તારું કર્તવ્ય કરતો રહેજે અને મારામાં વિશ્વાસ રાખજે..હું તને દેખાઉં નહીં તો પણ હું હમેશા તારી સાથે જ છું.અને રહીશ. તારી ધીરજની, તારી નિષ્ઠાની કસોટી અચૂક થશે.પણ દોસ્ત, જો મારામાં શ્રધ્ધા રાખીને ધીરજ નહીં ગુમાવે તો હું કદી તારો સાથ નહીં છોડું. બાકી દોસ્ત, ચીલે ચીલે તો સહુ ચાલે, પોતાની અલગ કેડી બનાવવી એ મોટી વાત છે. એ અલગ કેડી બની શકે મુશ્કેલ હોય, શરૂઆત અઘરી લાગે પણ દોસ્ત, અઘરાથી ડરવાને બદલે કોઇ સારા કામની નાનકડી પણ  શરૂઆત કરીશ તો દોસ્ત, હું એક કે બીજા સ્વરૂપે તારી સાથે જ રહીશ એ વિશ્વાસ રાખજે. મને તારા ચાલવાની, એક ડગની પ્રતીક્ષા છે અને હું પણ તારી સાથે ચાલવા આતુર છું.

    લિ. ઇશ્વરની યાદ

    પ્રાર્થના એટલે રોજ રોજ આપણા શ્રધ્ધાદીપને પેટાવવો.

    જીવનનો હકાર..

    થેન્કયુ અતીત,તેં શીખવેલા પાઠ માટે, ભવિષ્ય , હુ તારા માટે તૈયાર છું, ઇશ્વર,બીજી તક આપવા માટે આભાર.


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

  • રાજનીતિમાં કેમ ઘરડાં જ ગાડાં વાળે, યુવાનો કેમ નહીં?

    નિસબત

    ચંદુ મહેરિયા

    રિપબ્લિકન પાર્ટીના એંસી વરસના ડોનાલ્ડ ટ્રમ્પે આ વરસના આરંભે જ  અમેરિકી પ્રેસિડન્ટની ધુરા સંભાળી છે. તેમના પુરોગામી પ્રેસિડન્ટ ડેમોક્રેટ જો બાઈડેન બ્યાંસી વરસના હતા. વિશ્વના ત્રીજા ક્રમની જનઆબાદીના દેશ અમેરિકામાં  અઢાર થી ચોવીસ વરસની યુવા વસ્તી કુલ વસ્તીમાં ૩૬ ટકા છે. પરંતુ વિશ્વના સૌથી શક્તિશાળી અને જગત જમાદાર દેશ અમેરિકાનું  નેતૃત્વ ઘરડાઠચ્ચ રાજનેતાઓના હાથમાં છે.

    અમેરિકાએ ૧૯૭૧ના છવ્વીસમા બંધારણ સુધારાથી મતદાન માટેની વય ઘટાડીને અઢાર વરસની કરી છે. જોકે ભારતની જેમ અમેરિકામાં યુવા કે નવા મતદારોમાં મતદાન માટે કોઈ ઉમંગ નહોતો. ૧૯૯૬માં દર દસે સાત યુવા પ્રેસિડન્ટ ઈલેકશનમાં વોટિંગ કરતા ન હોવાનું જણાયું હતું. આ વલણ ૨૦૦૮માં બરાક ઓબામાના ઈલેકશન વખતે બદલાયું હતું. હવે કુલ  યુવા મતદારોમાંથી પચાસ ટકા કરતાં વધુ યુવાઓ મતદાન કરે છે ખરા પણ પ્રેસિડન્ટ તરીકે તો ઘરડા જ ચૂંટાય છે.

    દુનિયામાં સૌથી વધુ યુવા વસ્તી આફ્રિકામાં છે. ઉપસહારા આફ્રિકામાં તો ત્રીસ વરસથી ઓછી ઉમરના યુવાનોની વસ્તી સિત્તેર ટકા છે. પરંતુ આફ્રિકાના ભાગ્યે જ  કોઈ દેશનું સુકાન યુવાનોના હાથમાં છે.

    ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭૪ વરસના છે. તેઓ યુવાનો જેવી ઉર્જા અને તરવરાટ તથા ન ટાયર્ડ , ન રિટાયર્ડનું વલણ  ધરાવતા હોવાનું કહેવાય છે. જોકે રાજનીતિમાંથી નિવૃતિની ખુદ તેમણે બાંધેલી ૭૫ વરસની વયે પહોંચવામાં છે.

    ભારત પણ યુવા વસ્તીનો દેશ  છે. ૨૦૧૧માં ભારતમાં ત્રીસ કે તેથી નીચેની વયની યુવા વસ્તી ૫૦ ટકા હતી. પરંતુ તેનું રાજનીતિમાં પ્રતિનિધિત્વ અને ભાગીદારી તેની વસ્તી કરતાં અનેકગણું ઓછું હતું. ૧૯૫૨ થી ૫૭ની પહેલી લોકસભાના સમય ગાળામાં ૨૫ થી ૪૦ની વય ધરાવતી  વસ્તી દેશમાં ૨૨.૨૫ હતી. આ જ ઉમરના લોકસભા સભ્યો ૩૦.૩૦ ટકા હતા. હાલની અઢારમી લોકસભા વખતે ૧૯૫૨ની  ૨૨.૨૫ ટકાની  યુવા વસ્તીમાં લગભગ ત્રણ ટકાનો વધારો થયો છે અને તે વધીને ૨૫.૭૬ ટકા થઈ છે. પરંતુ લોકસભામાં યુવા સાંસદોનું પ્રમાણ  પહેલી લોકસભામાં જે ૩૦.૩૦ ટકા હતું તેને બદલે હાલની લોકસભામાં ૧૦.૬૮ ટકા જ રહ્યું છે. તેનો અર્થ એ થાય કે દેશમાં યુવા આબાદી ત્રણ ટકાના દરે વધી છે પરંતુ તેમનું રાજકીય પ્રતિનિધિત્વ  ત્રણ ગણું ઘટ્યું છે.  વળી પહેલી લોકસભાના  સભ્યોની સરેરાશ વય ૪૬.૫ વરસ હતી આજે અઢારમી લોકસભામાં ૫૫.૬ વરસ છે. પ્રથમ લોકસભામાં માંડ ૧૯ ટકા લોકસભ્યો ૫૫ વરસથી વધુ વયના હતા. વર્તમાન અઢારમી લોકસભામાં ૫૧ ટકા લોકસભા સભ્યો ૫૫ વરસ કે તેથી વધુ વયના છે. એટલે લોકસભામાં યુવાઓને બદલે વૃધ્ધો વધી રહ્યા છે.

    ૧૮૯૬માં જન્મેલા મોરારજી દેસાઈ ૧૯૭૭માં વડાપ્રધાન બન્યા ત્યારે ૮૧ વરસના હતા. રાજીવ ગાંધી માત્ર ૪૦ વરસની વયે આ પદે વિરાજ્યા હતા. જવાહરલાલ નહેરુ ૫૮ અને ઈન્દિરા ગાંધી ૪૯ વરસની ઉમરે વડાપ્રધાન બન્યા હતા. અટલ બિહારી વાજપાઈ પહેલીવાર  તેર દિવસના વડાપ્રધાન બન્યા ત્યારે તેમની વય ૭૨ વરસ હતી. એમ.ઓ. એચ. ફારુક સૌથી નાની ઉમરે મુખ્યમંત્રી પદે પહોંચ્યા હતા. ૨૯ વરસની વયે ૧૯૬૭માં તેઓ પુડુચેરીના ચીફ મિનિસ્ટર બન્યા હતા. પ્રફુલ મહંતા ૩૪ વરસે અસમના અને શરદ પવાર ૩૮ વરસે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બની ચૂકયા હતા.

    ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ દેશના ૬૭ ટકા રાજ્યોના મુખ્યમંત્રીઓ સિત્તેર કે તેથી વધુ વરસની ઊમરના હતા. કર્ણાટક, કેરળ અને બિહારના લોકોના સરેરાશ આયુષ્ય કરતાં મોટી ઉમરના  રાજનેતાઓ મુખ્યમંત્રીની કમાન સંભાળે છે. અરૂણાચલના મુખ્યમંત્રી ૪૪, મેઘાલયના ૪૫, ઉત્તરાખંડ અને ઝારખંડના ૪૮-૪૮, તથા પંજાબના મુખ્યમંત્રી ૫૦ વરસના, પ્રમાણમાં નાની વયના, છે.  મધ્યપ્રદેશ, છતીસગઢ, રાજસ્થાન અને હરિયાણામાં ભાજપે તેની નવી  હરોળના, પ્રમાણમાં મધ્ય વયના,  નેતાઓને મુખ્યપ્રધાનો બનાવ્યા છે અને અગાઉના ઘરડા નેતાઓને કેન્દ્રના પ્રધાન મંડળમાં કે બીજે સ્થાન આપ્યું છે.

    દેશમાં યુવા ધારાસભ્યોની સંખ્યા સૌથી વધુ મેઘાલયમાં છે. મેઘાલય વિધાનસભામાં ૨૮ ટકા ધારાસભ્યો ૨૫ થી ૪૦ વયજૂથના છે. ૨૬ અન્ય રાજ્યોની વિધાનસભાઓમાં ૪૧ વરસથી વધુ ઉમરના ધારાસભ્યો ૮૦ ટકા છે. ૪૦ વરસથી ઓછી વયના ધારાસભ્યો દેશમાં ૧૯ ટકા જ છે. દેશના કેટલાક રાજ્યોની વિધાનસભાઓમાં તો યુવા ધારાસભ્યોનું પ્રમાણ સાવ જ અલ્પ છે. નાગાલેન્ડમાં ૩ ટકા અને તમિલનાડુમાં ૬ ટકા જ ધારાસભ્યો યુવા એટલે કે ૪૦ થી ઓછી ઉમરના છે.

    રાજકીય પક્ષો સરકારની જેમ સંગઠનના પદોમાં પણ જુવાનિયાઓને  બદલે બુઝુર્ગોને  આગળ કરે છે. કેન્દ્ર અને ઘણાં રાજ્યોમાં સત્તાનશીન ભારતીય જનતા પક્ષના પ્રમુખ જય પ્રકાશ નડ્ડા ૬૪ વરસના છે તો વિપક્ષ કોંગ્રેસના  પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ૮૨ના છે. વળી યોગ્ય રાજનેતાઓનો દુકાળ હોય તેમ ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતા છે અને નડ્ડા મોદી મંત્રી મંડળમાં કેબિનેટ મિનિસ્ટર છે. રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, હેમંત સોરેન, મમતા બેનરજી, અરવિંદ કેજરીવાલ , તેજસ્વી યાદવ અને બીજા વિપક્ષી નેતાઓ જુવાન નહીં તો મધ્ય વયના તો છે જ. પરંતુ યુવાનોને પૂરતી તકો મળતી નથી તે હકીકત છે.

    જ્યારે યુવા પ્રતિનિધિત્વની ચર્ચા કરીએ ત્યારે યુવાનોમાં ઉમરના પ્રમાણમાં વધુ સારા વિચારો અને જોમ જુસ્સો હશે તેવું અપેક્ષિત હોય છે.  પરંતુ તેવું હકીકતમાં બને છે ખરું? એક્યાસી વરસના મોરારજી દેસાઈનો વડાપ્રધાનનો કાર્યકાળ અને ચાળીસના રાજીવ ગાંધીના કાર્યકાળની તુલના કરીએ ત્યારે કોણે દેશહિતના, લોકહિતના દીર્ઘદ્રષ્ટિના કામો કર્યા, વધુ સારો વહીવટ કર્યો અને કાયદા ઘડ્યા તે ધ્યાનમાં રાખીને તેમનું મૂલ્યાંકન કરવું જોઈએ. વળી એ મૂલ્યાંકન વખતે તેમની વયની સાથે તેમના સંજોગો અને રાજકીય સ્થિતિ પણ ધ્યાનમાં લેવી રહી. કોઈ નાની વયે વડાપ્રધાન, મુખ્ય મંત્રી, સાંસદ કે ધારાસભ્ય બની જાય એટલે ભયો ભયો એવું ના હોય.

    પરિવર્તન  યુવાનો જ  લાવી શકશે અને નવા વિચારો તેમની પાસે જ હોય છે. તે અને માત્ર  તે જ સાચું નથી. ૧૮૬૯માં જન્મેલા મોહનદાસ  ગાંધી ૧૯૧૫માં ભારતમાં આવ્યા ત્યારે ૪૬ વરસના હતા. ૪૬ વરસે ભારતમાં તેમનું જાહેર જીવન શરૂ થાય છે અને વિશ્વતખતે એક મૌલિક વિચારક તથા આંદોલનકાર તરીકે અમીટ છાપ છોડી જાય છે. તે ઉદાહરણ પરથી ના માત્ર ઘરડાં ગાડા વાળે છે કે ન માત્ર યુવાનો. વય તેની રીતે કામ જરૂર કરતી હશે પણ તે જ એક માત્ર માપદંડ ના હોઈ શકે.

    યુવા અને વયસ્ક , નવ જુવાન અને બુઝુર્ગ બંને જો સાથે મળીને, સમન્વય  સાધીને આગળ વધે તો ન માત્ર રાજનીતિમાં, કુટુંબ, વ્યવસાય, સમાજ અને સંસાર એમ બધા ક્ષેત્રોમાં સારા પરિણામો આણી શકે છે. તે માટે વડીલોએ તેમના અનુભવના ગાણા ગાવાના બંધ કરવા પડશે. યુવાનોને બિનઅનુભવી ગણી પોતાની વડીલશાહી તેમના પર થોપવી બંધ કરવી પડશે. તો યુવાનોએ પણ તેમની પાસે શિખવાની ધખના રાખવી જોઈશે. ચાળીસ વરસના રાજીવ ગાંધીએ એકવીસમી સદીના ભારતનું સ્વપ્ન જોઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો તો એક્યાસીના મોરારજીભાઈએ લોકશાહીનું પુન:સ્થાપન કર્યું. એમ બેઉ તેમની રીતે મહત્વના છે. બુઝુર્ગોના અનુભવ અને યુવાનોમાં રહેલી અસીમ  શક્તિનો સમન્વય, બેઉનું મિલન અને હરીફાઈ કે મુકાબલાના ભાવને બદલે જનહિત હૈયે વસે તો ઉમ્ર ક્યા ચીજ હૈ ?


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સાવરકર પ્રતિમા સ્થાપનના અતિરેકમાં શૌરિનો પડકાર

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    ગાંધી શ્રાદ્ધ પર્વના આખરી દિવસ સારુ લખી રહ્યો છું ત્યારે જોઉં છું કે અરુણ શૌરિએ ઝડપેલો સાવરકરનો એક્સ-રે ખાસી ચર્ચામાં છે. ‘ધ ન્યુ આઈકોન: સાવરકર એન્ડ ધ ફેક્ટ્સ’નું પ્રકાશન આમ તો ત્રીસમી જાન્યુઆરીએ થવાનું હતું, પણ જેમ તારીખ પસંદગીનું ચોક્કસ કારણ હતું એમ ચોક્કસ વર્તુળોમાંથી તે બાબતે વિરોધની પ્રતિક્રિયા પણ અપેક્ષિત હતી. અંતે આ પુસ્તક એકત્રીસમી જાન્યુઆરીએ વિધિવત રમતું મેલાયું છે.

    ગાંધીહત્યા સાથે સાવરકરની કથિત સંડોવણી હંમેશ એક વિવાદમુદ્દો રહેલ છે. એ બાઈજ્જત બરી થયાનું કહેવામાં આવે છે, પરંતુ એટલું જ સાચું એ પણ છે કે એમની મુક્તિ કોરોબરેટિવ પુરાવાના અભાવે થઈ હતી. ૧૯૬૭માં રચાયેલી કપૂર કમિટીએ વિગતવિશદ તપાસથી દર્શાવ્યું છે કે આવો પુરાવો મેળવવાનું ને આપવાનું ૧૯૪૮માં નિ:શંક શક્ય હતું, પણ તંત્ર એમાં ઊણું પડ્યું. શૌરિ આ પ્રકરણમાં નથી ગયા એમ નથી, પણ એમનો આશય આપણા રાજકીય મંદિરના ગર્ભગૃહમાં જે એક પ્રતિમાના નવસ્થાપનનો ઉજમ ફેક્ટરી એક્ટની તમા વિના અહોરાત્ર ચાલી રહ્યો છે એની સમગ્ર તપાસનો છે. ભાજપ દીનદયાલ ઉપાધ્યાયનો સતત મહિમા કરે છે અને પક્ષના બંધારણમાં એમના એકાત્મ માનવ દર્શનની સ્વીકૃતિપૂર્વકની વિધિવત કલમ પણ છે. તેમ છતાં, કેમ જાણે આ પક્ષને ખેંચતી પ્રતિભા ને પ્રતિમા સાવરકરની છે.

    કેન્દ્રમાં મોદી દશકના ઉત્તરાર્ધમાં વિક્રમ સંપત અને ઉદય માહુરકરનાં પુસ્તકો આવ્યાં છે. વરિષ્ઠ પત્રકાર રહેલા ઉદય માહુરકર ચિરાયુ પંડિતના સહયોગમાં ૨૦૨૧માં ‘વીર સાવરકર: ધ મેન હુ કુડ હેવ પ્રીવેન્ટેડ પાર્ટિશન’ લઈને આવ્યા ત્યારે તેઓ સેન્ટ્રલ માહિતી કમિશનર હતા તે લક્ષમાં લઈએ તો ઓપરેશન સાવરકર પૂંઠે રહેલી ભલે પરોક્ષ પણ સરકારી આયોજના સ્ફૂટ થયા વિના રહેતી નથી. માહુરકરની કિતાબનું છેલ્લું વાક્ય બિલકુલ ‘ડંકે કી ચોટ’ સ્કૂલનું છે કે દાયકાઓ લગી કોરાણે રહી ગયા પછી હવે સાવરકરનો જમાનો આવી પુગ્યો છે. ઉલટ પક્ષે, વાજપેયી પ્રધાનમંડળ પર રહી ચૂકેલા શૌરિના પુસ્તકનું શીર્ષક જ સૂચવે છે તેમ તે એક ‘આઈકોન’ કહેતાં દેવપ્રતિમા બાબતે ખરી તપાસ બલકે ખંડનના જોસ્સાથી ખાસી સંદર્ભ સામગ્રી સાથે બહાર પડ્યા છે.

    હાલની સાવરકર ચર્ચામારી અને તર્કાતર્કીમાં આગળ જતાં પૂર્વે હું જરી આત્મકથાત્મક ઢબે સ્વરાજની પંચોતેર વરસની યાત્રામાં પાછો જવા ચાહું છું. ૧૯૪૮માં ગાંધીહત્યા (ગોડસેની ભાષામાં ‘ગાંધીવધ’) વખતે હું આઠેક વરસનો હોઈશ ત્યારે શકમંદોમાં સાવરકરનુંયે નામ ઉછળ્યું હતું, પણ મોખરે રહેલું નામ સ્વાભાવિક જ ખુદ નથુરામ ગોડસેનું હતું. આ લખું છું ત્યારે સાંભરે છે કે વડોદરામાં અમારી રાવપુરા સરકારી શાળા સામે ચિત્તેખાન હનુમાનની જોડે અભ્યંકરની દુકાન પર હલ્લો થયેલો, કેમ કે એ ગોડસેના મામાની દુકાન હોવાનું કહેવાતું હતું. મહારાષ્ટ્રની વાત જુદી હોઈ શકે પણ દેશના જાહેર મતમાં અને ઉછળતી લોકલાગણીમાં સાવરકર સહેજસાજ હોય તો પણ અદાલતે બરી કર્યા પછી એ ખાસ ચર્ચામાં નહોતા.

    જે ઝાંખીપાંખી છાપ તે પછી તરતના સમયગાળાની મને છે તે ૧૮૫૭નાને પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ તરીકે નિરૂપતી એમની કિતાબની એ ગુજરાતી અનુવાદમાં પણ સુલભ છે. એક લેખક તરીકે, પોતાની તરેહના ઈતિહાસકાર તરીકે, એમની જરૂર પ્રતિષ્ઠા હશે. એક અંતરાલ પછી, ૧૯૭૬માં કટોકટીકાળે વડોદરાના જેલવાસમાં સીપીએમના વસંત મહેન્દળે સાથે સાવરકરના વિજ્ઞાનનિષ્ઠ નિબંધો વાંચ્યા એ એક જુદો જ અનુભવ હતો. એમના મતે જે સ્વર્ણિમ ઈતિહાસપૃષ્ઠો હતાં તેનુંયે વાંચન કર્યું. વીસમી સદીના ભારતમાં વિવિધ રાજકીય પ્રવાહોમાંના એકથી વિશેષ કોઈ તત્કાળ ચર્ચામુદ્દો સાવરકર ત્યારે લગભગ નહોતા. ૧૯૯૮-૨૦૦૪ ના વાજપેયી કાળમાં એ જરૂર ચિત્રમાં આવ્યા, પણ આજની જેમ એક કેન્દ્રીય વિમર્શ તરીકે એ હજ ઉભર્યા નહોતા. પણ હવે એમનો જે દબદબો છે તે ત્યારે નહોતો તે નહોતો.

    આ સંજોગોમાં શૌરિ મૂર્તિભંજનના જોસ્સા સાથે બહાર પડ્યા છે. સાડા પાંચસો જેટલા સંદર્ભસ્ત્રોતોથી એ સજ્જ છે. વિજ્ઞાનનિષ્ઠ નિબંધોને (સીમિત અર્થમાં સેક્યુલર લેખનને) અને ઈતિહાસલેખનને તપાસ્યાં પછી એના ઉજાસમાં હાલની હિંદુત્વ રાજનીતિને લબડધક્કે લીધી છે. ગાયને માતા કહી પૂજવાની વેવલાઈ સાવરકરને બહાલ નથી. જે અર્થમાં ગૌરક્ષા એ હિંદુત્વ રાજનીતિનો મુદ્દો છે તે સાવરકરને ગ્રાહ્ય નથી. પોતે લંડનમાં ગાંધી સાથે મિત્ર તરીકે વાસ કર્યાના સાવરકરના દાવાને કે સુભાષબાબુને આઝાદ હિંદની પરિકલ્પના ને વ્યૂહરચના પોતે સમજાવી હતી એવા દાવાને પણ શૌરિએ પ્રમાણપૂર્વક પડકાર્યો છે, અને જાપાન તરફથી સહકારપ્રાપ્ત આઝાદ હિંદ ફોજ એક પા તો બીજી પા બ્રિટિશ લશ્કરમાં હિંદુ ભરતીનો સાવરકરી ઝુંબેશ બેઉ વચ્ચેના આંતરવિરોધનો મુદ્દો પણ ઉપસાવ્યો છે. ક્યારેક કથિત જમણેરી છેડે તો અત્યારે કથિત લેફ્ટ-લિબરલ છેડે વરતાતા શૌરિ એક સ્વતંત્ર અભ્યાસ વિષય છે. પણ આપણા રાજકીય મંદિરના ગર્ભગૃહમાં સાવરકર પ્રતિમા સ્થાપનના અતિરેકી આવેશ પરત્વે એમની દરમ્યાનગીરી પૂરક, ઉપકારક ને સંસ્કારક ખસૂસ હોઈ શકે છે.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૨-૦૨– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • કોઈનો લાડકવાયો – (૬૬) – સુભાષબાબુનું પરાક્રમ (૩)

    દીપક ધોળકિયા

    સુભાષબાબુ સુકાન સંભાળે છે

    સુભાષબાબુ જર્મન સબમરીનમાં ટોકિયો પહોંચ્યા અને રેડિયો પરથી બોલ્યા તે સાથે જ બ્રિટનનું પ્રચાર તંત્ર અચંબામાં પડી ગયું. આમ તો એના હુમલાનું નિશાન હંમેશાં રાસબિહારી બોઝ બનતા હતા, બ્રિટન એમને જાપાનની કઠપૂતળી ગણાવતું. પરંતુ સુભાષબાબુ તો દેશમાં જ હતા! એમને જાપાનના રમકડા તરીકે ઓળખાવે તો કોણ માને? કોંગ્રેસવાળા સુભાષબાબુની આઝાદી માટેની લડાઈની રીતનો વિરોધ કરતા હતા પણ જાપાન એમને નચાવે છે એમ તો નહોતા જ માનતા. સુભાષબાબુને સાંભળતાં જ દેશમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું અને બીજી બાજુ અંગ્રેજ સરકારને માટે નવો માથાનો દુખાવો શરૂ થયો.

    સુભાષબાબુ ટોકિયો પહોંચ્યા તે પછી રાસબિહારી બોઝ અને બીજા નેતાઓમાં પણ નવું જોશ પુરાયું ઇંડિયન ઇંડીપેન્ડન્સ લીગનું નવું બંધારણ બનાવાયું અને ઇંડિયન નૅશનલ આર્મીને નવું રૂપ આપવાનો નિર્ણય લેવાયો.

    સુભાષબાબુએ ટોકિયોમાં અઢી મહિનાના રોકાણ દરમિયાન જાપાનના સરકારી અને લશ્કરી નેતાઓ સાથે સંપર્ક સ્થાપિત કરી લીધો હતો. વડા પ્રધાન જનરલ તોજોએ એમને ભારતની આઝાદી માટે બધી રીતે મદદ આપવાનું વચન આપ્યું હતું. સુભાષબાબુના આવ્યા પછી ફરી હિન્દુસ્તાની નેતાઓ અને જાપાની નેતાઓ વચ્ચે સદ્‌ભાવનું વાતાવરણ રચાયું.

    ૧૯૪૩ની બીજી જુલાઈએ સુભાષબાબુ સિંગાપુર પહોંચ્યા. આખા પૂર્વ એશિયામાં ત્રીસ લાખ હિન્દીઓમાં ઉત્સાહ અને દેશભક્તિનાં પૂર ઊમટ્યાં. બે દિવસ પછી ચોથી જુલાઈએ સ્યોનાન (સિંગાપુર)ના ‘ગેકીજો’ (મૂળ નામ કૅથે થિએટર)માં આખા પૂર્વ એશિયાના હિન્દીઓના પ્રતિનિધિઓ એકઠા થયા અને એક વિરાટ સભામાં સુભાષબાબુએ ઇંડિયન ઇંડીપેન્ડન્સ લીગનું પ્રમુખપદ સંભાળ્યું. રાસબિહારી બોઝે ઊમળકાભેર ભાષણ કર્યું અને ઇંડિયન ઇંડીપેન્ડન્સ લીગના પ્રમુખપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી અને દેશસેવક સુભાષબાબુ’ના નામની દરખાસ્ત મૂકી. દરખાસ્ત તો એક ઔપચારિકતા જ હતી.

    સુભાષબાબુએ પોતાના ભાષણમાં કહ્યું કે હવે આઝાદીના પ્રેમીઓએ કંઈક કરવું જોઈએ એવો સમય પાકી ગયો છે. એમણે પૂર્વ એશિયામાં રહેતા બધા ભારતીયોને એક સમાનપણે ખભેખભા મિલાવીને ઊભા રહેવા અને લડાઈ માટે તૈયાર થઈ જવા હાકલ કરી. ભારતમાં વાઇસરૉય લિન્લિથગોની જગ્યાએ કમાંડર-ઇન-ચીફ લૉર્ડ વેવલને વાઇસરૉય બનાવવાની વાતો વહેતી થઈ હતી તેનો ઉલ્લેખ કરીને એમણે કહ્યું કે બ્રિટન લડાઈ પછી પણ ભારતમાંથી જશે નહીં અને શોષણ ચાલુ રાખશે તેનો આ સંકેત છે. એમણે કહ્યું કે સરકારે ગાંધીજીને પકડી લીધા તે પછી લોકોએ ‘ભારત છોડો’ આંદોલન જાતે ચલાવ્યું છે અને દેખાયું કે લોકો નાગરિક અસહકારથી આગળ વધીને કોઈ પણ જલદ પગલું લેવા તત્પર છે. એમણે કહ્યું કે ૧૯૪૨નો ઑગસ્ટ ભારતના ઇતિહાસમાં અમર થઈ જશે.

    સુભાષબાબુએ દેશની આરઝી હકુમત (હંગામી સરકાર)ની સ્થાપના કરવાનો પોતાનો વિચાર જાહેર કર્યો. આરઝી હકુમત દેશની આઝાદી માટે સશસ્ત્ર સંઘર્ષ કરશે અને સ્વાધીન હિન્દુસ્તાનની કાયમી સરકાર બને ત્યાં સુધી કામ સંભાળશે.

    પાંચ દિવસ પછી નવમી જુલાઈએ સ્યોનાનમાં હિન્દીઓનું જબ્બર સરઘસ નીકળ્યું. એમાં બોલતાં સુભાષબાબુએ કહ્યું કે દેશમાં ચાલતો સંઘર્ષ અંગ્રેજી હકુમતને હરાવવા માટે પૂરતો નથી, બહારથી પણ સંઘર્ષ કરવો પડે તેમ છે. એમણે કહ્યું કે હિન્દુસ્તાનીઓ બ્રિટિશ ફોજ પર હુમલો કરવા સમર્થ હોય તેવું દળ ઊભું કરશે. અને તે સાથે જ દેશમાં ક્રાન્તિની આગ ફેલાઈ જશે. ક્રાન્તિમાં બ્રિટનના ધ્વજ નીચે લડતા ભારતીય સૈનિકો પણ જોડાશે. આમ બ્રિટન પર અંદરથી અને બહારથી હુમલા થવા જોઈએ. આના માટે આપણે એ જોવાની પણ જરૂર નથી કે ધરી રાષ્ટ્રો શું કરે છે.

    આઝાદ હિન્દ ફોજનો નવો અવતાર

    તે પછી એમણે આઝાદ હિન્દ ફોજની નવેસરથી રચના કરવા પર મુખ્યત્વે ધ્યાન આપ્યું.

    સિંગાપુરના મ્યુનિસિપલ હૉલમાં ભારે વરસાદની પરવા કર્યા વિના પચાસ હજારની મેદની એમને સાંભળવા એકઠી થઈ. એની સામે એમણે ત્રણ લાખ સૈનિકો અને ત્રણ કરોડ ડૉલર માટે ટહેલ નાખી. તે સાથે જ માલેતુજાર લોકોએ લાખો ડૉલરના ચેક એમના હાથમાં મૂકી દીધા.

    સુભાષબાબુએ આઝાદ હિન્દ ફોજનું પુનર્ગઠન કરવાનું તરત શરૂ કરી દીધું. એમણે ખાસ કરીને સ્ત્રીઓની રેજિમેન્ટ બનાવવા પર ખાસ ભાર મૂક્યો. લક્ષ્મી સહગલની આગેવાની હેઠળ ‘ઝાંસી કી રાની’ રેજિમેન્ટ બની.

    આરઝી હકુમત

    ૧૯૪૩ના ઑક્ટોબરની ૨૧મીએ સુભાષબાબુએ વિધિવત્‍ દેશની વચગાળાની સરકારની જાહેરાત કરી. એમણે સિંગાપુર આવીને એમના સૌ પહેલા ભાષણમાં આ વિચાર જાહેર કર્યો હતો. એમણે પોતે સરકારના વડાનું પદ લીધું અને રાસ બિહારી બોઝને સર્વોચ્ચ સલાહકાર બનાવ્યા. કેપ્ટન લક્ષ્મીને મહિલા વિભાગ સોંપવામાં આવ્યો. એમની કૅબિનેટમાં મુલ્કી અને લશ્કરી બન્ને પ્રકારના નેતાઓ હતા. જાપાને આ સરકારને તરત હિન્દુસ્તાનની કાનૂની સરકાર તરીકે માન્યતા આપી.

    આંદામાન-નિકોબારમાં આરઝી હકુમતની સત્તા

    ભારતને સ્વતંત્રતા મળે તે વખત સુધી દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે વચગાળાની સરકાર તો બની ગઈ, પણ સવાલ એ હતો કે એને અધીન કોઈ પ્રદેશ હોવો જોઈએ કે નહીં? જાપાને આંદામાન નિકોબાર ટાપુઓ પર કબજો કરી લીધો હતો અને એ પ્રદેશ એણે આઝાદ હિન્દની આરઝી હકુમતને સોંપી દેવાનો નિર્ણય કર્યો. વડા પ્રધાન જનરલ તોજોએ જાપાનને અધીન એશિયાઈ દેશોના પ્રતિનિધિઓની બેઠકમાં આ નિર્ણય જાહેર કર્યો. સુભાષબાબુ બેઠકમાં હાજર તો રહ્યા પણ વચગાળાની સરકારના વડા તરીકે નહીં, માત્ર નિરીક્ષક તરીકે. એમની દલીલ હતી કે આ કાર્ય કાયમી સરકારનું છે. આમ છતાં તોજોની ઑફર આરઝી હકુમતે સ્વીકારી લીધી અને આંદામાનને ‘શહીદ’ અને નિકોબારને ‘સ્વરાજ’ એમ નવાં નામ આપ્યાં. ૧૯૪૩ની ૩૦મી ડિસેમ્બરે સુભાષબાબુ આંદામાન-નિકોબાર પહોંચ્યા અને સત્તાવાર રીતે વહીવટનો દોર સંભાળી લીધો.

    આંદામાન-નિકોબાર ટાપુઓ પર ૧૯૪૨ના માર્ચમાં જ જાપાને કબજો કરી લીધો હતો અને ત્યાં ગોઠવાયેલી બ્રિટિશ ગૅરિસન જાપાનને શરણે આવી ગઈ હતી. એમાં હિન્દી સૈનિકો હતા તે પછી આઝાદ હિન્દ ફોજમાં સામેલ થઈ ગયા. પરંતુ આરઝી હકુમતને વહીવટ સોંપ્યા પછી પણ જાપાનની દખલગીરી ચાલુ રહી. જાપાને પોલીસ વિભાગ આરઝી હકુમતને સોંપ્યો નહીં, માત્ર બીજા વિભાગો સોંપ્યા. આંદામાન ટાપુ પર જાપાની સૈન્યે ભારે અત્યાચારો કર્યા હતા. પણ નેતાજી ૨૯મી ડિસેમ્બરે આંદામાન પહોંચ્યા ત્યારે જાપાની સૈન્યે કડક જાપ્તો રાખ્યો હતો અને પોતાનાં કરતૂતોનો ઢાંકપીછોડો કરી લીધો હતો.

    પરંતુ એક જ અઠવાડિયાની અંદર આરઝી હકુમતના મુખ્ય કાર્યાલયને રંગૂન મોકલાવી દેવાયું. સુભાષબાબુનો વિચાર હતો કે ભારત અને બર્માની સરહદ પર યુદ્ધ થવાનું હતું એટલે સરકારનું મુખ્ય કેન્દ્ર યુદ્ધ મોરચાની નજીક હોવું જોઈતું હતું. એ પણ ખરું કે નેતાજી એમ ઇચ્છતા હતા કે ભારતમાં સૌ પ્રથમ તો ભારતીયો જ પહોંચે, પણ જાપાન આઝાદ હિન્દ ફોજને ભારતમાં જવા દેવા નહોતું ઇચ્છતું.

    બીજી બાજુ પૂર્વ એશિયામાં બીજા કેટલાક પ્રદેશો પણ આઝાદ હિન્દ ફોજના હાથમાં આવી ગયા હતા. હવે નેતાજીએ આઝાદ હિન્દ બેંક પણ શરૂ કરી અને એને જબ્બર સહકાર મળ્યો. સરકાર હસ્તકના બીજા વિભાગોમાં પણ જનતાને મદરૂપ થાય એવાં કામો શરૂ થઈ ગયાં હતાં. પણ નેતાજીનું મુખ્ય લક્ષ્ય તો ભારતની ભૂમિને આઝાદ કરાવવાનું હતું. પરંતુ,આંદામાન-નિકોબારમાં લોકોની મુખ્ય સમસ્યા જાપાનીઓ પોતે જ હતા. એમના અત્યાચારોનો શિકાર બનનારા લોકોને વહીવટનાં બીજાં પાસાંઓ કરતાં જાપાનીઓના અત્યાચારો બંધ થાય તેમાં વધારે રસ હતો. આમ આરઝી હકુમત સંતોષપૂર્વક કામ કરવામાં સફળ ન થઈ શકી

    ૦૦૦

    સંદર્ભઃ

    Netaji Subhash Chandra Bose: His life and work – translated from Gujarati ‘નેતાજી સુભાષ ચંદ્ર બોઝઃ જીવન અને કાર્ય’ લેખકઃ મોહનલાલ મહેતા ‘સોપાન’ પ્રકાશન ૧૯૪૬.


    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

     

  • પૂળો મૂક્યો

    આશા વીરેન્દ્ર

    મિસિસ સુહાસિની પંડ્યા’. સ્ટેજ પર મૂકેલી એનાં નામની તકતીની પાછળની ખુરશી પર બેસીને એ પ્રેક્ષાગાર તરફ નજર નાખી રહી. આટલા લોકો હાજર હોવા છતાં એની નજર એ વ્યક્તિને શોધી રહી હતી જે આજે હયાત જ નથી. કદાચ હોત તો પણ સૌરભ આ સન્માન સમારંભમાં આવતઆમ તો એણે નક્કી કર્યું હતું કેઆ આનંદના અવસરે જીવને દુ:ખી કરે એવી વાતો યાદ કરીને મૂડ બગાડવો નથી પણ અવળચંડુ મન ક્યાં વશમાં રહે એમ હતું ?

             જોકેસગાઈ થયા પછી મંજુમાસીએ એને એકાંતમાં ચેતવી હતી,

    “છોકરાવાળાંના પાડોશમાં રહેતી મારી બહેનપણી રુપાએ મને કહ્યું કે, ‘ છોકરાની મા બહુ માથાભારે છે. દીકરો એ પીવડાવે એટલું જ પાણી પીએ છે. એટલે જોઈ-વિચારીને આમાં પડજો. પછી પસ્તાવાનો વારો ન આવે !’ બેટાહજી પણ સમય છે. તું કહે તો હું જીજાજીને વાત કરું.”

            “અરે માસીશા માટે આટલી ચિંતા કરો છોબોલવાવાળાં તો બોલ્યાં કરે ! ને કદાચ આ વાત સાચી પણ હોય તોયે હું પરિસ્થિતિને પહોંચી વળીશ.”

    પરણીને શ્વસુરગૃહે આવી ત્યારે આંખોમાં કેટકેટલાં સોણલાં આંજીને આવી હતી! પણ લગ્નની પહેલી જ રાતે એને અંદાજ આવ્યો કે પેલી વાત સાવ તથ્ય વિનાની નહોતી. મધુરજનીની કલ્પનાઓ તો ત્યારે જ કકડભૂસ થઈ ગઈ જ્યારે ઘરચોળું કાઢીને નાઈટી પહેરી પતિની નજીક આવવાનો પ્રયત્ન કરતી સુહાસિનીને સૌરભના કડક અવાજે અટકાવી દીધેલી,

            “આપણો સંસાર શરૂ કરતા પહેલાં મારે એક વાતની ચોખવટ કરવી છે.”

    એ સ્તબ્ધ થઈ ગયેલી. લગ્નની પ્રથમ રાત્રિએ ચોખવટ પતિના બોલવાની રાહ જોઈને એ ચૂપચાપ બેસી રહી હતી.

            “મારો જન્મ પણ નહોતો થયો ત્યારે મારા પપ્પાનું અકસ્માતમાં અવસાન થયેલું. મમ્મીને સાસરીમાં કે પિયરમાં કોઈ આધાર નહોતો. મારે ખાતર ઝઝૂમી ઝઝૂમીને એણે મને આજે અહીં સુધી પહોંચાડ્યો છે. સાચું કહું તો મેં એને ખાતર જ લગ્ન કર્યા છે. એનાં મન પર નાનો એવો ઘસરકો પણ ન પડે એનું હંમેશા ધ્યાન રાખવું પડશે કેમકેમારે માટે તો મારી મમ્મી જ મારી દુનિયા છે.”

            એના હોઠ જરાક ફફડ્યા કેતો પછી મારું સ્થાન ક્યાં છેપણ તરત એણે હોઠ સીવી લીધા. તે દિવસથી એણે સમજી લીધું હતું કેઆ મા-દીકરાની દુનિયામાં હું એક આગંતુક છું. તેમ છતાં બંનેને પોતાના કરી લેવા એણે નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો આદર્યા હતા.

    “ મમ્મીતમે રહેવા દોશાક હું બનાવી કાઢીશ.”

    “ના રેસૌરભ જોતાવેંત સમજી જશે કેઆવું તેલ- મરચાંથી ભરપૂર શાક એની માનું બનાવેલું ન હોય. ખસશાક હું વઘારું છું.”

    “મારે ઑફિસ બેગશર્ટ-પેન્ટ વગેરે લેવાનું છે…” સુહાસિનીએ આશાભરી મીટ માંડી કેહમણાં કહેશે કે, “ચાલ મારી સાથે.” પણ ત્યાં તો તૈયાર થઈને આવેલાં સાસુમાએ ઓર્ડર છોડ્યો,

    “અમે ખરીદી કરવાં જઈએ ત્યારે તારું થોથું લઈને બેસી નહીં જતી. પરણ્યાને બે વરસ થયાં. હવે ઘરનાં કામકાજમાં જરા ધ્યાન આપો ! હું ક્યાં સુધી વૈતરાં કર્યા કરીશ?”

    રિયાના જન્મ પછી પરિસ્થિતિ બદલાશે એવી સુહાસિનીની આશા ઠગારી નીવડીતે છતાં જે છે તે આ જ છે એવું એણે સ્વીકારી લીધું હતુંપણ હાપેલો સાહિત્ય રસિયો જીવ એનો પીછો નહોતો છોડતો. હાથમાં મનગમતા કવિનું પુસ્તક આવે તો ગમેતેમ કરીને એ પૂરું કર્યે છૂટકો કરતી.    ધીમેધીમે કરતા એને લાગવા માંડ્યું હતું કેહુંય લખી તો શકું. મારે કોશિશ કરવી જોઈએ. અને એમ ચોરીછૂપીથી લખતાં લખતાં એની કોરી ડાયરીનાં પાનાંઓ ગીતગઝલ અને કવિતાઓથી શણગારાવાં માંડ્યાં. એ જોઈ જોઈને હરખાતી, ‘ભલે ને ક્યાંય ન છપાયપણ મને કંઈ સર્જન કર્યાનો આનંદ તો મળે છે !

            પણ એ આનંદ લાંબું ન ટક્યો. વાંચવામાં મશગૂલ સુહાસિનીની ઘ્રાણેંદ્રિય સુધી જે શાક બળવાની વાસ નહોતી પહોંચી એ સાસુમાનાં સંવેદનશીલ નાક સુધી પહોંચી ગઈ, તે દિવસે એક અગત્યનો નિર્ણય લેવાઈ ગયો- હવે પછી આવા ઉધામા આ ઘરમાં ન જોઈએ. પતિએ તો ત્યાં સુધી કહી દીધું-“ ઘર સાચવવાની ત્રેવડ ન હોય તો પૂળો મૂક આ તારી ડાયરીઓમાં. લખ લખ કરવાથી કંઈ માન-ચાંદ નથી મળી જવાના !”

            આવેશમાં આવીને એણે બધી ડાયરીઓ ભેગી કરીને એમાં પૂળો મૂકી દીધેલો. ભડ ભડ બળતી જ્વાળાઓ સામે જોઈ રહેલી સુહાસિનીમાં એ વખતે અચાનક જ એક ચિનગારી પ્રગટી. એણે નિર્ણય કરી લીધો- “કદાચ જે સત્વહીન  હશે એ આ અગ્નિમાં ભલે સ્વાહા થઈ ગયું. હવે મારી અંદર રહેલી સર્જનાત્મકતાને હું બહાર લાવીશ.”

            સાસુના ગયા પછી સૌરભ વધુ ને વધુ કોચલામાં પૂરાતો ગયો. સુહાસિની કે રિયા સાથે તો આમ પણ એનો જાણે ઉપરછલ્લો જ સંબંધ હતો. મનની લાગણીઓને દબાવી દબાવીને જીવી રહેલા સૌરભને પેરેલિસિસનો એટેક આવ્યો ત્યારથી વાચા જતી રહેલી. રાત-દિવસ જોયા વિના એની સેવા પાછળ મચી પડેલી સુહાસિનીને એણે ઈશારાથી તકિયા નીચે રાખેલું કવર જોવા કહ્યું જેમાં એક બ્લેંક ચેકની સાથે મૂકેલા પત્રમાં આજ સુધી કરેલી ભૂલો માટે માફી યાચના કરીને આ ચેક એનાં પુસ્તકનાં પ્રકાશન માટે વાપરવાની વિનંતી કરી હતી.

            આજે મળી રહેલા સાહિત્ય ગૌરવ’  પુરસ્કારનાં મૂળમાં પેલો ચેક અને પત્ર છે એ હકીકતથી એની આંખો ભીંજાઈ. પોતાનાં વક્તવ્યમાં એણે કહ્યું,

            આજે તમે સૌએ મને આ સન્માનને લાયક ગણી છે એની પાછળ મારાં દિવંગત સાસુજી અને મારા પતિનો બહુમૂલ્ય ફાળો રહેલો છે. આ તકે હું એમનો ઋણસ્વીકાર કરું છું.


    સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • રજાઈ

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    કાળી કાજળ ઘેરી રાત, કારમી અસહ્ય ઠંડી માથે લઈને એક સોદાગર એક ગામથી બીજા ગામ જઈ રહ્યો હતો. રાત વધુને વધુ ઘેરી અને ઠંડી થતી જતી હતી. સોદાગરે આગળ જવાનો વિચાર માંડી વાળીને એક રાત પૂરતું ક્યાંક રોકાઈ જવાનો વિચાર કર્યો. શોધતા શોધતા રાતવાસા માટે માંડ એક સરાઈ મળી. સરાઈ સાવ સામાન્ય હતી. બીજો કોઈ સમય હોત તો કદાચ એણે અહીં રહેવાનો વિચાર સુદ્ધાં ન કર્યો હોત, પણ રાતના ઘેરા અંધકાર ઉપરાંત હાડ થીજાવી દેતી ઠંડીને લીધે એણે અહીં જ રોકાવાનો નિર્ણય કર્યો.

    નિર્ણય તો કર્યો, પણ સામે માલિકની લાચારી મુસાફર કરતા જરાય ઓછી નહોતી. સરાઈનાં તમામ રૂમો ભરેલા હતા.

    હવે? મુસાફર જાય તો ક્યાં જાય?

    માલિક લાચાર હતો, પણ લાગણીશૂન્ય નહોતો. એની સરાઈનાં રૂમો મુસાફરોથી ભરેલા હતા એમ દિલ લાગણીથી ભરેલું હતું. એણે ઉપરના માળે સરાઈનો સામાન પડ્યો રહેતો હતો ત્યાં એક રાત પસાર કરવાનો બંદોબસ્ત કરી આપ્યો.

    ઢંગનું કહી શકાય એવું ઓઢવા કે પાથરવાનું કશું બચ્યું નહોતું એટલે મુસાફર માટે એક સાવ જૂની રજાઈ કાઢી આપી.

    થાકેલા મુસાફરે મને કમને આ  બંદોબસ્ત સ્વીકારી લીધો. ઠંડીમાં થથરતો, થાકેલો મુસાફર તરત જ નિદ્રાદેવીના શરણે પહોંચ્યો. થોડી વાર પછી અચાનક પાસેથી આવતા અવાજથી એની ઊંઘ ઊડી ગઈ. રૂમમાં કોઈ બે જણ વાતો કરતાં હોય એવું લાગ્યું. ધ્યાનથી સાંભળવાનો પ્રયાસ કર્યો તો સમજાયું કે, એ અવાજ બે બાળકોનાં હતાં.

    “ભાઈ, તમને બહુ ઠંડી લાગે છે?” એક બાળકે બીજાને સવાલ કર્યો.

    “તને પણ બહુ ઠંડી લાગે છે નહીં?”

    થોડી વારે બીજા બાળકે પૂછ્યું.

    અજબનો અનુભવ હતો. રજાઈમાં જ ઢબુરાયેલા રહીને મુસાફરે ધ્યાન દઈને સાંભળવાનો પ્રયાસ કર્યો. ફરી એ જ બે બાળકોનાં અવાજ અને એ જ સવાલ.

    “ભાઈ, તમને બહુ ઠંડી લાગે છે?”

    “તને પણ બહુ ઠંડી લાગે છે નહીં?”

    એક નહીં બે ત્રણ આવા અનુભવ થયા. જેવો એ ઉંઘવા પ્રયાસ કરે અને બાળકોનાં અવાજ સંભળાય. પછી તો બેઠા થઈને આસપાસ ક્યાંથી અવાજ આવે છે એ જાણવા કાન માંડ્યા. અવાજ તો બીજે ક્યાંયથી નહીં, એણે ઓઢેલી રજાઈમાંથી જ આવતો હતો. એને થયું કે સરાઈના માલિકે જાણીને એને કોઈ જાદુઈ રજાઈ આપી છે કે શું? મુસાફરની તો ઊંઘ જ ઊડી ગઈ.

    સવારે ઊઠીને માલિક પાસે જઈને એણે એ તિલસ્મી રજાઈની, રજાઈમાંથી સંભળાતી વાતો અંગે ફરિયાદ કરી. એની કેફિયત સાંભળીને માલિક પણ હેરાન…એને તો રજાઈ કે રજાઈમાંથી આવતા અવાજ અંગે કશી ખબર જ નહોતી. એણે તો આ રજાઈ કોઈ કબાડીખાનામાંથી લઈને મૂકી રાખી હતી.

    મુસાફર તો એની મુસીબત અહીંથી જ ટળી એમ માનીને આગળ ચાલતી પકડી.

    સરાઈનો માલિક રજાઈ લઈને પહોંચ્યો કબાડીની દુકાને અને આગલી રાત્રે મુસાફરને થયેલા અનુભવની વાત કરી.

    કબાડીને રજાઈના ભેદનો આશરે અંદાજ તો હતો, પણ એણે માની લીધું હતું કે જગ્યા બદલાતાં એ અવાજ કાયમ માટે નહીં રહે.

    *****

    વાત જાણે એમ હતી કે, આ રજાઈ એક તૂટેલા-ફૂટેલા મકાનમાં રહેતાં બે નાનાં બચ્ચાંઓની હતી. આ રજાઈ ઓઢી એકબીજાને વળગીને પડ્યાં રહેતાં. બંનેનાં માબાપ એમને છોડીને ક્યાંક ચાલી નીકળ્યાં પછી કોઈ કારણોસર ક્યારેય પાછાં આ બચ્ચાંઓ પાસે આવ્યાં જ નહીં. જેમતેમ કરીને આ બચ્ચાંઓ પોતાના દિવસો પસાર કરતાં હતાં. એક દિવસ એ મકાનનો માલિક મકાનનું ભાડું વસૂલ કરવા જઈ પહોંચ્યો. બચ્ચાંઓને ડરાવી-ધમકાવીને એ રહીસહી એક આધાર સમી રજાઈ પણ છીનવીને એમને મકાનની બહાર કાઢી મૂક્યાં.

    બચ્ચાંઓના એક માત્ર સહારા જેવી રજાઈ તો એમની પાસેથી ગઈ, પણ એમના અવાજ આ રજાઈમાં સચવાઈને રહી ગયા.


    ભિષ્મ સાહની લિખીત વાર્તાનો ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ફિલ્મી ગઝલો – ૯૦. અખ્તર ઉલ ઈમાન

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    અખ્તર ઉલ ઈમાન પણ ઉર્દૂ સાહિત્યની મોટી હસ્તી. ફિલ્મોના પટકથા અને સંવાદ લેખનમાં પણ એમનો દબદબો. બી આર ચોપરાની ફિલ્મો ગુમરાહ, કાનૂન, ધર્મપુત્ર, વક્ત અને ઇત્તેફાકના ચોટદાર સંવાદ કોણ ભૂલી શકે ?

    એમની ઉર્દૂ કવિતાઓના સંકલન ‘ યાદેં ‘ માટે ૧૯૬૨ માં એમને સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ એનાયત થયેલો.

    એમણે લખેલી કેટલીક જાણીતી ફિલ્મો એટલે આજ ઔર કલ, યાદે, ભૂત બંગલા, ફૂલ ઔર પથ્થર, મેરા સાયા, ગબન, પથ્થર કે સનમ, આદમી, ચિરાગ અને રોટી.

    સાહિત્ય લેખનમાં એમને ગઝલ કરતાં નઝમને વધુ પ્રાધાન્ય આપ્યું. એમની નઝમો ઉર્દૂ અદબમાં સીમાચિહ્ન રૂપ લેખાય છે.

    પરાઇ આગ, બિખરે મોતી, પૃથ્વીરાજ સંયુક્તા, ગુલામી જેવી થોડીક ફિલ્મોમાં ગીત લખ્યાં. એમાં ગઝલ માત્ર આ એક :

    ઐ દિલ જહાં મેં તેરા ઠિકાના કોઈ નહીં
    જીને કા તેરે પાસ બહાના કોઈ નહીં

    અબ તુ હૈ ઔર દુઃખ ભરી રાતેં જુદાઈ કી
    કિસ્મત મેં તેરી ખ્વાબ સુહાના કોઈ નહીં

    તૂ ગીત હૈ વો જિસકી તડપ ખો ગઈ કહીં
    તૂ દાસ્તાં હૈ જિસ કા ઝમાના કોઈ નહીં

    સૂનસાન દૂર તક હૈ મુહબ્બત કી બસ્તિયાં
    કિસ કો પુકારેં અપના બેગાના કોઈ નહીં..

    – ફિલ્મ : પરાઈ આગ ૧૯૪૮
    – ઝોહરાબાઈ અંબાલેવાલી
    – ગુલામ મોહમ્મદ


    ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

     

  • ગૃહપ્રવેશ (૧૯૭૯)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી

    હિન્દી ફિલ્મક્ષેત્રે સંગીતકાર તરીકે એમનો પ્રવેશ પ્રમાણમાં ઘણો મોડો, પ્રદાન મર્યાદિત, એમણે સર્જેલાં ગીતોની સંખ્યા પ્રમાણમાં સાવ ઓછી, છતાં એ પૈકીનાં અમુક ગીતો એવાં કે એને યાદ કરવા જ પડે. સંગીતકાર કાનુ (કનુ) રોયની ગણીને આઠ ફિલ્મો રજૂઆત પામી.

    અસલમાં તેઓ પાર્શ્વગાયક બનવા માટે મુમ્બઈ આવેલા. ‘ઈપ્ટા’માં જોડાયા અને સલિલ ચૌધરી તેમને કોરસમાં ગવડાવતા. સંગીતકાર બનવાની પ્રેરણા પણ સલિલદાએ જ આપી. અભિનેતા તરીકે તેમણે ઘણી ફિલ્મોમાં ભૂમિકા કરી. સ્વતંત્ર સંગીતકાર તરીકે તેમને તક મળી બાસુ ભટ્ટાચાર્ય દિગ્દર્શીત ‘ઉસકી કહાની’ ફિલ્મથી. તેમણે સંગીતબદ્ધ કરેલી ફિલ્મોમાં મોટા ભાગની બાસુદા દિગ્દર્શીત છે. જેમ કે, અનુભવ, આવિષ્કાર, તુમ્હારા કલ્લુ અને ગૃહપ્રવેશ. આ ઉપરાંત સઈ પરાંજપેની ‘સ્પર્શ’ અને એ પછી ‘મયૂરી’ તેમની છેલ્લી ફિલ્મ, જેનું દિગ્દર્શન બીરેન્દ્ર ભટ્ટાચાર્યે કરેલું. જોગિન્દર શૈલી દિગ્દર્શીત ‘શ્યામલા’ રજૂઆત પામી, જે ફરીથી ‘વો ફિર નહીં આઈ’ના નામે સેન્સર થઈ.

    ગીતા દત્તે ગાયેલાં છેલ્લા તબક્કાનાં યાદગાર ગીતો ‘કોઈ ચૂપકે સે આકે’, ‘મેરી જાં’, અને ‘મેરા દિલ જો મેરા હોતા’ પણ કાનુ રોયે ‘અનુભવ’ માટે સંગીતબદ્ધ કરેલાં. કાનુ રોયનાં ગીતો સાંભળતાં એક પ્રકારની અજબ શાંતિનો અહેસાસ થાય, અને સાથોસાથે દર્દના આંતરપ્રવાહનો પણ! કદાચ એટલે જ એ ગીતો આટલા લાંબા સમય પછી એટલી જ અપીલ કરે છે.

    આરોહી નિર્મિત, બાસુ ભટ્ટાચાર્ય દિગ્દર્શીત ‘ગૃહપ્રવેશ’ની રજૂઆત ૧૯૭૯માં થયેલી, અને એ પછી ૧૯૮૨માં પણ એ કોઈક કારણસર ફરી વાર સેન્સર થઈ. સંજીવકુમાર, શર્મિલા ટેગોર, સારિકા, માસ્ટર બીટ્ટુ જેવા મુખ્ય કલાકારોની સાથોસાથ તેમાં દિનેશ ઠાકુર અને ગુલઝારની પણ મહેમાન ભૂમિકા હતી. ફિલ્મનાં કુલ આઠ ગીતો હતાં, જે તમામ ગુલઝારે લખેલાં. સંવાદો પણ ગુલઝારના હતા, અને ફિલ્મનું સહલેખન બાસુ ભટ્ટાચાર્ય સાથે તેમણે જ કરેલું.

    આ ફિલ્મનાં તમામ ગીતો કંઈક વિશિષ્ટ મૂડવાળાં છે, જેમાં મુખ્ય ધારાના કોઈ ગાયક કે ગાયિકા નથી. આઠમાંથી ચાર ગીતોમાં સ્વર ભૂપીન્દરનો છે, તો ગાયિકા તરીકે સુલક્ષણા પંડિત (બે ગીત) અને ચન્દ્રાણી મુખરજી (એક ગીત) છે.

    બોલીયે સૂરીલી બોલિયાં‘ (ભૂપીન્દર અને સુલક્ષણા), ‘લોગોં કે ઘર મેં રહતા હૂં‘ (ભૂપીન્દર), ‘મચલકર જબ ભી આંખો સે‘ (ભૂપીન્દર), તેમજ ‘જિન્દગી ફૂલોં કી નહીં’ (ભૂપીન્દર) આ ચારે ગીતોમાં ભૂપીન્દરનો સ્વર છે. ‘પી કે યાદ આયે પિયા‘ પંકજ મિત્રાએ, તો ‘લોગોં કે ઘર મેં રહતા હૂં‘ યેસુદાસે ગાયેલું છે. ‘આપ અગર આપ ન હોતે‘નાં ગાયિકા સુલક્ષણા પંડિત અને ‘પહચાન તો થી પહચાના નહીં‘નાં ગાયિકા ચન્દ્રાણી મુખરજી છે. આ ગીત પૈકી ‘લોગોં કે ઘર મેં રહતા હૂં’ ગીતમાં ગુલઝાર એક પાત્ર તરીકે પડદે દેખા દે છે.

    (કાનુ રોય)

    આ ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે ભૂપીન્દરના સ્વરે ગવાયેલું ‘જિન્દગી ફૂલોં કી નહીં’ ગીત મૂકાયેલું છે. આ જ ગીતનું મુખડું ફિલ્મના અંત ભાગે પુનરાવર્તિત થાય છે.

    ભૂપીન્દરના સ્વરમાં ગહન દર્દ અને ગાંભીર્ય સ્થાયીભાવ હોય એમ લાગે છે. આ ગીતના શબ્દો નીચે મુજબ છે:

     

    ज़िंदगी फूलों की नहीं,
    फूलों की तरह महकी रहे (3)
    ज़िंदगी….

    जब कोई कहीं गुल खिलता है,
    आवाज़ नहीं आती लेकिन (2)
    खुशबू की खबर आ जाती है,
    खुशबू महकी रहे
    ज़िंदगी फूलों की नहीं,
    फूलों की तरह महकी रहे
    ज़िंदगी …

    जब राह कहीं कोई मुड़ती है,
    मंंझिल का पता तो होता नहीं (2)
    इक राह पे राह मिल जाती है,
    राहें मुड़ती रहें
    ज़िंदगी फूलों की नहीं,
    फूलों की तरह महकी रहे (2)
    ज़िंदगी …

     

    આ આખું ગીત નીચેની લીન્‍ક પર સાંભળી શકાશે.

     


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)