-
કરસનદાસ મૂળજીનો ઈંગ્લેન્ડ પ્રવાસ – પ્રકરણ ૪
સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર

(કરસનદાસ મૂળજી – ૧૮૩૧ થી ૧૮૭૨) (જ્યારે માણસ પોતાની મરજી પ્રમાણે ફરી હરી શકે નહીં ત્યારે તે ગુલામની સ્થિતિમાં કહેવાય છે.સ્વતંત્ર માણસ પોતાની મરજી પ્રમાણે છૂટથી ફરી શકે છે ન્યાત જાતની બિહિકથી પોતાના દેશના ખુણામાંથી બાહાર નિસરી ન શકાય અને સુધરેલા દેશમાં પ્રવાસ કરવા જઈ ન શકાય એને ગુલામગીરીની સ્થિતિ શિવાય બીજું શું નામ ઘટે? કોઇ જુલમી રાજા તમને તમારા ઘરમાં પુરી અને ઘરની બાહાર જવા ન દે ને જાઓ તો તમને શિક્ષા કરે તો તે જુલમ તમે કેમ સહન કરી શકશો? તમે એમ જ કહેશો કે એવી ગુલામી સ્થિતિમાં રહેવું, તે કરતાં મરવું બેહેતર. હવે એ જ પ્રકારે એક જુલમી રાજા તમને એમ કહેશે કે તમને હું મારા દેશની બાહાર જવા નહીં દઉં, તમે મારા દેશના ખુણામાં ચુડો પેહેરીને ભરાઈ બેસો, તો એ જુલમી રાજાના જુલમમાંથી છુટવાને શું તમે વિચાર નહીં કરશો? એ જુલમી રાજા તે કોણ તે તમે કહી શકશો, ન્યાતની બીક એ જ જુલમી રાજા છે. એ બીક કાહાડી નાખી હિંમતથી બાહાર પડશો તો એ જુલમી રાજા તમારા તાબામાં આવી જશે)
: :કરસનદસ મૂલજી તેમનાં પુસ્તક ‘ઇંગ્લેન્ડનો પ્રવાસ’ની પૂર્વભૂમિકા(પ્રસતાવના)માં
લેખકે અંગ્રેજ પ્રજાના સામાન્ય ગુણોની વાત તો કરી છે ઉપરાંત એ પ્રજાના જે વિશેષ ગુણો અને પરિસ્થિતિને કારણે દુનિયાભરમાં બ્રિટનનો વાવટો ઉંચો રહયો તે વિશે પણ લખ્યું છે .અંગ્રેજ પ્રજાની વિદ્યાપ્રીતિથી પ્રભાવિત થવા ઉપરાંત નવી નવી શોધો કરવાનો અને જુદી જુદી કળાઓમાં પારંગત થવાના ઉત્સાહને તેમની સર્વોપરિતા માટે જવાબદાર ગણ્યા છે. ત્યાંનું ઠંડુ હવામાન મહેનત કરવા માટે અનુકૂળ હોવાથી સખત પરિશ્રમ કરવા છતાં લોકોને થાક લાગતો નથી. આપણે જાણીએ છીએ કે સૌ પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ ઇંગ્લેન્ડમાં થઈ. યંત્રો અને કારખાનાઓ ચલાવવા માટે જરૂરી કોલસો ત્યાંની જમીનમાં વિપુલ પ્રમણમાં દટાયેલો છે અને એટલું જ જરૂરી લોખંડ પણ ત્યાં ધરબાયેલું છે. માલસામાન વહેવા માટે ખૂબ જ આવશ્યક એવી રેલ્વેલાઇનનો ત્યાં ઝડપથી વિકાસ થયો. કરસનદાસ લખે છે કે ૧૮૬૪ની આખર સુધીમાં ઇંગ્લેન્ડ અને તેની સાથે જોડાયેલા દેશોમાં 12,300 માઈલ સુધી રેલ્વેલાઇન પથરાઈ ચૂકી હતી જ્યારે તે સમયે ભારતમાં ૩૧૦૦ માઈલ રેલ્વેલાઇન હતી.
બ્રિટનનાં ભૌગોલિક સ્થાનને કારણે તે દેશને પોતાનું નૌકાદળ મજબૂત રાખવું પડેલું અને તેના સહારે અનેક યુદ્ધો જીતાયેલા.. મજબૂત નોકાદળનું રક્ષણ મળવાને કારણે તે દેશનો દરિયાઈ વેપાર પણ ખૂબ જ ખીલેલો. કરસનદાસ લખે છે, “ઇંગ્લેન્ડ દેશની પ્રજાનું મોટામાં મોટું પરાક્રમ તેની સમુદ્રની ફોજમાં છે અને તેથી એ દેશની મોટાઈ આખી પૃથ્વિમાં માલમ પડી છે. દરિયામાં મોટાં મોટાં વહાણો તથા મોટી મોટી આગબોટ ઉપર લશ્કર તથા તોપગોળા ને લડાઇનો સામાન રાખવો અને જરૂર પડે ત્યારે દરિયામાં વહાણ ઉપરથી જ લહડાઈ કરવી. આ કળામાં ઈંગ્રેજી પ્રજાની ચાલાકી જેવી માલમ પડી છે તેવી ચાલાકી બીજી કોઈક જ પ્રજાની જણાઇ હશે.”
લેખક વધારે સમય તો લંડનમાં જ રહેલા, તો પણ ઇંગ્લેડના અન્ય શહેરો અને ગામોની મુલાકાત પણ તેમણે લીધી જ હતી. હાર્ટફોર્ડ નામના એક ગામમાં તેમણે એક પ્રિન્ટિંગ પ્રેસ જોયો, જેમાં સંસ્કૃત અને ફારસી ભષામાં છપાયેલા પુસ્તકો જોયા. આ પુસ્તકો એટલી સરસ રીતે છપાયા હતા કે તેની છપાઇને કારણે પ્રિન્ટિંગ પ્રેસના માલિકને ઇંગ્લેન્ડની મહારાણી તરફથી ચંદ્રક મળેલો. ત્યાંથી તેમણે કાપડ ઉદ્યોગ માટે પ્રખ્યાત એવા માન્ચેસ્ટર શહેરની મુલાકાત લીધી, તેમને અહીંના કાપડનાં કારખાનાં અને મુંબઈના કાપડનાં કારખાનાં વચ્ચે કોઇ ફરક ન જણાયો. છતાં તેમના લખ્યા મુજબ માન્ચેસ્ટરમાં તે સમયે કાપડના લગભગ એક હજાર કારખાના હતાં. અહીં ગાલીચા બનાવવાનું એક કારખાનું પણ તેમણે જોયુ. આ કારખાનાના માલિક સાથેના એક પ્રસંગની વાત આપણે લેખકના શબ્દોમાં જ જાણીએ,
“આપણા દેશને લગતી કેટલીએક વાત સાંભળી આખા કુટુંબને ખુશી અને અચરતી ઉપજતી હતી. આપણા દેશના જ્ઞાતીભેદ સબંધી વાત નિકલી અને એક જ્ઞાતિના લોક બીજી જ્ઞાતિના હાથનું રાંધેલું કે અડકેલું જમી શકે નહી તે સાંભળી તેઓ બહુ જ અચરત પામ્યા.હતા. *[1]જનાવરના ખોરાક સબંધી વાત નિકળતા તેઓ અજબ થયા કે તમે એ વગર કેમ રહી શકતા હશો! મેં કહ્યું કે હું રહી શકું છું, મને એ ખોરાક મુદલ પસંદ નથી. કોઇ જનાવરનાં શરીરના જુદા જુદા ભાગ કાપીને ખાવા એ વિચારથી જ મને કંટાળો ઉપજે છે. તેઓએ કહ્યું કે એમાં કંટાળો શાનો? મેં જણાવ્યું કે ફ્રેન્ચ લોકો દેડકાને બાફીને ખાય છે પણ ઘણાખરા અંગ્રેજોને એ પકવાથી કંટાળો ઉપજે છે. દેડકાનું નામ જ સાંભળતાં એ કુટુંબની મુખ્ય ધણીઆણીને એટલો તો કંટાળો છુટ્યો કે તેનાથી પછી ખવાયું જ નહી.”
પછી લખે છે,
“હું મારા અવિવેકને માટે જરા દલગીર થયો પણ મારા કહેવાની સાબેતી તરત જ મળી તેથી આખું કુટુંબ મોટી ખુશીમાં આવીને હસવા માંડ્યું અને મને ‘બ્રેવો’ બ્રેવો’ કહીને સાબાસી આપી. લેડીનું મન કચવાયું હશે એમ સમજીને મેં માફ માગી. પણ તે ભલી સ્ત્રી બોલી કે તેની જરાય ચિંતા કરશો ના. મારું મન મુદલ કચવાયું નથી પણ હવે હું સમજી શકું છું કે તમને બચપણથી જનાવરના ખોરાક્નો કંટાળો હશે, તે કંટાળો ઘણો જ મજબુત હશે.” અહી કરસનદાસ અને અંગ્રેજ પરિવારનું ઉમદાપણુ તો આપણને જણાય છે જ ઉપરાંત તે પરિવારની અન્યના મત કે માન્યતાને સમજવાની ક્ષમતા અને તૈયારીનો પણ પરિચય થાય છે.
માન્ચેસ્ટરથી તેઓ લીવરપુલ ગયા. ત્યાં તેમણે 1500 મોટા વહાણોનો સમાવેશ થઈ શકે તેવી બંદરની ગોદી જોઈ. લીવરપુલથી એડિનબરોના રસ્તા પર આવેલા ‘સેન્ટહિલ’ નામનાં ગામમાં તેઓ કાચનું કારખાનું જોવા ઉતરેલા પરંતુ કોઇ કારણસર તે કારખાનું બંધ હતું, છતાં એક અજાણ્યા ગૃહસ્થે તેમને લોખંડ ગાળવાની ભઠ્ઠી જોવા લઈ ગયા અને ત્યાંની તમામ કામગીરી તેમને સમજાવી. અહીં આપણને ઇંગ્લેન્ડની પ્રજાના ઉમદાપણા અને કરસનદાસની જિજ્ઞસાવૃતિના એકી સાથે દર્શન થાય છે. સેંન્ટહિલથી તેઓ યુનાઈટેડ કિંગડમના સૌથી સુંદર શહેર એડિનબરો ગયેલા જ્યાં તેમણે પ્રિન્સેસ સ્ટ્રીટ નામે ઓળખાતા ત્યાંના સુંદર મોહલ્લામાં ઉતારો કર્યો. અહીં તેઁમણે વોલ્ટર સ્કોટ નામના પ્રખ્યાત કવિની સમાધિ માટે ઊભો કરાયેલો મિનારો જોયો. નેશનલ ગેલેરી અને રોયલ ઇન્સ્ટિટ્યુટની ઈમારતો અને તેની પછવાડે આવેલા ત્યાંના પ્રખ્યાત કિલ્લા ઉપર ચડીને તળેટીએ દેખાતા એડિનબરો શહેર તેમજ પ્રકૃતિનો નજારો માણ્યાપછી ઉપડ્યા ગ્લાસગો શહેર જ્યાં છીંટનું કાપડ અને તેની પર ડિઝાઇન બનાવવાનું કારખાનું તો જોયું, ઉપરાંત આપણા દેશમા પહેરવામાં આવતા ધોતિયા બનાવવાનું કારખાનું તેમજ એ ધોતિયાની કોર પર ભાત(ડિઝાઈન) કઈ રીતે વણાતી તે બારીકાઈથી નિહાળ્યું. ગ્લાસગો શહેરમાં જાય અને કાચનું કારખાનું જોવાનું કેમ બાકી રાખે? કાચના કારખાનાના ભલા માલિકે તેમને કાચની ભઠ્ઠી અને તેની બાજુમાં ઉકળતા કાચના રસમાંથી એક ભૂંગળી વડે કાચના જુદા જુદા આકાર બનતા તે દેખાડ્યું. કાચ પર ડિઝાઈન બનાવવાની પ્રક્રિયા પણ લેખકે જોઈ.
ઇંગ્લેન્ડના ગામો અને શહેરોની મુલાકાત લીધા બાદ તેમણે સ્કોટલેન્ડના માઈલોના વિસ્તારમાં પથરાયેલા લોમંડ(Lomand) અને ક્વાટ્રાઇન(Katrine) નામના બે મીઠા પાણીનાં સરોવરોમાં આગબોટવિહાર કરતા સરોવરોનું તેમજ આજુબાજુના પહાડોનું સૌંદર્ય માણ્યું. સરોવરને કાંઠે પહોંચ્યા પછી વરસતા વરસાદમાં પહાડો વચ્ચે આવેલા એક જંગલમાં પ્રવેશ્યા. ત્યાંનું સૌંદર્ય જોઈને એટલા પ્રભાવિત થયા કે ઈંગ્લેન્ડના કોઈ પ્રખ્યાત કવિની કાવ્યપંક્તિઓ તેમને યાદ આવી
“ So wondrous wild, the whole might seem
The scenery of a fairy dream”કુદરતનું આ સૌંદર્ય માણ્યા બાદ તેમણે સ્કોટલેન્ડના સ્ટર્લિન્ગ કેશલ નામના પ્રખ્યાત કિલ્લા પર આરોહણ કર્યું. ત્યાં એક મહિલા ગાઈડે કિલ્લામાં જન્મેલા રાજાઓના તથા કિંગ બીજા જેમ્સની કતલ કરીને મૃતદેહને કિલ્લા પરના એક રૂમની બારીમાંથી ફેંકી દેનારા ડેગ્લાસ નામાના અમીરની ઐતિહાસિક ઘટનાનું વર્ણન કર્યું.. કિલ્લા પરથી ખીણ અને તેની આસપાસનું સૌંદર્ય જોયા પછી તેઓ એડિનબરો પરત ફર્યા. છેલ્લે પ્રવાસકથા પુરી કરતા લખે છે,
“સ્કોટલેન્ડમાં ૧૫૦ માઇલની પ્રદક્ષણા કરીને બીજીવાર એડિનબરોમાં હું આવી પહોંચ્યો. ત્યાં એક દાહાડો વિસામો લઈ બીજે દીને સાંજના રેલ્વેમાં બેઠો, ને ત્રીજે દાહાડે દસ વાગતામાં ૪૦૦ માઈલની મજલ કરી લંડનમાં આવી પહોંચ્યો આ પ્રમાણે વિલાયતના ગામોમાં આવવા જવાની મળીને આસરે ૧૦૦૦ માઈલની મુસાફરી કરી. વધારે વખત અને જોગવાઈ હોત તો વધારે ગામોમાં જવાની અને તેમાંનાં બીજા કારખાનાં અને ખેતરો જોવાની વધારે હોંસ હતી. ઈશ્વર કરશે તો એ હોંસ તથા યુરોપનાં બીજા દેશો જોવાની તથા અમેરિકા જવાની હોંસ કોઈ વખત પુરી પડશે.”
આ રીતે નવા પ્રવાસ માટે સંકલ્પબદ્ધ એવા કરસનદાસને પેરીસ, માલ્ટા, કેરો અને એડન થઈને ઇ સ ૧૮૬૩ના સપટેમ્બરની આખરે સ્વદેશ પહોંચાડીને હું લેખમાળાની સમાપ્ત કરતા સુજ્ઞ વાચક મિત્રોને હું જણાવી દઉં કે પુસ્તક પરિચય એ તો એક બહાનું હતું, ખરેખર તો મારે બહુ ઓછા ગુજરાતીઓ જેમને જાણે છે એવા માત્ર ગુજરાતના જ નહિ પરંતુ સમગ્ર દેશના જ્યોતિર્ધર એવા કરસનદાસ મૂળજીનો આછેરો પરિચય આપવો હતો. અહીં લખાયેલા ચારેય પ્રકરણના આરંભે મૂકાયેલા અવતરણો વાંચવાથી કરસનદાસની વિચારસરણી, તેમની હિંમત અને સાહસ અને કાંઇક અંશે તેમના વ્યક્તિત્વનો ખ્યાલ આવી શકે છે. કરસનદાસ જો જર્મનીમાં હોત તો માર્ટિંન લ્યુથરના બરોબરિયા હોત. પણ કમનસીબે વ્યાપક સમાજના ગુજરાતીઓ અને ભારતીયોને તેમનાં નામ સુધ્ધાની જાણ નથી. ભારતમાં ઓગણીસમી સદીમાં પાખંડ અને અંધશ્રદ્ધા જેટલા પ્રમાણમાં હતા તેટલા પ્રમાણમા અને કદાચ સ્વરૂપ ભેદે વધુ પ્રમાણમાં આજે પણ છે. કરસનદાસને તે સમયની રાજસત્તાનો ટેકો હતો, આજે પરિસ્થિતિ વિપરીત છે. મતનું રાજકરણ તો સમાજસુધારકો અને પાખંડનો વિરોધ કરનારાની સામે છે પાખંડ અને અંધશ્રધ્ધાનો વિરોધ કરવો કેટલો દુષ્કર છે તે સમજવા માટે ગોવિંદ પાનસરે કલબુર્ગિ, દાભોલકર અને ગૌરી લંકેશના ઉદાહરણો આપણી સમક્ષ છે જ. આ સમયે લેખકો, છાપાના કોલમીસ્ટો, સોશિયલ મિડિયાના સહારો લઈને લખતા લેખકોની ફરજ બની રહે છે કે કરસનદાસે હિંમતભેર લડેલા મહારાજ લાયબલ કેસની વિગત અને કરસનદાસના સુધારા અંગેના તેમજ અંધશ્રદ્ધા વિરોધના વિચારોનો વ્યાપક સમાજમાં પ્રસાર કરે. માત્ર ઓગણચાલીસ વર્ષના આયખામાં ધર્મસત્તા અને એ વખતની પ્રબળ જ્ઞાતિસંસ્થા સામે હિંમતભેર ઝઝુમનાર એ વીર પુરૂષનાં જીવન અને વિચારોને આજના સંદર્ભમાં મૂકીને વધારે ને વધારે ફેલાવવા એ જ તેમનો સાચો ઋણસ્વીકાર છે.
[1] માસાહાર
(નોંધ::આ લેખમાળા મૂળ શ્રી કરસનદાસ મૂળજીએ ઇ સ ૧૮૬૬માં લખેલા અને ત્યાર બાદ ગુજરાત સાહિત્ય અકાદમીએ ઇ. સ. ૨૦૦૧ માં પ્રગટ કરેલા શ્રી ભોળાભઈ પટેલ અને ર.લ. રાવલ દ્વારા સંપાદિત પુસ્તક ‘ઇંગ્લેન્ડમાં પ્રવાસ’ના આધારે લખાયેલ છે જે હું પ્રથમ પ્રકરણમાં જ જણાવી ગયો છું. ૨૦૦૧માં ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રસિદ્ધ કરેલ આ પુસ્તક કરસનદાસે લખેલા મૂળ પુસ્તકનો શબ્દેશબ્દ જેમનો તેમ રાખીને લખાયેલ છે. બીજી મહત્વની વાત એ છે કે ૧૮૬૬માં આ પુસ્તકની કિંમત રૂપિયા ૧૨ એ સમયે ઘણી જ વધારે ગણાય. સામાન્ય પ્રજાને તો પરવડે જ કઈ રીતે? આથી જ આ પુસ્તકના આગોતરા ગ્રાહકો કરવામાં આવેલા. આવા ૧૫૬ ગ્રાહકો જેમાં તે વખતના મુંબઈના ગવર્નર સર બાર્ટલ ફિચર સહિત અનેક વ્યક્તિઓ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને કેટલાક પુસ્તકાલયોનો સમાવેશ થાય છે. આગોતરા ગ્રાહકોમાં ૬૪ જેટલા તો પારસી મિત્રો હતા જેમાનાં કેટલાકે કરસનદાસ સામે મહારાજ જદુનાથે કરેલા બદનક્ષીના કેસમાં કરસનદાસને સહાય કરી હતી વળી. સૌથી વધુ -૧૦૦-નકલ ખરીદનારા બે વ્યક્તિઓમાંથી એક પારસી જમશેદજી જીજીભાઈ બેરોનેટ અને બીજા શેઠ પ્રેમચંદ રાયચંદ હતા. મુંબઈ અને કચ્છ-કાઠિયાવાડ- ગુજરાત ઉપરાંત પંજાબ અને સિંધ-કરાંચીના તેમજ દરિયાપાર એડનના કેટલાક લોકો પણ આગોતરા ગ્રાહક બનેલા).
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે. -
યે બચ્ચા કિસકા બચ્ચા હૈ
ભગવાન થાવરાણી
હીં આપેલી આ લાંબી ઉર્દૂ નઝમ વિખ્યાત ઉર્દૂ શાયર ઇબ્ને ઇંશા ( ૧૯૨૭ – ૧૯૭૮ ) ની જગપ્રસિદ્ધ રચના છે. સાથે એ રચનાનો એ જ બહરમાં છંદોબદ્ધ અનુવાદ પણ સામેલ છે.
એમણે આ રચના આજથી ૬૦ વર્ષ પહેલાં આફ્રિકન દેશ એરિટ્રિયામાં ભૂખે મરતાં બાળકોને જોઈને લખેલી. રચનામાંથી પસાર થઈએ ત્યારે લાગ્યા વિના રહે નહીં કે વિશ્વના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં આજે પણ બાળકોની આ જ હાલત છે !ये बच्चा किसका बच्चा है____________________1.ये बच्चा कैसा बच्चा हैये बच्चा काला काला साये काला सा मटियाला साये बच्चा भूका भूका साये बच्चा सूखा सूखा साये बच्चा किस का बच्चा हैये बच्चा कैसा बच्चा हैजो रेत पे तन्हा बैठा हैना इस के पेट में रोटी हैना इस के तन पर कपड़ा हैना इस के सर पर टोपी हैना इस के पैर में जूता हैना इस के पास खिलौनों मेंकोई भालू है, कोई घोड़ा हैना इस का जी बहलाने कोकोई लोरी है, कोई झूला हैना इस की जेब में धेला हैना इस के हाथ में पैसा हैना इस के अम्मी अब्बू हैंना इस की आपा ख़ाला हैये सारे जग में तन्हा हैये बच्चा कैसा बच्चा है2ये सहरा कैसा सहरा हैना इस सहरा में बादल हैना इस सहरा में बरखा हैना इस सहरा में बाली हैना इस सहरा में ख़ोशा हैना इस सहरा में सब्ज़ा हैना इस सहरा में साया हैये सहरा भूक का सहरा हैये सहरा मौत का सहरा है3ये बच्चा कैसे बैठा हैये बच्चा कब से बैठा हैये बच्चा क्या कुछ पूछता हैये बच्चा क्या कुछ कहता हैये दुनिया कैसी दुनिया हैये दुनिया किस की दुनिया है4इस दुनिया के कुछ टुकड़ों मेंकहीं फूल खिले कहीं सब्ज़ा हैकहीं बादल घिर घिर आते हैंकहीं चश्मा है कहीं दरिया हैकहीं ऊँचे महल अटारीयाँ हैंकहीं महफ़िल है कहीं मेला हैकहीं कपड़ों के बाज़ार सजेये रेशम है ये दीबा हैकहीं ग़ल्ले के अम्बार लगेसब गेहूँ धान मुहय्या हैकहीं दौलत के संदूक़ भरेहाँ ताँबा सोना रूपा हैतुम जो माँगो सो हाज़िर हैतुम जो चाहो सो मिलता हैइस भूक के दुख की दुनिया मेंये कैसा सुख का सपना हैवो किस धरती के टुकड़े हैंये किस दुनिया का हिस्सा है5हम जिस आदम के बेटे हैंये उस आदम का बेटा हैये आदम एक ही आदम हैये गोरा है या काला हैये धरती एक ही धरती हैये दुनिया एक ही दुनिया हैसब इक दाता के बंदे हैंसब बंदों का इक दाता हैकुछ पूरब पच्छम फ़र्क़ नहींइस धरती पर हक़ सब का है6ये तन्हा बच्चा बे-चाराये बच्चा जो यहाँ बैठा हैइस बच्चे की कहीं भूक मिटे(क्या मुश्किल है हो सकता है)इस बच्चे को कहीं दूध मिले(हाँ दूध यहाँ बहतेरा है)इस बच्चे का कोई तन ढाँके(क्या कपड़ों का यहाँ तोड़ा है)इस बच्चे को कोई गोद में ले(इंसान जो अब तक ज़िंदा है)फिर देखे कैसा बच्चा हैये कितना प्यारा बच्चा है7इस जग में सब कुछ रब का हैजो रब का है वो सब का हैसब अपने हैं कोई ग़ैर नहींहर चीज़ में सब का साझा हैजो बढ़ता है जो उगता हैवो दाना है या मेवा हैजो कपड़ा है जो कम्बल हैजो चाँदी है जो सोना हैवो सारा है इस बच्चे काजो तेरा है जो मेरा हैये बच्चा किस का बच्चा हैये बच्चा सब का बच्चा है!– इब्न ए इंशा
આ બાળક કોનું બાળક છે———————————૧.આ બાળક કેવું બાળક છેઆ બાળક કાળું – કાળું શુંઆ કાળો મેલો ઘેલો શોઆ બાળક ભૂખ્યો તરસ્યો શોઆ બાળક સુક્કી ડાળી શોઆ બાળક કોનું બાળક છેઆ બાળક કેવું બાળક છેજે ધૂળમાં એકલું બેઠું છેના એના પેટમાં ભોજન છેના એના તન પર કપડાં છેના એના માથે ટોપી છેના એના પગમાં જોડા છેના એની પાસ રમકડાંમાંકોઈ રીંછ ન કોઈ ઘોડો છેના એનું મન રીઝવવાનેકોઈ હાલરડું કે ઝૂલો છેના એના ખિસ્સે કાવડિયાના એના હાથમાં રોકડ છેના એના મમ્મી પપ્પા છેના એની બહેન કે માસી છેએ જગ આખામાં અટૂલો છેઆ બાળક કેવું બાળક છે૨.આ રણ કેવું સુક્કું રણ છેના આ રણમાં કોઈ વાદળ છેના આ રણમાં કોઈ વર્ષા છેના આ રણમાં કોઈ ડાળી છેના અહીં કોઈ હરિયાળી છેના આ રણમાં કોઈ લીલપ છેના આ રણમાં કોઈ છાંયો છેઆ રણ જે છે ભૂખ્યું રણ છેઆ રણ જાણે મૃત્યુ – રણ છે૩.આ બાળક કેવું બેઠું છેઆ બાળક ક્યારનું બેઠું છેઆ બાળક શું કંઈ પૂછે છેઆ બાળક શું કંઈ બોલે છેઆ દુનિયા કેવી દુનિયા છેઆ દુનિયા કોની દુનિયા છે૪.આ જગના અમુક હિસ્સાઓમાંછે ફૂલ કશે, કશે લીલપ છેકશે મેઘ બહુ ઘેરાયા છેકશે ઝરણું ક્યાંક સમંદર છેકશે ઉન્નત મહેલ, અટારી છેકશે જલસો છે કશે મેળો છેકશે ભર્યા બજાર છે કપડાંનાઆ રેશમ છે, આ મખમલ છેક્યાંક ધાન્યના ઢગલે ઢગલા છેઘઉં, જુવાર, બાજરી, ચોખા છેક્યાંક ભર્યા પટારા દોલતનાતાંબું છે, સોનું – રૂપું છેજે માગો તે અહીં હાજર છેજે ઈચ્છો તે ઉપલબ્ધ અહીંઆ ભૂખના દુઃખની દુનિયામાંઆ કેવું સુખનું સપનું છેએ કઈ ધરતીના ટુકડા છેઆ કઈ દુનિયાના હિસ્સા છે૫.જે મનુષ્યની ઓલાદ છીએઆ એ જ મનુનો બેટો છેઆ મનુષ્ય એક જ મનુષ્ય છેઆ ગોરો છે કે કાળો છેઆ ધરતી એક જ ધરતી છેઆ દુનિયા એક જ દુનિયા છેસૌ એક દાતારના બંદા છેસૌ બંદાનો એક જ દાતાકોઈ ફરક ન પૂર્વ કે પશ્ચિમમાંઆ ધરતી પર સૌનો હક છે૬.આ એકલું બાળક બિચારુંઆ બાળક જે અહીં બેઠું છેઆ બાળકની જો ભૂખ મટે( એ શક્ય જ છે – ક્યાં મુશ્કેલ છે ! )આ બાળકને જો દૂધ મળે( હા, દૂધની તો અહીં નદીઓ છે ! )કોઈ આ બાળકનું કોઈ તન ઢાંકે( શું કપડાંનો અહીં તોટો છે ! )આ બાળકને કોઈ ખોળે લે( એ માણસ છે ને જીવે છે ! )ને જુઓ પછી આ બાળકનેએ કેવું વહાલું બાળક છે૭.આ જગમાં બધું છે ઈશ્વરનુંજે ઈશ્વરનું તે સહુનું છેસૌ સ્વજન – પરાયું કોઈ નથીહર ચીજમાં સૌનો હિસ્સો છેજે વૃદ્ધિ કરે, જે ઉગે છેએ દાણો હો યા મેવો હોજે કાપડ છે જે કંબલ છેજે ચાંદી છે જે સોનું છેએ બધુંય છે આ બાળકનુંજે તારું છે, જે મારું છેઆ બાળક કોનું બાળક છેઆ બાળક સૌનું બાળક છે !– ઈબ્ન એ ઇન્શા– ઉર્દૂ પરથી મૂળ રચનાના લયમાં ભાવાનુવાદ :
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
‘બાઈ’ : ‘મારી જીવનકથા’ – પિયરને આખરી વિદાય, પણ ગંતવ્ય ક્યાં?
સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે
બાની ચિરવિદાય‘ થી આગળ
દમુનો લગ્નોત્સવ પતી ગયો. મારા બનેવી પોલીસખાતામાં હતા. દેખાવમાં પણ સારા હતા. જાનૈયાઓની સાથે દમુ સાસરે જવા નીકળી અને મહામહેનતે ખાળી રાખેલાં મારાં અશ્રુઓનો બંધ ભાંગી પડયો. હું ઘણું રડી. દમુ સાસરે ગઈ અને બાની દીકરી લીલા હવે એકલી થઈ ગઈ.
જાળિયામાં મારી સ્થિતિ ઘણી કફોડી થઈ ગઈ. ગામની છોકરીઓ સુધ્ધાં હવે મને ખીજવવા લાગી. “મોટી રહી ગઈ અને નાની પરણી ગઈ.’ કામવાળી બાઈએ. પણ મારી વિરુદ્ધ ઘરમાં બધાના કાન ભંભેરવાની શરૂઆત કરી. માણસ ગમે એટલો સારો હોય તો પણ તેની વિરુદ્ધ થતી વાતોની પરાકાષ્ઠા થાય ત્યારે તેના મન પર અસર થયા વગર રહે નહિ. આવો જ પ્રકાર અમારા ઘરમાં થવા લાગ્યો. કામવાળીની સતામણી મારા માટે અસહ્ય થવા લાગી. થયું, ક્યાંક નાસી જઉં. પરંતુ બીજી ક્ષણે વિચાર આવતો, મારા લગ્ન નથી થતા તેથી જ આ બધું મારા પર વીતી રહ્યું છે. આવી સ્થિતિમાં આવું નામોશીભર્યું પગલું ભરવા કરતાં થોડુંઘણું ભણીને પોતાના પગ ૫૨ ઊભા રહેવું સારું. ઘણો વિચાર કર્યા બાદ મેં નક્કી કર્યું કે લગ્ન માટે આવેલાં મારાં નાની હજી જાળિયા હતાં, તો તેમની સાથે વડોદરા જઈશ, અને આગળ શિક્ષણ મેળવીશ.
મેં મારો વિચાર બાબા અને કાકી સમક્ષ રજૂ કર્યો. તેઓ મને પોતાનાથી દૂર મોકલવા તેયાર ન હતાં. અંતે નાનીએ તેમને કહ્યું, “તમે વિચાર કરો, આ ગામડાગામમાં લીલા બીજું કરશે પણ શું?’ ઘણા વિચારને અંતે તેમણે મંજૂરી આપી.
મારી નાની બહેન કમા – બાબાની સૌથી નાની દીકરી મારી સાથે એટલી બધી હળી ગઈ હતી કે અમને એકબીજા વગર ચાલતું ન હતું. તેને છોડીને જવાનું મને જરાય ગમ્યું નહિ, પણ શું કરું? માની શીતળ છત્રછાયા ગયા બાદ મારું મન ઘણું અસ્વસ્થ રહેવા લાગ્યું હતું. દમુનાં લગ્ન થઈ ગયાને એક મહિનો થયો હતો અને હવે મેં તથા નાનીએ સૌની રજા માગી.
નાની સાથે હું એકલી વડોદરા જવાની હતી તેથી બાબા અને કાકીને અત્યંત દુઃખ થયું. તેમણે જેટલા પ્રેમથી મારું પાલનપોષણ કર્યું હતું તેનું ત્કણ આ જન્મે તો શું આવતા ભવે પણ ઉતારી શકીશ નહિ. મારા શરીરની ચામડીનાં જૂતાં બનાવીને મારાં પ્રેમાળ બાબા અને કાકીના પગમાં પહેરાવીશ તો પણ તેમનું પૂરું ઋણ હું ઉતારી શકીશ નહિ. મારા મનમાં અત્યંત દુઃખ ઊપજ્યું, પણ શું કરું? આ નાનકડા ગામમાં રહીને કોઈ હુન્નર શીખવા મળતો હોત તો મારા બાબા અને કાકીને છોડીને બાઈજીમાસીને ત્યાં કદાપિ ગઈ જ ન હોત. પરંતુ જાળિયા સાવ નાનું ગામ હતું, અને ત્યાં અમને સ્ત્રીઓને પડદો પાળવો પડતો હતો, તેથી ત્યાં રહીને મારાથી કશું પણ થઈ શકે તેમ હતું નહિ. અંતે મારાં માતા-પિતા સમાન કાકા અને કાકીને છોડી હું નાની સાથે વડોદરા જવા નીકળી.
ક્રમશઃ
કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com -
ફિલસુફીભર્યાં ગીતો – ૩૨ – चलते हुए जीवन की रफ़्तार में इक लय है
નિરંજન મહેતા
૧૯૭૫ની ફિલ્મ ‘રફતાર’નું ગીત જોઈએ
संसार है इक नदिया दुःख-सुख दो किनारे हैं
न जाने कहाँ जाएं हम बहते धारे हैं
चलते हुए जीवन की रफ़्तार में इक लय हैइक राग में इक सुर में सँसार की हर शय है
इक तार पे गर्दिश में, ये चाँद सितारे हैं
धरती पे अम्बर की आँखों से बरसती है
इक रोज़ यही बूँदें फिर बादल बनती हैं
इस बनने बिगड़ने के दस्तूर में सारे हैंकोई भी किसी के लिए अपना न पराया है
रिस्श्ते के उजाले में हर आदमी साया है
कुदरत के भी देखो तो ये खेल पुराने हैं
है कौन वो दुनिया में न पाप किया जिसने
बिन उलझे काँटो से हैं फूल चुने किसने
बे-दाग नहीं कोई, यहाँ पापी सारे हैंઅભિલાષના શબ્દોને સંગીત આપ્યું છે સોનિક ઓમીએ. કલાકારો છે મદનપુરી અને મૌસમી ચેટરજી.
આપણે જીવનને એક સાગર સમાન માનીએ છીએ (ભવસાગર). પણ અહી કવિ તેને નદી સાથે સરખાવે છે કારણ સાગરને એક કિનારો છે જ્યારે નદીને બે કિનારા છે અને આપણા જીવનમાં પણ સુખ અને દુઃખ જેવા બે વિભાજનો જોવા મળે છે. વળી જેમ નદી વહેતી વહેતી ક્યા જાય છે તે આપણને કિનારે ઊભા રહીને જણાતું નથી તેમ આપણું જીવન પણ એક વહેતી ધારા છે અને તેની ધારા ક્યા જશે તે કોણ કહી શકે છે? કહ્યું છે ને કે કાલ કોણે દીઠી?
વહેતા જીવનમાં પણ એક લય છે. સંસાર ચાલે છે એક રાગ અને એક સુરરૂપી બે પૈડાઓ ઉપર. જેમ આકાશમાં ચંદ્ર અને તારા એક તારથી બંધાયેલા છે.
આકાશમાંથી વાદળ દ્વારા ધરતી પર વરસતું પાણી ફરી તે વાદળના રૂપમાં ફેરવાઈ જાય છે તેમ આપણે પણ બનાવવામાં અને બગાડવામાં વ્યસ્ત રહીએ છીએ કારણ કોઈને આપણું ગણીએ છીએ ન પરાયું.
ભલે સંબંધ હોય પણ હરેક વ્યક્તિની એક કાળી બાજુ હોય છે જે કુદરતની એક જૂની રમત છે. આગળ કવિ કહે છે કે દુનિયામાં કોણ એવું હશે જેણે કોઈ પાપ ન કર્યું હોય. કોણ એવું છે જેણે ફૂલ ચૂંટતી વખતે કાંટા અનુભવ્યા નથી?
બસ એ જ રીતે અહી કોઈ નિર્મળ નથી બધા જ એક યા બીજી રીતે પાપી છે.
આ સંદર્ભમાં લૈલા મજનૂની કથાનો એક પ્રસંગ યાદ આવે છે જેમાં મજનુને મારવા જતાં ગામલોકોને લૈલા કહે છે કે ફક્ત એ જ વ્યક્તિ પત્થરમારે જેણે કોઈ પાપ ન કર્યું હોય. આ સાંભળી દરેકના હાથમાંથી પત્થર નીચે ફેંકાઈ જાય છે કારણ કોઈ એવું નથી જેણે કોઈ પાપ ન કર્યું હોય.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. +91 22 28339258/ 91 9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
મોહમ્મદ રફી – રાગ ગારા પર આધારિત હિંદી ફિલ્મ ગીતો
સુબોધ ચંદ્ર અગ્રવાલ
સંકલિત અનુવાદ: અશોક વૈષ્ણવ
(શ્રી સુબોધ અગ્રવાલ ઈંડિયન રેવન્યુ સર્વિસમાં વિવિધ ઉચ્ચ હોદાઓ પર સેવાઓ આપ્યા બાદ નિવૃત થયા બાદ હવે ચંદીગઢમાં સ્થાયી થયા છે. સંગીત તેમનો શોખ છે અને શાસ્ત્રીય સંગીત વિશે તેઓ સારૂં જ્ઞાન ધરાવે છે. સોંગ્સ ઑવ યોર પર તેઓએ ચૌદ શાસ્ત્રીય રાગ પર આધારિત ફિલ્મી ગીતોની ખુબ માહિતીપ્રદ લેખમાળા, Songs based on classical ragas, પણ કરી છે.)
હિંદી ફિલ્મોનાં રાગ ગારા પર આધારિત મોહમ્મદ રફીનાં ગીતોનો આસ્વાદ કરતાં પહેલાં રાગ વિષે થોડી વાત કરીએ.તેમની સાઈટ સ્વરલતા.બ્લોગસ્પોટ.કોમ પર રાગ ગારાની બારીકીઓ સમજાવતાં દીપક રાજા કહે છે કે:
રાગ ગારા બહુ જાણીતો રાગ નથી. એ રાગ પર આધારિત જુદી જુદી રચનાઓ સાંભળ્યા પછી પણ જલદી ઓળખવો મુશ્કેલ પડતો હોય છે.
આમ થવાનું સીધું કારણ તો એ ક આ રાગનું સ્વતંત્ર અસ્તિત્વ હોવા છતાં પોતાનું આગવું સ્વર બંધારણ નથી. આ રાગમાં બીજા રાગોની જે મેળવણી છે તે પણ બે અલગ અલગ સ્વરૂપોમાં કરાતી હોય છે. સંગીતકારો આ રાગ પ્રસ્તુત કરતી વખતે આ સ્વયંસ્પષ્ટ નામથી પરિચિત એવી બે પૈકી કોઈ એક સ્વરૂપમાં જ રાગને પ્રસ્તુત કરે છે . T
ગારા લોકસંગીતની સુરાવલીઓ પરથી ઉતરી આવેલ રાગ છે. સંગીત ક્ષેત્રે તેનો પ્રવેશ કાફી, પીલુ, જંગુલા, બર્વા અને ઝીલા જેવા અન્ય સાગોનાં કુલની ઠુમરી થાટનાં સ્વરૂપે થયો. (મેન્યુઅલ, પીટર, Thumree in historical and stylistic perspectives, પહેલી આવૃતિ, ૧૯૮૯, મોતીલાલ બનારસીદાસ, દિલ્હી). ૧૮મી સદી પછી શાસ્ત્રીય સંગીતમાં પારંગત સંગીતકારોએ આ રાગોનાં વ્યાકરણને સુગઠિત કર્યું તે પહેલાં આ રાગોનાં બંધારણ મુક્ત, બિનઔપચારિક સુરાવલીઓના સ્વરૂપમાંજ રહયાં હતાં. આજે પણ હજુ આ રાગો શાસ્ત્રીય કે અર્ધાશાસ્ત્રીય સ્વરૂપમાં ખાસ રજુ નથી થતા. તેમની જે કંઈ રજુઆતો પ્રચલ્ત છે તે તેનાં વિભિન્ન સ્વરૂપોમાંજ જોવા મળે છે.
રાગ ગારા સૌથી વધુ જયજવંતીને મળતો કહી શકાય. જોકે કેટલાક લેખકોના મતે (બી સુબ્બારાવ, Raga Nidhi, ચોથી આવૃતિ, ૧૯૯૬, સંગીત અકાદમી, મદ્રાસ) ગારા ખમાજ, પીલુ અને ઝિંઝોટીનું સંમિશ્રણ છે. રાગ ગારા કાફી થાટનો રાગ છે.
રજુઆત દરમ્યાન પ્રયોગો કરવાની બહુ મતાદિત સંભાવનાઓ અને વાંકીચુંકી સ્વરપ્રયોગ શૈળિ આ આગની ખાસિયતો બની રહે છે. આ બન્ને ખાસિયતો આ રાગને જયજયવંતીના ઓછાયામાં ઢંકાઈ જતાં બચાવે પણ છે. જોકે તેની સ્વરપ્રયોગની ગુંથણીને કારણે પૂર્વાંગમાં પીલુ અને દેસી તેમ ઉત્તરાંગમાં આગ્રા ઘરાનાના બર્વા જોડે ગુંચવાઈ શકવાનાં જોખમ ની શકયતાઓ ખુલ્લી કરે છે. જોકે રાગ ગારાની સર્વાંગી ગુચવણ રાગ જયજયવંતિના દેશ તેમજ બાગેશ્રી અંગ સાથે થાય છે.
રાગ ગારા વિશે શાસ્ત્રીય સંગીતના જાણકારોમાં પણ જો આટલી બધી ગુંચવણ પ્રવર્તતી હોય તો આપણા જેવા સામાન્ય શ્રોતાએ ઓછું લાવવાની જરૂર નથી. આ તબક્કે આપણે તો એટલી જ નોંધ લઈએ કે સમજવામાં રાગ ગારા સરળ નથી અને જયજયવંતી, પીલુ કે ઝીઝોટી સાથે તેની ભેળસેળ થવી અસ્વાભાવિક નથી.
ચંદ્રકાંતા.કોમ પર શોધ કરતાં રાગ ગારા પર ગણીને સાત ફિલ્મી ગીતો મળે છે. જે પૈકી પાંચ મોહમ્મદ રફીનાં સોલો ગીતો છે, બે યુગલ ગીતો છે અને એક છે, સામાન્યપણે રાગ ગારાનું નામ પડે એટલે આ રાગ પર આધારિત સૌથી વધારે જાણીતું ગીત, મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે (મુગ઼લ એ આઝમ, ૧૯૬૦ – લતા મંગેશકર અને સાથીઓ – ગીતકાર: શકીલ બદાયુની – સંગીત:: નૌષાદ).
તે ઉપરાંત જોવા મળશે પંડિત દત્તાત્રેય વિષ્ણુ દિગંબર (ડીવી) પલુસકર દ્વારા સૌ પ્રથમ વાર અર્ધશાસ્ત્રીય સ્વરૂપમાં, કહેરવા તાલમાં રજુ થયેલ ભજન, રઘુપતિ રાઘવ રાજારામ.
અન્ય સંગીતકારો પણ પોતપોતાની શેલીમાં આ રચના પ્રસ્તુત કરી છે:
ઉસ્તાદ બિસમિલ્લાહ ખાનની શરણાઈ પરની મંત્રમુગ્ધ કરતી રજુઆત
ઉસ્તાદ વિલાયત ખાનની સિતાર પર રાગ ગારાની રજૂઆત
એમ એસ સુબ્બુલક્ષ્મીએ પણ આ રચનાને તેનાં દૈવી સ્વરૂપમાં રજુ કરી છે.
મહેંદી હસને પણ રાગ ગારા પર મીર તકી મીરની રચના પત્તા પત્તા બુતા બુતા હાલ હમારા જાને હૈ રજુ કરી છે.
વિવિધ સ્વરૂપોમાં રજુ થયેલ આ રચનાઓથી રાગ ગારાનો પ્રાથમિક પરિચય કર્યા બાદ મોહમ્મદ રફીના સ્વરમાં થયેલા પ્રયોગોના મૂળ વિષય પર આવીએ.
મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલ પાંચ સોલો અને બે યુગલ ગીતો સાભળતાં ધ્યાન પર આવશે કે આ ગીતોમાં મુળ પાત્ર તેનાં મિત્ર, પ્રેમી કે ખુદની પાસે પોતાનાં દિલની લાગણીઓને આત્મનિરીક્ષણના મનોભાવમાં રજુ કરે છે. એક જ ભાવનાં ગીતને રફી પોતાની આગવી ગાયન શૈલીના અનોખા અંદાજમાં રજુ કરવામાં તો મોહમ્મદ રફી કેટલા બેમિસાલ હતા તેનો પણ સહજ અંદાજ આ ગીતોને સાંભળતાં આવી રહે છે.
તો ચાલો શરૂ કરીએ મોહમ્મદ રફીના સ્વરમાં રાગ ગારાની હૃદયનાં ઊંડાણના તાગ લેતી આ સંમોહક યાત્રા …..
કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા બાત નીકલી તો હરેક બાત પે રોના આયા – હમ દોનો (૧૯૬૧) – ગીતકારઃ સાહિર લુધિયાનવી – સંગીતઃ જયદેવ – તાલઃ દાદરા
દીવાના કહ કે આજ મુજ઼ે ફિર પુકારીએ – મુલ્ઝિમ (૧૯૬૩) – ગીતકારઃ શકીલ બદાયુની – સંગીતઃ રવિ – તાલઃ દાદરા
તેરે મેરે સપને અબ એક રંગ હૈ જહાં ભી જાએં હમ સંગ સંગ હૈ – ગાઈડ (૧૯૬૫) – ગીતકારઃ શૈલેન્દ્ર – સંગીતઃ એસ ડી બર્મન – તાલઃ દાદરા
ઐસે તો ન દેખો કે હમકો નશા હો જાએ – તીન દેવીયાં (૧૯૬૫) – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીત એસ ડી બર્મન – તાલઃ દાદરા
ઉનકે ખયાલ આયે તો આ કે ચલે ગયે – લાલ પત્થર (૧૯૭૧) – ગીતકારઃ હસરત જયપુરી – સંગીતઃ શંકર જયકિશન – તાલઃ કહેરવા
હમસફર સાથ અપના છોડ ચલે રિશ્તે નાતે વો સારે તોડ ચલે – આખરી દાવ (૧૯૫૮) – આશા ભોસલે સાથે – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીતઃ મદન મોહન – તાલઃ દાદરા
જીવનમેં પિયા તોરા સાથ રહે હાથોમેં તેરે મેરા હાથ રહે – ગુજ ઊઠી શહનાઈ (૧૯૫૯) – ગીતકારઃ ભરત વ્યાસ – સંગીતઃ વસંત દેસાઈ – તાલઃ કહેરવા
સોંગ્સ ઑવ યોર પર શ્રી સુબોધ ચંદ્ર અગ્રવાલના લેખ, Classical Songs of Mohammad Rafi, With Some Thoughts on Gar,a નો આંશિક અનુવાદ
શ્રી સુબોધ ચંદ્ર અગ્રવાલનો સંપર્ક subowal@gmail.com વિજાણુ સરનામે કરી શકાય છે.
-
ફિલ્મી ગઝલો – ૯૧. નીલકંઠ તિવારી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
ગીતકાર નીલકંઠ તિવારી ગીત લેખક ઉપરાંત અભિનેતા, ગાયક, લેખક અને વિવેચક પણ હતા. ૪૦ અને ૫૦ ના દાયકામાં વિશેષ સક્રિય રહેલા નીલકંઠ તિવારીની એક ઓળખાણ એ કે ગાયક કિશોર કુમારે યોડેલિંગનો પ્રથમ પ્રયોગ એમણે લખેલા ફિલ્મ ‘ અધિકાર ‘ (૧૯૫૪ ) ના ગીત ‘ તિકડમબાઝી મિયાં રાઝી ‘ દ્વારા કરેલો. ( સંગીત અવિનાશ વ્યાસ ). એમણે લખેલાં ‘ ચુપકે ચુપકે જબ સે હુઆ પ્યાર ‘ ( માયા મછિન્દ્ર ૧૯૫૧ ) અને ‘ દિલ કો લગેલા મુહોબત કા ચસકા ‘ ( પુલિસ ૧૯૫૮ ) પણ ખાસ્સા લોકપ્રિય થયેલા. એમણે જે સંગીતકારો સાથે કામ કર્યું એમાં પ્રેમ નાથ ( અભિનેતા નહીં ! ), હેમંત કુમાર, અશોક ઘોષ અને શાંતિ કુમારના નામ ગણાવી શકાય. લાલાજી, અમાનત, વીર કુણાલ, કમલા, ખાનદાની, જલસા, કિનારા, દિલરૂબા, રામ જન્મ, રામ બાણ, ઇન્દ્રાસન, ભાગ્યવાન, રામાયણ, પોલીસ અને હમીર હઠ જેવી ફિલ્મોમાં એમણે સોથી વધુ ગીત લખ્યાં.
તેઓ ૧૯૭૬ માં અવસાન પામ્યા.
એમની લખેલી એકમાત્ર ગઝલ આ રહી :
વાદા વફા કા કર કે કિસીને ભુલા દિયા
દિલ ના મિલાયા ખાક મેં દિલ કો મિલા દિયાકશ્તી મેરી ડુબો કે કિનારે પે જા લગે
બરબાદ કરને કે લિયે હી આસરા દિયાદિલ કી લગી હુઈ ન કભી આગ કમ હુઈ
રો રો કે મૈંને આંખ સે દરિયા બહા દિયાબાદે સબા તૂ જા કે ઝરા ઉનસે ઇતના પૂછ
મેરી મુહોબતો કા મુજે યે સિલા દિયા..– ફિલ્મ : કમલા ૧૯૪૬
– અમીરબાઈ કર્ણાટકી
– જ્ઞાન દત્ત
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
ગાંડો બાવળ કાઢીએ – ઉપયોગી વૃક્ષો વાવીએ
કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
મૂળે તો આપણે એને વસવાટ કરાવ્યો હતો ખારી જમીનની સુધારણા માટે. ખારી જમીનમાંથી ખારાશ ઓછી કરવાના ઘણા પ્રયોગો માંહ્યલો ગાંડા બાવળના વાવેતરનો પ્ણ એક પ્રયોગ જ હતો. જ્યાં બીજા પાકો કે વૂક્ષો [ખારાશ સહન ન થવાથી ] નથી થઈ શકતા તે ખારી જમીનમાં ગાંડા બાવળ ઊછરી શકે છે. ધીરે ધીરે કરતાં ખૂબ સારી રીતે વકરી પણ શકે છે. પાંચ સાત વર્ષ ઉભો રહેવા દઈ તેને કાઢી નાખવામાં આવે તો તે જમીનમાં ખારાશનું પ્રમાણ ઘટી ગયેલું હોય છે. અને તેમાં ખેતીના બીજા કેટલાક ખાસ પ્રકારના પાકો અને વૃક્ષો ઉછરવા લાગી જાય છે. એટલે ખારી જમીનમાં બીજા પાકોનો પ્રવેશ કરાવવા, આગળ આગળ લાઇન ક્લીયર કરાવવા આમંત્રણ આપેલું.

અને એવું જ બીજું કારણ કચ્છના રણને આગળ વધતું અટકાવવા – રક્ષણ કરવાનું કામ ગાંડા બાવળને વાવીને શરૂ કરેલું. પણ પછી તો એ બાવળની વૃદ્ધિ અને વિકાસે આપણી આંખો આંજી દીધી. તેને આપણે મહેમાન મટાડી ગ્રીનકાર્ડ જ ધરી દીધું ! તેમાં એનો ક્યાં દોષ જ છે ?
બધાં દર્દમાં એક જ દવા ! : શેઢે પાળે બહુ ઝડપથી વાડ કરવા ક્યુ વૃક્ષ પસંદ કરવું ? તો કહે કરો ગાંડો બાવળ ! ઊછેરી દ્યો એને શેઢે. સડકના કાંઠે.! બિયાં વાવો ફોરેસ્ટની નર્સરીમાં અને કરો રોપડા તૈયાર ! વરસાદ થયા ભેળા રોપી દ્યો સુવાળા વૃક્ષોનાં ખામણાની ફરતી ધારે આ ગાંડા બાવળના રોપડા ! વાડી માહ્યલા ફળઝાડોને પવન બહુ લાગે છે ? તો પવનની ગતિ મારી નાખે અને જલ્દી જલ્દી તૈયાર થાય તેવું વૃક્ષ ક્યુ ? તો કહે ગાંડો બાવળ ! લગાડી દ્યો વાડ્યે અને બનાવી દ્યો વિંડબ્રેક ! અને માળો ગાંડો બાવળ પણ એવો જ ગાંડિયો ! વધવામાંયે એવો જબરો કે ન પૂછો વાત ! બે ત્રણ વરસમાં તો એનો અડાબીડ વિકાસ. નાની એવી દાતણ જેવી સોટીને જો થડિયેથી કાપી ? તો જોઇ લ્યો એની મજા ! એને ખીજવ્યો એટલે વાત ગઈ, ઇંટનો જવાબ પથ્થરથી ! બમણા ને ત્રમણા જોરથી એકની જગ્યાએ નીકળે ત્રણ-ચાર પીલા ! રાજાના કુંવરની જેમ જોત જોતામાં પહોંચી જાય ક્યાંયના ક્યાંય ! અને એનો કાંટો પણ કેવો ખબર છે ને ? તીરખી સાથે દેશી બાવળની જેમ “વેલ્ડિંગ” થી લગાડેલ નહીં, પણ “મોલ્ડિંગ” કરી તીરખીની ભેળો જ બનાવેલો તારની ચૂંક જ જોઇ લ્યો ! તૂટવા-બૂટવાનું નામ લે એ બીજા ! જે ખારી જમીન પચાવી જાણે, તે મીઠી જમીનમાં શું કામ મોળો રહે? જમીનમાંથી પાણી પીવા ન મળે તો કંઇ વાંધો નહીં, હવામાંથીજ ભેજ પી લેતા આવડે બોલો !
ખેતર વાડીના શેઢે, સડકોની બાઉંડ્રી પર, તલાવડીની પાળે, ગામના ગોંદરે, વાડીની વાડ્યે, ગોચરની રાંગે, જ્યાં જગ્યા ભાળી ત્યાં આપણે મહેનત લઈને લગાડ્યા એને. પછી તો તેની પરડા-શીંગો ખાધી બધાં ગોચરમાં ભમતાં પશુઓએ. કઠ્ઠણ બિયાંને હોજરીની ગરમીમાં રાખી જલ્દી ઊગે એવું નરમ બનાવી દીધું. અરે ! વધારાની સગવડો તો એવી થઈ કે બધાં જ બિયાં પેટમાંથી બહાર નીકળ્યાં ફરતું છાણ-લીંડીનું આવરણ કરીને-ખાતરનું જ કવર પહેરીને ! ભેજ મળ્યા ભેળું માંડે ઊગવા ને વિકસવા. આડે વગડે આપમેળે જ વિસ્તરણ કામ આરંભાયું. એને તો ભાવતું હતું ને વૈદે કીધું ! “ખારી” ને બદલે “મીઠી” મળવા માંડી ! ખાડા-ટેકરા કે ઊંચાણ-નીચાણનો એને ક્યાં વાંધો હતો જ ! એને મન તો સબભૂમિ ગોપાલકી. સમય જતાં આજે હવે કોઇ જગ્યા બાકી નથી કે જ્યાં ગાંડો બાવળ હાજર ન હોય ! અરે, જો ધ્યાન ન રહે તો વાવેતરવાળી વાડીમાંયે કબજો જમાવી દે એવી છે એની દાદાગીરી !
જો કે તે છે ત્રેવડવાળો, તેમાં ના તો ન જ કહી શકાયને ? બીજાં વૃક્ષોની સરખામણીમાં જે કંઇ જમીન,પાણી, હવામાન મળે છે, તેમાંથી બધું પચાવી લઈ, બીજાથી સવાયો-દોઢો પોતાના દેહનો વિકાસ કરી જાણે છે. એટલે જ “બળિયાના બે ભાગ” કહેવત જેમ આજુબાજુમાંથી લોંટાઝોંટી કરી લે છે, એટલે બાજુવાળા દૂબળા રહે તે પણ સ્વાભાવિક જ છે ને ! ગાંડો બાવળ પણ છે તો વનસ્પતિનો જ જીવ, પણ બીજી વનસ્પતિઓ કરતા ચડિયાતી એક કળા એવી એ જાણે છે કે બીજા ન મેળવી રહે તે પહેલાં એ ઝડપથી મેળવી જાય છે. એટલે બીજાથી ઊંચેરો દેખાઇ શકે છે.
જંગલમાં ફરતાં પશુ-પ્રાણીઓને તેનાં હરિયાળાં પાંદડાં તથા સ્વાદિષ્ટ શીંગોથી કાયમ નીરણ-ખાણમાં ટેકો પૂર્યો છે. જમીનને સૂકા પાંદડાંનાં પાલાનું ખાતર સમર્પિત કરી, વૃક્ષ તરીકેના પર્યાવરણીય લાભો જેવાકે પાણી જમીનમાં પચાવવું અને જમીન ધોવાણ અટકાવવા જેવા તો મળે જ છે. ઉપરાંત માણસ માટે કોલસા અને લાકડા-ઇંધણરૂપે ખૂબ પૂરાં પાડ્યાં છે.
તો હવે શું ? : પણ આજે હવે આપણા ખ્યાલમાં આવ્યું છે કે જો પાછા નહીં વળીએ, કંઇક ફેર નહીં વિચારીએ તો આ ગાંડા બાવળ એટલી માઝા મૂકતા જાય છે કે બીજાં વૃક્ષોને દબાવી દબાવી ક્યારે નેવકા નષ્ટ કરી દેશે એની આપણનેય ખબર નહીં રહે ! અને જ્યાં બીજા પાકોની અને વૃક્ષોની ખેતી સારી રીતે થાય છે ત્યાં પણ તે કબજો જમાવી લેનારા એ માતેલ સાંઢને મનફાવે તેમ બધે જ રખડવાનું બંધ કરવા નાથવો પડશે અને જ્યાં બીજા વૃક્ષો કે ખેતીપાકો નથી થતાં ત્યાં ખારી, નબળી અને આછી-પાતળી ભોંયમાં પાછો ધકેલવો પડશે.
સરકારશ્રીના ધ્યાન પર મોડી મોડી પણ આ વાત આવી છે, અને અત્યાર સુધી તેના રોપા ઉછેરી ફોરેસ્ટ ખાતા દ્વારા એના વાવેતર કરવાના બજેટ બનતાં હતાં ત્યાં હવે તેને જડમૂળથી ઉખેડવાના પૈસા મંજૂર કરવામાં આવે છે. જો ગાંડા બાવળ કાઢવા જ હોય તો તેને સ્થાને કોઇ બીજા વૃક્ષોને આમંત્રણ દેવું જોઇશે ને ? કાર્યક્રમ ક્યાંક ધરતીને વૃક્ષ વિહોણી કરવાનો ન થઈ જાય તે પણ ધ્યાનમાં રાખવું જોઇશેને ? ગાંડો બાવળ જે સારી અને મીઠી જમીનમાં પગ પેસારો કરી ગયો છે ત્યાંથી ઓછો કરીએ, કોઇ કોઇ જગ્યાએથી નેવકો પણ કાઢીએ, પણ ડાહ્યા વૃક્ષો ઉછેરવાનું ન ભૂલીએ-તે પણ સાથોસાથ વિચારવું જોઇશે મિત્રો !
ડાહ્યા વૃક્ષો કોને કહેવા ? વગડે વાવવાનાં કેવા વૃક્ષો પસંદ કરવાં ?
બળતણ, ઘરવપરાશી લાકડકૂકડ, ચારો અને કંઇક અંશે ફળો કે પછી ઔષધીય ઉપયોગ આપી જાણે અને છતાં બધી જાતની વિષમ પરિસ્થિતિમાં ઊછરી જાણે એવાં વૃક્ષોનો આપણી પાસે તોટો નથી. એવી ત્રેવડવાળાં વૃક્ષો આપણા પર્યાવરણમાં આ રહ્યાં.
લીમડો : સારી, નરસી, ઉબડખાબડ, સાવ નબળી કે ગોરમટિયાળ જમીનમાં પણ લીમડો થઈ જાણે. તે સૌરાષ્ટ્રના પર્યાવરણમાં બડકંદાજ વૃક્ષ સાબિત થયું છે. તેનાં ફૂલ, છાલ, ગુંદર અને પાનનો માનવ આરોગ્યમાં મહત્વનો ઉપયોગ હોવા ઉપરાંત ફળ અને પાંદડાંનો ખેતીપાકોને જીવાતોથી રક્ષણ બક્ષવામાં બહુનામી ઉપયોગ સિદ્ધ થયો છે. લીમડાનાં લીલાં પાન દુષ્કાળમાં તો ઉત્તમ પણ કાયમ ખાતે એકાદી નીરણની ટેવ ઢોરને પાડી હોય તો પ્રેમથી ખાય છે. વાતાવરણ ચોખ્ખું રાખવું કે એવા બીજા ઘણા બધા હેતુ પોતે વૃક્ષ હોઇ, વૃક્ષ તરીકેના બધા લાભો આપી જાણે છે. કોઇપણ જગ્યાએ લીમડાનું વાવેતર આશિર્વાદરૂપ સાબિત થશે.
સુબાબુલ : “સુબાબુલ” જેવું સોહામણું નામ નહોતું મળ્યું ત્યારે સૌ આ વૃક્ષને ‘પરદેશી આવળ’ કહેતા. બહુજ ચીડવું અને નકટું વૃક્ષ છે આ. એક વખત થોડા છોડ ઊછરી ગયા, એટલે નાની ઉંમરમાં જ ઢગલાબંધ બીજ પેદા કરી ગમેતેવી વિકટ પરિસ્થિતિમાં પણ તેનો ફેલાવો કર્યે છૂટકો કરે ! વાડી-વગડામાં જો એક વૃક્ષ દાખલ થઈ ગયું, તો કોઇની દેન નથી કે તેને આગળની વસ્તી વધારતાં રોકી શકે. તેનાં પાન માલઢોર ખૂબ ખાય. જો વ્યવસ્થિત વાવેતર કરી વાઢ્યા કરીએ તો રજકાની ઝડપે વધે. રજકાથી પણ સ્વાદે સારું. પાંદડાં તો ખાય, પણ મોટા ઝાડને ઢગલાબંધ આવતી શીંગો તો ખૂબ જ ખાય. લાકડું સીધું થતું હોવાથી ખેડૂતોના ખેતી વપરાશ કામના હાથા, સાંતીના સાંબડા, છાપરા-માળણની વળી-ગેપટા, વાવાઝોડામાં પડી ગયેલ જાડું થડિયું હોય, એને બેંસે જઈ વેરાવો તો હળદરવાના રંગે ડેલાનાં પાટિયાં-વેણીધોકા પોલિશદાર બને ! દ્વિદળ વર્ગનું હોવાથી મૂળમાં હવામાંથી નાઇટ્રોજન ચૂસનારા બેક્ટેરિયાનો વાસ. પોતે જ પોતાને જરૂરી ખાતર હવામાંથી મેળવી લે તેવી સ્વયંભૂ તાકાતવાળું વૃક્ષ છે. રોડકાંઠે ઉત્તમ રીતે નીચાહામાં થઈ શકે તેવું ઝાડ છે આ.
બોરડી : સાવ ચણી બોરડી કરતાં ગોળ પારાબોર કે ઉમરાન જેવા કલમી બોર આપમેળે ઊગી નીકળેલી દેશી બોરડીના થડ ઉપર લગાડી દેવાથી ક્રાંતિકારી પરિણામ મળે છે. ઝાળું આખું શોષાઇને ઝાડ બની જાય છે. બોર મળે, બળતણ મળે અને પાંદડાં સીધાં ઊંટ-બકરાં-હરણાં તો ખાય પણ ખેરેવી ખેરવીને માલઢોરને ખવરાવવામાં આવે તો તેને પણ ચારો મળે તે વધારામાં. ગમે ત્યાં, ગમે તે ધરતીમાં વગર પાણીએ જ થાય. બહુ ઉપયોગી અને વિસ્તારનું જ ગણાય તેવું પોતીકું ઝાડ છે.
ગ્લીરીસિડિયા : આ પણ સુબાબુલથી થોડા મોટા કદનાં પાન ધરાવતું ઝાડ છે, અને આના પાંદ પણ ઢોર હોંશે હોંશે ખાય છે. પાન લે લે કરીએ તો નાનું રહે છે, નહીં તો છાંયો અને લાકડું આપે તેવું મોટું મસ ઝાડ થઈ જાય છે. મધ્યમ જમીનમાં સહેલાઈથી થઈ શકે તેવું ખડતલ હોવાથી થોડા નીચાહા-વહેણકાના કાંઠે-ખાળિયામાં લગાડવા જેવું ઝાડ છે. કઠોળવર્ગના પાકોની જેમ તેનાં પાંદડાંનો લીલો પડવાશ પણ થઈ શકશે.
ખીજડા-હરમા ; લાકડું બહુ મજબૂત નહીં પણ વધે બહુ ઝડપથી. વળી ગમે ત્યાં થાય. બાજુની મોલાતો કે ઝાડને નડતરરૂપ થવાનો એનો સ્વભાવ જ નહીં. આપમેળે જ ઊગી નીકળે, એની જો રોપણી કરી હોય તોતો ઓર મજા આવી જાય ! પાંદ ચારામાં હાલે, શીંગો – “સાંગરા” ઢોર-બકરાં તો ખાય પણ માણસોયે ખાય. છાંયો સરસ, પાણીની જરૂર જ નહીં. કુદરત સાથે પૂરા તાલમેળવાળું વૃક્ષ.
ખાટી-મીઠી આમલી : ખાટી આમલી કાંટા વિનાનું અને ઘણા વરસો સુધી જીવતું, પણ પ્રમાણમાં મધ્યમ પ્રકારની જમીનમાં થતું ઝાડ છે. તેના ફળ-કાતરા તો ઉત્તમ કમાણી કરી આપે છે. વધવામાં ધીમી પણ એકવાર ઊછરી ગઈ એટલે પછી જિંદગીભરનું સાટું ! છાંયો અને લાકડું ખૂબ સારાં આપે. લગાડ્યા જેવું ઝાડ છે. મીઠી આમલી [ગોરસ આમલી] પણ શેઢા, વાડ અને પાળા વગેરે પર થતું ઝાડ છે.ફળ પંખીઓ અને માણસો બધાંને ભાવે છે. કાંટા ભલે રહ્યા છતાં પાન,કૂણી ડાળીઓ પશુઓ ખૂબ ખાય છે
કેરડા : વાડમાં ઉપયોગી એવું ક્ષુપ ટાઇપનું અને કાયમ લીલું રહેતું રૂપાળું ઝાળું છે. પંખીઓ તો ખાય, ઘેટાં-બકરાંયે ખાય અને માણસો પણ અથાણાં કરી હોંશે હોંશે ખાય તેવા‘કેરડાં’-ફળ આપે.આડે વગડે, વિના પાણીએ, નહીં માવજતે જ્યાં-ત્યાં થતું ઝાડ છે
રતનજ્યોત : નેપાળાના નામથી ઓળખાતા ક્ષુપની સુધારેલી જાત એટલે રતનજ્યોત. સાવ નબળી અને ઉબડખાબડ તો શું પણ વાડીની વાડ્યમાંયે ઊછરવાનો એને વાંધો નથી. બિલકુલ ઓછા પાણીથી થાય. ન બકરું ખાય કે ન રોઝ રંજાડે ! વળી ફળો લાગે તે રાષ્ટ્રીય ઇંધણ એવા ડીઝલની અવેજી પૂરે તેવું તેલ પૂતું પાડે. સરકારશ્રીએ પણ સડકની બન્ને બાજુથી ગાંડા બાવળને વળાવી રતનજ્યોતને આવકારવાના કાર્યક્રમો આદરવા જોઇએ.
ઉપરાંત ગુંદા, કરમદાં, ખાખરો, ઇંગોરિયો, વિકળો, આંકડો, ફૂલે-રૂપાળા ગરમાળો, બુલમહોર, સોનમહોર, શીરીષ જેવા જંગલનાં ઝાડ જો એકવાર ધરતીને વળગી ગયાં તો બેડો પાર ! આવાં વૃક્ષોને યાદ કરીને ગાંડા બાવળની જગ્યાનો ચાર્જ સોંપીએ અને ધરતીને વૃક્ષ આચ્છાદિત હરિયાળી રાખવાના પ્રયત્નો કરીએ.
હવે તો સૌરાષ્ટ્રમાં પાણી રોકવાનાં જે જે કામો થયાં છે, ત્યાં બધે જ ચેકડેમ-તલાવડી અને આડબંધોની પાળીની બાજુમાં આવાં ચુનંદા, ખડતલ વૃક્ષો જતનથી ઊગાડવાનું અભિયાન ઉપાડીએ તો સોનામાં સુગંધ ભળે તેવું આપને નથી લાગતું ?
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
-
શું કચરો એક સમસ્યા છે ?
નલિની નાવરેકર
આપણે હંમેશ એવું જ વિચારીએ છીએ કે કચરો એટલે ફેંકવાની વસ્તુ ! પરંતુ ફેંકીએ પણ ક્યાં ? ઘરનો કચરો ઘરની બહાર, શહેરનો કચરો શહેરની બહાર, રાજ્ય અને દેશનો; રાજ્ય અને દેશની બહાર ! આ વિનોદ કે અતિશયોક્તિ નથી, હકીકત છે. આવું કરવામાં આવે છે. આવું કરવાની પરિસ્થિતિ ઊભી થઈ જાય છે.
આજે દુનિયા એકસરખી થઈ ગઈ છે. આખા વિશ્ર્વની જીવન-પદ્ધતિ એકસરખી થઈ જવાથી આ જીવનશૈલીને પરિણામે કચરાનો પ્રશ્ર્ન દુનિયાભરમાં ઊભો થઈ જવા પામ્યો છે. કચરો નદી કે દરિયામાં નાંખવામાં આવે તો જળપ્રદૂષણ, જમીન પર કે ખાડામાં નાંખવામાં આવે તો જમીનનું પ્રદૂષણ અને ગંદકી પણ ફેલાય છે. બાળવામાં આવે તો હવાનું પ્રદૂષણ થાય છે – કચરો ફેંકીએ પણ ક્યાં ?
કચરાથી હિંસા : મોટાં શહેરોમાં દરરોજ ત્રણ હજાર ટનથી ઉપર કચરો પેદા થાય છે. આટલા બધા કચરાને ઉપાડવો અને તેનો નિકાલ કરવો એ એક બહુ મોટું કામ છે. ઘણાં રાજ્યોમાં કચરો ઉપાડવા માટે કોન્ટ્રેક્ટ આપવામાં આવે છે. આ કોન્ટ્રાક્ટરો વ્યવસ્થાના અભાવે તથા પૈસા બચાવવા ખાલી જગ્યા જોઈને પૂછ્યા વિના જ જ્યાં ત્યાં કચરો નાંખી દે છે. તેના પરથી કેટલેક ઠેકાણે ઝઘડા, મારામારી પણ થઈ જાય છે. ઘણી જગ્યાએ કચરાના પ્રશ્ર્ન માટે આંદોલન પણ થયાં છે.
કેટલાંક શહેરોમાં નિશ્ર્ચિત જગ્યાઓએ કચરાના ડેપો (સંગ્રહસ્થાન) હોય છે. તેમાંના કેટલાક આદર્શ સ્થિતિમાં છે. પરંતુ સામાન્ય રીતે આ કચરાડેપોમાં બધા પ્રકારનો કચરો નાંખી દેવાય છે. આવા પચાસ-સો એકરમાં ફેલાયેલા કચરા ડેપોમાંથી કેટલીક ઉપયોગી વસ્તુઓ વીણવા ઘણી બહેનો અને બાળકો આખો દિવસ એ કચરામાં કામ કરતાં જોવા મળે છે. કચરામાંથી નીકળતી ગરમ વરાળ, ગંદી વાસ વગેરેને કારણે ‘આ પ્રકારનું કામ’ કરવું એ જ માંદગીઓને આમંત્રણ આપવા સમાન છે. આવી પરિસ્થિતિઓમાં અકસ્માત તેમજ દુર્ઘટના પણ થતાં હોય છે. કચરો લઈ જવા માટે આવતા વાહનમાં કામ કરનારા કારીગરોની પણ આ જ હાલત હોય છે.
એક શહેરમાં બનેલી આ ઘટના છે. એક નાની છોકરી પોતાની ફોઈ સાથે કશુંક વીણી રહી હતી. કચરાનો ખૂબ મોટો ઢગલો હતો – નાની ટેકરી જેવો. પરંતુ આગલી ક્ષણે એ ઢગલો ધસી ગયો અને એ બંને (ફોઈ અને દીકરી) અદૃશ્ય થઈ ગયાં. ઢગલાની નીચે દબાઈને તેમના રામ રમી ગયા.
વડોદરા શહેરમાં કોઈક માંદગીના સંદર્ભમાં ધાત્રી માતાઓનાં દૂધનું પરીક્ષણ કરવામાં આવ્યું. તો તેમાંથી પોલીક્લોરીનેટેડ ડાયબેંઝો-પી-ડાયોક્સીન ડાયબેંઝોફ્યુરાન અને બાયોફીનોલ્સ – આ જોખમી સંયોજનોના પ્રમાણ ખૂબ વધારે માત્રામાં મળી આવ્યાં. ‘પર્યાવરણ સુરક્ષા સમિતિ’એ વધુ ઊંડાણથી અભ્યાસ કર્યો કે બાળકોના પેટમાં ઝેરનો કેટલો અંશ પહોંચતો હશે ? એક કિલો અનાજમાં ચાર પાયકોગ્રામ ઝેરી પદાર્થનો અંશ એ માન્ય માત્રા મનાય છે. ભારતમાં માતાઓના દૂધમાં આ પ્રમાણ સો પાયકોગ્રામ જેટલું મળી આવ્યું છે. આ જ્યારે બાળકોના પેટમાં જાય છે ત્યારે તેમના મજ્જાતંત્ર પર માઠી અસર પડે છે. આ અભ્યાસ કચરાના ઢગલા (ડેપો)ની પાસે રહેનારી બહેનોમાં કરવામાં આવ્યો હતો.
આ બધું જે કંઈ થઈ રહ્યું છે તે શેને કારણે થાય છે ? આપણે જ તો એના માટે જવાબદાર છીએ. આવી દુર્ઘટના અથવા સીધી કે આડકતરી જે હિંસા છે તેનું કારણ આપણે સમજ્યા-વિચાર્યા વિના મોટા પ્રમાણમાં જે કચરો ઘરની બહાર નાંખી દઈએ છીએ તે છે.
અસંગ્રહ એ જ ઉપાય :
કચરાની સમસ્યા હલ કરવા માટે અથવા તો દૂર કરવા માટે ત્રણ કે ચાર ‘આર’ની વિચારધારા સામે આવી છે: રીફ્યુઝ, રીડ્યુસ, રિયુઝ અને રિસાઈકલ.
રીફ્યુઝ : જેના વિના ચાલી શકે તેમ છે, જેની જરૂર નથી, જે કચરામાં વધારો કરે છે તેવી વસ્તુઓનો નકાર કરો. કચરો આપોઆપ ઓછો થશે.રીડ્યુસ : ઓછી વસ્તુઓનો ઉપયોગ, ઓછી વસ્તુઓની ખરીદી કરો જેથી કચરો પણ ઓછો થશે.
રીયુઝ : જૂની વસ્તુઓનો પુનરુપયોગ કરો. કચરો હજુ ઓછો થશે.
રીસાઈકલ : પુન:ચક્રીકરણ કરીએ – જૂની વસ્તુઓનું રૂપાંતર કરીને જ શક્ય તેટલી વાપરીએ. તો કચરો નામની વસ્તુ બચશે જ નહીં.
મીનીમલીઝમ એક વિશેષ વિચારધારા છે. જેની શરૂઆત યુરોપમાં થઈ. આ વિચારધારા પ્રમાણે લોકો સાદાઈપૂર્ણ જીવનશૈલી અપનાવે છે. પોતાની જરૂરિયાતો ઓછી કરવા તરફ આગળ વધે છે.
આપણે ત્યાં તો અપરિગ્રહવ્રત પહેલેથી જ છે. પ્રાચીનકાળથી આપણા સાધુસંત, સાધક અહિંસા, સત્ય, અસંગ્રહ વગેરે વ્રતોનું પાલન કરતા આવ્યા છે. ગાંધી-વિનોબાની વિશેષતા એ છે કે તેમણે કહ્યું કે આ બધાં વ્રતો સમાજસેવકો માટે પણ એટલાં જ જરૂરી છે. આમ જોવા જઈએ તો મનુષ્યમાત્રએ આ વ્રતોનું પાલન થોડે સુધી તો કરવું જ રહ્યું.
અપરિગ્રહનો અર્થ છે, ઓછામાં ઓછી જરૂરિયાતોમાં જીવન ચલાવવું. આ વ્રત આધ્યાત્મિક સાધનાનું અંગ તો છે જ સાથેસાથે સામજિક જીવનમાં પણ સુખશાંતિ આપનારું છે. અને કચરાની સમસ્યા ઉકેલવા કે ઓછી કરવામાં પણ ઉપયોગી છે.
કચરામાંથી કંચન :
સફાઈ કરી રહેલ એક સાધકને વિનોબાજીએ એક વાર કહેલું, ‘આ કચરાનો ઢગલો નથી, આમાં તો ખાતર થવાની શક્તિ સમાયેલી છે. કેટલી સાચી વાત છે. કચરો ગંદો નથી હોતો, આપણે તેને ખોટી જગ્યાએ નાંખીને ગંદકી ફેલાવીએ છીએ. કચરો તો ઉપયોગી વસ્તુ છે. તેનું યોગ્ય વ્યવસ્થાપન કરવું જોઈએ.
કચરાનું વ્યવસ્થાપન :
કચરાના મુખ્ય ત્રણ પ્રકાર છે. એક વિઘટનશીલ કચરો અને બીજો અવિઘટનશીલ કચરો અને ત્રીજો જોખમી કચરો. આ કચરાઓના અન્ય ઉપપ્રકારો પણ છે. કચરાનું વ્યવસ્થાપન કરવું હોય તો પ્રથમ તો પ્રકાર પ્રમાણે કચરો છૂટો પાડવો પડશે. ઓછામાં ઓછો ત્રણ પ્રકારનો કચરો ત્રણ ડબ્બાઓમાં નાંખવો પડશે. આમ કરવાથી આ કચરાનો ઉપયોગ સહેલો બનશે.
- વિઘટનશીલ કચરો એટલે કે જે ઓગળી શકે છે જેમ કે ઘાસ, નીંદામણ, ઝાડનાં પાન, ધૂળ, રાખ વગેરે. આ બધા વિઘટનકારી કચરાનું સારું ખાતર બને છે. એને માટેની સૌથી સારી રીત છે, છોડની નીચે, ઝાડની નીચે, ખેતરમાં આ કચરો નાંખવો. જમીનને ઢાંકતા રહેવું, આચ્છાદન કરવું. ગરમી, ઠંડી, વરસાદની ઋતુમાં તે જમીનનું રક્ષણ કરે છે. પછી ધીરે ધીરે કચરો સડી જઈને તેનું ખાતર બની જાય છે. જ્યાં આ શક્ય ન હોય ત્યાં જુદી પદ્ધતિથી પણ ખાતર બનાવી શકાય છે. કંપોસ્ટ, નેડેપ કંપોસ્ટ, વર્મીકંપોસ્ટ વગેરે. આમાં પણ ઘણા પ્રકાર હોય છે.
- અવિઘટનશીલ કચરામાં કાગળ, કપડાં, ધાતુ, કાચ તેમજ પ્લાસ્ટિક, થર્મોકોલ વગેરેનો સમાવેશ થાય છે. આવા કચરાનો સારો પુનરુપયોગ થઈ શકે છે. કેટલાકનો કારખાનામાં તો કેટલાક નો ઘર-ઘરાઉ સ્તર પર પણ. જૂનાં કપડાં-કાગળ વગેરેનો ઘર કે ગામના સ્તરે ઉપયોગ થઈ શકે તેમ હોય છે. પ્લાસ્ટિક અને થર્મોકોલના પુનરુપયોગમાં ઘણી મર્યાદાઓ તેમજ મુશ્કેલીઓ રહેલી છે.
કાપડ તેમજ કાગળનો પુનરુપયોગ :
જૂનાં કપડાંના ઉપયોગ વિશે આમ તો સહુ જાણે જ છે. ગોદડીથી માંડીને પગલૂછણિયાં તેમજ થેલીથી લઈને રમકડાં સુધી ઘણી ચીજ વસ્તુઓ તેમાંથી બની શકે છે. જૂના કાગળના વળી વિશેષ ઉપયોગો છે. કાગળની લુગદી બનાવીને તેમાંથી ટોપલીઓ તેમજ પારંપરિક નૃત્ય માટેનાં કેટલાંક સાધનો, ઘર વપરાશનાં સાધનો બનાવી શકાય છે. અગાઉ ગામોમાં આ પ્રકારે થતું હતું. આજે તો વળી ઘણી ઉપયોગી વસ્તુઓ બનાવવાના પ્રયોગો થઈ ચૂક્યા છે. ટોપલીઓ, ટ્રે, ડબ્બા, ટીપૉય, બેસવા માટેનાં સ્ટૂલ, રમકડાં, સુશોભનની વસ્તુઓ વગેરે કાગળના માવામાંથી બનાવાય છે.
કાગળના ઉપયોગથી ત્રણ લાભ થાય છે. એક તો પુનર્ચક્રીકરણથી કાગળના કચરાનો નિકાલ થાય છે. બીજું, એક મર્યાદા સુધી પ્લાસ્ટિકનો વિકલ્પ આપી શકાય છે. અને ત્રીજું લાકડાની વસ્તુઓનો પણ એક મર્યાદા સુધી વિકલ્પ તેમાંથી મળે છે.
- જોખમી કચરો : આ છે ઈ-વેસ્ટ, રાસાયણિક કચરો, ટ્યૂબલાઈટ, બેટરીઓ, દવાખાનાનો કચરો (મેડિકલ વેસ્ટ) વગેરે. અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીનો એક અભ્યાસ જણાવે છે કે ‘શહેરના કચરામાંથી કુલ એક સો પ્રકારનાં ઝેરી સંયોજનો નીકળે છે, જે મનુષ્ય શરીરમાં સહેલાઈથી પ્રવેશ કરીને સંગ્રહાયેલાં રહે છે.
આપણે શું કરીશું ?
કચરાનું વ્યવસ્થાપન વિકેન્દ્રિત જ હોવું જોઈએ. જ્યાં કચરો પેદા થાય છે ત્યાં જ તેનો ઉપયોગ થવો જરૂરી છે. સરકારનું પણ કહેવું છે કે પોતાના કચરાની જવાબદારી જનતા પોતે જ ઉઠાવે. કરવાનું આપણે છે. તો આપણે શું વિચારીએ છીએ ?
આપણા ઘરના કચરાનું વ્યવસ્થાપન આપણે પોતે જ કરવું જોઈએ. કચરાના પુનરુપયોગ અને પુનર્ચક્રીકરણની તાલીમ યુવાનો, મહિલા વગેરે લેશે તો તેમને માટે તે આવકનું એક સાધન પણ બની શકશે. આપણું કામ આપણા ઘરમાંથી નીકળેલા કચરાને તેમના સુધી પહોંચાડવાનું રહેશે.
– નલિની નાવરેકર (મો.: ૭૫૮૮૩૧૬૧૩૭)
સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧ ઑગસ્ટ, ૨૦૨૪
-
માસ – ૨૦૨૧ – વ્યથાની વહેંચણીની વિલક્ષણ કથા
ભગવાન થાવરાણી
વર્ષ ૨૦૨૪ માં સો ઉપરાંત ફિલ્મો જોઈ. એમાં અંગ્રેજી અને હિંદી ઉપરાંત બંગાળી, ઉડિયા, મલયાલમ, સંથાલી, ગ્રીક, સ્પેનીશ, ફિનિશ, પોલિશ વગેરે ભાષાઓની કેટલીક ઉત્કૃષ્ટ ફિલ્મોનો સમાવેશ થાય છે. મુબી, નેટફ્લીક્સ, પ્રાઈમ, ઈંટરનેટ આર્કાઈવ જેવા પ્લેટફોર્મનો આભાર કે આવી મહાન ફિલ્મો હવે ઘેર બેઠાં હાથવગી છે. એ ફિલ્મોમાં શ્રેષ્ઠ તો અલબત્ત જર્મન સર્જક વિમ વેંડર્સની જાપાનીઝ ભાષાની ફિલ્મ ‘ પરફેક્ટ ડેઝ ‘ ( ૨૦૨૩ ) જ. એ વિષે અગાઉ લખી ચૂક્યો છું ‘ ફૂલછાબ ‘ ની કટાર ‘ સંવાદિતા ‘ માં.
આજે વાત કરવી છે એ જ કક્ષાની ૨૦૨૧ ની અમેરીકન ફિલ્મ ‘ MASS ‘ માસ ની. ફિલ્મના સર્જક છે ફ્રાન ક્રાંઝ.

લગભગ બે કલાકની ફિલ્મનાં કેંદ્રમાં ચાર ચરિત્ર કલાકારો છે. બે મૃત કિશોરોના મા બાપ. ચારેય પ્રૌઢ વયે પહોંચી ચૂક્યા છે. જે અને ગેઈલ પેરી ( જેસન આઈઝેક્સ અને માર્થા પ્લીમ્પટન ) હાઈસ્કૂલમાં ભણતા ઈવાનના માબાપ છે. ચાલુ સ્કૂલે થયેલા નૃશંસ સામૂહિક હત્યાકાંડમાં એ માર્યો ગયો છે, અન્ય નવ બાળકો સહિત. રિચાર્ડ અને લિંડા ( રીડ બર્ની અને એન ડાઉડ) અન્ય કિશોર હેડનના માબાપ છે. એણે ચોરેલી બંદૂક વડે ઈવાન સહિતના દસ કિશોર – કિશોરીઓની હત્યા કરી છે. પછી તુરત એ જ ગન વડે પોતાને ગોળી મારી આપઘાત કરેલ છે.
અદાલતી ખટલો ચાલી ચૂક્યો છે. મૃતક હેડન કસૂરવાર સાબિત થઈ ચૂક્યો છે. એના માબાપ રિચાર્ડ અને લિંડા એની પરવરીશમાં બેદરકાર પણ સાબિત થઈ ચૂક્યા છે. એમની સમાજ અને દુનિયામાં પુષ્કળ વગોવણી પણ થઈ ચૂકી છે. એમની પીડાની પરાકાષ્ઠા એ કે એમના દીકરા હેડનના અંતિમ સંસ્કાર માટે કોઈ કબ્રસ્તાન તૈયાર નહોતું અને એના આત્માની શાંતિ માટે ‘ માસ ‘ યોજવા કોઈ ચર્ચ પણ નહીં ! મૃતક બાળકોમાંના કોઈ માબાપે રિચાર્ડ – લિંડા સામે દાવો માંડવાનું પણ માંડી વાળ્યું છે. વહાલસોયું બાળક ગયું પછી ફરીથી એ જ યાતનામાંથી શાને પસાર થવું ! એ ઘટનાને છ વર્ષ વીતી ચૂક્યા છે.
આ બન્ને યુગલો એકમેકના સમજવા અને એ દ્વારા થોડીઘણી સાંત્વના મળતી હોય તો પામવા એક વાર મળી ચૂક્યા છે પણ એ મુલાકાત ભારોભાર કડવાશમાં પરિણમેલી. હથિયાર ધરાવવાના કાયદા વિષે બન્ને પુરુષોના વિચારો વિપરીત હતા એટલે.

બન્ને યુગલ એક ચર્ચની મધ્યસ્થીથી ફરી મળવાનું નક્કી કરે છે. કડવાશ, વૈમનસ્ય અને તિરસ્કારમાંથી બહાર નીકળી જો બાકીનું જીવન એમાંથી મુક્ત થઈ જીવી શકાતું હોય તો એક વધુ પ્રયાસ કરવા માટે. એક સામાન્ય માણસ તરીકે આવી મુલાકાત આપણને વિચિત્ર અને કદાચ અર્થહીન લાગે. હવે આનો શો અર્થ ! બન્ને દંપતિનું હજુ એક એક સંતાન છે જ. એ દરમિયાન રિચાર્ડ અને લિંડા તો અલગ પણ થઈ ચૂક્યાં છે.
બન્ને દંપતિ મળે છે. એમણે નક્કી કર્યું છે કે પોતપોતાના સંતાનોની સ્મૃતિના જે સ્થૂળ અવશેષો છે એ એકબીજાને દેખાડવા લઈ જવા અને કોઈએ કોઈની ઊલટતપાસ ન કરવી. ચર્ચના વ્યવસ્થાપકો બન્ને દંપતિને એક કમરામાં ટેબલની સામસામે બેસાડી જતા રહે છે અને શરૂ થાય છે ખરી ફિલ્મ !
વાત ક્યાંથી શરૂ કરવી એની સમજ એમને પડતી નથી. અલબત્ત ગઈ મિટીંગમાં જે થયું એનો પશ્ચાતાપ બન્ને દંપતિને છે. લિંડા એમનો દીકરો જે બરણીમાં ગોકળગાય એકઠી કરતો એ દેખાડવા લાવી છે અને વાત વણસવાની શરૂઆત થાય છે. ( ‘ અચ્છા, તો હિંસા એનામાં પહેલેથી હતી એમ ને ! ‘ ). વાત આગળ વધતાં ઈવાનની મા ગેઈલ કબૂલે છે કે હું દિલથી ઇચ્છતી હતી તમે બન્ને પણ એ પીડા ભોગવો જે ઈવાનના માબાપ તરીકે અમે ભોગવી. એ મનોમન સમસમે છે. એને એવું લાગી રહ્યું છે કે પોતે આ મુલાકાત માટે તૈયાર થઈ એ ભૂલ હતી. એનો પતિ, જે એની પરિસ્થિતિ સમજે છે, એને સ્વસ્થ થવા મદદ કરે છે. થોડીક સ્વસ્થ થઈ એ કહે છે કે હું તમારા દીકરાની પ્રકૃતિ વિષે શક્ય હોય તેટલું જાણવા માગું છું કારણ કે એણે મારા પુત્રને મારી નાંખ્યો છે !
હેડનના માતા પિતા એના ઉછેરમાં પોતાનાથી થઈ ગયેલી બેદરકારીનો લૂલો બચાવ કરે છે. ‘ અમારો દીકરો શરમાળ હતો, અતડો પણ. એ કોમ્પ્યુટર પર ગેમ્સ રમ્યે રાખતો, પણ એ રમતો હિંસક નહોતી. એ કંઈ હલકટ નહોતો. ‘ ‘ એનામાં બદલાવ આવે એટલા માટે અમે શહેર બદલાવ્યું, સ્કૂલ બદલાવી. ‘ વાતચીતમાં ખબર પડે છે કે હેડન એના માતાપિતાનું અવાંછિત સંતાન હતો. એનામાં હતાશા હતી. આપઘાતકારી વૃતિ પણ. એના માતાપિતા એના મોટાભાઈ તરફ વધુ લક્ષ્ય આપતા એ ફરિયાદ પણ. એને માનસશાસ્ત્રી પાસે પણ લઈ જવો પડેલો. હત્યાકાંડ પહેલાં પાઈપ બોંબ બનાવી જાહેરમાં વિસ્ફોટ કરવા બદલ એની ધરપકડ પણ થયેલી. ‘ આ કાંડ પછી જે સંતાપ, ધિક્કાર અને બહિષ્કારમાંથી અમે પસાર થયા અને થઈ રહ્યા છીએ એનાથી ક્યારેક અમને એવું લાગતું કે આનાથી તો મરી જવું બહેતર ! કબૂલ કે અમે એક ખૂનીને ઉછેર્યો હતો પણ અમે એવાં ખરાબ માબાપ નહોતા.
જે અને ગેઈલ હરીફરીને એ વાત પર આવે છે કે એના માનસિક સ્વાસ્થ્ય માટે તમે બન્નેએ માબાપ તરીકે જે કર્યું તે પર્યાપ્ત નહોતું અને સમયસર પણ નહીં.
હત્યાકાંડ બન્યા પછી માલૂમ પડે છે કે એ જે કંઈ કરવા જઈ રહ્યો હતો એ વિષેની સિલસિલાબંધ વિગતો હેડને એના બેડરૂમમાં એક નોટબુકમાં લખી રાખેલી. તહકીકાત દરમિયાન એ પણ બહાર આવે છે કે એ અમુક સાથી વિદ્યાર્થીઓને મારી નાંખવાની વાત અવારનવાર કરતો.
હૈયાવરાળ કાઢતી વખતે ઈવાનના પિતા, એમનો દીકરો કઈ રીતે મર્યો, કઈ રીતે પહેલીવારના ગોળીબારમાં અધમૂઆ થયેલા એમના દીકરાને થોડીક મિનિટો પછી પાછા ફરીને હેડને પૂરેપૂરો મારી નાંખ્યો એ સમગ્ર હૃદયવિદારક કહાણી સિલસિલાબંધ વર્ણવે છે. લિંડા જવાબમાં કહે છે કે અમારો દીકરો માનસિક રીતે રુગ્ણ હતો. એની નજરમાં કોઈ ખાસ વ્યક્તિ નહોતી. એણે તો દુનિયાને ઈજા પહોંચાડવી હતી અને એ એણે પહોંચાડી. એને કોઈ ભોગ બનનાર ગણતું નથી ! દુનિયાએ દસ લોકોનો શોક કર્યો, અમે અગિયારનો ! અને એ અમે સમજી શકીએ છીએ. અમે કદાચ પૃથ્વી પરના સૌથી એકલા મનુષ્યો છીએ. અમને હજી પણ ધિક્કારના પત્રો મળે છે. ‘ શક્ય છે, હેડન વિનાનું વિશ્વ બહેતર વિશ્વ હોત પરંતુ એની મા તરીકે હું એવું ન કહું. મારા દીકરાની જિંદગીની કોઈ કીમત એટલા માટે નથી કે એણે આવું દુષ્કૃત્ય કર્યું. મને એ સ્વીકાર્ય નથી. ‘
જે અને ગેઈલ એ બન્નેની વાત સ્વીકારે છે. બન્ને દંપતિ એક બિંદુએ પહોંચ્યા પછી લિંડા ભાવુક બની ઈવાનના બાળપણ વિષે પૂછે છે. ગેઈલ ખુલ્લા દિલે એ વાતો કરે છે. ‘ મને એના વગર બહુ એકલું લાગે છે. ‘
અને ઉમેરે છે ‘ અમે અહીં આવ્યાં ત્યારે એવું ઈચ્છતા હતા કે તમને સજા મળવી જોઇએ. હવે થાય છે કે એ બરાબર નથી. પહેલાં લાગતું કે તમને માફ કરી દઈએ તો અમારા દીકરાને ગુમાવી બેસીશું. મનના કોઈક ખૂણે તો એ માફી ક્યારની અપાઈ ચુકી હતી. હું તમને માફ કરું છું. હું હેડનને પણ માફ કરું છું કારણ કે મારું હૃદય હવે જાણે છે કે એ રસ્તો ભૂલ્યો હતો. અગત્યની વાત એ કે અમે આ રીતે ભાર વેંઢારતા જીવી ન શકીએ. જે નિર્મિત થઈ ચૂક્યું છે એ ભૂતકાળથી અલગ ભૂતકાળ શાને માગવો ! એ આપણા જીવનનું ચાલક બળ બની ન શકે . એવું કરીએ તો ઈવાનને ભવિષ્યમાં ક્યારેય કલ્પી ન શકીએ. હું જાણું છું, હું એને ફરી મળીશ, જો હું માફ કરી શકું તો, જો પ્રેમ કરી શકું તો ! અમારે શાંતિ પાછી જોઈએ છે. હું આપણા ચારેય માટે એવું ઈચ્છું છું. દિલથી. ‘ ગેઈલ રડી પડે છે. ચારેયનું મૌન પવિત્ર અને નિર્મળ છે. માથાં નમાવી બધા એકમેકની વિદાય માગે છે.
જતા રહેલાં લિંડા – રિચાર્ડ થોડીક વારે અચાનક પાછાં ફરે છે. લિંડાએ પોતાના દીકરા વિષે એક વાત કહેવાની રહી ગઈ હતી. ‘ એ સોળનો હતો. બહુ વ્યથિત રહેતો. એકવાર ઘરમાં અમે મા – દીકરા એકલાં હતાં. એ જમ્યો નહોતો. ચુપચાપ કોમ્પ્યુટર પર બેઠો હતો. મેં એને ઠપકો આપ્યો- તારે ખુશ રહેવું જોઈએ – એ કહે, મારે ખુશ રહેવું નથી. અમે એકબીજા સામે બરાડ્યા. એ હિંસક રીતે મને મારવા ધસ્યો. હું ભાગીને મારા રૂમમાં પૂરાઈ ગઈ. ‘
‘ હવે મને લાગે છે કે મેં એને મારવા દીધો હોત તો સારું થાત. મને ખબર તો પડત કે એ શું છે ! ‘ ગેઈલ લિંડાને ભેટી પડે છે.
મિટીંગ થઈ એ ચર્ચમાં ક્યાંક પ્રાર્થના – ગીત શરુ થાય છે. બન્ને માબાપને એવું લાગે છે કે એ પ્રાર્થના એમના દીકરા- ના, બન્નેના દીકરાઓ – નહીં, જગતભરના માબાપના મૃત સંતાનોના આત્માઓની શાંતિ માટેની પ્રાર્થના છે.
ફિલ્મના અમેરિકન સર્જક ફ્રાન ક્રાંઝ મૂલત: અભિનેતા છે. ૧૯૯૮ થી શરુ થયેલ એમની ફિલ્મ અને ટેલિવિઝન કારકિર્દી દરમિયાન એમણે અનેક યાદગાર ભૂમિકાઓ સફળતાપૂર્વક ભજવી છે. તેઓ નાટકો, વેબ સિરીઝ અને અનેક મ્યુઝિક વિડીયોના કલાકાર પણ છે. ‘ માસ ‘ એમની પહેલી અને નિર્દેશક તરીકેની અત્યાર સુધીની એકમાત્ર ફિલ્મ છે.
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
કાનૂની પ્રતિબંધ અને ફારસમાં શો ફરક? ફારસ ગંભીર હોય છે.
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
કાયદો કેટલો અસરકારક? કાયદા માટે એક જૂની ઊક્તિ છે કે તે ગધેડો છે. એનો એક અર્થ એ પણ ખરો કે કાયદા પર પુષ્કળ ભારણ હોય છે. આ ઊક્તિને યથાર્થ ઠેરવે એવા બનાવ વિશ્વભરમાં બનતા રહે છે. ડિસેમ્બર, ૨૦૨૩માં ઉત્તરાખંડ રાજ્યમાં ચાલીસેક શ્રમિકો બોગદામાં ફસાયા અને દિવસો સુધી ફસાયેલા રહ્યા એ કરુણ બનાવ સૌને યાદ હશે. અલબત્ત, સુખાંત પુરવાર થયેલી આ ઘટનામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી ડઝનેક લોકોએ, જે ‘રેટ માઈનર’ તરીકે ઓળખાય છે. ઊંદર જેમ દર કોતરે એ રીતે પોતાના હાથ વડે કાટમાળને કોતરતા કોતરતા આ રેટ માઈનરની ટીમ આખરે ફસાયેલા શ્રમિકો સુધી પહોંચી અને તેમને ઊગારી લીધા. આમાં વક્રતા એ છે કે આપણા દેશમાં ‘રેટ માઈનિંગ’ને કાનૂની રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યું છે, જ્યારે ફસાયેલા શ્રમિકોને ઊગારવા માટે ખુદ સરકારે જ આ પ્રતિબંધિત પદ્ધતિનો આશરો લેવો પડ્યો.
આનો અર્થ એમ પણ ખરો કે જે પદ્ધતિ પ્રતિબંધિત કરાયેલી છે તે હકીકતમાં ચલણમાં છે. જાન્યુઆરી, ૨૦૨૫માં આસામના દીમા હસાઓ જિલ્લામાં આવેલી એક કોલસાની ખાણમાં પાણી ભરાવાથી નવેક શ્રમિકો ફસાયા. એ પૈકી ચારનાં શબ કાઢવામાં આવ્યાં છે, જ્યારે બાકીના પાંચનો પત્તો નથી. પ્રતિબંધિત કરાયેલી પદ્ધતિ હજી ચલણમાં હોય તો એ માટે કોને દોષિત ગણવા? આ દુર્ઘટનાએ ઠીકઠીક વમળો સર્જ્યાં છે. આ મામલે ‘સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ’ દ્વારા અદાલતી તપાસ કરાવવાની ઘોષણા કરવામાં આવી છે. રાબેતા મુજબ સરકાર મૃતકોના પરિવારને ચોક્કસ રકમનું વળતર આપશે. બીજી તરફ આવી ૨૨૦ ખાણોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
‘રેટ હોલ માઈન’ એટલે કે ખાણ સામાન્ય રીતે અતિ સાંકડી હોય છે, જેમાં એક જ વ્યક્તિ પ્રવેશીને કામ કરી શકે. ખાસ કશી સુરક્ષાના પગલાં કે ઉપકરણો વિના શ્રમિકો તેમાં કામ કરે છે. આ પ્રકારની ખાણમાં કામ કરનાર માટે જાનનું જોખમ સતત ઝળૂંબતું રહે છે. ખાણની દિવાલો ધસી પડવાના, તેમાં પાણી ધસી આવવાથી પૂર આવવાના કે ઝેરી વાયુ સૂંઘવાથી મૃત્યુની દુર્ઘટનાઓ બનતી રહેતી હોય છે. આ બધું જોખમ કોલસો મેળવવા માટે ઉઠાવવામાં આવે છે.
૨૦૧૪થી ‘નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ’ દ્વારા આ પ્રકારના ખનનકામને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે, છતાં અનેક સ્થળે તે ચાલુ છે. ૨૦૧૮માં મેઘાલયની એક ખાણમાં પંદરેક શ્રમિકો આ રીતે ફસાઈને મરણ પામ્યા હતા. આવી જોખમી ખાણમાં જનારા શ્રમિકોને આકર્ષક વળતર આપવામાં આવતું હોય છે. ‘નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ’ દ્વારા પ્રતિબંધિત કરાયા પછી પણ ઈશાન ભારતનાં રાજ્યો આ પ્રતિબંધના અમલ માટે ખાસ ઉત્સુક નથી. મેઘાલયની સરકારે તો ૨૦૧૫માં ઠરાવ પસાર કરીને કેન્દ્રને વિનંતી કરી હતી કે બંધારણના છઠ્ઠા અધિચ્છેદ હેઠળ પોતાના રાજ્યને આ પ્રતિબંધથી મુક્ત રાખવામાં આવે. રેટ હોલ માઈનિંગ ચાલુ રહે છે, એમાં દુર્ઘટનાઓ થતી રહે છે અને પૂર્વનિર્ધારીત મેચની જેમ રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર એકબીજા પર દોષનો ટોપલો ઢોળતા રહે છે. આસામ અને મેઘાલયમાં, ખાસ કરીને જયંતિયા પર્વતમાં આ ગેરકાનૂની પ્રવૃત્તિ વ્યાપક છે. એનાથી કેવળ જાનહાનિ જ થાય છે એમ નથી, એ ઉપરાંત જૈવવિવિધતા, જળાશયો અને કૃષિની જમીનને પણ નુકસાન થાય છે.
સવાલ એ છે કે આ પ્રકારનું ખનનકાર્ય પ્રતિબંધિત છે તો એ ચાલુ કેમ રહ્યું છે? એ ચાલુ રહ્યું છે એની કોઈને જાણ નથી? કે જાણ છે, પણ પ્રતિબંધની પરવા નથી? આ કાર્યમાં ખાણમાલિકોની સાથોસાથ સંબંધિત અધિકારીઓ, રાજકારણીઓ સૌ સંકળાયેલા હોય તો જ એ શક્ય બને.
અદાલત પણ આમ જ માને છે. વખતોવખત, એટલે કે કોઈ દુર્ઘટના થાય ત્યારે તે સંબંધિત રાજ્યની સરકારને આ સવાલ પૂછે પણ છે, છતાં તેનો કોઈ સંતોષકારક જવાબ કે ઊકેલ મળતો નથી.
એ બાબત પણ જોવા જેવી છે કે શ્રમિકો પોતાના જાનને પણ જોખમમાં મૂકતાં અચકાતા નથી. ગમે એટલું વળતર કોઈના જીવનના મૂલ્યને આંકી ન શકે. આ હકીકત વળતર ચૂકવનાર પણ જાણે છે, અને વળતર ચૂકવાય છે એ પણ!
કાયદો ગમે એ બાબતે બનાવવામાં આવે, જ્યાં સુધી તેના અમલીકરણની ચુસ્તતા ન ઊભી થાય ત્યાં સુધી તે અસરવિહીન બની રહે છે, અને મોટા ભાગના કિસ્સાઓમાં તે ભ્રષ્ટાચારની નવી બારી ખોલી આપનાર બની રહે છે. અદાલતની ભૂમિકા દંડો પછાડીને વારેવારે પોતાની ધાક જમાવવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા વડીલ જેવી બની રહે છે, જેનું કામ પોતાના અસ્તિત્વનો પરચો આપવા પૂરતું જ મર્યાદિત બની રહે છે. અદાલતની ટીપ્પણીને રાજકારણીઓથી લઈને સંકળાયેલા સહુ કોઈ ઘોળીને પી જાય છે.
આ પરિસ્થિતિ શું સૂચવે છે એ એક નાગરિક તરીકે વિચાર માગી લેતી બાબત છે. કાયદો ઘડવાનો કશો અર્થ સરે છે ખરો, જો તેના અમલમાં શિથિલતા નક્કી અને ઈરાદાપૂર્વકની હોય? રાજકારણીઓ, અધિકારીઓ અને વગદાર ખાણમાલિકો કાયદાની સાડા બારી ન રાખતા હોય તો પછી એક સામાન્ય નાગરિકને કાયદાનો અમલ કરાવનારા ન્યાયતંત્ર પર કેટલો ભરોસો રહે અને શું કામ રહે?
આસામની દુર્ઘટના પહેલી નથી, એમ છેલ્લી પણ નહીં હોય. મૃતકોને વળતર ચૂકવાઈ જાય એ પછી પણ વિશેષ સમિતિ આ તપાસમાં શું શોધશે? કોને કસૂરવાર ઠેરવશે? અને સૌથી મહત્ત્વની બાબત એ કે વિશેષ સમિતિના અહેવાલનું પાલન કરવું જ પડે એવું ક્યાં લખ્યું છે? અભરાઈની શોધ આખરે શેના માટે થઈ છે?
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૩-૨– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
