વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • જીવો જલસેસે “જનરેશન ગેપ”માં

    સોરઠની સોડમ

    ડો. દિનેશ વૈષ્ણવ

    જેમ તબીબી વિજ્ઞાન આગળ વધે છ અને માણસ પોતે પણ પોતાની કાળજી વિશેષ રાખતો થ્યો છ એમ માણસનું આવરદા વધે છ; દા.ત. અગાઉનાં વરસોથી વધારે ૨૦૨૪માં ભારતમાં સ્ત્રીનું સરેરાસ આવરદા ૭૩.૮૬ વરસ, પુરુષનું ૭૦.૭૩ વરસ અને યુ.એસ.માં અનુક્રમે ૮૧.૯૮ વરસ અને ૭૭.૦૫ વરસ ડબ્લ્યુ.એચ.ઓ. નોંધે છે. વધુમાં, યુ.એસ.માં લાંબા સમયથી વસતી ભારતીય સ્ત્રીનું સરેરાસ આયુ ૮૦.૨ વરસ ને પુરુષનું ૭૪.૮ વરસ સી.ડી.સી. નોંધે છે. અલબત્ત આવરદા વધે એટલે “ક્વોલિટી ઓફ લાઈફ” વધે કે પે’લાં જેવી પણ રે’ ઈ જરૂરી નથી પણ બહુધા “જનરેશન ગેપ” તો વધે છે. બીજું, હાલમાં સાત જનરેશન્સને એના જનમના વરસો અનુસાર નામ દેવાણાં છે જેમા મારા જેવા બીજા વિશ્વયુદ્ધ બાદ જન્મેલા “બેબી બુમર” ને છેલ્લા દસ વરસમાં જન્મેલા “આલ્ફા” જનરેશન તરીકે ઓળખાય છે. આમ અમારો નાતો “એક્ક્ષ,” “મેલેનિયલ,” “ઝી,” અને “આલ્ફા” જનરેશન્સ હારે ને મનોવૈજ્ઞાનિકોના કે’વા મુજબ “બેબી બુમર્સ”ને “જનરેશન ગેપ” સૌથી ઓછો નડે છે. તો સૌ પ્રથમ મારી નજરે “જનરેશન ગેપ” શું છે યાંથી આજની વાત માંડી ને પછી આ બાબતે બે નિજી ઉદાહરણો દઈશ.

    મારી ઉંમરનાને ખબર છે કે આજથી દસેક દાયકા પે’લાંનાં માબાપ ભાગ્યેજ દાદાદાદી કે નાનાનાની બનીને ત્રીજી પેઢી જોઈ સકતાં ત્યારે આજ ચોથી પેઢી જોવી ઈ સામાન્ય છે. પરિણામે ગત અને ચાલુ સદીમાં ભલે આજીવન નહીં તો પણ ત્રણચાર પેઢીનો સંયુક્ત વસવાટ એક છાપરા તળે મેં જોયો છે ને આ પરિસ્થિતિમાં બે પેઢી વચ્ચેની પેઢીને “સેન્ડવિચ જનરેશન” પણ ઘણા કે’છ. મારા પાડોસી અમેરિકનોમાં પણ વસવાટ નહીં તો પણ ચાર પેઢીનું વખતોવખત હળવુંમળવું, હારે મુસાફરી કરવી, વેકેસનો લેવાં, વ. પણ હું જોવું છું. હવે જયારે બે પેઢી હારે વસે ત્યારે ગૌણ વિચારોમાં તફાવતો હોવા ઈ સામાન્ય છે, પછી ઈ ૫૦મી વેડિંગ એનેવર્સરી ઉજવેલ દંપતી હોય ને કિશોર વયનાં એનાં પૌત્ર કે પૌત્રી હોય કે ત્રીસેક વટાવેલ માંબાપ ને મૂછનો દોરો ફૂટેલ એનો દીકરો હોય. પણ જયારે બે પેઢી વચ્ચે પ્રધાન વિચારોમાં અંતર, તફાવત કે ગાળો હોય એને જ હું “જનરેશન ગેપ” ગણું છ અને જયારે આ વિચાર તફાવતો ઉંડા અને વિસ્તૃત હોય છે અને એને ધ્યાન નથી દેવાતું ત્યારે ઉભયપક્ષે જીવનમાં ઝેર ઘોળાય છે.

    મારું ઈ પણ નિરીક્ષણ છે કે બે પેઢી વચ્ચે પ્રમુખ વિચારોમાં ગાળો વધી જાય ત્યારે નવી પેઢીનો જ વાંક હોય એવું નથી હોતું પણ ઉંમરે મોટી વ્યક્તિ પણ જવાબદાર હોય છે ને ઇથી ઉલટું પણ બને છે કે જેના અગણિત દાખલાઓમાંના ગણીને:

    મારા સાસરા પક્ષે બેય પગે સંપૂર્ણ અસ્થિર, ૯૦ વટાવી ગયેલ એક વૃદ્ધ બેન યુ.એસ.માં એના પરિવાર હારે રે’છ. કમનસીબે ઈ બેન એની ઉંમરનો સ્વીકાર ન કરવાને બદલે હજી એમ જ માને છે કે ઈ “સોળ વરસની સુંદરી” છે. છસાત વરસ પે’લાં દાક્તરની અને પરિવારની કડક સૂચના ન ગણકારીને “વોકર” વગર હાલતાં ખરાબ રીતે પડ્યાં ને લાંબો ખાટલો વેઠ્યા પછી હવે “વોકર” લઈને હાલતાં થ્યાં છ. એની માંદગી દરમ્યાન પરિવારે પૈસાનું પાણી તો કર્યું ને હારે અસહ્ય હાલાકી પણ ભોગવી. આટઆટલું થ્યું છતાં ઈ બેન હજી એમ જ કે’છ, ના…રે…ના. આ દાકતરુ ખોટા મને વોકરે હલાવે છ બાકી હું તો હજી ત્રણ તાલીના ગરબાએ કરી સકું.”

    રાજકોટમાં એક રૂઢિચુસ્ત સંયુક્ત પરિવારમાં સસરા, જેઠ અને પરિવારના આઘેરા વડીલોની ઘરની વહુઓએ નાક ઢાંકતી લાજ કાઢવાનો રિવાજ હતો. પરિવાર પૈસેટકે સુખી એટલે દરસાલ બસ બાંધીને ભારતભ્રમણ કરે પણ બધી વહુઓએ તો લાજના ઘૂમટામાંથી જ બધું જોવાનું. પરિણામે વહુઓની એક જ ફરિયાદ કે “અમે તાજમહાલ તો જોયો છ પણ ઈ ધોળો હતો ઈ અમારાં છોકરાંઉએ કીધું ત્યારે ખબર પડી.” વરસો સુધી ઘરના દીકરાઓએ વડીલોને લાજ મુકાવી દેવા કાગલુદી કરી પણ વડીલો “એકના બે ન થ્યા” ને અંતે પરિવાર વેરવિખેર થઇ ગ્યો.

    બાળપણમાં જે કવિને હું મળેલો એને ૨૦૧૨માં મળવા ગ્યો ત્યારે ખબર પડી કે ઈ વિધુર હતા, એના બે સુખી દીકરા સહપરિવાર ગામમાં જ રે’તાતા ને કવિ પોતે એના આખરી દિવસોમાં ખુદના ઘરમાં ખોયાખાટલે સુતાતા. વાત કરતાં ખબર પડી કે કવિ દીકરાઓ ભેગા નો’તા રે’તા કારણ કે એને પૌત્રી-પૌત્રો વચ્ચે તદ્દન ગૌણ મતભેદ હતા કે જે દીકરાઓએ ઉકેલવા અથાગ પ્રયત્નો પણ કર્યાતા. સરવાળે કવિવરે અલગ રેવાનું પસંદ કર્યુંતું. ત્યાર બાદ ૨૦૧૮માં મને ખબર પડી કે ૨૦૧૬માં કવિશ્રી વૈકુંઠે વસ્યા કે જેની પે’લી ખબર પાડોસીને ત્રણ દી’એ પડી. પછી તો દીકરાઓ અને એના સમગ્ર પરિવારે કોઈ પણ જાતના રાગદ્વેષ વગર અંતિમ સંસ્કાર અને ક્રિયા કર્યાં.

    એક પરિવારને હું પરોક્ષ રીતે ઓળખું કે જેમાં માંબાપ દીકરાવહુ હારે રે’તાં. જુવાન દીકરાને દારૂની લત પડી ગઈ ને ઈ ઘરમાં પીવા મંડ્યો ત્યારે માંબાપે દીકરાને દારૂ ન પીવાની શક્ય એટલી સલાહ આપી. દીકરો આ સલાહ ને માથાકૂટથી કંટાળ્યો એટલે “હું તમને હારે નહીં રાખું, આ ઉંમરે એકલા રેવું પડશે” એમ ડરાવીધમકાવીને બાપને પીવાનું દબાણ મુકવા મંડ્યો. કમનસીબે દીકરો છસાત વરસમાં “લીવર સિરોસિસ”માં ગુજરી ગ્યો.

    મારા બાળપણમાં મેં સાંભળેલ કે મારા પિતૃપક્ષે એક વિધુર બાપ ભણેલગણેલ સુખી દીકરાવહુ ભેગા સંજોગવશ રે’વા ગ્યા. સમય જાતાં દીકરાવહુને ખબર પડી કે બાપ આગળ ઈ લોકોને વારસે દેવાય એટલી મિલ્કત નો’તી. પરિણામે, દીકરાની વહુએ ઈ વિધુર બાપને ખીચડીમાં માકડ મારવાની દવા ખવરાવી પણ સદ્દનસીબે બાપ બચી ગ્યા ને અન્ય એક સગાને ઘેર બાકીનું જીવન વ્યતીત કર્યું. આની વિરુદ્ધમાં, ભણેલગણેલ તવંગર માબાપ જયારે મુંબઇનો વસવાટ છોડી એકનાએક દીકરા ભેગાં વસ્યાં ત્યારે દીકરાએ માબાપની સંપત્તિ એના નામે કરાવી દીધી. ચારેક વરસમાં દીકરાવહુના ત્રાસે બિનઘર થયેલ માબાપ “દુઃખીના દાળિયા” થઈને મ્રૃત્યુ પામ્યાં.

    મારા મતે “જનરેશન ગેપ” ઉભો કરતાં અનેક પરિબળો છે. જયારે વડીલો એના માટે જવાબદાર હોય છે ત્યારે મુખ્યત્વે ઈ લોકો એમ માનતા હોય છે કે “મને જાજો અનુભવ છે, હું જે વિચારું ઈ જ સાચું છે, નાનાને ગતાગમ નથી, અમે ઘર માંડીને જેમ રયા ને જે રીતરિવાજ પાળ્યા ઈ જ બધું ઉત્તમ ને સાચું હતું ને આજનો જમાનો વંઠી ગ્યો છે, વ.” જયારે પછીની પેઢીથી “જનરેશન ગેપ” ઉભો થાય છે ત્યારે મોટા ભાગે પોતાપણે, પોતીકા વિચારે, પારકાની જવાબદારી વિના “અમે બે ને અમારાં બેએવા “ન્યુક્લિઅર ફેમિલી”માં સ્વતંત્ર જીવવાની એની મહેચ્છા છે. આ મહેચ્છાની આગને એની પૈસાની ઘેલછા અને “દુનિયાનાં તમામ સુખસગવડ મને અબઘડી જોયેં છ” ઈ ગાંડપણ ઉત્તેજે છે. બીજું, જેમજેમ સોસીયલ-મીડિયા અને એ.આઈ. યુગ વ્યાપક બનતો જાય છે એમએમ દુનિયા નાની થાતી જાય છે ને આવાં અનિચ્છનીય પરિબળો વધતાં જાય છે. એટલે સંજોગો વસાત પણ જો “જનરેશન ગેપ”માં સુખશાંતિથી લાંબો સમય જીવવું હોય તો મારી દ્રષ્ટિએ ઓછામાંઓછી નીચેની શરતોનું પાલન ઉભયપક્ષે આવશ્યક છે:

    (૧) અલગ પડતા અગત્યના (ગૌણ નહીં) વિચારોની મોકળા મને આપ-લે; દા.ત., “હું આમ કરું છું કારણ કે…”

    (૨) જો “કારણ” વજૂદ લાગે તો પરિણમતા વર્તનનો સ્વીકાર કરવો અને જો ન લાગે તો ખેલદિલીથી ઈ વિષે વિશેષ ચર્ચા કરવી. પછી પણ જો “કારણ” અસ્વીકાર્ય જ રે’ પણ વર્તુણક હાનિકારક ન હોય તો એની અવગણના કરી જીવતાં શીખવું.

    (૩) જયારે પણ અસ્વીકાર્ય વર્તુણકની અવગણના કરી જીવીયેં ત્યારે સામી વ્યક્તિને ઈ યાદ ન કરાવવું કે જેથી “હાર્યો જુગારી બમણું રમે” પણ એને ખુદને જ એની પ્રતીતિ થાવા દેવી. હું માનું છું કે સામા માણસમાં જો મતિ અને સંસ્કારનો છાંટોયે હશે તો ઈ વારંવાર એવું વર્તન નહીં કરે કે જેથી બીજાને “આંખ આડા કાન” કરવા પડે.

    (૪) જો વર્તુણક નુકસાનકારક હોય અને સમજાવ્યા છતાં પણ ઈ ચાલુ રે’ તો ઈ માણસ ખત્તા ખાઈને જાત અનુભવે શીખશે એવી આશા હારે જીવતાં શીખવું ને પરિણામ પરમાત્માને સોંપવું.

    હું અને “જનરેશન ગેપ”

     ઉદાહરણ ૧ – હું ૧૯૭૦માં યુ.એસ. પે’લી વખત આવ્યો ઈ પે’લાં ચારેક વરસથી પુનાપતી તમાકુ ખાતોતો એટલે પછીનાં બેએક વરસ તો પપ્પાએ તમાકુ, રોપારી, ચૂનો વી. મને મોકલ્યાં ને મેં બે મોઢાની ડબ્બી માંથી ખાધાં. પછી પપ્પાની નાદુરસ્ત તબિયત ને વધતી ઉંમરના લીધે એનાથી આ સરંજામ નિયમિત ન મોકલાતો એટલે મેં સ્મોકિંગ ચાલુ કર્યું. સાત વરસે પે’લી વાર હું ભારત આવ્યો ત્યારે મુંબઈથી ફ્લાય થઈને સાંજના છએક વાગે પોરબંદર કે જ્યાં ત્યારે અમે રે’તા પૂગ્યો. એરપોર્ટ સમગ્ર પરિવાર મને તેડવા આવેલ. અમે ઘેર પોંચ્યા બાદ ભાભીએ ઘરનો તાજો ચા-નાસ્તો કાઢ્યાં ને સૌને આપ્યાં. મેં ઇન્ડિયન ફૂડ ત્યારે સાત વરસે પે’લી વાર જોયો એટલે નાસ્તો તો જાણે ભાવ્યો પણ ચા ન પીધો. પપ્પા મારી પડખે જ સોફામાં બેઠાતા ને એને મારા ખમીસના ખીસામાં “વિન્સ્ટન” સિગરેટનું પાકીટ ને લાઈટર જોયાં એટલે એને તરતજ મારી બેનને કીધું કે “દિનેશને એશ-ટ્રે આપો” ને પપ્પા એ મને કીધું કે “લ્યો હવે ચા પીવો, ભાવશે.” ત્યાર પછી પપ્પાએ કોઈ વાર મને પૂછ્યું નો’તું કે “કેમ સ્મોકિંગ કરો છ” કે ઈ ન કરવાની સલાહ દીધી. મેં પણ ઈ ઘડીથી કોઈ દી’ માં-પપ્પા કે કુટુંબના વડીલો સામે મારી દેશની રોકત દરિમયાન સિગરેટ ન પીધી. લગ્ન પછી મેં સ્મોકિંગ પણ મૂકી દીધું ને તમાકુએ પાછો વળી ગ્યો.

    મારો ઉપરના ઉદાહરણનું કારણ ઈ છે કે મારા અને મારા બાપ વચે આશરે પાંચ દાયકાનો ઉમર તફાવત છતાં પણ ત્યારે એની મારી સ્મોકિંગની નુકસાનકારક વર્તુણકની અને એનું પરિણામ મારે જ ભોગવવાનું છે ઈ સમજ અને “જનરેશન ગેપ” ઘટાડવાની કળા માટે મને માન છે. મારી ઉંમરના સૌને આ “ગેપ” પછીની પેઢી હારે હશે જ પણ એને કેમ ઘટાડવો ઈ ઉભયપક્ષી આવડત છે કે જે એકબીજામાંથી સહજ્તાથી શીખી શકાય, જો “ઈગો” બાજુએ મૂકીને સામાના વિચારને ખુલ્લા દિલે અને મગજે આવકરીયેં તો.

    ઉદાહરણ ૨ – હું યુ.એસ. આવ્યો ઈ પે’લાં મેં બેચાર વખત દોયડાવાળા ફોન દેશમાં વાપરેલ ને પછી યુ.એસ.માં ઈ વધુ વાપરતો થ્યો. “ફાસ્ટ ફોરવર્ડ” ૨૦૦૧માં મેં પે’લો ત્યારે મળતો સેલફોન કે જે ફ્લિપફોન કે’વાતો ઈ ખરીદ્યો. ત્યારે સેલફોનથી સંપૂર્ણ વાકેફ મારા કોલેજમાં ભણતા દીકરાએ કીધું કે ઈ મને સેલફોન સેટ કરીને કેમ વાપરવો, વ. શીખવે. ઈ વખતે મારો એને જવાબ, ના. હું પીએચ.ડી. છું, ઉંમરે બમણો મોટો છું ને મને આવડે છ.” ચારેક દી’ ઈ ફોન શીખવા હું મથ્યો ને છેલ્લે તોડ્યો. પછી બીજો એવો ફોન દીકરા આગળ શીખ્યો. જો કે હું આ ભૂલમાંથી ઈ શીખ્યો કે “જેહનાં કામ જેથી થાય” ને એટલે તો હવેનું અમારું પૂર્ણ આધુનિક ટી.વી. કેમ ચાલુ કરવું ઈ પણ મારી બાળક દોહિત્રી પાસેથી હું શીખ્યો.

    આ વિષય આટોપતાં મારે નોંધવું છે કે છેલ્લા કેટલાક અરસાથી હું ટી.વી.માં જોવું છું ને વાંચું પણ છું કે પશ્ચિમના દેશો માફક ભારતમાં પણ આજકાલના વડીલો “જનરેશન ગેપ” હારે આજીવન રે’વાનું ઓછું પસંદ કરે છે કારણ કે ઈ લોકો પૈસેટકે સુખી છે ને એને નાનુંમોટું ફાયનાન્સિયલ પ્લાનિંગ કરેલું હોય છે. આવા વડીલો સમવડીયા અને સમકાલીન સાથીઓ હારે મનગમતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રે’છે ને થોડા સમય માટે એના સંતાનો કે પછીની પેઢી હારે પણ આનંદકિલ્લોલે સાથે રે’છે. ઉપરાંત હવે તો ઘણાં સારાં “સિનિયર સીટીઝન હોમ્સ” પણ ભારતમાં બને છે કે જે પેલાના જમાનાના “વૃધ્ધાશ્રમોથી” વધુ મોંઘા પણ સગવડ અને સાધનસંમ્પન્ન હોય છે. સંજોગે જો મારે આજીવન આવા એકાદ “હોમ”માં રે’વું પડે તો હું ખુશીથી રહું ને સગવડે થોડો સમય મારાં સંતાનો હારે પણ રહું કે જે આજ પશ્ચિમી દેશોમાં વ્યાપક છે અને ભારતમાં એની શરૂઆત થઇ ચુકી છે.

  • પ્રવાસીઓને કામચલાઉ ધોરણે સુધારવાનો પ્રયાસ

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    સ્પેનના બાર્સેલોના શહેરના રહેવાસીઓએ પ્રવાસીઓ વિરુદ્ધ દેખાવો કર્યા તેમજ એ જ દેશના મયોકા ટાપુના રહેવાસીઓએ પણ પ્રવાસીઓનો વિરોધ કર્યો હોવાની વિગતે વાત આ કટારમાં ત્રણ-ચાર મહિના અગાઉ ઉલ્લેખાઈ હતી. હવામાન પરિવર્તન, પ્રદૂષણ સહિત અનેક પરિબળો પ્રવાસનસ્થળને નડતાં હોય છે. પ્રવાસીઓને નારાજ કરવા એટલે પોતાની આવકના સ્રોત પર પાટુ મારવું. આમ છતાં, એ જોખમ વહોરીને પણ સ્પેનના કેટલાક સ્થળના રહીશોએ પ્રવાસીઓ સામે વિરોધ નોંધાવ્યો. એ દર્શાવે છે કે પ્રવાસીઓના ધસારાને કારણે આ સ્થળની શી દુર્દશા થતી હશે!

    ડેન્માર્કની રાજધાની કોપનહેગનના સત્તાવાળાઓએ એક નવિન નુસખો અમલમાં મૂક્યો છે, જે પ્રશંસનીય છે. તેણે ‘કોપન પે’ નામના એક પાયલટ પ્રોજેક્ટનો અખતરો કરી જોયો. તેનો મૂળભૂત વિચાર ઘણો સારો છે. એ મુજબ અહીં આવતા પ્રવાસીઓ પર્યાવરણસુસંગત વર્તણૂંક કરે તો તેને વળતર થકી બિરદાવવી.

    છએક લાખની વસતિ ધરાવતું આ શહેર વિશ્વનું સૌ પ્રથમ કાર્બનતટસ્થ પાટનગર બનવાનું લક્ષ્યાંક ધરાવે છે. ‘કાર્બન તટસ્થ’ એટલે ‘ગ્રીનહાઉસ વાયુઓ’ના ઉત્સર્જન અને વાતાવરણમાંથી તેના દૂર થવાના પ્રમાણ વચ્ચેનું સંતુલન. ૨૦૨૩માં કેન્‍તાર માર્કેટ રિસર્ચ ગૃપના ‘સસ્ટેનેબિલિટી અહેવાલ’માં જોવા મળેલાં તારણના આધારે ‘કોપન પે’ની યોજના વિકસાવવામાં આવી. શા હતાં એ તારણ?

    ટકાઉપણાના લક્ષ્યાંક લગી પહોંચવાની ઈચ્છા અને એ માટે જરૂરી આદતોમાં પરિવર્તન વચ્ચે ઘણો મોટો ફરક જોવા મળ્યો. ૮૨ ટકા નાગરિકોએ વધુ ને વધુ ટકાઉપણાના લક્ષ્યાંક લગી પહોંચવાની ઈચ્છા દર્શાવી, પણ કેવળ ૨૨ ટકા લોકોએ જ સ્વીકાર્યું કે પોતાની આદતોમાં તેમણે ધરમૂળથી ફેરફાર કર્યો છે. સ્થાનિકો આમ કરે, તો પ્રવાસીઓ પાસેથી શી અપેક્ષા રખાય? બસ, આ વિચારે ‘કોપન પે’ યોજના પર કામ શરૂ થયું. તેમાં કંઈક આવી વાત છે.

    પ્રવાસ દરમિયાન આ શહેરમાં વસવાટ કરનાર પ્રવાસી પર્યાવરણને સુસંગત સુવિધાઓની પસંદગી કરે તો તેની કદર કરવી. સાયકલિંગ, જાહેર પરિવહન સુવિધાઓનો ઊપયોગ, શહેરી ખેતરો, નહેરો કે બગીચાઓના સફાઈકામમાં સ્વયંસેવક તરીકે સંકળાવું વગેરે જેવી બાબતોનો આમાં સમાવેશ થાય છે. બદલામાં તેની કદરરૂપે નિ:શુલ્ક ભોજનથી લઈને મ્યુઝીઅમનો પ્રવાસ, વાઈન ટેસ્ટિંગ જેવી વિવિધ બાબતોમાંથી કંઈ પણ હોઈ શકે. વીસેક વિકલ્પો શરૂઆતમાં રખાયા છે.

    સાંદર્ભિક તસ્વીર: VisitCopenhagen

    આ યોજનાનું સૌથી આકર્ષક પાસું છે તેની સરળતા. પ્રવાસીએ કેવળ પોતે એવી કોઈ પ્રવૃત્તિ કર્યાનો પુરાવો જ રજૂ કરવાનો. જેમ કે, સાયકલભાડાની રસીદ, જાહેર પરિવહન સુવિધાની ટિકિટ, અથવા સ્વયંસેવક તરીકે સફાઈકામમાં જોડાયા હોય તો એની તસવીર પૂરતી થઈ રહે.

    આમ, આ આખી યોજનાનો મુખ્ય આધાર પરસ્પર વિશ્વાસ છે. લોકો તેનો હેતુ સમજે અને પોતાની પસંદગી એ અનુસાર કરે એ મુખ્ય ધ્યેય છે. આ પ્રકારની યોજના વિચારાય, અમલી બને અને સુચારુ ઢબે ચાલે તો લાંબે ગાળે અહીં આવતા પ્રવાસીઓ પણ એ રીતે ટેવાતા જાય. અલબત્ત, ભારતીય પ્રવાસીઓ જાય તો કશું કર્યા વિના ટિકિટોનો જુગાડ કરવાનો વ્યવસાય પણ શરૂ થઈ જાય તો નવાઈ નહીં!

    આ પ્રકારની નીતિ પ્રાયોગિક ધોરણે પણ વિચારવી એ લોકોમાં અળખામણા થવા જેવું છે. લોકોની વિચારણા પુખ્ત હોય તો જ એ થઈ શકે. વિકસીત દેશોમાં આવી પહેલ થાય એ આનંદની વાત છે, કેમ કે, ત્યાં કોઈ મોડેલ સફળ થાય તો એની નકલ ઘણા વિકાસશીલ દેશો કરતા થઈ જાય છે. જો કે, હેતુ શુદ્ધ ન હોય તો ગમે એવી પહેલ માત્ર કાગળ પર જ રહી જાય છે. આનું સચોટ ઉદાહરણ આપણા રાજ્યમાં અમલી ‘પોલ્યુશન અન્ડર કન્‍ટ્રોલ’ (પી.યુ.સી.) પ્રથા છે. વાહનનું ઉત્સર્જન નિયંત્રણમાં હોવું માત્ર કાગળ પર રહી ગયું છે એ સૌ કોઈ જાણે છે. વાહન નજર સામે ભલે ને ગમે એવા ધુમાડા કાઢતું હોય, ‘પી.યુ.સી.’ હોય એટલે પત્યું. બીજી કશી પડપૂછ નહીં. પર્યાવરણને કશો ફરક પડે કે ન પડે, ભ્રષ્ટાચાર માટેની એક બારી આ પ્રથાએ ખોલી આપી.

    આપણા દેશનાં અનેક સ્થળોએ પ્રવાસીઓનો જબ્બર ધસારો જોવા મળે છે, પણ તેને નિયંત્રણમાં રાખવાની કોઈ વાત છે નહીં. પાવાગઢ જેવા સ્થળે એક જ દિવસમાં બે-અઢી લાખ લોકો ઉમટી પડે તો એ સ્થળની શી વલે થાય! લદાખ જેવા અતિ નાજુક ભૂપૃષ્ઠ ધરાવતા પ્રદેશમાં અઢળક પ્રવાસીઓ ઠલવાય ત્યારે એ પ્રદેશની જૈવપ્રણાલિ પણ અમુક અંશે ખોરવાતી હોય છે. મોટા ભાગના પ્રવાસીઓ ગમે ત્યાં જાય તો પોતે ખર્ચેલા નાણાંનું પૂરતું વળતર મળી રહે એ આશય ધરાવે છે. જે તે સ્થળની પરિસ્થિતિને સુસંગત થવાને બદલે તેઓ વધુ સુવિધાઓની અપેક્ષા રાખે છે. આ વલણ લગભગ સાર્વત્રિક જોવા મળે છે. આથી પ્રવાસનસ્થળનું અર્થતંત્ર પણ ઊંચકાય છે. વધુ નાણાંની અપેક્ષાએ સ્થાનિકો પણ એ સુવિધાઓ પૂરી પાડવાની કોશિશ કરે છે.

    હજી તો પ્રવાસીઓને આકર્ષવા માટે અવનવી વિકાસયોજનાઓ વિચારાઈ રહી છે, અમલી બની રહી છે, અને અમુક તો અમલમાં પણ આવી ગઈ છે. તેનાં વિપરીત પરિણામ મળવા લાગ્યાં છે, પણ એમાંથી કશો બોધપાઠ લેવામાં આવતો નથી.

    આશા રાખીએ કે ‘કોપન પે’ જેવો પ્રયોગ વિવિધ પ્રવાસનસ્થળો અલગ અલગ રીતે અપનાવે અને સાવ ખાડે ગયેલી પર્યાવરણની પરિસ્થિતિને વધુ બગડતી અટકાવે. પ્રવાસીઓ પણ આ બાબતે વિચારતા થાય એ વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૪-૧૧– ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • પરફેક્ટ ડેઝ – પરિપૂર્ણ અને પ્રસન્ન જિંદગી જીવવા માટે તમારી આજીવિકા શું છે તે મહત્વનું નથી

    સંવાદિતા

    આ ફિલ્મ એક તાજી હવાની લહેરખી છે જે આપણને જીવનને નવેસરથી જોવા મજબૂર કરે છે

    ભગવાન થાવરાણી

    જીવનને સાવ નવા દ્રષ્ટિકોણથી જોવા મજબૂર કરતી ફિલ્મો દરેક દૌરમાં બનતી રહે છે઼. મહાન જર્મન ફિલ્મ સર્જક વિમ વેંડર્સની ગયા વર્ષે આવેલી ફિલ્મ ‘ પરફેક્ટ ડેઝ ‘ આનો જીવંત પુરાવો છે. પોતે જર્મન હોવા છતાં એમણે આ ફિલ્મ જાપાનીઝ કલાકારો અને કસબીઓને લઈને એ જ ભાષામાં સર્જી છે.

    ફિલ્મ વાત કરે છે એક સામાન્ય સફાઈ કામદાર હીરાયામાની. પ્રૌઢ વયે પહોંચવા આવેલો હીરાયામા ટોક્યોના ઉપનગર શિબુયામાં જાહેર શૌચાલયો સાફ કરવાનું કામ કરે છે. એ એક રૂમના નાનકડા ફ્લેટમાં એકલો રહે છે. સાહિત્ય, સંગીત અને ફોટોગ્રાફીનો શોખીન છે પણ ફોટા માત્ર પ્રકૃતિ, વૃક્ષો અને એમના પર્ણોમાંથી સંતાકૂકડી રમતાં ચળાઈને આવતાં પ્રકાશ કિરણોના પાડે છે. ( આવી ક્રીડાને જાપાનીઝ ભાષામાં કોમોરેબી કહે છે. ) ફિલ્મમાં કોઈ નાટકીયતા, કોઈ વળાંક કે ઘટના જેવું ખાસ કંઈ નથી. એના કેંદ્રમાં હીરાયામાની દિનચર્યા માત્ર છે, જેમાં પ્રથમ દ્રષ્ટિએ બધું નિરસ અને કંટાળાજનક લાગે. હીરાયામાની ભીતર ધબકતાં જીવન પ્રત્યેના ઉત્સાહ અને પ્રત્યેક ક્ષણને માત્ર એ ક્ષણમાં જ જીવી લેવાની જિજીવિષાના કારણે આ દિનચર્યા જ આખી ફિલ્મનો પ્રાણ છે. આપણે એ જોઈએ .

    એ વહેલી સવારનાં પ્રથમ કિરણો ફૂટતાં હોય ત્યારે પ્રસન્ન વદને જાગે છે. સામેની બારીમાંથી કમરામાં પ્રવેશતા પ્રકાશ ભણી કૃતજ્ઞ ભાવે જૂએ છે઼. ઊભો થઈ પથારીનો વીંટો વાળી એક ખૂણે મૂકે છે. રાતે વાંચીને ઊંધા મૂકેલા પુસ્તકનું પાનું વાળે છે. બ્રશ કરે છે. ચીવટપૂર્વક પહેલેથી વ્યવસ્થિત લાગતી મૂછને વધુ વ્યવસ્થિત કરે છે. દાઢી કરી, બાલ્કનીમાં મૂકેલાં છોડના કુંડાઓમાં પાણીનો છંટકાવ કરે છે. સફાઈ કામદારનો ગણવેશ પહેરે છે જેમાં પાછળ ‘ ટોકિયો ટોઈલેટ્સ ‘ લખ્યું છે. ખિસ્સામાં નાની – મોટી કામની ચીજો મૂકે છે. ફ્લેટનો દરવાજો ખોલે છે અને ચહેરા પર પડતા સૂર્ય કિરણોનું સસ્મિત અભિવાદન કરે છે. આ વર્ણન એટલા માટે કે હીરાયામા આ બધું પૂરેપૂરી તલ્લીનતા અને ઉત્સાહથી કરે છે અને એના ચહેરા પર કંટાળા કે યાંત્રિકતાની નાની એવી રેખા પણ પણ નથી.

    આગળ. ઘરની બહાર જ મૂકેલા વેંડીંગ મશીનમાંથી એ કોફીનું કેન ખરીદે છે. બહાર પડેલી પોતાની વાનમાં બેસી કોફી પીએ છે. મનપસંદ ઓડિયો કેસેટ પ્લેયરમાં ચડાવે છે. વાનને ધીમે ધીમે સાંકડી શેરીમાંથી બહાર કાઢે છે અને પછી શહેરના વાંકાચૂંકા મહામાર્ગો પરથી ગંતવ્ય ભણી મારી મૂકે છે.

    પહેલું શૌચાલય. એ પોતાનો સાફસૂફીનો સરંજામ બહાર કાઢી કામ શરૂ કરે છે. એ શૌચાલયની સાફસફાઈ એવી લગન અને એકાગ્રતાથી કરે છે જાણે કોઈ મા પોતાના શિશુને નવડાવતી હોય ! એ હદે કે પોખરાની નીચલી તરફના હિસ્સાને ચમકાવવા એ ખિસ્સામાંથી નાનો આયનો કાઢી, એને જોઈને સફાઈ કરે છે ! બહાર ‘ સફાઈ ચાલુ છે ‘ નું બોર્ડ મૂક્યું હોવા છતાં કોઈ ‘ જરૂરતમંદ ‘ અંદર આવી ચડે તો શાલીનતાપૂર્વક એને ટોઈલેટ ખાલી કરી આપે છે, સસ્મિત. એ વિરામ દરમિયાન એ વિસ્મયપૂર્વક બહાર વૃક્ષોને નીરખતો રહે છે. એનો સહાયક અને મિત્ર ટ્રાફિકની ફરિયાદ કરતો મોડો આવે અને આવા કંટાળાજનક કામને હળવાશથી લેવાની સલાહ આપે ( આ બધું થોડીક વારમાં પાછું ગંદું થઈ જવાનું ! ) ત્યારે એ કોઈ પ્રતિક્રિયા વિના માત્ર એને જોઈ રહે !

    ભોજન વિરામમાં એ કાયમ એક બૌદ્ધ મંદિરના પ્રાંગણમાં જાય છે. હંમેશા નમન કરીને અંદર પ્રવેશે. ત્યાંના ઊંચા ઘટાદાર વૃક્ષોના ફોટા પોતાના જૂનવાણી કેમેરાથા પાડે. કોઈક છોડ મુરઝાઈ રહ્યો હોય તો એને કાળજીપૂર્વક એક કોથળીમાં મૂકે, ઘરે લઈ જઈને અન્ય તંદુરસ્ત છોડ જોડે એનું સંવર્ધન કરવા માટે !

    ફરજ પૂરી થયા બાદ એ ઘેર આવી સાયકલ લઈ જાહેર સ્નાનાગારમાં નહાવા જાય. પછી એક રેસ્તરાં – કમ – બારમાં. ત્યાંની માલિકણ એની મિત્ર છે. ઓળખીતો વેઈટર કાયમ એનું અભિવાદન ‘ આકરા દિવસના અંતે ડ્રીંક લઈ હળવા થાઓ ‘ કહીને કરે.

    ઘેર પરત આવી પોતાના પ્રિય લેખકો વિલિયમ ફોકનર અથવા પેટ્રિસિયા હાઈસ્મિથને વાંચે અને ઊંધમાં સરી પડે . સપનામાં એણે દિવસ દરમિયાન જે જોયું – અનુભવ્યું એની શ્વેત – શ્યામ પ્રતિછાયાઓ હોય.

    આ દિનચર્યા જ એના જીવનને સઘનતા બક્ષે છે અને એ જ એને એક મુક્ત માનવી પુરવાર કરે છે. એ જે જીવે છે એનો એને ગર્વ છે કારણ કે એની પાસે આ એક જ જીવન છે !

    અઠવાડિક રજાના દિવસે હીરાયામા જાહેર લોંડ્રીમાં પોતાનો યુનિફોર્મ ધોવા જાય છે. પોતે પાડેલા ફોટાનો રોલ ડેવલપ કરાવવા પણ એ જ દિવસ અને મનગમતું પુસ્તક ખરીદવા પણ એ !  ઘેર જઈ પોતે પાડેલા ફોટાને વર્ષ અને ક્રમાંક લખેલી પેટીઓમાં ગોઠવે. ફોટા પાડનાર અને જોનાર એકલો પોતે જ !

    ક્યારેક ટોયલેટ સફાઈ દરમિયાન એને તિરાડમાં કોઈકે ભરાવેલી ચબરખી મળી આવે જેમાં કોઈક બેનામ વ્યક્તિએ શૂન – ચોકડીની રમત શરૂ કરી એને આગળ વધારવા જાણે ઈજન આપ્યું હોય. હીરાયામા એમાં એક શૂન્ય કે ચોકડી ઉમેરી ચબરખીને પાછી ત્યાં જ ભરાવે અને રમત રોજેરોજ આગળ વધે ! અજાણ્યા માણસો પણ કેવો આનંદ આપી શકે ! મજા મજા ! આપણને પેલું વાક્ય યાદ આવે :

    જિંદગી ખૂબસુરત છે*

    ( *શરતો લાગુ )

    એની કિશોર વયની ભાણેજ ઘરેથી ભાગીને થોડાક દિવસ એની સાથે વીતાવવા આવી ચડે છે. એ રાતે સપનામાં એને એનો નાનપણનો ચહેરો દેખાય છે. સવારે એ એને પણ સાથે કામ પર લઈ જાય છે. એને પેલાં ઝાડ દેખાડે છે. ‘ આ ઝાડ તમારા મિત્ર હોય એવું લાગે છે, નહીં ? ‘ બન્ને ટોકિયોની સડકો પર સાયકલ લઈને ફરે છે. છોકરીને લોભાવે છે આ સ્વતંત્ર જીવન . અચાનક વળતા દિવસે જ ભાણીની મા – હીરાયામાની શ્રીમંત બહેન દીકરીને શોધતી ધુંઆંફુઆં એના ઘરે આવી ચડે છે. એ રુક્ષતાપૂર્વક હીરાયામાને ‘ આવું હલકું કામ ‘ કરવા બદલ ટપારે છે પણ સાથોસાથ એની દીકરીને ‘ સાચવવા ‘ બદલ ચોકલેટનું પેકેટ ભેટ આપે છે. ન તો હીરાયામા એને ઘરમાં આવવાનું કહે છે ન તો બહેનની એવી ઈચ્છા છે. વાતચીતમાં એવો ઈશારો છે કે હીરાયામા સંપન્ન પરિવારમાંથી છે પરંતુ પિતા સાથે મતભેદ થતાં ઘર છોડી મરજી મૂજબની જિંદગી જીવે છે. એ દીકરીને પરાણે લઈ જાય છે. બન્નેની વિદાય વખતે હીરાયામા નતમસ્તક ઊભો છે. એમની કાર વિદાય થતાં એ ધ્રુસ્કે ધ્રુસ્કે રડે છે.

    વધુ એક સવાર. હીરાયામા નીના સિમોને ગાયેલું ગીત વગાડે છે :

    પંખીઓ ઊડે અને
    મને કેવું – કેવું થાય
    આકાશમાં સૂર્ય ઉગતો જોઉં
    પવનની લહેરખીઓ વાય
    અને મને કેવું તો થાય
    નવી સવાર, નવો દિવસ, નવું જીવન
    કેવું સારું લાગે છે મને..
    હીરાયામા ગીતની ધુન અને શબ્દોમાં તરબતર બની ઘડીક હસે છે, ઘડીક રડે છે, ફરી હસે છે, ફરી રડે છે. એની આંખોમાંથી જાણે સાક્ષાત જિંદગી વહે છે !

    ફિલ્મમાં નાયકની અદ્ભુત ભૂમિકા નિભાવી છે જાપાનીઝ અભિનેતા કોજી યાકુશોએ. ફિલ્મના નિર્દેશક વિમ વેંડર્સ ૭૯ વર્ષની વયે આજે પણ સક્રિય છે. એમની આ ૨૩મી ફિલ્મ છે. ફિલ્મનું શૂટીંગ ટોકિયોમાં માત્ર ૧૭ દિવસમાં પૂરું કરવામાં આવેલું.

    ફિલ્મનો મુખ્ય સંદેશ એ છે કે જીવનનાં નાનાં નાનાં પુનરાવર્તનો પણ આનંદદાયક હોઈ શકે, જો આપણને એ માણતાં આવડે તો ! પસાર થતી પણ આપણે બેધ્યાન હોઈએ એટલે હાથતાળી દઈ છટકી જતી સુખની ક્ષણો ફિલ્મના કેંદ્રમાં છે. એ એક ચરિત્રની એકલ-યાત્રાની વાત છે. ફિલ્મમાં હીરાયામાના મનપસંદ અંગ્રેજી અને જાપાનીઝ ગીતો  વાગ્યા કરે છે. દરેક ગીતના શબ્દો બેમિસાલ છે. ફિલ્મમાં એક જગાએ હીરાયામા ભાણેજને કહે છે, ‘ આ એક જ દુનિયામાં અનેક દુનિયા છે. કેટલીક જોડાયેલી, કેટલીક વિખૂટી. પણ યાદ રાખજે, અત્યાર એ અત્યાર કહેવાય અને હવે પછી એ હવે પછી.’ બન્ને આ છેલ્લા શબ્દો દોહરાવીને ગીતરૂપે ગાય છે.

    હીરાયામાનો જીવન મંત્ર એટલે :

    હવે જાણ્યું કે કેવળ જીવતા હોવું પરમ સુખ છે
    વળી સાજા ય હો તો એ સવાયા સુખની વાત જ શી !

    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.


  • કાર્ટૂનકથા (૨૧)

    બીરેન કોઠારી

    આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્‍દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

    ‘વારેવા’ના વીસમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં.

    વાર્તાવ્યંગ્ય

    (વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • અમદાવાદ શહેર – સુધરાઈ, સરદાર, સુખાકારી અને સ્વરાજ

    નિસબત

    ચંદુ મહેરિયા

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    સરદાર પટેલ ( જન્મ ૩૧.૧૦.૧૮૭૫, અવસાન ૧૫.૧૨.૧૯૫૦) ના જન્મના દોઢસોમા વરસનો આરંભ થયો છે. સરદારના અમદાવાદ શહેર સુધરાઈના પ્રમુખ તરીકેનું  આ શતાબ્દી વરસ પણ છે. સ્વરાજની લડતના ઘણા મોટા નેતાઓના જાહેરજીવનનો આરંભ  શહેરોની સુધરાઈઓના સભ્ય તરીકે થયો હતો. શહેરોની સુધરાઈઓનું તંત્ર દેશની આઝાદીનો પાયો માનવામાં આવતું હતું. એટલે જવાહરલાલ નહેરુ અલ્હાબાદ, રાજેન્દ્ર પ્રસાદ પટણા, ચિતરંજન દાસ કલકત્તા, વિઠ્ઠલભાઈ પટેલ મુંબઈ અને વલ્લભભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય અને પછી પ્રમુખ તરીકે જાહેરજીવન આરંભ્યું હતું.

    વલ્લભભાઈ હજુ સરદાર બન્યા નહોતા ત્યારે પાંચમી જાન્યુઆરી ૧૯૧૭ના રોજ તેઓ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાંથી પેટા ચૂંટણી દ્વારા અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય બન્યા હતા. પંદરમી જુલાઈ ૧૯૨૯ના રોજ તેમણે શહેર સુધરાઈનું સભ્યપદ છોડ્યું હતું. ખાસ્સો સવા દાયકો અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય, સેનેટરી, મેનેજિંગ અને સ્ટેન્ડિગ કમિટીના અધ્યક્ષ અને મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે અમદાવાદના વિકાસમાં તેમનું અનન્ય યોગદાન હતું. અમદાવાદ શહેર સુધરાઈ સાથેનો  વલ્લભભાઈ પટેલનો નાતો એ કક્ષાનો હતો કે ગાંધીજીએ અમદાવાદ મ્યુનિસિપાલિટીને “વલ્લભભાઈનું માનીતું સ્થાન”  ગણાવ્યું હતું. વલ્લભભાઈ પટેલના સ્વપ્ન સમી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલની મુલાકાતપોથીમાં પણ  ગાંધીજીએ લખ્યું હતું કે, ‘ સરદાર વલ્લભભાઈનો જય હો. આ ઈસ્પિતાલ જોઈને હું રાજી થયો છું.’

    બેરિસ્ટર વલ્લભભાઈ પટેલે ૧૯૧૩માં અમદાવાદમાં વકીલાત શરૂ કરી હતી એ સમયે તેમનું વલણ જાહેરજીવનથી અળગા રહેવાનું હતું. જોકે જાહેર બાબતોથી તે બેખબર રહેતા નહોતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયેલી પાંખ પર કમિશનર નિમવાની અંગ્રેજ સરકારની પધ્ધતિના તે વિરોધી હતા. પૂર્ણપણે જડ અમલદારશાહી માનસ ધરાવતા કમિશનર  જહોન.એ. શિલીડીને સીધા કરવાના ઉદ્દેશથી ગુજરાત કલબના મિત્રોના આગ્રહવશ વલ્લભભાઈ અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય બન્યા. ૧૯૧૭ ની પાંચમી જાન્યુઆરી કે મે ની ચૌદમીના દિવસે તેમના રાજકારણમાં પ્રવેશથી જ અમદાવાદની શહેર સુધરાઈ રાષ્ટ્રીય ફલક પર મુકાઈ હતી અને સ્વરાજની લડતમાં પણ તે અવ્વલ બની હતી.

    સરદારના સભ્યપદના ત્રણેક મહિનામાં જ શિલીડી કમિશનરના પદેથી ગયા હતા. સરદાર ચૂંટાઈને તુરત જ  સેનેટરી સમિતિના અધ્યક્ષ બન્યા હતા. કર્મને વરેલા વલ્લભભાઈના કામની કસોટી કરવાની હોય તેમ શહેરમાં પ્લેગ ફાટી નિકળ્યો. બીજા આગેવાનોની જેમ પ્લેગથી બચવા સરદારે શહેર ના છોડ્યું પણ તેમના કામમાં મંડ્યા રહ્યા હતા. તેઓ અમદાવાદની શેરીઓમાં જતા, ગટરો સાફ કરાવતા અને જંતુનાશક દવાઓ છંટાવતા. “ કચરો સાફ કરવાનું કામ રાજકારણની ગંદકી સાફ કરવા કરતાં  ઘણું જુદું છે”,  એમ માનનાર વલ્લભભાઈ એ દિવસોમાં કહેતા કે સફાઈ સમિતિના પ્રમુખ તરીકે પ્લેગ સામે નાગરિકોના બચાવના પ્રયાસો કરવા તે મારી ફરજ છે. તે છોડીને ભાગવું એ તો જનતાનો દ્રોહ છે.

    ૧૯૨૪ની અમદાવાદ શહેર સુધરાઈની ચૂંટણી સરદારના નેતૃત્વમાં લડાઈ અને જંગી બહુમતીથી જીતાઈ હતી. સરદાર અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા. નવમી ફેબ્રુઆરી ૧૯૨૪થી તેરમી એપ્રિલ ૧૯૨૮ સુધીના એમના પ્રમુખપદના ગાળામાં  આરોગ્ય, શિક્ષણ, સફાઈ, ગટર અને રસ્તાના કામોને પ્રાધાન્ય આપ્યું હતું. એમનો ઉદ્દેશ શહેરની સુખાકારી હતી.

    અમદાવાદનો કેમ્પ વિસ્તાર મ્યુનિસિપાલિટીની હદમાં નહોતો છતાં તેને પાણી મ્યુનિસિપાલિટી પૂરું પાડતી હતી. તે પણ અમદાવાદના નાગરિકો કરતાં વધારે અને ઓછા દરે. મુખ્યત્વે સરકારી  અફસરોની વસ્તીના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આ પ્રમાણે સગવડો આપવી તે સરદારને અમદાવાદના નાગરિકો સાથે અન્યાય લાગ્યો હતો..એટલે મ્યુનિસિપાલિટીના સભ્ય બન્યા કે તુરત સરદારે આ બાબતે વિરોધ નોંધાવ્યો અને શહેરીઓને ન્યાય કરતો નિર્ણય લેવડાવ્યો હતો. દલિત મિલ કામદારોની ચાલીઓની અગવડોથી તેઓ વાકેફ હતા. દલિત મહિલાઓને ખુલ્લામાં નહાવું પડતું હતું. તેના નિવારણ માટે મેયર વલ્લભભાઈએ ચાલીઓમાં હજારેક નાવણિયા બનાવડાવ્યા હતા.

    અસહકાર આંદોલન વખતે શહેરની મ્યુનિસિપલ શાળાઓને મળતી સરકારી ગ્રાન્ટ લેવાની બંધ કરી શહેરની શાળાઓને અંગ્રેજ સરકારની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. સ્વરાજ આંદોલનમાં સામેલગીરીના કારણે ત્રણેક વખત મ્યુનિસિપાલિટીને અંગ્રેજ સરકારે સસ્પેન્ડ કરી હતી. બ્રિટિશ ગુલામીકાળમાં મ્યુનિસિપાલિટીની સામાન્ય સભાઓ માટે બંધાયેલા હોલનું નામ “ગાંધી હોલ” રાખવું, મ્યુનિસિપાલિટી વતી ગાંધીજીનું જાહેર નાગરિક અભિવાદન કરવું અને કોંગ્રેસની કારોબારી ગાંધી હોલમાં યોજવી તે નાનીસૂની વાત નહોતી.

    જોકે મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે સરદારનું કામ આસાન નહોતું. તેમણે બાકી કરવેરા મેળવવા ઝુંબેશ કરી એટલે કોંગ્રેસનો એક વર્ગ તેમનો વિરોધી બન્યો હતો.જોકે સરદાર તેની તમા રાખ્યા  સિવાય કામ કરતા રહ્યા. ૧૯૨૭ના જુલાઈ મહિનાની આખરના છ દિવસમાં અમદાવાદમાં ૫૧ ઈંચ વરસાદ પડ્યો હતો. અતિવૃષ્ટિની આ આફતને સરદાર કુનેહથી ઉકેલી શક્યા. પ્રમુખ તરીકે તેઓ જાતે ફરીને નાળાં સાફ કરાવવામાં અને પાણીના નિકાલની વ્યવસ્થામાં લાગ્યા હતા. અમદાવાદ શહેર ભવિષ્યમાં વિકસે તેને ધ્યાનમાં લઈને તેમણે રિલીફ રોડ ભારે વિરોધ છતાં બંધાવ્યો હતો. દાદાસાહેબ માવળંકર અને ચંદુલાલ ભગુભાઈ દલાલ લિખિત દસ્તાવેજી પુસ્તક ‘ રાષ્ટ્રીય ચળવળમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીનો ફાળો’ માં સરદારના પ્રમુખ તરીકેના કાર્ય સંદર્ભે લખ્યું છે કે, “વલ્લભભાઈએ પ્રમુખ તરીકે રાષ્ટ્રીય પક્ષની કાર્યપધ્ધતિની નવી જ ભાત પાડી અને લોકો ઉપર એની બહુ સરસ છાપ પડી.જાહેર જીવન એ જ એમનો વ્યવસાય બન્યો. એ વખતે જાહેર જીવન મુખ્યત્વે મ્યુનિસિપલ જીવન જ હતું. એમણે પોતાનો આખો સમય મ્યુનિસિપલ કામકાજને આપ્યો” (પૃષ્ઠ- ૧૬૨)

    શહેર સુધરાઈના કામકાજમાં સરદાર કેવા અનોખા હતા એના બે નમૂના: મ્યુનિસિપાલિટીનું સઘળું કામ એ સમયે અંગ્રેજીમાં ચાલતું હતું.જનરલ બોર્ડના ઠરાવો પણ અંગ્રેજીમાં લખાતા હતા.  જ્યારે બોર્ડની બેઠકમાં વહીવટ ગુજરાતીમાં ચલાવવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે સરકાર નિયુક્ત અંગ્રેજીભાષી સભ્યોએ તેની તરફેણ કરી હતી. પણ સરદારે વિરોધ કર્યો હતો! ૧૯૨૬માં નવા મ્યુનિસિપલ એક્ટ પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી થઈ . ચેરમેન તરીકે વલ્લભભાઈનું નામ મુકવામાં આવ્યું.સામે વિપક્ષા તરફથી દોલતરામનું નામ આવ્યું. જ્યારે બેઉને એક સરખા મત મળ્યા ત્યારે સભાના પ્રમુખ તરીકે સરદારે તેમનો કાસ્ટિંગ વોટ પોતાને આપવા કે તટસ્થ રહેવાને બદલે દોલતરામને આપ્યો હતો !. ૧૯૨૭માં પ્રમુખની ચૂંટણીમાં દોલતરામના નામની દરખાસ્ત આવી .સુધારા દરખાસ્તમાં વલ્લભભાઈનું નામ સૂચવાયું. મતદાનમાં સરદાર પટેલના નામની દરખાસ્તને ૪૮ અને દોલતરામના નામની દરખાસ્તને ૭ મત મળ્યા હતા. વલ્લભભાઈ આ મતદાનમાં તટસ્થ રહ્યા હતા જ્યારે દોલતરામે પોતે પોતાનો મત આપ્યો હતો.  ૧૯૨૮માં બારડોલીની લડતના સુકાની સરદારને મ્યુનિસિપાલિટીના માનપત્રની દરખાસ્તનો એ સમયના મ્યુનિસિપાલિટીના પ્રમુખ દોલતરામે વિરોધ કર્યો હતો. મતદાનમાં દોલતરામ સહિતના ૪ સભ્યો વિરોધમાં હતા જ્યારે ૪૩ તરફેણમાં હતા.

    અંગ્રેજ કમિશનર શિલીડીને સીધો કરવા સરદાર પટેલ  મ્યુનિસિપાલિટીમાં પ્રવેશ્યા હતા. પરંતુ મ્યુનિસિપાલિટીના દેશી ચીફ ઓફિસર ઈશ્વરલાલ રણછોડલાલ ભગતની કાર્યપધ્ધતિથી કંટાળી સરદારને પહેલા પ્રમુખ પદ અને પછી સભ્યપદ છોડવું પડ્યું હતું. તે કેટલી મોટી કરુણા છે.

    ૧૯૩૫માં અમદાવાદ મ્યુનિસિપાલિટીની શતાબ્દી પ્રસંગે એક સંદેશમાં ગાંધીજીએ  તેમની કલ્પનાના અમદાવાદ વિશે કહ્યું હતું કે, “એ મ્યુનિસિપાલિટીના પાયખાનાં વાચનાલય જેવાં સાફ થશે, એની પોળો સ્વચ્છતાનો નમૂનો થશે, એનાં બધાં બાળકો પાઠશાળામાં જતાં હશે, ત્યાં રોગોનું પ્રમાણ ઓછું હશે, ત્યાં મજૂરો અને માલિકો વચ્ચે ઊચનીચના ભેદ નહીં હોય, ત્યાં મજૂરોનાં મકાનોમાં મ્યુનિસિપાલિટીના પ્રમુખ સૂઈ શકતા હશે. ‌- ‌ એવી કોઈ દિવસ થશે, અને એ જોવા હું પામીશ, એવું સ્વપ્ન સેવ્યા કરું છું. એ સિધ્ધ કરવું તો શહેરીઓના હાથમાં છે. એને સારુ, આપણામાં સરદારની સેવાવૃતિ અને ત્યાગ વૃતિ જોઈએ”

    સરદારના સાર્ધ શતાબ્દી, મેયર તરીકેના શતાબ્દી અને આઝાદીના અમૃત વરસોમાં કર્ણાવતી, આશાપલ્લી , અહમદાબાદ અને અમદાવાદ રિવરફ્રન્ટ, અટલ બ્રિજ, કાંકરિયા કાર્નિવલ અને એવી જાતભાતની ઝાકમઝાળ અને રોશનીના દેખાડાથી સોહે છે. પરંતુ શહેરના સત્તાવાળાઓ અને શહેરીઓમાં સરદારની સેવા અને ત્યાગવૃતિના અભાવે ગાંધીની કલ્પનાનું અમદાવાદ સ્વપ્નવત છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ઇશ્વરના ઇ મેઇલ..૬

    જરીક જ છેટે..

    નીલમ  હરીશ દોશી

    બાઇ રે જરીક જ વધુ જો વેઠે,આ રહ્યું એનું મકામ ઢૂંકડુ
    અહી આગળ તરભેટે, જયાં તારી ધીરજ ખૂટી ને
    ત્યાંથી જરીક જ છેટે……

    ઉશનસ

    પ્રિય સખા,

    દોસ્ત, કયાં સુધી અટવાયા કરીશ હું છું કે નહીં  એની ચર્ચામાં ? શા માટે આવી વ્યર્થ શંકાઓ ?  મારા સર્જનમાં કોઇ ખામી રહી ગઇ છે ? મારા અસ્તિત્વ વિશે શંકા શા માટે ? હું તારી આટઆટલી ભૂલો પછી પણ તારામાં વિશ્વાસ રાખી શકું છું, તો તારી ભીતર આવી કોઇ શંકા શા માટે  ?

    અનેક વખત તું મને શોધવાના, પામવાના પ્રયત્નોની શરૂઆત  સાચી દિશામાં પણ કરે છે. પરંતુ થોડે પહોંચ્યા પછી તારા મનમાં ફરી શંકા જાગે છે, અનેક પ્રશ્નો ઉઠે છે અને તું ધીરજ ખોઇ બેસે છે. અને તું પાછો વળી જાય છે. પણ બની શકે જયાં તારી ધીરજ ખૂટી જાય છે ત્યાંથી એકાદ ડગલું જ આગળ હું હોઉં. તું પહોંચવાની તૈયારીમાં જ હોય અને ત્યાં જ ધીરજ ખોઇ બેસે છે, વિશ્વાસ ગુમાવી બેસે છે અને પાછો વળી જાય છે જેને લીધે  આપણે મળી શકતા નથી. હે મિત્ર, થોડી વધારે ધીરજ, થોડો વધારે વિશ્વાસ રાખીને તું આગળ વધતો રહીશ તો કોઇ એક ક્ષણે, કોઇ પણ સ્વરૂપે મારો પગ પણ તારા તરફ ચોક્કસપણે ઉપડશે.

    જમીન ખેડાય છે ત્યારે એ પુનર્નવા બને છે. જમીનનું આંતરિક સૌન્દર્ય જાણે સપાટી પર ધસી આવે છે. તારે પણ ભીતરથી ખેડાવું જોઇએ, તારી આસપાસનું, તારી ભીતરનું નીંદામણ દૂર કરવું જોઇએ તો જ આંતરિક સૌન્દર્ય, આંતરિક સમ્રુધ્ધિના દર્શન થઇ શકે.

    દોસ્ત, જીવન અટપટુ કે કઠિન નથી, તારું મન  અટપટું બની ગયું છે. સાવ  સરળ વાતને પણ આજે તેં ગૂંચવી નાખી છે. મુશ્કેલી  એટલે  પડે છે કે તારે  મહાન બનવાનો, સારા બનવાનો શ્રમ નથી લેવો. પણ સારા અને મહાન દેખાવું છે ચોક્કસ. દોસ્ત, સારા બન્યા સિવાય સારા દેખાવાના દંભી ધખારા શા માટે ?

    દોસ્ત,  મન તો એક બગીચા જેવું  છે, તારે તેના  માળી બનવાનું છે. માળીનું કામ બગીચાની સાફસૂફી કરીને તેને સુંદર બનાવવાનું છે.નકામો કચરો, ઘાસ વગેરે દૂર કરીને ફૂલોથી બગીચાને મહેકાવવાનું કામ, એ જવાબદારી માળીની છે. જીવનરૂપી બગીચાને, મનને સુરભિત કરવાની જવાબદારી તારી જ ગણાય ને?

    લિ. તારો ભગવાન

    પ્રાર્થના એટલે..જીવનની પ્રત્યેક ક્ષણે રચાતું પ્રેમગીત. દરેક નાનકડી ક્ષણનો શાશ્વતી લેન્ડસ્કેપ .

     જીવનનો હકાર..

    જીવનના પાઠો રીપીટ થતા રહે છે જયાં સુધી તમને આવડી ન જાય


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

  • કોઈનો લાડકવાયો – (૬૦) – મીઠાનો સત્યાગ્રહ અને એની દેશવ્યાપી અસરો (૩)

    પૂર્વ ભારતમાં સવિનય કાનૂન ભંગ

    દીપક ધોળકિયા

    પૂર્વ ભારત, એટલે કે બિહાર, પંજાબ, હરિયાણામાં સમુદ્ર નથી. ચારે બાજુ જમીન છે એટલે ત્યાં મીઠું પકવવાનો સવાલ જ ઊભો ન થાય. બિહારમાં ના-કરની લડાઈમાં ગામડાંના લોકોએ ચોકીદારું’ એટલે કે ચોકીદારોનો પગાર ચુકવવાની સાફ ના પાડી દીધી. આ ચોકીદારોને લોકો સરકારના જાસૂસ માનતા. ભાગલપુર જિલ્લાના બીહપુરની કોંગ્રેસ ઑફિસ પર પોલીસે કબજો કરી લીધો. આના વિરોધમાં ત્યાં લોકો રોજેરોજ ટોળે મળીને વિરોધ કરવા લાગ્યા. અંતે રાજેન્દ્રપ્રસાદ અને અબ્દુલ બારી પટનાથી બીહપુર આવ્યા. એ વખતે કોંગ્રેસ ઑફિસ સામે જબ્બરદસ્ત ભીડ એકઠી થઈ. પોલીસે એને વીખેરવા લાઠીચાર્જ કર્યો તેમાં રાજેન્દ્રબાબુ ઘાયલ થયા. આના પછી બિહારના કોઈ પણ ગામમાં પોલીસને જવાનું મુશ્કેલ બની ગયું. લોકો એમને ગામમાં ઘૂસવા જ નહોતા દેતા.

    નેલી અને યતીન્દ્ર મોહન સેનગુપ્તા

    ઍપ્રિલની ૧૨મીએ કલકત્તામાં કૉર્નવૉલિસ સ્ટ્રીટ પર લોકોએ પ્રતિબંધિત સાહિત્ય જાહેરમાં વાંચવાનો કાર્યક્રમ બનાવ્યો અને ઘણાએ ધરપકડ વહોરી લીધી. મેયર યતીન્દ્ર મોહન સેનગુપ્તાને આ ખબર પડી ત્યારે એ પણ ત્યાં પહોંચી ગયા. ત્યાં એમણે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ત્યાં સુધી પોલીસે દરમિયાનગીરી ન કરી પણ તે પછી એમણે પ્રતિબંધિત સાહિત્ય વાંચવાની કોશિશ કરી ત્યારે એમને પકડી લીધા. એ ૨૫મી સપ્ટેમ્બરે છૂટ્યા.

    આ પહેલાં જવાહરલાલ નહેરુ પકડાઈ ગયા હતા અને એમને સ્થાને યતીન્દ્ર મોહનબાબુને કોંગ્રેસના કામચલાઉ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. આથી એ આખા દેશમાં ફરવા લાગ્યા. આ દરમિયાન અમૃતસરમાં જલિયાંવાલા બાગની એક મીટિંગમાં એમને ફરી પકડી લેવાયા અને નવ મહિનાની સજા કરીને દિલ્હીની જેલમાં મોકલી દેવાયા. દિલ્હીમાં એમનાં પત્ની નેલી સેનગુપ્તા અને અરુણા આસફ અલીએ પણ સ્ત્રીઓની એક સભામાં ભાષણ કરતાં એમને પણ રાજદ્રોહના આરોપસર સજા કરવામાં આવી. યતીન્દ્ર મોહન તે પછી ઇંગ્લૅંડથી પૅરિસ થઈને ઈટાલિયન જહાજમાં પાછા ફરતા હતા ત્યારે બ્રિટિશ પોલિસે એમને ગેરકાનૂની રીતે પકડી લીધા અને ભારત લઈ આવ્યા અને કોઈ પણ આરોપ વિના જેલમાં નાખી દીધા.

    નેલી સેનગુપ્તા

    એ વખતે સરકારે કોંગ્રેસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એટલે કોંગ્રેસના પ્રમુખ બને તેને પકડી લેવાતા. એ વર્ષે કલકત્તામાં અધિવેશન મળ્યું તેમાં નેલી સેનગુપ્તાને કોંગ્રેસ પ્રમુખ બનાવવામાં આવ્યાં. એમણે કોંગ્રેસનો કાર્યક્રમ જાહેર કરવાનો હતો. પણ એના માટે ક્યાં સભા મળશે તે ખાનગી રાખવામાં આવ્યું. પોલીસે આખા કલકત્તામાં જાપ્તો ગોઠવ્યો પણ સાંજે ચાર વાગ્યે ધરમતલ્લા સ્ટ્રીટમાં બ્યૂગલ વાગ્યાં. નેલી ત્યાં પહોંચી ગયાં હતાં! પોલીસ ખાતું આ સ્થળ બાબતમાં ગાફેલ રહ્યું હતું. તે પછી પોલિસનું ધાડું ટ્રક ભરીને આવ્યું અને બેફામ લાઠીચાર્જ કર્યો અને નેલી સેનગુપ્તાને પકડીને લઈ ગયા.

    ૦૦૦

    સંદર્ભઃ દાંડી કૂચથી શરૂ થયેલા ઘટના ચક્રના અંતિમ પ્રકરણના અંતે સંદર્ભ સૂચિ આપવાનું ધાર્યું છે.


    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

  • નેતૃત્વની નક્ષત્રમાળામાં સ્વરાજત્રિપુટીની ભૂમિકા

    તવારીખની તેજછાયા

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    પ્રકાશ ન. શાહ

    સ્વરાજ પછી તરતનાં વર્ષોમાં, ૧૯૪૯માં જવાહરલાલ સાઠ વરસના થયા ત્યારે વલ્લભભાઈએ ચુંમોતેરમે, પોતાનાથી ચુદ વરસ નાના આ સાથીના ને પોતાના સંબંધ અને ભાવબંધને સુરેખ મૂકી આપ્યા છે : ‘હું અને જવાહરલાલ દાયકાઓથી કોંગ્રેસસાથી રહ્યા છીએ. એક જ પરમ ગુરુ (ગાંધી)ના સમર્પિત અનુયાયીઓ અને સ્વાતંત્ર્યસંગ્રામના સાથી સૈનિકો છીએ. આજે આ વિશાળ દેશના વહીવટ અને સંગઠનનો બોજ પણ અમે સાથે ઉઠાવીએ છીએ.’ ‘એકબીજાને અનેકવિધ કામગીરીઓમાં નજીકથી જાણવાને કારણે સ્વાભાવિક જ પરસ્પર ચાહના અનુભવતા થયા છીએ અને વરસોના વહેવા સાથે પરસ્પરનો સ્નેહ વધતો ગયો છે. અમે સાથે ન હોઈએ, પરસ્પર પરામર્શ શક્ય ન હોય ત્યારે અમને એકબીજાની ખોટ કેવી સાલે છે તે સમજવું ઘણાને સારુ મુશ્કેલ થઈ પડે એવું છે. અમારો આ ગાઢ પરિચય. આ નિકટતા, બે ભાઈઓ વચ્ચે હોય એવો આ સ્નેહ જોતાં જાહેરમાં જવાહરલાલની કદરબૂજના શબ્દો ઉચ્ચારવવાનું મારે માટે દુષ્કર છે. પણ દેશની દેવમૂર્તિ શા લોકનેતા, આમ જનતાના હૃદયમાં વસેલા વીરનાયક-જેનાં ઉદાત્ત કર્યો અને મહાન સિદ્ધિઓ આપણી સામે એક ખુલ્લી કિતાબ સરખી છે એને વિશે કશું ઉમેરવું કદાચ જરૂરી નથી.’ વલ્લભભાઈએ એક જ પરમ ગુરુના અનુયાયી હોવાની ને બે ભાઈઓ જેવો સ્નેહ હોવાની જિકર જવાહરલાલના સાઠમે અને પોતાના ચુંમોતેરમે કરી છે.

    સ્વરાજસંગ્રામના આકાશમાં નેતૃત્વની એક નક્ષત્રમાળા છે. પણ એમાં આ ત્રણ, આ સ્વરાજઃત્રિપુટી એક પ્રકારે કેન્દ્રવર્તી ભૂમિકામાં છે. દેશભક્ત ત્રણે છે, પણ ગાંધી વિશ્વફલક પર છે, નેહરુના સ્વરાજકારણમાં એક અનેરું આંતરરાષ્ટ્રીય પરિમાણ છે. સરદાર આ બેઉ વાનાં પ્રીછતે છતે વાસ્તવમાં વિલસે છે. મતભેદો, વિચારભેદો ત્રણે વચ્ચે છે જે એમણે ન તો એકબીજાથી, ન તો જનતાથી છુપાવ્યા છે. આ ત્રિપુટી અનેરા ભાવબંધે ને એવા જ હૃદયબંધે જોડાયેલી છે. ૧૮૬૯માં જન્મેલ ગાંધી, તે પછી છ વરસે ૧૮૭૫માં જન્મેલ વલ્લભ, અને ગાંધી પછી ત્રીસે વરસે ને વલ્લભ પછી ચૌદ વરસે ૧૮૮૯માં જન્મેલ જવાહર, પિતા-પુત્ર જેવો સંબંધ કલ્પી શકાય, એમની વચ્ચે? હા, પણ અંશતઃ સરદારે બે ભાઈઓ જેવા સ્નેહની વાત કરી છે, પણ મોટા ને નાના ભાઈ જેવા તો ગાંધી ને વલ્લભ છે. જવાહર અક્ષરશઃ ગાંધીના પુત્રવત છે, અને પરંપરાગત સંયુક્ત કુટુંબમાં ગાંધી-વલ્લભ મોટા ને નાના ભાઈ સરખા છે.

    ૧૯૨૮માં વલ્લભભાઈ બારડોલી સાથે ‘સરદાર’ રૂપે ઉભર્યા છે. ત્રેપનના સરદાર જેમ દેશમાં ધ્યાન ખેંચવા લાગ્યા છે તેમ ચાલીસી વટાવે તે આગમચ જવાહર દેશના યુવજનોમાં પ્રિયમૂર્તિ રૂપે ઉભરવા લાગ્યા છે. યુવાનોને ખેંચતાં બે વ્યક્તિત્વ જવાહર અને સુભાષનાં છે. એ જ મહિનાઓમાં ભગતસિંહે આ બેને વધાવ્યાં છે, અને નજીકની વૈચારિક પસંદગી રૂપે જવાહર પર કળશ ઢોળ્યો છે. ભગતસિંહને લાગે છે કે આદર્શનો યુવા તરવરાટ-થનગનાટ બેઉમાં છે, હણહણતી દેશભક્તિના આસામી બેઉ છે, પણ સુભાષ નકરા ભાવાવેશના જન વધુ છે અને જવાહરનો આર્થિક-સામાજિક વિચારપિંડ બંધાયેલ છે. ગાંધી, કેમ કે તે ‘જનરેશન નેક્સ્ટ’ની રીતે વિચારે છે, પ્રમુખપદ માટે પુત્રવત જવાહરનું નામ સૂચવે છે; કેમકે પોતાના અનુજવત સરદાર પોતાની સાથે ને પોતાની વતી ‘પુત્ર’ની સંભાળ લે તેવી અણબોલી અપેક્ષા છે. ત્રેપનના વલ્લભભાઈ એ અર્થમાં ‘જનરેશન નેક્સ્ટ’ નથી જ, જે અર્થમાં હજુ ચાળીસે માંડ પહોંચેલ જવાહર છે.

    રાજમોહન ગાંધીની હજી સુધી તો પ્રતિમાન રૂપ રહેલી વલ્લભભાઈની જીવનીના વાચનથી ને મધુ લિમયે શા જહાલ સમાજવાદીએ સ્વરાજસંગ્રામનાં વર્ષોની જે ચર્ચા કરી છે એના ઉજાસમાં મને ‘જનરેશન નેક્સ્ટ’નો આ મુદ્દો વસ્યો છે. પ્રધાન ભાવ તરીકે નહીં પણ ક્વચિત અન્યાય લાગણી વલ્લભભાઈને થઈ હશે, પણ પોતે દેશના સરદાર હશે તો ગાંધીના સિપાહી પણ છે એટલે સ્વરાજ સંક્રાંતિમાં સંતુલન વિવેકપૂર્વક એ અકુતોભય વર્તે પ્રવર્તે છે. કિસાન લડત કે રિયાસતી મોરચો તો જાણે કે બરાબર, પણ ગાંધીની સલાહ પ્રમાણે જવાહરલાલે અને એમણે મળીને જે પહેલી કેબિનેટ રચી, એ કૉંગ્રેસબદ્ધ નહોતી. કૉંગ્રેસથી સામે પક્ષે રહેલ આંબેડકર, મુખર્જી, ષણ્મુખક ચેટ્ટી, રાજકારણમાં નહીં તેવા ભાભા, એવા બીજા પણ : નેહરુ-પટેલની જોડીનો મહિમા સમજાય છે?

    પટેલના જીવનનું અંતિમ વર્ષ ભાગલાના એક બેકલોગ તરીકે પૂર્વ બંગાળમાંથી હિંદુ હિજરતના પડકારનું છે. મુખર્જી કેબિનેટથી ફારેગ થઈ ગયા છે. શાંતિપ્રિય બાપુનું થયું એવું જ્વાહરનું થશે, એ વિચારે રાતવરત સરદારની ઊંઘ ઊડી જાય છે. સરહદની બંને બાજુએ લઘુમતી પંચની રચનાને ધોરણે સમાધાન સાધી પશ્ચિમ બંગાળને વિશ્વાસમાં લેવા ભાંગલી તબિયતે સરદાર પંડે પહોંચે છે.

    સ્વરાજત્રિપુટી, દેશ ક્યારે ઉતારશે તારું ઋણ?


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૩-૧૧– ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

     

  • માટીનો ટોપલો

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    કોઈ એક ગામ, એ ગામના મોટા મહેલમાં રહેતા શ્રીમાન જમીનદારની આ વાત છે. હવે જમીનદાર અને વળી શ્રીમંત પણ હોય તો એમને કઈ વાતની કમી હોય, પણ કહે છે ને કે લોભને થોભ ક્યાં?

    આ શ્રીમાન જમીનદારસાહેબને પોતાના મહેલનો વિસ્તાર વધારવાની ઈચ્છા થઈ. જે હદ સુધી વિસ્તાર વધારવો હતો ત્યાં વચ્ચે એક ઝૂંપડી આવતી હતી. કોને ખબર કયા જમાનાની હોય એવી એ ઝૂંપડીમાં ગરીબ વિધવા રહેતી હતી. આ ઝૂંપડીમાં જ એના પતિ અને પુત્રે છેલ્લા શ્વાસ લીધા હતા. પાંચ વર્ષની દીકરીને છોડીને એની પુત્રવધૂ પણ અંતે પરમધામ ચાલી ગઈ હતી.

    એક માત્ર આ ઝૂંપડી એનો આશરો અને પૌત્રી એનાં વૃદ્ધત્વનો સહારો હતા. જ્યારે એને એની ઝૂંપડી મેળવી લેવાની જમીનદારની લાલસની જાણ થઈ ત્યારે એ સાવ હતપ્રભ થઈ ગઈ.

    જમીનદારના લાખ કહેવા છતાં એ ઝૂંપડી છોડવા તૈયાર ન થઈ. જમીનદાર પાસે આ વૃદ્ધાને અહીંથી ખસેડવા માટે સઘળી ચાલ હતી. સામ, દામ, દંડ, ભેદ…અંતે જમીનદારે વકીલોનું ગજવું ભારે કર્યું, કોર્ટ પાસેથી ઝૂંપડી પર કબજો મેળવી લીધો અને ગરીબ વિધવાને ઘરબાર વગરની કરી દીધી.

    ક્યાં જાય એ વિધવા?

    આજુબાજુ જ્યાં જગ્યા મળી ત્યાં રહેવા માંડ્યું. એક દિવસ ઝૂંપડીની આસપાસ કામ કરતા લોકો પર ધ્યાન રહે એ રીતે આમતેમ ટહેલતા શ્રીમાન જમીનદારને એણે જોયા. વૃદ્ધા એક હાથમાં ટોપલી લઈને ત્યાં પહોંચી. વૃદ્ધાને જોતાની સાથે જમીનદારે ત્યાંથી એને ધકેલવાનો નોકરોને હુકમ કર્યો.

    “મહારાજ, ઝૂંપડી તો તમારી થઈ ગઈ છે એ જાણું છું, પણ મારી એક વિનંતી સાંભળશો તો પાડ તમારો.”

    જમીનદારે ડોકું હલાવીને સંમતિ આપી.

    “મહારાજ, આ ઝૂંપડીમાંથી ગયા પછી મારી દીકરીએ ખાવા-પીવાનું છોડી દીધું છે. ઘણું સમજાવ્યું, પણ એનાં મનમાંથી આ ઘર છૂટતું નથી. એને તો બસ અહીં આ ઘરમાં બેસીને, આ ઘરના ચૂલા પર બનાવેલો રોટલો ખાવી છે. જો એક ટોપલી ભરીને આ ઝૂંપડીની માટી લઈ જઈને એનો ચૂલો બનાવીને એના પર રોટલો બનાવું તો મને વિશ્વાસ છે કે એ ખાતી થશે. મહારાજ, આટલી મારી અરજ સ્વીકારો અને આજ્ઞા આપો તો આ ઝૂંપડીની એક ટોપલી માટી લઈ જઉં.”

    શ્રીમાન જમીનદારે સંમતિસૂચક ડોકું હલાવીને આજ્ઞા આપી.

    વૃદ્ધ વિધવા ઝૂંપડીમાં ગઈ. કેટલીય જૂની યાદોથી એનું મન ભરાઈ આવ્યું અને આંખમાંથી આંસુની ધાર વહેવા માંડી. થોડીક ક્ષણોમાં પોતાની જાતને સંભાળી લીધી. ટોપલીમાં માટી ભરીને હાથમાં લઈને બહાર લઈ આવી. માટી ભરેલી ટોપલી માથે લેવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ જતાં એણે માથે ટોપલી મૂકાવા જમીનદારની મદદ માંગી.

    જમીનદાર ટોપલી જોઈને ધૃણાથી ખૂબ નારાજ થઈ તો ગયા, પણ વૃદ્ધાની અનેક કાકલૂદી પછી મનમાં છાંટો દયા આવી. કોઈ નોકરને કહેવાના બદલે એ ટોપલી ઉઠાવવા જાતે આગળ વધ્યા. વૃદ્ધાનાં માથા પર મૂકવા જેવી ટોપલી હાથ લેવા પ્રયાસ કર્યો કે સમજાયું કે, એ એમની તાકાત બહારની વાત છે. થોડા ભોંઠા પડીને બોલ્યા, “ આ ટોપલી મારાથી નહીં ઉપાડી શકાય.”

    જમીનદારની નિષ્ફળતાનો સ્વીકાર જોઈને વૃદ્ધા બોલી, “મહારાજ, એક વાત કહું તો નારાજ ના થતા. તમારાથી માટી ભરેલી આ એક ટોપલી ના ઉપાડી શકાઈ, મારી ઝૂંપડીમાં તો આવી કેટલીય ટોપલી ભરાય એટલી માટી પડી છે. વિચાર કરો, જનમભર એનો ભાર કેવી રીતે ઉપાડી શકશો?”

    વૃદ્ધાની વાત સાંભળીને ધન-મદથી અહંકારમાં આવીને પોતાનું કર્તવ્ય વિસરી ગયેલા શ્રીમાન જમીનદારે વૃદ્ધ વિધવાની માફી માંગીને એની ઝૂંપડી પરત કરી.


    માધવરાવ સપ્રે લિખિત ‘એક ટોકરી ભર મિટ્ઠી’ પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ફૂલબાઈ

    સરયૂ પરીખ

    “એ…ફૂલબાઈ, સુંદર અક્ષરથી મારી આ નવી નોટબુકમાં મારું નામ લખી આપ ને.” પ્રાથમિક શાળા, ધૂડી નિશાળમાં ભણતી મારી સખીને કહ્યું.

    હાં સરૂ, લાવ લખી આપું.” હસીને ફૂલબાઈએ હાથમાંની પાટી બાજુમાં મૂકી. તેના દસ વર્ષના નાજુક ચહેરા પર શર્મિલું હાસ્ય કુદરતી જ ગોઠવાયેલું રહેતું. લાલ ઘાઘરી-પોલકુ અને લીલીમાં સફેદ ટપકા વાળી ચુંદડી, તેનો રોજનો પહેરવેશ અને વળી, ઘરે જતાં માથે ઓઢતી ત્યારે તો નાની બૈરી જ લાગતી. ફૂલબાઈને બહુ ઓછા વિદ્યાર્થીઓએ બોલતી સાંભળી હતી. હાં, જ્યારે વર્ગમાં શિક્ષક સવાલનો જવાબ કોઈને આવડે નહીં ત્યારે ફૂલબાઈને સાચો જવાબ આપવા, પરાણે બોલવું પડતું.

    “ફૂલભાઈ! ચોથીમાં પહેલા નંબરે તું પાસ થઈ. હવે તો મોટી શાળા માજીરાજમાં જવાનું.” હું તો આવતા વર્ષના સપના જોવા લાગી હતી. “અહા, કેવી મજા આવશે! આપણે સાથે શાળાએ ચાલતા જશું, તું મારા ઘરે આવીશ ને?”

    “ખબર નહીં.” ફૂલબાઈ ઉત્સાહ વગર બોલી.

    મેં ઘેર જઈ મારા બાને વાત કરી ત્યારે બાએ કહ્યું હતું કે, ‘સરૂ! તારા માટે આગળ ભણવા જવા વિશે કોઈ શંકા ભર્યો સવાલ જ નથી. પણ, ફૂલબાઈને કદાચ ભણવા ન પણ મોકલે. તેથી આવો ઉદાસ જવાબ આપ્યો હશે.’ અમને ખબર હતી કે ચાર ભાઈ બહેનોમાં, ફૂલબાઈ…પહેલી દીકરી હતી જેણે ચોથી ચોપડી પાસ કરી હતી.

    ફૂલબાઈનો પરિવાર ભાવનગરના કંસારા કાંઠે રહેતો હતો. ત્યાં રબારી અને ભરવાડના ખોરડાં હતાં. અમારે ત્યાં કામ કરવા આવતા હરીબેન અને દૂધ આપવા આવતા જેઠાભાઈ વગેરે ફૂલબાઈના પાડોશી હતાં. એક વાર તેમના રહેઠાણ જોવા અમે ગયાં હતાં, જાણે શહેરમાંથી ગામડામાં આવી ગયા, તેવું લાગ્યું હતું. વરસાદ બહુ આવ્યો હોય ત્યારે અમારી વસ્તી સાથે જોડતો રસ્તો ખોરવાઈ જતો અને અમારે જાતે કામ કરવું પડતું.

    ઉનાળાનું વેકેશન પૂરું થતા, નિશાળે જવાના ઉત્સાહમાં હું નવા કપડાંમાં સજ્જ, ફૂલબાઈની રાહ જોતી ઘરની અંદર-બહાર દોડાદોડ કરતી હતી. અંતે ફૂલબાઈ આવી અને અમે હોંશથી દોડતાં નિશાળે પહોંચી ગયાં. છોકરીઓની શાળામાં, સવારમાં માધ્યમિક શાળા અને બપોરે હાઈસ્કૂલના ક્લાસ હતા. હાઈસ્કૂલમાં ભણાવતા મારા બા સાથે મેં આ શાળા પહેલા જોયેલી હતી પણ ફૂલબાઈ તો, “અધધ…આટલો મોટો દરવાજો અને અનેક છોકરીઓ!” એવા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ. કયા વર્ગમાં અમારું નામ છે! એ જોવા જતાં હતાં ત્યારે ફૂલબાઈ એક જ રટણ કરતી હતી કે, “આપણે એક જ વર્ગમાં હોવા જોઈએ.” પણ ના…એમ નહોતું, એ જોઈ ફૂલબાઈ રોવા જેવી થઈ ગઈ.

    મેં કહ્યું, “આપણે પૂછશું, કદાચ વર્ગમાં ફેરબદલી કરી આપે.” ફૂલભાઈ ધીમી ચાલે મારી પાછળ આવી અને હું તેના વર્ગ પાસે તેને છોડી મારા વર્ગમાં જતી રહી. અમારા શિક્ષકને વર્ગ બદલવાની વાત કરી પણ ખાસ શક્યતા ન લાગી.

    ઉદાસ ચહેરે ફૂલબાઈ પહેલે દિવસે ઘેર ગઈ. તે પછી દસેક દિવસ શાળામાં આવી તેથી, ખુશી ખુશી મારી બાને મેં કહ્યું, “હાશ, હવે લાગે છે કે ફૂલબાઈ ભણવાનું ચાલુ રાખશે. મને નિશાળે જવામાં અને સાથે લેસન કરવા મળશે.”

    તેવામાં એક દિવસ અમારા કામવાળા બહેન કહે, “આજ ફૂલબાઈ નહીં આવે. એની મોટીબેનને જોવા આવવાના છે.” ત્યારબાદ, ફૂલબાઈ ‘આવતીકાલે નિશાળે આવશે’ એવી આશા દિન-દહાડે ઓસરતી ગઈ.

    મેં હરીબેન સાથે કહેવડાવ્યું કે ફૂલબાઈ એકવાર તો મળવા આવે. રવિવારે બપોરે ફૂલબાઈ મારે ઘરે આવી. અમે બંને ઓટલે બેઠા.

    મેં સવાલની ઝડી વરસાવી. “કેમ આટલા બધા દિવસોની સ્કૂલ પાડી? હવે લેસન કઈ રીતે કરીશ…?”

    એની લાક્ષણિક રીતથી, હડપચી નીચે હાથ ટેકવી, તે શાંત બેસી રહી. પછી, પોતાના આંસુ છુપાવવા, ચહેરો ફેરવી લીધો.

    “અરે, ફૂલબાઈ! તું રડે છે?” નાસ્તો આપવાં આવતાં મારા બા બોલ્યાં. “કહે, શું થયું?”

    “મારી મોટીબેનનું વેશવાળ નક્કી થયું અને છ મહિના પછી લગન છે. તેના આણા માટે ભરતકામ અને બીજી તૈયારી કરવાની છે.” અચકાતા આગળ બોલી, “…અને એ જ ઘરમાં નાના ભાઈ સાથે મારા ‘બોલ બોલ્યા’ છે. એ ઘરના ડોહા કહે છે કે ‘ફૂલબાઈને વાંચતાં-લખતાં આવડે એ બસ, હવે આગળ ભણવાની જરૂર નથી’ ને વાત પતી ગઈ.” ફૂલબાઈ ગુસ્સા અને નિરાશા સાથે બોલી.

    “હેં, તારા લગન થઈ જશે?” હું અચંબો પામી ગઈ.

    “પાંચ-છ વરસ પછી…ત્યાં સુધી ઘરકામ કરવાનું. મા કહે છે તેમ…આમે ય, નિશાળ બહુ આઘી છે.”

    મારા બા નાસ્તો આપી વિચાર કરતાં અંદર ચાલ્યાં ગયાં. અમારું બાલમાનસ કોઈ વિષય પર લાંબો વિચાર થોડો જ કરે? ફૂલબાઈ અને હું નાસ્તો આરોગતાં, કોડીઓ કાઢી રમવાં લાગ્યાં અને કારણ વગર ખીલખીલ હસવાં લાગ્યાં.

    મારા બાએ એક વખત ફૂલબાઈના મા સાથે વાત કરી પણ, છોકરીને નિશાળે મોકલવા સમજાવી ન શક્યા. ક્યારેક ફૂલબાઈ હરિબેન સાથે આવતી અને અમે સાથે રમતાં. પણ, સમય સાથે ફૂલબાઈ એક નાનપણની મીઠી યાદ બનીને રહી ગઈ.

    કોલેજનો અભ્યાસ અને મારા પતિના વ્યવસાય અંગે ઘણાં શહેરોમાં રહ્યાં પછી, ભાવનગરમાં અમારે આવવાનું થયું. મેં કોલેજમાં નોકરી લીધી. ગામમાં આવું અને ફૂલબાઈની યાદ ન આવે, એ તો કેમ બને? મને થાય…અરેરે! કેવા ઘરમાં તેના લગન થયાં હશે! કેવો વર હશે!

    સરખી સાહેલીના સોણા સંગાથમાં, સંતાકૂકડીનાં શહેરમાં,
    ફૂલ પંખુરિયા ઊડે અવકાશમાં, ખોવાતી સખીના સ્મરણમાં.

    અમારો દીકરો રજત છોકરાઓની નિશાળમાં દાખલ થયો. નવા મિત્રોની વાતો કરતાં, રાઘવ નામ ફરી ફરીને સાંભળવામાં આવતું. વરસ પસાર થઈ ગયું. મેટ્રિકની છેલ્લી પરીક્ષા પહેલા, રજત મુશ્કેલ દાખલા શીખવા રાઘવ પાસે જતો.

    રજત કહે, “મમ્મી! પરિણામના બીજે દિવસે મેળાવડો છે અને વિદ્યાર્થીઓના વાલીઓને આમંત્રણ છે.”

    મેં કહ્યું, “હાં. તારા પપ્પા અને મને ખાસ આમંત્રણ છે. તને કોણ લાગે છે કે પહેલો નંબર આવશે?”

    રજત બેધડક બોલ્યો, “રાઘવ.”

    સભાગૃહમાં ઘણા લોકો વચ્ચે અમે પસાર થતાં, પહેલી હરોળમાં ગોઠવાયાં. મુખ્ય દસ વિદ્યાર્થીઓને મંચ પર બોલાવ્યા. દસથી ત્રણ સુધીના નામ બોલાયા. બીજા નંબર પર રજતનું નામ અને માતા-પિતા તરીકે, અમારું નામ બોલાયું.

    સંચાલક બોલ્યાં, “અને બોર્ડમાં પ્રથમ નંબર લાવનારનું નામ છે રાઘવ. રાઘવ અને તેના માતા પિતા, ફૂલબાઈ અને રાણાને અભિનંદન.” મારું હ્રદય એક ધડકન ચૂકી ગયું.

    તાળીઓના ગડગડાટ વચ્ચે મેં પાછળ ફરીને જોયું તો, ત્રીજી હરોળમાં, રાતા ગામઠી પહેરવેશમાં, ફૂલબાઈ તેના પતિની સાથે હસી રહી હતી. મારી સાથે નજર મળતા જાણે ભૂલી ગઈ કે, તે ક્યાં છે? અને મને મળવા દોડી આવી. એ તો સારું કે લોકો પણ ઉત્સાહમાં ઉભા થઈ ગયાં હતાં તેથી અમારા બંનેની દોડ અને મેળાપ અજુગતાં નહીં લાગ્યાં હોય.

    “અરે ફૂલબાઈ! તારો દિકરો તારી જેમ જ હોંશિયાર નીકળ્યો.” તેનો હાથ સ્નેહથી દબાવતાં હું બોલી.

    “એવો તો દાવો કેમ કરું? હું તો પછી આગળ ભણી નહીં. રાઘવના બાપુ બહુ ભણેલા નથી પણ તે રાઘવને ભણાવવાના જોશમાં પગ વાળીને બેઠા નથી. દીકરાએ અમને આટલું માન અપાવ્યું અને તારો મેળાપ પણ કરાવ્યો.” કહીને ફૂલબાઈ મને ફરી વળગી પડી. રજત, રાઘવ તેમના પિતા સાથે આવીને વાતે વળગ્યા.

    “મમ્મી એમ માનતી હતી કે તમે કોઈ ગામડામાં છો.” રજત બોલ્યો.

    રાણા બોલ્યા, “હા. પણ, રાઘવ સારી નિશાળમાં ભણી શકે તેથી છેલ્લાં થોડાં વર્ષોથી શહેરમાં આવ્યા. હજુ સુધી તો ભણાવી શક્યા, હવે આગળ જોઈએ શું થાય છે!”

    “રાઘવ જરૂર આગળ ભણશે અને તેની જવાબદારી અમારી.” મેં જાણે આખરી ફેંસલો સુણાવ્યો.

    મારા પતિ હસતા કહે, “રાઘવ તૈયાર થઈ જા. હવે, ફૂલબાઈએ જેટલા અક્ષરમોતી સરૂની નોટબુકમાં આલેખ્યા છે, તેટલા વર્ષ તારે કોલેજમાં ભણ્યા સિવાય છૂટકો નથી. આ માસી તને નહીં છોડે.”

    અને એ જ શર્મિલા હાસ્ય સાથે શાંતિ, સંતોષ અને ગૌરવભરી ફૂલબાઈને…હું જોતી રહી.


    સંપર્કઃ સરયૂ પરીખ  :  saryuparikh@yahoo.com | www.saryu.wordpress.com