-
રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહીની અસલિયત
નિસબત
ચંદુ મહેરિયા
જુલાઈ ૨૦૨૨માં આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીને વાય. એસ. આર. કોંગ્રેસ (યુવજન શ્રમિક રાયથ કોંગ્રેસ)ના આજીવન પ્રમુખ ઘોષિત કરવામાં આવ્યા હતા. આ બાબત લોકશાહીને હાનિકારક છે એમ કહીને ઈલેકશન કમિશને નારાજગી વ્યક્ત કરી હતી. અગાઉ બાળાસાહેબ ઠાકરેની શિવ સેના અને માયાવતીની બહુજન સમાજ પાર્ટીને પણ ચૂંટણી પંચે પક્ષના સંગઠનની વરસોથી કોઈ ચૂંટણીઓ ના યોજવા બદલ ટપારી હતી.
રાજ્યોના મુખ્ય મંત્રીઓની પસંદગી ચૂંટાયેલા ધારાસભ્યોના મતદાનથી કરવાને બદલે પક્ષનું મોવડી મંડળ(ખરેખર તો વડાપ્રધાન કે સર્વોચ્ચ નેતા) કરે તે આંતરિક લોકશાહીના અભાવનું અને લોકતંત્ર વિરોધી પગલું છે.તાજેતરમાં જમ્મુ કશ્મીર વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો જાહેર થતા હતા અને તેમાં નેશનલ કોન્ફરન્સને બહુમતી મળવાની શક્યતા જોતાં જ ફારુક અબ્દુલ્લાએ ઓમર અબ્દુલા મુખ્ય મંત્રી બનશે તેમ જાહેર કરી દીધું હતું. હિમાચલપ્રદેશમાં કોંગ્રેસના સુખ્ખુની સી.એમ તરીકે પસંદગી પ્રિયંકા ગાંધીની હોવાનું કહેવાય છે. તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રી તરીકે નવા જ નેતાઓની પસંદગી વડાપ્રધાન અને ગૃહપ્રધાને કરી હોવાનું સ્પષ્ટ છે.
દેશના બે મોટા રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ મુખ્યમંત્રીની પસંદગી આંતરિક લોકતંત્રથી થયાનો દેખાડો જરૂર કરે છે. કેન્દ્રિય નિરીક્ષકો રાજ્યમાં જાય છે, ચૂંટાયેલા ધારાસભ્યોનો અભિપ્રાય જાણે છે પરંતુ ધારાસભ્યોની બેઠકમાં પક્ષના હાઈ કમાન્ડને નેતા નક્કી કરવા સત્તા આપતો એક લીટીનો ઠરાવ કરવામાં આવે છે. તેથી લોકશાહીના નામે થતી રમત જણાઈ આવે છે. પ્રાદેશિક પક્ષોમાં તો નામની ય આંતરિક લોકશાહી જોવા મળતી નથી અને રાષ્ટ્રીય પક્ષો લોકતંત્રના નામે દેખાડો કરે છે. ભારતના ડાબેરી પક્ષોને બાદ કરતાં ભાગ્યે જ કોઈ રાજકીય પક્ષમાં આંતરિક લોકતંત્ર જોવા મળે છે.
રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહીનો મતલબ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી, પક્ષમાં અને સરકારમાં નેતૃત્વની પસંદગી, સરકાર અને સંગઠન સંબંધી નિર્ણય કરવાની પ્રક્રિયા, નીતિ નિર્માણ અને પક્ષના નેતૃત્વનું સભ્યો પ્રત્યેનું ઉત્તરદાયિત્વ સુનિશ્ચિત કરવામાં પક્ષના તમામ કે પ્રતિનિધિરૂપ સભ્યોની સક્રિય સામેલગીરી હોવી તે છે. પરંતુ આ પ્રકારનું કોઈ આંતરિક લોકતંત્ર ભારતના રાજકીય પક્ષોમાં જોવા મળતું નથી.વળી આવું લોકતંત્ર ન હોય તો કોઈ પગલાં લઈ શકાતા નથી. કેમ કે તે માટેની કોઈ કાયદાકીય જોગવાઈ જ નથી.
ભારતનું ચૂંટણી પંચ રાજકીય પક્ષોની નોંધણી કરે છે અને તેને માન્યતા આપે છે. રાજકીય પક્ષો ઈલેકશન કમિશન સમક્ષ રજિસ્ટ્રેશન માટે અરજી કરે ત્યારે તેમાં જણાવવું પડે છે કે પક્ષ દર પાંચ વરસે તેના હોદ્દેદારોની સ્વતંત્ર, પારદર્શી અને નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવશે. પક્ષના એક તૃતીયાંસથી વધુ હોદ્દા પર વગર ચૂંટણીએ વરણી કરાશે નહીં. પરંતુ હકીકતમાં આ બાંહેધરીનો ભાગ્યે જ અમલ થાય છે. પંચ રાજકીય પક્ષોને દર પાંચ વરસે સંગઠનની ચૂંટણી કરાવવા અને નેતૃત્વ પરિવર્તન કરવા યાદ કરાવતું રહે છે. પરંતુ પંચની આ વિનંતી પક્ષોને કાનૂની રીતે બાધ્યકારી નથી હોતી અને નૈતિકતા અને રાજકીય પક્ષોને તો કોઈ સંબંધ હોતો નથી. એટલે અમલના નામે મીંડુ છે.
વિશ્વના કેટલાક લોકશાહી દેશોના રાજકીય પક્ષોમાં પ્રવર્તતી આંતરિક લોકશાહીની સ્થિતિ જાણવા જેવી છે. યુનાઈટેડ કિંગડમ (યુ.કે.)માં રાજકીય પક્ષોના સભ્યોની ભાગીદારી પક્ષના તમામ સ્તરે હોય છે. યુ.કેની રૂઢિવાદી પાર્ટી( કન્જર્વેટિવ પાર્ટી) એ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે પ્રાથમિક ચૂંટણી શરૂ કરી છે. તે પ્રમાણે ઉમેદવારોની સૂચિ અંતિમ નિર્ણય માટે સ્થાનિક એકમોને મોકલવામાં આવે છે. અમેરિકામાં રાજકીય પ્રતિનિધિત્વના બધા જ સ્તરે ઉમેદવારોને હરીફાઈની તક મળે છે. જર્મનીના બંધારણમાં જ રાજકીય પક્ષોના કામકાજને નિયંત્રિત કરવાની જોગવાઈ છે. તેને અનુસરીને કાયદો પણ છે.
કહેવાય છે કે લોકતંત્ર ભારતની સંસ્કૃતિ છે. ભારતીયોના સંસ્કારોમાં લોકશાહી અંતર્નિર્હિત છે. લોકશાહી તો ભારતનો વારસો છે. જો તેને સત્ય ઠેરવવું હોય તો દેશના સમગ્ર લોકતાંત્રિક તાણાવાણા માટે પોલિટિકલ પાર્ટીઓમાં આંતરિક લોકતંત્ર હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. લોકતાંત્રિક સંસ્કૃતિના પોષણ અને લોકતાંત્રિક મૂલ્યોના જતન માટે પાર્ટીઓની ભીતર લોકશાહી આવશ્યક જ નહીં અનિર્વાય છે.
ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી આંતરિક લોકશાહીથી પારદર્શી પ્રક્રિયા દ્વારા કરવાના અભાવે અસંતોષ વધે છે અને પક્ષપલટા થાય છે. નેતૃત્વ પ્રત્યેની વફાદારી અને જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગીનો માપદંડ રાજકીય પક્ષોમાં નવા નેતૃત્વને ઉભરવા દેતું નથી. વળી પક્ષને બદલે નેતા પ્રત્યેની વફાદારીથી પણ પક્ષ નબળો પડે છે. પૂર્વે સંસ્થા કોંગ્રેસ કે નજીકના ભૂતકાળમાં તૃણમૂલ કોંગ્રેસ, એન. સી. પી અને વાય. એસ. આર. કોંગ્રેસની રચના પાર્ટીની ભીતર સંવાદના અભાવે અને નેતાઓની મહત્વાકાંક્ષાઓને કારણે જ સર્જાઈ હતી. ભીતરી લોકતંત્રના અભાવે જ પક્ષોમાં જૂથવાદ વકરે છે. આજીવન અધ્યક્ષ કે આજીવન અધ્યક્ષના જેવું વરસોથી પક્ષનું નેત્રુત્વ કોઈ એક જ વ્યક્તિના હાથમાં હોય તે વાસ્તવિકતા રાજકીય પક્ષોની અંદર નેતૃત્વમાં પરિવર્તન અને નિષ્પક્ષ પ્રતિનિધિત્વના બુનિયાદી ખ્યાલનો છેદ ઉડાડે છે.
કોંગ્રેસે આંતરિક લોકતંત્રના પ્રદર્શન માટે પક્ષ પ્રમુખની ચૂંટણી કરી હતી. અને મલ્લિકાર્જુન ખડગે સામે શશિ થરૂરે ઉમેદવારી કરી હતી. પરંતુ પાર્ટીના અન્ય હોદ્દેદારોની ચૂંટણી થઈ હતી ખરી ? પાર્ટીઓ ઉપપ્રમુખ, મહામંત્રી અને ખજાનચીના પદો તો કેટલાક લોકો માટે કાયમ અનામત રાખે છે. વ્યક્તિગત નેતાના કરિશ્મા પરથી તેની નેતૃત્વ માટે પસંદગી લોકતંત્ર માટે ઘાતક પણ બની શકે છે.
ગુજરાતમાં ભારતીય જનતા પક્ષે મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીને જ નહીં સમગ્ર પ્રધાન મંડળને રૂખસદ આપી હતી. વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભૂપેન્દ્ર પટેલને સી.એમ પદે નિયુક્ત કર્યા હતા. શું આ નિર્ણય પક્ષના ધારાસભ્યોનો હતો કે પક્ષના શીર્ષ નેતૃત્વનો? આંતરિક લોકશાહીના અભાવે આવા મોટા નિર્ણયો ધારાસભ્યોની નારાજગી વહોરીને લેવામાં આવે છે. દિલ્હી નિમ્યા દંડનાયકોની પરંપરા હજુ ય યથાવત છે અને તેને પડકાર અપવાદરૂપ બીના છે.
૧૯૭૩માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પછી વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સી.એમ તરીકે પસંદ કાંતિલાલ ઘીયા હતા. પરંતુ ઈન્દિરાઈના દિલ્હી નિમ્યા દંડનાયકને ચીમનભાઈ પટેલે પડકારતા પક્ષને ધારાસભ્યોના ગુપ્ત મતદાનથી પસંદગી કરવાની ફરજ પડી હતી. તેમાં ઈન્દિરાજીના ઉમેદવારને હરાવી ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે પસંદ થયા હતા. પરંતુ આ પ્રકારના અપવાદો કેટલા ?
ઈલેકશન કમિશનને જો રાજકીય પક્ષોના રજિસ્ટ્રેશન અને માન્યતાની સત્તા હોય તો આંતરિક લોકશાહીના મુદ્દે તેને માન્યતા રદ કરવાની સત્તા મળવી જોઈએ. આ માટે કાયદામાં સુધારો કે નવો કાયદો ઘડાવો જોઈએ. રાજકીય પક્ષો આ પ્રકારના કાયદા કે ચૂંટણી સુધારા માટે સ્વાભાવિક રીતે જ રાજી નથી. એટલે ભારતના મતદારોએ જ રાજકીય પક્ષોમાં રહેલા આંતરિક લોકતંત્રના આધારે રાજકીય પક્ષની સત્તા માટે પસંદગી કરવી જોઈએ. લોકોનું દબાણ કદાચ રાજકીય પક્ષોને આ દિશામાં વિચારવા મજબૂર કરશે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
આદિવાસી અધિકારનો મુદ્દો વિકાસમાં બાધારૂપ
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
જનજાતીય ગૌરવ દિવસના રાજસી તામઝામ વચાળે લગરીક ન્યારે છેડેથી, મેઘાણી ને જયન્ત કોઠારીના હવાલેથી વાત શરૂ કરવા ઈચ્છું છું. સહેજે ત્રણ-ચાર દાયકા થઈ ગયા એને- જયન્તભાઈનો ફોન આવ્યો કે આ બિરસા મુંડા કોણ છે. એમની પૃચ્છાનું નિમિત્ત અલબત્ત મારી કલમકથની હતી. મેઘાણી જયંતીએ લખતાં મેં મારતી કલમે ટપકાવેલું કે જે રીતે મેઘાણી જનઆંદોલનનો સ્પંદ ઝીલતા હતા એ જોતાં, જો એ આપણી વચ્ચે હોત તો બિરસા મુંડા અને સૂ ચી (કી) સહિતના કેટલાયે પ્રજાસૂય જોધ્ધા વણગાયાં ન રહ્યાં હોત. ખરું પૂછો તો મેં લખતા શું લખી નાખ્યું’તું, પણ બિરસા બાબતે નિરાંતે ને વિગતે વાત કરવાની સજ્જતા મારી કનેય ત્યારે ક્યાં હતી? સધિયારો અલબત્ત એક જ હતો, મહાશ્વેતાદેવીનો : એમની નવલકથા ‘અરણ્યેર અધિકાર’ (‘અરણ્યનો અધિકાર’, અનુ. સુકન્યા ઝવેરી, 1985) વાંચવાનું બન્યું હતું અને બિરસા મુંડાના જીવનકાર્યની કંઈક ઝાંખી મળી હતી.
ઝારખંડ શા આદિવાસી ઈલાકામાં, ટૂંકી જિંદગીમાં એણે જે જેવી જાણ્યું, લોક એને ભગવાન કહેતું. બિરસાનો જન્મ ૧૮૭૫ના નવેમ્બરની પંદરમીએ અને જેલજુલમે મૃત્યુ ૧૯૦૦ના જૂનની નવમીએ: પૂરાં પચીસ વરસમાં પણ પાંચ મહિના ઓછા. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વારાથી શરૂ થઈ રાણી વિક્ટોરિયાના ઢંઢેરાથી આરંભાયેલ બ્રિટિશ રાજઅમલનો ગાળો જળ, જમીન અને જંગલના અધિકારો મૂળ વતનીઓ પાસેથી ક્રમે ક્રમે રાજ હસ્તક જવાનો ગાળો છે. બાળક બિરસા, કેમ કે પિતા એને ભણાવવા ચાહે છે ને પોતે પણ ભણવા ઈચ્છે છે, ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી મિશન સ્કૂલમાં ભરતી થાય છે. ખેંચાણ અલબત્ત ધર્મનિષ્ઠા તરેહનું નથી. ખ્રિસ્ત મતાવલંબી એક શિક્ષકનાં મહેણાંટોણાંથી શાળા બદલે છે અને બહારની દુનિયામાં પગ મૂકતાં જે સિતમ ને શોષણ અનુભવે છે એમાં હજુ વીસી પણ વટાવે તે પહેલાં તીરકામઠાં સાહે છે. જુવાનોનું દળ ખડું કરે છે. બંદૂક સામે તીરની લડાઈ, પરિણામ નક્કી છે. પણ જે બની આવે છે તે નવો, પલટાતો મિજાજ. બિરસા થકી પ્રચલિત પ્રયોગ, ઉલગુલાન.
૧૮૫૭માં દેશજનતાએ રોટી ને કમલના સંકેત સાથે ‘મારો ફિરંગી કો’ એવો એક ભેરીઘોષ સાંભળ્યો હતો. પછીની પચાસીમાં ‘વંદે માતરમ્’ના નારાએ જનમાનસનો કબજો લીધો હતો. વીસમી સદીનો ત્રીજો દાયકો આવતે આવતે આ સ્વદેશવત્સલ જયઘોષ ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ના નારા સાથે નવાં નિશાન સાધતો આવતો હતો. પણ ‘વંદે માતરમ્’ અને ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ની સાથે અંતરિયાળ ભારતમાં આદિવાસી ઈલાકામાં પરચમ પેઠે લહેરાતો નાદ, સંભળાતો સાદ હતો ઉલગુલાન કહેતા ક્રાન્તિ.
૧૮૫૭ની શતાબ્દી મનાવાઈ ત્યારે ભારતીય વિદ્યાભવનની સુપ્રતિષ્ઠ ભારત ઈતિહાસ શ્રેણીના વડા સંપાદક આર. સી. મઝુમદારે સત્તાવનના સંગ્રામને પહેલો સ્વાતંત્ર્યસંગ્રામ કહેવાની ના ભણી હતી. નહીં કે એમને સત્તાવનનું મહત્ત્વ નહોતું વસ્યું. પણ એમનું કહેવું એમ હતું કે ૧૮૫૭ પહેલાં અને તે પછી દેશમાં અલગ અલગ ઠેકાણે સ્વાતંત્ર્યસંઘર્ષ ચાલતો રહ્યો છે. દેશના આદિવાસી ઈલાકાઓમાં અઢારમી સદીથી આરંભીને ઓગણીસમી ઉતરતે પણ દોર જારી રહ્યો છે.
વેલ, બિરસા તો એકસો પચાસ વરસ પરનું નામ છે, પણ હજુ માંડ પાંચ દાયકા પર આપણી વચ્ચે નાગાલેન્ડ-મણિપુરનાં લક્ષ્મીબાઈનું બિરૂદ પામેલાં રાણી ગાઈદિન્લિયુ હતાં જ ને. ૧૯૩૧માં ૧૬ વરસની આ કન્યકાએ ચાર હજારના સશસ્ત્ર દળ સાથે આસામ રાઈફલ્સનો મુકાબલો કરી જેલ વહોરી હતી. ૧૯૩૭માં એને મળ્યા પછી જવાહરલાલે ‘રાણી’નું માનબિરૂદ આપ્યું તે એના નામનો હિસ્સો બની ગયું. આઝાદ હિંદે એને સ્વાતંત્ર્યસેનાની સન્માન આપ્યું ને પદ્મભૂષણે પોંખી.
બાય ધ વે, વસ્તુત: ફ્રિન્જલાઈન ચર્ચવેડા બાદ કરતાં મેઈન લાઈન ચર્ચો તો ભીમા-કોરેગાંવ કેસ દરમ્યાન જેલમાં શહીદ થયેલા સ્ટેનસ્વામી પેઠે જળ-જમીન-જંગલના અધિકારો સારુ ઝૂઝતા કર્મશીલોની કાર્યાશાળા છે. બ્રિટિશ અમલમાં ફોરેસ્ટ એક્ટ અને આનુષંગિક પગલાં સાથે કોલસા ને સોનાની ખાણોની જેમ જંગલો ને વેસ્ટલેન્ડ રાષ્ટ્રીય સંપત્તિ કહેતાં સુવાંગ સરકારી માલિકીના બની ગયાં… હા, રાજવીઓ ને લાટસાહેબો માટે મૃગયા સારુ અંકિત ઈલાકા બાદ! સ્વરાજ પછી, મોડે મોડે જળ-જમીન-જંગલના અધિકારો મુદ્દે જરૂર હિલચાલ છે.
૧૯૮૮થી ગ્રામસભા અને વન અધિકારીઓની સહિયારી વ્યવસ્થા હેઠળ કંઈક ફેરફાર શરૂ થયો. ૨૦૦૬માં મનમોહન સિંહની સરકારે ધ શિડ્યુલ્ડ ટ્રાઈબ્સ એન્ડ અધર ટ્રેડિશનલ ફોરેસ્ટ ડ્વેલર્સ એક્ટ- એફઆરએ અન્વયે કંઈક ભોંય ભાંગવાની શરૂઆત કરી. પણ છેલ્લો દસકો એક આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ પદે સ્થાપવા જેવા ઉપચારો બાદ કરતાં આદિવાસી અધિકારોના સંકોચનનો છે.
વનરક્ષણ અને આદિવાસી અધિકારોનો મુદ્દો રેલવે, વીજળી, કોલસા, પેટ્રોલિયમ મંત્રાલયોને અને નીતિ આયોગને વિકાસયાત્રામાં રુકાવટ (બોટલનેક) જેવો લાગે છે. એપ્રિલ ૨૦૨૪ના સર્વેક્ષણ પ્રમાણે વન-ગ્રામસભા મામલામાં સરકારી અધિકારીઓ કોમ્યુનિટી રાઈટ્સ પર હાવી માલૂમ પડે છે.
સાર્ધ શતાબ્દીના તામઝામમાં વિગતો સંભળાશે?
ન જાને.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૦-૧૧– ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
કરસનદાસ મૂળજીનો ઈંગ્લેન્ડ પ્રવાસ – પ્રકરણ ૧
સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર

(કરસનદાસ મૂળજી – ૧૮૩૧ થી ૧૮૭૨) (“આ પ્રવાસ પુસ્તકના બધાં પ્રકરણ મનોરંજક અને બોધકારક છે. દરેકને તેના બુદ્ધિમાન કર્તાએ રસ કસ અને શિખામણથી ભર્યું છે તથાપિ 9મા અને 19મા પ્રકરણોને હું વધારે કિંમતી ગણું છું, ને તે ચીપી ચીપીને વાંચવાની ભલામણ કરૂં છું. એમાંથી સાર અસાર જુદા પાડી સાર, ગ્રહણ કરવાની જરૂર છે. વાંચનાર પૂછે કે શા વાસ્તે જરૂર છે? તો જવાબ એ છે કે આપણા દેશની ઉન્નતિને માટે જરૂર છે. જે ગુણોએ ઇંગ્રેજને આબાદ અને મોટા કર્યાં છે, જે લક્ષણોએ તેમને ઉંચે દરજ્જે ચડાવ્યા છે, જે ગુણો પર મોહી લક્ષ્મીજી તેમને ઘેર પધાર્યા છે, જે ગુણોથી ઈંગ્રેજ મહા બળવાન થઈ ન્યાહાલ થયા છે અને રાજકાજમાં વડાઇ પામ્યા છે તે ગુણો અને લક્ષણો બતાવવાની કરસનદાસે સારી કોશિશ કરી છે. એ ગુણો અને લક્ષણો આ દેશના લોકે જાણવા અને ગ્રહણ કરવા જોઇએ. આ ગ્રંથ અને આ બે પ્રકરણો વાંચી જેનું મન નહિ ઉશ્કેરાય, જેને યુરોપ જવાનું મન નહિ થાય તેનામાં પુરૂષ્ત્વનો અંશ રહ્યો નહિ હોય”.
મહિપતરામ રૂપ
‘ઉત્તમ કપોળ; કરસનદાસ મૂળજી જીવનચરિત્ર’ નામના મહિપતરામના પુસ્તકમાંથી)
જેમણે ‘મહારાજ” ફિલ્મ જોયું હશે તેઓ કરસનદાસ મૂળજીના નામથી તો પરિચિત હશે જ. જો કે મહારાજ લાયબલ કેસ વિશે વિસ્તૃત જાણકારી મેળવી છે તથા કરસનદાસનાં જીવન વિશે થોડાઘણા પણ માહિતગાર છે, તેવા ફિલ્મ જોનારાઓનો સ્પષ્ટ અભિપ્રાય છે કે કરસનદાસ એક મોટા ગજાના સુધારક અને ધાર્મિક પાખંડ સામે હિંમતભેર લડનારા લડવૈયા હતા. પરંતુ ફિલ્મમાં તેમને પોતાની પ્રિયતમાના મોતનો બદલો લેવા માટે મહારાજ જદુનાથ સામે વેર વાળવા મેદાને પડેલા એક ઝનૂની પ્રેમી તરીકે દર્શાવીને તેમના પાત્રને ભારોભાર અન્યાય કરેલો છે.
મારે વાત કરવી છે કરસનદાસના ઇંગ્લેન્ડના પ્રવાસ વિશે, પરંતુ જેમણે મહારાજ ફિલ્મ જોઇ છે તેવા વાચકો કરસનદાસનાં વ્યક્તિત્વને ફિલ્મની અસરમાં ન પ્રમાણીને તેમને એક સાહસિક સમાજ સુધારક તરીકે જ જુએ અને એ જ દૃષ્ટિથી તેમના ઇગ્લેન્ડ પ્રવાસને મૂલવે તે માટે જ ફિલ્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કરસનદાસનો જન્મ ૨૫ જુલાઈ ૧૮૩૨ના દિવસે સૌરાષ્ટ્રના વડાળ ગામે કપોળ વૈષ્ણવ જ્ઞાતિમાં થયો. હતો. તેમની માતાનું અવસાન થતાં તેમના કાકીએ તેમને ઉછેર્યા હતા. અભ્યાસ તેમણે એલ્ફિન્સ્ટન કોલેજમાં કર્યો. ઇ સ ૧૮૫૩માં તેમણે બુદ્ધિવર્ધક સભામાં વિદેશ જવાના ફાયદા ગણાવતો “દેશાટણ” નામનો પોતાનો નિબંધ વાંચ્યો હતો. યાદ રાખીએ કે આ એ જમાનો હતો જ્યારે વિદેશ જનારને જ્ઞાતિના બહિષ્કારનો સામનો કરવો પડતો. પરંતુ તેમણે વાંચેલા નિબંધને કારણે મુંબઈનાં સુધારક મંડળમાં તેમની ખ્યાતિ વધી. એ વખતનો સમાજ એટલો બધો પછાત અને રૂઢિચૂસ્ત હતો કે કરસનદાસે ‘વિધવા વિવાહ’ વિષય પર નિબંધમાં ભાગ લીધો, તો તેમનાં કાકીએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા! આ વર્ષ પણ ઇ સ ૧૮૫૩નું જ હતું. ત્યાર બાદ તેઓ ગોકળદાસ તેજપાળ વિદ્યાલયમાં શિક્ષક તરીકે જોડાયા. એ સમયે હિંદના દાદા દાદાભાઈ નવરોજીના તંત્રીપદે ‘રાસ્ત ગોફતાર’(‘સત્યનો રાહ’) નામનું સમાયિક ચાલતું હતું. કરસનદાસે તે સામાયિકમાં ઉપરાંત “બુદ્ધિવર્ધક ગ્રંથ” અને “સ્ત્રીબોધ” નામના સામાયિકોમાં સુધારા વિષયક લેખો લખ્યા. પછી તો ઇ સ ૧૮૪૪માં તેમણે પોતે જ ‘સત્યપ્રકાશ” નામનું સામાયિક શરૂ કર્યું. આ સામાયિકમાં તેમણે વૈષ્ણવ મહારાજ જદુનાથના પાખંડો, લંપટતા અને પોપલીલા વર્ણવતો લેખ લખ્યો. પરિણામે જદુનાથે તેમની સામે બદનક્ષીનો (‘મહારાજ લાયબલ કેસ’ તરીકે જાણીતો) કેસ કર્યો. કરસનદાસ આ કેસ કેટલાક પારસી મિત્રો, ખૂબ નાની સંખ્યામાં એવા વૈષ્ણવ સુધારકો, એકાદ ધનાઢ્ય વૈષ્ણવ, કવિ નર્મદાશંકર તથા ડો ભાઉ દાજી જેવાની સાક્ષી અને મદદથી જીતી ગયા. દેશ આખાના સુધારકોમાં તેમની પ્રતિષ્ઠા વધી ઉપરાંત પ્રગતિશીલ એવા અંગ્રેજ શાસકોમાં તેમનું માન પણ વધ્યું. જો કે રૂઢિચુસ્તોએ તો તેમને તથા તેમનાં કુટુંબને પરેશાન કરવામાં કશું બાકી રાખ્યું ન હતું.
આટલી જરૂરી પૂર્વભૂમિકા પછી આપણે તેમના ઇંગ્લેન્ડના પ્રવાસ વિશે વાત કરીએ. બન્યું એવું કે રૂઢિચુસ્તો અને જ્ઞાતિજનોમાં તિરસ્કૃત થયા પછી ઇ સ ૧૮૬૩માં તેમના જ નામેરી શેઠ કરસનદાસ માધવજીની મુંબઈની પેઢીની ઇંગ્લેન્ડમાં શરૂ થયેલી ઓફિસમાં કરસનદાસને નોકરી મળી અને તેઓ ઇંગ્લેન્ડ ગયા. આઠેક માસમાં તેમની તબિયત બગડી અને મુંબઇ પાછા ફરવું પડ્યું. પરંતુ આ આઠ મહિનામાં તેમણે ઇગ્લેન્ડમાં જે જોયું તેનાથી ખૂબ પ્રભાવિત થયા. ત્યાર બાદ ઇ સ ૧૮૫૫માં તેમણે નિહાળેલા ઇંગ્લેન્ડનું અદભૂત વર્ણન કરતું ‘ઇંગ્લેન્ડમાં પ્રવાસ’ નામનું પુસ્તક લખ્યું. આ પુસ્તકનો પરિચય એ જ આપણો વિષય છે.
આજે તો ઇંગ્લેન્ડ-અમેરિકા હાટાશેર્રી થઈ ગયા છે. પરંતુ તે સમયમાં ઇગ્લેન્ડ જવાનું તો બાજુ પર પણ તેના વિશે લોકોમાં જાણકારી પણ નહિવત હતી. ઇ સ ૧૮૬૦ના બુદ્ધિપ્રકાશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સૌરાષ્ટ્રના કેટલાક રાજવીઓ તેમને ત્યાં મુલાકાતે આવતા અંગ્રેજ અમલદારોને એવા પ્રશ્નો પૂછતા કે ઇંગ્લેન્ડમાં બ્રાહ્મણ, રાજપૂત, વાણિયા વગેરે જ્ઞતિઓ છે કે નહિ? વળી તેઓ એમ પણ જાણવા માગતા હતા કે ઈસ્ટ ઈન્ડિયા કંપની સ્ત્રી છે કે પુરુષ?
દેશના આવા ઘોર અંધકરયુગની ૧૩ માર્ચ ૧૮૬૩ની સવારના અગિયાર વાગ્યે કરસાનદાસે ઇગ્લેન્ડ જવા માટે મુંબઈ બંદર છોડ્યું. તેઓ આગબોટમાં મુસાફરોને મળતી સુવિધાથી ખૂબ પ્રભાવિત થયા તે અંગે વિગતે વર્ણન તેમણે પુસ્તકમાં કર્યું છે. રસ્તામાં આવતા એડન શહેર, લાલ સમુદ્ર, ઇજિપ્ત અને તેનું શહેર કેરો, સિકંદરાબાદ, ભૂમધ્ય સમુદ્ર, માલટા બંદર, માર્સેલ્સ, લિયા શહેર વગેરેનુ ખૂબ જ ઝીણવટભર્યું વર્ણન કર્યું છે. છેવટે તેઓ પેરિસ પહોંચ્યા.
પેરિસ શહેર જોઈને તો તેઓ કેટલા અભિભૂત થઈ ગયા કે તેનો ખ્યાલ તેમના શબ્દોથી આવી શકે છે. તેમની ભાષા, જોડણી અને શબ્દોને યથાવત રાખીને એ લખાણ નીચે ઉતાર્યું છે.
“ખરું કહું કે મારી નજર છક્ક થઈ ગઈ. એક અંધારી ઓરડીમાંથી નીકળીને સુરજના તડકા સામું જોતાં આંખ અંજાઈ જાય તેમ મારી આંખ અંજાઈ ગઈ. આપણા કવીઓએ ઈંદ્રપુરીનું અથવા દ્વારકાપુરીનું વર્ણન કરયું છે, પણ તેઓએ આ પારિસ જોયું હોત તો તેનું વર્ણન તેઓ વધારે સારી રીતે કરી શકત. થોડીવાર મારી શુદ્ધ કે બુદ્ધ ઠેકાણે રહી નહીં. જરા જરામાં મને સંશય પેદા થાય છે કે આ ખરો દેખાવ છે કે ખોટો; હું ઊઘમાં છઉં કે જાગૃત; આ દુનિયામાં છઉં કે બીજી દુનિયામાં; આ નગરી માણસની છે કે દેવતાઓની? આવી રીતે કેટલીકવાર મનમાં થયાં કરયું. અંતે ચોક્કસ થયું કે હું એક મહા સુંદર અને સોહામણી નગરીમાં આવી પહોંચ્યો છઉં.”
આ તો થઈ વાટમાં આવતા ફ્રાન્સ દેશના પાટનગર પેરિસની. પરંતુ કરસનદાસનો મુખ્ય પડાવ તો હતો ઇંગ્લેન્ડ અને ખાસ કરીને લંડન શહેરમાં. પુસ્તક વાંચતા એમ લાગે છે કે તેમણે તે દેશને જોવામાં અને પછી તેનું વર્ણન કરવામાં કશી જ મણા રાખી નથી. લંડનની હોટેલો અને તેની સુવિધાઓ, તેની શેરીઓ, શેરીમાં ચોપડી વેચતો બંગાળી જણ, ત્યાંના જુદા જુદા આર્થિક વર્ગના લોકોને રહેવા માટેના ઘરની સુવિધાઓ, તે મકાનોની કિંમત, મકાનનોના ભાડા, અરે મકાનોના ક્ષેત્રફળો સુધ્ધા લખવાના બાકી રાખ્યા નથી. જેમાં ૨૪ કે ૩૬ મુસાફરો બેસી શકે તેવી લંડનની જાહેર વાહનવ્યહવારની કરોડરજ્જુ સમી ઘોડા જોડેલી ‘એમ્નીબસો’, એ બસોનું ભાડું, દસ દસ મિનિટની તેની ફ્રિક્વન્સી, ઊડીને આંખે વળગે તેવી મુસાફરોની રીતભાત વગેરે પર ખૂબ વિસ્તારથી લખ્યું છે. સ્વાભાવિક છે કે આટલુ લખ્યું હોય તેણે લંડન શહેરની વસ્તી અને વિસ્તાર વિશે લખવાનું બાકી ન જ રાખ્યું હોય.
લંડનની દુકાનો અને શેરબજારથી માંડીને મચ્છીબજાર સુધીની દરેક બજારનું પણ તેમણે બારીકાઇથી નિરીક્ષણ કરીને વર્ણન કર્યું છે. ત્યાંના તે સમયનાં છાપાઓ અને જાહેરખબરો વિશે તેમણે લખ્યું છે. પ્રખ્યાત વર્તમાનપત્ર ‘ટાઇમ્સ’ની તેમણે મુલાકત લીધી હતી. તે વર્તમાનપત્ર છાપવા માટેના કાગળની વખાર, ખબરપત્રીઓની કામગીરી, ઉપરાંત છાપખાનાના યંત્રો કઈ રીતે કામ કરે છે તેનું વિગતે વર્ણન કર્યું છે. છાપું છપાયા પછી વાચકના હાથમાં આવે ત્યાં સુધીના વ્યવસ્થાતંત્રનું પણ વર્ણન કર્યું છે.
આવો જિજ્ઞાસુ માણસ લંડનના અન્ય જોવા લાયક સ્થળો તો કેમ બાકી રાખે? ટેમ્સ નદી અને નદી નીચે અંડરગ્રાઉન્ડ ટનલ, લંડનનો કિલ્લો, સેન્ટપોલનું દેવળ, વેસ્ટ મિનિસ્ટર આબી નામનું પ્રખ્યાત ચર્ચ વગેરેની મુલકાત લઈને તેના વિષે પણ લખ્યું છે.
કરસનદાસે બ્રિટનની પાર્લામેન્ટની મુલાકાત લીધી હતી. તેના મકાનની રચના, ભવ્યતા અને અંદર એક મોટા ઓરડામાં આઠસો વર્ષમાં ઇંગ્લેન્ડમાં થઈ ગયેલા મોટા રાજાઓના પૂતળાઓની વાત પણ તેમણે કરી છે. લેખક બે અલગ અલગ સંસદ સભ્યોની ભલામણ લઈને બે વખત પાર્લમેન્ટની ચાલુ કામગીરી જોવા ગયા હતા. પાર્લામેન્ટની કામગીરીનું વર્ણન(આપણે જેમને ‘સંસદસભ્ય’ કહીએ છીએ તેમને તેઓ ‘અધિકારી’ તરીકે ઓળખાવે છે) કરતા તેઓ લખે છે,
“પાર્લ્યામેન્ટના મહેલમાં બે મોટી અને જગપ્રસિદ્ધ દરબાર[1] બેસે છે તે મધ્યેની એકાદ પણ જરૂર જોવી જોઈએ. આ બે દરબાર કંઇ બારેમાસ ભરાતી નથી પણ ઘણું કરીને એ વરસમાં ફેબરવારીથી જુલાઈ સુધી રવીવાર કે મોટા તહેવાર સિવાય નિત્ય બેસે છે. એ દરબારમાં દાખલ થવાને દરબારમાં બેસનાર અધિકારીની ચીઠ્ઠી જોઈએ. એક એક અધિકારી એકથી વધારે ચીઠ્ઠી આપી શક્તો નથી. આ દરબારોનું કામ બુધવાર વગર નિત્ય સાંજના પાંચ વાગેથી રાતના ૧૧ કે ૧૨ ને કોઈ વેળા ૨ વાગ્યા સુધી ચાલે છે. બુધવારને દહાડે બપોરના ૧૨થી સાંજના ૬ વાગ્યા સુધી ચાલે છે.”
“જ્યારે કોઈ અગત્યની બાબત ઉપર પાર્લ્યામેન્ટની દરબારમાં ભાષણ થાય છે અને તકરાર[2] ચાલે છે ત્યારે દેખાવ જરૂર જોવાજોગ છે. આ બધા ભાષણ છાપાવાળાઓના રિપોર્ટરો બોલે બોલ ઉતારી લે છે અને સવારનો પહોર થતાં પહેલા તે બધાં બોલે બોલ છપાઇને બાહાર પડે છે”
લેખકે પાર્લામેન્ટ ચાલુ હતી ત્યારે લીધેલી એક મુલાકાતમા લખ્યું છે. “બીજી વેળા ગયો ત્યારે ‘હિંદુસ્તાનની ઉપર ખરચનો હિસાબ’ સર ચાર્લ્સ હુડે વાંચ્યો હતો”
લેખક ગયા હતા તો નોકરી કરવા, પરંતુ તેમનો એક જિજ્ઞાસુ પત્રકાર તરીકેનો જીવ ઝાલ્યો ન રહ્યો. વળી એ સમય હતો ૧૮૫૭ના બળવા પછી તરત જ બ્રિટિશ સત્તા ભારતમાં સ્થિર થયા બાદ જ્યારે અંગ્રેજોએ કાયદો અને વ્યવસ્થા સ્થાપીને ભારતની પ્રજાને શાંતિનો સ્વાદ ચખાડ્યો હતો. ‘દેખ બિચારી બકરીનો કોઇ પકડે નહિ કાન’ એવી કવિ દલપતરામની અનુભૂતિ કરસનદાસ સહિત સૌને થઈ હતી. એથી જ પુસ્તકમાં લેખકે અંગ્રેજોની પ્રશંસા કરવા ઉપરાંત અંગ્રેજ શાસન પ્રત્યે ભક્તિભાવ પ્રગટ કરતા લખ્યું, “ઈંગ્રેજ રાજનો વાવટો હિંદુસ્તાન ઉપર કાયમ રહે એવી મારી ઈશ્વરને પ્રાર્થના છે.” આમ લખ્યા પછી તરતના જ વાક્યમાં પોતાની સ્વદેશપ્રીતિ પ્રગટ કરતા લખે છે, “ મારા દેશનું ઝવેરાત ઇંગ્રેજ સરકારે મારા દેશમાં જ રાખ્યું હોત તો ઠીક થાત.”
આખું પુસ્તક વાંચતા એવી છાપ ઊઠે છે કે લેખકે અંગ્રેજોની પ્રશંસા પોતાના દેશપ્રેમથી પ્રેરાઇને જ કરી છે. આપણા દેશની પ્રજામાં અંગ્રેજ પ્રજાના સદગુણો આવે તો જ આપણા દેશનો ઉદ્ધાર થઈ શકશે એવી લાગણી તેમણે પુસ્તકમાં અનેક વખત વ્યક્ત કરી છે. અંગ્રેજોના આ સદગુણો તથા તેમની રહેણીકરણી જેને લેખક તેમની ‘સંસારી હાલત’ કહે છે તેના વિશે આપણે વાત કરીશું પણ તે હવે પછીના પ્રકરણમાં.
(નોંધ: મૂળ પુસ્તક ક્રસનદાસે ૧૮૬૬માં લખ્યું અને યુનિયન પ્રેસ, મુંબઈમાં છપાવ્યું એ વખતે તેની કિંમત બાર રૂપિયા હતી! ત્યાર બાદ ગુજરાત સાહિત્ય અકાદમીએ તેની બીજી આવૃતિ ૨૦૦૧માં બહાર પાડી જેમાં સંપાદક તરીકે ભોળાભાઇ પટેલ અને ર. વ. રાવળના નામ છે. ૧૮૬૬માં ગુજરાતીમાં છપાયેલા પુસ્તકની નકલ ૧૭૫૦ હતી અને ૧૮૬૭માં મરાઠીમાં પણ પુસ્તક છપાયેલું જેની ૭૫૦ નકલો હતી.)
[1] હાઉસ ઓફ લોર્ડ્ઝ અને હાઉસ ઓફ કોમન
[2] પાર્લામેન્ટમાં થતી ચર્ચા માટે લેખક ‘તકરાર’ શબ્દ વાપરે છે.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
‘બાઈ’ : ‘મારી જીવનકથા’ – પૂર્વભૂમિકા
સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે
કેલિફોર્નિયાના લગુના બીચની સુવર્ણરજ સમી રેતી પર ઊભો હું પ્રશાંત મહાસાગરના સ્પર્શનો પ્રથમ અનુભવ કરી રહ્યો હતો. મહાસાગરની અનંત, નીલ સમૃદ્ધિ – નીલશ્રી – જોઈને મનુષ્યને એક અવર્ણનીય અનુભૂતિ થવા લાગે. પ્રકૃતિનું અબાધિત સૌંદર્ય તેની ચિરંતના, તેના ઋત અને સત તથા અનંતની ભવ્યતાની પ્રતિતિ કરાવતી મહાસાગરની લહેરોના ઘેરા સંગીત સાથે સમન્વયતા સાધીને હું આ વિરાટમાં ખોવાઈ ગયો. ધીરે ધીરે, એક એક ડગલું ભરતાં જ્યાં સાગર અને ધરતી મળે ત્યાં જઈને ઊભો રહ્યો.
મોજાંઓના ખળખળ કરતા ધ્વનિમાં માર વિચારો ઓગળીને સાગરના મહાસંગીતમાં ખોવાઈ ગયા. એક બાલિકા રૂપાની ઝાંઝર પહેરી કૂદકા મારી પોતાની પ્રિય સાહેલીને મળવા જતી હોય, અને ઘૂઘરીઓની રૂમઝૂમ અને સખીને મળવાની ઉત્કંઠા તેના પ્રત્યેક પગલામાં જણાય, તેવી રીતે પ્રશાંત મહાસાગરની નીલી રજત સમી લહેરો મોતીની ઈંઢોણી માથે ચઢાવી સુવર્ણમય ધરતીને મળવા એક મૃદુ ગુંજન સાથે આવી રહી હતી. તેની પ્રથમ લહેરનો મારા ખુલ્લા પગને સ્પર્શ થયો અને માર આખા શરીરમાં વિધુતના પ્રવાહના જેવો રોમાંચ ફરી વળ્યો. મેં ક્યાંક વાંચ્થું હતું કે મૃત્યુની સીમા પર માનવ પહોંચે ત્યારે તેની નજર સામે પ્રકાશની ગતિથી તેના જીવનનો ઇતિહાસ એક ચિત્રપટની જેમ પ્રદર્શિત થતો હોય છે. પ્રશાંત મહાસાગરની લહેરનો મને પ્રથમ સ્પર્શ થયો ત્યારે મને લગભગ એવો જ અનુભવ થયો. મારી નજર સામે એક સ્લાઇડ-શો ઝપાટાબંધ દેખાવા લાગ્યો. મારા જીવનમાં થવેલી ઘટનાઓ મારી નજર સામે વિધુતગતિથી ફરકવા લાગી. એક પછી એક પ્રસંગની કમબદ્ધ છબી મારી પરદૃષ્ટિ સામે ઊપસતી હતી જે હું મારા દેહથી અલગ થઈ સાક્ષીભાવે જોઈ રહ્યો હતો. મને લાગે છે કે હું એક તંદ્રામય સ્થિતિમાં થીજી ગયો હતો, અથવા એક એવી ભ્રમણાવસ્થામાં પહોંચી ગયો હતો કે મને મારા વર્તમાનનો ખ્યાલ જ ન રહ્યો. તે વખતે પ્રશાંત મહાસાગરનાં મોજાંઓનો ઊંડો ધ્વનિ મંત્રોચ્ચારના સતત આવર્તનની જેમ મારા મનને સંભળાતો હતો, અને હું તેમાં ખોવાઈ ગયો હતો. સમયના બંધનથી અલિપ્ત રહેલા પ્રશાંત મહાસાગર જેવો આ સમયવિહીનતાનો અનુભવ હતો. મારું અસ્તિત્વ જાણે વાતાવરણમાં લય પામી ગયું હતું.
અકલ્પ્ય, unreal, – અ-સત સમો આ અનુભવ હતો. અચાનક મારા જીવનનો સ્લાઇડ-શો એક ફ્રેમ પર આવીને અટકી ગયો. અત્યારે મારી નજરની સામે એક નાનકડો છોકરો હતો. ચાર વર્ષનો આ છોકરો, ખુલ્લી ચાળનું ખમીસ, હાફ પેન્ટ અને પગમાં ચંપલ પહેર્યા વગર ખુલ્લા મેદાનમાં તે દોડતો હતો. બહાર કોઈકે બૂમ પાડી હતી, “એય, ધોડો, ધોડો, બલૂન જોવા. આજ ઘણ! દિ’એ આંયથી બલૂન નીકળ્યું સે…..”
વઢવાણ કેમ્પમાં તે વખતે ટ્રેન સિવાય બીજું કોઈ વાહન તેણે જોયું નહોળું. મોટરકાર તો શું, મોટરસાઇકલ પણ તેણે જોઈ નહોતી. વિમાન એક ચમત્કાર હતો અને આ ચમત્કાર ક્વચિત્ જોવા મળતો. બાળકની નજર આકાશમાં હતી, આંખો શોધતી હતી એક અણુ સમા ટપકાને. ચારે તરફ જોયું, પણ “બલૂન’ દેખાયું નહિ. અચાનક તેને ભાન થયું કે ધીખતી ધરામાં તેના પગ બળવા લાગ્યા હતા. ઘેર પાછા જતાં પહેલાં તેણે છેલ્લી વાર ઓતરાદી દિશામા જોયું અને ક્રણના સો-મા ભાગ પૂરતો એક ચળકાટ દેખાઈ ગયો.
“એ… બલૂન જાય !!!’ મેં – એ ચાર વર્ષના બાળકે હર્ષથી બૂમ પાડી.
વિમાન સામે હું જોઈ રહ્યો હતો. તેમાં બેઠેલા પ્રવાસીઓનો હું વિચાર કરી રહ્યો હતો. તે જ ક્ષણે મારા મનમાં એક ભાવના સ્પર્શી ગઈ. અંત:સ્કુરણા સમી એ ભાવના હતી.
“શું હું કદી બલૂનમાં…?”
આ વાતનો ત્યાર પછી મેં વિચાર કર્યો નહિ, પણ તે વખતથી મારા મનમાં ‘ક્યારે પણ શું હું કદી..’ કે પછી “મારા જીવનમાં અવું કંઈ થઈ શકે?” ભાવના! સ્કુરતી, તે હંમેશાં સત્ય થતી આવી હતી. આને પૂર્વસૂચન, અકસ્માત કે પછી કહો કે intuition – આ વાત હંમેશાં મારો પીછો કરતી રહી છે. પેસિફિક મહાસાગરનું પ્રથમ દર્શન કરનાર યુરોપિયનોને થયેલી અવર્ણનીય અનુભૂતિનું વર્ણન મેં વાંચ્યું હતું. ત્યાર પછી જ્યારે થોર હાયરડાલની પ્રવાસકથા ‘કોન ટિકી’ વાંચી ત્યારે મને એવી જ અનુભૂતિ થઈ હતી. “શું મને કદી …?”
વિમાનમાં પ્રવાસ કરવાની પ્રશ્ન-ઊર્મિ સત્ય નીવડી હતી. આજે હું પ્રશાંત મહાસાગરને કિનારે ઊભો હતો. ક્યાં એ વઢવાણ કેમ્પનો સરકારવાડો અને ત્યાંથી શરૂ થવેલી મારી જીવનયાત્રા… અને જીવનકાળ દરમિયાન વારે વારે મને થતી આ ભવિષ્યવાણીસમી અનુભૂતિ, જે સાચી પડતી જતી હતી. આજે હું પ્રશાંત મહાસાગરના કિનારા પર તેની સ્નેહમય, ઉષ્માભરી છોળમાં ભીંજાતો ઊભો હતો. ક્ષિતિજ પર જ્યાં મહ।સાગર અને આકાશ મળતાં હતાં ત્યાં આ માયાના ખેલ જેવો સ્લાઇડ-શો ચાલી રહ્યો હતો. નજર સામે મારું બચપણ હતું.
મારી નજર સાથે એક પછી એક પ્રસંગ આવતા ગયા…
બાપુજી ઓફિસમાં ગયા હતા. બાઈ – એટલે મારાં બા – સાથે હું ઓસરીમાના હીંચકા પર નેઠો હતો. બાઈ બાપુજી માટે પાનનાં બીંડાં બનાવી રહ્યાં હતાં, અને તેઓ તેમનું બાળપણમાં શીખેલું ગીત મીઠા અવાજે મને સંભળાવી રહ્યાં હતાંઃ
કાહે કો ખેલે, હમસે ન હોરી, પર્વતરાય કી નાજુક છોરી
ચિત્ર હવામાં વિલીન પામ્યું. મન જૂની વાદોમાં ખોવાઈ ગયું. બાઈ સાથે આવી મધુર ક્ષણો મને ક્વચિત્ મળતી. અમારા ઘરમાં પિતાજી અને બાઈ, મારાથી ત્રણ મોટા ભાઈઓ, ત્રણ મોટી બહેનો અને મારાથી નાની બહેનો હતી. મારાથી મોટા એવા બધા બાને માનવાચક શબ્દ “બાઈ” કહીને બોલાવતાં તેથી હું પણ બાને બાઈ કહીને બોલાવવા લાગ્યો હતો. આમ છતાં અમારા ભર્યાભાદર્યાં ઘરમાં કોણ જાણે કેમ પણ બાઈ ગૃહિણી તરીકે નહિ, ગૃહિણીના પડછાયા જેયું જીવન જીવતાં હતાં. ઘરમાં બધા હાજર હોય – મોટા ભાગે કોઈ ને કોઈ ઘરમાં હોય જ ત્યારે બાઈના મુખેથી એક શબ્દ મેં સાંભળ્યો હોવાનું યાદ નથી. મારા મોટા ભાઈ બહેનોમાંથી કોઈ તેમની સાથે વાત નહોતું કરતું. તેઓ ઘરમાં ન હોય, ત્યારે બાઈ અમારા ઘરમાં જૂના વખતથી આપ્તજન થઈ ગવેલા ઘરડાં માજી, જીવીબા, જેમને હું જી’બા કહીને બોલાવતો – તેમની સાથે વાત કરતાં. ઘરમાં અમે એકલા હોઈએ ત્યારે મને નજીક જોઈ તેમનું વ્યક્તિત્વ ખીલી ઊઠતું. મને સાથે લઈ હિંડોળા પર બેસતાં, મારી સાથે વાતો કરતાં અને મને તેમન પ્રિય ગીતો સંભળાવતા. ઘણી વાર મને કહેતાં, ‘મારી મા જીવતી હોત તો તને જોઈને ખુશીથી પાગલ થઈ ગઈ હોત?’ આવી રમણીય પળો મને ક્વચિત્ મળતી.
ઘરમાં કોણ જાણે કેમ, એક તણાવ-મય વાતાવરણ હંમેશા પ્રવર્તતું હતું. જમતી વખતે કોઈ એકબીજા સાથે વાત કરતા નહોતા. બાઈ બધાંની સેવામાં એવાં તત્પર રહેતાં કે કોઈ કહે તે પહેલાં જ તેમને જોઈતી વાનગી પીરસી દેતાં. પિતાજીને કે મારાં મોટાં ભાઈ-બહેનોને મેં કદી તેમની સાથે ખુલ્લા મનથી વાત કરતાં જોયાં નહોતાં. કોણ જાણે શા માટે બધાં બાઈ સાથે ઔપચારિક વર્તન રાખતાં હતાં તે મારા બાલમનને સમજાતું નહોતું. બાઈ અમારાં સૌનાં મા હોવા છતાં મોટાં ભાઈ-બહેનો તરફથી તેમન પ્રત્યે આત્મભાવ કે સ્નેહ મને દેખાતો નહોતો. તેમનામાં બાઈ પ્રત્યે એક પ્રકારની એવી ઔપચારિકતા, અલિપ્તતા વર્તાતી હતી કે બાઈ એક પડછાયાની જેવું અવ્યક્ત, સંકોચપૂર્ણ અને કોઈ કોઈ વાર તો અત્યંત ગભરાયેલી હરિણીની જેવું જીવન જીવી રહ્યાં હતાં. પંચ-છ વર્ષની નાની વયે પણ મને આ વાતનો અહેસાસ થવા લાગ્યો હતો. અનેક પ્રશ્નો ઊઠવા લાગ્યા હતા.
બાઈને શા માટે આવા શ્રીમંત અને ભરેલા ઘરમાં પણ એકલતાનું જીવન જીવવું પડતું હતું?
એવી કઈ વાત હતી જે તેમને પરેશાન કરી રહી હતી? શા માટે…? શા માટે…?
આમાંના એક પ્રશ્નનો જવાબ મને પિતાજીના અવસાન બાદ જ મળ્યો. બાકીની બધી વાતો, બધા પ્રશ્નો અણઊકલ્યા રહ્યા.
૧૯૬૮માં બાઈનું અવસાન થયું. ત્યાર પછી થોડા સમય માટે અમારું સોનું જીવન વાવાઝોડામાં ઊખડી ગયેલા તણખલાંઓની જેમ વીખરાઈ ગયું હતું. પરંતુ બાઈ મને તેમના બાળપણ, કિશોરાવસ્થા અને ત્યાર પછી એક પત્ની, માતા અને ફક્ત ર૮ વર્ષની વયે તેમના પર અવી પડેલ! વૈધવ્યમાં ચાર-ચાર બાળકોની જવાબદારી દરમિયાન અનુભવેલા ભાવનત્મક સંઘર્ષની વાતો કરવા માગતાં હતાં. જે વાતો તેમના મુખેથી સાંભળવાનું અને જાણવાનું સદભાગ્ય તેમના જીવનકાળ દરમિયાન અમે ગુમાવ્યું હતું તે સમયના વહેણમાં ધોવાઈને નષ્ટ ન થાય તેનો પ્રબંધ બાઈએ કર્યો હતો.
બાઈ ગયા બાદ મને જાણવા મળ્યું હતું કે તેઓ અમારા માટે એક અમૂલ્ય વારસો મૂકી ગયાં હતાં. એક નાનકડી, પાકા પૂંઠાની નોટબુક, જેનું શીર્ષક હતું, ‘મારી જીવનકથા’.
વિચારોના પ્રદેશમાં મન ભટકતું હતું. અચાનક મને સાદ સંભળાયો. “ડૅડ, ક્યાં ખોવાઈ ગયા છો? ટાઢ નથી વાતી? જુઓ તમારા માટે વુલી જમ્પર લઈ આવી છું એ પહેરી લો.”
એકાએક હું ધરતી પર પાછો આવ્યો. મારી દીકરી કાશ્મીરા મને બોલાવી રહી હતી. હું જાગી ગયો.
પ્રશાંત મહાસાગરમાંથી હવે શાંત લહેરો આવી રહી હતી. ઘેર જવાનો સમય થઈ ગવો હતો.
બાઈએ પોતાની જીવનકથા ૧૯૬૭માં લખી હતી. મને તે ૨૦૦૫ના જાન્યુઆરીમાં મળી. હું વાંચતો ગયો અને બાઈના જીવનની જે ક્ષણો સાથે હું અવિભાજ્ય થઈને જીવ્યો હતો, તેનાં સ્પંદનો ફરી અનુભવવા લાગ્યો. ફરક ફક્ત એક વાતનો હતો. તે વખતે હું જે કરી શકતો હતો અને કરી શક્યો નહોતો, તેનો અફસોસ બમણો થઈ ગયો. પરમાત્મા માણસને ફરીથી જીવવાની તક આપતા હોત તો જીવનમાં નિરાશ, યોગ્ય સમયે યોગ્ય કાર્ય ન કર્યાનું દુઃખ અને અશ્રુના સાગરમાં ડૂબવાની સજામાંથી માણસ બચી શકત.
માણસનું કર્મ તેને ફળ આપ્યા વગર રહેતું નથી, પરંતુ પરમાત્માએ તેનું નિરાકરણ કરી આપ્યું છે. તેમણે સ્વર્ગમાંથી પેલું ઝરણું પૃથ્વી પર ઉતાર્યું છે . જેમાં ડૂબકી દઈને આપણે ભલે પુણ્યશાળી ન બની શકીએ, પણ આપણા આત્માને તેનાથી શાતો તો જરૂર મળે છે.
બાઈની આત્મકથા મારા માટે એક અમૂલ્ય વારસો બની રહેલ છે. બાઈના લેખનનું વિશિષ્ટ અંગ તો એ છે કે તેઓ ફક્ત ચોથા ધોરણ સુધી જ ભણ્યાં હતાં. પોતાના કથનમાં આટલી સંવેદનશીલતા, ગ્રામાણિકતા, કરુણા, સ્નેહ અને ધૈર્યનું નમ્રતાપૂર્ણ વર્ણન કરવાની શક્તિ બાઈએ ક્યાંથી મેળવી હતી, પરમાત્મા જાણે. એટલું જરૂર કહીશ કે અ! મૂલ્યો બાઈન! જીવનમાં દૃઢ રીતે વણાઈ ગયાં હતાં જેની પ્રતીતિ મને ડગલે ને પગલે થતી હતી. આ ગુણો, આ મૂલ્યો અમને તેમના વારસા-રૂપે મળે એવી તેમની ધારણા હતી. મારા પૂરતી વાત કહી શકીશ કે ઘણે અંશે તેમની પરંપરા હું જાળવી શક્યો નથી. હું તેમના વિશ્વાસમાં ખરો ઊતર્યો નહિ.
“મારી જીવનકથા’માં બાઈએ કેટલાક પ્રસંગોનું વર્ણન જાણી જોઈને કર્યુ નથી એવું મને લાગે છે. અકે, તેમનાં બાળકોએ તેમના પત્યે અનેક વાર કરેલ દુલક્ષ્ય, અમારી સ્વાર્થપરાયણતા તથા તેમની અમે ક્યારેક કરેલી અવહેલનાના એક પણ પ્રસંગનો તેમયે ઉલ્લેખ કર્યો નથી. મારાં આપ્તજન, સગાં અને બાઈના પોતાનાં સ્વજનોએ તેમના પ્રત્યે કરેલ દુર્વ્યવહાર, તેમણે કરેલ બાઈના અપમાનની વાતોનો અંદેશો પણ કોઈને ન આવે તેની આત્મકથામાં ચોકસાઈ રાખી. કેવળ જે વાતોનું તેમને અસહ્ય દુઃખ ઊપજ્યું હતું તેનો હળવા સ્પર્શ-શો ઉલ્લેખ કર્યો. પોતાના જીવનકાળ દરમિયાન બાઈએ કોઈને એક શબ્દથી પણ દુભાવ્યા નહોતા. પરલોકગમન બાદ તેઓ કોઈને કેવી રીતે દુઃખ પહોંચાડી શકે?
બાઈના પ્રથમ શબ્દો છે: ‘મારો જનમ ૧૯૧૫માં થયો,’ અને આગળ લખે છે…
કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com -
તે બેસે અહીં | સમજી જા
તે બેસે અહીં
– સ્નેહી પરમાર
કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં,
ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં.સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,
કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં,
કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં.એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ?
એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે,
આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં.સમજી જા
ચિનુ મોદી
અધમણ અંધારું ઘેરાયું, સમજી જા
ચન્દ્રબિંબ જળમાં દેખાયું, સમજી જામુઠ્ઠી વાળી ભીંતો ભાગી શેરી વચ્ચે
માથા સાથે ધડ છેદાયું, સમજી જા.નભની આ ગેબી વાણી છે, સમજી જા
પળ પોતે પણ પટરાણી છે, સમજી જાદરિયા જેવો દરિયો લાગે આ બીધેલો
ગિરિવર ભેજ્યાં આ પાણી છે, સમજી જા.પડછાયાનું ટોળે વળતું ધણ છે, સમજી જા
સાંજ પડી પણ ધીખતું રણ છે, સમજી જામઝધારેથી તટ પર આવી તૂટી ગયું છે
મોજું ક્યાં છે, જીવતું જણ છે, સમજી જા. -
ત્રણ ગાયકો – कोई कहे कहता रहे कितना भी हमको दीवाना …. गायेंगे हम अपने दिलों का तराना
નિરંજન મહેતા
આ શ્રેણીમાં બીજા ભાગમાં ૧૯૯૪ પહેલાનાં ગીતોને આવરી લીધા હતાં. આ અંતિમ લેખમાં ૨૦૧૪ સુધીના ગીતોની નોંધ લીધી છે.
૧૯૯૪ની ફિલ્મ ‘કભી હા કભી ના’નું ગીત છે
क्यूँ ना हम मिल के प्यार करे
बाहों को गले का हार करेકલાકારો છે શાહરૂખ ખાન, દિપક તિજોરી અને સુચિત્રા કૃષ્ણમૂર્તિ. ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે જતિન લલિતે. સ્વર છે ઉદિત નારાયણ, અમિત કુમાર અને વિજેતા પંડિતનાં.
૧૯૯૪ની ફિલ્મ ‘અંદાઝ અપના અપના’નું ગીત છે
जाना तूने जाना नहीं
तू कोई बेगाना नहींઆમીર ખાન, સલમાન ખાન અને રવિના આ ગીતના કલાકારો. શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના જેને સંગીત આપ્યું છે તુષાર ભાટિયાએ. ગાયકો છે અભિજિત, દેબાશીષ રોય અને બેહરોઝ ચેટરજી
ફક્ત ઓડીઓ
૧૯૯૭ની ફિલ્મ ‘પરદેસ’નું ગીત છે
दिल ये दिल
ये दिल दीवाना दीवाना है ये दिल
दीवाने ने मुझको भी आह कर डाला दीवानाઆ ગીત બે અલગ અલગ લોકેશન પર છે. પહેલામાં શાહરૂખ ખાન કાર ચલાવતા દર્શાવાયો છે જ્યારે અન્યમાં અપૂર્વ અગ્નિહોત્રી અને મહિમા ચૌધરી સાથે જતાં જોવા મળે છે. આનંદ બક્ષીનાં શબ્દોને સંગીત આપ્યું છે નદીમ શ્રવણે. જ્યારે સ્વર છે સોનુ નિગમ, શંકર મહાદેવન અને હેમા સરદેસાઈનાં.
૧૯૯૮ની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’નું આ ગીત પ્રણય ત્રિકોણ આધારિત છે.
तुम पास आये यूँ मुस्कुराये
तुमने न जाने क्या सपने दिखाये
अब तो मेरा दिल, जागे न सोता है
क्या करूँ हाय, कुछ कुछ होता हैગીતના કલાકારો છે શાહરૂખ ખાન, રાની મુકરજી અને કાજોલ. ગીતકાર સમીર અને સંગીતકાર જતિન લલિત. ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક અને કવિતા કૃષ્ણમૂર્તિ ગીતના ગાયકો.
આ જ ફિલ્મનું અન્ય ગીત છે
कोई मिल गया
मुझको क्या हुआ है?
क्यूं मैं खो गया हूँ?
पागल था मैं पहले, या अब हो गया हूँ
बहकी है निगाहें और बिखरे हैं बाल
तुमने बनाया है क्या अपना ये हालવિગતો ઉપર મુજબ
૨૦૦૧ની ફિલ્મ ‘કભી ખુશી ખુશી કભી ગમ’ એક પારિવારિક ફિલ્મ છે. તેનું ગીત છે
ले जा ले जा सोणिये ले जा ले जा
बोले चूड़ियाँ बोले कंगना
हाय मैं हो गई तेरी साजणा
तेरे बिन जियो नईयो लगदा
मैं ते मर गईंय्या
ले जा ले जा सोणिये ले जा ले जा
दिल ले जा ले जा ओ ओકલાકારો છે શાહરૂખખાન, રીતિક રોશન, કાજોલ અને કરીના કપૂર, ફરી વાર સમીર અને જતિન લલિતની જોડી. ગાયકો છે ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક, કવિતા કૃષ્ણમૂર્તિ અને અમિત કુમાર.
૨૦૦૧ની ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ ત્રણ મિત્રોની કથા લઈને બનાવી છે.
कोई कहे कहता रहे कितना भी हमको दीवाना
हम लोगों की ठोकर में है ये ज़माना
जब साज़ है आवाज़ है फिर किस लिये हिचकिचाना
गायेंगे हम अपने दिलों का तरानाત્રણ મિત્રો છે આમીર ખાન, અક્ષય ખન્ના અને સૈફ અલી ખાન. શબ્દો છે સમીરનાં અને સંગીત છે શંકર એહસાન લોયનું. શાન, શંકર મહાદેવન અને કે.કે.એ ત્રણેય માટે સ્વર આપ્યો છે.
૨૦૦૪ની ફિલ્મ ‘મુજ સે શાદી કરોગી’નું ગીત છે
रब्बा मेरे रब्बा, ये क्या हो गया है
मेरा यार मुझ से जुदा हो गया है जुदा हो गया हैहो दिल अपना देना ख़ता हो गया है
तुझे प्यार करना सज़ा हो गया है सज़ा हो गया हैસલમાન ખાન, અક્ષયકુમાર અને કરીના કપૂર ગીતના કલાકારો જેનાં શબ્દો છે જલીસ શેરવાનીનાં. સંગીતકાર સાજીદ વાજીદ. અલકા યાજ્ઞિક, શાબાશ શાબરી અને સોનુ નિગમનાં સ્વર. આ ગીત પાર્શ્વગીત છે.
આ જ ફિલ્મનું અન્ય ગીત છે
हाँ कब तक जवानी छुपाओगी रानी
अरे कब तक जवानी छुपाओगी रानी
कंवारो को कितना सताओगी रानी
कभी तो किसी की दुल्हनिया बनोगी
मुझसे शादी करोगीઆ ગીતમાં સલમાન ખાન, અક્ષયકુમાર અને પ્રિયંકા ચોપરા જોવા મળશે. શબ્દો છે જલીસ શેરવાનીના જેને સંગીત આપ્યું છે સાજીદ વાજીદે. ઉદિત નારાયણ, સુનિધિ ચૌહાણ અને સોનુ નિગમના સ્વર.
૨૦૦૪ની ફિલ્મ ‘મૈ હું ના’ કોલેજની પશ્ચાદભૂમિ પર આધારિત છે.
इश्क़ जैसे है एक आँधी इश्क़ है एक तूफ़ाँ
इश्क़ के आगे बेबस है दुनिया में हर इंसाँ
इश्क़ में सब दीवाने हैं इश्क़ में सब हैराँ
इश्क़ में सबकुछ मुश्किल है इश्क़ में सब आसाँदेखो प्यारे ये नज़ारे ये दीवाने, ये परवाने हैं इश्क़ में कैसे गुम
हाए तुमसे मिलके दिल का है जो हाल क्या कहें
हो गया है कैसा ये कमाल क्या कहेंકલાકરો છે શાહરૂખખાન, ઝાયેદખાન અને અમૃતા અરોરા. જાવેદ અખ્તરના શબ્દો અને અનુ મલિકનું સંગીત. ગાયકો છે સોનુ નિગમ, હાશિમ સાબરી અને આફતાબ સાબરી.
गोरी गोरी गोरी गोरी गोरी गोरी
कभी कभी कहीं कहीं चोरी चोरी
छुप छुप के तुम मिला करो
प्यारी प्यारी बातें वातें किया करो
पर यूँ ना मिलना किसी से कभी हमारे सिवाશાહરૂખખાન, ઝાયેદખાન, અમૃતા અરોરા અને સુસ્મિતા સેન પર રચાયેલ આ ગીતના શબ્દો છે જાવેદ અખ્તરના અને સંગીતકાર છે અનુ મલિક. સ્વર છે કે.કે., શ્રેયા ઘોસાલ અને સુનિધિ ચવ્હાણના.
૨૦૧૨ની ફિલ્મ ‘સ્ટુડંટ ઓફ ધ યર’માં એકથી વધુ ગીતો જોવા મળે છે.
सुर्ख़ वाला, सोज़ वाला फ़ैज़ वाला लव
होता है जो लव से ज़्यादा वैसे वाला लव
हुआ जो दर्द भी तो हमको आज कुछ ज़्यादा हुआ
ये क्या हुआ है? क्या ख़बर यही पता है ज़्यादा हुआ
अगर ये उसको भी हुआ है फिर भी मुझको ज़्यादा हुआ
इश्क़ वाला लवકલાકારો છે આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા. રચના છે અન્વિતા દત્ત ગુપ્તા અને વિશાલ દદલાનીની. જેને સંગીત આપ્યું છે વિશાલ શેખરે. ગાયકો છે શેખર રવજીઆની, સલીમ મર્ચન્ટ અને નીતિ મોહન.
બીજું ગીત છે
आ आ आ आ आ
गोपियों संग घुमे कन्हैया
रास रचैया राधा ना जाए रे
अब सावरा ना भाएઆમાં પણ તે જ કલાકારો છે આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા. આ ગીત પણ અન્વિતા દત્ત ગુપ્તા અને વિશાલ દદલાનીની રચના છે. વિશાલ શેખરનું સંગીત છે અને ગાયકો છે શેખર રવજીઆની, વિશાલ દદલાની અને શ્રેયા ઘોસાલ
અન્ય ગીત છે
कोई ना जाने किथो आया है तू सब दे दिलो विच हो गई कुकडुकु
इन्ना सोना इन्ना कूल मुंडा इन्ना वंडरफुल
ओ मुंडा कुक्कड़ कमाल दा ओ मुंडा कुक्कड़ कमाल दाકલાકરો, ગીતકાર અને સંગીતકાર ઉપર મુજબ, ગાયકો છે મારિયન દ ક્રુઝ, નિશા મસ્કરેહાંસ અને સાહીદ મલ્લ્યા.
વધુ એક ગીત પ્રસ્તુત છે
हो है ना मुझ पे नज़र तेरी
आँखों में बातें होती हैं
आजा बाहों में आ मेरी
ऐसी ही तो रातें शुरू होती हैंકલાકરો, ગીતકાર અને સંગીતકાર ઉપર મુજબ, ગાયકો સુનિધિ ચવ્હાણ, બેની દયાલ અને નાઝિયા હસન.
એકાદ-બે ગીતમાં ત્રણને બદલે ચાર ગાયકો છે પણ તેવા ગીતો મુકવાની છૂટ લીધી છે.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
ફિલ્મી ગઝલો – ૭૮ – મોહમ્મદ ઇકબાલ
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
સર મોહમ્મદ ઈકબાલ ઉર્ફે અલ્લામા ઈકબાલ ( અલ્લામા એટલે વિદ્વાન ) પણ ઉર્દુ સાહિત્યની એવડી મોટી હસ્તી હતા કે એમને ફિલ્મી ગીતકાર જેવી સંકુચિત વ્યાખ્યામાં બાંધી શકાય નહીં. એક મહાન શાયર ઉપરાંત એ ઈસ્લામિક વિચારધારાના પ્રખર ચિંતક અને રાજનીતિજ્ઞ પણ હતા. એમની વિચારધારાએ જ કદાચ ભારતમાં મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રના વિચારને જન્મ આપેલો. જો કે એ વિચાર મૂર્તિમંત થાય એ પહેલાં જ ૧૯૩૮ માં એ જન્નતનશીન થયા. એમને પાકિસ્તાનના રાષ્ટ્રકવિનું બિરુદ મળેલ છે.અનેક ઉર્દુ પુસ્તકો ઉપરાંત એમના કેટલાંક પુસ્તકો અંગ્રેજી અને પંજાબીમાં પણ પ્રકાશિત થયાં છે.
એમણે બાર હજાર ઉપરાંત કાવ્યરચનાઓ કરી જેમાંની સાત હજાર ફારસીમાં છે. એમના જાણીતા શેર ટાંકીએ તો પણ સેંકડોમાં થાય. એમાંના કહેવતો બની ગયેલા કેટલાંક :
ખુદી કો કર બુલંદ ઈતના કે હર તકદીર સે પહલે
ખુદા બંદે સે ખુદ પૂછે બતા તેરી રઝા ક્યા હૈસિતારોં સે આગે જહાં ઔર ભી હૈ
અભી ઈશ્ક કે ઈમ્તેહાં ઔર ભી હૈંહઝારોં સાલ નર્ગિસ અપની બેસૂરી પે રોતી હૈ
બડી મુશ્કિલ સે હોતા હૈ ચમન મેં દીદાવર પૈદાદેશભરમાં જાણીતું એમનું ‘ સારે જહાં સે અચ્છા ‘ વસ્તુત: એક ગઝલ છે. ઘણી હિંદી ફિલ્મોમાં પણ એ રચનાના કેટલાક શેર લેવાયા છે. ફિલ્મ ‘ ભાઈ બહેન ‘ માં એ રચનાનો માત્ર મત્લો યથાવત રાખીને ગીતકાર રાજા મેંહદી અલી ખાને બાકીની પંક્તિઓમાં ફેરફાર કરી એને ગીત / નઝ્મનું સ્વરૂપ આપેલું.
એમની અન્ય એક ઉર્દુપ્રચૂર ગઝલ ‘ કભી ઐ હકીકતે મુંતઝર નઝર આ લિબાસે મજાઝ મેં ‘ નો અહીં જ એક સ્વતંત્ર લેખ દ્વારા આસ્વાદ કરાવેલો.1 એ રચનાના ચાર શેર ફિલ્મ ‘ દુલ્હન એક રાત કી ‘ માં લેવાયેલા.
બન્ને ગઝલ પેશ છે :
સારે જહાં સે અચ્છા હિંદોસ્તા હમારા
હમ બુલબુલે હૈં ઇસકી યે ગુલ્સિતાં હમારાગુરબત મેં હોં અગર હમ રહતા હૈ દિલ વતન મેં
સમઝો વહીં હમેં ભી દિલ હો જહાં હમારાપરબત વો સબ સે ઊંચા હમસાયા આસમાં કા
વો સંતરી હમારા વો પાસબાં હમારામઝહબ નહીં સિખાતા આપસ મેં બૈર રખના
હિન્દી હૈં હમ વતન હૈ હિંદોસ્તાં હમારા…– ફિલ્મ : હમારા ઘર ૧૯૬૪
– વિજયા મજૂમદાર
– જે પી કૌશિક
( આ રચના ઉપરોક્ત ફિલ્મ ઉપરાંત અપના ઘર ૧૯૬૦, આજ કી આવાઝ ૧૯૮૪, યે ગુલિસ્તાં હમારા ૧૯૭૨, હિંદોસ્તાં હમારા ૧૯૫૦ જેવી ફિલ્મોમાં પણ લેવાયેલી . અત્રે મૂળ નવ શેરની ગઝલના ફિલ્મમાં લેવાયેલા ચાર શેર આપ્યા છે. )
કભી ઐ હકીકત-એ -મુંતઝર નઝર આ લિબાસ-એ-મજાઝ મેં
કિ હઝારોં સજદે તડપ રહે હૈં મેરી જબીન – એ – નિયાઝ મેંતૂ બચા – બચા કે ન રખ ઈસે તેરા આઈના હૈ વો આઈના
શિકસ્તા હો તો અઝીઝ-તર હૈ નિગાહ-એ-આઈનાસાઝ મેંન વો ઈશ્ક મેં રહીં ગર્મિયાં ન વો હુસ્ન મેં રહીં શોખિયાં
ન વો ગઝનવી મેં તડપ રહી ન વો ખમ હૈ ઝુલ્ફ-એ-અયાઝ મેંજો મૈં સર-બ-સજદા હુઆ કભી તો ઝમીં સે આને લગી સદા
તેરા દિલ તો હૈ સનમ – આશનાં તુજે ક્યા મિલેગા નમાઝ મેં…– ફિલ્મ : દુલ્હન એક રાત કી ૧૯૬૬
– લતા
– મદન મોહન( મૂળ ગઝલના આઠ શેરમાંથી અત્રે ફિલ્મમાં લેવાયેલા ચાર શેર આપ્યા છેં. )
1
ન વોહ ખમ હૈ ઝુલ્ફ- એ – અયાઝ મેં – મુહમ્મદ ઈકબાલ – ભગવાન થાવરાણી 30072021
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
વાદ્યવિશેષ (૧૭) – ફૂંકવાદ્યો (૧): ફ્લ્યુટ પ્રકારનાં ફૂંકવાદ્યો (૧)
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
કળ(ચાંપ)વાદ્યો અને તાર(તંતુ)વાદ્યોના હિન્દી ફિલ્મી ગીતોનાં વાદ્યવૃંદોમાં ઉપયોગ વિશે જાણ્યા પછી હવેની કડીઓમાં અલગ પ્રકારના વાદ્યસમૂહ વિશે ચર્ચા કરીશું, જે સમૂહ ‘ફૂંકવાદ્યો’ તરીકે ઓળખાય છે. નામ પરથી જ સમજી શકાય છે તેમ આ પ્રકારનાં વાદ્યો વડે અપેક્ષિત સ્વર નિષ્પન્ન કરવા માટે વાદક તેમાં પોતાના મોંએથી હવા દાખલ કરી અને પછી તે હવા વાદ્યની બહાર નીકળે તે પહેલાં તેને યોગ્ય પદ્ધતિથી નિયંત્રિત કરી, ધાર્યા સૂર ઉપજાવે છે. આ પ્રકારનાં અનેક વાદ્યો મળી આવે છે, પણ મૂળભૂત રીતે તેમને બે મુખ્ય વિભાગોમાં વહેંચી શકાય છે. કાષ્ટ ફૂંકવાદ્યો(વૂડવીન્ડ વાદ્યો) અને ધાત્વિય(બ્રાસ) ફૂંકવાદ્યો. અલબત્ત, તેમનાં નામ પ્રમાણે બધાં જ કાષ્ટ ફૂંકવાદ્યો લાકડાનાં જ બનેલાં હોય કે બ્રાસ ફૂંકવાદ્યો પીત્તળનાં જ બનેલાં હોય તે જરૂરી નથી. આ વર્ગીકરણ જે તે વાદ્યમાં ફૂંકવામાં આવતી હવા વડે નિષ્પન્ન થતા સ્વરને લક્ષ્યમાં લઈને કરવામાં આવે છે.
વૂડવીન્ડ પ્રકારનાં વાદ્યોમાં બે પ્રકાર જોવા મળે છે – ફ્લ્યુટ (Flute) અને સુષીર(Reed) વાદ્યો. ફ્લ્યુટ એક પોલી ભૂંગળી જેવી રચના ધરાવે છે. આ નળીમાં ઉપરના ભાગે ફૂંક લગાવી, હવા દાખલ કરવામાં આવે છે. વાદ્યની નળીનાં ચોક્કસ સ્થાનો પર છીદ્રો આવેલાં હોય છે. આ છીદ્રો વડે બહાર નીકળતી હવાના તરંગોને નિયંત્રિત કરી, અપેક્ષિત સ્વર ઉત્પન્ન કરી શકાય છે. ફ્લ્યુટ પણ બે પ્રકારની જોવા મળે છે, ખુલ્લી અને બંધ.
ખુલ્લી ફ્લ્યુટમાં વાદકે એક તિરાડમાંથી ફૂંક મારવાની હોય છે. તેને લઈને હવાનો પ્રવાહ વિભાજિત થાય છે. વિભાજન પામેલી આ હવા ફ્લ્યુટના પોલાણમાં રહેલા હવાસ્થંભને સક્રિય કરે છે અને કંપન પેદા કરીને સ્વર નિપજાવે છે. ખુલ્લી ફ્લ્યુટમાં બધાં છીદ્રો ખુલ્લાં હોય છે અને જરૂરત અનુસાર વાદકે ચોક્કસ છીદ્રોને આંગળી વડે બંધ કરી દે છે. પરિણામે ખુલ્લા છીદ્રમાંથી નીકલતી હવા યોગ્ય સ્વર ઉત્પન્ન કરે છે.
બંધ ફ્લ્યુટ્માં વાદકે નળીમાં ફૂંક મારવાની હોય છે. આ નળી હવામાર્ગ તરીકે કામ કરે છે. બંધ નળીમાંનો હવાસ્થંભ કંપન પામીને સ્વરને જન્મ આપે છે. આ પ્રકારની ફ્લ્યુટનાં છીદ્રો વાલ્વ વડે ઢંકાયેલાં હોય છે અને જે તે છીદ્ર પરના વાલ્વને આંગળી વડે ખોલી, વાદક અપેક્ષિત સ્વર નીપજાવે છે. અગાઉ જણાવ્યું તેમ, ફ્લ્યુટ માત્ર લાકડામાંથી જ નહીં પણ નિકલ, તાંબું, ચાંદી, સોનું વગેરે મિશ્ર ધાતુઓમાંથી પણ બનાવવામાં આવે છે. આવી ફ્લ્યુટ્સને પાઈપ પણ કહેવામાં આવે છે. અપવાદરૂપે કાચ વડે બનાવાયેલી ફ્લ્યુટ પણ જોવા મળે છે.
નીચે લાકડામાંથી બનેલી ફ્લ્યુટની તસવીર જોઈ શકાય છે.

ફ્લ્યુટ (વાંસળી) પહેલાં પંડીત હરીપ્રસાદ ચૌરસીયાનું વાંસળીવાદન સાંભળી, તે વાદ્યના સ્વરથી પરીચિત થઈએ.
પાઈપ ફ્લ્યુટ્સના કેટલાક પ્રકારો નીચેની તસવીરમાં જોવા મળે છે.

વિવિધ પ્રકારની પાઈપ ફ્લ્યુટ્સ ઉપરની છબીમાં જોઈ શકાય છે તેવી પાઈપ ફ્લ્યુટના વાદનનું એક ઉદાહરણ પ્રસ્તુત છે. વાદક સન્નારી પરદેશી છે, પણ વાદ્યના સ્વર અને ધ્વની ખાસ્સાં જાણીતાં લાગે છે.
હવે કેટલાંક ચુનંદાં ફિલ્મી ગીતો માણીએ, જેમાં વાંસળીવાદનનું પ્રાધાન્ય કાને પડતું રહે છે.
૧૯૪૮ની ફિલ્મ આગનું એક ગીત ‘ન આંખોં મેં આંસુ ન હોઠોં પે હાયેં’ સાંભળીએ, જેમાં શરૂઆતથી જ વાંસળી સાથ આપ્યા કરે છે. સ્વરનિયોજન રામ ગાંગુલીનું છે.
એ જ ફિલ્મનું અન્ય એક ગીત ‘કાહે કોયલ શોર મચાયે રે’ પણ વાંસળીના ટહુકાઓથી સજેલું છે.
ફિલ્મ દીલ્લગી (૧૯૪૯)ના ગીત ‘મુરલીવાલે મુરલી બજા’ સાંભળીએ. આ ગીતમાં વાંસળીવાદન કાનને જકડી રાખે તેવું છે. આ ફિલ્મનું સંગીત નૌશાદે તૈયાર કર્યું હતું.
ફિલ્મ આરઝૂ(૧૯૫૦)નું અનિલ બીશ્વાસના સંગીતનિર્દેશનમાં બનેલું ગીત ‘મોરા નરમ કરજવા ડોલ ગયા’ વાંસળીના કર્ણમોહક અંશો ધરાવે છે.
https://www.youtube.com/watch?v=9kZtpSeUS9A
૧૯૫૦ના વર્ષમાં પરદા પર રજૂ થયેલી ફિલ્મ આંસુનું ગીત ‘સુન મોરે સાજના દેખો જી મુઝ કો ભૂલ ના જાના’ આજે પણ લોકપ્રિય છે. સાદા વાદ્યવૃંદ અને ધીરી ગતીએ ચાલતા તાલનો સાથ ધરાવતા આ ગીતને વાંસળીવાદન ભર્યુંભર્યું બનાવે છે. સંગીત હૂશ્નલાલ-ભગતરામે તૈયાર કર્યું હતું.
શંકર-જયકિશનના સંગીતથી સજેલાં ફિલ્મ બૂટ પાલીશ(૧૯૫૪)નું એકે એક ગીત ભારે લોકપ્રિયતાને વર્યું હતું. આજે પણ ચાહકો એ ગીતોને ભૂલ્યા નથી. તે પૈકીનું ગીત ‘તુમ્હારે હૈ તુમ સે દયા માંગતે હૈ’ વાંસળીના અવિસ્મરણીય અંશોથી ભરેલું છે.
વિશ્વવિખ્યાત વાંસળીવાદક પંડીત પન્નાલાલ ઘોષે કેટલીક ફિલ્મોના વાદ્યવૃંદમાં વાંસળીવાદન કર્યું છે. તે પૈકીનું ફિલ્મ બસંત બહાર(૧૯૫૬)નું ગીત ‘મૈં પિયા તોરી તુ માને યા ના માને’ સાંભળીએ. સંગીત શંકર-જયકિશનનું છે.
૧૯૫૬માં પ્રદર્શિત થયેલી ફિલ્મ તાજમાં હેમંતકુમારનું સંગીતનિર્દેશન હતું. તેના ગીત ‘બાંસુરીયાં ફીર સે બજા ઓ કાન્હા’ના માધુર્યમાં વાંસળીના અંશો અનેરો રંગ ભરી દે છે.
ફિલ્મ મેરી સૂરત તેરી આંખેં (૧૯૬૩)ની સફળતામાં સચીનદેવ બર્મનના નિર્દેશનમાં બનેલાં તેનાં ગીતોનું બહુ મોટું પ્રદાન રહ્યું હતું. એમાં પણ ‘પૂછો ના કૈસે મૈં ને રૈન બિતાયી’ તો આજે છ દાયકા પછી પણ ચાહકોના મનોજગત/હ્રદયમાં પોતાનું અડગ સ્થાન જમાવીને બિરાજેલું છે. અત્યંત સાદગીસભર વાદ્યવૃંદમાં વાંસળીના સ્વરો અનોખો રંગ ભરી દે છે.
ફિલ્મ ખાનદાન (૧૯૬૫)નું વાંસળીના સ્વરો ધરાવતું ગીત ‘નીલ ગગન પર ઉડતે બાદલ’ સાંભળીએ. સ્વરનિયોજન રવિનું છે.
https://youtu.be/_HVXJ8BAJM8?si=sm2IAjyQxqdUx6te
આજની કડીમાં આટલું જ. આવતી કડીમાં વધુ ગીતો સાથે મળીએ.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
બાળ ગગન વિહાર – મણકો – ૪૨: વાત અમારા રોહનની
શૈલા મુન્શા
ચાર વર્ષનો રોહન પોલીસ ઓફીસરનો દીકરો. ઘરમાં સહુનો ખૂબ લાડકો. એને જોઈને કોઈને પણ લાડ કરવાનું મન થાય એવો મીઠડો. મમ્મી પપ્પા ખુબ લાડ લડાવે, પણ સાથે સાથે પોલિસ ઓફિસરનો દીકરો એટલે રીતભાત અને નિયમોનું પાલન કરવાનું વગેરે બાબતો વિશે મમ્મી પપ્પાની કાળજી દેખાઈ આવતી.
રોહન ખૂબ ચોક્ખો અને સુઘડ બાળક. પહેલા દિવસે મમ્મી ને પપ્પા બન્ને એને સ્કૂલમાં મુકવા આવ્યા. જાતજાતની સુચના મમ્મી તરફથી અમને મળી, એ શું ખાય છે, એને શું ભાવે છે વગેરે વગેરે. મમ્મી પપ્પા ગયા ને રોહનભાઈએ રડવાનું ચાલુ કરી દીધું. પહેલીવાર એ અજાણ્યા બાળકો વચ્ચે હતો. ધીરે ધીરે એ ટેવાતો ગયો અને એને મજા પડવા માંડી. રોહનને એક નાનકડી બહેન હતી, એનું નામ એમીલી. અમારા ક્લાસમાં પણ એક એમી હતી. રોહન જાણે એનો પણ મોટો ભાઈ હોય તેમ એમી કાંઈક ધમાલ કરે તો હજી અમે એમીને બેસવાનું કહીએ તે પહેલા રોહન કડક અવાજે કહે “એમી બેસી જા”.
એક દિવસ તો ખરી મજા આવી. ક્લાસમાં અમે જુદા જુદા વિભાગ પાડ્યા હતા, આર્ટ વિભાગ જ્યાં બાળકો કાતર કાગળ પેન્લસિલ લઈ કાંઈ ચિત્રકામ કરે. ડ્રામા વિભગ જ્યાં કોમ્યુનિટી હેલ્પરના કપડાં હોય જેમ કે ડોક્ટરનો કોટ, મેડિકલ કીટ વગેરે. આગબંબા વાળાનો ડ્રેસ, પોલિસ ઓફિસરનો ડ્રેસ.
બાળકો પોતાનું કામ પતાવીને એ વિભાગમાં પોતાને મનગમતો ડ્રેસ પહેરી મસ્તી કરે. જે ડોક્ટર બન્યું હોય એ અમને પણ આવી ઈન્જેક્શન આપી જાય. રોહન તો હમેશ પોલિસ ઓફિસરનો ડ્રેસ પહેરી બરાબર એના પપ્પાની નકલ કરે.
એક દિવસ બધા બાળકો પોતાની રમત પ્રવૃતિમાં મશગૂલ હતા પણ એમી બધાને હેરાન કરતી હતી, અચાનક રોહન જે પોલિસના ડ્રેસમાં હતો એ રમતા રમતા ઊભો થઈને બે હાથ કમ્મર પર રાખીને એકદમ પોતાના પપ્પાની જેમ નકલ કરતો કહેવા માંડ્યો “એમી ૧ ૨ ૩ જા જઈને પેલા ખૂણામાં બેસી જા, બિલકુલ ઊભા નથી થવાનું” હું ને મેરી તો જોતા જ રહી ગયા કે ક્યાં થોડા દિવસ પહેલા નો રોહન ને ક્યાં આજનો રોહન.
રોહનને લેવા મોટાભગે એના પપ્પા આવે કારણ મમ્મીને ઘરે નાની દીકરીને સાચવવાની હોય, અને સવારે રોહન સ્કૂલ બસમાં આવે.
એક દિવસ સવારે રોહન બસને બદલે એના પપ્પા સાથે પોલિસની ગાડીમાં આવ્યો. અમારો ક્લાસ એકદમ છેવાડે અને એની બારીમાંથી અમને કાર માં આવતાં બાળકોની જગ્યા દેખાય. અમારી ચબરાક એમીની નજર પડી અને એ બુમ પાડી ઉઠી ” મીસ મુન્શા પોલિસ કાર, પોલિસ કાર” અમે જોયું કે રોહન એમાંથી ઉતરતો હતો! બસ બધા બાળકોને પોલિસ કાર પાસે જઈ જોવાનો અભરખો જાગ્યો, શરુઆત એમીબેને કરી.
બસ પછી તો મજા જ મજા. બધા બાળકોને બહાર ગાડી પાસે લઈ ગયાને ફોટા પાડ્યા ને રોહનના પપ્પાના યુનિફોર્મને બધા નવાઈથી જોતા રહ્યા. પડછંદ પપ્પાની આસપાસ અમારા નાનકડાં બાળકોએ જાતજાતના ફોટા પડાવ્યા!
કેટલો નિર્દોષ આનંદ આ બાળકો નાની વાતમાં પણ મેળવી લે છે એ જો એમની પાસે શિખવા જેવું છે.
એ નિર્દોષતા ક્યારેય ઓછી ના થાય એ જ પ્રાર્થના.એ દિવસો અને એ દેવદૂતો ક્યારેય વિસરાય એમ નથી. એમની યાદ મને પણ હમેશ જીવવાની, દુઃખ ભુલી ખુશ રહેવાની હિંમત આપે છે!
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
પ્રભાતે મલદર્શનમ્ તથા મળની વ્યવસ્થા
નલિની નાવરેકર
આપણે બધા જ ભોજન કરીએ છીએ. માત્ર મનુષ્ય જ નહીં, બધા જ સજીવોને અન્નની જરૂરિયાત હોય છે. અન્ન ગ્રહણ કરનાર દરેક સજીવ માટે મળવિસર્જન એ એક સ્વાભાવિક ક્રિયા છે. ઘણાં કારણોસર મનુષ્યપ્રાણી માટે આ સાધારણ ક્રિયા વિશે કેટલું વિચારવું પડે છે !
માણસ જ્યારથી એક જગ્યાએ વસવાટ કરવા માંડ્યો, ગામડાં વસતાં ગયાં, શહેર વધવા માંડ્યાં ત્યારથી મળવિસર્જન, મળના વ્યવસ્થાપનની સમસ્યા સામે આવી. તેને માટે આંદોલન પણ થયાં. અભિયાનો ચાલ્યાં. તેને માટે કેટલી મોટી યોજનાઓ પણ બનાવવી પડી. આજે પણ તે ચાલુ જ છે. આ બાબતે ઘણાં અધ્યયન, સંશોધન પણ થયાં અને હજુ પણ થઈ રહ્યાં છે.
ભંગીમુક્તિ આંદોલન :
ગામડાં અથવા તો શહેરની બસ્તીઓ જ્યારે નાની હતી, છૂટી છવાઈ હતી ત્યારે લોકો વસ્તીથી દૂર ખુલ્લામાં શૌચ માટે જતા હતા. ત્યાં તેનું વિઘટન પ્રાકૃતિક પદ્ધતિથી પોતાની મેળે જ થઈ જતું હતું. આગળ જતાં ગામ વધતાં ગયાં, વસ્તી ગીચ થતી ગઈ અને મોગલો ભારતમાં આવ્યા, આ બંને કારણોથી બંધ ઓરડામાં એટલે કે પાયખાનામાં શૌચ જવાનું શરૂ થયું.
આગળ જતાં ધીમે ધીમે આપણાં બધાં જ શહેરોમાં આ પદ્ધતિની સ્થાપના થઈ. પરંતુ તેમાં મળની વ્યવસ્થા અંગે કશું વિચારવામાં આવ્યું ન હતું. નીચેના ખાડામાં એક ડોળ, ડબ્બો અથવા એક ટોપલી મૂકવામાં આવતી હતી, જેમાં મેલું એકત્ર થતું હતું. સાથે સાથે પાણી અને પેશાબ પણ હોવાથી પાતળા મળનો નિકાલ કરવાનો આવતો હતો. ડોલની આજુબાજુ પણ મળ પડતો હતો અને તે સાફ કરવાનું કામ એક વિશિષ્ટ જાતિના લોકો ઉપર લાદવામાં આવ્યું હતું. તેમની એક નવી જમાત જ બની ગઈ – ‘ભંગી જમાત’.
જ્યારે માણસને પોતાના મળની જ ચીતરી ચડે છે, તો પછી બીજાના સડેલા મળને ઉપાડવાનું કામ કેટલું ગંદકીભર્યું હશે ? આવા અમાનવીય કામની કલ્પના પણ કરવી અઘરી છે ! આ કામ ભંગીઓને કઈ પરિસ્થિતિમાં કરવું પડ્યું ? ઘરના પાછળના ભાગમાં નાનકડો દરવાજો રાખવામાં આવતો. ત્યાંથી મેલું ભરેલ ડબ્બો હાથથી ઊંચકવાનો, તેને માથા પર મૂકીને લઈ જવો પડતો. કામ કરતી વખતે આ મેલું શરીર પર પડે, દુર્ગંધની તો વાતો જ ના કરો ! આ રીતે અત્યંત ગંદું કામ આ મિત્રોને કરવું પડ્યું. અને આ કામ કરનારાઓ સાથે લોકોનો વ્યવહાર પશુથીયે નીચા દરજ્જાનો રહ્યો.
ગાંધીજીની પ્રેરણાથી દેશભરમાં સમર્પિત તેમજ નિષ્ઠાવાન ગાંધીજનોએ ભંગીમુક્તિનું મોટું તેમજ મહત્ત્વનું કામ કર્યું. તેના આધારે પાછળથી સરકારે કેટલીયે સમિતિઓ અને કાયદાઓ દ્વારા પોતાનું કામ કર્યું.
આજે શહેરોમાં મહદ્અંશે સેપ્ટીક ટેંક વાળાં શૌચાલયો છે, જેમાં રોજ ભંગીની જરૂર પડતી નથી. પરંતુ આ પણ કંઈ આદર્શ પદ્ધતિ નથી.
ઔદ્યોગિકીકરણ :
ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિકીકરણની સાથે કારખાનાઓ ઊભાં થયાં. તેથી તેમાં કામ કરનારા લોકો મોટી સંખ્યામાં કારખાનાની આસપાસ આવીને વસ્યા. શહેરો વધવાની ગતિ વધી. અને ‘માનવમળ’ને કારણે પ્રશ્ર્નો ઊભા થયા. ગંદકી અને તેને કારણે રોગો ફેલાવા માંડ્યા. તેથી ત્યાંના માનવમળનો જલદીમાં જલદી નિકાલ કરવાનો વિચાર થવા લાગ્યો. બાળી નાંખો અથવા સમુદ્રમાં નાંખો અથવા જમીનમાં ઊંડે ધરબી દો.
આ જ સમયે ‘સેપ્ટીક ટેંક લેટ્રીન’ની શોધ થઈ. અંગ્રેજોને કારણે આ દુનિયાભરમાં પહોંચ્યું. આપણાં શહેરોમાં પણ મુખ્યત્વે સેપ્ટીક ટેંક શૌચાલયો જ છે. આજે આ પ્રકારનાં શૌચાલય સંપૂર્ણ રીતે નિર્દોષ સાબિત નથી થઈ રહ્યાં. પર્યાવરણ, સ્વાસ્થ્ય અને ખાતરની દૃષ્ટિએ સુધ્ધાં. તેમાંથી બહાર આવતી સ્લરીને ક્યાંક ખુલ્લામાં છોડી દેવાય છે. ક્યાંક ખુલ્લી ગટરોમાં વહેવડાવી દેવાય છે તો ક્યાંક મળ શુદ્ધિકરણ (સ્યુએજ) કેન્દ્ર પણ હોય છે. પરંતુ ઘણાં કારણોસર તે યોગ્ય રીતે કામ નથી કરી શકતાં, એકંદરે આ પ્રકારનાં શૌચાલયોથી હવાનું પ્રદૂષણ તેમજ નદીઓનું પણ પ્રદૂષણ થાય છે. નદીઓને ખૂબ જ મોટું નુકસાન આને કારણે થઈ રહ્યું છે.
સોનખત :
અહીં આપણા દેશમાં, ચીન, જાપાન જેવા કૃષિપ્રધાન દેશોનો અનુભવ હતો કે જમીન પર જ્યાં માનવમળ પડ્યો હોય ત્યાં પાક સારો આવે છે. પોતાની રીતે પારંપરિક પદ્ધતિઓ દ્વારા આ દેશો તેનો ઉપયોગ કરતા હતા.
ભારતમાં માનવમળમાંથી બનેલ ખાતરને સોનખત કહેવામાં આવે છે. ચીનમાં લાકડાની ડોલમાં મનુષ્યનો તાજો મળ લઈને લાકડાના ચમચા વડે છોડને આપવાની પદ્ધતિ અગાઉ હતી. જાપાનમાં શૌચાલય તથા તેમાંથી મળતા ખાતરનું ખૂબ મહત્ત્વ રહ્યું છે.
ગાંધીજીએ પોતાના રચનાત્મક કાર્યક્રમોમાં ‘સ્વચ્છતા કાર્ય’ને મહત્ત્વપૂર્ણનું સ્થાન આપ્યું હતું. મળની વ્યવસ્થા વૈજ્ઞાનિક પદ્ધતિથી થાય તેનો આગ્રહ રાખ્યો હતો. માનવમળની અવ્યવસ્થાને કારણે ગંદકી અને રોગચાળા ફેલાય છે. તો બીજી તરફ આની વ્યવસ્થા સુચારુરૂપે કરવામાં આવે તો ઉત્તમ ખાતર મળી શકે છે. જેનાથી આરોગ્ય પણ સચવાય, ગંદકી ન થાય અને ખાતર પણ મળે એના માટે ગાંધીજીએ પ્રયોગ કર્યા અને કરાવ્યા. ત્યારબાદ દેશ આખામાં અનેક ગાંધીજનોએ ખાતર આપનાર વૈજ્ઞાનિક શૌચાલયોનું નિર્માણ તેમજ પ્રસાર કર્યો.
જો દેશનાં તમામ મળમૂત્રમાંથી ખાતર બનાવવામાં આવે, તો આખા દેશની ખેતી માટે તે પૂરતું થઈ જાય. એક મનુષ્ય માટે અનાજ ઉગાડવા માટે જમીનની જેટલી ઊર્જા વપરાય તેની ક્ષતિપૂર્તિ તે જ વ્યક્તિના મળના ખાતરથી થઈ શકે, તેવું આંકડાઓ દ્વારા સાબિત થઈ ચૂકેલું છે. વિશ્ર્વભરમાં આજે આ રીતે ખાતર ઉત્પાદનના પ્રયોગો થઈ રહ્યા છે. ખેડૂતો, સામાજિક સંસ્થાઓ, ખાનગી કંપનીઓ તેમજ સરકારોની યોજનાઓ આ દિશામાં પ્રયોગો કરી રહી છે.
ખાતર બન્યા પછી એક વિશેષ પ્રકારની વાસ આવે છે. જાપાનના યુવાનો તેને ગૌરવથી આ અમારી રાષ્ટ્રીય ગંધ (નેશનલ સ્મેલ) કહે છે. સ્વીડનમાં ‘પીપુ’ નામનો એક ઉદ્યોગ છે, જે માનવમળ એકત્ર કરીને તેનું ખાતર બનાવીને ખેડૂતોને વેચે છે. ફ્રાન્સમાં ‘ફ્યુલી’ એક પારંપરિક પદ્ધતિ છે, જેમાં ખેતરમાં જ મળવિસર્જન કરીને જગ્યા પર જ ખાતર બનાવતા જવાનું હોય છે. વિવિધ દેશોમાં આવા અનેક પ્રયોગ, પ્રયાસ, પ્રકલ્પ થઈ રહ્યા છે.
“પ્રભાતે મલદર્શનમ્”
વહેલી સવારે ઊઠીને સવારે જ મળવિસર્જન થવું એ સારા સ્વાસ્થ્યનું લક્ષણ છે અને તેનું કારણ પણ છે. પેથોલોજીસ્ટ ચેપ અથવા રોગની સમજણ માટે રોગીના મળની તપાસ કરાવે છે. આપણે પોતે પણ તે કરી શકીએ, ‘શું હું સ્વસ્થ છું ? – મારો મળ પાતળો તો નથી, અથવા વધુ પડતો કઠણ નથીને ? વધુ દુર્ગંધ તો નથી આવતી ને ? – અને જો તેમ હોય તો – મેં શું ખાધું હતું ? શું ખાવું જોઈએ ? – મન પર કાબૂ રાખવો જોઈએ ?’ – પોતાના મળદર્શનથી આ રીતે આરોગ્ય અને વૈરાગ્ય બંને સાધી શકાશે.
આપણે શું કરી શકીએ ?
આપણે જમીનમાંથી જે લઈએ છીએ, તે તેને પાછું આપવું. તેની જરૂરિયાત પૂરી કરવી એ ખરેખર તો આપણું કર્તવ્ય છે. માણસનો એક સ્વાભાવિક શરીરધર્મ અને સાધારણ ક્રિયા છે મળવિસર્જન ! તે જ સ્થાન પર તેનો નૈસર્ગિક રીતે નિવેડો થઈ જાય તે કેટલી સહેલી વાત છે, તેની ઘૃણા કેમ કરીએ ? એ સમજવું પણ કેટલું સહેલું છે કે આ નાની શી વાતને જટિલ કેમ બનાવવી જોઈએ ? તેને માટે મોટી મોટી યોજનાઓ બનાવવાની જરૂર નથી. આપણે જો મોટા શહેરમાં રહેતા હોઈએ તો આજે પણ એ સાવ અશક્ય નથી, થોડું મુશ્કેલ જરૂર છે. આ સિવાય આપણે આપણા વાડામાં, આંગણામાં કે ખેતરમાં જરૂર કંઈક તો વિચારી શકીએ.
- ખૂરપી શૌચાલયનો અર્થ છે કે ખૂરપીથી એક નાનો ખાડો કરવો, તેમાં શૌચ કરીને તેને માટીથી ઢાંકી દેવું.
- નાના નાના ખાડાઓ એક લાઈનમાં ખોદી રાખવા. તેની આજુ-બાજુ / આડશ માટે પડદો રાખવો જે રોજ આગળ ખસેડતા જઈ શકાય. ગાંધીજીએ આ પ્રયોગ સૂચવ્યો હતો.
- એક છે નાલી શૌચાલય. નીક બનાવીને તેમાં મળવિસર્જન કરીને તેના પર માટી ઢાંકી દેવાની હોય છે. આજુબાજુ આડશ કરી દેવી. આ અર્ધ-તાત્કાલિક છે. તેમાં જલદીથી સારું ખાતર બની શકે છે.
- દ્વિકૂપ શૌચાલય છે, જેની ટાંકી ઈંટ-સિમેંટથી બનાવાય છે. આમાંથી બે-ત્રણ વર્ષે અથવા દર વર્ષે પણ સહેલાઈથી ખાતર કાઢી શકાય છે.
- નાયગાવ ખાદઘર નામનું એક શૌચાલય છે. તેમાંથી આપણે વધુમાં વધુ પ્રમાણમાં ખાતર મેળવી શકીએ છીએ.
- બાયોગેસ પ્લાન્ટનો ઉપયોગ પણ મળવ્યવસ્થાની દૃષ્ટિથી કરી શકાય છે.
શૌચાલયોના ઘણા પ્રકાર છે. જે સસ્તું પણ હોય અને સ્વાસ્થ્યની રીતે પણ હાનિકારક ન હોય, પાણીની જરૂરિયાત પણ ઓછી હોય અને જે પાણી અને હવાનું પ્રદૂષણ પણ ન કરતાં હોય. જેમાંથી સારું ખાતર પણ મળી શકે અને છતાં ગંદું કામ ન કરવું પડે. જેની સારસંભાળ પણ સહેલાઈથી લઈ શકાય.
શું આપણે આમાંનો કોઈ વિકલ્પ પસંદ કરી શકીએ ? અને આપણે સાચા સર્વોદયી, સાચા ગાંધી-વિનોબા અનુયાયી અથવા સાચા સમાજસેવક, પર્યાવરણ રક્ષક છીએ એવું સાબિત કરી શકીએ ?
– નલિની નાવરેકર (મો.: ૭૫૮૮૩૧૬૧૩૭)
સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧ જૂન, ૨૦૨૪
