તે બેસે અહીં

 – સ્નેહી પરમાર 

કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.

હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં,
ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં.

સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,
કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.

હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં,
કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં.

એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ?
એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.

જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે,
આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં.

સમજી જા

 ચિનુ મોદી

 અધમણ અંધારું ઘેરાયું, સમજી જા
ચન્દ્રબિંબ જળમાં દેખાયું, સમજી જા

મુઠ્ઠી વાળી ભીંતો ભાગી શેરી વચ્ચે
માથા સાથે ધડ છેદાયું, સમજી જા.

નભની આ ગેબી વાણી છે, સમજી જા
પળ પોતે પણ પટરાણી છે, સમજી જા

દરિયા જેવો દરિયો લાગે આ બીધેલો
ગિરિવર ભેજ્યાં આ પાણી છે, સમજી જા.

પડછાયાનું ટોળે વળતું ધણ છે, સમજી જા
સાંજ પડી પણ ધીખતું રણ છે, સમજી જા

મઝધારેથી તટ પર આવી તૂટી ગયું છે
મોજું ક્યાં છે, જીવતું જણ છે, સમજી જા.