-
પ્રતિબિંબ
વસુધા ઈનામદાર
‘જરા ગાડી ધીમી ચલાવ ‘ સૌમ્યાએ સાર્થને કહયું.
સાર્થે હસીને ચાલુ ગાડીએ સૌમ્યા સામે જોયું. ,ને તે બોલ્યો , ‘તને મારા ડ્રાઇવિંગની બીક લાગે છે ?’
‘ના , એમ નથી પણ …… ‘‘પણ શું ? સૌમ્યા જો તો ખરી આ રોડની શોભા ! એકબીજા તરફ ઢળેલાં આ વૃક્ષોએ કેવી સરસ કમાન બનાવી છે ! આ પેલા ઘનઘોર વાદળાં જો તો ખરી ! ગાગર છલકાય તેમ હમણાં જોતજોતામાં છલકાવાનાં, અરે એટલું જ નહીં ,ધોધમાર વરસી પડવાનાં, ને એના ઝાપટામાં આપડે ન સપડાઈએ એટલેજ સ્તો !! ‘
‘બસ બસ હવે રહેવા દે ! સાચું શું છે તે કહી દે ! ‘ સૌમ્યાએ સાર્થને કહયું.
‘સાચું કહું સૌમ્યા ,નીતા આંટીએ જ્યારથી આનિયાની વાત કરી છે ને , ત્યારથી મારું મન જાણે એ નાનકડી આનિયાની પાછળ પતંગિયાની જેમ ઉડાઉડ કરે છે. એના ફોટા જોયા ત્યારથી એક સુખદ અજંપો મનમાં ફેલાયો છે. એના નાના નાજુક હાથ, એના કાલાઘેલા શબ્દોની સરગમ, પણ પછી મારું મન ધીરેધીરે એના ચહેરા પર સ્થિર થાય છે. એનો નિર્દોષ ચહેરો અને એ ભલી ભોળી આંખો અને મા માટે એની આંખમાંથી દદડતાં આંસુ ! ‘
‘બસ કર સાર્થ , હું આનિયાને મળું તે પહેલાં જ તારે મને રોવડાવવી છે ?’
‘સોરી, સોરી સૌમ્યા ! પણ સાચું કહું સૌમ્યા ! મારા મનમાં વલોવતી મારી લાગણીના ફુવારા છે ! ‘
સાર્થે ,સ્ટીઅરિંગ પરથી હાથ ઉઠાવીને સૌમ્યના હાથ પર મુક્યો ! સૌમ્યા ક્યાંય સુધી સાર્થના
હૂંફાળા સ્પર્શને માણતી રહી !થોડીવાર પછી હળવેથી સાર્થનો હાથ સ્ટીઅરિંગ પર મુકતા કહ્યું . ‘સાર્થ આપણે આનિયાના ફોટા અને વીડિયો જોયાં અને આપણને ફેસબુક પર જોયા,છતાં મને ખબર નથી કે આપણને જોતાં જ નાનકડી આનિયાની શું પ્રતિક્રિયા હશે, તે હું નથી જાણતી પણ મારા આ બે હાથોની, મારા હૃદયની, મારા છાતીમાં ધબકતા મારા ધબકારની એક જ પ્રતિક્રિયા હશે,
…… હું આનિયાને જોશથી મારી છાતીએ વળગાડી, મારા હૃદય સરસી ચાંપીને એને વહાલથી નવડાવી દઈશ ને કહીશ , ઓ મારી દીકરી આનિયા, તું જ મારી દીકરી છો ! ‘સાર્થ ગંભીર અવાજે બોલ્યો ,’ સૌમ્યા, તને આ આપણો નિર્ણય બરાબર લાગે છે ? આપણે તો કોઈ સરોગસી કરવાવાળાં બહેનની શોધમાં હતાં ને આમ અચાનક તેં નિર્ણય બદલ્યો ! જોકે હું પણ તારી સાથે જોડાયો છું, પણ તને લાગે છે કે આપણે આ નિર્ણય લીધો છે તે બરાબર છે ? આપણાં માટે એ યોગ્ય નીવડશે ? કે પછી …… ?’
‘જો સાર્થ, સાચા ખોટા નિર્ણયની મને ખબર નથી ,નીતુ આંટી કહે છે તેમ , આપણે આ એક ઉમદા અને માનવતાભર્યું કામ કરવા જઈએ છીએ. જોકે એમાં આપણો સ્વાર્થ પૂરેપૂરો છે. આપણે મા-બાપ બનવાના સાર્થ ! કોવિડને કારણે અનાથ થયેલી દીકરીને, હું કાંઈ માત્ર દયા કે કરુણાથી નથી અપનાવતી. એના વિષે આખી વાત જાણી, એને ફેસબુક પર જોયા પછી મારી ઝંખનાની ઝાલરે જાણે વાત્સલ્યના સૂર રેલાવ્યા છેં અત્યારે તો હું આનિયાની મા બનવાની છું એની તૃપ્તિ અને પ્રસન્નતા અનુભવું છું ,એથી વિશેષ કાંઈ નહિ ! આપણે હવે એક જ નિર્ણય લેવાનો છે અને તે છે આનિયાને એના અસલી માબાપની ખોટ જિંદગીભર નહિ સાલવા દેવાની !
સાર્થે એની વાતમાં ટાપસી પુરાવી તેને કહયું, ‘ તારી વાત એકદમ સાચી છે સૌમ્યા !’
વાતવાતમાં બંને જણ નીતુ આન્ટીની દીકરીને ત્યાં આવી પહોંચ્યા. રસ્તામાં વરસાદમાં ના ભીંજાયા, પણ વરસાદી મોસમમાં લાગણીથી છલોછલ થઈને તેઓએ એકબીજાની સામે જોયું ,
ને દરવાજાની બેલ મારી !!દીપાએ દરવાજો ખોલ્યો ,એની પાછળ એનો ડ્રેસ પકડીને ઉભેલી આનિયાને સૌમ્યા જોઈ જ રહી ! પોતાની મા જેવા જ પંજાબી ડ્રેસમાં આવેલી સ્ત્રીને આનિયા પણ જોઈ જ રહી, પોતાની મા સમજીને દોડી ગઈ ,પણ નજીક જઈને અજાણ્યો ચહેરો જોતા જ આનિયાએ રડવાનું શરું કર્યું. તે પાછી ફરીને દીપાને વળગી પડી ! સાર્થ એકીટશે તે બંનેને ચુપચાપ જોઈ રહ્યો ! દીપાએ બંનેને સોફા પર બેસવાનું કહ્યું.
સૌમ્યાએ આનિયાની સામે જોતાજોતા પોતાની પર્સમાંથી જુદાજુદા રંગની ,નાનીનાની બંગડીઓ કાઢી, એટલું જ નહીં આનિયાને ગમતી લાલ રંગની માળા પણ એણે કાઢી ! પોતાના બંને હાથનો ખોબો કરીને આનિયાને આંખના ઈશારા વડે બોલાવી .આનિયાએ આગળ આવીને માળા સૌમ્યાના હાથમાંથી લઈ લીધી. એની આંખો રડતી હતી પણ ચહેરા પર સ્મિત રેલાયું ! માળા ડોકમાં નાંખી તે દીપાની પાછળ સંતાઈ ગઈ !
સાર્થે સૌમ્યાને પૂછયું ,’તું આ બધું કયારે લાવી ?’
સૌમ્યાએ હસીને કહ્યું ,’ મને નીતુ આંટીએ કહયું હતું, કે આનિયાને માળા અને બંગડીઓ ગમે છે .’
દીપાએ આનિયાને પોતાના ખોળામાં બેસાડી અને બોલી, ‘આનિયાની મમ્મી પણ મારા જેવી નર્સ હતી. આનિયાના પપ્પા ડોક્ટર હતા. કોવીડના દર્દીઓની સેવા કરતા કરતા એમને પણ કોવીડ થયો. તેઓ દસેક મહિના પહેલાં જ મૃત્યુ પામ્યા. આનિયાની મમ્મીનું નામ શશી હતું. એ થોડા મહિના પહેલાં જ અમારી હૉસ્પિટલમાં આવી હતી. અમે બંને એક જ શિફ્ટમાં કામ કરતા હતાં .અમને જયારે સાથે રહેવાનો ટાઈમ મળતો ત્યારે તે હંમેશા આનિયાની જ વાતો કરતી, આનિયાના માતા પિતાના લવ મેરેજ હતા.’
બંને પક્ષે એમના લગ્ન મંજૂર નહોતા. આનિયાના પિતાના મૃત્યુ પછી શશી ડરવા લાગી હતી , એણે પોતાના માતાપિતા અને પતિના કુટુંબનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો અંતે ના છૂટકે તે આનિયાને આયા પાસે મૂકતી. કોવીડના કારણે આયા પણ જતી રહી. ડોક્ટર અને નર્સ ને ત્યાં કોવિડને કારણે કોઈ કામ કરવા તૈયાર નહોતું, ત્યારથી હું અને શશી આનિયાને સાચવતાં.
એક દિવસ શશી હોસ્પિટલમાંથી તાવ લઈને આવી, તેનો ટેસ્ટ કરવામાં આવ્યો. તેને કોવીડ થયાનું નિદાન આવ્યું, અમે બંને ડરી ગયાં. મેં કોવીડના બીકથી હોસ્પિટલમાંથી રજા લઈ લીધી !શશીની તબિયત બગડવા લાગી, તેણે એક સાદા સ્ટેમ્પ પેપર પર પોતાને કશુંક થાય તો આનિયાને દત્તક આપવી એમ લખીને ડોક્ટર અને નર્સની હાજરીમાં આ પેપર પર સહીઓ કરીને સહુની વચ્ચે કહયું કે, મારી અંતિમ ઈચ્છા છે કે, દીપાએ આનિયાને રાખવી અથવા કોઈ એડપ્શન એજન્સીની મદદથી સારું ઘર શોધીને આનિયાને દત્તક આપવી.તમે તો જાણો છો જ મારી મમ્મી સોશિયલ વર્કર છે , અને તે કોઈ દત્તક એજન્સીની કાયેદેસર મદદ લઈને આ દત્તકની સમગ્ર પ્રક્રિયામાં મદદ કરશે .આ કાયદાકીય દૃષ્ટિએ જોઈતી બધી જ મદદ કરવાનું મારી મમ્મીએ માથે લીધું છે.
સૌમ્યાબહેન, મારા મમ્મી કહેતાં હતાં કે, તમે થોડા દિવસ રોજ આવીને આનિયા સાથે રહેવાના છો. આ તમારો વિચાર ખૂબ જ સારો છે. આનિયા તમારી સાથે ભળી જશે. શશીએ એડપ્શનનાં પેપર પર સહુની હાજરીમાં સહીઓ કરી છે તેથી તમારું કામ ખૂબ જ સરળ થઈ જશે.આનિયાના પિતાએ શશીને કહયું હતું કે ,’ જો તું મારી જેમ કોવીડમાં સપડાય તો આપણી આનિયાને તારા કે મારા પરિવારમાં ના સોંપતી, આપણાં પ્રેમની સજા આનિયાને નહિ આપતી ! ‘ કદાચ તેથી જ એ બંને પરિવાર તરફથી શશીને કોઈ અપેક્ષા નહોતી .મારા મમ્મી કહેતાં હતાં ,’ તમારા સિવાય આનિયાને આટલો સારો પોતીકો લાગે એવો પરિવાર નહીં મળે’. મમ્મીની વાત મને સાચી લાગે છે .
સાર્થ અને સૌમ્યા જયારે ઘરમાંથી બહાર નીકળ્યા ત્યારે રાતરાણીની સુગંધથી સમગ્ર વાતાવરણમાં પ્રસન્નતા ફેલાઈ હતી.
આજે એ વાતને પાંચેક વર્ષ થઈ ગયા. આનિયા હવે સ્કૂલમાં જાય છે. વર્ષો પહેલાં દીપાને ઘરેથી નીકળતી વખતે દીપાએ સૌમ્યાને શશીની પંજાબી ડ્રેસની ઓઢણી આપતા કહયું હતું , ‘સૌમ્યા બહેન ,આનિયાને એની મમ્મીની આ ઓઢણી બહુ જ ગમે છે. રાતે એને ઊંઘ ના આવે તો તેને આ ઓઢણી આપજો .’ એ ઓઢણી સૌમ્યાએ હજી સુધી સાચવી રાખી હતી.
રોજની ટેવ મુજબ સૌમ્યા આનિયાના વાળ ઓળે છે , અરીસામાં જ સૌમ્યાની સામે જોઈ આનિયા બોલી , ‘મમ્મી, તમને ખબર છે ,મારી મમ્મી કેવી દેખાતી હતી ?’
સૌમ્યા હસી. કબાટના ઉપરના ખાનામાં મૂકેલી શશીની ઓઢણી આનિયાને ઓઢાડીને બોલી, ‘જો આનિયા, તારી મમ્મી બિલકુલ આવી જ, તારા જેવી જ દેખાતી હતી .’
આનિયા અરીસામાં જોઈ જ રહી. ક્યાંય સુધી ,બસ જોઈ જ રહી !!
સૌજન્યઃ અખંડાઅનંદ
વસુધા ઇનામદાર : ફોન – +૧ -૭૮૧ ૪૬૨ ૮૧૭૩
-
મુક્તિ
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
સમાચાર મળ્યા, ‘ફોઈ નથી રહ્યાં.’ સાંભળીને દુઃખ થવું જોઈએ. ન થયું. જીવનભરની ઉપાધિઓમાંથી એમને છૂટકારો મળી ગયો. મને શાંતિ થઈ. છેલ્લાં બે વર્ષથી એ પોતાની જાત સાથે લડતી હતી. જેને પોતાને જ જીવવાની ઈચ્છા ન રહી હોય એને દવા શું અસર કરે?
મા ગઈ એ પછી આ ફોઈ જ તો હતી જે મારી મા બની રહી હતી. મારી પસંદ-નાપસંદ જાણતી હતી. મારા નખરાં એ જ સહન કરતી હતી. હૉસ્ટેલથી આવું ત્યારે ફોઈના ઘેર જ રહેતી હતી. ચાર વર્ષ પહેલાં એના દીકરાએ જીવનસંઘર્ષથી હારીને આત્મહત્યા કરી ત્યારથી એ બદલાવા માંડી. એ સમયે હતાશામાંથી બહાર આવવા સૌએ ફોઈને સાથ આપ્યો હતો. થોડા અંશે એ આઘાતમાંથી બહાર આવી હતી. એમ તો ફોઈને બીજા બે સંતાન હતાં છતાં એ વ્યથિત રહેતી.
એ પછીનાં બે વર્ષે મારાં લગ્ન થયાં.
ફોઈ બીમાર છે એ જાણ્યાં પછી નવું ઘર, નવી જવાબદારીઓ, કામનાં ભારણનાં લીધે હું એની પાસે ભાગ્યે જઈ શકતી. કેટલીય વાર ફોઈનાં મનનો તાગ લેવાનો વિચાર્યું હતું, પણ શક્ય ન બન્યું. ફોઈને મળીને પાછી આવું ત્યારે એની ઉદાસીથી હું ઉદાસ બની જતી. ફોઈનો રોનક વગરનો ચહેરો નજર સામેથી ખસતો નહીં. હમણાંથી એનાં ચહેરા પર સ્મિતના બદલે ઘેરા શોકની છાયા જોવા મળતી. આ વખતે મને જોઈને એનાં હૃદયમાં બંધ તૂટી ગયા. સમજાયું નહોતું કે, દીકરાના આકસ્મિક મોતની એ છાયા હતી કે પોતાનાં લગ્નજીવનની તંગદિલીની અસર હતી?
ખરી વાત એ હતી કે, ફોઈ અને ફુઆ વચ્ચે લાગણીનો સંબંધ રહ્યો નહોતો. ફુઆએ પૈસા આપવાનાં બંધ કર્યા હતા. હાથ પણ ઉપાડવા માંડ્યા હતા. એક વાર કાન પાસે એટલા જોરથી માર્યું કે, ફોઈને સંભળાવાનું બંધ થઈ ગયું જેનો કોઈ ઈલાજ નહોતો. બીજી વાર ફુઆની મહેરબાનીથી તૂટેલા હાથપગ લઈને હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું એ વધારાનું.
મારાં દાદી હંમેશા કહેતાં, “ઘરની સમસ્યાઓ લઈને બહાર નહીં આવવાનું. પતિને બદનામ નહીં કરવાના. સમય જતાં બધું થાળે પડશે. ઝગડા કોનાં ઘરમાં નથી હોતા?”
બસ, પોતાની માના એ શબ્દોને લઈને ફોઈ જીવનભર એ તૂટેલો સંબંધ સાચવતી રહી.
ફોઈનાં બંને સંતાનો બહાર ભણતાં હતાં. એમને ફોઈએ પોતાની પીડાનો અણસાર સુદ્ધાં ન આવવા દીધો. ફોઈનું ભર્યુંભાદર્યું ઘર ઉજ્જડ બનવા માંડ્યું. ઘરનો દબદબો ઘટવા માંડ્યો. આંગણાંમાંની ગાયો ઓછી થતી ગઈ. બસ, ખૂંટે બાંધેલી એક ગાય હતી જેનાં ગળે એવો ઘા હતો જે રૂઝાતો જ નહોતો. ફોઈએ એને ખૂંટેથી આઝાદ કરી દીધી હતી પણ, એ ક્યાંય જતી નહોતી. ઉદાસીથી એ ખૂંટા પાસે જ ઊભી રહેતી.
ફોઈનું પણ કદાચ એવું જ હતું.
ફુઆએ ઘરની જવાબદારી લેવાનું છોડી દીધું હતું. મા સમાન ફોઈની પીડા મારાથી સહન નહોતી થતી. લાખ વાનાં કર્યા, છતાં એ ફુઆને છોડીને મારી સાથે આવવા તૈયાર ન થઈ. સ્ત્રીઓ માટે પતિનું ઘર સુરક્ષા કવચ જેવું હશે કે, પછી પરિવાર અને સમાજની મર્યાદા એનાં પગની બેડી બની જતી હશે?
અંતે અકળાઈને ફોઈ પાસેથી ચાલી નીકળતી, પણ ફોઈનો વ્યથિત ચહેરો નજરથી ખસતો નહીં. વિચાર્યા કરતી કે, કોઈ પોતાનાં જીવનને કેવી રીતે આમ દાવ પર મૂકી શકે?
ફોઈને મળીને આવતી એ ક્ષણે એવું લાગતું કે, મારું જીવન ફોઈનાં જીવનથી જરાય જુદું નથી. સંતાનો થયાં પછી મારાં જીવનમાં પણ આમ જ બનવા માંડ્યું હતું. કેટલીય વાર પૂછવા છતાં એ મૌન રહેતા. એમનું મૌન મને કોરી નાખતું. લોહીલુહાણ કરી દેતું. મારાં સંતાનોનું ભવિષ્ય, ઘર-પરિવારની મર્યાદા, બધું જ ડામાડોળ થવા માંડ્યું જેને સ્થિર કરવાની હું નિષ્ફળ કોશિશ કરતી હતી. મોડી રાત્રે આવે ત્યારે એમના મનની શાંતિ કોની પાસેથી શોધવા જતા હશે, એ વિચારથી હું વિચલિત થઈ જતી.
શક્ય હતું ત્યાં સુધી હું કર્તવ્યમાંથી ચલિત થઈ નથી. શક્ય હોય ત્યાં સુધી મારાં મનમાં છટપટાતા, અનુત્તર રહી જતા સવાલોને મનમાં ધરબીને અમારી વચ્ચે કશું જ અઘટિત બન્યું નથી એવી રીતે એમની સાથે વર્તી છું.
પણ, હવે હું ફોઈ જેવી નહીં બનું. મારી પાસે નોકરી છે જેનાં આધારે હું ચાર દીવાલોની વચ્ચે કેદ નહીં રહું.
ફોઈ મરી ગઈ એ સારું જ થયું. આપણું કોઈ દગાબાજ નીકળે તો જીવવું કેટલું કપરું બને એ હવે મને સમજાય છે.
હોઠ પર વહી આવેલાં ખારાં પાણીના સ્વાદથી સફાળી ચોંકી, ત્યારે સમજાયું કે આ આંસું જ મારી કાયમી એકલતાના સાથી છે. ફક્ત કમજોર હોવાની છાપ ઊભી ન થાય એ માટે એને કોઈની હાજરીમાં વહેવાં નથી દીધાં.
“મા, ક્યાં છું?” કહેતો દીકરો રૂમમાં આવ્યો ત્યારે વર્તમાનમાં પાછી ફરી. મારા સદાના સાથીને વહી જતાં રોકીને ઊભી થઈ. કેટલો સમય વીતી ગયો એનો ક્યાં અંદાજ રહ્યો હતો?
રૂમમાંથી બહાર આવીને ઘર-મંદિરમાં ફોઈનાં નામે ત્રણ દીવા પ્રગટાવી, આંખો બંધ કરીને ફોઈના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. બંધ આંખોની સામે ફોઈનો સ્વસ્થ, હસતો ચહેરો દેખાયો. ફોઈની આંખોમાં મારા પ્રત્યેનો અપ્રતિમ સ્નેહ છલકાતો દેખાયો અને ફરી મારી આંખોમાંથી આંસુની ધાર વહેવા માંડી.
હવે આ આંસુમાં પીડા નહોતી. મનમાં શાંતિ અને હૃદયમાં ફોઈની મુક્તિ માટેનો આનંદ હતો.
ડૉ. ચુકી ભૂટિયા લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
મહેન્દ્ર શાહનાં સપ્ટેમ્બર ૨૦૨૪નાં ચિત્રકળા સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah’’s Creations for Month Of September 2024 creations
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
ફિલ્મી ગઝલો – ૭૧. સરસ્વતી કુમાર દીપક
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
સરસ્વતી કુમાર દીપકના પરિચય અને લેખન ક્ષમતા માટે બે જ ઉદાહરણો કાફી છે. આર કે ફિલ્મ્સની પ્રથમ ફિલ્મ ‘ આગ ‘ ( ૧૯૪૬ ) નું ‘ કહીં કા દીપક કહીં કી બાતી આજ બને હૈં જીવનસાથી દેખ ચાંદ કી ઔર ‘ ( શમશાદ – શૈલેષ ) અને આર કે ની જ મહાન ફિલ્મ ‘ બુટ પોલિશ ‘ નું ‘ રાત ગઈ ફિર દિન આતા હૈ ‘ ( મન્ના ડે – આશા ). ‘ આગ ‘ નું ‘ કાહે કોયલ શોર મચાએ રે ‘ ( શમશાદ ) પણ એમની જ લેખનીની નીપજ.
લગભગ ૧૦૦ ફિલ્મોમાં ૪૦૦ આસપાસ ગીતો લખનાર સરસ્વતી કુમારનો જન્મ ૧૯૧૮ માં અને દેહાવસાન ૧૯૮૬ માં. મોટા ભાગની ફિલ્મો ધાર્મિક અને પૌરાણિક. આવી કેટલીક ફિલ્મો એટલે ઝબાન, ભૂમિ, માનસરોવર, પિયા મિલન, મન કા મીત, જય શંકર, વીર અર્જુન, હારજીત, અયોધ્યાપતિ, શિવ પાર્વતી, માયા સુંદરી, કોઈ ગુલામ નહીં, દો શોલે, અમર પ્રેમ, સ્વર્ણ ભૂમિ, લવ કુશ, અફસાના, હર હર મહાદેવ, પ્રભુ કી માયા, રામાયણ, ઇન્દ્રલીલા, પવનપુત્ર હનુમાન, તીર્થ યાત્રા, અભિમાન, સતી પરીક્ષા, જય મહાકાલી, દશાવતાર, બંસરી બાલા, શ્રી વિષ્ણુ ભગવાન, ભક્ત પ્રહલાદ, માયા બાઝાર, શોલે ( જૂનું ), નનદ ભોજાઈ, ઘાયલ, નાગ લોક, વીર ઘટોત્કચ, સુભદ્રા હરણ, માયા મછિન્દ્ર, ચક્રવર્તી વિક્રમાદિત્ય, રામ ભક્ત વિભીષણ, રામ જન્મ વગેરે. આમાંની મોટા ભાગની ફિલ્મોના સંવાદ પણ એમણે લખ્યાં.
‘ અયોધ્યાપતિ ‘ ફિલ્મનું હેમંત કુમાર દ્વારા ગવાયેલું ‘ છોડ ચલે આજ હમારે રામ અયોધ્યા છોડ ચલે ‘ અને ‘ ભાગવત મહિમા ‘ ફિલ્મનું એમણે જ ગાયેલું ‘ ભાગવત ભગવાન કી હૈ આરતી ‘ પણ શ્રવણિય ગીતો છે.
એમણે કેટલીક ગઝલો પણ લખી એ આશ્ચર્યની વાત ! બે ગઝલો જોઈએ :
વો ઝિંદગી મેં આએ ઔર આકર ચલે ગયે
ગુલશન મેરા ઉજાડ બના કર ચલે ગયેમૈં ઝિંદગી કા ઉનકો સમજતી થી આસરા
તુફાં મેં મેરી નાવ ફંસા કર ચલે ગયેઝૌકા હવા કા થા મેરી ખુશિયોં કા ઝમાના
દો ચાર દિન બહાર દિખા કર ચલે ગયેતકદીર સે તકદીર કા લિખા ન મિટ સકે
હંસને કી તમન્ના થી રૂલા કર ચલે ગયે..– ફિલ્મ : સાજન કા ઘર ૧૯૪૮
– સિતારાબાઈ કાનપુરી
– કે એલ સાગર( રફીના ‘ આયે બહાર બન કે લુભા કર ચલે ગયે ‘ અને ‘ ઉન કે ખયાલ આયે તો આતે ચલે ગયે ‘ વાળો લય. )
કોઈ આહ કરે કોઈ વાહ કરે દુનિયા કા યહી અફસાના હૈ
જિસકો હમ અપના સમજે થે વો આજ હુઆ બેગાના હૈતકદીર બુરી જબ હોતી હૈ સાયા ભી જુદા હો જાતા હૈ
જિસકી તુફાન મેં કશ્તી હો અબ ઉસકા કૌન ઠિકાના હૈજિસ પ્યાર કે ગુલશન કો હમને અપને આંસૂ સે સીંચા થા
હાએ પ્યાર વહી અપના ન હુઆ કિતના બેદર્દ ઝમાના હૈ..– ફિલ્મ : હમારી શાન ૧૯૫૧
– તલત મહેમૂદ
– ચિત્રગુપ્ત
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
વ્યાવસાયિક સફળતા પર પુનર્વિચાર કરીએ — સફળતાનાં પડઘમોના શોરબકોરની પેલે પાર
ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ
કોણ કહે છે કે પોતાના વ્યવસાયમાં સફળ થવા માટે સ્ટાર્ટઅપ જ જરૂરી છે?
હા, સ્ટાર્ટઅપની પોતાનો અનોખો ઉત્કટ રોમાંચ છે,
પણ એ દરેક માટે નથી.
સફળતાઓની ઊંચાઈઓ બેશક અવર્ણનીય છે,પણ, નિષ્ફળતા
બહુ જ નિષ્ઠુર હોય છે.
તો વિકલ્પ શું છે?
લગાતાર, મૂલ્યવૃદ્ધિ કરતા વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરીએ.
અસાધારણ ઉત્કૃષ્ટતાથી તે કરીએ.આવા વ્યવસાય કદાચ ઇક્વિટી રોકાણકારોને કદાચ ન આકર્ષી શકે
પણ ઋણ ધિરાણ માટે તે શ્રેષ્ઠ ઉમેદવાર બની શકે છે.કેમ? સંભવતઃ
પહેલાં પણ જે સફળતાપૂર્વક કરી શકાયું છે તે ઋણ ધિરાણ માટે સલામત જોખમ બની રહે..
અને તેમ છતાં, અભિનવતા ક્યાં કોઈની જાગીર છે?
ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાની જરૂર નથી.
કેટલીક વાર, નાના નાના સંશોધનો
મોટી અસર લાવી શકે છે.ઉદ્દેશ્ય શું હોવો જોઈએ?
બજારની જરૂરિયાત ખોળી કાઢો અને તેને પુરી કરો.
બીજાં કોઈ પણ રીતે વધુ સારી, વધુ અસરકારક રીતે.સ્ટાર્ટઅપ એજ એક માત્ર માર્ગ નથી.
એ તો એક વિકલ્પ માત્ર છે – બહુ જોખમી અને કદાચ બહુ આકર્ષક વળતર રળી આપનાર.→ તમને અનુકૂળ પડે એવી, તમારી શૈલીને અનૂકુળ આવે એવી જ રમત પસંદ કરો. તમારાં સાહસની પસંદગી તમે જ કરો.

આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
-
વ્યક્તિગત નિપુણતા અને નવું નવું શીખવા માટેની પ્રતિબદ્ધતા
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
આજનાં કોર્પોરેટ જગતમાં પણ, ઘણાં લોકો તેમના પોતાના વિકાસ માટે તેમનાં નોકરીદાતાઓ પર ઘણો આધાર રાખતાઅં જોવા મળે છે. જ્યારે જ્યારે વિવિધ કૌશલ્યોને સુગઠિત કરવાની કે પોતાનાના કાર્યક્ષેત્રમાં નવું કૌશલ્ય મેળવવાની વાત આવે છે, ત્યારે તેઓ કોઈ તે અંગે પહેલ કરે અને તેમને તાલીમ આપે તેની એ લોકો રાહ જુએ છે (એટલે કે ‘ભાણું પણ પીરસેઅને કોળિયા પણ ભરાવે!’).
તાજેતરમાં મારે ઇન્ટરવ્યુ લેવાનું થયું હતું. તે સમયે મેં લગભગ દરેક ઉમેદવારને એ પદ માટેનાં અમુક ચોક્કસ તેમજ અમુક મૂળભૂત કૌશલ્યો મેળવવા વિશે પૂછ્યું. એક ઉએમેદવારનો જવાબ હતોઃ “મને મારી વર્તમાન નોકરીમાં તેના પર કામ કરવાની ક્યારેય તક આપવામાં આવી નથી/તક મળી નથી”. બીજા એક ઉમેદવારે કહ્યું, “મને તેના પર ક્યારેય તાલીમ આપવામાં આવી નથી”. આવા નિવેદનો વ્યક્તિની પોતાના કાર્ય પ્રત્યેની નિષ્ઠા વિશે ઘણું કહી જાય છે.
આ તબક્કે કેટલીક મહત્વપૂર્ણ બાબતો યાદ રાખવી જોઈએ:
- કયા તબક્કે કઈ વ્યક્તિગત નિપુણતાની જરૂર પડશે તે જાણવું અને તે કેમ મેળવવી એ જાણવું એ દરેક વ્યક્તિની પોતાની એ વ્યક્તિગત સૂઝ છે. તમારા નોકરીદાતા તેમાંથી કેટલીક તાલીમોને માટે મદદ્કરે કે તેને લગતાં સંસાધનો માટે ચૂકવણી કરે એ બહુ સારી બાબત છે. પરંતુ આખરે, તે પાઠોને વ્યવહારમાં મૂકવાની જવાબદારી તો એ વ્યક્તિની પોતાની છે. તમારી માનસિક અને વ્યાવસાયિક ક્ષમતામાં વૃદ્ધિનો પહેલો, અને સીધો, ફાયદો ખુદ તમને જ, તમારા વિશે છે. એ ફાયદાનું મૂલ્યાંક્ન પણ દરેક વ્યક્તિની પોતાના વ્યક્તિગત દૃષ્ટિકોણ પર નિર્ભર છે.
- શરૂઆત વ્યક્તિની પોતાની આ બાબતની નિષ્ઠા અને પ્રતિબદ્ધતા સાથે થાય છે. જ્યાં સુધી તમે પોતે જ કંઈ પણ નવું શીખવા માટે પ્રતિબદ્ધ ન હો, ત્યાં સુધી કોઈ શીખવાડી શકતું નથી. જો તમારી પોતાની જ શીખવાની તૈયારી ન હોય ત્યાં સુધી કોઈપણ તાલીમ શીખવા માટેની બાંયધરી આપતી નથી. પ્રતિબદ્ધતાનો અર્થ એ પણ છે કે તમારી પાસે તમારા કાર્ય માટે આવશ્યક જવાબદારીની ઊંડી સમજ છે. એવી સમઝશે તો જ સતત શીખવાથી તમને વધુ સારી રીતે તમારી ભૂમિકા નીભાવવામાં એવી તાલિમ તમને મદદ કરી શક્શે.
- આ બાબતે કોણ, કેવી રીતે પહેલ કરે છે તે પણ મહત્વનું છે. એકવાર તાલીમ થઈ જાય, પછી એ વિષયને તમે તમારા વ્યવહારિક જીવનમાં કેટલો અને કેવો અમલ કરો છો? પાઠને વ્યવહારમાં મૂકવા માટે, નવી વસ્તુનો પ્રયોગ કરવા ભયને અતિક્રમીને આગળ વધવાની પહેલ કરવાની ક્ષમતા પણ મહત્વની છે. આગળ તમારે વધવાનું છે, એટલે કોઈ તમને એ માટે પરવાનગી આપે તેની રાહ જોવાની, કે એવી અપેક્ષા કરવાની, જરૂર નથી.
- તમારી પસંદગીની પણ અહીં ભૂમિકા છે. એક પરિપક્વ વ્યાવસાયિક તરીકે, તમે તમારી કારકિર્દી માટે કયો કરો છો, તમે શું અભ્યાસ કરતાં રહેસો, કે શીખતાં રહેશો, તમે કોની પાસેથી શીખશો, તમે ક્યાંથી શીખશો એ બધી પસંદગીઓ પણ અતિ મહત્ત્વની છે. આ પસંદગીઓ બીજા કોઈ પર છોડવી એ લાંબા ગાળે જોખમી બાબત નીવડી શકે છે. તમારી જાતને તમારાથી વધારે સારી રીતે કોઈ ઓળખી શકે નહીં.
- સંસાધનો તો પુષ્કળ છે. સદનસીબે, આપણે આજે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં ઘણી બધી ઉચ્ચ ગુણવત્તાની શિક્ષણ સામગ્રી વિના, કે નજીવાં, મૂલ્યે મેળવી શકાય છે. ઓનલાઈન કોન્ફરન્સ, બ્લોગ્સ, ફ્રી ઈવેન્ટ્સ, ઉચ્ચ ગુણવત્તાનાં ટેકનિકલ સંસાધનો, ઈબુક્સ બધું વિના મૂલ્યે ઉપલ્બધ છે. તેથી, ગુણવત્તાયુક્ત સામગ્રીને પહોંચવું એ હવે સ્પર્ધાત્મક લાભ નથી રહ્યો. સ્પર્ધાત્મક સરસાઈ તો તમે તેમની સાથે શું કરો છો તેમાં રહેલ છે.
- આ બાબતે રોકાણ કરવાં આજે હવે જરૂરી બની ગયાં છે.. તમારી તાલીમ માટે કોઈ અન્ય વ્યક્તિ ચૂકવણી કરે તેની રાહ જોવાને બદલે, તે પહેલાં તો જાતે ચૂકવો. તે એક બહુ જ ઉપયુક્ત, મોકાસરનું, રોકાણ માત્ર એટલે નથી બની રહી શકતું કે તેના દ્વારા એક વ્યાવસાયિક તરીકે તમે તમારું મૂલ્ય વધારો છો, પરંતુ તે તમારી નજરે જ તમારાં આત્મસન્માનનાં ઘડતરમાં પણ મદદ કરે છે. સતત શિક્ષણ તમને ધ્યાનકેન્દ્રિત, હકારાત્મક, આશાવાદી રહેવામાં, અને તેથી ખુશ રહેવામાં પણ, મદદ કરે છે.
ડબલ્યુ. એડવર્ડ્સ ડેમિંગે બહુ સ્પ્ષ્ટપણે કહ્યું છે: ” નથી તો શીખવું અનિવાર્ય કે નથી તો અસ્તિત્વ ટકાવી રાખવું અનિવાર્ય !”
તેથી, અહીં એવા કેટલાક સંવેદન પ્રશ્નો મુક્યા છે જે આપણે સમયાંતરે આપણી જાતને પૂછી શકીએ છીએ (અને પૂછવા જોઈએ, પણ):
- પાછલા અઠવાડિયે/મહિના/ત્રિમસિક /વર્ષમાં આપણે શું શીખ્યા?
- હું એક વ્યાવસાયિક તરીકે કેવી રીતે વિકસિત થયો છું?
- શું મારાં નવુંનવું શીખવાથી મારી વ્યવસાયિક સજ્જતાની બાબતે મને ફાળો આપવાની મારી પોતાની ક્ષમતાને વધારવામાં મદદ મળી છે?
કેટલાક વિચારવા જેવા સવાલો:
શું તમારે એવા લોકોને મળવાનું થયું જેઓ તેમના પોતાના વિકાસ માટે તેમના નોકરીદાતાઓ પર આધાર રાખે છે?
જેઓ પોતાના વ્યાવસાયિક વિકાસની સંપૂર્ણ જવાબદારી જાતે જ લે છે એવા તમારી આસપાસના લોકો પાસેથી તમે શું શીખ્યા ?
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
ચાલો, હવે દરિયાનો વારો કાઢીએ!
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
માનવની વિકાસદોટે પર્યાવરણનો જે સોથ વાળ્યો છે તેનાં વિપરીત પરિણામ નજર સામે હોવા છતાં એ દોટ વણથંભી રહી છે. દરેક દેશમાં, એક યા બીજી મોસમમાં પર્યાવરણ સાથે કરાયેલાં ચેડાં પરચો બતાવી જાય છે, છતાં વિકાસની દોટમાં માનવ એટલો આગળ નીકળી ચૂક્યો છે કે હવે તેના માટે પાછા ફરવું સંભવ રહ્યું નથી એમ લાગે છે. નદી, જમીન કે પર્વતની સાથોસાથ સમુદ્રને પણ તેણે બાકી રાખ્યો નથી.
સમુદ્રતળમાં અનેક દુર્લભ ધાતુઓ રહેલી છે. એ મૂલ્યવાન ધાતુઓને કાઢવા માટે કરાતા ખનનકામથી અતિ નાજુક એવી સમગ્ર દરિયાઈ પ્રણાલિને કાયમી નુકસાન વેઠવું પડશે એવી ભીતિ વધી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ બાબતે ચિંતા સેવાઈ રહી છે. જુલાઈ, ૨૦૨૪માં જમૈકામાં સમુદ્રતળના ખનનના ભાવિ અંગે ચર્ચા કરવા માટે ‘ઈન્ટરનેશનલ સી-બેડ ઑથોરિટી’ (આઈ.એસ.એ.) દ્વારા વિવિધ મિટિંગ યોજાઈ. આમ છતાં, સમુદ્રતળમાંથી આ સામગ્રીને કાઢવા માટેના નિયમો નક્કી કરવા બાબતની ચર્ચામાં અનેક સવાલો નિરુત્તર જ રહ્યા.
૨૦૨૫ સુધીમાં ‘આઈ.એસ.એ.’ સમુદ્રતળના ખનનકામ બાબતે કાનૂની રીતે બાધ્ય થાય એવા નિયમો નિર્ધારીત કરવા ધારે છે. આવા નિયમ વિના કોઈ પણ પ્રકારનું આયોજનબદ્ધ ખનનકામ શરૂ નહીં થઈ શકે. આમ તો, આ બાબતે વરસોથી ચર્ચા થતી આવી છે, પણ સમુદ્રતળમાં થતા ખનનકામ પર દેખરેખ રાખવા તેમજ પર્યાવરણને થતા નુકસાનને રોકવા બાબતે આ નવા નિયમો કેવા મુશ્કેલ બની રહેશે એ બાબત આ મિટીંગમાં સ્પષ્ટ થઈ ગઈ. જર્મની, બ્રાઝિલ, પૅસિફિક મહાસાગરમાં આવેલા પાલાઉ ટાપુ જેવાં રાષ્ટ્રોએ નવા નિયમો બાબતે સંમત થવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. એ નિયમોની પર્યાવરણ પર શી અસર થાય છે એનું પૂર્ણ મૂલ્યાંકન થાય પછી જ તેના અમલ બાબતે તેઓ વિચારશે એમ તેમણે જણાવ્યું છે. બીજી તરફ ચીન, નોર્વે, જાપાન અને મધ્ય પૅસિફિકમાં આવેલા ટચૂકડા દેશ નાઉરુ આ અંગેનો કરાર તાત્કાલિક કરી નાખવા માટે ઊતાવળા થઈ રહ્યા છે, જેથી ખનનકામ કરતી કંપનીઓ ઝડપથી પોતાનું કાર્ય આરંભી શકે. ૧
ભારત, ચીન, જર્મની અને દક્ષિણ કોરિઆ હિન્દી મહાસાગરના વિસ્તારમાં પોલિમેટલિક સલ્ફાઈડ શોધીને કાઢવાનું લાઈસન્સ ધરાવે છે. ૨૦૨૨માં ભારતની ‘નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઓશન ટૅક્નોલોજી’ દ્વારા હિન્દી મહાસાગરના મધ્ય ભાગમાં ૫,૨૭૦ મીટરની ઊંડાઈએ કેટલાક ટેસ્ટ કરીને પોલિમેટલીક પદાર્થ તેમજ બટાટા આકારના ખડકો સમુદ્રતળ પર શોધેલા છે. તે મેંગેનીઝ, કોબાલ્ટ, નિકલ અને તાંબાથી સમૃદ્ધ છે, પણ તે બહાર કઢાય એવી શક્યતા જૂજ છે. ‘આઈ.એસ.એ.’નું પ્રતિનિધિત્વ કરતા ૧૬૯ દેશો પૈકીના ૩૨ દેશો સમુદ્રતળના ખનનને મોકૂફ રાખવાના કે સદંતર પ્રતિબંધિત કરવાના મતના છે. પર્યાવરણ સાથે સંકળાયેલાં અનેક સંગઠનો અને વિવિધ સમુદ્રી વિજ્ઞાનીઓનો આ દેશોને ટેકો છે. અલબત્ત, કેનેડાની ‘ધ મેટલ્સ કમ્પની’ નામની એક સ્ટાર્ટઅપ કંપનીએ ઘોષિત કરી દીધું છે કે આગામી મહિનાઓમાં વ્યાપારી ધોરણે સમુદ્રતળનું ખનનકામ કરવા માટેની અરજી ‘આઈ.એસ.એ.’ને કરવાનું તેનું આયોજન છે.
આમ, જોઈ શકાશે કે સમુદ્રતળના ખનનથી થતા નુકસાન બાબતે એકમત હોવા છતાં તેના અમલ બાબતે મતમતાંતર છે, જેનું મુખ્ય પરિબળ છે નાણાં અને નફો.
સમુદ્રતળના ખનનની વાત આવે ત્યારે પ્રાદેશિક જળસીમાની બહાર મળી આવતાં મેંગેનીઝ તેમજ અન્ય ખનીજો તેના કેન્દ્રસ્થાને હોય છે. આ વિસ્તારને ‘હાઈ સી’ તરીકે ઓળખવામાં આવે છે, અને વિશ્વભરના સમુદ્રોમાં તેનો હિસ્સો અડધોઅડધ છે. આવા વિસ્તારને માનવજાતના સંયુક્ત વારસા તરીકે ઓળખવામાં આવ્યો છે. અહીં રહેલો કાચો માલ કોઈ એક ચોક્કસ દેશનો નહીં, પણ સૌ કોઈનો છે. યુનાઈટેડ નેશન્સ કન્વેન્શનના સમુદ્રના કાનૂનમાં દર્શાવ્યા અનુસાર આ વિસ્તારોના વ્યવસ્થાપન અને કોઈ સંભવિત ખનનપ્રવૃત્તિ પરની દેખરેખની જવાબદારી ‘આઈ.એસ.એ.’ની છે. સ્વાભાવિકપણે જ સમુદ્રતળના ખનન અને તેના વ્યાપારી ઊપયોગમાં અનેક દેશો અને કોર્પોરેશનને રસ હોય. ‘આઈ.એસ.એ.’ દ્વારા ચોક્કસ વિસ્તારોમાં 31 લાઈસન્સ ફાળવવામાં આવ્યા છે, જે પૈકીનાં પાંચ ચીની કંપનીઓનાં છે. એ ઉપરાંત જર્મની, ભારત અને રશિયા જેવા દેશો પણ આ ક્ષેત્રે સક્રિય થઈ રહ્યા છે.
ખનનકામ કરતી કંપનીઓનો મુખ્ય રસ પોલિમેટલિક પદાર્થમાં છે, જે મેંગેનીઝથી ભરપૂર હોય છે, અને લાખો વરસોથી સાગરના તળિયે તે ઠરીને જમા થયેલા છે. તેમાં રહેલાં મેંગેનીઝ, કોબાલ્ટ, નિકલ અને તાંબાને કારણે તે ઈલેક્ટ્રિક કારની બૅટરી માટે મહત્ત્વનાં ગણાય છે. હવે સમગ્ર વિશ્વ પુન:પ્રાપ્ય ઊર્જાસ્રોત તરફ આગળ વધી રહ્યું છે અને ૨૦૪૦ સુધીમાં આ ધાતુઓની માંગ બમણી થઈ જવાની હોવાનો ‘ઈન્ટરનેશનલ એનર્જિ એજન્સી’નો અંદાજ છે.
મેક્સિકો અને હવાઈના ક્લેરિઅન-ક્લીપરટન વિસ્તાર તરીકે ઓળખાતા સમુદ્રતળમાં મેંગેનીઝના પદાર્થોનો વિશાળ જથ્થો છે, જેને ખનનકામ કરતી કંપનીઓ ચારથી છ હજારની ઊંડાઈએ ઊતરીને સ્વચાલિત વૅક્યુમ યંત્રમાનવથી સપાટી પર લાવવા ધારે છે. આ પદાર્થ કંઈ મૃત ખડકો નથી, પણ અનેક સમુદ્રી પ્રજાતિઓ અને સૂક્ષ્મ જીવો માટે મહત્ત્વનો આવાસ છે. સમુદ્રી વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર વિવિધ પ્રકારની પાંચેક હજાર પ્રજાતિઓ આવા અતિ ઊંડા વિસ્તારમાં પોતાનો આવાસ બનાવે છે. ખનનકાર્ય કરતા યંત્રમાનવો સમુદ્રતળનો નાશ કરશે અને અસંખ્ય જળચરોને ભરખી જશે. ખનનના વિસ્તારોથી અનેક કિ.મી. દૂર આવેલા વિસ્તારોને પણ ધ્વનિ અને પ્રકાશ પ્રદૂષણને કારણે નુકસાન થશે,જે સમગ્ર દરિયાઈ પર્યાવરણ માટે જોખમરૂપ બની શકે.
આખા મામલાનો સાર એટલો છે કે સમુદ્રી વિજ્ઞાનીઓએ ચેતવણી આપી દીધી છે કે સમુદ્રતળમાં ખનનકાર્યનાં પરિણામો વિશે પૂરતું જ્ઞાન મેળવ્યા વિના એ કરવાથી હજી પ્રમાણમાં ઓછી જાણીતી આ દરિયાઈ સૃષ્ટિ અને જૈવવિવિધતાથી સભર પ્રણાલિનો વિનાશ નોંતરી શકે છે. એ માટે આવશ્યક સંશોધન થતાં દસ-પંદર વર્ષ લાગી શકે એમ છે, કેમ કે, અહીં પહોંચવું મુશ્કેલ છે.
જોવાનું એ છે કે માનવજાત પસંદગી શેની પર ઉતારે છે? પોતાના સ્વાર્થ સારું દરિયાઈ સૃષ્ટિના નિકંદન પર? કે પછી એની જાળવણી પર? જવાબ અઘરો નથી.
૧ સંપાદકીય નોંધઃ આ વિડીયો ક્લિપ માત્ર સાંદર્ભિક સ્પ્ષ્ટતા પુરતો જ અહીં લીધેલ છે.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૬ – ૦૯ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
બિહાઈન્ડ ધ ટાઈમ્સ – પરદા પાછળનાં પાત્રોની માર્મિક યાદોઃ બચી કરકરિયાની નજરે :: [૪]
નરેશ પ્ર. માંકડ
મણકો [૩]થી આગળ
બ્રેઇન ટ્રસ્ટ
તંત્રીઓની કોન્ફરન્સ ટાઇમ્સનું બ્રેઇન ટ્રસ્ટ હતું જે તેના એડિટ પાનાને ઘાટ આપતું હતું. એમાં ૧૯૭૦ અને ૧૯૮૦ ના દશકોમાં ઇન્દર મલ્હોત્રા, કે. સી. ખન્ના, એ. એસ. અબ્રાહમ, એમ. વી. મેથ્યુ અને પ્રેમશંકર ઝા ઉપરાંત રાહુલ સિંહ, ડેરિલ ડી મોન્ટે, ગૌતમ અધિકારી જેવા પત્રકારો હતા જેમાંના મોટા ભાગના ઑક્સબ્રિજ થી આવેલા હતા; તે સમયની એ પ્રણાલી હતી. મંદિરના ગર્ભગૃહ જેવી તંત્રીઓની ઓફિસમાં મળતી આ મીટીંગોમાં તેઓ રાજ્યના સંચાલનની કામગીરી બજાવે છે એવું માનતા.
તંત્રી અને મૅનેજમૅન્ટનું વડું મથક ૧૯૮૦ ના દશકના છેલ્લા ભાગમાં દિલ્હી ખસેડાયું ત્યારે લક્ષ્મણે મુંબઈથી ખસવાનો ઇનકાર કર્યો. એમની માન્યતા એવી હતી કે સત્તાના રાજકીય સૂર્યની વધુ નજીક જવાથી એમની વસ્તુલક્ષિતા ઓગળી જશે.
આ તંત્રીમંડળની મીટીંગ વર્ષો જૂની પ્રણાલી દ્વારા સ્થપાયેલી હતી. દરેક તંત્રી પોતાની સાથે પોતાની ગંભીરતા અને વિચિત્રતાઓ લાવતા. તંત્રીઓ બધા પુરુષ હતા, એ જાતીભેદની રેખા ફાતમા ઝકારીયાએ ગિરીલાલ જૈનના સમયમાં તોડી. પ્રોફેસર જેવા શામલાલના સમય કરતાં ગિરીલાલના કાળમાં આ બેઠકો વધુ શાહી ઠાઠવાળી બની. એ બેઠકો બરાબર દસ વાગ્યે શરૂ થતી અને મદદનીશ તંત્રીઓ પોતાની કેબીનમાં તૈયાર રહેતા. ગિરીનો પટાવાળો ભગવતી દરેકની પાસે જઈને સંદેશો આપતો, “ચાય તૈયાર છે.”
ગિરીલાલ ચામાટેની આ મિટિંગમાં પોતાની પાઇપ સળગાવી સુદૂર દ્રષ્ટિપાત કરતા, વિશ્વની પરિસ્થિતિ વિશે ગંભીર કથન કરતા; ત્યારબાદ હિન્દુ માનસ અને ભારતના ‘ આઈડિયા ‘ જેવી કોઈ ઉચ્ચ કક્ષાની વાતો વિશે કે મોટા વિખવાદો વિશે વાત કરતા પણ વિંધ્યની દક્ષિણ પછીની બાબતોમાં એમને કંઈ રસ ન હતો. એમના માટે રાષ્ટ્રની વ્યાખ્યા તેને જોડી રાખે એવા મજબૂત કેન્દ્રમાંથી ઉદભવતી હતી. તંત્રીના મોટા ડેસ્ક ફરતા સહાયક તંત્રીઓ બેસતા જેમાં એ .એસ. અબ્રાહમ સહુથી સિનિયર હતા, એ વચ્ચે બેસતા, અને એમને ફરતાં સચિન વિનાયક, ગૌતમ વોરા, પ્રફુલ બીડવાઈ અને ફાતમા ઝકારીયા ગોઠવાતાં. ક્યારેક દિલ્હીથી આવેલા પ્રેમશંકર ઝા કે ઇન્દર મલ્હોત્રા પણ હાજરી પુરાવતા. લક્ષ્મણ આ બધામાં એમના ઉચ્ચતર સ્થાનને કારણે આ અર્ધવર્તુળની બહારની ધાર પર બેસતા અને બીજા છેડા પર ગૌતમ અધિકારી બેસતા. લક્ષ્મણ ગિરીની નજરની બહાર રહે.કારણ કે તેઓ આર કે લક્ષ્મણ હતા એટલે તેઓ ચહેરાના હાવભાવ બનાવ્યા કરતા અને તંત્રી પાઇપ ફૂંકતા હોય ત્યારે એમની નકલ કરતા. આ બધું તેઓ ગૌતમની નજર સામે કરતા એટલે ગૌતમ માટે ભારેખમ ચર્ચાઓમાં ધ્યાન આપવાનું અને હસી ન પડાય એનું પણ ધ્યાન રાખવાનું મુશ્કેલ હતું. એક કલાકની છેલ્લી પંદર મીનીટ મૂળ હેતુ માટે વપરાતી.
એડિટ સોંપાઈ ગયા પછી ભોજન પહેલાં એ પૂરું કરવાનું રહેતું. આ બધા એડિટ ગિરીના બે અંગત મદદનીશને મોકલવામાં આવતા. તેઓ શબ્દની સંખ્યા અને સ્પેસ બરાબર ગોઠવીને સહાયક તંત્રીઓને પાછું મોકલતા. ગિરી સામાન્ય રીતે ડિરેક્ટર્સ લંચ રૂમમાંથી ટ્રે મંગાવતા અને ફાતમા તથા કદાચ લક્ષ્મણ સાથે ભોજન કરતા. ક્યારેક એમનો જ્યોતિષી આવી ચડતો. ભોજન બાદ કેબીનની બત્તી બુઝાવીને તેઓ ૩૦ મિનિટ ઝોકું ખાઈ લેતા. તાજામાજા થઈને તેઓ તંત્રીલેખ પર આવતા. ક્યારેક એ લેખો કાપકૂપ વિના બહાર આવતા, તો ક્યારેક સંપૂર્ણ રીતે ફરી લખતા. એમાં પણ વિષય જો ઇન્દિરા ગાંધી કે કોઈ મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ હોય તો એમાં ગિરીની છાપ સ્પષ્ટ કળાતી.
બપોરના ૩:૩૦ સુધીમાં એડિટ તૈયાર થઈ જતા પણ પછીના બે કલાક સુધી તેઓએ ઓફિસમાં રહેવું પડતું. એ સમયમાં પુસ્તકો, અખબારો અને સામયિકોના વાચનથી તેઓ પોતાને વધુ સજ્જ રાખવા પ્રયત્ન કરતા રહેતા.
ગિરી પછીના સમયમાં એડિટ પેજને સ્વતંત્ર અસ્તિત્વ આપવામાં આવ્યું. એનો અખત્યાર એડિટ પેજના તંત્રીને સોંપાયો, જે એક્ઝિક્યુટિવ તંત્રીને જવાબદાર નહોતો. સમાચાર જે રીતે રજૂઆત પામતા એનાથી તંત્રીની ટિપ્પણીનું અંતર જાળવવા માટે એમ કરવામાં આવ્યું હતું.
*****
મહાકાય ટાલિયા ટેડી બેર જેવા પ્રેમ શંકર ઝા સહુથી વધુ અવ્યવસ્થિત સહાયક તંત્રી હતા. સવારે જીમમાંથી જ સીધા એડિટ મિટિંગમાં આવતા અને અચૂક મોડા પડતા. પરસેવાથી નીતરતા, હેલ્મેટ અને રેકેટ હાથમાંથી અણઘડ રીતે પાડતા અને કહેતા, ” માફ કીજીએ શામ લાલજી, માફ કીજીએ.”. શામ લાલ આ માણસનું શું કરવું એ નક્કી ન કરી શકતાં મિટિંગ આગળ ચલાવતા.પ્રેમનો હસ્તલિખિત તંત્રીલેખ સદાયે ગુમ થયા કરતો, તેઓ ગુસ્સા અને અકળામણથી બબડાટ કરતા અને વીસ મિનિટમાં ફરી લખી કાઢતા. હજી કોમ્પ્યુટર આવ્યાં ન હતાં; કેટલાકે ટાઇપરાઉટરને અનિવાર્ય અનિષ્ટ તરીકે સ્વીકારી લીધું હતું તો બીજા થોડા એવા હતા જેઓ ફાઉન્ટન પેનને વળગી રહ્યા હતા. એવા લોકોમાં જગ સુરૈયા આખર સુધી ટકી રહ્યા હતા.
પ્રેમ હંમેશા ધાંધલિયા હતા, જે તે સમયે એમના ચિત્તનો કબજો જમાવી બેઠેલી બાબત અંગે ઉગ્રતાથી વાત કરતા; કોઈ પણ ચાલી રહેલી વાત પર બુલ્ડોઝર ફેરવી દેતા. એક વાર. વિયેતનામ યુદ્ધ પર પંદરેક મિનિટથી વાત ચાલતી હતી એવામાં ગુસ્સાથી ધમધમતા પ્રેમ ધસી આવ્યા અને બોલ્યા, “શામ લાલજી, અરબી સમુદ્રમાં ઠલવાઇ રહેલા આટલા બધા કચરા અંગે આપણે તંત્રીલેખ કરવાની જરૂર છે.”
બચીના શબ્દોમાં, “તેઓ અને તેમની પત્ની ઉષા મિલનસાર દંપતી હતાં પણ મૃદુભાષી અને ગ્રેસફુલ ઉષા કમળ તળાવડીનું પાંદડું હતાં, જ્યારે પ્રેમ વિષવમન કરતા મહાસાગરના મંથન જેવા હતા.”
*******
સમીર જૈને એમની આગવી ચાલ દ્વારા યુયુત્સુ અરુણ શૌરીને ટાઇમ્સમાં લઈ આવીને ગિરીલાલ જૈનના આત્મસંતોષને બરબાદ કરી નાખ્યો. એ બન્ને એક બીજાના પહેલેથી જ વિરોધી રહ્યા હતા. પંજાબ સમસ્યા ત્યારે ટોચ પર હતી અને ખાલિસ્તાનીઓ વિરુદ્ધમાં તેઓ બંને ઉગ્ર ભાષામાં લખતા હતા તેથી એમના માટે અંગત સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવ્યા હતા. એ કારણે એવી જોક ચાલી રહી હતી કે આ બંને ‘વાઈલ્ડ વેસ્ટ’ની રીતે શૂટ આઉટ કરીને એકબીજાના મતભેદનો નિકાલ કેમ નથી કરી નાંખતા?
+ + +
સ્ટાર એડિટર: ખુશવંત સિંહ
પહેલા જ દિવસે ઓફિસના સમયથી ૪૫ મિનિટ પહેલાં સવારે ૮:૪૫ વાગ્યે ઓફિસમાં પગ મુક્યો એ એક ક્ષણે જ એમનો બિનપરંપરાગત ક્રમ શરૂ થઈ ગયો. ઇલસ્ટ્રેટેડ વીકલી ઑવ ઇન્ડિઆનો પટાવાળો મનોહર ફર્નિચરને ઝાપટીને સાફ કરતો હતો ત્યારે તેણે એક ઢીલા જૂના પેન્ટ અને ટીશર્ટ પહેરેલા લઘરવઘર સરદારને જોયા. નવા સરદારના આગમન પહેલા જ સરદારોનું આક્રમણ શરૂ થઈ ગયું એમ બબડતાં તેમણે કહ્યું , “એડિટર અભી તક નહીં આયે હૈ.” આગંતુકે કહ્યું, ” મૈં હી એડિટર હું.”
આ દ્રશ્ય સાથે સરદાર ખુશવંતસિંહનો વિકલીમાં પ્રવેશ થયો.ડેન્ટિસ્ટના વેઇટિંગ રૂમમાં જોવા મળતા કુતરાના કાન જેવા વળી ગયેલા પાનાવાળા ઇલેક્ટ્રીટેડ વિકલીને ઉગાર્યું ખુશવંતસિંહે અને પછી તેને સર્ક્યુલેશનના રેકોર્ડ તોડી નાખતું લોકપ્રિય સામયિક બનાવ્યું. એમણે સામાયિક પત્રકારત્વને તેની બોચીએથી ઝાલીને ઝંઝેડી નાખ્યું અને વાંચનક્ષમ બનાવવાની નવી ફોર્મ્યુલા બતાવી, જેને આજે પણ અખબારો અને સામયિકો અનુસરે છે.
કુખ્યાત સીરીયલ ખૂની રમણ રાઘવ પર ચાલતા ખટલા દરમિયાન કોર્ટમાં જાતે હાજરી આપીને તેના પરના લેખોની શૃંખલા કરી. તેઓ સામાજિક પ્રવાહના જાણકાર હતા, એટલે નવા ધનપતિઓ અને ઓશોના વિશાળ અનુયાયી વર્ગ અંગે અતિ સફળ કવર સ્ટોરી કરી, ક્રિકેટ પર લંબાણપૂર્વક લખાણો આપ્યા; રાજકારણ, વિજ્ઞાન, સ્પોર્ટ, સાહિત્ય, બધા જ ક્ષેત્રની નામી વ્યક્તિઓએ ખુશીથી વિકલી માટે લખ્યું, એમના સુસજ્જ સબ – એડિટરોએ પોતાનાં અઘરાં ભારેખમ ગદ્યને સામાન્ય અંગ્રેજીમાં ફેરવીને રજૂ કર્યું અને એની સાથે જોક્સ આપવાનું શરૂ કર્યું. એ બધું આટલા ઉત્સાહપૂર્વક થયું એના માટે વધારાનું વળતર ચુકવવામાં આવ્યું એ પણ એક કારણ હતું. લોકો પોતાની જ્ઞાતિઓ સાથે લાગણીના બંધનોથી જોડાયેલા હતા એ બાબત પર પણ એમનું ધ્યાન ગયું અને ભારતની અગણિત જ્ઞાતિઓ પર કવર સ્ટોરી કરીને એ લોકોને વીકલીના આજીવન ચાહક બનાવી દીધા. સન્માન્ય ભારતીય પત્રકારત્વના તેઓ પહેલા માર્કેટિંગ એડિટર હતા.
ખુશવંત જેવા સફળ નવલકથા લેખકને બેનેટ કૉલમેન કંપની લિ. દ્વારા વિકલીને સંભાળી લેવા માટે સમજાવવામાં આવ્યા. પણ એમના પ્રત્યાઘાત વિકલીમાં વિપરીત આવ્યા, “એ મોટા લેખક હશે પણ સામયિકને એડિટ કરવામાં શું જાણતા હોય?” આમ થવાનું મુખ્ય કારણ એ હતું કે તેઓમાંના એક આસિસ્ટન્ટ એડિટર સુબ્રોતો બેનર્જીની બદલે આ નિમણૂક થઈ હતી. પૂર્વ તંત્રી એ એસ રામને વિકલી છોડ્યા પછી સુબ્રતો બેનરજીને કાર્યકારી તંત્ર બનાવાયા હતા. આ બધા ટીકાકારો સરદારનો જાદુ જોઈને અને વિશેષ તો તેઓ વિકલીમાં બિનઅધિક્રમિક (non-hierarchical ) મિત્રાચારી લાવ્યા એ કારણે એમના પ્રશંસક બની ગયા.
તેમનો વધુ ગંભીર ગુનો એ હતો કે અમને શહેરના ધનવાન અને ખ્યાતિવાન માણસો સાથે ઓળખાણ કેળવવા સારા રેસ્ટોરમાં લઈ જવાની બદલે તેઓ જ્યોર્જ અને કેફેક્સ જેવા ફોર્ટ વિસ્તારના એમના માનીતા ઇરાની રેસ્ટોરમાં લંચ માટે લઈ જતા હતા. બચી કરકરિયા યોગ્ય રીતે બચાવ કરતા કહે છે જ્યારે એ જાતે જ ધનવાન અને ખ્યાતિવાન હતા, તો એમણે એવી ફિકર શાને કરવી જોઈએ? પરંતુ છેડાયેલા સિનિયરોએ એમને ‘બિરયાની બ્રિગેડ’ તરીકે ઉતારી પાડ્યા હતા વાસ્તવમાં ખુશવંત તો કોન્સ્યુલેટ્સના કોન્સલ જનરલ ને પણ કોરોનેશન દરબાર જેવી જગ્યાએ લઈ જતા.
બચી કરકરિયાને વિકલીમાં ખુશવંતના શાસનકાળ સમયે તાલીમાર્થી તરીકે કામ કરવાનો અમૂલ્ય લાભ મળેલો. એ જ રીતે પછીથી પ્રસિદ્ધિ મેળવનારા અન્ય યુવાનોમાં એક મિનહાસ મર્ચન્ટ પણ હતા. ખુશવતં સિંહ લોકશાહીવાદી હતા. પ્રિતેશ નાંદી કરતાં સ્વભાવ, વર્તન, દેખાવ, બધી જ બાબતમાં તેઓ ખૂબ સાદા અને સરળ હતા. અસુઘડતાને એમણે એમની વેશભૂષાની સ્ટાઈલ બનાવી હતી. એમણે પોતાનાં આગવાં સામાજીક ધોરણો સ્થાપ્યાં હતાં. બચીના શબ્દોમાં, ભોજન પર નિમંત્રણ આપનારી ‘મલબાર હિલ કી મૈના’ જેવી મહિલાઓને દરવાજે આઠ વાગે પહોંચીને નવ સુધીમાં ભોજનનો આગ્રહ રાખીને ફફડાટ ફેલાવતા ખુશવંત સિંહ પાર્ટીઓમાં પોતાના વ્હીસ્કીના બે પેગ સાથે લઈ જતા. પોતાના મહેમાનો પણ સાંજના સાત વાગ્યાના સમયે અચૂક આવી જાય એવું ઈચ્છતા. એમને ઘરે આવેલા ગમે તેવા ચમરબંધીને ૧૦ વાગ્યા પહેલાં વિદાય કરી દેતા. એક વાર વડાપ્રધાન રાજીવ ગાંધી એમને મળવા જવાના હતા પણ તેઓ રાતે દશેક વાગ્યે પહોંચ્યા ત્યારે ખુશવંત સિંહ સૂઈ ગયા હતા. એમને જગાડવામાં આવ્યા અને થોડી વાર વાતચીત કરીને રાજીવ વિદાય થઈ ગયા.
સવારે ખૂબ વહેલા ઉઠીને જીનસેંગની ચા પીને ટેનિસ રમવા જતા, રસ્તામાં કુદરતના નજારા નિહાળતા જતા. ઋતુઓના બદલાતા રંગો વિશે એમને Nature Watch નામની એક નાનકડી પુસ્તિકા લખી છે. પછી એમનો લેખનકાર્યનો સમય શરુ થતો. તેઓ પોતાનું લેખન વિદેશથી મંગાવેલી A 3 સાઈઝની નોટબૂકમાં કરતા. પોતાની ઘસાઈ ગયેલી જૂની બ્રીફ કેસમાં એ નોટબુકો અને ક્રોસ વર્ડ માટે લંડનના ધ ટાઇમ્સ ભરીને ઓફિસમાં લઈ જતા. ઓફિસમાં અલી સરદાર જાફરી અને કૈફી આઝમી જેવા તેમજ અન્ય ક્ષેત્રના મહાનુભાવો નિયમિત એમને મળવા આવી જતા. આકર્ષક રમણીઓની પણ કમી નહોતી. એમાં સાહિત્યિક મહત્વાકાંક્ષા ધરાવતી અથવા પોતાની પાર્ટીઓને ઝમકદાર બનાવવા માટે ટ્રોફી ગેસ્ટ તરીકે ઇચ્છતી સ્ત્રીઓ અને નૃત્ય ઇતિહાસકાર સુનિલ કોઠારી સાથે મુલાકાતે આવી જતી ઇલોરાના શિલ્પ જેવી નૃત્યાંગનાઓનો પણ સમાવેશ થતો.
લબ્ધપ્રતિષ્ઠ ઉર્દુ નવલકથાકાર, સાહિત્ય એકેડેમી, જ્ઞાનપીઠ અને પદ્મભૂષણના એવોર્ડ અને ખિતાબ જીતનાર કુર્રતુલએન હૈદર ખુશવંત સિંહના આગમનના થોડા સમય પહેલાં જ મદદનીશ તંત્રી નિમાયાં હતાં. વસ્ત્ર પરિધાનમાં તેઓ ખુશવંત સિંહ જેટલા જ બેપરવા હતા એ સિવાય બંને તદ્દન એકબીજાથી વિપરીત હતાં. તેઓની અથડામણ એ કારણે થતી કે ખુશવંત સિંહ ઇઝરાયેલના સમર્થક હતા, કુર્રતુલએન પેલેસ્ટાઇનનાં. ખુશવંત સિંહનાં લખાણ વાંચીને તેઓ એમની કેબિનમાં ધસી જતાં અને એમને તતડાવી નાખતાં. ખુશવંત સિંહ અસહાય બનીને તેમને સાંભળી લેતા. સ્કૂલથી પાછા ફરતા આઠ વર્ષના ફરીદ ઝકારીયા પોતાની માતા ફાતમા ઝકારીયાને લેવા આવે ત્યારે, ખુશવંતને મહાત કરનારા તેઓ, ફરિદની અભદ્ર જણાતી ટિપ્પણીઓથી છોભીલાં થઈ જતા. તેઓ પોતાના લખાણોથી અને પોતાની હાજરીથી વિકલીને વજનદાર બનાવતા હતા. પોતાનું લખાણ પહેલા ઉર્દુમાં લખીને પછી તેનું અંગ્રેજીમાં ભાષાંતર કરતા; દિવસને અંતે તેના પગ પાસે કાગળના ચોળાયેલા ડૂચાનો ઢગ થતો.
ખુશવંતની સ-રસ બિનઔપચારિકતાને કારણે ટાઈમ્સના અન્ય પ્રકાશનો કરતા વિકલીનો હોલ મિત્રાચારીપૂર્ણ વાતાવરણથી સભર લાગતો.
+ + +

ટાઈમ્સના પ્રથમ મહિલા સહાયક તંત્રી હતાં ફાતિમા ઝકરિયા. એમની પાસે પુરુષ સહકાર્યકરો જેવી બુદ્ધિશક્તિ ન હતી પણ એમના પતિ ડૉ.રફીક ઝકરિયાના રાજકીય વર્તુળનો સારો ફાયદો હતો. એ કારણે તે ખુશવંત સિંહની બરાબર પછીની જગ્યાએ પહોંચી શક્યાં પણ ખુશવંતના પતન પછી તેઓ ગિરીલાલ જૈનની નીચે આવ્યાં. ફાતિમા લેખક નહોતાં પણ સ્ટાર લેખકોથી મેગેઝિન કે એડિટ પેજ ભરી શકતાં. ૧૯૮૯માં ગિરીના પતન પછી એમણે ટાઈમ્સ છોડ્યું.
ક્રમશઃ
શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
ટાઈમ્સનાં તંત્રીમંડળની નવી પેઢી કહી શકાય એવા જયદીપ બોઝ ‘જોજો અને પ્રીતિશ નંદીનો પરિચય ૮-૧૦ – ૨૦૨૪ના રોજ પાંચમા મણકામાં પ્રકાશિત થશે
-
સંમોહન
હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
ઈશ્વરે આ જગતમાં અનેક જીવનું સર્જન કર્યું. પશુ, પંખી, માનવ…
કહેવાય છે કે માનવ એ ઈશ્વરનું સૌથી અનોખુ સર્જન છે. દિલ અને દિમાગનો અદ્ભૂત સમન્વય ધરાવતી માનવજાત આજે લગભગ દુનિયા પર પોતાનું સામ્રાજ્ય સ્થાપી ચૂકી છે. મનોવિજ્ઞાન મુજબ માનવીના ઘડતરમાં વારસાની સાથે વાતાવરણ પણ એટલી જ મહત્વની ભૂમિકા ધરાવે છે. બાળકના માનસિક-શારીરિક ઘડતર પર એને વારસામાં જે જિન્સ મળ્યા છે એ તો અસર કરવાના જ છે પણ સમજણું થાય ત્યારે આસપાસનું-બહારનું વાતાવરણ પણ એના ઘડતરને અસર કરવાનું. આપણા પર, આપણી સમજણ પર, આપણા મન પર પણ આસપાસનું વાતાવરણ અસર કરે જ છે.
એના અનુસંધાનમાં આજે જ વાંચેલું એક દ્રષ્ટાંત અહીં ટાંકવાનું મન થાય છે.
હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક સમાન બુધ્ધિ પ્રતિભા ધરાવતા હોય એવા એક વર્ગના વિદ્યાર્થીઓ પર એક મનોવૈજ્ઞાનિક પ્રયોગ કરવામાં આવ્યો. આ વર્ગના વિદ્યાર્થીના બે જૂથ પાડવામાં આવ્યા.
પ્રથમ જૂથને એક અલગ ખંડમાં લઈ જઈને બ્લેકબોર્ડ પર એક ગણિતનો ગૂંચવણભર્યો પ્રશ્ન લખીને એને ઉકેલવાનું કહેવામાં આવ્યુ. સાથે એવું પણ જણાવવમાં આવ્યું કે આ પ્રશ્ન ખરેખર એટલો ગૂંચવણભર્યો છે કે તમારામાંથી ભાગ્યેજ કોઈ એનો ઉકેલ શોધવમાં સફળ થશે. તમારાથી પણ ઉપલા વર્ગના વિદ્યાર્થીઓ પણ માંડ આનો ઉકેલ શોધી શક્યા હતા એટલે તમને પણ સફળતા મળશે કે કેમ એ શંકા તો છે જ પણ તેમ છતાં તમારી પાસે સમજી વિચારીને આનો ઉકેલ લાવવાની તક છે. અજમાવી જુઓ.
આ જૂથે ખૂબ મહેનત કરી પરંતુ એ પંદર વિદ્યાર્થીઓના જૂથમાંથી ત્રણ જ વિદ્યાર્થીનો જવાબ સાચો પડ્યો.
હવે બીજા જૂથને ગણિતનો આ જ પ્રશ્ન ઉકેલવાનું કહેવામાં આવ્યું.
સાથે એમને એમ કહેવામાં આવ્યું કે આ એકદમ સહેલો પ્રશ્ન છે. આનો ઉકેલ લાવવામાં ભાગ્યેજ કોઈ નિષ્ફળ જશે. તમારાથી નીચલા વર્ગના વિદ્યાર્થીઓ પણ આ પ્રશ્નનો ઉકેલ શોધી શક્યા હતા. જ્યારે તમે તો એમનાથી બુધ્ધિશાળી વિદ્યાર્થીઓની ગણતરીમાં આવો છો.
હવે જોવાની મઝા એ છે કે આ જૂથના પંદર વિદ્યાર્થીઓમાંથી બાર જણ એનો સાચી રીતે ઉકેલ લાવી શકયા હતા.
સીધી વાત- જો આપણી આસપાસનું વાતાવરણ જો મનને સકારાત્મક રીતે ઊર્જિત કરનારું હોય તો મન સાચે જ સકારાત્મક બનશે પણ જો આપણા મનને નિર્બળ બનાવે એવું વાતાવરણ હશે તો ચોક્કસ એની અસર આપણા મન અને પછી વર્તન પર થવાની જ. કોઈપણ બાળક કે વ્યક્તિને પણ સતત એમ કહેવામાં આવે કે આ કામ તો તું કરી જ શકીશ. એ કાર્ય કરવા એ ઉત્સાહિત તો જરૂર થશે જ અને એમાં સફળ થવાની શક્યતા વધી જશે.
હિપ્નોટિઝમ શું છે? આપણે ઘણીવાર સ્ટેજ પર પણ એવા હિપ્નોટિઝમનના પ્રયોગો જોયા હશે. એ હિપ્નોથેરેપિસ્ટ સતત એકધારી સૂચનાથી આખા વૃંદને સંમોહિત કરતા હોય છે. જો આપણા મન પર કોઈના કીધાથી સારી કે ખોટી, સકારાત્મક કે નકારાત્મક અસર થતી હોય તો એ જ બાબતને આપણે જાત અનુભવમાં પણ મૂકીએ, આપણા મનને સતત એવા આદેશ આપીએ કે જે આપણી સકારાત્મકતાને ઊર્જિત કરે. જે કામ કોઈ હિપ્નોથેરાપિસ્ટ કરી શકે એ જ રીત આપણે પણ અમલમાં મૂકી જ શકીએ ને?
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સારપ – નજર ફેરવશો તો એ ડગલે ને પગલે ફેલાયેલી જોવા મળશે
સંવાદિતા
દરેક યુગે દુનિયામાં સારા લોકોની જ વિરાટ બહુમતી હતી, છે અને રહેશે.
ભગવાન થાવરાણી
ઘણાં લોકો વિષે એમને સારી રીતે ઓળખતાં લોકો કહે છે ‘ એ ખાલી વર્તનમાં તોછડા છે, દિલના બિલકુલ સાફ છે. ‘ આવા લોકોને કહેવાની ઈચ્છા થાય કે દુનિયામાં મોટા ભાગના લોકો સાથે આપણે માત્ર વહેવાર પૂરતી નિસ્બત છે. એમના દિલમાં છે એને ક્યાં ધોઈને પીવું છે ? વર્તન શાલીન, વિનમ્ર અને વિશેષ તો માનવીય હોય એ જ મહત્વનું છે. દિલની મલીનતા કોઈ ભલે દિલમાં રાખે, આપણને શો ફેર પડે !વર્ષો પહેલાં ઝી ટીવી પર એક સિરીયલ આવતી. નામ હતું ‘ શાયદ ‘ . એના એક હપ્તાનું નામ હતું ‘ યહ ગલત બાત હૈ ‘ . જલાલ આગા અને સબ્યસાચી ચક્રવર્તી મુખ્ય ભૂમિકાઓમાં હતાં. વાર્તા એવી કે શહેરમાં કેટલીક હત્યાઓ થાય છે જેનો કોઈ દેખીતો હેતુ પકડાતો નથી. અંતે એક પોલિસ ઈંસ્પેક્ટર અપરાધીને શોધી કાઢે છે. એક માણસને એવા માણસો પ્રત્યે ભારોભાર નફરત હતી જે કોઈને વગર વાંકે કે નાનકડી ભૂલ માટે જાહેરમાં અપમાનિત કરે ! આવા માણસોના વર્તનના સાક્ષી બન્યા બાદ એ એમને વીણી વીણીને મારી નાંખતો કારણ કે એની માન્યતા હતી કે કોઈને જાહેરમાં હડધૂત કરવો એ હત્યા કરતાં પણ જઘન્ય કૃત્ય છે ! ‘ યહ ગલત બાત હૈ ‘ ! ઈંસપેક્ટર એને છોડી મુકે છે કારણ કે એ પણ એમ જ માને છે !જીવનમાં ડગલે ને પગલે સારા માણસો મળ્યાં છે. એમની સારપ ભૂલી ભુલાતી નથી. દ્રઢ વિશ્વાસ છે કે આવા માણસો જ જગતમાં બહુમતીમાં છે. નરસાં માણસો હશે તો પણ નગણ્ય. ભલાઈ – ભલમનસાઈના આવા કેટલાક કિસ્સા દિલમાં જડાઈ ગયાં છે.થોડાક સમય પહેલાં ઘરની બાજુમાં આવેલી લાઈબ્રેરીમાં પુસ્તક બદલવા ગયો હતો. એક કવિતાનું પુસ્તક લઈને ચાલતો ચાલતો ઘરે પાછો જતો હતો. એક ભાઈએ પાછળથી આવીને અચાનક બાજુમાં સ્કૂટર રોક્યું. મને કહે ‘ બેસી જાઓ, તમને ઘેર મૂકી જઉં. ‘ એ પરિચિત લાગ્યા નહીં. મેં પૂછ્યું ‘ તમે મને ઓળખો છો ? ‘ અજાણ્યા માણસની લિફ્ટ લેવાના જોખમો વિષે ઘણી વાતો સાંભળી હતી . એ કહે ‘ ના, પણ તમે સારા માણસ લાગ્યા. તડકામાં ચાલતા જાઓ છો એટલે કહ્યું. ‘ થોડીક રાહત સાથે મેં સસ્મિત પૂછ્યું ‘ હું સારો માણસ કેમ લાગ્યો ? ‘ તો એ કહે ‘ તમારા હાથમાં કવિતાનું પુસ્તક જોયું એટલે ‘ ! હું શું કહું ? એમની મદદ તો ન લીધી પણ એ માણસ સદૈવ યાદ રહેશે.દાયકાઓ પહેલાં એક મહાનગરના જાહેર ઉદ્યાનમાં લટાર મારતો હતો. સામેથી એક સજ્જનને આવતા જોયા. એ પણ ચાલવા નીકળ્યા હોય એવું લાગ્યું. એ પસાર થયા એટલે મારા મોંમાંથી અનાયાસ નીકળી ગયું ‘ નમસ્કાર ‘ ! એ થોડાક આગળ નીકળી જઈને સહસા પાછા ફર્યા. મને પૂછ્યું ‘ તમે મને ઓળખો છો ? ‘ મેં ના પાડી તો કહે ‘ તો પછી ? ‘ હું એમની મૂંજવણ સમજી ગયો. કહ્યું ‘ નમસ્કાર કરવા માટે ઓળખાણ હોવી ક્યાં જરૂરી છે ? ‘ જાણે ઝબકાર થયો હોય તેમ એ કહે ‘ અરે હા ! ‘ અને પછી ‘ આવો, થોડીક વાર બેસીએ. ‘ બાજુની બેંચ પર બેઠા. વાતો કરી. પરિચય કેળવ્યો. એ બાજુમાં જ રહેતાં હતાં . હું પરદેસી હતો. આગ્રહપૂર્વક એમના ઘરે લઈ ગયાં. એ પછી વર્ષો લગી એમની સાથે પત્રવ્યવહાર ચાલ્યો. કાળેક્રમે સંપર્ક તૂટી ગયો. અત્યારે એ હશે કે કેમ, ક્યાં હશે, કોઈ માહિતી નથી. આજે પણ કોઈને નમસ્કાર કરું તો એ સજ્જન અચૂક યાદ આવે.એ જ મહાનગરના એક પ્રશિક્ષણ સંસ્થાનમાં મારી સંસ્થા વતી ટ્રેનીંગ માટે જવાનું થતું. સંસ્થાન વિશાળ જગ્યામાં ફેલાયેલું હતું. રહેણાક, ભોજન અને ભણતર બધું એક જ સંકૂલમાં. એક વિશાળ લાઈબ્રેરી પણ ખરી. હું પુસ્તકનો કીડો એટલે પહેલા જ દિવસે ક્લાસ પૂરા થતાં ત્યાં પહોંચી જતો અને નિયમાનુસાર મળતા ત્રણ પુસ્તકો મારી પસંદગીના લઈ આવતો. એક વાર ત્યાંના ગ્રંથપાલ મેં પસંદ કરેલા પુસ્તકો જોઈને કહે ‘ તમને આવા પુસ્તકો ગમે છે ? મારી હા સાંભળી કહે ‘ આવો મારી સાથે. ‘ એ મને વિશાળ લાઇબ્રેરીના એક વિભાગમાં લઈ ગયા. થોડાંક કબાટો ચીંધીને કહે ‘ આ બધા કબાટમાં તમને ગમે છે એવાં પુસ્તકો છે. અહીંથી લઈ લેવાં. ‘ પછી કાઉંટર પર જઈ ધીમેકથી ખાનગી વાત કરતાં હોય તેમ ‘ આમ તો ત્રણ પુસ્તકો લઈ જવાનો નિયમ છે પણ તમે ભલે વધારે લઈ જાઓ. ‘ અને પછી તાકીદ ‘ હા, ટ્રેનીંગ પૂરી થયે જમા કરાવવાનું ભૂલતા નહીં ‘ ! હું ગદગદ અને ભાવવિભોર !આખરી કિસ્સો. પંચમહાલના એક નાનકડા ગામમાં સંબંધોના કારણે અવારનવાર જવાનું થાય. ગામ એટલું નાનું કે એકાદ કલાકમાં ગામના એક છેડેથી બીજા છેડે જઈ શકાય. એક વાર સંબંધીના ઘર માટે બાજુમાં ભરાતી શાક માર્કેટમાં શાક લેવા ગયો. એક શાકવાળા બહેન આગળ થોડાક બીજા ગ્રાહકો ઊભા ભાવતાલ કરી શાક થેલીમાં ભરતાં હતાં. મારે જોઈતાં બધાં શાક એમની કને હતાં. મેં ભાવતાલ કર્યા વિના મારે જોઈતાં શાક અને જથ્થો એમને કહ્યો. પાંચેક વાનાં. કેટલા પૈસા થયા એ પૂછ્યું તો એ બહેન કહે ‘ જૂઓ, બટાકાનાં પેલા ભઈના પાંચ લીધા, તમારા ચાર. રીંગણના પેલાના ચાર, તમારા ત્રણ. ટમેટાંના એમના બે, તમારો દોઢ ‘ વગેરે વગેરે ! મેં હસીને પૂછ્યું ‘ મારા ઓછા કેમ ? ‘ તો કહે ‘ તમે ભાવ ઓછા ના કરાવ્યા એટલે ‘ !
હું શું કહું !કવિ ભગવત રાવતે આવા માણસોને લક્ષમાં રાખી લખેલી એક હિંદી કવિતાનો તરજુમો :|| આ પૃથ્વી પર જ છે એ લોકો ||આ પૃથ્વી પર ક્યાંક ને ક્યાંકકેટલાક લોકો છે જરૂરજેમણે પૃથ્વીને પોતાની પીઠ પરકશ્યપની જેમ ધારણ કરી છેબચાવી રાખી છે પૃથ્વીનેપોતાના જ દોઝખમાં ડૂબવાથીએ લોકો છે એટલું જ નહીંબિલકુલ અજાણ્યા ઘરોમાં રહે છેએટલા ગુમનામ કે કોઈ એમનું સરનામુંબરાબર જણાવી નહીં શકેએમના પોતાના નામ પણ છેપરંતુ એ એટલાં સામાન્ય કે ચીલાચાલુ છેકે કોઈને એમના નામ બરાબર યાદ પણ નથી રહેતાંએમના પોતીકાં ચહેરા છે પરંતુએ એકમેકમાં એટલાં ભળી ગયેલાં છેકે કોઈ એમને જોતાંવેંત ઓળખી પણ ન શકેએ લોકો છે અને આ જ પૃથ્વી ઉપર છેઅને આ પૃથ્વી એમની પીઠ પર ટકેલી છેઅને સૌથી મજાની વાત તો એકે એમને એ લેશમાત્ર જાણ નથીકે એમની જ પીઠ ઉપરટકેલી છે આ પૃથ્વી ..
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
