વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • કોમેડી ગીતો – हम थे वो थी और समा रंगीन समझ गए ना

    નિરંજન મહેતા

    ફિલ્મોમાં અનેક પ્રકારના ગીતો હોય છે જેમ કે બાળગીત, હાલ્રરડા, પ્રેમગીત વગેરે. તે સાથે કોમેંડી ગીતોનો પણ સારો એવો ફાળો છે. આવા ગીતો શાબ્દિક કે સિચ્યુએશન દ્વારા રમુજ ઉત્પન્ન કરે છે.

    મળેલા ગીતોની સંખ્યા એટલી છે કે તે એક લેખમાં સમાવાય તેમ નથી એટલે ત્રણ ભાગમાં આ ગીતો મુકવા ઈચ્છું છું. સાથે સાથે એ પણ જણાવી દઉં કે મેં સંકલિત કરેલ ગીતો એ સંપૂર્ણ યાદી નથી અને મિત્રોને તે સિવાયના ગીતો પણ ધ્યાનમાં આવે તે શક્ય છે અને તે આવકાર્ય પણ છે.

    સૌ પ્રથમ ૧૯૪૯ની ફિલ્મ ‘પતંગા’નું આ ગીત જોઈએ જે આજે પણ મજા માણી શકાય તેવું છે.

     

    मेरे पिया हो मेरे पिया गये रंगून
    किया है वहाँ से टेलीफ़ून
    तुम्हारी याद सताती है
    जिया में आग लगाती है

    નાટકના એક ભાગ રૂપે યાકુબ ફોન ઉપર પોતાના રંગુન હોવાની વાત કરે છે અને પત્ની નિગાર સુલતાનાથી જુદાઈ સહન નથી તેવું જણાવે છે જ્યારે હકીકત કોઈ ઓર જ હોય છે. રાજીન્દર કૃષ્ણના શબ્દો છે અને સંગીત આપ્યું છે સી. રામચંદ્રએ. ગાયકો છે શમશાદ બેગમ અને ચિતલકર (સી. રામચંદ્ર).

    ૧૯૫૧ની ફિલ્મ ‘અલબેલા’ જેના બધા ગીતો જાણીતા છે તેમાંથી બે કોમેડી ગીતો મળે છે.

    भोली सूरत दिल के खोटे
    नाम बड़े और दरशन छोटे दरशन छोटे

    સમારંભમાં ભગવાન આ ગીત શરૂ કરે છે જેમાં મહિલા ઉપર કટાક્ષ દેખાડ્યો છે જેને ગીતા બાલી યોગ્ય જવાબ આપે છે. રાજીન્દર કૃષ્ણના શબ્દો છે અને સંગીત આપ્યું છે સી. રામચંદ્રએ. ગાયકો છે લતાજી અને ચિતલકર (સી. રામચંદ્ર).

    બીજું ગીત સિચ્યુએશન દ્વારા કોમેડી ઉત્પન્ન કરે છે.

    कभी काली रतिया कभी दिन सुहाने
    किस्मत की बाते तो किस्मत ही जानेओ
    बेटा जी अरे ओ बाबू जीकिस्मत की हवा कभी नरम,
    कभी गरमकभी नरम-नरम, कभी गरम-गरम,
    कभी नरम-गरम नरम-गरम रे

    કલાકાર છે ભગવાન. રાજીન્દર કૃષ્ણના શબ્દો છે અને સંગીત આપ્યું છે સી. રામચંદ્રએ.ગાયક ચિતલકર (સી. રામચંદ્ર).

    ૧૯૫૨ની ફિલ્મ ‘તમાશા’નુ આ ગીત સુતેલા દેવઆનંદને જગાડવા ગવાય છે

    खाली पीली, खाली पीली
    खाली पीली काहे को अक्खा दिन बैठ के
    बोम मारता है   …
    left..left..left..right..halt..
    सस्ते उठके बाथ्रूम में तो जाके स्नन कर
    हमाम लक्स से रगड़ रगड़ बदन को साफ़ कर
    खटिया से छोड़ रास्ता तैय्यार तेरा नाश्ता
    भाभी तके है रास्ता
    ओ आलसी हे हे ओ आलसी
    काहे को काहे को काहे को हिम्मत हारता है

    આ શાબ્દિક કોમેડી ગીત રચ્યું છે ભરત વ્યાસે જેને સંગીત આપ્યું છે મન્નાડેએ. સ્વર છે કિશોરકુમારનો.

    ૧૯૫૪ની ફિલ્મ ‘ટેક્ષી ડ્રાઈવર’નુ ગીત એક નફિકરા યુવાનની માનસિકતા રમુજી અદામાં દર્શાવાઈ છે.

    चाहे कोई खुश हो चाहे गालियाँ हज़ार दे
    मस्त राम बन के ज़िंदगी के दिन गुज़ार दे

    દેવઆનંદ અને સાથીઓ પર રચાયેલ આ ગીતના ગીતકાર છે સાહિર લુધિયાનવી અને સંગીતકાર છે સચિન દેવ બર્મન. ગાયકો છે કિશોરકુમાર અને જોની વોકર.

    ૧૯૫૪ની ફિલ્મ ‘બુટપોલીસ’નુ આ ગીત પણ સિચ્યુએશન દ્વારા કોમેડી ઉત્પન્ન કરે છે.

    लपक जपक तू आ रे बदरवा
    सर की खेती सूख रही है
    बरस बरस तू आ रे बदरवा

    જેલમાં કેદ ડેવિડ પોતે વાળ વગરનો છે તેવા અન્ય વાળ વગરનાને ભેગા કરી આ ગીત ગાય છે. ગીતની શરૂઆતમાં ટાલ ઉપર આંગળીઓ દ્વારા તબલાના ધ્વનિ ઉત્પન્ન કરાયો છે. હસરત જયપુરીના શબ્દો અને શંકર જયકિસનનુ સંગીત. ગાયક છે મન્નાડે.

    ૧૯૫૪ની ફિલ્મ ‘પેહલી ઝલક’નુ ગીતમાં પીડિત પતિની વ્યથા વ્યક્ત કરાઈ છે.

    अरे चरणदास को पीने की
    जो आदत न होती
    तोह आज मियाँ बाहर
    बीवी अंदर न सोती

    કલાકારો છે કિશોરકુમાર અને વૈજયંતિમાલા જેના શબ્દો છે રાજીન્દર કૃષ્ણના અને સંગીત સી.રામચંદ્રનુ. ગાયક છે  કિશોરકુમાર.

    ૧૯૫૫ની ફિલ્મ ‘મિ. એન્ડ મીસીસ ૫૫’નુ આ ગીત એક ઓફિસમાં ગવાય છે.

    जाने कहाँ मेरा जिगर गया
    अभी-अभी यहीं था किधर गया जी
    किसी की अदाओं पे मर गया जी
    बड़ी-बड़ी अँखियों से डर गया जी

    જ્યારે અન્ય સ્ટાફ જમવા બહાર ગયો હોય છે ત્યારે જોની વોકર યાસ્મીન આગળ પોતાનો પ્રેમાલાપ રજુ કરે છે જેને યાસ્મીન પણ યોગ્ય જવાબ આપે છે. આ ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત છે ઓ.પી. નય્યરનુ. ગાયકો છે ગીતા દત્ત અને રફીસાહેબ. ગીતના અંતમાં જે કોમેડી રચાય છે તે જરૂર જોજો.

    ૧૯૫૬ની ફિલ્મ ‘ચોરી ચોરી’માં પણ એક રમુજી ગીત છે.

    All Line Clear
    आगे बढ़ो आगे चलो
    छोटी सी ये अलटन पलटन all है मेरे घर की
    साथ हमारे तोप का गोला बात नहीं है डर की
    All Line Clear

    Line Clear है भाई

    જોની વોકર પોતાના દસ બાળકો સાથે નીકળી પડે છે ત્યારે આ ગીત ગાય છે જેમાં શાબ્દિક રમુજ પણ વણાઈ છે. ગીતકાર છે હસરત જયપુરી અને સંગીતકાર છે શંકર જયકિસન. યુનિક અવાજ રફીસાહેબનો.

    ૧૯૫૬ની અન્ય ફિલ્મ છે ‘પરિવાર’.

    आ हां हां
    कुवे में वह
    ठंडा जोल में नहाने से गोला थो ज़ोरा बैठ गया
    कुवेन में कूद के मर जाना
    यार तुम शादी मत करना

    સ્ટેજ પર એક નાટકીય રજુઆતમાં કિશોરકુમાર આ ગીત ગાય છે. તેમાં આવતા જુદા જુદા પાત્રો પણ કિશોરકુમાર જ ભજવે છે અને અંતે લગ્ન ન કરવાનો સંદેશ આપે છે. શૈલેન્દ્રના શબ્દો અને સલીલ ચૌધરીનુ સંગીત. ગાયક બેશક  કિશોરકુમાર’

    ૧૯૫૭ની ફિલ્મ ‘પ્યાસા’ ભલે દર્દનાક ફિલ્મ હતી પણ તેનું આ ગીત આજે પણ તરોતાજા છે. :

    सर जो तेरा चकराये
    या दिल डूबा जाये
    आजा प्यारे पास हमारे
    काहे घबराय काहे घबराय

    એક ચમ્પીવાળાના પાત્રમાં જોની વોકર ઉપર આ ગીત રચાયું છે. ગીટમાં જોની વોકરનો અભિનય પણ દાદ માંગી લે છે. શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. સ્વર છે રફીસાહેબનો.

    ૧૯૫૭ની ફિલ્મ ‘મિસ મેરી’નુ આ ગીત ફરી એકવાર કિશોરકુમાર પર રચાયું છે જેમાં તે પોતાની સંગીતની અણઆવડત આ ગીતના શબ્દો દ્વારા વ્યક્ત કરે છે. આપણે કહીએ છીએને કે ભેંસ આગળ ભાગવત કાંઈક તેના જેવું.

    हारमोनियम बजाया
    तबला बजाया
    ये भी बजाया
    और वो भी बजाया
    मगर अफ़सोस
    गाना ना आया बजाना ना आया
    दिलबर को अपना बनाना ना आया

    શબ્દકાર રાજેન્દ્ર કૃષ્ણ અને સંગીતકાર હેમંતકુમાર. ગાયક કિશોરકુમાર.

    ૧૯૫૭ની ફિલ્મ ‘બંદી’નુ આ ગીત અપરિણિત યુવાનોની વ્યથા અને આશાને ઉજાગર કરે છે.

    एक रोज़ हमारी भी दाल गलेगी
    बैरी दुनिया जो देखेगी खूब जलेगी
    हाँ बैरी दुनिया जो
    देखेगी खूब जलेगी

    કિશોરકુમાર પર રચાયેલ આ ગીતના રચનાર છે રાજેન્દ્ર કૃષ્ણ અને સંગીત આપ્યું છે હેમંતકુમારે. સ્વર છે કિશોરકુમારનો.

    ૧૯૫૮ની ફિલ્મ ‘દિલ્લી કા ઠગ’નુ ગીત છે

    A-B-C
    C-A-T, cat, cat माने बिल्ली
    R-A-T, rat माने चूहा
    C-A-T, cat, cat माने-, चूहा
    अरे, दिल है तेरे पंजे में तो क्या हुआ?
    M-A-D, mad, mad माने पागल
    B-O-Y, boy, boy माने लड़का
    रे मतलब इसका तुम कहो तो क्या हुआ?

    કિશોરકુમાર નૂતન આગળ પોતાના પ્રેમને અલગ તરીકેથી રજુ કરે છે જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આપ્યું છે રવિએ. સ્વર છે કિશોરકુમારનો.

    આ જ ફિલ્મનું અન્ય કોમેડી ગીત છે
    हम तो मोहब्बत करेगा
    दुनिया से नहीं डरेगा
    चाहे ये ज़माना कहे
    हमको दीवाना अजीहम तो मोहब्बत…

    ૧૯૫૮ની ફિલ્મ ‘આખરી દાવ’ના ગીતમાં ફરી એકવાર જોની વોકર દેખાય છે.

    इधर तो हाथ ला प्यारे
    दिखाऊ दिन को भी तारे

    પ્યાસામાં જેમ જોની વોકરનુ પાત્ર હતું તેવું જ કાંઈક આ ગીતમાં પણ જણાય છે. શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત છે મદન મોહનનુ. ગાયક રફીસાહેબ.

    ૧૯૫૯ની ફિલ્મ ‘ચલતી કા નામ ગાડી’ એક સંપૂર્ણ કોમેડી ફિલ્મ હતી એમ કહીએ તો અતિશયોક્તિ નહિ ગણાય. એટલે તેમાં કોમેડી ગીતો તો હોવાનાને?  :

    हम थे वो थी, वो थी हम थे
    हम थे वो थी और समा रंगीन समझ गए ना
    जाते थे जापान पहुँच गए चीन  समझ गए ना
    याने याने प्यार हो गया

    મધુબાલા સાથે પ્રેમ થઇ ગયા બાદ કિશોરકુમાર અનુપકુમારને આ ગીત દ્વારા પોતાની માનસિક અવસ્થા વ્યક્ત કરે છે. સાથે અનુપકુમાર પણ કહે છે “કે મેરા ક્યા હોગા”, મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને અને સ્વર છે  કિશોરકુમારનો.

    બીજું ગીત છે

    मैं सितारों का तराना मैं बहारों का फ़साना
    लेके एक अँगड़ाई मुझपे डाल नज़र बन जा दीवाना
    रूप का तुम हो ख़ज़ाना तुम हो मेरी जाँ ये माना
    लेकिन पहले दे दो मेरा पाँच रुपैया १२ आना
    पाँच रुपैया १२ आना मारेगा भैया ना-ना-ना-ना

    કિશોરકુમાર ભલે મધુબાલા તરફ આકર્ષાયો હોય પણ તેને મધુબાલાની કાર રીપેરના પૈસા લેવાના બાકી હોય છે . એટલે આ ગીત દ્વારા તેને તે યાદ કરાવે છે. મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. ગાયકો છે કિશોરકુમાર અને આશા ભોસલે.

    ત્રીજું ગીત છે

    बाबू समझो इशारे
    हौरन पुकारे
    पम पम पम
    यहाँ चलती को गाड़ी
    कहते हैँ प्यारे
    पम पम पम

    આ ગીત ત્રણેય ભાઈઓ, કિશોરકુમાર, અનુપકુમાર અને અશોકકુમાર કારમાં સાથે સવારી કરતી વખતે મુંબઈના રસ્તા પર ગાય છે જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીતકાર છે સચિન દેવ બર્મન. ગાયકો છે  કિશોરકુમાર, અશોકકુમાર અને મન્નાડે.

    ઉપરના ગીતો જોતા જણાય છે કે મોટા ભાગના ગીતો કિશોરકુમાર અને જોની વોકર પર રચાયા છે. આ તેમની રમુજશક્તિને અનુરૂપ છે.

    આગળના ગીતો આગલા લેખમાં.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. +91 22 28339258/ 91 9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • ફિલ્મી ગઝલો – ૧૧૫ – શિરીષ

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    અગાઉના કેટલાક ગીતકારોની જેમ ગીતકાર શિરીષનું આખું નામ કે તખલ્લુસ સુદ્ધાં મળતું નથી.

    એટલી માહિતી મળે છે કે એમણે આજની ગઝલ વાળી ફિલ્મ ‘ હમારે ગમ સે મત ખેલો ‘ ( ૧૯૬૨ ) ઉપરાંત ‘ અનોખા જંગલ ‘ ( ૧૯૫૬ ) અને ‘ હીરો નંબર ૧ ‘ ( ૧૯૫૯ ) એ ત્રણ ફિલ્મોમાં મળી કેવળ સાત ગીત લખેલાં. એમાં આ ખૂબસુરત ગઝલનો પણ સમાવેશ થાય છે.

    આંસૂ છુપાએ આંખ મેં ખૂને જિગર પિયા કરું
    આહોં ભરે જહાન મેં મજબૂર મૈં જિયા કરું

    જલતા હુઆ ચિરાગ હું પર અબ વો રોશની કહાં
    જો આંધિયોં મેં રાત ભર રોશન જહાં કિયા કરું

    મંઝિલ કી ચાહ મેં મેરી રાહેં બદલ બદલ ગઈં
    હર મોડ પર રુકા રુકા ખુદ સે ગિલે કિયા કરું..

    ફિલ્મઃ હમારે ગમ સે મત ખેલો (૧૯૬૭)
    તલત મહમુદ
    જયદેવ


    ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com  વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • ત્યારે અને અત્યારે : ફિલ્મ વિના ફોટોગ્રાફી?

    આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.

    આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.

    આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

    એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.


    પરેશ ૨. વૈદ્ય

    મનોરૅજનની ઘણી વિધાઓ છે – સંગીત, નૃત્ય, નાટક, ચિત્રકલા, સિનેમા, અને ફોટોગ્રાફી વગેરે. આ દરેક વૈયક્તિક અભિવ્યક્તિનાં સાધન છે. એ સાંપ્રત સમાજનું પ્રતિબિંબ આપતાં હોઈ ૭૫ વર્ષમાં તેમાં ફેરફાર જરૂર થયા છે, પરંતુ નૃત્ય, નાટક અને ચિત્રકલા ઉપર ટેક્નોલૉજિની અસર ઓછી થઈ છે, કારણકે એ કળાઓ સાધનપ્રચુર નથી. સંગીત ભલે ન બદલ્યું હોય, પણ તેને રજૂ કરવાની અને સાંભળવાની રીતો કેવી બદલાઈ ગઈ તે આપણે જોઈ ગયા. આવી જ વાત દૃશ્ય-શ્રાવ્ય કળાઓ (સિનેમા અને ટેલિવિઝન) વિશે પણ છે. તેનો દૃશ્ય ભાગ ફોટોગ્રાફી કે સિનેમેટોગ્રાફીથી ઘડાય છે, જે ફોટોગ્રાફીનું સંતાન કહી શકાય. ફોટોગ્રાફીને ક્ષેત્રે પણ ધરખમ ફેરફારો વિજ્ઞાનની પ્રગતિથી થયા છે. આને કારણે સિનેમા અને ટેલિવિઝનને જોવા-માણવાની રીતો પણ પ્રભાવિત થઈ જ છે. આ અંકમાં ફોટોગ્રાફીની વાત કરી આગળ માટે જમીન તેયાર કરીએ.

    ફોટોગ્રાફીઃ 

    આધુનિક લાગતી હોવા છતાં ફોટોગ્રાફી એક જૂની કળા છે. આપણા દેશમાં જ, વીસમી સદીની શરૂઆતના  દિવસોના આઝાદીની લડતના ઘણા ફોટાઓ મળી આવે છે. કેટલાંય ઘરોમાં સ્વર્ગસ્થ વડીલોના શાળા-કૉલેજના ગ્રુપ ફોટા પણ અવારનવાર જોવાતા હોય છે. એ જ પરિસ્થિતિ ૭૫ વર્ષ પહેલાં, આઝાદીકાળે હતી. માથે કાળું કપડું ઓઢીને ગ્રૂપ ફોટો કાઢતો ફોટોગ્રાફરનાં ચિત્રોથી વાચકો પરિચિત હશે. ધમણવાળા કેમેરામાં ક્યાંયથી પ્રકાશ ઘૂસી ન જાય તે માટે એ કેમેરાને “અંધારા”માં રાખતા. ફોટા ત્યારે ફિલ્મ ઉપર નહીં, પરંતુ પ્લેટ ઉપર લેવાતા. કાચની પ્લેટ ઉપર પ્રકાશને સંવેદનશીલ રસાયણો (“ઇમલ્શન’)નો લેપ લગાડેલો રહેતો. ફોટો લેવાયા પછી એને જુદાં રસાયણોમાં પ્રોસેસ કરવામાં આવતી. એને માટે વ્યવહારમાં શબ્દ વપરાતો  “પ્લેટ ધોવી’ કે ‘ફિલ્મ ધોવી’. એ નેગેટિવ ચિત્ર મળતું. ફોટોગ્રાફિક પેપર ઉપર તેની છાપ લઈ પૉઝિટિવ ચિત્ર મેળવવામાં આવતાં. “નેગેટિવ’માં કાળા વાળ સફેદ અને સફેદ શર્ટ કાળો દેખાતો.

    જાપાનની બનાવટના મિનોલ્ટા, યાશિકા કે પેન્ટાક્સ એ કેમેરાનાં જાણીતાં નામો હતાં. આપણે ત્યાં એ યુરોપથી આવતા અને તેથી ફોટોગ્રોફી મોંઘો શોખ હતો. ૧૯૫૯માં આગ્ફા કંપનીનો ‘ક્લિક-૩’ કેમેરા ભારતમાં આવ્યો અને તેથી આ શોખ મધ્યમવર્ગ સુધી પ્રસરી શક્યો. એ કેમેરા વાપરવામાં કોઈ નિપુણતાની જરૂર નહોતી. એક જ લેન્સ હતો, છિદ્ર (એપર્ચર) બદલવાની કોઈ સગવડ ન હતી. વાદળાં અને સૂર્યપ્રકાશ એવાં બે સેટિંગ તૈયાર હતાં, તેમાંથી એક પસંદ કરો અને “ક્લિક” કરો! સવા બે ઇંચના ચોરસ એવા બાર ફોટા પડે તેવડો ફિલ્મનો “રોલ’ તેમાં બેસે.

    મોબાઇલ ફોનથી એક દંશ્યના અનેક ફોટા પાડનારી આજની પેઢીને  “ફિલ્મ” શબ્દ જ કદાચ નવો લાગી શકે, ત્યારે ફિલ્મ વિના ફોટોગ્રાફીની કલ્પના અશક્ય હતી. એમ તો બાર ફોટાની મર્યાદા પણ મોબાઇલ કેમેરાની પેઢીને નહીં સમજાય.

    બહારગામ જાઓ કે પિકનિક ઉપર, કુલ ૧૨ (કે પછી ર૪) ફોટા જ લઈ શકાય તે યાદ રાખવું પડતું. જે પ્રસંગનો ફોટો લેવો હોય તેનાં “એન્ગલ”, પ્રકાશની માત્રા વગેરે વિશે પૂરતો વિચાર કરીને જ કળ દબાવતા. ખોટો પડેલ ફોટો સંખ્યા ઘટાડે, તે ઉપરાંત તેની પ્રિન્ટના પૈસા પણ વ્યર્થ જતા.

    જેમ કેમેરા સંકુલ થતા ગયા, તેમ ફોટોગ્રાફિક ફિલ્મમાં પણ વેરાયટી આવતી ગઈ. તેના રોલ હવે ૩૫ મિ. મી.ની સાઇઝમાં આવ્યો, જેમાં ૨૪ કે ૩૬ ફોટા લઈ શકાતા. સિનેમા તો ૩૫ મિ.મી.ની ફિલ્મ ઉપર ઊતરતા જ હતા. ફોટા માટે ૧૯૭૦ પછી રંગીન ફિલ્મ મળવા લાગી. એનું પ્રોસેસિંગ અઘરું તેમ જ મોંવું હતું. પ્રક્રિયામાં થોડો ફેરફાર થાય, કે ઉષ્ણતામાન બદલાઈ જાય તો રંગોનો ઉઠાવ બદલાઈ જતો. એ કામ ઓટોમેટિક પ્રોસેસરો દ્વારા થવા લાગ્યું અને એકધારી ગુણવત્તા મળવા લાગી. એ સમયનાં થપ્પીબંધ આલબમો આપણાં ઘરોમાં મોજૂદ છે.

    ચાંદીનો વિકલ્પ :

    ફોટોગ્રાફીનું પૂરું શાસ્ત્ર “સિલ્વર બ્રોમાઇડ’ નામના ચાંદીના રસાયણની પ્રકાશ સંવેદિતા ઉપર આધારિત હતું. નેગેટિવ ફિલ્મ અને પૉઝિટિવ પ્રિન્ટ એ બંને ઉપર આ રસાયણનું પાતળું પડ લાગતું, જેને ઇમલ્શન કહેતા. ચાંદીના ભાવ તો વધતા જ હોય છે, પરંતુ ૧૯૮૦માં તેમાં એકદમ ઉછાળો આવ્યો. તેની અસર ફોટોગ્રાફી ઉપરાંત એક્સ-રે ફિલ્મો ઉપ૨ પણ થઈ (એમાં પણ એ જ પદાર્થ વપરાય છે). આથી ચાંદી પર આધારિત પ્રક્રિયાના વિકલ્પ શોધવાનું શરૂ થયું. એક વિકલ્પ મળ્યો જે એક્સ-રે માટે તો ચાલે છે, પરંતુ ફોટોગ્રાફીમાં કામ ન આવે (બેરિયમ ફ્લોરો બ્રોમાઇડ નામના આ પદાર્થની બનેલ “ઇમેજ પલેટ’ તબીબી ક્ષેત્રે ફિલ્મની જગ્યાએ ખૂબ વપરાય છે).

    છેવટે દૃશ્ય પ્રકાશને પ્રતિભાવ આપતો પદાર્થ પણ મળ્યો. એ હતો સિલિકોન, જે ટ્રાન્ઝિસ્ટર બનાવવામાં પણ વપરાય છે પરંતુ એની કાર્યપદ્ધતિ ફિલ્મ જેવી સરળ નહોતી. સિલિકોનની ચિપ (chip)ને બેટરીથી વૉલ્ટેજ આપો તો જ કામ કરે. એનાથી ઊભું થતું ચિત્ર પણ નરી આંખે ન દેખાય, એ વીજભારના રૂપમાં ઊભું થાય જેને ખાસ પડદા ઉપર જ જોઈ શકાય, કાગળ ઉપર નહીં. એટલે એમ કહી શકાય કે સિલિકોને કેમેરા અને ફિલ્મનું સંયુક્ત કામ ઉપાડી લીધું. આ તદ્દન નવો વિચાર હતો. આવી રચનાને CCD કેમેરા નામ અપાયું. આપણે જેને પ્રચલિત શબ્દોમાં ક્લોઝ્ડ સર્કિટ ટીવી (CCTV) કહીએ છીએ તે આ પ્રકારના કેમેરા છે. કૉમ્પ્યૂટરની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેનાં ચિત્રોનો સંગ્રહ પણ કરી શકાયો.

    આમ ફોટોગ્રાફી ક્ષેત્રે એવી કાન્તિ આવી કે ફોટોગ્રાફિક ફિલ્મ બનાવનારી ગંજાવર કંપનીઓનાં પાટિયાં બેસી ગયાં. ઈ.સ. ૧૮૮૨માં સ્થપાયેલ ઈસ્ટમેન કોડક કંપનીએ વર્ષ ૨૦૧૨માં, ૧૨૦ વર્ષ રાજ કર્યા પછી જાતને દેવાળિયા જાહેર કરવી પડી! ફિલ્મનો ઉપયોગ નહીંવત્‌ થઈ ગયો હોવાથી ધંધો બેસી ગયો.

    જુદી પ્રક્રિયાઓ :

    આ નવા પ્રકારની ફોટોગ્રાફીમાં ફિલ્મ ‘ધોવાનો’ (એટલે કે પ્રોસેસ કરવાનો) પ્રશ્ન જ ન હતો. ચિત્ર સીધું સ્ક્રીન ઉપર આવતું. એટલે ફોટા સતત પાડી શકાતા તેમ જ સતત જોઈ પણ શકાયા. એટલે થોડા ફેરફાર સાથે એ “વીડિયો” કેમેરા તરીકે પણ વાપરી શકાયા. ત્યાર સુધી સ્થિર ફોટોગ્રાફીના કેમેરા અને મૂવી કેમેરા બે જુદા હતા. અહીં એકમાં બે આવી જવા એ જ એક રીતે ક્રાન્તિ હતી.

    ફિલ્મવાળા કેમેરામાં જ દૃશ્યનો ફોટો લઈએ તે દૃશ્ય સવા બે ઇંચ કે ૩૫ મિલીમીટરની ફિલ્મ ઉપર ફોકસ કરવાનું હતું. તેને બદલે CCD કેમેરામાં એ દૃશ્ય પેલી “ચિપ” ઉપર પાડવાનું હતું. આ “ચિપ’ કે સેન્સર પોણા ઇંચથી માંડી પા ઈંચ જેટલા નાના બની શકે છે. તેથી લેન્સથી તેનું અંતર ઘટી શક્યું, કહો કે કેમેરા નાના થઈ ગયા. સુધારેલા સેન્સર ડિજિટલ સ્વરૂપમાં પણ કાર્ય કરતા હોવાથી આ ઝીણકા કેમેરાને “લેપટોપ” ઉપર કે મોબાઇલ ફોન ઉપર બેસાડવાની લાલચ સ્વાભાવિક હતી.

    આમ મસમોટો કેમેરો હવે કોઈ બીજાં સાધનનું પેટાસાધન બની ગયું (એ વાત જુદી છે કે સારી ગુણવતાનાં ચિત્રો માટે મોટી CCD ચિપ વપરાય છે અને મોટા કદના ડિજિટલ કેમેરા પણ બને જ છે), પરંતુ સૂક્ષ્મીકરણના કારણે ફોટોગ્રાકીનું સ્થાન આપણા જીવનમાં બદલાઈ ગયું. જ્યાં પાસપોર્ટ સાઇઝ ફોટા માગતા હતા, ત્યાં હવે આપણો સાક્ષાત્‌ ફોટો લઈ દસ્તાવેજીકરણ થાય છે!

    છેલ્લે, સંગીતની માફક ફોટા ‘શેર’ કરવાનું પણ તદ્દન બદલાઈ ગયું. અગાઉ મહેમાન આવે ત્યારે આલબમો લઈને જૂના ફોટાઓ જોઈ પ્રસંગો તાજા કરતા, કારણ કે આપણું આલ્બમ આપણા ઘરમાં જ હોઈ શકે. હવે પ્રસંગ પૂરો થયા પહેલાં સંબંધીઓના ફોનમાં પ્રસંગનાં ચિત્રો પહોંચી જાય છે. બે ક્ષણમાં “થમ્બ્સ અપ’ના ચિત્ર સાથે પ્રતિસાદ પણ આવી જાય છે. ઘરે આલ્બમમાં કોઈ જૂનો ચહેરો જોઈ મોટેથી નીકળી જતું “આ… હા’ અને આ અંગૂઠો-બેમાંથી કયું વધારે મીઠું લાગે એ તો વાચકો પોતે નક્કી કરે!


    સૌજન્યઃ નવનીત સમર્પણ *  મે ૨૦૨૫


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક pr_vaidya@yahoo.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સૂફી કૈલાસા

    સત્યકથા 

    સુરેશ જાની

    આ કથા વાંચતા પહેલાં આ ‘સૂફી કેલાસા’ સાંભળો, માણો.

    આ અને આવા ઘણા બધાં ગીતોનો ગાયક ‘કૈલાસ ખેર’   બહુ જાણીતો થયો છે. તે ‘પદ્મશ્રી’ ધારક પણ છે. બીજા પણ ઘણા બધા એવોર્ડો પણ તેને મળ્યા છે. એનાં ગીતો બીજા કોઈ પ્રકારમાં આવતાં નથી એટલે તજજ્ઞોએ એને ‘સૂફી’ કે ‘નિર્ગુણ’ ગીતો એવું નામ આપ્યું છે. વળી કૈલાસે ગાયેલાં હોવાને કારણે એ ‘કૈલાસા’ પણ કહેવાય છે.

    કૈલાસ એક અદભૂત વ્યક્તિ છે. એ બહુ લોકપ્રિય છે. પણ ૭, જુલાઈ, ૧૯૭૩ માં દિલ્હીના મયૂર-વિહારમાં કાશ્મીરી મૂળના કુટુમ્બમાં જન્મ થયા બાદ ૨૦૦૩ ની સાલ સુધી – એટલે કે, ૩૦ વર્ષ – એ સાવ સાધારણ અને લગભગ સંપૂર્ણ રીતે નિષ્ફળ માણસ હતો.

    તેનો પિતા મહેરસિંગ કાશ્મીરી મૂળનો, લોકગીતોનો ગાયક હતો. સાવ બાળપણમાં એમનાં ગીતોની કૈલાસના મન પર બહુ મોટી અસર જામેલી હતી. કદાચ એ જ એની લોક પ્રિયતા પાછળનું મૂળ છે. ચાર જ વર્ષની ઉમરથી એનો સૂરીલો અવાજ અને એની ગાયકી મિત્રો અને કુટુંબીજનોમાં વાહ! વાહ! પેદા કરી શકતી હતી. પણ ભણવામાં એ લગભગ ‘ઢ’ જ રહ્યો.

    પોતાની એ અણ આવડત સમજી જઈને તેણે ૧૪ વર્ષની ઉમરે સંગીત શીખવા ઘર છોડ્યું. સંગીત ક્લાસની ફી ભરવા તે નાનાં નાનાં કામ કરવા લાગ્યો અને માત્ર ૧૫૦ રુ. ની ફીથી સંગીત પણ શીખવતો. પણ આમાં જીવન સફર શી રીતે પસાર થશે? – એ ચિંતામાં તે એક મિત્રના હસ્ત કારીગીરીના ધંધામાં જોડાયો. એ ધંધો પણ પડી ભાગતાં, નીરાશામાં તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો. પણ હાય! નસીબ, એમાં પણ તે નિષ્ફળ નીવડ્યો. સફળતાની આશાએ સિંગાપુર અને થાઈલેન્ડમાં છ મહિના રહેવા છતાં નસીબે યારી ન આપી. દિલ્હીમાં બેળે બેળે પત્ર દ્વારા શિક્ષણના માધ્યમથી એને ગમે તેમ સ્નાતકની પદવી તો મળી. પણ નોકરીઓ થોડી જ રેઢી પડી હોય છે?

    છેવટે, મનગમતું ગાવાનું કામ મળી રહેશે, એ આશાએ તેણે મુંબઈમાં સ્થળાંતર કર્યું. એક વ્યાવસાયિક રીલમાં ઝણકાર ( Jingle) ગાવા મળેલી તકમાં તેણે કશા ગભરાટ વિના મનમાં રણકાર કરી રહેલી ધૂન સંભળાવી.  તે એ પેઢીના અધિકારીઓને ગમી જતાં એને પહેલો ૨૦૦૦/-  રૂ . નો પુરસ્કાર મળ્યો. બસ, એ સાથે એની ગાયકી યાત્રા શરૂ થઈ ગઈ. બહુ ઝડપથી એને આવા ઝણકારનું કામ મળવા લાગ્યું.

    ફિલ્મી જગતમાં તેણે ગાયેલા શરૂઆતના ગીતો છે – ‘ રબ્બા ઇશ્ક ન હોવે’ – ‘અંદાઝ’ ફિલ્મ માટે અને ‘અલ્લાકે બંદે’ – ‘ઐસા ભી હોતા હૈ’ ફિલ્મ માટે.  કિર્તન સંગીતના ગાયકને માટે  આ શબ્દો જરાક વરવા લાગે. પણ, એ હકીકત છે કે, આ ગીતો સાથે તેની લોકપ્રિયતા રોકેટ ગતિએ વધવા લાગી. પછીની તેની જીવન યાત્રા ઝમકદાર છે. પણ, તેના પાયામાં છે – પ્રારંભના સંઘર્ષોને અતિક્રમી જતો તેનો સંગીત પ્રેમ. બીજા બધા સંગીત પ્રકારો કરતાં , હમ્મેશ તેનો નિજી લગાવ અને ઝૂકાવ લોકગીતો  તરફ  રહ્યો છે.

    એની જીવન કથા અહીં –

    https://en.wikipedia.org/wiki/Kailash_Kher

  • જળસંકટનો ઊકેલ તો છે, અને એ પણ આપણા હાથમાં!

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    આપણી પૃથ્વી પર પીવાલાયક પાણીના જથ્થાનું પ્રમાણ ઘણું ઓછું છે, અને એમાં પણ આપણો દેશ પાણીની તકલીફવાળો દેશ છે. આટલી પ્રાથમિક વિગતો ઊપરાંત એ હકીકત પણ ગયા સપ્તાહે જોઈ કે પાણીના આટલા ઓછા જથ્થા પર શહેરીકરણની વિપરીત અસર થઈ રહી છે. આમ થવાનાં કેટલાંક મુખ્ય કારણો: નૈસર્ગિક રીતે છિદ્રાળુ, પાણી જેમાં ઊતરી જાય એવી જમીનને સ્થાને પાણી ઊતરી ન શકે એવી કોન્‍ક્રિટની સપાટીઓ બની રહી છે. પરિણામસ્વરૂપ પાણી ભરાવાની તેમજ તત્કાળ પૂર આવવાનું જોખમ વધે છે. શહેરી વિસ્તારમાંના પ્રદૂષકો પાણી સાથે ભળે છે. આ ઊપરાંત શહેરીકરણમાં વૃક્ષ તેમજ વનસ્પતિઓનો હટાવવામાં આવે છે, જેને કારણે વનસ્પતિનાં પાંદડામાંથી થતું બાષ્પોત્સર્જન ઘટે છે. વનનાબૂદીને કારણે જમીનનું ધોવાણ થાય છે, જેની સીધી અસર જમીનની જળધારણ ક્ષમતા પર પડે છે. શહેરી વિકાસ યોજનાઓ અંતર્ગત તળાવ તેમજ અન્ય નૈસર્ગિક જળાશયો પુરીને ત્યાં બાંધકામ કરવામાં આવે છે. તળાવ પૂરવામાં ન આવે તો ત્યાં કચરાના ઢગ ઠલવાય છે, અને તે સપાટી પરના તેમજ ભૂગર્ભના જળ પર વિપરીત અસર કરે છે.

    જળજાળવણી નિષ્ણાત અને અર્બન પ્લાનર એવા વિશ્વનાથ શ્રીકાન્‍તૈયાએ બેંગ્લોર શહેરના જળ આયોજન વિશે કેટલીક મહત્ત્વની વાત જણાવી છે. પર્યાવરણ જાળવણી માટેના ત્રણ ‘આર’- રિડ્યુસ,  રિયુઝ અને રિસાયકલ-તેમણે પાણી માટે પણ લાગુ પાડવાનો અનુરોધ કર્યો છે. છે તો આ સાવ સામાન્ય બાબત, પણ તેની પર યોગ્ય ધ્યાન આપવામાં આવે તો જળસંકટને હળવું કરવામાં એ મહત્વની ભૂમિકા ભજવી શકે એમ છે. સૌ પ્રથમ ત્રણ ‘આર’ માટે શાં  પગલાં લેવામાં આવ્યાં એ જાણીએ.

    Rain-Barrel-A-Simple-Rainwater-Harvesting-System
    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    ‘રિડ્યુસ’ એટલે કે ઘટાડવું. પાણીનો ઊપયોગ ઘટાડવા માટે બેંગ્લોરમાં તમામ નિવાસી તેમજ વ્યાપારી સંકુલોમાં નળ પર એરેટર ટેપ તરીકે ઓળખાતો સસ્તો, નાનકડો પૂરજો લગાવવાનું ફરજિયાત કરાવાયું. આનો ફાયદો? નળમાંથી પ્રતિ મિનીટે વહેતો બારથી અઢાર લીટર પાણીનો પ્રવાહ ઘટીને પ્રતિ મિનીટે ત્રણથી છ લીટર થઈ ગયો. આને કારણે અડધાઅડધ પાણીનો વેડફાટ સીધો જ ઘટી ગયો-તેના ઊપયોગમાં કશા સમાધાન વિના!

    ‘રિયુઝ’ એટલે પુનરુપયોગ. મોટા ભાગના ઘરોમાં વપરાશ કર્યા પછી પાણી નકામું વહીને ગટરમાં જતું રહે છે. સાવ જૂજ માત્રામાં હોય એવા આ નૈસર્ગિક સ્રોતનો આ સૌથી મોટો વેડફાટ કહી શકાય. આ પાણીની યોગ્ય ટ્રીટમેન્‍ટ કરવામાં આવે તો તેને ફરી ઊપયોગમાં લઈ શકાય. અલબત્ત, પીવા સિવાયના હેતુઓ માટે. બેંગ્લોરમાં દોઢસોથી વધુ ફ્લેટોમાં સ્યુએજ ટ્રીટમેન્‍ટ પ્લાન્‍ટ થકી ટ્રીટ કરાયેલા પાણીનો ઊપયોગ ફરજિયાત કરવામાં આવ્યો. ટ્રીટ કરેલું પાણી કોઈ પણ શહેર માટે મહત્ત્વની તક બની રહે છે. જેમ કે, ડિશ વોશર, વોશિંગ મશીન અને શાવરમાં ઊપયોગમાં લેવાતા પાણીને ‘ગ્રે વોટર’ કહે છે. જે તે નિવાસી સંકુલમાં આવેલા ટ્રીટમેન્‍ટ પ્લાન્‍ટમાં આ પાણીને ટ્રીટ કરવામાં આવે તો પીવા સિવાયના હેતુ માટે પાણી સુલભ થઈ શકે.

    ‘રિસાયકલ’ એટલે સાવ નકામી થઈ ગયેલી ચીજને ફરી કામમાં લેવી. અનેક ઔદ્યોગિક સંકુલમાં રોજેરોજ પાણીના અઢળક જથ્થાની જરૂર પડે છે. વિવિધ એપાર્ટમેન્‍ટ પોતાને ત્યાં ટ્રીટ કરેલું પાણી ઉદ્યોગોને વેચી શકે એવી પરવાનગી આપવામાં આવી છે. આવું ટ્રીટ કરેલું પાણી નદી, તળાવ, ઝરણાં કે આર્દ્ર ભૂમિમાં છોડવામાં આવે તો તેનું સ્તર વધે, અને ભૂગર્ભજળમાં પણ વધારો થાય. શહેરની બહારના વિસ્તારના ખેડૂતોને પણ ટ્રીટ કરેલું પાણી પૂરું પાડી શકાય, જેથી ખેડૂતોને પાણીની ચિંતા ન રહે અને બેંગ્લોરના રહેવાસીઓની અન્નની સલામતિ પણ સુનિશ્ચિત બને.

    વિશ્વનાથના જણાવ્યા અનુસાર હવે સ્યુએજના નેટવર્કમાં રોકાણ કરવાની જરૂર છે, જેથી ‘ગ્રે વોટર’ના એકે એક ટીપાનો સંગ્રહ કરીને તેને ટ્રીટ કરી શકાય અને ઊપયોગમાં લઈ શકાય. અત્યારના તેમના દાવા અનુસાર બેંગ્લોર હાલ રોજના બસો કરોડ લિટર પ્રતિ દિન પાણીને ટ્રીટ કરતું વિશ્વનું બીજા નંબરનું શહેર છે,  જેના થકી પાંચસો જેટલા ખેડૂતો અને 64 હજાર જેટલા ખેડૂતોને એ પહોંચાડવામાં આવે છે. અગિયાર લાખ હેક્ટર જમીન આને કારણે ખેતીલાયક બની રહી છે, જેને કારણે ખેડૂતોને પાણીની તેમજ હવામાનની નિરાંત થઈ છે, અને શહેરને અન્નનો પૂરતો પુરવઠો મળવાનું સુનિશ્ચિત થઈ શક્યું છે.

    હવે બેંગ્લોરમાં ઊનાળાના મહિનાઓમાં જળાશયોમાં ટ્રીટ કરેલું પાણી પૂરું પાડવામાં આવે છે, જેને કારણે ભૂગર્ભજળનું સ્તર ઊંચું આવે છે. એપાર્ટમેન્ટ તેમજ અન્ય મોટાં કેન્‍દ્રોમાં જળસંચયને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. હવે બગીચાઓમાં તેમજ અન્ય ખુલ્લાં સ્થાનોમાં પાણીને રિચાર્જ કરવા માટેનાં સ્થાન બનાવવાનું આયોજન છે, જેનો ઊપયોગ જળસંચય માટે થશે.

    અલબત્ત, આયોજન અને અમલની સરખામણીએ વસતિવધારો અનેકગણો ઝડપી હોય છે. આથી વખતોવખત જળસંકટ ઊભું થવાની શક્યતા નકારી શકાય એમ નથી. આમ છતાં, આ બાબતે નાગરિકોને જાગ્રત કરવામાં આવે, તેમને આ મુદ્દે કેળવવામાં આવે તો સાચી દિશામાં ભરાયેલું એક યોગ્ય કદમ એ બની રહેશે એમાં શંકા નથી.

    કેવળ બેંગ્લોર જ શા માટે? આ સમસ્યા લગભગ દરેક શહેરોની છે, અને આજે જ્યાં એ નથી ત્યાં કાલે સર્જાવાની જ છે. આ મામલે નાગરિકો જાગૃતિ દાખવે અને તેઓ આગળ આવે એ આદર્શ રસ્તો છે. એ જ રીતે શાસન પણ સુયોગ્ય આયોજન કરીને આગળ વધે તો ધાર્યું કામ કરી શકાય.

    અલબત્ત, આપણી રાષ્ટ્રીય આદત અનુસાર આવાં આયોજનો ભ્રષ્ટાચાર માટે એક નવી બારી ખોલી આપે તો પણ નવાઈ નહીં! પક્ષાપક્ષીથી પર રહીને ખરેખરા વિકાસનું આયોજન આપણા દેશમાં થઈ શકે એ વાત સ્વપ્ન સમી ભાસે છે. છતાં આશા રાખી શકાય કે જીવનમરણનો પ્રશ્ન આવે ત્યારે નાગરિકો એક થઈને એ બાબતે વિચરતા થશે!


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩૧-૦૭– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • સ્વદેશમાં વિશિષ્ટ પ્રયાણ : ૮ : દાર્જિલિન્ગ, મિરિક

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    બસ-સ્ટેશન પરની કોઈ અધીરી બસની ખૂબ જોરથી વાગેલી તીણી, લાંબી વ્હીસલથી હું ચોંકીને જાગી ગઈ. હજી તો પરોઢના માંડ ચાર થયેલા. પડખું ફેરવીને થોડું ફરી સૂઈ ગઈ. એટલાંમાં ઢાળ ઊતરતાં, નજીકમાં આવેલા પોલિસ-સ્ટેશનમાંથી પોલિસોને જગાડવા હશે કે શું, પણ રણશિંગા જેવું સંગીત શરૂ થયું. સવારના સાડા ચાર વાગ્યે. જોકે એનો ધ્વનિ કાનને અપ્રિય ના લાગ્યો. સૂવાનો પ્રયત્ન કરતાં સવા પાંચ વગાડ્યા, ને પછી તો ઊઠી જ ગઈ. આઠેક વાગ્યાની તો બસ હતી, તેથી તૈયાર થવાનું જ હતું.

    ગૅન્ગ્ટૉકની હોટેલની બહાર નીકળી તો થયું, હાશ, બહુ ઠંડી નથી. મારી બૅગ ઉપાડી લેવા એક છોકરો પણ મળી ગયો. સિક્કિમ નૅશનલાઇઝ્ડ ટ્રાન્સ્પૉર્ટની બસ સમયસર ઊપડી, ને ખૂબ ફાસ્ટ ચાલી. કદાચ જોખમી ગતિથી. રાન્ગ્પો થાણું આવતાં દસેક મિનિટ ઊભી રહી. ત્યાં એક્કે ચ્હાનો ગલ્લો નહોતો, પણ દારૂની દુકાનો ખુલી ગયેલી. ફરી સાંભળવું પડ્યું કે અહીં તો આ જ પીવાય છે આખો દિવસ. મેં વિચાર્યું, મારા જ દેશના એક ભાગમાં કેટલી જુદી હતી દિનચર્યા.

    આ સિક્કિમની સરહદ પણ હતી. બસમાંના બે ફિરંગ થાણામાંના ચોપડામાં પોતાનાં નામ નોંધાવી આવ્યા. એક સિક્કિમિઝ ગાર્ડ બસમાં ચઢ્યો, પણ અંદર સુધી ફર્યો નહીં. તિષ્તા ગામ પછી રસ્તો ફંટાયો. બંને ફાંટા જાય છે ઉત્તર બંગાળમાં જ, પણ એક ગયો કાલિમ્પૉન્ગ તરફ, ને બીજો દાર્જિલિન્ગ તરફ. મારે એ તરફ જવાનું હતું. એમ તો હજી તળેટીમાં જઈ ચઢવાને થોડા દિવસ બાકી હતા.

    બપોરે એક વાગ્યે દાર્જિલિન્ગ આવ્યું. એની વિખ્યાત “રમકડાંની ટ્રેન”ના નાનકડા પાટા સાથે થઈ ગયા. હવે એ થોડા જ અંતર માટે જાહેર વાહન તથા સહેલાણીઓની મઝા માટે વપરાય છે. વર્ષોના સંદર્ભને કારણે આ પાટા જોઈને તેમજ દાર્જિલિન્ગ પહોંચીને મનમાં બહુ ખુશી થવા માંડી.  થોડી વારમાં એક હોટેલમાં રૂમ શોધી લીધો, ને પછી તરત ચાલવાનું, અને નાનપણથી જેને વિષે સાંભળેલું તે સ્થાનને જોઈ હરખવાનું.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    કેટલાં સ્તરો છે આ ગામનાં. બીલકુલ ઢોળાવો પર વસ્યું છે એ. ખાસ્સું મોટું છે, અને ઘણું સરસ પણ છે, એવું લાગ્યું. અને ચોતરફ શું દૃશ્યાવલિ. પહાડો જ પહાડો, નીચાં-ઊંચાં શિખરોની પંક્તિઓ, અને વચમાં ઝૂકેલી ખીણો પછી ખીણો. એમ તો ઉત્તર-પૂર્વ ભારતના ભ્રમણમાં બત્રીસ-પાંત્રીસ દિવસથી પર્વતોના પરિસરમાં જ રહી છું, ને તોયે અહીં ગિરિ-સમુહ વધારે સમીપ છે, ને તેથી વધારે આત્મીય લાગે છે. ગામના રસ્તા ચોખ્ખા હતા. વારંવાર સાફ કરાતા રહે છે. ટ્રાફિક પણ વધારે પડતો નહોતો. વચમાં ચૌરાહા કહેવાતો નગર-ચૉક છે. એને ફરતી બેન્ચો, નાની હાટડીઓ, રૅસ્ટૉરાં અને ખુલ્લામાં બનેલાં કાફે. બહુ ગમી ગઈ આ જગ્યા મને.

    ત્યાંથી પ્રાણીગૃહ તરફ જવા માંડી. હતું ઘણે દૂર, પણ રસ્તો બહુ ચઢાઉ નહોતો. એટલે ચાલવું ગમ્યું. વળી, બધું સાફ, તથા શાંત હતું. આહ, આ હતો મારો હિલ-સ્ટેશન વિષેનો ખ્યાલ. ને દાર્જિલિન્ગમાં આવા શાંત પથ મળી ગયા. પ્રાણીગૃહમાં ખાસ જોવા જેવા સાઇબીરિયન ટાઇગર હતા. નજીક હિમાલયન માઉન્ટેનિયરિન્ગ ઇન્સ્ટિટ્યૂટ હતું. એના કમ્પાઉન્ડમાં એવરેસ્ટની ટોચ પર ઊભેલા શેરપા તેન્ઝિન્ગનું મહાકાય શિલ્પ હતું. એમણે ૧૯૫૭ના મે મહિનાની ૨૯મી તારિખે એ ઉચ્ચતમ શિખરને સર કરેલું. ૧૯૮૬માં એ મૃત્યુ પામ્યા પછી આ જ કમ્પાઉન્ડમાં એમની સમાધિ કરવામાં આવી. મને આ શ્રદ્ધેય સ્થાન લાગ્યું.

    બાજુમાં બનેલા એવરેસ્ટ મ્યુઝિયમમાં ઘણું જોવાનું હતું. સર્વોચ્ચ ગિરિ પર ચઢવાનો ઇતિહાસ તથા તવારિખ સાથે અનેક ફોટોગ્રાફ મૂકેલા હતા. સમગ્ર હિમાલયનું- ભારત, નેપાલ, ભુતાન, સિક્કિમ, તિબેટને આવરી લેતું મૉડેલ જોઈને અચરજનો પાર નથી રહેતો. શું વ્યાપ છે આ નગાધિરાજનો. આદર ભાવથી સભર હું હજી એક જાત્રા કરવા ગઈ. સત્યજીત રાયની ફિલ્મ “કાંચનઝંઘા” માં જોયેલા, પહાડો અને કંદરામાં થઈને જતા,  કાંચનદ્ઝૉન્ગા શૃંગનો સાક્શાત્કાર કરાવતા અર્ધ-વર્તુળાકાર પથ પર પહેલી જ સાંજે જવું પડે. મેં પ્રણામ કર્યા સર્જક દિગ્દર્શકને અને સર્જનહારને.

    સાંધ્ય પ્રકાશમાં આકાશમાં સહેજ ગુલાબી અને આછો જાંબલી રંગ પ્રસરી ગયા હતા. જોતજોતાંમાં ધુમ્મસ સરકી આવ્યું -ચારે બાજુથી, અને બધા પર્વતોને આચ્છાદિત કરી લીધા. ટમટમતા આછા, ઝીણા દીવા દેખાવા માંડ્યા ત્યારે વિસ્મય થયું, અરે, ક્યાં ક્યાં બન્યાં છે રસ્તા અને રહેઠાણો.

    ં                 ં                     ં                  ં

    દાર્જિલિન્ગ જનાર દરેક જણ ટાઇગર હિલ પર સૂર્યોદય જોવા તો જાય જ. મારે પણ જવું જ હતું. સવારે ચાર વાગ્યાની જીપ-ટૅક્સી નક્કી કરી. રૂમની બત્તી તે સમયે ઘણી વધારે બ્રાઇટ હતી, ને બહાર રસ્તાઓ પર અંધારું અને ધુમ્મસ હતું. જીપો ભરાય તે જ જોવાનું. પૈસાની વહેંચણી ડ્રાયવરો પછી કરી લેતા હશે, ક્યાંતો બધા પૈસા કોઈ નિરાંતે ઊંઘી રહેલા પૈસાદાર માલિકને મળતા હશે. આ સીઝનમાં પ્રવાસીઓ ઓછા, તેથી ચાર વાગ્યે નીકળી શકાયું. ઉનાળામાં તો સવારે અઢી વાગ્યે જીપો નીકળી પડતી હોય છે. કારણ એ કે છેક ઉપર થોડી જ જીપો માટે જગ્યા છે. બાકીની નીચે ઊભી રહે, ને એ છેલ્લો ઢાળ પ્રવાસીઓએ પગે ચઢવો પડે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    સાઇઠેક જીપ તો એ સવારે પણ થઈ ગઈ હતી. એક સ્થાનિક સ્ત્રી ગરમ કૉફી વેચતી હતી. હોશિયાર છે, મને થયું. લગભગ બધા એક કપ કૉફી ખરીદતા હતા એની પાસેથી. જીપમાંથી ઊતરીને અહીં પહોંચવા ઘણાં પગથિયાં તો ચઢવા જ પડેલાં. આમ તો બહાર ઊભાં રહીને પણ જોવાય, છતાં વધુ ભાગનાં ટિકિટ લઈને ત્યાં બનાવેલા ઓરડામાં જતાં હતાં. ઠંડી ઘણી હતીને. બહાર ઊભી રહેલી એક સ્ત્રી થીજી બેભાન થઈ ગયેલી.

    દરરોજ એ અનિશ્ચિતતા તો રહે જ કે ગાઢ ધુમ્મસનું આવરણ ખસેડીને સૂર્ય બહાર આવી શકશે કે નહીં. મારી એ પ્રભાતે ક્ષણો પસાર થતી ગઈ અને ડાબી બાજુ પર ગિરિવરોના આછા આકારો છતા થવા માંડ્યા. લગભગ ૮,૬૦૦ મિટર ઊંચું કાંચનદ્ઝૉન્ગાનું તીક્ષ્ણ શૃંગ પહેલું દેખાયું. પછી ૮,૪૭૫ મિ. પર માકાલુ, ૮,૫૦૧ મિ. પર લ્હોત્સે વગેરે. ખૂબ ભાગ્ય હોય તો ૮,૮૪૮ મિ. પરનો એવરેસ્ટ પણ દેખાઈ જાય, પણ તે આજે નહીં. સૂર્યનાં પહેલાં કિરણો ઊંચે વસેલા બરફને સોનેરી-ગુલાબી રંગવા માંડેલાં. આખી નગ-પંક્તિ એમ સ્પષ્ટ થતી ગયેલી. આ ડાબી તરફ મારા સિવાય બીજું કોઈ નહતું.

    બધી ભીડ જમણી તરફ હતી, જ્યાંથી સૂર્ય બહાર નીકળવાનો. કોઈએ મને કહ્યું, તમારે સૂર્યોદય નહોતો જોવો? સૂર્ય તો ઊગી ગયો છે. ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે બધાં ટાઇગર હિલ પર સૂર્યોદય જોવા આવે છે. એ હું ભૂલી જ ગયેલી. મેં તો હિમાવરિત શિખરોને નવી, તાજી, પ્રકાશમંડિત ઉપસ્થિતિ તરીકે જોયાં, અને એ પ્રથમ ઉદ્ભવ મને અતિ દુર્લભ ને અસાધારણ લાગેલો.

    પછી દાર્જિલિન્ગના ચૌરાહા ચૉકમાંથી મેં એક ઘોડો ભાડે કર્યો, અને બીજી કેટલીક જગ્યાઓ જોઈ આવી. સૅન્ટ પૉલ હાઇસ્કૂલ તો બહુ જાણીતી. એનું કમ્પાઉન્ડ અને ગાર્ડન વિશાળ પથરાયેલાં હતાં. એનાં મકાન પણ બ્રિટિશ શૈલીનાં, ને વિશિષ્ટ લાગે. પરીક્ષાઓ ચાલતી હતી. પૂરી થતાં છોકરાં આખા દેશનાં પોતાપોતાનાં ઘેર જવાનાં. આગળના રમત-ગમતના મેદાનમાંથી કાંચનદ્ઝૉન્ગા એટલું પાસે લાગતું હતું કે જાણે હાથ લંબાવીને અડકી લેવાય.

    લાલ બંગલા કહેવાતા સરસ મકાનમાં ગોરખા કાઉન્સિલ સેક્રેટરિયેટ હતું. દરવાજે રાઇફલધારી સૈનિકોનો પહેરો. શેરપા તેન્ઝિન્ગનું ઘર નાનું ને સાદું હતું. કદાચ વ્યક્તિ જેવું જ નિરાડંબરી. શાંત એવો આ વિભાગ મને બહુ ગમ્યો. બર્ધવાનના મહારાજાનો મહેલ પણ અહીંથી પૂરેપૂરો દેખાતો હતો. મેં નોંધ્યું હતું કે દાર્જિલિન્ગમાં બધા જ ટૂરિસ્ટ ભાગ સરસ અને સ્વચ્છ છે. ખરેખરા રહેવાસી વિસ્તારો આઘાત પમાડે છે- ગંદા, મેલા, કુડા-કચરા ને ભીડથી ભરેલા, કશીયે સુંદરતા વગરના. પગથિયાં, ગલી, પગથિયાં, ગલી કરતાં કરતાં, હું મુખ્ય બજારમાં પહોંચી ત્યારે દુઃખી દુઃખી થઈ ગયેલી. અરેરે, કેવું જીવન હતું આ લોકોનું.

                    ં                     ં                   ં                          ં

    મિરિક જવાની બસની મુસાફરી સૌથી ખરાબ થઈ. બેઠક સાવ સાંકડી હતી. સામાન ખોળામાં રાખવો પડ્યો. શાલ ઓઢેલી છતાં બહુ ઠંડી લાગતી રહી કારણકે બારી બંધ જ નહોતી થતી. બસ ભરાઇ ગઈ, લોકો ઊભા રહ્યા, હાલવાની યે શક્યતા રહી નહોતી. ચારેક કલાક આમ ગયા. નીચે ઊતરતા રસ્તા પર ચ્હાના બગીચા આવ્યા કર્યા. રસ્તો વળતો ગયો, ઉપર ચઢીને બીજા પર્વત પર ગયો, વળી નીચે આવ્યો. મિરિક ગામ એક તરફ રહ્યું, માર્કેટમાંથી બસ પસાર થઈ ગઈ, ક્રિશના નગર કહેવાતી જગ્યાએ ઊભી રહી. આ નવું જ વસાવેલું, પ્રવાસીઓ માટેનું મિરિક છે. દાર્જિલિન્ગની ભીડ થોડી ઘટાડવા માટે કદાચ. વળી, મિરિક નીચું પણ ઘણું છે. દાર્જિલિન્ગ ૨,૧૩૪ મિ. પર છે, તો મિરિક ૧,૭૦૦ મિ. પર છે.

    આમ સાધારણ છે. સહેલાણીઓ માટે એક સરોવર, એમાં ફુવારો, હોડીની સહેલ, બાજુમાં રૅસ્ટૉરાઁ અને પાર્ટી માટેનો હૉલ, તેમજ રહેવા માટે ફૅન્સી કૉટેજો વગેરે. પણ એ રાતે ગામમાં કદાચ હું એક જ પ્રવાસી હતી. આશરે જ કોઈના કહ્યા પ્રમાણે એક લૉજમાં મને ચોખ્ખો ને સરસ રૂમ મળી ગયો. એક રસ્તો આ જગ્યામાં થઈને જાય છે. સાંજની બસ જતી રહે પછી કોઈ વાહન જતું-આવતું લાગતું નથી. દિવસે ફરવા આવેલાં ઘેર જતાં રહ્યાં હોય છે. ને પછી આ નાનકડું સ્થાન મારે માટે અને મારું થઈને રહે છે. મને બીજા એક કે બે દિવસ અહીં, આ શાંત ખાલીપણામાં ગાળવાનું બહુ જ મન થાય છે, પણ દિલ્હી જવાની ટિકિટથી હું બંધાઈ ગયેલી છું. ફરી ક્યારેક અવાશે અહીં? વાસ્તવિક રીતે જોતાં – કદાચ નહીં.

    છતાં જે ચોવીસ કલાક મિરિકમાં હતા તે આનંદમાં પસાર કર્યા. સરોવર ફરતે ચાલી, હોડી ચલાવી, એક જ રૅસ્ટૉરાઁ હતી ત્યાં બંને વાર ખાધું. ટેકરી પર એક મઠ થયેલો દેખાતો હતો, પણ ત્યાં ના જવાયું. અંધારું થયા પછી તો ત્યાંનાં રહેવાસીઓ પણ ઘરોમાં જતાં રહ્યાં. એકનો એક રસ્તો રિક્ત અને સંતુષ્ટ હતો. આસપાસનાં વન સ્થિર અને શાંતચિત્ત હતાં. ચંદ્ર એમ તો ઘણો મોટો હતો, પણ તારાઓને ચમકવા દઈ રહ્યો હતો. એવી હતી આ જગ્યા જેવી જીવનમાં વારંવાર મળવી જોઇએ, એમ મને થયા કર્યું.

                 ં                 ં                    ં                ં                     ં

    મારા લૉજના માલિક ગોવિંદ રાય નામના નેપાલી સજ્જન હતા. સવારે આવીને એમણે મને કેટલીક નારંગી આપી. કહે, લેવી જ પડશે. એમના ગાર્ડનની હતી. બસ આવી ત્યાં સુધી એ સાથે રહ્યા, ને ખાત્રી કરી કે મને બેસવાની જગ્યા મળે. ત્રણ કલાકે સિલિગુડી આવી લાગ્યું. તરત જ ત્યાંથી બાગડોગરા વિમાન-મથકે જવા રિક્ષા કરી લીધી. દસ કિ.મિ.નો રસ્તો હતો. વિમાન સમયસર ઊપડ્યું, એ પણ નવાઇ ને.

    બસ, આ સાથે ઉત્તર-પૂર્વ ભારતની મારી સફર પૂરી થતી હતી. સરસ રહી, સફળ રહી, વિસ્મયકર અને ઉત્તેજક રહી. બૉમ્બ કે બળવાની શક્યતાથી હું ડરી નહોતી. મારા જ દેશના દૂર દૂરના અનન્ય પ્રદેશોનો પરિચય હું કરી શકી હતી. ક્યાંય સુધી બધું મને યાદ રહેશે, અને ક્યાંય સુધી એ યાદો મને ફરી ત્યાં જવા ખેંચતી રહેશે.


    હવે પછી સુશ્રી પ્રીતિબહેનની કલમે નદીઓ અને જંગલોના દેશ, ગયાના,ની સફરે નીકળી પડીશું


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • આપણું જ આગવું ચોમાસું – ઝરણું ૭

    વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી

    વરસાદની માપણી

    પરેશ ૨. વૈદ્ય

    ઈ રાત્રે બહુ ભારે વરસાદ થયો. મને લાગે છે કે ચારેક સેન્ટીમીટર થયો હશે.” આવી વાતચીત આપણે સાંભળી છે. ભારે વરસાદમાં પાણી પણ ઘણું પડયું હોય તે ય સમજાય છે. પરંતુ ‘અમુક હજાર લિટર પાણી પડયું’ એમ કહેવાને બદલે પાણી માટે સેન્ટીમીટરનો એકમ ક્યાંથી આવ્યો ? એ પાણીની ઊંડાઈનું માપ છે. માનો કે કોઈ અગાસીમાંથી બહાર પડતા બધા ‘ખાળ’ (‘આઉટલેટ’ નળા) બંધ કરી દેવાય તો ચાર સે.મી. વરસાદ પછી અગાસીમાં જે પાણી ભરાય તેની ઊંડાઈ ચાર સે.મી. હશે. પાણીનો જથ્થો (લિટરમાં) તો કેટલા વિસ્તારમાં આટલો વરસાદ પડયો તે પરથી કાઢી શકાય. પરંતુ દરેક સ્થળે સરખો વરસાદ પડે નહીં. એટલે એ માત્રા ચોકસાઈથી નીકળે નહીં. આથી હવામાનશાસ્ત્રીઓ એ વરસાદ માપવા માટે ઊંચાઈનો એકમ સ્વીકાર્યો. પહેલાં તે ઈંચમાં મપાતો, પરંતુ મેટ્રિક પદ્ધતિ અપનાવ્યા બાદ ભારતમાં વરસાદ સે.મી.માં મપાય છે. હવામાનખાતું મિલીમીટરમાં આંકડા આપે છે.

    રેઈનગૅજ :

    વરસાદ માપવા માટે આપણે ઘરગથ્થુ વ્યવસ્થા કરી શકીએ. ઉપરથી નીચે સુધી સમાન વ્યાસવાળો (૧૦૦ થી ૧૫૦ મિલીમીટર નો ) એક નળાકાર ડબ્બો લો અને તેને ચારે તરફથી ખુલ્લી અગાસીમાં વચ્ચે મૂકી દો તો એ થયો સાદો રેઈનગેજ. એને જ્યાં મૂકો ત્યાંથી ૪૫ ના ખૂણે નજર નાખતા બીજું મકાન, અગાસીની પાળ, ઝાડ કે ડીશ જેવા કોઈ અવરોધ ન હોવા જોઈએ. વરસાદ પૂરો થાય એટલે તેમાં કેટલી ઊંચાઈ સુધી પાણી એકઠું થયું તે માપી લો તો તે થયો આજનો વરસાદ. જો નળાકાર કાચ કે પ્લાસ્ટિકનો હોય તો પાણીના સપાટી બહારથી જ દેખાશે. ટીનનો ડબ્બો હોય તો તેમાં પૂઠાની કડક પટ્ટી તળીયાં સુધી નાંખી બહાર કાઢો. જેટલો ભાગ ભીનો થયો હોય તેની લંબાઈ માપો તો તે થયો સે.મી.માં વરસાદ. રોજેરોજ નિયત સમયે (દા.ત. સાંજે પાંચ વાગે) માપો તો વરસાદનો દૈનિક રૅકોર્ડ મળે. પારદર્શક ડબ્બા ઉપર સેન્ટીમીટર દર્શાવતી પટ્ટી વૉટરપ્રૂફ માર્કરથી કાયમી પણ બનાવી શકાય. તો સીધું જ અવલોકન મળે.

    આ સાદી ગોઠવણમાં થોડા સુધારા કરતા જઈએ. પહેલું કે રોજ એકવાર જ માપ લેવું હોય તો બાષ્ણીભવનથી પાણી ઊડી ન જાય તેનો ખ્યાલ રાખવો પડે. તે માટે તેના ઉપર એક ગળણી (કૂપી) મૂકી દો.  આથી વરસાદનું પાણી તો અંદર જશે પરંતુ બાષ્પીભવન બહુ નાનાં કાણામાંથી થાય તેથી નગણ્ય હશે. પરંતુ બહુ ઊંચેથી ગતિમાં આવતાં વરસાદનાં ટીપાં ગળણીની સપાટી પર અથડાય તો અમુક ટીપાં ઉછળીને બહાર પડે. તો વરસાદનો આંક ઓછો આવે. આથી કૂપી એવી જોઈએ જેનો ઉપલો ભાગ નળાકાર હોય. તો ટીપાં પરાવર્તન થઈ પાછાં ડબ્બામાં જ આવે . હવામાન ખાતાના ગૅજ આવી ડિઝાઈનના હોય છે.

    જો ગળણી જ મુકવી હોય તો ડબ્બાને બદલે શીશી પણ લઈ શકાય. શીશીમાં તળીયાનો વ્યાસ અને ગળણીનો વ્યાસ જુદાં હોય તો પણ થોડી ગણતરીથી તેનો ઉકેલ નીકળી શકે. (તે સાથેનાં ચોકઠામાં બતાવ્યું છે) કેટલાક વળી રેઈનગેજનું પાણી આંકા પાડેલ ‘મેઝરીંગ સિલીન્ડર’માં ઠાલવીને માપે છે. આ આપણી ઘરગથ્થુ રીતો થઈ. હવામાન ખાતાના ગેજ ઘણા આધુનિક અને કેટલાક ઓટોમેટિક હોય છે. જેમકે ભારે વરસાદમાં ગેજને વારંવાર ખાલી કરવા કર્મચારીએ જવું પડતું તેને બદલે બકનળીની રચનાથી એ ભરાય ત્યારે ખાલી થઈ જાય છે. અમુક ગેજ ઉપર ચાર્ટ રેકોર્ડર હોય છે જે સમય સાથે વરસાદનો આલેખ દોરતો રહે છે.

     

    લાંબો સેન્ટીમીટર

    જો રેઈનગેજની શીશી ઉપરની ગળણીનો વ્યાસ શીશી કરતાંજુદો હોય તો શીશી ઉપરના આંકા સુધારીને લગાડવા પડે. અહી ચિત્રમાં ગળણીનો વ્યાસ D2 અને શીશીનો વ્યાસ D1 છે.

    D2 મોટો હોય તો વધુ વિસ્તારના કારણે ધાર્યા કરતાં વધારે પાણી શીશીમાં જશે. શીશી ઉપર એક સે.મી. વરસાદની માત્રા (D2/D1)2 એટલા ઘણાં અંતરે આંકવી પડશે.

    ધારો કે શીશીનો વ્યાસ ૧૦ સે.મી. હોય અને ગળણી ૧૫ સે.મી. હોય તો પહેલો સેન્ટીમીટર ૨૨૫/૧૦૦ જેટલાં લાંબા અંતરે દર્શાવવો પડે. એટલે કે .૨૫ સે.મી. દૂર પહેલો આંકો પડશે; એના સુધી પાણી ભરાય તો સે.મી. વરસાદ થયો ગણાય. તે રીતે આગળના આંકાઓ પણ લાંબા હોય.

     વરસાદની તીવ્રતા :

    એક દિવસમાં, એટલે કે કોઈ નિયત ૨૪ કલાકમાં, અમુક સ્થળે કેટલો વરસાદ નોંધાયો તેના પરથી તેની તીવ્રતાનું માપ કરાવાય છે. એ ગાળામાં ૭.૬ મિ.મી.થી ૩૫.૫ મિ.મી. વચ્ચે જો વરસાદ થાય તો તે સામાન્ય ગણાય છે. રેડિયો ઉપર હવામાન અહેવાલમાં જે બીજાં વિશેષણો વપરાય છે તેનો અર્થ આ મુજબ છે.

    હળવો . થી . મિ.મી. વચ્ચે
    સામાન્ય . થી ૩૫. મિ.મી. વચ્ચે
    કંઈક ભારે

    (Rather Heavy)

    ૩૫.૬થી ૬૪. મિ.મી. વચ્ચે
    ભારે ૬૪. થી ૧૨૪. મિ.મી. વચ્ચે
    બહુ ભારે ૧૨૪. થી ૧૪૪. મિ.મી. વચ્ચે
    અતિ ભારે ૧૪૪. મિ.મી. થી વધુ

    થોડાં વર્ષો પહેલાં ૧૦૦ મિ.મી.ને ભારે વરસાદ મનાતો પરંતુ હવે વ્યાખ્યા બદલાઈ છે. બીજા ચોમાસું દેશો હજુ ૧૦૦ મિ.મી. જ માને છે, જો એક કલાકમાં જ આટલો વરસાદ પડી જાય તો તેને ‘વાદળ ફાટવું’ કહે છે તે આપણે જોઈ ગયાં છીએ.

    મેઘાલય રાજ્યમાં સૌથી વધુ અને સૌથી ભારે વરસાદ થાય છે. જગતમાં સૌથી વધુ વરસાદ માટે ચેરાપુંજી પ્રસિદ્ધ છે. પરંતુ છેલ્લા થોડાંક વરસોથી તેનાથી થોડે દૂર, મેઘાલયમાં જ આવેલું મૉવસીનરૅમ નામનું નવું હવામાન કેન્દ્ર ચેરાપુંજીની ગાદીએ બેઠું છે. ત્યાં વાર્ષિક વરસાદ ૧૧૨૫ સે.મી. જેટલો પડે છે.

    વરસાદની માપણી એક અગત્યનું કાર્ય છે અને હવામાન ખાતું તેને ગંભીરતાથી લે છે, દેશમાં હજારો સ્થળે વરસાદ માપવાના સાદા અને આધુનિક ગેજનું જાળું ફેલાયેલું છે. રોજેરોજની માહિતી મુખ્ય મથકોથી કેન્દ્રિય ડેટા બેઈઝમાં પહોંચે છે. તેઓ પાસે છેલ્લાં સવાસો વર્ષનો મહિનાવાર રેકોર્ડ સચવાયેલો છે. તેનો ઉપયોગ ખેતી નિષ્ણાતો, મહેસૂલ અધિકારીઓ અને સંશોધનકર્તાઓ કરે છે. હવામાનમાં ફેરફાર થઈ રહ્યા છે તેનું વિશ્લેષણ પણ આ સંગ્રહિત માહિતીમાંથી કરી શકાય છે. 

    મેઘસમાન જળ નહીં

    એક જૂની કહેવત છેઆપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીંએનો ઉત્તરાર્ધ કેટલો સાચો છે. સાધારણ તીવ્રતાનો વરસાદ અરધો કલાક પડે તો એક સેન્ટીમીટર જેટલો થાય.

    એક ચોરસ કિલોમીટર (x કિ.મી.) વિસ્તાર ઉપર આટલો વરસાદ પડે તો વાદળાંએ એક કરોડ લિટર પાણી ઠાલવ્યું હોય. છે ને અધધધ?


     


    ક્રમશઃ


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સ્મૃતિસંપદા – નટવર ગાંધી : ‘મડલીંગ થ્રુ’–મારી સાવ અણધારી જીવન યાત્રા [૧]

    ‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’ દ્વારા સ્વાનુભવોમાં પ્રતિબિંબિત થતી મૂલ્યોની અસર મનુષ્યને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે તે દર્શાવતા શ્રી નટવર ગાંધી એક વિશ્વવિખ્યાત ગુજરાતી છે. સાવરકુંડલામાં ૧૯૪૦ની સાલમાં જન્મેલા નટવરભાઈ મુંબઈના હાડમારીભર્યા જીવનથી કંટાળીને ૧૯૬૫માં અમેરીકા આવ્યા.

    શ્રી નટવરભાઈના મજબૂત મનોબળ અને આત્મશક્તિનો અમેરીકાના અર્થતંત્ર પર ઘણો મોટો પ્રભાવ પડ્યો છે. એકાઉન્ટંટ તરીકે એમની કારકિર્દી અમેરીકાની રાજધાની વોશિંગટન ડી.સી.માં ઝળગળી ઉઠી હતી. USAના પ્રેસીડેંટ જે ક્લબના સભ્ય છે તે રાજધાનીની મેટ્રોપોલીટન ક્લબના તેઓ પણ સભ્ય છે. આ સભ્યપદ મેળવવા માટેની લાયકાત ઘણી ઊંચી હોવી જરૂરી છે.

    ચીફ ફાયનાન્સીયલ ઓફિસર તરીકે નિવૃતિ થયા પછી પણ વર્લ્ડ બેંકમાં સલાહકાર તરીકે તેઓ સેવાઓ આપતા રહ્યા છે. દુનિયાના અનેક દેશોમાં પ્રવચનો દ્વારા અર્થતંત્રની આંટીઘૂંટીઓ સમજાવી એમણે લોકચાહના મેળવી છે. યુનિવર્સિટી દ્વારા એમની સેવાઓનો લાભ અનેક વિદ્યાર્થીઓને મળ્યો છે. જે કલમથી એમણે આંકડાઓની સમસ્યાઓ ઊકેલી છે એ જ કલમથી કાવ્યો પણ લખ્યા છે. પૃથ્વી છંદમાં એમણે લખેલા સોનેટો પ્રશંસનીય અને પ્રચલિત છે.

    ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો પ્રેમ એમને પન્ના નાયક જેવા મહાન કવિયત્રીના પ્રેમ સુધી લઈ ગયો. એમનું લગ્નજીવન અનેક માટે ઉદાહરણરૂપ બની રહ્યું.

    Email: natgandhi@yahoo.com


    In the final analysis, the question of why bad things happen to good people transmutes itself into some very different questions, no longer asking why something happened, but asking how we will respond, what we intend to do now that it happened.

    Pierre Teilhard de Chardin

    ૨૦૦૭ના નવેમ્બર મહિનાની સાતમી તારીખને હું જિંદગીમાં ક્યારેય ભૂલવાનો નથી. મારા જીવનમાં, મારી કારકિર્દીમાં, એ દિવસે મોટો ધરતીકંપ થયેલો! હું ત્યારે અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનનો સી.એફ.ઓ એટલે કે ચીફ ફાઈનાન્સિઅલ ઑફિસર હતો. એ દિવસે યુ.એસ. એટર્નીની ઑફિસમાં પ્રેસ કૉન્ફરન્સ હતી. વૉશિંગ્ટનના મેયર, એફ.બી.આઈ.ના અને શહેરના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. વૉશિંગ્ટન પોસ્ટના અને બીજાં છાપાંઓ તેમ જ ટીવીના ભરાડી રિપોર્ટરોથી ખીચોખીચ આખો હોલ ભરાઈ ગયો હતો. એ બધા અમારા આવવાની રાહ જોતા “માણસ ગંધાય માણસ ખાઉં” એમ કરતા અધીરા થઈને બેઠા હતા.

    મારા હાથ નીચે જે ટૅક્સ ઑફિસ ચાલતી હતી એમાં પચાસ મીલિયન ડોલરનું કૌભાંડ થયું હતું. સી.એફ.ઓ. થયો એ પહેલાં ત્રણ વરસ હું વૉશિંગ્ટનનો ટૅક્સ કમિશનર હતો. જો કે આ કૌભાંડ લગભગ વીસેક વરસથી ચાલતું હતું. પણ મુદ્દાની વાત એ હતી કે જ્યારે ચોરી પકડાઈ ત્યારે હું સી.એફ.ઓ હતો, અને એ ચોરી કરનારા ટૅક્સ ઑફિસરો મારા હાથ નીચે કામ કરતા હતા. એમના ગેરવર્તનની જવાબદારી મારી.

    મેં જ્યારે ટૅક્સ ઑફિસનું કામ હાથમાં લીધું ત્યારે એના કોઈ ઢંગધડા ન હતાં, બધું અસ્તવ્યસ્ત હતું, વૉશિંગ્ટનના લોકો એની ગેરવ્યવસ્થા અને અરાજકતાથી થાકી ગયા હતા. વર્ષોથી રીઢા થઈને બેસી ગયેલા કામચોર કર્મચારીઓનો કોઈ હિસાબ લેતું નહોતું. બોડી બામણીના ખેતર જેવી દશામાં ચાલતી એ ટૅક્સ ઑફિસમાં પ્રમાણમાં લાંચ રુશ્વત ઘણી હતી. ઑફિસમાં પ્રામાણિકતા, નૈતિક ખંત અને ખાનદાનીની આબોહવા (કલ્ચર) ઓછાં.

    આવી રેઢિયાળ ઑફિસનાં સૂત્રો મેં હાથમાં લીધાં. એમાં સુધારાવધારા કર્યા, એનું તંત્ર વ્યવસ્થિત કર્યું, અને નવી કમ્પ્યૂટર સિસ્ટમ પણ દાખલ કરી. પછી લોકો કરવેરા ભરવા માંડ્યા. સરકારી સિલક વધવા માંડી. વૉલ સ્ટ્રીટમાં જ્યાં અમે દર વર્ષે બીલિયન ડોલરથી પણ વધુ બોન્ડ વેચવા જતા હતા, અને જ્યાં અમારી આબરૂના કાંકરા થયા હતા, ત્યાં હવે અમારી પ્રતિષ્ઠા વધવા લાગી. ધીમે ધીમે વૉશિંગ્ટનનું નાણાં ખાતું ઠેકાણે પડવા લાગ્યું.

    આ પ્રગતિ જરૂર થઈ, પણ કેટલાક જૂના ખાઉધરા કર્મચારીઓએ નવી સિસ્ટમને દગો દીધો. એમણે વીસેક વરસથી ચાલતી એમની ચોરીની સ્કીમ કોઈ ઉપરી અધિકારીને ખબર ન પડે તેમ ચાલુ રાખી! આ સ્કીમ એવી કુશળતાથી ચાલતી હતી કે કોઈને ગંધ પણ ના આવી. છેવટે એફ.બી.આઈ.ના માણસો અને અમારા ઇન્ટર્નલ ઑડિટરોએ આ સ્કીમને પકડી પાડી. એ આખું કૌભાંડ બહાર આવ્યું. ટૅક્સ ઑફિસના એક વખતના ડાયરેક્ટર અને અત્યારના સી.એફ.ઓ. તરીકે એને માટે હું જવાબદાર ગણાયો!

    આ પ્રેસ કૉન્ફરન્સમાં વૉશિંગ્ટનના રિપોર્ટરો મેયરને એક પછી એક એમ આકરા પ્રશ્નોથી પજવવા લાગ્યા. કહેતા હતા કે જુઓ તમારા હાથ નીચે કેવું મોટું કૌભાંડ થયું! એ વખતે હું મેયરની બાજુમાં જ પણ પાછળ ઊભો હતો. ત્યાંથી તુરત આગળ આવીને મેં કહ્યું કે આ બાબતમાં બધી જ જવાબદારી મારી છે. એમાં જે બદનામી થવી જોઈએ તે મારી થવી જોઈએ, મેયરની નહીં. જે કંઈ સવાલ પૂછવા હોય એ મને પૂછો. પછી તો એ પ્રેસ કૉન્ફરન્સનું ટારગેટ હું બની ગયો. બધા મારી ઉપર તૂટી પડ્યા. હવે ટીવી કેમેરાઓએ મારી પર મીટ માંડી. આંખને આંજી દેતી કેમેરાની એ લાઈટ્સ, હાથમાં રેકોર્ડિંગ મશીન લઈને ધક્કામુક્કી કરતા અનેક રિપોર્ટરો, ટોકિંગ પોઈન્ટ્સ અને નોટ્સ લઈને તમને તૈયાર કરતો સ્ટાફ–ક્લાસિક વૉશિંગ્ટન પ્રેસ કૉન્ફરન્સમાં જે બધું હોય તે અહીં હતું.

    વૉશિંગ્ટનના મહત્ત્વાકાંક્ષી માણસોની જેમ મને પણ ઊંડે ઊંડે એવી ઇચ્છા હતી કે મારે માટે પ્રેસ કોન્ફરસ ભરાય, જેમાં મારી કોઈ મોટી નિમણૂક થઈ હોય અને હું આત્મવિશ્વાસથી સવાલજવાબ કરું. પણ આ કૉન્ફરન્સનો આશય સાવ જુદો હતો. આમાં તો હું જ હોળીનું નાળિયેર બન્યો અને મારો જ હુરિયો બોલાયો. આ બધું જોતાં મને એમ પણ થયું કે હવે વૉશિંગ્ટનમાં આપણા દિવસો ભરાઈ ગયા છે. અહીંની ફૅડરલ બ્યુરોક્રસીમાં અથવા પ્રાઈવેટ સેક્ટરમાં હજુ વધુ અગત્યની નોકરીઓ લેવાના મારા જે મનોરથ હતાં તે બધાં આ કોન્ફરસ પછી રોળાઈ ગયાં. હવે મારી જે નામોશી થવાની છે તે કારણે મને બીજે ક્યાંય નોકરી મળવાની પણ અશક્ય થઈ જશે.

    વિધિની વિચિત્રતા તો જુઓ કે એ જ દિવસે સાંજે મને ગવર્નીંગ મૅગેઝિન તરફથી રાષ્ટ્રીય કક્ષાનો ‘પબ્લિક ઑફિશિયલ ઓફ ધી ઈયર’નો મોટો અવોર્ડ અપાવાનો હતો. વૉશિંગ્ટનની પ્રખ્યાત વિલર્ડ હોટેલમાં યોજાયેલા એક ભવ્ય સમારંભમાં મારું સન્માન થવાનું હતું.1 મારી કારકિર્દીનું આ એક ઊંચું શિખર હતું. સમારંભ યોજાયો. મને અવોર્ડ અપાયો. ખૂબ વખાણ થયાં, પણ મને ખબર હતી કે બીજે જ દિવસે સવારે આ બધું રોળાઈ જવાનું છે. છાપામાં પહેલે પાને ટૅક્સ કૌભાંડના ખરાબ સમાચાર સિવાય બીજું કંઈ નહિ હોય, અને એવું જ થયું.

    હું છાપે અને છાપરે ચડ્યો

    બીજે દિવસે અને પછી મહિનાઓ સુધી વૉશિંગ્ટન પોસ્ટ અને બીજાં છાપાંઓમાં મારા ફોટા સાથે એ કૌભાંડના સમાચારો પહેલે પાને પ્રગટ થયા. 2કહેવામાં આવ્યું કે વૉશિંગ્ટનના ઇતિહાસમાં ક્યારેય પણ આવું મોટું કૌભાંડ થયું નથી. ત્યાર પછી તો મહિનાઓ સુધી મારી ઉપર કંઈક માછલાં ધોવાયાં. અમેરિકામાં છાપાંવાળા જ્યારે કોઈની પણ પાછળ પડે ત્યારે એનાં છોતરાં જડમૂળથી કાઢી નાખે. ભલભલાને જોતજોતાંમાં ભોંય ભેગા કરી દે!

    વૉશિંગ્ટન પોસ્ટમાં તંત્રીલેખો સાથે મારું કાર્ટૂન પણ છપાયું!3 આવા બધા બદનામીના સમાચારો મહિનાઓ સુધી છાપાંઓમાં અને ટીવીમાં આવ્યા કર્યા. એ પ્રકરણના સંદર્ભમાં સિટી કાઉન્સિલ, બોર્ડ ઑફ ટ્રેડ, ચેમ્બર ઑફ કૉમર્સ, કમ્યુનિટી એસોશિઅન્સ, વૉલ સ્ટ્રીટ, કૉંગ્રેસ એમ અનેક જગ્યાએ મારે જુબાની આપવી પડી. આકરા સવાલોના જવાબ આપવા પડ્યા. આ કૌભાંડ કેમ થયું અને એને માટે કોણ કોણ જવાબદાર છે, તે બાબતની વ્યવસ્થિત તપાસ કરવા સિટી કાઉન્સિલે વૉશિંગ્ટનની એક મોટી લો ફર્મને જવાબદારી સોંપી.

    અજાયબીની વાત તો એ છે કે આવડું મોટું કૌભાંડ થયા પછી પણ બીજાં સાત વરસ હું સી.એફ.ઓ. તરીકે ટકી રહ્યો! કૌભાંડ થયા પછી મારી ટર્મ પૂરી થયે બે વાર ફરી મારી નિમણૂંક થઈ. આમ હું ૨૦૧૩ સુધી હું સીએફઓ રહ્યો! ૨૦૧૩માં મેં જાતે જ રાજીનામું ન આપ્યું હોત તો બીજાં ચાર વરસ હજી હું એ હોદ્દા પર રહી શક્યો હોત. રાજીનામું આપ્યા પછી પણ મારે મેયરના કહેવાથી વધુ એક આખું વરસ એ જ હોદ્દા પર કામ કરવું પડેલું.

    જો કે એ ૨૦૦૭ના નવેમ્બરના એ દિવસોમાં તો “ગાંધીને આ અગત્યના હોદ્દા ઉપરથી હમણાં ને હમણાં ખસેડો,” એવું ઘણે ઠેકાણેથી કહેવાયું હતું. એ દિવસોમાં વૉશિંગ્ટન બિઝનેસ જર્નલમાં ઓપિનિયન પોલ પણ લેવાયો કે ગાંધીએ સીએફઓ તરીકે રાજીનામું આપવું જોઈએ કે નહીં? જેમાં ૫૮% બિઝનેસ કમ્યુનિટીના લોકોએ કહ્યું કે હા, તેને રીઝાઇન કરવું જોઈએ, જ્યારે ૪૨% લોકોએ કહ્યું કે ના, ડિસ્ટ્રીકને હજી ગાંધીની જરૂર છે.  મેં પોતે જ મેયરને કહ્યું કે હું આ કૌભાંડની જવાબદારી સ્વીકારું છું અને રાજીનામું આપવા તૈયાર છું. પણ મેયરે મારું રાજીનામું ન સ્વીકાર્યું. મને કહ્યું કે ટૅક્સ ઑફિસને સુધારવા માટે, એ ઑફિસની બ્યુરોક્રસીની સાફસૂફી કરવા માટે અમારે હજી તમારી જરૂર છે!

    જે લો ફર્મને આ બધું તપાસ કરવાનું કામ સોપાયું હતું એનું પણ એમ જ કહેવું હતું કે ગાંધીની ઑફિસમાં એની નીચે હાથ કરતા માણસોએ આ ચોરી કરી છે, ગાંધીએ નહીં. આ સ્કૅન્ડલના મૂળમાં ટૅક્સ ઑફિસના કર્મચારીઓની બેદરકારી અને નૈતિક અંધતા છે. અગત્યના કૉંગ્રેસમેનો, બિઝનેસ સમુદાય, મજૂર મહાજન, મેયર પોતે, સિટી કાઉન્સિલ–એમ બધાનું માનવું એવું હતું કે ગાંધીએ ટૅક્સ ઑફિસને સુધારવામાં બહુ પ્રયત્નો કર્યા છે. એ જો સી.એફ.ઓ. તરીકે હજી રહે તો સુધારાનું કામ આગળ વધી શકે. વૉશિંગ્ટનને નાણાંકીય રીતે સદ્ધર બનાવવું હોય તો ગાંધીની હજી જરૂર છે. એમના સિવાય કોઈ વિકલ્પ અમને દેખાતો નથી. વધુમાં વૉલ સ્ટ્રીટમાં, ખાસ કરીને રેટિંગ એજન્સીઓમાં, એમ કહેવાયું કે આ સ્કૅન્ડલથી ડિસ્ટ્રીકના ક્રેડિટ રેટિંગ ઉપર કોઈ અસર નહીં આવે.

    વૉશિંગ્ટનની અર્થવ્યવસ્થા

    એક શહેર તરીકે વૉશિંગ્ટનની હયાતી જ જુદી છે. એ અમેરિકાની રાજધાની તો ખરી જ. પણ સાથોસાથ એ અમેરિકાનાં મોટાં શહેરોમાંનું એક ગણાય. એને અમેરિકાના ફૅડરલ રાજ્યતંત્રથી જુદું રાખવામાં આવ્યું છે. એ રાજ્ય નહિ, પણ ‘ડિસ્ટ્રીક ઑફ કોલમ્બિયા, વૉશિંગ્ટન, ડી.સી.’ તરીકે ઓળખાવાય છે. એની અર્થવ્યવસ્થા અમેરિકાનાં પચાસ રાજ્યો કરતાં જુદી છે. વાયોમીંગ અને વર્મોન્ટ જેવાં કેટલાંક રાજ્યો કરતાં એની સાતેક લાખની વસતી વધારે અને એનું એ વખતનું લગભગ તેર બીલિયન ડોલરનું વાર્ષિક બજેટ અમેરિકાનાં કેટલાંક રાજ્યોનાં બજેટ કરતાં પણ મોટું, અને છતાં ડિસ્ટ્રીક રાજ્ય ન ગણાય, અને એના નાગરિકોને કૉંગ્રેસમાં પ્રતિનિધિત્વ ન મળે!

    વૉશિંગ્ટનના રાજકારણ અને એની આર્થિક વ્યવસ્થાની જવાબદારી ફૅડરલ ગવર્નમેન્ટે, મુખ્યત્વે અહીંની કૉંગ્રેસે, એટલે કે અમેરિકાની ધારાસભાએ પોતાના હાથમાં રાખી છે. અમેરિકાના સ્વાતંત્ર્યસંગ્રામ સમયે ‘ટૅક્સેશન વિધાઉટ રિપ્રેઝન્ટેશન’ (પ્રતિનિધિત્વ વગરના કરવેરા)નું સૂત્ર લઈને અમેરિકનો ઇંગ્લૅન્ડના રાજા સામે લડ્યા હતા. તે જ અમેરિકાની રાજધાનીના લોકોને આજે પણ એ મતાધિકાર નથી. જો કે આ નાગરિકોએ અહીંનો ટૅક્સ જરૂર આપવો પડે. એટલું જ નહિ, પણ ડિસ્ટ્રીકના નાગરિકો બીજાં બાવીસ રાજ્યો કરતાં વધુ ઇન્કમટૅક્સ ભરે!

    રાજધાનીના નાગરિકોનું કહેવું છે કે અમે ફૅડરલ કરવેરા બરાબર ભરીએ છીએ, અમારા જુવાનો દેશની લડાઈઓમાં ફના થાય છે, બધા જ ફૅડરલ કાયદાઓ અમને લાગુ પડે છે, છતાં અમને મતાધિકાર નહિ? એ ન્યાય ક્યાંનો? આ બાબતનો ઊહાપોહ વારંવાર થાય છે. પણ એનું કાંઈ વળતું નથી. વૉશિંગ્ટનની વસતી ૧૯૬૦ના દાયકામાં સિત્તેર ટકા કાળી, શ્યામવર્ણી આફ્રિકન અમેરિકન હતી. તેથી રંગભેદ રાખવામાં આવે છે એવો દાવો કરવામાં આવ્યો. આ ચળવળને કારણે કૉંગ્રેસે છેવટે વૉશિંગ્ટનના નાગરિકોને પ્રમુખની ચૂંટણી માટેનો મર્યાદિત મતાધિકાર આપ્યો, અને સાથે સાથે સ્થાનિક રાજકારણ માટે હોમરૂલની વ્યવસ્થા કરી આપી. લોકો મેયર અને કાઉન્સિલની ચૂંટણી કરી શકે, પણ એમને કૉંગ્રેસમાં પ્રતિનિધિત્વ તો ન જ મળ્યું.

    મુખ્યત્વે ગોરા લોકોની બહુમતિવાળી કૉંગ્રેસના નેતાઓ એમ માને કે જો વૉશિંગ્ટનને ડિસ્ટ્રીકને બદલે રાજ્ય ગણવામાં આવે અને એના નાગરિકોને પૂર્ણ મતાધિકાર મળે, તો એક રાજ્ય તરીકે અમેરિકાની સેનેટમાં બે સેનેટરો ઉમેરાય. અત્યારે સેનેટમાં એકેક રાજ્યના બે સેનેટરો ગણીને ૧૦૦ની સંખ્યા છે. ઘણા અગત્યના કાયદાઓ એકાદ બે મતને આધારે પસાર થાય છે. ડિસ્ટ્રીકના બે સેનેટરો કાળા, આફ્રિકન અમેરિકન હશે, અને બન્ને ડેમોક્રેટ હશે, એવા ભયે રીપબ્લીકન પાર્ટીના આગેવાનોનું એમ માનવું કે અત્યારે સેનેટનું જે પાવર બૅલેન્સ જળવાયું છે, તે ડેમોક્રેટ પક્ષ તરફ ઢળશે. સ્વાભાવિક રીતે જ રીપબ્લીકન પાર્ટીના નેતાઓને આ વાત ન પોસાય.

    વધુમાં દરેક રાજ્યને બે સેનેટરો મોકલવાની વ્યવસ્થા એ નાનાં (વર્મોન્ટ જેવા) ને મોટાં (કેલિફોર્નિયા જેવા) રાજ્યો વચ્ચે બૅલેન્સ જાળવવા માટે યોજાઈ છે. આજે વૉશિંગ્ટનને રાજ્ય બનાવો અને કાલે એના જેવા જ ડિસ્ટ્રીક પોર્ટોરિકો પણ પોતાનું રાજ્ય માગે, તો પછી ક્યાં અટકવું? આ કારણે પચાસ રાજ્યો અને સો સેનેટરોમાં વધારો કરવામાં જબરી આનાકાની થાય છે. વધુમાં આજુબાજુનાં મેરીલેન્ડ અને વર્જીનિયા જેવાં રાજ્યોમાં વસતા (મુખ્યત્વે ગોરા) માણસો લાખોની સંખ્યામાં દરરોજ વૉશિંગ્ટનમાં ફૅડરલ ગવર્ન્મેન્ટ અને અન્ય ઠેકાણે નોકરીધંધો કરવા આવે છે, તે બધા ઉપર એક રાજ્ય તરીકે વૉશિંગ્ટન નવા કરવેરા લાદી શકે. એ જોખમ શા માટે ખેડવું?

    વૉશિંગ્ટનને હંમેશ કૉંગ્રેસના અંકુશ નીચે રાખવું હોય તો એ એક રાજ્ય નહીં, પણ ડિસ્ટ્રીક રહે એવી વ્યવસ્થા એમેરિકાના બંધારણમાં કરવામાં આવી છે. ડિસ્ટ્રીકના નાગરિકોને કોઈ બીજા રાજ્યના નાગરિકોની જેમ મતાધિકાર અને હક્કો આપવા હોય તો બંધારણમાં સુધારાવધારા કરવા પડે, જે અહીં ખૂબ મુશ્કેલ છે. એટલે અત્યારે તો વૉશિંગ્ટનના નાગરિકોએ આ અન્યાય નીચી મૂંડીએ સહન કરવા સિવાય બીજો કોઈ છૂટકો નથી.

    માત્ર વૉશિંગ્ટનને રાજ્ય બનાવવાની બાબતમાં જ નહીં, પણ અમેરિકાની ઘણી બધી બાબતોમાં મૂળ તો આ ગોરા-કાળાનો રંગભેદ રહેલો છે. આ રંગભેદનું વિકરાળ સ્વરૂપ દેશના આંતર વિગ્રહ (સિવિલ વોર) માં ૧૮૬૦ના દાયકામાં પ્રગટ થયું હતું. છેલ્લાં બસો વરસમાં કાળા ગોરાના નાનાંમોટાં છમકલાં, હુલ્લડો અને ખૂનામરકી થતાં રહે છે. જે અમેરિકનો દુનિયા આખીની પચરંગી પ્રજાને પોતાનામાં સમાવી શક્યા છે, તે કોને ખબર પણ કેમ એના કાળા નાગરિકોને સમાવી શક્યા નથી. સમાજશાસ્ત્રીઓ માટે આ એક મોટો કોયડો છે.


    ક્રમશઃ

  • પીડિતાને દોષિત ઠેરવતી પિતૃસત્તાત્મક માનસિકતા

    નિસબત

    ચંદુ મહેરિયા

    સુરતના કોંચિંગ ક્લાસમાં અધ્યાપન કાર્ય કરતી પાટીદાર યુવતી પર નીલ દેસાઈ નામનો સગીર તેની સાથે સંબંધ રાખવા બળજબરી કરતો હતો. તેની સતત હેરાનગતિ અને ધાકધમકીથી કંટાળીને યુવતીએ આત્મહત્યા કરી. આત્મહત્યા માટેની દુષ્પ્રેરણાના આરોપસર સગીરની અટકાયત પછી,  ‘સંદેશ’ ના ખબરપત્રીના અહેવાલ પ્રમાણે કથિત આરોપી સગીરના કુટુંબીજનો અને જ્ઞાતિજનોએ યુવતીના મેસેજિસ સોશિયલ મીડિયામાં વાઈરલ કરી તેને દોષિત ઠેરવવાનો પ્રયાસ કર્યો છે.

    પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા તબીબ પર બળાત્કાર અને હત્યાના બનાવને હજુ તો વરસ પણ થયું નથી અને કોલકાતાની કાયદાની કોલેજમાં ચોવીસ વર્ષિય કોલેજ છાત્રા પર કોલેજ પરિસરમાં જ સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો છે. બળાત્કારીઓ  પૈકીનો એક રાજ્યના સત્તાપક્ષ તૃણમૂલ કોંગ્રેસનો સક્રિય કાર્યકર છે. ઘટનાના રાજકીય પ્રત્યાઘાત પડ્યા તો તૃણમૂલ વિધાયક મદન મિત્રાએ કહ્યું કે જો યુવતી ઘટનાસ્થળે ગઈ જ ના હોત , જતાં પહેલાં કોઈને વાત કરી હોત કે  કોઈ બહેનપણીને સાથે લઈ ગઈ હોત તો બળાત્કારની ઘટના જ ન બની હોત. પક્ષના વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનરજીએ એથી પણ આગળ વધીને એમ કહ્યું કે શું દરેક સ્થળે પોલીસ પહેરો હોઈ શકે? બળાત્કારનો ભોગ બનેલી યુવતી પર દોષનો ટોપલો ઢોળી દેવાનું આ તે કેવું વલણ?

    ઓડિશાના બાલાસોરની ફકીર મોહન અધ્યાપન કોલેજની બી. એડની વિધ્યાર્થિની સાથે કોલેજના પ્રોફેસર સમીર રંજન સાહુ જાતીય સતામણી કરતા હતા. છાત્રાએ તેની ફરિયાદ કોલેજના આચાર્યને કરી પણ તેની ફરિયાદ તરફ દુર્લક્ષ સેવવામાં આવ્યું. ઉત્પીડનના આરોપી અધ્યાપક સામે પગલાં લેવા છાત્રાએ  ધરણાંનો માર્ગ અખત્યાર કર્યો. એ વેળા પ્રોફેસરને નિર્દોષ દર્શાવી ફરિયાદી છાત્રાને કોલેજમાંથી સસ્પેન્ડ કરવાની માંગણી તેના ૭૧ સહછાત્રોએ કરી. લાંબા સંઘર્ષ છતાં  ન્યાયની કોઈ આશા ન જણાતાં યુવતીએ કોલેજમાં જ આત્મદાહ કર્યો અને સારવાર પછી તેનું અવસાન થયું. આ ઘટનામાં પણ કોલેજ અને સહપાઠીઓનું વલણ પીડિતાનો જ દોષ  જોવાનું રહ્યું હતું.

    ગરીબ, આદિવાસી, દલિત, કાળા અને મહિલા જેવા પીડિતોને દોષી ગણવાનું વલણ જાણે કે સહજ અને સાર્વત્રિક છે. જો તમે ગરીબ છો તો તમને કામચોર, આળસુ, વ્યસની ગણીને તમારી આર્થિક હાલતનું કારણ સંસાધનોની અસમાન વહેંચણી છે તે ભૂલવી દઈને તમને જ જવાબદાર ગણવામાં આવે છે. રંગભેદ, જ્ઞાતિભેદ , લિંગભેદ જેવા અનેક ભેદભાવનો શિકાર બનેલા લોકોને સામાજિક પૂર્વગ્રહો તથા સાંસ્કૃતિક માપદંડોના આધારે બ્લેઈમ કરી તેમણે કંઈક એવું કર્યું છે કે જે તેમણે ભોગવવું પડે છે એવું ઠસાવવામાં આવે છે. કાળાઓ પ્રત્યેના ધોળિયાઓના અન્યાય અને રંગભેદ છતાં તેમને જ દોષિત ગણવા સંદર્ભે  અમેરિકી મનોવૈજ્ઞાનિક અને માનવ અધિકાર કર્મશીલ વિલિયમ રયાને( જન્મ-૧૯૨૩, અવસાન-૨૦૦૨) ૧૯૭૧માં લખેલ પુસ્તક ” BLAMING THE  VICTIM’ માં આ પ્રકારના કૃત્યને કોઈ માનસિકતા કે વલણને બદલે વિચારધારા ગણાવી છે. પીડિતોને  દોષિત ઠેરવવા તે ફાસીવાદી ચરિત્રનું સૌથી ભયાવહ સ્વરૂપ છે.

    આ સૌમાં મહિલા પીડિતને દોષિત ગણી લેવાનો ચાલ તો રોજેરોજનો છે. યૌન અને ઘરેલુ હિંસા, શારીરિક છેડછાડથી બળાત્કાર જેવી હિંસાનો ભોગ બનેલી પીડિતાઓને તેમની સાથે થયેલા ખરાબ વર્તન કે બળાત્કાર માટે એ પોતે જ દોષિત હોય તેવું વર્તન અને વ્યવહાર કરવામાં આવે છે. મહિલાઓ સાથે હિંસા આચરતા પુરુષો તો જાણે દેવના દીકરા હોય તેમ ‘લડકે હૈ કભી કભી ભૂલ હો જાતી હૈ’  કહીને તેમને છાવરવામાં આવે છે કે તેમનો બચાવ કરવામાં આવે છે. જ્યારે મહિલાઓને માથે એ તો છે જ એવી, આવા અડધા ઉઘાડાં દેખાવાય એવાં કપડાં તે પહેરાતા હશે ? પણ એ અડધી રાતે ગઈ જ શું કામ ? એવા  સવાલો, આરોપ, દોષથી માંડીને એજ લાગની છે સુધીના જજમેન્ટ અપાય છે. પીડિતાને દોષિત ઠેરવવી તે આપણી જડબેસલાક પિતૃસત્તાત્મક માનસિકતાને કારણે છે. જે કુટુંબ, સમાજ,રાજકારણ,મીડિયા અને અદાલતો એમ  ઠેરઠેર જોવા મળે છે.

    વિનયભંગની પીડિતાને અવિશ્વસનીય ગણવી, તેના પર આચરાયેલ જુલમને હળવાશથી લેવો  એ તો ખરું જ પણ આવા બનાવ પછી પોલીસ સ્ટેશન, હોસ્પિટલ અને કોર્ટામાં ટ્રાયલ દરમિયાન તેને બળાત્કાર કે જાતીય સતામણી કરતાં ય  વધુ મોટો આઘાત સહેવો પડે છે. બળાત્કારની તપાસ માટે પ્રતિબંધિત ટુ ફિંગર પરીક્ષણ, પોલીસ ફરિયાદમાં વિલંબ કે નહીં નોંધવાનું વલણ અને ટ્રાયલ દરમિયાન વકીલોના આક્ષેપો અને અંગત સવાલોથી જાણે કે તેના પર બીજો બળાત્કાર થાય છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    જ્યાં ન્યાયની આશા લઈને પીડિતા જાય છે ત્યાં પણ તેને ઘણીવાર અન્યાય થાય છે. ૨૦૨૦માં કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ કૃષ્ણ દીક્ષિતે બળાત્કારના આરોપીને મુક્ત કરતાં બળાત્કાર પછી સર્વાઈવર સૂઈ ગઈ હતી તે બાબતને ગંભીર ગણી હતી અને તેને પરંપરાગત ભારતીય મહિલાના વલણ કરતાં જૂદું ગણાવી ફરિયાદને ખોટી માની હતી. તહેલકાના તરુણ તેજપાલ સામેની  ફરિયાદ  અંગે ગોવા હાઈકોર્ટે ઘટનાના આગલા દિવસની તસવીરોમાં  પીડિતાના ચહેરા પર કોઈ પરેશાની જણાતી નથી અને તે ખુશ જણાય છે ,  તે બનાવ પછી ગોવામાં રોકાઈ હતી અને આખા કાર્યક્રમમાં હાજર રહી હતી તે બાબતને પણ ધ્યાનમાં રાખી ફરિયાદને અવિશ્વસનીય  ગણાવી તેજપાલને આરોપ મુક્ત કર્યા હતા. ૧૯૯૫માં રાજસ્થાનના ભંવરી દેવી બળાત્કાર કાંડના ચુકાદામાં પણ અદાલતે કથિત નિમ્ન જ્ઞાતિની મહિલા પર કથિત ઉચ્ચ જ્ઞાતિના પુરુષો કે કાકા-ભત્રીજા  સાથે કે વિવિધ વયજૂથના પુરુષો એક સાથે બળાત્કાર કરે તેને અસ્વીકાર્ય બાબત ગણી હતી. આ ઉદાહરણો દર્શાવે છે કે પીડિતાઓ પ્રત્યેનું અદાલતોનું વલણ ક્યારેક ખાપ પંચાયતો જેવું હોય છે.

    મહિલાઓને વસ્તુ નહીં પણ વ્યક્તિ માનવાની માનસિકતા હજુ કેળવાઈ નથી. મધ્યપ્રદેશના એક બળાત્કાર કેસમાં જ્યારે સર્વોચ્ચ અદાલતે સ્ત્રીના શરીરને મંદિર જેવું ગણાવ્યું ત્યારે પણ તેમની માનસિકતા મહિલાને દેવી ગણાવાની , તેના શરીરને પવિત્ર ગણવાની હતી. જાતીય શોષણનો ભોગ બનેલી મહિલાને કલંકિત ગણી તેનો ત્યાગ કરવો, અલગ પાડી દેવી, હડધૂત કરવી જેવી બાબતો સમાજમાં સહજ છે તેના મૂળમાં સ્ત્રીના શરીરને મંદિર કે પવિત્ર માનવાનું વલણ છે.

    શારીરિક અત્યાચારોનો ભોગ બનેલી સ્ત્રીએ થાકીને સૂઈ જવાનું નથી પણ  રડવાનું છે , ગભરાવાનું છે , બૂમો પાડવાની છે, ન્યાયની ભીખ માંગવાની છે – જેવા માપદંડો સમાજે તેના પર થોપ્યા છે. જ્યારે મહિલા તેના કરતાં જૂદું વલણ અપનાવે છે ત્યારે તેને દોષિત ગણવામાં આવે છે. હવે આ વલણ બદલવાનું છે. મહિલાનું શરીર મંદિર કે પવિત્ર નથી. બળાત્કારથી તે કલંકિત થઈ જતી નથી. તેણે જાતીય અત્યાચાર પછી દુ:ખી, બાપડી, બિચારી થવાનું નથી.પરંતુ સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક પૂર્વગ્રહોનો સામનો કરવાનો છે. તો જ પીડિતાને દોષી માનતી માનસિકતામાં પરિવર્તન આવશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • કાવ્યસંગ્રહઃ મૌનનું આકાશઃ એક અવલોકન

    મૌનનું આકાશઃ કાવ્યસંગ્રહઃ શ્રી ગૌરાંગ દિવેટીઆ

    અવલોકનઃ દેવિકા ધ્રુવ

    અમદાવાદથી ઊડાન ભરીને શિકાગો થઈને એક પુસ્તક મારા આંગણે આવ્યું. કવિતાનું પુસ્તક હોઇ, ત્વરિત ગતિએ એક વિહંગાવલોકન કરી લીધું એ વાતને ત્રણ -ચાર મહિના વીતી ગયા. હમણાં ફુરસદની પળોમાં ખુલ્લા આકાશ નીચે બેસી, શ્રી ગૌરાંગ દિવેટીઆ લિખિત ‘મૌનનું આકાશ’ શાંતિથી વાંચ્યું, માણ્યું અને જાગેલા પ્રતિભાવ લખવાનું મન થયું.

     શ્રી ગૌરાંગભાઈની ઓળખાણ ઘણાં વર્ષો જૂની, પારિવારિક સંબંધ પણ ખરો પરંતુ વધુ પરિચય કવિતાની કેડી પર. ક્યારેક અમે સાથે કવિતાપાઠ પણ કરેલ છે. એ રીતે સાહિત્યિક વડીલમિત્ર તરીકે ઉલ્લેખું તો જરાયે ખોટું નથી જ..

    આકાશી ભૂરા રંગના મુખપૃષ્ઠ પર વાદળીઓના આકારમાં ગોઠવાયેલું શિર્ષક સાંકેતિક અને સોહામણું લાગ્યું. આકાશ મૌન જ છે; પણ આ પુસ્તકમાં વર્ષો સુધીનું, કદાચ આખા આયખાનું મૌન રહેલ સંવેદન આકાશની જેમ પથરાયું છે અને તે પણ નિવેદનમાં જણાવ્યું છે તે રીતે  ખરા અર્થમાં સહજપણે સર્જાયેલું છે.

    પ્રકૃતિના તત્ત્વોથી માંડીને ભીતર ભરેલા ખાલીપાની અહીં  અભિવ્યક્તિ છે. ૧૦૫ પાનાંમાં સમાયેલી આ રચનાઓમાં ગઝલો, મુક્તકો,અછાંદસ ઉપરાંત ૬૪ ગીતો છે. શિર્ષકમાં થયેલ ઈશારા મુજબ, આકાશ હેઠળ રહેલ મૌન કુદરત અને ભીતરમાં ભરેલ મૌન-બંને યથોચિત અહીં ઝીલાયાં છે. કવિની કલ્પનામાં સ્વાભાવિકપણે જ આવી જતાં વરસાદ,ફૂલ,પંખી, ટહુકા,પાણી,દરિયો,માછલી અને મૃગજળ પણ છે. અહીં અચરજ,અટકળ,અણસારા, વિરહ અને મૂંઝારા પણ વર્તાય છે તો સાથે સાથે કૃષ્ણપ્રેમ અને અનહદનું સંગીત પણ સંભળાય છે.

    શ્રી ગૌરાંગભાઈની અછાંદસ કવિતાઓમાં તેમના હૃદયસ્થ કવિનું સ્મરણ છે,બાળપણની લખોટીઓનો પારદર્શક રણકો છે, વિખૂટો પડેલ થપ્પો છે, ચંચળ દડો છે અને કવિતામાંથી મળતો અનહદનો આનંદ પણ છલકાયો છે.

    એમની ગઝલોમાં મોટેભાગે શૂન્યતા,એકલતા, ખાલીપા અને ‘હુ’ને શોધવાની મથામણ ઊંડે સુધી સ્પર્શાઈ છે. ગઝલના માપદંડોને બાજુએ મૂકીને ગમી ગયેલી ‘તે પછીની વાત છે’ અને ‘શબ્દ થઈ ગયો છું’- આ બંનેના ભાવો કાબિલેદાદ છે.

    મુક્તકોની વાત કરીએ તો એક મુક્તકમાં એ લખે છે કે,

    સાગરનું રહસ્ય શોધવા નદી સુધી ગયા,

    સમયનું રહસ્ય શોધવા સદી સુધી ગયા,
    હોવાનું આ રહસ્ય કોણ ઉકેલે,
    ‘છે’નું રહસ્ય શોધવા ‘નથી’ સુધી ગયા.

    ‘વાહ’ પોકારી જ જવાય.

    આ સંગ્રહનું સૌથી મોટું જમા પાસું છે ગીતોનું. બે ચાર નહિ પણ ઘણાં ગીતો ખૂબ ગમી ગયાં. લયબદ્ધતા તો ખરી જ પણ એથીય વિશેષ એની વિવિધતાને કારણે પણ એને ટાંકવાનું ગમે જ.

    શરૂઆતનાં પાનાઓમાં આવતી ‘અનુભૂતિ’ કવિતામાં હિન્દી-ગુજરાતી બંને ભાષાઓમાં ભળી ગયેલ અદ્વૈતભાવ, એના ‘અનહદ મહીં સમાયો’ની જેમ અતિ સહજપણે ભળી ગયો છે. એની ગૂંથણી પણ મને ખૂબ મૌલિક અનુભવાઈ. તે પછી ‘આજ મને ફૂટ્યું છે વરસાદી ગીત’ સાદ્યંત સુંદર અને મનોહર બન્યું છે. પંચમહાભૂતનાં તત્વોને એક અનોખી રીતે ’પંચસત્ત્વ’માં વર્ણવ્યાં છે એ પણ કવિકર્મની કાબેલિયત જ કહી શકાય.

    આગળના પાનાં નં. ૨૬માં

    ‘તડકાઓ તોડીને જોયું તો લાગ્યું,
    કે સૂરજ જેવું તો કશું છે જ નહિ’…
    થંભેલી ક્ષણોમાં જઈ બેઠા તો લાગ્યું,
    કે ખરવું – ખીલવું કશું છે જ નહિ!
    કેટલી બધી અને કેવી ઊંચેરી સમજણ અને સ્થિતપ્રજ્ઞતા! એ જ વાત  વળી એક બીજા ગીત ‘અપરંપાર’માં પણ કરી છે કે,

    ‘કશું અંદર નથી કે કશું બહાર’.

    ઝલમલતા ભીતરના ઝાંખા અજવાસમાં,
    સઘળું જાણે અપરંપાર.’

    કેટલાંક ગીતોમાં નજરને પણ આ કવિ એક અલગ નજરે જુએ છે. એ કહે છે કે,

    ‘નજરોની ડમરીમાં ઝંખવાતી આંખોમાં અજવાળું કેમ કરી આંજવું?’

    અને ક્યાંક નજર માટે લખે છે કે,

    ‘બદલાતાં દૄશ્યોથી થાકેલી નજરોને થાવા દેવી છે હવે બંધ’.

    ‘માછલી’ના ગીતમાં મૃગજળનો ભાવ સરસ ઝીલાયો છે, ‘અમે’ ગીતમાં ઘેરો આંતરસંઘર્ષ વ્યક્ત થયો છે,’પરમ’ કવિતામાં પરમમાં ભળવાનો મીઠો ગુંજારવ સંભળાય છે, એ પછીના કેટલાંક ગીતોમાં ભીતર ભરચક ભરચકનો આનંદ પણ વર્તાય છે. ‘સગપણ,માણસ છૈ, મસ્તી અમસ્તી, રૂપ-અરૂપ’ વગેરે ગીતો મઝાના બન્યાં છે. ક્યાંક વિરોધાભાસ અલંકાર પણ ઉચિત રીતે પ્રયોજાયો છે.

    ૬૩ નંબરના ગીતમાં,

    ‘માણસ થઈને એક જ નાટક કેટકેટલું ભજવ્યાજી,
    છેવટે એ વેશ ઓઢીને પોક મૂકીને રોયાજી.

    અહીં એક સનાતન સત્ય ખૂબ ખૂબીપૂર્વક ઉપસ્યું છે!

    કવિને મન ‘સાધો’ શબ્દ ખૂબ પ્રિય હોય તેમ લાગે છે. તો કેટલાંક ગીતોમાં તેમના માનીતા

    કવિઓની અસર પણ જાણેઅજાણે ડોકાય છે. દા.ત. સૂરપાંચમના મેળા, ગીત અમે ગોત્યું ગોત્યું ને તોયે ના જડ્યું,અમે ગીત પરમનાં ગાશું, તું જ તારો દીવડો વગેરે. અલબત્ત, સહજ રીતે, જરા અલગ રીતે…બીજી એક વાત ધ્યાનમાં એ આવી કે લગભગ દસથી અગિયાર ગીતોને શિર્ષક નથી મળ્યાં. તેથી આ અવલોકનમાં પાનાં નંબરથી નોંધ્યાં છે.

    સમાપનમાં કહું તો, મને ‘સગપણ, શ્વાસ-સેતુ, તડકાઓ તોડીને, દરિયો અને એક નવું આકાશ મારી ભીતરે પથરાય-‘ સૌથી વિશેષ આસ્વાદ્ય અને કાવ્યત્ત્વની ઊંચાઈને આંબતા લાગ્યાં. ‘મૌનનું આકાશ’માંનાં ઘણાં ગીતો સમર્થ સંગીતકારો દ્વારા સ્વરબદ્ધ થયાં છે એ જ મોટી સિદ્ધિ છે.  ગૌરાંગભાઈએ ‘નિજાનંદ માટે લખ્યાં’ એમ કહે છે, પણ કાવ્યજગતમાં એમનાં ગીતો નોંધાશે અને પોંખાશે જ એવી શ્રદ્ધા છે.

    કવિને ખૂબ અભિનંદન અને તેમનો જ એક શેર ‘હું તો બસ લખ્યા જ કરીશ, ભૂંસાય ત્યાં સુધી’ની મનોકામના ફળે એવી શુભેચ્છા.

    અસ્તુ.