-
બેક ટુ બેઝિક્સ
મંજૂષા
વીનેશ અંતાણી

પ્રથમ નજરે અઘરું છે, પરંતુ કરવા જેવું છે. બધી રીતે ખૂબ આગળ નીકળી ગયા પછી, નવી નવી ટેક્નોલોજીમાં ફસાયા પછી, પતિ-પત્નીને નજીવી બાબતો માટે ઝઘડા કરવાની આદત પડી જાય પછી, સંતાનોને કુમળી વયે યોગ્ય સંસ્કાર આપવાનું ચૂકી ગયા પછી, વૃદ્ધ માતા-પિતાને એકલાં રહેવા મજબૂર કર્યા પછી, સફળતાના ખોખલા ખ્યાલોમાં લપસી પડ્યા પછી, અનિયમિત અને બિનજવાબદાર એરલાઇન્સના વિમાનમાં બેઠા પછી, ટ્રેનની મુસાફરીમાં ભળતા સ્ટેશન પર ઊતરી ગયા પછી, વરસતા વસાદમાં રેઇન કોટ કે છત્રી લીધા વગર ઘરની બહાર નીકળ્યા પછી… જીવનનુ કોઈ ક્ષેત્ર બાકી નથી, જ્યાં વગર વિચારે ખોટે માર્ગે ચઢી ગયા પછી સહેલાઈથી બહાર નીકળી બેક ટુ બેઝિક્સ – મૂળ પરિસ્થિતિમાં – પાછા અઘરું છે.
‘બેક ટુ બેઝિક્સ’ એટલે મૂળભૂત અને સાદામાં સાદો અભિગમ ફરી અપનાવવો, પાયાનાં મૂલ્યોને ફરી અનુસરવાં. આપણે કારણ વિના પરિસ્થિતિને ગૂંચવી નાખીએ છીએ. આ બાબત શિક્ષણ, બિઝનેસ, અંગત સંબંધો અને જીવનશૈલી જેવી ઘણી બાબતોને સ્પર્શે છે. હવે ટી.વી. કે સેલ ફોન વિના એક ઘડી પણ ચાલતું નથી. સોશિયલ મીડિયાને અનુસર્યા વિના રહી શકાતું નથી. બિનજરૂરી અભિપ્રાયો આપવાનું વ્યસન થઈ ગયું છે. નિર્ભેળ પ્રેમ કરવાનું ચૂકી ગયાં છીએ. સારાં પુસ્તકો વાંચવાની આદત ભૂતકાળ બની ગઈ છે. વડીલોની ઉપેક્ષા કરવી અને હાલતાં ને ચાલતાં કોઈ વ્યક્તિને અપમાનિત કરવી, ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને પૂર્વગ્રહો પ્રેરતી વિચારધારાને અનુસરવું.
આજે આપણે ઘણી ખોટી બાબતોથી જીવનનો સાચો અર્થ ગુમાવી બેસવાની ચરમસીમા પર પહોંચી ગયા છીએ, એક વાર પરસ્થિતિ કે સંજોગોને સંકુલ બનાવી દીધા પછી એનાં ગૂંચળાંમાંથી બહાર નીકળવું અશક્ય નહીં તો મુશ્કેલ તો બની જ જાય છે. એક કંપનીના અધિકારીઓએ એમની કંપનીની કાર્ક્ષમતા વધારવાના શુભ ઇરાદાથી ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની બહુ મોટી વિદેશી કંપનીનું મોંઘુંદાટ સોક્ટવેર ખરીદ્યું. એ સોફ્ટવેરને પોતાની કંપનીને અનુકૂળ બનાવવા માટે સ્વાભાવિક રીતે ઘણા ફેરફાર કરવાની જરૂર લાગી. કોમ્પ્યૂટરના નિષ્ણાત લોકોને એ કામ માટે રોક્યા. બધા ઉત્સાહભેર કામ કરવા લાગ્યા, પરંતુ એમનો ઉત્સાહ મર્યાદા બની ગયો. એમણે મૂળ સોફ્ટવેરમાં ઉચિત ફેરફારો કરવાની જગ્યાએ એને વધારે કોમ્પલેક્ષ બનાવતા ગયા. એ રીતે બનાવેલા નવા સોફ્ટવેરથી કંપનીની કામ કરવાની મૂળભૂત પદ્ધતિમાં ગૂંચવાડા ઊભા થયા, બધું કર્મચારીઓની સમજની બહાર રહી ગયું અને ગોટાળા થવા લાગ્યા. છેવટે કંપનીના માલિકોએ ‘બેક ટુ બેઝિક્સ’ની નીતિ અપનાવી, પરંતુ બધું એટલું ગૂચવાઈ ગયું હતું કે મૂળ પદ્ધતિ સુધી પહોંચે તે પહેલાં કંપનીએ ઘણી ખોટ ભોગવવી પડી હતી.
કશુંક જુદું કરવાની ધગશનો અર્થ સરળ કામને સુંકુલ બનાવવા જેવો થતો નથી. અમેરિકા જેવા દેશોની ચમકદમકથી આકર્ષાઈ વિદેશ જઈ વસેલા ઘણા લોકો મૂળ તરફ પાછા ફરવાનો વિચાર કરવા લાગ્યા છે. નામ બદલાવીને આ ઉદાહરણ. શેખર અને શાલિની યુ. એસ.માં ઉચ્ચ પોઝિશન પર કામ કરતાં હતાં. દસ વર્ષ પહેલાં લગ્નસંબંધથી જોડાયાં હતાં. આલીશાન ઘર, કાર અને અદ્યતન ઉપકરણોથી સજ્જ જીવનશૈલી. બધું હતું છતાં એક તકલીફ હતી. એમને જીવવા માટે સમય મળતો નહોતો, આખો દિવસ ચાલતું કામ મોડી રાત સુધી લંબાતું. પતિ-પત્ની હોવું અને પ્રેમ એટલે શું એ વાત જ ભૂલી બંને એકમેક માટે યંત્રમાનવ જેવાં બની ગયાં હતાં. દામ્પત્યજીવનમાં તિરાડો પડવા લાગી હતી, સફળ કારકિર્દીનાં સપનાં સાકાર કરવા તેઓ સંતાન પેદા કરવાનો વિચાર ઠેલતાં રહ્યાં હતાં. એવી સ્થિતિમાં શેખરની દાદીના એંસીમા જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવા તેઓ ભારત આવ્યાં. દાદા-દાદી જીવનભર ગામડામાં રહ્યાં હતાં. બંને વચ્ચે સમજભર્યો પ્રેમ આ ઉંમરે પણ સચવાઈ રહ્યો હતો. એમની વિશાળ વાડી હતી. ગામડાનું શાંત જીવન, દાદાદાદીના સંબંધોની ગરિમા અને સાદાઈ જોઈને શેખર-શાલિની આશ્ચર્યમાં ડૂબી ગયાં. કશાયની ઉતાવળ નહોતી, કશાય પાછળ ભાગવાનું નહોતું, કોઈ સ્ટ્રેસ નહોતો. થોડા દિવસ દાદાદાદી સાથે રહ્યા પછી શેખર-શાલિનીને એમના તણાવપૂર્ણ જીવનની નિરર્થકતા વિશે નવેસરથી વિચારવાની તક મળી. એમણે અમેરિકાની જોબ અને વૈભવ છોડી દાદાદાદી સાથે ગામડામાં રહેવાનો નિર્ણય કર્યો. એમના જીવનમાં ફરી કોમળતા આવી, શાંતિ મળી અને એમને જીવનનો સાચો અર્થ સમજાયો. હવે તેઓ ગામડામાં રહી ખેતીકામમાં રસ લે છે, સામાજિક સેવાનાં કાર્યો કરે છે અને ઘેર બેસીને કમ્પ્યૂટર પર નવા સોફ્ટવેર બનાવી બજારમાં વેચે છે. તેઓ બંને દાદા-દાદીની જેમ જીવવાનો આનંદ માણવા લાગ્યાં છે.
આપણે અગાઉ આવાં નહોતાં. આપણી આગલી પેઢીઓની જીવનશૈલી આજની સરખામણીમાં સરળ અને સાદીસીધી હતી. તે સમયે સાંજે ઘેર પાછા ફરવા માટે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ જવું પડતું નહોતું. એ લોકો પત્રો લખતા, કુશળ સમાચારનું આદાનપ્રદાન કરતા, મિત્રોને નિરાંતે મળતા, ખુલ્લા મેદાનમાં દેશી રમતો રમતા, સાથે બેસી ગીતો ગાતાં, હસતાં, રમતાં અને ધબ્બા મારતાં. ઉત્સવોમાં હૈયાનો ઉમંગ હતો, લગ્નપ્રસંગોમાં લાખો-કરોડોનો ધુમાડો થતો નહોતો. દુકાનોમાં જાતે જઈ ચીજવસ્તુઓની પસંદગી કરતાં. કપડાં સિવડાવવા દરજી ઘેર બેસાડતાં. સંતાનોને વાર્તા કહેતાં. પરિવાર સાથે બેસીને જમતાં. કોઈનું દુ:ખ જોઈ દુ:ખી થતાં. શુભપ્રસંગે વ્હોટ્સએપ પર મેસજ મૂકી દેતાં નહોતાં, રૂબરૂ આનંદ વ્યક્ત કરતાં હતાં. અડધી અડધી અડાળી ચા પીવાનો મહિમા હતો.
એ સમય સંપૂર્ણ નહોતો તો અત્યાર જેવો ગૂંચવાયેલો પણ નહોતો. દરેક પેઢીનાં પોતાનાં ‘બેઝિક્સ’ હોય છે અને તે એમણે પણ ગુમાવ્યાં હોય છે. એમને પણ ક્યારેક જીવન ખોખલું લાગવા માંડ્યું હશે અને એમણે પણ મૂળ જીવનની મૂળ સ્થિતિમાં પાછા ફરવાના પ્રયત્નો કર્યા હશે. કેટલાક સફળ થયા હશે, કેટલાકે જીવનની આંટીઘૂંટીમાં અટવાયેલા રહી જીવી લીધું હશે. એ લોકોએ પણ ક્યારેક વિચાર્યું હશે – અમે આ રીતે જીવવા માગતાં નહોતાં.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
-
વ્યક્તિગત કટોકટીને રાષ્ટ્રીય કટોકટીમાં ખપાવાઈ?
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
હજુ ચિત્તમાં પચાસી આસપાસનો દોર જારી છે, પણ આજે ૧૯૭૫થીયે છ વરસ પાછળ ૧૯૬૯માં જવા ચાહું છું. જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રી ગયા પછી ‘ગુંગી ગુડિયા’ ઈંદિરા ગાંધી વડાંપ્રધાન બન્યાં હતાં અને ૧૯૬૭ની લોકસભાની ચૂંટણી કોંગ્રેસ હાંફતે હાંફતે જીતી હતી. એમની ખરેખરની ને ખરાખરીની પારી ૧૯૬૯માં શરૂ થઈ જ્યારે એમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પક્ષના સત્તાવાર ઉમેદવાર સંજીવ રેડ્ડીને બદલે તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ગિરિને ‘અંતરાત્માને ધોરણે’ ટેકો આપવાની બાજી ખેલી હતી. (સદા સન્નધ્ધ આચાર્ય કૃપાલાણીએ ત્યારે માર્મિક ટિપ્પણી કરી હતી કે આપણે ક્યાં વાલિયા જેવા મોટા લૂંટારા છીએ કે અંતરાત્મા જાગે અને વાલ્મીકિ બનીએ? આપણે તો સાવ સાધારણ ચોટ્ટા છીએ- આપણે ‘અંતરાત્મા’ કેવો ને વાત કેવી!)
૧૯૬૯ના જુલાઈમાં જ ઈંદિરાજીએ બાકી કોંગ્રેસ શ્રેષ્ઠીઓની સહમતિની પરવા કર્યા વગર ૧૪ બેંકોના રાષ્ટ્રીયકરણની જાહેરાત કરી હતી. ૧૯૬૯થી શરૂ થયેલો આ ઘટનાક્રમ પછીનાં બેચાર વરસમાં જ જયપ્રકાશને એમનાં દેખીતાં બિયાબાં વરસોમાંથી સહસા રાજકીય-રાષ્ટ્રીય કેન્દ્રમાં લઈ આવવાનો હતો. ઈતિહાસમાં પાછે પગલે જઈએ તો છેક ૧૯૫૩માં જવાહરલાલે (એમની એકચક્રી આણના સંજોગોમાં) જાહેર વસવસો પ્રગટ કીધો હતો કે સ્વરાજનિર્માણના આજના તબક્કે આંબેડકર, કૃપાલાની, જેપી વગેરે અમે સાથે ન હોઈએ એ કેવું કહેવાય. એટલેથી જ નહીં અટકતા એમણે સમાજવાદી સાથીઓને સરકાર સાથે સંકળાવા ઈજન દીધું હતું. ત્યારના દિવસોમાં જવાહરલાલ પછી તરત જ યુવાનોમાં જેમની સ્વીકૃતિ અને રાજકારણમાં પ્રતિભા લેખાતી હોય એવા અલબત્ત જયપ્રકાશ હતા. કંઈક પરિભાષિત- કંઈક અપરિભાષિત રૂપે જવાહરલાલ એમને પોતાના અનુગામી રૂપે જુએ છે એવીયે આમ છાપ હતી. દાયકા બાદ ૧૯૬૪માંયે નેહરુના નિધન પછી લાલ બહાદુર શાસ્ત્રીએ સૂચવેલું પહેલું નામ જયપ્રકાશનું હતું.
જરા લાંબે પને આ વાત ચાલે છે, પણ વેળાસર કહી દઉં કે જયપ્રકાશ વ્યક્તિગત સત્તાના અર્થમાં જોડાવા આતુર નહોતા. પરંતુ સમતાલક્ષી કાર્યક્રમને ધોરણે સહમતિ બને તે દૃષ્ટિએ એમણે આપેલી વળતી નોંધમાં બેંક રાષ્ટ્રીયકરણ સહિતના સમાજવાદી મુદ્દા હતા. તે વખતે વાત આગળ ન વધી પણ ૧૯૫૩માં આવેલો રાષ્ટ્રીયકરણનો મુદ્દો ૧૯૬૯માં જરા જુદી રીતે ફેર ઊછળ્યો અને કોંગ્રેસના ભાગલાથી માંડી કટોકટી અને નવા રાજકીય ધ્રુવીકરણ સહિતની એક આખી ઈતિહાસ પ્રક્રિયાને એણે મરોડ આપ્યો. આ મરોડમાં ભ્રષ્ટાચાર અને એકાધિકારના સપાટાએ જયપ્રકાશને વળી ચિત્રમાં આણ્યા.
વારુ, વચલી વાતો કુદાવી કટોકટીની જાહેરાત પછીની સંસદીય ચર્ચા પર આવી જાઉં? ઉમાશંકર જન્મજયંતી સંભારીને અગાઉ મેં એમના રાજ્યસભાના સંબોધનને યાદ કર્યું જ છે. હવે, અહીં છેક ૧૯૫૩થી દેશનાં પ્રગતિશીલ પરિબળો જે માંગ ઊઠાવી રહ્યા હતાં એ બેંક રાષ્ટ્રીયકરણનું ઉદાહરણ લઈને લોકસભામાં કટોકટીકાળે થયેલ એક વક્તવ્યની થોડીક ઝલક: ‘૧૯૬૯માં જે વિભાજન થયું તે હકીકતમાં કોઈ કાર્યક્રમને લઈને નહોતું થયું, વ્યક્તિઓને લઈને થયું હતું. આમ છતાં મારા જેવા એ આશામાં ભળ્યા કે હવે આ લોકો કાર્યક્રમ પર અમલ કરવાને બંધાયેલા રહેશે. જુલાઈ ’૬૯માં બેંગ્લોર અધિવેશનમાં બેંકોના રાષ્ટ્રીયકરણ માટેના મારા ઠરાવને બહુમતીનો ટેકો હતો. આમ છતાં જેણે મને એ ઠરાવ પાસ કરવા પર બહુ જોર ન દેવા સમજાવેલું તે જ ઈંદિરા ગાંધીએ ત્યાર બાદ એક અઠવાડિયામાં વટહુકમ બહાર પાડી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી નાંખ્યું! આમાં કોઈ સિદ્ધાંતો માટેનો પ્રેમ વહ્યો જતો હતો એમ નહોતું, પરંતુ એમના પોતાના પદ પર ખતરો ઊભો થયો હતો. ભૂતપૂર્વ રાજવીઓનાં સાલિયાણાં ઠરાવેલી મુદતમાં બંધ કરવાના ઠરાવની તરફેણમાં અમે મતદાન કર્યું ત્યારે એમનો વિરોધ હતો તે હું પોતે જાણું છું.’
આ બધું સંભારી મોહન ધારિયાએ ઉમેર્યું હતું: ‘૧૯૬૯ હો કે ૧૯૭૫, મારે દુ:ખપૂર્વક કહેવું પડે છે કે જ્યારે જ્યારે પ્રધાનમંત્રીના પોતાના પદ પર આફત ઊતરી છે ત્યારે જ આકરાં પ્રગતિશીલ પગલાં ભરવાનું એમને સૂઝ્યું છે. વ્યક્તિગત કટોકટીને રાષ્ટ્રીય કટોકટી તરીકે ખપાવવામાં આવી છે.’ તેજતર્રાર કોંગ્રેસ સાંસદ શશી થરુરે હમણાં કટોકટીની પચાસ વરસી નિમિત્તે લખતાં પોતાના પક્ષ અને તત્કાલીન નેતૃત્વ વિશે ખૂલીને વાત કરી છે. નવજીવન સારુ લાલાયિત કોંગ્રેસને એ આત્મમંથન સારુ ચોક્કસ ઉપયોગી થઈ પડે એમ છે.
જોકે, આ લખનાર કોંગ્રેસ-ભાજપ સહિત સહુનું ધ્યાન લેખના ઉપસંહારમાં થરુરે તારવેલ બોધપાઠ તરફ ખેંચવા આતુર છે: એમાં પણ, ભાજપ અને એના ચાહકોને જાતતપાસ સારુ એથી કિંમતી મદદ મળી રહેશે. થરુરે કહ્યું છે કે આપણી અત્યારની રાજકીય આબોહવામાં એ દિવસોનો એક મોટો બોધપાઠ એ છે કે સંસદીય બહુમતી ધરાવતી મગરુર કારોબારી સત્તા લોકશાહી વાસ્તે ખાસી જોખમી પુરવાર થઈ શકે છે. એમાં પણ પોતે કદાપિ ભૂલ કરી શકે જ નહીં એવા તોરમાં ને તોરમાં લોકશાહી પ્રથા માંહેલાં અંકુશ ને સમતુલાની કશી તમા વગર ચાલવાનું એનું વલણ હોય તો તો પૂછવું જ શું.
નોંધ્યું તમે? ‘આપણી અત્યારની રાજકીય આબોહવામાં…’
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૩૦ – ૦૭– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
જંગનું એલાન
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
સૂબેદાર રાજીન્દર સિંહનું જે દિવસે પેન્શન નિશ્ચિત થયું ત્યારે એમની જિંદગીનો સૌથી મોટો આધાર ગુમાવી બેઠા હોય એમ એ અત્યંત પરેશાન હતા.
અનેક જંગ, અચૂક નિશાન, અડધા ડઝનથી વધુ ચંદ્રકો મેળવી ચૂકેલા રાજીન્દર સિંહના સિપાહીઓની કદમતાલ મિલાવતી પરેડ જોઈને તો સૌ અચબિંત થઈ જતા. જાણે માનવસંચાલિત રોબોટ જોઈ લો.
રાજીન્દર સિંહે યુવાની પગ મૂક્યો જ ને પહેલું યુદ્ધ લઢ્યા. ત્યારબાદ ઈરાક, આરબ દેશ, જર્મની, ફ્રાંસના યુદ્ધ વખતે બહાદુરીના અનેક મેડલ મેળવ્યા. છેલ્લા યુદ્ધમાંથી પાછા આવ્યા ત્યારે એમની સેવાઓના ઈનામરૂપે જમીન આપવામાં આપીને કહેવામાં આવ્યું કે, હવે એ ઈચ્છે તો ગામ જઈને ખેતી કરી શકે છે અથવા ત્રણ મહિનાની રજાઓ પછી સરહદ પર તહેનાત રેજિમેન્ટમાં ફરજ પર જોડાઈ શકે છે.
રાજીન્દર સિંહને કહેવાનું મન થયું કે કુલવંત કૌર જેવી ગજબનાક છોકરી સાથે લગ્ન કરીને ફોજમાં જવાનો વિચાર સુદ્ધાં નહીં આવે, પણ એણે માત્ર સ્મિત ફરકાવ્યું.
છ વર્ષે ગામ પહોંચ્યો. મિત્રો, સંબંધીઓ મળવા આવ્યા. પણ, જેની રાહ જોતો હતો એ કુલવંત ન આવી.
“મા, કુલવંત ન આવી? એને હું આવવાનો છું એની જાણ તો છે ને?”
મા શું કહે?
કુલવંતના લગ્ન નજીકના ગામના ઠેકેદાર બખ્તાવર સિંહ સાથે થઈ ગયા હતા ને એક બાળકની મા બની ચૂકી હતી. રાજીન્દરને સરહદ પર આ વાતની જાણ થાય એની શું હાલત થાય એ વિચારીને એને સમાચાર આપવામાં નહોતાં આવ્યાં.
અંતે છેલ્લાં ત્રણ વર્ષથી માબાપે જે વાતની જાણકારીથી દૂર રાખ્યો હતો એ વાત માએ એને કહેવી જ પડી.
રાજીન્દર સ્તબ્ધ બની ગયો. એને એવું લાગ્યું કે, લગ્નની શરણાઈઓ સાંભળવાની વર્ષોથી એ રાહ જોતો હતો એ સૂર એનાથી દૂર થઈ રહ્યા છે. એના બદલે યુદ્ધનાં બ્યુગલનો, શહેર પર થતી બોંબવર્ષાનો કાન ફાડી નાખે એવો શોર સંભળાવવા માંડ્યો.
“બસ, બે દિવસની રજા મળી હતી. કાલે અમારી રેજિમેન્ટ સરહદ પર જવા રવાના થવાની છે.” કહીને બીજી સવારે રાજીન્દર સરહદ પર જવા ચાલી નીકળ્યો. માબાપ આઘાતથી જોતાં રહ્યાં
રાજીન્દરે આજ સુધી જીવલેણ લડાઈ કરીને છાવણીઓ સર કરી હતી. દરેક વખતે એ આબાદ બચી ગયો હતો. હવે એ દિલથી ઈચ્છતો હતો કે, કોઈ એક ગોળી કુલવંતની યાદોથી ઘેરાયેલા એના મનને વીંધીને આરપાર નીકળી જાય. પણ, એવું ન બન્યું.
ત્યારબાદ એના કેટલાય સાથીઓ જંગમાં ટકી ગયા, પણ આસામ, બર્માની સરહદનાં જંગલોમાં મેલેરિયાના મામૂલી તાવની સામે ન ટકી શક્યા. રાજીન્દરને માંગ્યું મોત પણ ન મળ્યું. એ સલામત રહ્યો.
ઈજીપ્ત, લિબિયાના રેગિસ્તાનમાં, કોહિમા કે બર્માના પહાડો પર, મલાયાનાં જંગલો, કળણભૂમિમાં, રાજીન્દર મોતની રાહ જોતો રહ્યો. મોત ન મળ્યું, પણ અનેક ચંદ્રકો એના યુનિફોર્મ પર લાગતા ગયા. જમાદારમાંથી સૂબેદાર બની ગયો. માથે અને દાઢીમાં સફેદી ચમકવા માંડી.
બીજું યુદ્ધ પણ સમાપ્ત થઈ ગયું. હિંદુસ્તાનને આઝાદી મળી. મુલકોનું વિભાજન થયું. અંતે રાજીન્દર નિવૃત્ત થયો.
છાવણીમાં એનો અંતિમ દિવસ હતો. નોન- કમિશન્ડ ઑફિસરની મેસમાં એ બેઠો હતો. મેસના રેડિયો પર હિંદુસ્તાનીઓને લલકારતો અવાજ સંભળાતો હતો.
“આ જંગ કોઈ બાહ્ય દુશ્મનની સામે નથી,પણ અંદરના દુશ્મન સામેનો જંગ છે. અજ્ઞાન, નાદારી, બેકારી અને બીમારી સામેનું આ યુદ્ધ છે. આ જંગમાં સુરંગ પાથરવા ખાઈ નથી ખોદવાની, અહીં કૂવાઓ ખોદવાના છે.
“આ જંગમાં સલામતી માટે મજબૂત દીવાલો નહીં હોસ્પિટલો ઊભી કરવામાં આવશે. આ જંગ બંદૂક, તલવાર, મશીનગન કે બોંબથી નહીં હળ, કોદાળી, ટ્રેકટરથી લડવામાં આવશે.”
રાજીન્દર સિંહને કેટલીક વાત સમજાઈ, કેટલીક ન સમજાઈ, પણ એવું લાગ્યું કે આ નવો જંગ છે જે આજ સુધી ક્યારેય એ લડ્યો નથી.
અધિકારીઓના આદેશ મુજબ એ આરબો, તુર્કીઓ, જર્મનો, ઇટાલિયનો કે જાપાનીઓ સામે જંગ લડ્યો હતો. આજે કોઈ સૌથી મોટો અધિકારી એને નવા જંગ માટે લલકારી રહ્યો હતો. આ જંગ પોતાની અંદરના દુશ્મનો સામે છે એવું સમજાયું ત્યારે રાઇફલ પરથી એના મજબૂત હાથની પકડ ઢીલી થઈ.
રેજિમેન્ટની નિવૃત્તિને લીધે એના મનમાં એકલતાનો અંધકાર છવાયેલો હતો. લશ્કરમાંથી નિવૃત્ત થયા પછી શું કરશે, ક્યાં જશે? માબાપ હયાત નહોતાં. ગામમાં હતું કોણ કે જેની પાસે એ જાય?
ઠક… ઠક .. ઠક ..
જૂતાંનો અવાજ સંભળાયો. સામે એક નવજુવાન ઊભો હતો. પહેલી વાર વર્દી પહેરી હોય એમ એ થોડો અસહજ હતો. એ જુવાનને ક્યાંક જોયાનો અણસાર રાજીન્દરને આવ્યો.
“આપ સૂબેદાર રાજીન્દર સિંહ?”
“હા બેટા, પણ તું?” અજાણતા જ રાજીન્દરથી એને બેટા કહેવાઈ ગયું.
“જી મારું નામ અમર સિંહ. પિતાનું નામ બખ્તાવર સિંહ.”
“પિતા ફોજમાં છે?”
“જી, એ ઠેકેદાર હતા. એમનો દેહાંત થયે વર્ષો થયા.”
“તું ઠેકેદારનો દીકરો થઈને ફોજમાં?”
“મારી મા ઇચ્છે છે કે હું દેશની હિફાજત માટે ફોજમાં જોડાઉં.”
“વાહ! બહાદુર કહેવાય તારી મા, પણ તને મારું નામ કોણે આપ્યું?”
“માએ. કહેતી હતી કે, સૂબેદાર રાજીન્દર પાસે જજે. તને બધું જ સમજાવશે. સાથે કહ્યું હતું કે, સૂબેદારને કહેજે કે એમના ગામની હાલત બહુ ખરાબ છે.”
“તારી મા ક્યાં રહે છે?”
“સિંધપુર, એના પિતા પાસે. તમે જશો ને?”
“હા બેટા જરૂર જઈશ, પણ પહેલાં કમાંડર સાહેબ સાથે તારી મુલાકાત કરાવી દઉં. ફોજમાં જઈને તારે સિંધપુરના નૌજવાન તરીકે નામ અમર કરવાનું છે.”
એક બૂઢો નિવૃત્ત સૂબેદાર અને એક જવાન લશ્કરી પરેડની જેમ કદમતાલ મિલાવતા કમાન્ડરની ઑફિસ તરફ ચાલ્યા.
ઠક… ઠક .. ઠક …ઓસરીમાંથી દૂર સુધી એમના બૂટનો અવાજ ગૂંજતો રહ્યો.
એક સાંજે સૂબેદારે ગામમાં પગ મૂકતાની સાથે ગામની અવદશા જોઈ. તળાવોની આસપાસ અસંખ્ય મચ્છરો, મેલેરિયાગ્રસ્ત ખેડૂતો, તૂટેલાં બિસ્માર ઝૂંપડાં, હાડકાં દેખાતાં હોય એવું પશુધન, દુકાળના લીધે ચીંથરાં જેવાં કપડાંમાં આમતેમ રખડતાં બાળકો…
સૂબેદારને દૂરથી જંગનું બ્યુગલ ફૂંકાતું હોય એવો ધ્વનિ સંભળાયો. પણ, એ કોઈ દુશ્મન સામે નહીં માનવજાતની દુશ્મન એવી નિર્ધનતા, ગંદકી અને બીમારી સામે જંગનું એલાન હતું.
રાજીન્દર સિંહ એક સંકલ્પ સાથે નવો જંગ લડવા તૈયાર હતા.
ખ્વાજા અહમદ અબ્બાસ લિખીત વાર્તાને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સજા
પાર્થ નાણાવટી
મોબતપુરા
આમ’તો ગામ ચાલીસ કિલોમીટર દૂર હતું. પણ એના માટે તો જાણે બાર વરસની યાત્રા હતી અને એ પણ ઉંધી. બાર વરસ થયાં ઘર’તો જોયું નથી. ઘણું બદલાઈ ગયું હશે. સમય કોઈનો ગુલામ થતો નથી. વાત સાવ સાચી છે. ફકીરબાબા દર પૂનમે બેઠક કરતા ત્યારે આ પ્રકારની ફિલોસોફીવાળા સૂફીગીતો ને આવી સમયની આરપાર થવાની વાતો થતી. ફકીરબાબા, એમને જોઈને કોઈ કહે નહીં કે આ માણસે…
“રીંગ રોડ, રીંગ રોડ.” ચોકડીએ ઉભેલા રિક્ષાવાળાએ બૂમ પાડી ત્યારે એનો ધ્યાનભંગ થયો.
“રીંગ રોડ? આ વળી કયો નવો રોડ છે.” એ મૂંઝાયો.
“આવવું છે રીંગ રોડ?” રિક્ષાવાળાએ એને ફરી પૂછ્યું.
“મારે અડાલજ ચોકડી જવું છે.” એણે કહ્યું.
“એ તો ત્યાંથી બીજું શટલ મળી જશે. બેસી જાઓ.” રિક્ષા ઉભી રહી.
“કેટલા થશે?” એણે પૂછ્યું.
“દસ રૂપિયા, આવવું હોય’તો જલદી બેસી જાઓ નઈતર પેલો ટ્રાફિક પોલીસવાળો મારી પાવતી ફાડશે.” રિક્ષાવાળાની ચિંતા વાજબી હતી. રસ્તાની સામેની બાજુ હવાલદાર એની મોટરસાયકલ પર બેઠો બેઠો ધ્યાનથી એ બંનેને જોઈ રહ્યો હતો.
એ ઝડપથી રિક્ષામાં બેસી ગયો. એને થયું કદાચ એના ગામનો રસિક હશે. એ પોલીસમાં ભરતી થયો હતો એવું સાંભળ્યું હતું. પોલીસવાળાના હાઇટ-બોડી પણ રસિક જેટલા જ હતા. હોય પણ ખરો, અને જો હોય તો પણ મને ઓળખે ખરો? શું કામ ઓળખે? હું એની જગ્યાએ હોઉં તો હું પણ નજર બીજે ફેરવી નાખું.
“પાર્ટી, જરા આગળ આઈ જાઓને.” રિક્ષાવાળાએ રસ્તામાં કોઈ વાહનની રાહ જોઈ ઉભેલી બે લેડીઝ પાસે રિક્ષા ઉભી રાખી કહ્યું.
એ યંત્રવત રિક્ષાવાળાની સુચનાનું પાલન કરતો આગળ બેસી ગયો. જીવનમાં એકવાર સૂચનાઓનું ઉલ્લંઘન કર્યા બાદ હવે પાલન કરવાનું પણ બરોબર ફાવી ગયું હતું.
સ્ત્રીઓ સારા ઘરની હતી. તાપથી બચવા મોઢે દુપટ્ટા બાંધેલ તે બેમાંથી એકેયનો ચહેરો તો દેખાયો નહીં, પણ એમણે છાંટેલા અત્તરની ખુશ્બુ ને ખભે લટકાવેલા મોંઘાદાટ પર્સ જોઈને એણે અંદાજો બાંધી લીધો. બે માની એક જણીએ રીક્ષામાં બેસતાની સાથે જ ફોનમાં માથું નાખી દીધું.
કોઈ લેડીઝને આટલી નજીકથી જોયે પણ લગભગ દાયકો થઈ ગયો હશે. મારે પણ જીવતી માટે આવું સુંગધી અત્તર લઈ લેવાનું હતું. રાજીના રેડ થઈ જાત. જોકે રાજીના રેડ તો મને જોઈને પણ થઈ જશે.
પોતાને એકમાંથી બીજા ને એમાંથી ત્રીજા કેવા ગાંડાઘેલા વિચારો આવે છે એની નોંધ એના મગજે કરતા એણે જરા ક્ષોભ અનુભવ્યો. ખુલ્લી હવાને વાતાવરણની જુદાજુદા લોકો પર જુદીજુદી અસર થતી હોય છે. કોક રડવા માંડે, કોક લવારે ચડી જાય, તો કોક વળી ભૂત ભાળ્યું હોય એમ ચકળવકળ આંખો ફેરવે. પણ, એના માટે વ્યક્ત થવું એટલે વિચારો કરવા.
વિચારોનું એક સુખ કે કોઈ સાંભળે નહીં. આમ પણ બોલવાની હોય એનાં કરતાં ચુપ રહેવાની આદત વધારે હતી. કેમ હતી, એ ક્યારેય એ સમજી શક્યો નહીં. જયારે બોલવાનું હતું ત્યારે પણ ચુપ રહ્યો. અને જયારે ચુપ રહેવાનું હતું ત્યારે પણ.
બસ હવે. જાણે એણે એના બેફામ દોડતા મગજને હુકમ આપ્યો.
રિક્ષા ઊભી રહી ને બંને લેડીઝ ઉતરી ગઈ. પણ એ બેઠો રહ્યો. અત્તરથી રંગાયેલો તડકો જાણે બે ઘડી વધુ માણવો ન હોય!
“પાર્ટી રીંગ રોડ આયી ગયો.” રિક્ષાવાળાને પણ નવાઈ લાગતા એણે કહ્યું.
“હે! હા, ભલે, આ અડાલજ ચોકડીનું સાધન.” એણે દસ રૂપિયાની નોટ આપતા પૂછ્યું.
“રોડ ક્રોસ કરીને સામે જતા રો, ત્યાં સાઈડમાં જે ગાડીઓ પડી એ બધી એ બાજુ જવાની છેક મેહસાણા સુધી.” રિક્ષાવાળાએ તમાકુ દબાવી કહ્યું.
એણે અક્ષરશ: સુચનાનું પાલન કર્યું. રસ્તો ક્રોસ કરી સામે ગયો ત્યાં પડેલી એક જીપના ચાલકને પૂછ્યું.
“મોબતપુરા.”
“રસ્તે ઉતારી દઈશ, ગામમાં ના જાય.” ચાલકે ચોખવટ કરી.
“ભલે વાંધો નઈ, એ તો ચાલી નાખીશ. કેટલા થશે.”
“વીસ.”
એ ચાલકની બાજુમાં બેસવા ગયો, ત્યારે પેલા એ એને રોક્યો.
“પાછળ જતા રો, અહીં આ પેટી સાથે ના ફાવે કોક પેસેન્જરને વાગે.” જીપનો ચાલક એની પતરાની પેટીને આશ્ચર્ય અને શંકાથી જોઈ રહ્યો. એ જીપની પાછળની સીટમાં જઈને બેઠો.
તારીખ નજીક આવી ત્યારથી દરરોજ રાતે એ કલ્પના કરતો કે પહેલા શું કરશે. શું ખાશે. સૌથી પહેલા કોને મળશે. કોને નહીં મળે. ગામમાં રહેશે કે જીવતી જોડે કોઈ બીજે ગામ જતો રહેશે.
પણ આ ઘડીએ આ જીપમાં બેઠો ત્યારે કંઈજ સૂઝતું કે સમજાતું નથી. બીજું બધું તો ઠીક પણ જીવતીને સૌથી પેલ્લી જોવી છે. પાંચ વરસ પહેલાં ઘરે ખોટું બોલીને મળવા આવેલી. હવે’તો કોણ જાણે કેવી દેખાતી હશે. ત્યારે’તો પંજાબી પેરેલું ને વાળ પણ કપાવેલા.
“ભઈ જરા ખસો ને.” જીપમાં ચડેલા બીજા સહપ્રવાસીએ કહ્યું.
“હં, હા.” કહીને એ ખસી ગયો. પેલાએ બીડી સળગાવી..ને એની આંખે ચમકારો બાઝી ગયો. દસ વરસથી છોડી છે.
“ઘરે જાય એ પેલા મુંબઈ જઈને હળવો થઈ આવજે.” પપ્પુ પાયલોટે આંખ મારીને કહેલું.
“કેટલા ચાર પાંચ હજાર તો જમા હશે ને તારા, એમાંથી બે ત્રણ મુંબઈમાં વાપરજે.”
“અરે પપ્પુ ભાઈ, મુંબઈ સુધી લાંબા થવાની પણ ક્યાં જરૂર છે. કાલુપર સ્ટેશન જતા રેવાનું, ત્યાં સમ્રાટ ગેસ્ટ હાઉસ છે. બધીજ ચોઇસ મળી રે. પણ નેપાળી સૌથી બેસ્ટ.” પપ્પુના સાગરિત શકીલ સાણસાએ પગના ખરજવાને વલુરતા એક આંખ ઝીણી કરી કહ્યું.
આ તો બડા ચક્કરનો ગાર્ડ જો ન આવ્યો હોત’તો સાણસો ને પાયલોટ શબ્દોથી જ સુંવાળી સફર પર લઈ જાત.
આ લોકો મને શું સમજતા હશે. બાર વરસની રાહ જોઈ છે ને જો હજુ જોવી પડે તો પણ જોઈશ, પણ જીવતી એટલે જીવતી. જેવી હોય એવી પણ એના વિના હું શરીર અભડાવું નહીં.
પંજાબી પેરેલી જીવતીનો શરમાતો ચહેરો યાદ આવતા એના ગળામાં ડૂમો બાઝી ગયો.
ખેર હવે તો મોબતપુરા પહોચું એટલી વાર, પોતાના ઘરે તો જશે કે નહીં એ પણ નક્કી હતું નહીં. પણ જીવતીને ગામ જશે ને સિધ્ધો એના ઘરે. ખેતરેથી હજી આવીજ હશે રોજ ભરીને, ત્યાંજ મને જોઈને..
બાર વરસ પહેલા બની ગયેલા બનાવે જીવતીના પરિવારને ગામ છોડાવેલું અને એને ગામ અને જીવતી બંને.
ઊંચી દીવાલો વચ્ચે બાર વરસ એ આશાએ જીવી નાખ્યા કે જીવતીને ખાતર જીવતો રહીશ એક દિવસ બા’ર નીકળીશ, આ દીવાલોમાંથી.
બે ઘડીમાં તો એણે ક્યાંથી ક્યાંની સફર કરી નાખી.
“ભઈલા, તમે એક કામ કરો. તમે નીચે ઉતરી જાઓ, સાહેબને એમના બાબાને બેસી જવા દો. પછી તમે બેસી જાઓ ને મેરબાની કરીને પેટી સાચવજો, કોઈને વાગે નઈ.” જીપના ચાલકનો નવા આવેલા મુસાફર માટેનો આદર જોઈ બીજા બધા પેસેન્જરને નવાઈ લાગી.
થોડું આમતેમ થયું ને અંતે બધા ગોઠવાયા. ચાલકે જીપને ઉછાળો મારી ઉડાડી. હાઇવે પર સુસવાટા મારતી જીપના મિરરમાં જોઈ એણે સાહેબને ઉદેશીને કહ્યું.
“સર, અમદાવાદ ગયેલા. હમણાં તો વેકેશન ને.”
“હા, દિવાળી છે તે થોડી ખરીદી કરવા ને બાબાને કાંકરિયા લઈ ગયેલો. સાબરમતી મારા પેરેન્ટ્સ રહે છે એમને ત્યાં.” સાહેબે વિગતે જવાબ આપ્યો.
“આ સાડી તમે મમ્મી માટે લીધી?” બાબાએ એના પપ્પાને પ્રશ્ન કર્યો.
“હા બેટા, પણ ઘરે જઈને કહેવાનું નથી, ઓકે?”
“ના, નહીં કહું.” બાબો સમજુ હતો.
“બેનની તબિયત કેવી છે.” ચાલક ઊંડો ઉતર્યો.
“સારી છે, હજુ વાર છે.” સાહેબ બોલ્યા.
“મારો નંબર છે ને? અડધી રાતે’ય ફોન કરજો. દવાખાને જવાનું હોય, બીજું કોઈ પણ કામ હોય.” ચાલકે ચલાવ્યું.
“હા, તને જ કરીશ. માતાજીની દયા છે. સાતમો મહિનો છે, ને હાલ સુધી બધું બરોબર છે.” સાહેબે કહ્યું.
“મમ્મીને ભાઈ આવશે કે બેન.” બાબો બોલ્યો.
“બેટા એ તો માતાજી જે નક્કી કરે એ.” સાહેબે બાબાને સમજાવ્યો.
એ અજનબી બની વાતો સાંભળતો હતો. જીપમાં બેઠેલા બીજા પેસેન્જરોમાંના એક વૃદ્ધથી ન રહેવાયું એટલે એ બોલી પડ્યા.
“સાહેબ, તમને તો સલામ. દુખિયારી બાઈનો હાથ ઝાલ્યો. બધા શિક્ષકો જો તમારી જેવા હોય તો આ દેશની સકલ ફરી જાય. સાચી વાત કે નઈ પટેલ.” વૃદ્ધએ બાજુમાં બેઠેલા સહપ્રવાસીને વાતમાં સામેલ કર્યા.
“સો ટકાની વાત, મોબતપુરા એનું કુટુંબ આવ્યું ત્યારે અમારા ફળિયામાં રેતા’તા. અઢાર વરસની છોકરીએ એવડી નાની ઉંમરમાં કેટલું વેઠી લીધું. આપણા સમાજમાં તો કોઈ તૈયાર થાય નઈ ને આ સાહેબ જુઓ. છોકરીને પરણીને ઘેર લઈ આવ્યા. ફેમિલીને વાંધો પડ્યો તો ઘર છોડી દીધું.”
પટેલની વાત સાંભળી બધા હોંકારામાં માથું ધુણાવવા લાગ્યા.
એ હજુ બધું પ્રોસેસ કરતો હતો. જેલની શુષ્ક જિંદગીએ મગજને થોડું ધીમું કરી નાખ્યું હતું. પછી એણે સમજાયું કે કદાચ વાત જીવતીની થાય છે.
એ સાંજે જીવતીને મેળામાં મળવાનું નક્કી થયું હતું. શિકોતર માતાના મંદિરે. બી.એડ થઈ ગયો’તો. નોકરીનો ઓર્ડર પણ નીકળેલો. એણે ખુશખબર આપ્યા તો બોલી કે કુલ્ફી અપાવો. મોડી સાંજે પાછા આવતી વખતે બનાવ બન્યો’તો. એ ચાર જણા હતા. પરપ્રાંતીય, ઈંટના ભઠ્ઠા પર કામ કરતા હતા. પીધેલા હતા. એ એકલો કેવી રીતે પહોંચે. જીવતીને ભઠ્ઠામાં ઢસડી ગયા. એને મારી મારી બેભાન કરી નાખ્યો. ભાનમાં આવ્યો ત્યારે જીવતી એની પડખે બેઠી બેઠી કણસતી હતી. બસ, એણે પથરો ઉપાડ્યો ને એક ને છુંદી નાખ્યો. બાર વરસ વીતી ગયા.
“ભઈલા આજે સાહેબના લીધે તમારા નસીબ સારા છે. સાહેબને ઉતારવા ગામમાં જવાનો એટલે ચાલવું નહીં પડે.” જીપના ચાલકે એને ઉદ્દેશીને કહ્યું.
“ના મને રસ્તા પર ઉતારી દો.” એ બોલ્યો.
“ઓકે. વીસ છુટા આપજો.” ચાલકે રસ્તાની સાઈડ પર જીપ ઉભી કરી.
એ પૈસા આપી ઉતરી ગયો. જીપ ધૂળના ગોટા ઉડાડતી મોબતપુરાના કાચા રસ્તે જતી રહી.
એ રસ્તો ક્રોસ કરી પાછા જવા માટે વાહનની રાહ જોતો ઉભો રહ્યો.
જીવતીનું મોબતપુરા. જીવતીના સાહેબ..એ પોતે હસી પડ્યો કે રડી પડ્યો એને સમજાયું નહીં.
-
ફિલ્મી ગઝલો – ૧૧૪. એહસાન ઇલાહી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
આ શૃંખલા જેમ જેમ અંત તરફ સરકી રહી છે તેમ તેમ બાકીના ફિલ્મી ગઝલકારો વિષેની માહિતીના સ્રોત વધુને વધુ સૂકાતા જાય છે.
ગીતકાર એહસાન ઇલાહી વિષે કેવળ એટલી માહિતી કે એમણે એક થા લડકા ( ૧૯૫૧ ) અને શાહી ખજાના ( ૧૯૪૬ ) એ માત્ર બે ફિલ્મોમાં કુલ દસ ગીત આપ્યાં.
એમાંની આ એક ગઝલ –
ગમે ઝિંદગાની ઉઠાઉં કહાં તક
મૈં સદમે સહું – મુસ્કુરાઉં કહાં તકચલી આંધિયાં ગમ કી ઉઠ્ઠા હૈ તૂફાં
મૈં તૂફાં મેં કશ્તી ચલાઉં કહાં તકબિછાએ હૈં ચુન ચુન કે રાહોં મેં કાંટે
મૈં કાંટોં સે દામન બચાઉં કહાં તકખયાલોં મેં આ – આ કે જાતા હૈ કોઈ
મૈં આશા કે દીપક જલાઉં કહાં તક..– ફિલ્મ : એક થા લડકા ૧૯૫૧
– મીના કપૂર
– મુરારી
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
મહેન્દ્ર શાહનાં જુલાઈ ૨૦૨૫નાં ચિત્રકળા સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah’s creations for July 2025
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
કાગ વ્યૂહની વાત
ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ
કાગડો બિમાર પડે છે ત્યારે કીડીઓને શોધે છે.
ઉડાઉડ નથી કરતો.
આશરો નથી ખોળતો.
શત્રુની પાસે બેસે છે …. અને તેમને બટકાં ભરવા દે છે.ન સમજાય તેવું છે ને?
કીડીઓના ચટકામાં ફૉર્મિક એસિડ ઝરે છે.
એ કુદરતી ડીટોક્ષ છે.
સાજા થવાની કુદરતની આગવી સંહિતા.નબળાં પડી જવાની એ નિશાની નથી.
એ કોઠસૂઝનું ડહાપણ છે.વ્યાપાર ઉદ્યોગમાં, નેતૃત્વમાં અને જીવનમાં પણ …
સામાન્યપણે જેને ટાળતાં હોઈએ તેનો સામનો કરવામાં સમસ્યાનો હલ છુપાયેલો હોઈ શકે છે.
પ્રતિભાવ. વિસંવાદ, જટિલતા. વિનમ્રતા.
કાગડો પીડાને નકારતો નથી.
તેનો તે લાભ ઉઠાવે છે.એમાં ટકી રહેવાની ભાવના નથી. એ વ્યૂહાત્મક દૃષ્ટિકોણ છે.
→ કેટલીક વાર, જ્યારે અહં ખતમ થાય છે ત્યારે ઘા પર રૂઝ વળવાનું શરૂ થાય છે.
આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
-
ધીમે ધીમે થતા ફેરફારોની અસર મોડેથી સમજાય છે
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
આજની ઝડપથી બદલતી જતી દુનિયામાં જે બાબતો તાકીદની, કે તત્કાળ ધ્યાન આપવી પડે કે અચાનક્બનતી હોય છે તેના તરફ આપણું ધ્યાન વધારે જતું હોય છે. ધીમે ધીમે થતી ઘટનાઓને આપણાં રડારનાં ધ્યાન પર લાવવાનું ભૂલી જઈએ છીએ.
એકાદ વાર, થોડુંક કંઈ ખાવાથી, સામાન્યતઃ, નુકસાન નથી થતું. પરંતુ લાંબા સમય સુધી આવી ઘણી બધી વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્ય અંગેની સમસ્યા થવાની શક્યતા અનેકગણી વધી જાય છે. ખોટી રીતે થઈ ગયેલી એકાદ વાતની સંબંધ પર કોઈ સીધી અસર, કદાચ, નહી થાય. થાય તો મોટા ભાગે સુધારી લઈ પણ શકાય. પરંતુ વારંવાર થતી આવી દરેક વાતચીત આપણી વિશ્વાસપાત્રતાને મરણતોલ નુકસાન કરી શકે છે. તેના છેદા એવા તબક્કા સુધી પ્રસરે છે કે જ્યાં સંબંધ, મોટા ભાગે કાયમ માટે, કપાઈ જઈ શકે છે
કોઈ પણ સંસ્થાના સંદર્ભમાં, આવી પરિસ્થિતિઓ વધુ જટિલ બની જાય છે. જો એ સંસ્થામાં ભેડચાલવાળું વાતાવરણ હોય તો આ પરિસ્થિતિ ઘણી ઊંડે સુધી પ્રસરી શકે છે. એક વાર જે અલગ અપગ પેટા-વમળ સર્જાયાં હોય તે એકબીજાંને તેમજ સમગ્ર વ્યવસ્થાને અસર કર્યા જ કરે છે. છ્ટી છવાઈ જણાતી એક વ્યૂહાત્મક નિષ્ફળતાની અસર ટૂંકા ગાળામાં દેખાતી નથી પરંતુ લાંબા ગાળે ઘાતક સાબિત થઈ શકે છે.
સારા સમાચાર એ છે કે: આ રજૂઆતથી વિપરીત પણ સાચું છે. કોઈપણ મોટી સફળતા, લગભગ હંમેશા, ઘણી નાની વસ્તુઓને યોગ્ય રીતે કરવામાંથી પરિણમતી હોય છે. કારકિર્દી એક એક સમયે મળતી એકે એક કારકિર્દીનની ઊંચી ઈમારતના પાયાને ઘડે છે. આમનેસામને અપેક્ષા મુજબ થતાં નાનાં નાનાં કામો વિશ્વાસપાત્રતાને ગાઢી બનાવે છે. અલગ અલગ સમયે થતા અલગ અલગ અનુભવ બોધપાઠનું મોટું ભાથું બની રહે છે. દરેક સંવાદ ટીમને તેની સફળતાની ઊંચાઇનાં એક કદમે આગળ ધપાવે છે. ધીમે ધીમે થતા ફેરફારો ક્રમાનુસાર થતા થતા ખૂબ શક્તિશાળી પરિવર્તનમાં ફેરવાઈ જાય છે.
આપણે શા માટે ધીમે ધીમે થતી બાબતોને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ જઈએ છીએ? કારણ કે આપણે તાત્કાલિક પ્રતિક્રિયા આપવામાં ખૂબ જ ઉલટભેર પ્રતિકિયા આપીએ છીએ. વિચાર કરવાની રાહ જોવાની ધીરજ રાખ્યા વિના કાર્ય કરવું આપ્ણા માટે વધુ મહત્વનું છે. કારણ કે જે પ્રણાલીઓને નજરની સામે જીવંત જણાય છે તેની આડમાં તંત્ર વ્યવસ્થા વિચારસરણી ઢંકાઈ જાય છે. આપણે અલગ અલગ ઘટકો પર કામ કરીએ ત્યારે સમગ્ર તંત વ્યવસ્થાનું ચિત્ર આપણી નજરના કેન્દ્રમાંથી ખસી જતું હોય છે.
અહીં મને ઉકળતા પાણીમાં પડેલા દેડકાના રૂપકની યાદ આવે છે.

તસવીર સૌજન્યઃ ચૌલા વોરા, લાલ આંખાળો દેડકો, કોસ્ટા રિકા દેડકાને ઉકળતા પાણીમાં મૂકવામાં આવે ત્યારેજો પાણી ગરમ હોય છે તો તે તરત જ કૂદી પડે છે. જો કે, જો તેને ખૂબ જ ધીમે ધીમે ગરમ થતા ઠંડા પાણીમાં મૂકવામાં આવે છે, તો દેડકો વધતા જતા ભયને સમજી શકતો નથી અને ગરમીનો આનંદ માણે છે. વધતાં વધતાં જેમ જેમ ગરમી અસહ્ય ક્ક્ષામાં ફેરવાય છે, ત્યારે તે કુદકો મારી બહાર નીકળી આવવા માટે અસમર્થ બની જાય છે. આખરે, તે ઉકળી ઉકળીને મૃત્યુ પામે છે.
અગ્રણીઓ અને સંચાલન વ્યાવસાયિકો તરીકે, તંત્ર વ્યવસ્થામાં ધીમા અને સૂક્ષ્મ ફેરફારોને ધ્યાનમાં લેવાની આપણી ક્ષમતા એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી તાત્કાલિક અને અચાનક ફેરફારોનો પ્રતિભાવ આપવાનું આપણું સામાર્થ્ય મહત્વનું છે.
અર્નેસ્ટ હેમિંગ્વેની નવલકથા “ધ સન ઓલ્સો રાઇઝીસ[1]” માં, મુખ્ય પાત્રોમાંના એક માઇક કેમ્પબેલને પૂછવામાં આવ્યું છે, “તમે કેવી રીતે નાદાર થયા?”. માઇકે જવાબ આપ્યો, “ધીમે ધીમે… અને પછી અચાનક.”
[1] “The Sun Also Rises” by Ernest Hemingway
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
એસ ધમ્મો સનંતનો – આગમ શાસ્ત્ર : [૧] વૈષ્ણવ આગમ
– પ્રવાસી યુ. ધોળકિયા
પુરાણ, આગમ અને તંત્ર એ પૌરાણિક સનાતન હિંદુ ધર્મના ત્રણ આધાર સ્તંભો ગણાય છે. વિધિની એ વક્રતા છે કે ૯૦ ટકાથી વધારે હિંદુઓને આગમ શું છે તેની જાણ નથી.
આગમનો અર્થ સામાન્ય રીતે જે વેદમાં નથી એમ કરવામાં આવે છે. પરંતુ દક્ષિણ ભારતના મહાજ્ઞાની રામાનુજાચાર્ય જણાવે છે કે વેદ સિવાયની પરંપરાઓથી પ્રાપ્ત થયેલું જ્ઞાન પણ માનવ ઉત્કર્ષ માટે આધારભૂત છે. તેનું કારણ એ છે કે આવું જ્ઞાન આચાર્યોના આંતરિક અનુભવો પર આધારિત છે. આમાનું એક શાસ્ત્ર આગમ છે.
આગમનો એક અર્થ એવી પરંપરા છે જે પરમ તત્વમાંથી બનેલ છે. તેમાં વિવિધ યોગાસનો, યંત્રવિજ્ઞાન અને પૂજન અર્ચન વડે સામાન્ય વ્યક્તિ પોતાની ઈચ્છાપૂર્તી કરી શકે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
શિવમાં માનતા આચાર્યો એમ માને છે કે પાર્વતી શિવને કર્મ અને આધ્યાત્મ વિશે પ્રશ્ન કરે છે. શિવજીએ તેના જે ઉત્તર આપ્યા છે તેમાં આગમની ઉત્પતિ છે. પરંતુ શિવપંથીઓ કરતાં વૈષ્ણવપંથીઓનાં આગમ વધારે પ્રાચીન છે. બન્ને આગમશાસ્ત્રોમાં શંકરાચાર્યના અદ્વૈતવાદને જાકારો આપવામાં આવે છે. આ આગમોમાં ઈશ્વર અને વ્યક્તિ જુદાં છે. વ્યક્તિ અનન્ય ભક્તિ દ્વારા ભગવતકૃપા પામી શકે છે. દ્વૈતવાદ સ્વીકારવાનું મૂળ કારણ એ હતું કે દક્ષિણના આચાર્યો અતિ સંવેદનશીલ અને ભાવનાપ્રધાન હતા. તેથી તેઓને ઈશ્વરને પોતાની કક્ષાએ લાવવા ન હતા. તેમના માટે ભજન, કિર્તન અને અનન્ય શ્રદ્ધા દ્વારા ભગવાનની ભક્તિ સર્વોપરી હતી.
અત્રે એ વાત પણ નોંધવી જોઈએ કે પુરાણમાં સાંપ્રદાયિક ભક્તિવાદ અને તંત્રની વિધિઓમાં જે અદ્ભૂત વિજ્ઞાન છે તેને જોડતી કડી આગમો છે.
આગમોમાં એવું માનવામાં આવે છે કે દરેક વ્યક્તિમાં સરખા ગુણો નથી હોતા. પરંતુ સત્વ, રજસ અને તમસના ગુણો દરેક વ્યક્તિમાં વધતે ઓછે અંશે જરૂરથી હોય છે. હાજરા નામના ભારતીય વિદ્વાન કહે છે કે સાત્વિક ગુણ ધરાવતા હિંદુને તત્વજ્ઞાન વધારે ગમશે. ભાવનાશીલ અને રજોગુણી વર્ગને ભક્તિમાર્ગ પસંદ પડશે. સૌથી મોટી સંખ્યા ધરાવતો વર્ગ બહુ પ્રાથમિક કક્ષાનો હોય છે. એ વર્ગ તત્વજ્ઞાન કે ભક્તિને સમજી નથી શકતો. આ બાળકબુદ્ધિ ધરાવતો વર્ગ બીજા સમુહને અનુસરીને ભગવાનમાં શ્રદ્ધા ધરાવતો ચોક્કસ થશે. આગમ ભગવાન અને તેની ભક્તિનાં અનેક પાસાંઓ દર્શાવે છે. તે આપણું માન્ય શાસ્ત્ર છે.
આગમ શાસ્ત્રમાં ઈશ્વરને જીવેતર ચિહ્ન રૂપે (aniconic) – વિષ્ણુને શાલિગ્રામ રૂપે. શિવને લિંગ રૂપે અને શક્તિ (માતાજી)ને શ્રીયંત્ર રૂપે – પૂજવામાં આવે છે.

શાલિગ્રામ લિંગ શ્રીયંત્ર સાકાર રૂપમાં વિષ્ણુને અનંત પર શયન કરતા તથા ચતુર્ભુજ સ્વરૂપે, શિવને પંચમુખધારી અને માતાજીને નવ સ્વરૂપોવાળી મૂર્તિ રૂપે દર્શાવાય છે. આ બન્ને સ્વરૂપોને મંદિરમાં અને હિંદુઓ પોતાના ઘરના મંદિરમાં રાખીને પુજી શકે છે. વિદ્વાનો વિષ્ણુને સાત્વિક શિવને તામસિક અને માતાજીને રાજસિક માને છે. તેના મંત્રો નીચે મુજબ છે.
૧) શ્રી વિષ્ણુ ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ૐ નમો નારાણાય
૨) શિવ ૐ નમઃ શિવાય
૩) માતાજી ૐ श्री क्लीं, ऍं, क्रीं, ह्रीं, दुम, क्रौं, धुं
આગમોમાં મંત્ર ઉપરાંત પાણિનીના યોગ પ્રમાણે સાધના વિધિ કરવાનું સૂચન છે. આગમમાં હોમ વિધિનું પ્રમાણ ઓછું છે, પરંતુ ગણપતિ માટે ખાસ હોમ વિધિ કરવામાં આવે છે. આ પ્રમાણે ઘી વડે આહુતિ અપાય છે. ઈશ્વરની તર્પણ વિધિમાં ભગવાનને પુષ્પ, જળ, અત્તર, દીપ, અન્ન અર્પણ કરવામાં છે. અદ્વૈતવાદી શંકર પણ મૂર્તિમાં વેદના પુરુષસુક્તનું સ્વરૂપ નિહાળે છે. આગમમાં મૂર્તિઓને વિગ્રહ કહેવામાં આવે છે.
વૈષ્ણવ આગમ
વૈષ્ણવ આગમને સંહિતા કહેવામાં આવે છે. વૈષ્ણવ આગમના વૈખાનસ અને પાંચરાત્ર એમ બે વિભાગો છે. આ બન્ને પદ્ધતિઓએ ભારતના તમામ પંથોની પૂજા અર્ચના પર ભારે અસર કરી છે. વૈખાનસ પરંપરામાં ભક્તિમાર્ગ એ વિષ્ણુને પામવા માટેનો સરળ માર્ગ છે એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પાંચરાત્ર ફાંટો આ બાબતમાં વૈખાનસ પરંપરાને અનુસરે છે. બન્ને પરંપરાઓમાં મંદિરોમાં કરાતા કર્મકાંડો, મૂર્તિની સેવા, દૈનિક પૂજનવિધિ, તથા ખાસ પ્રસંગોએ કરાતી વિધિઓ છે. બન્ને પરંપરા મંદિરના પૂજારીની ફરજો અને તેમની જીવન પદ્ધતિ માટેની સૂચનાઓ છે.
વૈખાનસો પોતાને અતિ પ્રાચીન માને છે. તેના સમર્થનમાં તેઓ જણાવે છે કે વૈખાનસ ઋષિને આગમ શાસ્ત્રનું જ્ઞાન સ્વયં બ્રહ્માજીએ આપ્યું હતું. તેઓ પોતાને વિષ્ણુ સાથે સીધી રીતે જોડાયેલા છે તેમ દૄઢપણે માને છે. બ્રહ્માજી ઉપરાંત સ્વયં વિષ્ણુએ વૈખાનસ ઋષિને વિષ્ણુની પૂજાવિધિ કઈ રીતે કરવી તે શીખવ્યું હતું. તેથી વૈખાનસ આગમમાં ભગવાન વિષ્ણુની પૂજનવિધિ પર સૌથી વિશેષ ભાર મુકવામાં આવે છે. એ પૂજનવિધિમાં વિષ્ણુજીની નાની મોટી બધી જરૂરિયાતોની પૂર્તિ કઈ રીતે કરવી તેની સચોટ માહિતી આપવામાં આવી છે.
કાળક્રમે, વૈખાનસ પરંપરાના પણ બે ભાગલા પડ્યા. તિરૂપતિ બાલાજી (આંધ્ર પ્રદેશ)ને વૈખાનસ પરંપરાનું સ્થાનક માનવામાં અવ્યું છે. બીજા ફાંટાને શ્રી વૈષ્ણવે તામિલનાડુના તિરૂચિરાપલ્લીના શ્રી રંગનાથ સ્વામીના મંદિરમાં સ્થાપિત કર્યા. આ બીજી પરંપરાની નેતાગીરી દક્ષિણ ભારતના પ્રખર જ્ઞાની શ્રી રામાનુજાચાર્યે લીધી. આમ છતાં બન્ને સ્થાનકોના ગર્ભગૃહમાં વૈખાનસ પદ્ધતિથી જ પૂજન-અર્ચન વિધિ થાય છે, પછી ભલે એ મંદિરોનાં પ્રાંગણના અન્ય મંદિરોમાં શ્રી વૈષ્ણવ પદ્ધતિ પ્રમાણે પૂજન થાય. શ્રી વૈષ્ણવ પરંપરાનું કાળક્રમે પાંચરાત્ર પરંપરામાં થયું. આ મંદિરોમાં લક્ષ્મીજીને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
દક્ષિણના દરેક રાજવીઓ મંદિરોને અઢળક ધન અને ભૂમિનું દાન કરતા. દક્ષિણ ભારતની સંસ્કૃતિ મંદિર કેન્દ્રિત બની જવાથી રાજ્ય સત્તા કરતાં પણ મંદિરના પૂજારીઓની સત્તા વધતી ગઈ. આ પૂજારીઓ વેપારીઓને ઋણરૂપે ધન આપવા લાગ્ય. રાજવૉનું સ્થાન ગૌણ બન્યું. તિરૂપતિ બાલાજી અને ઓડીશાના જગન્નાથ મંદિરોના વૈભવ આજે પણ કોઈ રાજવીઓ કરતાં વધારે વૈભવશાળી અને ઓજસ્વી જણાય છે. વિદેશી આક્ર્મણો સમયે વૈષ્ણવ મંદિરો સૌથી વિશેષ લુંટાયાં. આપણી ધાર્મિક પ્રતિભા ઝંખવાઈ.
આગમ શાસ્ત્રની વૈખાનસ અને પાંચરાત્ર પરંપરાઓમાં ઋષિ સાધ્યે નારાયણની પૂજા પ્રસ્થાપિત કરી. નારદજીએ નારાયણની પૂજાને વિસ્તારી અને સર્વમાન્ય બનાવી. પછીથી, નારાયણની વિષ્ણુ, વાસુદેવ તથા ભાગવત પરંપરાઓનું એકીકરણ થયું. અંતમાં વિષ્ણુ કેન્દ્રમાં રહ્યા.
વૈખાનસ પરંપરામાં વૈખાનસ સંહિતા ઉપરાંત અથર્વવેદ, સ્માર્ત સૂત્ર, શ્રૌત સૂત્ર, અને તૈતરિય વૈદકિય સંહિતા પ્રેરિત ગ્રહ્યસૂત્રોનો સમાવેશ કરીને અનેક ગ્રંથો રચાયા. મંત્ર સંહિતામાં આપેલ વિધિવિધાન પ્રમાણે મૂર્તિની સ્થાપના, તેની પ્રાણપ્રતિષ્ઠા, મંદિરની સંરચના તથા ભક્તિસંગીત ઉપર માર્ગદર્શન આપતો આ ગ્રંથ પ્રમાણિત મનાય છે. આ રીતે દક્ષિણ ભારતમાં વૈષ્ણવ ભક્તિનો પ્રારંભ થયો અને તે પછીથી સમગ્ર ભારતમાં પ્રસરી ગયો.
ભારતમાં ધર્મ અને અધ્યાત્મનાં ક્ષેત્રોમાં અનેક પરિવર્તનો આવ્યાં. પરંતુ વૈખાનસ પરંપરાના મહાન તાંત્રિક અત્રિએ જણાવ્યું છે કે જ્યારે વેદ પરંપરાનો ક્ષય થયો ત્યારે સ્મૃતિશાસ્ત્ર પ્રેરિત ધર્મ સ્થપાયો. તે પતિત થાય છે ત્યારે લોકો પૌરાણિક ધર્મો તરફ આકર્ષાય છે. આ પરંપરા પણ ભક્તો પરની પોતાની પક્ડ ગુમાવે છે ત્યારે આગમ પ્રેરિત વૈષ્ણવ પરંપરા જ તમામ વર્ગ માટે સ્વીકાર્ય બને છે. સનાતન પરંપરા આ રીતે અનેક પરિવર્તનો છતાં આજ સુધી ટકી રહી છે.
પાંચરાત્ર પરંપરા
આપણે ઉપરોક્ત પરંપરામાં માનીએ છીએ તેવો અર્થ નથી થતો. તેમાં પાંચનો અર્થ સમગ્ર થાય છે અને રાત્ર એ બ્રહ્મા-વિષ્ણુનું સ્વરૂપ છે. આમ પાંચરાત્રનો અર્થ સર્વસ્વની ઉપાસના એવો થાય છે. તેના ત્રણ મૂળ ગ્રંથો – શાત્વત, જયાખ્ય અને પૌષ્કર – ત્રય રત્ન કહેવાય છે. તે ઉપરાંત ત્રણ ગુણો પ્રમાણે પણ કેટલાક અન્ય ગ્રંથો છે, જે આ પ્રમાણે છે –
સાત્વિક – ઈશ્વર ભારદ્વાજ સૌયત્ન, દ્વૈખાનસ, ચિત્ર શિખંડી ઈત્યાદિ
રાજસિક – સનત કુમાર, પમોદભવ, સાંતત્પ, તેજોદર્પણ ઈત્યાદિ
તામસિક – પંચપ્રશ્નો, સંકપ્રશ્ન, તત્વસાગર
તેના કુલ ૩૦૦ જેટલા ગ્રંથ છે.
તેના વિષયવસ્તુમાં શ્રેડર નામના વિદેશી વિદ્વાન નીચેના વિષયોનો સમાવેશ કરે છે –
૧) દર્શન
૨) મંત્ર
૩) યંત્ર
૪) માયા યોગ
૫) પતંજલિ યોગ
૬) મંદિર નિર્માણ
૭) દેવ પ્રતિષ્ઠા વિધિ
૮) સંસ્કાર
૯) વર્ણાશ્રમ ધર્મ, અને
૧૦) ઉત્સવ.
જોકે ભારતના વિદ્વાનો પાંચરાત્ર પરંપરામાં જ્ઞાન, યોગ, ક્રિયા અને ચર્ચા પર વધારે ભાર મુકે છે. તેના ઉપાસ્ય દેવોમાં વિષ્ણુ, નારાયણ, વાસુદેવ, પુરુષોત્તમ, કેશવ અને ગોપાલ મુખ્ય છે. પાંચરાત્ર વિધિવિધાનો દ્વારા આ દેવોના ભક્તો પૂજન અર્ચન કરી સાંસારિક દુઃખોમાંથી મુક્તિ મેળવે છે. આ પરંપરામાં પુષ્કર સંહિતા મંત્ર, તંત્ર, પુરાણ અને ઇતિહાસને પણ સ્થાન આપે છે. શંકરાચાર્યના અદ્વૈતવાદને સંપૂર્ણ જાકારો આપવામાં આવ્યો છે.
પાંચરાત્ર પરંપરાનો તાત્વિક આધાર વ્યૂહ છે, જેને ચાર વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. પ્રથમ વિભાગ વાસુદેવ એ સાક્ષાત બ્રહ્મ છે. અન્ય ત્રણમાં સંકર્ષણ એટલે જીવસૃષ્ટિ, પ્રદ્યુમ્ન એટલે માનવીમાં રહેલું મન અને અનિરૂદ્ધ એટલે આપણું અહંકાર તત્વ છે. સાચા અર્થમાં તો આ ચાર ચતુર્વ્યુહ વિષ્ણુએ સર્જેલ સૃષ્ટિ છે. તેની ઉપાસના કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. વિષ્ણુની મૂર્તિ ચતુર્ભુજ રૂપ છે. તેની દક્ષિણ બાજુએ મુખ પર ઉગ્ર ભાવ ધરાવનારી મૂર્તિ સંકર્ષણની છે. તેની બીજી બાજુએ પ્રદ્યુમ્નની મૂર્તિ છે. અનિરૂદ્ધની મૂર્તિના હાથમાં ધનૂષબાણ છે. આગમ શાસ્ત્રમાં ભગવાન વિષ્ણુનાં ૧૧૬ નામ આપવામાં આવ્યાં છે, જેમાં દશ અવતારો અને તેના અંતિમ અવતાર તરીકે ભગવાન કલ્કિનું નામ મળે છે. પાંચરાત્ર પરંપરામાં આ દેવોની અર્ધાગિનીઓનાં ૩૮ નામોનો ઉલ્લેખ છે.
પાંચરાત્ર મંદિરોમાં જે વૈષ્ણવ તહેવારો અને ઉત્સવો ઉજવાય છે તેમાં અંકુર પ્રસ્ફૂટન, ધ્વજારોહણ, અમાવાસ્યની વિધિઓ આપવામાં આવી છે. દેવોની પૂજામાં નિત્ય અને નૈમિતિક કારણોથી કરવામાં આવે છે. તેના વ્રતોમાં અગીયારસ દરેક વૈષ્ણવ માટે ફરજિયાત છે. અન્ય વ્રતોમાં દેવપોઢી અને દેવઊઠી અગીયારસ છે. જયંતીઓ અને વાર્ષિક ઉત્સવો ભારે ઉત્સાહથી ઉજવાય છે.દરેક માસની પણ ઉજવણી થાય છે. જાગરણ વિધિ પણ એક મહત્વની વિધિ છે. વધારામાં તિલોત્સવ, તિર્થોત્સવ, દાન, પૂનમવ્રત, અને હોલિકોત્સવ પણ મહત્વના ઉત્સવો છે. પાંચરાત્ર પરંપરામાં વ્યક્તિએ કોઈ પણ વિધિ વિધાન કરતાં પહેલાં પોતાના દેહની ભૂત શુદ્ધિ, એટલે કે પવિત્ર બનવાની, વિધિ પણ ફરજિયાત છે. સ્વાધ્યાય અને યોગ પણ તેમાં ખાસ મહત્વ ધરાવે છે.
આ રીતે વૈષ્ણવ આગમ વિના હિંદુ પરંપરા અપૂર્ણ છે.
સૌજન્યઃ वैष्णव पांचरात्र आगम | લેખકઃ रामचार्य मिश्र
હવે પછીના મણકામાં આગમ શાસ્ત્રો પૈકી શિવાગમ અને અન્ય આગમો વિશે વાત કરીશું.
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
જળને વેડફવું એટલે જીવનને વેડફવું
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
કશું નવું નથી. ઊનાળો આવે એટલે ચોફેર પાણીની તંગીની બૂમો. જરા અમથો વરસાદ પડે કે ઠેરઠેર પાણી ભરાઈ જવું અને એના નિકાલની સમસ્યા. જળાશયોમાં વરસાદી પાણીની આવક થઈ હોય, પણ મહોરમ કે ગણેશ ચતુર્થી જેવા તહેવારો દરમિયાન કરાતું જળપ્રદૂષણ. ફરી પાછા ઊનાળે પાણીની તંગીની બૂમાબૂમ. આ ચક્ર સતત ચાલતું રહે છે. સરકારની આમાં જવાબદારી બનતી હોય તો પણ કેવળ એટલું પૂરતું નથી. કેમ કે, આમાં દોષ સરકારને દઈ શકાય, પણ એનાં છેવટનાં પરિણામનો ભોગ બનવાનું આપણા એટલે કે નાગરિકોના ભાગે આવે છે. જો કે, સરકાર જેવી સરકાર પોતાની જવાબદારીનો ઊલાળિયો કરી દેતી હોય, અને નાગરિકોને એમાં કશું અજુગતું ન લાગતું હોય ત્યાં
નાગરિકો પોતાની જવાબદારી સમજે અને એ મુજબ વર્તે એ અપેક્ષા વધુ પડતી લાગે છે.
એ હકીકત સૌ જાણે છે કે આપણી પૃથ્વી પર ત્રણ ભાગ પાણી અને એક ભાગ જમીન છે. સાથોસાથ એ પણ સૌ જાણે છે કે આ ત્રણ ભાગ પાણી પૈકીનું ૯૬ ટકા પાણી સાગરમાં છે. એટલે કે તે પીવાલાયક નથી. સમગ્ર પૃથ્વી પર પીવાલાયક પાણી માંડ ત્રણેક ટકા છે, જેમાંનું મોટા ભાગનું ગ્લેશિયર કે હિમાચ્છાદિત પ્રદેશોમાં તેમજ ભૂગર્ભમાં છે. આમ, એક ટકાથી પણ ઓછું પાણી સીધેસીધું ઊપયોગમાં લઈ શકાય એ માટે બચે છે.
એટલે ખરું જોતાં, સમગ્ર પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ સરખામણીએ ઓછું છે, એમાંય ભારત જેવા દેશમાં પાણી બહુ અગત્યનું અને અનિવાર્ય પરિબળ છે. આને હજી ટકાવારીની રીતે જોઈએ તો ભારતમાં વિશ્વની કુલ વસતિના ૧૮ ટકા લોકો વસે છે, અને વિશ્વભરના પીવાલાયક પાણીના કુલ જથ્થા પૈકીનો ચાર ટકા જથ્થો તે ધરાવે છે. આને કારણે જળની અસમાન વહેંચણી થાય એ સ્વાભાવિક છે. એક તરફ શહેરો વધુ ને વધુ ગીચ બની રહ્યાં છે અને ત્યાં પીવાના પાણીની સમસ્યા સૌથી મોટી છે.
Earth.org નામની વેબસાઈટ પર્યાવરણને લગતી વિવિધ બાબતો, સમસ્યાઓ અને તેના ઊકેલની ચર્ચા કરતું એક વૈશ્વિક પ્લેટફોર્મ છે. જળજાળવણી નિષ્ણાત અને અર્બન પ્લાનર એવા વિશ્વનાથ શ્રીકાન્તૈયા સાથે બેંગ્લોર શહેરના જળ આયોજન વિશે અર્થપૂર્ણ વાર્તાલાપ અહીં કરાયો છે, જે અનેક રીતે આંખ ઊઘાડનાર બની રહે છે.
સૌ પ્રથમ તો આ ચર્ચા બેંગ્લોરકેન્દ્રી શા માટે એ સમજવું જરૂરી છે. બેંગ્લોર આપણા દેશનું ત્રીજા નંબરનું સૌથી ગીચ શહેર છે, જેની વસતિ ચૌદ કરોડથી વધુ છે. તીવ્ર જળસંકટની અહીં નવાઈ નથી. જળસમસ્યા પર કામ કરવા માટે આનાથી વધુ લાયક સ્થળ કયું હોઈ શકે!
વિશ્વનાથ દ્વારા કેટલીક મૂળભૂત બાબતોની સ્પષ્ટતા કરવામાં આવી છે, જે સમજણને બરાબર ઊઘાડી આપે એવી છે. તેમણે બે પ્રકારની અર્થવ્યવસ્થાની વાત કરી છે: રેખીય (લીનીઅર) અને વર્તુળાકાર (સર્ક્યુલર). રેખીય અર્થવ્યવસ્થા રેખાની જેમ સીધી લીટીમાં હોય છે, જેમાં ‘બનાવો, ઊપયોગ કરો અને નિકાલ કરો’નો અભિગમ હોય છે. એટલે કે આમાં સંસાધનોના ઊપયોગથી ઉત્પાદન મેળવવામાં આવે છે, તેનો ઊપયોગ કરવામાં આવે છે અને છેલ્લે તેનો કચરા તરીકે નિકાલ કરવામાં આવે છે. આનો અર્થ એ કે આ વ્યવસ્થામાં પાછા ફરવાપણું હોતું નથી. સંસાધન ખર્ચાઈ જાય છે, અને છેલ્લે એ કચરા તરીકે ફેંકાઈ જાય છે. આ બન્ને તબક્કા વચ્ચે આવતો ઊપયોગનો તબક્કો ઘણી વાર સાવ ઓછો હોઈ શકે એમ બને. આનો અંત એક યા બીજા પ્રકારના પ્રદૂષણમાં પરિણમે છે.
વર્તુળાકાર વ્યવસ્થામાં આનાથી વિરુદ્ધ બાબત હોય છે. તેમાં કોઈ પણ વસ્તુનો ઊપયોગ શક્ય એટલા વધુ સમય સુધી કરાતો રહે છે. ઊપયોગ, મરમ્મત, પુનરુપયોગ તેનાં મુખ્ય પાસાં છે. એ રીતે આ આખી પ્રણાલિ વર્તુળાકાર બની રહે છે.
રસપ્રદ બાબત એ છે કે પાણી આવી વર્તુળાકાર પ્રક્રિયા થકી વહે છે, જેને હાઈડ્રોલોજિકલ સાયકલ અથવા તો જળચક્ર કહે છે. પહેલાં એને સાદી પરિભાષામાં સમજીએ. આપણે સૌ જાણીએ છીએ કે તાપમાન વધે એમ જળાશયમાંથી પાણીનું બાષ્પીભવન થાય છે. એ જ રીતે વૃક્ષો અને વનસ્પતિનાં પાંદડામાંથી પણ બાષ્પોત્સર્જન થાય છે. તાપમાન ઘટતાં આ બાષ્પનું ઘનીભવન થાય છે, તેનું કદ વધે છે અને વાદળાં બંધાય છે, જે છેવટે વરસાદ, હિમવર્ષા કે કરાવૃષ્ટિ થકી પાછું પૃથ્વી પર વરસે છે. આ રીતે વરસેલા પાણીથી જળાશયોમાં તેમજ ભૂગર્ભમાં જળસ્તર વધે છે.
આ વરસેલા પાણીને બે શ્રેણીમાં વિભાજીત કરવામાં આવ્યું છે. ભૂગર્ભજળ ‘રિચાર્જ’ થઈ શકે એટલે ઊંડે ન ઉતરતું, જમીનમાં સંઘરાયેલું પાણી ‘ગ્રીન વોટર’ કહેવાય છે, જે ઊપયોગમાં લઈ શકાતું નથી. પૃથ્વીની સપાટી પર વિવિધ જળાશયોમાં સંઘરાયેલું પાણી ‘બ્લુ વોટર’તરીકે ઓળખાય છે, જેમાં નદીઓ, તળાવ-સરોવરો, બંધનાં જળાશયો, ખડકોમાં સંઘરાયેલાં પાણી વગેરેનો સમાવેશ થાય છે. ટૂંકમાં કહીએ તો આ પાણીને માનવ ઉપયોગમાં લઈ શકે છે.
આ જળચક્રમાં વનસ્પતિનું પ્રદાન ઘણું હોય છે. તેઓ પોતાનાં મૂળિયાં દ્વારા જમીનનો ભેજ શોષે છે અને પાંદડા દ્વારા બાષ્પનું ઉત્સર્જન કરે છે. એટલે કે જળચક્રમાં ભેજ જાળવવાના અને વરસાદી પાણીના વહી જવાના દરને તે નિયંત્રીત કરે છે.
આ આખું ચક્ર હવે ખોરવાઈ ગયું છે. માનવીય ગતિવિધિ અને હવામાન પરિવર્તનને કારણે તેની પર ગંભીર અસર થઈ છે, અને સરવાળે એનાથી માનવજીવન અસરગ્રસ્ત થઈ રહ્યું છે. સતત વધતા જતા શહેરીકરણની વિપરીત અસર આની પર થતી રહી છે અને થતી રહેવાની.
આનો કોઈ ઊકેલ ખરો? એ વિશેની વાત આગામી સપ્તાહે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૫-૦૭– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
