વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • આપણું જ આગવું ચોમાસું : ઝરણું ૬

    વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી

    પાણીની અસમાન વહેંચણી

    પરેશ ૨. વૈદ્ય

    દેશની નૈઋત્યમાં અરબી સમુદ્ર તરફથી અને અગ્નિ ખૂણે બંગાળના ઉપસાગર તરફથી આવી ચોમાસાના બે ફાંટા ધીમે ધીમે આગળ વધી દેશના બધા વિસ્તારોમાં ફરી વળે છે તે આપણે જોયું. અહીં આશ્ચર્યની બાબત તેનું સમય પાલન છે. ચોમાસું બેસવાની તારીખો ઠીક ઠીક નિશ્ચિત છે. ખેતીપ્રધાન દેશ હોવાને કારણે કેરાળામાં મલબાર કાંઠે એ જો પહેલી જૂને પહોંચી આવે તો માત્ર હવામાન શાસ્ત્રીઓ જ નહીં પરંતુ દેશના નાણાપ્રધાનથી માંડી તે ખેડૂતો સુધી બધા જ નિરાંતનો દમ લે છે. અહીં ચિત્ર ૮માં ચોમાસું આગળ વધવાની તારીખો બતાવી છે. છેલ્લાં સાઠ વર્ષની માહિતી પરથી વિવિધ ઠેકાણે ચોમાસું બેસવાની સરેરાશ તારીખો નક્કી કરાઈ છે. કેરાળાથી પહેલાં આંદામાનમાં ૨૫મી મે એ પહેલો વરસાદ થઈ જાય છે, પરંતુ પહેલી જૂનની એની કેરળ સાથેની એપોઈન્ટમેન્ટ જાણે એક કિંવદંતી જેવી સ્થાપિત થઈ ગઈ છે. ગોવામાં ૬ જૂન અને મુંબઈમાં ૧૦ જૂન એ પણ જાણે ‘લેન્ડમાર્ક’ તારીખો છે. ૧૦ થી ૧૫ જુલાઈ સુધી એ આખા દેશને ફરી વળે છે.

    ચોમાસું બેસવાની સરેરાશ તારીખો

    ભાતીગળ પ્રદેશો :

    આમ છતાં એવું નથી કે આખા દેશમાં સરખો વરસાદ પડતો હોય. દેશ એટલો મોટો છે કે તેમાં નૈસર્ગિક વાતાવરણના અનેક પ્રકારો જોવા મળે છે. ઉત્તર અને મધ્યભારતમાં કરોડો લોકોએ જિંદગીમાં સમુદ્ર જોયો નથી હોતો. તો ગંગાના મેદાન અને તમિલનાડુના અમુક વિસ્તારમાં લોકોએ ટેકરીથી ઊંચો ડુંગર નથી જોયો હોતો. ક્યાંક બરફ પડે છે તો બીજી બાજુ એવી પણ જગ્યાઓ છે જ્યાં ઉષ્ણતામાન ૨૨સે.થી નીચે નથી જતું. આસામના લોકોને રાજસ્થાનનાં રણની કલ્પના કરવી મુશ્કેલ છે.

    આ પ્રાદેશિક વિવિધતાને કારણે સ્થાનિક હવામાન પણ જુદાં જુદાં છે. વાદળાંને ઠરીને વરસવા માટે જોઈતાં ભેજ, ઉષ્ણતામાન અને હવાના પ્રવાહો દરેક જગ્યાએ એક સમાન નથી. ચોમાસાના બંને ફાંટા સરખા હોવા છતાં વરસાદ એક સમાન નથી. એમ પણ જોવા મળે છે કે એકનાં એક સ્થળે પણ વરસો-વરસ જુદાં પ્રમાણમાં વરસાદ થતો હોય છે.

    નૈઋત્યના પવનોનો ફાંટો ભેજથી લબાલબ સૌ પહેલાં પશ્ચિમઘાટની હારમાળાને મળે છે. એટલે સમુદ્ર અને પહાડ વચ્ચેની પટ્ટીને (અને કાંઠા નજીકના સમુદ્રને) ખૂબ વરસાદ મળે છે. મુંબઈ શહેર અફાટ રીતે વધ્યા કરતું હોવા પાછળ આ પર્યાપ્ત પાણીનો પણ ફાળો છે. પરંતુ આ પહાડો પાર કર્યા પછી વાદળોની વરસવાની વૃત્તિ ઘટતી જાય છે. પૂર્વમાં પૂર્વઘાટ પાસે પણ ઓરિસ્સાને સારો વરસાદ મળે છે પણ ઘાટની પેલે પાર ઘટે છે. ગુજરાતની વાત કરીએ તો પશ્ચિમઘાટ તેની દક્ષિણની સરહદ પાસે પૂરો થઈ જાય છે. તેનો લાભ થોડો સુરત સુધી મળે છે. પરંતુ તે પછી ગિરનાર સિવાય મોટા પર્વત નથી. એટલે ક્રમશઃ વરસાદ ઉત્તર તરફ ઘટતો જાય છે. ગિરનારનો લાભ દક્ષિણ સૌરાષ્ટ્રને જરૂર મળે છે.

    કચ્છરાજસ્થાન કોરાં કેમ ?

    આખા દેશને ઓછો-વત્તો વરસાદ મળે અને તે મેઘનો ઉત્સવ મનાતો હોય છે ત્યારે કચ્છ અને રાજસ્થાનના લોકો માત્ર આકાશને તાકતા હોય છે. કંઈક અંશે બનાસકાંઠા અને સૌરાષ્ટ્રનો ઉત્તર ભાગ પણ એવી જ સ્થિતિમાં હોય છે. ચોમાસું બેસવાની તારીખો માત્ર કાગળ ઉપર જ છે. ટાઈમટેબલ હોય પરંતુ ટ્રેન જ ન આવતી હોય તેવી હાલત અહીં હોય છે. નૈઋત્યનો પ્રવાહ જે રીતે અમુક ખૂણે જમીન પર દાખલ થાય છે (ચિત્ર- ૯), તે કૂચને ડાબે છેડે કચ્છ રહી જાય છે. એ જ માર્ગ આગળ જતાં પશ્ચિમ રાજસ્થાનને ડાબે છોડતો જાય છે, જ્યાં જેસલમેર, બારમેર આવેલાં છે. તમિલનાડુમાં પણ કન્યાકુમારીની ઉત્તરે થોડો વિસ્તાર આવો છે. કચ્છ ઉપર વાદળ હોય તો પણ વરસતાં નથી. અહીં એક ખાસ પ્રકારનાં અતિશય સૂક્ષ્મ જળબિંદુ વરસે છે, જેને ‘મચ્છરિયા છાંટા’ કહે છે. એક કલાક તેમાં ઊભા રહો તો પણ ભીનાં ન થવાય. ઉપર તરફ જતી હવા ગુરૂત્વાકર્ષણને જીતવા નથી દેતી.

    કચ્છને કોરાં મૂકી જતાં વાદળો

    ભૌગોલિક સ્થાન અને ઉપરના થરના પવનોની દિશાના કારણે ચોમાસાને અહીં કેટલું આળસ છે તે ચિત્ર ૮માં તારીખો જોતાં પણ સમજાશે. ચાર દિવસમાં ગોવાથી મુંબઈનું ૪૫૦ કિ.મી.નું અંતર કાપતો પ્રવાહ રાજકોટથી બન્ની વચ્ચેના દોઢસો કિલોમીટરને ૧૫ દિવસ લગાડે છે ! તેટલો જ વખત અજમેરથી જેસલમેર જવામાં લાગે છે. ઘણીવાર એવું બને છે કે કચ્છ અને રાજસ્થાનને બંગાળના ઉપસાગરવાળા પ્રવાહથી સારો વરસાદ મળે છે. ત્યારે નૈઋત્યને બદલે પૂર્વમાંથી વરસાદ થાય છે, જે ‘લૉ પ્રેસર’ પ્રણાલી આટલે દૂર આવી જવાથી થયો હોય છે. એને નથી તારીખનું બંધન, નથી પ્રમાણનું. ૨૦૦૮માં આવા ફિરકાથી રાજસ્થાનમાં એટલો વરસાદ થયો કે મહિના સુધી ભરાયેલું પાણી ઉતર્યું જ નહીં ! જો શક્તિશાળી ફિરકા ન હોય તો છેક ઓરિસ્સાથી દાખલ થતા ભેજમાંથી રાજસ્થાન પહોંચતાં સુધી શું બચ્યું હોય ?

    વિદાયની તારીખો :

    ચોમાસાનું આગમન જેટલું નિયત તારીખોએ થાય છે તેટલી ચોકસાઈ તેના પૂરાં થવાની તારીખોમાં નથી. તો ય તેનું અંદાજે સમયપત્રક છે ખરું. ચિત્ર ૧૦ માં નકશામાં આ તારીખો બતાવી છે. ચોમાસું પૂરું થવું એટલે પવનોની દિશા બદલવી. ઉત્તર ગોળાર્ધમાં આપણો શિયાળો એટલે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો. એટલે હવે મહાસાગર તરફથી ભારત તરફ પવનો વાવાને કોઈ કારણ નથી રહેતું. પવનોની દિશા પલટાય છે; હવે ઉત્તર તરફથી પવનો શરૂ થશે. દક્ષિણ ભારતમાં તામિલનાડુને આ દિશાના પવનોથી પણ વરસાદ મળે છે, કારણ કે એ પવનો બંગાળના ઉપસાગર પરથી આવે છે તેથી ભેજ લાવે છે. તે સિવાય હવે ચોમાસું પૂરું થયું. જો વરસાદ થાય તો માવઠાંનો હશે.

    ચોમાસું પાછું હટવાની તારીખો

    ચિત્રમાં વરસાદ હટવાની આ તારીખો ઉત્તર તરફથી શરૂ થાય છે. જ્યાં ચોમાસું છેલ્લે પહોંચેલું તે રાજસ્થાનમાંથી તે પહેલું હટે છે. તે પછી ગુજરાતમાંથી, મહારાષ્ટ્રમાંથી અને છેવટે કેરળમાંથી સ્વાભાવિક છે કે કેરળમાં સૌથી લાંબુ ચોમાસું થયું. (તામિલનાડુની ડિસેમ્બર જાન્યુઆરીની તારીખો શિયાળુ ચોમાસું પૂરું થવાની છે; તેને ગણતરીમાં ન લેવી.)

    દરેક સ્થળે ચોમાસું આવવા અને જવાની તારીખો વચ્ચેનો ગાળો ત્યાં ચોમાસાની લંબાઈ આપે. જેમ ઉત્તર તરફ જતા જાઓ તેમ આ ગાળો ઘટતો જાય છે. જેમ ચોમાસું ટૂંકું તેમ વરસાદ ઓછો હોય તે સ્વાભાવિક છે. અહીં કોષ્ટક-૩માં દેશના જુદા જુદા પ્રદેશો માટે આ માહિતી આપી છે.

    : કોષ્ટક:
    ચોમાસાંનો ગાળો અને વરસાદની માત્રા
    પ્રદેશ ચોમાસાનો ગાળો સરેરાશ વરસાદ
    સે.મી. ઇંચ
    રાજસ્થાન પશ્ચિમ રાજસ્થાન દોઢ મહિનો ૧૫
    પૂર્વ રાજસ્થાન ૨૫ ૧૦
    કચ્છ સવા બે મહિના ૩૦ ૧૨
    સૌરાષ્ટ્ર ઉત્તર ત્રણ મહિના ૪૦ ૧૬
    દક્ષિણ ૬૦ ૨૪
    દક્ષિણ ગુજરાત વડોદરા સાડા ત્રણ મહિના ૧૦૦ ૪૦
    સુરત ૧૫૦ ૬૦
    મુંબઈ સાડા ત્રણ મહિના ૨૩૦ ૯૦
    .પ્રદેશ, બિહાર સાડા ત્રણ મહિના ૧૦૦ ૪૦
    ઓરિસ્સા ચાર મહિના ૧૫૦ ૬૦
    ગોવા, કેરળ સાડા ચાર મહિના ૨૫૦ ૧૦૦
    ઈશાનનાં રાજ્યો સાડા ચાર મહિના (વિવિધ) ૪૦૦/૧૦૦૦ ૧૫૦/ ૪૫૦
    ભારત દેશ ૮૮ ૩૫

                       એ ધ્યાનમાં રાખવા જેવું છે કે ‘સરેરાશ’ એ ઠગારો આંકડો છે. એક વર્ષે ૧૫ સે.મી. (૬”) વરસાદ હોય અને બીજે વરસે ૪૫ સે. મી. (૧૮”) હોય તો સરેરાશ ૩૦ સે.મી. (૧૨”) ગણાય છે, પરંતુ તેથી ખરી માહિતી નથી મળતી. આથી વિજ્ઞાનિકો આંકડાશાસ્ત્રમાં વપરાતો બીજો પ્રાચલ (Parameter) જુએ છે. તેને ‘પ્રમાણિત વિચલન’ (Standard Deviation) કહે છે. વર્ષોવર્ષના આંકડામાં થતો ફેરફાર જો સરેરાશ મૂલ્યની નજીક હોય તો વિચલન ઓછું ગણાય છે. જેમ કે ભારતના ચોમાસાંના સરેરાશ વરસાદ ૮૮ સે.મી.માં પ્રમાણિત વિચલન ૮.૪ સે.મી. જેટલું છે. કમનસીબે એવું બને છે કે જ્યાં વરસાદ વધારે હોય તે સ્થળોએ વરસોવરસના ફેરફાર પ્રમાણમાં ઓછા હોય છે પણ ઓછા વરસાદના વિસ્તારોમાં આ વિચલન વધારે હોય છે.

    કુદરત તરફથી આ બે બાજુની માર છે. આનો વાસ્તવિક દાખલો જોઈએ. ભારતીય હવામાન ખાતાંએ હિમાલય સિવાયના પ્રદેશોને પાંચ સબ ડિવિઝનમાં વહેંચ્યો છે. જેને સેન્ટ્રલ નોર્થ ઈસ્ટ (મધ્ય ઈશાન ભારત) કહે છે, તેમાં ઓરિસ્સાથી બિહાર લગીના પ્રદેશો આવે છે. ત્યાં સરેરાશ ચોમાસું વરસાદ ૧૦૦ સે.મી. છે અને પ્રમાણિત વિચલન ૧૧ ટકા છે. તેથી વિરુદ્ધ ગુજરાત જેમાં આવે તે વાયવ્ય ભારત (પંજાબ પર્યંત)ની સરેરાશ વરસાદ માત્ર ૫૦ સે.મી. છે. પરંતુ વિચલન ૨૩ ટકા છે ! માત્ર કચ્છનું વિચલન ૪૦ ટકાથી વધારે છે. એટલે અહીંની પ્રજાને માટે વરસાદના આધારે જીવવું મુશ્કેલ હોય. એ માત્ર અછતના કારણે નહીં પરંતુ જિંદગીની અનિશ્ચિતતાના કારણે. મારવાડીઓ અને કચ્છીઓની મોટી સંખ્યા પોતાનાં વતનની બહાર શા માટે દેખાય છે તેનું કારણ આ છે.

    દેશની વાત :

    ભારત વિશાળ દેશ છે અને જુદી જુદી ભૌગોલિક રચનાવાળા પ્રદેશો તેમાં આવેલા છે. આથી બધે એક સરખો વરસાદ થાય તેવી તો અપેક્ષા ન જ હોય. એક કાચા અંદાજ તરીકે એમ કહી શકાય કે દેશના ત્રીજા ભાગમાં વાર્ષિક સરેરાશ વરસાદ ૧૨૫ સે.મી. (૫૦ ઈંચ) કરતાં વધારે છે. પછીના એક તૃતીયાંશ ભાગમાં ૭૫ અને ૧૨૫ સે.મી. વચ્ચે (૩૦” થી ૫૦”) વરસાદ છે; અને છેલ્લા ત્રીજા ભાગમાં ૭૫ સે.મી. કરતાં પણ ઓછી સરેરાશ છે. (આખા દેશની સરેરાશ ૧૧૫ સે.મી. છે. તેમાંથી ૮૮ સે.મી ચોમાસામાં પડે.)

    વિવિધ પ્રદેશોમાં વરસાદ ઓછો-વત્તો વિવિધ પ્રદેશોમાં પડવા છતાં આખા દેશના એકંદર વરસાદમાં ફેરફાર ઓછો દેખાય છે. કારણ કે સૂકા અને વર્ષાળ વિસ્તારોના આંકડા સરભર થઈ જાય છે. વિશાળ વિસ્તાર હોવાથી વિચલન પણ ઓછું દેખાય છે. આખા દેશમાં કુલ જેટલું પાણી વરસે તેને દેશનાં ક્ષેત્રફળથી ભાગી નાંખવાથી સરેરાશ વરસાદનો આંકડો મળે છે. (વરસાદની માપણીની રીત પ્રકરણ-૭માં જોઈશું). કોષ્ટક-૪માં તાજેતરનાં દશ વર્ષના ભારતના વરસાદના આંકડા છે. અહીં ચોમાસાના તેમ જ આખાં વર્ષના, એમ બે આંકડા આપ્યા છે. ચોમાસાના ચાર મહિના ઉપરાંત પણ ઠીક ઠીક પ્રમાણમાં વરસાદ પડે છે તે સ્પષ્ટ છે. તમિલનાડુમાં જેમ શિયાળુ ચોમાસું છે તેમ ઉત્તર ભારતમાં પણ શિયાળામાં વરસાદ પડે છે, ભલે તેને ચોમાસું નથી કહેવાતું. આપણે ત્યાં પણ માવઠાં થતાં જ હોય આ બધાં માટે ભેજ પશ્ચિમ અને વાયવ્યમાંથી દેશની બહારથી આવે છે જેને “વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ” કહે છે.

    : કોષ્ટક૪ :
    વરસાદના દશ વર્ષના આંકડા
    વર્ષ ચોમાસુ

    વરસાદ

    (મિ.મી.)

    વાર્ષિક

    વરસાદ

    (મિ.મી.)

    ૨૦૦૭ ૯૪૭ ૧૧૬૦
    ૨૦૦૮ ૮૮૨ ૧૧૦૦
    ૨૦૦૯ ૭૦૨ ૯૨૭
    ૨૦૧૦ ૮૮૬ ૧૧૭૦
    ૨૦૧૧ ૯૦૩ ૧૦૮૦
    ૨૦૧૨ ૮૦૫ ૯૯૪
    ૨૦૧૩ ૯૪૭ ૧૨૨૯
    ૨૦૧૪ ૭૩૬ ૯૫૯
    ૨૦૧૫ ૭૨૮ ૯૭૮
    ૨૦૧૬ ૮૯૫ ૧૦૧૬

    જોઈ શકાય છે કે ૨૦૦૯નું વર્ષ ખરાબ હતું. છેક ઈ.સ. ૧૮૯૯ પછી પહેલી વાર આટલો ઓછો વરસાદ હતો. (ગુજરાતમાં ૧૮૯૯ને છપ્પનીયો દુકાળ કહેવાયો હતો. તે કદાચ ઘણા વાંચકોને ખ્યાલ હોય). તે પછી ૨૦૧૫ પણ દુષ્કાળનું (નબળાં ચોમાસાંનું) વર્ષ હતું. સમગ્ર દેશમાં જ ઓછો વરસાદ પડે તેની પાછળ વિશ્વસ્તરનાં કારણો જવાબદાર હોય છે. તેની વાત પ્રકરણ-૧૨માં કરીશું. વર્તમાનમાં વધુ ચિંતા વૈશ્વિક ઉષ્મનને કારણે વરસાદની માત્રામાં થતા આત્યંતિક ફેરફારોની છે. તેની પણ વાત કરીશું.


    ક્રમશઃ


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

  • કાર્ટૂનકથા (૨૫)

    બીરેન કોઠારી

    આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્‍દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

    ‘વારેવા’ના  પચીસમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયું હતું.

    વાર્તાવ્યંગ્ય

     

    (વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

     

  • હૈયું પરબીડિયું

    દેવિકા રાહુલ ધ્રુવ

    હૈયાંનાં પરબીડિયાંમાં લાગણીની ગડીઓ. આહાહાહા… વાંચવાનો કેવો આનંદ? માત્ર વાંચવાનો જ નહિ,અનુભવવાનો પણ.

    આ બંને શબ્દો, હૈયું અને પરબીડિયુ – કેટકેટલાં ચિત્રો,ભાવો અને અર્થો ઊભાં કરે છે! ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેણે હૈયાંની વાતો ન કરી હોય કે  કાગળ પર ઠાલવી, પરબીડિયામાં બીડીને રવાના ન કરી હોય. આ બંને શબ્દો વિશે જરા ઊંડાણમાં વિચારીએ.

    પ્રથમ હૈયું શબ્દ અંગે વિચારીએ તો એ મૂળે સંસ્કૃત શબ્દ છે, હૃદ્. એટલે કે કોઈપણ વસ્તુનું હાર્દ. તેના ઉપરથી હૃદય શબ્દ બન્યો. તે વળી પ્રાકૃતમાં ‘હિયઅ’માંથી હૈયું બની ગુજરાતી સંસ્કરણ પામ્યો. હૈયું નાન્યતર જાતિનો શબ્દ છે. તેના પર્યાયી શબ્દો પણ ઘણા છે. દા.ત. હૈડું, મન, દિલ, અંતઃકરણ,હૃદય વગેરે. સંસ્કૃત શબ્દકોશ જણાવે છે તે મુજબ જ્યાંથી લોહી શરીરમાં ધકેલાય છે તે અવયવ. સૌ જાણે છે તેમ વૈજ્ઞાનિકોએ તેના આકારને પણ વિગતે સમજાવ્યો છે. જગતના તમામ ચેતન જીવોમાં એનું કેટલું મોટું સ્થાન અને કામ છે.

    એ વાત તો શારીરિક રોજીંદી ક્રિયાઓની. પણ તે ઉપરાંત તેના ભાવો તો કેવા કેવા અને કેટલા બધા? તેના ગમા- અણગમા, સુખ,દુઃખ, હર્ષ- શોક, વેદના, પીડા અનેકવિધ લાગણીઓ પણ અઢળક. વળી જે તે ભાવ મુજબ એની માત્રા પણ વધતી-ઓછી ખરી જ.  સાચે જ હૈયું એક વિસ્મય છે અને રહસ્ય પણ છે જ. આધુનિક યુગના માનવીએ ઘણી શોધખોળો કરી,ખૂબ પ્રગતિ કરી પણ હજી સુધી આ હૈયાંની ચાંપ  ક્યારે ખુલે છે અને ક્યારે બંધ થાય છે એની કોઈનેય ક્યાં ખબર પડી છે. એટલે એક રીતે તો હૈયાંની આસપાસ જ જગત છે અને જીવન છે, સંબંધ છે અને સગપણ છે, લગાવ છે અને અભાવ છે. તો વળી તેને કારણે જ તો સ્વભાવ છે અને પ્રભાવ પણ ખરો જ. હૈયાંમાં પ્રણય હોય,ઝંખના હોય,વાત્સલ્ય અને સ્નેહ, કાળજી અને કરુણા, ઝુરાપો અને અજંપોયે હોય. આમ એનું વૈવિધ્ય છે. એટલે જ વ્યવહાર જગતમાં જાતજાતના રુઢિપ્રયોગો વહેતા થયા અને કહેવતો પણ વપરાશમાં આવવા લાગી. કેટલાંક ઉદાહરણો જોઈ જ લઈએ.

    હૈયું કબૂલ કરતું નથી, હૈયું ખાલી કરવું, હૈયું કઠણ કરવું, હૈયું ટાઢું હિમ હોવું, હૈયું બાળ્યા કરતાં હાથ બાળવા સારા, હૈયું ફૂટી જવું, હૈયું ફાટી જવું, હૈયું ખોલવું, હૈયું ભરાઈ આવવું, હૈયું હાથ ન રહ્યું, હૈયું ઠાલવવું, હૈયે હોળી સળગવી, હૈયું કહ્યું ના કરે એવું, હૈયે છે પણ હોઠે નથી, હૈયું હળવું ફૂલ થયું, હૈયે ટાઢક વળી, હૈયું કેસૂડાંનું ફૂલ, હૈયે રામ વસવા…. વગેરે વગેરે..

    હૈયાંની આવી લાગણીઓ ગડી વાળીને થપ્પી બંધ કેવી ગોઠવાતી હશે તે તો એ જ જાણે પણ એ જ્યારે બહાર ઠલવાય અને એને ભેગી કરીને એક પરબીડિયામાં ભરી, ઇચ્છિત જગાએ પહોંચાડવામાં આવે ત્યારે સુખ કે દુઃખની જે જે ઊર્મિઓ પ્રતિભાવ પામે તે જાણે બીજું એક હૈયું બની ઉભરાય! કેવી રોમાંચક ક્ષણો! એટલે જ કવિઓ કહે છે કે, હૈયાંનાં પરબીડિયાંમાં લાગણીની ગડીઓ.

    આ પરબીડિયું શબ્દ પણ હૈયાંની જેમ નાન્યતર જાતિનો છે. તેમાંથી પણ એક વાત ફલિત તો થાય જ છે કે, જીવમાત્રનાં એ સ્પંદનો છે. માત્ર સ્ત્રી કે પુરુષો કે માનવીનો નહિ પણ પ્રત્યેક જીવને એના તમામ ગુણધર્મો લાગુ પડે છે.’ ધૂમકેતુ’ની ‘પોસ્ટઓફિસ’ વાર્તા યાદ આવી ગઈ. ત્યાં બેસીને અલીડોસો કંઈ કેટલાંયે પરબીડિયાં રોજ જોતો હતો. પોસ્ટઓફિસની નજરે તો એ માત્ર સામાનનો ઢગલો હતો. કાગળના કવરો હતાં અને ઉપર લખેલાં સરનામા મુજબ એ ખરી જગાએ પહોંચાડવાના હતાં. પણ અલીડોસો તો ક્યારે પરબીડિયું પોતાના હાથમાં આવે અને એમાં છલકાયેલ હૈયું ખોલવાની પ્રતીક્ષામાં હતો. એના હૈયાંને એક પરબીડિયાં સાથે ઘેરો નાતો હતો. જે કવરો ટપાલખાતાના કર્મચારીઓ માટે માત્ર એક કામ હતું તે જ પરબીડિયું તો એનું હૈયું હતું! ઝુરતું હતું.એમાંના ભાવો/પ્રતિભાવો વચ્ચે ઝુલતું હતું.

    ઘણીવાર આ બંને શબ્દો કોઈ ગહન વિચારો તરફ દોરી જાય છે. પ્રત્યેક માનવીની અંદર એક ખાસ પ્રકારનું પેકીંગ કરીને, કાયાના પરબીડિયામાં ગોઠવીને, સુપ્રીમ પાવરે પૃથ્વી પર રવાના કર્યું છે. એ રોજ ધબકે છે. જાણે કે ખુલે છે અને મોકલનારને એનાં પ્રતિભાવો ( કર્મોના) પહોંચે છે. ને વળી એ પણ કેટલો મોટો એકાઉન્ટન્ટ કે દરેકનો બરાબર હિસાબ રાખે છે અને કોઈને કોઈ રીતે વળતો જવાબ પણ પાઠવે છે! ખૂબીની વાત તો એ છે કે, દરેકને પોતાનું જ પરબીડિયું વહાલું લાગે છે! બાકી આમ જોઈએ તો પરબીડિયાં પણ કેટકેટલી જાતનાં,અલગ અલગ આકારનાં, વિવિધ રૂપ અને રંગનાં. વિશ્વભરના માનવીઓનું-અરે, જીવમાત્રનું પણ એ જ છે ને? કેટકેટલું વૈવિધ્ય? છતાં દરેક પરબીડિયાનો ધબકાર,એની ભીતરના હૈયાંની જેમ જ એકસરખો. ત્યાં કોઈ ભેદભાવ નથી,પૂર્વગ્રહો નથી, કોઈ વાડાબંધી નથી.હા, એમાં છૂપાયેલા ભાવો/પ્રતિભાવો જુદા;બરાબર હૈયાંની જેમ જ ! તેથી જ સવારના પહોરમાં વાંચવામાં આવેલું પેલું વાક્ય “હૈયાંનાં પરબીડિયાંમાં લાગણીની ગડીઓ” મનમાં એકદમ અંકિત થઈ ગયું. ને વિચારો જરા જુદી રીતે સરકતા ચાલ્યા; સવાલો પર સવાલો જાગ્યા કે, કાયાનાં પરબીડિયાંમાં હૈયાનો ધબકાર ? કે હૈયું જ પરબીડીયું?  શ્રી જયંત પાઠકની સુંદર પંક્તિઓમાં જ જવાબ સાંપડે છે.

    પત્રો જૂના અણમૂલ ખજાનો ગણી સાચવેલા,
    પાને પાને ઊકલતી કશી લાગણીની ગડીઓ !
    વર્ણે વર્ણે વિભવ ઉર ને ચિત્તના ઠાલવેલા,
    નાનાંમોટાં સુખદુ:ખ તણી સુપ્ત જેમાં ઘડીઓ.

    કેવાં કેવાં વચન પ્રણયાનંદનાં ને વ્યથાનાં :
    આખાં હૈયાં પરબીડિયું થૈ કાળ ને સ્થાન કેરાં
    વીંધીને અંતર અહીં સુધી લાવતાં લોક છાનાં
    ઊનાં આંસુ તણું લવણ ને લાસ્ય આનંદપ્રેર્યાં !

    અસ્તુ.


    Devika Dhruva – ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com

  • વિદેશ વસવાટનો સ્વર્ણિમ પરવાનો: હમ તો ચલે પરદેશ….

    નિસબત

    ચંદુ મહેરિયા

    સમાચાર સંસ્થા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા(પીટીઆઈ)ના હવાલાથી દેશભરના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાએ સંયુક્ત અરબ અમીરાતમાં કશી શરત વિનાના નોમિનેશનબેસ્ડ ગોલ્ડન વિઝાના ન્યૂઝ પ્રગટ કર્યા હતા. એક લાખ દિરહામ કે લગભગ ત્રેવીસ લાખ રૂપિયામાં UAE (UNITED ARAB EMIRATES ) માં કાયમી વસવાટના સ્વર્ણિમ પરવાનાના આ સમાચારે ‘ હમ તો ચલે પરદેશમાં’  જીવતા ભારતીયોનો એક વર્ગ ખુશખુશાલ હતો. પરંતુ તેમની ખુશી ઝાઝી ના ટકી. કેમ કે થોડા દિવસ પછી યુએઈ સરકારે આ સમાચાર ધરાર ખોટા હોવાનું અને તેમની હાલની ગોલ્ડન વિઝાની સશર્ત પોલિસીમાં કોઈ ફેરફાર ન હોવાનું જણાવ્યું હતું. ૨૩ લાખમાં વિઝાના સમાચારો જેના થકી પ્રસર્યા હતા તે રયાદ ગ્રુપ( RAYAD GROUP) નામક યુએઈની કન્સલટન્સી ફર્મે પણ માફી માંગી છે. જોકે સરકારે તેના પર ખોટા સમાચાર પ્રસારિત કરવા બદલ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    જે લોકો પોતાનો દેશ છોડીને લાંબા સમય માટે કે કાયમી બીજા દેશમાં વસવાટ  કરવા માંગે છે તેમને આપવામાં આવતો પરવાનો એટલે ગોલ્ડન વિઝા. સરળ ભાષામાં કહેવું હોય તો  પૈસાવાળાને મોટા રોકાણ બદલ બીજા દેશમાં સ્થાયી વસવાટ માટેની મંજૂરી. સ્વર્ણિમ પરવાનો કહેતાં ગોલ્ડન વિઝા હાઈ-નેટ-વર્થ ઈન્ડિવિજ્યુઅલ્સને કોઈપણ દેશમાં રહેવા, ભણવા, કામ કરવા અને આરોગ્યની સુવિધા માટે આપવામાં આવે છે. તે મેળવનારની હેલ્થ કેર ફેસિલિટી સાથેની કાયદાકીય રૂપમાં સંબંધિત દેશના નાગરિક જેવી સ્થિતિ હોય છે. આ પ્રકારના વિઝા જુદા જુદા દેશોમાં જુદા નામે ઓળખાય છે અને તેની કિંમત પણ જુદી જુદી હોય છે.

    યુએઈમાં હાલમાં ઈન્વેસ્ટર્સ, બિઝનેસપર્સન, આઈટી પ્રોફેશનલ્સ, વૈજ્ઞાનિકો, તેજસ્વી અને પ્રતિભાશાળી વિધ્યાર્થીઓ, કલાકારો, સમાજસેવકો, સંશોધકો, એથ્લિટ્સ,  માટે લાંબા ગાળાના વસવાટના ગોલ્ડન વિઝા ઉપલબ્ધ છે. ભારતીય ચલણમાં રૂ.૬.૭ લાખ  કે ૩૦,૦૦૦ દિરહામની મન્થલી બેઝિક સેલેરી ધરાવતા સ્કીલ્ડ પ્રોફેશનલ્સ, ૪.૫ કરોડની ફિક્સ્ડ બેન્ક ડિપોઝીટ ધરાવતા કે એટલી જ સંપત્તિ ધરાવતા લોકો, ઓછામાં ઓછા રૂ. ૪.૬૭ કરોડનું બિઝનેસ કે રિયલ એસ્ટેટમાં રોકાણ ધરાવનાર વ્યક્તિઓ તથા રૂ. સવા કરોડથી વધુનો પ્રોજેકટ શરૂ કરવા ઈચ્છતા વ્યક્તિઓ પાંચ થી દસ વરસ સંયુક્ત અરબ અમિરાતમાં વસવાટનો સ્વર્ણિમ પરવાનો પ્રાપ્ત કરવાની પાત્રતા ધરાવે છે. યુઈએની ૨૦૨૫ની આશરે ૧.૧૩ કરોડની વસ્તીમાં ૪૦ લાખ ( આશરે ૩૫ટકા ) ભારતીયો છે. ૨૦૨૩માં તેણે ૭૯,૬૧૭ અને ૨૦૨૪માં ૧,૫૮,૦૦૦ ગોલ્ડન વિઝા આપ્યા હતા.તેમાં ૪૦ ટકા રોકાણકારો, ૨૮ ટકા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા લોકો, ૨૨ ટકા ઉધમીઓ અને ૧૦ ટકા સંશોધકો હતા.

    ગોલ્ડન વિઝા પોલિસી ધરાવતો યુએઈ કોઈ પહેલો કે એકમાત્ર દેશ નથી. અમેરિકા, બ્રિટન, ન્યૂઝીલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, કેનેડા, ઈન્ડોનેશિયા, ઈટલી, માલ્ટા, સાઈપ્રસ, ટર્કી, ડોમિનિકા, પોર્ટુગલ,  કોસ્ટારિકા, આયરલેન્ડ,  હંગેરી, લાટવિયા, સર્બિયા  અને બીજા કેટલાક દેશો પણ ખાસ કિમતે ગોલ્ડન વિઝા આપે છે.

    ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા પછી  ટ્રમ્પ ગોલ્ડન કાર્ડ , ગોલ્ડન વિઝા સ્કીમ શરૂ કરી છે. અમીરોને રોકાણના બદલામાં સ્થાયી વસવાટ આપતા અમેરિકાના ગોલ્ડન વિઝાની કિંમત ૪૨ કરોડ રૂપિયા છે. જોકે સિંગાપુરનો સ્વર્ણિમ પરવાનો તેનાથી ય મોંઘો છે. તેની કિંમત રૂ. ૬૨ થી ૩૧૦ કરોડ છે. અન્ય દેશોના જે ઉધ્યોગપતિઓ અને રોકાણકારોને આ વિઝા મળે છે તેઓના બિઝનેસના કદ પ્રમાણે વિઝાની કિંમત નક્કી થાય છે. સ્વિત્ઝરલેન્ડના ગોલ્ડન વિઝા હરાજીથી આપવામાં આવે છે. જે સૌથી વધુ બોલી લગાવે તેને મળે છે. હાલમાં ૪૯૬ લોકો પાસે સ્વિત્ઝરલેન્ડના ગોલ્ડન વિઝા છે. સપ્ટેમ્બર -૨૦૨૨થી ન્યૂઝીલેન્ડે ૨૫ કરોડની કિંમતનો ગોલ્ડન વિઝા શરૂ કર્યો છે. અનિશ્ચિત સમયના આ વિઝા હેઠળ તે મેળવનાર રહી શકે છે, ભણી શકે છે અને ધંધો-વ્યવસાય કરી શકે છે. એકટિવ ઈન્વેસ્ટર પ્લસ વિઝાની આ પોલિસીમાં વ્યક્તિએ નિશ્ચિત રકમનું રોકાણ કરવાનું હોય છે. ૧.૮ થી ૨.૩ કરોડનો કેનેડાનો ગોલ્ડન વિઝા જે વ્યક્તિ કેનેડામાં સ્ટાર્ટ અપ કે બિઝનેસ કરવા માંગે છે તેના માટે છે.

    કોઈ પણ દેશ ગોલ્ડન વિઝા શા માટે આપે? રોકાણને આકર્ષવા, પોતાના દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત કરવા, નવા ઉધ્યોગ-ધંધા સ્થાપવા,  મહેસૂલ અને કરની આવક વધારવા ઉપરાંત પોતાના દેશને જેની જરૂર છે તેવી પ્રતિભાઓ મેળવવા માટે આપે છે. સ્વર્ણિમ પરવાનો મેળવનાર વ્યક્તિનો અર્થવ્યવસ્થા, સંસ્કૃતિ ,  શિક્ષણ અને વ્યાપારમાં યોગદાનનો લાભ મેળવવાનો પણ ઉદ્દેશ રહેલો છે.

    ભારત સહિતના દેશોના જે લોકો ગોલ્ડન વિઝા માટે લાલાયિત છે તેઓના પણ પોતાના કારણો છે. આધુનિક સુખ-સગવડો, બહેતર જીવન શૈલી, વધુ સારું જીવનધોરણ, ઉચ્ચ ગુણવત્તા ધરાવતી  શિક્ષણ અને આરોગ્યની સગવડો, મહાનગરો-નગરોમાં પાયાની સગવડોના અભાવમાંથી મુક્તિ, , અનુકૂળ કરવેરા નીતિ, સરળ રોકાણ, વ્યાપાર માટે બહેતર વાતાવરણ અને વધુ તક જેવા કારણોથી તેઓ સ્વદેશ છોડી વિદેશ વસવા માંગે છે અને તે માટેના પ્રયત્નો કરે છે. દુનિયામાં ગોલ્ડન વિઝા ધારકોની ચોક્કસ સંખ્યા જાણવા મળતી નથી. પરંતુ ૨૦૨૩ના વરસમાં દુનિયાના લગભગ સવા લાખ કરોડપતિઓએ દેશ બદલ્યા છે.

    ભારતમાં  અતિ ધનિક કે અલ્ટ્રા રિચ લોકોની સંખ્યા વધી રહી છે. ૨૦૨૩ના ૨.૮ લાખ  મોટા અમીરો પાંચ વરસ પછી વધીને ૪.૩ લાખ થવાના છે. સ્વર્ણિમ પરવાનો કોઈ સામાન્ય કામદાર કે કારીગર માટે નથી, અમીરો માટે છે. વરસે સરેરાશ પંદર લાખ ભારતીયો તેમની નાગરિકતા છોડી રહ્યા છે અને દર પાંચે એક અમીર ભારતીય વિદેશમાં વસવા માંગે છે. વિદેશ વસવાટના સપનાં જોતાં ભારતીય અમીરો ૩૬ થી ૪૦ વરસના છે કે પછી ૬૧ કરતાં વધુ વરસના છે. એક સર્વે પ્રમાણે ભારતના દોઢસો અલ્ટ્રા રિચ ભારતને બદલે યુએસએ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુએઈમાં સેટલ થવા માંગે છે.તે પૈકીના ચોથા ભાગનાએ તો તેની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.

    જે દેશો સ્વર્ણિમ પરવાનો આપે છે તેઓ અમીરોને કે નાણાને પ્રાધાન્ય આપીને દુનિયામાં આર્થિક અસમાનતા વધારે છે. ગોલ્ડન વિઝાના આદાનપ્રદાન કરનારાના ઉદ્દેશો કંઈ શુધ્ધ જ છે એવું પણ નથી. તેઓ સંપત્તિ અને પ્રતિભા બંનેને હડપી લે છે. મની લોન્ડરિંગ , કરચોરી કે અન્ય ગુનાઓ કરનાર પણ પૈસાના જોરે ગોલ્ડન વિઝા મેળવી દેશ છોડી શકે છે. મેહુલ ચોકસી, નીરવ મોદી અને વિજય માલ્યા જેવાના કેસો તેના નમૂના છે.

    એક દેશનો ધનિક જ્યારે બીજા દેશમાં પૈસાના જોરે નાગરિકતા ખરીદે છે ત્યારે તે મૂળ દેશના નાગરિકોને પણ નુકસાન કરે છે. કેટલાક દેશોએ સ્થાનિક લોકોના રોષ અને તેમની ઘટતી તકોને ધ્યાનમાં રાખીને સ્વર્ણિમ પરવાનાની નીતિ સીમિત કરી છે કે સ્થગિત કરી છે. એટલે ગોલ્ડન વિઝાના ફાયદા-ગેરફાયદા વિચારતી વેળાએ તેના દુરપયોગ અને સ્થાનિક નિવાસીઓના અધિકારો પરની તરાપને નજરઅંદાજ ન કરવી જોઈએ.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • કુછ નહીં કહતે…

    ધિક્કારનાં ગીતો

    ઉન કો યે શિકાયત હૈ કિ હમ કુછ નહીં કહતે…

    દીપક સોલિયા

    વાસ્તવિક જીવનમાં બેવફાઈ ચાહે પુરુષ કરે કે સ્ત્રી, મામલો ઉગ્ર બની શકે. દિલ તૂટે ત્યારે પુરુષ ભાંગફોડ કરે, મારામારી કરે કે ઇવન ખૂન કરવાની કે ચહેરા પર એસિડ ફેંકવાની હદે પણ જઈ શકે. સામે પક્ષે સ્ત્રી પણ પ્રેમીની બેવફાઈ પછી હંમેશાં આંસુ પીને ચૂપચાપ બેસી નથી રહેતી. એ પણ વિફરેલી વાઘણ કે છંછેડાયેલી નાગણનું રૂપ ધરીને અતિ આકરું વર્તન કરી શકે.

    આ થઈ વાસ્તવની વાત, પણ ફિલ્મી ગીતોમાં નારીની પીડા, નારીનો આક્રોશ મોટે ભાગે એકદમ સોફ્ટ અને સુંદર રીતે વ્યક્ત થયો છે. આવા એક ગીતની આપણે વાત કરીઃ જાના થા હમસે દૂર, બહાને બના લિયે. આ ગીત ફિલ્મ અદાલત (૧૯૫૮)નું છે. એ એક જ ફિલ્મમાં પુરુષથી નારાજ સ્ત્રીએ એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, પાંચ-પાંચ ગીતો ગાયાં છે. એમાંની ત્રણ તો ગઝલ છે.

    એક તો આ જઃ જાના થા હમ સે દૂર.

    બીજી, ઉન કો યે શિકાયત હૈ કિ હમ કુછ નહીં કહતે.

    ત્રીજી, યૂં હસરતોં દાગ મહોબ્બત મેં ધો લિયે.

    ત્રણેત્રણ અમર, શાનદાર, અફલાતૂન. આ ઉપરાંત, એક ગીત એવું છે જેમાં બે ગીતો છે. એક વર્ઝન લતાએ ગાયેલું અને બીજું આશાએ. લતાએ ધીમા લયમાં અને આશાએ તેજ લયમાં. એ બન્નેમાં પણ મુદ્દો તો એ જ છેઃ બેવફા પુરુષ સામેની ચીડ. એ ગીત, કહો કે ગીતો શરૂ થાય છે લતાના સ્વરમાં:

    જા જા રે જા સાજના, કાહે સપનોં મેં આએ, જા કે દેસ પરાયે બેવફા
    તુઝ કો ગરઝ ક્યા મેરી વફા સે, જિયું યા મરું મૈં તેરી બલા સે (લતા)

    દિલ તો દિયા થા તુઝે બડે અરમાન સે, પ્યાર લગાયા ભી તો કિસ બેઈમાન સે
    દે હી ગયા જો દગા, સૈયા જા જા જા, જા જા જા સાજના (આશા)

    દો દિન કી પહલે ઝૂઠી ખુશી દી, દર્દ ભરી ફિર યે ઝિંદગી દી (લતા)

    હાથ પકડ બૈઠે ક્યોં ઐસે મીત કા, ઢંગ ના આયે જિસે જરા સા ભી પ્રીત કા
    જાને ના ક્યા હૈ વફા, જા જા જા, જા જા જા સાજના(આશા)

    વાત સ્પષ્ટ રીતે કહેવાઈ છેઃ તું બેવફા છે. તું પરદેશ જતો રહ્યો. હું જીવું કે મરું તને શો ફરક પડે છે. બહુ અરમાનો હતા મને તારા પ્રત્યે, પણ તું બેઈમાન નીકળ્યો. બે દિવસની ખુશી આપીને બદલામાં તું મને આખી જિંદગીનું દુઃખ આપી ગયો. તને પ્રેમની રીત જ નથી આવડતી, તને પ્રેમ શું છે એની ખબર જ નથી.

    ફિલ્મમાં નરગિસ (લતા) કોઠા પર બેઠાંબેઠાં શાંતિથી આ ગાય છે. આ ઉપરાંત પણ બે ગઝલો નરગિસ એ જ કોઠા પર, એ જ રીતે સહેજ ઝુકેલી અવસ્થામાં બેસીને, એ જ ઉદાસ ચહેરા સાથે ગાય છે. આ ત્રણેય ગીતોમાં એ જ સારંગી-તબલાંવાળા સાજિંદાઓ છે. ફિલ્મ બનાવનારની હિંમતને દાદ આપવી પડે કે એક જ હિરોઈનને એક જ મુદ્રામાં એકદમ સ્થિર બેસાડી રાખીને ત્રણ-ત્રણ ગીતો ગવડાવવાં અને છતાં એવો વિશ્વાસ રાખવો કે આ ચાલશે… લોકો ચલાવી લેશે… લોકો વધાવી લેશે…

    એમનો વિશ્વાસ સાચો ઠર્યો. આ વિશ્વાસ પાછળનું એક મહત્ત્વનું પરિબળ છે ગીતો લખનાર રાજેન્દ્ર કૃષ્ણ. આ ફિલ્મમાં રાજેન્દ્ર કૃષ્ણ ફક્ત ગીતકાર જ નહોતા, ફિલ્મનાં પટકથા-સંવાદો પણ એમણે જ લખેલા. સ્વાભાવિક છે કે રાજેન્દ્ર કૃષ્ણને પોતે લખેલા ગીતો પર ભરોસો હતો એટલે એમણે એવી પરવા ન કરી કે એક જ સ્ત્રી એક જ મુદ્રામાં બેસીને ત્રણ ગીતો ગાશે તો લોકો કંટાળશે તો નહીંને!

    આ ફિલ્મનાં મહિલા નિર્માતા મલ્લિકા ક્વાત્રાને પણ ખાત્રી હતી કે ફિલ્મમાં નરગિસજી બેઠાં બેઠાં ગીતો ગાયાં કરશે તો પણ ફિલ્મ કંટાળાજનક બનવાને બદલે ઉલટાની દમદાર બનશે.

    એમનું જજમેન્ટ સાચું હતું. આ ગીતો ફિલ્મની જાન છે, શાન છે. બાકી, એકદમ ફ્રેન્કલી વાત કરીએ તો ફિલ્મ ‘અદાલત’ જૂનવાણી, બીબાંઢાળ અને કંઈક અંશે રેઢિયાળ પણ છે. ફિલ્મમાં હીરો-હિરોઈન સાઈકલ પર ભટકાય, હિરોઈનને મુજરાની દુનિયામાં દોરી જનારી બહેનપણી રસ્તા પર ભટકાઈ જાય, હીરોના પિતાની કાર સાથે હિરોઈન રસ્તા પર અથડાઈ જાય (એવું લાગે જાણે હિરોઈન નિર્મલ એટલે કે નરગિસ ભારે એક્સિડેન્ટ પ્રોન છે). રસ્તા પરનાં આવાં આકસ્મિક અકસ્માતોની ભરમાર ફિલ્મને ‘ફિલ્મી’ બનાવે છે. છતાં, સહેજ ઉદાર ભાવ સાથે આ ફિલ્મ જોઈએ તો તે ખાસ્સી સ્પર્શી શકે તેવી છે અને તેની એ તાકાતનું રહસ્ય છે ગીતો.

    ફિલ્મનાં અનેક ગીતોમાંનું મુખ્ય ગીત છેઃ

    કુછ નહીં કહતે…

    ફિલ્મના અંતિમ દૃશ્યમાં પણ બૅકગ્રાઉન્ડમાં આ ગીત વાગે છેઃ કુછ નહીં કહતે… અને સ્ક્રીન પર બે શબ્દો ચમકે છેઃ ધ એન્ડ.

    આખું ગીત, રાધર ગઝલ, મસ્ત છેઃ

    ઉન કો યે શિકાયત હૈ કે હમ કુછ નહીં કહતે;
    અપની તો યે આદત હૈ કે હમ કુછ નહીં કહતે.

    મજબૂર બહોત કરતા હૈ યે દિલ તો ઝુબાં કો;
    કુછ ઐસી હી હાલત હૈ કે હમ કુછ નહીં કહતે.

    કહને કો બહોત કુછ થા અગર કહને પે આતે;
    દુનિયા કી ઇનાયત હૈ કે હમ કુછ નહીં કહતે.

    કુછ કહને પે તુફાન ઉઠા લેતી હૈ દુનિયા;
    અબ ઇસપે કયામત હૈ કે હમ કુછ નહીં કહતે.
    ઉન કો યે શિકાયત હૈ કે હમ કુછ નહીં કહતે…

    આ ગીત પણ બેઝિકલી પ્રેમીપુરુષ સામેની ફરિયાદનું જ ગીત છે, પણ એમાં કશુંક કહેવા કરતાં ન કહેવા પર ભાર મુકાયો છે. આ બ્યૂટી છે આ ગીતની. પ્રેમીની ટીકા કરવાને બદલે, ભડાસ કાઢવાને બદલે પ્રેમિકા ફક્ત એક જ વાત કહ્યા કરે છે કે છોડો, કુછ નહીં કહતે…

    કંઈ ન કહીને ઘણું બધું કહેતા રાજેન્દ્ર કૃષ્ણાજીના આ ગીતની ચોટ શબ્દોમાં તો છે જ, પરંતુ એ ઉપરાંત ગીતની અસરકારકતાનાં મુખ્ય આધારો છે, લતાજીનો અવાજ અને મદન મોહનજીનું સંગીત.

    આ બધું વાંચવાથી તમે ગીતને પૂરેપૂરું નહીં માણી શકો. એને માણવાની રીત એક જ છેઃ તેને સાંભળવું. તો અત્યારે જ સાંભળો આ ગીત. નેટ પર એ આસાનીથી ઉપલબ્ધ છે. ૮૦ ટકા ખાતરી સાથે કહી શકાય કે આ ગીત તમને ‘ઘાયલ’ કરશે.


    (ક્રમશઃ)


    શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com

  • સત્યની ખોજ માટે પંકાયેલા દેશમાં જ સત્યનો ભય?

    તવારીખની તેજછાયા

     

    પ્રકાશ ન. શાહ

    હમણાં જ ઉમાશંકર જયંતી (૨૧ જુલાઈ) ગઈ. થાય છે, એ નિમિત્તે પચાસ વરસ પરના એમના રાજ્યસભાના વક્તવ્યને જરી સંભારી લઉં.

    કટોકટીની જાહેરાત પછી સંસદ મળી ત્યારે થયેલી ચર્ચા દરમ્યાન એમણે વિચારો વ્યક્ત કરવાની તક ૨૨મી જુલાઈએ ઝડપી હતી. જોગાનુજોગ, ૨૧મીએ જ ચંડીગઢના જેલવાસમાંથી જયપ્રકાશે વડાંપ્રધાન ઈંદિરા ગાંધી જોગ પત્રમાં પોતાની ભૂમિકા દો ટૂક શબ્દોમાં મૂકી હતી. આ પત્ર અને એ વક્તવ્ય બેઉમાં આર્ત પુકાર અને સ્પષ્ટ કથનનું દર્શન થતું હતું. કેમ કે તેઓ ઉપલા ગૃહમાં બોલી રહ્યા હતા, ઉમાશંકરે ગૃહમાંના વડેરાઓનેય વિશેષ રૂપે સંબોધવાની તક ઝડપી હતી, પણ એની વાત ઘડીક રહીને.

    વક્તવ્યના પૂર્વાર્ધમાં એમણે કહ્યું હતું: ‘ભારતમાં ક્યારેય પ્રી-સેન્સરશિપ ઠોકી બેસાડવામાં નથી આવી, અંગ્રેજોના જમાનામાં પણ નહીં. પણ આપણે સત્યથી બીઈએ છીએ. દેશ આખાને આવરી લેતો ભય-આતંકનો આ કાળમુખો ઓછાયો આવે છે ક્યાંથી? … આ છે સત્યનો ભય ને તે એવા દેશમાં કે જે સત્યની ખોજ માટે પંકાયેલો છે. બીજા કશા કરતાં પણ આ બાબતે દુનિયાના દરબારમાં દેશને માથે કાળી ટીલી તાણી છે.’ આ સમ્માન્ય ભવન મારફતે મારે પ્રધાનમંત્રીને વિશેષ રૂપે એ વાત પહોંચાડવી છે કે પંડિત જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રીના જમાનામાં આ દેશ જ્યારે ધૂળ સોતો ગરીબીમાંથી ઊઠવા મથામણ કરી રહ્યો હતો ત્યારે પણ દેશની દુનિયાના દરબારમાં આબરૂ હતી. એનું મસ્તક ઉન્નત હતું. જવાહરલાલે પોતાના પુસ્તક ‘દુનિયાના ઈતિહાસની ઝાંખી’ને અંતે તમામ શુદ લખતી વેળા ટાગોરના નીચેના શબ્દો ટાંક્યા હતા: ‘ચિત્ત જેથા ભયશૂન્ય, ઉચ્ચ જેથા શિર…’- જ્યાં મન ભયથી સર્વથા મુક્ત છે… એવા સ્વર્ગમાં હે પ્રભુ મારા દેશને જાગૃત કર!’

    વક્તવ્યના ઉત્તરાર્ધમાં ઉમાશંકરે ‘એલ્ડર સ્ટેઈટ્સમેન’ને વ્યાસનાં વચનો સંભારી ઠમઠોર્યા હતા: ‘ ન સા સભા યત્ર ન સન્તિ વૃધ્ધા:, ન તે વૃધ્ધા: યે ન વદન્તિ ધર્મમ્.’ ‘- જ્યાં વૃદ્ધો ન હોય તે સભા નથી અને ખરી વાત- ધર્મની વાત ન બોલે તે વૃદ્ધો નથી. હું પૂછું છું કે ભારતની લોકશાહી માટે તમે શું કર્યું? તમે પ્રધાનમંત્રી પાસે ગયા છો ને એમને કહ્યું છે કે અમારું જે થવાનું હોય એ થાય, પણ અમારા આ વિચારો દૃઢ છે…’ ‘શાસક પક્ષને અને એમના નેતાને મારી એક જ અપીલ છે: આ લોકતંત્રીય પ્રથમ પ્રજાસત્તાક (ફર્સ્ટ રીપબ્લિક) ઉપર પરદો પાડી દેવાની ઉતાવળ રખે કરી બેસતા!’

    રાજ્યસભામાં અપાયેલા આ અંગ્રેજી વક્તવ્યનો ચુનીભાઈ વૈદ્યે કરેલો ગુજરાતી અનુવાદ ત્યારે ‘ભૂમિપુત્ર’માં પ્રગટ થયો હતો અને ‘સમયરંગ’ (૧૯૭૮)માં તે સહેજસાજ સુધારા સાથે ઉમાશંકર જોશીએ સમાવ્યો હતો. ઉમાશંકર અને બીજા બચ્યાખૂચ્યા ગૃહમાં અવાજ ઉઠાવી રહ્યા હશે એ જ દિવસોમાં, ૨૧મી જુલાઈએ જયપ્રકાશે વડાંપ્રધાન ઈંદિરા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો. (ચંડીગઢના આ મિસાબંદી વિશે, પાછળથી, નવેમ્બર ૧૯૭૫માં ઉમાશંકરે ‘સંસ્કૃતિ’માં લખ્યું હતું: ‘શ્રી જયપ્રકાશને શું જોઈએ છે? કોઈ પણ પદ માટે એમણે જીવનભરની અનિચ્છા પ્રગટ કરેલી છે. ભ્રષ્ટાચાર હદ વટાવી ગયો ત્યારે એ પરાણે બહાર આવ્યા. લોકોનું કંઈક કરવા અને ભ્રષ્ટાચાર ટાળવા માટે એમને આકાશ પણ જોવા ન મળે એ રીતે પૂરી દેવાની જરૂર હતી? બુદ્ધ અને મહાવીરની ભૂમિમાંથી પ્રગટેલા આ નિ:સ્પૃહ કરુણાસંપન્ન મહાનુભાવનું સ્વાસ્થ્ય જલદી સુધરે તે માટે પ્રાર્થના કરીએ.’)

    હવે થોડું, જયપ્રકાશના ૨૧મી જુલાઈના પત્રમાંથી. સામાન્યપણે ‘પ્રિય ઈન્દુ’ને લખાતો પત્ર ‘પ્રિય વડાપ્રધાન’ને સંબોધીને લખાયો છે: ‘તમારી વાતચીત અને વક્તવ્યોના હેવાલો અખબારોમાં જોઈ મનને આઘાત પહોંચે છે…’ ‘તમે જે વાત સતત રટ્યાં કરો છો તેનું ધ્રુવપદ મારા જાણવા પ્રમાણે આ છે કે સરકારને ખોટકાવી નાંખવા માટે એક કાવતરું ઘડાયું હતું… વાત વાતમાં તમે બીજાં પણ કેટલાંક સૂત્રો ફંગોળતાં રહ્યાં છો. દા.ત. લોકશાહી કરતાં રાષ્ટ્ર વધારે મહત્ત્વનું છે…’ ના જી. વડાંપ્રધાન, સરકારને ખોટકાવી નાખવાની કોઈ યોજના નહોતી… તા. ૨૫મી જૂને… મારા ભાષણનો જે મુખ્ય સૂર હતો… એ યોજના પ્રમાણે, તમારા કેસનો ચુકાદો આવી જાય ત્યાં સુધીને માટે તમારે પદાધિકાર છોડી દેવો. એની માગણીના ટેકામાં તમારા નિવાસસ્થાનની સામે રોજ કેટલાક લોકો સત્યાગ્રહ કરવાના હતા… અને તે પણ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવતા સુધી જ… બીજા બધા જ માર્ગો બંધ થઈ જાય તો તેવા સંજોગોમાં નાગરિક પાસે સવિનય કાનૂનભંગનો અવિચ્છેદ અધિકાર રહે છે. અને કહેવાની જરૂર નથી કે એમ કરવા જતાં સત્યાગ્રહી કાયદેસરની શિક્ષાને જાણી જોઈને પોતા પર નોતરે છે અને સ્વીકારે છે… ‘… તમે જાણો છો કે હું તો પાકેલું પાન છું… ભણતર પૂરું થયા બાદ મેં મારું સમગ્ર જીવન કશા પણ બદલાની આશા વગર રાષ્ટ્રને ચરણે ધર્યું છે. એટલે હવે તમારા રાજછત્રમાં એક કેદી તરીકે મરીશ તોયે મને સંતોષ છે.’ ‘આવા એક જણની સલાહ કાને ધરશો? આ રાષ્ટ્રના પિતાએ તથા સાથે તમારા મહાન પિતાએ પણ જે પાયાઓ નાખ્યા છે એનો નાશ ન કરશો…


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૩ – ૦૭– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • ‘બાઈ’ : ‘મારી જીવનકથા’ : સબસે ઊંચી…

    વિમલાતાઈ

    ફરી સૌરાષ્ટ્ર ભણી થી આગળ

    લલિતાબાઈ નરેનની ઘણી કાળજી લેતાં હતાં. તેમણે નરેનને એસ.એસ.સી. સુધી ભણાવવાની જવાબદારી લીધી, તેથી તેને અમદાવાદ મૂકી હું મારી દીકરીઓ – મીના, સુધા અને જયુને લઈ ભાવનગર પહોંચી. ત્યાં માણેકવાડી સ્ટેશનની નજીક માસિક રૂ.૪ના ભાડા પર જગ્યા લીધી. એક રૂમ, બાથરૂમ અને મોટી ઓસરીની જગ્યાનું મકાન સારું હવાઉજાસવાળું હતું.

    ભાવનગર પહોંચતાં જ મેં મકાન લેવા માટે રોજ ધક્કા ખાવાનું શરૂ કર્યું. મકાનમાલિક મુંબઈ રહેતા હતા, પણ તેમનો કારકુન તેમનો સ્થાનિક વહીવટ જોતો હતો. એક દિવસ તેણે કહ્યું, “આ બંગલો લેવો હોય તો હવે તમારે સાડા પાંચ  હજાર આપવા પડશે.’

    મેં તો મારું સર્વસ્વ વેચીને પાંચ હજાર ઊભા કર્યા હતા. હવે આ વધારાના પાંચસો ક્યાંથી લાવું? હું પાછી અમદાવાદ ગઈ અને બધા આગળ વિનંતી કરી કે કોઈ પણ હિસાબે પાંચસો રૂપિયાનું કરજ આપો. પણ મને કોણ આટલી રકમ આપે? મારા સગા બનેવી, જેઓ પોલીસઅધિકારી હતા, તેમણે પણ મદદ કરવા ઇન્કાર કર્યો, તો બીજાં કયાં સગાં મને મદદ કરે?

    હું ફરીથી મકાનમાલિકના કારકુન પાસે ગઈ અને તેને વિનવણી કરી કે કોઈ પણ હિસાબે આ મકાન મને આપો. બાકીના પાંચસો રૂપિયા હું તેમને મકાનના ભાડામાંથી નિયમિત હપતો બાંધીને ભરપાઈ કરી આપીશ. પરંતુ મારું દુર્દેવ એવું કે મારી વિનંતીનું કશું પરિણામ આવ્યું નહિ. મારી વાત ચાલતી હતી તેવામાં રાતોરાત પેલા કારકુને આ બંગલો એક સિંધી નિર્વાસિતને સાડા સાત હજારમાં વેચી નાખ્યો! તે વખતે પાકિસ્તાનમાંથી હજારોની સંખ્યામાં સિંધી નિર્વાસિત સૌરાષ્ટ્રમાં આવ્યા હતા અને મોં માગી રકમ આપીને તેઓ મકાન, જમીન ખરીદી લેતા હતા. મકાનોની કિંમત એટલી વધી ગઈ કે મારે હવે ભાડાના મકાનમાં રહેવાનો વારો આવ્યો. ખેર, જેવાં જેનાં નસીબ! જે આવ્યું તે સ્વીકારીને મેં મારી ત્રણે દીકરીઓને નિશાળમાં દાખલ કરાવી અને દિવસ વ્યતીત કરવા લાગી.

    અમારા પરિવારના બે નંબરના દીકરા રવિને ટી.બી. થયો હતો, તેની તબિયત સુધરતી નહોતી. તેને ખાસ સારવાર લેવા માટે મીરજની નજીક વાનલેસવાડીમાં એક અંગ્રેજ ડૉકટર હોસ્પિટલ ચલાવતા હતા, ત્યાં જગ્યા મળી. તેણે મને પત્ર લખ્યો, “ગમે તેમ કરીને પણ મને બે હજાર રૂપિયા ઉછીના આપો તો હું રોગમુક્ત થઈ શકીશ. સાજો થતાં તમને પૈસા પાછા આપવા હું બંધાયેલો રહીશ, અને તે અંગે જોઈએ તો હું તમને દસ્તાવેજ કરી આપીશ.’ સમય સમયની વાત છે. રવિના આવા કપરા સમયમાં મારે મદદ કરવી જ જોઈએ તેવું મને લાગ્યું. આમ જોવા જઈએ. તો રવિ પણ મારો જ દીકરો છે. તે સાજો થતો હોય તો ગમે ત્યારે મને મારા પૈસા પાછા આપશે. મેં બીજો કશો વિચાર કર્યા વગર તેને બે હજાર રૂપિયા મોકલી આપ્યા અને તે મીરજ ગયો.

    ભાવનગર આવ્યા બાદ મને અમદાવાદથી અમારા ભાગનાં ભાડાનાં દર મહિને ૩૬ રૂપિયા આવતા હતા. આટલી નાની રકમમાં મારું ઘર ચાલતું નહોતું,  તેથી બેન્કમાંથી મારે થોડી થોડી રકમ ઉપાડવી પડતી હતી. આમ મારા દિવસ વ્યતીત થતા હતા. ઉનાળાની રજામાં નરેન ભાવનગર આવતો, અને રજા પૂરી થતાં વીલા મોઢે તે અમદાવાદ પાછો જતો. તે એટલો સમજુ દીકરો હતો કે તેને ગમે એટલી તકલીફ થાય, ત્રાસ થાય તો પણ મને કદી કહેતો નહિ. આમ કરતાં કરતાં તે પોતાની હોશિયારીથી ભણવામાં આગળ આવતો ગયો.

    આમ દિવસ ચાલતા હતા, ત્યાં મારા ફોજદાર બનેવીની બીજા ગામમાં બદલી થઈ. ઉતાવળે તેઓ મારી પાસે આવ્યા અને પાંચસો રૂપિયા ઉધાર માગ્યા. મને કહ્યું કે એક મહિનાની અંદર ગમે તેમ કરીને આ પૈસા પાછા આપી દઈશ…

    મારો સ્વભાવ ભોળો હતો. મારી સગી નાની બહેનના પતિએ આ રીતે વિનંતી કરી હતી તેથી મેં કશો વિચાર કર્યા વગર તેમને આ રકમ આપી દીધી. એ પણ વિચાર ન કર્યો કે મારે મકાન લેવા માટે આટલી જ રકમ જોઈતી હતી ત્યારે મને મદદ કરવા કોઈ જ આવ્યું નહોતું. મારા આ જ બનેવીએ. મને કરજ તરીકે પણ પૈસા આપવાની ચોખ્ખી ના પાડી હતી, અને પાંચસો રૂપિયા ખાતર મારે બંગલો ગુમાવવો પડયો હતો. અમારો દીકરો રવિ હજી મીરજમાં સારવાર લેતો હતો, અને તેની પાસેના પૈસા ખૂટી ગયા. તેણે મારી પાસેથી વધુ એક હજાર રૂપિયા માગ્યા. મને રવિ પર પૂરો વિશ્વાસ હતો, કેમ કે ગમે તેમ તોય આખરે તે મારો જ પુત્ર હતો. મેં તેને તરત જ આ રકમ મોકલી આપી.

    અહીં મારી પાસે થોડીક મૂડી રહી હતી તેના પર મારા બનેવીની નજર હતી જ. તેઓ મારી પાસે ફરીથી આવ્યા અને આર્જવતાથી વિનંતી કરીને આબરૂ બચાવવા માટે પૈસાની જરૂર છે કહી બીજા પાંચસો રૂપિયા માગ્યા. આવી સ્થિતિમાં હું તેમને કેવી રીતે ના કહી શકું? મેં તેમને ફરીથી જોઈતી રકમ આપી. આ લોકો કોણ જાણે કઈ માટીના ઘડાયેલા હતા ભગવાન જાણે. એક દિવસ મારા બનેવીના મોટા ભાઈ મને મળવા આવ્યા અને કહેવા લાગ્યા, “અમને પૈસાની સખત અડચણ આવી છે તો બસો રૂપિયા આપો. અને જુઓ, આ વાત કોઈને – તમારા બનેવીને પણ ના કરશો. જો પૈસા નહિ આપો તો જોયા જેવી થશે.’ મેં તેમને ડરના માર્યા પૈસા આપ્યા. જતાં પહેલાં કહે, “જુઓ લીલાબહેન, આ વાતની કોઈને ખબર પડશે તો મારી એટલી લાગવગ અને પહોંચ છે કે આ તમારું આ ભાડાનું મકાન ખાલી કરાવીને રસ્તા પર ઊભાં કરાવી દઈશ.’

    જુઓ તો માણસની નિમ્નતાનો નમૂનો! એક તો તેને પૈસાની ગરજ પણ હતી અને ઉપરથી દમદાટી આપતો હતો. હું તો એકલી સ્ત્રી હતી અને કોઈનો આધાર ન હતો. તેથી તેની ધમકીથી હું ડરી ગઈ અને તરત પૈસા કાઢી આપ્યા.

    આવા ખરાબ માણસનું તો મોઢું પણ જોવાની ઇચ્છા ન થાય. આમ કરતાં કરતાં મારા બધા પૈસા ખલાસ થઈ ગયા. નાણાંની તંગીથી હું તો ત્રાસી ગઈ હતી. બેહદ તકલીફ થવા લાગી. તેવામાં મારા બનેવીની ફરીથી બદલી થઈ અને આ વખતે મારી પાસે પૈસા ન હોવાથી તેઓ તેમનો સમગ્ર પરિવાર મારે ઘેર મૂકી ગયા! વળી તેમનો પરિવાર કાંઈ નાનો નહોતો: દમુ, તેની મોટી દીકરી અને ઘરજમાઈ, દમુનો મારા નરેન જેવડો મોટો દીકરો અને મીના જેવડી દીકરી, દમુની વિધવા જેઠાણી અને તેમની એક મોટી દીકરી અને એક દીકરો – આવો વિસ્તૃત પરિવાર મારે ત્યાં આવી પડયો. મારા બનેવીએ કહ્યું, “મને ક્વાર્ટર મળે ત્યાં સુધી જ આ બધાં તમારે ત્યાં રહેશે.’ તેમના ખર્ચ માટે તેમણે કે દમુએ મને એક પાઈ પણ આપી નહિ. હું તો એવી બેજાર થઈ ગઈ કે ન પૂછો વાત. થયું, મારે સૌરાષ્ટ્ર આવવું જોઈતું નહોતું. જે આવે તે મને છેતરવા જ માગતું હતું. હાલત એવી આવી પહોંચી કે મારે હવે ઘરનાં નાનાંમોટાં વાસણ પણ વેચવા પડયાં. આખરે મારા બનેવીને સરકારી રહેઠાણ મળ્યું અને તેઓ સહકુટુંબ, સહપરિવાર રવાનાથયા. હા, જતી વખતે “આવજો’ કહેતા ગયા.


    ક્રમશઃ


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com
  • મોંઘવારીનો જગત પર..

    વ્યંગ્ય કવન

    નિસાર અહમદ ‘શેખચલ્લી’

    મોંઘવારીનો જગત પર એવો ભરડો થઈ ગયો,
    કૈક કાબરચીતરો લોકોનો બરડો થઈ ગયો !

    રૂપ પર આવી જવાની, પ્રેમ ઘરડો થઈ ગયો,
    કાળના હાથેય આ કેવો છબરડો થઈ ગયો !

    નિતનવી એક યોજનાનો પેશ ખરડો થઈ ગયો,
    દેશ જાણે યોજનાઓનો ઉકરડો થઈ ગયો !

    રેશનિંગના અન્નની ઉલ્ટી અસર થઈ પ્રેમ પર,
    ચૂંક મજનૂને થઈ, લૈલાને મરડો થઈ ગયો !

    અમને આ રીતેય ઓળખશે ઘણા ગુજરાતીઓ,
    ‘શેખચલ્લી’ નામનો એક માસ્તરડો થઈ ગયો !

  • વાદ્યવિશેષ (૩૩) ફૂંકવાદ્યો (૯) – બીન (પૂંગી)

    ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

    પૂંગી અથવા બીન એક એવું લોકવાદ્ય છે કે જેનાથી જૂની પેઢીના લોકોમાંથી ભાગ્યે જ કોઈ અજાણ હોય. અત્યારના સમયમાં લગભગ લુપ્તપ્રાય થવાના આરે આવેલા મદારીઓ એક સમયે ગામના કોઈ પણ ખૂણે ડેરો જમાવી,સાથે રાખેલા કરંડીયામાંથી સાપને બહાર કાઢી,તેની સામે આ દેશી વાદ્ય વગાડી અને લોકોનું ટોળું ભેગું કરતા,જેમાં અલગઅલગ વયનાં બાળકો અને સ્ત્રી-પુરુષો  સામેલ થતાં. તેમાંનાં કેટલાંયે એવું સમજતાં કે સાપ બીનના સ્વરોથી ડોલી રહ્યો છે! હકીકતે સાપ મદારીની શારીરિક ચેષ્ટાઓના પ્રતિસાદરૂપે ડોલતો હોય છે,બીનના સ્વરો સાંભળવા માટે તેની પાસે કર્ણેન્દ્રીય હોતી જ નથી. ખેર,આપણે આ વાદ્ય ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરીએ. ઊલ્લેખનીય છે કે આ વાદ્ય મોરલી અથવા મહુવર તરીકે પણ ઓળખાય છે.

    ઉપરની છબીમાં જોઈ શકાય છે તેમ બીનની રચનામાં વાંસની બનેલી એક ભૂંગળી નાળીયેરની કાચલી વડે બનેલી એક કોટરમાં ખુલે છે. વાદક તેમાં ફૂંક મારી,હવા દાખલ કરે છે. કોટરના બીજા છેડે પ્રમાણામાં પાતળી એવી વાંસની બે ભૂંગળીઓ લગાડેલી જોવા મળે છે. આ નળીઓમાં હવાપટ્ટીઓ હોય છે,જેથી બહાર નીકળતી હવા ચોક્કસ સ્વર ઉત્પન્ન કરે છે. તેમાંની એકમાં યોગ્ય અંતરે છીદ્રો પાડેલાં હોય છે,જેના વડે સ્વરોને નિયંત્રીત કરી શકાય છે. અન્ય નળીમાં છીદ્રો નથી હોતાં,પરિણામે તેમાંથી કોઈ એક ચોક્કસ સ્વર સતત નિષ્પન્ન થતો રહે છે. આ બે ભૂંગળીઓ અનુક્રમે ચેન્ટર અને ડ્રોન તરીકે ઓળખાય છે. મદારીના વાદ્ય તરીકે વધુ જાણીતા બીનના સ્વરો એક એવી ક્લીપ વડે સાંભળીએ,જેમાં એક મદારી સાપ સામે બીન વગાડે છે.

    https://www.youtube.com/shorts/Qv0ivfeVN2A

    જેના વાદ્યવૃંદમાં બીનનો સમાવેશ થયો હોય એવાં કેટલાંક હિન્દી ફિલ્મી ગીતો સાંભળીએ એ પહેલાં એની વાસ્તવિકતા સમજી લઈએ. બીનમાં એટલું સૂરવૈવિધ્ય હોતું નથી કે તેનો ફિલ્મી વાદ્યવૃંદમાં ઉપયોગ થઈ શકે. આથી ફિલ્મી ગીતોમાં જે બીન સાંભળવા મળે છે એ હકિકતમાં તેના સૂરનો આભાસ હોય છે. આ આભાસ મોટા ભાગે ક્લેવાયોલીન (ક્લેવિયોલીન) અને ક્યારેક ટ્રાન્સીકોર્ડ જેવાં ઈલેક્ટ્રોનીક વાદ્યો દ્વારા ઉભો કરવામાં આવે છે.

    ક્લેવાયોલીન

    હિન્દી ફિલ્મોમાં બીનનું સંગીત પ્રચલિત કારવાનું શ્રેય ફિલ્મ નાગીન (૧૯૫૪)ને જાય છે,પણ તેની પહેલાંની બે ફિલ્મોનો ઉલ્લેખ જરૂરી છે. ૧૯૫૦ની ફિલ્મ દાસ્તાનના કોઈ ગીતમાં નહીં પણ એક ખુબ જ જાણીતા બની ગયેલા નૃત્યસંગીતમાં બીનના સ્વરોનો ઉપયોગ થયો હતો. સંગીતકાર હતા  નૌશાદ. અહીં બીનનો અવાજ સહેજ અલગ પડે છે. શક્ય છે કે કોઈ ઈલેક્ટ્રોનીક વાદ્યવાદ્ય પર તે અંશો વગાડવામાં આવ્યા હોય. તે સંગીત માણીએ.

    https://www.youtube.com/watch?v=5XoJzP9LFMI&list=RD5XoJzP9LFMI&start_radio=1

    આ સંગીત એટલું લોકપ્રિય થયેલું કે રેડીઓ સિલોન પર રોજ સવારે આઠ વાગ્યે પ્રસારિત થતા લોકપ્રિય કાર્યક્રમ ‘આપ કી ફરમાઈશ’ફરમાઈશ’ની સિગ્નેચર ટ્યુન તરીકે તે વપરાતું અને વર્ષો સુધી સંભળાતું રહ્યું.

    એ હકિકત તો સૌ કોઈ જાણે છે કે ફિલ્મ નાગીન (૧૯૫૪)ના સંગીતકાર હેમંતકુમાર હતા અને તેમના સહાયક હતા રવિ,પણ તેના ગીત ‘તન ડોલે મેરા મન ડોલે’માં વાગેલા બીનના સ્વરો વગાડનાર હતા પછીથી સ્વતંત્ર સંગીતકાર તરીકે  જાણીતા થયેલા સંગીતકાર કલ્યાણજી વીરજી શાહ.

    એક એવી ગેરસમજ છે કે આ ગીત માટે કલ્યાણજીએ બીનનો સૌપ્રથમ વાર ઉપયોગ કર્યો. પણ હકિકત એ છે કે તેના એક વર્ષ પહેલાં એટલે કે ૧૯૫૩માં રજૂઆત પામેલી ફિલ્મ નાગપંચમીના ગીત ‘ઓ નાગ કહીં જા બસીયો રે’ના વાદ્યવૃંદમાં તેમણે આ વાદ્ય વગાડેલું. આ ગીત અહીં સાંભળી શકાશે. સંગીતકાર હતા ચિત્રગુપ્ત.

    https://www.youtube.com/watch?v=4_RF2uQYRBc&list=RD4_RF2uQYRBc&start_radio=1

    ફિલ્મ નાગીન(૧૯૫૪)નું ગીત ‘તન ડોલે મેરા મન ડોલે’સાંભળીએ. રસપ્રદ બાબત એ છે કે આ ગીતના વાદ્યવૃંદમાં સંભળાતા સ્વરો બીનના નથી! કલ્યાણજીએ તે ટૂકડાઓ ક્લેવાયોલીન પર વગાડ્યા છે. ખેર,સ્વરો બરાબર બીનના હોય તેમ જ લાગે છે.

    https://www.youtube.com/watch?v=sGye2s2sIuk&list=RDsGye2s2sIuk&start_radio=1

    ફિલ્મ સતી અનસૂયા (૧૯૫૬) માટે શિવરામ નામના પ્રમાણમાં અજાણ્યા સંગીતકારે ગીતો તૈયાર કર્યાં હતાં. આ ફિલ્મના ગીત ‘નાગદેવતા હો’ના વાદ્યવૃંદમાં બીનના સ્વરો સાંભળી શકાય છે.

    https://www.youtube.com/watch?v=NjGTIJ9MyLg&list=RDNjGTIJ9MyLg&start_radio=1

    ૧૯૫૭ની ફિલ્મ નાગપદ્મીનીના ગીત ‘સપેરા બીન બજાયે ગયો’ના વાદ્યવૃંદમાં બીનના પ્રભાવક અંશો કાને પડતા રહે છે. એકદમ અલ્પખ્યાત એવા સન્મુખબાબુ નામના સ્વરકારે સંગીત તૈયાર કર્યું છે.

    https://www.youtube.com/watch?v=s2e_ng49mWY&list=RDs2e_ng49mWY&start_radio=1

    ફિલ્મ ફાગુન(૧૯૫૮)નું ઓ.પી.નૈયરના નિર્દેશનમાં તૈયાર થયેલું અને બીનના અંશોથી સજાવાયેલું ગીત  ‘એક પરદેસી મેરા દિલ લે ગયા’આજે પણ ખુબ જ લોકપ્રિય છે.

    https://www.youtube.com/watch?v=2lWGSMlmm6E&list=RD2lWGSMlmm6E&start_radio=1

    ફિલ્મ ગેસ્ટ હાઉસ (૧૯૫૯) માટે સંગીતકાર ચિત્રગુપ્તે ગીતો તૈયાર કર્યાં હતાં. તેના ગીત ‘તેરા જાદૂ ના ચલેગા ઓ સપેરે’ના વાદ્યવૃંદમાં બીનના સ્વરો આસાનીથી પારખી શકાય છે.

    https://www.youtube.com/watch?v=TQKDYHT27I4&list=RDTQKDYHT27I4&start_radio=1

    ૧૯૫૯ની જ ફિલ્મ દો ઉસ્તાદનું એક બીનપ્રધાન ગીત ‘તેરે દિલ કા મકાન’સાંભળીએ. સંગીત ઓ.પી. નૈયરનું છે.

    https://www.youtube.com/watch?v=qduPNtCA0WY&list=RDqduPNtCA0WY&start_radio=1

    ૧૯૫૯ની સાલની વધુ એક ફિલ્મ કવિ કાલીદાસ માટે એસ.એન.ત્રિપાઠીએ સંગીત તૈયાર કર્યું હતું. તેનું ગીત ‘દૂર દેસ સે કોઈ સપેરા આયા’સાંભળતાં જણાઈ આવે છે કે તેમાં બીનના ખાસ્સા પ્રભાવક અંશો છે.

    https://www.youtube.com/watch?v=YAa_QBn2vVo&list=RDYAa_QBn2vVo&start_radio=1

    ફિલ્મ નાચે નાગીન બાજે બીન (૧૯૬૦)નું ગીત ‘મૈં હૂં ગોરી નાગીન’માણીએ. સ્વરનિયોજન ચિત્રગુપ્તનું છે.

    https://www.youtube.com/watch?v=l2Y_XP39UHs&list=RDl2Y_XP39UHs&start_radio=1

    ૧૯૬૩માં રજૂ થયેલી ફિલ્મ સુનહરી નાગીનના ગીત ‘બીન ના બજાના યે દેખેગા જમાના’ના વાદ્યવૃંદમાં બીનના અંશો સ્પષ્ટ સાંભળી શકાય છે. સંગીત કલાણજી વીરજી શાહ(પછીથી કલ્યાણજી-આણંદજી બેલડી તરીકે પ્રખ્યાત થયા)નું છે.

    https://www.youtube.com/watch?v=h9j0-rmeTIE&list=RDh9j0-rmeTIE&start_radio=1

    ફિલ્મ ઈશારા (૧૯૬૪)નું એક ગીત ‘હો અબ્દુલ્લા નાગીનવાલા આ ગયા’ સાંભળીએ. સંગીત કલ્યાણજી વીરજી શાહનું છે.

    https://www.youtube.com/watch?v=s3RKXWIugN0&list=RDs3RKXWIugN0&start_radio=1

    શંકર-જયકિશનના નિર્દેશનમાં તૈયાર થયેલાં ૧૯૬૮ની ફિલ્મ શિકારનાં ગીતો ખાસ્સાં લોકપ્રિય થયાં હતાં. તે પૈકીનું બીનના અંશોથી સજેલું એક ગીત ‘પરદે મેં રહેને દો’માણીએ.

    https://www.youtube.com/watch?v=-PMyhpzlsS0&list=RD-PMyhpzlsS0&start_radio=1

    ૧૯૬૯ના વર્ષમાં પરદા પર રજૂ થયેલી ફિલ્મ નયી ઝીંદગીનું ગીત ‘બીખરી હૈ લટેં નાગીન કી તરહ’ બીનના કર્ણપ્રિય ટૂકડાઓથી ભરેલું છે. સંગીત ચિત્રગુપ્તનું છે.

    આ કડીમાં છેલ્લે ૧૯૮૬ની ફિલ્મ નગીનાનું લક્ષ્મીકાંત-પ્યારેલાલના સંગીતનિર્દેશનમાં બનેલું ગીત ‘મૈં તેરી દુશ્મન દુશ્મન તૂ મેરા’સાંભળીએ. આ ગીતના વાદ્યવૃંદમાં પણ બીનના અંશો ખાસ્સા પ્રભાવક જણાઈ આવે છે.

    પ્રસ્તુત કડીમાં સમાવિષ્ટ ગીતો સાંભળતાં લાગે કે આ વાદ્ય બીન અને સાપ વચ્ચે કોઈ અતૂટ સંબંધ હશે. આ એક સંપૂર્ણ ભ્રામક ખ્યાલ છે,જે લોકમાનસમાં ઘર કરી ગયો છે અને અંધશ્રદ્ધાની ચરમસીમાએ પહોંચીને બેઠો છે. આવા તદ્દન બિનવૈજ્ઞાનિક ખ્યાલથી અળગા રહી,આ ગીતોમાં સમાવિષ્ટ વાદ્ય બીન/પૂંગી/મહુવરને માત્ર અને માત્ર એક લોકવાદ્ય તરીકે જ માણવા અનુરોધ છે. સાથે એ પણ યાદ રાખવું જરૂરી છે કે આ સ્વરો અસલ બીનના નથી, પણ તેનો કોઈ અન્ય વાદ્ય થકી ઉભો કરાયેલો આભાસ છે.

    નોંધ :

    ૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

  • ફિલ્મી ગઝલો – ૧૧૩. પ્રકાશ

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    પ્રકાશ નામના ગીતકાર ૧૯૫૦ ના દાયકામાં થઈ ગયા. ‘ ગૂંજ ‘ અને ‘ રાગરંગ ‘ નામની ૧૯૫૨ ની બે ફિલ્મોમાં એક એક ગીત લખનાર પ્રકાશ બક્ષી નામના ગીતકાર પણ આ જ ગાળામાં થઈ ગયા. આ બન્ને એક જ વ્યક્તિ છે કે અલગ અલગ એનું કોઈ સૂત્ર મળતું નથી.

    પ્રકાશ નામધારી ગીતકારે રૂપકહાની, તિતલી, પહલા આદમી, છોટા ભાઈ, મંઝૂર, ડોલતી નૈયા અને માંગ જેવી ફિલ્મોમાં વીસેક ગીતો લખેલા. અન્ય અનેકની જેમ એમના વિષે પણ બીજી માહિતી મળતી નથી.

    એમની લખેલી એક ગઝલ આ રહી. આ ગઝલ પણ બે સ્ત્રી અવાજોમાં સવાલ જવાબ રૂપે છે –

    ન જાને આજ ક્યોં ગભરા રહી હો
    નઝર કુછ બહકી બહકી આ રહી હો

    જો દિલ મેં હૈ વહી બતલા રહી હો
    હમેં બાતોં સે ક્યોં બહલા રહી હો

    તુમ્હારી બાત ઔર ઈલ્ઝામ હમ પર
    યે ક્યોં મુજરિમ હમેં ઠહરા રહી હો

    જરા આંખેં મિલાઓ ફિર મૈં જાનું
    નઝર ક્યોં તુમ ચુરાએ જા રહી હો

    છુપાએ ના બની જબ બાત આખિર
    તો અપને દિલ કો યું સમજા રહી હો

    જરા દેખો તો દિલ કે આઈને મેં
    યે મૈં હું યા કે તુમ શરમા રહી હો..

    લતા મંગેશકર, ઉમા દેવી
    માંગ (૧૯૫૦)
    ગુલામ મોહમ્મદ

     


    ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com  વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.